Showing posts with label ગાંધીજી. Show all posts
Showing posts with label ગાંધીજી. Show all posts

Thursday, June 18, 2020

મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 જૂન 2020, બુધવાર
ટેક ઓફ 
જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી.

રામકથાકાર મોરારીબાપુ છેલ્લા કેટલાક દિવસોથી અપ્રિય કારણોસર સમાચારમાં છે. અત્યંત ગલીચથી લઈને હળવી ભાષામાં એમની ટીકા કરનારાઓની વાતમાં એક મુદ્દો કૉમન છે કે ઈશ્વર અને અલ્લાહ એક જ છે તેવી ભાવના વ્યક્ત કરતી ચેષ્ટા ફક્ત બાપુ જ કેમ કરે છે? મુસ્લિમ સમાજ કેમ મસ્જિદમાં કે કોઈ જાહેર મંચ પરથી રામનામ કે કૃષ્ણનામના જાપ કરીને વળતો પ્રતિસાદ આપતો નથી? બન્ને ધર્મો પ્રત્યે સમાન દષ્ટિ ધરાવવાની લાગણી એકપક્ષી કેવી રીતે હોઈ શકે? તે પારસ્પરિક હોય તો જ તેનો અર્થ સરે ને!
આ ટીકાકારોના જીવને સહેજ નિરાંત થાય એવું એક અસલી કિરદાર નજીકના ભૂતકાળમાં થઈ ગયું છે. એમનું નામ રેહાના તૈયબજી. તેઓ ગાંધીજીનાં અંતેવાસી હતાં. 1901માં તેમનો જન્મ. જેવી અઠંગ એમની રાષ્ટ્રભક્તિ એટલી જ બળકટ એમની કૃષ્ણભક્તિ. એમને આખી ગીતા કંઠસ્થ હતી. એમણે હાર્ટ ઑફ ગોપી નામનું પુસ્તક લખ્યું હતું, જેનું બળવંતરાય ક. ઠાકોરે ગોપીહૃદય નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. રેહાના તૈયબજી વિશે વિગતે જાણવા જેવું છે.
રેહાના તૈયબજીનો પરિવાર સુલેમાની વહોરા. મૂળ તેઓ ઇજિપ્તના શિયા મુસલમાન. સુન્ની તુર્કોએ ઇજિપ્ત પર આક્રમણ કર્યું હતું ત્યારે તેઓ સમુદ્ર માર્ગે ગુજરાતના ખંભાત બંદરે પહોંચ્યા હતા અને પછી અહીં જ વસી ગયા. આ પરિવારના બદરૂદ્દીન તૈયબજી ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનેલા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સ્થાપકોમાંના તેઓ એક. બદરૂદ્દીનના ભત્રીજા એટલે અબ્બાસ તૈયબજી. તેઓ પણ કાકાની માફક ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયા ને ગાંઘીજીના તીવ્ર પ્રભાવ હેઠળ સ્વાતંત્ર્યસેનાની બન્યા. વર્ષો સુધી તેઓ વડોદરા રાજ્યના દીવાન રહ્યા. કૉંગ્રેસના અધિવેશનોમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા. તેમની દીકરી એટલે આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ, રેહાના તૈયબજી.
વડોદરામાં જન્મેલા રેહાના તૈયબજીમાં સ્વાભાવિક રીતે જ દેશભક્તિના સંસ્કાર ઉતરી આવ્યા હતા. પિતાનાં દેશહિતનાં કાર્યોનાં તેઓ પ્રત્યક્ષ સાક્ષી. તેમને થયું કે જો હું પરણી જઈશ તો આ પ્રકારનું કોઈ કાર્ય નહીં કરી શકું. આથી તેમને આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કયો. અસહકારના આંદોલનમાં ભાગ લઈ વડોદરાના સૂરસાગર તળાવના કાંઠે વિદેશી કપડાંની હોળી કરી. ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરીને આશ્રમમાં રહેવાની અનુમતી માગી. ગાંધીજીએ તરત હા પાડી.

