Showing posts with label નર્મદ. Show all posts
Showing posts with label નર્મદ. Show all posts

Friday, January 20, 2017

સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 18 Jan 2017
ટેક ઓફ
વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.

વિશ્વવિખ્યાત રશિયન-અમેરિકન લેખિકા એન રેન્ડની સર્વપ્રથમ નવલકથા ‘આઈડીઅલ’ તેમનાં મૃત્યુનાં ૩૪ વર્ષ પછી, છેક ૨૦૧૫માં બહાર પડી. આ આખા ઘટનાક્રમ વિશે આપણે ગયા બુધવારે વિગતવાર વાત કરી હતી.  એક સજ્જ, પ્રમાણિક લેખક શા માટે પોતાના સર્જનને કયારેક લોકોની સામે મૂકવાનું પસંદ કરતો નથી? શા માટે અમુક ઉત્તમ કૃતિઓ સર્જકના મૃત્યુ પછી પ્રકાશમાં આવે છે? આનાં અનેક કારણો હોઈ  શકે છે.
નોબલ પ્રાઈઝ વિનર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની આત્મકથનાત્મક કૃતિ  ‘અ મૂવેબર ફીસ્ટ’ તેમની આત્મહત્યાના ત્રણ વર્ષ પછી બહાર પડી હતી. હેમિંગ્વએ ચાર લગ્નો કર્યાં હતાં. બાવીસ વર્ષે પહેલાં લગ્ન કર્યાં બાદ ૧૯૨૦ના દાયકમાં તેઓ પત્ની સાથે પેરિસ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેઓ એક અખબારના ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ‘અ મુવેબલ ફીસ્ટ’માં તેમણે પેરિસ શહેર વિશે, પોતાનાં નવા નવા લગ્નજીવન વિશે અને લેખક બનવાના પોતાના પ્રયાસો વિશે ખૂલીને લખ્યું છે. માનસિક બીમારીઓનો ભોગ બની ચૂકેલા હેમિંગ્વેએ રિવોલ્વરથી આત્મહત્યા કરી ત્યારે તેઓ ૬૨ વર્ષના હતા. ‘અ મૂવેબલ ફીસ્ટ’ પુસ્તક્ એમની ચોથી પત્નીએ એડિટ કરીને છપાવ્યું હતું.
બ્રિટિશ લેખિકા વર્જિનિયા વૂલ્ફ્ની કહાણી પણ કંઈક અંશે હેમિંગ્વે જેવી જ છે. બંને સમકાલીન હતાં. વર્જિનિયા ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.
જર્મન વાર્તાકાર-નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કા ફ્કત ચાલીસ વર્ષ જીવ્યા. તેઓ ઇન્શ્યોરન્સ ઓફ્સિર તરીકે કામ કરતા રહૃાા અને બાકીના સમયમાં ચુપચાપ લખતા રહૃાા. જીવતેજીવ તેમણે પોતાનું એકપણ લખાણ ન છપાવ્યું. તેઓ તો ઇચ્છતા હતા કે મૃત્યુ પછી તેમની તમામ હસ્તપ્રતો બાળી નાખવામાં આવે, પણ એક જાણકાર મિત્રે એમની આ  મરણોત્તર ઇચ્છા ધરાર પૂરી ન કરી. તેમણે કાફ્કાનું લખાણ છપાવ્યું અને કાફ્કા વીસમી સદીના સૌથી પ્રભાવશાળી લેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા! કાફ્કાની જેમ એન ફ્રેન્ક પણ જર્મન હતાં, જેમણે તરુણવયે લખેલી નોંધપોથી ‘અ ડાયરી ઓફ્ અ યંગ ગર્લ’ જગમશહૂર બની ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન ફ્રેન્ક એમના પરિવાર સાથે કેવી રીતે બે વર્ષ સુધી નાઝીઓની નજરથી બચીને જેમતેમ જીવતાં રહૃાાં તેની બહુ જ હ્ય્દયસ્પર્શી વાત આ પુસ્તકમાં છે. એન ફ્રેન્કનો પરિવાર આખરે પકડાઈ ગયેલો. સૌને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાં જ એન ફ્રેન્કે જીવ ખોયો. એન ફ્રેન્કની ઇચ્છા હતી કે એમની ડાયરી છપાઈને લોકો સુધી પહોંચે. દીકરીની આ ઇચ્છા પછી એમના પિતાએ પૂરી કરી. આખા પરિવારમાંથી એક માત્ર એમના પિતાજી જીવતા રહી શકયા હતા.
