Wednesday, October 16, 2019

આવારા હૂં...

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13  ઑક્ટોબર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘'જૉકર'' ફિલ્મમાં એવું તે શું છે કે એનો ટાઇટલ રોલ નિભાવતા વૉકિન ફિનિક્સ આ વખતે બેસ્ટ એક્ટરનો ઑસ્કર અવૉર્ડ જીતી જશે એવી જોરદાર હવા બનવા લાગી છે?


તાજેતરમાં હોલિવુડની જૉકર રિલીઝ થતાંની સાથે જ, રાધર, એનાય થોડાં અઠવાડિયાં પહેલાં આ ફિલ્મનું વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થયું ત્યારથી જ જોરદાર હવા બનવા માંડી છે કે આગામી ઑસ્કર સિઝનમાં જૉકરનો મેઇન રોલ કરનારા વૉકિન ફિનિક્સ બેસ્ટ એક્ટરનો ઑસ્કર અવૉર્ડ હકથી ખેંચી જવાના. એકલા અભિનય જ નહીં, ઑસ્કરની બીજી કેટલીય કેટેગરીમાં જૉકર ફિલ્મનો દબદબો રહેવાનો.

ખરેખર આવું બને છે કે કેમ એ તો 2020ની નવમી ફેબ્રુઆરી જ ખબર પડશે, પણ જૉકર ફિલ્મ ખૂબ અસરકારક છે એ તો નક્કી. સુપરહીરો બેટમેનની કાલ્પનિક દુનિયાના ડરામણા વિલન જૉકરની વાત નીકળે ત્યારે આપણને તરત હીથ લેજર યાદ આવે. ધ ડાર્ક નાઇટ (2008)માં હીથ લેજરે જૉકર તરીકે એટલો અદભુત અભિનય કર્યો હતો કે આ કિરદાર માટે આનાથી આગળ કે ઉપર વધારે કશું થઈ જ ન શકે એવું સૌએ લગભગ સ્વીકારી લીધું હતું. હીથ લેજરને આ ભુમિકા માટે મરણોત્તર ઑસ્કર અવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. એમ તો જૉકરની ભુમિકા અગાઉ જેક નિકલ્સન અને જેરેડ લેટો જેવા અન્ય તગડા એક્ટરો પણ કરી ચુક્યા છે. આથી જ સૌને લાગતું હતું કે વૉકિન ફિનિક્સ (નામનો સ્પેલિંગ જે-ઓ-એ-ક્યુ-યુ-આઇ-એન છે, પણ ઉચ્ચાર વૉકિન એવો કરવામાં આવે છે) એવું તે શું નવું કરી દેખાડશે.      

પણ વૉકિને કરી દેખાડ્યું. એ પણ એવું કમાલનું કરી દેખાડ્યું કે અગાઉના તમામ જૉકરો એની તુલનામાં ફિક્કા લાગવા માંડ્યા. જૉકરને કસમયે હસવાની બીમારી છે. સાવ ખોટા સમયે  એ એવું ભયંકર અટ્ટહાસ્ય કરે છે કે સામેનો માણસ કાંપી ઉઠે. એ સંભવતઃ પીટીએસડી (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નામના માનસિક રોગથી પીડાય છે. એના હાડપિંજર જેવા શરીરમાં હાડકાં એટલી વિચિત્ર રીતે બહાર આવી ગયા છે કે એ ઉઘાડા ડિલે બેઠો હોય ત્યારે માણસને બદલે જાણે કોઈ જાનવર બેઠું હોય એવું તમને લાગે. (આ ફિલ્મ માટે વૉકિન ફિનિક્સે 24 કિલો વજન ઉતાર્યું હતું.) જૉકર એટલી બધી ડાર્ક અને ડિપ્રેસિંગ ફિલ્મ છે કે તે પૂરી થયા પછી પણ કલાકો સુધી એની અસરમાંથી બહાર આવી શકાતું નથી. આ એક્ટર-રાઇટર-ડિરેક્ટરની જીત છે.

જો તમને ડીસી કૉમિક્સના કિરદારોના ફૅન હશો તો જૉકરના કારનામાથી સારી રીતે પરિચિત હોવાના. ગોથમ સિટી નામના કાલ્પનિક નગરમાં જૉકર જેવી વેશભૂષા ધારણ કરેલો ખલનાયક જનતા અને પ્રશાસનની ઊંઘ હરામ કરે છે ને સુપરહીરો બેટમેન અવનવા પરાક્રમો કરીને એનો મુકાબલો કરે છે. જૉકર વાસ્તવમાં આર્થર ફ્લેક નામનો મધ્યવયસ્ક આદમી છે. જૉકર પર હજુ સુધી કોઈ સ્વતંત્ર ફિલ્મ બની નહોતી. આ માણસ કેમ આવો વિકૃત છે? એનાં બાળપણ અને જુવાનીમાં શું બન્યું હતું? શું છે એની બૅક-સ્ટોરી? બસ, આ સવાલોના જવાબ જૉકર ફિલ્મમાં છે.



