Thursday, January 30, 2014

ટેક ઓફ : લખવું અને દોડવું : એટલીસ્ટ હી નેવર વોક્ડ!

Sandesh - Arth Saptahik purti - 29 Jan 2014

ટેક ઓફ 

"મેરેથોન રનિંગ કંઈ બધાં માટે નથી. આ ઇચ્છા અંદરથી ઊગવી જોઈએ. નવલકથાનું પણ એવું જ છે. કોઈ તમને ભલામણ કે આગ્રહ ન કરી શકે કે ભાઈતું નોવેલિસ્ટ બન!"

'નિંગ નોવેલિસ્ટ'નું બિરુદ પામેલા હારૂકી મુરાકામી વિશેની વાતને આગળ વધારતાં પહેલાં ગયા બુધવારની કડીનો ફ્લેશબેક લઈ લઈએ. મુરાકામી નોબેલ પ્રાઈઝની દાવેદારની કક્ષા સુધી પહોંચી ગયેલા જાપાનના બેસ્ટસેલર નવલકથાકાર છે. લખવાની શરૂઆત કરી ત્યારે તેઓ ટોકિયોમાં રેસ્ટોરાં-કમ-બાર ચલાવવતા હતા. ફુલટાઈમ રાઈટર બનતાંની સાથે જ તેમને સમજાયું કે જો લેખક તરીકે વધારે વર્ષો સક્રિય રહેવું હશે તો હેલ્થ ટિપટોપ રાખવી પડશે. આથી તેમણે દોડવાની શરૂઆત કરી.
"આજે પાછું વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે સદ્નસીબે મારું બોડી નાનપણથી જ સ્ટ્રોંગ અને હેલ્ધી છે," મુરાકામી કહે છે, "આ જ કારણ છે કે હું ત્રીસ વર્ષથી રોજ નિયમિતપણે દોડી શક્યો છું. પગ દુખવાને કારણે દોડયો ન હોઉં એવું ક્યારેય બન્યું નથી. હું નથી ક્યારેય ઈન્જર્ડ નથી થયો કે નથી ક્યારેય માંદો પડયો. જેમ જેમ વધારે દોડતો ગયો તેમ તેમ શારીરિક તાકાત વધારે નિખરતી ગઈ."

તરત વિચાર આવે કે ત્રણ દાયકાથી રોજેરોજ દોડવાની નિયમિતતા જાળવી રાખવા માટે માણસમાં કેટલું તગડું આત્મબળ જોઈએ. મુરાકામી આ વાતનો છેદ ઉડાડી દે છે. તેઓ કહે છે કે ડેઈલી રનિંગ અને વિલ પાવર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેઓ દોડી શક્યા, કારણ કે ઈટ સ્યુટ્સ હિમ! એમને ફાવે છે રોજેરોજ દોડવું! આપણે જીવનમાં આખરે તો એ જ વસ્તુઓ કરતા હોઈએ છીએ જેમાં આપણી કુદરતી ફાવટ હોય. એમ જ હોવું જોઈએ. કોઈ વસ્તુ પરાણે કરતા રહેવામાં મજા નથી. તમે એક વાર કાયદેસર રનર બની જાઓ એટલે દોડવાની ક્રિયા શ્વાસ લેવા જેવી સહજ બની જાય એવુંય નથી. મુરાકામી એક વાર તોશીહીકો સીકો નામના એક ઓલિમ્પિક રનરનો ઈન્ટરવ્યૂ લેવા ગયા. સવાલ પૂછ્યોઃ "સર, તમારી કક્ષાના રનરને ક્યારેય આળસ આવે ખરી? તમને ક્યારેય સવારે વહેલા ઊઠતી વખતે કંટાળો આવ્યો છે ખરો કે રહેવા દે, આજે નથી જવું દોડવા? ને પછી રજાઈમાંથી બહાર નીકળવાની ઇચ્છા જ ન થાય? આવું બને ક્યારેય?
પેલા દોડવીર મુરાકામીને તાકવા લાગ્યા. એમની નજર કહી રહી કે આ કેવો મૂરખ જેવો સવાલ કર્યો તેં? એમણે જવાબ આપ્યોઃ "મને ક્યારેય દોડવા જવાનો કંટાળો આવે કે કેમ એવું પૂછો છો મને?અફકોર્સ, ઓલ ધ ટાઈમ!"
"વોટ આઈ ટોક અબાઉટ વ્હેન આ ટોક અબાઉટ રનિંગ" પુસ્તકમાં આ કિસ્સો ટાંકીને મુરાકામી કહે છે, "હું અંદરથી જાણતો હતો કે શું જવાબ મળશે, છતાંય મારે આ તોશીહીકોના મોઢેથી સાંભળવું હતું. આ જ હકીકત છે. ભલે તમારામાં વર્લ્ડકલાસ રનર જેવી સ્ટ્રેન્થ હોય, ભલે તમે ચિક્કાર એકસરસાઈઝ કરતા હો કે ભલે તમારામાં સેલ્ફ-મોટિવેશનની કોઈ કમી ન હોય, પણ સવારે પથારીમાંથી બહાર આવીને શૂઝની દોરી બાંધતી વખતે મોટું બગાસું ખાઈને પાછું રજાઈમાં લપાઈ જવાનું મન તો થવાનું જ! ટૂંકમાં, માણસ નવશીખિયો હોય કે વિશ્વકક્ષાનો દોડવીર, અંદરથી તો બધા સરખા જ હોય છે!"

મુરાકામીએ યુવાનીમાં દોડવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં પંદરથી વીસ મિનિટ માંડ દોડાતું. હાંફી જવાતું. સવારે ટ્રેક પેન્ટ ચડાવીને નીકળતા ત્યારે પાડોશીઓ વિચિત્ર નજરે જોયા કરતા. એમને બહુ ઓકવર્ડ લાગતું. "મેં પહેલી વાર મારા નામની પાછળ કૌંસમાં 'નવલકથાકાર' શબ્દ વાંચ્યો હતો ત્યારે પણ મને આવી જ ઓકવર્ડ ફીલિંગ થઈ હતી!" મુરાકામી કહે છે, "મેં દોડવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે શરીર ટેવાતું ગયું, અંતર વધતું ગયું. જો કે સ્પીડ કે ડિસ્ટન્સ કરતાં વધારે મહત્ત્વનું છે રોજેરોજ દોડવું, એક પણ દિવસનો બ્રેક પાડયા વિના નિયમિત દોડવું. તો જ સ્નાયુઓ ટેવાશે અને શરીર તમારું કહ્યું માનશે. વળી,મેરેથોન રનિંગ કંઈ બધા માટે નથી. આ બાબતમાં કોઈની ભલામણ કે આગ્રહ ન ચાલે. આ ઇચ્છા અંદરથી ઊગવી જોઈએ અને પછી એની તાલીમ વગેરેની દિશામાં તમે કુદરતી રીતે ખેંચાવા જોઈએ. નવલકથાનું પણ એવું જ છે. કોઈ તમને ભલામણ કે આગ્રહ ન કરી શકે કે ભાઈ, તું હવે નોવેલિસ્ટ બન!"
યુવાનીમાં એક તબક્કે સ્પષ્ટતા થઈ જવી જોઈએ. ખુદની શક્તિઓ અને આવનારાં વર્ષો કઈ રીતે, કયા કાર્યમાં ગાળવાં છે તે વિશેની સ્પષ્ટતા. આવું ન થાય તો જીવન સંતુલન અને ફોકસ બંને ગુમાવી બેસે છે. મુરાકામી કહે છે, "એક વાત મને જલદી સમજાઈ ગઈ હતી. મારી પ્રાયોરિટી એવી લાઈફસ્ટાઈલ વિકસાવવાની હતી કે જેથી લખવા પર વધુમાં વધુ ફોકસ કરી શકું. મને ચોક્કસ વ્યક્તિઓ સાથે સંબંધો વિકસાવવામાં રસ નહોતો, મારે તો મારા વાચકો સાથે અતૂટ સંબંધ બાંધવો હતો. મારું પ્રત્યેક નવું પુસ્તક મારાં આગલાં પુસ્તકો કરતાં બહેતર અને જુદું હોવું જોઈએ. આ જ અપેક્ષા રહી છે મારા વાચકોની. તો શું વાચકોની અપેક્ષા સંતોષવાના ભરપૂર પ્રયત્ન કરવા એ જ મારી ફરજ અને ટોપ પ્રાયોરિટી ન હોવાં જોઈએ? મેં મારા અસંખ્ય વાચકોને જોયા નથી,પણ તેમની સાથે મારો નાતો અદૃશ્ય છે, વૈચારિક છે. વાચકો સાથેની આ રિલેશનશિપને મેં જિંદગીમાં સૌથી વધારે મહત્ત્વની ગણી છે. તેંત્રીસ વર્ષની ઉંમરે મેં દોડવાની શરૂઆત કરી હતી. એક નવલકથાકાર તરીકેની મારી ખરી શરૂઆત પણ ત્યારે જ થઈ."

એક તરફ મુરાકામી નવલકથાકાર તરીકે ઊંચાઈઓને આંબતા ગયા, તો બીજી બાજુ એક દોડવીર તરીકે પણ નીખરતા ગયા. હાફ મેરેથોન (લગભગ ૨૧ કિલોમીટર), ફુલ મેરેથોન (૪૨ કિલોમીટર)માં અફલાતૂન પ્રદર્શન કર્યા પછી તેમણે દુનિયાની સૌથી કઠિન ગણાતી અલ્ટ્રા મેરેથોન (અધધધ ૮૯ કિલોમીટર) અને ઈવન ટ્રાયાથોનમાં પણ ભાગ લીધો. ટ્રાયાથોનમાં સ્વિમિંગ, સાઈક્લિંગ અને રનિંગ આ ત્રણેય વસ્તુ અટક્યા વગર એક પછી એક કરીને શરીર અને મનની તાકાત અજમાવવાની હોય છે.
"મારી સમાધિ પર કયા શબ્દો કોતરાવવા તે પણ હું મારા પરિવારને કહેતો જવાનો છું," હારૂકી મુરાકામી કહે છે, "લખાણ કંઈક આવું હોવું જોઈએઃ મારું આખું નામ, નીચે ૧૯૪૯ થી મૃત્યુવર્ષ. ત્યાર બાદ રાઈટર અને કૌંસમાં (રનર). એની નીચે લખવાનું : એટલીસ્ટ હી નેવર વોક્ડ!"
0 0 0

Saturday, January 25, 2014

ટેક ઓફ : નોવેલિસ્ટ તરીકે લાંબું લખવું હોય તો ફિટ રહેવું!


Sandesh - Ardh Saptahik Purti - 22 Jan  2014  

ટેક ઓફ 

જાપાનના સુપરસ્ટાર લેખક હારુકી મુરાકામીને 'રનિંગ નોવેલિસ્ટ'નું બિરુદ મળ્યું છે. ઊંચા ગજાનો સાહિત્યકાર એક અઠંગ મેરેથોન રનર પણ હોય તેવું કમાલ કોમ્બિનેશન કેવી રીતે સર્જાયુ?