ઓસ્કરવિનિંગ ‘અ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’ (૨૦૧૧) ફ્લ્મિ આપણે થિયેટરમાં જોઈ શકયા નહોતા, કેમ કે તેના કંપાવી મૂકે એવા સેકસ્યુઅલ હિંસાનાં દશ્યો સામે આપણા સેન્સર બોર્ડને વાંધો પડી ગયો હતો. આ ફ્લ્મિ આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પરથી બની છે. એના સ્વીડિશ લેખક સ્ટીગ લાર્સન જાણીતા પત્રકાર હતા, જે માત્ર શોખ ખાતર નવલકથાઓ લખતા. સ્ટીગે ત્રણ ક્રાઈમ-નોવેલ્સની શૃંખલા લખી હતી –  ‘ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’, ‘ધ ગર્લ હુ પ્લેય્ડ વિથ ફાયર’ અને ‘ધ ગર્લ હુ કિકડ ધ હોર્નેટ્સ નેસ્ટ’. ૨૦૦૪માં પચાસ વર્ષની વયે સ્ટીગનું મૃત્યુ થયું પછી આ કૃતિઓ અચાનક એમની ગર્લફ્રેન્ડની નજરે ચડી. એણે આ નવલકથાઓ છપાવી, જે ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની.

આ તો થઈ વિદેશી લેખકોની વાતો. ગુજરાતી સાહિત્યજગતમાં કઈ કૃતિઓ લેખકના મૃત્યુ બાદ વિખ્યાત બની છે? કવિ નર્મદે (૧૮૩૩-૧૮૮૬) પોતાની આત્મકથા ‘મારી હકીકત’ લખીને છપાવી રાખેલી, પણ તેમની ઇચ્છા હતી કે આ પુસ્તક એમના મૃત્યુ પછી જ બજારમાં મૂકાય. એવું જ થયું. આપણી ભાષાના મહાન સાક્ષર એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮)એ સોળેક વર્ષ સુધી નિરંતરપણે અંગત ડાયરી લખી હતી. કેમય કરીને દમન ન થઈ શકતી પોતાની હવસવૃત્તિ, ગુપ્તરોગો, પત્ની સાથેના સંબંધો વગેરે વિશેનું એમનું લખાણ એવું હેબતાવી દે એવું છે કે આપણને થાય કે એક લેખક, ચિંતક અને લોકશિક્ષક તરીકે કીર્તિ પામેલા માણસનું અંગત જીવન આટલું કુરુપ કેવી રીતે હોઈ શકે? ૧૯૭૯માં મણિલાલનું ‘આત્મચરિત્ર’ બહાર પડયું ત્યારે હોબાળો મચી ગયો હતો, જે સ્વાભાવિક હતો.
ડાયરીલેખન તો ગાંધીજીના અંગત મદદનીશ એવા મહાદેવ દેસાઈએ પણ કર્યું હતું, પણ અલગ પ્રકારનું. ૧૯૪૨માં તેમના નિધન થયું તે પછી છ વર્ષે  ‘મહાદેવભાઈની ડાયરી’નો પહેલો ભાગ બહાર પડયો. ૧૯૮૦ સુધી ક્રમશઃ સત્તર ભાગ પ્રકાશિત થતા ગયા. 