જૉકર ટૉડ ફિલિપ્સ નામના ફિલ્મમેકરે લખી છે અને ડિરેક્ટ કરી છે. એમના નામે હેંગઓવર સિરીઝ જેવી સૉલિક કૉમેડી ફિલ્મો બોલે છે. હેંગઓવર બનાવનાર માણસ જૉકર જેવી અત્યંત ડાર્ક અને ડિસ્ટર્બિંગ ફિલ્મ બનાવી શકે એ કલ્પી શકાતું નથી. ટૉડે જોયું કે જૉકરમાં ટિપિકલ કૉમિક બુક ફિલ્મ કરતાં કશુંક અલગ કરવાનો અવકાશ છે. સુપરહીરોની ફિલ્મોમાં સામાન્યપણે સ્પેશિયલ ઇફેક્ટ્સની ભરમાર હોય છે, પણ એમણે જોયું કે આ ફિલ્મમાં તેનાથી દૂર રહીને, રિઅલિસ્ટિક અપ્રોચ ધારણ કરીને જૉકરના પાત્રને એક કેસ-સ્ટડીની માફક ટ્રીટ કરી શકાય તેમ છે.

ટૉડ ફિલિપ્સને સ્ટુડિયો દ્વારા સૂચન કરવામાં આવ્યું કે તમે લીડ રોડમાં ટાઇટેનિક ફેમ લિઓનાર્ડો દકેપ્રિયોને લો. ડિરેક્ટરસાહેબે ધડ્ દઈને ના પાડી દીધી. એમણે કહ્યું કે મારી ફિલ્મમાં જૉકર જો કોઈ બનશે તો એ વૉકિન ફિનિક્સ જ હશે. વૉકિનને સુપરહીરો કિરદારો ભજવવાની સૂગ હતી. તેઓ અગાઉ હલ્ક અને ડૉક્ટર સ્ટ્રેન્જલવ આ બન્ને ફિલ્મો નકારી ચુક્યા હતા. તેમનું માનવું હતું કે તમે એક વાર સુપરહીરો બનો એટલે તમારા પર થપ્પો લાગી જાય ને અભિનેતા તરીકેનું તમારું વર્તુંળ સીમિત થઈ જાય. જૉકરને હા પાડવામાં એમણે ચાર મહિના લગાડ્યા.

મેં જૉકરને હા પાડી એની સ્ક્રિપ્ટને કારણે, વૉકિને એક ઇન્ટરવ્યુમાં કહે છે, હું સ્ક્રિપ્ટ વાંચીને નક્કી જ ન કરી શક્યો કે મારે જૉકરના પાત્રને ધિક્કારવું જોઈએ કે એના પર દયા ખાવીને એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ.

ફિલ્મ જોઈને જોકે ઑડિયન્સને તો જૉકર પ્રત્યે મોટે ભાગે સહાનુભૂતિ જ થાય છે. જૉકર એક એવું પાત્ર છે જેની સાથે જિંદગીમાં સતત અન્યાય થયો છે. સગાં મા-બાપે એને જન્મતાંની સાથે જ તરછોડી દીધો હતો. જે સ્ત્રીએ એને દત્તક લીધો એ માનસિક મરીઝ હતી. એનો બૉયફ્રેન્ડ નાનકડા આર્થરને (એટલે કે જૉકરને)  ઢોરમાર મારતો. પોતે સગું નહીં પણ દત્તક સંતાન છે એ સચ્ચાઈ એનાથી છુપાવવામાં આવી હતી. એ જૉકરના વેશમાં હોય ત્યારે ટપોરી છોકરાઓ લેવાદેવા વગર એને ધીબેડી જાય છે. એક વાર અન્ડરગ્રાઉન્ડ સબવેમાં કેટલાક ટપોરીઓ એને હેરાન કરે છે. જૉકર સ્વબચાવમાં બે ટપોરીઓ પર બંદૂકની ગોળી ચલાવે છે ને ત્રીજાની પાછળ પછીને એનેય ઠાર કરી નાખે છે. આ રીતે ખૂની સિલસિલો શરૂ થાય છે. જૉકર પછી પોતાની માને, દોસ્તારને અને લાઇવ ચેટ-શોના હોસ્ટ (રોબર્ટ દી નીરો)ને પણ પતાવી નાખે છે.

જૉકર ફિલ્મની પ્રશંસાની સાથે સાથે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે અવિચારીપણે હિંસા આચરતા અસામાજિક તત્ત્વોને આ ફિલ્મ જોઈને ઊલટાનો પાનો ચડશે. તમને યાદ હોય તો 2012માં અમેરિકાના એક થિયેટરમાં બેટમેનની ધ ડાર્ક નાઇટ રાઇઝીસ ફિલ્મ ચાલી રહી હતી ત્યારે એક માણસે આડેધડ ગોળીઓ ચલાવીને ચોવીસ લોકોને મારી નાખ્યા હતા. એક વર્ગને એવો ડર છે કે જૉકર ફિલ્મના શોઝ દરમિયાન પણ આવી દુર્ઘટના ફરીથી બની શકે છે. જોકે આવું કશું બન્યું નથી. જે લેન્ડમાર્ક થિયેટરમાં શૂટઆઉટ થયેલું ત્યાં આ વખતે સૂચના મૂકવામાં આવી કે ઑડિયન્સે જૉકરનો મુખવટો પહેરીને ફિલ્મ જોવા ન આવવું!

જૉકર આપણે ત્યાં રિલીઝ થઈ ચુકી છે. જો તમે ગંભીર અને ડાર્ક ફિલ્મો માણી શકતા હો ને જો તમને ઑસ્કર-લાયક ફિલ્મોમાં રસ હોય તો જૉકર જોજો. વૉકિન ફિનિક્સનો અભિનય જોઈને તમે આફરીન ન થઈ જાઓ તો કહેજો.
 
 0 0 0      
  

No comments:

Post a Comment