Tuesday, July 30, 2013

ટેક ઓફ : અધ્યાત્મ અને અનુભૂતિ : બુદ્ધિના સીમાડાની પેલે પાર...


Sandesh - Ardh Saptahik Purty - 1 August 2013

Column: ટેક ઓફ

'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો. મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. નાથાભાઈ જોશીએ કહ્યું: હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો છે.'


ગુરુપૂર્ણિમાના પર્વ પર આ વખતે કેટલાય ગુજરાતીઓએ ગોંડલવાસી નાથાભાઈ જોશીની ગેરહાજરી તીવ્રતાથી અનુભવી હશે. નાથાભાઈ એટલે કશુંક 'ભાળી ચૂકેલો' આત્મા. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહેલા અત્યંત લો-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ, જેમનું મે મહિનામાં નિધન થયું. નાથાભાઈના શિષ્યોમાં (એમને તો 'શિષ્ય' શબ્દ સામે પણ વિરોધ હતો) પત્રકારો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં નામ બોલે છે, છતાંય જાહેર માધ્યમોમાં તેમના વિશે ભાગ્યે જ કશુંક લખાયું છે કે ચર્ચાયું છે. તેમના વિશે ઝાઝી વાત પણ ન કરવાની એક સ્વયંશિસ્ત અનુયાયીઓએ પાળી છે.
જોકે નાથાભાઈના જીવનકાળ દરમિયાન એમના વિશે સ્વર્ગસ્થ કવિ મકરંદ દવે સહેજ ખૂલીને બોલ્યા હતા, સુરેશ દલાલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં. આ સોળેક વર્ષ પહેલાંની વાત છે. મકરંદ દવે વાત કરી શક્યા એનું કારણ એ હશે કે નાથાભાઈ સાથે તેમનો મૈત્રીનો સંબંધ હતો, ગુરુ-શિષ્યનો નહીં. બંનેની પહેલી મુલાકાત જે સંજોગોમાં થઈ હતી તે આખો કિસ્સો ભારે રસપ્રદ છે. તર્કને જરા એક બાજુ પર મૂકીને સાંભળવા જેવી આ અલૌકિક વાત છે.
Nathabhai Joshi (Gondal)

મકરંદ દવે યુવાનીમાં રાજકોટના એક અખબારમાં સબ-એડિટર તરીકે કામ કરતા હતા. એક વાર રાતે બે વાગ્યે અચાનક તેમની નાભિમાંથી અવાજ આવ્યોઃ 'હરિ બોલ... હરિ બોલ.' મકરંદ દવે ચમકી ગયા. થોડું પાણી પીધું ને આમતેમ આંટા માર્યા એટલે એ અવાજ, એ અનુભૂતિ જતા રહ્યા. બીજા દિવસે રાત્રે ફરી પાછો આ અનુભવ થયો. કવિ મૂંઝાઈ ગયા. દિવસે ઓફિસમાં તો બરાબર કામ થાય છે, પણ રાતે અચાનક શું થઈ જાય છે? નર્વસ બ્રેકડાઉન થઈ ગયો કે શું? ધીમે ધીમે એ સ્થિતિ આવી ગઈ કે દિવસ દરમિયાન પણ એકાએક'હરિ બોલ' અવાજ સંભળાવા લાગ્યો. મકરંદ એના તરફ ધ્યાન ન આપે, ઇચ્છાશક્તિથી અનુભૂતિને દબાવી દે, પણ એક રાત્રે ફરી પાછું નાભિમાંથી 'હરિ બોલ' સંભળાયું ને મકરંદ ભયંકર ચીસ પાડી ઊઠયા. એવું લાગતું હતું કે જાણે મગજની નસો ફાટી જશે. સવારે જાગ્યા ત્યારે વિસ્ફોટ પછીની શાંતિ અનુભવાઈ, પરંતુ રાતે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે મકરંદ કાબૂ ગુમાવી બેઠા. એમને અવાજ સંભળાયોઃ "તમે ગોંડલ જાઓ. એક માણસ તમને મળશે. એ બધું સમજાવશે." મકરંદે કહ્યું: "મારા પર દૈનિકની જવાબદારીઓ છે. કામ મૂકીને કેવી રીતે જાઉં?" અવાજ આવ્યોઃ "તમે જાઓ. તમારે જવું જ પડશે."
બીજા દિવસે અખબારના માલિક અને તંત્રી વચ્ચે મતભેદ થઈ ગયો. માલિકે તંત્રીને છૂટા કર્યા. તંત્રીને અન્યાય થઈ રહ્યો છે એવું લાગતા સાથી પત્રકારોએ સામૂહિક રાજીનામું આપી દીધું. મકરંદ દવે પરથી ચમત્કારિક રીતે કામની જવાબદારીઓ જતી રહી! હવે ધારે તો તેઓ ગોંડલ જઈ શકે એમ હતા, પણ એ રહ્યા બુદ્ધિવાદી માણસ. આ જે અવાજો સંભળાય છે એ કેવળ ભ્રમણા કે માનસિક બીમારી હોય તો? તર્કની શક્તિમાં વિશ્વાસ હોવા છતાં મકરંદ મૂંઝાયા કરે. ભૂખ-તરસ જાણે મરી ગઈ. ગિરનાર જઈને કોઈ યોગીને મળવાની ઇચ્છા થયા કરે. જોકે એમને જૂનાગઢ જવાની જરૂર જ ન પડી. એક દિવસ એક મિત્રે કહ્યું કે જૂનાગઢથી નાથાભાઈ જોશી નામના એક કૃષ્ણભક્ત આવ્યા છે. જૂનાગઢનું નામ પડતાં મકરંદ દવેના કાન ચમક્યા. નાથાભાઈને મળવા ગયા ત્યારે ઘણા માણસો બેઠા હતા. મકરંદ દવેએ કહ્યું: "એક પ્રશ્ન પૂછવો છે. કશુંક જાણવું છે મારે. તમને ખબર પડે?" જવાબ મળ્યોઃ "ભાઈ, આજે તો ઘણા લોકો છે, કાલે આવજો."

બીજા દિવસે સવારે નવ વાગ્યે નાથાભાઈ બારણે રાહ જોતા ઊભા હતા. મકરંદ દવેને ઓરડામાં લઈ જઈ બારણાં બંધ કર્યાં. નાથાભાઈ કહે, "તમે કશું કહેશો નહીં. હું કહું છું." પછી 'હરિ બોલ'ના અવાજથી માંડીને મકરંદ દવેને જે કંઈ અનુભવો થયા હતા તે બધા જ નાથાભાઈ બોલી ગયા. ત્યારબાદ ઉમેર્યું: "આ બધું જ સાચું છે, ભ્રમણા નથી, કલ્પના નથી. ભગવાનનો આ અનુગ્રહ છે. તમે એનો સ્વીકાર કરો.' મકરંદ દવે કહેઃ "મારી આજીવિકાનું શું? બા-કુટુંબનું શું?" નાથાભાઈએ જવાબ આપ્યો કે ભગવાનનું નામ લો, બાકીની ચિંતા મા જગદંબા પર છોડી દો. મકરંદ દવેના મનનું સમાધાન થઈ ગયું. પ્રશ્નો દૂર થયા. શાંતિનો અનુભવ થયો.
આ રીતે નાથાભાઈ સાથે બંધાયેલો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો અને મૃત્યુપર્યંત જળવાઈ રહ્યો. બંને ભેગા થાય એટલે ગંભીર વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડે અને હાસ્ય શમે ત્યાં અંતર્લીન, ભાવમસ્ત અવસ્થા આવી જાય. મકરંદ દવે કહે છે, "અધ્યાત્મ અને અંગત પ્રાપ્તિની એવી કોઈ ભૂમિકા નહીં હોય જેના વિશે અમે ઝીણી નજરે ન જોયું હોય. ઘણા પડદા હટાવીને અંતરંગ વાતો થઈ છે, સંવેદના અનુભવી છે."
મકરંદ દવે આપણી ભાષાના શ્રેષ્ઠતમ કવિઓમાંના એક છે. એ જ્યારે કશુંક ગંભીરતાથી કહેતા હોય ત્યારે આપણા વૈજ્ઞાાનિક મિજાજને ઝટકો લાગે તો પણ સાંભળવું જોઈએ. એક વખત નાથાભાઈ સાથે મકરંદ દવે શક્તિપાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. શક્તિપાત એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પવિત્ર મંત્ર, દૃષ્ટિ કે સ્પર્શથી આધ્યાત્મિક શક્તિનું આરોપણ કરે એ. સામાન્યપણે આ ઘટના ગુરુ-શિષ્ય વચ્ચે બનતી હોય છે. મકરંદ દવેએ કહ્યું કે હું કંઈ શક્તિપાતમાં માનતો નથી. વ્યક્તિએ સ્વયં પોતાની જાતને પ્રગટ કરવી જોઈએ. નાથાભાઈ કહે, "ના, એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવદ્ શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઈ શકે." મકરંદના ગળે વાત ન ઊતરી. નાથાભાઈ ઊભા થઈને મકરંદ પાસે આવ્યા. એમના મસ્તક પર હાથ મૂક્યો. કંઈક અજબ ચમક હતી નાથાભાઈની આંખોમાં. એ વખતે તો કશું થયું નહીં, પણ સાંજ થતા પરિસ્થિતિ પલટાઈ ગઈ.


'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો,' મકરંદ દવે કહે છે, "મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. હું તેમાં ડૂબી ગયો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આ મને શું થઈ ગયું છે? હું નાથાભાઈને કહેવા ગયો. એમણે મને પૂરી અને દહીં ખવડાવ્યાં. ત્યારબાદ શાંતિ થઈ ગઈ. તેમણે કહ્યું: "હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો." આ જગતના કેન્દ્રમાં એક શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ પ્રકાશ છે. જ્ઞાાનનો પ્રકાશ છે. પ્રકાશનાં આવર્તનો છે. અમારો સંબંધ ભગવતી શક્તિના ખોળામાં ખીલ્યો છે. 'મા' એટલે સર્વસ્વ. 'મા'ને આમ જીવંત, જાગ્રત રીતે અનુભવવી તે મને જીવનનો સાર લાગ્યો છે."
સઘળું તર્કની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. બધું જ ઈન્દ્રિયોના જોરથી સમજી શકાતું નથી. બુદ્ધિના સીમાડાની પેલે પાર એવું કશુંક હોય છે જેની પાસે કેવળ શ્રદ્ધાના માધ્યમ થકી જ પહોંચી શકાય!
                                           0 0 0 

Saturday, July 27, 2013

મલ્ટિપ્લેક્સ : 'શિપ ઓફ થિસિયસ' : યે હુઈ ન બાત!


Sandesh - Sanskaar Purti - 28 July 2013, Sunday

મલ્ટિપ્લેક્સ 

એક તરફ આર્ટ સિનેમાના નામે ઘટિયા ફિલ્મો બને છે અને બીજા છેડે તેજસ્વી ગુજરાતી યુવાન આનંદ ગાંધીએ બનાવેલી 'શિપ ઓફ થિસિયસજેવી ઉત્તમ ફિલ્મ ઊભી છે,જેને જોઈને સંવેદનશીલ દર્શકને જાણે ભીતર શાંત વિસ્ફોટ થયો હોય એવી અનુભૂતિ થાય છે.

