Showing posts with label Saumya Joshi. Show all posts
Showing posts with label Saumya Joshi. Show all posts
Saturday, April 4, 2015
Sunday, January 4, 2015
મલ્ટિપ્લેક્સ : લાફ... ક્રાય... ડ્રામા!
Sandesh - Sanskar Purti - 4 Jan 2014
મલ્ટિપ્લેક્સ
એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં! આ છે 'પીકે', 'થ્રી ઈડિયટ્સ' અને 'લગે રહો મુુન્નાભાઈ' જેવી સુપરડુપર હિટ ફિલ્મોના લેખક અભિજાત જોશીની મેજિક ફોર્મ્યુલા!
થેન્ક ગોડ! 'ક્વીન' જેવી નિતાંત સુંદર ફિલ્મથી પ્રારંભ થયેલા ૨૦૧૪ના વર્ષનો અંત 'પીકે' જેવી અફલાતૂન ફિલ્મથી થયો. 'પીકે' રિલીઝ થઈ ત્યાં સુધીમાં ઉત્તેજના, અટકળ અને ઈંતજાર આ ત્રણેય તત્ત્વો એટલાં તીવ્ર થઈ ચૂક્યાં હતાં કે જાણે હિંદુસ્તાનમાં કોઈ મોટી સિનેમેટિક ઘટના આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હતી ખરી કે 'પીકે' દેશમાં આટલી મોટી બબાલ ખડી કરી દેશે! ફિલ્મ રિલીઝ થઈ પછી શરૂઆતના દિવસો તો શાંતિથી પસાર થયા, પણ પછી ધીમે ધીમે વિવાદ વકરતો ગયો.
ખેર, આપણી આસપાસ 'પીકે'ના વિવાદનો કાગારોળ એટલો તીવ્ર બની ચૂક્યો છે કે તેમાં નવું કશું ઉમેરણ કરવું નથી. દેશના કરોડો લોકો ઓલરેડી આ ફિલ્મ માણી ચૂક્યા છે અને ભરપેટ વખાણી ચૂક્યા છે. આપણે આ લેખમાં ફક્ત ફિલ્મનાં ક્રિયેટિવ પાસાં પર ફોકસ કરીએ. વિવાદ વકરે તેની બહુ પહેલાં 'પીકે'ના લેખક અભિજાત જોશીએ ફિલ્મ વિશે મસ્તમજાની વાતો કરી હતી. તેને રસપૂર્વક માણીએ.
"સૌથી પહેલાં 'પીકે'નો આઇડિયા ૨૦૦૪માં 'લગે રહો મુન્નાભાઈ' લખાઈ રહી હતી તે દરમિયાન આવ્યો હતો," અભિજાત જોશી વાત માંડે છે, "તે વખતે પૂરેપૂરી સ્પષ્ટતા નહોતી, પણ હું અને રાજુ બન્ને આ આઇડિયાથી એક્સાઇટેડ હતા. તે વખતે વિચારેલું કે ક્યારેક ભવિષ્યમાં આના પર કામ કરીશું. મુન્નાભાઈ પછી જોકે 'થ્રી ઇડિયટ્સ' આવી ગઈ. 'થ્રી ઇડિયટ્સ'નું કામ પૂરું થતાં જ થયું કે ચલો, વો જો આઈડિયા થા ઉસ પર ટ્રાય કરતે હૈં."
અમદાવાદમાં જન્મેલા, ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલા અને ૨૦૦૩થી ઓહાયો (અમેરિકા)ની ઓટરબીન કોલેજમાં પ્રોફેસર તરીકે પ્રવૃત્ત એવા ૪૫ વર્ષીય અભિજાત જોશીની ગણના આજે ભારતના સર્વોત્તમ સ્ક્રીનપ્લે-રાઈટર્સમાં થાય છે, પણ આ હકીકતની સહેજ અમથી સભાનતા પણ તેમની વાતો કે વર્તનમાં ક્યારેય ડોકાતા નથી. 'પીકે' અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ સંયુક્તપણે લખી છે - 'લગે રહો...' અને 'થ્રી ઈડિયટ્સ'ની જેમ. પોતાની રાઈટિંગ પ્રોસેસ વિશે વાત કરતાં અભિજાત કહે છેઃ
"સમજોને કે ડિસેમ્બર ૨૦૦૯થી અમે 'પીકે' પર કામ કરવાનો શુભારંભ કર્યો. સૌથી પહેલાં તો અમારે એ ચકાસવું હતું કે જે આઇડિયા પાંચેક વર્ષ પહેલાં આવ્યો હતો તે હજુ પણ અમને એકસાઈટ કરી શકે છે કે કેમ. તે વિચારમાં અમને જાગતાં-સૂતાં ચોવીસે કલાક રમમાણ રાખી શકવાનુ કૌવત છે કે કેમ. આથી પહેલો એક મહિનો તો મેં અને રાજુએ 'પીકે'વાળા આઇડિયા પર ફક્ત વાતો કરી. અમને સમજાયું કે આ વિષય માટે અમે બન્ને સ્ટ્રોંગલી ફીલ કરીએ છીએ ને આ વાર્તા તો કહેવી જ છે."
અગાઉની ફિલ્મોની માફક આ વખતે પણ શરૂઆત તો કેવળ એક કેન્દ્રીય વિચાર, યુનિક આઈડિયા યા તો થીમથી જ થઈ હતી. પછી તે થીમને કેન્દ્રમાં રાખીને બન્નેની મૌખિક ચર્ચા ચાલતી રહી. જે કંઈક વાંચ્યું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે એકબીજા સાથે શેેર થતું રહ્યું. અભિજાત અને રાજુમાં એક સરસ વાત કોમન છે. બન્ને પોતપોતાના પિતાજીથી ખૂબ પ્રભાવિત છે અને તેમની સાથે ઊંડાણપૂર્વક સંવાદ સાધી શકે છે. પ્રોફેસર જયંત જોશી પાસે સાહિત્ય, કળા અને સમાજજીવનની ઊંડી સમજ છે, તો દેશના વિભાજન વખતે સિંધથી હિજરત કરીને હિંદુસ્તાન આવેલા રાજુના પિતા સુરેશ હિરાણી પાસે અનુભવોની સમૃદ્ધિ ઉપરાંત કમાલનો તાર્કિક દૃષ્ટિકોણ પણ છે. આ બન્નેના ઇનપુટ્સ લેખકોને ખૂબ ઉપયોગી બન્યા.