રેહાના તૈયબજીના આશ્રમપ્રવેશ વિશે સ્વયં ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે, જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ્ટ છે જ. તેની પાસે સર્વ પ્રકારનાં ભજનોનો ભંડાર છે. તે રોજ સંભળાવતાં. કુરાનમાંથી મીઠી અને ઊંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતાં. મેં કહ્યું, અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી. એમાંની એક પ્રખ્યાત ફત્તેહ છે.
રેહાના તૈયબજીએ ગાંધીજીને પોતાના ગુરૂ બનાવીને અહિંસાના પાઠ શીખ્યા. શીખવાની પ્રક્રિયા દ્વિપક્ષી હતી. ગાંઘીજી રેહાના પાસથી ઉર્દૂ શીખતા! રેહાનાને તેઓ ઉસ્તાદિની કહેતા. રેહાનાને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કેવું ઉર્દૂ લખ્યું હતું તે જુઓઃ
તુમ્હારા ખત પા કર કર બહોત ખુશી હાસિલ હુઈ. મૈં ગલતીયાં તો બહોત કરતા હૂં. ધીરજ રખના. જબ તુમકો થકાન આવે તબ દુરસ્ત કરનેકા છોડ દો. મૈં તો હર હફ્તે મેં લિખને કી કોશિશ કરુંગા. શરૂ કિયા હૈ ઉસે નહીં છોડુંગા. મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે.
જબ તુમકો થકાન આવે આ વાક્યમાં ગાંધીજીનું આયેને બદલે આવે અશુદ્ધ હોવા છતાં કેટલું મીઠું લાગે છે!
રેહાના તૈયાબજી આઝાદીના જંગમાં સક્રિય રહેવા માગતા હતાં, પણ નાનપણથી જ તબિયત સતત નરમગરમ રહ્યા કરતી હોવાથી તેઓ પાછળ પડી જતાં હતાં. ગાંધીજીને કાગળ લખીને એમણે આ વાતનો અફસોસ વ્યક્ત કરેલો. ગાંધીજીએ વળતા પત્રમાં જવાબ આપ્યોઃ
નિર્દોષની પ્રાર્થના પણ જાહેર કામ જેટલું જ બલ્કે વધારે કામ આપે છે. એટલે તું શરીર વતી કામ ન આપી શકે તો શું થયું? એનું દુખ ન લગાડતી... ગીતાના શબ્દોમાં કહીએ તો આપણી ફરજ તો કાર્ય કરીને છૂટવામાં અને પરિણામની દરકાર ન કરવામાં રહેલી છે. ઉદ્દેશ અને કાર્યશુદ્ધિ હોય તો તેમાંથી ઊભા થતાં વિવિધ પરિણામો માટે કર્તા જવાબદાર નથી.
1926માં એક યુવક સંમેલનમાં રેહાના તૈયબજીએ એટલા મીઠા સૂરે ભજનો સંભળાવ્યાં કે ગાંધીજી વાહ પોકારી ઉઠ્યા હતા. રેહાનાનો અવાજ તો રવીન્દ્રનાથ ટાગોરને પણ ખૂબ ગમતો. ગાંધીજીએ એક પત્રમાં રેહાના તૈયબજીને લખ્યું છેઃ તમારો કંઠ એવો મધુર છે કે સાંભળીને લોકો પોતાની ચિંતાઓ ભૂલી જાય છે, તો તમારી પોતાની ચિંતાઓ દૂર કરવા માટે તમે તમારા કંઠની જ આરાધના કરો.
રેહાના તૈયબજીએ કડી પ્રાંતમાં પ્રમુખ બનીને યુવક સંઘની લગામ પોતાના હાથમાં લીધી હતી. એમનું તન નબળું પણ મન ખૂબ મક્કમ હતું. પાટણની બજારમાં વિદેશી કાપડ વેચતા વેપારીઓ સામે એમણે સત્યાગ્રહ આદર્યો. કેટલાય લોકો એમની સાથે જોડાયા. રેહાના તૈયબજીના પ્રયત્નોને કારણે પાટણમાં વિદેશી કાપડના વેચાણ પર પ્રતિબંધ લાગી ગયો. હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈને તેઓ જેલમાં ગયાં ને ત્યાં તેમણે ભરતગૂંથણ કરવા માંડ્યું. પછી તેમને પ્રશ્ન થયો કે આમાં ચીનના રેશમનો ઉપયોગ કરાય કે નહીં? ગાંધીજીએ કહ્યું કે જેમને કળાની નાશ થવાની બીક છે તેઓ ભરતગૂંથણમાં ગમે તેટલું ચીની સૂતર વાપરી શકે. માત્ર જેના પર ભરતગૂંથણ કરવામાં આવે છે તે વસ્ત્ર હાથે કાંતેલા ખાદીનું હોવું જોઈએ!
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનાં નિધન પછી રેહાના ગાંધીજીના અંતેવાસી બની ગયાં હતાં. ગાંધીજી મુંબઈમાં હોય ત્યારે રોજ સાંજે મીરાંબાઈનું મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ ભજન અચૂકપણે ગાય. ગાંધીજીના અવસાન પછી તેઓ કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યાં. રેહાના તૈયબજીએ આત્મકથાનું શીર્ષક સુનિયે કાકાસાહેબ છે. પોતાનું શેષ જીવન એમણે દિલ્હીમાં વિતાવ્યું. 17 મે, 1975ના રોજ દિલ્હીમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઓખલામાં જામિયા મિલિયા પાસે રેહાના તૈયબજીની કબર તૈયાર કરવામાં આવી.  
રેહાના તૈયબજીએ સૌથી પહેલી વાર અંગ્રેજીમાં ગીતાનું ભાષાંતર વાંચ્યું હતું. પછી તો તેઓ પૂરેપૂરા કૃષ્ણમય બની ગયાં હતાં. એમની કૃષ્ણપ્રીતિ એટલી તીવ્ર અને કૃષ્ણગીતો ગાતી વખતે ગાયકી એવી ભાવપૂર્ણ હોય કે લોકોએ તેમને આધુનિક મીરાંબાઈ કહેવાનું શરૂ કરી દીધેલું. તેઓ કહેતાં, શ્રીકૃષ્ણ સંપૂર્ણાવતાર છે. જે પુરુષોત્તમ છે એ જ કૃષ્ણ છે. રેહાના તૈયબજી સૂફી જીવ હતાં. ગીતા અને કુરાનને તેઓ એકબીજાની છાયા ઝીલતાં પૂરક ગ્રંથો ગણાવતાં. તેઓ કહેતાં, ગીતા એ મુસ્લિમોનું કુરાન છે અને કુરાન એ હિન્દુઓની ગીતા છે.
રેહાના તૈયબજી જો આજે જીવતાં હોત ને ધારો કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમણે અત્યારે કર્યું હોત તો લોકોએ સોશિયલ મિડીયા પર કેવો હંગામો કરી નાખ્યો હોત એની કલ્પના કરી જોજો! 
0 0 0 

Thursday, February 13, 2020

ગાંધીજીનો બૂક રિવ્યુ અને શરીરનો રોટલો


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ટેક ઓફ 
‘‘પૃથિવીવલ્લભ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો?’

