Showing posts with label Anil Kapoor. Show all posts
Showing posts with label Anil Kapoor. Show all posts

Sunday, April 12, 2015

મલ્ટિપ્લેક્સ : પરિંદા : તુમ સે મિલ કે... ઐસા લગા તુમ સે મિલ કે...

Sandesh - Sanskaar Purti - 12 April 2015
મલ્ટિપ્લેક્સ 
'પરિંદા'માં કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય એવું રિઅલિઝમ હતું. 'સત્યા', 'બેન્ડિટ કવીન', 'વાસ્તવ'જેવી ફિલ્મોને આવવાને તો હજુ ઘણી વાર હતી. ફિલ્મોમાં આવું જ હોય, ફિલ્મ તો આમ જ બનાવાય એ પ્રકારની કેટલીય પ્રચલિત માન્યતાઓનો 'પરિંદા'એ ભાંગીને ભુક્કો કરી નાખ્યો. કેટલાય નવા ટ્રેન્ડ્ઝ પેદા કર્યા. હિન્દી સિનેમાના પ્રેમીઓ જ નહીં, નવી પેઢીના ફિલ્મમેકરો માટે પણ 'પરિંદા' એક ટેકસ્ટબુક જેવી બની રહી.
A poster of Parinda

તો, લગભગ પાંચ વર્ષથી બની રહેલી 'બ્રોકન હોર્સીસ' આખરે આ શુક્રવારે આખરે રિલીઝ થઈ ખરી. આ પ્રોપર હોલિવૂડ ફિલ્મ છે, જેના ડિરેકટર-પ્રોડયુસર કોઈ અમેરિકન કે એનઆરઆઈ નહીં, પણ પાક્કા બમ્બૈયા વિધુ વિનોદ ચોપડા છે. સહલેખક તરીકે અમદાવાદના અભિજાત જોશીનું નામ બોલે છે. 'બ્રોકન હોર્સીસ' એટલે અનિલ કપૂર-જેકી શ્રોફ-માધુરી દીક્ષિત-નાના પાટેકરને ચમકાવતી 'પરિંદા'ની અંગ્રેજી રીમેક. ૧૯૮૯ના અંતમાં એટલે સમજોને કે લગભગ પચીસ વર્ષ પહેલાં 'પરિંદા' રિલીઝ થઈ હતી. તેની વાર્તામાં આમ જુઓ તો કશું નવું નથી. બે ભાઈઓ છે, ભયંકર સંઘર્ષ કરીને આગળ આવ્યા છે, વિલન નાના ભાઈ અને એની પત્નીને ખતમ નાખે છે અને મોટો ભાઈ એનો બદલો લે છે. બસ, આટલી જ વાત, પણ ફિલ્મનું ડિરેકશન, વાર્તાને આગળ વધારવાની નરેટિવ સ્ટાઇલ, અભિનય અને ટેક્નીકલ પાસાં એવાં ગજબનાક હતાં કે પ્રેક્ષકો, સમીક્ષકો અને ઇવન ઇન્ડસ્ટ્રીના લોકો ફિલ્મ જોઈને ચકિત થઈ ગયા હતા.
'પરિંદા'માં કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય એવું રિઅલિઝમ હતું. 'સત્યા', 'બેન્ડિટ કવીન', 'વાસ્તવ'જેવી ફિલ્મોને આવવાને તો હજુ ઘણી વાર હતી. ફિલ્મોમાં આવું જ હોય, ફિલ્મ તો આમ જ બનાવાય એ પ્રકારની કેટલીય પ્રચલિત માન્યતાઓનો 'પરિંદા'એ ભાંગીને ભુક્કો કરી નાખ્યો. કેટલાય નવા ટ્રેન્ડ્ઝ પેદા કર્યા. હિન્દી સિનેમાના પ્રેમીઓ જ નહીં, નવી પેઢીના ફિલ્મમેકરો માટે પણ 'પરિંદા' એક ટેકસ્ટબુક જેવી બની રહી. હિન્દી સિનેમામાં કલ્ટ કલાસિક ગણાતી આ અફલાતૂન ફિલ્મનાં મેકિંગ વિશે આજે વિગતે વાત કરવી છે.
'પરિંદા' રિલીઝ થઈ ત્યારે વિધુ વિનોદ ચોપડા ૩૭ વર્ષના હતા. જેકી-અનિલ ૩૩ વર્ષના અને ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવેલી માધુરી દીક્ષિત માંડ બાવીસની. 'પરિંદા' અને 'રામ-લખન' બન્ને એક જ વર્ષમાં આવી. પહેલાં 'રામ-લખન', પછી 'પરિંદા'. અનિલ-જેકી-માધુરી બન્નેમાં કોમન હતાં. હકીકતમાં જેકી ઉંમરમાં અનિલ કપૂર કરતાં થોડા મહિના નાનો છે, પણ મેચ્યોર દેખાવને કારણે બન્ને ફિલ્મમાં અનિલ નાના ભાઈનો રોલ કરે છે અને જેકી મોટા ભાઈનો. વિધુ વિનોદ ચોપડાએ અગાઉ ફકત એક જ ફિલ્મ બનાવી હતી, 'ખામોશ'. શબાના આઝમી-અમોલ પાલેકરને ચમકાવતી આ એક ફાંકડી સસ્પેન્સ-થ્રિલર હતી, પણ એના પર આર્ટ ફિલ્મનંુ લેબલ ચોંટી ગયેલું. 'ખામોશ'ને ખરીદવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર તૈયાર થતો નહોતો તે દોઢ વર્ષ ડબ્બામાં પડી રહેલી એ ગાળામાં વિનોદના ફ્રસ્ટ્રેશનનો પાર નહોતો. એમણે નક્કી કરી લીધું કે જો આવી માથાઝીંકથી બચવું હશે તો પાક્કી કમર્શિયલ ફિલ્મ જ બનાવવી પડશે. એમણે વાર્તા વિચારી કાઢી. એક દિવસ ભયંકર ધૂંધવાટમાં કોઈકને લખવા બેસાડી દીધોઃ 'હું બોલતો જાઉં છું. તું લખતો જા. લિખ પહેલી લાઇન. દો ભાઈ હૈ. છોટા ભાઈ ભૂખા હૈ. રો રહા હૈ. બડા ભાઈ કહેતા હૈઃ રોતા ક્યું હૈ? મૈં હૂં ના ઈધર...' આ હતો કાગળ પર ઉતરેલો 'પરિંદા'નો પહેલો ડાયલોગ.

