Tuesday, July 30, 2013

ટેક ઓફ : અધ્યાત્મ અને અનુભૂતિ : બુદ્ધિના સીમાડાની પેલે પાર...


Sandesh - Ardh Saptahik Purty - 1 August 2013

Column: ટેક ઓફ

'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો. મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. નાથાભાઈ જોશીએ કહ્યું: હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો છે.'


ગુરુપૂર્ણિમાના પર્વ પર આ વખતે કેટલાય ગુજરાતીઓએ ગોંડલવાસી નાથાભાઈ જોશીની ગેરહાજરી તીવ્રતાથી અનુભવી હશે. નાથાભાઈ એટલે કશુંક 'ભાળી ચૂકેલો' આત્મા. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહેલા અત્યંત લો-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ, જેમનું મે મહિનામાં નિધન થયું. નાથાભાઈના શિષ્યોમાં (એમને તો 'શિષ્ય' શબ્દ સામે પણ વિરોધ હતો) પત્રકારો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં નામ બોલે છે, છતાંય જાહેર માધ્યમોમાં તેમના વિશે ભાગ્યે જ કશુંક લખાયું છે કે ચર્ચાયું છે. તેમના વિશે ઝાઝી વાત પણ ન કરવાની એક સ્વયંશિસ્ત અનુયાયીઓએ પાળી છે.
જોકે નાથાભાઈના જીવનકાળ દરમિયાન એમના વિશે સ્વર્ગસ્થ કવિ મકરંદ દવે સહેજ ખૂલીને બોલ્યા હતા, સુરેશ દલાલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં. આ સોળેક વર્ષ પહેલાંની વાત છે. મકરંદ દવે વાત કરી શક્યા એનું કારણ એ હશે કે નાથાભાઈ સાથે તેમનો મૈત્રીનો સંબંધ હતો, ગુરુ-શિષ્યનો નહીં. બંનેની પહેલી મુલાકાત જે સંજોગોમાં થઈ હતી તે આખો કિસ્સો ભારે રસપ્રદ છે. તર્કને જરા એક બાજુ પર મૂકીને સાંભળવા જેવી આ અલૌકિક વાત છે.
Nathabhai Joshi (Gondal)

મકરંદ દવે યુવાનીમાં રાજકોટના એક અખબારમાં સબ-એડિટર તરીકે કામ કરતા હતા. એક વાર રાતે બે વાગ્યે અચાનક તેમની નાભિમાંથી અવાજ આવ્યોઃ 'હરિ બોલ... હરિ બોલ.' મકરંદ દવે ચમકી ગયા. થોડું પાણી પીધું ને આમતેમ આંટા માર્યા એટલે એ અવાજ, એ અનુભૂતિ જતા રહ્યા. બીજા દિવસે રાત્રે ફરી પાછો આ અનુભવ થયો. કવિ મૂંઝાઈ ગયા. દિવસે ઓફિસમાં તો બરાબર કામ થાય છે, પણ રાતે અચાનક શું થઈ જાય છે? નર્વસ બ્રેકડાઉન થઈ ગયો કે શું? ધીમે ધીમે એ સ્થિતિ આવી ગઈ કે દિવસ દરમિયાન પણ એકાએક'હરિ બોલ' અવાજ સંભળાવા લાગ્યો. મકરંદ એના તરફ ધ્યાન ન આપે, ઇચ્છાશક્તિથી અનુભૂતિને દબાવી દે, પણ એક રાત્રે ફરી પાછું નાભિમાંથી 'હરિ બોલ' સંભળાયું ને મકરંદ ભયંકર ચીસ પાડી ઊઠયા. એવું લાગતું હતું કે જાણે મગજની નસો ફાટી જશે. સવારે જાગ્યા ત્યારે વિસ્ફોટ પછીની શાંતિ અનુભવાઈ, પરંતુ રાતે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે મકરંદ કાબૂ ગુમાવી બેઠા. એમને અવાજ સંભળાયોઃ "તમે ગોંડલ જાઓ. એક માણસ તમને મળશે. એ બધું સમજાવશે." મકરંદે કહ્યું: "મારા પર દૈનિકની જવાબદારીઓ છે. કામ મૂકીને કેવી રીતે જાઉં?" અવાજ આવ્યોઃ "તમે જાઓ. તમારે જવું જ પડશે."
બીજા દિવસે અખબારના માલિક અને તંત્રી વચ્ચે મતભેદ થઈ ગયો. માલિકે તંત્રીને છૂટા કર્યા. તંત્રીને અન્યાય થઈ રહ્યો છે એવું લાગતા સાથી પત્રકારોએ સામૂહિક રાજીનામું આપી દીધું. મકરંદ દવે પરથી ચમત્કારિક રીતે કામની જવાબદારીઓ જતી રહી! હવે ધારે તો તેઓ ગોંડલ જઈ શકે એમ હતા, પણ એ રહ્યા બુદ્ધિવાદી માણસ. આ જે અવાજો સંભળાય છે એ કેવળ ભ્રમણા કે માનસિક બીમારી હોય તો? તર્કની શક્તિમાં વિશ્વાસ હોવા છતાં મકરંદ મૂંઝાયા કરે. ભૂખ-તરસ જાણે મરી ગઈ. ગિરનાર જઈને કોઈ યોગીને મળવાની ઇચ્છા થયા કરે. જોકે એમને જૂનાગઢ જવાની જરૂર જ ન પડી. એક દિવસ એક મિત્રે કહ્યું કે જૂનાગઢથી નાથાભાઈ જોશી નામના એક કૃષ્ણભક્ત આવ્યા છે. જૂનાગઢનું નામ પડતાં મકરંદ દવેના કાન ચમક્યા. નાથાભાઈને મળવા ગયા ત્યારે ઘણા માણસો બેઠા હતા. મકરંદ દવેએ કહ્યું: "એક પ્રશ્ન પૂછવો છે. કશુંક જાણવું છે મારે. તમને ખબર પડે?" જવાબ મળ્યોઃ "ભાઈ, આજે તો ઘણા લોકો છે, કાલે આવજો."

