Wednesday, October 31, 2012

મહાન મેનેજમેન્ટ ગુરુ... મહાત્મા ગાંધી!


 ચિત્રલેખા - અંક તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૨

કોલમ: વાંચવા જેવું                                                                                          
ગા દીકરા સપરિવાર ઘરે આવે, આનંદોલ્લાસથી રહે અને આખરે વિદાય લે ત્યારે એમણે શું રહેવા-ખાવા-પીવાના ખર્ચનું બિલ ભરવાનું હોય? વાત જો ગાંધીજી અને કસ્તૂરબાની હોય તો જવાબ છે, હા. બાપુ માટે તો આશ્રમ જ એમનું ઘર હતું. આશ્રમ સાર્વજનિક ખર્ચે ચાલતો હોય. આથી ગાંધીજી-કસ્તૂરબાને મળવા સ્વજનો-સગાસંબંધી આવે ત્યારે એમનો ખર્ચ કોણ ઉઠાવે એ પ્રશ્ન કાયમ ઊભો થતો. બાપુ નિયમપાલનની બાબતમાં ભારે પાક્કા. એમણે તોડ કાઢ્યો: છોકરાઓ આવે, રહે અને આશ્રમમાંથી કોઈની સેવા લે એનો ખર્ચ એ આશ્રમને આપી દે.

કસ્તૂરબાને આ વાત કેટલી પીડાદાયી લાગતી હશે એ સમજી શકાય એમ છે, પણ આ કઠોર નિયમ એમણે કમને સ્વીકારી લીધો. દીકરાઓ આશ્રમમાં થોડા દિવસ રહીને પછી જવાનાં થાય ત્યારે બા ધીમે પગલે આશ્રમના વ્યવસ્થાપક પાસે જઈને કહેતાં: જુઓ, હવે આ લોકો જવાના છે. એમનું જ કંઈ ખરચ થયું હોય એનું બિલ એમને આપી દેજો...

કેટલું પારદર્શક મેનેજમેન્ટ! ગાંઘીજીને આશ્રમના ટીમ-લીડર તરીકે કલ્પો. જ્યારે કેપ્ટન ખુદ પોતાની જાત પર આટલા કડક નિયમ લાગુ પાડતો હોય ત્યારે એમના ટીમ-મેમ્બર્સ નિયમભંગ કરવાની હિંમત કરી શકે ખરા? ગાંધીજયંતિ હજુ તાજી તાજી છે ત્યારે આપણે ‘મેનેજમેન્ટ મહાત્મા’ પુસ્તકની વાત કરીએ. અહીં ગાંઘીજીનાં વિરાટ વ્યક્તિત્ત્વને એક વિશિષ્ટ દષ્ટિકોણથી નીરખવાનો પ્રયાસ થયો છે - એક મેનેજમેન્ટ ગુરુ સ્વરુપે. મેનેજમેન્ટ ગુરુનું મુખ્ય કર્તવ્ય શું? સ્વયં દષ્ટાંતરૂપ જીવન જીવીને લોકોને પ્રેરણા અને દિશા પૂરું પાડવાનું. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન એ જ તો કર્યંુ છે. સુકલકડી શરીરવાળા ગાંધીજીએ શી રીતે શક્તિશાળી અંગ્રજોને ભારતમાંથી હાંકી કાઢ્યા? શું આ માત્ર એમની અહિંસક લડતનો પ્રતાપ હતો? ના. આ જબરદસ્ત સિદ્ધિ પાછળ ગાંધીજીની એેક સાથે કેટલાંય કામ સાથે કરવાની આવડત અને મેનેજમેન્ટની તીવ્ર સૂઝ પણ કારણભૂત હતી.પુસ્તકનો કોન્સેપ્ટ ખરેખર સુંદર છે. પુસ્તકને ૨૬ પ્રકરણોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે. એક પ્રકરણ દીઠ એક ગુણ. પ્રકરણનો પ્રારંભ સુંદર અવતરણથી થાય, પછી જે-તે ગુણને ઉજાગર કરતો ગાંધીજીના જીવનનો એકાદ પ્રસંગ આવે, ત્યાર બાદ મેનેજમેન્ટના સંદર્ભમાં તેની સરળ મીમાંસા થાય અને છેલ્લે અન્ય મહાનુભાવોની અનુભવવાણી. ઉદાહરણ તરીકે, ‘સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ’ પ્રકરણમાં નોંધાયું છે કે ગાંધીજીએ કોઈએ ભેટમાં આપેલા નહાવાનો પથ્થર લેવા માટે મનુબહેનને કેટલાય કિલોમીટર ચાલીને પાછો લેવા મોકલ્યાં હતાં. માત્ર એક લોટો પાણી અને પેપરથી જાજરુ કઈ રીતે સાફ કરી શકાય એ બાપુએ પોતાની ટીમને કરી દેખાડ્યું હતું. આ પ્રસંગ ટાંકીને આગળ કહેવાયું છે કે, ‘ટાંચા સાધનોથી પણ શ્રેષ્ઠ કામ લઈ શકાય છે. એક સફળ મેનેજર માનવ અને મશીન સહિતના તમામ ઉપલબ્ધ સંસાધનો પાસેથી એની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામગીરી લે છે. સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગનો મતલબ છે, દરેકને એની ક્ષમતા મુજબ જવાબદારીની વહેંચણી. જો સંસાધનોનો ઉત્તમોત્તમ ઉપયોગ કરવાની આવડત હોય તો કંપનીમાં કોઈ કટોકટી પેદા નહીં થાય.’

એક વાર વલ્લભભાઈ પટેલ એક વાર ગાંધીજી માટે ખજૂર ધોઈ રહ્યા હતા. એમણે બાપુને પૂછ્યું, બાપુ, કેટલા ધોઉં? બાપુ કહે, પંદર. વલ્લભભાઈને એમ કે બાપુ થોડા વધારે ખજૂર ખાય તો સારું. એમણે કહ્યું, પંદર અને વીસમાં શું ફેર? આ સાંભળીને બાપુ તરત બોલ્યા: તો દસ! કારણ કે દસ અને પંદરમાં પણ શું ફેર?

વાત કરકસરની છે, કંજૂસાઈની નહીં. અલબત્ત, માલિકે કર્મચારીઓના પગાર ઘટાડીને કરકસર કરવાની ભુલ કદી ન કરવી. વેતનમાં કરકસર થશે તો સ્ટાફના પર્ફોર્મન્સ પર એની અવળી અસર થશે. સંસ્થાની એવી કેટલીય બાબતો હશે જેમાં ખર્ચ ઘટાડી શકાય. જ્યાં એક માણસ, એક કમ્પ્યુટર કે એક ટ્યુબલાઈટથી ચાલતું હોય ત્યારે બે-ચાર માણસો, બે-ચાર કમ્પ્યુટરો ને બે-ચાર ટ્યુબલાઈટસના ઠઠારા શા માટે કરવા?
ટીમલીડર કમ્યુનિકેશનમાં કાચો પડે એ પણ ન ચાલે. ગાંધીજી કમ્યુનિકેશનના ખાં હતા. જે જમાનામાં રેડિયો કે ટીવી ન હતાં અને મોટાભાગના ભારતીયો અશિક્ષિત હતા ત્યારે ગાંધીજી જે રીતે આખા દેશ સાથે કમ્યુનિકેટ કરી શકતા હતા એ કોઈ ચમત્કારથી કમ નથી.