માત્ર છવ્વીસ વર્ષનું આયુષ્ય પામેલા કવિ કલાપીની તમામ કાવ્યરચનાઓ તેમના મૃત્યુ બાદ પ્રગટ થઈ હતી. ‘કલાપીનો કેકારવ’ સંગ્રહનું મરણોત્તર પ્રકાશન મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાન્તના હાથે થયું હતું. યોગાનુયોગ જુઓ. કાન્ત પોતાના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ને જોવા પામ્યા ન હતા. ૧૬ જૂન ૧૯૨૩ના રોજ  ‘પૂર્વાલાપ’ બહાર પડયો અને એ જ દિવસે એમનું મૃત્યુ થયું. કલાપીની જેમ રાવજી પટેલ પણ સાવ કાચી વયે મૃત્યુ પામ્યા હતા – ૨૯ વર્ષે. રાવજી પટેલના ‘અંગત’ અને મણિલાલ દેસાઈના ‘રાનેરી’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું હતું.
૧૯૬૪માં ધૂમકેતુનું નિધન થવાથી એમની ‘ધ્રૂવદેવી’ નામની ઐતિહાસિક નવલકથા અધૂરી રહી ગઈ હતી. ગુણવંતરાય આચાર્યે આ નવલકથા પૂરી કરવાના આશયથી હાથમાં લીધી હતી. ત્રણેક પ્રકરણો લખ્યાંય ખરા, પણ તેમનું ય અવસાન થઈ જતાં નવલકથા પાછી અધૂરી રહી ગઈ. આખરે ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોષીએ આ નવલકથા અપૂર્ણ સ્વરુપમાં પ્રગટ કરી. રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ત્રિશંકુ’ નવલકથા તેમના મૃત્યુ બાદ બહાર પડી હતી. ઝવેરચંદ મેઘાણી ૮ માર્ચ ૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એના એકાદ દિવસ પહેલાં જ તેમણે સંપાદિત કરેલા ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના પ્રૂફ જોવા માટે આવ્યા હતા. અણધાર્યા મૃત્યુને કારણે તેમની ‘કાળચક્ર’ નામની નવલકથા અધૂરી રહી ગઈ. આ નવલકથામાં આગળ તેઓ આઝાદ હિંદ ફોજ અને લોકક્રાંતિની વાતોને વણી લેવા માગતા હતા. મેઘાણીના મૃત્યુના એક મહિના બાદ ‘સોરઠી સંતવાણી’ અને ‘કાળચક્ર’ (અપૂર્ણ સ્વરુપમાં) પ્રગટ કરવામાં આવ્યાં. ‘સોરઠી સંતવાણી’માં સંગ્રહાયેલાં પ્રાચીન ભજનોની સીડી આગામી માર્ચમાં બહાર પડવાની છે, મેઘાણીની ૭૦મી પુણ્યતિથિએ.
સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત ખરેખર સમજાય એવું હોતું નથી!
0 0 0 

Thursday, December 8, 2016

કયાંનું ગુજરાતી સારું - અમદાવાદનું કે સુરતનું?

Sandesh - Sanskaar Purti - November 2016



ટેક ઓફ
‘ઈંગ્લેંડની ભાષા તે ઈંગ્લેંડમાં જ શુદ્ધ હોય, હિંદુસ્તાનના લોકોમાં તેવી શુદ્ધ ન હોય તેમ ગુજરાતી ભાષા ગુજરાતમાં જ શુદ્ધ હોય – મુંબઇ વગેરે પરદેશમાં તથા સ્વદેશના સીમાડાનાં ગામોમાં શુદ્ધ ન હોય. સુરત ગુજરાતના સીમાડા ઉપર છે માટે ત્યાંની ભાષા શુદ્ધ નથી.’



જેદાર સવાલ છે. બાર ગાઉએ બોલી બદલાઈ જતી હોય એવી સ્થિતિમાં કયાં શહેરની ગુજરાતી ભાષાને ચડિયાતી ગણવી? અમદાવાદની, સુરતની કે પછી કાઠિયાવાડની? આપણી ભાષાના બે ટોચના સાક્ષરો જ્યારે આ મુદ્દે સામસામી તલવાર ખેંચે ત્યારે મામલો સંગીન બની જાય છે! એક બાજુ કવિ દલપતરામ ડાહૃાાભાઈ ત્રવાડી છે (જન્મઃ ૧૮૨૦, મૃત્યુઃ ૧૮૯૮). તેઓ કહે છે કે અમદાવાદની ગુજરાતી ભાષા શ્રેષ્ઠ છે. વિરુદ્ધ છેડે નર્મદશંકર લાભશંકર દવે છે (જન્મઃ ૧૮૩૩, મૃત્યુઃ ૧૮૮૬). તેઓ કહે છે કે ખોટી વાત. ગુજરાતી તો સુરતની જ!