![]() |
| Abhijat Joshi and Rajkumar Hirani |
"આ બધું એક-બે મહિના ચાલ્યું," અભિજાત વાત સાંધે છે, "એપ્રિલ ૨૦૧૦માં અમને પૃથ્વી પર આવી ચડેલા પરગ્રહવાસીનું કેરેક્ટર સૂઝ્યું. અમને થયું કે આ એક એવું કિરદાર છે, જેનો ઉપયોગ કરીને અમારે જે વાત કહેવી છે તે કહી શકીશું. આમ, પહેલાં થીમ વિશે સ્પષ્ટ થયા, ત્યારબાદ કેરેક્ટર મળ્યું ને બ્રોડ પ્લોટ ઘડાયો. ત્રીજો તબક્કો હતો, રેન્ડમ સીન્સ લખવાનો. અમે વિચારીએ કે આ પરગ્રહવાસીના પાત્રને અમુક સ્થિતિમાં મૂકીએ તો શું થાય. અમે કલ્પના કરી કરીને દૃશ્યો લખતાં ગયા. આ સીન્સ સ્ટોરીમાં ક્યાં ફિટ થશે એની તે વખતે અમને ખબર ન હોય. મૂળ વાર્તા એવી હતી કે યાનનું ફ્યુઅલ ખતમ થઈ જતાં એક પરગ્રહવાસીએ પૃથ્વી પર ઊતરવું પડે છે. જો એને યુરેનિયમ મળે તો જ યાન ફરી ચાલુ થઈ શકે તેમ છે. એ પૃથ્વીવાસીઓની મદદ માગે છે. લોકો એને કહે છે કે ભાઈ, તને તો ભગવાન જ મદદ કરી શકે તેમ છે. આથી પેલો પરગ્રહવાસી પછી ભગવાનની શોધમાં નીકળે છે. આ મૂળ વાર્તામાં પછી જોકે ઘણાં ફેરફાર કર્યા."
અભિજાત અને રાજુએ સ્ક્રીનપ્લે લખવાની એક અકસીર ફોર્મ્યુલા વિકસાવી છે. તે છે એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં!
અભિજાત કહે છે, "તમે જોજો કે અમારી ફિલ્મોમાં માત્ર માહિતી આપતાં હોય તેવાં દૃશ્યો ભાગ્યે જ હશે. અલબત્ત, વાર્તાને આગળ વધારવા માટે આ પ્રકારના લિન્ક સીન ક્યારેક જરૂરી બની જતા હોય છે, પણ આવા સીનની આગળપાછળ સૂઝપૂર્વક પેડિંગ થવું જોઈએ. કેવળ ઈન્ફર્મેશન કે એક્સપોઝિશન (સમજૂતી, વર્ણન) આપતો સીન ફક્ત બે મિનિટનો હોય તો પણ એ બે મિનિટ પૂરતી ફિલ્મ મરી જાય છે. આવા પાંચ-છ શુષ્ક સીન આવી જાય તો નેરેટિવ બેસી જાય અને પછી એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ થઈ જાય."
ઓડિયન્સને હસાવતાં, રડાવતાં કે ચોંકાવી દેતા નમૂનેદાર સીન લખવા કેટલા કઠિન હોય છે એ તો અનુભવે જ સમજાય. અભિજાતના દિમાગમાં કેવી રીતે આવે છે આવાં અફલાતૂન દૃશ્યો? "હું અને રાજુ ચાલતાં ચાલતાં ખૂબ વાતો કરીએ, સતત વાતો કરીએ," અભિજાત હસે છે, "વોક લેતી વખતે શરીરમાં એક્ઝેક્ટલી કેવી કેમિકલ પ્રોસેસ થતી હશે એની તો ખબર નથી, પણ પગ ચાલતાં હોય ત્યારે દિમાગમાં આઇડિયાઝ સારા આવે છે! કોઈ સીન બરાબર બેસતો ન હોય તો જ્યાં સુધી તે પૂરેપૂરો ક્રેક ન થાય ત્યાં સુધી અમે એનો તંત છોડતા નથી. મારા માટે સીન લોક થવો તે બહુ મોટી વાત છે."
આ રીતે ૩૦થી ૪૦ સીન લોક થાય એટલે સમજોને કે ઇન્ટરવલ પહેલાંનો કાચો મસાલો તૈયાર થઈ ગયો. પછી આ તમામ સીનને વ્યવસ્થિત ક્રમમાં મૂકીને નવેસરથી ચકાસવામાં આવે. વાર્તાને સુરેખ બનાવવા માટે લોક થઈ ગયેલા સીનને ખોલીને નવેસરથી મઠારવોય પડે. આ રીતે ૧૩ મહિનાની જબરદસ્ત મહેનત પછી 'પીકે'ની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. ઓગસ્ટ ૨૦૧૧માં આમિર ખાનને નેરેશન આપવામાં આવ્યું.
"આમિર એવો એક્ટર છે જેને તમારા પાસ્ટ રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી, પછી એ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય!" અભિજાત સ્મિતપૂર્વક કહે છે, "એને તો તમે હવે શું લાવ્યા છો ને કેવું લાવ્યા છો તેમાં રસ હોય. એણે નેરેશન સાંભળ્યું. ફર્સ્ટ હાફ એને બહુ ગમ્યો, પણ સેકન્ડ હાફમાં હજુ વધારે કામ કરવું પડશે એવું તેને લાગ્યું. અમે થોડો સમય માગ્યો. સેકન્ડ હાફમાં જે કંઈ કચાશ હશે તે ઝડપથી દૂર કરી શકીશું એવી અમને ખાતરી હતી. નવેમ્બર, ૨૦૧૧માં નવી સ્ક્રિપ્ટ સાથે ફરી આમિરને મળ્યા. આ વખતે આમિર બહુ જ ખુશ થયો અને એણે દિલથી સ્ક્રિપ્ટની તારીફ કરી."