ગાંધીજી કાયમ રેલગાડીના ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા હતા એ જાણીતી વાત છે. એક વાર ગાંધીજીને ઢાકા જવાનું હતું. બન્યું એવું કે દાર્જિલિંગ-કલકત્તા મેલ દોઢ કલાક મોડો પડ્યો, કનેક્ટિંગ ટ્રેન છૂટી ગઈ. કોઈએ ડરતાં ડરતાં કહ્યું કે બાપુ, સ્પેશિયલ ટ્રેન કરીએ તો ઢાકા સમયસર પહોંચી શકાય, પણ સ્પેશિયલ ટ્રેનનું ભાડું ખૂબ વધી જશે. સૌના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘વાઈસરોયને આપેલો સમય જેટલી સખ્તાઈથી હું પાળતો હોઉં એટલી જ સખ્તાઈથી આપણા લોકોને મળવાનો સમય પણ મારે પાળવો જ જોઈએ!’  પોતાના પર આવેલ પરબીડિયાની બીજી બાજુનો પણ લખવા માટે ઉપયોગ કરી લેતો આ ‘કંજૂસ વાણિયો’ સમયપાલન માટે હજારો રુપિયા ખર્ચતા અચકાયો નહીં. કહેવાનું તાત્પર્ય એ કે સફળ મેનેજર ટાઈમ મેનેજમેન્ટ અંગે હંમેશાં સજાગ રહે છે. સમયસર કામ થાય છે ત્યારે જ આપણી એક વિશ્વાસુ અને કમિટેડ-નિષ્ઠાવાન માણસની છાપ ઊભી થાય છે.પરખશક્તિ, શ્રેષ્ઠતા, જવાબદારી, નીડરતા... આ તમામ ગુણોને પુસ્તકમાં સરસ રીતે ચકાસવામાં આવ્યા છે. લેખક પરેશ પરમાર ‘ચિત્રલેખા’ને કહે છે:

‘મેનેજમેન્ટના ફન્ડા માત્ર કોર્પોરેટ ઓફિસો કે મોટા મેનેજરો માટે જ નથી હોતા. ચાર-પાંચ માણસનો સ્ટાફ ધરાવતી નાની ઓફિસ કે દુકાનના માલિકને પણ કુશળ સંચાલન કરવું પડે છે. અમારો ઉદ્દેશ મેનેજમેન્ટની હાર્ડકોર વાતો કરવાનો નહીં, પણ ગાંધીજીનો સંદર્ભ લઈને આમઆદમીને ઉપયોગી થઈ પડે એવું મેનેજમેન્ટનું હળવું પુસ્તક તૈયાર કરવાનો હતો.’

લેખક અને એમના ઊભરતા યુવા પ્રકાશક ચેતન સાંગાણીનો ઉદ્દેશ પાર પડ્યો છે. પુસ્તકમાં, અલબત્ત, કેટલીક દેખીતી ક્ષતિઓ રહી ગઈ છે, જે નવી આવૃત્તિમાં દૂર થઈ જવી જોઈએ. વિદ્યાર્થીઓથી માંડીને મેનેજરો અને ગૃહિણીથી માંડીને સીઈઓ સુધીના સૌ કોઈને ગમે એવું સુંદર પુસ્તક. ૦૦૦મેેનેજમેન્ટ મહાત્મા 

લેખક: પરેશ પરમાર
પ્રકાશક: ડબલ્યુ.બી.જી. પબ્લિકેશન, અમદાવાદ
ફોન: ૦૯૧૭૩૨ ૪૩૩૧૧

કિંમત:  ‚. ૭૫ /
પૃષ્ઠ: ૧૧૪

   ‘’

Sunday, October 21, 2012

12 સ્ક્રીન્સ, 416 શોઝ, 205 ફિલ્મો!દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 ઓક્ટોબર 2012 
 
  સ્લગ: મલ્ટિપ્લેક્સ

 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. દુનિયાભરની સેંકડો ફિલ્મો વચ્ચે અમિતાભ બચ્ચને પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’નું સ્ક્રીનિંગ થવાનું છે. આ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ જગતમાં ‘કેવી રીતે જઈશ’ પછીની નેકસ્ટ-બિગ-થિંગ બની રહે એવી પૂરી શક્યતા છે. 

'Like Someone in Love'
 
  યોર અટેન્શન પ્લીઝ... 14મો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ધૂમધડાકા સાથે શ‚ થઈ ચૂક્યો છે! 18 ઓક્ટોબરે શ‚ થયેલો ફેસ્ટિવલ પચ્ચીસમી ઓક્ટોબર એટલે કે આગામી ગુરુવાર સુધી ચાલવાનો છે. સાઉથ મુંબઈમાં નરીમાન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પર્ફોમિ આર્ટ્સ (એનસીપીએ), આઈનોક્સ અને લિબર્ટી ઉપરાંત સબર્બમાં સિનેમેક્સ-સાયન અને સિનેમેક્સ-અંધેરી - આ પાંચ સ્થળની કુલ 12 સ્ક્રીન, 416 જેટલા શોઝ અને દુનિયાભરના દેશોની અધધધ 205 જેટલી ફિલ્મો!  જોઈ લો તમારામાં તાકાત હોય એટલી ફિલ્મો!
 
  ભારે અફસોસની વાત એ છે કે રજિસ્ટ્રેશનમાં અને આઈ-કાર્ડ તેમજ ઈન્ફર્મેશન કિટની વહેંચણીમાં જે ધાંધિયા દર વર્ષે જોવા મળે છે એ  આ વર્ષે પણ એમના એમ રહ્યા. કશો જ સુધારો નહીં, કોઈ ફેરફાર નહીં. મુંબઈ એકેડેમી ઓફ મુંબઈ ઈમેજિસ (મામી) પાસે ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો ઓલરેડી તેર-તેર વર્ષનો અનુભવ છે, રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ જેવી સધ્ધર કોર્પોરેટનું પીઠબળ છે, પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાંય આયોજનનું સ્તર શા માટે એની નિમ્ન સપાટીથી ઉપર ઉઠવાનું નામ નહીં લેતી હોય? ખેર, આ બધા બખાળા કાઢવામાં ટાઈમ વેડફવાને બદલે સિનેમાની વાત કરીએ. આ વખતના ફેસ્ટિવલમાં કઈ કઈ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે?
 
  ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ હતી, ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’. કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું ખાસ્સું  મહત્ત્વ હોય છે. ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’ના હીરોની જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. લગ્નજીવન તૂટી ચૂક્યું છે, જોબ જતી રહી છે, ઘર પર પણ હવે માલિકી રહી નથી. એ પોતાનાં માતાપિતા સાથે રહે છે. (પિતાનો રોલ ખુદ અમિતાભ બચ્ચન જેને પોતાના ફેવરિટ એક્ટર ગણાવે છે એ રોબર્ટ દ નીરોએ ભજવ્યો છે.) હીરોનો ભેટો એક રહસ્યમય યુવતી સાથે થાય છે. એ કહે છે: હું તારું લગ્નજીવન પાછું સાંધી આપીશ, તારી લાઈફની ગાડી પાછી પાટે ચડાવી દઈશ, પણ બદલામાં તારે મારું એક કામ કરવું પડશે! એક પછી એક ઘટના બનતી જાય છે અને આ બે પાત્રોનાં જીવનમાં ધીમે ધીમે ઉજાસ પથરાતો જાય છે. ઓસ્કર-વિનર ડેવિડ રસલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મે આ વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પીપલ્સ ચોઈસ અવોર્ડ જીતી લીધો હતો. એક મજાની વાત: આ ફિલ્મમાં અનુપમ ખેર પણ છે, જેણે ડો. પટેલનું કિરદાર નિભાવ્યું છે!

'Silver Lining Playbook'

 
  વાચકોને યાદ હશે કે મે મહિનામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો એ દરમિયાન ‘આમોર’ (લવ) નામની એક ફ્રેન્ચ ફિલ્મ વિશે વાત કરી હતી. આ ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ થઈ રહ્યું છે. એંસી વર્ષ વટાવી ચૂકેલું એક વૃદ્ધ કપલ છે. બન્ને મ્યુઝિક ટીચર છે. એમની દીકરી વિદેશમાં સેટલ થઈ છે. એક દિવસ અચાનક વૃદ્ધાને પેરેલિસિસનો એટેક આવે છે. ધીમે ધીમે એ મૃત્યુ તરફ આગળ વધી રહી છે. પતિ-પત્નીના પ્રેમની આ સૌથી મોટી કસોટી છે. આ હૃદયદ્રાવક અવોર્ડવિનર ફિલ્મ આગામી ઓસ્કર સમારોહમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે હોટ ફેવરિટ ગણાય છે. કલ્પના કરો, આપણી ‘બરફી!’ પણ આ જ કેટેગરી માટે મોકલવામાં આવી છે, જેને  નોમિનેશન મળવાના ચાન્સ પણ નહીવત છે. એક મજાની આડવાત. ‘આમોર’ની નાયિકા સિનિયર એક્ટ્રેસનું નામ ઈમેન્યુએલ રિવા છે, જેના પરથી આપણા પ્રિય લેખક સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષીએ પોતાની પુત્રીનું નામ રિવા રાખ્યું હતું!

French actress Emmaunuelle Riva in 'Amour' 

 
  ‘લાઈક સમવન ઈન લવ’ નામની એક જપાની ફિલ્મ પણ ખાસ્સી ચર્ચામાં છે. એક કોલેજિયન યુવતી છે. ભણવાનો ખર્ચ ઉપાડવા એ રાતે કોલગર્લ તરીકે કામ કરે છે. એક રાતે એક વૃદ્ધ પુરુષ એની પાસે ગ્ર્ાાહક બનીને આવે છે. બીજે દિવસે સવારે પુરુષ એને કોલેજ ડ્રોપ કરે છે ત્યારે યુવતીનો પ્રેમીનો ભેટો થઈ જાય છે. પ્રેમી સમજે છે કે આ માણસ છોકરીના દાદાજી છે! આખરે પ્રેમીને યુવતીનું સિક્રેટ ખબર પડી જાય છે, પણ ત્યાં સુધીમાં યુવતી અને પેલા વૃદ્ધ વચ્ચે અજબ સંબંધ વિકસી ચૂક્યો છે.
 
  સારાહ પોલી નામની કેનેડિયન ફિલ્મમેકરે બનાવેલી ‘સ્ટોરીઝ વી ટેલ’ ફિલ્મનો વિષય ભારે ઈન્ટરેસ્ટિંગ છે. આ એક આત્મકથનાત્મક ડોક્યુમેન્ટરી છે. સારાહને ખબર પડે છે કે એ જેને પોતાના પપ્પા ગણે છે એ માણસ વાસ્તવમાં એના પિતા છે જ નહીં. એના બાયોલોજિકલ ફાધર તો કોઈ બીજું જ છે. પોતે ખરેખર તો માના લગ્નેતર સંબંધનું પરિણામ છે! સારાહ આ ફેમિલી સિક્રેટનો ભેદ ઉકેલવા કમર કસે છે. એ પરિવારના તમામ સભ્યોનું ઈન્ટરોગેશન કરે છે, જેમાંથી નવી નવી વાતો બહાર આવતી જાય છે. સારાહને સમજાય છે કે પરમ સત્ય જેવું કશું હોતું જ નથી. સૌનું પોતપોતાનું આગવું સત્ય હોય છે!

'Liv and Ingmar' 

 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ હોય અને ભારતીય ફિલ્મમેકર્સ રમઝટ ન બોલાવે એવું કેમ બને? આર્કિટેક્ટમાંથી ફિલ્મમેકર બનેલા ધીરજ આકોલકરે ‘લિવ એન્ડ ઈન્ગમેર’ નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. ઈન્ગમેર બર્ગમેન મહાન ફિલ્મમેકર અને લિવ ઉલમેન એક્ટ્રેસ. બન્ને સ્વિડીશ. ધીરજ આકોલકરે લિવ ઉલમેનનો પ્રલંબ ઈન્ટરવ્યુ લીધો છે અને વચ્ચે વચ્ચે બર્ગમેનની ફિલ્મોના ટુકડા મુક્યા છે. રિઝલ્ટ અફલાતૂન આવ્યું છે.

  વિશ્વભરના મહાન અદાકારો વચ્ચે ગુજરાતી રંગભૂમિની સમ્રાજ્ઞી સરિતા જોશીના અભિનયવાળી ફિલ્મ ‘ગંગુબાઈ’નું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. પ્રિયા કૃષ્ણસ્વામીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં એક સંતાનહીન, પતિહીન વયસ્ક સ્ત્રીની વાત છે, જે માથેરાનમાં એક પારસી પરિવારમાં નોકરાણી તરીકે કામ કરે છે. અદભુત ડિઝાઈનવાળી મોંઘીદાટ પારસી સાડી પહેરવાનું ગંગુબાઈની ફેન્ટસી છે. એ પોતાનાં ચાર વર્ષની કમાણી આ સાડી તૈયાર કરાવવામાં નાખી દે છે, પણ....