જકાલ આપણે ત્યાં જીવને ઠંડક થાય એવી ફિલ્મી ઘટનાઓ બની રહી છે. કંઈકેટલાય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તરખાટ મચાવનાર 'શિપ ઓફ થિસિયસ' ફેસ્ટિવલ સર્કિટમાં જ ચૂપચાપ ઘૂમરાયા કરીને પછી ચૂપચાપ ઢબુરાઈ ગઈ હોત, જો એને આમિર ખાનના સ્ટાર-પાવરનો સ્પર્શ થયો ન હોત. આમિર કરતાં ખાસ તો એની પત્ની કિરણ રાવનો. એક ફિલ્મ ફેસ્ટિવલમાં 'શિપ ઓફ થિસિયસ' જોઈને કિરણ એટલી પ્રભાવિત થઈ કે આ ફિલ્મને કમર્શિયલ ફિલ્મોની જેમ વ્યવસ્થિતપણે થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો. આમિરે આખા બોલિવૂડ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ ગોઠવ્યું. એક સુંદર ફિલ્મને પ્રોત્સાહન આપવાનો ઇરાદો હોય કે પછી આમિરની ગૂડ બુક્સમાં રહેવાની ઝંખના હોય, પણ આખી ઇન્ડસ્ટ્રી આ ફિલ્મ જોવા ઊમટી પડી હતી. એક 'આર્ટ ફિલ્મ'નો આવો ગ્લેમરસ દબદબો આપણે અગાઉ ક્યારેય ભાળ્યો નથી. ૧૯ જુલાઈએ મોટાં શહેરોનાં ચુનંદા થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ. શોઝ મર્યાદિત હતા, પણ આમ દર્શકો મલ્ટિપ્લેક્સમાં જઈને બીજી કોઈ પણ મેઇનસ્ટ્રીમ ફિલ્મની માફક પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ઝાપટતાં ઝાપટતાં 'શિપ ઓફ થિસિયસ' માણી શક્યા તે બહુ મહત્ત્વની વાત છે.
Anand Gandhi
આપણને આનંદિત કરે એવી બીજી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ આનંદ ગાંધી નામના તેજસ્વી મુંબઈવાસી ગુજરાતી યુવાને લખી છે અને ડિરેક્ટ કરી છે. હિન્દી અને અંગ્રેજી મિશ્ર ભાષામાં બનેલી 'શિપ ઓફ થિસિયસ'ની આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે પ્રશંસા થઈ છે તે ચકિત થઈ જવાય એવી છે. ઇંગ્લેન્ડના ક્રિટિક્સ સર્કલે આ ફિલ્મને 'ફિફ્ટીન લાઇફ-ચેન્જિંગ ફિલ્મ્સ ઓફ ઓલ-ટાઇમ'એટલે કે આપણી જિંદગીને જોવાની-સમજવાની દૃષ્ટિ સમૂળગી પલટી નાખે એવી સર્વકાલીન શ્રેષ્ઠતમ પંદર ફિલ્મોના લિસ્ટમાં મૂકી છે. કોઈએ એને 'ભારતીય સિનેમાનું છુપાયેલું રત્ન' તરીકે ઓળખાવી છે. કોઈએ લખ્યું છે કે ચાલો, ઇન્ટરનેશનલ સર્કિટમાં છાતી કાઢીને શાનથી ઊભી રહી શકે એવી ભારતીય ફિલ્મ મોડી તો મોડી પણ આવી ખરી! ફિલ્મમેકર શેખર કપૂરે 'શિપ ઓફ થિસિયસ' જોઈને આનંદપૂર્વક કહ્યું, હાશ ચાલો હવે હું નિશ્ચિંત થઈને સંન્યાસ લઈ શકીશ!
'શિપ ઓફ થિસિયસ' ટાઇટલનો અર્થ શો છે? પ્લુટાર્ક નામના એક ગ્રીક ફિલોસોફર હતા. એમણે એક પાવરફુલ થિયરી રજૂ કરી હતી. ધારો કે જૂના થઈ ગયેલા કોઈ જહાજને રિપેરિંગની જરૂર છે. માનો કે જહાજનું કાલ્પનિક નામ 'દરિયાદેવ' છે. એની બનાવટમાં વપરાયેલા એક-એક લાકડાના પાટિયાને કાઢતા જઈને એની જગ્યાએ નવાં પાટિયાં ફિટ કરતા જઈએ તો એક સ્થિતિ એવી આવે કે જહાજમાં એક પણ જૂનું પાટિયું ન બચે. એનાં બધેબધાં પાટિયાં રિપ્લેસ થઈ ગયાં હોય. તો શું હજુય આ વહાણને'દરિયાદેવ' જ ગણવું? કલ્પના થોડી આગળ વધારો અને માની લો કે ફેંકી દેવામાં આવેલાં પેલાં જૂનાં પાટિયાંને ભેગાં કરીને એમાંથી ફરી એક વહાણ બનાવવામાં આવે છે. આ નવા બનાવેલા જહાજની ઓળખ શી? બન્ને વહાણમાંથી કયા જહાજને ઓરિજિનલ 'દરિયાદેવ' ગણવું? આ ફિલોસોફિકલ પેરાડોક્સ અથવા તો વિરોધિતા 'શિપ ઓફ થિસિયસ' તરીકે જાણીતી થઈ છે.


જો ડિફાઇન કરવી જ હોય તો કહી શકાય કે આ ફિલ્મ એક 'ફિલોસોફિકલ ડ્રામા'   છે. તેમાં જહાજની જગ્યાએ માનવશરીર છે અને પાટિયાંની જગ્યાએ શરીરનાં જુદાં જુદાં અંગો છે. ફિલ્મમાં ત્રણ જુદી જુદી વાર્તાઓ છે. પહેલી વાર્તા એક અંધ ફોટોગ્રાફર યુવતીની છે. એકલી એકલી સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે એ મુંબઈમાં ફર્યા કરે ને કેવળ ધ્વનિ તેમજ આંતરિક સમજના આધારે ફોટોગ્રાફી કરતી રહે. એણે ખેંચેલી અફલાતૂન તસવીરોનું એક્ઝિબિશન પણ ગોઠવાય છે. એક દિવસ એની નિર્જીવ આંખમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ દેખતી તો થાય છે, પણ હવે એ ફોટોગ્રાફી કરી શકતી નથી. એ તો કાળા અંધકાર વચ્ચે ફક્ત અવાજોના જોરે તસવીરો ખેંચવા ટેવાયેલી હતી. આંખો મળતાં જ એની તસવીરો ખેંચવાની આંતરસૂઝ નષ્ટ થઈ ગઈ! બીજી વાર્તા એક મધ્ય વયસ્ક સાધુની છે. સાધુ એક્ઝેક્ટલી જૈન નથી. ડિરેક્ટરે અહીં નામ દઈને ધર્મને ડિફાઇન કર્યો નથી, તે જરૂરી પણ નથી. સાધુ વિચક્ષણ છે, ધારદાર તાર્કિક દલીલો કરી શકે છે. ગંભીર બીમારીમાં એ ધરાર દવા લેતા નથી, કેમ કે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા બજારમાં મૂકતા પહેલાં નિર્દોષ પ્રાણીઓ પર જે રીતે અત્યંત ક્રૂર પદ્ધતિથી અખતરા કરતી હોય છે તેની સામે એમનો તીવ્ર વિરોધ છે. આત્યંતિક અહિંસાવાદી કહી શકાય એવા આ સાધુ લગભગ મૃત્યુની ધાર સુધી ફેંકાઈ જાય છે. તો હવે શું કરવાનું? દવા લીધા વગર મરી જવાનું? કે જિંદગીભર જે મૂલ્યોને નજર સામે રાખ્યાં છે એની સાથે સમાધાન કરી લેવાનું? 

ત્રીજી વાર્તા આખો દિવસ શેરબજારમાં રમમાણ રહેતા યુવાનની છે. એણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડી છે. એને ખબર પડે છે કે મુંબઈમાં ગરીબ દર્દીઓની જાણબહાર એનાં શરીરમાંથી કિડની કાઢી લઈને વેચી મારવાનું કૌભાંડ ચાલે છે. આવા એક કેસનું પગેરુ શોધવા એ છેક સ્વિડન પહોંચે છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં જે રીતે પરોવાય છે તે ખરેખર અદ્ભુત છે. ખરેખર તો ફિલ્મમાં એક ચોથી વાર્તા પણ પ્લાન થઈ હતી, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરવાના હતા, પણ લંબાઈ વધી જવાના ડરે આ ટુકડો પડતો મૂકવામાં આવ્યો.
'શિપ ઓફ થિસિયસ' જોઈને સંવેદનશીલ દર્શકની ભીતર જાણે શાંત વિસ્ફોટ થાય છે. આ ફિલ્મ વિચારતા કરી મૂકે છે. આપણે જેને 'પોતાપણું' કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું છે? આ પરિવર્તનશીલ સૃષ્ટિમાં સ્વ-ઓળખને કેવી રીતે વ્યાખ્યામાં બાંધવી? ફિલ્મ ઇન્ટરનેશનલ સર્કિટમાં બોમ્બની જેમ ફૂટી પછી કિરણ રાવે ફિલ્મમેકર આનંદ ગાંધીનો હાથ પકડયો. તે પછી આ બત્રીસેક વર્ષના યુવાનના ઇન્ટરવ્યૂઝનો વરસાદ વરસી ગયો. એક જગ્યાએ આનંદ કહે છે, 'આ કંઈ આર્ટ ફિલ્મ નથી. અમુક ફોર્મ્યુલામાં બંધાઈને બનતી એક્સપેરિમેન્ટલ ફિલ્મ પણ નથી. આમાં ક્લિયર-કટ સ્ટોરીલાઇન છે. પાત્રો અને પરિસ્થિતિઓ વચ્ચે પેદા થતો ટકરાવ છે અને એમાંથી જન્મતા પ્રશ્નો તેમજ મૂંઝવણો છે. સાહિત્યકૃતિ કે સિનેમા પાસે જવાનો હેતુ શો હોય છે? રાધર, શો હોવો જોઈએ?આપણી દૃષ્ટિ ખૂલે, મનની ક્ષિતિજો વિસ્તરે એવું કશુંક માણવા મળે એ. કમનસીબે આ વસ્તુ ભુલાઈ જતી હોય છે. મેં કોશિશ કરી છે કે 'શિપ ઓફ થિસિયસ' જોઈને દર્શકને કશુંક એવું મળે જે સત્ત્વશીલ હોય, નવું હોય, વિચાર કરવા પ્રેરે તેવું હોય.'
Anand Gandhi with his cinematographer, Pankaj Kumar

હું ખરેખર કોણ છું, મારા હોવા ન હોવાથી શું ફરક પડે છે, મારું વજૂદ શું છે, શું સાચું ને શું ખોટું, શું સત્ય સનાતન છે, સમય અને સંજોગો પ્રમાણે જે બદલાઈ શકે છે એને સત્ય કહેવાય? આ પ્રશ્નો ભલે ફિલોસોફિકલ ગણાય, પણ આપણા સૌના મનમાં તે ક્યારેક ને ક્યારેક નથી ઊઠતા શું? 'શિપ ઓફ થિસિયસ'ની મજા એ છે કે જરાય ભાષણબાજીમાં પડયા વિના કે ઉપદેશાત્મક થયા વિના આ કશમકશને સુંદર રીતે પેશ કરે છે. અહીં બાળસહજ વિસ્મય પણ છે અને એક પ્રકારની ફીલ-ગુડ ક્વોલિટી પણ છે. તમામ અદાકારોના અભિનય બેનમૂન છે. સિનેમેટોગ્રાફી પણ કમાલ છે. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે 'શિપ ઓફ થિસિયસ' બોર કરતી નથી. એ આગવી રીતે એન્ટરટેઇનિંગ છે અને તમને વચ્ચે વચ્ચે હસાવી પણ નાખે છે. આનંદ ગાંધીની હવે પછીની ફિલ્મનું નામ ન સમજાય એવું છે, 'તુમબડ'. એક ઔર ફિલ્મની પ્રોસેસ શરૂ થઈ છે, જે ઘણું કરીને કિરણ રાવ પ્રોડયુસ કરશે. આનંદ ગાંધીની કરિયર હવે જે રીતે આગળ વધશે તે જોવાની બહુ મજા આવશે.


હા-હા-હી-હી બ્રાન્ડ માઈન્ડલેસ અને સેન્સલેસ ફિલ્મો સિવાયનું બીજું કશું જ જોઈ ન શકનારા કે કદર ન કરી શકનારા લોકોએ આ ફિલ્મથી દૂર જ રહેવું. શુક્રવારે ફિલ્મો બદલાતાં જ ‘શિપ ઓફ થિસિયસ'  મુંબઈના થિયેટરોમાંથી એક ઝાટકે અદશ્ય થઈ જશે એવો ડર હતો, પણ ગુડ ન્યુઝ એ છે કે અહીં એનું બીજું વીક ચાલી રહ્યું છે. લોકો ફિલ્મને માણી રહ્યા છે. ઓર મજાની વાત એ છે કે અમદાવાદ અને વડોદરામાં પણ આ શુક્રવારે રિલીઝ થઈ છે. સંભવત: એ ધીમે ધીમે અન્ય મોટાં શહેરોમાં પણ જશે.  જેમને ખરેખર કશુંક નવું જોવું છે, ઉત્કૃષ્ટ જોવું છે તેમણે આ ફિલ્મ છોડવા જેવી નથી. એમાંય ડીવીડીને બદલે મોટી સ્ક્રીન પર તે જોવા મળે તો એનાથી ઉત્તમ બીજું કશું નહીં. 


