Showing posts with label Sanju. Show all posts
Showing posts with label Sanju. Show all posts

Saturday, July 21, 2018

સંજુ, સંબંધ અને પસંદગીપૂર્વકનું સત્ય

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 22 જુલાઈ 2018
મલ્ટિપ્લેક્સ
સંજુ ફિલ્મ જોવાની બહુ મજા આવે છે, પણ આખરે તો એ સંજય દત્તની સિલેક્ટિવ સ્મૃતિઓનો સગવડિયો સરવાળો છે. બ્રેઇન ટ્યુમરનો ભોગ બનેલી પ્રથમ પત્ની રિચા શર્માનાં પ્રકરણમાં જબરદસ્ત ઇમોશનલ પંચ છે, પણ તે સંજુના સેલેબસની બહારની વસ્તુ છે.   


સંજય દત્તે ખુદ સામેથી ડિરેક્ટર-રાઇટર રાજકુમાર હિરાણી અને એમના ધરખમ સાથીદાર અભિજાત જોશીને સામેથી બોલાવીને દિવસોના દિવસો સુધી પોતાના જીવનની રામકહાણી સંભળાવી હતી. આ અર્થમાં સંજુ ફિલ્મને તમે ઓથોરાઇઝ્ડ બાયોપિક કહી શકો. સંજયના જીવન પરથી ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ એની પત્ની માન્યતાએ મૂક્યો હતો. આ અર્થમાં આ ફિલ્મને તમે કમિશન્ડ પણ કહી શકો. શું સંજુને એક ઓથેન્ટિક બાયોપિક કહી શકાય? ઓથેન્ટિક એટલે વિશ્ર્વસનીય, સાચુકલું, જેન્યુઇન. આ સવાલ ફિલ્મ રિલીઝ થઈ ત્યારનો ચર્ચાઈ રહ્યો છે. પસંદગીપૂર્વકનું સત્ય સંપૂર્ણ કેવી રીતે હોવાનું? શોભા ડેએ  પ્રામાણિકતાપૂર્વક પોતાની આત્મકથાને સિલેક્ટિવ મેમરીઝ નામ આપ્યું છે. ચુંટેલી યાદો. સ્મૃતિઓનું બયાન ખરું,પણ બધી સ્મૃતિઓનું નહીં, અમુક જ. જે વર્તમાનને અન્કમ્ફર્ટેબલ ન બનાવે અને ભવિષ્ય પર ખતરો પેદા ન કરે માત્ર એવી યાદોના જ લેખાજોખા. સંજુ ફિલ્મ સંજય દત્તની સિલેક્ટિવ સ્મૃતિઓનો સગવડીયો સરવાળો છે.

આતંકવાદના એંગલને હાલ પૂરતો ન સ્પર્શીએ, અંગત જીવનની વાત કરતી વખતેય એની ગર્લફ્રેન્ડ્ઝને બાદ કરી નાખીએ (ફલાણી સાથે અફેર? ના રે, એ તો કેવળ અફવા હતી…ઢીંકણી સાથેનું પ્રેમપ્રકરણ? એ તો  ખાલી મિડીયાના ભેજાની પેદાશ હતી), ફાઇન, પણ કાયદેસર રીતે થયેલાં બબ્બે લગ્નો અને પ્રથમ પત્નીથી થયેલી સગી દીકરી સુધ્ધાંને ફિલ્મમાં કન્વિનીયન્ટલી ભુલી જવામાં આવ્યાં છે. રાજકુમાર હિરાણી કહે છે કે અમે ફિલ્મમાં એકાધિક અસલી પાત્રોને કમ્પ્રેસ કરી નાખ્યાં છે. જેમ કે, સંજય દત્તના ચારેક ખાસ દોસ્તોને ખંડણીમાં દસ્તા વડે ખાંડીને એ દ્વવ્યમાંથી એક દોસ્ત બનાવી નાખવામાં આવ્યો – કમલી. આવું પત્નીઓની બાબતમાં કરવામાં આવ્યું નથી તે સારું છે. માન્યતા દત્ત અહીં કેવળ માન્યતા દત્ત જ છે. એમાં પત્ની નંબર વન રિચા શર્મા અને પત્ની નંબર ટુ રિઆ પિલ્લૈના અંશો ઉમેરવામાં આવ્યા નથી.