પુસ્તકનું નામ જ કેવું કેચી છેઃ 'વોટ આઈ ટોક વ્હેન આઈ ટોક અબાઉટ રનિંગ'. મતલબ કે, હું જ્યારે દોડવાની વાત કરતો હોઉં છું ત્યારે ખરેખર કોના વિશે કરતો હોઉં છું? હારુકી મુરાકામી નામના વિખ્યાત જાપાની નવલકથાકારના એક પુસ્તકનું આ ટાઈટલ છે. ૬૫ વર્ષના મુરાકામી 'રનિંગ નોવેલિસ્ટ' તરીકે દુનિયાભરમાં જાણીતા છે. જાપાનના તેઓ બેસ્ટસેલિંગ લેખક છે. એમની કૃતિઓ અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પ્રગટ થઈ છે. ખૂબ બધા એવોર્ડ્ઝ પણ જીત્યા છે તેમણે. વિશ્વના મહાનતમ જીવિત નવલકથાકારોની સૂચિમાં તેઓ મુકાયા છે. ઈન ફેક્ટ, ગયા વર્ષે સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝના ટોપ-ફાઈવ દાવેદારમાં એમનું નામ હતું.
મુરાકામીની સૌથી આકર્ષક વાત એ છે કે તેઓ અઠંગ દોડવીર પણ છે. ઊંચા ગજાનો સાહિત્યકાર મેરેથોન રનર તરીકે પણ વેટરન એટલે કે અનુભવી ગણાતા હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. મુરાકામીમાં આ રેર કોમ્બિનેશન થયું છે. ચંદ્રકાંત બક્ષી કોલેજકાળમાં ખૂબ દોડતા. તેમણે એક વાર ફુલ મેરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) પણ આશ્ચર્ય થાય એટલા ઓછા સમયમાં પૂરી કરી હતી. જોકે તેમનું દોડવાનું થોડાં વર્ષોમાં છૂટી ગયું હતું. મુરાકામીએ લખવાનું શરૂ કર્યું ત્યારે ૨૯-૩૦ વર્ષના અને દોડવાનું શરૂ કર્યું ત્યારે તેંત્રીસના હતા. લોકો સામાન્યપણે જુવાની ફૂટતા જ કવિતા લખવાનાં ટાયલાં શરૂ કરી દેતા હોય છે. જીવનભર કોઈ સ્પોર્ટ સાથે નિષ્ઠાથી જોડાયેલી વ્યક્તિ ઘણું કરીને સ્કૂલ-કોલેજના જમાનાથી જ ખેલકૂદમાં એક્ટિવ બની જતી હોય છે. તે દૃષ્ટિએ મુરાકામીએ લખવાનું અને દોડવાનું પ્રમાણમાં મોડું શરૂ કર્યું એમ કહેવાય. જોકે લખવાને અને દોડવાને ઉંમરના કોષ્ટક સાથે ક્યાં કંઈ લાગેવળગે છે.    
લેખક બન્યા તે પહેલાં મુરાકામી ટોકિયોમાં એક મધ્યમ કદની રેસ્ટોરાં-કમ-બાર ચલાવતા હતા. દિવસે ચા-કોફી અને ખાવાનું પીરસાય, રાત્રે આલ્કોહોલ. બારમાં એક બાજુ જાયન્ટ સાઈઝનો પિયાનો ગોઠવવામાં આવ્યો હતો. વીકએન્ડમાં ત્યાં લાઈવ પર્ફોર્મન્સીસ થાય. વહેલી સવારથી મુરાકામીનું કામ શરૂ થાય જે મધરાત સુધી નોનસ્ટોપ ચાલે. 'વોટ આઈ ટોક વ્હેન આઈ ટોક અબાઉટ રનિંગ' પુસ્તકમાં તેઓ કહે છે, "મારી પાસે બાર ચલાવવાનો કે બિઝનેસ કરવાનો કોઈ અનુભવ નહોતો. એવું કોઈ પેશન પણ નહોતું. મારો એક જ પ્લસ પોઈન્ટ હતો અને તે એ કે મારો ફિઝિકલ સ્ટેમિના શરૂઆતથી જ ખૂબ સારો છે. હું થાક્યા વગર સખત પરિશ્રમ કરી શકું છું."
આ ગુણ તેમને દોડતી અને લખતી વખતે પણ ખૂબ કામ આવ્યો. બાર ચલાવતાં ચલાવતાં મુરાકામી નવલકથાકાર કેવી રીતે બની ગયા? એક બપોરે એ બેઝબોલની મેચ જોવા ગયા હતા. મેચ જોતાં જોતાં અચાનક એમના મનમાં વિચાર ઝબકી ગયોઃ યુ નો વોટ, હું ધારું તો નવલકથા લખી શકું તેમ છું!

"લેખક બનવાના ધખારા મને ક્યારેય નહોતા, તો પણ કોણ જાણે કેવી રીતે તે દિવસે મેચ જોતા જોતાં મને નવલકથા લખવાની તીવ્ર ઇચ્છા થઈ આવી!" મુરાકામી કહે છે, "મને એ તારીખ પણ બરાબર યાદ છે - પહેલી એપ્રિલ ૧૯૭૮! હું એક્ઝેક્ટલી શું લખવા માગું છું તેનો મને બિલકુલ ખ્યાલ નહોતો. ફક્ત એટલું ફીલ થઈ રહ્યું હતું કે હું જે કંઈ લખીશ તે વાંચનારને રસ પડે એવું તો હશે જ. ઘરે જઈને લખવા બેઠો ત્યારે મને ખબર પડી કે મારી પાસે લખવા માટે સારી બોલપેન કે ફાઉન્ટનપેન પણ નથી. હું પછી સ્ટેશનરીની દુકાને જઈને કોરા કાગળ અને સારી પેન ખરીદતો આવ્યો."
આમ, મુરાકામીએ એકાએક નવલકથા લખવાના શ્રીગણેશ કર્યા. ચારેક મહિનામાં જાપાની ભાષામાં બસ્સો પાનાંની એક નોવેલ લખી નાખી. એ અરસામાં કોઈ સાહિત્યિક મેગેઝિને નવોદિત લેખકો માટે સ્પર્ધા જેવું શરૂ કરેલું. કોઈ પણ અપેક્ષા વગર તેમાં પોતાની કૃતિ મોકલી આપી. તે પછી ધંધામાં એવા બિઝી થઈ ગયા કે નવલકથાવાળી વાત લગભગ વિસરાઈ ગઈ. થોડા મહિનાઓ પછી મેગેઝિને પરિણામની ઘોષણા કરી. મુરાકામીની નવલકથાને પહેલું ઈનામ મળ્યું. નવલકથા (અંગ્રેજી ટાઈટલ-'હીઅર ધ વિન્ડ સિંગ') પ્રકાશિત થઈ, ખૂબ વખણાઈ. મુરાકામી પર ઊભરતા નવયુવાન નવલકથાકારનું બિરુદ લાગી ગયું. આખો ઘટનાક્રમ એટલો અણધાર્યો હતો કે એમને ખુદને સમજાઈ રહ્યું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે!
કહેવાતું હોય છે કે લેખક બનવા ઇચ્છનારે સૌથી પહેલાં તો ડાયરી વગેરે લખીને લખવાનો ખૂબ રિયાજ કરવો જોઈએ, કમસે કમ પચ્ચીસ-પચાસ ટૂંકી વાર્તાઓ લખવી જોઈએ, પોતાની ભાષા અને શૈલીની ધાર ઉતારવી જોઈએ અને તે પછી જ નવલકથા પર હાથ અજમાવવાની હિંમત કરવી જોઈએ. મુરાકામીના કિસ્સામાં આ થિયરીનો ભુક્કો બોલી ગયો. તેમણે સીધા નવલકથા લખવાથી જ શરૂઆત કરી અને પહેલા બોલમાં સિક્સર ફટકારી દીધી. ખરેખર, ક્રિએટિવિટીના મામલામાં કોઈ જડ નિયમો કે સલાહો કામ કરતાં નથી.   


તે બીજી નવલકથા 'પિનબોલ' લખાઈ. ટૂંકી વાર્તાઓ લખાઈ. બન્ને નવલકથાઓ પ્રતિષ્ઠિત એવોર્ડ્ઝ માટે નોમિનેટ થઈ. આ બધાની વચ્ચે રેસ્ટોરાં-કમ-બાર તો ચાલતાં જ રહ્યાં. હકીકતમાં મુખ્ય કામ જ એ હતું. દિવસભર માલ ચેક કરવાનો, એકાઉન્ટ્સ મેન્ટેન કરવાનાં, સ્ટાફ સાથે કામ પાર પાડવાનું, ખુદ કાઉન્ટર પાછળ ઊભા રહીને કોકટેલ્સ મિક્સ કરવાનાં અને ઈવન કિચનમાં જઈને રાંધવાનું પણ ખરું. મધરાતે બાર બંધ થયા પછી સાફસફાઈ ચાલતી હોય ત્યારે એક ટેબલ પર ચૂપચાપ લખવા બેસી જવાનું. લગભગ પરોઢ સુધી લખવાનું ચાલે. પછી ઘરે જઈ કિચનમાં ટેબલ પર બેસીને ઝોલાં આવવા લાગે, હવે સૂતા વગર નહીં જ ચાલે એવું લાગે ત્યાં સુધી લખ્યા કરવાનું. આ સિલસિલો ત્રણ વર્ષ ચાલ્યો. ત્રીજી નવલકથા 'અ વાઈલ્ડ શીપ ચેઝ' પછી એમણે બાર બંધ કરીને સંપૂર્ણપણે કલમજીવી બનવાનો, એક પ્રોફેશનલ રાઈટર તરીકે ઘર ચલાવવાનો નિર્ણય લીધો. આપણી ભાષામાં લેખક ફુલટાઈમ નવલકથાકાર બનીને આખા ઘરનો શું, પોતાના એકલાનાં ચા-પાન-બીડી-પેટ્રોલનો ખર્ચ પણ કાઢી ન શકે, પણ જાપાનની સ્થિતિ જુદી હોવી જોઈએ.
"હવે સવાલ એ આવ્યો કે હું મારી જાતને ફિઝિકલી ફિટ કેવી રીતે રાખી શકું," મુરાકામી કહે છે, "બાર ચાલતો હતો ત્યારે ખૂબ શારીરિક પરિશ્રમ કરવો પડતો હતો, પણ પ્રોફેશનલ રાઈટર તરીકે મારું જીવન બેઠાડુ થઈ જવાનું હતું. વળી, એ વર્ષોમાં હું રોજની સાઠ-સાઠ સિગારેટ પી જતો. મારી આંગળીઓ પીળી થઈ ગઈ હતી અને આખા શરીરમાંથી સિગારેટની સ્મેલ આવતી. મને સમજાયું કે મારે નોવેલિસ્ટ તરીકે લાંબું જીવન જીવવું હશે તો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવ્યા વગર છૂટકો નથી. તેથી મેં બે નિર્ણય લીધાઃ એક, સિગારેટને હાથ પણ નહીં લગાડવાનો અને બે, ડેઈલી એક્સરસાઈઝના ભાગરૂપે દોડવાનું શરૂ કરવાનું."
આમ, લખવાના શોખે એક નવલકથાકારને જ નહીં એક રનરને પણ જન્મ આપ્યો. તે વખતે ક્યાં કલ્પના સુધ્ધાં કરી હતી કે એક રનર તરીકે પોતે ભવિષ્યમાં શું શું કરવાના છે. નોવેલિસ્ટ હારુકી મુરાકામીએ એક દોડવીર તરીકે એક્ઝેક્ટલી કેવી કમાલ કરી? એની વાત આવતા અઠવાડિયે.
                                             0 0 0 

Friday, January 17, 2014

‘ફલક’ : પુસ્તક-સમીક્ષા (Sadhana)


પુસ્તક-સમીક્ષા
- જ્યોતિ દવે
ફલક
લેખક :     શિશિર રામાવત
પ્રકાશક  :     ગૂર્જર પ્રકાશન
પૃષ્ઠ     :     108
મૂલ્ય     :     રૂ. 150/-
દૂરભાષ    :     (079) 22144663

39.jpgઆજના સ્પર્ધાત્મક યુગમાં જો વધુ સફળ થવું હશે તો પોતાની ખ્યાતિ અને નામના ખૂબ બહોળા ફલક ઉપર વિસ્તારવી પડશે, અર્થાત્ વ્યાપ વિસ્તારવો પડશે. આમ ફલક શબ્દ સ્વયં ઘણું બધું કહી જાય છે. પ્રસ્તુત પુસ્તકનું નામ જ ‘ફલક’ છે, જેમાં જુદાં જુદાં 21 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે આપણી સમજ એક નિશ્ર્ચિત વિસ્તાર, વિચાર કે ખ્યાલ પૂરતી સીમિત થઈ જાય ત્યારે વિકાસનો તબક્કો જાણે કે સ્થિર થતો ભાસે છે... આથી સતત વિચારવંત રહેવું, વેગવંત રહેવું એ અનિવાર્ય છે, તેની સાથોસાથ વિચારોના નાવીન્યને અપ્નાવવું અને કૂપમંડૂક જેવી પરિસ્થિતિમાંથી બહાર આવવું એ ગતિશીલતાની નિશાની છે. આથી જ આ પુસ્તકમાં લેખક શિશિર રામાવતે વિધવિધ વિષયોને અલગ જ રીતે મૂલવવાનો પ્રયાસ કર્યો છે, જે થકી વાચક પોતાના વિચારબિંદુને વ્યાપક ફલક પર મૂકી વાસ્તવિકતાની વધુ નજીક પહોંચે છે.

