Monday, September 10, 2018

લિલી સિંહઃ ડિપ્રેશનને મારો ગોળી...


સંદેશ- સંસ્કાર પૂર્તિ - 2 સપ્ટેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ

સ્ટાર એટલે ફિલ્મ સ્ટાર એ વાત હવે જૂની થઈ ગઈ. સાવ સાદા કેમેરાથી જોવામાં રસ પડે એવા વિડીયો બનાવીને યુટ્યુબ પર શેર કરનારી વ્યક્તિ આજે લાખો-કરોડો કમાઈ શકે છે, ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની શકે છે. લિલી સિંહ આ ડિજિટલ સત્યનું ઉત્તમ ઉદાહરણ છે.  



બે અબજ. આ છે એની યુટ્યુબ ચેનલને મળેલા કુલ વ્યુઝનો આંકડો. 1 કરોડ 42 લાખ - આ છે એની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરનારાઓની સંખ્યા. 78 લાખ - આટલા છે એના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ. 10.5 મિલિયન ડોલર અથવા 75 કરોડ 30 લાખ રૂપિયા - આ છે એની ગયા એક વર્ષની કમાણી. ફોર્બ્સ મેગેઝિને ગયા વર્ષે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી લોકોની જે સૂચિ બહાર પાડી હતી એમાં એનું નામ સૌથી પહેલું મૂકાયું હતું. હાઉ ટુ બિકમ બોવ્સઃ અ ગાઇડ ટુ કોન્કરિંગ લાઇફ - આ છે એણે લખેલું પુસ્તક જે એક જ અઠવાડિયામાં ધ ન્યુ યોર્ક ટાઇમ્સના બેસ્ટસેલર લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયું હતું.

વાત લિલી સિંહની થઈ રહી છે. જેમના માટે મનોરંજન માત્ર ટીવી અને ફિલ્મો પૂરતું સીમિત નથી, જેમને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ, ખાસ કરીને યુટ્યુબ પર ઊછળતા જ્ઞાન અને મનોરંજનના મહાસાગરમાં ડૂબકી લેવાની મજા આવે છે એમના માટે લિલી સિંહનું નામ અપરિચિત નથી. 29 વર્ષની આ પંજાબી કુડી કેનેડામાં જન્મી છે ને મોટી થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી એ સર્ટિફાઇડ યુટ્યુબ સ્ટાર તરીકે દુનિયાભરમાં તરખાટ મચાવી રહી છે.

સ્ટાર એટલે ફિલ્મ સ્ટાર કે ટીવી સ્ટાર એ ખયાલ હવે જૂનો થઈ ગયો. હવે માત્ર સાદા વિડીયો કેમેરાથી કે ઇવન મોબાઇલ કેમેરાથી વિડીયો શૂટ કરીને, જોવામાં રસ પડે એવું કોન્ટેન્ટ નિયમિતપણે ક્રિયેટ કરીને યુટ્યુબ પર શેર કરનારી વ્યક્તિ પણ સ્ટાર યા તો સેલિબ્રિટી બની શકે છે, એમના દેશ-વિદેશમાં લાખો ચાહકો હોઈ શકે છે, લોકો એની પાછળ દીવાના બની શકે છે અને એ માત્ર પોતાના યુટ્યુબ વિડીયોના જોરે લાખોપતિ-કરોડપતિ બની શકે છે. આ ઇન્ટરનેટ યુગનું સત્ય છે. ફેમસ બનવું કે સ્ટાર હોવું એ હવે કેવળ ગણ્યાગાંઠ્યા લોકોનો ઇજારો રહ્યો નથી. યુટ્યુબ સ્ટાર્સ ક્રમશઃ મેઇનસ્ટ્રીમ બની રહ્યા છે.