દલપતરામે પોતાનાં લખાણોમાં અને ભાષણોમાં ‘અમદાવાદી ગુજરાતી જ ઉત્તમ’ એવા મતલબનાં નિવેદનો કર્યા હતાં. આની પ્રતિક્રિયા રુપે નર્મદે કચકચાવીને ‘સુરતની ભાષા’ નામનો એક લેખ લખ્યો. એમાં એમણે દલપતરામના એકેએક દાવાનો વિગતવાર જવાબ આપ્યો છે. દલપતરામ અને નર્મદ વચ્ચે થયેલી દલીલ-પ્રતિદલીલો મૂળ ગુજરાતી ભાષામાં જ વાંચવા જેવી છે. વાંચવા-સાંભળવામાં જબરી ચાર્મિંગ લાગે છે જૂની ગુજરાતી ભાષા. તેથી હવે પછીના લખાણમાં જોડણી અને વ્યાકરણ મૂળ લખાણ જેવાં જ રાખ્યાં છે.
તો, કવિ દલપતરામ કહે છેઃ ‘ગુજરાતનું મુખ્ય શેહેર અમદાવાદ છે માટે ત્હાંની ભાષા તે શુદ્ધ ગુજરાતી.’
જવાબમાં નર્મદ કહે છેઃ ‘અમદાવાદ, મુખ્ય શેહેર હમણાં છે પણ અસલમાં હતું નહીં. અસલ મુખ્ય શેહેર તો વડનગર ને પાટણ. એ અસલ શેહેરોના ઘણાક લોકો જ્યાંહાં જઈ વસ્યા હોય ને જ્યાંહાં પોતાની બોલી ઘણુંકરીને રાખી રહૃાા હોય ત્યાંહાંની ભાષા શુદ્ધ ગુજરાતી. અમદાવાદ નવું વસેલું છે ને તે વળી ઘણુંકતો મારવાડના લોકથી. એની ભાષા તો ક્યમ શુદ્ધ ગુજરાતી કેહેવાય?’
દલપતરામઃ ‘સામળ, વલ્લભ વગેરે મોટા ને સારા કવિયો અમદાવાદ પ્રગણામાં થઈ ગયા છે ને તેઓની ભાષા હાલના અમદાવાદીયો બોલે તેવી છે.’

દલપતરામ
નર્મદઃ ‘પ્રેમાનંદ, દયારામ વગેરે મોટા ને સારા કવિયો અમદાવાદ જિલ્લામાં થયા નથી ને પ્રેમાનંદ તો સામળના કરતાં વધારે ઉંચા દરજ્જાનો કવિ છે તેમ દયારામ વલ્લભથી ચઢતો છે. એક જિલ્લાનાં બે ત્રણ ગામમાં બે ત્રણ સારા કવિયો થયા તો તે ઉપરથી તે આખા જિલ્લાના લોકની ભાષા શુદ્ધ થઈ ગઈ એમ કહેવાય નહીં. ને કવિ દલપતરામનો વાદ સ્વીકારિયે તો પ્રેમાનંદ જે જિલ્લાનો હોય તે જિલ્લાની ભાષા તે ખરી ગુજરાતી કહેવી પડે. વળી સામળની ભાષા હાલ જેમ અમદાવાદીયો બોલે છે તેવી નથી જ ને પ્રેમાનંદની ભાષા હાલ જેમ વડોદરિયાઓ બોલે છે તેવી ઘણી નથી જ. પ્રેમાનંદ ને સામળ એ બેની ભાષા ઘણી ખરી તો સુરતના લોક બોેલે છે તેવી જણાય છે.’
દલપતરામઃ ‘સુરત ગુજરાતમાં નથી.’
નમર્દઃ ‘તે તકરાર નજીવી છે – સરકારે જિલ્લાઓ બાંધી ઠરાવ કર્યા તે ઉપરથી સમજી લેવું કે સુરતને ગુજરાતમાં ગણવું કે નહીં.’
