Wednesday, October 30, 2019

પ્રકાશનું પૂંજ વેદનાની ટનલમાંથી પસાર થાય છે...

દિવ્ય ભાસ્કર – ઉત્સવ – દિવાળી અંક – ઓક્ટોબર 2019
કાળમીંઢ દુખનો, કોઈ પણ પરિસ્થિતિનો, ઇવન પોતાનું ભયંકર અહિત કરનાર દુશ્મનનો પણ સાચા દિલથી સ્વીકાર કરવો શક્ય છે? જવાબ છે, હા, શક્ય છે.

જીવન પર ભયાનક પ્રહાર થાય, વર્તમાન થીજી જાય, અતીત ચુંથાઈ જાય અને ભવિષ્ય તરફ આગળ વધતા રસ્તા પર કાળમીંઢ દીવાલ ખડી થઈ જાય ત્યારે તમારે શું કરવું જોઈએ? તમે નાની અમથી ભુલ પણ ન કરી હોય, તમે શત પ્રતિશત નિર્દોષ છો એવું તમારો દુશ્મન ખુદ સ્વીકારતો હોય ને છતાંય જિંદગી તમને ભયંકર સજા ફટકારી દે ત્યારે તમારે કેવાં પગલાં ભરવાં જોઈએ?  
સંભવતઃ આ સવાલના જવાબ જિંદગી સ્વયં તમને વહેલીમોડી આપી દેતી હોય છે. આજે એક એવી અદભુત ડોક્યુમેન્ટરી ફિલ્મની વાત કરવી છે જેમાં આ પ્રશ્નનો ઉત્તર કેવળ એક જ શબ્દમાં આવી દેવાયો છે. તે છે, સ્વીકાર. સ્વીકૃતિ. પરિસ્થિતિ જે છે, જેવી છે એવી અપનાવી લેવી.
-અને આ એક શબ્દની પીઠ પર એક ભાવ સજ્જડ બેઠો છે. તે છે, ક્ષમાભાવ.  
સ્વાતિ ચક્રવર્તી ભટકળે ડિરેક્ટ કરેલી અને આમિર ખાનના બેનરે પ્રોડ્યુસ કરેલી 108 મિનિટની આ ફિલ્મમાં ત્રણ અલગ અલગ કહાણી વણાયેલી છે. સાવ સાચુકલી, પ્રેક્ષકને અંદરથી હલાવી દે એવી બળકટ કહાણીઓ. ફિલ્મ હિન્દી, અંગ્રેજી ઉપરાંત કુલ સાત ભારતીય ભાષાઓમાં ડિજિટલ પ્લૅટફૉર્મ હોટસ્ટાર અને નેટફ્લિક્સ પર ઓનલાઇન ઉપલબ્ધ છે. શું છે આ કથાઓમાં?                                      
                                              0 0 0
Avantika Makan Tanvar 