Swaroop Sampat in 'Saptpadi'

 
 સુપર ટેલેન્ટેડ ગુજરાતી અદાકાર દર્શન ઝરીવાલાની ફિલ્મ ‘સેવ યોર લેગ્ઝ!’નું પ્રીમિયર આજે સાંજે થવાનું છે. ક્રિકેટના બેકગ્ર્ાઉન્ડવાળી આ ઓસ્ટ્રેલિયન ફિલ્મ એક કોમેડી છે. અમિતાભ બચ્ચન કોર્પ લિમિટેડ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ લાંબા સમયથી બની રહી હતી, પણ પછી કોણ જાણે ક્યાં અટવાઈ ગયેલી. ચાલો, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આખરે એના દર્શન થવાના ખરા. આમાં એક મોડર્ન ગુજરાતી પરિવારની વાત છે. મની-માઈન્ડેડ પતિ, પરોપકારી પત્ની અને તેમની વચ્ચે ઊભો થતો તનાવ... નિરંજન થાડે નામના મરાઠી ડિરેક્ટરે બનાવેલી ‘સપ્તપદી’ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ જગતમાં ‘કેવી રીતે જઈશ’ પછીની નેકસ્ટ-બિગ-થિંગ બની રહે એવી પૂરી શક્યતા છે.
 
  છેલ્લે ફેસ્ટિવલની ક્લોઝિંગ ફિલ્મની વાત કરીએ. એનું ટાઈટલ છે, ‘બ્લેન્કેનીવ્ઝ’. આ સ્ેપનિશ ફિલ્મમાં એક બુલફાઈટર આખલા સાથે લડતા લડતા રિંગમાં ભયાનક રીતે ઘાયલ થઈ જાય છે. આ જોઈને એની પ્રેગનન્ટ પત્નીને અધૂરા મહીને વેણ ઉપડે છે. એ દીકરીને જન્મ તો આપે છે, પણ પોતે જીવ છોડી દે છે. અપાહિજ થઈ ગયેલા પુરુષને નવજાત બાળકી દીઠી ગમતી નથી.  એ પોતાની ચાકરી કરનાર નર્સ સાથે લગ્ન કરી લે છે. છોકરી જાણે ઘરનોકર હોય એવો એની સાથે વર્તાવ થાય છે. એક દિવસ છોકરી પિતાની બુલફાઈટિંગ કેપ લઈને નાસી જાય છે. મોરના ઈંડાં જેમ ચીતરવા ન પડે તે ન્યાયે આ છોકરી ખુદ જુનિયર બુલફાઈટર બને છે.
 
 ટૂંકમાં, કલ્પના કરી ન હોય એવા વિષયો, મહાવિચિત્રથી અદભુત કહી શકાય એવી અપરંપાર ફિલ્મો... આયોજનની અંધાધૂંધીને અવગણના કરીએ તો સિનેમા-લવર્સ માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જલસા જ જલસા છે!
 
  શો-સ્ટોપર

 
ફિલ્મમાં એક જ સુપરહિટ ગીત ગાવા મળે તો ય તમારી લાઈફ  બની જાય, પણ મ્યુઝિક કમ્પોઝરો બોલાવે તોને? કામ સામેથી  થોડું ચાલતું ચાલતું ઘરે આવવાનું છે? એ માટે સ્ટુડિયોના ચક્કર લગાવવા પડે, હાથ-પગ હલાવવા પડે... અને હું એક નંબરની આળસુડી છું! 


- ફાલ્ગુની પાઠક 
(ડાંડિયા-ક્વીન)                                                                  
 
 
 
 
 
 
 
 
 

Sunday, October 14, 2012

સૂર અને તાલ... અલગ છે!


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 14 ઓક્ટોબર 2012 

સ્લગ: મલ્ટિપ્લેક્સ

બે હાઈ -હાઈ પ્રોફાઈલ શોઝ આજકાલ ટીવી સ્ક્રીન પર રમઝટ બોલાવી રહ્યા છે - ઝી પર ‘સારેગામાપા’ અને કલર્સ પર ‘બિગ બોસ’. ‘બિગ બોસ’માં આ વખતે 33 ટકા સ્પર્ધકો ગુજરાતી છે! ઈટીવી પર ‘લોકગાયક ગુજરાત’ની સિઝન-ટુ પણ જમાવટ કરી કરી રહી છે. 

----------------------------------------------------------------------------------------------


તો, ‘બિગ બોસ’ સિઝન સિક્સનું ભવ્ય આગમન થઈ ચુક્યું છે. સલમાન ખાન એકધારો કહ્યા કરે છે કે આ ‘અલગ છે’, પણ ફિક્સ્ડ ફોર્મેટ ધરાવતો રિયાલિટી શો થઈ થઈને કેટલો અલગ થઈ શકે? હા, આ વખતે પંદર ર્સ્પધકો ઉપરાંત અન્ય સજીવો પણ ઘરમાં છે. જેમ કે, ધૂળેટી રમીને નાહ્યા-ધોયા વગર સીધો ઘરમાં આવી ગયો હોય એવો ખૂબસૂરત મલ્ટિકલર્ડ પોપટ અને મોટા માછલીઘરમાં તરતી રહેલી માછલીઓ. માછલીઓ તો ચુપચાપ ચકરાવા મારતી રહે છે, પણ ઈરિટેટિંગ પોપટભાઈને મ્યુટનું બટન દાબીને ચુપ કરી દેવા જેવો છે. જો પ્રાણીઓનો આઈડિયા ઓડિયન્સને ગમી ગયો તો આવતી સિઝનમાં બિગ બોસ હાઉસમાં કૂતરાં અને બિલ્લી આવી જવાનાં. એમાંય ધારો કે વોડાફોન સ્પોન્સર હોય તો એની એડ્સમાં દેખાતું પેલું કદરુપા મોઢાવાળું ‘પગ’ જાતિનું કૂતરું ભવિષ્યમાં એન્ટ્રી મારી શકે છે!