હવેનો તબક્કો હતો સ્ક્રિપ્ટને વધારે સમૃદ્ધ, વધારે ધારદાર, વધારે અસરકારક બનાવવાનો... અને આ પ્રોસેસ ભયંકર લાંબી ચાલી,લગભગ બે-અઢી વર્ષ! સો કરતાં વધારે ડ્રાફ્ટ્સ લખાયા. 'પીકે'ને અભિજાત અમસ્તા જ તેમની સૌથી કઠિન ફિલ્મ નથી કહેતા. આ સમયગાળામાં પરેશ રાવળ-અક્ષયકુમારવાળી 'ઓહ માય ગોડ' પણ આવી ગઈ. આ ફિલ્મમાં પણ ભગવાન અને ધાર્મિકતાના સંદર્ભમાં તીખા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. 'પીકે'ના વિષયનું જે અનોખાપણું હતું તે 'ઓહ માય ગોડ'ને કારણે જોખમાતું હતું, પણ 'પીકે'ની ટીમ પોતાની સ્ક્રિપ્ટ પર કોન્ફિડન્ટ હતી. શૂટિંગ શરૂ થયું અને આખરે જે મસ્તમજાની ફિલ્મ બની તે આપણી સામે છે. ફિલ્મ લક્ષ્યવેધ કરવાને બદલે નિરર્થક વિવાદ પેદા કરી નાખશે એવું તો 'પીકે'ની ક્રિયેટિવ ટીમના મનમાંય ક્યાંથી હોય. ખેર...
આમિર ખાન એક એવો અદાકાર છે જેનામાં વાતને વધારે પ્રભાવશાળી બનાવી શકવાનું કૌવત છે. "એના દિમાગમાં આખેઆખી સ્ક્રિપ્ટ જ નહીં, પણ તેમાં જેે ક્રમિક ફેરફારો થયા હોય તે બધું જ રીતસર છપાઈ જાય છે," અભિજાત કહે છે, "એક જ આઈડિયા પર વર્ષો સુધી કામ કરવાને કારણે ક્યારેક એવું બને કે અમે લેખકો અમારી ઓબ્જેક્ટિવિટી કોઈક સીન પૂરતા કદાચ ગુમાવી બેસીએ, પણ આમિર અમને ઓરિજિનલ સૂરથી સહેજ પણ ચસકવા ન દે. 'પીકે'માં એણે પોતાની તમામ ઈન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝ અને પચીસ વર્ષોનો અનુભવ કામે લગાડી દીધો છે."
'કરીબ' અને 'મિશન કશ્મીર'થી ફિલ્મયાત્રા શરૂ કરનાર અભિજાતની બે ઔર ફિલ્મો આવી રહી છે- 'વઝીર' અને 'બ્રોકન હોર્સીસ'.બે ચેસ પ્લેયર્સની વાત કરતી 'વઝીર' મૂળ હોલિવૂડ માટે કન્સીવ થઈ હતી. 'સિક્સ્ટી ફોર સ્કવેર્સ' ઓરિજિનલ ટાઇટલ હતું. ડસ્ટિન હોફમેન અને રોબિન વિલિયમ્સ જેવા ટોચના એક્ટરોએ એમાં રસ પણ દેખાડયો હતો, પણ કોઈક કારણસર આ ફિલ્મ બની ન શકી. તે હવે 'વઝીર' નામે હિન્દીમાં બની છે, જેમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરે કામ કર્યું છે. વિધુ વિનોદ ચોપડાએ હોલિવૂડ માટે ફિલ્મ બનાવવાની દાયકાઓ જૂની મંશા આખરે 'બ્રોકન હોર્સીસ'થી પૂરી કરી છે. અમેરિકન-મેક્સિકન બોર્ડર પર આકાર લેતી આ મેઈનસ્ટ્રીમ હોલિવૂડ ફિલ્મમાં તમને 'પરિંદા'ના શેડ્ઝ દેખાશે.
અભિજાત છેલ્લે કહે છે, "ફિલ્મ રાઈટર તરીકેના મારા આટલાં વર્ષોના અનુભવો પરથી હું બે વસ્તુ શીખ્યો છું - સ્ટિક ટુ યોર કન્વિક્શન્સ. તમારે જે કહેવું છે તે જ કહો. બીજાઓને કેવું લાગશે તેની ફિકર ન કરો... એન્ડ નેવર ગિવ અપ! જ્યાં સુધી સીન કે સ્ક્રિપ્ટ ક્રેક ન થાય ત્યાં સુધી એકધારા મચ્યા રહો...!"
0 0 0
Wednesday, December 17, 2014
Take off : ચોલી મેં દિલ હૈ મેરા
Sandesh - Ardh Saptahik Purti - 17 Dec 2014
મુંબઈની લો ક લ ટ્રેનમાં મધરાત સુધી ભટકયાં
કરતી સડકછાપ વેશ્યા, ભીતરથી કુંઠિત થઈ ગયેલો યુવાન પોલીસ અને એક પશ્ચાદભૂમાં
પડઘાતું ગીત... આજ જાને કી ઝીદ ના કરો!
એ વેશ્યા છે.
મુંબઈની લોકલ ટ્રેનોમાં મધરાત સુધી ભટકયાં કરતી લગભગ સડકછાપ રુપજિવીની. ઉંમર હશે
પચ્ચીસેક વર્ષની આસપાસ. ચળકતાં ટાઈટ કપડાં. રુપને ઑર ભડકામણું કરી મૂકતો મેકઅપ.