ચાલીસીમાં પ્રવેશી ચુકેલા વાચકોને કદાચ રુપકડી રિચા શર્મા ચહેરેમહોરે યાદ હશે. તબુ અને રિચા શર્માએ કરીઅરની શરૂઆત એકસાથે કરી હતી, દેવ આનંદની હમ નૌજવાન (1985) ફિલ્મથી. દેવ આનંદે  દુનિયાભરમાંથી નવી નવી કન્યાઓને શોધીને હિન્દી સિનેમામાં હિરોઈન તરીકે લોન્ચ કરી છે. રિચાને એમણે છેક ન્યુ યોર્કમાંથી શોધી કાઢી હતી. હમ નૌજવાનફિલ્મમાં તો ખાસ કંઈ હરખાઈ જવા જેવું નહોતું, પણ રિચાની ગાડી ચાલી નીકળી. એ વખતે અનિલ કપૂર, જેકી શ્રોફ, સંજય દત્ત વગેરે પૂરા ત્રીસના પણ ન થયેલા હીરોલોગ સામે એને ફિલ્મો ઓફર થવા માંડી. રિચાની બીજી ફિલ્મ અનુભવ એ જમાનાની સેક્સ-કોમેડી હતી, જેમાં શેખર સુમન મુખ્ય હીરો હતા. રિચાની ગણીને પાંચ જ ફિલ્મો રિલીઝ થઈ છે. એની ગણના પ્રતિભાશાળી ન્યુકમર તરીકે ક્યારેય નહોતી થઈ. સંજય દત્ત સાથે એણે એક ફિલ્મ શરૂ કરેલી, પણ એ સંભવતઃ ક્યારેય રિલીઝ ન થઈ. આ ફિલ્મના મુહૂર્ત વખતે સંજયે મલ્ટિકલર્ડ ટોપ પહેરેલી રિચાને પહેલી વાર જોઈ હતી. દિલફેંક સંજયને રિચા ગમી ગઈ. રિચાને સંજય ગમી ગયો. એમની વચ્ચે રોમાન્સ શરૂ થયો. યાસર ઉસ્માન લિખિત સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ્સ બેડ બોયમાં કહેવાયું છે એમ,કોઈ પણ સંબંધની શરૂઆતમાં સંજય સાતમા આસમાનમાં વિહરતો હોય, પણ જેવો થોડો સમય પસાર થાય એટલે ફૂગ્ગામાંથી હવા નીકળી જાય. પછી નવી ઘોડી નવો દાવ. જોકે રિચાના કિસ્સો જરા અલગ હતો. સંજયની અગાઉનીમોટા ભાગની ગર્લફ્રેન્ડ્ઝ, એના હિસાબે, ગણતરીબાજ અને લાલચુ હતી, પણ સરળ સ્વભાવની રિચા પર ભરોસો કરી શકાતો હતો.



રિચા ન્યુ યોર્કમાં વસતા પોતાના પરિવારને છોડીને ખાસ ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે જ મુંબઈ આવી હતી. સંજય દત્ત આ હકીકત સારી રીતે જાણતો હતો, છતાંય એ ઇચ્છતો હતો કે જો મારી સાથે લગ્ન કરવાં હોય તો રિચાએ ફિલ્મલાઇનને તિલાંજલિ આપવી પડે. સ્ત્રી કરીઅર અને ઘર એકસાથે સંભાળી ન શકે એવું એનું માનવું હતું. રિચા આમેય ખાસ મહત્ત્વાકાંક્ષી નહોતી. એણે હા પાડી. સંજય તાબડતોબ ન્યુ યોર્ક રવાના થઈને રિચાનાં મા-બાપને મળ્યો. સંજય ડ્રગ્ઝનો મહાબંધાણી રહી ચુક્યો હતો એ હકીકતથી તેઓ વાકેફ હતાં. કયાં મા-બાપ આવા છોકરા સાથે પોતાની દીકરીને પરણાવવા તૈયાર થાય? પણ સંજય એમની સાથેખુલ્લા દિલે ચર્ચા કરી. તેઓ કન્વિન્સ થઈ ગયાં. ઓક્ટોબર 1987માં ન્યુ યોર્કમાં ધામધૂમથી સંજય-રિચાનાં લગ્ન લેવાયાં. એ વખતે સંજય હતો 28 વર્ષનો અને રિચા હતી ચોવીસની. સંજયનો પરિવાર ખૂબ ખુશ હતો કે ચાલો, આ વંઠેલ છોકરો આખરે ઠરીઠામ થયો ખરો.