બીજી તરત ધ્યાન ખેંચાય એવી વાત એ છે કે આ વખતે ‘અલગ છે’ પંચલાઈન ઉપરાંત ત્રેંત્રીસ ટકા સ્પર્ધકો પણ ગુજરાતી છે. મતલબ કે પંદરમાંથી પાંચ! ઉર્વશી ધોળકિયા (ડોમિનેટિંગ), આશ્કા ગોરડિયા (સ્વીટ), કોમેડિયન વ્રજેશ હીરજી (ખૂબ આત્મસભાન, અસહજ અને લાઉડ) અને પારસણ ડેલનાઝ આ ચારેય ટીવી પર અવારનવાર દેખાતા રહેતા અદાકારો છે. ડેલનાઝ અને વ્રજેશને આપણે વચ્ચે વચ્ચે બિગ સ્ક્રીન પર પણ જોઈએ છીએ. પાંચમી ગુજરાતી સ્પર્ધક કરિશ્મા કોટક લંડનમાં ઉછરેલી અને સાતેક વર્ષથી મુંબઈમાં સક્રિય થયેલી મોડલ છે. એ કિંગફિશરનાં બિકીનીનાં કેટેલોગ જેવાં કેલેન્ડરમાં ચમકી ચુકી છે, જે તેની અત્યાર સુધીની સૌથી મોટી ‘સિદ્ધિ’ છે. ભ્રષ્ટાચાર-વિરોધી કાર્ટૂન્સ બનાવીને અચાનક ખૂબ બધી પબ્લિસિટી મેળવી લેનાર કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની માત્ર અટક ગુજરાતી છે. મૂળ ઉત્તર પ્રદેશના આ દાઢીધારી યુવાનને ગુજરાત સાથે કશી લેવાદેવા નથી.

બિગ બોસે ડેલનાઝ અને એના ભૂતપૂર્વ એક્ટર પતિ રાજીવ પૉલને પાછાં એક ઘરમાં બંધ કરી દીધાં છે. આ બન્ને હજુ થોડા મહિનાઓ પહેલાં જ ડિવોર્સ લઈને છૂટાં પડ્યાં છે. શું બન્નેને એકબીજાની હાજરીની જાણ બિગ બોસ હાઉસમાં આવ્યા પછી જ થઈ? કહી શકાતું નથી. આ સિઝનમાં ડેલનાઝ-રાજીવનો ‘ટ્રેક’ સંભવત: સૌથી ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થવાનો. શરત એટલી જ કે તે સ્ક્રિપ્ટેડ હોવો ન જોઈએ. નવજોતસિંહ સિધ્ધુ હંમેશ મુજબ ફુલ ફોર્મમાં છે. તમામ સ્પર્ધકોમાં હેર સ્ટાઈલિસ્ટ સપના સાચા અર્થમાં ‘અલગ છે’. એણે આવતાવેંત તોફાન મચાવવાનું શ‚ કરી દીધું છે.

‘બિગ બોસ’ના સંદર્ભમાં ઓડિયન્સમાં હંમેશાં બે સ્પષ્ટ ભાગ પડી જાય છે. એક વર્ગને આ શો અત્યંત વાહિયાત લાગે છે, જ્યારે બીજા વર્ગને આ શોમાં ઝીલાતું હ્યુમન બિહેવિયર અને માઈન્ડ ગેમ્સ જોવાની બહુ મજા પડે છે. આ થઈ કલર્સ ચેનલની વાત. ઝી ટીવી પર, બીજી બાજુ, એક ઓર જુનો ને જાણીતો ટેલેન્ટ શરુ થયો છે, ‘સારેગામાપા’, જે 17 વર્ષ દરમિયાન કંઈકેટલીય સિઝનમાંથી પસાર થયા પછી પણ મજા કરાવે છે. થોડા અરસા પહેલાં મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં આ શોનું ધમાકેદાર લોન્ચિંગ થયું ત્યારે નિર્ણાયકો અને નિર્ણાયકો એક વાત સતત ભાર દઈને કરતા રહ્યા: આ વખતની સિઝન કંઈકેટલાય સરપ્રાઈઝીસથી ભરપુર છે અને બીજા મ્યુઝિકલ શોઝ કરતાં ‘સારેગામાપા 2012’ સાચા અર્થમાં ‘હટ કે’ પૂરવાર થવાનો છે.

SaReGaMaPa judges: (From L to R) Rahul Ram, Shankar Mahadevan, Wajid and Sajidવેલ, સવાલ ફરી પાછો એ જ પેદા થાય કે આ પ્રકારના મ્યુઝિકલ ફોર્મેટમાં તમે કરી કરીને કેટલું અલગ કરી શકો? ઓડિશન રાઉન્ડ્સમાં એ જ બધું હતું - સ્થળ પર ઉમટી પડેલો માનવ મહેરામણ, હો-હો ને દેકારા, સિલેક્ટ થયેલા સ્પર્ધકોની કૂદાકૂદી, રિજેક્ટ થયેલા યુવકયુવતીઓનાં આસું અને ઉધામા, સાથે આવેલાં મા-બાપના ક્વોટ્સ, સ્પધર્કો  ઘરમાં રિયાઝ કરી રહ્યા હોય એવી ક્લિપ્સ, ચક્રમ જેવા સ્પર્ધકોની ઠઠ્ઠા મશ્કરી વગેરે. ‘સારેગામાપા’ હોય કે ‘ઈન્ડિયન આઈડલ’ કે બીજો કોઈ ટેલેન્ટ શો... ઓડિશન રાઉન્ડ્સનાં આ વિઝ્યુઅલ્સ (અને એડિટિંગ પેટર્ન પણ) એટલા બધા સરખા હોય છે કે એક શોનાં દશ્યોને બીજા શોમાં આરામથી ચિપકાવી શકાય.

‘સારેગામાપા’માં જોકે એક મુદ્દો શ‚આતથી ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. દેશભરનાં 13 શહેરોમાં યોજાયેલાં ઓડિશન રાઉન્ડ્સમાં ચારેય નિર્ણાયકો (શંકર મહાદેવન, સાજિદ, વાજિદ અને ‘ઈન્ડિયન ઓશન’ બેન્ડના લીડ વોકલિસ્ટ રાહુલ રામ) સ્પર્ધકોને સતત એક સલાહ આપી રહ્યા છે કે મહેરબાની કરીને વર્સેટાઈલ બનવાના ધખારા છોડી દેજો. તમને જે પ્રકારનાં ગીત સૌથી સારી રીતે ગાતાં આવડે છે એને જ છેક સુધી વળગી રહેજો. આ મજાની વાત છે. અત્યાર સુધી એવું હતું કે સ્પર્ધક જો રોમેન્ટિક ફિલ્મી સોંગ, અઘરી ક્લાસિકલ રચના, લોકગીત, કવ્વાલી, મસ્તીભયુર્ર્ વેસ્ટર્ન શૈલીનું ગીત આ બધું જ ઉત્તમ રીતે ગાઈ શકે તો જ જજલોકોને  સંતોષનો ઓડકાર આવતો. અલબત્ત, સિંગર જો તમામ શૈલીનાં ગીતો ગાઈ શકતો હોય તો એ સારું જ છે, પણ જડતાપૂર્વક એવો આગ્ર્ાહ રાખવાની જ‚ર હોતી નથી.