નાનો ભાઈનો રોલ અનિલ કપૂર કરશે તે પાક્કું હતું. વિધુની ઇચ્છા મોટા ભાઈ તરીકે અમિતાભ બચ્ચનને અને વિલન અન્ના શેઠના રોલમાં નસીરુદ્દીન શાહને લેવાની હતી. પરિસ્થિતિવશ નસીરની જગ્યાએ નાના પાટેકરને ગોઠવવા પડયા. અગાઉ ત્રણેક ઓફબીટ ફિલ્મો કરી ચૂકેલા નાના પાટેકરની આ સૌથી પહેલી કમર્શિયલ ફિલ્મ હતી. માધુરીનું રીતસર ઓડિશન લેવામાં આવ્યું હતું. મોટા ભાઈ તરીકે જેકી શ્રોફને લેવાનું સૂચન અનિલ કપૂરનું હતું. એણે જેકીને દોસ્તીદાવે અધિકારપૂર્વક કહ્યું: "જેકી, એક ફિલ્મ છે, તારે એ કરવાની છે." જેકી કહે, "કોણ છે ડિરેકટર-પ્રોડયુસર?" અનિલ કહે, "વિધુ વિનોદ ચોપડા." જેકીએ વિનોદનું નામ પણ નહોતું સાંભળ્યું. પૂછપરછ આગળ વધીઃ "મારો રોલ શું છે?" અનિલે કહ્યું, "મારા મોટા ભાઈનો." જેકી ભડક્યો, "હું તારાથી મોટો દેખાઉ છું એનો મતલબ એવો નહીં કે દર વખતે તું મને મોટો ભાઈ બનાવી દે! બડા ભાઈ-બડા ભાઈ કરીને તું તો મને ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ કરાવી દઈશ!"
અનિલે હાર ન માની. એણે કારમાં જેકીને એક ગીત સંભળાવ્યું જે ફિલ્મમાં વપરાવાનું હતું. ગીત હતું, 'તુમ સે મિલ કે... ઐસા લગા તુમ સે મિલ કે...' જેકીને ઈમ્પ્રેસ્ડ થઈ ગયો. એને થયું કે જે ડિરેકટર આર.ડી. બર્મન પાસેથી આવું અફલાતૂન ગીત કઢાવી શકે છે તે ફિલ્મ પણ હાઈકલાસ બનાવશે. પૂછ્યું: "ભીડુ, આ ગીત કોના પર પિકચરાઈઝ થવાનું છે?" અનિલ ડરતા ડરતા કહેઃ "મારા પર." બીજો કોઈ એકટર હોત તો આ ઓર નારાજ થઈ જાત, પણ જેકીએ ઊલટી પ્રતિક્રિયા આપીઃ "હવે તો હું હંડ્રેડ પર્સન્ટ આ ફિલ્મ કરીશ!"
જેકીની ઈમેજ એ વખતે દેખાવમાં હેન્ડસમ પણ એકિટંગમાં ડોબા અભિનેતાની હતી. ખેર, વિધુ વિનોદ ચોપડાએ એને પોતાના ઘરે બોલાવીને સ્ક્રિપ્ટની ફાઇલ વાંચવા આપી. થોડી વાર પછી ફાઇલ બંધ કરીને જેકીએ ઘોષણા કરી દીધીઃ મૈં તેરી ફિલ્મ કરુંગા! વિનોદને એમ કે જેકીને સ્ક્રિપ્ટ બહુ ગમી ગઈ લાગે છે, પણ એને ક્યાં ખબર હતી કે જેકી હાથમાં ફકત ફાઈલ પકડીને બેસી રહેલો. એણે જિંદગીમાં ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ વાંચી જ નથી. વાંચવાના નામ માત્રથી એને ત્રાસ થતો. એક પાનું પૂરું કરે ત્યાં સુધીમાં ઊંઘ આવવા માંડતી! જેકી બહુ સરળ અને મસ્તમૌલા આદમી છે. એણે વિનોદને એ જ વખતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: "ભીડુ, યે જો તુને બડે ભાઈ કા જો રોલ લિખા હૈ વો બડા મુશ્કિલ હૈ. અપુન કો એકિટંગ-બેકિટંગ નહીં આતા. તુ સમ્હાલ લેના!" વિનોદ અવાચક થઈ ગયા. જેકીએ વિદાય લે તે પહેલાં વિનોદે એના હાથમાં એેક ચિઠ્ઠી પકડાવીને કહ્યું: "રોજ સવારે ઉઠીને તારે સો વાર આ ચિઠ્ઠી વાંચવાની." શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? 'આઈ કેન એકટ!'