રા કલ્પના કરો કે કોઈ માણસ ગન લઈને તમારા પિતાજીની પાછળ દોડે છે. એનો એક જ ઉદેશ છે, તમારા પિતાજીને ખતમ કરી નાખવાનો. મારે જાણવું છે કે એ દિવસે એક્ઝેક્ટલી શું બન્યું હતું. મારે એકેએક મિનિટનો હિસાબ જોઈએ છે...
એક મધ્યવયસ્ક સ્ત્રી કૅમેરા સામે સીધું જોઈને અત્યંત વેદનાથી પોતાની આપવીતી કહેવાની શરૂઆત કરે છે. એનું નામ છે અવંતિકા માકન તન્વર. લલિત માકનની એકની એક દીકરી. લલિત માકન એટલે યુવા કૉંગ્રેસી સાંસદ, જેમની એમના ખુદના ઘરમાં ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. 1984માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થઈ તે પછી દિલ્હીમાં શીખવિરોધી હુલ્લડ ફાટી નીકળ્યા હતા. આ કોમી રમખાણને અંજામ આપવામાં જે વ્યક્તિઓને જવાબદાર ઠેરવાયા એમાં એક નામ લલિત માકનનું પણ હતું. એમના આ કૃત્યનું વેર વાળવા ત્રણ શીખ યુવાનો એમના દિલ્હીસ્થિત ઘરમાં ઘૂસી ગયા. લલિત માકન પર બંદૂક ચલાવી. પત્ની ગીતાંજલિ એમને બચાવવા વળગી પડી. એમનાં શરીરમાં પણ ગોળીઓ ધરબાઈ ગઈ. ગણતરીની મિનિટોમાં પતિ-પત્ની બન્નેના રામ રમી ગયા. આ હત્યાકાંડ થયો ત્યારે અવંતિકા હજુ માંડ પહેલા ધોરણમાં ભણતી હતી.  
કોણ હતા પેલા હત્યારાઓ? હરજિંદર સિંહ જિંદા, સુખદેવ સિંહ સુખા અને રંજિત સિંગ ગિલ.    
મેં જિનેટિક્સ એન્ડ ક્રોપ્સ સાયન્સીસમાં એમએસસી કર્યું હતું. હું ગોલ્ડ મેડલિસ્ટ હતો. અમેરિકાની કેન્સાસ યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે મને ફેલોશિપ પણ મળી ગઈ હતી. હું આગળ ભણવા અમેરિકા જાઉં તે પહેલાં જ આ ઘટનાક્રમ બન્યો અને...
આ શબ્દો રંજિત સિંહ ગિલ ઉર્ફ કુકીના છે. માથે લાક્ષાણિક શીખ પાઘડી, ટ્રિમ થયેલી સફેદ દાઢી, આંખોમાં ન સમજાય એવું ઊંડાણ. આવો તેજસ્વી માણસ માનવહત્યા કેવી રીતે કરી શકે? ફિલ્મમાં હવે અવંતિકા અને રંજિત સિંહ બન્નેની આપવીતી સમાંતરે આગળ વધે છે. સાવ કાચી વયે અનાથ થઈ ગયેલી અવંતિકાને બૉર્ડિંગ હાઉસ મોકલી દેવામાં આવી. થોડાં વર્ષો પછી અવંતિકાના સગા નાના શંકરદયાળ શર્મા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અવંતિકાનાં તરૂણાવસ્થાનાં વર્ષો  ભવ્યાતિભવ્ય રાષ્ટ્રપતિ ભવનમાં વીતવા માંડ્યાં, પણ મા-બાપને ગુમાવવાની એની પીડા ઓછી થતી નહોતી. મા-બાપના ખૂનીઓ પ્રત્યે એના દિલ-દિમાગમાં અપાર ખૂન્નસ અને ઝેર ઘૂંટાતાં જતાં હતાં. અવંતિકા આ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં જે રીતે પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરે છે એ જોઈને કાંપી જવાય છે. 