સોનુ નિગમ તેમજ ‘છય્યા છય્યા’ ફેમ સુખવિન્દર સિંહ બન્ને વર્ષોથી તદ્દન અલગ અલગ પ્રકારનાં ગીતો ગાય છે અને બન્ને સફળ છે, બન્ને પોપ્યુલર છે. કવિતા સેઠ અને નંદિની શ્રીકરે શ્રેયા ઘોષલ જેવાં સોફ્ટ રોમેન્ટિક ગીતો ગાવાની કશી જ‚ર નથી. એ ભલે અનુક્રમે ‘ઈકતારા’ (વેક અપ સિડ) અને ‘ક્યું.. રુઠે મોસે મોહન’ (રા.વન) ગાય. પોતાના વર્તુળમાં રહીને કવિતા અને નંદિની શ્રેષ્ઠ ગીતો આપી શકે છે. શ્રેયા કદાચ આ ગીતો આટલી અસરકારક રીતે નહીં ગાઈ શકે. ‘સારેગામાપા’ની લેટેસ્ટ સિઝન જો સ્પર્ધકો અને દર્શકોના મનમાં આ એક વાત અસરકારક રીતે ઉતારી શકશે તો પણ એ પૂરતું ગણાશે. જોઈએ, સિઝન આગળ વધતી જાય તેમ બીજાં ક્યાં નવાં સરપ્રાઈઝ દર્શકો સામે આવે છે.

Lok Gayak Gujarat -2 : Anchor Kirtidan Gadhavi (left) with a contestant


મ્યુઝિકલ શોની વાત ચાલી રહી છે તો ઈટીવી ગુજરાતી ચેનલ પર પ્રસારિત થઈ રહેલા સુંદર શો ‘લોકગાયક ગુજરાત’ (શનિ-રવિ, સાજે 7.30 વાગે)ની વાત પણ કરી લેવી જોઈએ. શોની આ બીજી સિઝન છે. ગુજરાતના ખૂણેખૂણેમાંથી અને ઈવન મુંબઈમાંથી તગડા સ્પર્ધકોને પસંદ કરીને લાઈવ ઓડિયન્સ સામે પેશ કરવામાં આવ્યા છે. ગુજરાતની ધરતીની સોડમ પ્રસરાવતી ભાતીગળ ગાયનશૈલી, અવાજની વિશિષ્ટ ખનક, અનુભવી સાજીંદાઓ દ્વારા પીરસાતું લાઈવ મ્યુઝિક... આ બધું એટલું અસરકારક હોય છે કે પોતાના ડ્રોઈંગ‚મમાં ટીવી સામે બેેઠેલો દર્શક  પણ રણઝણી ઉઠે. બિહારીભાઈ ગઢવી, વત્સલા પાટિલ અને પંકજ ભટ્ટ શોના કાબેલ નિર્ણાયકો છે.  ‘લોકગાયક ગુજરાત’નો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે શોના એન્કર, કીર્તિદાન ગઢવી. ગુજરાતનાં લોકસંગીત વિશેનું એમનું જ્ઞાન તેમજ સ્પર્ધકો-નિર્ણાયકો સાથેનું એમનું ઈન્ટરેક્શન ખરેખર મજાનું હોય છે. અફ કોર્સ, ‘સારેગામાપા’ કે ‘સૂરક્ષેત્ર’ જેવા શોઝ જેવી ટેક્નિકલ ભવ્યતાની અપેક્ષા ‘લોકગાયક ગુજરાત’ પાસેથી ન જ રાખવાની હોય, પણ ડાયરાના કાર્યક્રમોને એન્જોય કરી શકતા દર્શકોએ આ શોને મિસ કરવા જેવો નથી. એ હાલો...

શો-સ્ટોપર

શ્રીદેવી સાથેનું મારું સમીકરણ સુમેળભયુ છે. હું શ્રીદેવીને એટલું માન આપવાની કોશિશ કરું છું જેટલું મિસ્ટર બોની કપૂરની પત્નીને મળવું જોઈએ. કોઈ ફેમિલી પિક્ચર પરફેક્ટ હોતું નથી.

- અર્જુન કપૂર (બોની કપૂરની પ્રથમ પત્ની મોનાનો એકટર-પુત્ર)


 

Saturday, October 6, 2012

હવાહવાઈ રિટર્ન્સ!


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 7 ઓક્ટોબર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

 શ્રીદેવી જેવી ઉત્તમ એક્ટ્રેસ દોઢ દાયકાના વિરામ પછી પુન:  પ્રવૃત્ત થાય એ ખૂબ મજાની અને ઈચ્છનીય વાત છે. નવી પેઢીના સ્માર્ટ ડિરેક્ટર્સ એની કાબેલિયતનો હવે કેવોક ઉપયોગ કરે છે એ જોવાની મજા આવશે.


તો? શ્રીદેવીનું પછી શું થયું, સાહેબ? પંદર વર્ષનો જમ્બો બ્રેક લીધા પછી મોટે ઉપાડે એણે જે ફિલ્મ સ્વીકારી હતી એ ‘ઈંગ્લિશ વિંગ્લિશે’ સિક્સર ફટકારી, માંડ માંડ સિંગલીયું લીધું કે સાવ ક્લીન બોલ્ડ થઈ ગઈ? આ બધા સવાલોના જવાબ તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં અડધો-પડધો મળી ગયો હશે. બોક્સ ઓફિસ પર રિઝલ્ટ જે આવ્યું હોય એ, પણ એક વાત નિશ્ચિત છે: શ્રીદેવી જેવી કાબેલ એક્ટ્રેસ સિનેમાના પડદે પુન:  પ્રવૃત્ત થાય એ ખૂબ મજાની અને ઈચ્છનીય વાત છે.

‘ઈગ્લિશ વિંગ્લિશ’ની ફર્સ્ટ-ટાઈમ ડિરેક્ટર ગૌરી શિંદના હસબન્ડ આર. બાલ્કી અને શ્રીદેવીના પ્રોડ્યુસર પતિ બોની કપૂર દોસ્તારો  છે. બાલ્કી ખુદ કાબેલ ફિલ્મમેકર છે. એની ‘ચીન કમ’ અને ‘પા’ જેવી ફિલ્મો આપણે ખૂબ એન્જોય કરી છે. બાલ્કીએ બોનીને બે સ્ક્રિપ્ટ્સ આપી હતી. બોનીએ તે શ્રીદેવીને પાસ-ઑન કરીને કહ્યું હતું: શ્રી, જરા નજર ફેરવી લેને આ બન્ને પર. શ્રીદેવીને બન્ને પટકથા પસંદ પડી, પણ એક જરાક વધારે ગમી ગઈ. આયોજન એવું હતું કે આ વધારે ગમી ગયેલી સ્ક્રિપ્ટ પરથી બે ભાષામાં એકસાથે ફિલ્મ બને. હિન્દીમાં અમિતાભ બચ્ચન હીરો હોય અને તમિલમાં રજનીકાંત. બન્નેની હિરોઈન, અફકોર્સ, શ્રીદેવી જ હોય. કમભાગ્યે રજનીસર માંદા પડી ગયા. (હા, હા, રજનીકાંત બીમાર પણ થઈ શકે છે!) તેથી એ આઈડિયાને અભેરાઈ પર ચડાવી દેવો પડ્યો. પરિણામે સ્ક્રિપ્ટ નંબર ટુ એટલે કે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’નો નંબર લાગી ગયો. એક સીધી સાદી ગૃહિણીને અમેરિકામાં ઈંગ્લિશ ભાષાના અજ્ઞાનને કારણે કેવી તકલીફ પડે છે અને એ કેવી રીતે એમાંથી બહાર આવે છે એવી હલકીફૂલકી કહાણી એમાં છે.

