Thursday, May 28, 2015

'વાંચવા જેવું' : જીવતા માણસનું જ નહીં, સંબંધનું પણ મૃત્યુ થતું હોય છે...

ચિત્રલેખા - અંક તા. 1 જૂન 2015 માટે 

કોલમ: વાંચવા જેવું 

‘મુક્ત જિંદગી જીવી જનારી કોઈ વ્યક્તિ પોતાના મનની કેદમાં જ જીવનભર સબડ્યા કરે છે - ને એને નથી ખબર પડતી કે એની સજાની કે નથી ખબર પડતી એના મનની આંટીઘૂંટીઓની. એનું મુક્ત હોવું જ એક મોટી સજા હોય છે.’                                                                                 
‘પ્રિયજન’, ‘પલાશવન’, ‘ધૂન્દભરી ખીણ’ જેવી કેટલીય યાદગાર નવલકથાઓ આપનાર વીનેશ અંતાણી ફરી એક વાર ઉત્તમ કૃતિ લઈને પેશ થાય ત્યારે આપણા માટે તો ઉત્સવની ઘડી આવી કહેવાય. વીનેશ અંતાણીને ઘટનાઓની ઘમાસાણમાં રસ નથી. સપાટી પરની સ્થૂળતા એમને ખાસ આકર્ષતી નથી. એમને જે-તે ઘટના સુધી પહોંચતા રસ્તાઓમાં, રસ્તાના પથ્થરોને એક પછી એક ઊંચકીને ધ્યાનથી ચકાસવામાં અને રસ્તાએ કયાં અને કેવી રીતે વણાંક લીધા હતા એ જાણવામાં રસ છે. સંબંધ ક્ષણોના સરવાળામાંથી બનતો હોય છે. આજે જે નવલકથાની વાત કરવી છે એ ‘જિંદગી આખી’માં વીનેશ અંતાણીએ આ ક્ષણોના એક-એક રેષાને અત્યંત ખૂબસૂરતી અને મુલાયમિયતથી છુટ્ટા પાડ્યા છે.

શેખર નવલકથાનો યુવાન નાયક છે. એક દિવસ અચાનક એને એક ડાયરી મળે છે. પોતાના પિતા સુધાંશુ જોશીની ડાયરી, જે સંભવત: મૃત્યુ પામ્યા છે અને જેમની હયાતી વિશે શેખરને ત્રીસ-બત્રીસ વર્ષથી કશી જ ખબર નહોતી. શેખરની સાથે વાચક પણ આ ડાયરીના પાનાં વાંચતો જાય છે અને નવલકથા ક્રમશ: ઊઘડતી જાય છે. પિતા લખે છે:    

‘હું અહીં બેઠો છુંં. એકલો. તું મારાથી દૂર છે. અલગ. એક પિતા. એક મા. એક દીકરો. એમણે તો એક જ છત નીચે રહેવાનું હોય. આપણા ત્રણેયની વચ્ચે એ જ હવા વહેતી હોય, એ જ અજવાળું, એ જ સુગંધ... એવું નથી. તું અત્યારે કેવાં અજવાળામાં બેઠો હશે એ હું જાણતો નથી. હું કેવા અંધારામાં બેઠો છું એ તું જાણી શકવાનો નથી.’ 

ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલો નાયક ડાયરી સાથે બે સ્તરે આઈડેન્ટિફાય કરી શકે છે. એક તો, ડાયરીમાં પોતાનાં માતા-પિતાની તેમજ ખુદનાં બાળપણની વાતો છે. બીજું, નાયક સ્વયં એકલતા અનુભવી રહ્યો છે. એની પત્ની સુજાતા નાનકડા દીકરા બન્ટીને લઈને ઘર છોડીને ઈન્ડિયા જતી રહી છે. હંમેશ માટે? ખબર નથી. બે વર્ષ વીતી ગયાં છે અને સુજાતા જાણે આ સંબંધમાંથી ઊખડી ગઈ છે.સુધાંશુ જોશી અને ગીતાનો સંબંધ કેમ તૂટી પડ્યો હતો? શા માટે શેખરે આખી જિંદગી પિતાની હૂંફથી વંચિત રહેવું પડ્યું? સુધાંશુ જોશીનાં ડાયરીનાં પાનાંમાંથી આ સવાલના જવાબ, અથવા તો જવાબનો આભાસ, ત્રુટક-ત્રુટક મળે છે. ડાયરીમાં ગીતાનું વ્યક્તિત્ત્વ સરસ રીતે ઊપસ્યું છે. આખી નવલકથાનાં તમામ પાત્રોમાં કદાચ ગીતાનું કેરેક્ટરાઈઝેશન સૌથી અસરકારક બન્યું છે. સુધાંશુ જોશી ડાયરીમાં લખે છે:

‘ગીતાને પોતાનું ઊભું કરેલું ભૂંસતા જવામાં જ રસ હતો. જ્યારે કશુંક ઊભું થવા લાગે ત્યારે એનામાં વિદ્રોહ જેવું ઝનૂન હોય અને એને ભૂંસવા તત્પર બને ત્યારે પણ એવું જ ઝનૂન હોય છે... એને જે જોઈતું હોય તે મળવવા માટે આકાશપાતાળ એક કરી નાખે અને એ મળી ગયા પછી એને ગુમાવી દેવા માટે પણ જે કરવું પડે, કરતાં ખચકાય નહીં. શું હશે એ, શેખર?’

એક પ્રકારની આત્મવિનાશક વૃત્તિ? પૂર્ણપણે ન વિકસી શકેલું સંવેદનતંત્ર? કદાચ, હા. ગીતા પતિથી અલગ થઈ ગઈ, પણ છૂટાછેડા ન લીધા. એ પતિને મુક્ત કરવા માગતી નહોતી કે ખુદ નિતાંત આઝાદી ઈચ્છતી હતી? સુધાંશુ લખે છે:

‘મુક્ત જિંદગી જીવી જનારી કોઈ વ્યક્તિ પોતાના મનની કેદમાં જ જીવનભર સબડ્યા કરે છે - ને એને નથી ખબર પડતી કે એની સજાની કે નથી ખબર પડતી એના મનની આંટીઘૂંટીઓની. એનું મુક્ત હોવું જ એક મોટી સજા હોય છે.’

સંબંધમાં પેદા થઈ ગયેલું અંતર ન ગીતા પાર કરી શકી. ન સુધાંશુ. લખે છે:

‘પછી એકાએક એવો સમય આવી જાય છે, શેખર, કે કશુંય સાચવી શકાતું નથી. બહુ મોડું થઈ જાય પછી કોઈ પ્રેમ, કોઈ સમજણ, કોઈ જ સંબંધ કામ લાગતો નથી. જ્યારે તૂટવા લાગે છે ત્યારે બધું એકીસાથે કડડભૂસ થતું જમીનદોસ્ત થઈને જ રહે છે.’

સંવેદનશીલ માણસ માટે એકલતા જેટલી કારમી ચીજ બીજી એકેય નથી, પણ સંવેદનહીન સંબંધમાં સબડતા રહેવા કરતાં એકલતા સહી લેવી બહેતર વિકલ્પ નથી શું? સુધાંશુ યોગ્ય જ કહે છે:  

‘મૃત્યુ જીવતા માણસનું જ થતું નથી, સંબંધનું મૃત્યુ પણ થાય છે. એવો સંંબંધ, જેને તમે જીવની જેમ જાળવી રાખવા મથ્યા હો છો. એના સિવાય બીજું કશુંય તમને જોઈતું હોતું નથી. તમે કરેલો પ્રેમ, તમે લીધેલી કાળજીઓ, તમારા સ્પર્શો, તમારાં આલિંગનો, એકબીજામાં ભળી જતા તમારા શ્ર્વાસોચ્છવાસ... બધું જ એક પળમાં મૃત્યુ પામે છે. એ પણ એક મૃત્યુ જ છે, શેખર - મૃત્યુથી પણ વધારે ભયાનક, વધારે એકાકી.’  એવું માની લેવાની બિલકુલ જરુર નથી કે પુરુષોને છોડી ગયેલી બન્ને સ્ત્રીઓ ખલનાયિકા છે. લેખકે નવલકથામાં પ્રગલ્ભ તટસ્થતા જાળવી રાખી છે. નથી એમણે કોણ સાચું ને કોણ ખોટું એવા ચુકાદા તોળ્યા કે નથી સ્પષ્ટ કારણો દેખાડ્યાં. સ્ત્રીપાત્રોનાં દષ્ટિકોણને પણ અહીં પૂરતો અવકાશ મળ્યો છે.  નવલકથામાં ગીતા અને સુજાતા ઉપરાંત રેણુ નામનું એક સ્ત્રીપાત્ર પણ છે. સુધાંશુ જોશીના જીવનમાં આવેલી આ રેણુ કોણ છે? એક બિંદુ પર પુત્ર શેખરના મનમાં સવાલ સુધ્ધાં થાય છે કે પિતા ડાયરીમાં જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે એનાથી જુદી વ્યક્તિ હશે? કે પછી, જાત સાથે પણ એ આત્મવંચના કરતા હશે?

નવલકથામાં આખરે શું થાય છે? શું શેખર સુજાતા સાથેના સંબંધમાં જે કંઈ બચ્યું છે એ બધું સમેટીને સંબંધને પુન: ઊભો કરવાની કોશિશ કરે છે? શબ્દ સ્વરુપે જેમને પહેલી વાર ઓળખ્યા છે એ પિતા, કે જેણે ડાયરીમાં ક્યારેય ‘બેટા’ એવું સંબોધન કર્યું નથી, એમની હૂંફ શું હવે જિંદગી આખી સાથે રહેવાની છે? આ પ્રશ્ર્નના ઉત્તર તમારે નવલકથા વાંચીને મેળવી લેવાના છે. સાહિત્યિક ગુણવત્તા ધરાવતી સંવેદનશીલ નવલકથાના ભાવકોએ અચુક વાંચવા જેવું પુસ્તક.                                                                                0 0 0

 જિંદગી આખી   
                                
લેખક: વીનેશ અંતાણી
પ્રકાશક: આર.આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૭૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમત:  ‚. ૧૫૦ /
 કુલ પૃષ્ઠ: ૧૭૮
 

૦ ૦ ૦

Tuesday, May 26, 2015

ટેક ઓફ : મળો, ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટને...

Sandesh - Ardh Saptahik Purti - 27 May 2015
ટેક ઓફ 
શિક્ષિત, સંસ્કારી ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું એક વાત છે અને આ બેકગ્રાઉન્ડ વધુ ઊજળું બને તે રીતે જીવી શકવું તે તદ્દન જુદી વાત છે. વિદ્યાગૌરી નીલકંઠ આ કામ કરી શક્યાં હતાં. સવાસો વર્ષ પહેલાં બી.એ. થઈને એમણે ગુજરાતના શિક્ષણજગતમાં તરંગો સર્જી નાખ્યા હતા.