લગ્નને હજુ વર્ષ પૂરું થાય એ પહેલાં સંજય-રિચા મમ્મી-ડેડી બની ગયાં. દીકરી ત્રિશલાના આગમનથી આનંદનો માહોલ ઔર ઘૂંટાયો. બેબલી ચાર મહિનાની થઈ ત્યાં રિચાને માથામાં ભયંકર સણકા ઉપડવાનું શરૂ થયું. ડોક્ટરી તપાસ કરાવી. નિદાન થયું કે રિચાને બ્રેઇન ટ્યુમર છે. મગજની ગાંઠ. મા નરગીસ કેન્સરનો ભોગ બન્યાં હતાં, તો હવે પત્ની રિચા બ્રેઇન ટ્યુમરનો શિકાર બની. અમેરિકામાં ઇલાજ સારી રીતે થઈ શકે એટલે રિચા નાની ત્રિશલાને લઈને પિયર જતી રહી. રિચા માતા-પિતા પાસે ત્રણ વર્ષ રહી.

લોન્ગ-ડિન્સન્સ મેરેજ યા તો રિલેશનશીપ ટકાવી રાખવા માટે બન્ને પાત્રોમાં ચારિત્ર્યની તાકાત જોઈએ, વફાદારી જોઈએ, સંબંધ પ્રત્યે નિષ્ઠા જોઈએ. સંજય દત્ત પાસેથી આવા બધા ગુણોની અપેક્ષા શી રીતે રાખી શકાય? એક બાજુ રિચા ભયાનક બીમારી સામે ઝઝૂમી રહી હતી અને આ બાજુ સંજય દત્ત અન્ય સ્ત્રી (અથવા સ્ત્રીઓ) પ્રત્યે આકર્ષાવા લાગ્યો. જો ફિલ્મી ગોસિપમાં સચ્ચાઈનો જરાક અમથો પણ અંશ હોય તો, સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથેનું અફેર આ જ અરસામાં શરૂ થયું હતું. આજકાલનાં સ્ટાર્સ નિખાલસપણે બધું કબૂલી લે છે,બાકી અગાઉના સિતારા મગનું નામ મરી નહોતા પાડતા. જોકે સંજય-માધુરીના પ્રેમસંબંધની વાતો એટલી ચગી હતી કે એમના ચાહકો સુધ્ધાં વિચારવા લાગ્યા હતા કે આ તો કેવું સ્વકેન્દ્રીપણું! આ તો કેવી બેજવાબદારી!માંદી પત્ની નાની દીકરીને સંભાળતાં સંભાળતાં મોત સામે જંગ ખેલી રહી છે ત્યારે પતિ કઈ રીતે આટલી હદે સંવેદનહીન બની શકે! અને માધુરીશું પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ છે કે સારું-ખોટું સમજી શકતી નથી?

મુંબઈમાં લવની ભવાઈ ચાલતી હોય ત્યારે રિચાનો જીવ ન્યુ યોર્કમાં ન જ ચોંટે. પોતાના લગ્નજીવનને બચાવવા માટે એ દીકરી સાથે મુંબઈ આવી ગઈ. ઘરની ચાર દીવાલો વચ્ચે કોણ જાણે શું થયું કે પંદર દિવસમાં એ પાછી ન્યુ યોર્ક જતી રહી. એ તો સાજી થઈને પતિ અને પુત્રી સાથે સુખી જીવન જીવવા માગતી હતી, પણ એણે જોયું કે પતિદેવ હવે પોતાના નથી રહ્યા. એની જીજીવિષા કદાચ ત્યારે જ ખતમ થઈ ગઈ હતી. 1993માં સંજય દત્તે ડિવોર્સ ફાઇલ કર્યા. દીકરીની કસ્ટડી માટે કાનૂની દાવપેચ ખેલાવાનું શરૂ થયું. તન-મન-હૃદયથી તૂટી ગયેલી રિચાએ 1996માં પ્રાણ ત્યજી દીધા. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ સંડોવાયું હોવાથી શાણી માધુરીએ એની સાથેનો સંબંધ ક્યારનો કાપી નાખ્યો હતો. ત્રિશલા નાના-નાની પાસે મોટી થઈ. રિચાનાં મૃત્યુનાં બે વર્ષ પછી સંજય દત્તે રિયા મોડલ પિલ્લૈ સાથે લગ્ન કર્યાં. દસ વર્ષ બાદ,2008માં, સંજય-રિયાના ઓફિશિયલ ડિવોર્સ થયા. એ જ વર્ષે સંજયે સ્ટ્રગલિંગ એક્ટ્રેસ માન્યતા સાથે ત્રીજાં લગ્ન કર્યાં.