‘આ ફિલ્મની વાર્તા મને એટલી સ્પર્શી ગઈ કે એના માટે મેં ગમે ત્યારે હા પાડી દીધી હોત!’ શ્રીદેવી એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘આ પંદર વર્ષમાં મેં ફેમિલી લાઈફની એકેએક પળ એન્જોય કરી છે, બન્ને દીકરીઓને સારામાં સારી રીતે ઉછેરવામાં મારો જીવ રેડી દીધો છે. મારા હસબન્ડે આ ગાળામાં ‘પુકાર’, ‘ખુશી’, ‘નો એન્ટ્રી’, ‘વોન્ટેડ’ જેવી કેટલીય ફિલ્મો બનાવી. તમે માનશો? આવી કોઈ ફિલ્મનાં ગીતનાં રેકોડિર્ંગ પર ગઈ હોઉં કે ફિલ્મનું કાચું ફૂટેજ જોતી હોઉં ત્યારે કેટલીય વાર મારી અંદરની એક્ટ્રેસ જાગી ઉઠતી! હું રીતસર બેચેન બની જતી. હું બોનીજીને કહું પણ ખરી કે મને એકાદું ગીત તો કરવા દો, પણ એ મને સિરિયસલી લે તોને!’‘હવાહવાઈ’ અને ‘કાંટે નહીં કટતે’ જેવાં કેટલાંય ગીતોમાં શ્રીદેવીએ આપેલાં પર્ફોર્મન્સીસ યાદગાર બની ગયાં છે. એ કહે છે, ‘હા, ‘કાંટે નહીં કટતે’ ગીત સરસ બન્યું હતું, પણ જો આજની તારીખે હું આવું ગીત કરવાની ગુસ્તાખી કરું તો મારી દીકરીઓ મને ઘરની બહાર તગેડી મૂકે! આ ઉંમરે આવાં લટકા-ઝટકા મારી પર્સનાલિટીને સુટ પણ ન થાય.’

શ્રીદેવીએ ગયા રવિવારે ‘ઝલક દિખલા જા’ના ગ્ર્ાન્ડ ફિનાલેમાં ગ્ર્ાન્ડ એન્ટ્રી કરી હતી અને માધુરી દીક્ષિતની સાથે બે-ચાર ઠુમકા પણ માયાર્ર્ં હતાં. એક વાત પ્રતીતિ સૌને થઈ હતી કે શ્રીદેવીની ઉંમર ભલે દેખાય, પણ એ દેખાય છે આજે પણ એટલી જ શાનદાર. શરીર પર ચરબીના થથેડા ચડવાનું તો બાજુએ રહ્યું, એ ઊલટાની વધારે સ્લિમ-એન્ડ-ટ્રિમ થઈ ગઈ છે. શ્રીદેવી રાઝ ખોલે છે, ‘એનું સિક્રેટ એક જ છે: બી પોઝિટિવ. જો તમે ભીતરથી સંતુષ્ટ અને શાંત હશો તો એ તમારા ચહેરા પર ઝળક્યા વગર રહેશે નહીં. ખાણીપીણીની સારી-માઠી આદતોથી ખૂબ ફરક પડે છે. ઘી-તેલમાં લથબથતા ખોરાકને હું મારી લાઈફથી અને મારા ઘરથી જોજનો દૂર રાખું છું. પુષ્કળ પાણી પીવું. નિયમિત એક્સરસાઈઝ કરવી. પછી એ ગમે તે હોય- યોગા, જિમિંગ, જોગિંગ, કંઈ પણ. હેલ્થ કોન્શિયસ તો બનવું જ પડે.’
જો ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને ધાર્યો  પ્રતિસાદ મળશે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ મહિલા ડિરેક્ટરોની સૂચિમાં ગૌરી શિંદેનું નામ હકથી ઉમેરાઈ જશે. પોતાની પહેલી જ ફિલ્મમાં શ્રીદેવી જેવી સુપરસ્ટારનું પુનરાગમન થવાનું હોય માથાં પર જબરદસ્ત પ્રેશર  હોય એ સમજી શકાય એવું છે. ‘પણ શ્રીદેવીએ એ વાતની ખાસ તકેદારી રાખી કે હું પ્રેશરમાં આવી ન જાઉં!’ ગૌરી શિંદે કહે છે, ‘હું સાવ નવીસવી છું છતાંય એણે મારા પર પૂરેપૂરો ભરોસો મૂક્યો, મારી એકેએક સૂચનાનું પાલન કર્યું. એક પણ વાર પોતાના વિચાર કે મંતવ્ય મારા પર થોપવાની કોશિશ સુધ્ધાં ન કરી. એક આજ્ઞાંકિત સ્ટુડન્ટ જેવું વર્તન હતું એનું.’

Sridevi with her daughters at English Vinglish premier 


શ્રીદેવી હંમેશા ખુદને ‘ડિરેક્ટર્સ એક્ટ્રેસ’ કહે છે. મતલબ કે એ પોતાનાં પર્ફોર્મન્સની પૂરેપૂરી લગામ ડિરેક્ટરના હાથમાં સોંપી દે છે. ગૌરી ઉમેરે છે, ‘શ્રીદેવી તો ટેલેન્ટના અખૂટ ખજાના જેવી છે. તમે ખજાનો લૂંટ્યા જ કરો તો પણ ખલાસ થવાનું નામ જ લે. શ્રીદેવી મેથડ એક્ટર નથી. એ ક્યારેય મોટી મોટી વાતો નહીં કરે કે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ના રોલ માટે એણે ખૂબ બધું ‘રિસર્ચ’ કર્યું  કે કેટલીય મિડલ ક્લાસ ગૃહિણીઓના ઘરે જઈને એમનાં વર્તન-વ્યવહારનું નિરીક્ષણ કયુ વગેરે. શ્રીદેવીની એક્ટિંગ જોઈને મને પોતાને નવાઈ લાગતી છે કે એનામાં આ બધું કેવી રીતે આવતું હશે. પહેલાં જ દિવસથી શ્રીદેવીએ પોતાના રોલમાં કમાલનો પાત્રપ્રવેશ કરી લીધો હતો.’