સમા-બારમાની બોર્ડ એક્ઝામ્સનાં પરિણામોની મોસમ આ લેખ છપાશે ત્યાં સુધીમાં કાં તો શરૂ થઈ ચૂકી હશે અથવા તો શરૂ થવામાં હશે. દર વખતની માફક આ વખતેય અખબારો ટોપર્સની તસવીરો-અહેવાલોથી છલકાઈ જશે. દર વખતની માફક આ વર્ષેય છોકરીઓ મેદાન મારી જશે. આજે એકવીસમી સદીમાં વિદ્યાર્થિનીઓ યા તો સ્ત્રીઓની બૌદ્ધિક તેજસ્વિતા એક સર્વસ્વીકૃત હકીકત છે જેના વિશે હવે કોઈ અભિપ્રાયભેદ રહ્યો નથી.
એક સમય એવો હતો જ્યારે આપણે ત્યાં કન્યાઓને ભણાવવી તે મર્યાદાનો ભંગ સમાન ગણાતું. સુધરેલાં ઘરની છોકરીઓને બહુ બહુ તો કન્યાશાળામાં પ્રાથમિક શિક્ષણ અપાવીને સંતોષ માની લેવો પડતો. છોકરીઓને ગ્રેજ્યુએટ કે પોસ્ટ-ગ્રેજ્યુએટ કરાવવાનો તો વિચાર પણ નહીં કરવાનો. સાદો તર્ક હતોઃ છોકરીઓએ પરણીને સાસરું સાચવવાનું હોય, એણે ક્યાં ભણીગણીને નોકરી કરવાની છે? આવા માહોલમાં છેક ૧૮૯૧માં, એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વિદ્યાગૌરી નીલકંઠ બી.એ. થયાં હતાં. ગુજરાતનાં એ સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટ. એમના વિશે વિગતવાર જાણવા જેવું છે.
આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને રમણભાઈ નીલકંઠ - આપણી ભાષાના આ ત્રણેય પ્રથમકક્ષ સાહિત્યકારો. માત્ર સાહિત્યકારો જ નહીં, બલકે સમાજસુધારકો પણ ખરા. આ ત્રણેય નાગર સાક્ષરો સાથે વિદ્યાગૌરીના પારિવારિક સંબંધો હતા. ધ્રુવ પરિવારનાં એ પુત્રી હતાં, દિવેટિયા પરિવારનાં ભાણેજ અને નીલકંઠ પરિવારનાં પુત્રવધૂ. ૧ જૂન, ૧૮૭૬ના રોજ અમદાવાદમાં જન્મેલાં વિદ્યાગૌરી (ચાર દિવસ પછી એમનાં જન્મનું ૧૪૦મું વર્ષ બેસશે)ના પિતા ગોપીલાલ મણિલાલ ધ્રુવ અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટના હોદ્દેદાર હતા. ખૂબ પ્રામાણિક માણસ. ધારત તો ગેરમાર્ગે પુષ્કળ ધન એકઠું કરી શક્યા હોત, પણ તેઓ તમામ પ્રલોભનોથી દૂર રહ્યા. તેઓ નિવૃત્ત થયા ત્યારે બ્રિટિશ સરકાર તરફથી તેમને 'ગૂડ સવિર્સ'નો ચંદ્રક આપવામાં આવ્યો હતો.
વિદ્યાગૌરીનાં માતા બાળાબહેન એટલે સમાજસુધારક અને ભક્તકવયિત્રી તરીકે જાણીતાં બનેલાં ભોળાનાથ સારાભાઈનાં પુત્રી. બાળાબહેન એ જમાનામાં ગુજરાતી છ ચોપડી અને અંગ્રેજી ત્રણ ચોપડી ભણ્યાં હતાં. ગોપીલાલ-બાળાબહેનને ત્રણ સંતાનો - વિદ્યાગૌરી, શારદા અને ગટુલાલ. શારદા ભાવનગરના પ્રસિદ્ધ દીવાન શામળદાસ મહેતાના પુત્ર ડો. સુમંત મહેતા, કે જે સયાજીરાવ ગાયકવાડ પરિવારના અંગત ડોક્ટર હતા, એમને પરણ્યાં હતાં. શારદાબહેનનો એક પુત્ર વૈંકુઠ મહેતા આગળ જતાં સહકારી અગ્રણી બન્યા અને બીજો દીકરો ગગનવિહારી મહેતાએ અર્થશાસ્ત્રી તરીકે નામ કાઢયું. વિદ્યાગૌરીના નાના ભાઈ ગટુલાલ ધ્રુવે પણ સમાજસુધારણાના ક્ષેત્રે સારું એવું કામ કરેલું.
વિદ્યાગૌરીના પિતાની વારંવાર બદલી થયા કરે. આથી વિદ્યાગૌરી અમદાવાદ મામાના ઘરે રહીને ભણ્યાં. એમના મામા એટલે મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયા. મોસાળનાં સંસ્મરણો વિશે વિદ્યાગૌરીએ પોતાનાં 'ફોરમ' નામનાં પુસ્તકમાં લખ્યું છે કે, "મારું બાળપણ મારા મોસાળમાં ઘણે ભાગે વીતેલું. માતામહ (એટલે કે નાના) ભોળાનાથ સારાભાઈની બે હવેલીઓ સાંકડી શેરીમાં લાખા પટેલની પોળમાં હતી. અમારે ત્યાં ત્રીસ ચાળીસ માણસો એક રસોડે જમતા અને દસ-બાર કે વધારે બાળકો એકઠાં થતાં. પડોશનાં બાળકો પણ ભેગાં થાય અને ચોકઠામાં સાતતાળી કે એવી રમતો રમતાં. અમારે ત્યાં ત્રણ ઘોડા, ત્રણ ગાડીઓ અને ત્રણ ગાડીવાન હતા, પરંતુ છોકરાને નિશાળે જવા, જેમ આજે જોઈએ છીએ તેમ ગાડીબાડી ન મળે. વરસાદ, તડકો બધી ઋતુમાં ચાલતાં નિશાળે જવાનું."
પ્રાથમિક શિક્ષણ રા.બ. મગનભાઈ કન્યાશાળામાં લીધું. પોતાની દીકરીઓને શાળાએ મોકલવામાં વાલીઓને સંકોચ ન થાય તે માટે એ જમાનામાં કેટલાક શિક્ષકો પોતાની પત્નીઓને સ્કૂલમાં પોતાની સાથે રાખતા. છ ધોરણ ભણ્યા પછી વિદ્યાગૌરીએ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ સંચાલિત વર્નાક્યુલર હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. વિદ્યાગૌરીનો પરિવાર સુધારાવાદી હતો છતાંય એ પાંચમા ધોરણમાં ભણતાં હતાં ત્યારે રમણભાઈ નીલકંઠ સાથે તેમનાં બાળલગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. વિદ્યાગૌરીએ લખ્યું છેઃ
"મારું પોતાનું લગ્ન તેર વર્ષની ઉંમરે થયું હતું અને મારાં (નાના) બહેનને પંદર વર્ષ સુધી કુંવારાં રાખ્યાં તેથી અમારા પર ફિટકાર વરસેલો. અમારા નાનપણમાં કપડાં કે કોઈ ચીજ ખરીદવા સ્ત્રીઓ બજારમાં ભાગ્યે જ જતી. ઘેર જે માલ આવે તે પુરુષો જ ખરીદી લાવે. આજે એમ કહીએ કે અમારાથી બજારોમાં જવાતું નહોતું તો કોઈ માને પણ નહીં."
Vidyagauri Nilkanth with her husband, Ramanbhai Nilkanth

વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠ એટલે અમર હાસ્ય-નવલકથા 'ભદ્રંભદ્ર'ના સર્જક. એમની 'રાઈનો પર્વત' કૃતિ પણ ખૂબ જાણીતી છે. રમણભાઈ નીલકંઠ બી.એ., એલ.એલ.બી. સુધી ભણ્યા હતા. વિદ્યાગૌરીના સસરા મહીપતરાય નીલકંઠ પ્રખર સુધારાવાદી. નાગરી નાતનો પ્રચંડ વિરોધ હોવા છતાં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. વિલાયત જનારા તેઓ પ્રથમ ગુજરાતી. તેમને નાતબહાર મૂકવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં એમની પડખે ઊભા રહેનારા મિત્રોમાં કવિ નર્મદ ઉપરાંત વિદ્યાગૌરીના નાના ભોળાનાથ સારાભાઈ પણ હતા. આમ, વિદ્યાગૌરી અને રમણભાઈ નીલકંઠના પારિવારિક સંબંધ વર્ષો જૂના. મહીપતરાય નીલકંઠને આજે પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગના પિતામહ તરીકે યાદ કરવામાં આવે છે.
સાસરું પણ સુધારાવાદી એટલે વિદ્યાગૌરીનો અભ્યાસ લગ્ન પછી પણ ચાલુ રહ્યો. સાહિત્યકાર પતિ ખુદ એમને ભણાવતા. મેટ્રિકની પરીક્ષા વખતે સતત ત્રણ મહિના સુધી પત્નીની સાથે રહીને મહેનત કરાવી. પરિણામે વિદ્યાગૌરી ખૂબ ઊંચી ટકાવારી સાથે પાસ થયાં. ગુજરાતીમાં ફક્ત એક માર્ક માટે તેમને હાઈએસ્ટ માર્ક્સ મળતા રહી ગયા. એમના પરીક્ષક હતા, 'સરસ્વતીચંદ્ર'ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી. મેટ્રિક પછી વિદ્યાગૌરીએ ગુજરાત કોલેજમાં એડમિશન લીધું. આગળનું ભણતર અઘરું એટલા માટે પુરવાર થવાનું હતું કે વિદ્યાગૌરીએ હવે પોતાનાં સંતાનોની જવાબદારી પણ ઉપાડવાની હતી. આવી સ્થિતિમાં એમની માતા બાળાબહેન વહારે ધાયાં. ખુદ સુશિક્ષિત હતાં એટલે દીકરીનો અભ્યાસ વ્યવસ્થિત ચાલતો રહે એમ તેઓ ઇચ્છતાં હતાં.
 "મારા અભ્યાસ માટે એટલું જ કહેવું બસ થશે કે તેમની (માતાની) સહાયતા વિના હું કોલેજમાં ભણી શકી ન હોત," વિદ્યાગૌરી પોતાનાં સંસ્મરણોમાં લખે છે, "પોતે માંદાં હોય તોપણ એક દિવસ પણ ઘેર ન રહેવા દે. મારાં બાળકોને રાખવાનું સંપૂર્ણ તેમને માથે જ હતું. ત્રણે બાળકો તેમને સોંપી કોલેજમાં હું જતી. બાળકોના મંદવાડામાં તેઓ પોતે જ કામ કરે."
વિદ્યાગૌરીએ કોલેજમાં તત્ત્વજ્ઞાાન અને તર્કશાસ્ત્ર વિષયો પસંદ કર્યાં. ૧૮૯૧માં તેઓ બી.એ. થયાં ને ઇતિહાસ સર્જાઈ ગયો. ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટ બનવાનો જશ તેમની કુંડળીમાં લખાયો હતો. તેમણે માત્ર જેમતેમ કરીને પરીક્ષા પાસ કરી નાખી હતી એમ નહીં, તત્ત્વજ્ઞાાન અને તર્કશાસ્ત્રમાં તેઓ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં હતાં. એટલું જ નહીં, જો બધા વિષયોના માર્ક્સનો સરવાળો કરવામાં આવે તો યુનિવર્સિટીમાં તેમનો ક્રમ બીજો થતો હતો. આનંદશંકર ધ્રુવ તેમના પ્રોફેસર હતા. તેમની પાછળ પાછળ નાની બહેન શારદા પણ બી.એ. થયાં. ગુજરાતના શિક્ષણજગતની આ અભૂતપૂર્વ ઘટના હતી.
વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા હતા. આધુનિક અમદાવાદનો પાયો નાખનારા મહત્ત્વના લોકોમાં એમની ગણના થાય છે. અમદાવાદની કેટલીય ચાવીરૂપ સંસ્થાઓની સ્થાપના પાછળ રમણભાઈનો હાથ છે. ગરીબ મુસ્લિમ મહિલાઓ માટે તાલીમશાળા શરૂ કરવામાં વિદ્યાગૌરી પણ સરખેસરખાં સક્રિય હતાં. ભલે બાળલગ્ન થયેલાં, પણ પતિ-પત્ની વચ્ચે હંમેશાં મધુર સંબંધ રહ્યા.
૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું પછી વિદ્યાગૌરીએ પોતાનું જીવન સમાજસેવા પાછળ ખર્ચી નાખ્યું. ૧૯૩૪માં સુરતમાં હરિજન સેવક સંઘની શાખા ખોલવાની હતી. આ કામગીરી માટે ઠક્કરબાપાએ વિદ્યાગૌરીને સુરત મોકલ્યાં હતાં. એમની પાસે સામાનમાં ફક્ત એક નાનકડી થેલી હતી. બીજાં બેગબિસ્તરાં જેવું કશું નહીં. આખી જિંદગી સાહ્યબીમાં રહેનારાં અને ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક બનેલાં વિદ્યાગૌરી આટલાં બધાં સાદાં હશે એવી સુરતના કાર્યકર્તાઓને કલ્પના સુધ્ધાં નહોતી.
વિદ્યાગૌરીએ 'ગૃહદીપિકા', 'નારીકૂંજ' અને 'જ્ઞાાનસુધા' જેવા લેખસંગ્રહો લખ્યા છે. 'ફોરમ'માં પોતાનાં સ્નેહી-સ્વજનોનાં સ્મૃતિચિત્રો આલેખ્યાં છે. વડોદરાનાં મહારાણીએ લખેલાં 'પોઝિશન ઓફ વિમેન ઇન ઇન્ડિયા' પુસ્તકનો તેમણે 'હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન' નામે અનુવાદ કર્યો છે. આ સિવાય પણ એમનાં કેટલાંક પુસ્તકો છે. ૧૯૪૩માં તેમની ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. કોઈ મહિલા પ્રમુખપદે નિમાઈ હોય એવું ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું હતું. મહિલા કેળવણીના ક્ષેત્રે તેમણે ખૂબ બધું કામ કર્યું. બ્રિટિશ સરકારે તમને એમ.બી.ઈ. (મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) અને 'કૈસર-એ-હિન્દ'ના ઇલકાબ આપ્યા હતા, પણ ૧૯૩૦માં વિરમગામમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આ બન્ને બહુમાન તેમણે સરકારને પરત કરી દીધાં હતાં.
વિદ્યાગૌરીનાં પુત્રી વિનોદિની નીલકંઠ પણ આગળ જતાં જાણીતાં લેખિકા બન્યાં હતાં. એમના સહિત આ લેખમાં ઉલ્લેખ પામેલા મોટા ભાગના લેખકોની કૃતિઓ આપણે સ્કૂલમાં ગુજરાતીના પાઠયપુસ્તકોમાં ભણી ચૂક્યા છીએ. ૭ ડિસેમ્બર, ૧૯૫૮ના રોજ ૮૨ વર્ષની વયે વિદ્યાગૌરી નીલકંઠનું અવસાન થયું.
ઉત્તમ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું એક વાત છે અને આ બેકગ્રાઉન્ડનો યોગ્ય ઉપયોગ થવો તે જુદી વાત છે. વિદ્યાગૌરી નીલકંઠે પિયર અને સાસરું બન્નેનાં નામ ઉજાળ્યાં.
0 0 o 

Saturday, May 23, 2015

મલ્ટિપ્લેક્સ : આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શું શું થયું?

Multiplex - Sanskaar Purti - 24 May 2015
મલ્ટિપ્લેક્સ 
આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વૂડી એલનની 'ઈરરેશનલ મેન' અને નેટલી પોર્ટમેનની 'અ ટેલ ઓફ ડાર્કનેસ' જેવી કેટલીય ઈન્ટરેસ્ટિંગ ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. આગામી ઓસ્કર સિઝન સુધી આ ફિલ્મો દુનિયાભરમાં ગાજતી રહેવાની.


