Showing posts with label Cannes 2017. Show all posts
Showing posts with label Cannes 2017. Show all posts

Tuesday, May 30, 2017

સુપર શોર્ટ ફિલ્મ્સ: છોટા પેકેટ બડા ધમાકા

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૮ મે ૨૦૧૭

મલ્ટિપ્લેકસ

 કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદૃગી પામેલી ‘આફટરનૂન ક્લાઉડ્સ' અને તાજેતરમાં નેશનલ અવોર્ડથી સન્માનિત થયેલી ‘કલ્પવૃક્ષ' - આ બન્ને શોર્ટ ફિલ્મ્સ એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓએ બનાવી છે. 


'Kalpvriksh'

ફ્રાન્સમાં પૂરજોશમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલનો આજે (28મી મે) બારમો અને છેલ્લો દિૃવસ છે. અતિ ગ્લેમરસ કપડાં ધારણ કરેલી આપણી ઐશ્ર્વર્યા રાય બચ્ચન, દૃીપિકા પદૃુકોણ અને સોનમ કપૂરે અહીં રેડ કાર્પેટ પર લટકમટક કેટવોક કરીને ફોટોગ્રાફરોના ટોળાં સામે સ્ટાઈલથી પોઝ આપ્યા એ તો જાણે બરાબર છે, પણ આ વખતે કઈ કઈ ભારતીય ફિચર ફિલ્મો સ્પર્ધામાં ઉતરી હતી?

ઉત્તર છે: એક પણ નહીં! દૃુનિયામાં સૌથી વધારે ફિલ્મો બનાવતા આપણા દૃેશની એક પણ ફિલ્મ આ વખતે કાન ફેસ્ટિવલની મુખ્ય ચાર પૈકીની એક પણ કેટેગરીમાં કવોલિફાય ન થઈ શકી. આ ચાર કેટેગરી એટલે કોમ્પીટીશન, અન સર્ટન રિગાર્ડ (અર્થાત્, અ સર્ટન ગ્લાન્સ), ક્રિટીકસ વીક અને ડિરેકટર્સ ફોર્ટનાઈટ.
જોકે અમુક ઇન્ડિયાવાલે પોતપોતાની ફિલ્મો પ્રમોટ કરવા કાન જરુર પહોંચી ગયા હતા. જેમ કે, નંદિૃતા દૃાસે નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને બનાવેલી ‘મન્ટો', અપર્ણા સેનની  ‘સોનાટા' (જેમાં શબાના આઝમી અને લિલેટ દૃૂબેએ અભિનય કર્યો છે) અને સુંદૃર સી. નામના સાઉથ ઇન્ડિયન ડિરેકટરે બનાવેલી ‘બાહુબલિ' ટાઈપની ભવ્યાતિભવ્ય તમિલ ફિલ્મ ‘સંઘમિત્રા'. એ.આર. રહેમાનના સંગીતવાળી અતિ ખર્ચાળ ‘સંઘમિત્રા'માં શ્રુતિ હસન, જયરામ રવિ અને આર્ય જેવાં કલાકારો છે. આ સિવાય ઓપન એર થિયેટરમાં સંજય લીલા ભણસાલીની ‘દૃેવદૃાસ'નું સ્ક્રીિંનગ થયું હતું. રીમા દૃાસ નામની એક આસામી ડિરેકટરની ‘વિલેજ રોકસ્ટાર્સ નામની ફિલ્મ પણ દૃેખાડાઈ હતી.

ભલું થજો પુનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ની ‘આફટરનૂન કલાઉડ્સ'  નામની સ્ટુડન્ટ શોર્ટ ફિલ્મનું કે જે ખુલ્લી હરીફાઈમાં ઉતરી શકી. દૃુનિયાભરમાંથી કુલ ૨૬૦૦ શોર્ટ ફિલ્મ્સ સબમિટ થઈ હતી, તેમાંથી ફકત ૧૬ જ ફિલ્મોને પસંદૃ કરવામાં આવી. આમાંની એક એટલે પાયલ ક્ાપડિયા નામની એફટીઆઈઆઈની સ્ટુડન્ટે બનાવેલી ‘આફટરનૂન કલાઉડ્સ'. શું છે એમાં?
સાઠ વર્ષની એ વિધવા સ્ત્રી છે. એના ઘરમાં એના સિવાય એેક નેપાળી કામવાળી પણ રહે છે. ૧૩ મિનિટની આ  ફિલ્મમાં કાળાડિબાંગ વાદૃળવાળી એક બપોર છે, મકાન છે, બે સ્ત્રીઓ છે અને નાની નાની શાંત ક્ષણોમાંથી ઊપસતો તેમનો સંબંધ છે. ઉષા નાઈક અને હમણાં નવાઝુદૃીન સિદ્દીકીવાળી ‘હરામખોર' ફિલ્મમાં આપણે જેને જોઈ હતી એ ત્રિમાલા અધિકારી નામની અભિનેત્રીએ ‘આફટરનૂન કલાઉડ્સ'માં અભિનય કર્યો છે.

