Showing posts with label Kabir. Show all posts
Showing posts with label Kabir. Show all posts

Thursday, July 14, 2016

વાંચવા જેવું : કબીરચેતના અને વિશ્ર્વચેતનાની વચ્ચે...


 ચિત્રલેખા - અંક જુલાઈ ૨૦૧૬

 કોલમ: વાંચવા જેવું 

‘બનારસ ડાયરી’ ઉપરછલ્લી રીતે જોતાં સ્થળકાવ્ય જરુર ગણાય, પણ એ કંઈ માત્ર ને માત્ર બનારસ વિશેની કવિતાઓ નથી. બનારસ અને કબીરચેતના ખરેખર તો ટ્રિગર પોઈન્ટ્સ છે. કવિનો હેતુ સ્થળને અતિક્રમી જઈને ભાષાની આંટીઘૂંટી દ્વારા અકળ વિશ્ર્વચેતનાને સમજવાની મથામણ કરવાનો છે.  



મે બનારસ ગયા છો ક્યારેય? આ પ્રાચીન શહેર આપણામાં ભક્તિ, ધન્યતા, ગૌરવ, કરુણા તો ક્યારેક ચીડ અને અધીરાઈ જેવા મિશ્ર ભાગ જગાવી દે એ અપેક્ષિત છે, પણ જો તમે હરીશ મીનાશ્રુની ‘બનારસ ડાયરી’માં સમય પસાર કરશો તો એવા અણધાર્યા ભાવજગતમાં મૂકાઈ જશો કે ક્યારેક દંગ થઈ જવાશે, ક્યારેક ક્ષુબ્ધ થઈ જવાશે તો ક્યારેક ભીતર કશુંક ખળખળ કરતું વહેવા લાગશે. ગીત અને ગઝલોમાં ઉત્તમ કામ કરી ચુકનાર આ સુસજ્જ કવિએ આ વખતે અછાંદસ સ્વરુપની રચનાઓનો ગજબનો અસરકારક કાવ્યસંગ્રહ આપણા હાથમાં મૂકી દીધો છે.

 બનારસની વહેલી સવારનું કેટલું સરસ વર્ણન કવિએ કર્યું છે -

પરોઢ
 હજી પતંગની જેમ મસ્જિદના મિનારાની અણીએ ભરાયેલું હતું
 ને કાશીવિશ્ર્વનાથ અને નંદીના પુલ્લિંગ સુધી ઊતરી આવ્યું નહોતું
 મહામાયાનું અંધારું હજુ ઓગળ્યું ન હતું. 

 કવિનું ઘર કેવું? બારીબારણા વગરનું, પૂરતી હવા ઉજાસવાળું પણ હવડ, ઉદાસ, લગભગ અકુદરતી કહેવાય એટલી હદે શાંત.  અચાનક કોઈ અતિથિ ડોરબેલ વગાડે ત્યારે પહાડ ફાડીને જેમ બાળઝરણું ફૂટી નીકળે એમ આખેઆખું ઘર કિલકિલાટ કરવા માંડે છે. ક્ષણાર્ધમાં પાછું હતું એવું ને એવું પાષાણનું બની જાય છે. કવિની ઘરે આવી પડેલા અતિથિ કોણ છે? સ્વયં કબીર! એમણે ચોકડીવાળું શર્ટ અને ડાર્ક કલરનું પેન્ટ પહેર્યું છે. જાણે પોણા-છએ સીધા ઓફિસેથી આવ્યા હોય એવી એમની મુદ્રા છે.

ત્યાર પછી કબીર અને કવિ વચ્ચે જે કાલ્પનિક સંવાદ રચાય છે તેમાં ઊંડાણ અને સૂક્ષ્મ રમૂજનું કમાલનું સંયોજન થયું છે. આ અને આ જેવાં અન્ય સંયોજનો આખા સંગ્રહમાં સતત અલગ અલગ આકર્ષક રંગો ધારણ કરતાં રહે છે. કબીર ‘ધાવણના રંગની ભાષામાં’ કશુંક બોલે એટલે એ અમૃતના દૂધિયા રેલાથી કવિના કાળજે ‘સતસંગ જેવડી ટાઢક’ થાય છે. કબીર સાથેનું કવિનું સંધાન સંપૂર્ણ છે, બહુસ્તરીય છે, સર્વગ્રાહી છે. એટલે જ -

 આ તરફ કાશીવિશ્ર્વનાથ
 ઓ તરફ સારનાથ
 ચારે તરફ ફેલાયેલા
 નાથસંપ્રદાયના પરિઘની બહાર ઊભો છું
 હું અનાથ.
 અચાનક આવીને મને નાથી લે છે કબીર. 