તો, ફ્રાન્સના એક રળિયામણા દરિયાઈ સ્થળે પૂરજોશમાં ચાલી રહેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ આજે અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો છે. સિનેમાના ક્ષેત્રમાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો (સાચો ઉચ્ચાર કાન છે,કાન્સ કે કેન્સ નહીં) ખૂબ આદરપૂર્વક લેવાય છે. આ ફેસ્ટિવલના કોઈ પણ સ્તરે હિસ્સો બનવું, અહીં ફિલ્મ રજૂ થવી અને જાતજાતના એવોર્ડ જીતવા એ મોટા ગર્વની વાત ગણાય છે. અહીં પ્રદર્શિત થયેલી નવીનક્કોર ફિલ્મોમાંની કેટલીય હવે આગામી ઓસ્કર સીઝન સુધી દુનિયાભરમાં ગાજ્યા કરવાની.
વૂડી એલનની લેટેસ્ટ ફિલ્મ 'ઇરરેશનલ મેન' જોવા પડાપડી થઈ ગઈ હતી. નેચરલી. સ્ત્રી-પુરુષોના નાજુક સંબંધોને આડા-ઊભા-ત્રાંસા-ઊલટા દૃષ્ટિકોણથી પેશ કરતી વૂડીની ફિલ્મો જોવાની મજા જ કંઈક ઔર હોય છે. છેલ્લે વૂડીની મસ્તમજાની 'બ્લૂ જાસ્મિન' માટે કેટ બ્લેન્શેટને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. જોકે, તે પછીની 'ટુ રોમ વિથ લવ' અને 'ફેડિંગ જિગોલો' ખાસ સફળ નહોતી થઈ.
'Irrational man'

'ઇરરેશનલ મેન'માં શું છે? આમાં જોકિવન ફિનિક્સ ફિલોસોફીનો પ્રોફેસર બન્યો છે. એક નાનકડા નગરની કોલેજમાં એની નિમણૂક થઈ છે. પ્રોફેસર હજુ કેમ્પસમાં પગ મૂકે તે પહેલાં જ એના વિશેની સાચી-ખોટી વાતો આખી કોલેજમાં ફેલાઈ ગઈ છે. એ દારૂડિયો છે, જુવાન સ્ટુડન્ટ્સ સાથે લફરાં કરતો ફરે છે, એની પત્ની પરપુરુષ સાથે ભાગી ગઈ છે, અફઘાનિસ્તાનમાં એની આંખ સામે એક દોસ્તના ફૂરચા ઊડી ગયા હતા ત્યારથી પ્રોફેસરનું થોડું ચસકી ગયું છે વગેરે. પ્રોફેસરની જે ઇમેજ પડી ગઈ છે તે સાવ ખોટીય નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, પ્રેમ શું છે જેવા ભારેખમ 'અસ્તિત્વવાદી સવાલો' એને મૂંઝવી રહ્યા છે. એ કોઈકનું મર્ડર કરી નાખે છે અથવા તો મર્ડર કરવાના ખાલી વિચારો કરે છે. તે સાથે જ એની આંતરિક રૃંધામણ ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે. એની સુષુપ્ત થઈ ગયેલી સેક્સ્યુઅલ અને ક્રિએટિવ શક્તિઓ ફૂંફાડા મારતી જાગી ઊઠે છે! વૂડી એલને આ ફિલ્મ બનાવી છે એટલે એમણે આ બધું મલાવી-મલાવીને પેશ કર્યું હશે એ તો નક્કી.
આ વખતે કાન ફેસ્ટિવલમાં કદાચ સૌથી વધારે ઉત્સુકતા નેટલી પોર્ટમેને જગાડી હતી. આપણે નેટલીની ઓસ્કરવિનિંગ એક્ટિંગ 'બ્લેક સ્વાન' જેવી અદ્ભુત સાઇકોલોજિકલ થ્રિલરમાં જોઈ છે. નેટલીએ હવે પાંખો ફેલાવી છે. એણે 'અ ટેલ ઓફ લવ એન્ડ ડાર્કનેસ' બનાવીને ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ એણે લખી છે અને એક્ટિંગ પણ કરી છે. અમોસ ઓઝ નામના એક ઇઝરાયેલી લેખક-પત્રકારે 'અ ટેલ ઓફ લવ એન્ડ ડાર્કનેસ' નામના આત્મકથનાત્મક પુસ્તકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના ઘર્ષણની વાતો લખી છે. ૨૮ ભાષાઓમાં અનુદિત થયેલા આ પુસ્તક પરથી નેટલીએ ફિલ્મ બનાવી છે, જેનું પ્રીમિયર કાન ફેસ્ટિવલમાં યોજાયું. અમોસ ઓઝે પુસ્તકમાં પોતાની દુખિયારી મા વિશે ઘણું લખ્યું છે. ૩૮ વર્ષની ઉંમરે એનું મોત થઈ ગયું હતું. આ રોલ નેટલીએ ખુદ કર્યો છે. પુસ્તકના લેખકની માફક નેટલી પણ મૂળ ઇઝરાયેલની છે. એણે આ આખી ફિલ્મ હિબ્રુ ભાષામાં બનાવી છે.
'A Tale of Darkness and Love'

'ધ લોબ્સ્ટર' એક સાયન્સ ફિક્શન-કમ-કોમેડી છે (ડિરેક્ટરઃ યોર્ગોસ લેન્થીમોસ, એક્ટર કોલિન ફર્થ). જબરી થીમ છે આ ફિલ્મની. અહીં એક એવા સમાજની કલ્પના કરવામાં આવી છે જ્યાં એકલાં થઈ ગયેલાં સ્ત્રી-પુરુષોને એક ચોક્કસ જગ્યાએ મોકલી આપવામાં આવે છે. શરત એટલી કે ૪૫ દિવસમાં કોઈ પાર્ટનર શોધી લેવાનો. ધારો કે પાર્ટનર ન મળે તો માણસ જનાવર બની જાય અને પછી એને જંગલમાં મોકલી દેવામાં આવે!
'The Sea of Trees'

ડિરેક્ટર વર્લ્ડ ફેમસ હોય અને એનો એક્ટર ઓસ્કર જીતીને બેઠો હોય તોય એનો અર્થ એવો નહીં કે ભેગા થઈને તેઓ હાઇક્લાસ ફિલ્મ જ બનાવે. આ વખતે 'ધ સી ઓફ ટ્રીઝ'ના કેસમાં એવું જ બન્યું. ગસ વેન સેન્ટ એના ડિરેક્ટ છે અને 'ડલાસ બાયર્સ ક્લબ' તેમજ 'ઇન્ટરસ્ટેલર' ફેમ Matthew Mcconaughey એનો હીરો છે. ફિલ્મની કહાણી એવી છે કે જીવનથી ત્રાસી ગયેલો એક અમેરિકન આદમી આત્મહત્યા કરવા માગે છે. આથી એ 'સ્યુસાઇડ ફોરેસ્ટ' તરીકે જાણીતા જાપાનના જંગલમાં જાય છે. આ એવું ખતરનાક જંગલ છે કે એમાં એક વાર પગ મૂકનાર માણસ જીવતો પાછો આવી જ ન શકે. બન્યું એવું કે હીરોને જંગલમાં એક સ્થાનિક માણસ (કેન વેટેનેેબે) મળી જાય છે. એય અહીં જીવ ટૂંકાવવા જ આવ્યો છે, પણ એની હાલત એટલી બધી ખરાબ છે કે હીરો બધું ભૂલીને એની સારવાર કરવા લાગે છે. એકમેકના સંગાથમાં બન્નેને જીવન વિશેનું નવું બ્રહ્મજ્ઞાાન લાધે છે, નવી દૃષ્ટિ ખૂલે છે. હવે બેયને જંગલમાંથી જીવતા પાછા નીકળવું છે, કોઈ પણ હિસાબે.
ફિલ્મનો વિષય ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. લોકોને અપેક્ષાય ખૂબ હતી, પણ ફિલ્મ એટલી બધી બોરિંગ નીકળી કે એના બન્ને સ્ક્રીનિંગ વખતે ઓડિયન્સે હુરિયો બોલાવ્યો!

'Massan'

આ વખતે કાન ફેસ્ટિવલમાં ભારતની બે ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. એક છે, 'મસાન'. અંગ્રેજી ટાઇટલ છે, 'ફ્લાય અવે સોલો'. નીરજ ઘાયવાન એના ડિરેક્ટર છે. જો અનુરાગ કશ્યપે પ્રોડયુસ કરેલી 'શોર્ટ્સ' જોઈ હશે (એમાં પાંચ શોર્ટ ફિલ્મોનું ઝૂમખું હતું), તો શક્ય છે કે 'શોર' નામની ટચુકડી ફિલ્મ તમને કદાચ હજુ યાદ હોય. 'શોર' નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી. આ સિવાય એણે 'ધ એપિફેની' નામની શોર્ટ ફિલ્મ બનાવી છે, જે ઓનલાઇન રિલીઝ કરવામાં આવી હતી. અનુરાગ કશ્યપની 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'અગ્લી'માં નીરજે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 'મસાન' મૂળ તો શોર્ટ ફિલ્મ જ હતી, પણ અનુરાગ કશ્યપને એમાં રસ પડયો એટલે એણે, એઝ અ પ્રોડયુસર નીરજ પાસે એના પરથી ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવડાવી.
'મસાન' (ગુજરાતીમાં કહીએ તો, મસાણ) બનારસમાં આકાર લે છે, જેમાં ચાર મુખ્ય પાત્રો છે.બનારસના સ્મશાનમાં એક દલિત તરુણ કામ કરે છે. એને એક સવર્ણ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. છોકરીના પિતાની ભૂમિકા સંજય મિશ્રાએ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં એક નાનકડો અનાથ છોકરો છે અને રિચા ચઢ્ઢા પણ છે, જે કશાક છીનાળામાં ફસાઈ ગઈ છે. આ ચારેય કિરદારો એકમેકના સંપર્ક આવે છે અને કહાણી ધીમે ધીમે આગળ વધે છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી બીજી ભારતીય ફિલ્મ છે, 'ધ ફોર્થ ડિરેક્શન'. વર્યમ સિંહ સંધુ નામના લેખકે લખેલી બે ટૂંકી વાર્તાઓ 'ચૌથી કૂટ' અને 'આઈ એમ ફીલિંગ ફાઇન નાઉ' પરથી ગુરવિન્દર સિંહ નામના ડિરેક્ટરે આ પંજાબી ફિલ્મ બનાવી છે. એક કંવલજિતને બાદ કરતાં એમાં એકેય કલાકાર જાણીતો નથી. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તે પછીના તનાવયુક્ત પંજાબમાં ફિલ્મ આકાર લે છે. બને છે એવું કે બે હિન્દુ દોસ્તો અમૃતસર જતી ટ્રેન ચૂકી જાય છે. એ શીખ માણસની પણ એ જ હાલત થઈ છે. ત્રણેય બીજી એક ખાલી ટ્રેનમાં ચડી જાય છે. અહીં તેઓ એકલા નથી. ગાર્ડે બીજા બે શીખ યુવાનોને પણ ડબામાં ચડાવી દીધા છે. હિન્દુ અને શીખો વચ્ચે ઓલરેડી કોમી તણાવ ફેલાયેલો છે એવા માહોલમાં આ પાંચ અજાણ્યા પુરુષો એકમેકને શંકાની નજરે જોયા કરે છે. ફિલ્મ આગળ વધતી જાય છે તેમ તેમ બીજા ફણગા ફૂટતા જાય છે.
મૂળ ભારતીય, પણ મન-વચન-કર્મથી પૂરેપૂરા બ્રિટિશ એવા આસિફ કાપડિયાની 'એમી' નામની ડોક્યુમેન્ટરી પણ આ વખતે કાન ફેસ્ટિવલમાં રજૂ થઈ. ઘણા સમીક્ષકોના મતે આસિફ કાપડિયા દુનિયાના શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરોમાંના એક છે. આસિફે કેટલીક અઘરી-અઘરી અને એવોર્ડવિનિંગ ફીચર ફિલ્મો બનાવી છે. એમની પહેલી ફીચર ફિલ્મ 'ધ વોરિયર'માં ઇરફાનની મુખ્ય ભૂમિકા હતી. ૨૦૦૧માં આ ફિલ્મ આવેલી ત્યારે ઇરફાનની એક તગડા અદાકાર તરીકે ઓળખ ઊભી થવાની હજુ બાકી હતી. મુંબઈના એનસીપીએમાં સ્ક્રીનિંગ પછી આસિફ કાપડિયાને મળવાનું બન્યું હતું. "પણ 'ધ વોરિયર' રેગ્યુલર ફિલ્મ જ છે," આસિફે તે વખતે કહેલું, "તમે એને ઓફબીટ કે આર્ટ ફિલ્મ શા માટે ગણો છો?"
'Amy'

'એમી' ડોક્યુમેન્ટરીમાં આસિફે વિવાદાસ્પદ સિંગર-સોંગ રાઇટર એમી વાઇનહાઉસના જૂના વીડિયો અને ફૂટેજના આધારે એનું જીવન કેપ્ચર કરવાની કોશિશ કરી છે. ૨૭ વર્ષની કાચી ઉંમરે આ ટેલેન્ટેડ આર્ટિસ્ટનું આલ્કોહોલ પોઇઝનિંગને કારણે અપમૃત્યુ થયું હતું. એમીના પિતા મિચ વાઇનહાઉસે આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં હકીકતોને તોડીમરોડીને પેશ કરવામાં આવી છે. ઓડિયન્સે અને સમીક્ષકોએ જોકે 'એમી'ને ખૂબ વખાણી છે.
કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ અને ક્લોઝિંગ ફિલ્મનંુ વિશેષ મહત્ત્વ હોય છે. તેરમી મેએ કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ 'સ્ટેન્ડિંગ ટોલ' નામની ફ્રેન્ચ ફિલ્મથી થયો હતો. આમાં જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમની વાત છે. એક યુવતીએ પોતાના માસૂમ દીકરાને તરછોડી દીધો છે, જે પછી કોર્ટના આદેશના આધારે જુદા જુદા જુવેનાઇલ હોમમાં મોટો થતો જાય છે. એના ઉછેરમાં સામાજિક કાર્યકરો પણ ભાગ ભજવે છે. આજે ફેસ્ટિવલના અંતિમ દિવસે ક્લોઝિંગ ફિલ્મ તરીકે 'આઇસ એન્ડ ધ સ્કાય' નામની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ થવાનું છે, જેમાં ગ્લોબલ ર્વોિંમગ વિશે ચિંતા થઈ છે. ૨૦૦૫માં ઓસ્કરવિનિંગ 'માર્ચ ઓફ ધ પેંગવિન્સ' નામની ડોક્યુમેન્ટરી બનાવનાર લુક જેકવેટે 'આઇસ એન્ડ ધ સ્કાય' બનાવી છે.
આ અને આના સિવાય પણ અફકોર્સ, બીજી કેટલીય મજાની ફિલ્મો આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડાઈ, જે આપણાં નજદીકી સિનેમાઘરોમાં યા તો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રાટકે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.
શો-સ્ટોપર
એક તબક્કે હું પ્રેમથી એટલો બધો નિર્ભાન્ત થઈ ગયો હતો કે મારાથી કૂતરાં પણ સહન થતાં નહોતાં. મને થતું કે આપણે ખાવાનું આપીએ માત્ર એટલા સારું જ આ સ્વાર્થી કૂતરાં પૂંછડી પટપટાવીને પ્રેમનું નાટક કરે છે.
-   ઇરફાન

Wednesday, May 20, 2015

મલ્ટિપ્લેક્સ : અનુરાગ કશ્યપનું ક્વોટ માર્શલ

Sandesh - Sanskaar Purti - 20 May 2015
મલ્ટિપ્લેક્સ 
"સરસ જિંદગી, સરસ વાઇન, સિંગલ મોલ્ટ, ટ્રાવેલિંગ, મૂવિઝ-મૂવિઝ-મૂવિઝ અને આઝાદી... આના કરતાં વધારે મહત્ત્વનું મારા માટે બીજું કશું નથી."