Ranjit Singh Gill

આ બાજુ અમેરિકા ચાલ્યા ગયેલા રંજિત સિંહને વિદેશની ધરતી પર જેલવાસ થયો. એમને ભારત પરત મોકલ્યા બાદ અહીં એમનો જેલવાસ ચાલુ રહ્યો. રંજિત સિંહને પોતાના કૃત્ય બદલ અફસોસનો પાર નહોતો, શીખ સમાજની અસ્મિતાના રક્ષણ માટે કહો તો એમ અથવા પાગલ ઝનૂન કહો તો એમ, પણ એણે એક માણસની હત્યા કરી હતી એ તો હકીકત હતી. એને ભરપૂર સજા ઓલરેડી થઈ ચુકી હતી, એણે અદાલતમાં દયાની અપીલ પણ કરી હતી, પણ અવંતિકા ઇચ્છતી હતી કે મારાં મા-બાપને રહેંસી નાખનારાઓનું તો મોત જ થવું જોઈએ. અરે, એમને ફાંસીએ ચડાવી દેવા જોઈએ.  
એક દિવસ અવંતિકાને કોઈ પત્રકારનો ફોન આવ્યોઃ તારા ફાધરના કાતિલ રંજિત સિંહ પેરોલ પર બહાર આવ્યો છે. તારે એને મળવું છે? અવંતિકાએ કહી દીધુઃ હા.
એક રેસ્ટોરાંમાં બન્નેની મુલાકાત ગોઠવવામાં આવી. અવંતિકા પોતાના પતિ સાથે અને રંજિત સિંહ પોતાના પરિવાર સાથે અહીં આવ્યા. અવંતિકા પહેલી વાર પોતાનાં મા-બાપના ખૂનીને નજરોનજર જોયો. થોડી વાર સુધી કોઈ કશું બોલી ન શક્યું. પછી રંજિત સિંહ હૃદયપૂર્વક પસ્તાવો વ્યક્ત કર્યો. અવંતિકાએ જોયું કે મારા મનમાં મારા પિતાના હત્યારાનું જે ચિત્ર હતું એના કરતાં તો આ માણસ સાવ જુદો છે. એને એ પણ સમજાયું કે મારા ફાધર પણ દોષી તો હતા જ. શીખોના હત્યાકાંડને આકાર આપવામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એ પણ સત્ય છે જ. રંજિત સિંહની પ્રતિશોધની ભાવના સાથે મારાં મા-બાપને મારી નાખીને આત્યંતિક પગલું ભર્યું, પણ એને પોતાના કૃત્યની સજા થઈ જ છે. આટલાં વર્ષોમાં હું પીડાઈ છું તો એ પણ પીડાયો છે.
આ પ્રત્યક્ષ મુલાકાતનું અકલ્પનીય પરિણામ આવ્યું. અવંતિકાએ અદાલતને અપીલ કરી કે રંજિત સિંહ ગિલને કાયમી મુક્તિ આપી દો. જે માણસને એણે આખી જિંદગી ધિક્કાર્યો હતો એને અવંતિકાએ ક્ષમા આપી દીધી! રંજિત સિંહ ગિલનો જાણે પુનર્જન્મ થયો. જેલમાંથી બહાર આવીને એણે એકડેએકથી નવા જીવનની શરૂઆત કરી. લગ્ન કર્યાં, એક સંતાનના પિતા બન્યા. આ કહાણીના છેલ્લા દશ્યમાં પોતાના ઘરે સપરિવાર પધારેલા રંજિત સિંહને અવંતિકા પ્રેમપૂર્વક જમાડતી દેખાય છે!
Sister Selmi Paul with Samundar Singh

