Showing posts with label Creativity. Show all posts
Showing posts with label Creativity. Show all posts

Tuesday, September 17, 2019

કલા, ક્રિયેટિવિટી અને કરિયાણું


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 18 Sept 2019 બુધવાર 
ટેક ઓફ 
લેખક, અદાકાર, ચિત્રકાર કે કોઈ પણ કલાકાર હોવું તે વાત છે, પણ એને કારણે તમે કંઈ આપોઆપ બીજાઓથી ચડિયાતા બની જતા નથી.

હું તો ક્રિયેટિવ માણસ છું. મારે કલાની ઉપાસના કરવાની હોય. જો કલાકાર બન્યા પછી પણ મારે જો આવું જ બધું કરવાનું હોય તો એના કરતાં મેં કરિયાણાની દુકાન ન ખોલી નાખી હોત!’
આ પ્રકારના વાક્યપ્રયોગો આપણે વાતચીત, વકતવ્ય કે લખાણમાં ઘણી વાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. આપણને થઈ શકે કે વાહ, જો તો! આ માણસને પોતાની કલા માટે કેટલું પૅશન છે. આપણે કદાચ એ જોતાં નથી કે એણે પોતાની કલાના વખાણ કરવાની સાથે સાથે કરિયાણાના વેપારીને તુચ્છ ગણી નાખ્યો છે. મારી કલા ઊંચી, કરિયાણાની દુકાન નીચી. મારી ક્રિયટિવિટી મહાન, કરિયાણાના વેપારી હોવું  નિમ્ન કક્ષાનું કામ. કેમ ભાઈ, કરિયાણાની દુકાન સામે તને શો વાંધો છે? કરિયાણાનો વેપારી આખો દિવસ મહેનત કરે છે, કાયદાને અનુસરે છે, ટેક્સ ભરે છે, પોતેય કમાય છે અને દુકાનમાં બે-ચાર જણાને કામ પર રાખીને એમને ય પગાર આપે છે. તું તારી કલામાં માહેર હો તો અભિનંદન, ઓલ ધ બેસ્ટ, પણ કરિયાણાની દુકાન ચલાવવી એ ઊતરતી કક્ષાનું કામ છે એવું તું શું કામ માને છે અને શા માટે બીજાઓની સામે એવું પ્રસ્થાપિત કરવા માગે છે?
અહીં કરિયાણાની દુકાન ન ખોલી નાખી હોતની જગ્યાએ એના કરતાં હું કારકૂન ન બની ગયો હોત, એના કરતાં હું સરકારી નોકરી ન કરતો હોત પણ હોઈ શકે. કારકૂન હોવું, સરકારી નોકરી કરવી એ શું શરમની વાત છે? તમે લેખક કે કવિ હો, ચિત્રકાર હો, એક્ટર-ડિરેક્ટર હો, ગાયક હો કે એવું કંઈ પણ હો તે સારી વાત છે. પ્રતિભાવાન હોવું, કલાકાર હોવું, સરસ્વતીની કૃપા હોવી એ સારું જ છે, પણ એને કારણે તમે કંઈ આપોઆપ બીજાઓથી ચડિયાતા