તો, પુષ્કળ રાહ જોવડાવ્યા પછી અનુરાગ કશ્યપની 'બોમ્બે વેલ્વેટ'આ શુક્રવારે રિલીઝ થઈ ખરી. અનુરાગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક પાવરફુલ નામ છે. બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડયા વિના આજે માત્ર અનુરાગના વિચારો અને અભિપ્રાયોનો ક્લોઝ-અપ લેવો છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અનુરાગે આપેલી મુલાકાતોમાંથી આ અવતરણો લીધાં છે, જેમાંથી અનુરાગનું વ્યક્તિત્વ અને સિનેમા પ્રત્યેનું એનું પેશન આબાદ ઊપસે છે. સાંભળોઃ
 •  રામ ગોપાલ વર્મા નવા લેખકની શોધમાં હતા. હું એ વખતે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. મનોજ વાજપેયીએ મારી ઓળખાણ રામુ સાથે કરાવી. 'સત્યા' આ રીતે લખાઈ. સિનેમા વિશે હું જે કંઈ જાણું છું એ બધું જ હું 'સત્યા'ના અનુભવમાંથી શીખ્યો છું. 'સત્યા'ના મેકિંગ વખતે મેં જે કંઈ પાઠ શીખેલા તે હું આજની તારીખેય યાદ કરું છું. મેં જોકે પછી રામુની ફિલ્મો જોવાનું બંધ કર્યું હતું. હું ફક્ત એના પ્રોમો જોઉં છું અને મને જે લાગે એ રામુને કહું છું. આખેઆખી ફિલ્મ જોઈને મારો અભિપ્રાય આપું તો તે કદાચ રામુને ન પણ ગમે એવો મને ડર છે. આઈ સ્ટિલ કેર ફોર હિમ.

 •  સ્ટાર વગરની, મોટા પ્રોડયુસરોના સપોર્ટ વગરની અને નાના બજેટમાં બની જતી ફિલ્મોનો જે જુવાળ આવ્યો છે, એનો લોકો મને પોેસ્ટર બોય ગણે છે. હું કંઈ સામેથી આ બિરુદ માગવા ગયો નહોતો, કારણ કે આજે તમે જેને પોસ્ટર બોય કહો છો એ કાલે તમારા માટે ડાર્ટ બોર્ડ બની જશે અને પછી તમે એના પર તીર ચલાવીને વીંધી નાખશો.

 •  આપણા દેશમાં તંદુરસ્ત ચર્ચા થતી જ નથી. માત્ર આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો જ થાય છે. આપણે ફ્રસ્ટ્રેટેડ લોકો છીએ. ધિસ કન્ટ્રી નીડ્સ ગૂડ સેક્સ!

 •  જનતા તમને નવા પ્રયોગો નહીં કરવા દે. 'દેવ.ડી' ફિલ્મ ગમી તો તેઓ 'દેવ.ડી'ની સિક્વલની માગણી કરશે. 'ગેંગ્સ ઓફ વાસેપુર' ગમી ગઈ તો 'ગેંગ્સ ઓફ વાસેપુર' પાર્ટ-થ્રીની ડિમાન્ડ કરશે. તમારા ચાહકો જ તમારા સૌથી ખરાબ દુશ્મન પુરવાર થાય છે. આથી જ હું મારા ચાહકોથી દૂર રહું છું. હું હંમેશાં એમને કહું છું કે મને મારું સપનું જીવવામાં રસ છે, તમારી ઇચ્છા પૂરી કરવામાં નહીં.

 •  રશિયન લેખક દોસ્તોયેવસ્કી અને જાપાની લેખક હારુકી મુરાકામીનાં પુસ્તકોમાંથી આપણા ફિલ્મમેકરોએ ખૂબ ચોરી કરી છે. જુદાં જુદાં સ્થળોની જાણકારી મેં પુસ્તકો વાંચીને ખૂબ મેળવી છે. આઈ લવ ટ્રાવેલિંગ. મારી મોટા ભાગની સ્ક્રિપ્ટ્સ મેં ટ્રાવેલિંગ દરમિયાન લખી છે. 'દેવ.ડી'નાં કેટલાંય પાનાં મેં પ્લેનમાં લખ્યાં હતાં. 'ગેંગ્સ ઓફ વાસેપુર'ની સ્ક્રિપ્ટ મેં ટ્રાન્સવેસ્ટાઇટ્સ (સ્ત્રીનો વેશ કાઢતા પુરુષો)થી છલકાતી માડ્રિડની એક હોટલમાં લખી હતી.

 •  મારી ત્રણ-ત્રણ ફિલ્મો - 'પાંચ', 'બ્લેક ફ્રાઇડે' અને 'ગુલાલ' તૈયાર થઈને રિલીઝ થયા વગર અટકી પડી હતી. મારા ક્રોધ અને ફ્રસ્ટ્રેશનનો પાર નહોતો. હું દારૂના રવાડે ચડી ગયો. એને લીધે જ મારી પહેલી પત્ની આરતી બજાજ સાથે ૨૦૦૯માં મારા ડિવોર્સ થઈ ગયા. એ નહોતી ઇચ્છતી કે અમારી દીકરી શરાબી બાપની હાજરીમાં મોટી થાય. ડિવોર્સ પછી હું અમેરિકા ગયો. જાઝ મ્યુઝિકનો પહેલો પરિચય મને આ વખતે થયો. હું એક જાઝ સિંગરના પ્રેમમાં પડીને એની પાછળ-પાછળ ફર્યા કરતો. આખરે અમારી દોસ્તી થઈ. એણે મને જાઝની દુનિયા દેખાડી. જાઝનો ગ્લેમરસ માહોલ મારે ભારતના બેકગ્રાઉન્ડમાં દેખાડવો હતો. 'બોમ્બે વેલ્વેટ'નો જન્મ આ રીતે થયો.


 •  લોકો મને પૂછતા હોય છે કે તારી ફિલ્મો સ્ક્રીન પર આટલી મોટી અને મોંઘી શી રીતે લાગે છે. આનો જવાબ એ છે કે હું રિઅલ લોકેશન પર શૂટ કરું છું. આને લીધે સેટ ઊભો કરવાનો ખર્ચ બચી જાય છે. વળી, ફિલ્મમાં મોટા સ્ટાર ન હોવાથી મીડિયાને શૂટિંગ કવર કરવામાં રસ હોતો નથી. કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોય એટલે ૩૨૦ પાનાંની સ્ક્રિપ્ટ અમે સો દિવસમાં શૂટ કરી નાખીએ છીએ. ફિલ્મમાં કોઈ મેઇનસ્ટ્રીમ હીરો લીધો હોય તો આ શક્ય નથી. મારું મોટા ભાગનું બજેટ ફિલ્મ પર ખર્ચવાને બદલે સ્ટાર લોકોની સરભરા કરવામાં જ ખર્ચાઈ જાય. મને તો આ વિચારથી જ કંપારી છૂટી જાય છે. (આ ૨૦૧૧નું ક્વોટ છે. અનુરાગે, ફોર અ ચેઇન્જ, 'બોમ્બે વેલ્વેટ'માં તોતિંગ બજેટ રાખ્યું અને મેઇનસ્ટ્રીમ સ્ટાર્સ સાથે આનંદપૂર્વક કામ કર્યું.)
 •  ડેની બોયલ ('સ્લમડોગ મિલિયોનેર'ના ડિરેક્ટર) 'બોમ્બે વેલ્વેટ'ના ત્રણ ભાગમાંથી કમ સે કમ એક ભાગ ડિરેક્ટ કરવા માગતા હતા. આવું એમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું. મેં એમને કહ્યું, સર, મને એક ભાગ તો ડિરેક્ટ કરવા દો. સિક્વલના બાકીના બે પાર્ટ્સ તમે ડિરેક્ટ કરી લેજો! ડેની બોયલ કક્ષાનો ફિલ્મમેકર જ્યારે આવી વાત કરે ત્યારે કોન્ફિડન્સ વધે છે. આપણને થાય કે આપણે જે કરી રહ્યા છીએ તે બરાબર કરી રહ્યા છીએ.

 •  મારી મોટામાં મોટી ડિસ્કવરી કોઈ હોય તો એ કરણ જોહર છે. ગજબનો રમૂજી માણસ છે એ. કરણ તમારી ખિલ્લી તમારી સામે જ ઉડાવે તોપણ તમને ગુસ્સો ન આવે. બોલિવૂડના સૌથી ઇન્ટેલિજન્ટ માણસોમાંનો એ એક છે. ઝીણામાં ઝીણી બાબત પર એની નજર હોય છે. એની સેન્સ ઓફ હ્યુમરમાં કમાલની ઓરિજિનાલિટી હોય છે, પણ કોણ જાણે કેમ ફિલ્મ બનાવતી વખતે એ કોઈક જુદો માણસ બની જાય છે. એનામાં જે સોલિડ રમૂજવૃત્તિ છે તે એની ફિલ્મોમાંથી ગાયબ હોય છે. કોઈ બિઝનેસમેન સોદા કરતો હોય તે રીતે એ ફિલ્મ બનાવે છે. હું ઇચ્છું છું કે કરણ એકાદ મસ્તમજાની તીખી, વ્યંગાત્મક સોશિયલ કોમેડી બનાવે.

 •  લોકો કહે છે કે તમે કોઈને પ્રેમ કર્યો હોય તો તરત એ વ્યક્તિની અસરમાંથી બહાર આવી શકતા નથી, કેમ કે પ્રેમ હંમેશાં ધીમે ધીમે ઓછો થાય છે... બટ ટ્રસ્ટ મી, પ્રેમ ચપટી વગાડતાં, આંખના પલકારામાં સ્વિચ ઓફ્ફ થઈ જાય તે શક્ય છે. 'દેવ.ડી'માં દેવદાસને અચાનક જ ભાન થાય છે કે પારો માટે એના દિલમાં હવે પ્રેમ રહ્યો નથી. આવી પળો આવતી હોય છે જીવનમાં.

 •  તમે જ્યારે અંદરથી ખાલી હો છો ત્યારે તે ખાલીપો ભરવા દારૂ જેવી બહારની ચીજોનો સહારો લેવો પડે છે. કલ્કિ કોચલિન (એક્ટ્રેસ) મળી પછી હું વધુ પડતા દારૂમાંથી બહાર આવી ગયો. આ પ્રેમની અસર હતી.


 •  હું કલ્કિના પ્રેમમાં શા માટે પડયો એ તો સમજાય એવું છે, પણ એ મારા પ્રેમમાં શું કામ પડી તે એક કોયડો છે. મારો દેખાવ દક્ષિણના જાડિયા હીરો જેવો છે અને એને કદાચ મૂછાળા સાઉથ ઇન્ડિયન હીરો બહુ ગમતા હશે. મને જોઈને એને થયું હશે કે આહા! ચાલો, મારી એક ફેન્ટસી તો અહીં પૂરી થઈ શકે તેમ છે! (કલ્કિ સાથે અનુરાગનો લગ્નસંબંધ બે વર્ષ ટક્યો. ૨૦૧૩માં એમના ડિવોર્સ થયા.)

 •  આપણે હોલિવૂડની નકલ કર્યા કરીએ છીએ, પણ ત્યાંનું વર્ક કલ્ચર અપનાવી શકતા નથી. ત્યાં મોટામાં મોટા સ્ટાર પણ ઓડિશન આપે છે અને સ્ક્રિપ્ટ રીડિંગમાં ભાગ લે છે. આપણે ત્યાં આવો રિવાજ જ નથી. એ લોકોની પૂર્વતૈયારી અને આયોજન એટલાં પાક્કાં હોય છે કે 'ટાઇટેનિક' જેવી ભવ્ય ફિલ્મ આપણી 'ગુઝારિશ' કરતાં ઓછા દિવસમાં શૂટ કરી નાખે છે.

 •  ચૈતન્ય ત્હામ્ણે (કોર્ટ), કનુ બહલ (તિતલી), અવિનાશ અરુણ (કિલ્લા) જેવી સ્મોલ બજેટ ફિલ્મો બનાવતા આ બધા યુવાન ફિલ્મમેકર્સની મને જબરી ઈર્ષ્યા થાય છે. મને થાય કે આ લોકો કેવી રીતે આટલી સરસ ફિલ્મો બનાવી શકતા હશે. મને દિવાકર બેનર્જીની પણ અદેખાઈ થાય છે. એક્ચ્યુઅલી, મને તમામ સારા ફિલ્મમેકરોની ઈર્ષ્યા થાય છે. આ ઈર્ષ્યા જ મને સતર્ક અને સક્રિય રાખે છે. જે લોકોનું કામ મને પસંદ પડે છે એ સૌને હું મારા દોસ્ત બનાવી દઉં છું, એ આશાએ કે એમની થોડી ટેલેન્ટ મારામાં પણ ઊતરશે.

 •  જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. પરિસ્થિતિઓને તમે જે રીતે જોવા માગતા હો એ રીતે જોઈ શકો છો. જો તમે ખરેખર સંજોગોને સુધારવા માગતા હશો તો જરૂર સુધરશે. પોતાની જાત પર ભરોસો હોવો જરૂરી છે, કેમ કે જો તમને જ તમારા પર ભરોસો નહીં હોય તો બીજાઓને તમારા પર ભરોસો કેવી રીતે બેસવાનો? અને જવાબદારી લેતા શીખવું. લાઇફમાંથી હું આટલું શીખ્યો છું.

 •  સરસ જિંદગી, સરસ વાઇન, સિંગલ મોલ્ટ, ટ્રાવેલિંગ, મૂવિઝ-મૂવિઝ-મૂવિઝ અને આઝાદી... આના કરતાં વધારે મહત્ત્વનું મારા માટે બીજું કશું નથી!

