Friday, August 28, 2020

તમારે મર્યા પછી પછી ડિજિટલ અવતાર ધારણ કરવો છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 23 ઓગસ્ટ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
અપલોડ વેબ શોનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે.


શ્વર તમને સો વર્ષના કરે, પણ થોડી પળો માટે ધારી લો કે તમે મૃત્યુ પામો છો. છેલ્લી ઘડીએ તમારી પતિ/ પત્ની/ પ્રેમી/ પ્રેમિકા તમારી અંતિમ ઇચ્છા પૂછે છેઃ ડિયર, એટલે તારે હવે પૂરેપૂરા મરી જ જવું છે કે તારો ડિજિટલ અવતાર હું સાચવી રાખું? જો તું હા પાડ તો તારા પાર્થિવ શરીરને અપલોડ કરવાની હું વ્યવસ્થા કરું. આ રીતે આપણે અનંત કાળ સુધી એકબીજાના કૉન્ટેક્ટમાં રહી શકીશું!’  
તમે હા પાડો છો. મૃત્યુ પછી તમે ફાઇવ સ્ટાર નહીં, પણ એક ફિફ્ટીન સ્ટાર લકઝરી રિસોર્ટ જેવી અદભુત જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈ જાઓ છો. જાણે સ્વર્ગ જ જોઈ લો. તમે જાણો છો કે તમે ખુદ અને તમારી આસપાસ જે કંઈ છે તે સઘળું સિમ્યુલેટેડ રિયાલિટી છે, ડિજિટલી ક્રિયેટ કરવામાં આવ્યું છે. 

અહીં ટૅક્નોલોજી નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂકી છે. તમે હથેળી પહોળી કરો એટલે અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચેના એલ આકારમાં ફટાક કરતો મોબાઇલ સ્ક્રીન ઉપસી આવે. વાત પૂરી કરીને તમે મૂઠ્ઠી વાળો એટલે મોબાઇલ ગાયબ થઈ જાય. માનવલોકમાં કોઈ પ્રસંગ હોય તો તમે ડિજિટલી ઉપસ્થિત રહી શકો. મોટી સ્ક્રીન પર તમે હાલતાચાલતા દેખાવ. તમારો દોસ્તાર આ સ્ક્રીન નજીક આવીને તમને કહી પણ શકે કે, સોરી યાર, તું ગુજરી ગયો ત્યારે હું બહારગામ ગયો હતો એટલે તારી અંતિમક્રિયામાં હાજરી નહોતો આપી શક્યો!’ તમે જવાબમાં કહો કે, કશો વાંધો નહીં, બોસ, ચાલ્યા કરે. અચ્છા, તને પેલો કૉન્ટ્રેક્ટ મળવાનો હતો એનું પછી શું થયું?’

વિસ્મિત થઈ જવાય એવી વાત છેને! અપલોડમાં તમને ડગલે ને પગલે તમને આવું વિસ્મય થયા કરશે. અપલોડ એ અમેઝોન પ્રાઇમ વિડિયો પર મૂકાયેલો દસ એપિસોડવાળો નવોનક્કોર વેબ શો છે. શોની વાર્તા 2033ની સાલમાં આકાર લે છે. તમે જો સાયન્સ ફિક્શનના રસિયા હશો તો શો શરૂ થતાં જ તમને બ્લેક મિરર (નેટફ્લિક્સ)નો સેન જુનિપેરો (2016) નામનો અફલાતૂન સ્ટૅન્ડ-અલોન એપિસોડ જરૂર યાદ આવશે. તેમાં સેન જુનિપેરો નામનું એક રળિયામણું નગર છે, જેમાં મૃત્યુ પામેલા લોકોના ડિજિટલ અવતારો વસે છે. સમજોને કે અપલોડ આ જ આઇડિયાનું એક્સટેન્શન છે.