દલપતરામઃ ‘સુરત ગુજરાતમાં છે એવું હું જાણતો ન હોતો કેમકે તે ઠેકાણાંના કોઈ કવિયે ગુજરાતી ભાષામાં બનાવેલું પુસ્તક માહારા સાંભળ્યામાં આવ્યું નથી. અને જ્યારે હું સુરત ગયો ત્યારે મને એવું જણાતું હતું કે હું પરદેશમાં આવ્યો છું.’
નર્મદઃ ‘સુરતમાં શિવાનંદ ને ત્રિવિક્રમાનંદ નામના આખા શેહેરમાં પ્રસિદ્ધ એવા બે કવિયો થઈ ગયા છે એમ છતાં સુરતમાં કવિ નથી થયા એમ કહેવું કેવળ અજ્ઞાાન છે. કવિ દલપતરામ સરખા ગૃહસ્થે મોટી પૃચ્છક બુદ્ધી ઘરાવ્યાનું ડોળ ઘાલ્યા છતાં, આટલાં આટલાં વરસ સુરતમાં રહૃાા છતાં, ઉપલા બે કવિયોનાં નામ પણ ન જાણવાં એ કેવું આશ્ચર્યકારક છે?’
દલપતરામઃ ‘ગુજરાતી ભાષા જેવી સુધરેલી ભાષા હિંદુસ્થાનમાં બીજા કોઈ ભાગની ભાષા હમારા જાણવામાં નથી અને મધ્ય ગુજરાતમાં જે ભાષા ચાલે છે તે શુદ્ધ છે.’
નર્મદઃ ‘એ તકરાર નજીવી છે – હિંદુસ્તાની, મરેઠી ને બંગાલી ભાષા, ગુજરાતી ભાષા કરતાં વધારે સારી છે એમ સર્વ વિદ્વાનને મતે સિદ્ધ થઈ ચુકયું છે. એટલું છતાં ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા નથી એમ કહેવું તદ્દન ખોટું છે. લોકને આડું તેડું સમજાવીને ગુજરાતી ભાષાને ચડાવવામાં કવિ દલપતરામનો શો હેતુ છે તે કંઈ મારાથી સમજાતું નથી.’
દલપતરામઃ ‘ઈંગ્લેેંડની ભાષા તે ઈંગ્લેંડમાં જ શુદ્ધ હોય, હિંદુસ્તાનના લોકોમાં તેવી શુદ્ધ ન હોય તેમ ગુજરાતી ભાષા ગુજરાતમાં જ શુદ્ધ હોય – મુંબઇ વગેરે પરદેશમાં તથા સ્વદેશના સીમાડાનાં ગામોમાં શુદ્ધ ન હોય. સુરત ગુજરાતના સીમાડા ઉપર છે માટે ત્યાંની ભાષા શુદ્ધ નથી.’

નર્મદ
નર્મદઃ ભાષાની શુદ્ધતા દેશ પર આધાર નથી રાખતી, લોક ઉપર રાખે છે. પછી તે લોક ગુજરાતનાં ગામડાંમાં હોય, મુંબઇમાં હોય, કે ઈંગ્લેંડમાં હોય…. હાલ જે લોકો અમદાવાદ ને મધ્ય ગુજરાતમાં રેહે છે તેઓ મુળ ગુજરાતી લોક નથી. અસલ ગુજરાતીઓ તો વડનગર, પાટણ ભાગ્યા પછી વેરાતા જઈ વસ્યા છે. ઘણાક સુરતમાં પણ છે અને એઓ અસલની કાયમ રાખી રહૃાા છે. અમદાવાદમાં વસેલા અસલ ગુજરાતીયો તો થોડા છે ને જેઓ છે તેઓએ જનના સહવાસથી પોતાની અસલ ગુજરાતી બગાડી છે. મૂળ નડિયાદનો પણ હાલ સુરત જિલ્લામાં રેહેતો નભુલાલ નામનો કવિ જે હાલ ઘરડો છે ને જેેણે ગુજરાતી ઘણું વાંચ્યું છે ને લખ્યું છે તે કેહે છે કે અમદાવાદમાં કણબી, રજપુત, શ્રાવક વગેરે લોકો ઘણા છે તેથી અમદાવાદની ગુજરાતી ભાષા અશુદ્ધ છે. સુરત સીમાડો છે કે મુખ્યસ્થાનક્ષેત્ર છે તે તો લોકોેએ જ સમજી લેવું. જગા ઉપર આધાર નથી પણ ભણેલા લોકના ઉપર ભાષાની શુદ્ધતાનો આધાર છે. શેહેર કર્ર્તા ગામડાંની ભાષા સારી, ને ભણેલાના કર્તા મુરખની ભાષા સારી એમ હોય તો અને અમદાવાદ, સુરતના કર્ર્તા વિદ્યામાં- આચારવિચારમાં – બુદ્ધિમાં વધારે સારું હોય તો વળી અમદાવાદની ભાષા વખતે સુરતના કર્તાં વધારે સારી એવો શક પણ આણી શકાય પણ એમ નથી જ.’