બની જતા નથી. દરેક કામ મહત્ત્વનું છે, દરેક ક્ષેત્રનું પોતાનું ગૌરવ છે. હું આર્ટિસ્ટ છું એટલે હું નાઇન-ટુ-ફાઇવની નોકરી કરનાર વ્યક્તિ કરતાં કે દુકાન ખોલીને બેઠેલા વેપારી કરતાં સુપિરીયર છું એવું કોણે કહ્યું? પોતાને કલાકાર કે ક્રિયેટિવ ગણાવીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો માણસ અસલિયતમાં કામચોર અને માણસ તરીકે તદ્દન વાહિયાત કે નઠારો હોઈ શકે છે.   
નાનપણથી અમુક બાબતો આપણાં દિમાગમાં એવી જડાઈ ગઈ છે કે એક વ્યક્તિ અથવા ક્ષેત્રની તરફેણમાં પ્રશંસાત્મક સૂરે બોલતી-સાંભળતી વખતે સૂક્ષ્મ રીતે અન્ય કોઈકનો અનાદર થઈ રહ્યો છે એવું આપણે નોંધતા પણ નથી. આ પ્રકારની અભિવ્યક્તિ પ્રત્યે સભાન બનવું પડશે. એક જોક ખૂબ પ્રચલિત છે. પિતા-પુત્ર વચ્ચે સંવાદ ચાલે છેઃ જો બેટા, તું જો બારમા ધોરણમાં સારા ટકા લઈ આવીશ તો બાઇક લઈ આપીશ. દીકરો કહે છે, સારા માર્ક્સ ન આવ્યા તો?’ પિતાશ્રી કહે છે, તો રિક્ષા.      
આ જોક કહેતી કે સાંભળતી વખતે આપણે હસીએ છીએ, પણ એવું વિચારતા નથી કે આ મજાકમાં આડકતરી રીતે રિક્ષાચાલકનું અપમાન થઈ રહ્યું છે. રિક્ષાચાલક એક શ્રમજીવી માણસ છે. શ્રમ કરીને પોતાનું ને પોતાના પરિવારનું પેટ ભરતી કોઈ પણ વ્યક્તિ માટે કેવળ સન્માન જ હોય.
શબ્દોમાં ખૂબ શક્તિ છે. એને કાળજીપૂર્વક વાપરવા જોઈએ. સવારે અમુક નિશ્ચિચ સમયે ડોરબેલ વાગે એટલે કિચનમાંથી મમ્મી બૂમ પાડે, રાજુ, કચરાની ટોપલી બહાર મૂક તો. કચરાવાળાં બહેન આવ્યાં લાગે છે. કચરાવાળાં બહેન? કચરો તમે કર્યો છે, કચરાવાળાં તમે છો. આ જે બહેન આવ્યાં છે એ કચરાવાળાં નહીં પણ સફાઈવાળાં બહેન છે. સફાઈ કામદાર એ સરસ શબ્દપ્રયોગ છે અને એ જ વપરાવો જોઈએ. ફ્લાઇટમાં ખાવાનું સર્વ થઈ ગયા પછી એરહોસ્ટેસ મોટો કોથળો લઈને ટ્રેશ પ્લીઝ... ટ્રેશ પ્લીઝ કરતી પસાર થાય છે, જેમાં આપણે ખાલી બોક્સ, કાગળનાં ગ્લાસ, વપરાયેલા ટિશ્યુ પેપર જેવી નકામી ચીજો નાખીએ છીએ. તમે જેને કચરાવાળાં બહેન કહો છો એ મહિલા એક્ઝેક્ટલી આ જ કામ તમારી બિલ્ડિંગના એકેએક ઘરે જઈને કરે છે.