બીજી કથા. કેરળનાં એક ખ્રિસ્તી સાધ્વી. સિસ્ટર રાની મારિયા એમનું નામ. 1995ના એક દિવસે, મધ્યપ્રદેશના ઉદયનગર નજીક ચાલુ બસે કોઈ તદ્દન અજાણ્યો માણસ એના પર છરો લઈને તૂટી પડે છે. જ્યાં સુધી એનો જીવ નીકળી ન જાય ત્યાં સુધી પાગલની જેમ એના શરીર પર છરાથી  ઉપરાછાપરી ઘા કરતો રહે છે. એ હત્યારાનું નામ હતું સમુંદર સિહં. શા માટે એણે સિસ્ટર રાનીને મારી નાખ્યાં?  
ઉદયનગર પંથકમાં ગરીબ ખેડૂતો સ્થાનિક જમીનદારો પાસેથી બિયારણ, ટ્રેક્ટરની ખરીદી વગેરે માટે કરજ લેતા, ભયંકર ઊંચા દરે વ્યાજ ભરતા. સિસ્ટર રાનીએ આ પંથકમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. એમણે ગરીબ કિસાનોને બેન્ક પાસેથી ઓછા દરે લૉન લેતા શીખવ્યું. વિનામૂલ્યે ખાદવિતરણ અને બીજવિતરણ કર્યું. સમાજસેવાના બીજાં કામો પણ કર્યાં. જમીનદાર શેઠિયાઓના પેટમાં તેલ રેડાયું. એમને સિસ્ટર રાની કણાની માફક ખૂંચવા લાગી. એમણે અપપ્રચાર શરૂ કર્યો કે આ ભલીભોળી દેખાતી સિસ્ટર અને એની ગેંગ વાસ્તવમાં ગરીબ ખેડૂતોને ભરમાવીને એમને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની કોશિશ કરી રહી છે. સમુંદર આ વાતોમાં આવી ગયો. 1995ના એ દિવસે એસટી બસમાં મુસાફરી કરતી વખતે સિસ્ટર રાનીને જોઈને એનામાં રહેલો રાક્ષસ જાગી ઉઠ્યો. એણે સિસ્ટર પર છરાથી ચોપન ઘા કર્યા ને એમનો જીવ ખેંચી લીધો.  
સિસ્ટર રાનીની સગી નાની બહેન સેલ્મી પૉલ પણ સાધ્વી છે. આ દુર્ઘટના બની ત્યારે તેમને ઓલરેડી કૅન્સરની બીમારી લાગુ પડી ચુકી હતી. એમનો એક જ સવાલ હતોઃ મરવાનું તો મારે હતું, છેલ્લા દિવસો તો હું ગણી રહી હતી... ભગવાને મારી બહેનને કેમ ઉપાડી લીધી? ત્રણ જ દિવસમાં સમુંદરને પકડીને જેલભેગો કરવામાં આવ્યો. સિસ્ટર સેલ્મીના વડા પાદરીએ કહ્યુઃ આપણે સમુંદરની સામે પડવાનું ન હોય, આપણે એના પ્રત્યે કરુણા વ્યક્ત કરવાની હોય. એને કદાચ ખબર નહોતી કે એ શું કરી રહ્યો છે. ઈશુએ આપણને આ જ શીખવ્યું છે.
પણ સિસ્ટર સેલ્મી માનસિક રીતે તૈયાર નહોતાં. કેવી રીતે હોય? સાત્ત્વિક જીવન જીવી રહેલી સગી મોટી બહેનની કરપીણ હત્યા કરનાર નરાધમ પ્રત્યે એમ કેવી રીતે કરૂણા જગાડવી? જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલો સમુંદર જોકે કંઈ ક્રિમિનલ નહોતો. એ તો અબુધ ગામડિયો હતો. એના પસ્તાવાનો પાર નહોતો. થોડી ક્ષણોના આવેશમાં એનાથી ખોટું પગલું ભરાઈ ગયું, પણ હવે એનું ખુદનું જીવન પણ રોળાઈ ગયું હતું.
સિસ્ટર સેલ્મીએ પોતાની જાતને તૈયાર કરવાં માંડી – પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે, બહેનના હત્યારા પ્રત્યે સમસંવેદન જગાડવા માટે, એને સાચા દિલથી માફ કરવા માટે. તેઓ રોજ ચર્ચમાં જાય, સૌના ભલા માટે ઈશ્વરને પ્રાર્થના કરે. દરમિયાન સ્વામી સદાનંદ નામના એક સાધુ, કે જે મધ્યપ્રદેશના ગુનેગારોના આધ્યાત્મિક ઉત્થાન માટે વર્ષોથી કામ કરે છે, તેઓ સમુંદરના સંપર્કમાં આવ્યા. સિસ્ટર રાનીનાં મૃત્યુનાં પાંચ વર્ષ પછી સ્વામી સદાનંદ, સિસ્ટર સેલ્મીને મળ્યા. પૂછ્યુઃ તમે સમુંદરને માફ કરશો? એના કાંડે રાખડી બાંધશો? સિસ્ટર સેલ્મી કહેઃ હા, હવે હું તૈયાર છું.
રક્ષાબંધનને દિવસે બન્ને જેલ ગયાં. સમુંદરને સમજાતું નહોતું કે હું કયા મોઢે સિસ્ટર રાનીની બહેનની સામે જઈશ? એ કાંપતો હતો. સિસ્ટર સેલ્મીને જોતાં જ એ રડવા લાગ્યો. કહેઃ મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ છે. હું હવે દિવસ-રાત પ્રાયશ્ચિત કરું છું. સિસ્ટર સેલ્મીએ કહ્યુઃ ઈશ્વરે તમને ક્યારના માફ કરી દીધા છે. મારાથી જરા મોડું થયું છે, પણ હવે હું પણ તમને દિલથી માફ કરી કરું છું. તમે મહેરબાની કરીને રીબાવાનું બંધ કરો અને પોતાના જીવને શાંતિ આપો.
...અને પછી સિસ્ટર સેલ્મીએ બહેનના હત્યારાના કાંડે રાખડી બાંધી, એની સુખાકારી માટે, એની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરી. કેટલી પ્રચંડ આંતરિક તાકાતની જરૂર પડે છે આવું ઉદ્દાત પગલું ભરવા માટે? સ્વીકારની, કરૂણાની ઊંચાઈની આ કઈ કક્ષા છે!
સમુંદરને પછી જેલમુક્ત કરવામાં આવ્યો. એણે નવેસરથી જીવન શરૂ કર્યું. ઇવન આજે પણ સિસ્ટર સેલ્મી ભારતના કોઈ પણ ખૂણે હોય, દર રક્ષાબંધન પર એ એમની પાસે રાખડી બંધાવવા જાય છે.
Kia Scherr