એકાંત અને એકલતામાં શું ફેર છે ? એકાંતમાં પસંદગીનો ભાવ છે, તો એકલતામાં કદાચ અણગમાની કે અવગણનાની ભાવના વ્યક્ત થાય છે. પેશન હોવું એ આપણા જીવન માટે કેટલું આવશ્યક ? ગિલ્ટી ફીલ કરવાનો અનુભવ કેવોક ? ગુણ ગ્રાહ્ય કરવાની અને અવગુણને ત્યજવાની કોઈ ક્ટ-ઓફ્ફ લિમિટ ખરી ?, કોઈને એક ક્ષણ પૂરતો માફ કરવો શું શક્ય નથી ?, શું અમુલ ગર્લ સોશિયલ ઓબ્ઝર્વર છે ? વર્લ્ડકપ ફિવર અને અધ્યાત્મ ક્યાંય જોડાયેલા છે ? શું તમે આઈસ્ક્રીમને પ્રેમ કરો છો ?

ઉપરોક્ત પ્રશ્ર્નાવલીને તપાસવામાં આવે તો પણ ખ્યાલ આવે છે કે અહીં વિચારોનું વૈવિધ્ય છે. આપણી વિચાર-મનન-ચિંતનની શક્તિઓને વધુ વેગવંત બનાવે તેવી વાતો ઉપરોક્ત પ્રશ્ર્નોના ઉત્તરોમાં વણાઈ છે. પ્રત્યેક પ્રકરણ એકબીજાથી અલગ છે પણ સ્વયંમાં કાંઈક આગવો સંદેશો આપ્નાર એક શ્રેષ્ઠ પ્રકરણ બની રહે છે. આમ આ પુસ્તકમાં કલા, ક્રિએટિવિટી, ભાષા, સાહિત્ય, સંબંધો અને લાગણીઓની અભિવ્યક્તિ થઈ છે જીવંત ઉદાહરણો મારફતે, તો ક્યાંક દંતકથા સ્વરૂપે, તો ક્યાંક ઇન્ટરવ્યુના શબ્દો દ્વારા તો વળી ક્યાંક છે જુદા જુદા ખ્યાતનામ વ્યક્તિઓનાં વિચારબિંદુઓની સામ્યતા દ્વારા.

આમ, વાચકને વિવિધ વિષયોનું રસપાન કરાવતું આ પુસ્તક વાંચવું ગમે એવું છે.

                                                                         (Sadhana weekly, 11 Jan 2014)

(2) Gujarat Guardian Review- 31 Dec 2013 (by Ami Dhabuwala)Tuesday, January 14, 2014

મલ્ટિપ્લેક્સ : સ્ટિફન કિંગ : ભયરસના બેતાજ બાદશાહ

Sandesh - Sanskaar Purti - 12 Jan 2014

મલ્ટિપ્લેક્સ 

પોતાની કૃતિ પરથી ફિલ્મ કે ટીવી સિરિયલ બને તે કયા લેખકને ન ગમેઅમેરિકાના સુપર સક્સેસફુલ લેખક સ્ટિફન કિંગની રચનાઓ પરથી ૨૭ ફુલલેન્થ ફીચર ફિલ્મો બની ચૂકી છેજે એક વર્લ્ડ રેકોર્ડ છે. 'કેરીનામની ખોફનાક નવલકથા પરથી ત્રણ-ત્રણ હોરર ફિલ્મ બની છે.

પોતાની કૃતિ પરથી ફિલ્મ, ટીવી સિરિયલ કે નાટક બને તે લેખકોને ગમતું હોય છે. ભલે તે જોઈને "અરરર... મારી નોવેલના આવા હાલહવાલ કરી મૂક્યા આ લોકોએ" કહીને પછી બખાળા કાઢે કે નારાજગી પ્રગટ કરે, પણ પોતાના લખાણનો આધાર લઈને કોઈ અન્ય માધ્યમમાં કશુંક બનાવી રહ્યા છે, તે હકીકત અહમ્ને જબરો સંતોષ આપતી હોય છે. આર્થિક વળતર તો ખરું જ. અમેરિકાના બેસ્ટસેલર રાઈટર સ્ટિફન કિંગની કૃતિઓ પરથી બનેલી ફિલ્મો-ટીવી શોઝ-નાટકોના લિસ્ટ પર નજર ફેરવીએ તો આંખો ચાર થઈ જાય.
૧૯૭૪માં સ્ટિફન કિંગ સૌથી પહેલી વખત પ્રકાશિત થયા, 'કેરી' નામની નવલકથા સાથે. ત્યારથી શરૂ કરીને આ ચાલીસ વર્ષમાં એમની કૃતિઓ પરથી અન્ય માધ્યમોમાં કુલ ૫૮ આઈટમ બની ચૂકી છે. આમાં સાવ સાધારણથી માંડીને ઓસ્કર એવોર્ડ્ઝ જીતી ચૂકેલી ફુલલેન્થ ફીચર ફિલ્મો, સીધી જ વીડિયો પર રિલીઝ થયેલી ફિલ્મો, ટીવી પર દર્શાવાતી મિની સિરીઝ, છૂટક એપિસોડ્સ,સ્ટેજ મ્યુઝિકલ્સ અને કોમિક્સ સુધ્ધાં આવી ગયાં. સ્ટિફન કિંગે લખેલી નવલકથાઓ, લઘુનવલો તેમજ ટૂંકી વાર્તાઓ બધું જ વાપરી કાઢયું છે આ ફિલ્મ અને ટીવીવાળાઓએ. 'કેરી' નવલકથા પરથી તો ત્રણ-ત્રણ વખત ફિલ્મો બની છે. સૌથી પહેલી વાર બ્રાયન દ પાલ્માએ ૧૮૭૪માં આ જ ટાઈટલવાળી ફિલ્મ બનાવી હતી. ૨૦૦૨માં ટીવી-ફિલ્મ બની. ૨૦૧૩માં 'કેરી'ની એક ઔર રિમેક બની, જે આવતા શુક્રવારે ભારતભરમાં રિલીઝ થઈ રહી છે.

૬૬ વર્ષના સ્ટિફન કિંગ ભયરસના બાદશાહ છે. એમની નવલકથાઓમાં પાત્રો અને પરિસ્થિતિઓ એટલાં ભયાનક હોય છે કે વાંચતી વખતે વાચકોના રૃંવાડાં ખડાં થઈ જાય છે. સ્ટિફનની કહાણીઓને સાઇકોલોજિકલ થ્રિલર પણ કહી શકાય. ફેન્ટસીનાં તત્ત્વો પણ તેમાં ભરપૂર હોય છે. સ્ટિફન કિંગની તેમની નવલકથાઓનો હીરો મોટે ભાગે લેખક હોય છે. એમની કેટલીય કથાઓનો લોકાલ મેઈન નામનું અમેરિકન નગર છે. તે એટલા માટે કે તેઓ દાયકાઓથી, લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી એની પહેલાંથી,સપરિવાર આ શહેરમાં રહે છે. મહાનગરોમાં વસતા લોકોને બદલે નાની જગ્યા કે કમ્યુનિટીમાં વસતાં કિરદાર એમને વિશેષ પસંદ છે. આ પાત્રો કાં તો ખુદ સુપરનેચરલ પાવર ધરાવતાં હોય યા તો એમની આસપાસ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ બનતી હોય. દુનિયાના ૩૫ દેશોમાં અને અલગ અલગ ૩૩ ભાષાઓમાં સ્ટિફન કિંગની નવલકથાઓ છપાઈ ચૂકી છે. આજ સુધીમાં તેમની કૃતિઓની ૩૦૦ મિલિયન એટલે કે ૩૦ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. બેસ્ટસેલર લિસ્ટમાં તેમનું નામ સૌથી ઊંચી પાયદાન પર ૩૬ વખત રહી ચૂક્યું છે. છતાંય સ્ટિફનને ધરવ થયો નથી. એમની નોવેલ નંબર વન બેસ્ટસેલર ન બને તો એમનો મૂડ ઓફ્ફ થઈ જાય છે!

એમની લેખનયાત્રાની શરૂઆત જોકે ઊબડખાબડ થઈ હતી. શરૂઆતમાં રિયાજ ખાતર એમણે રિચર્ડ બેકમેનના ઉપનામથી ત્રણ નવલકથાઓ લખી હતી. વિદેશમાં દરેક પુસ્તક છપાય તે પહેલાં પ્રકાશક માટે કામ કરતા એડિટરના હાથ નીચેથી પસાર થતું હોય છે. સ્ટિફન કિંગે છદ્મનામે લખેલી સૌથી પહેલી નવલકથા 'ગેટિંગ ઈટ ઓન' ચાર વખત એડિટર પાસેથી "હજુ લખાણ કાચું છે, ફરી એક વાર મઠારો" એવી સૂચના સાથે પાછી ફરી હતી. ચોથા ડ્રાફ્ટ પછી પણ નવલકથા ન સ્વીકારાઈ તે ન જ સ્વીકારાઈ. બીજી નવલકથા 'ધ લોંગ વોક'નાં નસીબમાં પણ રિજેક્શન લખાયું હતું. ૧૯૭૧માં ચોવીસ વર્ષની ઉંમરે સ્ટિફન કિંગે લગ્ન કર્યાં. આ લગ્ન તેમને જબરાં ફળ્યાં. એમણે એક ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. કેરીટા વ્હાઈટ (ટૂંકમાં કેરી) નામની ટીનેજ છોકરી વિશે તેમાં વાત હતી. થોડાં પાનાં લખ્યાં પછી સ્ટિફન કિંગને લાગ્યું કે આમાં કંઈ મજા નથી આવતી. એમણે ડૂચો વાળીને પાનાં કચરાપેટીમાં ફેંકી દીધાં. પત્ની ટબિથાને કોણ જાણે શું સૂઝ્યું કે એમણે ચોળાયેલાં પાનાં બહાર કાઢયાં ને ધ્યાનથી વાંચી ગઈ. એણે કહ્યું: વાર્તા શું કામ અધૂરી મૂકી દીધી? મને તો બહુ ઈન્ટરેસ્ટિંગ લાગી. તું પ્લીઝ આને પૂરી કર. પત્ની તરફથી ધક્કો મળતાં સ્ટિફન વાર્તાને અંત સુધી લઈ ગયા. શરૂઆત કરી હતી ટૂંકી વાર્તા તરીકે,પણ પૂરી થઈ ત્યાં સુધીમાં તેણે નવલકથાનું સ્વરૂપ લઈ લીધું હતું. એને ટાઈટલ આપવામાં આપ્યું, 'કેરી'. આ નવલકથા આખરે પ્રકાશકે સ્વીકારી અને છાપી. 'કેરી' ખૂબ વખણાઈ. થોડા જ મહિનાઓમાં પ્રકાશકે નવલકથાના અધિકાર ચાર લાખ ડોલર્સમાં વેચી કાઢયા. અડધો હિસ્સો સ્ટિફનને મળ્યો. તે વખતે તેઓ શિક્ષકની નોકરી કરીને વર્ષેદહાડે માંડ ૬૪૦૦ ડોલર્સ કમાતા હતા. સ્ટિફને પહેલું કામ નોકરી છોડવાનું કર્યું અને ફુલટાઈમ લેખક બનવાનો નિર્ણય લીધો.