શો-સ્ટોપર

અત્યાર સુધી હું મારા ડિરેક્ટરોનો ગુલામ હતો. એક રીતે એ સારું જ હતું. સૌ પોતપોતાની મુનસફી પ્રમાણે વર્તવા માંડે તો સરવાળે કશું જ સિદ્ધ થતું હોતું નથી.
- એ. આર. રહેમાન

Thursday, July 25, 2013

હોલીવૂડ હંડ્રેડ: શિંડલર્સ લિસ્ટ : અગર તુમ ન હોતે...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ  - તા. ૨૬ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગ નામનો જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોર વિશેની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખ્યા. વોટ અ રેન્જ! નાઝી નરસંહાર વચ્ચે સેંકડો યહૂદીઓને બચાવનારા ઉસ્તાદ વેપારીની વાત કરતી આ ફિલ્મ સાચા અર્થમાં એક માસ્ટરપીસ છે.  ફિલ્મ નંબર ૩૨. શિંડલર્સ લિસ્ટ 

કશી જ પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા ફિલ્મ પર આવી જઈએ. ૧૯૩૯નું વર્ષ છે. સ્થળ પોલેન્ડનું ક્રેકો નામનું નગર. બીજાં વિશ્ર્વયુદ્ધનો પ્રારંભ થઈ ચુક્યો છે. જર્મનીની સેનાએ પોલેન્ડના આર્મીને ત્રણ જ અઠવાડિયામાં હરાવી દીધું છે. ચેકોસ્લોવેકિયાથી ઓસ્કર શિંડલર નામનો એક સફળ અને રંગીન મિજાન બિઝનેસમેન અહીં આવી પહોંચે છે. એ ખુદ નાઝી પાર્ટીનો સભ્ય છે. પોલેન્ડની જ્યુ એટલે કે યહૂદી પ્રજામાં તેને સાવ સસ્તામાં શરીર તોડીને મજૂરી કરતા લાચાર કામદારો દેખાય છે. શિંડલરનો ઈરાદો એવો છે કે અહીં કારખાનું નાખી, આ ચીપ લેબરનો લાભ કરી, જર્મન મિલિટરીનાં રસોડા માટે જરુરી વાસણો મેન્યુફેક્ચર કરતી ફેક્ટરી નાખીને ચિક્કાર પૈસા બનાવવા. શિંડલર આમેય તકવાદી માણસ છે. મોંઘાદાટ કપડાં પહેરીને નાઈટ-ક્લ્બમાં મહાલતા અને નાઝી અધિકારીઓને શરાબની પાર્ટીઓ આપીને ખુશ રાખતા એેને સરસ આવડે છે. લાગતાવળગતાઓને પૈસા ખવડાવીને એ કારખાનું નાખવા માટેના જરુરી પરવાના મેળવી લે છે. આ પ્રકારનું કારખાનું એણે અગાઉ ક્યારેય ચલાવ્યું નથી એટલે એ ઈટ્ઝેક સ્ટર્ન (‘ગાંધી’ ફેમ બેન કિંગ્સલે) નામના લોકલ યહૂદી આદમીને પોતાના સલાહકાર તેમજ એડમિનિસ્ટ્રેટર તરીકે કામે રાખી લે છે. શિંડલર માટે કામ કરનાર યહૂદી કારીગરોને બહુ મોટો ફાયદો એ છે કે તેમને નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવામાં નહીં આવે. મતલબ કે શિંડલરના કારીગરોને બીજા યહૂદીઓની જેમ મારી નાખવાાં નહીં આવે, બલકે જીવતા રહેવા દેવામાં આવશે.

દરમિયાન એમોન ગોએેથ (રાલ્ફ ફાઈન્સ) નામનો એક જડભરત નાઝી ઓફિસર ક્રેકો આવે છે. એ નજીકમાં ક્યાંક ક્ધસ્ટ્રક્શનનું કામકાજ શરુ કરવા માગે છે. એના માટે ખૂબ બધા બંદીવાન યહૂદીઓની જરુર પડવાની છે. ભયાનક ક્રૂર માણસ છે આ ગોએથ. સવારે ઉઠીને સામાન્ય માણસ ચા-પાણી કરે, જ્યારે આ જલ્લાદ આળસ મરડતા મરડતા હાથમાં રાયફલ લઈને બાલ્કનીમાંથી જે કોઈ દેખાય એ યહૂદીને વીંધી નાખે. એમ જ, કશા જ કારણ વગર. જીવતાજાગતા માણસનું શરીર એના માટે રાયફલ શૂટિંગની પ્રેક્ટિસ કરવા માટે વપરાતાં પૂંઠાના કાર્ડબોર્ડ કટઆઉટથી વિશેષ નથી. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જવા આનાકાની કરનારનો, બુઢા  કે નકામા લાગતા લોકોનો એ એક પળનો વિચાર કર્યા વિના જીવ લઈ લે છે. એના અત્યાચાર જોઈને શિંડલર જેવો કાબો અને સ્વકેન્દ્રી માણસ વ્યથિત થઈ જાય છે. એ ગોએથ સાથે દોસ્તી કરી,  એને રિશ્વત આપી, પોતાના માટે એક સબ-કેમ્પ ઊભો કરે છે કે જેથી પોતાના કારીગરોને એમાં કામે લગાડીને તેમને સુરક્ષિત કરી શકાય.થોડા સમય પછી ગોએથને ઉપરીઓનો આદેશ આવે છે કે એણે ઉભી કરેલી ક્ધસ્ટ્રક્શન સાઈટને વિખેરી નાખવી અને બચેલા યહૂદીઓને  ઓશ્કવિટ્ઝ (કે જ્યાં ગેસ ચેમ્બરમાં સૌને ઘાતકી રીતે મારી નાખવાના છે) નામના સ્થળે મોકલી આપવા. શિંડલર એને વિનંતી કરે છે કે તું મારા કારીગરોને મારી પાસે જ રહેવા દે, હું એ સૌને મોરાવિઆ નામની જગ્યાએ આવેલી મારી જૂની ફેક્ટરીમાં કામે લગાડી દેવા માગું છું. જે માણસોને ઓશ્કવિટ્ઝ મોકલવાના નથી એ લોકોનું એક લિસ્ટ શિંડલર અને સ્ટર્ન તૈયાર કરે છે. શિંડલરના આ લિસ્ટમાં સ્થાન પામતા પુરુષો તો સલામત રીતે મોરાવિઆ પહોંચી જાય છે, પણ કશીક ગરબડને કારણે સ્ત્રીઓ અને બાળકોને ભુલથી ટ્રેનમાં ઓશ્કવિટ્ઝ મોકલી દેવામાં આવે છે. અહીં મહિલાઓને ખોફનાક યાતનામાંથી પસાર થવું પડે છે. પહેલાં તો આડેધડ સૌના વાળ કાપી નાખવામાં આવે છે. પછી સંપૂર્ણ નગ્ન કરીને ગેસ ચેમ્બર જેવા દેખાતા એક ઓરડામાં ઘેટાબકરાંની જેમ ઠાંસી દેવામાં આવે છે. અચાનક  છતમાં ગોઠવેલા શાવરમાંથી પાણીની ધારાઓ છૂટે છે. તે દિવસે તો ખેર, તેમનો જીવ બચી જાય છે. શિંડલરને આ ઘટનાની ખબર પડતાં જ એ હાંફળોફાંફળો ઓશ્કવિટ્ઝ પહોંચે છે. ત્યાંના નાઝી કમાન્ડરને તોતિંગ લાંચ આપીને પોતાની તમામ મહિલા કામદારો અને બાળકોને  હેમખેમ સાઈટ પર લેતો આવે છે. અહીં એણે નાઝી ગાર્ડઝને ફેક્ટરીની અંદર પગ સુધ્ધાં મૂકવાની સખત મનાઈ દીધી છે.વિશ્ર્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી યહૂદી કારીગરો માટે આ ફેક્ટરી અભેદ્ય કિલ્લો બની રહે છે. શિંડલરના નાણાં નાઝીઓને લાંચ આપવામાં ખતમ થઈ જાય છે. લડાઈ પૂરી થતાં સોવિયેટ રશિયાનું રેડ આર્મી હવે અહીં ગમે ત્યારે આવી પહોંચે તેમ છે. તે પહેલાં શિંડલરે અહીંથી નાસી જવાનું છે. એ અલવિદા કહેવા તમામ ફેક્ટરી વર્કર્સને ભેગા કરે છે. કારીગરો એમને એક કાગળ આપે છે, જેમાં લખ્યું છે કે તમે ભલે નાઝી હો, પણ તમે ગુનેગાર નથી, તમે તો અમારા માટે તો ભગવાન છે. શિંડલર ગળગળો થઈ જાય છે. એ લાગણીશીલ થઈને કહે છે કે હું હજુ ઘણું વધારે કરી શક્યો હોત, વધારે લોકોને બચાવી શક્યો હોત! બીજે દિવસે પરોઢિયે શિંડલર પત્ની સાથે નીકળી જાય છે. રશિયન સૈનિકો આવીને કારીગરો સામે ઘોષણા કરે છે કે યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે, તમે સૌ હવે આઝાદ છો! મુખ્ય કથા અહીં પૂરી થાય છે, પણ વાત ચાલુ રહે છે. હવે બચી ગયેલા રિઅલ-લાઈફ યહૂદીઓના દશ્યો આવે છે. સ્વાભાવિક રીતે જ હવે તેઓ બુઢા થઈ ગયા છે. પોતાનાં સંતાનો અને સંતાનોનાં પણ સંતાનોની સાથે સૌ શિંડલરની કબરનાં દર્શન કરવા આવ્યા છે. તે વખતે શિંડલરે ૧,૧૦૦ યહૂદીઓને બચાવ્યા હતા. હવે (એટલે કે ફિલ્મ બની તે વખતે) તેમની સંખ્યા વધીને ૬,૦૦૦ જેટલી થઈ ગઈ છે. આ બિંદુ પર આ અદભુત ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ થોમસ કેનીઅલી નામના લેખકનાં ‘શિંડલર્સ આર્ક’ નામનાં પુસ્તક પર આધારિત છે. યુનિવર્સલ સ્ટુડિયોના ટોપ બોસ સિડની શીનબર્ગે ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને સૌથી પહેલાં તો ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં છપાયેલા આ પુસ્તકનો રિવ્યુ વાંચવા માટે મોકલ્યો હતો. સ્પીલબર્ગ ખુદ યહૂદી છે. ઓસ્કર શિંડલરના કારનામા વાંચીને એ ઝુમી ઉઠ્યા. તેઓ માની ન શક્યા કે ખરેખર આવો કોઈ માણસ થઈ ગયો છે, જે ખુદ નાઝી હોવા છતાં સેંકડો યહૂદીઓનો જીવનદાતા બન્યો. આ તે કેવું વિરોધાભાસી વ્યક્તિત્ત્વ! એમને રસ પડ્યો એટલે યુનિવર્સલ સ્ટુડિયોએ પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા. સ્પીલબર્ગ પછી પોલ્ડેક ફેફરબર્ગ નામના માણસને મળ્યા. પોલ્ડેક એટલે પેલા બચી ગયેલા ૧૧૦૦ યહૂદીઓમાંના એ એક સજ્જન. ઈન ફેક્ટ, પોલ્ડેકને મળ્યા પછી જ લેખકે ‘શિંડલર્સ આર્ક’ પુસ્તક લખ્યું હતું. વાતચીતના અંતે પોલ્ડેકે પૂછ્યું: તો સ્પીલબર્ગસાહેબ, ક્યારે ફિલ્મ બનાવવાનું શરુ કરો છો? સ્પીલબર્ગે શાંતિથી જવાબ આપ્યો: દસ વર્ષ પછી! આ ૧૯૮૩ની વાત છે. સ્પીલબર્ગ એ વખતે ‘જાઝ’ તેમજ ‘ઈ.ટી.’ જેવી ફિલ્મો બનાવીને હોલિવૂડના હોટશોટ ડિરેક્ટર તરીકે પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા, પણ એમને લાગતું હતું કે નાઝી નરસંહાર જેવી અત્યંત ગંભીર ઐતિહાસિક ઘટનાને પડદા પર પેશ કરી શકવા જેટલી મેચ્યોરિટી હજુ પોતાનામાં આવી નથી. સ્પીલબર્ગે આ પ્રોજેક્ટ રોમન પોલન્સ્કી નામના પ્રતિષ્ઠિત ડિરેક્ટરને સોંપવાની કોશિશ કરી. પોલન્સ્કીની ખુદની માતાનો ઓશ્કવિટ્ઝની ગેસ ચેમ્બરનો ભોગ બની ચુકી હતી. એમણે ફિલ્મ બનાવવાની તૈયારી ન બતાવી એટલે સિડની પોલેક અને માર્ટિન સ્કોર્સેઝીનો સંપર્ક કરવામાં આવ્યો, પણ આ ફિલ્મની કુંડળીમાં સ્પીલબર્ગ જ લખાયા હતા. એમણે યુનિવર્સલના બોસ સિડની શીનબર્ગને (કે જેમને સ્પીલબર્ગ પોતાના મેન્ટર ગણે છે) નિર્ણય જણાવી દીધો: સર, હું તૈયાર છું. સિડનીએ કહ્યું: ઓલરાઈટ, આપણે આ ફિલ્મ જરુર બનાવીશું, પણ એક શરત છે. ‘શિંડલર્સ લિસ્ટ’ની પહેલાં તારે ‘જુરાસિક પાર્ક’ બનાવી નાખવી પડશે. સિડની જાણતા હતા કે સ્પીલબર્ગ એક વાર ‘શિન્ડલર્સ લિસ્ટ’ જેવી સત્યઘટના પર આધારિત હૃદયભેદક ફિલ્મ બનાવશે પછી ‘જુરાસિક પાર્ક’ જેવી કાલ્પનિક કથા નહીં ડિરેક્ટ કરી શકે!શિંડલર જેવા રોલ પર, અફકોર્સ, આખા હોલીવૂડની નજર હોવાની. વોરન બેટ્ટી, કેવિન કોસ્નર અને મેલ ગિબ્સન જેવા એક્ટર્સને પાછળ રાખી દઈને લિઆમ નિસન નામના અભિનેતાએ બાજી મારી લીધી. સ્પીલબર્ગે એમને બ્રોડવેના એક નાટકમાં એક્ટિંગ કરતા જોયા હતા. એમોન ગોએથના રોલમાં રાલ્ફ ફાઈન્સને એટલા માટે લેવામાં આવ્યા કે સ્પીલબર્ગને એમની પર્સનાલિટીમાં ‘સેક્સ્યુઅલ એવિલ’ નજરે ચડતો હતો. ફિલ્મમાં જેના ભાગે ડાયલોગ આવ્યા હોય એવા કુલ ૧૨૬ પાત્રો છે. શૂટિંગ દરમિયાન ત્રીસ હજાર એકસ્ટ્રા કલાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગનું શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યું છે. જે ચોક્સાઈથી માણસોનાં ટોળાનાં દશ્યોને શૂટ કરવામાં આવ્યાં છે તે અપ્રતીમ છે. શરુઆત અને અંતને બાદ કરતાં ત્રણ કલાક આઠ મિનિટની આ ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ થઈ છે. વચ્ચે અચાનક બે જ અચાનક વખત રંગો દેખાય છે.