બીજા દિવસે સવારે નવ વાગ્યે નાથાભાઈ બારણે રાહ જોતા ઊભા હતા. મકરંદ દવેને ઓરડામાં લઈ જઈ બારણાં બંધ કર્યાં. નાથાભાઈ કહે, "તમે કશું કહેશો નહીં. હું કહું છું." પછી 'હરિ બોલ'ના અવાજથી માંડીને મકરંદ દવેને જે કંઈ અનુભવો થયા હતા તે બધા જ નાથાભાઈ બોલી ગયા. ત્યારબાદ ઉમેર્યું: "આ બધું જ સાચું છે, ભ્રમણા નથી, કલ્પના નથી. ભગવાનનો આ અનુગ્રહ છે. તમે એનો સ્વીકાર કરો.' મકરંદ દવે કહેઃ "મારી આજીવિકાનું શું? બા-કુટુંબનું શું?" નાથાભાઈએ જવાબ આપ્યો કે ભગવાનનું નામ લો, બાકીની ચિંતા મા જગદંબા પર છોડી દો. મકરંદ દવેના મનનું સમાધાન થઈ ગયું. પ્રશ્નો દૂર થયા. શાંતિનો અનુભવ થયો.
આ રીતે નાથાભાઈ સાથે બંધાયેલો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો અને મૃત્યુપર્યંત જળવાઈ રહ્યો. બંને ભેગા થાય એટલે ગંભીર વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડે અને હાસ્ય શમે ત્યાં અંતર્લીન, ભાવમસ્ત અવસ્થા આવી જાય. મકરંદ દવે કહે છે, "અધ્યાત્મ અને અંગત પ્રાપ્તિની એવી કોઈ ભૂમિકા નહીં હોય જેના વિશે અમે ઝીણી નજરે ન જોયું હોય. ઘણા પડદા હટાવીને અંતરંગ વાતો થઈ છે, સંવેદના અનુભવી છે."
મકરંદ દવે આપણી ભાષાના શ્રેષ્ઠતમ કવિઓમાંના એક છે. એ જ્યારે કશુંક ગંભીરતાથી કહેતા હોય ત્યારે આપણા વૈજ્ઞાાનિક મિજાજને ઝટકો લાગે તો પણ સાંભળવું જોઈએ. એક વખત નાથાભાઈ સાથે મકરંદ દવે શક્તિપાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. શક્તિપાત એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પવિત્ર મંત્ર, દૃષ્ટિ કે સ્પર્શથી આધ્યાત્મિક શક્તિનું આરોપણ કરે એ. સામાન્યપણે આ ઘટના ગુરુ-શિષ્ય વચ્ચે બનતી હોય છે. મકરંદ દવેએ કહ્યું કે હું કંઈ શક્તિપાતમાં માનતો નથી. વ્યક્તિએ સ્વયં પોતાની જાતને પ્રગટ કરવી જોઈએ. નાથાભાઈ કહે, "ના, એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવદ્ શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઈ શકે." મકરંદના ગળે વાત ન ઊતરી. નાથાભાઈ ઊભા થઈને મકરંદ પાસે આવ્યા. એમના મસ્તક પર હાથ મૂક્યો. કંઈક અજબ ચમક હતી નાથાભાઈની આંખોમાં. એ વખતે તો કશું થયું નહીં, પણ સાંજ થતા પરિસ્થિતિ પલટાઈ ગઈ.