કોઈ કામ નાનું નથી કે હલકું નથી. કામ, કામ છે. આપણે હજુય કામમાં ખૂબ ઊંચ-નીચ જોઈએ છીએ. પશ્ચિમમાં ટોઇલેટ સાફ કરવા આવતા જેનિટરને નીચી નજરે જોવામાં આવતો નથી. જેનિટર અને સવારે જેનું ઘર સાફ કર્યા હોય એ ઘરનો માલિક સાંજે બારમાં ચિયર્સ... કહીને સમકક્ષની જેમ બિયર પી શકે છે. કામની આભડછેટ આપણે હજુય દૂર કરી શક્યા નથી.
કહેવતો અને રુઢપ્રયોગોની દુનિયા ઘણીવાર ક્રૂર બની જાય છે. સમયની સાથે એમાં સરવાળા-બાદબાકી થતાં રહેવા જોઈએ. હરિજન અને વાલ્મીકિ સમાજ માટે વપરાતાં મૂળ અપમાનજનક શબ્દ હવે આપણે ત્યાં જાહેરમાં લખી-બોલી શકાતા નથી એ સારી વાત છે. આપણી કહેવતો અને રુઢિપ્રયોગોએ જ્ઞાતિઓને હડફેટમાં લઈ લીધી છે એનું કારણ જૂના જમાનાની વર્ણવ્યવસ્થા છે. કોઈ વ્યક્તિ વાહિયાત કે મૂરખ જેવું વર્તન કરે તો એના માટે સાવ હજામ જેવો છે એવો પ્રયોગ થાય છે, જે વ્યક્તિગત બોલચાલમાં પણ બંધ થઈ જવો જોઈએ જોઈએ. કેશકર્તન કરવું એ હલકું કામ નથી. એ મહેનત અને આવડતનું કામ છે. ફૂવડ દેખાતી સ્ત્રી માટે ગાંગલી ઘાંચણ જેવો અપમાનજનક શબ્દ વપરાય છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી કહેવતમાં સ્પષ્ટ વર્ગભેદ છે. આમાં તેલ કાઢવાનું કામ કરનાર તેલીને નીચી નજરે જોવાયો છે. વાસ્તવમાં મૂળ કહેવત આવી છેઃ ક્યાં રાજા જ અને ક્યાં ગાંગેય અને તેલંગણ?’ માળવાના રાજા ભોજે ચેદીદેશના રાજા ગાંગેય અને તેલંગણાના રાજા આ બન્નેને હરાવીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. એના કારણે આ તુલનાત્મક કહેવત બની, જે કાળક્રમે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી બની ગઈ.  
આખેઆખા શહેર, પ્રાંત કે જ્ઞાતિને કોઈ ગુણાવગુણ કે લાક્ષાણિકતાના આધારે શી રીતે ડિફાઇન કરી નાખવામાં આવતા હશે તે સમજાતું નથી. અમદાવાદી હરામજાદી જેવો તદ્દન હીન કક્ષાનો શબ્દપ્રયોગ આજે પણ બોલચાલમાં થતો રહે છે. કાઠિયાવાડીને કહેવાતું હોય છે કે, જેટલા તારી પાઘડીમાં આંટા એટલા તારા પેટમાં આંટા. અર્થાત કાઠિયાવાડીઓ કુટિલ હોય છે, એના પેટમાં પાપ હોય છે. આ પ્રકારની જનરલાઇઝ્ડ અને આપત્તિજનક કહેવતો, પ્રયોગો અને માનસિકતાથી દૂર જ રહેવાનું હોય. 
મનુષ્ય હોવાનો આપણને જબરો ફાંકો છે. આપણને તો પ્રાણીઓને તુચ્છ ગણવામાં કે એમનામાં ય ઊંચ-નીચનો ભેદભાવ કરી નાખવામાં પણ કશો જ વાંધો નથી. આપણા માટે અમુક પ્રાણી પૂજનીય, આદરણીય છે જ્યારે અમુક હલકાં, નકામાં, ફાલતુ. અણસમજુ માણસ માટે સાવ ગઘેડા જેવો છે એવો પ્રયોગ કરતી વખતે આપણે ગધેડાને નિમ્ન કક્ષાએ મૂકી દઈએ છીએ. ગધેડો, ગધેડો છે. એ પણ ગાય કે ઘોડાની માફક કુદરતનું જ સર્જન છે. એનામાં જર્મન શેફર્ડ કૂતરા જેવી બુદ્ધિ ન હોય તો ન હોય. શિયાળને આપણે લુચ્ચું ઘોષિત કરી દીધું છે. કોઈને ગાળ આપવી હોય તો સાલા સુવર બોલવામાં આપણને કશો જ વાંધો નથી. કાદવ પસંદ હોવો એ ભૂંડની ભૂંડસહજ લાક્ષાણિકતા છે. બિલાડી આડે ઉતરે તો દિશા ફેરવી નાખતાં ભવ્ય નરનારીઓ આજે પણ જગતમાં વસે છે. વહુ મરી કે ઉંદરડી મરી બધું સરખું જ એવી એક કહેવત છે. એનો અર્થ એ કે જેમ તુચ્છ ઉંદરડી મરે તો એનું દુખ ન હોય એમ પુત્રવધૂ મૃત્યુ પામે તો એનું દુખ પણ ન હોય. હા, પુત્ર સો વર્ષ જીવવો જોઈએ! આ કહેવતમાં સ્ત્રી અને માદા ઉંદર બન્ને માટે અનાદર છે.
કહેવતો અને રુઢિપ્રયોગો જે-તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક સચ્ચાઈને આધારે ઘડાતાં હોય છે ને પ્રચલિત બનતાં હોય છે. ખોટા સંદર્ભ પ્રસ્થાપિત કરતી કહેવતો અને રુઢિપ્રયોગો ક્રમશઃ દૂર થતાં જવા જોઈએ. નવાં સત્યો અને આધુનિક માનસિકતાને દઢ બનાવવા માટે, કલાકાર અને કરિયાણાના વેપારી વચ્ચેનો કાલ્પનિક વર્ગભેદ દૂર કરવા માટે આ જરૂરી છે!      
 0 0 0 