'Afternoon Clouds'


એફટીઆઈઆઈમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગ રુપે શોર્ટ ફિલ્મ બનાવવાની હોય છે. પાયલ કાપડિયાએ સેકન્ડ યરના પ્રોજેક્ટરુપે પંદૃર દિૃવસમાં ‘આફટરનૂન કલાઉડ્સ' બનાવી હતી. પોતાની ગ્રાન્ડમધરના જીવન પરથી પાયલને આ ફિલ્મનો આઈડિયા મળ્યો હતો. બાય ધ વે, પાયલ  વિખ્યાત કન્ટેમ્પરરી ચિત્રકાર નલિની માલિનીની દૃીકરી થાય.

એફટીઆઈઆઈના સાહેબો સારી ગુણવત્તા ધરાવતી સ્ટુડન્ડ્સ ફિલ્મોને જુદૃા જુદૃા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મોકલતા હોય છે. જોકે કાન ફેસ્ટિવલમાં કોઈ સ્ટુડન્ટ ફિલ્મ મોકલી હોય એવું એફટીઆઈઆઈના ઇતિહાસમાં આ વખતે પહેલી વાર બન્યું હતું. સદભાગ્યે પહેલા જ ધડાકે ફિલ્મ સિલેકટ થઈ ગઈ. પાયલ કાપડિયાને ‘આફટરનૂન કલાઉડ્સ' સિલેકટ થઈ છેક ત્યારે ખબર પડી કે સાહેબોએ એની ફિલ્મને કાન ફેસ્ટિવલ માટે સબમિટ કરી હોતી. આજનું અખબાર આપણા હાથમાં આવશે ત્યાં સુધીમાં ‘આફ્ટરનૂન કલાઉડ્સ'ને કાન ફિલ્મોત્સવમાં કોઈ અવોર્ડ મળ્યો કે નહીં તેની આપણને ખબર પડી ચુકી હશે.

આજે એક બીજી અવોર્ડવિિંનગ શોર્ટ ફિલ્મની વાત કરવી છે. એનું ટાઈટલ છે, ‘કલ્પવૃક્ષ'. થોડાં અઠવાડિયાં પહેલાં નેશનલ અવોર્ડ્ઝથી સન્માનિત થયેલી ફિલ્મોમાં એક ‘કલ્પવૃક્ષ પણ હતી. તેને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. ‘કલ્પવૃક્ષ'ના ટેલેન્ટેડ કાઠિયાવાડી ડિરેકટરનું નામ છે, અભિજીત ખુમાણ. હિન્દૃીમાં બનેલી ફિલ્મની અવોર્ડવિનિંગ  સિનેમેટોગ્રાફી અલ્પેશ નાગરે કરી છે. પાયલ કાપડિયાની માફક અભિજીત અને અલ્પેશ પણ એફટીઆઈઆઈના સ્ટુડન્ટ્સ છે. રાધર, હતા. તેમણે પણ ‘કલ્પવૃક્ષ' ઇન્સ્ટિટ્યુટમાં પ્રોજેક્ટના ભાગરુપે બનાવી હતી.

શું છે ‘કલ્પવૃક્ષ'માં? એક યુવતી છે, મેધા. એના પિતા મૃત્યુ પામ્યા છે. પિતા સાથેનો સંબંધ છેક સુધી સતત તંગદિૃલીભર્યો રહ્યો હતો. પિતાનું મૃત્યુ થઈ ગયું અને ઘણી વાતો કહેવાની રહી ગઈ. ઘણું અધૂરું રહી ગયું. ઘણા છેડા હવામાં અધ્ધર લટકતા રહી ગયા. ધારો કે મૃત પિતા સાથે એક વાર, ફકત એક જ વાર દિૃલ ખોલીને વાત કરવાની, ગિલા-શિકવા દૃૂર કરવાની તક મળે તો? શું આ શક્ય છે? તે માટે શું કરવું પડે? બસ, આ જ ‘કલ્પવૃક્ષનું કથાવસ્તુ છે. ફિલ્મનો કથાપ્રવાહ પૌરાણિક સંદૃર્ભોને સરસ રીતે વણી લઈને, વાસ્તવ - અતિવાસ્તવ અને કલ્પના વચ્ચે માર્ગ કરતો કરતો આગળ વધતો જાય છે.