અપલોડનો હેન્ડસમ નાયક નેથન એક સોફ્ટવેર એન્જિનીયર છે. એ કોઈ જબરદસ્ત પ્રોડક્ટને લૉન્ચ કરવાની અણી પર છે ત્યાં જ એની કમ્પ્યુટર-કંટ્રોલ્ડ, ડ્રાઇવર-રહિત કારનું એક્સિડન્ટ થઈ જાય છે. એની ગર્લફ્રેન્ડ ઇન્ગ્રિડ અતિ ધનિક બાપની ચાંપલી ઔલાદ છે. એ ચિક્કાર પૈસા ખર્ચીને અકસ્માતમાં મૃત્યુ પામેલા નેથનને વૈભવી ડિજિટલ આફ્ટરલાઇફ મળે તેવી વ્યવસ્થા કરે છે. ડિજિટલ આફ્ટરલાઇફ ઑફર કરતી કેટલીય એજન્સીઓ છે ને તેમની વચ્ચે પાછી કટ્ટર હરીફાઈ ચાલે છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની જેમ પ્રવાસીઓને અલગ અલગ પૅકેજ ઑફર કરે તેમ અહીં પણ તમે મરતાં પહેલાં ડિજિટલ આફ્ટરલાઇફ માટેનું પૅકેજ પસંદ કરી શકો છો. નેથન જે એજન્સી દ્વારા અપલોડ થયો છે તેમાં નોરા નામની એક કસ્ટમર કેર રિપ્રેઝન્ટેટિવ કામ કરે છે. નોરા વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી)નાં ડાબલા જેવાં ચશ્માં પહેરે એટલે ડિજિટલ સ્વર્ગમાં નેથન જે કંઈ કરતો હોય તે પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન પર લાઇવ નિહાળી શકે, તેની સાથે વાતો કરી શકે. આપણી હિન્દી પૌરાણિક સિરિયલોમાં જેમ દૈવી પાત્રો ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે ને ગમે ત્યારે અંતર્ધ્યાન થઈ શકે છે તેમ નોરા પણ ઇચ્છે ત્યારે ડિજિટલ સ્વર્ગમાં એન્ટ્રી-એક્ઝિટ મારી શકે છે.     




પછી ઘણું બધું બને છે. નેથન અને નોરા વચ્ચે લાગણીનો સંબંધ વિકસે છે. ધીરે ધીરે ખબર પડે છે કે નેથનનું કાર એક્સિડન્ટમાં મોત નહોતું થયું, બલકે એનું મર્ડર થયું હતું. લવસ્ટોરીમાં હવે થ્રિલ અને સસ્પેન્સનાં તત્ત્વો ઉમેરાય છે. નેથનને એ પણ સમજાય છે કે પોતાના ડિજિટલ અસ્તિત્ત્વનો સંપૂર્ણ કંટ્રોલ તો માનવલોકમાં વસતી પોતાની પ્રેમિકા ઇન્ગ્રિડ મુઠ્ઠીમાં રાખીને બેઠી છે. એ ઇન્ગ્રિડનું રમકડું બની ગયો છે. જેમ કે, ઇન્ગ્રિડ કામાતુર થાય ત્યારે સેક્સ-સુટ પહેરી લે, ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરે ને નેથન સાથે શરીરસુખ માણી લે. નેથનને આ સંબંધમાં ગૂંગળામણ થવા લાગે છે. મરી ગયા પછી પણ તેને સંબંધમાં સ્પેસ જોઈએ છે!  

અપલોડનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ તમે જેમ જેમ શોમાં આગળ વધતાં જાઓ છો તેમ તેમ તમને સમજાય છે કે વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે. હળહળતો ઉપભોક્તાવાદ, અમીર-ગરીબ વચ્ચેનો વર્ગભેદ અને ટૅકનોલોજીની અવળી અસરો પર અહીં સૉલિડ વ્યંગ કરવામાં આવ્યો છે. આ ફીલ ગુડ શોનો કથાપ્રવાહ તમને ક્યારેક ધીમો લાગશે, પણ શોની અફલાતૂન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બધી કસર પૂરી કરી નાખે છે. પ્રાઇમ વિડિયો પર અપલોડ જોઈ કાઢજો. મોજ પડશે.       

0 0 0 

Tuesday, August 11, 2020

પહચાન કૌન?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 9 ઓગસ્ટ 2020

સુશાંત સિંહના કમોત પછી હવે પછી ગૉસિપ જર્નલિઝમ અને બ્લાઇન્ડ આઇટમ્સને હળવાશથી લેવામાં નહીં આવે એ તો નક્કી



 જ્યારથી સુશાંત સિંહનું મોત થયું છે ત્યારથી આ એક શબ્દપ્રયોગ સતત ઊછળ્યા કરે છે – બ્લાઇન્ડ આઇટમ્સ. સુશાંત સિહંને માનસિક રીતે તોડી પાડવામાં આ બ્લાઇન્ડ આઇટમ્સનો પણ ફાળો છે એવો આરોપ છે. બ્લાઇન્ડ આઇટમ એટલે, સાદી ભાષામાં, નામ આપ્યા વગર કરવામાં આવતી કૂથલી, જે છાપા-મૅગેઝિનમાં છપાય, વેબસાઇટ પર મૂકાય યા તો સોશિયલ મિડિયા પર શૅર થાય. બ્લાઇન્ડ આઇટમમાં જે-તે વ્યક્તિ વિશે એટલી બધી હિન્ટ આપી દેવામાં આવે કે વાંચનારને તરત સમજાઈ જાય કે કોના વિશે વાત થઈ રહી છે.