ડોક્યુમેન્ટરીની ત્રીજી કથાનો સંબંધ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલા સાથે છે. કિઆ શૅર નામની અમેરિકન મહિલાને 26 નવેમ્બર 2008ના હુમલા પછી ફોન પર કહેવામાં આવે છે કે તમારો પતિ અને તરૂણ વયની દીકરી, કે જે હોટલે ઓબેરોયમાં ઉતર્યાં હતાં, એ બન્ને આતંકવાદીઓની ગોળીથી વીંધાઈ ગયાં છે. કિઆ જે રીતે પ્રચંડ વેદનામાંથી પસાર થયાં અને દિલમાં નકારાત્મકતા સંઘરી રાખવાને બદલે દર વર્ષે મુંબઈ આવીને લોકોમાં સ્વીકૃતિ તેમજ ક્ષમાભાવના વિકસે તે માટે પ્રવૃત્તિઓ કરી તે અદભુત છે. આ કથાની વિગતોમાં વધારે ઊંડા નહીં ઊતરીએ. એ તમે સ્વયં ફિલ્મમાં જોઈ લેજો.
                                                 
                                                 0 0 0

રૂબરૂ રોશની ડોક્યુમેન્ટરીનાં ડિરેક્ટર સ્વાતિ ચક્રવર્તી ભટકળને આ ફિલ્મ બનાવતાં ત્રણ વર્ષ લાગ્યાં. એમની પાસે આમિર ખાનના સત્યમેવ જયતે જેવા લેન્ડમાર્ક ટીવી શોનાં કૉ-ડિરેક્ટર અને હેડ ફિલ્ડ રિસર્ચ તરીકે કામ કરવાનો સમૃદ્ધ અનુભવ હતો. જે રીતે એમણે વગર વાંકે સજા ભોગવી રહેલા સ્વજનો જ નહીં, પણ ગુનો આચરનારાઓ સાથે સહાનુભૂતિપૂર્વક, સંપૂર્ણ સમસંવેદન જાળવીને, જજની માફક ચુકાદો તોળ્યા વિના સંધાન કર્યું છે, એમની પાસેથી દિલના ઊંડામાં ઊડા ભાવ વ્યક્ત કરાવ્યા છે તે અદભુત છે. ફિલ્મ પાણીના રેલાની માફક વહેતી જાય છે. ફિલ્મ જોતાં જોતાં કેટલીય વાર તમારી આંખો છલકાય છે. તમારી ભીતર અનાયાસે એક પ્રકારનું મંથન શરૂ થઈ જાય છે. જાણે અમુક ગાંઠો ખૂલી રહી હોય એવી લાગણી જાગે છે. ઉત્તમ કલાકૃતિનું આ જ તો લક્ષણ છે.
Svati Chakrabarty Bhatkal

સ્વાતિ ચક્રવર્તી ભટકળ ઉત્સવને કહે છે, માણસમાં હિંસા અને અહિંસા બન્ને પ્રકારની વૃત્તિનાં બીજ પડેલાં હોય જ છે. ક્યારેક માણસ એવા સંજોગોમાં મૂકાઈ જાય કે એનામાં હિંસાની અદમ્ય લાગણી જાગી ઉઠે, ક્યારેક એવી પરિસ્થિતિ પેદા થાય કે એનામાં રહેલી અહિંસાનો ભાવ બળવત્તર બને. જો એ આવેગભરી ક્ષણ હેમખેમ વીતી જાય તો કટોકટી ટળી જતી હોય છે. કોઈ દુર્ઘટના બને એટલે આપણે તરત જે-તે માણસને ગુનેગારના ચોકઠામાં બેસાડી દઈએ છીએ. આપણા દિમાગનું, આપણી માનસિકતાનું  કંડીશનિંગ થઈ ગયું છે. આક્રમક  બની જવું, બદલો લેવો, જેવા સાથે તેવા થવું એ જાણે આપણો સાહજિક રિસ્પોન્સ છે. અવંતિકા હોય, સાધ્વી સેલ્મી હોય કે કિઆ હોય, સામેના પાત્રને માફ કરીને ખરેખર તો એમણે પોતાના મનનો ભાર દૂર કર્યો છે, ખુદની યંત્રણામાંથી મુક્તિ મેળવી છે.
નેગેટિવિટીથી છલકાતાં આજના માહોલમાં રૂબરૂ રોશની તમને વિચારતાં કરી મૂકે છે. જે રીતે આપણે મનની શુદ્ધિ માટે મેડિટેશન અને સાધના કરીએ છીએ તે જ રીતે ફરી ફરીને, દર વર્ષે કમસે કમ એક વાર આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવાનું રુટિન બનાવી લેવું જોઈએ. દિવાળીના આ અવસરે હોટસ્ટાર અથવા નેટફ્લિક્સ પર જઈને રૂબરૂ રોશની જરૂર જોજો, જો હજુ સુધી જોઈ ન હોય તો.        

0 0 0 


No comments:

Post a Comment