પુસ્તકો વાંચવાનો કે ફિલ્મો-નાટકો જોવાનો મારી પાસે સમય જ નથી. કામમાંથી ફૂરસદ મળે તોને?’
આવું બોલતા પહેલાં કે ઇવન વિચારતા પહેલાં અટકી જજો. દેશને આઝાદી અપાવવા જેવું વિરાટ કામ કરવાનું હોવા છતાં ગાંધીજી જો વચ્ચે વચ્ચે નવલકથાઓ વાંચવાનો, એટલું જ નહીં, એનો રિવ્યુ કરવાનો સમય કાઢી લેતા હોય તો આપણે કઈ વાડીના મૂળા? 1935માં બ્રિટનની પાર્લામેન્ટમાં ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ પાસ થયો ને તે ભારતમાં લાગુ પણ પડ્યો. ભારતને આઝાદી તરફ દોરી જતું અંગ્રેજોનું આ પહેલું કાયદેસરનું પગલું. આ અરસામાં ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત પૃથિવીવલ્લભ નવલકથા વાંચી. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ 170 પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. પૃથિવીવલ્લભ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે.  
પૃથિવીવલ્લભ વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી પૃથિવીવલ્લભનું શૉર્ટ ફૉર્મ પ્ર. વ. એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી 26 સપ્ટેમ્બર 1936ના રોજ ગાંધીજી લખે છેઃ
ભાઈ મુનશી,
કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે પૃથિવીવલ્લભ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. કાકાસાહેબ આ વાંચશે, તમે તો મને તમારાં કેટલાંક પુસ્તક જેલમાં જ મોકલ્યાં હતાં ત્યાં તો તેમાંનું કંઈ વાંચવા ન પામ્યો. તમે તે વખતે જ મારો અભિપ્રાય માગ્યો હતો. પ્ર. વ. બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.
હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું. રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? છૂંદો થઈ રહ્યું ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.
બાપુના આર્શીવાદ

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, 1936ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ
પૂજ્ય બાપુજીની સેવામાં,
પૃથિવીવલ્લભ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.
પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.
આપે Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે પૃ. વ. સૂચવ્યું હતું એમ કહેતા હતા.
આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ માનવતાના આર્ષદર્શનો નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિમાં આવે છે.)
કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, પૃથિવીવલ્લભ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.
જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?
સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક પૃ. વ. છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કૈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.
મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!
પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ
પૃથિવીવલ્લભ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા વેરની વસૂલાત ગણે છે. એમાં કર્મયોગની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.
આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું પૃ. વ. ને બ્રહ્મચર્યાશ્રમ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.
લિ.
ક. મા. મુનશીના પ્રણામ
મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યા છે! ગાંધીજીને શરીરનો રોટલો થઈ ગયો શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ
તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.
ખરેખર, ભવ્ય પુરુષો હતા ગાંધીજી અને મુનશી. આ આખા પત્રવ્યવહાર પરથી આપણે એક જ વસ્તુ શીખવાની છેઃ મારી પાસે સમય નથી એવા બહાનાં ભુલેચુકેય નહીં કાઢવાનાં! દેશને આઝાદી અપાવવા જેવા ભગીરથ કાર્યની વચ્ચે મુનશી જો નવલકથાઓ લખી શકતા હોય અને ગાંઘીજી તે ધ્યાનપૂર્વક વાંચીને પત્રમાં એનો રિવ્યુ લખી શકતા હોય તો આપણને મારી પાસે ટાઇમ નથી એવું વિચારવાનો પણ હક નથી!  

 0  0  0 

    

Wednesday, January 30, 2019

ગોડસેએ શું કહ્યું?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 30 જાન્યુઆરી 2019 બુધવાર

ટેક ઓફ 
ગાંઘીજી હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા… કોંગ્રેસે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.