શ્રીદેવીએ રિઅલ લાઈફમાં અંગ્ર્ોજી અને હિન્દી શીખવા માટે સારો એવો સંઘર્ષ કરવો પડ્યો હતો. કદાચ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ની  ભુમિકા ભજવતી વખતે તે અનુભવ કામ આવ્યો હશે. પોતાના સુવર્ણકાળમાં શ્રીદેવી હંમેશા ખૂબ અંતર્મુખી રહી છે. મિડીયા સાથે પણ અત્યંત ઓછી વાત કરે. એટલી હદે કે એની છાપ ‘ડમ્બ વુમન’ તરીકે પડી ગઈ હતી. જોકે ડિમ્પલે એક વખત શ્રીદેવીનો સરસ બચાવ કરેલો. એણે કહેલું: ‘અરે ભાઈ, એક એક્ટરે પોતાની કરીઅરમાં અલગ અલગ કેટલીય જાતનાં કિરદાર ભજવવા પડે છે. આ પાત્રોને સમજવા માટે અને આત્મસાત કરવા માટે અદાકારે ઈન્ટેલિજન્ટ હોવું જ પડે. શ્રીદેવી તો નંબર વન એક્ટ્રેસ છે. એ કેવી રીતે ડમ્બ (એટલે કે બાઘ્ઘી) હોઈ શકે?’‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં અમિતાભ બચ્ચનનો પણ નાનકડો રોલ છે. બિગ બી આ ફિલ્મ જોઈને અત્યંત ભાવુક બની ગયા હતા. પોતાના બ્લોગમાં એમણે લખ્યું છે: ‘આ ફિલ્મ જોઈને મારું દિલ ભરાઈ આવ્યું હતું, આંખોમાં આંસુ આવું-આવું થઈ ગયાં હતાં. અમુક ચોક્કસ સીન જોઈને હું ઈમોશનલ થઈ ગયો હતો એવું નહોતું, પણ આ આખી ફિલ્મ જોઈને થયેલા આનંદમાંથી,  અપ્રિશિયેશનની લાગણીમાંથી આ પ્રતિક્રિયા જન્મી હતી. આપણા જીવનની કહાણી ખરેખર તો નાની નાની ક્ષણોની સાદગીમાં સમાઈ જતી હોય છે. ઊછળતી કારો અને કડાકા-ભડાકા જોઈને બે ઘડી ઉત્તેજના જ‚ર થાય, પણ જીવનનું સાધારણપણું જો પડદા પર અસરકારક રીતે પેશ થાય તો આપણા દિલને તે સ્પર્શ્યા વગર રહેતું નથી. ગૌરી શિંદેએ આ ફિલ્મમાં બહુ થોડામાં ખૂબ બધું કહી દીધું છે.’

વેલ, બિગ બીનું આ સર્ટિફિકેટ ગૌરી શિંદે માટે તો ફિલ્મફેર અવોર્ડ કરતાંય વધારે મોટું ગણાય. શ્રીદેવી ચોખ્ખું કહે છે કે મારી હવે પછીની કરીઅરનો સઘળો આધાર ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને મળેલા રિસ્પોન્સ પર છે. આ રિસ્પોન્સ જે હોય તે, એ ‘મિસ્ટર ઈન્ડિયા પાર્ટ ટુ’માં દેખાશે એ તો નિશ્ચિત છે.

શો-સ્ટોપર

રણબીર ઘરમાં હંમેશા સહમેલો સહમેલો રહેતો હોય છે. નાનપણથી જ એ આવો છે. એ ના બહુ ખુશ દેખાય, ના બહુ ઉદાસ. મને કાયમ થાય કે કેમ મારો દીકરો એક જ સૂરમાં રહે છે? 

- નીતૂ કપૂર   

                                                             00000000000

Click here for theatrical trailer of English Vinglish:

http://www.youtube.com/watch?v=8dWir9Q_Vek

                                                                0000000000

Brief review of English Vinglish 

ને કહેવાય ગ્રાન્ડ કમબેક! આજે મિડીયા માટે યોજાયેલા પ્રેસ-શોમાં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ જોતી વખતે સતત એક ફીલિંગ થયા કરતી હતી કે શ્રીદેવી જેવી ઉત્તમ કલાકારે પંદર વર્ષનો તોતિંગ બ્રેક લીધો ન હોત અને ફિલ્મોમાં કામ કરવાનું અટકાવ્યું ન હોત તો હિન્દી સિનેમા વધારે સમૃદ્ધ બન્યું હોત! શ્રીદેવીએ દોઢ દાયકાના અંતરાલ બાદ પોતાના સ્ટેટસ, અનુભવ અને ઉંમરને છાજે એવું શાનદાર પુનરાગમન કર્યું છે. વોટ અ પર્ફ
ોર્મન્સ! ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ નિશ્ચિતપણે શ્રીદેવીની કરીઅરની વન-ઓફ-ધ-બેસ્ટ ફિલ્મ્સ બની રહેવાની.

એકાદ વર્ષ પહેલાં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ વિશે વાંચ્યું હતું ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા એ સવાલના રૂપમાં આવી હતી કે એક મધ્યમવર્ગીય ગૃહિણી અંગ્રેજી શીખતી હોય એવડીક અમથી વાત પર આખેઆખી ફિલ્મ કેવી રીતે બને? વેલ, આવા સીધા-સાદા પણ અનોખા વિષય પર શ્રીદેવી જેવી ભૂતપૂર્વ સુપરસ્ટારને લઈને મહત્ત્વાકાંક્ષી છતાંય ખૂબસૂરત ફિલ્મ બની શકે છે એ આનંદની વાત છે. આ ઉત્તમ સંકેત છે. ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં ક્યાંય કશુંય નાટકીય નથી, બિનજરૂરી કહેવાય એવાં એલીમેન્ટ્સ નથી. 
તમે ફિલ્મ જોતી વખતે હસતા રહો છો, મલકાતા રહો છો અને વચ્ચે વચ્ચે આવી જતી ભીની ભીની લાગણીશીલ ક્ષણોમાંથી પસાર થતા રહો છો. શ્રીદેવીનું કિરદાર એવું છે જેની સાથે આપણે સૌ આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. આપણા સૌનાં પરિવાર-સગાંવહાલામાં આવું કોઈ સ્ત્રીપાત્ર જરુર હોવાનું. શ્રીદેવી સિવાયના કલાકારોની પસંદગી પણ પરફેક્ટ છે. ફર્સ્ટ-ટાઈમ-ડિરેક્ટર ગૌરી શિંદેએ જબરા કોન્ફિડન્સથી આખી ફિલ્મ હેન્ડલ કરી છે. 


ટૂંકમાં, હિન્દી સિનેમાના ચાહકોને આજકાલ જલસા જ જલસા છે. પહેલાં ‘બરફી!’, 
પછી ‘ઓહ માય ગોડ’ અને હવે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’! વાહ!     (3-10-12)              0 0 0