'પરિંદા'ની કેમરા પાછળની ટીમ જબરદસ્ત હતી. સિનેમેટોગ્રાફર તરીકે બિનોદ પ્રધાન, એડિટર તરીકે વિધુ વિનોદ ચોપડાની પ્રથમ પત્ની રેણુ સલુજા, ગીતોનાં પિક્ચરાઈઝેશનમાં આસિસ્ટ કરવા માટે સંજય લીલા ભણસાલી અને ફરાહ ખાન. 'પરિંદા'માં વિનોદે પડછાયાનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. ફિલ્મનો લૂક નક્કી કરવા માટે તેઓ પોતાના સિનેમેટોગ્રાફર સાથે જુદા જુદા પેઈન્ટર્સનાં ચિત્રોને રેફરન્સ મટીરિયલ તરીકે રીફર કરે, ચિત્રોની શૈલી પરથી ફિલ્મની વિઝ્યુઅલ થીમ ક્યા પ્રકારની હોઈ શકે તેના આઈડિયા મેળવે. 'પરિંદા'થી માંડીને 'બ્રોકન હોર્સીસ' સુધીની પોતે ડિરેકટ કરેલી તમામ ફિલ્મોની વિઝ્યુઅલ થીમ વિનોદે આ રીતે નક્કી કરી છે.
વિનોદને પોતાની આવડત પર ગજબનો કોન્ફિડન્સ. ક્યારેક કોઈ એકટર કહે કે વિનોદ, આ ડાયલોગ બરાબર નથી તો એ ફટાક કરતા કહી દેઃ તો તૂ લિખ લે ના અપને હિસાબ સે! અનિલ કપૂર એકાદ-બે વાર કહેલું કે ફલાણા સીનના એડિટમાં મજા આવતી નથી. વિનોદ કહ્યું: તો તું બેસી જા એડિટર સાથે, તારી રીતે સીન મઠારી લે! વાસ્તવમાં વિનોદને ખબર જ હોય કે પોતે જે રીતે સીન વિચાર્યો છે તે બેસ્ટ છે, છતાંય એ એકટરો-ટેકિનશિયનોને અખતરા કરવા માટે ભરપૂર છૂટ આપે. આખરે સામેના માણસને સમજાયા વગર ન રહે કે વિનોદનું વર્ઝન જ બરાબર હતું.
'પરિંદા'માં બિયરનો મગ, વાયરના ગૂંચળા, દરવાજાનો નૉબ વગેરે જેવી નિર્જીવ વસ્તુઓના ખૂબ બધા કલોઝ-અપ છે. આવું ઓડિયન્સે અગાઉ ભાગ્યે જ જોયું હતું. એક સીનમાંથી બીજા સીનમાં જવા માટે સાંધા અથવા તો ટ્રાન્ઝિશન તરીકે વિનોદ સાઉન્ડ કટ્સનો કમાલ ઉપયોગ કરી જાણે છે. જેમ કે, ફિલ્મના અંતભાગમાં હતાશ થઈ ચુકેલો, ભાંગી પડેલો જેકી મોટેથી ચિલ્લાય છે. નેકસ્ટ શોટમાં આ ચીસનો અવાજ ગેટ વે ઓફ ઇન્ડિયા પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઊજવવા ભેગા થયેલા હજારો માણસોના કોલાહલમાં ભળી જાય છે અને તે સાથે જ નવી સિકવન્સ શરૂ થાય છે.
Madhuri Dixit in classing love-making scene of Parinda