લિલી સિહ સુપરવુમન નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. 2010માં એણે આ ચેનલ શરૂ કરેલી. આ આઠ વર્ષમાં એણે એણે 735 કરતાં વધારે અંગ્રેજીભાષી વિડીયો અપલોડ કર્યા છે. અઠવાડિયામાં બે વિડીયો બનાવીને એ પોતાની સુપરવુમન નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરે છે. નાના નાના, ત્રણથી બારેક મિનિટના આ વિડીયોના વિષયો સાવ સાદા અને રોજ-બ-રોજની ઘટનાઓ પર આધારિત હોય. જેમ કે, છોકરીઓ કેવી રીતે તૈયાર થાય છે, છોકરીઓ કેવી રીતે ટેકસ્ટ મેસેજ મોકલે છે, જુદી જુદી ટાઇપના પેરેન્ટ્સ, લગ્ન સમારંભોમાં કેવા કેવા નમૂના આવતા હોય છેવગેરે. જાણે મશીનગન ચાલતી હોય એમ લિલીના મુખમાંથી ધડધડાટ શબ્દો નીકળતા જાય. એ કેમેરા સામે ચિત્ર-વિચિત્ર મોઢાં બનાવે, પોતાનાં મમ્મી-પપ્પા અને અન્ય કિરદારના રોલ પણ ખુદ નિભાવે. આ ચેનલનું કોન્ટેન્ટ અત્યંત ઉચ્ચ કક્ષાનું ભલે ન હોય, પણ એ રિલેટેબલ હોય છે. એટલેસ્તો તે આટલી હદે લોકપ્રિય બની છે. લિલીના વિડીયોઝમાં લિલીની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ બરાબરની ખીલે છે. એની પાસે હવે તો ખેર ખુદની પ્રોફેશનલ ટીમ છે, બાકી વર્ષો સુધી  વિડીયોની સ્ક્રિપ્ટ લખવાથી માંડીને શૂટિંગ અને એડિટીંગ સુધીનું બધું જ કામ એણે જાતે કર્યું હતું.

લિલીને યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું શી રીતે સૂઝ્યું? લિલીના ઘરમાં જાણે એવો નિયમ થઈ ગયો હતો કે એની મોટી બહેન કરે એ બધું લિલીએ કરવાનું જ. બહેનના નક્શે-કદમ પર એણે ચાલ્યા કરવાનું. બહેને કોલેજમાં સાઇકોલોજી વિષય લીધો હતો એટલે લિલીએ પણ બાય ડિફોલ્ટ તે જ વિષય લીધો. સાઇકોલોજી ભણવાની એને સહેજ પણ મજા નહોતી આવતી. ગ્રજ્યુએટ થયા પછી સાઇકોલોજીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પણ કરવું એવું નક્કી થયું. લિલીને ભણવાનો એટલી હદે ત્રાસ થતો હતો કે એ ભયંકર ડિપ્રેશનમાં સરી પડી. આવી માનસિક સ્થિતિમાં, કેવળ મનને કોઈક પ્રવૃત્તિમાં રોકવા માટે એણે એક વિડીયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો. એને એ વખતે તે પણ ખબર નહોતી કે પોતે બીજો વિડીયો બનાવશે કે કેમ, પણ એને કેમેરા સામે એકલાંએકલાં હલકીફૂલકી વાતો કરવાની અને લોકો સાથે શેર કરવાની મજા આવી. પછી એણે બીજો વિડીયો બનાવ્યો. પછી ત્રીજો. લોકોની ઉત્સાહજનક કમેન્ટ્સ આવવા લાગી. તેમણે કહ્યું કે લિલી, તારા વિડીયો બહુ ફની (રમૂજી) હોય છે. લિલીને ત્યારે એ પણ ખબર નહોતી કે એનામાં સારું સેન્સ ઓફ હ્યુમર છે. એ એક પછી એક વિડીયો બનાવતી ગઈ. એના માટે આ સ્વ-ચિકિત્સા હતી. એ લોકોને એટલા માટે હસાવવા માગતી હતી કે જેથી એને ખુદને હસવું આવે, એની પીડા ઓછી થાય ને ડિપ્રેશન ઘટે. એવું જ થયું. આકસ્મિકપણે લિલીને નવી લાઇન મળી ગઈ. એ અમેરિકા શિફ્ટ થઈ. પછી તો એનો ઘોડો એવો દોડ્યો કે પાછા વળીને જોવાની ક્યારેય જરૂર ન પડી.