શો-સ્ટોપર

અનુરાગ કશ્યપ જિનિયસ માણસ છે. સાહિર લુધિયાનવી, આર.ડી. બર્મન અને કિશોર કુમારની માફક અનુરાગમાં પેલું 'સમથિંગ એક્સ્ટ્રા' - કશુંક વિશિષ્ટ તત્ત્વ છે. ઇન્ડસ્ટ્રીમાં એક અનુરાગ કશ્યપ હોવો જરૂરી છે... પણ એક જ, હં. એકથી વધારે નહીં.
-          પીયૂષ મિશ્રા (એક્ટર)

મલ્ટિપ્લેક્સ : રિઆલિટી ફિલ્મની અસલિયત

Sandesh - Sanskaar purti - 10 May 2015
મલ્ટિપ્લેક્સ 
જૂઠના પાયા પર ઊભેલી 'સબકી બજેગી બેન્ડ' નામની રેઢિયાળ ફિલ્મનું બોક્સઓફિસ પર જે થવાનું હતું તે થયું, પણ આ આખી સ્ટંટબાજીમાં એક સારું કામ એ થયું છે કે તેને લીધે 'રિયાલિટી ફિલ્મ' નામની જોનર એટલે કે પ્રકાર પર આપણું ધ્યાન કદાચ પહેલી વાર ખેંચાયું.
'Chelsea Girls'

ચ્ચે એક એવી ખબર આવી હતી કે તે સાંભળીને સમાજનો એક વર્ગ કાંપી ઊઠયો હતો. વાત મુંબઈના એક પોપ્યુલર રેડિયો જોકીની છે. આર.જે. અનિરુદ્ધ એનું નામ. એને રેડિયોનો ઇમરાન હાશ્મિ કહેવામાં આવે છે, કેમ કે એને વાતવાતમાં મ્વાહ... મ્વાહ કરીને ચુંબનના બચકારા બોલાવવાની આદત છે. એણે વચ્ચે શહેરની બહાર ફાર્મહાઉસમાં એક પાર્ટી ગોઠવી હતી. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઠીક ઠીક જાણીતા તેમજ અજાણ્યા લોકો ઉપરાંત પેજ-થ્રી સેલિબ્રિટી તરીકે ઓળખતી પ્રજાના કેટલાંક ગ્લેમરસ ચહેરા આ પાર્ટીમાં આવ્યા હતા.
આખી રાત મહેફિલ ચાલી. શરાબની નદીઓ વહી. નશામાં છાકટા થયા પછી સામાન્યપણે જે થતું હોય છે તે બધું જ આ પાર્ટીમાં થયું. લોકોની જીભ ખૂલવા માંડી. ગ્લેમર ઇન્ડસ્ટ્રીનાં રહસ્યો એક પછી એક ખૂલવા માંડયાં. કોને કોની સાથે કઈ જાતના સંબંધ છે, આગળ વધવા માટે કોણે કેવા કેવા કોમ્પ્રોમાઇઝ કર્યાં, કાસ્ટિંગ કાઉચનું કમઠાણ અને એવું બધું. મજાની વાત એ છે કે પાર્ટીમાં હાજર રહેલા કોઈને અંદેશો સુધ્ધાં નહોતો કે આખા ફાર્મહાઉસમાં છૂપા કેમેરા ફિટ કરવામાં આવેલા છે, જે તેમની એકેએક ગતિવિધિ, એકેએક વાતને રેકોર્ડ કરી રહ્યા છે!
પાર્ટી પૂરી થતાં સૌ પોતપોતાને ઘરે રવાના થયા. આરજે અનિરુદ્ધે પછી કેમેરાનું ફૂટેજ જોયું. દારૂગોળા જેવું સ્ફોટક મટીરિયલ હતું એમાં. દારૂના નશા હેઠળ એકમેકના ભરોસે કહેવાયેલી આ બધી વાતો જો બહાર પડે તો હંગામો થયા વગર ન રહે. અનિરુદ્ધે એવું જ કર્યું. એણે જાહેર કર્યું કે મારી પાસે જે ફૂટેજ છે એનો ઉપયોગ કરીને હું એક ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવવાનો છું જે બોલિવૂડના કેટલાય ગંદા રાઝ પર પડદો ઉઠાવશે. બોલિવૂડની આ પહેલી રિયાલિટી ફિલ્મ હશે!
આ સાંભળીને લોકોના કાન સરવા થઈ ગયા. એવાં તો કયાં નવાં ભોપાળાં બહાર આવવાનાં? લોકોને આમેય બીજા લોકોના અંગત જીવન વિશે, ખાસ કરીને તેમની સેક્સલાઇફ વિશે જાણવાની જબરી ચટપટી રહેતી હોય છે. અહીં તો ફિલ્મ અને ટીવી દુનિયાના જાણીતા લોકોની સરેઆમ કૂથલી થવાની હતી.  
એન્ટિ ક્લાઇમેક્સ હવે આવે છે. થોડા દિવસો પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ભારે ઉત્સુકતા વચ્ચે લોકોએ તે જોયું ને તેમની નિરાશાનો પાર ન રહ્યો. આ કંઈ અસલી ફૂટેજ નહોતું, પણ પાર્ટીમાં જે કંઈ બન્યું હતું તેનું ડ્રામેટાઇઝેશન એટલે કે નાટયરૂપાંતર હતું. જુદા જુદા એક્ટરોને કાસ્ટ કરીને રીતસર શૂટિંગ કરવામાં આવ્યું હતું. આટલું જાણે ઓછું હોય તેમ એ પાર્ટી ૧ એપ્રિલ,૨૦૧૪ના રોજ રાખવામાં આવી હતી એવુંય પ્રોમોમાં કહેવાયું હતું. મતલબ કે વાસ્તવમાં પાર્ટી-બાર્ટી જેવું કશું થયું જ નહોતું. આ આખી વાત એક પબ્લિસિટી માટેનું ગતકડું હતું. વળી, બે-અઢી મિનિટના પ્રોમામાં જ કલાકારો, ડાયલોગ્ઝ અને ડિરેક્શન એટલાં નબળાં લાગતાં હતાં કે આ કોઈ 'બી' કે 'સી' ગ્રેડની ચીપ ફિલ્મ છે તેવી અસર ઊભી થતી હતી.
ના, વાત અહીં પૂરી થતી નથી. 'સબકી બજેગી બેન્ડ' નામની આ ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ એના એક દિવસ પહેલાં ડિરેક્ટર આર. જે. અનિરુદ્ધે છાપામાં ખુલ્લો પત્ર છપાવ્યોઃ "મારી પેલી પાર્ટીમાં જે લોકો આવ્યા હતા તેમની હું માફી માગું છું. હું અસલી ફૂટેજનો ઉપયોગ કરીને ફિલ્મ બનાવવાનો છું એવી ખબર પડતાં તેમાંના કેટલાકે મને કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપી હતી. કોઈની માનહાનિ ન થાય તે માટે પછી મેં અસલી ફૂટેજ વાપરવાને બદલે ડ્રામેટાઇઝેશન કરવાનું નક્કી કર્યું ને ઓળખ છુપાવવા અમુક નામ પણ બદલી નાખ્યાં..."
નાટક. આ પણ હળહળતું નાટક. જૂઠના પાયા પર ઊભેલી રેઢિયાળ ફિલ્મનું બોક્સઓફિસ પર જે થવાનું હતું તે થયું, પણ આ આખી સ્ટંટબાજીમાં એક સારું કામ એ થયું છે કે તેને લીધે 'રિયાલિટી ફિલ્મ' નામની જોનર એટલે કે પ્રકાર પર આપણું ધ્યાન કદાચ પહેલી વાર ખેંચાયું. આપણને રિયાલિટી ટીવી અને રિયાલિટી શોઝ એટલે શું એની જાણ છે. ઉદાહરણ તરીકે 'બિગ બોસ' એક રિયાલિટી શો છે, 'નચ બલિયે' એક રિયાલિટી ટેલેન્ટ શો છે. આ પ્રકારના શોઝમાં કેટલું સ્ક્રિપ્ટેડ એટલે કે આગોતરું નક્કી થઈ ગયેલું હોય છે ને કેટલું રિઅલ તે અલગ ચર્ચાનો વિષય થયો. રિયાલિટી શોની માફક રિયાલિટી ફિલ્મ પણ હોઈ શકે છે. ડોક્યુમેન્ટરી અલગ વસ્તુ છે. 'પેરાનોર્મલ એક્ટિવિટી' સિરીઝની ફિલ્મો ભલે એકદમ રિઅલ લાગે તે રીતે શૂટ થઈ હોય, પણ એ રિયાલિટી ફિલ્મ નથી. રીતસર ઝીણવટભર્યું પ્લાનિંગ કર્યા બાદ શૂટ થયેલી પ્રોપર ફિલ્મો છે એ. રિઆલિટી ફિલ્મોનાં મૂળિયાં રિયાલિટી ટીવીમાં જ દટાયેલાં છે. આમાં એક નિશ્ચિત લોકેશન હોય, નિશ્ચિત 'કલાકારો' હોય, કેવી કેવી સિચ્યુએશન ઊભી થશે તેનો અંદાજ હોય. રિહર્સલ કરવાનું હોય નહીં. લાઇટિંગ અને સેટ્સના તામજામ ઊભા કરવાના ન હોય. ટૂંકમાં, તોતિંગ ફિલ્મી બજેટના આ જમાનામાં સાવ ઓછી કિંમતે અને ઓછી મહેનતે આખી ફિલ્મ ઊભી થઈ જાય. સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા.
રિયાલિટી ફિલ્મના ઇતિહાસ વિશે મતમતાંતર છે, પણ છેક ૧૯૬૬માં આવેલી 'ચેલ્સિયા ગર્લ્સ' નામની અમેરિકન ફિલ્મને ઘણું કરીને પહેલી રિયાલિટી ફિલ્મ હોવાનું બિરુદ આપી શકાય. તે વખતે જોકે, 'ચેલ્સિયા ગર્લ્સ' એક્સપેરિમેન્ટલ અન્ડરગ્રાઉન્ડ ફિલ્મ તરીકે ઓળખાઈ હતી. ડિરેક્ટર એન્ડી વોરહોલે ખૂબ બધી આર્ટ ફિલ્મો બનાવ્યા બાદ 'ચેલ્સિયા ગર્લ્સ' બનાવી હતી. ન્યૂ યોર્કમાં એક હોટલ ચેલ્સિયા છે. તેની આસપાસ રહેતી યુવાન છોકરીઓનાં જીવનને કેમેરામાં ઉતારવામાં આવ્યાં હતાં. એક મેરી વોર્નોવ નામની એક્ટ્રેસને જ ખબર હતી કે તેમના પર કેમેરા તકાયેલા છે. કેવળ એ જ પોતાના ડાયલોગ્ઝ યાદ કરીને આવતી. મેરી રટ્ટો મારેલા સંવાદ બોલે છે એની બીજા 'કલાકારો'ને ગંધ સુધ્ધાં નહોતી આવી. સાડા ત્રણ કલાક લાંબી આ ફિલ્મ અડધી કલરમાં હતી,અડધી બ્લેક-એન્ડ-વ્હાઇટમાં. તેમાં સ્પિલ્ટ સ્ક્રીનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. એન્ડી વોરહોલની કરિયરની આ સૌથી સફળ ફિલ્મ. જોકે, ઓડિયન્સ અને સમીક્ષકો તરફથી મિક્સ્ડ રિસ્પોન્સ મળ્યો હતો.
તે પછી સીધી ૨૦૦૨માં 'જેકએસઃ ધ મૂવિ' આવી. આ એમટીવીના 'જેકએસ' નામના શો પર આધારિત હતી. આમાં જાતજાતના પ્રેન્ક્સ, પ્રેક્ટિકલ જોક્સ અને સ્ટંટ હતા. માત્ર પાંચ મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મે પહેલાં જ વીકએન્ડમાં બાવીસ મિલિયન કમાવી આપ્યા. ધીમે ધીમે એકલા અમેરિકામાં કુલ વકરો ૬૪ મિલિયન સુધી પહોંચી ગયો. પછીના વર્ષે 'ધ રિઅલ કેનકન' નામની ફિલ્મ આવી. આ પણ મૂળ તો અમેરિકન રિયાલિટી શોનું જ ફિલ્મી વર્ઝન. આપણે એમટીવી પર 'સ્પિલ્ટ્સવિલા'નામનો જે શો જોઈએ છીએ એવું જ કંઈક આ ફિલ્મમાં હતું. શૂટિંગ માટે સોળ જુવાન છોકરા-છોકરીઓને મેક્સિકોના દરિયાકાંઠે આવેલા કેનકન નામના રૂપકડા ટૂરિસ્ટ સિટીના એક અફલાતૂન એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યાં. બે દિવસ અને બે રાત દરમિયાન તેમની વચ્ચે જે કંઈ ધમાલમસ્તી, ઝઘડા, રોમાન્સ વગેરે થયાં તે બધું શૂટ કરવામાં આવ્યું. ત્યાર બાદ ફૂટેજને એડિટ કરીને ૯૬ મિનિટની ફિલ્મ બનાવવામાં આવી. ફિલ્મ સુપરફ્લોપ થઈ. એને વર્ષની સૌથી ખરાબ ફિલ્મ તરીકે નવાજવામાં આવી. આ નિષ્ફળતા જોઈને ગભરાટ થઈ ગયો હોય કે બીજું કોઈ કારણ હોય, પણ પેરેમાઉન્ટ સ્ટુડિયોએ 'જેકએસ ૨.૫' નામની સિક્વલ થિયેટરોમાં રિલીઝ કરવાની હિંમત જ ન કરી. એની સીધી જ ડીવીડી બહાર પાડવામાં આવી.
રિયાલિટી ફિલ્મના વાઘા પહેરેલી ફિલ્મો વચ્ચે વચ્ચે બનતી રહે છે, પણ આમ જોવા જાઓ તો રિયાલિટી ફિલ્મ હજુ સુધી ખાસ ન ખેડાયેલો પ્રકાર છે. આપણે ત્યાં તો એના પર જરાય કામ થયું નથી, પણ વિદેશમાંય બહુ ઓછી રિયાલિટી ફિલ્મો બની છે. ફિલ્મમેકિંગની આ એક આકર્ષક અને વળી કિફાયતી શૈલી છે, જે આર.જે. અનિરુદ્ધ જેવા સ્ટંટબાજે નહીં, પણ ક્રિએટિવિટીથી ફાટફાટ થતા નવી પેઢીના હિંમતવાન ફિલ્મમેકરોએ એક્સપ્લોર કરવા જેવી છે.
 