Monday, June 24, 2019

ક્રિયેટિવ જિંદગી જીવવાની કળા

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 જૂન 201
ટેક ઓફ
મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તોલોકો મારા પર હસશે તો? મારી બિલકુલ નોંધ જ નહીં લે તો? ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી

------------------------------------------------------------------------------------

સુપરસ્ટાર અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ અત્યારે પાછાં ન્યુઝમાં છે. એમનું લેટેસ્ટ પુસ્તક સિટી ઓફ ગર્લ્સ થોડા દિવસો પહેલાં જ બહાર પડ્યું. આ એક નવલકથા છે, જેમાં જૂના જમાનાના ન્યુ યોર્ક શહેરમાં રહેતી કેટલીક ગ્લેમરસ કન્યાઓની વાત છે. આ કથાનો સૂર એ છે કે સારા માણસ હોવા માટે નૈતિક જીવનશૈલી અપવાવવી જરૂરી નથી. દુનિયાની નજરમાં જે વંઠેલ કે ચારિત્ર્યહીન છે એવાં સ્ત્રી-પુરુષો માણસ તરીકે ઉત્તમ હોઈ શકે છે! 

એલિઝાબેથ ગિલ્બર્ટને આખી દુનિયા ખાસ કરીને એમનાં આત્મકથનાત્મક પુસ્તક ઇટ પ્રે લવ થકી જાણે છે. આ પુસ્તકને એટલી પ્રચંડ સફળતા મળી ચુકી છે કે એલિઝબેથનાં તે પછીનાં પુસ્તકો માટે ઇટ પ્રે લવની સફળતા દોહરાવવી લગભગ અશક્ય બની ગયું છે, પણ તેથી કંઈ એલિઝાબેથ મારાં નેક્સ્ટ પુસ્તકને ઇટ પ્રે લવ જેટલી સફળતા નહીં મળે તો? એવા વિચારથી ડરીને કંઈ નિષ્ક્રિય ન બેસી રહ્યાં. એમણે લખવાનું ચાલુ જ રાખ્યું. 
     
ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. એલિઝબેથ ગિલ્બર્ટે બિગ મેજિક નામનું એક અફલાતૂન પુસ્તક લખ્યું છે જે ક્રિયેટિવ મિજાજ ધરાવતા તમામ લોકોએ વાંચવું જોઈએ. ઘણા લોકોને લાગતું હોય છે કે પોતે સારું લખી શકે એમ છે, એક્ટિંગ કરી શકે છે, ગાઈ કે વગાડી શકે એમ છે. તકલીફ એ છે કે આપણે માત્ર આવું વિચારીને બેસી રહીએ છીએ. આપણી અંદરની પ્રતિભાને બહાર લાવવામાં આપણને ગભરામણ થાય છે. જેમ કે આપણને થાય કે મારામાં ટેલેન્ટ છે, પણ તે પૂરતી નહીં હોય તોલોકો મારા પર હસશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તોક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવીઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?