'કેરી' તો શરૂઆત હતી. સ્ટિફન કિંગ એકએકથી ચડિયાતી નવલિકાઓ અને નવલકથાઓ લખતા ગયા અને ફિલ્મ-ટીવીવાળાઓને એના રાઈટ્સ વેચીને ચિક્કાર ડોલર્સ કમાતા ગયા. અત્યાર સુધીમાં સ્ટિફન કિંગની કૃતિઓ પરથી ૨૭ ફુલલેન્થ ફીચર ફિલ્મો બની છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. સ્ટિફન કિંગને અમેરિકાના ઇતિહાસના મોસ્ટ સકસેસફુલ રાઈટર તરીકેનું બિરુદ કંઈ અમસ્તું નથી મળ્યું.
એમની એક અતિ લોકપ્રિય નવલકથા 'ધ શાઈનિંગ' પરથી માસ્ટર ફિલ્મમેકર સ્ટેન્લી કુબ્રિકે એ જ ટાઈટલવાળી હોરર ફિલ્મ બનાવી હતી. જેક નિકલસન મેઈન હીરો હતા. પુસ્તક જેટલું ખોફનાક હતું, ફિલ્મ એટલી જ ભયપ્રેરક બની હતી, પણ લેખકસાહેબને ભારે અસંતોષ રહી ગયો હતો. એમની ફરિયાદ હતી કે સ્ટેન્લી કુબ્રિક પુસ્તકનો મૂળ સૂર જ સમજી શક્યા નથી. વળી, એમને જેક નિકલસનના કાસ્ટિંગ સામે પણ વાંધો હતો. સ્ટિફન કિંગે પછી ખુદ 'ધ શાઈનિંગ' પરથી ટીવી સિરીઝ પ્રોડયુસ કરી. મજા જુઓ કે ઓડિયન્સ અને વિવેચકો બન્નેને ટીવી વર્ઝન કરતાં સ્ટેન્લી કુબ્રિકનું ફિલ્મ વર્ઝન જ ચઢિયાતું લાગ્યું. કુબ્રિકની 'ધ શાઈનિંગ' સર્વશ્રેષ્ઠ હોરર ફિલ્મોના લિસ્ટમાં આજેય સ્થાન પામે છે.

The Shining team : (L to R) Stephen King, Stanley Kubrick and Jack Nicholson  

સ્ટિફન કિંગ કહે છે, "લોકો મને ઘણી વાર કહેતાં હોય છે કે તમે સિરિયસ નવલકથાઓ લખવાનું ક્યારે શરૂ કરશો? આવું કોઈ પૂછે ત્યારે મને ખૂબ લાગી આવે છે. અરે ભાઈ, હું સિરિયસ નવલકથાકાર જ છું. આ તો એના જેવું થયું કે તમે અશ્વેત માણસને પૂછો કે દોસ્ત, લોકો તને નીગ્રો કહે છે ત્યારે કેવું લાગે છે?!" સ્ટિફન કિંગને સૌથી વધારે કીર્તિ અપાવનાર ફિલ્મ 'ધ શોશંક રિડમ્પશન' જે લઘુનવલ પરથી બની છે તે કંઈ હોરર સ્ટોરી નથી. બલકે એમાં હ્યુમન સ્પિરિટના વિજયની વાત છે. મોર્ગન ફ્રીમેન અને ટિમ રોબિન્સને ચમકાવતી 'ધ શોશંક રિડમ્પશન' ને સાત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. આ એક ક્લાસિક ફિલ્મ છે. હોલિવૂડની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોની સૂચિઓમાં તે હંમેશાં સ્થાન પામે છે.કિંબર્લી પીઅર્સે ડિરેક્ટ કરેલાં 'ધ કેરી'ના લેટેસ્ટ વર્ઝનમાં ચોલી ગ્રેસ મોર્ટેઝ નામની અભિનેત્રીએ ટાઈટલ રોલ કર્યો છે. કેરી સુપર પાવર ધરાવે છે, જેનાથી કોલેજમાં હબકી જવાય એવો આતંક મચાવી મૂકે છે. એની પાગલ માની ભૂમિકા જુલિએન મૂરે ભજવી છે. 'કેરી' પરથી નવેસરથી રિમેક બનાવવાની વાત આવી ત્યારે સ્ટિફન કિંગને નવાઈ લાગી હતી. તેમનું કહેવું હતું કે બ્રાયન દ પાલ્માએ ઓલરેડી વર્ષો પહેલાં આટલી સરસ ફિલ્મ બનાવી નાખી છે તો પછી નવેસરથી ત્રીજી વાર ફિલ્મ બનાવવાની શી જરૂર છે? જોકે, સ્ટિફન કિંગે ખુદ એક વખત કહ્યું હતું કે, "એક વાર હું મારી નવલકથાના રાઈટ્સ માટેનો કોન્ટ્રેક્ટ સાઈન કરી નાખું પછી એના પર ક્રિએટિવ કંટ્રોલ રાખવાના ધખારા નથી રાખતો. મને જે ચેક મળ્યો હોય તે બાઉન્સ ન થાય એટલે ભયો ભયો!"
શો-સ્ટોપર

પુરુષોને મારી સલાહ છે કે પોતાના કરતાં ઉંમરમાં ઘણી નાની અને ઘણી સુંદર સ્ત્રી સાથે જ લગ્ન કરવાં!
- સૈફ અલી ખાન

PS: Even Anurag Kashyap's film No Smoking starring John Abraham is based on Stephen King's short story, Quitters.
                                                                          0 0 0 

Monday, January 13, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૫૬ : ‘બ્રેથલેસ'

Mumbai Samachar - Matinee purti - 10 January 2014

હૉલીવૂડ હન્ડ્રેડ  - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

અંજાના... અંજાની!

જ્યોં-લુક ગોડાર્ડ મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર છે, જેમની સૌથી પહેલી ફિલ્મ ‘બ્રેથલેસ’એ ફિલ્મમેકિંગના પ્રચલિત ખયાલોના ભાંગીને ભુક્કા કરી નાખ્યા હતા. હોલીવૂડમાં સુપરડુપર કમર્શિયલ ફિલ્મો બનાવતા ડિરેક્ટરો સહિત દુનિયાભરના કેટલાંય ધુરંધર ફિલ્મમેકરો ગોડાર્ડ અને એમની ‘બ્રેથલેસ’ ફિલ્મથી ખાસ્સા પ્રભાવિત છે 

ફિલ્મ ૫૬ : ‘બ્રેથલેસ'
આજે વિશ્ર્વસિનેમાના ઈતિહાસમાં જબરદસ્ત પ્રભાવ પેદા કરનારી એક ઓર ફિલ્મ વિશે વાત કરીએ - ‘બ્રેથલેસ’. આ ફ્રેન્ચ ફિલ્મ છે. એ બનાવી છે જ્યોં-લુક ગોડાર્ડે. ઓફબીટ ફિલ્મોના એ બાપ માણસ છે. 

ફિલ્મમાં શું છે?

આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મની સ્ટોરી બહુ સાદી છે. મિશેલ (જ્યોં-પૉલ બેલ્મોન્ડો) નામનો એક ટપોરી જુવાનિયો છે. એેને ગેંગસ્ટર બનવાના અભરખા છે. પોતાની જાતને હીરો સમજે છે. સતત સિગારેટો ફૂંક્યા કરે, અરીસામાં જોઈને મોઢું બનાવ્યા કરે. એક વાર એ કોઈની કાર ચોરીને એ લા...લા...લા.. કરતો મોજથી નીકળી પડે છે. રસ્તામાં સમજ્યા-વિચાર્યા વિના એક પોલીસ પર બંદૂક ચલાવી દે છે. પોલીસ એની પાછળ પડે છે. મિશેલ ભાગીને પેરિસ આવી જાય છે, પોતાની ગર્લફ્રેન્ડ પેટ્રિશિયા (જ્યોં સીબર્ગ) પાસે. ટોમબોય જેવી દેખાતી રુપકડી પેટ્રિશિયા અમેરિકન છે. એ જર્નલિસ્ટ બનીને ‘ન્યુયોર્ક હેરલ્ડ ટ્રિબ્યુન’માં જોડાવાનાં સપનાં જુએ છે. પેટ્રિશિયાના ટચૂકડા ફ્લેટમાં મિશેલ શરણું લે છે, પણ મોંમાંથી ઉચ્ચારતો નથી કે પોતે કેવા પરાક્રમ કરીને આવ્યો છે. 

મિશેલ અને પેટ્રિશિયા એકબીજા સાથે ખાસ્સાં નિખાલસતાથી વર્તે છે. મિશેલ ઈચ્છે છે કે પેટ્રિશિયા એની સાથે ઈટલી આવે. પેલી ના પાડી દે છે. મિશેલના ખિસ્સામાં ફદિયું પણ નથી. એ મિશેલ પાસેથી પૈસા ઉધાર માગે છે, પણ પેલીય કડકી છે. અથવા તો કડકી હોવાનું બહાનું બતાવે છે. બન્નેનું રિલેશનશિપ સ્ટેટસ ખરેખર ગરબડવાળું છે. મિશેલ પેટ્રિશિયાને દિલથી ચાહે છે કે ફક્ત એની સાથે સૂવામાં રસ છે? પેટ્રિશિયા પણ સ્પષ્ટ નથી. મિશેલ સાથે સંબંધ બાંધીને એ પ્રેગનન્ટ થઈ ગઈ છે, પણ હજુય એને ખુદને સમજાતું નથી પોતે આ સંબંધને કઈ દિશામાં આગળ વધારવા માગે છે. પેટ્રિશિયાને આખરે ખબર પડે છે કે એનો બોયફ્રેન્ડ ભાગેડુ છે ને પોલીસ એની પાછળ પડી છે. પછી એ શું કરે છે? મિશેલને બચાવી લે છે, એને ભાગવામાં મદદ કરે છે કે પછી સામે ચાલીને પોલીસને પકડાવી દે છે? પણ જો એ ખરેખર મિશેલને ચાહતી હોય તો પોલીસની મદદ શું કામ કરે? આ કંઈ સસ્પેન્સ ફિલ્મ નથી, છતાય ફિલ્મનો અંત તમને નહીં કહીએ. ઍન્ડ તમારે જાતે જોઈ લેવાનો. એ તમારું હોમવર્ક. 