'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો,' મકરંદ દવે કહે છે, "મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. હું તેમાં ડૂબી ગયો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આ મને શું થઈ ગયું છે? હું નાથાભાઈને કહેવા ગયો. એમણે મને પૂરી અને દહીં ખવડાવ્યાં. ત્યારબાદ શાંતિ થઈ ગઈ. તેમણે કહ્યું: "હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો." આ જગતના કેન્દ્રમાં એક શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ પ્રકાશ છે. જ્ઞાાનનો પ્રકાશ છે. પ્રકાશનાં આવર્તનો છે. અમારો સંબંધ ભગવતી શક્તિના ખોળામાં ખીલ્યો છે. 'મા' એટલે સર્વસ્વ. 'મા'ને આમ જીવંત, જાગ્રત રીતે અનુભવવી તે મને જીવનનો સાર લાગ્યો છે."
સઘળું તર્કની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. બધું જ ઈન્દ્રિયોના જોરથી સમજી શકાતું નથી. બુદ્ધિના સીમાડાની પેલે પાર એવું કશુંક હોય છે જેની પાસે કેવળ શ્રદ્ધાના માધ્યમ થકી જ પહોંચી શકાય!
                                           0 0 0 

5 comments:

 1. આધ્યાત્મિક અનુભૂતિ અંગેનો સુંદર વાંચવા જેવો લેખ.

  ReplyDelete
 2. શિશિરભાઈ, ભાઈના દર્શનનું સૌભાગ્ય એમની તબિયત જ્યારે સારી નહોતી ત્યારે મને અમદાવાદમાં પ્રાપ્ત થયેલું એટલું જ નહિ એમણે મને "blessings" એવું પણ કહેલું. તે દિવસથી લાગે છે કે જીંદગી ધીમે ધીમે બદલાઈ રહી છે. ગઈ સાલ હું ગોંડલ એમના આશ્રમમાં પણ જઈ આવી. અદભૂત. એમની હયાતી હજુ પણ અનુભવાય છે. પહેલાં થતું કે હવે ક્યારેય એમના દર્શન નહિ કરી શકું? પણ ગોંડલ જઈ આવ્યા પછી આ શંકાનું પણ નિવારણ થઇ ગયું છે. સુંદર લેખ. મારા સસરાજી, મકરન્દભાઈ અને નાથાબાપા ગોંડલના મિત્રો. મકરન્દભાઈ સાથે પપ્પા "પગદંડી" હસ્તલિખિત મેગેઝીન ચલાવતા.

  એક છાપામાં મકરંદભાઈનો લેખ હતો એ યાદ આવે છે જેમાં ભાઈએ એમના માથા પર હાથ મુકતા જ તેઓ જમીનથી બે ફૂટ અધ્ધર થઇ ગયેલા એની વાત લખી હતી. બસ એ સિવાય ભાઈ વિષે કઈ જ વાંચવા નહોતું મળ્યું.

  ReplyDelete
 3. shanti shanti shanti...oh! I could not met them....

  Bharat Ghiya-Junagadh.

  ReplyDelete
 4. Shishirbhai,

  As a devotee of Param Pujya Nathalal Joshi since birth (Thanks to my grandparents and parents), was just curious , how do you know him?
  I like your article by the way :) Brings back beautiful darshans from the past!

  Himani Shukla

  ReplyDelete
 5. Jayma kashyapvyas i played with ma (Joshi )in childhood

  ReplyDelete