Sanjay Dutt with Richa Shanrma (left), Rhea Pillai (center) and daughter Trishala

આમાંનું કશું જ, અલબત્ત,‘સંજુ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું નથી. અઢી-ત્રણ કલાકની ફિલ્મમાં શું લેવું ને શું ન લેવું તે નક્કી કરવાનો લેખક-દિગ્દર્શકને પૂરો હક છે જ, કબૂલ, પણ ઘટનાપ્રચુર જીવનમાંથી પ્રસંગોનું સગવડીયું સિલેક્શન થયું હોવાને કારણેસંજુ એક ઓથેન્ટિક બાયોપિકની ઊંચાઈ સુધી પહોંચવાને બદલે કેવળ ઓથોરાઇઝ્ડ કે કમિશન્ડ બાયોપિક બનીને રહી ગઈ છે.

0 0 0 


Tuesday, July 10, 2018

વિકી કૌશલઃ અબ રોક સકો તો રોક લો!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - તારીખ 8 July 2018 

મલ્ટિપ્લેક્સ                   

2018માં વિકી કૌશલ એકાએક બોમ્બની જેમ ફાટ્યો છે. બોલિવૂડ હવે જ્યારે નવા નવા વિષયો પર હિંમતભેર ફિલ્મો બનાવી રહ્યું છે ત્યારે વિકી કૌશલ જેવા તગડા અને વર્સેટાઇલ યુવા અભિનેતાનું આ રીતે ઉદય થવું એ બધા માટે ગુડ ન્યુઝ છે.


સાંજ ઢળી ચૂકી છે. વારાણસીના કોઈ ઘાટ પાસે ચારેક જુવાનિયા ખુલ્લામાં દારૂ પીતા બેઠા છે. દૂર બ્રિજ પરથી ટ્રેન પસાર થઈ રહી છે અને એની બારીમાંથી ઝબકતાં પ્રકાશનાં નાનાં નાનાં ધાબાં ધીરે ધીરે સરકી રહ્યાં છે. આ ચારમાંથી દીપક નામના યુવાને પોતાની પ્રેમિકા શાલુની ચિતા થોડા દિવસ પહેલાં જ જલાવી હતી. દીપકના દલિત પરિવારનું કામ જ આ છે - મૃતકોનાં શબની અંતિમ ક્રિયા કરાવી આપવાનું.  શાલુ એના પરિવાર સાથે જાત્રાએ ગઈ હતી. એમની બસનો એક્સિડન્ટ થઈ ગયો. જે મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવામાં આવ્યાં એમાં એક દેહ શાલુનો પણ હતો. દીપક આઘાતથી મૂઢ થઈ ચુક્યો છે. દોસ્તારો એની ઉદાસી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છેઃ કેમ ક્યારનો ચુપ બેઠો છે? કંઈક તો બોલ યાર...

દીપક જાણે કોઈ જ જુદા જ સમતલ પર મૂકાઈ ગયો હોય તેમ એ નશાની હાલતમાં બબડવા લાગે છેઃ 'એને શાયરી બહુ ગમતી... તૂ રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં... એ કહેતી, તારી સાથે લગ્ન કરવા ભાગવું પડશેને તો ભાગી નીકળીશ...' 

પીડા ગઠ્ઠો થઈને છાતીમાં ભરાઈ ગઈ છે. એનો કઈ રીતે નિકાલ કરવો એ જુવાનને સમજાતું નથી. એ ચિત્કારી ઉઠે છેઃ

'સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા બે...'