ધારો કે તમે અભિષેક બચ્ચન વિશે ગપગોળા ફેલાવવા માગો છો. તમે શું કરશો? તમે આવી કંઈક બ્લાઇન્ડ આઇટમ લખશોઃ બોલિવુડના એક મહાન સુપરસ્ટારનો ફ્લૉપ દીકરો, જે એક બ્યુટીક્વીનને પરણ્યો છે, તે બેકાર થઈને લાંબા સમયમાં ઘરમાં નવરો બેઠો છે. એની બ્યુટીક્વીન પત્ની પણ ફિલ્મસ્ટાર છે. આ ફ્લૉપ ફિલ્મી હીરો હવે ડ્રગ્ઝના રવાડે ચડી ગયો છે. સાંભળવામાં આવ્યું છે કે એ રૂપ રૂપના અંબાર જેવી પોતાની બ્યુટીક્વીન પત્ની પર હાથ ઉપાડવા લાગ્યો છે. બન્ને હવે ડિવૉર્સ લેવાની અણી પર છે.

આમાં ક્યાંય અભિષેક બચ્ચન એવો ઉલ્લેખ થયો? ના. છતાંય વાંચનારા સમજી ગયા કે વાત અભિષેક બચ્ચન વિશે જ થઈ રહી છે. આ બ્લાઇન્ડ આઇટમ છે. કોઈના અંગત જિંદગી વિશે નિમ્ન કક્ષાની વાત કરવા, ચારિત્ર્યહનન કરવા, જીવનશૈલી કે પ્રોફેશનલ લાઇફ વિશે અફવા ફેલાવવા અથવા ક્યારેક માત્ર મસ્તી ખાતર બ્લાઇન્ડ આઇટમ્સ લખવામાં આવે છે. માત્ર ફિલ્મસ્ટારો વિશે જ બ્લાઇન્ડ આઇટમ લખાય છે એવું નથી. સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા રાજકારણીઓ, સફળ બિઝનેસમેન, સોશ્યલાઇટ્સ, સ્ટાર લેખકો-પત્રકારો, ઘર્મગુરુઓ આ સૌ બ્લાઇન્ડ આઇટમનો વિષય બની શકે છે. 

બ્લાઇન્ડ આઇટમ એ પીળા પત્રકારત્વનો જ એક હિસ્સો છે. બ્લાઇન્ડ આઇટમમાં કહેવાયેલી વાત દર વખતે તદ્દન ખોટી જ હોય એવુંય નથી. ઘણી વાર પત્રકાર પાસે સાચી માહિતી હોય, પણ તે ઑફ-ધ- રેકૉર્ડ કહેવાઈ હોય, વાતને સાબિત કરી શકાય એવા પૂરાવા ન હોય ત્યારે જે-તે વાતને બ્લાઇન્ડ આઇટમ તરીકે છાપી મારવામાં આવે. ઘણી વાર માત્ર નિંદારસ સંતોષવા, વાચકોને ચટપટું લખાણ પિરસવા જ્યાંત્યાંથી કાને પડેલી વાતોમાં મીઠુંમરચું ભભરાવીને, બે વત્તા બે બાવીસ કરીને બ્લાઇન્ડ આઇટમ લખી નાખવામાં આવે છે. પોતાના વિશે આવું લખાણ વાંચીને માણસ આકળવિકળ થઈને રદિયો કે આકરી પ્રતિક્રિયા આપે તો એને જ નુક્સાન થાય. સૌથી પહેલાં તો, આ રીતે એ ખુદ સામે ચાલીને સ્વીકારી લે છે કે બ્લાઇન્ડ આઇટમમાં જે માણસ વિશે લખાયું છે તે હું જ છું. બીજું, લખાણમાં ક્યાંય સ્પષ્ટપણે કોઈનું નામ લખાયું ન હોવાથી કાનૂની રીતે લખનારને સકંજામાં ન લઈ શકાય.