એવું તે શું બન્યું કે શિંડલર જેવા નફાખોર માણસનું એકાએક હૃદય પરિવર્તન થયું ને એણે દુશ્મન પ્રજાના સદસ્યોને બચાવવા પોતાની સઘળી મૂડી ફૂંકી મારી? આ પ્રશ્ર્નનો કોઈ ઉત્તર ફિલ્મ આપતી નથી. જીવનમાં અને આપણી આસપાસ ઘણું બધું ન સમજાય એવું, અતાર્કિક લાગે એવું બનતું હોય છે. ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે તેમ, ભયાનક કત્લેઆમની વચ્ચે આ રીતે વિરોધી છાવણીના સેંકડો માણસોને બચાવવાનું કામ શિંડલર જેવો અવિચારી અને બદમાશ જ કરી શક્યો હોત. વિચારી વિચારીને પગલાં ભરતા સેન્સિબલ માણસનું આ કામ નહીં!
‘શિંડલર્સ લિસ્ટ’ એક સાચા અર્થમાં માસ્ટરપીસ છે. ડિરેક્શન, અભિનય, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન જેવા લગભગ તમામ ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ઓડિયન્સને ચકિત કરી દે છે. સાત ઓસ્કર અવોર્ડ્ઝ જીતી લેનાર આ ફિલ્મે સ્ટીવન સ્પીલબર્ગને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દીધા. અત્યાર સુધી જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોરની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ઐતિહાસિક કરુણાંતિકા પર આધારિત ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખવામાં કામિયાબ નીવડ્યો. વોટ અ રેન્જ! એક વાર જોયા પછી કદી ભુલી ન શકાય એવી અદભુત ફિલ્મ.  

 ‘શિંડલર્સ લિસ્ટ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : સ્ટીવન સ્પીલબર્ગ
મૂળ લેખક         : થોમસ કેનીઅલી
સ્ક્રીનપ્લે          : સ્ટીવન ઝેલિઅન
કલાકાર           : લિઆમ નિસન, બેન કિંગ્સલે, રાલ્ફ ફાઈન્સ  
રિલીઝ ડેટ        : ૩૦ નવેમ્બર ૧૯૯૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન, એડિટિંગ અને ઓરિજિનલ સ્કોર માટેના ઓસ્કર અવોર્ડ્ઝ

બોલીવૂડ એક્સપ્રેસ : પરિણીતિનાં પેરેન્ટ્સ કેમ રડી પડયાં?


Sandesh - Cine Sandesh - 26 July 2013

બોલિવૂડ એક્સપ્રેસ 

જો તમને પ્રિયંકા-પરિણીતિથી ધરવ ન થયો હોય તો સાંભળી લો કે એમની બે કઝીન બોલિવૂડમાં આવું-આવું થઈ રહી છે - મીરાં અને બાર્બી.

લરાઇટ... તો આજે શુભ શુક્રવાર છે અને બોલિવૂડ બોય ઉર્ફ બો-બો ફરી પાછો કૂદતો કૂદતો આવી ગયો છે, ખૂબ ફિલ્મી વાતોના તડાકા મારવા. આજે એને બોલિવૂડનાં ટાબરિયાંઓ વિશે વાત કરવાનું મન થઈ રહ્યું છે. બોલિવૂડનાં ટાબરિયાં એટલે ફિલ્મી દુનિયામાં પા-પા પગલી માંડી રહેલાં ન્યૂકમર્સ. દાખલા તરીકે પરિણીતિ ચોપરા. યશરાજ બેનરની આગામી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'ના પ્રોમોમાં પરિણીતિ અને 'કાઈપો...છે'વાળા સુશાંતસિંહની બ્રાન્ડ-ન્યૂ જોડી ખરેખર મસ્ત લાગે છે, કેમ? પરિણીતિ મુંબઈમાં એકલી રહે છે. એનાં મધ્યમવર્ગીય મમ્મી-પપ્પા પંજાબના અંબાલા નામના શહેરમાં રહે છે. એમની ગત મેરેજ એનિવર્સરી વખતે લાખો કમાવા લાગેલી દીકરી પરિણીતિએ એમને નવીનક્કોર કાર ભેટમાં આપી. સરસ રીતે સજાવીને, કલરફુલ રિબિનોથી ગિફ્ટ-રેપ કરીને. દીકરીએ ભેટમાં આપેલી કાર જોઈને મિસ્ટર એન્ડ મિસિસ ચોપરા રડવા લાગ્યાં. બન્ને એટલું બધું રડયાં કે આંખોમાંથી આંસુ અટકવાનું નામ જ ન લે. હાઉ સ્વીટ! સાચ્ચે, મા-બાપને સુખી કરવાથી ચઢિયાતું બીજું કોઈ કામ નથી. બાકી પરિણીતિની પહેલી જ ફિલ્મ 'લેડીઝ ર્વિસસ વિકી બહલ'થી બો-બોને લાગી રહ્યું હતું કે આ છોકરી એની સુપરસ્ટાર કઝીન પ્રિયંકા ચોપરા કરતાં બહેતર એક્ટ્રેસ છે. બેવફા બો-બોએ તો પ્રિયંકાના નામ પર ચોકડી મૂકીને એની જગ્યાએ જાડુડીપાડુડી પરિણીતિનું નામ ઓલરેડી લખી નાખ્યું છે!
                                                       * * *

જો તમને બે ચોપરાકન્યાઓથી ધરવ ન થયો હોય તો સાંભળી લો કે ઔર બે ચોપરાકુમારીઓ બોલિવૂડમાં આવું-આવું થઈ રહી છે. એ છે મીરાં ચોપરા અને બાર્બી ચોપરા. આ ચારેય કન્યાઓ એકબીજીની કઝીન થાય. 'ના ના... મીરાં ફક્ત અમારા સગામાં થાય,એ કંઈ અમારી ફર્સ્ટ કઝીન નથી.' પરિણીતિ તરત કરેક્શન કરે છે, 'મારા અને પ્રિયંકાના પપ્પા સગ્ગા ભાઈઓ છે એ હિસાબે અમે બન્ને ફર્સ્ટ કઝીન કહેવાઈએ. બાર્બી અમારાં ફોઈની દીકરી છે, એટલે એ પણ અમારી ફર્સ્ટ કઝીન થાય.'
બો-બો તો કહે છે કે પ્રિયંકા-પરિણીતિનાં મામા-માસીની છોકરીઓ રહી ગઈ હોય તો એનેય બોલિવૂડમાં તેડાવી લો. પછી ભલે બધીયું ભેગી થઈને 'સત્તે પે સત્તા' ટાઇપની ફિલ્મોમાં સાગમટે હિરોઇન બને. સગાંવહાલાંઓની જ વાત થઈ રહી છે તો ભેગાભેગું આ પણ સાંભળી લો. અનુપમ ખેરની ભત્રીજી (યા તો ભાણી) વૃંદા ખેર પણ બોલિવૂડમાં એન્ટ્રી મારી રહી છે. ફિલ્મનું નામ છે'માયા, વેનિલા એન્ડ સ્ટ્રોબેરીઝ'. સ્વાદિષ્ટ ટાઇટલ છે નહીં!
                                                     * * *

'રમૈયા વસ્તાવૈયા' નામની ફિલ્મથી ગયા અઠવાડિયે ગિરીશકુમાર નામના નવા છોકરડાએ બોલિવૂડમાં એન્ટ્રી લેવાની કોશિશ કરી. ફિલ્મના પ્રોમો શરૂ થયા ત્યારથી નવાઈ લાગતી હતી કે પ્રભુ દેવા જેવા સુપરહિટ ડિરેક્ટરે પોતાની લેટેસ્ટ ફિલ્મમાં આ કોણ સાવ અજાણ્યા અને સાંઢની જેમ વધી ગયેલા ટીનેજર જેવા દેખાતા હીરોને સાઇન કર્યો છે? હિરોઇન તરીકે શ્રુતિ છે, પ્રોડક્શન વેલ્યૂ પણ સરસ છે. પછી ખબર પડી કે ઓહ્હો... આ તો 'રમૈયા વસ્તાવૈયા'ના પ્રોડયુસર રમેશ તૌરાણીનો જ દીકરો છે. દીકરાને ટિપિકલ હીરો તરીકે લોન્ચ કરવા માટે ડેડી ડિયરે જ આખો પ્રોજેક્ટ ઊભો કરીને કેપ્ટન ઓફ ધ શિપ તરીકે પ્રભુ દેવાને સાઇન કર્યા છે. ગિરીશને બધું તૈયારભાણે મળી ગયું એ એનાં નસીબ! વાત ત્યાં પૂરી થઈ. હવે જનતા જર્નાદન એને પોતાના હૃદયમાં સ્થાન આપી શકે છે કે પછી ઠંડે કલેજે જાકારો આપી દે છે તેનો સઘળો આધાર એની ટેલેન્ટ પર છે, ખરું કે નહીં?
                                                      * * *

શ્રુતિ હાસનને ભોળી કહેવી કે ભોટ? એને ખબર નથી કે પોતાની જ ફિલ્મ વિશે ઊતરતી વાત ન કરવી જોઈએ. 'રમૈયા વસ્તાવૈયા' રિલીઝ થાય એ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં એણે કહી દીધેલું કે, 'આ કંઈ મારા ટાઇપની ફિલ્મ નથી. હું પોતે આવી ફિલ્મ જોવા ક્યારેય ન જાઉં.' અરે! જો તને ખુદને આ ફિલ્મ માટે ઊંચો અભિપ્રાય ન હોય તો એમાં કામ શા માટે કર્યું? 'એમાં એવું છેને કે ફિલ્મ સાઇન કરવા પાછળ ઘણાં પરિબળો કામ કરતાં હોય છે.' શ્રુતિ કહે છે, 'તમને કંઈ દરરોજ અદ્ભુત ફિલ્મો ઓફર ન થાય.'
લાગે છે, કમલ હાસને વહેલામાં વહેલી તકે દીકરીની કરિયરમાં રસ લેવાનું શરૂ કરવું પડશે. મીડિયા સાથે શું વાત કરવી અને કયા મુદ્દે મોંમાં મગ ભરી રાખવા તે પણ દીકરીને શીખવવું પડશે, એ સિવાય બોલિવૂડની નદીમાં શ્રુતિની નૈયા પાર નહીં ઊતરે. ભલે ત્યારે જય રામજી કી.                0 0 0 

વાંચવા જેવું : ડૂબશે તોયે દ્વારકા છે સનાતન


 ચિત્રલેખા - અંક તા. જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 
                                                                                                       
મે દ્વારકા ગયા હો તો ક્યારેય પ્રશ્ન થયો છે કે શ્રીકૃષ્ણના પિતા વાસુદેવજીના મંદિરને દ્વારકાધીશ મંદિર સંકુલની અંદર શા માટે સ્થાન આપવામાં આવ્યું નથી? આ સવાલનો તર્કશુદ્ધ ખુલાસો એ છે કે શ્રીકૃષ્ણને સાત પટરાણી હતી. એમને પ્રાઈવસી મળી રહે અને મર્યાદાભંગ ન થાય તે માટે સસરાજીનું મંદિર મુખ્ય સંકુલની બહાર પશ્ચિમ દિશામાં સ્થાપવામાં આવ્યું, બ્રહ્મપુરી પાસે વાસુદેવ શેરીમાં! શ્ર્વસુરની બાજુમાં જ જેઠ બલદેવજી પણ બિરાજમાન છે! આજનાં પુસ્તક ‘દ્વારકા’માં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી છે.

ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી મૂળ દ્વારકાનું નામ હતું દ્વારાવતી. એને બીજાં નામો પણ હતા - કૃશસ્થલી, ઉષામંડલ, આનર્તપુરી વગેરે. કૃષ્ણેે ગોકુલ-મથુરાથી આવીને સમુદ્ર પાસેથી બાર યોજન જમીન સંપાદિત કરી, દ્વારાવતી નગરીની સ્થાપના કરી, લગાતાર ૧૦૦ વર્ષ સુધી એને પોતાની કર્મભૂમિ બનાવી હતી. દ્વારાવતી એટલે આદિકાળનું આ પ્રથમ લોકતાંત્રિક પ્રજાસત્તાક રાજ્ય. ‘પેરિપ્લસ’ નામની એક ગ્રીક સાગરકથા છે, જે ઈશુની પહેલી સદીમાં લખાઈ હતી. એમાં દ્વારકાનો ઉલ્લેખ ‘બરાકે’ તરીકે થયો છે. આ સાગરકથામાં જણાવ્યા પ્રમાણે આ પ્રદેશ કચ્છના નીચેના હિસ્સામાં તીક્ષ્ણ ખડકાળ કિનારાવાળા સાત ટાપુ સ્વરુપે અસ્તિત્ત્વ ધરાવતો હતો, જે કાળક્રમે રેતી તથા પરવાળા ભરાવાથી તેમજ ધરતીકંપ કે સુનામીની આપત્તિથી એક સળંગ ટાપુમાં પરિવર્તિત થતો ગયો. દ્વારકામાં ઉત્ખનન કાર્યો અને સાગર સંશોધનો થતાં રહે છે, પણ હજુ સુધી મૂળ દ્વારકાની ભાળ મળી નથી. અલબત્ત, હાલનું દ્વારકા કૃષ્ણએ વસાવેલા દ્વારકાની જગ્યા પર વસેલું છઠ્ઠું સંસ્કરણ છે એટલો સંતોષ પુરાતત્ત્વવેત્તાઓ લઈ રહ્યા છે. હાલની દ્વારકા ઓરિજિનલ દ્વારકા ન હોય તો શું થયું, શ્રદ્ધાળુઓ શ્રીકૃષ્ણના સ્પંદનો અહીં જરુર અનુભવી શકે છે. કદાચ તેથી જ કવિ ન્હાનાલાલે કૃષ્ણના મુખેથી બોલાવ્યું છે કે,

દ્વારકા મારી છે ને મારી રહેશે, કાળની કૃપાણ છેદશે નહીં અમને
દ્વારકાના શિખરે છું, હૈયામાં છું, ડૂબશે તોયે દ્વારકા છે સનાતન.

એમ તો ‘હું પણ દ્વારકા’ એવો દાવો કરતાં ઘણાં સ્થળો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, માધવપુર, કોડીનાર, વિસાવાળા, પિંડારા અને ડાકોર ઉપરાંત  મૈસુર પાસે હડેબીડ, કેરળમાં ગુરુવાયુર, ચેન્નાઈમાં મન્નારગુડી, મારવાડમાં ખેડદ્વારકા, પંજાબમાં કાસુર તેમજ ઉત્તરપ્રદેશમાં લખનૌને પણ દ્વારકા માનવામાં આવે છે. સંશોધકોએ તો ભારત બહારનાં સ્થળોને મૂળ દ્વારકાની સંભાવના તરીકે પેશ કર્યા છે, જેમ કે, કંબોજની રાજધાની દ્વારકા, સિયામીની પ્રાચીન રાજધાની આયુથ્ય તથા અફઘાનીસ્તાનનું દારવાઝ.જૂના જમાનામાં દ્વારકામાં બૌદ્ધો, જૈનો, ઈજિપ્શિયનો, આરબો પણ આવ્યા. દ્વારકાક્ષેત્ર પ્રાચીન કાળથી અનેક સંપ્રદાયોનું આશ્રયસ્થાન રહ્યું છે. એક સમયે અહીં વૈષ્ણવ સંપ્રદાયનો સુવર્ણયુગ પ્રવર્તમાન હતો. સૂર્યપૂજાની બોલબાલા હતી. ઈરાનથી આવેલા મગી બ્રાહ્મણો અહીં સૂર્યપૂજા તથા કર્મકાંડ સાથે લઈ આવ્યા હતા. મગી બ્રાહ્મણોમાંથી ઊતરી આવેલા અબોટી બ્રાહ્મણો આજે પણ આ પંથકમાં વસે છે. અબોટી બ્રાહ્મણ ઉપરાંત ગુગળી બ્રાહ્મણ, રાજગોર બ્રાહ્મણ, લોહાણા, ખારવા, રબારી, ચારણ, વાઘેર, આહીર તથા મુસ્લિમ ભડાલા અહીંની મૂળ પ્રજા. કહેવાય છે કે આમાંના કેટલાક શ્રીકૃષ્ણ સમયે મથુરાથી દ્વારકાથી આવેલા. અતિ કર્મકાંડને કારણે સૂર્યપૂજાને ઝાંખપ લાગી એટલે વૈષ્ણવ સંપ્રદાયે એને પોતાનામાં ભેળવી લીધી. તે પછી સૂર્યદેવ વૈષ્ણવ સંપ્રદાયનું મહત્ત્વનું અંગ બની દ્વારકામાં પૂજાતા રહ્યા. આ સંપ્રદાયે અહીં સાહિત્ય, સંગીત, ચિત્રકલા, મૂર્તિકલા, સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું છે.

શ્રાદ્ધક્રિયા માટે દ્વારકાની ગોમતી નદીનું મહાત્મ્ય અપરંપાર છે તે આપણે જાણીએ છીએ. બ્રહ્માની આજ્ઞાથી ગંગાજી ગોમતી નામ ધારણ કરીને દ્વારકાના કિનારે પ્રગટ થયાં હતાં. તેથી જ ગોમતીકિનારે બ્રહ્મકુંડનું સર્જન કરવામાં આવ્યું હશે. આજની તારીખે પણ અહીં બ્રહ્માની મૂર્તિનું પૂજન થાય છે. અહીં સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પુણ્ય મળે છે. શાસ્ત્રો કહે છે કે ગોમતીકિનારે શ્રાદ્ધ કરવાથી મૃતકને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે! અહીં યાત્રીઓને સ્નાન સંકલ્પ કરાવવાનું કામ ગુગળી બ્રાહ્મણો કરે છે, તો દ્વારકાધીશ મંદિરના ઉત્તુંગ શિખરે ધ્વજારોહણનું કપરું કામ અબોટી બ્રાહ્મણો દ્વારા થાય છે.મહાભારતકાળના અવશેષ સમાન ઊલૂખલ દ્વારકાની શાન છે. ઊલૂખલ એટલે પથ્થરમાંથી કોતરવામાં આવેલાં વિરાટ ખાંડણીયાં. આમાંના કેટલાય ખાંડણીયા તૂટી ગયા છે યા તો નાશ પામી રહ્યા છે. લેખક બિલકુલ વ્યાજબીપણે ચિંતા વ્યક્ત કરે છે કે દ્વારકાની અસ્મિતા જાળવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. દ્વારકા સંબંધિત પૌરાણિક - ધાર્મિક - ઐતિહાસિક સંદર્ભો ઉપરાંત દ્વારકાનાં વિવિધ મંદિર, કુંડ, વાવ, ગુપ્ત માર્ગ, આશ્રમ, સૂર્યમંદિર આસપાસનાં સ્થળ, દર્શનની સમયસારણી જેવી ચિક્કાર માહિતી ભારે જહેમતપૂર્વક લેખકે પુસ્તકમાં રજૂ કરી છે. એમણે દ્વારકા સંબંધિત જુદા જુદા સર્જકોની કવિતાઓ અને કાવ્યપંક્તિઓનો પણ સરસ ઉપયોગ કર્યો છે. જેમ કે, કવિ દયારામ એક જગ્યાએ કહે છે:

દ્વારકાપુરી પછી ગયો, જ્યાં સદા જગજીવન
ગોમતી સાગર ચક્રતીર્થે કર્યું સ્નેહે સ્નાન
શ્રી વિક્રમ માધવ પુરુષોત્તમ નિર્ખિયા કૃષ્ણ કલ્યાણ. 

 વડોદરાની એમ.એસ. યુનિર્વસિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચુકેલા સવજી છાયા લેખક ઉપરાંત ચિત્રકાર પણ છે. પુસ્તકનું વિશેષ આકર્ષણ એનાં ખૂબસૂરત રેખાંકનો છે, જે લેખકે ખુદ તૈયાર કર્યાં છે. આ પુસ્તક શ્રદ્ધાળુઓને ખૂબ ગમશે, પણ પુસ્તકનો માઈનસ પોઈન્ટ છે, એનું નબળું એડિટિંગ. વાચનસામગ્રીના વિભાજન અને ક્રમબદ્ધ ગોઠવણીમાં ખાસ્સી અરાજકતા છે, જે હવે પછીની આવૃત્તિઓમાં દૂર થઈ જવી જોઈએ. નબળાઈઓ સહિત પણ એક ઉત્તમ રેફરન્સ મટિરીયલ બની રહે એવું પુસ્તક.      000


 દ્વારકા


લેખક-ચિત્રકાર: સવજી છાયા

પ્રકાશક-પ્રાપ્તિસ્થાન: સવજી છાયા, જગત મંદિર સામે, દ્વારકા -૩૬૧૩૩૫

ફોન: ૯૮૭૯૯ ૩૨૧૦૩

કિંમત: ૨૨૫

પાનાં: ૩૦૦Monday, July 22, 2013

વાંચવા જેવું : આંખ ખોવા કરતાં દષ્ટિ ખોવી વધારે નુક્સાનકર્તા છે...


ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૩ માટે 

કોલમ: વાંચવા જેવું 


                                                                                   

શૉન પેને ડિરેક્ટ કરેલી એક અદભુત અમેરિકન ફિલ્મ છે - ‘ઈનટુ ધ વાઈલ્ડ’. પોતાની મરજીનો માલિક બનીને જીવતો એનો યુવા નાયક એક જગ્યાએ કહે છે કે, ‘કરીઅર તો વીસમી સદીમાં શોધાયેલી ચીજ છે અને મને એની બિલકુલ જરુર નથી!’

ફિલ્મનો હીરો આમ કહી શકે, પણ સામાન્ય માણસ કારકિર્દીનો અસ્વીકાર કરીને હવામાં દિશાહીન ઉડ્યા કરતાં પીંછા જેવું જીવન જીવી શકતો નથી. જીવનને ડિફાઈન શી રીતે કરી શકાય? સંબંધો વડે, સ્વજનો વડે, કારકિર્દી વડે. આપણે કર્મ કરવામાં માનનારા લોકો છીએ.  આજનાં પુસ્તક ‘મારી કારકિર્દીનો સૂર્ય’માં જુદાં જુદાં ક્ષેત્રના કર્મનિષ્ઠ અને સફળ લોકોના આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે.

મોરારીબાપુ કહે છે કે, ‘મને કારકિર્દીના સૂર્ય કરતાં કારકિર્દીના ચંદ્રમામાં વધારે પ્રસન્નતા દેખાય છે. ક્ષીણતા અને વૃદ્ધિ પામવા છતાં, કલંકગ્રસિત ઘટનાઓ થતી રહે છતાં ચંદ્ર પોતાનાં શીતળ સત્ય, પ્રેમ અને કરુણાના પ્રકાશને છોડતો નથી. પૂર્ણ ચંદ્રની સ્થિતિ નિરંતર રહેતી નથી. તેથી માનવીએ સતત વિચારતા રહેવાનું છે કે હું મારી કારકિર્દીમાં પૂર્ણ નથી થઈ ગયો, મારે નિરંતર વૃદ્ધિ કરતાં રહેવાની છે.’

અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ અને પેશનને અનુસરીને થતી પ્રવૃત્તિ - આ બન્ને વચ્ચે ભેદ હોય, ન પણ હોય. ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વાર્તાકાર. ઉપરાંત સુરેશ દલાલ સાથે પુસ્તક પ્રકાશન તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન કહી શકાય એવી એકાધિક પ્રવૃત્તિઓ કરી. આમ છતાંય નાટકો જોવાની, માણવાની અને તેના વિશે સંપૂર્ણ નિષ્ઠા તેમજ તટસ્થતાથી લખવાની સાડાત્રણ દાયકાની સાતત્યપૂર્ણ પ્રલંબ કારકિર્દી એમને સૌથી વધુ અસામાન્ય લાગે છે. અહીં ‘સાતત્ય’ શબ્દ મહત્ત્વનો છે, જેનો સીધો સંબંધ શિસ્ત સાથે છે.

કરીઅર સમયની સાથે અલગ અલગ રંગછટા ધારણ કરતી જતી હોય છે.  જેમ કે અવિનાશ પારેખને ‘બિલ્ડિંગ લાઈનનો બાદશાહ એટલે બિલ્ડર, આર્કિટેક્ટ નહીં’ એ સૂત્ર મળ્યું અને તેમના મનને જાણે ચાબૂક લાગી ગઈ. પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ તરફથી તેઓ ક્ધસ્ટ્રક્શન તરફ વળ્યા. સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. અનુભવે એક વાત શીખ્યા કે ઈર્ષાજનક સફળતા મેળવ્યા પછી આત્મવિશ્વાસ કરેલી ભૂલનું મૂલ્ય ક્યારેય ઓછું હોતું નથી. દષ્ટિ ખોવી એ આંખ ખોવા કરતાં વધારે નુક્સાનકર્તા છે! એમણે ‘અભિયાન’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સામયિકે કંઈકેટલાય ‘હાઈ’ અને ‘લૉ’ જોયા, કેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થયું. ‘અભિયાન’ સરવાળે સફળતા પામ્યું? અવિનાશ પારેખનો ઉત્તર છે: ‘હા અને ના!’