'Kalpvriksh'


‘બાપ-દૃીકરી વચ્ચેના વણસેલા સંબંધની થીમ ઘણા સમયથી મારા મનમાં હતી,' ડિરેકટર અભિજીત ખુમાણ કહે છે, ‘એક વાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ'નો એક લેખ મારા વાંચવામાં આવ્યો. એમાં એક સર્વેની વાત હતી. ૯૦ ટકા અમેરિકનોએ કહેલું કે જો વિકલ્પ આપવામાં આવે તો તેઓ મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને એક વાર મળવાનું, એમની સાથે દિૃલ ખોલીને વાત કરવાનું, એમની સાથે સમય પસાર કરવાનું પસંદૃ કરે. મને આ વાત સ્પર્શી ગઈ. બાપ-દૃીકરીની સંંબંધને આ વાત સાથે જોડી, કલ્પવૃક્ષની સંકલ્પનાનો આધાર લીધો, તેમાં મેજિક્ રિયલિઝમ ઉમેર્યું અને આ રીતે ફિલ્મનું નરેટિવ સ્ટ્રકચર ઊભું થયું.'

આર્ટહાઉસ સિનેમાના મિની સેમ્પલ જેવી આ શોર્ટ ફિલ્મનો લૂક રુપકડો છે, પણ સમજવામાં બહુ અઘરી-અઘરી લાગે છે. પહેલી વાર ફિલ્મ જોતી વખતે ‘કવિ કહેવા શું માગે છે' એવો સવાલ જાગે અને ફિલ્મ લગભગ ન સમજાય, એમ બને. જોક્ે એક વાર થીમ સમજી લીધી પછી બીજી વાર ફિલ્મ ધીરજપૂર્વક જોઈએ તો તેનું સૌંદૃર્ય ક્રમશ: ઊઘડતું જાય છે. અભિજીત ફિલ્મનું સ્વરુપ થોડું સરળ અને લોકભોગ્ય ન રાખી શક્યા હોત?

‘એફટીઆઈઆઈમાં સિનેમાની અમુક શૈલીઓને વિશેષ ઉત્તેજન આપવામાં આવે છે,' અભિજીત કહે છે, ‘અમે ‘કલ્પવૃક્ષ'માં મેજિક રિયલિઝમનો ઉપયોગ કર્યો છે. જો દૃર્શકની આંગળી પકડીને એક-એક વસ્તુ સમજાવવામાં આવે અથવા સાદૃી નરેટિવ સ્ટાઈલમાં વાત કરવામાં આવે તો આખી જોનર જ બદૃલાઈ જાત.'

Abhijeet Khuman, director - 'Kalpvriksh'


અભિજીત ખુમાણ સાવરકુંડલા પાસે આવેલા અને માંડ ત્રણ હજારની વસતી ધરાવતા સેંજલ નામના નાનકડા ગામના વતની છે. અહીં અને બાજુમાં આવેલા પીઠવડી નામના ગામમાં સ્કૂલનું ભણતર પૂરું કર્યું, સાવરકુંડલામાં અગિયારમુ-બારમુ કર્યું, રાજકોટમાં કમ્પ્યુટર એન્જિનીયરીંગ અને એમબીએની ડિગ્રી લીધી, એક વર્ષ જોબ પણ કરી. દૃરમિયાન એમને બ્રહ્મજ્ઞાન લાધી ચુક્યું હતું કે પોતાનું દિૃલ-દિૃમાગ જે ક્ષેત્ર તરફ સતત આકર્ષાય છે તે તો સિનેમા છે.

‘એન્જિનીયરીંગનાં વર્ષો દૃરમિયાન મેં અને મારા મિત્ર બ્રિજેશ મૂલિયાએ સાવ કાચી કહેવાય એવી ત્રણેક શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. ઠીક ઠીક પ્રશંસા પણ મળી હતી. સુરતમાં જોબ કરતો હતો તે દૃરમિયાન મને સમજાયું કે કામના ભાગ રુપે બીજાઓ સામે મોટિવેશનલ  સ્પીચ આપવાનું સહેલું છે, પણ જો હું ખુદૃ મારા પેશનને ફોલો કરતો ન હોઉં, રિસ્ક લેતો ન હોઉં તો મતલબ શો છે? આથી મેં એફટીઆઈઆઈમાં ટેલીવિઝન ડિરેકશનના એક વર્ષના કોર્સમાં અપ્લાય કર્યું. ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો ને કોર્સ કરવા પુના આવી ગયો.'