 શો-સ્ટોપર

તમારી ફિલ્મ ફ્લોપ ગઈ હોય તો પહેલા જ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તમને ખબર પડી જાય. બીજા દિવસથી લોકો તમારા ફોન ઉપાડવાનું બંધ કરી દે. તમે ઓલરેડી જે ફિલ્મોમાં કામ કરતા હો તેના બજેટ પર કાતર ફેરવવાની હિલચાલ શરૂ થઈ જાય. બોલિવૂડમાં નિષ્ફળતાની અસર ઇન્સ્ટન્ટ દેખાય છે.
-          અભિષેક બચ્ચન

મલ્ટિપ્લેક્સ: ધેટ ગર્લ ઓન વ્હીલચેર

Sandesh - Sanskaar Purti - 26 April 2015
મલ્ટિપ્લેક્સ 
 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો' જોઈને આપણને થાય કે કંગના રનૌત જો બોલિવૂડની ક્વીન ગણાતી હોય તો કલ્કિ એકિટંગની મહા-ક્વીન છે!


કોણે કલ્પ્યુ હતું કે 'બદતમીઝ દિલ... બદતમીઝ દિલ...' ગીત પર ઓકવર્ડ ઠુમકા મારતી અને 'જિંદગી ના મિલેગી દોબારા'માં ગાંડાની જેમ ડ્રાઈવિંગ કરતી કલ્કિ કોચલીન પોતાની અંદર આટલી બધી પ્રતિભા સંઘરીને બેઠી હશે. એની લેટેસ્ટ ફિલ્મ 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો' જોઈને આપણા કાનની સાવ પાસે જોરદાર બોમ્બ ફૂટયો હોય એવી અનુભૂતિ થાય છે. છેલ્લે કઈ હિરોઈને આટલું પાવરફુલ પર્ફોર્મન્સ આપ્યું હતું? આપણને થાય કે કંગના રનૌત જો બોલિવૂડની ક્વીન ગણાતી હોય તો કલ્કિ એકિટંગની મહા-ક્વીન છે!
'માર્ગારિટા વિથ અ સ્ટ્રો' વિશે ઓલરેડી ખૂબ બધું લખાઈ ચૂક્યું છે,છતાંય ટૂંકમાં વાત કરી લઈએ. આ ફિલ્મમાં કલ્કિએ સેરિબ્રલ પોલ્સી નામે ઓળખાતી ગંભીર બીમારીથી પીડાતી યુવતીનો રોલ કર્યો છે. વ્હીલચેર સાથે બંધાઈ ગયેલું એનું પરાવલંબી જીવન છે. ન ચાલી શકે, ન સરખું બોલી શકે, પણ બુદ્ધિ અને મન તગડાં છે. પોતાની કોલેજના એક મ્યુઝિક બેન્ડની એ મેમ્બર છે, એ ગીતો લખે છે, ન્યૂ યોર્કમાં એકલી રહીને ક્રિયેટિવ રાઇટિંગનો કોર્સ કરે છે. કોઈ પણ જુવાન છોકરીની જેમ જ એનાં શરીરમાં પણ હોર્મોન્સ ઉધામા મચાવે છે, હેન્ડસમ છોકરાઓને જોઈને મનમાં સ્પંદનો ફૂટે છે. નોર્મલ યંગસ્ટરની માફક એ પણ ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફીની સાઇટ્સ સર્ફ કરે છે અને સેક્સના અખતરા કરે છે. ફિલ્મનો વિષય ખરેખર તદ્દન અનોખો અને ખાસ્સો બોલ્ડ છે, પણ કલ્કિએ આ જટિલ પાત્ર એટલાં પરફેકશન સાથે ઊપસાવ્યું છે કે એક સેકન્ડ માટે આપણને એ અભિનય કરતી હોય એવું લાગતું નથી. પાત્રપ્રવેશ કરવો, પાત્રમય બની જવું, પાત્રને આબેહૂબ આત્મસાત કરવું કે પાત્રને જીવી જવું એટલે આ જ.
કલ્કિની ટેલેન્ટની નાનકડી ઝલક એની પહેલી જ ફિલ્મ 'દેવ ડી' (૨૦૦૯)માં મળી ગઈ હતી. એમાં એ એમએમએસ કાંડને લીધે બદનામ થઈ ગયેલી ટીનેજર બની હતી, જે પછી પ્રોસ્ટિટયુટ-કમ-કોલેજિયન બને છે. અનુરાગ કશ્યપ એના ડિરેક્ટર હતા, જેની સાથે લાંબી લિવ-ઇન રિલેશનશિપ પછી એણે લગ્ન કર્યાં. 'દેવ ડી'ની સફળતાને લીધે કલ્કિની ફિલ્મી કરીઅર આસાન બની જવી જોઈતી હતી, પણ એવું થયું નહીં. આ ફિલ્મ પછી એણે દોઢ વર્ષ બેકાર બેસી રહેવું પડયું. એનું કારણ કદાચ એના રૂપરંગ હતાં. ફ્રેન્ચ મા-બાપને ત્યાં જન્મેલી અને ભારતમાં ઉછરેલી આ યુરોપિયન એક્ટ્રેસ હિન્દી સિનેમામાં આસાનીથી ફિટ થાય પણ કેવી રીતે. બોલિવૂડમાં કલ્કિ સામે આઇડેન્ટિટી ક્રાઈસિસ ઊભી ગઈ હતી. આ ક્રાઈસિસ વાસ્તવમાં એણે લગભગ આખી જિંદગી અનુભવી છે. કદાચ એટલે જ એનાં કિરદારો પણ ખુદને શોધવા માટે તરફડતાં રહે છે. પછી એ 'દેવ ડી'ની ચંદા હોય, સગા બાપ સાથે અનૈતિક સંબંધથી જોડાતી 'ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ'ની રુથ હોય (આ ફિલ્મના કલ્કિના અભિનયના રોજર ઈબર્ટ જેવા હોલિવૂડના ટોચના સમીક્ષકે વખાણ કરેલા) કે પોતાની સેકસ્યુઅલ આઇડેન્ટિટી માટે સંઘર્ષ કરી રહેલી 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો'ની લૈલા હોય.
"હું પોડિંચેરી અને ઊટીમાં મોટી થઈ છું," કલ્કિ એક ઇન્ટરવ્યૂમાં કહે છે, "મારી સ્કિન ધોળી છે એટલે મને હંમેશાં એવું ફીલ કરાવવામાં આવતું કે હું બીજાઓ કરતાં અલગ છું, સ્પેશિયલ છું. રસ્તા પર ટપોરીએ કશીક કોમેન્ટ કરે કે ચાળો કરે ત્યારે હું શુદ્ધ તમિલમાં મણમણની ચોપડાવતી. મારું તમિલ અને હિન્દી બન્ને એકદમ ફ્લુઅન્ટ છે. મારા મોઢેથી શુદ્ધ દેશી ગાળો સાંભળીને ટપોરીઓ ડઘાઈ જતા!"
Kalki's childhood

કલ્કિ સ્કૂલકાળથી જ સ્ટેજ પર ખૂબ એક્ટિવ હતી. અઢાર વર્ષની ઉંમરે થિયેટરનું ભણવા ત્રણ વર્ષ માટે લંડન ગઈ તો ત્યાં પણ આઇડેન્ટિટીનો સવાલ ઊભો થતો. એ જેવી વાત કરવાની શરૂ કરે એટલે તરત સામેવાળો પૂછે કે તું ઈંગ્લિશ દેખાય છે, પણ તારી બોલવાની લઢણ કેમ બ્રિટીશરો જેવી નથી? તું પૂરેપૂરી ફ્રેન્ચ પણ લાગતી નથી. તું આખરે છો ક્યાંની? કલ્કિ ધીમેથી જવાબ આપે કે હું ઇન્ડિયાથી આવી છું. ફટાક કરતી પ્રતિક્રિયા આવે કે તું ઈન્ડિયન જેવી તો જરાય લાગતી નથી!
કલ્કિનાં ફ્રેન્ચ માતા-પિતા બન્ને શ્રી અરવિંદના ભકત છે. પોંડિચેરીના આશ્રમમાં તેમનો ભેટો થઈ ગયો હતો. બન્ને પ્રેમમાં પડયાં,પરણી ગયાં અને ઇન્ડિયામાં જ સેટલ થયાં. કલ્કિ એટલે જ પોતાને ઈન્ડિયન ગણાવે છે. લંડનમાં ત્રણ વર્ષ થિયેટરનું ભણ્યાં પછી એ ધારત તો ત્યાં જ સેટલ થઈ શકી હોત, પણ એનું મન ન માન્યું. ભારતીય માંહ્યલો ઉત્પાત મચાવી રહ્યો હતો એટલે એ પાછી હિંદુસ્તાન આવી ગઈ. અહીં આવીને એ થિયેટર કરવા માંડી. પહેલાં બેંગલુરુમાં, પછી મુંબઈ. એકલા તખ્તા પર અભિનય કરીને મુંબઈ જેવા શહેરમાં ટકવું શી રીતે? એણે ફિલ્મો માટે ઓડિશન્સ આપવા માંડયાં. 'દેવ ડી' માટે અનુરાગ કશ્યપે એને પાસ કરી લીધી અને પછી, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
"જિંદગીમાં મેં ક્યારેય કોઈ પ્લાન કર્યાં જ નથી," કલ્કિ કહે છે, "હજુય કોઈ પ્લાન નથી. બસ, સમયની સાથે વહેતા જવાનું. આગળથી ગમે તેટલું વિચારી રાખ્યું હોય તો આખરે તો જ્યારે જે થવાનું હોય છે એ જ થાય છે."
પૂર્વપત્નીથી અલગ થઈ ચૂકેલા અનુરાગ કશ્યપ સાથે પ્રેમસંબંધથી જોડાતાં જ કલ્કિ ન્યૂઝમાં આવી ગઈ. બોલિવૂડની કેટલીક જોડીઓ પોતાની પર્સનલ લાઈફની બધ્ધેબધ્ધી વાત મીડિયા સાથે શેર કરી નાખે છે. કલ્કિ અને અનુરાગ આ જ પ્રકારનું લિવ-ઇન કપલ હતું.  આને લીધે બન્યું એવું કે કલ્કિનું આગલું કામ એક તરફ હડસેલાઈ ગયું અને 'અનુરાગ કશ્યપની ગર્લફ્રેન્ડ'ની ઓળખ મુખ્ય બની ગઈ. ફરી પાછી આઇડેન્ટિટી ક્રાઈસિસ. દેખીતું છે, કોઈ પણ કલાકાર માણસ પોતાની કલાને લીધે ઓળખાવા માગતો હોય છે, સંબંધોને કારણે નહીં. અનુરાગ સાથે વિધિવત્ લગ્ન કર્યાં પછી પરિસ્થિતિ ઓર વકરી.
કલ્કિએ કહે છે,"લગ્ન થતાં જ લોકોએ અચાનક મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. મારી કરીઅરને લગતો કોઈ સવાલ હોય તો મને પૂછવાને બદલે લોકો અનુરાગને પૂછતા. ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ મારી પાસે સીધી ન આવે, પણ વાયા અનુરાગ થઈને આવે. મારી સાથે ફોટોસેશન કરવું હોય તો અનુરાગની પરમિશન માગે. આવું થાય એટલે હું ભડકી જતી. આઈ મીન, વોટ નોનસેન્સ?રાતોરાત હું કલ્કિ મટીને મિસિસ કશ્યપ બની ગઈ હતી."
જોકે, અનુરાગથી છૂટા પડવાનું આ એકમાત્ર કારણ નહોતું, બીજા ઈશ્યુઝ પણ હતા. અનુરાગ સાથે રહીને કલ્કિ ઘણું શીખી હતી, આંતરિક સ્તરે ઘણી સમૃદ્ધ બની હતી, પણ તેમના સંબંધની એક્સપાયરી ડેટ આવી ગઈ હોવાથી અકારણ ખેંચ્યે રાખવાને બદલે તેઓ છૂટા પડયાં. તેમણે રીતસર જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડયું હતું કે અમે રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. થોડા અરસા બાદ તેમના ઓફિશીયલ ડિવોર્સ થયા.
With Anurag Kashyap

કલ્કિ અલાયદા ફ્લેટમાં રહેવા ગઈ ત્યાં પાડોશીઓએ ગુસપુસ કરવાનું શરૂ કરી દીધું હતું: બોલિવૂડની હિરોઈન છે, ડિવોર્સી છે,પાછી યુરોપિયન છે, કોણ જાણે કેવી હશે! લોકોમાં એવી છાપ છે કે આખી રાત પાર્ટીઓમાં રખડવું એ જ હિરોઈનોનું કામ. "અમારે બીજાઓની જેમ જ કાળી મજૂરી કરવી પડે છે એવો લોકોને અંદાજ જ નથી હોતો!" કલ્કિ કહે છે, "હું સામેથી પાડોશીના ઘરે જતી,દરવાજે ટકોરા મારીને એમને હેલો કહેતી. ધીમે ધીમે આ જ લોકો કહેવા લાગ્યા કે જુઓ તો ખરા, કેટલી સિમ્પલ છોકરી છે!"
કલ્કિનું જીવન પાછું નવા લય પ્રમાણે ગોઠવાઈ ગયું છે. ઓલરેડી ખૂબ બધા ઈન્ટરનેશનલ અવોર્ડ્ઝ જીતી ચૂકેલી 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો'માં ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને કલ્કિએ મોટો મીર માર્યો છે. (એ માને છે કે કોંકણા સેન શર્મા પણ આ રોલ સરસ કરી શકી હોત!) આ એક ફિલ્મને લીધે કલ્કિને નિહાળવાની ઓડિયન્સ અને ફિલ્મી જનતા બન્નેની દષ્ટિ બદલાઈ ગઈ છે. કલ્કિ હવે જુદી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ છે. 'માર્ગારિટા...' પછી હવે એ શેકસપિઅરનું નાટક કરવામાં બિઝી થઈ ગઈ છે. યુરોપ-અમેરિકામાં એના શોઝ થવાના છે. એની આગામી ફિલ્મોનું નામ છે, 'મંત્ર' અને 'લવ અફેર'. ભવિષ્યમાં એ ડિરેક્શન પર પણ હાથ અજમાવવા માગે છે. ઓલ ધ બેસ્ટ, કલ્કિ.
0 0 0  

ટેક ઓફ : આપણે ફક્ત તેનસિંગ-હિલેરીને જ કેમ યાદ કરીએ છીએ?