'પરિંદા'ના કલાઇમેક્સમાં આવતાં અનિલ કપૂર-માધુરી દીક્ષિતના સુહાગ રાતવાળા લવ-મેકિંગ સીનનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. હિન્દી સિનેમામાં અગાઉ કદાચ ક્યારેય કોઈ લવમેકિંગ સીન આટલા આવેગ અને એસ્થેટેકિસ સાથે પેશ થયો નહોતો. આ દશ્યમાં અનિલ અને માધુરીને નિર્વસ્ત્ર અવસ્થામાં સાંકેતિક રીતે સંવનન કરતાં દેખાડવામાં આવ્યાં છે. વિનોદ સામે પડકાર આ હતો કે લવસીનમાં સહેજે કોમ્પ્રામાઈઝ ન કરવું, પણ તે એવી રીતે શૂટ કરવો કે ઓડિયન્સમાંથી કોઈને સીટી મારવાનું કે ગંદી કોમેન્ટ કરવાનું સૂઝે નહીં.વળી, આ સીન સેન્સર બોર્ડમાંથી પણ પાસ થવો જોઈએ.
વિનોદે તૈયારી માટે પોતાની બીજા નંબરની પત્ની શબનમ સુખદેવ અને સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાનની મદદ લીધી. અંધકારમાં શબનમના ઉઘાડા હાથ, પીઠ, ગરદન પર ટોર્ચ ફેંકીને એના પ્રકાશમાં સ્ટિલ કેમેરાથી તસવીરો ખેંચી. તસવીરોમાં આ અંગોનો આકાર સૂચવતી પ્રકાશિત રેખાઓ અને સ્કિનનું ટેક્સ્ચર - એટલું જ દેખાતું હતું. વિનોદે આ ફોટોગ્રાફ્સ પછી માધુરી દીક્ષિતને બતાવીને કહ્યું કે મારે સ્ક્રીન પર આ પ્રકારની ઈમ્પેકટ જોઈએ છે. આ દશ્યમાં માધુરીએ ભદ્દુ અંગપ્રદર્શન કરવાનું હતું જ નહીં. આખરે મુંબઈના ઈરોસ સિનેમામાં વિનોદે પહેલી વાર ઓડિયન્સ સાથે આ ફિલ્મ જોઈ ત્યારે આ સુહાગરાતની સિકવન્સ વખતે ન એક પણ સીટી ન વાગી કે ન કોઈ વલ્ગર કોમેન્ટ થઈ. ઓડિયન્સ આ સીન વખતે સ્થિર થઈ થઈ ગયું હતું. વિનોદની છાતી પરથી મોટો બોજ ઊતરી ગયો.
Nostalgia: Vidhu Vinod Chopra (L) discussing the making of Parinda with Anil Kapoor,
Jackie Shroff and Anurag Kashyap