- અને જાણે ભયાનક જોશ સાથે જમા થયેલું પાણી ડેમની દીવાલ તોડીને ધડધડાટ કરતું વહેવા માંડે એમ જુવાન બેફામ આક્રંદ કરી ઉઠે છે. દોસ્તોને સમજાતું નથી કે એને છાનો કેવી રીતે રાખવો. જુવાનના હૃદયભેદક કલ્પાંતથી જાણે બનારસનો આખો ઘાટ રડી ઉઠે છે.

'મસાન' (2015) ફિલ્મનું આ યાદગાર દશ્ય છે. કોઈ પણ જાણીતા સિતારા કે ગ્લેમર વગરની આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. એનું આ અઢી મિનિટનું દશ્ય અને એમાંય દીપક બનતો અદાકાર એટલી જબરદસ્ત ઇમ્પેક્ટ ઊભી કરે છે કે ઓડિટોરિયમમાં બેઠેલો સંવેદનશીલ દર્શક કિરદારની પીડાથી કાંપી ઉઠતો હતો.

એ શામળો, સાધારણ દેખાવનો યુવા અદાકાર એટલે વિકી કૌશલ. તાજેતરમાં 'સંજુ' ફિલ્મને કારણે એ એકાએક બોમ્બની જેમ ફાટ્યો છે. 'સંજુ'માં એ સંજય દત્તનો ગુજરાતી દોસ્તાર બન્યો છે. રણબીર કપૂર અને પરેશ રાવલની સાથે વિકી કૌશલના અભિનયની પણ ભરપૂર - અને બિલકુલ યોગ્ય રીતે - પ્રશંસા થઈ રહી છે.

એક એક્ટર તરીકે વિકી કેટલો મજાનો છે એ તો 'મસાન'થી જ પૂરવાર થઈ ચૂક્યું હતું. નેશનલ અવોર્ડવિનિંગ 'મસાન'ના પેલા યાદગાર દશ્ય વિશે ફિલ્મના લેખક વરૂણ ગ્રોવરે સરસ વાત કહી છે. મૂળ સ્ક્રિપ્ટમાં આ દશ્ય આપણે ફિલ્મમાં જોઈએ છીએ એના કરતાં સાવ જુદી રીતે લખાયેલું હતું.  સ્ક્રિપ્ટમાં એવું હતું કે દીપક પોતાની પ્રેમિકાને યાદ કરતાં કરતાં લાંબો પ્રલાપ કરશે અને અંતમાં 'સાલા યે દુખ કાહે ખતમ કયું નહીં હોતા'  વાક્ય સાથે મોનોલોગ પૂરો કરશે. દીપકે આ સીનમાં રડવાનું હતું જ નહીં. લેખક વરૂણ ગ્રોવર અને ડિરેક્ટર નીરજ ઘેવાન બન્નેએ નક્કી કરેલું કે જુવાનિયો આખી ફિલ્મમાં એક જ વાર રડશે, ફિલ્મના અંતિમ હિસ્સામાં, પોતાની પ્રેમિકાને ભેટમાં આપેલી વીંટી ગંગા નદીમાં પધરાવતી વખતે.

વિકી કૌશલ અસલી જીવનમાં દારૂ પીતો નથી. કમસે કમ, 'મસાન' વખતે તો નહોતો જ પીતો. સામાન્યપણે દારૂ પીવાનાં દશ્યોમાં અદાકારોને શરાબ જેવું દેખાતું શરબત પિરસવામાં આવતું હોય છે, પણ વિકીએ કહ્યું કે ના, આ દશ્ય બહુ જ ઇન્ટેન્સ છે એટલે તમે મને અસલી દારૂ જ આપો, હું મેનેજ કરી લઈશ.