રાબર 71 વર્ષ પહેલાં આજના જ દિવસે, એટલે કે 30 જાન્યુઆરીએ, સાંજે પાંચ વાગીને 17 મિનિટે નાથુરામ વિનાયક ગોડસેએ બંદૂકની ત્રણ ગોળી છોડીને ગાંધીજીને હણી નાખ્યા હતા.  
ગોડસેની દષ્ટિએ ગાંધીજીનો સૌથી મોટો દોષ શો હતો? એ જ કે તેઓ હંમેશાં મુસલમાનોનો પક્ષ તાણતા ને હિંદુઓને અન્યાય કરતા હતા. ગાંધીજીને હિંદુઓમાં અનેક દોષ દેખાતા, પણ મુસલમાનોમાં એકેય દોષ દેખાતો નહીં. ગોડસેનો આક્ષેપ હતો કે ગાંધીજી કહેતા એક અને પછી કરતા કંઈક બીજું જ. ગોડસેએ ગાંધીજીની સત્યનિષ્ઠાને પડકારી હતી. પોતે કરેલી ગાંધીહત્યાને જસ્ટિફાય કરતું 90 પાનાંનું નિવેદન એણે પછી અદાલતમાં પેશ કર્યું હતું. મારું જીવન એ જ મારી વાણી શીર્ષક હેઠળ ગાંધીજીની અદભુત જીવનચરિત્ર આલેખનાર નારાયણ દેસાઈ જીવ થકી શિવ ગયો નામના પ્રકરણમાં લખે છેઃ
ગોડસેના નિવેદનમાં સારા વકતૃત્વની અસરકારકતા હતી તેથી સિમલાની હાઇકોર્ટમાં જસ્ટિસ ખોસલાએ કહ્યું હતું કે તે દિવસે અદાલતમાં જે દર્શકો હાજર હતા તેમને જો જ્યૂરી બનાવવામાં આવ્યા હોત તો તેઓ ગોડસેને નિર્દોષ જાહેર કરત!’
બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો નાથુરામ ગોડસે અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં હતો. પછી એને છોડીને હિંદુ મહાસભામાં આવી ગયેલો. નારાયણ દેસાઈએ મારું જીવન એ જ મારી વાણીમાં ગોડસેના નિવેદનમાંથી કેટલાય ફકરા વિસ્તારપૂર્વક ટાંક્યા છે. એના કેટલાક અંશ પર નજર ફેરવવા જેવી છે. ગોડસે કહે છેઃ 
એ દિવસોમાં એવી ઘટનાઓ થઈ કે મેં માની લીધું કે સાવરકરજી અને બીજા નેતા મારી નીતિને ટેકો નહીં આપે... ગાંઘીજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે હરિજન કોલોનીમાં (ગોડસેએ અહીં હરિજન માટે વપરાતો બે અક્ષરનો અપમાનજનક શબ્દ લખ્યો છે) મંદિરમાં પ્રાર્થનાસભામાં પૂજારીઓ અને જનતાના વિરોધ છતાંય કુરાનની આયતો વાંચી પણ તેઓ કદી કોઈ મસ્જિદમાં ગીતા વાંચવા ન પામ્યા. તેઓ હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા. મેં ગાંધીજીના એ વિચારનો નાશ કરવાનું નક્કી કર્યું કે હિંદુ સહનશીલ હોય છે. હું એ સિદ્ધ કરવા માગતો હતો કે હિંદુનું અપમાન થાય છે ત્યારે તે પણ સહનશીલતા છોડી શકે છે.
...મને અને મારા મિત્રોને સાવરકરજીના (આ) વિચારો સંતોષજનક ન લાગ્યા. અમે હિંદુ જાતિના હિતમાં સાવરકરજીના નેતૃત્વને છોડવાનું ઠરાવ્યું... મને બધા પક્ષોની મિશ્ર સરકાર બને એની સામે વિરોધ નહોતો પણ કોંગ્રેસ ગાંધીજીના ઈશારા મુજબ ચાલતી હતી અને કોઈ બાબત સરકાર એમની ન માને તો તેઓ ઉપવાસ કરવાની ધમકી આપતા. અને સરકારમાં કોંગ્રેસનો બહુમત તો નક્કી જ હતો અને એ પણ નક્કી હતું કે એ સરકાર ગાંધીજીની આજ્ઞા મુજબ ચાલશે અને એ બધાને લીધે હિંદુઓ પર અન્યાય થતો રહેવાનો એ નક્કી જ હતું.
અમારી પાસે બે જ કાર્યક્રમો હતા. ગાંધીજીની સભાઓમાં શાંતિપૂર્વક વિરોધી દેખાવો કરવા અને જેમાં હિંદુ વિરોધી ભાષણો થતાં હોય તે સભાઓ થવા જ ન દેવી... મને કહેવામાં આવે છે કે મે જં કાંઈ કર્યું છે તે સાવરકરના ઈશારાને લીધે જ કર્યું છે. આ મારા વ્યક્તિત્ત્વનું, મારા  કાર્યનું અને નિર્ણયશક્તિનું અપમાન છે. વીર સાવરકરને મારા આ કાર્યક્રમની જરાય જાણ નહોતી કે જેને આધારે મેં ગાંધીનો વધ કર્યો.
ગોડસેએ પોતાના નિવેદનમાં ગાંધીજી પર જે સીધા આક્ષેપો કર્યા હતા તે જાણવા જેવા છેઃ
...આ મહાત્માના 30 વર્ષના નેતૃત્વમાં એવાં એવાં કાળાં કામો થયાં જેવાં પહેલાં કદી નહોતાં થયાં. વધુમાં વધુ મંદિરોને અપવિત્ર કીધાં. વધુમાં વધુ લોકોને મુસલમાન બનાવ્યા અને વધુમાં વધુ સ્ત્રીઓનાં અપમાન થયાં. ગાંધીજી તો શિવાજી, (મહારાણા) પ્રતાપ અને ગુરુ ગોવિંદસિંહ આગળ કાંઈ નહોતા. તેઓ એ વીરોની નીંદા કરતા એ એમની મર્યાદાની બહારનું અને અનુચિત કામ હતું.
ગાંધી એક હિંસક શાંતિમૂર્તિ હતા, જેમણે સત્ય અને અહિંસાને નામે દેશ પર ઘોર આપત્તિઓ નોતરી. ગાંધીજીના મનમાં હિંદુ અને મુસલમાન બન્નેનું નેતૃત્વ કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ રૂપમાં હતી. આકાંક્ષા તો સાચી હતી પણ આવી જગ્યાએ કેવું નેતૃત્વ કરવું જોઈએ એનું એમને જ્ઞાન નહોતું... થોડા સમય બાદ ગાંધીજીએ પોતાનું ધ્યેય મુસલમાનોને સંતુષ્ટ કરવાનું બનાવી દીધું. જેમ જેમ એમનો પરાજય થતો ગયો તેમ તેમ તેઓ મુસલમાનો માટે વધુ બલિદાન કરવા તત્પર થતા ગયા. મુસ્લિમ લીગની માંગો તો ઉચિત હોય કે ન હોય તોયે પૂરી કરતા ગયા.
હિંદુ-મુસ્લિમ એકતાને નામે ગાંધીના ખોટા માર્ગદર્શનમાં કોંગ્રેસ પોતાનું સાચું ધ્યેય ખોઈ બેઠી... ભારત આવ્યા પછી ગાંધીજીએ એવી રીતે કામ કર્યું કે તેઓ પોતાના નિર્ણયને છેવટનો નિર્ણય માનવા લાગ્યા... એમનો સિદ્ધાંત હતો કે સત્યાગ્રહી કદી અસફળ થઈ જ ન શકે, પણ સત્યાગ્રહની વ્યાખ્યા એમણે કદી સ્પષ્ટ ન કરી.
ગાંધીજીએ શિવબાવની જેવી સાહિત્યિક અને ઐતિહાસિક રચના પર પણ પ્રતિબંધ લગાવડાવી દીધો. (1944માં) ગાંધીજી રોજ ઝીણાને ઘેર જતા હતા અને એમનાં વખાણ કરતા હતા, એમને ભેટતા, પણ ઝીણા પોતાની પાકિસ્તાનની માગણીથી એક તસુએ ન હઠ્યો... સીધાં પગલાંથી હાનિ કેવળ હિંદુઓની જ થઈ. કોંગ્રેસે તે વખતે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.
ગાંઘીજીને જો પોતાની અહિંસા પર વિશ્વાસ હોત તો તેઓ કાશ્મીરમાં સેનાને બદલે સત્યાગ્રહી, રાઇફલોને બદલે તકલીઓ અને બંદૂકોને બદલે રેંટિયા મોકલાવત.
જ્યારે ઉચ્ચ નેતાઓએ ગાંધીજીની સહમતિથી માતૃભૂમિના ટુકડા કરી નાખ્યા ત્યારે મારું હૃદય ક્ષોભથી ભરાઈ ગયું... મારે હાથ એટલા સારુ ઉઠાવવો પડ્યો કે પાકિસ્તાન થયા પછી જે કાંઈ ભયંકર ઘટનાઓ થઈ છે એને સારુ કેવળ ગાંધીજી જ જવાબદાર છે. સરકારે પંચાવન કરોડ ન આપવાનો નિર્ણય જનતાના પ્રતિનિધિને નાતે કર્યો હતો, પણ ગાંધીજીના અનશને આ નિર્ણયને બદલી દીધો ત્યારે હું સમજ્યો કે ગાંધીજીની પાકિસ્તાનપરસ્તી આગળ જનતાના મનનું કોઈ મહત્ત્વ નથી.
દેશભક્તિ જો પાપ હોય તો હું કબૂલ કરું છું કે મેં પાપ કર્યું છે. એ જો પ્રશંસનીય હોય તો હું મારી જાતને પ્રશંસાનો અધિકારી માનું છું. હું એ વાત માનવા તૈયાર છું કે ગાંધીજીએ દેશ સારું ઘણાં કષ્ટ વેઠ્યાં. એમણે જનતામાં જાગૃતિ પેદા કરી. એમણે પોતાના સ્વાર્થ ખાતર કશું નથી કર્યું, પણ દુખ એનું છે કે એઓ એટલા ઇમાનદાર નહોતા કે અહિંસાની હારને સ્વીકારી લે. મેં જે કૃત્ય કર્યું છે તેના નૈતિક પાસા અંગે મારો આત્મા કદી વિચલિત થયો નથી. મને જરાયે સંદેહ નથી કે ભવિષ્યમાં ઇતિહાસકારો આ ઇતિહાસને સચ્ચાઈ અને ઇમાનદારીથી લખશે ત્યારે મારાં કાર્યો અને પરિણામોનું સાચું મૂલ્યાંકન થશે.
ખેર, પોતાની જાતને સાચી પૂરવાર કરવા નાથુરામ ગોડસેએ પોતાના નિવેદનમાં જે જૂઠાણાં અને અર્ધસત્યોનો આશરો લીધો હતો એની પોકળતા સમજવા માટે ભાવિ ઇતિહાસકારોના મૂલ્યાંકનની જરૂર જ નહોતી. નારાયણ દેસાઈ કહે છે તેમ, ગાંધીજીના સમગ્ર જીવનમાં જ ગોડસેના આક્ષેપોના જવાબ ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે. ક્યાં અને શી રીતે? ઉત્તર આવતા બુધવારે.
0 0 0 