પોતાના ઘરના કમરામાં શૂટ કરેલા વિડીયોના જોરે લિલી આજે મોટા પોપસ્ટાર કે ફિલ્મસ્ટારની માફક વર્લ્ડ ટૂર ગોઠવે છે. એના તમામ શોઝ હાઉસફુલ થાય છે. વચ્ચે એ ભારત આવેલી ત્યારે શાહરુખ ખાને એને વિનંતી કરેલી કે લિલી, પ્લીઝ તું મારી મહેમાન બન, મારા ઘરે આવ, કેમ કે મારી દીકરી સુહાના તારી મોટી ફેન છે! આજની તારીખે લિલીનું નામ એટલું મોટું થઈ ગયું છે કે ઇવન હોલિવૂડના મોટા મોટા સુપરસ્ટાર્સ પણ એના વિડીયોમાં દર્શન દઈને પોતાની ફિલ્મોનું પ્રમોશન કરે છે. 

સુપરવુમન સિવાય લિલી સુપરવુમન વ્લોગ્સ નામની યુટ્યુબ ચેનલ પણ પર રોજ પોતે આખા દિવસમાં શું શું કર્યું એની વાતો ઓડિયન્સ સાથે શેર કરે છે. આમ, એ અઠવાડિયામાં બે વત્તા સાત એટલે કે કુલ નવ નવા વિડીયો બનાવે છે. આ પ્રકારનું સાતત્ય જાળવી રાખવા માટે ચિક્કાર મહેનત કરવી પડે અને કેટલીય વસ્તુઓનો ભોગ આપવો પડે એ કહેવાની જરૂર છે ખરી? ડિપ્રેશનના દર્દીથી ડિજિટલ સ્ટાર બનવા સુધી લિલીની યાત્રા લોકોને અમસ્તી પ્રેરણાદાયી નથી લાગતી.   

                                                       0 0 0 

Wednesday, September 5, 2018

એક મુસ્લિમ કવિનો કૃષ્ણપ્રેમ


સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - 5 સપ્ટેમ્બર 2018 

ટેક ઓફ

બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામનું બંગાળી સાહિત્યજગતમાં બહુ મોટું નામ છે. આ મુસ્લિમ કવિ રચિત કૃષ્ણ ઉપરાંત શંકર, લક્ષ્મી, સરસ્વતીનાં ભજનો આજે પણ લોકપ્રિય છે. પોતાના એક પુત્રનું નામ એમણે કૃષ્ણમોહમ્મદ પાડેલું! 



નમાષ્ટમીની અસર હજુ હવામાં છે ત્યારે આપણે એક એવી હસ્તીની વાત કરીએ જે મુસ્લિમ હતા છતાંય એમણે કેટલાંય કૃષ્ણકાવ્યો રચ્યાં હતાં. એમનું નામ છે, કાઝી નઝરુલ ઇસ્લામ. આ એ કવિ છે, જેમનું નામ બંગાળમાં રવીન્દ્રનાથ પછી સૌથી વધારે આદરપૂર્વક લેવાય છે. બાંગ્લાદેશના તેઓ રાષ્ટ્રીય કવિ છે. ભારતે એમને પદ્મવિભૂષણ ખિતાબથી નવાજ્યા છે. 2015માં પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં આવેલાં આંડલ નામના શહેરમાં એરપોર્ટ ખુલ્લું મૂકાયું, જેને કાઝી નઝરુલ ઇસ્લામ નામ અપાયું છે.

કાઝી નઝરુલ ઇસ્લામ (જન્મઃ 1899, મૃત્યુઃ 1976)ના નામમાં જ ઇસ્લામ શબ્દ છે, પણ તેઓ સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ હતા. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ કારમી ગરીબાઈ વચ્ચે એમણે બંગાળ પોતાના જન્મસ્થળ એટલે કે બંગાળસ્થિત ચરૂલિયા ગામની એક મદરેસામાં ફારસી અને અરબીનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ઘર અને મદરેસા એમ બન્ને જગ્યાએ કટ્ટર મુસ્લિમ વાતાવરણ હતું, છતાંય કાઝીમાં કાચી ઉંમરથી જ તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખવાના સ્વયં-સંસ્કાર જાગૃત થઈ ગયાં હતાં. એમણે નાની ઉંમરે જ બંગાળી ભાષામાં રામાયણ અને મહાભારત તેમજ અન્ય ધર્મનાં પુસ્તકો વાંચી નાખ્યાં હતાં.  