કથા પહેલાંની અને પછીની

‘બ્રેથલેસ’ (આ અંગ્રેજી ટાઈટલ છે, મૂળ ફ્રેન્ચ શીર્ષક કંઈક જૂદું છે) જ્યોં-લુક ગોડાર્ડની સૌથી પહેલી ફિલ્મ. એ વખતે એમની ઉંમર ફક્ત ૨૮ વર્ષ હતી. ‘બ્રેથલેસ’ બનાવતી વખતે ગોડાર્ડને ખુદનેય કલ્પના નહીં હોય કે આ ફિલ્મ વિશ્ર્વસિનેમામાં જબરદસ્ત ક્રાંતિ લાવી દેશે, ફિલ્મમેકર્સની કેટલીય પેઢીઓ એનામાંથી પ્રેરણા મેળવશે અને પોતે ‘ફ્રેન્ચ ન્યુ વેવ સિનમા’ના ભીષ્મ પિતામહ ગણાશે. તમે આજની તારીખે ‘બ્રેથલેસ’ જોશો તો સાવ સાધારણ ફિલ્મ લાગશે. તમને થશે કે આ ટાઈપની ઢગલાબંધ ફિલ્મો બની છે, આમાં નવું શું છે? નવું એ છે કે આ ‘ઢગલા’ની શરુઆત ગોડાર્ડે કરી હતી. આવી થીમ, આવાં પાત્રો, આવી ટેક્નિક અને આવી ટ્રીટમેન્ટ ‘બ્રેથલેસ’ પહેલાં ક્યારેય જોવા નહોતાં મળ્યાં. આજથી ચોપન વર્ષ પહેલાં બનેલી ‘બ્રેથલેસ’માં ગોડાર્ડે ફિલ્મમેકિંગનાં પ્રચલિત સ્વરુપો અને નીતિ-નિયમોના ભુક્કા બોલાવી દીધા હતા. ‘બ્રેથલેસ’ જોઈને લોકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા કે અચ્છા, આ ટાઈપની ફિલ્મ પણ હોઈ શકે! ઓડિયન્સે પહેલી વાર ‘જમ્પ કટ’ જોયા. જમ્પ કટ એેડિટિંગની એક પેટર્ન છે. આમાં એક જ વસ્તુ કે વ્યક્તિનો સીન ચાલતો હોય ત્યારે પ્રત્યેક શોટ પછી કેમેરાનો એન્ગલ સહેજ બદલી નાખવામાં આવે. તેથી જાણે વાત કે ક્રિયા જાણે કૂદકા મારતી મારતી ઝપાટાભેર આગળ વધી રહી હોય તેવી ઈફેક્ટ આવે. ‘બ્રેથલેસ’માં ગોડાર્ડે જમ્પ કટ્સની ભરમાર કરી છે.હવે આના વિશે એક રમૂજ થાય એવી થિયરી પ્રચલિત છે. જ્યોં-પિઅર મેલવિલ (આ ફ્રેન્ચ માણસોના નામ ‘જ્યોં’થી જ કેમ શરુ થતા હશે ભલા?) નામના એક ફ્રેન્ચ ફિલ્મમેકરે આ વાત કહી છે. સાચુંખોટું રામ જાણે, પણ મેલવિલનું કહેવું છે કે પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન ગોડાર્ડે ફિલ્મનો પહેલો કટ બતાવીને એમની સલાહ માગી હતી. મેલવિલે કહ્યું કે ફિલ્મ બહુ લાંબી થઈ ગઈ છે. એક કામ કર, જે સીનને લીધે ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે એવું તને લાગતું હોય એ બધાં જ સીન ઉડાવી દે. ગોડાર્ડે એવું ન કર્યું. એમણે આખો સીન કાપી નાખવાને બદલે એના શોટ્સ પર જરા જરા કાતર ચલાવી. આને કારણે શોટ્સ એકધારા રહેવાને બદલે ઝટકા મારી રહ્યા હોય એવી અસર ઊભી થઈ. પડદા પર આ બધું સરસ અને નવું દેખાતું હતું. એડિટિંગની આ પેટર્નને જમ્પ કટ એવું નામ આપવામાં આવ્યું. આમ, જમ્પ કપની ‘શોધ’ આકસ્મિક રીતે થઈ છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી તે આનું નામ!

‘બ્રેથલેસ’નું બજેટ સાવ પાંખું હતું. ગોડાર્ડ પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ પણ નહોતી. એ સતત અખતરા કર્યા કરે. હીરો જ્યાં-પૉલ બોલ્મેન્ડોની પણ આ પહેલી જ ફિલ્મ હતી. એને અને હિરોઈન જ્યોં સીબર્ગને ખબર જ ન હોય કે આજે ક્યો સીન શૂટ કરવાનો છે, એની આગળપાછળનો સંદર્ભ શો છે અને ફિલ્મની વાર્તામાં એ ક્યાં ફિટ થવાનો છે. ગોડાર્ડ સવારે સીન લખે અને સેટ પર લેતા આવે. એક્ટર્સને સમજવાનો કે રિહર્સલનનો સમય જ ન આપે. વળી, ગોડાર્ડ એમની પાસે ખૂબ ઈમ્પ્રોવાઈઝેશન પણ ખૂબ કરાવે. અમુક દશ્યોમાં બન્નેનાં પર્ફોેર્મન્સ ઊભડક લાગે છે, બન્ને જાણે ખૂબ ચીડાયેલાં હોય એમ વર્તે છે. આ ચીડ કંઈ એમના અભિનયનો ભાગ નહોતો, તેઓ વાસ્તવમાં ગોડાર્ડ પર ચીડાયેલા હતા! ગોડાર્ડને આ જ જોઈતું હતું. એમનાં પાત્રાલેખન સાથે આ પ્રકારના હાવભાવ એકદમ બંધબેસતા હતા. ફિલ્મની નાયક અને નાયિકા નથી સાવ સારાં માણસો કે નથી સાવ ખરાબ માણસો. એમનું વર્તન સગવડિયું છે, નૈતિક મૂલ્યો અસ્પષ્ટ છે. હીરો-હિરોઈને આખરે આખી ફિલ્મ જોઈ ત્યારે રિઝલ્ટ જોઈને નવાઈ પામી ગયાં હતાં. એમણે ધાર્યું નહોતું કે તેમનાં પર્ફોેર્મન્સ પડદા પર આટલાં અસરકારક લાગશે. હીરો જ્યો-પૉલ બેલ્મોન્ડો આ ફિલ્મ પછી તો ફ્ર્રેન્ચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ બિઝી બની ગયો. એ હેન્ડસમ કોઈ એંગલથી લાગતો નથી. સાવ સાધારણ દેખાવ ધરાવતો માણસ પણ ફિલ્મનો ‘લીડીંગ મેન’ બની શકે છે એવી હવા ‘બ્રેથલેસ’ પછી બની, જે સંભવત: પાછળનાં વર્ષોેમાં અલ પચીનો અને જેક નિકલસન જેવા ઓર્ડિનરી લૂક્સ ધરાવતા અદાકારોને ખૂબ કામ આવી.

૧૯૬૭-૭૪નાં વર્ષો હોલિવૂડનો ગોલ્ડન પિરીયડ ગણાય છે. આ વર્ષોેમાં બનેલી કેટલીય ફિલ્મો પર ‘બ્રેથલેસ’ની સ્પષ્ટ અસર છે. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા અને માર્ટિન સ્કોર્સેઝી જેવા હોલિવૂડના મહાન ફિલ્મમેર્ક્સ સહિતની ૧૯૬૦-૭૦ની આખી પેઢી ગોડાર્ડથી પ્રભાવિત છે. વિખ્યાત ફિલ્મ ક્રિટિક રોજર ઈબર્ટ તો ત્યાં સુધી કહે છે કે અલ પચીનો, વોરન બેટ્ટી, જેક નિકલસન, શૉન પેન જેવા હોલીવૂડના ધુરંધર એક્ટરોએ પોતપોતાની કરીઅરમાં જે નેગેટિવ પાત્રો ભજવ્યાં એના મૂળિયાં ‘બ્રેથલેસ’ના મિશેલના પાત્રાલેખનમાં દટાયેલાં છે. 

‘બ્રેથલેસ’ રિલીઝ થઈ તે વાતને પાંચ-પાંચ દાયકા વીતી ગયા છે, છતાં હજુય એના વિશે સતત લખાતું રહે છે, એનાં વિશ્ર્લેષણો થતાં રહે છે. જોકે પાછળનાં વર્ષોેમાં ગોડાર્ડ ખુદ એવું કહેતા હતા કે ‘બ્રેથલેસ’ને વધારે પડતું મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે. ‘બ્રેથલેસ’ પછી પાંચ દાયકામાં ગોડાર્ડે પુષ્કળ ફિલ્મો બનાવી. એકટર બેલ્મોન્ડો અને ગોડાર્ડ બન્ને ફ્રેન્ચ સિનેમાના મહારથીઓ કહેવાયા. હિરોઈન સીબર્ગના નસીબમાં જોકે ઝાઝો યશ લખાયો નહોતો. એની કુંડળીમાં ઝાઝું આયુષ્ય પણ ક્યાં લખાયું હતું? બાપડીએ ૪૧ વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું. ‘બ્રેથલેસ’ના મૂળ વાર્તા અથવા તો ‘ઓરિજિનલ ટ્રીટમેન્ટ’ માટે ફ્રાન્ઝવાં ત્રુફો નામના ઓર એક મહાન ફિલ્મમેકરનું નામ બોલે છે. ગોડાર્ડ ઉપરાંત ત્રુફો પણ ફ્રેન્ચ ન્યુ વેવ સિનેમાના મહારથી ગણાય છે.

વિશ્ર્વસિનેમાના અભ્યાસુઓ માટે ‘બ્રેથલેસ’ જોવી ફરજિયાત છે. સાચા સંદર્ભો સાથે, સિનેમાના ઈતિહાસમાં એનું શું સ્થાન છે તે ધ્યાનમાં રાખીને ફિલ્મ જોજો. મજા આવશે.

‘બ્રેથલેસ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર-રાઈટર : જ્યોં-લુક ગોડાર્ડ 


કલાકાર : જ્યોં-પૉલ બેલ્મોન્ડો, જ્યોં સીબર્ગ

ભાષા : ફ્રેન્ચ 

રિલીઝ ડેટ : ૧૭ માર્ચ ૧૯૭૦ 

મહત્ત્વના અવોર્ડઝ : બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ, બેસ્ટ ફોરેન એક્ટ્રેસનું બાફ્ટા નોમિનેશન


0 0 0

Tuesday, January 7, 2014

ટેક ઓફ : સાફ અને મેલું : આત્માની તિરાડોમાંથી અંધારું હજુ ગયું નથી...


Sandesh-Ardh Saptahik Purti-8 Jan 2014
ટેક ઓફ 
પરીક્ષિતલાલ મજમુદારને ગુજરાત ભૂલી ગયું છે. ગાંધીજી અને તેમની આસપાસના તારામંડળનો સામૂહિક પ્રકાશ એટલો પ્રચંડ છે કે બીજાં કેટલાંય નામો માતબર હોવા છતાંય ખાસ ઝળકી શક્યાં નહીં. પરીક્ષિતલાલ મજમુદાર આ શ્રેણીમાં સ્થાન પામતા મહાનુભાવ છે