હાથમાં સસ્તું પર્સ ને એમાં જાતજાતનો સામાન. એનાં લટકાંમટકાં એવાં છે કે તરત
બીજાઓનું ધ્યાન ખેંચાય. એની ભાષા અને આખું વ્યકિતત્ત્વ ખડબચડાં છે,
પણ એનાં તોછડાં અલ્લડપણામાં એવું કશુંક તત્ત્વ છે જે તમને
કહે છે કે આ માનવપ્રાણી પાસે શરીર સિવાય પણ કશુંક છે. આ કશુંક એટલે કદાચ એનું
ડહાપણ અથવા તો જિંદગીનાં કુરુપ સત્યો વિશેની સમજદારી,
જે કારમી ચોટ ખાઈ ખાઈને ટીપે ટીપે ભીતર જમા થઈ છે. જેમે જેમ તમે એને ઓળખતા જાઓ છો તેમ તેમ તમે
એને કેવળ માદા તરીકે નહીં, પણ એક સ્ત્રી તરીકે જોવા લાગો છે. એવી સ્ત્રી જેની પાસે એક
ઘબકતું દિલ છે જેમાં લાગણીનાં સ્પંદનો
જાગી શકે છે, જેના દિમાગમાંથી વિચારોના તણખા ફૂટી શકે છે. આ સ્ત્રીનાં ભદ્દા બાહૃા આવરણની
નીચે કમાલની માસૂમિયત છૂપાયેલી છે. તમને સમજાય છે કે આસપાસનું ભલે બધું ક્રૂર રીતે
છેદાઈ-ભેદાઈ ગયું હોય, પણ નિર્દોષતાનો એક ટાપુ એની ભીતર સલામત રહી ગયો છે.
...અને એક યુવાન પોલીસ છે. ખડૂસ. પોલીસોની પ્રવર્તમાન ઈમેજમાં મિસફિટ કહેવાય એવો
સાચુકલો. એ સતત સહમેલો રહે છે. એ ખૂલીને વાત ભલે ન કરી શકતો હોય,
પણ તમને એટલું જરુર સમજાય છે કે આ માણસની અંદર કશુંક બહુ જ
ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગયું છે. કશાક કારમા સંઘાતને લીધે એ થીજી ગયો છે,
કુંઠિત થઈ ગયો છે. આ એકલવાયા માણસની કઠોરતાની નીચે તમને એક
પ્રકારની અસહાયતા સળવળતી દેખાય છે. તમે એ પણ જોઈ શકો છો કે એની ભીતર એક જ્વાળામુખી
ભભૂકી રહૃાો છે જે કોઈ પણ ક્ષણે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી શકે તેમ છે.
એક વેશ્યા અને
એક પોલીસ - આવાં બે કિરદાર એક મોડી રાતે મુંબઈની લાસ્ટ લોકલમાં આકસ્મિકપણે અથડાઈ
જાય તો એમની વચ્ચે શું બને? કેવી કેમિસ્ટ્રી સર્જાય? કેવી શકયતાઓ આકાર લે? આ પ્રશ્નોનો અફલાતૂન ઉત્તર એટલે સૌમ્ય જોશીનું લેટેસ્ટ
ગુજરાતી નાટક "આજ જાને કી ઝીદ ના કરો". અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી
છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ માત્ર ગુજરાત તેમજ મુંબઈની ગુજરાતી રંગભૂમિને જ નહીં,
બલ્કે તેના
ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંય સહજતાપૂર્વક
કરી રહૃાા છે. એમનાં આ પહેલાંનાં બન્ને સુપરડુપર હિટ નાટકો "વેલકમ
જિંદગી" અને "૧૦૨ નોટઆઉટ" પ્રેક્ષકોએ દિલપૂર્વક માણ્યા છે. જરાય
સ્થૂળ બન્યા વગર, કળાના નામે અર્થહીન બૌદ્ધિક પટ્ટાબાજી ખેલ્યા વગર શી રીતે
રંગભૂમિનું સત્ત્વ અને એસ્થેટિકસ જાળવી શકાય, શી રીતે પ્રેક્ષકને સતત જકડી રાખીને યાદગાર મનોરંજન પૂરું
પાડી શકાય તે સમકાલીન ગુજરાતી નાટયજગતમાં સૌમ્ય કરતાં બહેતર કદાચ બીજું કોઈ જાણતું
નથી. એક પછી એક શ્રેષ્ઠ મૌલિક ગુજરાતી નાટકો આપતો આ રંગકર્મી જ્યારે બીજી ભાષાનું
નાટક એડપ્ટ કરે ત્યારે તે ઘટના પણ કુતૂહલ અને અભ્યાસનો વિષય બની જતી હોય છે.
"આજ જાને કી ઝીદ ન કરો"નાં મૂળિયાં "પ્રપોઝલ" નામનાં મરાઠી
નાટકમાં દટાયેલાં છે. પ્રેક્ષકને ચકિત કરી નાખે, એને હચમચાવીને સ્તબ્ધ કરી મૂકે એવું માતબર આ નાટક છે. સુરેશ ચિખલેએ તે લખ્યું છે ને રાજન ત્હામણેએ
ડિરેકટ કર્યું છે. બોકસઓફિસ પર પણ સુપરહિટ. સૌથી પહેલાં તો આવાં જોખમી નાટકને
કમર્ર્શિયલ ગુજરાતી રંગભૂમિ પર લાવવાનું વિચારવું એ જ હિંમતની વાત છે. પ્રશ્નો ઘણા
હતા. સોશ્યલ કોમેડી નાટકો જોવા ટેવાયેલો ટિપિકલ ગુજરાતી પ્રેક્ષક ભૂંડા ચાળા કરતી
ને અપશબ્દો બોલતી વેશ્યાવાળું બોલ્ડ નાટક સ્વીકારી શકશે?
મરાઠીમાં મુંબઈની સેકસવર્કર અને તેની આસપાસ રચાતું વાતાવરણ
સહજ લાગે,
પણ મોબાઈલ પર ઘરાકના ઓર્ડર લેતી ગુજરાતી વેશ્યા અપિરિચિત
માહોલ પેદા કરી નાખશે એનું શું? આવાં કિરદારને અને એની વાર્તાને કઈ રીતે બિલીવેબલ બનાવવાં?
![]() |
| Saumya Joshi |
"આજ જાને કી ઝીદ ના કરો"માં રુપજીવિનીની ભુમિકા ગજબની પ્રભાવશાળી ઢંગથી
પેશ કરનાર અભિનેત્રી જિજ્ઞાા વ્યાસ કહે છે, "મુંબઈમાં કયારેક નાઈટ શો પતાવીને લોકલ ટ્રેનમાં જતી વખતે
કદાચ એકાદ-બે વાર આ પ્રકારની સેકસવર્કરને જોઈ હશે, પણ એ સિવાય આ પ્રકારની સ્ત્રીઓની રહેણીકરણી અને રંગઢંગ વિશે
મને કશી જ ખબર નહોતી. તેથી આ નાટકમાં મારે ઓબ્ઝર્વેશન નહીં,
પણ પ્યોરલી ઈમેજિનેશનથી કામ લેવાનું હતું. અમને છોકરીઓને
કોઈ પુરુષ અડધી મિનિટ માટે તાકયા કરતો તો એટલું પણ સહન થતું હોતું નથી ત્યારે આ
પ્રકારની સ્ત્રીઓ કેવી રીતે જીવતી હશે?