 પુસ્તકમાં કબીર સતત આવ-જા કરતા રહે છે. એક કવિતામાં કવિને જન્મદિવસની શુભેચ્છા આપવા કબીર છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને પધારે છે. પછી?

 મેં કેક પર મીણબત્તી મૂકી, સળગાવી ને ફૂંક મારીને હોલવી નાખી.
 ચાકુથી કેક કાપી, તાળીઓ પણ મેં જ પાડી.
 હરખના માર્યા મેં કબીરની સામે જોયું
 તો એમના ચહેરા પર
 આનંદની વ્યંજનામાં પરિપક્વ વિષાદ હતો: 
 તું તો તિમિરની ભલામણ કરે છે, 
 ક્ષુધા અને આયુધનો સરવાળો કરે છે ને
 કાપાકાપી અને ઓગાળવાનો અર્થ રચે છે. 
 હજુ મરઘી ને ઈંડાની પ્રહેલિકા તો પૂરેપૂરી ઊકલતી નથી ને
 આમે મોટે ઉપાડે ઉજવણી કરવા મંડી પડ્યો, જનમદિનની?
 હોલવાનું કપાવું ને ખાવુંં - એ બધું તારી જાતને લાગુ પાડ તો ખરો. 
 હું ભોંઠો પડી ગયો: તો આટલું અંતર કાપીને 
 શા માટે આવેલા, સાહેબ, ખાસ મારા જનમદિને...?
 તારી દૂંટીની નાળ કાપવા: કબીરે કહ્યું: ગળથૂથી ચટાડવા
 ને સત્વરે શ્રીફળ બાંધવા, બાલાવરની પાલખીએ.
 જો આ દોણી, આજે તારાથી કરવાની છે બોણી. 

 એ ક્ષણે મેં જોયું તો છસો પ્રકાશવર્ષો
 મારા પગના અંગૂઠેથી ઉપર ચઢી રહ્યાં હતાં
 ને પગનાં હાડકામાં કબરની સનાતન ગંધ બેસી ગઈ’તી
 ને હું બની ગયો હતો
 યાયાવરીની વ્યંજનામાં પરિવપક્વ
 વિષાદ અને આનંદની આંખોવાળો એકાકી માણસ
 ને સ્થળમાત્ર હવે બનારસ. 

 કબીર ક્યારેક કવિને વઢે છે, ક્યારેક એમની મૂંઝવણ દૂર કરે છે, ક્યારેક મૂંઝવણ વધારી મૂકે છે તો ક્યારેક ‘તું ટ્વીટરવા પે ટ્વીટ કરતે હો કે નાહીં?’ એવા સવાલ પણ કરીને ચકિત કરતા રહે છે. કવિએ પુસ્તકમાં કલ્પનોને છુટ્ટા મૂકી દીધાં છે. ભાષા સાથે મલ્લકુસ્તી કરવી એ કવિની અતિ પ્રિય પ્રવૃત્તિ છે, જે બનારસ કાવ્યોમાં ક્યાંય અટકતી નથી. એક જગ્યાએ કવિ કબીરને કહે છે:
 
 મને બે મેટાફર સમજાતાં નથી:
 શરીરની ભાષા અને ભાષાનું શરીર
 એટલે રઝળતો રહું છું.



 આનો કબીરે આપેલો પ્રલંબ જવાબ પુસ્તકમાં જ વાંચવો પડે. કવિએ પ્રસ્તાવનમા કહ્યું છે તેમ, ‘બનારસ ડાયરી’ ઉપરછલ્લી રીતે જોતાં સ્થળકાવ્ય જરુર ગણાય, પણ એ કંઈ માત્ર ને માત્ર બનારસ વિશેની કવિતાઓ નથી. બનારસ અને કબીરચેતના ખરેખર તો ટ્રિગર પોઈન્ટ્સ છે. કવિનો હેતુ સ્થળને અતિક્રમી જઈને ભાષાની આંટીઘૂંટી દ્વારા અકળ વિશ્ર્વચેતનાને સમજવાની મથામણ કરવાનો છે.