એફટીઆઈઆઈનો આખો માહોલ જ અલગ હતો. અહીં સમાન તાસીર ધરાવતા જોશીલા યંગસ્ટર્સનો મેળો લાગ્યો હતો. ગોડફાધર હોય કે તગડા સંપર્કો હોય તો જ ફિલ્મલાઈનમાં પગ મૂકવાની િંહમત કરાય એવા જે ખોટો ડર અગાઉ મનમાં ઘર કરી ગયેલો તે એફટીઆઈઆઈમાં જતાં જ ઓગળી ગયો. અહીં જ બેચમેટ અલ્પેશ નાગર સાથે દૃોસ્તી થઈ. મૂળ ઉદૃયપુરના પણ હવે વડોદૃરાના અલ્પેશે પણ ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચમાં એન્જિનીયરીંગ કર્યું છે.

Alpesh Nagar, cinematographer - 'Kalpvriksh'


‘એન્જિનીયરીંગ મેં માંડ માંડ પૂરું કર્યું હતું,' અલ્પેશ હસે છે, ‘મને મૂળ ડિઝાઈિંનગમાં રસ હતો. અમદૃાવાદૃની એનઆઈડીમાં મારે એડમિશન લેવું હતું, પણ મને સંગીત, કોસ્ચ્યુમ્સ, આર્ટ ડિઝાઈન, સ્ટોરીટેિંલગ આ બધામાં પણ ખૂબ રસ પડતો હતો. આ તમામનું જેમાં સંયોજન થતું હોય એવી એક જ વસ્તુ છે - સિનેમા! આથી મેં  એફટીઆઈઆઈમાં એક વર્ષનો કોર્સ ર્ક્યો.'

અહીં અભ્યાસક્રમના ભાગરુપે વિદ્યાર્થીઓને શોર્ટ ફિલ્મ બનાવે ત્યારે આઠ-આઠ કલાકની ત્રણ શિફટ અને બાર કલાકની એક શિફ્ટ એમ કુલ ૩૬ કલાકમાં શૂિંટગ પૂરું કરી નાખવું પડે. શૂટિંગ માટે ઈન્સ્ટિટ્યુટથી વધુમાં વધુ ૪૫થી ૫૦ કિલોમીટર  દૃૂર જઈ શકાય, તેનાથી વધારે નહીં. ચાર દિૃવસમાં એડિિંટગ અને પાંચ દિૃવસમાં સાઉન્ડ તથા મ્યુઝિક આટોપી લેવાનું. ઇન્સ્ટિટ્યુટ તરફથી કેમેરા અને ક્રેન જેવાં ઉપકરણો ઉપરાંત બાવીસ હજાર રુપિયા બજેટ પેટે આપવામાં આવે. જો બજેટ વધી જાય તો ખુદૃના ખિસ્સામાંથી નાણાં કાઢવાના.

અલ્પેશ કહે છે, ‘અમે ‘કલ્પવૃક્ષ' માટે બ્રાઉન અને રેડ કલર-પેલેટનો ઉપયોગ કર્યો છે. ભુખરો રંગ ઉદૃાસીનું પ્રતીક છે. નાયિકા લાલ રંગના કપડાં પહેરે છે. લાલ રંગ પિતા પ્રત્યેના એના ક્રોધનું પ્રતીક છે.'

સુંદૃર સિનેમેટોગ્રાફી નિ:શંક્પણે ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. ‘કલ્પવૃક્ષ'ની સિનેમેટોગ્રાફીને નેશનલ અવોર્ડ ઉપરાંત પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ અવોર્ડ મળ્યો હતો. અત્યાર સુધીમાં દૃેશવિદૃેશના લગભગ અઢાર ફિલ્મોત્સવોમાં ‘કલ્પવૃક્ષનું સ્ક્રીિંનગ થઈ ચુકયું છે.

સો ફાર સો ગુડ. હવે પછી શું? ૨૦૧૬ના મધ્યમાં એફટીઆઈઆઈનો કોર્સ પૂરો થયા બાદૃ અભિજીત અને અલ્પેશ બન્ને મુંબઈ શિફટ થઈ ચુક્યા છે. તેઓ હવે એક ગુજરાતી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. અભિજીત કહે છે, ‘આમાં સેમી-નેરેટિવ શૈલીમાં ત્રણ અલગ અલગ કિરદૃારોની વાર્તાઓને સાંકળી લેવામાં આવી છે. ંએક ચારણ છે, એક દૃલિત ડોકટર છે અને એક પક્ષીવિદ્ છે. ત્રણેય વાર્તાઓમાં વિસ્થાપનનો મુદ્દો કેન્દ્રમાં છે. આ ફિલ્મનું ટાઈટલ અમે ‘પ્રબોધગાથા' રાખ્યું છે.'

...અને ‘પ્રબોધગાથા' સમજવામાં બહુ અઘરી-અઘરી નહીં જ હોય. પ્રોમીસ!