રીક્ષિતલાલ મજમુદાર. આ નામ સાંભળીને ચિત્તમાં ત્વરિત કોઈ ચિત્ર ન ઉપસે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. અમદાવાદમાં એક પરીક્ષિતલાલનગર છે. શહેરના એક પુલને પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજ એવું નામ આપી દેવામાં આવ્યું છે. બસ. એ સિવાય ગુજરાત આ નિષ્ઠાવાન ગાંધીવાદીને વિસરી ગયું છે. ગાંધીજી એક વિરાટ વિભૂતિ હતા અને તેમના તારામંડળની બીજી હરોળમાં સ્થાન પામતા નહેરુ - સરદાર આદિ પણ દિગ્ગજ વ્યક્તિત્વો હતાં. આ સૌનો સામૂહિક પ્રકાશ એટલો પ્રચંડ છે કે બીજાં કેટલાંય નામો માતબર હોવા છતાંય ખાસ ઝળકી શક્યાં નહીં. પરીક્ષિતલાલ મજમુદાર આ શ્રેણીમાં સ્થાન પામતા મહાનુભાવ છે. ગુજરાતમાં અશ્પૃશ્યતા નિવારણ માટેલોકોનાં મળમૂત્ર સાફ કરીને માથે મેલું ઉપાડતા લોકોના ઉત્થાન માટે એમણે અદ્ભુત કાર્ય કર્યું છે. આજે એમને મોકળાશપૂર્વક યાદ કરીએ. આજે ૮ જાન્યુઆરીએ તેમની જન્મજયંતી પણ છે.
બરાબર ૧૧૩ વર્ષ પહેલાં એટલે કે ૧૯૦૧માં તેમનો જન્મ પાલિતાણાના એક નાગર પરિવારમાં થયો હતો. હરિજનો પ્રત્યે એમને બાળપણથી જ સહાનુભૂતિ હતી. બાપડા અભણ હરિજનોને લખતાંવાંચતાં આવડે નહીં એટલે એ ખુદ પોસ્ટઓફિસ જઈને પોસ્ટકાર્ડ લઈ આવેએમને કાગળ લખી આપે. ઊંચી ટકાવારી સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરી એટલે કારકૂન પિતાજીએ એમને આગળ ભણવા મુંબઈ મોકલ્યા. પરીક્ષિતલાલની ઇચ્છા ડોક્ટર બનવાની હતી. મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ છાત્રાલયનું એ વર્ષોમાં મોટું નામ. માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને જ અહીં પ્રવેશ મળે. વિદ્યાર્થીઓના રહેવા-જમવા ઉપરાંત ભણવાની ફી અને પુસ્તકોનો ખર્ચ પણ છાત્રાલય ઉઠાવે. પરીક્ષિતલાલને અહીં આસાનીથી પ્રવેશ મળી ગયો. ગિરગાંવ ચોપાટી સામે ઊભેલી વિલ્સન કોલેજમાં એ ભણતા.
જોકે પરીક્ષિતલાલની કુંડળીમાં મુંબઈનું ભણતર ઝાઝું લખાયું નહોતું. ૧૯૨૦ના દાયકાના પ્રારંભમાં ગાંધીજીની અસહકારની લડત શરૂ થઈ. દેશભરમાં અસહકારનો માહોલ બનવા લાગ્યો. અંગ્રેજી શિક્ષણઅંગ્રેજી માલસામાન, અંગ્રેજ સરકારે આપેલા ખિતાબો વગેરેનો બહિષ્કાર થવા લાગ્યો. દેશની સાંપ્રત પરિસ્થિતિથી સતત વાકેફ રહેતા પરીક્ષિતલાલ જલિયાંવાલા બાગના હત્યાકાંડથી હચમચી ઊઠયા હતા. ગાંધીજીની અપીલ તેમને સ્પર્શી ગઈ. કોલેજનો અભ્યાસ છોડીને તેઓ ચૂપચાપ અમદાવાદ આવી ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માંડયા. મુંબઈના છાત્રાલયમાં તો લોજિંગ-ર્બોડિંગ ફ્રી હતું, પણ અમદાવાદમાં શું કરવું? પિતાને જાણ કર્યા વગર મુંબઈનો અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો એટલે એમની પાસેથી પૈસાય કેવી રીતે માગવાકંગાલિયતનો સામનો કરવા પરીક્ષિતલાલે દિવસમાં એક જ વાર ભોજન લેવાનું રાખ્યું. વિદ્યાપીઠના આચાર્ય આસુદમલ ગિડવાણીએ મદદ કરવાના આશયથી એમને રાત્રિશાળાના શિક્ષક બનાવી દીધા. સાથે સાથે 'નવજીવન' સામયિકનું પ્રૂફ રીડિંગ કરવાનું કામ પણ સોંપ્યું. બદલામાં જે થોડુંઘણું વેતન મળતું એનાથી પરીક્ષિતલાલનું ગાડું ગબડી જતું.
રાત્રિશાળાઓ વાડજ અને કોચરબના હરિજનવાસમાં શરૂ કરવામાં આવી હતી. આ રીતે હરિજનોના દમિત જીવનને બિલકુલ નિકટથી જોવાના યોગ ઊભા થયા. મૂંગા ઢોર જેવું જીવન જીવી રહેલા હરિજનોની બૂરી હાલત જોઈને પરીક્ષિતલાલને ખૂબ પીડા થતી. તેઓ રાત્રે હરિજનવાસમાં ભણાવેદિવસે પોતે ભણે અને વચ્ચે વચ્ચે 'નવજીવન'નાં પ્રૂફ તપાસતા જાય. આ રીતે સખત મહેનત કરીને અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ તો થઈ ગયા. નોકરી કરવાનો કોઈ સવાલ નહોતો. દરમિયાન નાગપુર ઝંડા સત્યાગ્રહમાં જોડાઈને ધરપકડ વહોરીને જેલમાં ગયા. એક વર્ષના કપરા જેલવાસ પછી પરીક્ષિતલાલ ગાંધીજીને મળ્યા. પોતાનું આખું જીવન સમાજસેવામાં વ્યતીત કરવા માગે છે એવી મંશા વ્યક્ત કરી. ગાંધીજીએ પૂછ્યું: "બોલો, કયું કામ કરશો?" પરીક્ષિતલાલ કહેઃ "તમે જે કહો એ." ગાંધીજીએ કહ્યું: "સારું ત્યારે. તમે હરિજનોની સેવાનું કામ કરો પણ કામ શરૂ કરતાં પહેલાં તમારે તાલીમ લેવી પડશેગોધરામાં મામાસાહેબ ફડકે આ કામ કરે છે. એમને જઈને મળો."
મામાસાહેબ ફડકેથી પરીક્ષિતલાલ ખૂબ પ્રેરાયા. એક સમયે ડોક્ટર બનવા માગતો અને એ કક્ષાની કાબેલિયત ધરાવતો આ માણસ હરિજનવાસમાં જઈને સાફસફાઈ કરવા માંડયો. તેઓ હરિજનોનાં બાળકોને નવડાવતાંરમાડતાં, ભણાવતાં. ૧૯૨૬થી ૧૯૩૦ દરમિયાન તેઓ નવસારી રહ્યા. અહીં હરિજન આશ્રમ બાંધ્યો. એક નાગર બ્રાહ્મણનો દીકરો આ રીતે હરિજનવાસમાં ખાય-પીએ-રહે એ ઉજળિયાત લોકોથી જોવાયું નહીં. તેમણે પરીક્ષિતલાલ સાથે આભડછેટ રાખવા માંડી. એક ધોમધખતી બપોરે સાર્વજનિક પરબ પર પાણી પીવા ગયા તો કોઈ સવર્ણ યુવાને તેમને ખૂબ માર માર્યો. પરીક્ષિતલાલે એની સામે એક હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો.
પરીક્ષિતલાલ સામે ક્યારેક ખુદ હરિજનો પણ મુશ્કેલી ખડી કરી દેતા હતા. એક વાર પરીક્ષિતલાલે ગાંધીજીને કાગળ લખીને પુછાવવું પડયું કે બાપુઆશ્રમમાં રહેતા અમુક હરિજનબંધુઓ ગેરવર્તાવ કરતા હોય તો મારે શું કરવું? બાપુએ ૨૦ સપ્ટેમ્બર,૧૯૩૪ના રોજ સામો પત્ર લખીને જણાવ્યું કે આ મામલામાં સૌને એક લાકડીએ હાંકી શકાય એવું નથી. તમે જાતે જ તમારા અનુભવના આધારે બિલકુલ ખચકાટ કે ભય વગર નક્કી કરો કે તમે કયાં પગલાં લેવાં માગો છો. ગાંધીજીએ સ્પષ્ટપણે લખ્યું કે આશ્રમનો માહોલ ખરાબ કરનારને બિલકુલ બક્ષવા નહીં. જો હરિજનબંધુઓની નૈતિકતા કથળશે તો હરિજનસેવાનો આપણો આખો ઉદ્દેશ જ માર્યો જશે.
મીઠાના સત્યાગ્રહ વખતે સરકારે પરીક્ષિતલાલની ધરપકડ કરી નવ માસની જેલની સજા કરી. એ દિવસોમાં ખાસ કરીને કચ્છમાં ખૂબ આભડછેટ હતી. જેલવાસ બાદ પરીક્ષિતલાલ લોકસેવક ઠક્કરબાપાનો પડછાયો બનીને ખૂબ ફર્યા. રાપરઅંજાર, લીલાપુર વગેરે સ્થળે હરિજનો માટે છાત્રાલયો શરૂ કરાવ્યાં. હરિજનોના ઉદ્ધારની વિવિધ પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી રહી. પરીક્ષિતલાલ આજીવન અપરિણીત રહ્યા. આશ્રમમાં સૌ એમને મોટાભાઈ કહીને બોલાવતા. હરિજનસેવાનું વ્રત લીધું હોવાથી આ સિવાયનાં બીજાં કોઈ કામ તરફ એમણે નજર દોડાવી નહીં. હરિજન સેવક સંઘની વાર્ષિક બેઠકમાં દિલ્હી જવાનું થાય ત્યારે અમદાવાદથી ટ્રેન પકડેદિલ્હી ઊતરીને સીધા હરિજન કોલોનીમાં જાય ને જેવું કામ પૂરું થાય એટલે ત્રીજા વર્ગના ડબામાં અમદાવાદ પાછા.

આઝાદી પછી પરીક્ષિતલાલને પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નાનીમોટી સમિતિઓમાં તેમની નિમણૂક થયા કરતી. ૧૯૬૫માં એમનું નિધન થયું. જીવનમાં એક પણ દિવસ રજા ન લેનાર આ માણસે મરવા માટે પણ રવિવારનો દિવસ પસંદ કર્યો.
પરીક્ષિતલાલ મજમુદારનો ગુજરાતે તો ઠીક, કદાચ હરિજનોએ પણ પૂરતો ઋણસ્વીકાર કર્યો નથી. અશ્પૃશ્યતાની બદી અને માથે મેલું ઉપાડવાની પ્રથા ભારતમાંથી આજેય સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી તે એક કદરૂપું સત્ય છે. ભારતના અંતરિયાળ વિસ્તારોમાં હરિજનોની દુર્દશાની કથાઓ આજેય ધ્રુજાવી મૂકે છે. આપણા સમાજના આત્માની કેટલીક તિરાડોમાં આજેય અંધારું ફેલાયેલું છે. 
0 0 0 

Monday, January 6, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : 55 : ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’


Mumbai Samachar - Matinee Purti - 3 Jan 2014


હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મ-55 : ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’

રોમાન્સ, સાઈકોલોજિકલ થ્રિલર અને સાયન્સ ફિકશનનું કમાલનું કોમ્બિનેશન થયું છે ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’માં. બંદરછાપ કોમેડી માટે જાણીતા જિમ કેરી અને ‘ટાઈટેનિક’ની જાડુડીપાડુડી કેટ વિન્સલેટ આ ફિલ્મમાં અલગ જ અંદાજમાં પેશ થયાં છે . 
કેટ વિન્સલેટ પહેલી વાર જિમ કેરીને પોતાના ઘરે ડ્રિન્ક માટે લઈ જાય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ઝીણા અવાજે એક ગીત વાગતું હોય છે. કયું ગીત? ‘નાગીન’ ફિલ્મનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે ગાયેલું ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’!
                                                              

તુમ મુઝે યું ભૂલા ના પાઓગે...ણા લોકોને લવસ્ટોરી જોવાનો કંટાળો આવતો હોય છે. તેમનું કહેવું હોય છે કે લવસ્ટોરીમાં બધું એકનું એક હોય છે. રાઈટર-ડિરેક્ટર ધારે તોય એમાં શું નવું દેખાડી શકે? આવી દલીલ કરનારાઓને વિના વિલંબે ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’ દેખાડી દેવી. 

ફિલ્મમાં શું છે?