આ ‘હા’ અને ‘ના’નું સહઅસ્તિત્ત્વ ‘અભિયાન’નું સત્ય છે. કવિ અને ડોક્ટર રઈશ મનીઆર પોતાનાં જીવનનાં કેટલાંક સત્ય આપણી સાથે શેર કરે છે. એ કહે છે કે કારકિર્દી કે કર્મનો એજન્ડા જેટલો અંગત એટલી પીડા વધુ. જીવનમાં આપણે તલ્લીન થઈને કરેલી પ્રવૃત્તિ ધન કે યશ અપાવે જ, પણ એ તો આડપેદાશ છે. જીવનનો ખરો આનંદ તો પેલી તલ્લીનતા જ છે. સતત સક્રિય રહેવું જરુરી નથી. આપણા કાર્યક્ષેત્ર સિવાયની રોજબરોજ જિવાતા જીવનની નાની નાની બાબતોમાં પણ વ્યસ્ત અને મસ્ત રહેતાં આવડવું જોઈએ. નવરાશનેય અજંપા વગર માણતાં આવડવું જોઈએ...‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફિલ્મના નાયકની માફક કાંતિ ભટ્ટને પણ ‘કારકિદી’ કે ‘કરીઅર’ શબ્દ બિલકુલ પસંદ નથી. આ શબ્દોમાંથી એમને ગુલામીની ગંધ આવે છે! ‘કરીઅર’ મૂળ ગ્રીક શબ્દ ‘કેરરિયા’માંથી ઉતરી આવ્યો છે. કેરરિયા એટલે પૈડાંવાળું વાહન. એ કહે છે કે આજનો યુવાન કે યુવતી ડિગ્રી મેળવીને સીઈઓ કે બિઝનેસ મેનેજર કે એવા કોઈ ફેન્સી નામવાળી પોસ્ટ પર ઊંચા પગારવાળી નોકરી કરે છે, પણ આખરે રહે છે તો ગ્લેમરસ નોકર જને? પછી વર્ષો સુધી એ પૈડાંવાળાં વાહનની જેમ કારકિર્દીનો અને જિંદગીનો બોજ ઘસડ્યા કરે છે. અલબત્ત, કાંતિ ભટ્ટ હર દિન લખવા પડતા લેખને પોતાના જીવનનું પ્રેરકબળ અને રોજે રોજના સૂર્ય સાથે સરખાવે છે.

કારકિર્દી અને નસીબ વચ્ચે શો સંબંધ છે? કાઠિયાવાડના સાવરકુંડલામાં જન્મેલા અને ઉછરેલા નટવર ગાંધી કાળક્રમે અમેરિકાની રાજધાનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જેવી પાવરફુલ પોઝિશન પર દોઢ દાયકા કરતાંય વધારે સમય માટે કાર્યરત રહ્યા. વોશિંગ્ટોનિઅન ઓફ ધ યર, (વન ઓફ) ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ વોશિંગ્ટન જેવા કેટલાય ખિતાબ મેળવ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી. નટવર ગાંધી કહે છે કે, ‘તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો નસીબની લોટરી ન લાગે તો એ હોશિયારી કામે લાગતી નથી. સફળતાના શિખરે બેઠેલા મૂછો મરડતા તિસમારખાંઓએ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એમની ઉન્નતિમાં કો’ક જાણ્યા-અજાણ્યાનો હાથ છે...’ અમદાવાદનાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવી અવોર્ડવિનિંગ રેસ્ટોરાંના માલિક મનીષ પટેલ લગભગ આ જ સૂરમાં કહે છે: ‘હું નસીબમાં માનું છું અને મેં જોયું છે કે જેમ જેમ હું વધુ કામ કરું છું, તેમ તેમ વધુ નસીબદાર બનતો જાઉં છું.’

પુસ્તકમાં કેટલીય સરસ રસપ્રદ વિગતો જાણવા મળે છે. જેમ કે, સાહિત્યકાર ભોળાભાઈ પટેલ શિક્ષક બન્યા ત્યારે રઘુવીર ચૌધરી આઠમા ધોરણમાં ભણતા અને ખાદીનાં કપડાં ને સફદ ટોપી પહેરીને પહેલી બેન્ચ પર બેસતા! ભોળાભાઈ કહે છે કે ચૌધરી અત્યારે ‘મુખી’ જેવા છે એવા ત્યારે પણ હતા! આ પુસ્તકમાં તારક મહેતા, વિનોદ ભટ્ટ, ઉત્કર્ષ મઝુમદાર, ઉદયન ઠક્કર, દીપક દોશી, રતિલાલ ‘અનિલ’, ધનજીભાઈ શાહ, સ્વામી માધવપ્રિયદાસથી લઈને વિવાદાસ્પદ પોલીસ ઓફિસર વસંત ઢોબળે સુધીની પંચાવન વ્યક્તિઓએ પોતપોતાની કારકિર્દી વિશે સુંદર રીતે લખ્યું છે. કાજલ ઓઝા વૈદ્યનું લખાણ હંમેશ મુજબ શ્ર્વાસ અધ્ધર કરીને વાંચી જવું પડે એવું રસાળ છે. અલબત્ત, પુસ્તકમાં લેખકોની સૂચિને વધારે ચુસ્ત અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાઈ હોત.

ઈમેજ પબ્લિકેશનનું પુસ્તક હોય એટલે પ્રોડક્શન વેલ્યુ ઉત્કૃષ્ટ હોવાની જ. ‘મારી કારકિર્દીનો સૂર્ય’ વાંચવું અને વંચાવવું ગમે એવું પુસ્તક છે. આમેય પ્રેરણાનો સીધો મારો ચલાવતાં બીબાંઢાળ પુસ્તકોને બદલે નિશ્ચિત ગરિમા સાથે પ્રેરક વાતોને વણી લેતાં પુસ્તકો હંમેશા વધારે આવકાર્ય હોવાનાં.


મારી કારકિર્દીનો સૂર્ય  

સંપાદક: સુરેશ દલાલ
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-૨, અમદાવાદ-૬
ફોન:  (૦૨૨) ૨૨૦૦ ૧૩૫૮, (૦૭૯) ૨૬૪૪ ૨૮૩૬
કિંમત:  ૫૦૦ /
પૃષ્ઠ: ૨૫૬

 ૦ ૦ ૦
‘’

Saturday, July 20, 2013

મલ્ટિપ્લેક્સ : ટૂંકમાં કહીએ તો...


Sandesh - Sanskaar Purti - 21 July 2013

Column : મલ્ટિપ્લેક્સ 

શોર્ટ ફિલ્મ ચોટદાર નવલિકા જેવી હોય છે. થોડાકમાં એ ઘણું બધું કહી દે છે. 'બોમ્બે ટોકીઝપછી દસ જ અઠવાડિયાંમાં 'શોર્ટ્સનામનું ટૂંકી ફિલ્મોનું ઔર એક ઝૂમખું થિયેટરોમાં રિલીઝ થઈ શક્યું એ સારી નિશાની છે.

નુરાગ કશ્યપ વિશેની બે વાતો છે. એક આનંદ થાય એવી, બીજી ડર લાગે એવી. અનુરાગને લેખક તરીકે ફિલ્મોમાં બિગ બ્રેક રામગોપાલ વર્માએ આપ્યો હતો, 'સત્યા'ના લેખક તરીકે. વર્માજીએ પોતાના કેટલાય આસિસ્ટન્ટ્સની કરિયર બનાવી છે. અનુરાગ કશ્યપ પણ એમના નકશેકદમ પર ચાલીને પોતાના આસિસ્ટન્ટ રહી ચૂકેલા તેજસ્વી છોકરાંઓને સ્વતંત્રપણે ફિલ્મ ડિરેક્ટ કરવાની તક આપી રહ્યા છે. આ આનંદ થાય તેવી વાત થઈ. ડર એવી કલ્પનાથી લાગે છે કે અનુરાગ કશ્યપ આગળ જતાં સાવ રામગોપાલ વર્મા જેવા થઈને, આત્મરતિમાં સરી પડીને ક્વોલિટી કંટ્રોલની પરવા કર્યા વિના ક્યાંક સત્ત્વહીન ફિલ્મોની 'ફેક્ટરી' શરૂ ન કરી દે!
Anurag Kashyap
અનુરાગ કશ્યપે પ્રોડયુસ કરેલી 'શોર્ટ્સ' નામની ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ. તાજેતરમાં એટલે પરમ દિવસે નહીં પણ એની પહેલાંના શુક્રવારે. પાંચ સરસ મજાની શોર્ટ ફિલ્મ્સનું આ ઝૂમખું છે. પાંચેયની વાર્તા અલગ, ટેકનિક અલગ, પાંચેયના ડિરેક્ટરો અલગ. આ પાંચમાંથી ત્રણ ડિરેક્ટરો અનુરાગના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. થોડા સમય પહેલાં 'બોમ્બે ટોકીઝ' નામની ફિલ્મ આવી હતી, જેમાં દિબાકર બેનર્જી, કરણ જોહર, અનુરાગ કશ્યપ અને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી અડધી-અડધી કલાકની ચાર શોર્ટ ફિલ્મ્સ સમાવી લેવામાં આવી હતી ('મલ્ટિપ્લેકસ', ૨૮ એપ્રિલ, ૨૦૧૩). દસ જ અઠવાડિયાં પછી 'શોર્ટ્સ' નામનું ટૂંકી ફિલ્મોનું ઔર એક કલેક્શન અમદાવાદ સહિત કેટલાંય શહેરનાં થિયેટરમાં જોવા મળ્યું એ સારી નિશાની છે. એ વાત અલગ છે કે 'શોર્ટ્સ'ની પબ્લિસિટી ઓછામાં ઓછી થઈ હતી. આખા મુંબઈમાં ગણીને ત્રણ જ સ્ક્રીન એના ભાગે આવ્યા હતા. તે પણ રોજના એક-એક શો પૂરતા.
'શોર્ટ્સ'ની પાંચેય ફિલ્મોમાં શું છે? સુજાતા નામની એક યુવતી (હુમા કુરેશી) છે. ચૌદ-પંદર વર્ષની હતી ત્યારથી સગી ફોઈનો નઠારો દીકરો એનું લોહી પીતો આવ્યો છે. સંજોગો એવા ઊભા થયા હતા કે છોકરીએ ફોઈના ઘરે રહીને આગળ ભણવું પડયું. કેરમ રમતાં હોય તો છોકરાની નજર સુજાતાના ટીશર્ટમાંથી ડોકાઈ જતાં સ્તન પર ફરતી હોય. એક હાથમાં પ્લાસ્ટરવાળી સુજાતા સૂતી હોય તો છોકરો ગુપચૂપ એને ફરતે ખાંડ ભભરાવી દે કે જેથી લાલ કીડીઓ એને ચટકા ભરીભરીને પરેશાન કરે. છોકરી ચીસો પાડતી જાગી જાય એટલે કઝીન બ્રધર અજાણ્યો થઈને 'કપડાં ઉતાર, કપડાં ઉતાર... નહીં તો કીડીઓ જશે નહીં' કરતો 'મદદ'કરવા ધસી આવે. છોકરીએ બિચારી બાથરૂમમાં દોડી જવું પડે. આ સિલસિલો બંને યુવાન થયાં પછી પણ ચાલુ રહે છે. આઈડેન્ટિટી છુપાવી છુપાવીને જીવતી સુજાતા ક્યાંક ઘર શોધીને ટિફિન સર્વિસ શરૂ કરે છે તો ત્યાં પણ ભાઈસાહેબ આવી ચડે છે. પોલીસ માટે આ ઘરનો આંતરિક મામલો છે. સેવાભાવી સંસ્થાઓ પણ કેટલી મદદ કરે. આખરે સુજાતાની ધીરજ ખૂટે છે. એનો વર્ષોનો દબાયેલો આક્રોશ આખરે સ્ફોટ સાથે ઊછળે છે. અસરકારક ફિલ્મ છે. સુજાતા કેવા કેવા સેક્સ્યુઅલ એબ્યુઝમાંથી પસાર થઈ હશે એની વિગતોમાં ગયા વગર ડિરેક્ટર શ્લોક શર્માએ કેવળ હિન્ટ્સ આપી છે.
Huma Qureshi (top); (bottom) Nawazuddin Siddiqui