૦૦૦૦

Monday, May 22, 2017

Cannes 2017: મૃત પ્રેમિકા વીસ વર્ષે ભૂત બનીને પાછી ફરે ત્યારે...

 સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - બુધવાર  - ૨૧ મે ૨૦૧૭ 

મલ્ટિપ્લેકસ 

એક સાથે કેટલીય સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવતો છેલછોગાળો સૈનિક્, ક્ડિનેપ થઈ જતું મહાકાય પ્રાણી , ગામલોકો જેને ડાકણ ગણે છે એ નાનક્ડી બાળકી, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રેફ્યુજીઓ... આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિષય વૈવિધ્ય ઊડીને આંખે વળગે એવું છે.  

Ismael's Ghosts


ફ્રાન્સમાં કાન નામના રુપકડા શહેરમાં હાલ જગવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. (સ્પેિંલગ ભલે CANNES હોય, પણ તેનો ઉચ્ચાર કાન થાય, કાન્સ નહીં.) માત્ર વર્લ્ડ સિનેમામાં જ નહીં, ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભારે દૃબદૃબો છે. કાન ફેસ્ટિવલની આ સિત્તેરમી એડિશન છે. ૨૮ મેએ આ બાર દિવસીય ફેસ્ટિવલની પૂર્ણાહૂતિ થશે. અહીં જેનું સ્ક્રીિંનગ થઈ રહ્યું છે એમાંની કેટલીય ફિલ્મો આખી વર્ષ ગાજતી રહેશે અને છેક આગામી ઓસ્કર સુધી એના પડઘા સંભળાયા કરશે. આ વખતના કાન ફેસ્ટિવલમાં કઈ ફિલ્મોની સૌથી વધારે ચર્ચા છે? જોઈએ.

ઈસ્માઈલ્સ ઘોસ્ટ્સ: કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલની ઓપિંનગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફેસ્ટિવલનો શુભારંભ ‘ઈસ્માઈલ્સ ઘોસ્ટ્સ' નામની ફ્રેન્ચ ફિલ્મના પ્રિમીયરથી થયો. શું છે તેની સ્ટોરી? એક ફિલ્મમેકર છે. પહેલી નજરે તો એવું જ લાગે કે પોતાની પત્ની સાથે એ ઠીક ઠીક ખુશહાલ જિંદૃગી જીવી રહ્યો છે. એની નવી ફિલ્મનું શૂિંટગ શરુ થાય એટલી જ વાર છે, પણ કોણ જાણે ક્યાંથી એની ભૂતપૂર્વ પ્રેમિકા ઓિંચતાં એના જીવનમાં પાછી પાછો પ્રવેશે ક્રે છે. કરેકશન. એ  ભૂતપૂર્વ પ્રેમિકા નહીં, પણ પ્રેમિકાનું ભૂત છે, કેમ કે એ તો વીસ વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. ભૂતિયા ગર્લફ્રેન્ડની એન્ટ્રીથી ફિલ્મમેકરના સંબંધોમાં ભૂકંપ આવી જાય છે. એને હવે ભાન થાય છે કે પોતાની પ્રેમિકાને એ ક્યારેય ભુલ્યો જ નહોતો.

અરનોદૃ દૃીપ્લીશા નામના ડિરેકટરે બનાવેલી ફિલ્મના કલાકારોમાં એક નામ પરિચિત છે - શાર્લોટ ગેન્સબર્ગ કે જેણે ફિલ્મમેકરની પત્નીની ભુમિકા ભજવી છે. શાર્લોટને અગાઉ આપણે લાર્સ વન ટ્રિઆ નામના વિવાદૃાસ્પદૃ ડેનિશ ફિલ્મમેકરની ‘એન્ટિક્રાઈસ્ટ' (આ કોલમમાં આ ફિલ્મ વિશે આપણે વિગતે વાત કરી ચુકયા છીએ. મારા બ્લોગ પર જઈને સર્ચ મારો. મળી જશે.) અને ‘નિમ્ફોમેનિયાક' જેવી અતિ વિવાદૃાસ્પદૃ ફિલ્મોમાં ખતરનાક ભુમિકાઓમાં જોઈ ચુક્યા છીએ. અલેહાન્દ્રો ઇનારીતુની ખૂબ વખણાયેલી ‘ટ્વેન્ટીવન ગ્રામ્સ'માં પણ શાર્લોટનો સરસ રોલ હતો.