'પરિંદા'નો ખરો સીન-સ્ટીલર યા તો સરપ્રાઈઝ પેકેજ જેકી શ્રોફ સાબિત થયો. ફિલ્મને બબ્બે નેશનલ અવોર્ડ્ઝ મળ્યા, ઓસ્કર અવોર્ડ્ઝમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ભારતીય એન્ટ્રી તરીકે તેની પસંદગી થઈ. 'પરિંદા'ના મેકિંગ વિશે વિનોદ-જેકી-અનિલનાં લાઈવ ડિસ્કશનનો વિડિયો યુટયુબ પર જોવો જેવો છે. હવે 'પરિંદા' પરથી બનેલી 'બ્રોકન હોર્સીસ'નું શું થાય છે તે જોવાની મોજ પડશે.
0 0 0 

Saturday, October 12, 2013

મલ્ટિપ્લેક્સ : ખેલ ખરાખરીનો

Sandesh - Sanskar Purti - 13 October 2013

મલ્ટિપ્લેક્સ

  • ભારતીય ટેલિવિઝન પર 'ટ્વેન્ટી ફોરજેવો સ્લીકસ્ટાઇલિશ,અફલાતૂન કલાકારો તેમજ સુપર્બ પ્રોડક્શન વેલ્યૂ ધરાવતો શો અગાઉ આપણે ક્યારેય જોયો નથી. થેન્ક ગોડ... હિન્દી સિરિયલોએ સાસ-બહૂના વર્તુળની બહાર પગ મૂક્યો ખરો!



જેવું ધાર્યું હતું એવું જ પામીએ ત્યારે દિલને ટાઢક થઈ જતી હોય છે. એક ટીવી ચેનલ પર અનિલ કપૂરની બ્રાન્ડ-ન્યૂ ટીવી સિરીઝ '૨૪'ના પહેલા બે એપિસોડ્સ જોઈને એક્ઝેક્ટલી આ જ લાગણી થઈ. આ લેખ છપાશે ત્યાં સુધીમાં તમે ત્રીજો અને ચોથો એપિસોડ પણ જોઈ ચૂક્યા હશો. જબરદસ્ત હાઇપ થયેલા કેટલાય કોથળામાંથી આપણે બિલાડાને મ્યાંઉં મ્યાંઉં કરીને બહાર આવતા જોયા છે. તેથી પ્રમોટ થઈ રહેલી કોઈ પણ વસ્તુને આપણે શંકાની નજરે જોતા થઈ ગયા હોઈએ તો એમાં આપણો બહુ વાંક નથી. જોકે, 'ટ્વેન્ટી ફોર'ના કેસમાં (આ સિરીઝને આપણે '૨૪' -ચોવીસ કહેવાને બદલે 'ટ્વેન્ટી ફોર' જ કહીશું, કારણ કે આ આંકડો અંગ્રેજીમાં છપાયો હોય તોપણ આપણે ઘણી વાર એનું મનોમન ગુજરાતીકરણ કરી નાખતા હોઈએ છીએ.) પૂર્વગ્રહો બાંધવાની જરૃર એટલા માટે નહોતી કે 'ટ્વેન્ટી ફોર' મૂળભૂત રીતે એક ખૂબ વખાણાયેલો સુપરહિટ અમેરિકન શો છે, જેની અત્યાર સુધીમાં આઠ સીઝન થઈ ચૂકી છે અને જેને ઢગલાબંધ એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે 'ટ્વેન્ટી ફોર'ની ઓફિશિયલ ભારતીય આવૃત્તિ છે. અનિલ કપૂરે રીતસર ચિક્કાર ડોલર્સ ચૂકવીને એના અધિકારો ખરીદ્યા છે.
'ટ્વેન્ટી-ફોર'નો કેન્દ્રીય વિચાર ખૂબ રોમાંચક છે. દેશના કાઉન્ટર-ટેરરિસ્ટ અથવા તો એન્ટિ-ટેરરિસ્ટ યુનિટ સામે અત્યંત ગંભીર પડકાર ઊભો થયો છે. જેમ કે આપણે હાલ જોઈ રહ્યા છીએ તેમ રાહુલ ગાંધી ટાઇપના યુવાન રાજકારણી કે જેની ચોવીસ કલાક પછી દેશના વડાપ્રધાન તરીકે તાજપોશી થવાની છે, એની હત્યાનું ષડયંત્ર રચાયું છે એવી પાક્કી બાતમી યુનિટને મળી છે. યુનિટના જાંબાઝ ઓફિસરોએ આતંકવાદીઓને કોઈ પણ ભોગે જબ્બે કરીને આ ખતરનાક કટોકટી ટાળવાની છે. ચોવીસ કલાક છે અને ચોવીસ એપિસોડ્સ છે. એક કલાકનો એક એપિસોડ. તમામ દિલધડક ગતિવિધિઓ રીઅલ ટાઇમમાં કેપ્ચર થાય. સિરીઝની સ્પષ્ટ શરૃઆત અને એટલો જ નિશ્ચિત અંત. વાત કટ-ટુ-કટ આગળ વધે. ક્યાંય કોઈ વસ્તુ ચ્યુઇંગમની જેમ ખેંચાય નહીં. ચોવીસમા એપિસોડમાં ક્લાઇમેક્સની સાથે સિરિયલનો પણ અંત આવે.
Anil Kapoor and his American counterpart, Kiefer Sutherland