Monday, December 24, 2018

ગાંધીજીથી અંબાણીઃ વેવાઈની કક્ષા કેવી હોય?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 ડિસેમ્બર 2018 
ટેક ઓફ
તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પત્રવ્યવહાર પણ કરવાનો નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું.
Gandhiji and C.Rajagopalachari

ગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે. માત્ર સેલિબ્રિટી દુલ્હા-દુલ્હનો જ નહીં, પણ એમના પિતાઓ અને વેવાઈઓ પણ એકાએક ન્યુઝમાં આવી ગયા છે. જેમ કે, મુકેશ અંબાણીએ પોતાના કરતાં નાના ઘરમાં દીકરી ઈશાને પરણાવી છે. મુકેશભાઈની મિલકતનો આંકડો 3,71,000 કરોડને સ્પર્શે છે, જ્યારે વેવાઈ અજય પિરામલની મિલકત મુકેશ અંબાણી કરતાં દસમા ભાગની છે - માત્ર   38,900 કરોડ રૂપિયા! ફોર્બ્સ મેગેઝિને તૈયાર કરેલાં ભારતના સૌથી ધનિક લોકોનાં લિસ્ટમાં મુકેશ અંબાણી પહેલા નંબરે છે, વેવાઈ ચોવીસમા નંબરે છે અને નાનો ભાઈ અનિલ અંબાણી 44મા નંબરે છે! 