શોર્ટ ફિલ્મોમાં પાત્રોનું વૈવિધ્ય ખૂલી જતું હોય છે. 'મેહફૂઝ' નામની ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી નધણિયાતી લાશોને ઠેકાણે પાડવાનું કામ કરે છે. રાત પડે એટલે કપડાંમાં વીંટળાયેલી ગંધાતી વિકૃત લાશો ટ્રકમાં આવે. નવાઝુદ્દીન પછી એને ચિતા પર ચડાવે. વરસાદમાં લાકડાં ભીનાં થઈ ગયાં હોય તો એને દફન કરી દે. લગભગ બુદ્ધિહીન લાગતો નવાઝુદ્દીન સમાજની નિમ્નતમ કક્ષાએ જનાવર જેવું અસ્પૃશ્ય જીવન જીવે છે, પણ આવા માણસનેય લાગણીની, પ્રેમની, હૂંફની જરૂર હોય જ. એ શી રીતે બીજા મનુષ્યજીવ સાથે સંધાન કરે છે? ઓછામાં ઓછા સંવાદોનો ઉપયોગ કરીને ડિરેક્ટર રોહિત પાંડેએ હૃદયભેદક વાર્તા કહી છે. અનિરબન રોય નામના ડિરેક્ટરની 'ઓડેસિટી' નામની વાર્તામાં મા-બાપનું કહ્યું ન માનતી એક હઠીલી ટીનેજ કન્યાની વાત છે. પાંચેય શોર્ટ ફિલ્મોમાંથી આ એકમાં જ હ્યુમરનો રંગ જોવા મળે છે. ચોથી મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહીને સંઘર્ષ કરી રહેલાં બનારસી પતિ-પત્નીની વાત છે. ચાર માણસોના પરિવારની તમામ જવાબદારી પૂરી કર્યા પછી પણ સ્ત્રી શરીર તૂટી જાય એટલી મહેનત કરી પૈસા કમાય છે પણ ઘરમાં નવરાધૂપ બેસી રહેતા બેકાર પતિદેવના મનમાં એના ચારિત્ર્ય વિશે જાતજાતની શંકાઓ ઉછળકૂદ કરતી રહે છે. કદરના, પ્રેમના શબ્દો બાજુએ રહ્યા, અહીં તો સ્ત્રીએ જશને બદલે જોડાં ખાવાં પડે છે. નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રત્નબાલી ભટ્ટાચાર્યજી નામની અભિનેત્રીએ સરસ અભિનય કર્યો છે. જોકે સાસુના પાત્ર અને હેપી એન્ડિંગને લીધે આ શોર્ટ ફિલ્મ સહેજ 'ફિલ્મી' બની જાય છે.
આ પાંચ ટૂંકી ફિલ્મોમાં તો વારે વારે દરિદ્ર પાત્રો જ આવ્યાં કરે છે એવું લાગતું હોય તો છેલ્લી શોર્ટ ફિલ્મ 'એપિલોગ' આ ફરિયાદ દૂર કરી નાખે છે. સિદ્ધાર્થ ગુપ્તે ડિરેક્ટ કરેલી આ ટૂંકી ફિલ્મ સૌથી સ્ટાઈલિશ અને સંભવતઃ સૌથી અસરકારક છે. વીસ-પચ્ચીસ મિનિટમાં એક પણ ડાયલોગ આવતો નથી. કેવળ અફલાતૂન વિઝ્યુઅલ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી એક આધુનિક શહેરી યુગલનું જીવન પેશ થાય છે. આ બંને પતિ-પત્ની પણ હોઈ શકે અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પણ હોઈ શકે. તેમનો સંબંધ કોહવાઈ ગયો છે,બંધિયાર થઈ ગયો છે, ડચકાં ખાઈ રહ્યો છે. ફિલ્મમાં કલ્પના અને વાસ્તવિકતાની સરસ સેળભેળ થઈ છે. યુવતી અત્યંત પઝેસિવ છે. પુરુષનું જીવવું ઝેર કરી નાખ્યું છે એણે. કાં તો એ કેવળ પ્રેમની ભૂખી છે, એને પ્રિયતમનું એટેન્શન જોઈએ છે. આખી વાતનું તમે અનેક રીતે અર્થઘટન કરી શકો છો. સ્ત્રીએ ખરેખર બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી કે એ પુરુષની ફેન્ટસી છે?કે પછી, સ્ત્રી જીવ ટુંકાવી દેવાની માત્ર કલ્પના કરી રહી હતી? ફિલ્મ ઓપન-એન્ડેડ છે અને એમાં જ એની મજા છે.
Richa Chadda

સિનેમા કંઈ માત્ર નાચગાના કે ટાઈમપાસ એન્ટરટેઇનમેન્ટ માટે નથી. જુદી જુદી વાર્તાઓ, કિરદારો અને રજૂઆતની અવનવી શૈલીઓ પેશ કરીને દર્શકના મનમાં વિચારનો તણખો પ્રગટાવી શકતું આ ઉત્કૃષ્ટ આર્ટ-ફોર્મ છે તે વાત ભુલાઈ જતી હોય છે. મેઈનસ્ટ્રીમ ફીચર ફિલ્મો મનોરંજન અને બિઝનેસમાં પડી ગઈ છે ત્યારે આવી શોર્ટ ફિલ્મો સિનેમાના સત્ત્વને સાચવી રાખવાનું કામ સરસ રીતે કરી શકે છે. આ પ્રકારની ફિલ્મોનો પ્લસ પોઈન્ટ એ છે કે એમાં નથી સ્ટાર્સની જરૂર પડતી કે નથી તોતિંગ બજેટની જરૂર પડતી. ટેલેન્ટ અને કલ્પનાશક્તિ હોય એટલે પોણા ભાગનો જંગ જિતાઈ ગયો. 'શોર્ટ્સ'ની પાંચેય ફિલ્મો દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ્ઝ જીતી ચૂકી છે. ફેસ્ટિવલની ફિલ્મો બોરિંગ જ હોય એવી લોકોમાં એક છાપ પડી ગઈ છે તે મોટી તકલીફ છે. તેને લીધે થિયેટરવાળાઓ 'શોર્ટ્સ' પ્રકારની ફિલ્મો દેખાડવા તૈયાર થતા નથી તેવી અનુરાગ કશ્યપની ફરિયાદમાં પૂરેપૂરું તથ્ય છે. એ ઉમેરે છે, 'આપણી ફિલ્મોની લંબાઈ ટૂંકી થઈ રહી છે, ધીમે ધીમે ઓડિયન્સનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે. થિયેટરમાં નિયમિતપણે શોર્ટ ફિલ્મ્સ દેખાડાતી નથી તે અલગ વાત થઈ, બાકી ઈન્ટરનેટ પર શોર્ટ ફિલ્મ્સ ખૂબ પોપ્યુલર છે. મને તો એનું ભવિષ્ય સરસ દેખાઈ રહ્યું છે.'
શ્લોક શર્મા, રોહિત પાંડે, અનિરબન રોય, નીરજ ઘાયવાન અને સિદ્ધાર્થ ગુપ્ત - આ પાંચેય ટેલેન્ટેડ ફિલ્મમેકર્સનાં નામ પણ નોંધી રાખજો, કારણ કે એમનાં ભવિષ્ય પણ ઉજ્જવળ છે અને આવનારા સમયમાં મેઈનસ્ટ્રીમ સિનેમામાં ગમે ત્યારે એ બોમ્બની જેમ ફાટવાનાં છે!
શો-સ્ટોપર

પ્રાણસાહેબ મેકઅપમેન અને વિગ બનાવનારા સાથે દોસ્તી કરી એમનું સિક્રેટ જાણી લેતા. પ્રત્યેક ગેટઅપમાં એ સાવ જુદા જ દેખાતા એનું કારણ આ જ. વિગ અને મેકઅપના મામલામાં પ્રાણસાહેબ મારા આદર્શ છે. 

અનુપમ ખેર

Thursday, July 18, 2013

બોલિવૂડ એક્સપ્રેસ : ઓયે બરખુરદાર...


Sandesh - Cine Sandesh - 19 July 2013
Column: બોલિવૂડ એક્સપ્રેસ
પ્રાણસાહેબ જેવા તગડા અભિનેતા-ખલનાયક સામે ન હોત તો અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજ આટલી મજબૂત ન થઈ શકી હોત.

બોલિવૂડ બોય ઉર્ફ બો-બો આમ તો દર શુક્રવારે દુનિયાભરની ફિલ્મી વાતોની રમઝટ બોલાવવા થનગન થનગન થતો હોય છે, પણ આજે એ ઉદાસ છે. સિનિયર એક્ટર પ્રાણની એક્ઝિટથી થયેલા દુઃખથી બો-બોનું દિલ હજુ પણ હર્ટ થઈ રહ્યું છે. એક સરસ કિસ્સો એ શે'ર કરવા માગે છે. પચાસ કરતાંય વધારે વર્ષ પહેલાંની વાત છે. મુંબઈના આર.કે. સ્ટુડિયોમાં મનમોહન દેસાઈની 'છલિયા' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પ્રાણસાહેબ ખુલ્લામાં એક ખુરશી પર શાંતિથી બેઠા હતા. એક મુગ્ધ યુવાન પોતાના ફ્રેન્ડ્સ સાથે શૂટિંગ જોવા આવેલો. એને પ્રાણસાહેબનો ઓટોગ્રાફ જોઈતો હતો, પણ પાસે જતા ફફડતો હતો. માંડ માંડ હિંમત એકઠી કરીને એ નજીક ગયો. સર, ઓટોગ્રાફ પ્લીઝ! ખલનાયક પ્રાણે બહુ જ પ્રેમથી એને ઓટોગ્રાફ આપ્યો, વાતો કરી, સાથે ફોટા પણ પડાવ્યા. યુવાન રાજીના રેડ થઈ ગયો. એની તો જાણે લાઇફ બની ગઈ. આ યુવાનનું નામ જાણો છો? અમિતાભ બચ્ચન!
પછી તો અમિતાભ, અમિતાભ બન્યા અને પ્રાણસાહેબની સાથે ૧૪ ફિલ્મોમાં કામ કર્યું. સામે પ્રાણ જેવો તગડો ખલનાયક ન હોત તો અમિતાભની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજ ચોક્કસપણે આટલી મજબૂત ન થઈ શકી હોત. પ્રાણસાહેબ પોતાની ફિલ્મો ક્યારેય ન જોતા. 'જંજીર' રિલીઝ થઈ પછી છેક વીસ વર્ષે એમણે આ ફિલ્મ ટીવી પર જોઈ હતી અને તે પણ આકસ્મિક રીતે. ફિલ્મ જોયા પછી એમણે અમિતાભને ફોન કરીને કહ્યું, "અમિત, 'જંજીર' મેં તૂને અચ્છા કામ કિયા હૈ." આ કિસ્સો યાદ કરીને અમિતાભ કહે છે, "પ્રાણસાહેબે બબ્બે દાયકા પછી મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યાં તોપણ હું રાજીના રેડ થઈ ગયો હતો!"
આવો હતો પ્રાણસાહેબનો કરિશ્મા. લોંગ લીવ પ્રાણસાહેબ!   