આ પ્રકારની સિરીઝ બનાવવાનો આઇડિયા વર્ષો પહેલાં જોએલ સનરોને આવેલો (જે પછી અમેરિકન 'ટ્વેન્ટી ફોર'ના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર બન્યા). એમણે ફોન કરીને પ્રોડયુસર રોબર્ટ કોચરેનને કહી સંભળાવ્યો. પછી અપેક્ષાથી પૂછયું, "કેવું લાગ્યું?" રોબર્ટે ફટાક કરતો જવાબ આપ્યો, "આટલો વાહિયાત આઇડિયા મેં જિંદગીમાં ક્યારેય સાંભળ્યો નથી. આના પરથી સિરીઝ-બિરીઝ ન બનાવાય, ભાઈ! વળી, આ કોન્સેપ્ટ છે પણ અઘરો. ફર્ગેટ ઇટ!" પણ જોએલે તંત ન છોડયો. બીજે દિવસે બન્ને રૃબરૃ મળ્યા. વિગતે ચર્ચા કરી. આ વખતે પ્રોડયુસરસાહેબના ગળે વાત ઊતરી ગઈ. ફોકસ નેટવર્કનો સંપર્ક કરવામાં આવ્યો. ફોકસના અધિકારીઓ તો ઓળઘોળ થઈ ગયા. એમને લાગ્યું કે આ નવું છે, અમેરિકન ટીવી પર ક્યારેય જોવા મળ્યું ન હોય એવું છે. પાઇલટ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો અને ૨૦૦૧માં નાઇન-ઈલેવનનો આતંકવાદી હુમલો થયો તેના બે મહિના પછી સિરિયલ ટેલિકાસ્ટ થવા માંડી. ઓડિયન્સનો પ્રતિસાદ જબરદસ્ત હતો. વિવેચકો પણ ઓવારી ગયા. જોતજોતામાં 'ટ્વેન્ટી ફોર'ની આઠ સીઝન થઈ ગઈ. કોઈ સીઝનમાં પ્રેસિડન્ટને ઉડાવી દેવાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો હોય તો કોઈમાં ન્યુક્લિઅર, કેમિકલ કે બાયોલોજિક હથિયારોથી ઊભા થયેલા જોખમની વાત હોય. ક્યારેક સાયબર અટેકનો મુદ્દો હોય તો ક્યારેક સરકારી અને કોર્પોરેટ્સના ભ્રષ્ટાચારની થીમ હોય.
અમેરિકન 'ટ્વેન્ટી ફોર'ની એકાદ સીઝનમાં અનિલ કપૂરને એક્ટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો. તેમણે પ્રેસિડન્ટ ઓમાર હસન નામનું કિરદાર ભજવેલું. આ સિરીઝ કેવી રીતે બને છે તે એમણે જાતઅનુભવે જોયું. શોનું ભારતીયકરણ કરવાનો નિર્ણય લઈને રાઇટ્સ ખરીદ્યા. ટીમ તૈયાર કરી. ચેનલ નક્કી કરી. આ બધામાં ત્રણ વર્ષ વીતી ગયાં. આખરે ગયા અઠવાડિયાથી આ શો ટેલિકાસ્ટ થવો શરૃ થયો.
On the set: Director Abhinay Deo (right) with his team