માણસ તરીકે એ કેવી હોય, એ શું અનુભવતી હોય? આ બધું જાણવામાં મને ખૂબ રસ પડયો. મને સમજાતું હતું કે ખૂબ
મહેનત કરવી પડશે, પણ મારે આ રોલ કરવો જ હતો."
હોમવર્કના ભાગ
રુપે મન્ટોની વાર્તાઓ વંચાઈ. "બોર્ન ઈનટુ બ્રોથેલ" નામની ઓસ્કરવિનર
ડોકયુમેન્ટરી, પ્રોસ્ટિટયુટનાં પાત્રવાળી દેશવિદેશની કેટલીક ફિલ્મો જોવાઈ. શરુઆતમાં એવું
નક્કી થયું હતું કે સૌમ્ય જોશી ફકત કાગળ પર નાટક ગુજરાતીમાં રુપાંતરિત કરે અને મૂળ
ડિરેકટર રાજન ત્હામણે જ ગુજરાતી વર્ઝન ડિરેકટ કરે. સૌમ્યનું લિખિત-દિગ્દર્શિત
"વેલકમ જિંદગી" જોયા પછી "૧૦૨ નોટઆઉટ" જોવા રાજન મુંબઈથી છેક
અમદાવાદ ગયા. તે જોયા પછી એમણે વિચાર ફેંસલો સુણાવી દીધોઃ સૌમ્ય,
ગુજરાતી વર્ઝનનું ડિરેકશન પણ તમે જ કરો! સૌમ્યને પોતે જ
લખેલાં નાટકો ડિરેકટ કરવાની આદત, પણ આ વખતે એમણે બીજા કોઈનાં ચિત્તમાં જન્મેલાં પાત્રોેનો
પુનર્જન્મ કરાવવાનો હતો.
"રિહર્સલનાં પહેલાં ૨૮ દિવસ મેં બિલકુલ ડિરેકશન ન કર્યું,"
સૌમ્ય કહે છે, "હું લખી-લખીને કાગળો જિજ્ઞાા અને જયેશ (મોરે,
પોલીસની ભુમિકા ભજવનાર તગડો કલાકાર)ને આપતો જાઉં. એ બન્ને વાચિક અભિનય કરે,
પોતાની રીતે પાત્રનો ઘાટ ઘડવાનો પ્રયત્ન કરે. મારાં ઈનપુટ્સ
ઓછામાં ઓછા હોય. આ વખતે મેં નક્કી કર્યું હતું કે એકટરો પોતે એક વાર કલર પકડે પછી
જ ડિરેકટર તરીકે હું હસ્તક્ષેપ કરવાનું શરુ કરીશ. તેથી એકટરોને શરુઆતથી હેલ્પ
કરવાને બદલે તેમને પછીથી મોલ્ડ કર્યા."
ગુજરાતી
વર્ઝનમાં વેશ્યાના લગભગ અડધોઅડધ સંવાદો હિન્દીમાં લખીને સૌમ્યએ સ્માર્ટ પગલું ભર્યું છે. અમુક સંવાદો ગુજરાતીમાં
સંભવતઃ બેહૂદા લાગ્યા હોત, પણ હિન્દીમાં તે
ધારી અસર ઊપજાવીને સડસડાટ પસાર થઈ જાય છે. સૌમ્ય કહે છે,
"શરુઆતની રીડીંગ સેશન
દરમિયાન જિજ્ઞાા કયારેક કહેતી કે, મારું પાત્ર આવું ન બોલે. એ પોતાની રીતે અમુક વાકયોને
હિન્દીમાં ફેરવી નાખતી. શરુઆતની દસ મિનિટના નાટકની પ્રોસેસ દરમિયાન આવું બન્યું.
તે પછી મેં જિજ્ઞાાની રિધમ અપનાવી લીધી
અને એ જ ઢાળમાં ગુજરાતી-હિન્દી મિશ્ર ભાષામાં લખતો ગયો."
સૌમ્યએ ગુજરાતી
વર્ઝનમાં નાના-મોટા ઘણાં ફેરફારો કર્યા છે. બન્ને પાત્રો વચ્ચે ક્રમશઃ બંધાતી જતી લાગણીનો
આલેખ અસરકારક બનાવવા માટે કેટલાંક સ્ટ્રકચરલ ફેરફારો કરવા જરુરી હતા. જેમ કે,
નાયક પોલીસ છે તે વિગત મરાઠી વર્ઝનમાં ઈન્ટરવલ પોઈન્ટ પર ખૂલે
છે,
પણ સૌમ્ય આ વાત નાટકની શરુઆતમાં જ એસ્ટાબ્લિશ કરી દે છે. જો
બન્ને કિરદારોનાં પ્રોફેશન પહેલેથી સ્પષ્ટ થાય તો જ તેમની વાતચીત માટેનું કોમન ગ્રાઉન્ડ
વધારે સારે રીતે રચાય એવું સૌમ્યનું માનવું હતું. સેકન્ડ એકટમાં પણ લવસ્ટોરીને વધારે
સુરેખ અને તાર્કિક બનાવવામાં આવી. સૌથી નાટયાત્મક પરિવર્તન નાટકમાં અંતમાં કરવામાં
આવ્યું છે, પણ તેના વિશે અહીં વધારે કહેવું નથી. તે તમારે સ્વયં જોઈ લેવાનું છે.