 પુસ્તકમાં બનારસ-કાવ્યો ઉપરાંત ચન્દ્ર વિશેની ચાટુક્તિઓ, કવિતા વિશે ચાટૂક્તિઓ તથા અન્ય કાવ્યો પણ છે, જે એટલાં જ અર્થગંભીર અને પ્રભાવશાળી છે. પાણી ભરેલી થાળીમાં ચંદ્ર પોતાનું પ્રતિબિંબ પાડે ત્યાં સુધી તો જાણે બરાબર છે, પણ ચંદ્ર  થાળી છોડીને આકાશમાં પાછો જવા તૈયાર જ ન થાય તો?

 ચન્દ્રનો ડૂચો કરીને આકાશમાં ફંગોળી દેવા
 કવિ ચીડાઈને જળમાં હાથ ઝબોળે છે
 પણ એવું કરવાથી કૈં ચન્દ્ર હાથમાં આવતો નથી
 ઊલટાનો
 કવિ જરાક ચોળાઈ જાય છે
 ભાષા જરાક ડહોળાઈ જાય છે
 ને થાળમાં ખળભળે છે ખંડિત ઉજાસની ચબરખીઓ
 ને એમ થતી રહે છે કવિતા. 

 કવિતા શા માટે રચાય છે? કવિતાનો ધર્મ શો છે? કવિતા વિશેની આ ચાટૂક્તિમાં એનો ઉત્તર છે:

 કરુણાભર્યા
 હાડકાના દાગતરની જેમ
 કવિતા સર્જરી કરે છે
 ને કાળજીપૂર્વક
 બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા.

 કવિ અને એની કવિતા બન્ને કરુણા તેમજ સમસંવેદનથી એટલા છલોછલ હોવા જોઈએ કે નાની અમથી કીડીનો ઘૂંટણ દુખતો હોય તો પણ એમનું હૃદય દ્વવી ઉઠે!    

 જેમાંથી ફરી ફરીને પસાર થવાનું મન થયા કરે એવો સત્ત્વશીલ અને શક્તિશાળી કાવ્યસંગ્રહ. અ મસ્ટ રીડ.

 ૦૦૦
 બનારસ ડાયરી 

કવિ: હરીશ મીનાશ્રુ
પ્રકાશક: ગૂર્જર સાહિત્ય પ્રકાશન, પ્રહલાદનગર અમદાવાદ-૧૫
 ફોન: (૦૭૯) ૨૬૯૩૪૩૪૦
 કિંમત:   ૧૭૦  રુપિયા
પૃષ્ઠ: ૧૩૮
0000000


Wednesday, February 12, 2014

ટેક ઓફ : કબીર, રહીમ અને વેલેન્ટાઇન્સ

Sandesh - Ardh Saptahik Purti - 12 Feb 2014

ટેક ઓફ 

ક્યારેક લાગે કે પ્રેમ કદાચ સૌથી ઓવરરેટેડ લાગણી છે. લોકોએ નાહકનો આટલો બધો ચગાવી માર્યો છે પ્રેમને. આનાથી વિપરીત,ક્યારેક એમ પણ લાગે કે પ્રેમ હજુય અન્ડરરેટેડ રહી ગયો છે,આપણે તેનું ખરું મૂલ્ય હજુય પૂરતું સમજ્યા નથી.