દીપિકા પદુકોણના પપ્પા પ્રકાશ પદુકોણ ખુદ એક સેલિબ્રિટી છે. 1980માં તેઓ બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન હતા. એમના વેવાઈ એટલે કે રણવીર સિંહના હેન્ડસમ પિતા  જગજિતસિંહ ભાવનાની સાદા બિઝનેસમેન છે. પ્રિયંકા ચોપડા ડોક્ટર માતા-પિતાની દીકરી છે. પ્રિયંકાના  સસરા  પૉલ જોનસ એક સમયે ચર્ચમાં સંગીત વગાડતા અને ગીતો પણ લખતા. જમાઈ નિક જોનસમાં પપ્પાના ગુણો આવ્યા છે. એ વાત અલગ છે કે પ્રિયંકાના શ્વસુરજી હાલ રિઅલ એસ્ટેટનું કામકાજ કરે છે અને એક મિલિયન ડોલરનું દેવું કરીને બેઠા છે.

આ તો થયા એકવીસમી સદીના વેવાઈઓ. આજે ગઈ સદીની એક અફલાતૂન વેવાઈ-જોડીની વાત કરવી છે. એ છે ગાંધીજી અને સી. રાજગોપાલાચારી. સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીની જન્મજયંતિ અને પુણ્યતિથિ બન્ને આ મહિનામાં પડે છે (જન્મઃ 10 ડિસેમ્બર 1878, મૃત્યુઃ 25 ડિસેમ્બર 1972). રાજાજી અથવા સી.આર.ના ટૂંકા નામે ઓળખાતા રાજગોપાલાચારીની એક પુત્રી લક્ષ્મી ગાંધીજીના સૌથી નાના દીકરા દેવદાસને પરણી હતી.

ગાંધીજી અને રાજાજી એકમેકના પ્રત્યક્ષ પરિચયમાં શી રીતે આવ્યા? 1919માં રાક્ષસી જલિચાંવાલા બાગ હત્યાકાંડનો ભારતમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હતો. મદ્રાસમાં આ વિરોધ પ્રદર્શનની જવાબદારી રાજાજીએ લીધી હતી. ગાંધીજી સાથે રાજાજીની પહેલી મુલાકાત આ રીતે થયેલી, 1919માં. ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું પ્રચંડ હતું કે સાવ અદના માણસથી માંડીને પ્રખર બુદ્ધિજીવીઓ સુધીના સૌ કોઈ એમનાથી પ્રભાવિત થઈ જતા. રાજાજી પણ આમાં અપવાદ નહોતા.  રાજાજી પર ગાંધીજીએ એટલી તીવ્ર અસર છોડી કે એમણે વકીલાતને તિલાંજલિ આપી દીધી કે જેથી આઝાદીની લડતમાં  સંપૂર્ણ સમય અને શક્તિ ખર્ચી શકાય. 



રાજાજીએ હોમરૂલ આંદોલન અને અસહકાર આંદોલન એમ બન્નેમાં  ભાગ લીધો હતો. સરકારે ગાધીજીની ધરપકડ કરીને જેલમાં પૂર્યા ત્યારે યંગ ઇન્ડિયા સામયિકનું સંપાદનકાર્ય રાજાજીએ સંભાળી લીધું. અંગ્રેજ સરકારે પછી રાજાજીને પણ જેલમાં પૂર્યા. આ હતી એમને પહેલી જેલયાત્રા. ક્રમશઃ રાજાજીની ગણના ગાંધીજીના નિકટના શિષ્ય તરીકે થવા માંડી. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને રાજાજી  - આ ત્રિપુટી ગાંધીજીનાં મસ્તક, હૃદય અને હાથ તરીકે ઓળખાવા લાગી. કોઈપણ ગાંધીપ્રેમી માટે આ સ્તર પર પહોંચવું એ બહુ મોટી વાત ગણાય.

ગાંધીજી સાથેની રાજાજીની નિકટતા હવે અલગ કક્ષાએ પહોંચવાની હતી. ગાંધીપુત્ર દેવદાસની નજરમાં રાજાજીની દીકરી લક્ષ્મી વસી ગયેલી. લક્ષ્મીને પણ દેવદાસ પસંદ હતો. બન્ને પ્રભુતામાં પગલાં પાડવાં માગતાં હતાં. ગાંઘીજી રહ્યા ગુજરાતી વૈષ્ણવ વાણિયા, જ્યારે રાજાજી સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ.  આમ, આ લગ્ન માત્ર આંતરજ્ઞાતીય જ નહીં, આંતરપ્રાંતીય પણ ગણાય. બન્ને સમાજમાંથી વિરોધ થઈ શકે એમ હતો.  યાદ રહે, આ આપણે આજથી નેવું-સો વર્ષ પહેલાંના ભારતની વાત કરી રહ્યા છીએ. પરંતુ ગાંધીજી અને રાજાજી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતા નાત-પ્રાંતના બંધનોમાં થોડા પડે? તેમને સૌથી વધારે ફિકર એ વાતની હતી કે દેવદાસ એ વખતે 28 વર્ષના હતા ને લક્ષ્મી માંડ પંદરની હતી. તે જમાનામાં સગીર વયની દીકરીને પરણાવવી સામાજિક રીતે સ્વીકાર્ય ગણાતું હતું, પણ ગાંધીજી અને રાજાજીએ આવું પગલું ન ભર્યું.  