જિજ્ઞાા ધરાર
ઓછાં નાટકો કરે છે, પણ જે કરે છે એમાં જીવ રેડી દે છે. કયાં "વેલકમ
જિંદગી"ની પંચાવન વર્ષીય ગૃહિણી ને કયાં "આજ જાને કી ઝીદ ના કરો"ની
વેશ્યા. એ કહે છે, ""વેલકમ જિંદગી"માં એવી કેટલીય લાઈન્સ છે કે જેમાં સીધું
લાફ્ટર ફૂટે, પણ "આજ જાનેકી..."માં ઓડિયન્સનું રિસ્પોન્સ મિકેનિઝમ અલગ પ્રકારનું
છે. અહીં સ્ટેજ પર જે કંઈ ચાલે છે તે જોઈને ઓડિયન્સ ગંભીર થઈ જાય છે,
ખામોશ બની જાય છે. આ ખામોશીની ભાષા સમજવી જરુરી છે. શું
ઓડિયન્સ નાટકમાં એકદમ ખૂંપી ગયું છે એટલે ખામોશ છે કે પછી એને નાટક જરાય સ્પશ્યું
નથી એટલે ચુપચાપ બેઠું છે? આવા સમયે એકટર તરીકેનો તમારો અનુભવ કામે લાગે છે."
નાટક દરમિયાન
સ્તબ્ધ બેઠેલું ઓડિયન્સ જાણે સાટું વાળી દેતા હોય તેમ પડદો પડતા જ પોતાની સીટ પર ઊભા થઈને તાળીઓના ગડગડાટથી
ઓડિટોરિયમ છલકાવી દે છે. તાળીઓના આ ગુંજારવમાં જાણે કે તમને ગુજરાતી ઓડિયન્સની
પરિપકવતા,
સજ્જતા અને પોતાને ઓછા ન આંકવાની વિનંતી પણ સંભળાય છે.
નાટકમાં એક વેશ્યાના દિલની વાત થઈ છે એટલે સૌમ્ય એક તબક્કે
નાટકનું ટાઈટલ "ચોલી મેં દિલ હૈ મેરા" રાખવા માગતા હતા. ટેકિનકલી આ
શીર્ષક ભલે નાટકની વાર્તા સાથે બંધ બેસતું હોય, પણ ગુણવત્તાસભર નાટકો માટે પંકાયેલા પ્રોડયુસર મનહર ગઢિયાએ
તેમને વાર્યા હતા કે સૌમ્ય, આ ટાઈટલ વાંચીને ભળતું જ ઓડિયન્સ નાટક જોવા આવી જશે! વેલ,
હકીકત એ છે કે ના-ટ-કમાં રસ પડતા તમામ પ્રેક્ષકોએ "આજ
જાને કી ઝીદ ના કરો" માણવું જ પડે. જીદપૂર્વક!
૦ ૦૦
Thursday, April 11, 2013
જિજ્ઞા વ્યાસમાં એવું તે શું છે?
અમદાવાદ કૉલિંગ - અંક 7 એપ્રિલ 2013
કોલમ: Backstage
અમદાવાદની આ દરજ્જેદાર યુવા અભિનેત્રીને તમે ‘વેલકમ જિંદગી’ અને અન્ય નાટકોમાં જોઈ છે. મધુ રાયના શબ્દોમાં કહીએ તો, દર વખતે એનો અભિનય દલડું વીંધી નાખે છે!
![]() |
| Aathma Tara nu Aakash |
‘ધર્મ અંગીકાર કરતી હશે બિચારી... એને એમ થઈ ગયું હશે કે કોઈ ધર્મના હોઈએ તો બરાબર, બાકી કારણ વગર શું કામ મરવાનું?’
મંચ પરથી બોલાયેલો આ એનો સૌથી પહેલો ડાયલોગ. ‘દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ નામના અફલાતૂન નાટકમાં એક કૂતરીના સંદર્ભમાં આ બે વાક્યો બોલવાના હતા. ઉત્સાહી કન્યાનો આનંદનો પાર ન રહ્યો. 70 કલાકારોનો તોતિંગ કાફલો ધરાવતા નાટકનું રિહર્સલ શરુ થયું ત્યારથી મનમાં એક જ વાત રમતી હતી કે બેકગ્ર્ાઉન્ડમાં ટોળાનો હિસ્સો બની રહેવાને બદલે કશુંક બોલવાનો મોકો મળે તો કેવું સારું! ડિરેક્ટરના મનમાં આખરે રામ વસ્યા ને એણે કન્યાને આ બાવીસ શબ્દોનો ડાયલોગ બોલવા આપ્યો. રિહર્સલ પૂરું કરીને ઘરે પહોંચી ત્યારે આ ભવ્ય ન્યુઝ share કરવા એ રીતસર ઊછળી રહી હતી: ‘મમ્મી... મને લાઈન મળી!’
કટ ટુ 2012. ગુજરાતી તખ્તા પર સીમાચિહ્નરુપ બની ગયેલાં નાટક ‘સંતુ રંગીલી’ને રિવાઈવ કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે. સંતુનું કેન્દ્રીય પાત્ર અભિનયસામ્રજ્ઞી સરિતા જોશીએ ભજવ્યું હતું. તેમની યશસ્વી કારકિર્દીમાં સંતુનું કિરદાર સૌથી યાદગાર પૂરવાર થયું છે. અત્યંત કઠિન અને ચેલેન્જિંગ એવું આ પાત્ર, જેને કેવળ અભિનયપ્રતિભાથી છલછલતી એક્ટ્રેસ જ સાકાર કરી શકે. ‘સંતુ રંગીલી’ના લેખક મધુ રાય નવા ડિરેક્ટરને અમેરિકાથી ફોન કરીને ખાસ ભલામણ કરે છે: સંતુના રોલ માટે જિજ્ઞા વ્યાસને કન્સિડર કરજો! ખેર, અન્ય પ્રોજેક્ટ્સ, વિદેશની ટૂર વગેરેમાં રોકાયેલી હોવાને કારણે જિજ્ઞા આ અદભુત ઓફક સ્વીકારી શકી નહીં તે અલગ વાત થઈ, પણ ખુદ મધુ રાય પોતે સર્જેલા સંતુનાં પાત્રમાં સરિતા જોશીની જગ્યાએ જિજ્ઞાને કલ્પી શક્યા તે કેટલી મોટી વાત છે.
‘મમ્મી... મને એક લાઈન મળી’થી શરુ થયેલી યાત્રા એક દાયકા પછી ‘સંતુ રંગીલી’ની ઓફર સુધી વિસ્તરી તે દરમિયાન જે કંઈ બન્યું તે સ્વયં જિજ્ઞા વ્યાસ પાસેથી જ સાંભળવા જેવું છે.