પ્રેમની કોઈ ઋતુ ન હોય, પણ વેલેન્ટાઇનની સીઝન પ્રતિ વર્ષ જરૂર ધૂમધડાકા સાથે ત્રાટકે છે. આ વખતના વેલેન્ટાઇન્સ ડેને હજુ બે દિવસની વાર છે, પણ આપણે આગોતરા સેલિબ્રેટ કરી લઈએ,કબીર અને રહીમને સંગાથે. બન્નેની રચનાઓ પુસ્તકાકારે પ્રાપ્ય છે. એને સળંગ એકસાથે વાંચવાની અલગ મજા છે. ઔર એક મજાની વાત એ છે કે કબીર-રહીમની પ્રેમ વિશેની વાતોને પ્રેમી-પે્રમિકાના સંદર્ભમાં પણ જોઈ શકાય છે અને પ્રભુપ્રીતિ યા તો પ્રભુભક્તિના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. ખેર, વેલેન્ટાઇન્સનો માહોલ છે એટલે આપણે નશ્વર દેહધારી મનુષ્યો વચ્ચે થતા પ્રેમ પર ફોકસ કરીએ.   
રહિમન પ્રીત ન કીજિએજસ ખીરા ને કીન,
ઉપર સે તો દિલ મિલાભીતર ફાંકે તીન.

રહીમ કહે છે કે પ્રેમમાં આડંબર કે દંભ ન હોય. પ્રેમને છળ-કપટ કે જૂઠ સાથે કોઈ સંબંધ નથી. ખીરા એટલે કે કાકડી બહારથી વન-પીસ દેખાય છે, પણ તેની અંદર ત્રણ ફાંટ હોય છે. પ્રેમના મામલામાં આવું ન ચાલે. બહાર વ્યક્ત થતો પ્રેમ અને ભીતર અનુભવાતો પ્રેમ- આ બન્નેનાં સ્વરૂપ એક હોવાં જોઈએ. આવું તો જ શક્ય છે જો લાગણીમાં સેળભેળ ન હોય.
રહિમન પૈંડા પ્રેમ કરોનિપટ સિલસિલૌ ગૈલ
બિછલત પાંવ પિપીલિકાલોગ લગાવત બૈલ.
પ્રેમનો માર્ગ લપસણો છે એવું ફિલ્મીગીતો લખનારાઓની પહેલાં રહીમે કહ્યું હતું. પ્રેમના રસ્તા પર કીડી પણ રેંગતી રેંગતી લપસી પડે છે અને પીઠ પર સામાન લાદીને ચાલતો બળદ હેમખેમ પસાર થઈ શકે છે. પ્રેમ એક એવું વિશ્વ છે જેમાં લાગણીને વ્યવહાર સમજતા લોકોનું કામ નથી. જેની લાગણી ઘડીકમાં વધી જતી હોય ને ઘડીકમાં ઓછી થઈ જતી હોય છે. આવી લાગણીને કંઈ પ્રેમ ન કહેવાય.
ઘડિ ચઢ ઘડિ ઉતરેવોહ તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ હિરદે બસેપ્રેમ કહિયે સોય.

પ્રેમ તૂટક તૂટક ન હોય, તેનું અસ્તિત્વ ટુકડાઓમાં નથી. તે સળંગ હોય, નિરંતર હોય. હા, સપાટી પર નારાજગી કે રીસના પરપોટા ઊઠી શકે, પણ તે આખરે તો એ પરપોટા જ છે. થોડી વારમાં ફૂટી જશે. સાચા પ્રેમનું વહેણ ગતિશીલ છે, જે કદી અટકતું નથી. સવાલ એ છે કે તો પછી પેલું જે ક્ષણોમાં તીવ્રતાથી પ્રગટીને શાંત થઈ જતું હોય છે તેનું કશું મહત્ત્વ નહીં?
રહિમન પ્રીતિ સરાહિએમિલે હોત રંગ દૂન,
જ્યોં જરદી હરદી તજૈતજૈ સફેદી ચૂન.

રહીમ કહે છે કે પ્રિય પાત્રને મળવાથી પ્રેમની તીવ્રતા વધતી હોય તો તે ખરેખર બહુ મજાની વાત છે. હળદર અને ચૂનાને એકમેકમાં ભેળવવામાં આવે તો બન્ને પોતપોતાના રંગોનો ત્યાગ કરીને એક ત્રીજો જ રંગ ધારણ કરી લે છે. બહુ સુંદર હોય છે આ રંગ. સાચો પ્રેમ પોતાની સાથે ત્યાગની ભાવનાને લેતો આવતો હોય છે.
રહિમન રિસ સહિ તજત નહીંબડે પ્રીતિ કી પૌરિ,
મૂકન મારત આવઈનીંદ બિચારી દૌરિ.