એમણે દેવદાસ અને લક્ષ્મીને પાસે બેસાડીને કહ્યુંઃ જુઓ, તમે લગ્નસંબંધથી જોડાઓ તેની સામે અમને કશો વાંધો નથી, પણ અમારી એક શરત છે. તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પ્રસંગોપાત મળવાનું પણ નહીં અને પત્રવ્યવહાર પણ નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું. 

0 0 0 

Wednesday, October 3, 2018

તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે...

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 ઓક્ટોબર 2018 બુધવાર

કોલમઃ ટેક ઓફ 

ગાંઘીજી અને કસ્તૂરબાના સૌથી મોટા પુત્ર હરિલાલે એમને ખૂબ દુખ આપ્યું હતું, ખૂબ દુભવ્યા હતા. લોહીના સંબંધોમાં, દિલના સંબંધોમાં કોણ કેટલું સાચું કે ખોટું હોય છે?

Gandhi and his son, Harilal

બીજી ઓક્ટોબરે એટલે કે ગઈ કાલે ગાંધીજીનો 149મો જન્મદિવસ હતો. ગાંધીજી જન્મ્યા 1869માં, જ્યારે એમના સૌથી મોટા પુત્ર હરિલાલનો જન્મ થયો 1888માં. બાપ-દીકરા વચ્ચે ઉંમરમાં ફક્ત ઓગણીસ વર્ષનો ફરક હતો.

ગાંઘીજી અને હરિલાલ વચ્ચેના વિસ્ફોટક સંબંધ વિશે સાહિત્ય રચાયું છે, ફિલ્મો અને નાટકો બન્યાં છે. ગાંધીજી રાષ્ટ્રપિતા તો બની ગયા, પણ હરિલાલને પોતાના સગા બાપ પ્રત્યે ભયાનક અસંતોષ રહી ગયો. સામે પક્ષે ગાંધીજી પણ હરિલાલને કારણે પુષ્કળ ઘવાયા હતા. દિલના સંબંધમાં, લોહીના સંબંધમાં કોણ ક્યાં કેટલું સાચું કે ખોટું છે એ સમજી શકાતું નથી, કદાચ શક્ય પણ નથી. ગાંધીજી અને કસ્તૂરબાને સૌથી મોટો ઘા ત્યારે પડ્યો જ્યારે એમના આ બેજવાબદાર, અવિચારી અને વિદ્રોહી દીકરાએ 26 મે 1936ના રોજ ગુપચુપ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો.  અઠવાડિયા પછી ગાંધીજીએ છાપામાં નિવેદન આપ્યુઃ

જો એણે આ ધર્મસ્વીકાર હૃદયપૂર્વક અને કશાં દુન્યવી લેખાં માંડ્યા વગર કર્યો હોય તો મારે એમાં કંઈ કહેવાપણું ન હોય, કેમ કે ઈસ્લામને હું મારા ધર્મ જેવો જ સત્ય માનું છું... (પણ) એનો (એટલે કે હરિલાલનો) આર્થિક લોભ નહોતો સંતોષાયો અને એ સંતોષવા સારું એણે ઈસ્લામ સ્વીકાર્યો છે... મારા મુસ્લિમ મિત્રોને ઉદ્દેશીને લખું છું તે એ ઇરાદાથી કે જો તેનું ધર્માંતર આધ્યાત્મિક નથી તો તમે એને સાફ સાફ કહેજો ને એનો અસ્વીકાર કરજો.

એક દિવસ સમાચાર મળ્યા કે હરિલાલ દારૂ પીતાં પકડાયા છે ને એમને દંડ પણ થયો છે. કસ્તૂરબા માટે આ બધું અસહ્ય હતું. એક વાર તેઓ એકલાં એકલાં પોતાની જાત સામે બળાપો કાઢી રહ્યાં હતાં. એમના સૌથી નાના પુત્ર દેવદાસે આ સાંભળ્યું ને એ જ દિવસે મોડેથી કસ્તૂરબાની હૈયાવરાળ કાગળ પર ઉતારી લીધી. આ લખાણમાંથી પછી એક માતાનો પુત્રને ખુલ્લો પત્ર તૈયાર થયો, જે 27-9-1936ના રોજ પ્રસિદ્ધ થયો. કસ્તૂરબા કહે છેઃ

તું તારાં વૃદ્ધ મા-બાપને તેમના જીવનની સંધ્યાએ જે અપાર દુખો આપી રહ્યો છે તેનો તો વિચાર કર! તારા પિતા કોઈને કંઈ કહેતા નથી પરંતુ તેનાથી તેનું હૃદય કેટલું તૂટી રહ્યું છે તે હું જાણું છું. અમારી લાગણીઓને વારંવાર દૂભવવાનું તું મોટું પાપ કરી રહ્યો છે. તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે...