‘મેં જિંદગીનું સૌથી પહેલું નાટક જોયું ત્યારે ચોથી-પાંચમીમાં ભણતી હોઈશ,’ પાક્કી અમદાવાદી જિજ્ઞા પોતાના રણકદાર અવાજમાં ‘અમદાવાદ કૉલિંગ’ને કહે છે, ‘તે હતું, શર્મન જોશીનું ‘ઓલ ધ બેસ્ટ’. તે વખતે નાટક જોઈને અંદરથી મજા આવેલી, એટલું જ. તે પછી દસમા-અગિયારમા ધોરણ દરમિયાન ‘મારે એમને ગમવું છે’ નામનું એકાંકી જોયું અને તે વખતે પહેલી વાર મને તીવ્રતાથી ફીલિંગ થઈ કે મારે અહીં ઓડિયન્સમાં નહીં, પણ સામે સ્ટેજ પર હોવું જોઈએ!’
બેન્ક ઓફિસર મમ્મી-પપ્પાએ કહ્યું કે બેટા જરુર થિયેટર કરો, પણ પહેલાં ડિગ્ર્ાી લઈ લો. ડાહી દીકરીએ માત્ર ગ્ર્ોજ્યુએશન નહીં, પોસ્ટ ગ્ર્ોજ્યુએશન પણ કરી નાખ્યું. પછી 2001માં સૌમ્ય જોશીએ જેવું ‘ફેડ-ઈન’ નામનું થિયેટર ગ્ર્ાપ શરુ કયુર્ર્ કે પહેલાં જ દિવસથી જિજ્ઞા એનો હિસ્સો બની ગઈ. 2001માં જ રાજુ બારોટે ‘કંચન કરશે ગામને કંચન’ નામનું પ્રચારનાટક ડિરેક્ટ કર્યું હતું. જિજ્ઞાનું એ સૌથી પહેલું નાટક.
| with mentor Saumya Joshi |
‘અને પછી આવ્યું સૌમ્યસરનું ‘દોસ્ત, ચોક્કસ અહીં...’ કે જેમાં મને પેલી લાઈન બોલવા મળી!’ જિજ્ઞા ખડખડાટ હસી પડે છે, ‘તે પછી ‘આઠમા તારાનું આકાશ’ નાટકમાં મારો પ્રોપર અને મહત્ત્વનો રોલ હતો. તે પાત્ર માટે લાંબા અને સુંદર વાળ હોવા જરુરી હતા. સુંદર તો ખબર નથી, પણ મારા વાળ લાંબા જરુર હતા... અને કદાચ એટલે મને સૌમ્યસરે સિલેક્ટ કરી હશે! પણ મારું બોડી બહુ જ સ્ટીફ (અક્કડ) રહેતું હતું. તેથી મારી બોડી લેંગ્વેજ પર મેં ખૂબ મહેનત કરી. મને ડર હતો કે મહેનત નહીં કરું કે ધાર્યું પર્ફોર્મન્સ નહીં આપું તો રોલ હાથમાંથી જતો રહેશે! એટલે છ-છ કલાક રિહર્સલ કરીને ઘરે આવું પછી રાતના એક-બે વાગ્યા સુધી જાગીને મહેનત કરું. મારી મોટી બહેને મને તે વખતે ખૂબ મદદ કરી હતી. નાટકનાં એક સીનમાં માટે એક વિશાળ પાઈપ પર નાચવાનું હતું. હું ઘરની અગાસીની પાળી પર ચડીને એની પ્રેક્ટિસ કરતી! અફકોર્સ, પાળીની બીજી તરફ બીજા ઘરની અગાસી જોડાયેલી હતી એટલે પડી જવાનો ડર નહોતો.’
કલાકાર તરીકેની શિસ્ત અને પુષ્કળ પરિશ્રમ કરી શકવાની ક્ષમતા - જિજ્ઞાના વ્યક્તિત્ત્વનાં આ બે બહુ મોટા પ્લસ પોઈન્ટ છે, જે તેનામાં ઠાંસી ઠાંસીને ભરેલી પ્રતિભાને ઑર ઝળહળતી કરી દે છે. અભિનયનાં ક્ષેત્રમાં ડગલાં માંડવાની અને સતત નિરીક્ષણ કરતાં રહીને શીખતાં રહેવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી હતી, પણ ‘આઠમા તારાના આકાશ’ નાટકથી જિજ્ઞામાં રહેલી અભિનેત્રી નક્કર અર્થમાં ઊઘડવા માંડી. આ નાટકનાં બાવન શોઝ થયા. એનએસડી, પૃથ્વી ફેસ્ટિવલ વગેરેમાં તે ભજવાયું. દરમિયાન 2005માં ‘ફેડ-ઈન’ દ્વારા અમદાવાદમાં ‘વિંગ્ઝ’ નામના ત્રણ મહિનાના થિયેટર ફેસ્ટિવલનું આયોજન થયું, જેમાં જિજ્ઞાને અલગ પ્રકારની તાલીમ મળી. તે પછી આવ્યું મુંબઈના મનહર ગઢિયા નિર્મિત ‘સાત તરી એકવીસ’ નામનું સુંદર પ્રોડક્શન, જેની સાત પૈકીની એક એકોક્તિ ‘એક નહીં લખાયેલી કવિતા’માં જિજ્ઞાએ સૌનું ધ્યાન ખેંચ્યું. મુંબઈના રંગકર્મીઓ સાથે સીધા સંપર્કમાં આવવાનો (અને તંદુરસ્ત સ્પર્ધામાં ઉતરવાનો) આ પહેલો અવસર હતો. એક સ્પર્ધા માટે તૈયાર થયેલાં ‘સૂરજવાળી રાત’ નામના એકાંકીમાં જિજ્ઞા ઈન્વોલ્વ થઈ, પણ ડિરેક્ટરને આસિસ્ટ કરવા અને લાઈટિંગની જવાબદારી સંભાળવા માટે. આ પણ તેનો પહેલો અનુભવ.