શૂટિંગ શરૂ થયું. વિકીએ લાંબો મોનોલોગ બોલવાનું શરૂ કર્યું. કાગળ પર લખાયેલા શબ્દોને વળગી રહેવાને બદલે એ ઇમ્પ્રોવાઇઝ કરતો ગયો. લગભગ આઠેક મિનિટ સુધી એ બોલતો રહ્યો. યોગાનુયોગ એ જ વખતે દૂર પુલ પરથી ટ્રેન નીકળી એટલે વિકીએ પોતાની રીતે 'તૂ રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં' લાઇન વણી લીધી. વિકી આ દશ્યમાં, દીપકના પાત્રની પીડામાં એટલો ઊંડો ઉતરી ગયો હતો કે અંતમાં 'સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા' વાક્ય બોલ્યા પછી અટકી જવાને બદલે એ છાતી ફાડીને રડ્યો. આ કંઈ એણે પહેલેથી વિચારેલું નહોતું. આ સહજપણે, સ્પોન્ટેનિયસલી બની ગયું. એનું હૈયાફાટ રુદન એટલું અસરકારક હતું કે સેટ પર હાજર રહેલા સૌની આંખો ભીંજાઈ ગઈ. માત્ર રાઇટર-ડિરેક્ટર જ નહીં, પણ જેમને સ્ક્રિપ્ટીંગ પ્રોસેસ ખાસ કંઈ લેવાદેવા ન હોય એવા ટેક્નિશીયનોની આંખો પણ છલકાઈ ગઈ.

લેખકને હંમેશાં પોતે લખેલા શબ્દો પ્રત્યે માયા હોવાની. વરૂણ ગ્રોવર ભલે વિકીનું પર્ફોર્મન્સ જોઈને દ્રવી ઉઠ્યા હતા, પણ એમને હજુય એવું જ લાગતું હતું કે આ સીનમાં રુદનની જરૂર જ નથી. જોકે ડિરેક્ટર નીરજ ઘેવાલે કદાચ શૂટિંગ વખતે જ વિચારી લીધું કે વિકીના રુદન માટે ફિલ્મમાં આ જ જગ્યા પરફેક્ટ છે. ફિલમનો ફર્સ્ટ કટ જોયા પછી વરૂણે પણ તે સ્વીકારવું પડ્યું. વરૂણ ગ્રોવરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છેઃ

'હું જ્યારે સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો ત્યારે આ સીન મારો મોસ્ટ ફેવરિટ હતો. આજની તારીખે ફિલ્મ જોઉં છું ત્યારે પણ આ સીન મને સૌથી વધારે ગમે છે. રનવે પર પૂરપાટ દોડીને વિમાન જેમ ઉડાન ભરે એમ વિકી કૌશલ પણ આ સીનમાં મેં લખેલાં મૂળ લખાણ પર દોટ મૂકીને પોતાની રીતે આકાશમાં ઉડ્યો છે.'

એક પ્રતિભાશાળી અને બુદ્ધિમાન અદાકારની આ ખાસિયત હોય છે. લેખકે અને ડિરેક્ટરે વિચારેલા-લખેલા-ડિઝાઇન કરેલાં દશ્ય કે સંવાદનું પોતાની રીતે અર્થઘટન કરીને એ એના પર પોતાની સજ્જડ છાપ છોડી દેશે. 'મસાન' માટે વિકી કૌશલને ખૂબ બધા મેલ ડેબ્યુ અવોર્ડઝ મળ્યા. અલબત્ત, સૌથી પહેલાં બિગ સ્ક્રીન પર એની એન્ટ્રી 2012માં થઈ ચુકી હતી, 'લવ શવ તે ચિકન ખુરાના' નામની ફિલ્મમાં એણે ટચુકડો રોલ કર્યો હતો. અનુરાગ કશ્યપની સુપર ફ્લોપ 'બોમ્બે વેલ્વેટ'માં પણ એ પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં હતો. 'મસાન'ના આ રોલ માટે મૂળ રાજકુમાર રાવની પસંદગી થઈ હતી, પણ છેલ્લી ઘડીએ ડેટ્સની ગરબડ થતાં એણે ખસી જવું પડ્યું. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એના એક જ મહિના પહેલાં વિકી કૌશલને આ ભુમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો. 'મસાન'ના ડિરેક્ટર નીરજ ઘેવાલ સાથે આમ તો વિકીની જૂની દોસ્તી હતી. 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં નીરજ અને વિકી બન્નેએ અનુરાગ કશ્યપના આસિસ્ટન્ડ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