...તું ક્યાંથી સમજે કે તારા પિતાનું ભૂંડું બોલી બોલીને માત્ર તું તારી જાતને જ હલકો પાડી રહ્યો છે? તારા પિતાના દિલમાં તો તારા માટે પ્રેમ સિવાય બીજું કશું નથી... એમણે તને રાખવા, ખોરાક-કપડાં પૂરાં પાડવા, અરે તારી માવજત સુધ્ધાં કરવા સ્વીકાર્યું છે... તેમને આ જગતમાં બીજી ઘણી જવાબદારીઓ છે. તારા માટે બીજું વિશેષ શું કરે?... પ્રભુએ એમને તો વિશેષ મનોબળ આપેલું છે... પણ હું તો ભાંગીતૂટી કાયાવાળી વૃદ્ધ સ્ત્રી છું. હું આ કષ્ટ-ક્લેશ સહી શકવા અસમર્થ છું... પ્રભુ તારું વર્તન સાંખશે નહીં... તારી બદનામીના કયા તાજા ખબરો છાપામાં આવશે એ વિચાર સાથે દર સવારે ઊઠતાં મને ધ્રાસ્કો પડે છે... ધર્મ વિશે તું શું જાણે છે?... તું પૈસાનો ગુલામ છે. જે લોકો તને પૈસા આપે તેઓ તને ગમે છે. પરંતુ તું પીવામાં પૈસો વેડફે છે... તું તારો અને તારા આત્માનો નાશ કરી રહ્યો છે... હું તને વિચાર કરી જોવા અને તારા મૂરખવેડામાંથી પાછા ફરવા આજીજી કરું છું.

Kastoorba and her son, Harilal


કસ્તૂરબાએ આ પત્રમાં જે મુસ્લિમોએ હરિલાલના ધર્મપરિવર્તન તેમજ ત્યાર પછીની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો એમને ઉદ્દેશીને લખ્યું કે, કેટલાક તો મારા પુત્રને મૌલવીની ઉપાધિ આપવાની હદ સુધી પહોંચ્યા છે. એ શું વાજબી છે? તમારો ધર્મ દારૂડિયાને મૌલવી તરીકે ઓળખવાની અનુજ્ઞા આપે છે?’

કસ્તૂરબાના આ પત્રનો હરિલાલે સીધો જવાબ તો ન આપ્યો, પણ 1-10-1936ના રોજ કાનપુરની એક જાહેર સભામાં તેઓ બોલ્યા કે, હું અબ્દુલ્લા છું, હરિલાલ નથી. એટલે આ પત્ર સ્વીકારતો નથી. મારી માતા અભણ છે. તે આવું લખી શકે એ હું માની શકતો નથી... મારી તો એક જ ઇચ્છા છે, અને તે, ઇસ્લામ ધર્મના એક કાર્ય કરનાર તરીકે મરવાની...

હરિલાલ અહીંથી ન અટક્યા. બીજી એક જાહેર સભામાં તેમણે મંચ પર ત્યાં સુધી કહ્યું કે, મારી માતા કસ્તૂરબાઈએ મને દારૂ છોડવાની વિનંતી કરી છે. મારો તો એમને આ જવાબ છે કે હું દારૂ છોડીશ પણ ક્યારે? કે જ્યારે પિતાજી અને એ બન્ને જણાં ઇસ્લામનો અંગીકાર કરે.

અમુક સંબંધો શું કેવળ પીડા આપવા માટે સર્જાતા હોય છે? સંતાન કપાતર પાકે એની પાછળ શું ગણિત હોય છે? જો ઉછેરનો જ વાંક હોય તો એક જ ઘરમાં ઉછરેલાં બીજાં સંતાનો કેમ સરળ અને સંસ્કારી મનુષ્યો બની શકે છે? હરિલાલની જે કંઈ હાલત હતી એ બદલ ગાંધીજીને ગિલ્ટ હતું. 3-10-1936ના રોજ ગાંધીજી પુત્ર દેવદાસને પત્રમાં લખે છેઃ

...હરિલાલના પતનમાં જાણ્યે-અજાણ્યે મેં અથવા અમે બન્નેએ (માબાપે) કેવો ને કેટલો ભાગ ભજવ્યો હશે એ કોણ કહી શકે? ‘તુખમાં તાસીર કથનમાં તો શાસ્ત્ર ભર્યું છે. (તુખ એટલે ફળ, શાકભાજી વગેરેની છાલ.) એવું જ ગુજરાતી છે વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. આવા વિચારો આવતાં હરિલાલનો દોષ કાઢવાનું થોડું જ મન થાય છે... તે કાળનું મારું વિષયી મન જાણું છું. બાકીની ખબર નથી પડતી. પણ ઈશ્વરી સૂક્ષ્મ રીતો કોણ જાણી શકે છે?’

હરિલાલની સગી દીકરીની દીકરી નીલમ પરીખે લખેલા ગાંધીજીનું ખોવાયેલું ધનઃ હરિલાલ ગાંધી નામના પુસ્તકમાં આ સઘળો પત્રવ્યવહાર છપાયો છે. અસ્થિરતા એ હરિલાલનો સ્થાયી ભાવ હતો. આર્ય સમાજના કાર્યકર્તાઓએ એમને પુનઃ હિન્દુ ધર્મમાં પાછા લાવવાના પ્રયત્નો કર્યા ને ફક્ત પાંચ મહિના અને તેર દિવસ બાદ, 14-11-1936 ના રોજ, તેઓ મુસ્લિમમાંથી પુનઃ હિંદુ બની ગયા. ગાંધીજીની હત્યા થઈ એના પાંચ મહિના બાદ ટીબીનો ભોગ બનેલા હરિલાલે પણ દેહ છોડ્યો.

હરિલાલ એક દુખી અને દુભાયેલા જીવ હતા. તેમને ખરેખર કેટલો અન્યાય થયો હતો? તેઓ કેટલી હમદર્દીને પાત્ર હતા? અમુક માણસો એક કોયડો બનીને રહી જતા હોય છે. અમુક સંબંધો પણ!  


0 0 0