| 7x3 = 21 : Ek Nahi Lakhayeli Kavita |
...અને તે પછી આવ્યું પ્રોઢ મા-બાપ અને યુવાન દીકરાના સંબંધોને અદભુત રીતે પેશ કરતું ‘વેલકમ જિંદગી’. જિજ્ઞા કહે છે, ‘સૌમ્યસર નાટક લખી રહ્યા હતા ત્યારથી હું તેમની પ્રોસેસનો હિસ્સો હતો. અમણે મને માનો રોલ આપ્યો ત્યારે મારું પહેલું રિએક્શન એ જ હતું કે ઈમ્પોસિબલ... આ રોલ તો હું ન જ કરી શકું! સરે કહ્યું કે મને ઠીક નહીં લાગે તો હું તને કાઢી મૂકીશ, હું નાટકને તો નુક્સાન નહીં જ થવા દઉં, પણ તું જો તો ખરી, મહેનત તો કર... અત્યારથી કામચોરી શું કામ કરે છે? અને મેં ડરતાં ડરતાં શરુઆત કરી. સામાન્યપણે રીડીંગ દરમિયાન હું સૌથી વધારે કમ્ફર્ટેબલ હોઉં છું, પણ આ નાટક તો વાચિકમ તબક્કાથી જ અઘરું પડવા માંડ્યું. હું રડું. રાતે સૂઈ ન શકું. રિહર્સલના એ છ મહિના મારા માટે જેટલા અદભુત હતા એટલા જ ટેન્શન અને સ્ટ્રેસવાળાં પણ બની રહ્યા.’
‘વેલકમ જિંદગી’એ ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાખ્યા. વર્ષો પછી દર્શકોએ કંઈક જુદી જ નાટ્યાનુભૂતિ કરી. આ મુંબઈનું પ્રોડક્શન હતું, જેમાં અમદાવાદના કલાકારોએ તરખાટ મચાવી દીધો. જિજ્ઞામાં રહેલી દરજ્જેદાર અભિનેત્રી આ નાટકમાં સોળે કળાએ ખીલી. ‘વેલકમ જિંદગી’એ એને વિઝિબિલિટી અને વ્યાપક સ્વીકૃતિ બન્ને અપાવ્યાં. એ કહે છે, ‘આ પ્લેના 350 શોઝ ઓલરેડી થઈ ચૂક્યા છે. પણ હજુય શો હોય તે દિવસે ફફડાટ તો હોય જ. આજની તારીખેય ‘વેલકમ જિંદગી’નો શો હોય તો બે-અઢી કલાક પહેલાં થિયેટર પર પહોંચી જવાનું અને રિડીંગ કરવાનું એટલે કરવાનું જ. આ નાટક પાસેથી મને સૌથી વધારે શીખવાનું મળ્યું છે.’
શીખવું! આંખ-કાન-દિલ-દિમાગ ખુલ્લાં રાખીને સતત શીખતા જવું અને એબ્સોર્બ કરતાં રહેવું તે જેન્યુઈન કલાકારની નિશાની છે. ‘વેલકમ જિંદગી’ પછીના સુંદર નાટક ‘102 નોટઆઉટ’માં જિજ્ઞા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સંકળાયેલી છે. ઓડિયન્સને જોકે ભરપૂર સંતોષની વચ્ચે પણ જરા તકલીફ થઈ જાય છે. ‘ફેડ-ઈન’નું નાટક હોય અને જિજ્ઞાને મંચ પર અભિનય કરતી જોવા ન મળે તો કેમ ચાલે! ‘અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’માં, અગેન, જિજ્ઞાની એક નવી છટા જોવા મળી. આ નાટકમાં એણે સહેજ લાઉડ અને કેરિકેચરિશ અભિનય કરવાનો હતો. સંભવત: આ નાટક થોડા સમયમાં રિ-લોન્ચ થવાનું છે. ‘સૂરજવાળી રાત’ નાટકને ફુલલેન્થ કરવાનું પણ આયોજન છે.
| Welcome Jindagi |
જિજ્ઞાએ ઓછાં પણ મહત્ત્વનાં નાટકો કર્યાં છે. એના પ્રશંશકોની સૌથી મોટી ફરિયાદ આ જ છે: આટલી તગડી એક્ટ્રેસ... કેમ વધારે નાટકો કરતી નથી? એ કેમ ચારેકોર છવાઈ જતી નથી? એનામાં ગો-ગેટર વૃત્તિનો કેમ અભાવ વર્તાય છે? જિજ્ઞા પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા સાથે જવાબ આવે છે, ‘હું એમ્બિશિયસ છું જ, પણ મારી એમ્બિશન ખૂબ બધા રુપિયા કમાઈ લેવાની કે બંગલા બંધાવીને કમ્પાઉન્ડમાં ફેન્સી ગાડીઓની વણઝાર કરી દેવાની નથી. મારી ભૂખ સરસ રોલ્સ માટે છે. મને નાટકો, સિરિયલો, ફિલ્મો બધું જ કરવું છે, મને ઓફર્સ પણ મળે છે, પણ મને એ સ્વીકારવાનું મન તો જ થાય જો સ્ક્રિપ્ટ અને રોલ દમદાર હોય. વળી, પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન સરસ રીતે થશે એવો ભરોસો મને બેસવો જોઈએ. અફકર્સ, કામ એ કામ છે અને દરેક કામમાં કંઈક ને કંઈક તો શીખવાનું હોય જ છે, પણ જો રોલ સારો ન હોય અને હું દિવસ-રાત એમાં વ્યસ્ત રહું તો મને ડરે છે કે એક કલાકાર તરીકે તે મને કરપ્ટ કરી નાખશે.’
પોતાનો માંહ્યલો કરપ્ટ ન થાય તે માટે કલાકાર સતર્ક રહેતો હોય તેનાથી સુંદર વાત બીજી કોઈ ન હોઈ શકે. આ ઈમાનદારી, આ માંહ્યલો કરપ્ટ ન થવા દેવાની જીદ જ જિજ્ઞાને બીજા કરતા અલગ પાડે છે, એને ઊંચી ભ્રમણકક્ષામાં મૂકી દે છે.
ઓલ ધ વેરી બેસ્ટ, જિજ્ઞા! 0 0 0
Subscribe to:
Posts (Atom)