આવા તો અસંખ્ય પ્રકારના ડર હોઈ શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટને ડર અને ક્રિયેટિવિટી કન્જોઈન્ડ ટ્વિન્સ જેવાં ગણે છે. બન્ને એકમેકથી જોડાયેલાં. અમુક અંગ-ઉપાંગ બન્નેમાં કોમન. લેખિકાએ તો ડર માટે રીતસર એક લાંબી વેલકમ સ્પીચ તૈયાર કરી છે. નવો પ્રોજેકટ શરૂ કરવાનો હોય ત્યારે એ ડરને મનોમન કહે છેઃ
'ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટીસાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ. હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ. હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું. ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારું કામ કરવાની જ છું. શું છે મારું કામપુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું. મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છેઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા. તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશપણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું. કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવોકારમાં એસી કેટલું તેજ રાખવું - આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શુંએફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?'

ને પછી લેખિકાક્રિયેટિવિટી અને ડર એકસાથે પ્રવાસ પર નીકળી પડે. પ્રવાસ (એટલે કે પ્રોજેક્ટ)નું પરિણામ ધાર્યું હતું એવું જ મળે છે, ધાર્યા કરતાંય વધારે સુંદર મળે છે કે તદ્દન વાહિયાત મળે છે એ પછીની વાત છેપણ પ્રવાસ રોમાંચક અને ઘટનાપ્રચુર પુરવાર થશે એ તો નક્કી છે. સો વાતની એક વાત એ કે મનગમતું કામ કરવા માગતા હોઈએ ત્યારે ડરના વશમાં થવાનું નથી. એનો સંગાથ અપ્રિય લાગે તો લાગે. જો ડર સાથે પ્રવાસ કરતા નહીં શીખીએ તો કયારેય કોઈ સરસ સ્થળે પહોંચી નહીં શકીએ. લાઈફમાં કયારેય કોઈ ઈન્ટરેસ્ટિંગ કામ કરી નહીં શકીએ.

હું માનું છું કે આ પૃથ્વી પર માત્ર માણસો, પશુપક્ષીઓ, વનસ્પતિ, બેકટરિયા અને વાઈરસ જ વસતા નથી. આ બધાની સાથે સાથે પૃથ્વી પર આઈડિયાઝ પણ વસવાટ કરે છે,' એલિઝાબેથ ગિલ્બર્ટ ‘બિગ મેજિક' પુસ્તક્માં કહે છે, ‘આઈડિયા પાસે શરીર ભલે ન હોય પણ એનામાં આત્મા જરુર હોય છે. ઈચ્છાશકિત તો ચોક્કસપણે હોય છે. આઈડિયાની સર્વોપરી ઈચ્છા એક જ છે - એને વ્યકત થવું હોય છે. આઈડિયા આપણી દુનિયામાં એક જ રીતે વ્યકત થઈ શકે - માણસ સાથે પાર્ટનરશિપ કરીને. જો માણસ પ્રયત્ન  કરે તો અને તો જ માનમોંઘો આઈડિયા અમૂર્ત વિશ્ર્વમાંથી બહાર નીક્ળીને મૂર્ત એટલે કે વાસ્તવિક્ દુનિયામાં પ્રવેશી શકે.

યાદ રહે, અહીં કેવળ કવિતા- વાર્તા-પેઈન્ટિંગના આઈડિયાની વાત નથી. આ આઈડિયા આર્ટિસ્ટિક ઉપરાંત વિજ્ઞાન, વેપારઉદ્યોગ, રમતગમત, ધર્મ, રાજકારણ કે એવા કોઈ પણ ક્ષેત્રને લગતા હોઈ શકે. લેખિકા  ક્હે છે કે આ આઈડિયાઝ આપણી આપસપાસ હવામાં ઘુમરાતા રહે છે અને પોતાને આવકારવા તૈયાર હોય તેવા માણસને શોધતા રહે છે. એને લાગે કે ફલાણો માણસ મને દુનિયામાં અવતારવા માટે સક્ષમ છે તો એનું ધ્યાન ખેંચવાની કોશિશ કરશે.