દલપતરામઃ ‘કવિયો સારા સારા થયા તે કાઠિયાવાડ તથા મધ્ય ગુજરાતના પ્રાંતના રેહેનારા હતા, પણ તેઓની ભાષા  ઉપરથી નિશ્ચય થઇ શકતો નથી કે તે ફ્લાણા ગામના ને ફ્લાણી ન્યાતના હતા કેમકે તેઓની ભાષામાં ફેરફર જણાતો નથી.’
નર્મદઃ ‘અમદાવાદી સામળ, વલ્લભની અને કાઠિયાવાડી કાળીદાસની ભાષા મળતી નથી. સામળની થોડી ઘણી પ્રેમાનંદને મળે છે. નરસીંહ મેહેતાની સાથે સામળ વલ્લભની ભાષા કાંહાં મળેછ? સારા કવિની ભાષા-વિદ્વાનની ભાષા ઘણુંકરીને સરખી જ હોય અને તે જ ગુજરાતી ખરી. સહુથી સરસ કવિ જે વડોદરાનો પ્રેમાનંદ તેની ભાષા તો અમદાવાદના લોકને મળતી નથી. વળી પ્રેમાનંદ વડોદરામાં નાગરવાડામાં રહેતો – નાગરના સહવાસમાં હતો માટે એની ભાષા તો શુધ્ધ ખરી.’
દલપતરામઃ ‘ગુજરાતી ઉપરથી સંસ્કૃત થઇ છે.’
નર્મદઃ ‘આ તો કેવળ ઉલટી-જાુઠ્ઠી-ઉદ્ધત વાત છે. ઈંગ્લેંડ, ફ્રાન્સ ને જર્મનીના મોહોટા વિદ્વાનોએ નક્કી કરયું છે કે આખી પૃથ્વીના લોકની ભાષાઓ મૂળ સાત ભાષામાંથી નિકળી છે. ને તે સાતમાંથી એક ‘એરિયન’ નામની છે. સંસ્કૃત એરિયન કેહેવાય છે ને હિંદુસ્તાનની સર્વ પ્રાકૃત ભાષાઓ સંસ્કૃતમાંથી નિકળી છે. ભણેલામાં ખપનારો કવિ આવી ઘેલાઈ કાહાડે છે તે જોઈને કોને હસવું ન આવે? (કરસનદાસ મૂળજીએ એ વિષે પોતાના પત્રમાં ઘટતા ઠોક માર્યા હતા ને તે ઉપરથી દલપતરામે માફ્ી પણ માગી હતી.)’
દલપતરામઃ ‘ગુજરાતી ભાષા ૫૦૦ વરસ થયાં સુધરેલી છે. માટે તેને સુધારવાનું જે નામ લે છે તેની ગુજરાતી ભાષાના પંડિતોની મશ્કરી કરે છે.’