હેપ્પી એન્ડ: આ ફિલ્મના ડિરેકટર છે, માઈકલ હાનેકે. ૭૫ વર્ષની ઉંમર છે, પણ આ મૂળ ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકર આ ઉંમરે પણ અફલાતૂન ફિલ્મો બનાવી જાણે છે. ૨૦૦૯માં એમને ‘ધ વ્હાઈટ રિબન' નામની ફિલ્મના નિર્દૃેશન બદૃલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ડિરેકટરનો ગોલ્ડન પામ અવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં ‘આમોર' નામની અદૃભુત ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મે પણ માઈકલને ગોલ્ડન પામ અવોર્ડ તો અપાવ્યો જ, પણ સાથે સાથે આ તેણે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર અવોર્ડ પણ જીતી લીધો હતો. (ડિટ્ટો. આ કોલમમાં આપણે ‘આમોર' વિશે પણ વિગતવાર ચર્ચા કરી ચુકયા છીએ. મારા બ્લોગ પર જઈને Amour સર્ચ મારશો એટલે લેખ મળી જશે.) આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં માઈક્લ હાનેકેની ‘હેપ્પી એન્ડ'નું સ્ક્રીિંનગ થવાનું છે. તેમાં ફ્રાન્સના એક નગરમાં રેફ્યુજી તરીકે કટોકટીનો સામનો કરી રહેલા પરિવારની વાત છે. ધારો કે ‘હેપ્પી એન્ડ' માટે પણ માઈકલ હાનેકેને સર્વશ્રેષ્ઠ ડિરેકટરનો અવોર્ડ મળે તો કાન ફિહ્લમ ફેસ્ટિવલના ઇતિહાસમાં ત્રણ-ત્રણ વાર ગોલ્ડન પામ અવોર્ડ જીતનારા પહેલા ડિરેકટર તરીકે એમનું નામ સુવર્ણાક્ષરે નોંધાઈ જશે.

Okja


ઓક્જા:  મિજા નામની એક કોરીઅન છોકરી છે. એના બેસ્ટ ફ્રેન્ડનું નામ છે, ઓક્જા. ઓક્જા ભયાનક દૃેખાવ અને રાક્ષસી કદૃ ધરાવતું વિરાટ પ્રાણી છે. જોકે બિચારું ડાહ્યું અને ફ્રેન્ડલી છે. એક દિૃવસ આ જાનવરને કોઈ ઉઠાવી જાય છે અને અમેરિકા મોકલી આપે છે. મિજા કોઈ પણ હિસાબે આ પ્રાણીને બચાવવા માગે છે, કેમ કે જો એ એમ ન કરે તો મોટી કોર્પોરેટ કંપની એના હાલહવાલ કરી નાખે. તો આ છે ‘ઓક્જા'નું કથાનક. કાન ફેસ્ટિવલમાં સામાન્યપણે આ  પ્રકારની ‘કમર્શિયલ' થીમ ધરાવતી ફિલ્મો ઓછી સિલેકટ થાય છે, પણ ‘ઓક્જાની વાત અલગ છે, કેમ કે આ ફિલ્મ બનાવનારા બોન્ગ જૂ-હૂ નામના ડિરેક્ટર વર્ષોથી કાન ફેસ્ટિવલના આયોજકોના ફેવરિટ રહ્યા છે.      

ધ બિગાઈલ્ડ: અંગ્રેજીમાં ટુ બિગાઈલ એટલે કોઈને મોહિત કરી દૃેવા. બિગાઈલ્ડ એટલે મોહિત થઈ ગયેલા. આ ફિલ્મ સોફિયા કપોલાએ બનાવી છે. સોફિયા કપોલા એટલે ‘ગોડફાધર સિરીઝ બનાવીને અમર થઈ ગયેલા ફિલ્મમેકર ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની દૃીકરી. ૪૬ વર્ષીય સોફિયાના નામે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન' જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ બોલે છે. એમને આ ફિલ્મનો ઓરિજિનલ સ્ક્રીનપ્લે લખવા બદૃલ ઓસ્કર મળેલો.