બ્રિટનનું સન નામનું ટૅબ્લોઇડ ગૉસિપ માટે શરૂઆતથી બદનામ છે. ધ ન્યુ યૉર્ક પોસ્ટ અખબારની પેજ સિક્સ નામની ગૉસિપ કૉલમ બ્લાઇન્ડ આઇટમ્સ માટે કુખ્યાત છે. સુશાંત સિંહ વિશે બ્લાઇન્ડ આઇટમ્સ લખનાર ફિલ્મ જર્નલિસ્ટ રાજીવ મસંદનું નામ ઊછળ્યું છે. રાજીવ મસંદ આમ  તો ભારતના ટોપ-ફાઇવ ફિલ્મ જર્નલિસ્ટ્સમાં હકથી સ્થાન પામે એવું નામ છે, પણ સુશાંતના કેસમાં છીંડે ચડ્યો એ ચોર જેવો ઘાટ થયો છે. મેઇનસ્ટ્રીમ છાપાં-મૅગેઝિનોના ડાયરી પેજ પર યા તો ફિલ્મી વિભાગમાં કેટલાય પત્રકારો વર્ષોથી બ્લાઇન્ડ આઇટમ લખતા આવ્યા છે. ગૉસિપ તો ફિલ્મ જર્નલિઝમનો અવિભાજ્ય હિસ્સો છે. આપણે ત્યાં  શોભા ડેના તંત્રીપદ હેઠળ 1971માં લૉન્ચ થયેલા સ્ટારડસ્ટ મૅગેઝિનની મૂળભૂત તાસીર જ ગૉસિપ કરવાની હતી. સ્ટારડસ્ટ સફળ થયું એટલે પહેલાં અંગ્રેજી અને પછી પ્રાદેશિક ભાષાના મેઇનસ્ટ્રીમ મિડિયામાં ગૉસિપ છપાવા લાગી.   

અગાઉ વાત માત્ર પ્રિન્ટ મિડિયા સુધી સિમિત રહેતી હતી, પણ ડિજિટલ મિડિયાના વિસ્ફોટ પછી સેંકડો-હજારો વેબસાઇટ્સ પર ખાસ કરીને ફિલ્મી હસ્તીઓ વિશે મન ફાવે તેમ આડેધડ લખાવા લાગ્યું. પોતાને હોલિવૂડના એન્ટરટેઇનમેન્ટ લૉયર ગણાવતો એક અનામી અમેરિકન બ્લાઇન્ડ આઇટમ્સનો શહેનશાહ ગણાય છે. તે ક્રેઝી ડે એન્ડ નાઇટ્સ નામની વેબસાઇટ ચલાવે છે. સુશાંત પર જેણે ખાસ ત્રાસ વર્તાવ્યો હતો તેમાં રાજીવ મસંદની ઓપન મૅગેઝિનમાં આવતી વીક્લી કૉલમ ઉપરાંત પિન્કવિલા ડૉટકૉમ, ઓપિનિએટેડ ઇન્ડિયન ડૉટકૉમ અને વનશોટવનપ્લેસ ડૉટકૉમ જેવી વેબસાઇટ્સ મુખ્ય છે. જે કંઈ બાકી હતું તે સોશિયલ મિડિયાએ પૂરું કર્યું. 

મિડિયાને બ્લાઇન્ડ આઇટમ્સ માટેનો મસાલો પૂરો પાડવામાં બોલિવુડમાં કામ કરતી પીઆર (પબ્લિક રિલેશન) એજન્સીઓ મોખરે છે. હવે ચિત્ર એવું ઊભું થયું છે કે, કોઈ સ્ટારની ઇમેજ ખરાબ કરવી હોય, તેને અનપ્રોફેશનલ, લંપટ કે નિષ્ફળ ચિતરવો હોય તો હરીફ એક્ટર (કે કોઈ પણ) પીઆર એજન્સી દ્વારા મિડિયામાં આસાનીથી બ્લાઇન્ડ આઇટમ્સ પ્લાન્ટ કરાવી શકે છે. ગ્લેમરની દુનિયામાં જાડી ચામડીના થયા વગર ચાલે નહીં, પણ સુશાંત સંવેદનશીલ માણસ હતો. પોતાના વિશે ફેલાતી અફવાઓથી એ ખૂબ વિચલિત થઈ જતો. 

આજે મેન્ટલ હેલ્થ એક મોટો મુદ્દો છે. સુશાંત સિંહના કમોતનું સાચું કારણ બહાર આવવાનું હજુ બાકી છે, પણ પત્રકારત્વમાં હવે પછી ગૉસિપને હળવાશથી લેવામાં નહીં આવે એ તો નક્કી.     

shishir.ramavat@gmail.com