વિકીના પિતા શામ કૌશલ હિન્દી ફિલ્મોના જાણીતા એક્શન ડિરેક્ટર છે. વિકી જોકે કોઈ પણ સાધારણ નોન-ફિલ્મી પરિવારના ફરજંદ જેમ ઉછર્યો છે. સ્કૂલિંગ કર્યા પછી એણે એન્જિનીયરિંગની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચમાં એડમિશન લીધું હતું, પણ સેકન્ડ યરમાં જ એને બ્રહ્મજ્ઞાન લાધી ગયું કે આપણે ખોટી લાઈનમાં આવી ગયા છીએ. અલબત્ત, એણે ભણતર પૂરું કરીને ડિગ્રી તો મેળવી જ. પછી થિયેટર જોઈન કર્યું, નસીરુદ્દીન શાહ અને માનવ કૌલ સાથે નાટકો કર્યાં, કિશોર નમિત કપૂરનો એક્ટિંગનો કોર્સ કર્યા. ત્યાર બાદ, અગાઉ કહ્યું તેમ, અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ બનીને ફિલ્મમેકિંગનો ફર્સ્ટહેન્ડ એક્સપિરિયન્સ લીધો.  

'મસાન' પછી 2016માં 'ઝુબાન' નામની ફિલ્મમાં વિકીએ એવા યુવાનનો રોલ કર્યો જેને સંગીતથી ડર લાગે છે! આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ ગઈ. ત્યાર બાદ આવી અનુરાગ કશ્યપની 'રમન રાઘવ 2.0'. નવાઝુદ્દીન સિદ્દીકી જેવો સુપર એક્ટર મુખ્ય ભુમિકામાં હોવા છતાં પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં વિકીએ ધ્યાન જરૂર ખેંચ્યું.

2018નું વર્ષ વિકીને સોલિડ ફળ્યું છે. સૌથી પહેલાં તો 'લવ પર સ્કેવર ફૂટ' નામની રોમેન્ટિક કોમેડી નેટફ્લિક્સ પર ઓનલાઇન રિલીઝ થઈ. અત્યાર સુધી જોનારાઓએ વિકીને ગંભીર ભુમિકાઓમાં જ જોયો હતો, પણ આ હલકીફૂલકી એન્ટરટેનિંગ ફિલ્મમાં વિકીનું એક એક્ટર તરીકેનું નવું જ પાસું જોવા મળ્યું. ત્યાર બાદ આવી, મેઘના ગુલઝાની 'રાઝી'. આલિયા ભટ્ટ બધી વાહવાહી ઉઘરાવી ગઈ હોવા છતાં એના પાકિસ્તાની પતિના રોલમાં વિકી કૌશલના પણ વખાણ થયા.

નેટફ્લિક્સ પર થોડાં અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી 'લસ્ટ સ્ટોરીઝ'માં કરણ જોહરવાળી વાર્તામાં વિકીએ પત્નીની શારીરિક જરૂરિયાત ન સમજી શકતા બાઘ્ઘા પતિનો રોલ પણ કેટલો સરસ રીતે ભજવ્યો છે. 'સંજુ' પછી સપ્ટેમ્બરમાં હવે 'મનમર્ઝિયાં' નામની ફિલ્મ આવશે. અનુરાગ કશ્યપનું ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિકી-અભિષેક બચ્ચન-તાપસી પન્નુ વચ્ચે લવ-ટ્રાયેન્ગલ છે. હાલ વિકી ઉડી અટેક પર આધારિત 'ઉડી' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આમાં એ ડુપ્લિકેટની મદદ લીધા વિના અસલી સ્ટંટ્સ કરવાનો છે.

ટૂંકમાં, 2018માં ઓડિયન્સ એકાએક વિકી કૌશલ નામના આ 29 વર્ષના એક્ટરને જુદા જુદા અવતારમાં જોઈ રહ્યું છે અને એની પ્રતિભાથી તેમજ અભિનયની રેન્જથી પ્રભાવિત થઈ રહ્યું છે. બોલિવૂડ હવે જ્યારે નવા નવા વિષયો પર હિંમતભેર ફિલ્મો બનાવી રહ્યું છે ત્યારે વિકી કૌશલ જેવા તગડા અને વર્સેટાઇલ એક્ટરનું આ રીતે ઉદય થવું એ બધા માટે ગુડ ન્યુઝ છે. વિકીની ગાડી હવે સ્પીડ પકડી ચુકી છે. અબ રોક સકો તો રોક લો!     


 000