કોઈ પણ આઈડિયાને તમારામાં યોગ્યતા દૃેખાય એટલે એ શું કરે? સૌથી પહેલાં તો તમને રોમાંચિત કરી  નાખશે. ત્યાર બાદ એક પછી એક એવા સંજોગ સર્જશે કે જેથી એનામાં તમારો ઈન્ટરેસ્ટ જીવંત રહે. જાણે પ્રેત વળગ્યું હોય તેમ હાલતા-ચાલતા-ઉઠતા-બેસતા તમને બસ તે આઈડિયાના જ વિચારો આવતા રહેશે. મધરાતે અચાનક ઊંઘ ઉડે ને ખબર પડે કે સનામાં ય તમે એ જ આઈડિયા વિશે વિચારી રહ્યા હતા. આઈડિયાને ખાતરી થાય કે તમે એના પર પૂરેપુરું ધ્યાન આપવા તૈયાર છો ત્યારે હળવેક્થી તમને પૂછશે:

દોસ્ત, તું મારી સાથે કામ કરવા, મારો પાર્ટનર બનવા તૈયાર છે?'

આ સ્થિતિમાં તમારી પાસે બે વિક્લ્પો હોય. કાં તો તમે હા પાડશો અથવા ના પાડશો. ધારો કે આઈડિયા જે સમયે તમારા થકી જન્મ લેવા માગતો હોય તે વખતે તમે જીવનજંજાળમાં ગૂંચવાયેલા હો, અસલામતીથી પીડાતા હો અથવા ખુદૃની નિષ્ફળતાઓ અને ભુલોનું વિશ્ર્લેષણ કરવામાંથી ઊંચા આવતા ન હો તો શક્ય છે કે પેલો આઈડિયા થોડી મિનિટો, થોડા દિવસો, થોડાં અઠવાડિયાં કે ઈવન થોડાં વર્ષો સુધી તમારી રાહ જોશે. તે પછીય તમે આઈડિયા પર ધ્યાન ન આપો, નિષ્ક્રિય રહો કે ના પાડી દો એટલે એ બાપડો નછૂટકે  કંટાળીને તમને છોડીને એવા કોઈ માણસની શોધમાં જતો રહેેશે જે એની સાથે પાર્ટનરશિપમાં કામ કરવા તૈયાર હોય.          
કેટલી સરસ થિયરી.

-
અને ધારો કે તમે તમારી આસપાસ હવામાં ઘુમરાતા આઈડિયાને અથવા તમારી ભીતર જન્મેલી પ્રેરણાને હા પાડો તો? હવે શું બનશે? તમે પ્રેરણા સાથે કાયદેસર કોન્ટ્રેકટ કરશો. તમારું કામ હવે સરળ પણ બની જશે અને અઘરું પણ બની જશે. હવે તમે જાણો છો કે સઘળી શકિત કઈ દિશામાં લગાડવાની છે. તમે એ આઈડિયાને નક્કર દેહ આપવાની જવાબદારી સ્વીકારી છે. તમે એક ક્રિયેટિવ પ્રોસેસની શરુઆત કરવા તૈયાર થયા છો. આ પ્રક્રિયાને અંતે તમે જબરદસ્ત સફળતા પામો એવું ય બને, તમે સાવ મિડીયોકર પૂરવાર થાય એવું ય બને અથવા ઊંધાં મોંએ પટકાઓ એવું ય બને.

ક્રિયેટિવ જિંદગી જીવવા માગતા સૌએ પોતપોતાની વાસ્તવિક્તા અનુસાર નિર્ણય લેવાનો છે. જોવાનું એટલું જ છે કે ક્રિયેટિવ જિંદગી પ્રસન્નતાથી ભરપૂર હોવી જોઈએ, માનસિક્ તાણ પેદા  કરે એવી નહીં. હંમેશા એલર્ટ રહેવું પડશે કેમ કે કોઈ ગ્રેટ આઈડિયા ગમે ત્યારે પાર્ટનરશિપની ઓફર લઈને તમારી પાસે આવી શકે  છે.

સો વાતની એક વાત. કશુંક ક્રિયેટિવ કરવા માગો છો? તો કરો. પૂરી જવાબદારી લઈને કરો. ડરો નહીં. જો ડર ગયા સો મર ગયા અને ડર કે આગે જીત હૈ એ સૂત્રો હંમેશાં યાદ રાખવાનાં!

0 0 0