જે આપણને ઈમાનદારીભર્યો પ્રેમ કરતા હશે, એ આપણો ત્યાગ કરવાના નથી. આપણે એના પર ગમે તેટલો ક્રોધ વરસાવીએ તોપણ નહીં. ઊંઘને જેમ ગમે તેટલી દૂર ભગાડીએ, પણ મોકો મળતાં જ એ આપણને ઘેરી લે છે, તેમ સાચો પ્રેમ કરનારી વ્યક્તિ પણ આપણાથી દૂર રહી શકતી નથી. આ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે. જો આપણો પ્રેમ ઈમાનદારીભર્યો હશે તો આપણે પણ સામેના પાત્ર સાથે આવું જ વર્તન કરીશું.

ઘણી વાર સામેની વ્યક્તિને દૂરથી પ્રેમ કરતાં રહેવાનું શા માટે વધારે અનુકૂળ લાગતું હશે? જેવી તે વ્યક્તિ પાસે આવે, તેની સાથે સમય પસાર થાય કે મન ઊંચું થવા લાગે, કશુંક ઘવાઈ જાય, અકળામણ અને કોલાહલ વધતા જાય, પ્રેમ સિવાયની લાગણીઓ સળવળ સળવળ કરવા માંડે. આવું થાય એટલે ફરી તેનાથી અળગા થઈ જવાનું, તેનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય. જાણે કે 'સેફ ડિસ્ટન્સ' જાળવીશું તો જ સંબંધ ટકશે. અંતર નહીં જળવાય તો પ્રેમ પણ નહીં જળવાય. આ એક વિરોધિતા છે! કબીર એક દોહામાં કહે છેઃ
જા ઘટ પ્રેમ ન સંચરેસા ઘટ જાનું મસાન
જૈસે ખાલ લુહાર કીશ્વાસ લેત બિન પ્રાન

એટલે કે જેના હૃદયમાં પ્રેમ નથી તે માણસનું શરીર એક સ્મશાન જેવું છે. જેમ લુહારની ધમણમાં જીવ ન હોવા છતાં તે જાણે શ્વાસ લેતી હોય તેમ હવાથી ઉપર-નીચે થયા કરે છે, તેમ પ્રેમ વગરના માણસનું શરીર સજીવ હોવા છતાં મરેલા સમાન છે. ક્યારેક મરેલા સંબંધને ચાબુક મારી મારીને ધરાર જીવતો રાખવાના ઉધામા થતા હોય છે.
પ્રેમ બિના નહીં ભેષ કછુનાહક કરે સો બાદ,
પ્રેમ ભાવ જબ લગ નહીંતબ લગ ભેષ સબ બાદ.

સંબંધની ડેડબોડી પર રૂપાળાં કપડાં પહેરાવી દેવામાં આવતાં હોય છે. વેલેન્ટાઇન્સ ડે જેવા અવસરોએ ખાસ. દિલમાં જ જ્યારે પ્રેમ ન હોય ત્યારે બાહરી સ્વાંગનો શો મતલબ છે?
પ્રેમના મામલામાં ઘણી વાર સામસામા છેડાની આત્યંતિક સ્થિતિઓ એકસાથે સાચી પડી જતી હોય છે. ક્યારેક લાગે કે પ્રેમ કદાચ સૌથી ઓવરરેટેડ લાગણી છે. એને નાહકનો આટલો બધો ચગાવી માર્યો છે લોકોએ. આનાથી વિપરીત, ક્યારેક એમ પણ લાગે કે પ્રેમ હજુય અન્ડરરેટેડ રહી ગયો છે, આપણે તેનું ખરું મૂલ્ય હજુય પૂરતું સમજ્યા નથી. સમજ્યા હોઈએ તો સ્વીકાર્યું નથી. પ્રેમ વિશેની આ મથામણ આખી જિંદગી, પેઢી-દર-પેઢી, બદલાતા જતા યુગો સાથે ચાલ્યા જ કરે છે, તેથી જ પ્રેમ સૌથી વધારે ચર્ચાતી માનવીય લાગણી છે!
0 0 0