આઠમા ધોરણ પછી આગળ ભણવાની કોઈ વ્યવસ્થા નહોતી. કાઝી નઝરુલ એક નાટકમંડળીમાં જોડાઈને સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિ પર વ્યંગ કરતાં નાટકો ભજવવા માંડ્યા. અઢાર વર્ષની ઉંમરે તેઓ ભારતીયો સૈનિકો વડે બનેલા બ્રિટિશ લશ્કરમાં જોડાયા. એ વખતે પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. કાઝીને પહેલાં મિડલ ઇસ્ટ અને પછી કરાંચી મોકલવામાં આવ્યા. કરાંચીની છાવણીમાં એક પંજાબી મૌલવી હતા. એમની પાસેથી કાઝી નઝરુલે ફારસી ભાષા શીખ્યા. કવિ રૂમી, હાફિઝ અને ઉંમર ખય્યામની રચનાઓનો પણ અભ્યાસ કર્યો. એમને ભીતરની ક્રિયેટિવ ધક્કો લાગ્યો અને તેમણે ખુદ કાવ્યો રચવાનું શરૂ કર્યું. 1919માં એમની પહેલી કવિતા પ્રગટ થઈ. પછીના વર્ષે તેઓ લશ્કરની નોકરી છોડીને કલકત્તા પાછા  ફર્યા. અહીંની મુસ્લિમ લિટરરી સોસાયટીના સભ્ય બન્યા. બોધન નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પહેલાં જ પુસ્તકે એમને સારી પ્રતિષ્ઠા અપાવી. 1922માં એમણે વિદ્રોહી શીર્ષકધારી કાવ્ય લખ્યું, જે બિજલી નામના સામયિકમાં છપાયું. આ કવિતાને કારણે તેઓ વિદ્રોહી કવિ તરીકે જાણીતા થઈ ગયા ને અંગ્રેજોની નજરમાં આવી ગયા. આ રહી એ બંગાળી કવિતાના અમુક અંશનો (વાયા અંગ્રેજીમાંથી થયેલો) ગુજરાતી ભાવાનુવાદ. સાંભળોઃ  

હું અકથ્ય પીડા છું
હું કુમારિકાનો પહેલો લજ્જાશીલ સ્પર્શ છું
હું પ્રથમ ચુંબનનો કોમળ ઉશ્કેરાટ છું
હું ઢંકાયેલા ચહેરાવાળી પ્રિયતમા પર થયેલો અછડતો દષ્ટિપાત છું
હું પ્રેમિકાની છૂપી નજર છું
હું ધરતીની છાતીમાં ઉકળતો લાવા છું
હું જંગલમાં ભભૂકતો અગ્નિ છું
હું નર્કમાં ઊછળતો ક્રોધનો દરિયો છું
હું મોજથી વીજળીની પાંખો પર સવાર થાઉં છું       
હું ચારે બાજુ પીડા અને ભય પ્રસરાવું છું
હું ધરતી પર પ્રકંપ પેદા કરું છું
હું શાશ્વત વિદ્રોહી છું
હું દુનિયાદારીથી પર છું   
હું મારું મસ્તક ઉન્નત રાખું છું
ગર્વથી,  સ્વતંત્રતાથી, હંમેશાં...!



1922માં જ કાઝી નઝરુલે ધૂમકેતુ નામનું સામયિક શરૂ કર્યું. ટાગોરે ખાસ કાઝી માટે અવકાશી ધૂમકેતુ પર એક કાવ્ય લખી આપેલું. ધૂમકેતુમાં ઉશ્કેરણીજનક લેખો છપાય છે એવા આક્ષેપ કરીને અંગ્રેજ સરકારે એમને જેલભેગા કર્યા. પોતાની સાથે થઈ રહેલા દુર્વ્યવહારનો વિરોધ કરવા એમણે ચાલીસ દિવસ સુધી ભૂખ હડતાળ કરી. કાઝીને આખરે મુક્ત કરવામાં આવ્યા. ભૂખ હડતાળ દરમિયાન એમણે અનેક કાવ્યો રચ્યાં ને સ્વરબદ્ધ પણ કર્યાં.