જોએલ (જિમ કેરી) નામનો એક એકાકી માણસ છે. ન્યુયોર્કમાં બિલકુલ રુટિન અને રસકસ વિનાની જિંદગી જીવે છે. જાણે જીવતી લાશ જોઈ લો. સવારે ઉઠવાનું, લોકલ ટ્રેનમાં બેસીને ઓફિસે જવાનું ને સાંજે ખાલી ઘરમાં પાછા ફરવાનું. તે દિવસે વેલેન્ટાઈન ડે હતો. રોજની જેમ જોેએલ સવારે રેલવે સ્ટેશને પહોંચ્યો તો ખરો, પણ કોણ જાણે એને શું ધૂનકી ચડી કે ઓફિસ જવાને બદલે મોન્ટોક નામની જગ્યાએ જતી ટ્રેનમાં બેસી ગયો. મોન્ટોકમાં રુપાળો દરિયાકાંઠો છે. બીચ પર એને કોઈ અજાણી યુવતી દેખાઈ. નામ છે એનું ક્લેમેન્ટાઈન (કેટ વિન્સલેટ). વળતી વખતે યોગાનુયોગે ટ્રેનમાં બન્ને પાછાં ભેગાં થઈ ગયાં. યુવતી દેેખાવડી છે. જોએલ જેટલો શાંત અને ઠંડો છે એટલી જ આ યુવતી વાતોડિયણ, બિન્દાસ અને અતંરગી છે. પોતાના વાળને એણે લાલ રંગથી રંગ્યા છે. એને થોડા થોડા દિવસે વાળને અલગ અલગ રંગથી રંગવાનો શોખ છે. બન્નેની પર્સનાલિટીમાં આભ-જમીનનો ફર્ક છે તો પણ - કદાચ એટલે જ - તેઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. 

એક સચ્ચાઈ એવી છે જેની બન્નેમાંથી કોઈને ખબર નથી. હકીકત એ છે કે બન્ને જૂના પ્રેમીઓ છે. તેમની લિવ-ઈન રિલેશનશિપ બે વર્ષ ચાલી હતી! આટલા ગાઢ સંબંધથી જોડાઈ ચુકેલી વ્યક્તિઓ એકમેકને સદંતર ભુલી જાય તેવું કેવી રીતે બન્યું? ડો. હાર્વર્ડ નામના એક સાઈકિએટ્રિસ્ટના પ્રતાપે. ડોક્ટરે એક અજબગજબની ટેક્નિક વિકસાવી છે. ટેક્નિક એવી છે કે તમે ઊલટી તપેલી જેવું એક ઉપકરણ માથા પર ધારણ કરીને થોડી કલાકો બેશુદ્ધ અવસ્થામાં રહો તો તમારા દિમાગમાંથી ધારો તે વ્યક્તિની સારીમાઠી તમામ સ્મૃતિઓ ભૂંસી શકો! જાણે કે તમે એ માણસને ક્યારેય મળ્યા જ નથી. બન્યું હતું કે એવું કે એક વાર જોએલ અને ક્લેમેન્ટાઈન વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. ગુસ્સામાં આવીને ક્લેમેન્ટાઈન જોએલ સાથે છેડો ફાડી નાખ્યો. એટલું જ નહીં, ડો. હાર્વર્ડ પાસે જાઈને પોતાના દિમાગમાંથી જોએલને લગતી તમામ મેમરી ઈરેઝ કરાવતી આવી. 
                                                                       થોડા સમય પછી જોએલને આ હકીકતથી જાણ થઈ ત્યારે એને જબરો આઘાત લાગ્યો. ક્રોધે ભરાઈને એ પણ ડો. હાર્વર્ડ પાસે પહોંચી ગયો અને ક્લેમેન્ટાઈનને લગતી તમામ યાદો ભૂંસાવતો આવ્યો. લગભગ આખેઆખી ફિલ્મ જોએલના દિમાગમાં આકાર લે છે. તે પણ રિવર્સ ગિઅરમાં. મેમરી ભૂંસાઈ રહી હતી એ દરમિયાન જોએલને એકાએક ભાન થાય છે કે ના યાર, મારે ક્લેમેન્ટાઈને સંપૂર્ણપણે ભુલી જવી નથી. આઈ સ્ટિલ લવ હર! અમારા સંબંધમાં કેટલીય મીઠી ક્ષણો હતી જે મારે સાચવી રાખવી છે. તકલીફ એ છે કે એક વાર ભૂંસાવાની ક્રિયા ચાલુ થઈ જાય પછી અટકાવી ન શકાય. હવે શું કરવું? ક્લેમેન્ટાઈન જ એને સજેસ્ટ કરે છે કે તું મને એવી જગ્યાએ લઈ જા જે મારી સ્મૃતિનો હિસ્સો ન હોય. તેથી જોએલ એને પોતાના બાળપણમાં ખેંચી જાય છે. ક્લેમેન્ટાઈનની છેલ્લી સ્મૃતિમાં એ એવું કહ્યું હતું કે મને મોન્ટોકના દરિયાકાંઠે મળજે. વેલેન્ટાઈન ડેના દિવસે જોએલને એકાએક મોન્ટોક જવાનું મન થઈ ગયું હતું તેનું કારણ આ જ હતું.

ફિલ્મમાં આ બે સિવાય પણ કેટલાંક પાત્રો છે. મેરી (ક્રિસ્ટન ડન્સ્ટ) બૈરી-છોકરાવાળા ડો. હાર્વર્ડની સેક્રેટરી છે. એક તબક્કે બન્ને વચ્ચે અફેર શરુ થઈ ગયું હતું. પછી ડો. હાર્વર્ડે જ એની મેમરીમાંથી ખુદને ભૂંસી નાખ્યો હતો. મેરીને આ વાતની જાણ થાય છે ત્યારે એ ઓફિસમાં જઈને સૌ પેશન્ટ્સની ઓડિયો કેસેટ બહાર કાઢે છે. એમાં સૌએ ખુદના અવાજમાં પોતાની કેફિયત રેકોર્ડ કરી છે. મેરી આ તમામ સંવેદનશીલ ઓડિયો કેસેટ્સને જે-તે પેશન્ટને ટપાલમાં મોકલી આપે છે. પરિણામે જોએલ અને ક્લેમેન્ટાઈન બન્નેને એમના ભૂતકાળની રિલેશનશીપની જાણ થાય છે. તેમને એમ પણ સમજાય છે કે ભલે ગમે તેટલા મતભેદ હોય, પણ આપણને પરસ્પર પ્રેમ છે જ. એ સિવાય એકમેક માટે ફરીથી આકર્ષણ કેવી રીતે જાગે? તેઓ પુન: પોતાના પ્રેમસંબંધને એક તક આપવાનું નક્કી કરે છે અને હોપફુલી, ખાઈ-પીને રાજ કરે છે. 

કથા પહેલાંની અને પછીની

કેટલી અનોખી વાર્તા! રોમાન્સ, સાઈકોલોજિકલ થ્રિલર અને સાયન્સ ફિકશનનું કમાલનું કોમ્બિનેશન થયું છે આ ફિલ્મમાં. ડિરેક્ટર માઈકલ ગોન્ડ્રાયને પીઅર બિસ્મથ નામનો એક દોસ્ત છે. પીઅરે એક વાર એમ જ એને કહ્યું કે તને એક કાર્ડ મળશે જેમાં લખ્યું હશે કે તમારી એક પરિચિત વ્યક્તિએ એના દિમાગમાંથી તમને હંમેશ માટે ભૂંસી નાખ્યો છે. બસ, સહજપણે કહેવાયેલી આટલી અમથી વાત. એમાંથી ફ્રેન્ચ ડિરેક્ટરસાહેબને અફલાતૂન ફિલ્મનો આઈડિયા મળી ગયો. ઈન ફેક્ટ, ફિલ્મમાં સ્ટોરી માટે પીઅર બિસ્મુથને રીતસર ક્રેડિટ આપવામાં આવી છે. બેસ્ટ રાઈટિંગ - ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર અવોર્ડ લેખક ચાર્લી કોફમેન અને માઈકલ ગોન્ડ્રાયની સાથે પીઅર બિસ્મુથે પણ share કર્યો છે. 
                                                                              જિમ કેરીની પોપ્યુલર ઈમેજ ચિત્રવિચિત્ર મોઢું બનાવતા, શરીર જાણે રબરનું બન્યું હોય તે રીતે ઊછળતા રહેતા સપર્બ કોમેડિયન તરીકેની છે, પણ આ ફિલ્મમાં એનું પર્ફોેર્મન્સ જુઓ. ઈન ફેક્ટ, જિમ કેરીની સર્વશ્રેષ્ઠ ગણાતી બે ફિલ્મોમાંથી એકેયમાં એણે કોમેડી નથી કરી. એક તો, ‘ધ ટ્રુમેન શો’ અને બીજી આ, ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ.’ આ ફિલ્મમાં કામ કરવામાં સામેથી રસ ન દેખાડ્યો હોત તો કદાચ નિકોલસ કેજને હીરો તરીકે લઈ લેવામાં આવ્યો હોત. કેટ વિન્સલેટ આપણાં મનમાં ‘ટાઈટેનિક’ની રોઝ તરીકે જડાઈ ગઈ છે, પણ આ ફિલ્મમાં એ તદ્દન જુદી જ અંદાજમાં પેશ થઈ છે. ‘ઈટર્નલ સનશાઈન...’ માટે એ બેસ્ટ એક્ટ્રેસ તરીકે નોમિનેટ સુધ્ધાં થઈ. આ ફિલ્મના અભિનયને એ પોતાનું મોસ્ટ ફેવરિટ પર્ફોેર્મન્સ ગણે છે. 

ફિલ્મની વાર્તા મસ્તમજાની છે, પણ એનો પ્રવાહ એવો આડોટેઢો, નોન-લિનીઅર ફોર્મમાં વહે છે કે દર્શક ગોથાં ખાઈ જાય. સમજવામાં સરળતા પડે તે માટે કહી શકાય કે અહીં ત્રણ ટાઈમલાઈનની ખીચડી કરવામાં આવી છે: રિઅલ ટાઈમ, ડ્રીમ લાઈન અને સુપર-ઈમ્પોઝ્ડ ટાઈમ. ફિલ્મનો ‘રિઅલ’ સમયગાળો ત્રણ જ દિવસનો છે- વેલેન્ટાઈન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરીની સવાર અને રાત, ૧૫ ફેબ્રુઆરીનો દિવસ અને રાત તેમજ ૧૬ ફેબ્રુઆરીની સવાર, બસ. સોળમીની સવારે ફિલ્મનો ધી એન્ડ એવી જાય છે. ડ્રીમ લાઈન એટલે જિમ કેરી ગોળી ગળીને તંદ્રામાં સરી જાય છે અને ક્લેમેન્ટાઈન સાથેના પોતાના રોમાન્સને રિવર્સમાં મમળાવે છે, તે. સુપર-ઈમ્પોઝ્ડ ટાઈમ એટલે પહેલાં જોએલ અને પછી જોએલ-ક્લેમેન્ટાઈન બન્ને સપનામાં ચાલતી ઘટનાઓને બહારથી સાક્ષીભાવે નિહાળે છે, તે.
                                                                                 ફિલ્મમાં કેટ વિન્સલેટના વાળ કેટલીય વાર રંગ બદલે છે - બ્લુ, ઓરેન્જ, લાલ, ગ્રીન અને બ્રાઉન. એક્ચ્યુઅલી, વાળના રંગ દર્શકને એ સમજવામાં મદદરુપ થાય છે કે ક્યો સીન કઈ ટાઈમલાઈનનો છે અને તે વખતે જિમ કેરી સાથેની એની રિલેશનશિપનું સ્ટેટસ શું છે.

ફિલ્મમાં મૂળ તો મનની લીલા અને દિમાગની ભુલભુલામણીની વાત છે તેથી વાર્તાની ગૂંથણી પણ ડિરેક્ટરે ભુલભુલામણી જેવી કરી છે. ફિલ્મનો સૂર એ છે કે આખરે તો માણસ માત્રને પ્રેમની, સાચા કંપેનિયનની તલાશ હોય છે અને સાચો પ્રેમ વિજ્ઞાનના પ્રયોગો તેમજ વિશ્ર્લેષણોથી પર હોય છે. 