અમેરિકામાં બાર વર્ષ પહેલાં જે વાત કહેવાતી હતી એ જ વાત આપણે આજે કહી શકીએ તેમ છીએ. ભારતીય ટેલિવિઝન પર 'ટ્વેન્ટી ફોર' જેવો સ્લીક, સ્ટાઇલિશ, અફલાતૂન કલાકારો તેમજ સુપર્બ પ્રોડક્શન વેલ્યૂ ધરાવતો શો અગાઉ આપણે ક્યારેય જોયો નથી. થેન્ક ગોડ... હિન્દી સિરિયલોએ પરિપક્વ થવાની દિશામાં નક્કર પગલાં ભર્યાં ખરાં! આ સિરીઝ આપણને ફિલ્મ જોતાં હોઈએ એવો અનુભવ કરાવે છે. હિન્દી 'ટ્વેન્ટી ફોર'નું સ્વરૃપ એના અમેરિકન મૂળિયાંને પૂરેપૂરું વફાદાર છે. એકસાથે સમાંતરે બનતી ઘટનાઓ દર્શાવવા માટે સ્પ્લિટ સ્ક્રીનનો ઉપયોગ, ડિજિટલ ક્લોકના શોટ્સ, મલ્ટિપલ કેમેરાથી ઝિલાયેલા ધ્રૂજતા શોટ્સ આ બધું જ અનિલ કપૂરના વર્ઝનમાં છે. આમ છતાંય શો પોતીકો લાગે છે એ તેનો પ્લસ પોઇન્ટ છે. પહેલી વાર કોઈ સિરિયલમાં બોલિવૂડના આટલા બધા કલાકારો એન્કર, જજ કે સેલિબ્રિટી સ્ટાર તરીકે નહીં, પણ એક્ટર તરીકે રજૂ થયા છે. અલબત્ત, સ્ટોરીમાં ક્લિશે (બીબાંઢાળ તત્ત્વો) પણ ભરપૂર છે. જેમ કે, પતિ-પત્ની વચ્ચેના તંગ સંબંધો, પુરાના પ્યાર, રાજકારણી પરિવારની અતિ મહત્ત્વાકાંક્ષી મા, વગેરે. આ સહિત પણ શો જકડી રાખે છે.
'દિલ્હી બેલી' (હિટ) અને 'ગેઇમ' (ફ્લોપ) જેવી ફિલ્મો બનાવનાર અભિનય દેવે 'ટ્વેન્ટી ફોર'ના બારેક એપિસોડ ઓલરેડી શૂટ કરી નાખ્યા છે. વધારાના ચાર એપિસોડ નિત્ય મહેરા નામની તેજસ્વી નવોદિત કન્યાએ ડિરેક્ટ કર્યા છે. શો ભલે સોનાનો હોય ને એના પર સાચા હીરા-મોતીનું ભરતકામ થયું હોય, વાત આખરે તો આર્થિક ગણતરીઓ પર અટકે છે. શો ચાલશે, હિટ થશે, એને સારો ટીઆરપી મળશે તો જ એનું ભવિષ્ય સલામત છે, તો જ બીજા પ્રોડયુસરો આગળ આવીને અલગ ફોર્મેટ તેમજ સેન્સિબિલિટિવાળી સિરિયલો બનાવવાની હિંમત કરશે. જો 'ટ્વેન્ટી ફોર'ને ધાર્યો રિસ્પોન્સ નહીં મળે તો એક જ સીઝનમાં શોનું ફીંડલું વળી જશે. સરવાળે હિન્દી સિરિયલો સાસ-બહૂના સેફ ઝોનમાંથી બહાર આવવાનું નામ નહીં લે. આવું ન થવું જોઈએ, લેટ્સ સી.
શો-સ્ટોપર

સામાન્યપણે માણસની ઉંમર જેમ વધતી જાય તેમ તેમ એના માટે રિસ્ક લેવાનું વધારે અઘરું બનતું જાય છે. મારા કેસમાં એનાથી ઊલટું છે. ઉંમરની સાથે મારી જોખમ ઊઠાવવાની વૃત્તિ પણ મજબૂત બનતી જાય છે.
- અનિલ કપૂર