કાઝી નઝરુલનું વિદ્રોહીપણું ઘણાં સ્તરે વિસ્તરેલું હતું. એ જમાનામાં એમણે પ્રમીલાદેવી નામની હિંદુ યુવતી સાથે લવમેરેજ કર્યાં હતાં. પ્રમીલાદેવી બ્રહ્મોસમાજ સાથે સંકળાયેલાં હતાં. રૂઢિચુસ્ત મુસ્લિમોએ આ લગ્નનો ખૂબ વિરોધ કર્યો, પણ  કાઝી નઝરુલને એની શું પરવા હોય! તેઓ ચાર પુત્રોના પિતા બન્યા. દીકરાઓનાં નામ પણ એમણે કેવા પાડ્યાં - કૃષ્ણમોહમ્મદ, અરિંદમ, સવ્યસાચી અને અનિરુદ્ધ!

કુટુંબ વધે એટલે ખર્ચ પણ વધવાનો. કાઝી નઝરૂલ એક ગ્રામોફોન કંપનીમાં જોડાયા. અનેક ગીતો રચીને તેને સંગીતબદ્ધ પણ કર્યાં. આ ગીતો રેડિયો પર પ્રસારિત થતાં. તેઓ ઊગીને ઊભી થઈ રહેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયા. 1936માં બનેલી વિદ્યાપતિ નામની ફિલ્મમાં કાઝી નઝરૂલે લખેલાં અને સંગીતબદ્ધ કરેલાં ગીતોનો ઉપયોગ થયો હતો. ટાગોરની ગોરા નામની નવલકથા પરથી બનેલી ફિલ્મ ઉપરાંત સિરાજ ઉદ્દોલ્લા નામની ફિલ્મમાં પણ કાઝી નઝરૂલનું ગીત-સંગીત હતું.   

1940માં કાઝી નઝરુલ પુનઃ પત્રકારત્વ સાથે સંકળાયા. નવયુગ નામના દૈનિકના તેઓ ચીફ એડિટર બન્યા. ટાગોર અને કાઝી નઝરુલ વચ્ચે ઉંમરનો ઘણો ફર્ક હતો, પણ એમની વચ્ચે અમુક ધ્યાનાકર્ષક સામ્ય હતું. બન્ને કવિ. બન્ને સંગીતના ચાહક. બન્નેએ પોતપોતાની આગવી સંગીત શૈલી વિકસાવી - રવીન્દ્ર સંગીત અને નઝરૂલ સંગીત. ટાગોર ખુદને કાઝી નઝરુલના ફેન ગણાવતા.

કાઝીને ટાગોર કૃત ગીતાંજલિનાં કાવ્યો કંઠસ્થ હતા. ટાગોરે એમની પ્રશંસા કરતા કહેલું કે, તમારી યાદશક્તિને દાદ દેવી પડે. ગીતાંજલિનાં તમામ કાવ્યો તો મને ખુદને કંઠસ્થ નથી!’ ટાગોરે પોતાનું વસંત નામનું નૃત્યનાટિકાનું પુસ્તક કાઝી નઝરુલને અર્પણ કર્યું છે. ટાગોરે પોતાના પરિવારની બહારની કોઈ વ્યક્તિને પુસ્તક ડેડિકેટ કર્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો.

અગાઉ નોંધ્યું તેમ કાઝીએ અનેક ભજનોની રચના કરી છે. કૃષ્ણ ઉપરાંત રાધા, શંકર, લક્ષ્મી, સરસ્વતી જેવાં હિન્દુ દેવદેવીઓની સ્તુતિ કરતાં એમનાં કેટલાંય ભજનો આજે પણ લોકપ્રિય છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઈની બંદગી થઈ શકતી નથી, પણ કાઝી નઝરુલને આ પ્રકારની પાબંદીઓથી હંમેશાં પર રહ્યા. કટ્ટરવાદી મુસ્લિમોને તેઓ એટલે જ આંખના કણાની માફક ખૂંચતા.  