‘ઘ બિગાઈલ્ડ'માં શું છે? લગભગ દૃોઢસો વર્ષ પહેલાંના અમેરિકાનો સમયગાળો છે. માનવવસ્તીથી દૃૂર કોઈ અંતરિયાળ જગ્યાએ હવેલી જેવી લેડીઝ હોસ્ટેલ ઊભી છે. અહીં રહેતી છોકરીઓ સીધુંસાદૃું અને ગોઠવાયેલું જીવન જીવે છે. એક દિૃવસ અચાનક એક ઘાયલ સિપાહી (કોલિન ફરેલ) અહીં આવી ચડે છે. સૌથી સિનિયર સ્ત્રી (નિકોલ કિડમેન) એને ઘરમાં લાવે છે, એની સારવાર કરે છે. એ વખતે ક્યાં કોઈને ખબર હતી કે આ અજાણ્યા હેન્ડસમ પુરુષના આવવાથી સૌના જીવનમાં ભયંકર  ઉથલપાથલ થઈ જવાની છે. પુરુષ સ્વભાવે રસિક છે, ચાર્મિંગ છે. કામવાળી સહિત લગભગ બધી યુવતીઓ સાથે એ ઈશ્કના પેચ લડાવવા લાગે છે. સ્ત્રીઓ પણ સિપાહી પર મોહિત થઈ ગઈ છે. પેલો સૌને વારાફરતી રમાડ્યા કરે છે. સેક્સ્યુઅલ ટેન્શન, ઈર્ષ્યા, માલિકીભાવ અને બદૃલાની ભાવનાથી હોસ્ટેલનો માહોલ છલકાઈ જાય છે. બધી સ્ત્રીઓ સાથે વારાફરતી મજા કરતા સિપાહીએ જોકે આખરે ભયંકર િંહસાના ભોગ બનવું પડે છે.
થોમસ કલિનેલ નામના લેખકે લખેલી આ જ ટાઈટલવાળી નવલકથા પરથી આ ફિલ્મ બની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સોફિયા કપોલા ખાસ ફોર્મમાં નથી. બધાને એ જોવામાં રસ છે કે ‘ઘ બિગાઈલ્ડ'થી તેઓ પાછાં ફોર્મમાં આવે છે કે કેમ.

The Beguiled


 ફ્લેશ એન્ડ સેન્ડ: હમણાં થોડી વાર પહેલાં જ ઉપર જેનો ઉલ્લેખ કર્યો એ અલેહાન્દ્રો ઈનારીતુ એક એવા મેક્સિકન ડિરેક્ટર છે જેમની ફિલ્મોની દૃુનિયાભરના ફિલ્મી રસિયાઓ અધ્ધર શ્ર્વાસે રાહ જોતા હોય છે. ‘બેબલ', ‘બર્ડમેન' અને ‘ધ રેવનન્ટ' જેવી અદૃભુત ફિલ્મો આ માણસના બાયોડેટામાં બોલે છે. આમાંની છેલ્લી બે ફિલ્મો માટે એમણે  ૨૦૧૪ અને ૨૦૧૫માં બેક-ટુ-બેક બે વખત બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર જીતી લીધો હતો. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇનારીતુ ‘ફ્લેશ એન્ડ સેન્ડ' લઈને આવ્યા છે. ના, આ રેગ્યુલર ફિચરલેન્થ ફિલ્મ નથી, બલકે માત્ર સાડાછ મિનિટની વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ફિલ્મ છે. વીઆર ફિલ્મમાં તમારે તોતિંગ સાઈઝના ગોગલ્સ જેવું ઉપકરણ આંખો પર પહેરી લેવાનું હોય છે, જેના કારણે તમે માત્ર દૃર્શક બની રહેતા નથી, બલકે ખુદૃ જાણે ફિલ્મમાં ચાલતી ઘટમાળનો હિસ્સો હો એવો અનુભવ કરો છો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ વીઆર ફિલ્મ સિલેકટ થઈ હોય એવું આ વખતે પહેલી વાર બન્યું છે. આમાં ઇમિગ્રન્ટ અને રેફ્યુજી તરીકે જીવતા લોકોની કઠણાઈની વાત છે.

આ ફિલ્મ શૂટ કોણે કરી છે? ઇમેન્યુએલ લુબેઝ્કીએ. ઈમેન્યુએલ લુબેઝ્કી કોણ? બેક-ટુ-બેક ત્રણ વખત બેસ્ટ સિનેમેટોગ્રાફરનો ઓસ્કર જીતવાનો વર્લ્ડ રેકોર્ડ જેના નામે બોલે છે, તે. આ ફિલ્મો એટલે ‘ગ્રવિટી' (૨૦૧૩), ‘બર્ડમેન' (૨૦૧૪) અને ‘ધ રેવનન્ટ' (૨૦૧૫), જેનાં વિઝ્યુઅલ્સ  જોઈને આખી દૃુનિયા ઝુમી ઉઠી હતી. કલ્પના કરો, ઈનારીતુ અને લુબેઝ્કી જેવા બે જબરદૃસ્ત ટેલેન્ટેડ કલાકારોએ ભેગા થઈને જે વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મ બનાવી છે તે કેટલી અફલાતૂન હશે!

બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી: આ એક થ્રિલર છે જેને ડિરેકટ કરી છે, રોમન પોલન્સ્કીએ. ૮૩ વર્ષના રોમન પોલન્સ્કી એક માસ્ટર ફિલ્મમેકર છે. આપણને આજેય એમની ‘રોઝમેરીઝ બેબી' નામની યાદૃગાર હોરર ફિલ્મ જોવાનો જલસો પડે છે. એન્ડ યેસ, રોમન પોલન્સ્કી એ વિવાદૃાસ્પદૃ ફિલ્મમેકર છે, જેમના પર સગીર વયની બાળા સાથે શરીર સંબંધ બાંધવાનો આરોપ પૂરવાર થઈ ચુકયો છે. આ ગુના સબબ છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ અમેરિકામાં પગ મૂકી શકયા નથી. ખેર, આપણે આ વિવાદૃમાં હાલ ન પડતાં એમની લેટેસ્ટ ફિલ્મ વિશે વાત કરીએ. ‘બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી'માં એક એવી ભેદૃી સ્ત્રીની વાત છે, જે એક ફેમસ લેખકના જીવનમાં ધરાર ઘુસવાની કોશિશ કરે છે.  આ સ્ત્રીની ભુમિકા પોલન્સ્કીની પત્ની ઇમેન્યુએલ સિગનરે ભજવી છે.        

લવલેસ: આન્દ્રે ઝિવ્યાગિન્ટસેવ જેવું અટપટું નામ ધરાવતા રશિયન ફિલ્મમેકરની આ ફુલલેન્થ ફિલ્મ છે. ભૂતકાળમાં એમની ‘લેવિએન્થન' નામની ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનું ઓસ્કર નોમિનેશન મળી ચુક્યું છે. આ વખતની ફિલ્મમાં એક એવા પરિવારની વાત છે જેમાં પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થયા કરે છે. બન્નેને માત્ર ક્રોધ અને તિરસ્કાર વ્યક્ત કરતાં આવડે છે. પ્રેમ કેવી રીતે વ્યક્ત કરાય તે જાણે કે તેઓ શીખ્યાં જ નથી. આવા માંદૃલા માહોલમાં સંતાનનો ઊછેર કેવો થાય? આ કપલનો દૃીકરો ત્રાસીને ક્યાંક નાસી ગયો છે. આથી એનું પગેરું શોધવા પતિ-પત્નીએ નછૂટકે એકબીજા સાથે સંપીને પગલાં ભરવાં પડે છે. આ ફિલ્મ માટેય કાન ફેસ્ટિવલમાં આ વખતે ઠીક ઠીક હવા બની છે.
  
જેના વિશે ઉત્સુકતા ફેલાઈ છે એવી આ સિવાયની પણ બીજી ઘણી ફિલ્મો છે, જેમ કે, ‘વંડરસ્ટ્રક' (બે મૂકબધિર બાળકોની વાત, જે ક્રમશ: પચાસ વર્ષના અંતરાલમાં ફેલાય છે), ‘આઈ એમ નોટ અ વિચ' (જેમાં એક નવ વર્ષની બાળકીને ગામમાં બધા ડાકણ ગણે છે), ‘ધે' (આમાં તરુણાવસ્થા પાછળ ઠેલવા માટે હોર્મોન્સ લેતા ટ્રાન્સજેન્ડર ટાઈપના કિશોરની વાત છે), ‘ધ કિલીંગ ઓફ સેક્રેડ ડીઅર' (ખતરનાક ટીનેજરની વાત કરતી આ સાઈકોલોજિકલ થ્રિલરમાં ‘ધ બિગાઈલ્ડ'નાં બે કલાકારો રિપીટ થાય છે - કોલિન ફરેલ અને નિકોલ કિડમેન), ‘રિડાઉટેબલ' (આ ફિલ્મમાં મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર ગોદૃાર્દૃ સાથે એન વિઆઝેમ્સ્કી નામની એકટ્રેસના રોમાન્સની વાત છે) વગેરે.

આ બધું તો જાણે બરાબર, પણ ભારતીય ફિલ્મોનું શું? આપણને જરાય ન ગમે એવી હકીકત એ છે કે આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલની મુખ્ય કેટેગરીઝમાં ભારતની એક પણ ફુલલેન્થ ફિચર ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું નથી. સદૃભાગ્યે સમ ખાવા પૂરતી એક શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ઊતરશે, જેનું ટાઈટલ છે, ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ'. પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણતા સ્ટુડન્ટ્સે આ ફિલ્મ તૈયાર કરી છે. આ ઉપરાંત અન્ય એફટીઆઈઆઈ સ્ટુડન્ટ્સની ‘કલ્પવૃક્ષ' નામની એક ઓર શોર્ટ ફિલ્મ વિશે પણ વાત કરવી છે. આવતા રવિવારે.    

0 0 0