Sandesh - Ardh Saptahik Purti - 13 and 20 May 2015
ટેક ઓફ 
ઇતિહાસ ક્યારેક કેવળ અંતિમ પરિણામમાં જ રસ લે છે. એવરેસ્ટ સર કરવાની વાત આવે એટલે તરત આપણને અહીં પહેલી વાર પગ મૂકનાર તેનસિંગ અને એડમન્ડ હિલેરી યાદ આવે,પણ આ બન્નેના જાંબાઝ પૂર્વસૂરિઓ કોણ હતા જેમણે ભવિષ્યના પર્વતારોહકોના લાભાર્થે જાનના જોખમે ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરી આપ્યું અને રીતસર એવરેસ્ટ સુધીની કેડી કંડારી આપી? તેનસિંગ અને હિલેરી ખરેખર તો કુલ ૧૪ માણસોની બ્રિટિશ ટુકડીના સદસ્ય હતા, તો બાકીના બાર પર્વતારોહકો કોણ હતા?
Sir Edmund Hilary (left) and Sherpa Tenzing Norgay (right), with expedition leader Colonel John Hunt (centre) in Kathmandu, Nepal, after descending from the peak

તિહાસ ઘણી વાર એક વ્યક્તિની સિદ્ધિના પ્રકાશમાં એની આસપાસના સંભવતઃ એટલા જ કાબેલ માણસોને ગુમનામીના અંધકારમાં ધકેલી દેતો હોય છે. નેપાળમાં પ્રચંડ ધરતીકંપના પગલે હિમાલય પર્વત ચર્ચામાં આવી ગયો. એવરેસ્ટ પર આરોહણ કર્યા વગર જ પોતપોતાના દેશોમાં રવાના થઈ રહેલા દુનિયાભરના સાહસિકોના સાઉન્ડબાઇટ્સ આપણે ટીવી પર સાંભળ્યા. હિમાલય સર કરવાની વાત આવે એટલે તરત આપણને એવરેસ્ટ પર ૧૯૫૩માં સૌથી પહેલી વાર પગ મૂકનાર તેનસિંગ અને એડમન્ડ હિલેરી યાદ આવે, પણ આ બન્ને શબ્દશઃ સફળતાના શિખર સુધી પહોંચી શકે તે માટે જાનના જોખમે એવરેસ્ટ સુધીની કેડી કંડારી આપનારા તેમના પૂર્વસૂરિઓ કોણ હતા? તેનસિંગ અને હિલેરી ખરેખર તો કુલ ૧૪ માણસોની બ્રિટિશ ટુકડીના સદસ્ય હતા, તો બાકીના બાર પર્વતારોહકો કોણ હતા?
આ સવાલના જવાબ એરિક શિપ્ટન નામના એક જાંબાઝ પર્વતારોહકે લખેલા વિસ્તૃત લેખમાંથી મળે છે. મહેન્દ્ર મેઘાણીએ તેનો અનુવાદ કરીને એને 'મિલાપની વાચનયાત્રાઃ ૧૯૫૩' પુસ્તકમાં સમાવ્યો છે. તેનસિંહ-હિલેરીની સિદ્ધિનાં ૨૮ વર્ષ પહેલાં એવરેસ્ટ પર ચઢાઈ માટેની પૂર્વતૈયારી કરવાની જવાબદારી બ્રિટનના એરિક શિપ્ટનને સોંપાઈ હતી. એવરેસ્ટ-આરોહણની ગતિવિધિની શરૂઆત તો જોકે છેક ૧૯૦૭માં થઈ ચૂકી હતી. યુરોપની આલ્પ્સ પર્વતમાળાના પ્રેમીઓ માટે ચાલતી આલ્પાઇન ક્લબની રજતજયંતી તે વર્ષે ઊજવાઈ હતી. સેલિબ્રેશનના ઉન્માદમાં કેટલાક બ્રિટિશ પર્વતખેડુઓ વચ્ચે વાત ઊછળીઃ આલ્પ્સ તો ખૂંદી વળ્યા, હવે એવરેસ્ટ સર કરીએ તો સાચા! એવરેસ્ટ ચડવા માટે કાં તિબેટ જવું પડે અથવા નેપાળ, પણ એ વર્ષોમાં આ બન્ને દેશોએ યુરોપિયનો માટે 'નો એન્ટ્રી'નું પાટિયું ખોડી રાખ્યું હતું. ૧૯૧૯માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું છેક ત્યાં સુધી જુદા જુદા રાજકીય અવરોધોને લીધે એવરેસ્ટ-આરોહણની યોજના કેવળ કાગળ પર જ રહી.
Eric Shipton

૧૯૨૦માં દલાઈ લામાના અંગ્રેજ મિત્ર ચાર્લ્સ બેન યેનકેન પ્રકારેણ તિબેટની સરકાર પાસેથી પર્વતારોહકોની એક ટુકડીને તિબેટના રસ્તાનો ઉપયોગ કરવા દેવાની પરવાનગી લેતા આવ્યા. ઇંગ્લેન્ડની રોયલ જ્યોગ્રોફિકલ સોસાયટી અને આલ્પાઇન ક્લબે સાથે મળીને એવરેસ્ટ પર આક્રમણ કરવાની તૈયારી કરવા માંડી. ૧૯૨૧માં દુનિયાની પહેલીવહેલી એવરેસ્ટ આરોહણ ટુકડી તૈયાર થઈ. એવરેસ્ટ... કે જ્યાં હજુ સુધી એક પણ કાળા માથાનો માનવી નહોતો ગયો! ટુકડીનો મુખ્ય ઉદ્દેશ તો એવરેસ્ટ સુધી પહોંચતા જુદા જુદા માર્ગોની શોધખોળ કરવાનો હતો. આ સિવાય પોતે જ્યાંથી પસાર થાય ત્યાંની વનસ્પતિ, પશુ-પક્ષી, માટી-ખડકો, હવામાન વગેરેનો અભ્યાસ પણ કરવાનો હતો એટલે જુદા જુદા વિષયોના નિષ્ણાતોને સાથે લેવામાં આવ્યા હતા. ૧૩,૦૦૦ ચોરસ માઇલના તદ્દન અજાણ્યા પ્રદેશના નકશા સૌથી પહેલી વાર તૈયાર થઈ શક્યા એના મૂળમાં આ ટુકડીનો પરિશ્રમ જ હતો.  
એવરેસ્ટની આસપાસ બને એટલું પરિભ્રમણ કરીને શિખર તરફના સંભવિત રસ્તા શોધવાનું કામ મેલોરી અને બુલોક નામના બે પર્વતારોહકોને સોંપવામાં આવ્યું. તેઓ ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ આવ્યા. એવરેસ્ટની ઊંચાઈ ૨૯,૦૨૯ ફૂટ અથવા ૮૮૪૮ મીટર જેટલી છે. દરમિયાન શિયાળો આવી ગયો એટલે પાછા વળી જવું પડયું.
૧૯૨૨માં બ્રિગેડિયર જનરલ બ્રુસના નેતૃત્વ હેઠળ ઔર એક બ્રિટિશ ટુકડી એવરેસ્ટ તરફ નીકળી પડી. મેલોરી અને બુલોકે રસ્તો શોધી રાખ્યો હતો એટલે હવે આ ટુકડીએ તે માર્ગે શક્ય એટલું ઉપર જવાનું હતું. ૧૯૨૨ સુધીમાં માણસ મહત્તમ ૨૪,૬૦૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ શક્યો હતો, પણ ૨૫,૦૦૦ ફૂટ કે તેના કરતાંય વધારે ઊંચે હવા પાતળી થઈ જવાથી માણસના તન-મન પર શી અસર થાય છે તે વિશે એ જમાનામાં કોઈ જાણતું નહોતું. આ ટુકડીએ કૃત્રિમ ઓક્સિજનનો જથ્થો પોતાની સાથે રાખ્યો હતો,પણ તેનો ઉપયોગ કરવો કે નહીં તે વિશે મતમતાંતર હતા. એક જૂથનું કહેવું હતું કે આપણે કોઈ પણ જાતની બાહ્ય મદદ વગર એવરેસ્ટ સર કરવાની કોશિશ કરવાની છે. જો કૃત્રિમ પ્રાણવાયુ લઈએ તો તો અંચઈ કરી કહેવાય, પહાડનો સામનો કરવામાં 'અનીતિ' આચરી કહેવાય! બીજા જૂથની પ્રતિદલીલ એવી હતી કે ભાઈ, આપણે પર્વતારોહકો છીએ. પર્વતના આરોહણમાં જે અવરોધો આવવાના હોય તેને આપણે પાર કરવાના જ હોય. વળી, આપણે કોદાળી, કુહાડા, દોરડાં વગેરેનો ઉપયોગ કરીએ જ છીએને? એને શું બહારની મદદ ન કહેવાય?
ખેર, આ જ ટીમના ફિન્ચ અને બ્રુસ નામના સભ્યો ૨૭,૩૦૦ મીટર સુધી પહોંચવામાં સફળ થયા અને તે પણ કૃત્રિમ પ્રાણવાયુ લીધા વગર! જોકે, જાલિમ ઠંડીની તેમના પર માઠી અસર થઈ. એમના જ્ઞાાનતંતુઓમાં બહેરાશ આવી ગઈ. બહુ જ ખરાબ અવસ્થામાં તેઓ ત્રીજી છાવણીએ પાછા ફર્યા. ૧૬,૮૦૦ ફૂટે આવેલા બેઝ કેમ્પથી ઉપર જતા રસ્તામાં પ્રત્યેક દોઢ-બે હજાર ફૂટના અંતરે તેઓ છાવણી તૈયાર કરતા જતા હતા. હિમાલય ખૂંદવા માટેનો આદર્શ સમય મેના મધ્યથી જૂનના મધ્ય સુધીનો આદર્શ ગણાય છે. ફિન્ચ અને બ્રુસ તાજામાજા થઈને નવેસરથી ટોચે પહોંચવાનો પ્રયાસ કરે તે પહેલાં ચોમાસું બેસી ગયું. અધૂરામાં પૂરું હિમધોધ તૂટી પડયો, જેમાં સાત શેરપાઓનો ભોગ લેવાઈ ગયો.
George Leigh Mallory and Andrew Irvine, part of a British Mount Everest Expedition team, 1924 

બે વર્ષ પછી ૧૯૨૪માં જનરલ બ્રુસની આગેવાની હેઠળ ઔર એક ટુકડી નીકળી. તેઓ માંદા પડી ગયા એટલે નોર્ટન નામના પર્વતારોહકે એમનું સ્થાન લીધું. નોર્ટને ૧૯૨૨ની ટીમમાં પણ મહત્ત્વની કામગીરી બજાવેલી. આ વખતે એવરેસ્ટ સર થઈ જ જશે એવો સૌને આત્મવિશ્વાસ હતો, કેમ કે ૨૭,૩૦૦ ફૂટની ઊંચાઈએ ઓક્સિજન માસ્ક વગર જીવી શકાય છે અને તેનાં જેવાં બીજાં ઘણાં તારણો તેમને મળી ચૂક્યાં હતાં. ૨૬,૮૦૦ ફૂટની છાવણીથી નોર્ટન સાથે સોમરેવેલ નામનો સાથીદાર જોડાયો. બન્ને બહાદુરીપૂર્વક આગળ વધતા હતા, પણ સોમરવેલને જોકે ફેફસાંની બીમારી લાગુ પડી ગઈ હતી. એકધારી ખાંસીથી તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ગળફામાં લોહી પડતું હતું અને શ્વાસ રુંધાઈ જતો હતો. નોર્ટનની આંખે ઝાંખપ આવી ગઈ હતી. બધું ડબલ-ડબલ દેખાતું હતું. એમના ફેવરમાં માત્ર એક જ બાબત હતી- અનુકૂળ હવામાન, તેથી જ આટઆટલી શારીરિક તકલીફો છતાંય નોર્ટન ૨૮,૧૫૦ ફૂટ સુધી પહોંચી ગયા હતા. મતલબ કે અહીંથી શિખર ફક્ત ૮૭૯ ફૂટ છેટું હતું! છતાંય વધારે સમય ટકી શકાય તેમ નહોતું એટલે અહીંથી છાવણી તરફ પાછા વળી જવું પડયું. સોમરવેલ તો એમની પહેલાં જ રિટર્ન થઈ ગયેલા. નોર્ટન પર વિષમ આબોહવાની એટલી ભયાનક અસર થઈ હતી કે કેટલાય દિવસ સુધી તેઓ લગભગ અંધ જેવા થઈ ગયેલા.