‘ઈટર્નલ સનશાઈન...’ તેનાં નાવીન્ય બદલ ખૂબ વખણાઈ. બોક્સઓફિસ પર પણ તે હિટ પૂરવાર થઈ હતી. અમુક ફિલ્મોને બીજી વખત જોવામાં વધારે મજા પડતી હોય છે. ‘ઈટર્નલ સનશાઈન...’ આ પ્રકારની ફિલ્મ છે. લવસ્ટોરી આવી રીતે પણ રજૂ થઈ શકે છે તે જોવા માટે પણ ફિલ્મ જોવા જેવી છે. હા, ફિલ્મ જોવા બેસો ત્યારે એક ચોક્કસ સીન વખતે તમારા કાન સરવા રાખજો. કેટ વિન્સલેટ પહેલી વાર જિમ કેરીને પોતાના ઘરે ડ્રિન્ક માટે લઈ જાય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ઝીણા અવાજે એક ગીત વાગતું હોય છે. કયું ગીત? ‘નાગીન’ ફિલ્મનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે ગાયેલું ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’!
‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’ ફેક્ટ ફાઈલ


સ્ટોરી - ડિરેક્શન : માઈકલ ગોન્ડ્રાય 


સ્ક્રીનપ્લે : ચાર્લી કોફમેન 

કલાકાર : જિમ કેરી, કેટ વિન્સલેટ, ક્રિસ્ટન ડન્સ્ટ, ટોમ વિલિક્ન્સન 

રિલીઝ ડેટ : ૧૯ માર્ચ, ૨૦૦૪

મહત્ત્વના અવોર્ડઝ : બેસ્ટ રાઈટિંગ-ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર અવોર્ડ અને બેસ્ટ એક્ટ્રેસ માટે કેટ વિન્સલેટને ઓસ્કર નોમિનેશન


                                                   0 0 0 

Saturday, January 4, 2014

મલ્ટિપ્લેક્સ : મૈં કસમ ખાતા હૂં કિ...

Sandesh - Sanskaar Purti - 5 Jan 2014

મલ્ટિપ્લેક્સ 

૨૦૧૪માં અમિતાભને માધુરી દીક્ષિત સાથે કામ કરવું છેસલમાન ખાનને વર્જિનિટી પિલ્સ વેચવી છેહ્યતિક રોશનને પોતાનાં ઝુલ્ફાં બચાવવાં છે અને સોનાક્ષી સિંહાને...

ફિલ્મી દુનિયાનાં તારક-તારિકાઓએ નવા વર્ષે જે સંકલ્પો કર્યા છે એની કાલ્પનિક ફાઇલ અમારી પાસે આવી છે. તમારે જાણવું છે કોણે કેવા મક્કમ નિર્ધાર કર્યા છે? સાંભળો. શરૂઆત બિગ બીથી કરીએ.
અમિતાભ બચ્ચન

આ વર્ષે માધુરી દીક્ષિત સાથે એટલિસ્ટ એક ફિલ્મ કરીશ. મારા બાયોડેટામાં આવી અદ્ભુત એકટ્રેસ સાથે એક પણ ફિલ્મ ન બોલતી હોય તે કેમ ચાલે. હું સુભાષ ઘાઈની પાછળ પડી જઈશ. વર્ષો પહેલાં એમણે તમે મને અને માધુરી દીક્ષિતને લઈને 'શનાખ્ત' નામની ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી, જેનું કોઈ પણ કારણસર ભેદી બાળમરણ થઈ ગયું હતું. હું સુભાષજીને કહીશ કે તમે માળિયાં પર ચડો, જો તમને ફાવતું ન હોય તો મને માળિયા પર ચડાવો, પણ આપણે 'શનાખ્ત'નું જે કંઈ મટીરિયલ અવેલેબલ હોય તે શોધી કાઢીએ અને ફિલ્મ નવેસરથી શરૂ કરીએ. વાર્તા આઉટ-ઓફ-ડેટ થઈ ગઈ હોય તો નવી લખાવીશું. મને તો માધુરીના જમાઈનો રોલ કરવામાં પણ વાંધો નથી. શું હું 'પા'માં અભિષેકનો દીકરો બની શકતો હોઉં તો શું માધુરીની દીકરીનો વર ન બની શકું?
અભિષેક બચ્ચન

અરે યાર, આ ફેસબુક અને વોટ્સેપવાળા તો મારી પાછળ પડી ગયા છે. મારા વિશે જાતજાતના જોક્સ બનાવીને સરક્યુલેટ કર્યા જ કરે છે. મને શું કામ બધાં ફલોપ હીરો... ફ્લોપ હીરો કીધા કરે છે? શું મારી 'બોલ બચ્ચન' હિટ નહોતી? હતી જ. અરે, મારી લેટેસ્ટ ફિલ્મ 'ધૂમ-થ્રી' તો સુપરહિટ છે. ઉપરાછાપરી બબ્બે હિટ આપ્યા પછી પણ બોલિવૂડમાં મારી બોલબોલા નહીં? હું પ્રતિજ્ઞા લઉં છું કે હું વહેલામાં વહેલી તકે કોઈ સારી પીઆર એજન્સીને હાયર કરીશ, મીડિયામાં મારી વાહવાહી કરાવતા ન્યૂઝ-ફીચર્સ પ્લાન્ટ કરાવીશ અને મારી ઇમેજનું જોરદાર મેકઓવર કરીશ.


સલમાન ખાન

હવે આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે હું વર્જિન છું. થેન્કસ ટુ કોફી વિથ કરણ. મારી વર્જિનિટીનું રાઝ છે એક ગુપ્ત જડીબુટ્ટી. મારું નવા વર્ષનું કમિટમેન્ટ એ છે કે મારા કૌમાર્યના રહસ્યસમી પેલી જડીબુટ્ટીનું હું જથ્થાબંધ ઉત્પાદન કરાવીને ટેબ્લેટ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવીશ. દિવસમાં ત્રણ વખત નિયમિત સેવન કરનાર પુરુષની વર્જિનિટી જોતજોતામાં રિ-સ્ટોર થઈ જશે. બસ, ફિર જિયો જી ભર કે!
અનિલ કપૂર


સાંભળ્યું છે કે સલમાન ખાન કંઈક પુરુષોનું કૌમાર્ય પુનઃ સ્થાપિત કરતી ટેબ્લેટ્સ મેન્યુફેક્ચર કરવાનો છે. નવા વર્ષે હું પ્રતિજ્ઞા લઉં છું કે કોઈ પણ ભોગે તે ટેબ્લેટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર હું જ બનીશ. આઈ મીન, વ્હાય નોટ? મારી હરીફાઈ કંઈ શાહરૂખ-સલમાન સાથે થોડી છે. એ લોકો તો બુઢા થઈ ગયા. મારે રણબીર કપૂર, રણવીર સિંહ અને સુશાંત સિંહ રાજપૂત જેવાં નવાં વછેરાંઓને હંફાવવાનાં છે. મારે વર્જિન ઇમેજ ઊભી કરવી જ પડે.
દીપિકા પદુકોણ

મને લાગે છે કે મને એક્સ-બોયફ્રેન્ડ્ઝ બહુ ફળે છે. જુઓને, રણબીર કપૂર સાથે મારું બ્રેકઅપ થયું તે પછી જ અમારી 'યે જવાની હૈ દીવાની' સુપરહિટ થઈને. ક્યાં ગયું કેલેન્ડર? આ રહ્યું. જુઓ, એપ્રિલના એન્ડમાં હું રણવીર સિંહ સાથે બ્રેકઅપ કરું તો મેમાં અમારી નવી ફિલ્મ શરૂ કરાવી શકું. આહા, એ તો 'રામ-લીલા' કરતાંય વધારે હિટ થશે. તે પછી સમજોને કે જુલાઈ-ઓગસ્ટમાં ૨૦૧૪માં હૃતિક રોશન સાથે અફેર પ્લાન કરું. આમેય એ હવે ડિવોર્સી છે એટલે અમારાં અફેરની વાતો જંગલની આગની જેમ ફેલાશે. ડિસેમ્બર ૨૦૧૪ સુધી હૃતિક સાથે ચલાવવાનું. પછી નવા વર્ષે નવો ઘોડો. કૂલ!
રિતિક રોશન

હેય, કોણ કહે છે કે હું ડિવોર્સી છું? સુઝેન અને હું માત્ર સેપરેટ થયાં છીએ. છૂટાછેડા તે કંઈ લેવાતા હશે? ધારો કે છૂટાછેડા થાય તો મારે સુઝેનને ખાધાખોરાકીના કમસેકમ સો-બસ્સો કરોડ રૂપિયા ગણી આપવા પડે. એમાં તો મારી ટાલ પડી જાય. મારા પપ્પાની ટાલ ઓલરેડી વર્ષો પહેલાં પડી ચૂકી છે. એક ઘરમાં બબ્બે ટાલિયા કેવા લાગે? એના કરતાં હું સુઝેનને સમજાવી-ફોસલાવીને ઘરે પાછી લાવીશ અને પછી મીડિયામાં 'લગ્ન કેવી રીતે ટકાવવાં' તે વિશેના ડાહ્યા ડાહ્યા ઈન્ટરવ્યૂ આપીશ. એ સસ્તું પડશે.
રણબીર કપૂર

મારું ન્યૂ યર રિઝોલ્યુશન એ છે કે આ આખા વર્ષ દરમિયાન હું દર મહિને કેટરીનાને સૌથી સ્ટાઈલિશ અન્ડરગાર્મેન્ટ્સ ગિફ્ટ કરતો રહીશ. આઈ મીન, અરે યાર, પેલા પાપારાઝી ફોટોગ્રાફમાં એણે જે માથામેળ વગરની લાલ-સફેદ બ્રા-પેન્ટી પહેર્યાં હતા એમાં એ કેટલી વાહિયાત ગામડિયણ દેખાતી હતી! કમસે કમ એણે મારી ઈજ્જતનો વિચાર તો કરવો જોઈતો હતો. મને જો ખબર હોત કે તે આવા વેશ કાઢવાની છે તો હું એને બીચ પર લઈ જ ન જાત. ખેર.
સોનાક્ષી સિંહા


હું આ વર્ષે પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા વજન પર ધ્યાન આપીશ. કોણ બોલ્યું, વેઈટલોસ? ખામોશ! હું વજન વધારવાની વાત કરી રહી છું. ત્રીસ-પાંત્રીસ કિલો વજન તો હું ચપટી વગાડતાં વધારી લઈશ. મારી સિક્રેટ એમ્બિશન છે, મહિલા પહેલવાન બનવાનું. ક્યાં સુધી હિરોઈનગીરી કરતાં રહીને ગંદી-ગંદી-ગંદી-બાત પર ઠૂમકાં માર્યા કરવાના? કેટલું બધું કરવાનું છે લાઇફમાં. મારે પહેલવાન બનવું છે, પછી રેસલર બનીને મહિલાઓ માટેના ડબલ્યુ.ડબલ્યુ.એફ.ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરવું. યુ નો વોટ, મારા ફેન્સ તો હું ફિલ્મોમાં આવી ત્યારથી જ મને પહેલવાન... પહેલવાન કરવા લાગ્યા છે. આઈ લવ માય ફેન્સ! મને આજ સુધીમાં મળેલી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કઈ છે, જાણો છો? એ જ કે હું વિન્દુ દારા સિંઘની ટ્વિન સિસ્ટર જેવી દેખાઉં છું. હાઉ સ્વીટ!
શો-સ્ટોપર

સ્વર્ગસ્થ ફારૂક શેખે એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જેનું ટાઈટલ હતું 'ઘેર ઘેર માટીના ચૂલા'. એમનાં સહકલાકારો હતાં રીટા ભાદુરી, સુષ્મા વર્મા, દીના પાઠક, અરવિંદ જોશી ઈત્યાદિ. સાહિત્યકાર ધીરુબહેન પટેલે ફિલ્મનાં ગીતો લખ્યાં હતાં.

                                                    o o o