નર્મદઃ ‘ભાષાના નિયમ રહિત એવી ગાંડી ઘેલી કવિતાઓ લખાઈ તે ઉપરથી ભાષા સુધરેલી હતી એમ કેહેવાય નહીં. વ્યાકરણ, કોશ, રસાલંકારશાસ્ત્ર્રના નિયમ રાખનારાં પદ્યો, અને વ્યાકરણના નિયમથી લખાયેલા મર્મ ભરેલાં અને અસર કરે તેવાં ગદ્યો જાહાં  સુધી જોવામાં ન આવે તાંહાં સુધી ભાષા સુધરેલી કેહેવાય નહીં… હું એમ કહું છું કે ગુજરાતી ભાષા સુધરતી આવી છે ને હાલના ઉદ્યોગથી સુધરશે. દલપત કવિ કેહે છે કે ગુજરાતી ભાષા સુધરવી જોઈએ એમ જે કેહે છે તેની ગુજરાતી ભાષાના પંડિતો મશ્કરી કરે છે. પણ હવે ઉપરના ખુલાસાઓથી તો હું કેહેતા શરમાઊંછ કે કોઈ પણ ભાષાના મૂરખાઓ પણ ઉપર પ્રમાણેના વિચાર જોઈને કવિ દલપતરામને જ હસી કાહાડશે. નાગરની ભાષા સહુથી જાુની ને સરસ ગુજરાતી છે. તેનાં કારણો નર્મવ્યાકરણમાં કહૃાાં છે. પણ નાગર પણ ચાર સમવાય છે – જાુનાગઢ આદિ બાર ગામ સોરઠ, અમદાવાદ આદિ બાર સામ ગુજરાત, ઇડર-વાંસવડા આદિ છ પોળ અને સુરત, બરાનપોર ને કાશી એ ત્રણ. એ ચારમાંથી સહુથી સરસ ભાષા કોની? એમ પ્રશ્ન થતે ઉત્તર આજે નિકળવાનો કે સુરતની.
જાુનાગઢવાળા જંગલી દેશમાં જઈ રહૃાા તાંહાં તેઓએ તાંહાંના વતનીઓની ભાષાના કેટલાક શબ્દ પોતાનામાં નવા દાખલ કરેલા ને આજકાલ એણી તરફ્ના લોક (રાજદ્વારી ગૃહસ્થો શિવાય) તને ને મને ઘણું જોડયા રાખે છે. તેમ, અમદાવાદમાં શ્રાવક ને મુસલમાનના સહવાસથી ભાષા બગડેલી. વારુ, કેહેશો કે સુરતના લોકને દક્ષણી શબ્દ આવેલા – પણ અનુભવથી કેહેવામાં આવે છે કે સુરતના નાગરની ભાષામાં દક્ષણી શબ્દ નથીજ. સુરતના લોકને મુસલમાનનો સંસર્ગ નહીં – કેમકે તેઓને સુરતમાં આવ્યાને હજુ સો વરસ થયાં નથી… વાત ખરી છે કે, આચારવિચારમાં, સ્વચ્છતામાં, વેદશાસ્ત્રના અભ્યાસમાં, ભણવે લખવે સુરત બિજાં કર્ર્તા વધારે ચઢિયાતું છે એમાં કોઈથી ના નહીંજ કેહેવાય. સંસ્કૃતના મૂળાક્ષરોના ઉચ્ચાર સુરતના લોકજ મૂળ પ્રમાણે કરે છે – જાુનાગઢના ને ગુજરાતના કરી શકતા નથી.
સંસ્કૃત ભાષા ઉપરજ સઘળી પ્રાકૃત ભાષાઓ આધાર રાખે છે. જાંહાંની ગુજરાતી ભાષા સંસ્કૃત તરફ્ વધારે વલણ કરતી હોય તાંહાંની ભાષા, જાંહાંની ભાષા સંસ્કૃતથી ઘણી આઘી રેહેતી હોય તેના કર્તાં વધારે સારી. આ ઉપરથી વિચારવું કે અમદાવાદની ગુજરાતી વધારે સારી કે જાુનાગઢની ગુજરાતી વધારે સારી કે સુરતની ગુજરાતી વધારે સારી.’
હવે તમે જ કહો, કયાંની ગુજરાતી ભાષા બેસ્ટ – અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર, મુંબઈ કે પછી…?
0 0 0