થોડા દિવસ પછી આ જ ટીમના બીજા બે સભ્યો મેલોરી અને અરવિને આગળ વધવાનું બીડું ઝડપ્યું. ૮ જૂન, ૧૯૨૪ની શાંત સવારે તેઓ છાવણીથી શિખર તરફ રવાના થયા. તેમણે પોતાની સાથે ઓક્સિજનનો પુરવઠો પણ રાખ્યો હતો. એ વખતે તેમને કે એમના સાથીઓને ક્યાં ખબર હતી કે હવે પછી તેમનો ક્યારેય મોં-મેળાપ થવાનો નથી! મેલોરી અને અરવિન ગયા તે ગયા, એ કદી પાછા ન ફર્યા. તેમનું શું થયું? એવરેસ્ટ પર પહોંચતા પહેલાં જ એમનો જીવ ગયો? કે પછી એવરેસ્ટ તેમણે ઓલરેડી સર કરી નાખ્યો હતો અને પાછા ફરતી વખતે પ્રાણ ખોવો પડયો? ધારો કે તેઓ ટોચ સુધી પહોંચી ગયા હોય તો શું એનો અર્થ એ ન થયો કે એવરેસ્ટ પર સર્વપ્રથમ વખત વિજયપતાકા લહેરાવનારા તરીકે ઇતિહાસમાં મેલોરી અને અરવિનનું નામ નોંધાવું જોઈતું હતું, તેનસિંગ અને હિલેરીનું નહીં? ખેર, આ પ્રશ્નોના ઉત્તર આપણને ક્યારેય મળવાના નથી.
બીજા સવાલ પણ છે. મેલોરી અને અરવિનનાં કમોત પછી શું થયું? ૧૯૨૪થી લઈને તેનસિંગ-હિલેરીએ એવરેસ્ટ સર કર્યો તેની વચ્ચેના ૨૯ વર્ષના ગાળામાં શું શું બન્યું? 
                                                0 0 0 
માનવ-ઇતિહાસમાં પહેલી વાર ૧૯૫૩માં એવું બન્યું કે હિમાલયના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર કોઈએ પગ મૂક્યો. આ સાહસ કરનાર એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગ નોર્કે હતા, પણ એ કંઈ માઉન્ટ એવરેસ્ટ ખૂંદનારા સૌથી પહેલા માણસ નહોતા. આપણે ગયા અઠવાડિયે જોયું કે એવરેસ્ટ-આરોહણની ગતિવિધિની શરૂઆત તો જોકે છેક ૧૯૦૭માં થઈ ચૂકી હતી. તે પછીનાં વર્ષોમાં કેટલાય જાંબાઝ પર્વતારોહકોએ હિમાલયના અત્યાર સુધી તદ્દન વણખેડાયેલા રહી ગયેલા ભયંકર હિસ્સાઓનું ખેડાણ કર્યું, જાનના જોખમે જાતજાતના અખતરા કર્યા, ટોચ સુધી પહોંચવાના રસ્તા શોધ્યા. અમુક તો ૨૯,૦૨૯ ફૂટની ઊંચાઈ પર આવેલી ટોચથી ફક્ત ૮૭૯ ફૂટના અંતર સુધી પહોંચી ગયા હતા. જાનના જોખમે થઈ રહેલા આ બધા સંઘર્ષોને લીધે ભાવિ પર્વતારોહકો માટે એક નક્કર પૂર્વભૂમિકા તૈયાર થઈ રહી હતી, તેમનું ક્રમશઃ આસાન બની રહ્યું હતું.
૮ જૂન, ૧૯૨૪ના રોજ મેલોરી અને અરવિન નામના બે હિંમતબાજ પર્વતારોહકો પોતાની અંતિમ છાવણીથી સર્વોચ્ચ શિખર તરફ જવા રવાના તો થયા, પણ ક્યારેય પાછા ન ફર્યા. તેઓ એવરેસ્ટ પર પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા કે એવરેસ્ટ સર કરી લીધા પછી પાછા ફરતી વખતે મોતને ભેટયા તે કોઈ જાણતું નથી. એરિક શિપ્ટન નામના પર્વતારોહક પોતાના લેખમાં (જેનો અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કર્યો છે) આગળ વર્ણન કરતાં કહે છે કે આ દુર્ઘટના પછી તિબેટની સરકારે ઘણાં વર્ષ સુધી પર્વતારોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી જ ન આપી. છેક નવ વર્ષ બાદ, ૧૯૩૩માં ઔર એક ટુકડીને પરમિશન મળી. એરિક શિપ્ટન આ ટીમના સદસ્ય હતા. ટીમલીડરનું નામ હતું રટલેજ. આખી ટીમ આ વખતે જબરી કોન્ફિડન્ટ હતી, કેમ કે અગાઉની ટુકડીઓનાં અનુભવો અને તારણોનો નક્કર લાભ તેમને મળવાનો હતો. વળી, આટલાં વર્ષોમાં ટેક્નોલોજી પણ ખાસ્સી આગળ વધી ગઈ હતી. કમનસીબે હવામાને ગરબડ કરી નાખી.


બન્યું એવું કે ૧૯૩૩માં ભારતમાં ચોમાસું વહેલું બેસી ગયેલું. હિમાલયમાં ભયંકર શિયાળુ પવન ફૂંકાતો હતો. માંડ માંડ ટીમ ૨૫,૭૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ. અહીં છાવણી નાખી. હવામાન જરા અનુકૂળ થાય પછી ઔર ઉપર ચડવંુ તેવી ગણતરી હતી, પણ હાડ ગાળી નાખતા વાયરા શાંત થાય તોને. નછૂટકે અહીંથી જ પાછા વળી જવું પડયું. આને લીધે પર્વતારોહકો જ નહીં, બલકે સતત તેમની સાથે રહેતા અને તેમનો માલસામાન ઉપાડતા મજબૂત શેરપાઓનું મનોબળ પણ તૂટયું.
૧૯૩૫માં ગયેલી નવી ટીમે એવરેસ્ટ-આરોહણની ફક્ત પૂર્વતૈયારી કરવાની હતી. પછીના વર્ષે જે ટીમ એવરેસ્ટ ચડવાની હતી તેને તાલીમ આપવાની જવાબદારી એરિક શિપ્ટનને સોંપાઈ. કમનસીબે ૧૯૩૬માં હિમાલયમાં પુષ્કળ બરફવર્ષા થવાથી અને ચોમાસું વહેલું બેસી જવાથી પર્વતારોહકોને નિષ્ફળતા સાંપડી.
૧૯૩૮માં ઔર એક પ્રયાસ. ૨૭,૨૦૦ ફૂટની ઊંચાઈએ છાવણી નાખી શકાઈ. પછી ડાયરેક્ટ શિખર પર પહોંચવાનું હતું. મહેનતકશ શેરપાઓને જોકે ચિંતા હતી કે હવે પછી વચ્ચે એકેય છાવણી નાખ્યા વગર વચ્ચેનું ૧૮૨૯ ફૂટનું અંતર એકધારું કાપવાનું ભારે પડવાનું. વજનદાર શસ્ત્રસરંજામ ઊંચકીને ચાલતા શેરપા ભયંકર લોથ થઈ ચૂક્યા હતા. એકને ડબલ ન્યૂમોનિયા થઈ ગયો અને બીજા એકનું ડાબું અંગ હંમેશ માટે ખોટું થઈ ગયું. એમની સારવારની વ્યવસ્થા કરીને શિપ્ટન અને સ્માઇધ નામનો સાથી બન્ને એકલા આગળ નીકળી પડયા. બન્નેની તબિયત સારી હતી, પણ બર્ફીલો પહાડ એટલો દુર્ગમ હતો એક કલાકમાં માત્ર બાર ફૂટ જ ચડી શકાતું હતું. આ ગતિએ ૧૮૨૯ ફૂટનું અંતર કાપતા કેટલો બધો સમય લાગી જાય! આગળ વધવું આપઘાત કરવા બરાબર હતું એટલે નછૂટકે પાછા વળવું પડયું.
આ અનુભવ પછી ટુકડીને એક નવું બ્રહ્મજ્ઞાાન લાધ્યું: ઉત્તર દિશામાંથી એવરેસ્ટ ચડવાનું કામ અત્યંત કઠિન છે. આ તરફની કરાડો જ એવી છે કે હવામાન સારું હોય તોપણ આરોહણ અતિ જોખમી સાબિત થાય. આથી બીજો કોઈ રૂટ શોધવો જરૂરી છે! અગાઉના રિપોર્ટ્સ તેમજ તસવીરોના અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવ્યું કે એવરેસ્ટની દક્ષિણે સાઉથ કોલ પર્વત પર પહોંચી જવાય તો ત્યાંથી પછી શિખર સુધીનો રસ્તો પ્રમાણમાં આસાન પુરવાર થાય. તકલીફ એ હતી કે એ રસ્તો નેપાળમાંથી પસાર થતો હતો અને નેપાળે વિદેશીઓ પર એવરેસ્ટ આરોહણ માટે બંદી ફરમાવી દીધી હતી.
Eric Shipton, Michael Ward and Edmund Hillary and members of the 1951 Mount Everest Expedition

છેક બીજા વિશ્વયુદ્ધ પછી નેપાળે નીતિનિયમો હળવા કર્યા. ૧૯૫૧માં બ્રિટનની રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી અને અલ્પાઇન ક્લબને સંયુક્તપણે નેપાળના રસ્તે એવરેસ્ટ આરોહણની શક્યતા ચકાસવાની પરમિશન મળી. આ ટીમના લીડર પણ શિપ્ટન હતા. તેમનો ઉદ્દેશ એવરેસ્ટ ચડવાનો નહીં, પણ દક્ષિણ દિશામાંથી એવરેસ્ટ સુધી પહોંચવાનો અનુકૂળ માર્ગ શોધવાનો હતો. પછીના વર્ષે એવરેસ્ટ-આરોહણની પરવાનગી ખરેખર તો આ જ ટુકડીને સૌથી પહેલાં મળવી જોઈતી હતી, એને બદલે નેપાળ સરકારે સ્વિટ્ઝર્લેન્ડની એક ટીમને આ લાભ આપ્યો. શેરપા તેનસિંગ નોર્કે આ ટીમના સભ્ય હતા, જે અગાઉ ૧૯૩૫-૧૯૩૫ તેમજ ૧૯૩૮ની બ્રિટિશ ટુકડીઓ સાથે પણ સામેલ થઈ ચૂક્યા હતા. નવા રસ્તે આગળ વધીને ૨૭,૫૦૦ ફૂટની ઊંચાઈએ તેનસિંગ અને લેમ્બર્ટ નામના પર્વતારોહક છાવણી નાખી શક્યા, એટલું જ નહીં, એમની પાસે પથારી, પીવાનું પાણી, બરફ ઓગાળવાનો સ્ટવ આમાંનું કશું જ નહોતું છતાંય અહીં રાત રોકાવાનો ખતરનાક નિર્ણય તેમણે લીધો. ભલભલો તંદુરસ્ત માણસ પૂરતી સુવિધાના અભાવમાં આટલી ઊંચાઈએ ભયંકર ઠંડીમાં ઠૂંઠવાઈને મડદું બની જાય, પણ તેનસિંગ અને લેમ્બર્ટ આખી રાત એકબીજાના હાથપગ દબાવતા ટકી ગયા. બીજે દિવસે સવારે ફરી પાછા મરણિયા બનીને ઉપર ચડયા. આખરે શક્તિનું અંતિમ ટીપું પણ ખર્ચાઈ ગયું ત્યારે ૨૮,૨૦૦ ફૂટની ઊંચાઈએથી તેઓ પાછા ફર્યા.
વર્ષ ૧૯૫૩. ઔર એક ટુકડી, ઔર એક પ્રયાસ. જ્યાં સુધી લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી મચ્યા રહેવાની માણસની લોખંડી વૃત્તિ જ એને સમગ્ર જીવસૃષ્ટિમાં મૂઠીઊંચેરો પુરવાર કરે છે. ૧૪ માણસોની આ ટીમના બ્રિટિશ વડા હતા, કર્નલ જોન હન્ટ. શેરપા તેનસિંગ પુનઃ આ ટીમમાં પણ જોડાયા. તેમની કુંડળીમાં માઉન્ટ એવરેસ્ટ પર વિજયધ્વજ લહેરાવનાર સૌથી પહેલા મનુષ્યનો જશ ખાટી જવાનું લખાયું હતું. એવરેસ્ટ પર ચડવાનો આ તેમનો પાંચમો પ્રયાસ હતો. ૪૨ વર્ષના તેનસિંગ નોર્કે અને ૩૪ વર્ષનો ન્યૂઝીલેન્ડર એડમન્ડ હિલેરી નામનો ઔર એક ટીમમેમ્બર નવા શોધાયેલા દક્ષિણના માર્ગે ધીમે ધીમે આગળ વધીને ૨૯ મે,૧૯૫૩ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવીને અમર બની ગયા.
તેનસિંગ, હિલેરી અને જોન હન્ટ સિવાય વિજયી ટીમમાં બાકીના ૧૧ સભ્યો કોણ હતા? બ્રિટિશ લશ્કરી અફસર ચાર્લ્સ વાઇલી (૩૩ વર્ષ), વિલ્ફ્રેડ નોઇસ નામના શિક્ષક અને લેખક (૩૫ વર્ષ), જ્યોર્જ લો નામનો ન્યૂઝીલેન્ડનો શિક્ષક (૨૮ વર્ષ), જ્યોર્જ બેન્ડ નામનો ભૂસ્તરશાસ્ત્રનો વિદ્યાર્થી જે ટીમનો સૌથી જુવાન મેમ્બર હતો (૨૪ વર્ષ), માઇકલ વેસ્ટમેકોટ (૨૮ વર્ષ), થોમસ ર્બુિદયા નામનો રોકેટ સાયન્ટિસ્ટ, ભારત-બર્મામાં લશ્કરી કામગીરી બજાવી ચૂકેલા આલ્ફ્રેડ ગ્રગરી (૪૦ વર્ષ), ચાર્લ્સ ઇવાન્સ નામના ડોક્ટર (૩૪ વર્ષ), ટી. આર. સ્ટોબર્ટ નામના પ્રાણીશાસ્ત્રી જે અવ્વલ દરજ્જાનો ફોટોગ્રાફર પણ હતો (૩૫ વર્ષ), માઇકલ વોર્ડ નામના ડોક્ટર (૨૮ વર્ષ) અને ગ્રિફિથ પઘ નામના સ્કીઇંગમાં વિન્ટર ઓલિમ્પિક્સ કક્ષાએ ભાગ લઈ ચૂકેલો ઔર એક ડોક્ટર.

તેનસિંગ-હિલેરીની પહેલાં જીવસટોસટની બાજી ખેલી ચૂકેલા પર્વતારોહકો પર ગુમનામીની ચાદર ઢંકાઈ ગઈ, જ્યારે તેમની ટીમના બાકીના સભ્યો હંમેશાં હાંસિયામાં ધકેલાયેલા રહ્યા. ઇતિહાસ ક્યારેક કેવળ અંતિમ પરિણામમાં જ રસ લે છે. તે પરિણામને શક્ય બનાવતી સમગ્ર પ્રક્રિયા કરનારાઓ અને લક્ષ્ય સુધીની સંપૂર્ણ યાત્રા તય કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારાઓનો પણ યોગ્ય મહિમા થવો જોઈએ, ખરું?
0 0 0