 1942માં કાઝી નઝરુલને મોર્બસ પિક નામની વિચિત્ર બીમારી લાગુ પડી. પરિણામે તેઓ વાચા અને સ્મરણશક્તિ બન્ને ખોઈ બેઠા. સારવાર માટે એમને છેક ઇંગ્લેન્ડ અને વિએના મોકલવામાં આવ્યા, પણ એની તબિયતમાં કોઈ સુધારો ન થયો. 35 કાવ્યસંગ્રહો, છ નવલકથાઓ, ચાર નિબંધસંગ્રહો, ચાર નાટકો, એક લઘુકથાસંગ્રહ અને અન્ય ભાષામાંથી બંગાળીમાં ભાષાંતરિત કરેલાં કેટલાંક પુસ્તકો - આટલું વિપુલ સર્જન કરનાર કાઝી નઝરુલે જિંદગીનાં અંતિમ ચોવીસેક વર્ષ નિષ્ક્રિયતામાં ગાળવા પડ્યા એ કેટલી મોટી કરૂણતા! 1971માં બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો પછી કાઝી નઝરુલને રાષ્ટ્રીય કવિ ઘોષિત કરવામાં આવ્યા. એમણે રચેલા ગીત ચલ મન ચલને બાંગ્લાદેશના યુદ્ધગીતનો દરજ્જો આપવામાં આવ્યો. આ બધું કાઝી નઝરુલની હયાતીમાં જ બન્યું, પણ કિસ્મતની કઠણાઈ જુઓ કે એમને ખબર જ નહોતી કે એમને કેવા કેવા માન-સન્માન મળી રહ્યાં છે!

20 ઓગસ્ટ 1976ના રોજ કાઝી નઝરુલ ઇસ્લામનું નિધન થયું. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં એમના નામની કેટલીય સ્કૂલો અને કોલેજો બંધાઈ છે. કેટલાય રસ્તાઓને એમનું નામ આપવામાં આવ્યું છે. 2015માં પશ્ચિમ બંગાળના આંડલ નામના શહેરમાં કાઝી નઝરુલ ઇસ્લમાના નામનું એરપોર્ટ ખુલ્લું મૂકાયું ત્યારે નરેન્દ્ર મોદી સૌથી પહેલા પ્રવાસી બન્યા હતા.

ખરેખર, કાઝી નઝરુલ ઇસ્લામ જેવા ધર્મનિરપેક્ષ બૌદ્ધિકોની આજે તાતી જરૂર છે...

0 0 0 



Monday, September 3, 2018

બોલ રાધિકા બોલ


               સંદેશ- સંસ્કાર પૂર્તિ - 2 સપ્ટેમ્બર 2018


મલ્ટિપ્લેક્સ

રાધિકા આપ્ટેનો અત્યારે ચડતો સિતારો છે. એના જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસને લાગલગાટ કામ મળતું રહે એ એના માટે જ નહીં, ઓડિયન્સ માટે પણ સારું છે. 


તો રાઘિકા આપ્ટે ફરી પાછી નેટફ્લિક્સ પર ત્રાટકી છે. આ વખતે ઘુલ નામના ત્રણ જ એપિસોડની અફલાતૂન થ્રિલર-હોરર મિનીસિરીઝમાં. રાધિકાને અગાઉ આપણે બે નેટફ્લિક્સ એક્સક્લુઝિવ્સ લસ્ટ સ્ટોરીઝ (ચાર શોર્ટ ફિલ્મ્સનું ઝુમખું) અને સેક્રેડ ગેમ્સ (આઠ એપિસોડની સિરીઝ)માં ઓલરેડી જોઈ ચુક્યા છીએ.

બેક-ટુ-બેક ત્રીજી વાર રાધિકા દેખાઈ એટલે લોકોને રાધિકા અને નેટફ્લિક્સની પટ્ટી ઉતારવાની મજા પડી ગઈ. સોશિયલ મિડીયા પર કંઈકેટલાય જોક્સ અને મીમ્સ વાઇરલ થવા માંડ્યા. જેમ કે, મારા ફોનમાં રાધિકા-આપ્ટે નામનો નવો વાઇરસ જોવા મળ્યો. પછી ખબર પડે કે ઓ! આ તો નેટફ્લિક્સની એપ છે!’ બીજું રમૂજી ઉદાહરણ. પ્રશ્નઃ એવી કઈ જોડી છે જે ક્યારેય તૂટે નહીં? જવાબઃ જય-વીરૂ, કરણ-અર્જુન, નેટફ્લિક્સ-રાધિકા આપ્ટે!’