                                                   0 0 0                                         

ગોળમટોળ રિશિ કપૂર પણ એમ તો કરિશ્મેટિક તો ખરા જ ને. જુઓને, આ ઉંમરે પણ એ કેવા જલવા દેખાડી રહ્યા છે. કાયદેસર સિનિયર સિટીઝન થઈ ગયેલા રિશિ કપૂર પોતાના સુપરસ્ટાર પુત્ર રણબીર જેટલા જ બિઝી છે. એમની કરિયરને જાણે નવેસરથી જુવાની ફૂટી છે. સાચુકલી જુવાનીમાં એ ચોકલેટી લવરબોય બનીને રહી ગયા હતા. એ માત્ર સ્ટાર કહેવાયા, 'એકટર'નો દમામદાર દરજ્જો એમને ક્યારેય નહોતો મળ્યો, પણ પાકટ ઉંમરે કરિયરની બીજી ઇનિંગ્સમાં તેઓ જાતજાતના રોલ કરીને પોતાની ભડાસ કાઢી રહ્યા છે. કાયમ હિરોઇનની પાછળ ચકરડી ભમરડી ફરતા રિશિ કપૂર આગળ જતાં સીધાસાદા દિલ્હીવાસી સ્કૂલ ટીચરનો રોલ અફલાતૂન રીતે કરી બતાવશે ('દો દૂની ચાર') એવું કોણે કલ્પ્યું હતું? 'અગ્નિપથ'માં તેમણે ઘૃણાસ્પદ વિલનનો રોલ કર્યો તે પણ ઓડિયન્સ માટે એક પ્લેઝન્ટ શોક હતો. આજે રિલીઝ થયેલી 'ડી-ડે'માં તેઓ દાઉદ ઇબ્રાહિમ જેવા ડોન બન્યા છે.
કમલ હાસને વર્ષો પહેલાં એક વાર તેમને કહેલું કે, "રિશિ, તું રોમેન્ટિક ઢાંચામાંથી બહાર કેમ આવતો નથી? અખતરા કેમ કરતો નથી?" રિશિ કપૂર કહે, "કેવી રીતે કરું? કોઈ મને ચાન્સ આપે તો કરુંને?" રિશિને આ ચાન્સ હવે મળી રહ્યા છે. રાકેશ રોશન એમના ખાસમખાસ દોસ્તાર છે. 'કોઈ મિલ ગયા'માં એ રિશિ કપૂરને રિતિકના બાપના રોલમાં લેવા માગતા હતા. રિશિ કપૂરે ના પાડી દીધી હતી કે ના યાર, મારે બાપના રોલમાં ટાઇપકાસ્ટ નથી થવું, મારા મનમાં કરિયરને લઈને કંઈક જુદા જ પ્લાન છે. રાકેશ રોશનને ભારે ખીજ ચડી હતી. એમણે ખીજાઈને કહ્યું હતું કે, "યે કોઈ ઉમ્ર હૈ કરિયર પ્લાન કરને કી?" રિશિ કપૂરને આ ટોણાથી લાગી આવેલું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. આમ જોવા જાઓ તો રાકેશ રોશનની વાત પણ ક્યાં ખોટી હતી. વ્યાવહારિક બુદ્ધિ કહે છે કે આધેડ વયે તો જે રોલ મળે તે ચૂપચાપ કરી લેવાના હોય, પણ રિશિ કપૂરે મનોમન નક્કી કરી નાખ્યું કે ના, હું રાકેશને સાબિત કરીને દેખાડી દઈશ. એ કહે છે, "રાકેશ રોશન પહેલો માણસ હતો, જેણે મારી સામે ચેલેન્જ ફેંકી હતી. સમજોને કે તે દિવસથી મેં એક્ટર તરીકે મારી બ્રાન્ડવેલ્યૂ ઊભી કરવાનું નક્કી કરી નાખ્યું હતું."
બો-બોનું મન કંઈક જુદું કહે છે. બો-બોને પાક્કી ખાતરી છે કે દીકરા રણબીરે એક સારા એક્ટર તરીકે જે રીતે ધાક ઊભી કરી છે એ જોઈને રિશિ કપૂરને એમ દેખાડી દેવાની ચાનક ચડી હશે કે, 'બચ્ચુ, મૈં ભી તેરા બાપ હૂં'. એમ તો એમ, પણ રોલીપોલી રિશિમાં એક્ટર તરીકે એક્સપેરિમેન્ટ્સ કરવાની હિંમત આવી એ જ મહત્ત્વનું છે, રાઇટ?
ઓક્કે ધેન. જય શુક્રવાર!                     0 0 0 

Tuesday, July 16, 2013

ટેક ઓફ : આર્ય મૌનઃ સ્મિત ને ઈશારા પર પણ પ્રતિબંધ છે!

Sandesh - Ardh Saptahik Purti - 17 July 2013

Column: ટેક ઓફ 

ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. એકમાત્ર બુદ્ધ જ એવા હતાજે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે,સુખી કે દુઃખી થયા વિના મનના વિચારોને સાક્ષીભાવે નિહાળતા રહેવું. 

જુલાઈએ બિહારના બોધગયા મંદિરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને બૌદ્ધ ધર્મના આ સૌથી મહત્ત્વના સ્થળની શાંતિ ખંડિત થઈ ગઈ. ચૂપચાપ કામે લાગી જવાને બદલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓ સહેજ પણ સમય બગાડયા વગર એકબીજા પર ગંદકી ઉછાળવામાં, ટીવી કેમેરામાં મોં ખોંસીને જોરજોરથી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવામાં વ્યસ્ત થઈ ગયા. દેશની આંતરિક કે બાહ્ય સુરક્ષાનો મામલો હોય ત્યારે સામસામા બાખડવાને બદલે ધીરગંભીર શાંતિ જાળવવાની હોય, પણ આપણા નેતાઓ પાસેથી આવી અપેક્ષા રાખવી પણ મૂર્ખતા છે. ગરિમાપૂર્ણ મૌન અથવા ડિગ્નિફાઇડ સાઇલન્સનો મહિમા સમજવો તે રાજકારણીઓના વર્તુળની બહારની વસ્તુ છે.
ગૌતમ બુદ્ધ જેવો મૌનનો મહિમા સંભવતઃ બીજા કોઈ ધર્મપુરુષે કર્યો નથી. સાધના અથવા મેડિટેશનનો સીધો સંબંધ મૌન સાથે છે. વિપશ્યનાની યોગશિબિર એટેન્ડ કરો તો તમારે લાગલગાટ દસ સૌથી મૌન રહેવાના ગજબનાક અનુભવમાંથી ફરજિયાતપણે પસાર થવું પડે. વિપશ્યના બૌદ્ધ ધર્મનું એક પ્રેક્ટિકલ યા તો પ્રાયોગિક પાસું છે. વિપશ્યનાનો અર્થ થાય છે વિશિષ્ટ રીતે જોવું,પરિસ્થિતિઓને જેવી છે તે સ્વરૂપમાં જોવી. વિપશ્યના કરનાર સાધકે સીધું સાદું મૌન નહીં, પણ આર્ય મૌન પાળવાનું હોય છે. આર્ય મૌન એટલે કેવળ વાણીથી જ નહીં, પણ શરીરથી પણ મૌન. તમે કોઈની સામે જુઓ અને સામેવાળો સ્મિત કરે કે ગુસ્સાથી જુએ તો તે પણ એક પ્રકારનું કમ્યુનિકેશન થયું ગણાય. આ પણ ટાળવાનું છે. વિપશ્યના કરનાર સાધકે આ પ્રકારનું આંગિક્ ક્મ્યુનિકેશન પણ ટાળવાનું છે. દૃસ દિવસ દૃરમિયાન એણે એવી રીતે રહેવાનું છે જાણે આખા કેમ્પસમાં એ એક્લો જ હોય. વિપશ્યના પ્રમાણમાં સહેજ ક્ઠિન સાધના છે. દિવસના દૃસ કરતાં વધારે ક્લાક્ો ચોક્કસ પ્રકારના મેડિટેશનમાં ગાળવા પડે છે, પણ બધાના પરિણામ સ્વરુપે જે ભાવસ્થિતિ પેદૃા થાય છે તે અદૃભુત અને અસામાન્ય હોય છે તે આ લખનાર અનુભવે સમજ્યો છે. અલબત્ત, વિપશ્યનાનો રિયાઝ અટક્ી જતાં પેલી ભાવસ્થિતિ પણ વિખરાઈ જાય છે તે અલગ વાત થઈ.

Vipassana

ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. અન્ય ધર્મો કર્મકાંડ, મંત્રતંત્ર,પૂજા-અર્ચનામાં પડી ગયા. એકમાત્ર બુદ્ધ જ એવા હતા જે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે- સુખી કે દુઃખી થયા વિના તમામ શારીરિક અને માનસિક ગતિવિધિઓને સાક્ષીભાવે નિહાળતા રહેવું. આ સાક્ષીભાવ તમારી ચેતના, તમારી સભાનાવસ્થા સાથે અન્ડરકરંટની જેમ સતત વહેતો રહેવો જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ હો ને ગમે તે કામ કરતા હો, પણ તમારી આંતરિક શાંતિ અકબંધ રહે, તેને કશું જ ખલેલ પહોંચાડી ન શકે તો તમે ખરું મેડિટેશન કર્યું કહેવાય.
બુદ્ધ પોતાના શિષ્યોને કહેતાં યોગસાધના કરવી હોય તો મનની ઉપેક્ષા કરો. મનને બાયપાસ કરી નાખો. એને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય, ભલે જે કહેવું હોય તે કહે, પણ તમારે તેના તરફ લક્ષ આપવાનું નથી. મનનો સ્વભાવ છે કૂદકા મારવાનો, જાતજાતના ઊંધાચત્તા વિચારો કર્યા કરવાનો. મન માંકડું અમસ્તું નથી કહેવાયું, પણ આપણે એની ઉપેક્ષા કરતા શીખી જઈશું તો ધીમે ધીમે મન કેળવાતું જશે. તે ખુદ સમજવા લાગશે કે એનું કયું વર્તન સ્વીકાર્ય છે અને કયું અસ્વીકાર્ય. એક વાર તે જાણી લેશે પછી નિરર્થક બકવાસ કરવાનું બંધ કરી દેશે. આંતરિક વિકાસ માટે આ સ્થિતિ આવવી જરૂરી છે.


ઓશો કહે છે, 'બોધગયા એ જગ્યા છે જ્યાં બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તમે બોધગયાના મંદિરમાં જાઓ તો મેડિટેશન બે રીતે કરજો- બેઠાં બેઠાં અને ચાલતાં ચાલતાં. પહેલો એક કલાક તમે મંદિરમાં મૌન ધારણ કરીને બેસો, તમારા મનમાં જે વિચારો ફૂંકાયા કરે તેનું શાંતિથી નિરીક્ષણ કરતા રહો. ત્યાર બાદ મંદિરની બાજુમાં જે પથ્થરોની કતાર છે તેના પર ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો. ચાલતાં ચાલતાં તમારે એ જ ક્રિયા કન્ટિન્યૂ કરવાની છે. મનમાં જાતજાતના વિચારો આવશે, જશે. તમારે માત્ર એને સાક્ષીભાવે જોયા કરવાના. આ વોકિંગ મેડિટેશનને જાપાનમાં કિનહીન કહે છે. ક્રમશઃ તમને પ્રતીતિ થશે કે તમે બેઠા હો કે ચાલતા હો, તમારી ભીતર એવું કશુંક છે જે સતત જાગ્રત રહે છે, બદલાતું નથી. બહુ સુંદર અનુભવ હોય છે આ. તમે સૂતા હો તોપણ જાણે કોઈ પ્રકાશ તમારી નિદ્રામાં પ્રવેશીને ઝળહળતો રહે છે. આ પરફેક્ટ એન્લાઇટમેન્ટ છે.'
કહે છે કે ગૌતમ બુદ્ધના મંદિરમાં મૂર્તિ એવી રીતે બનાવવામાં આવે છે કે એને કેવળ જોતા રહેવાથી મૌનમાં સરી પડાય. આ યોગસાધનાની મૂર્તિ છે, ગૌતમ બુદ્ધ નામના મહાપુરુષની નહીં. એક વાર વાચાગોત્તા નામના યતિએ બુદ્ધને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, જેનો ઉત્તર આપવાને બદલે બુદ્ધ મૌનમાં સરી પડેલા. આ રહ્યા વાચાગોત્તાના પ્રશ્નોઃ શું બ્રહ્માંડ શાશ્વત છે કે નથી? શું બ્રહ્માંડ અનંત છે કે અનંત નથી? શું આત્મા અને શરીર એક જ છે કે પછી આ બન્ને જુદી જુદી વસ્તુઓ છે? શું તથાગત (એટલે કે બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવશે કે નહીં ધરાવે? શું મૃત્યુ પછી બુદ્ધનું અસ્તિત્વ હોવું અને ન હોવું આ બન્ને સ્થિતિ એકસાથે સાચી પડશે? કે બન્નેમાંથી એક પણ સ્થિતિ સાચી નહીં પડે? 

આના જવાબો આપવાને બદલે બુદ્ધે મૌન ધારણ કરી લેવાથી તરંગો જન્મ્યા. આ મૌન વિશે દુનિયાભરના વિચારકો પોતપોતાની રીતે અર્થઘટન કરતા આવ્યા છે. કોઈ કહે છે કે બુદ્ધ એટલા માટે મૌન થઈ ગયા કે દૈવી અને અલૌકિક તત્ત્વો શબ્દોથી પર હોય છે. કોઈએ ત્યાં સુધી કહ્યું કે બુદ્ધ એટલા માટે ચૂપ થઈ ગયા કે એમની પાસે આના જવાબો જ નહોતા. એક થિયરી એમ કહે છે કે બુદ્ધે મૌન ધારણ એટલા માટે કરી લીધું કે તેઓ કંઈ પણ બોલ્યા હોત તે કેવળ એક અભિપ્રાય હોત, એક વિચાર હોત અને શબ્દોમાં બંધાયેલા પ્રત્યેક અભિપ્રાય કે વિચારની એક મર્યાદા હોય છે, સીમા હોય છે. આ પ્રકારના પ્રશ્ર્નોના ઉત્તર આપવાથી ધ્યાન ખોટી દિૃશામાં ફંટાય જાય છે અને મૂળ વસ્તુ બાજુ પર રહી જાય છે. કોઈ નિશ્ચિત ફિલોસોફી કે થિયરીમાં બંધાઈ ન જવાય એટલા માટે બુદ્ધ મૌનમાં સરી પડયા હતા.
એ જે હોય તે, પણ આપણને પજવતી વાત તો આ છેઃ કોઈ પણ સવાલનો પટ્ટ કરતો જવાબ આપી દેતા, સવારના છાપાંની હેડલાઇન્સથી માંડીને રાતની ન્યૂઝ ચેનલોની ડિબેટ સુધી એકધારી રાડારાડી ને દેકારો કરતા રહેતા આપણા રાજકારણીઓને મૌનમાં સરકાવી શકાય એવો કોઈ જાદુઈ નુસખો છે કોઈની પાસે?                                                 0 0 0

http://www.sandesh.com/article.aspx?newsid=203899