નેટફ્લિક્સ ઇન્ડિયાવાળા પણ ગાંજ્યા જેવા એવા નથી. એમણે પોતાની પટ્ટી ઉતારનારાઓની સામી પટ્ટી ઉતારી, એમણે ટ્વિટર અને અન્ય માધ્યમો પર અવળા જોક્સ વહેતા કર્યા. જેમ કે, આ ટ્વિટઃ વોટેવર ધ રોલ, રાધિકા એપ્ટ હૈ.યા તો પછી આઃ અમે પેડમેન ફિલ્મ નેટફ્લિક્સ પર મૂકી છે. પેડમેનમાં રાધિકા આપ્ટે છે એટલે અમે આવું નથી કહેતા, પણ હા, પેડમેનમાં રાધિકા આપ્ટે છે એ હકીકત છે. અરે, નેટફ્લિક્સવાળાઓએ પોતાના ઇસ્ટાગ્રામના બાયોનું લખાણ કામચલાઉ બદલીને જસ્ટ અનધર રાધિકા ઓફિશિયલ ફેન અકાઉન્ટ એવું કરી નાખ્યું. આટલું જાણે ઓછું હોય તેમ બે-અઢી મિનિટનો મસ્તીખોર બિહાઇન્ડ-ધ-સીન્સ વિડીયો પણ બનાવ્યો. એમાં ઓમ્નીપ્રેઝન્ટ (અર્થાત સદાકાળ હાજર) નામની એક એવી નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મની (ખોટેખોટી) ઘોષણા કરવામાં આવી -  એવી ફિલ્મ જેના તમામ રોલ એકલી રાધિકા આપ્ટે કરશે. અરે, ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણેના રીતસર બાઇટ્સ સુધ્ધાં લેવાયા. માન ગએ, નેટફ્લિક્સ ઇન્ડિયા! 

મોટી મોટી આંખોવાળી અને શામળી પણ કામણગારી રાધિકા આપ્ટે અત્યારે બરાબરની ચગી છે એ સત્ય છે. હિન્દી એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં કામ કરતી સૌથી બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રીઓનું લિસ્ટ  રાધિકા આપ્ટેના નામ વગર પૂરું ન થાય. બદલાપુર, હન્ટર, માંઝી - ધ માઉન્ટનમેન, પાર્ચ્ડ, ફોબિયા, કબાલી (જેમાં સાક્ષાત રજનીકાંત રાધિકાના હીરો હતા), અક્ષયકુમારવાળી પેડમેન, લસ્ટ સ્ટોરીઝ આ બધી એની અલગ અલગ માત્રામાં વખણાયેલી કેટલીક ફિલ્મો છે. બોલ્ડ દશ્યો કરવામાં રાધિકાને કશો છોછ નથી. પાર્ચ્ડ ઉપરાંત અનુરાગ કશ્યપની ક્લીન શેવન નામની શોર્ટ ફિલ્મમાં એણે જે રીતે પોતાના શરીરને નિર્વસ્ત્ર કર્યું હતું એ જોઈને સુગાળવા પ્રેક્ષકો લગભગ મૂર્છિત થઈ ગયા હતા.

રાધિકાએ હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, તેલુગુ, મલાયલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મરાઠી તો એની માતૃભાષા છે. પુનામાં ઉછરેલી રાધિકા તગડી એકટ્રેસ છે એનું એક મોટું કારણ એ છે કે એ રંગભૂમિ પર તૈયાર થઈ છે. એનાં મમ્મી-પપ્પા બન્ને ડોક્ટર છે. આ સાતમી સપ્ટેમ્બરે એ 33 વર્ષ પૂરાં કરીને ચોત્રીસમા વર્ષમાં પ્રવેશ કરશે. રાધિકા પરિણીત છે તે વિશે ઇવન મિડીયામાં પણ ખાસ કશી ચર્ચા થતી નથી. એના પતિદેવનું નામ બેનેડિક્ટ ટેલર છે. એ અંગ્રેજબાબુ એટલે કે બ્રિટિશર છે. ઇંગ્લેન્ડમાં જ જન્મ્યા અને મોટા થયા છે. વચ્ચે રાધિકાએ લંડનમાં કન્ટેમ્પરરી ડાન્સ અને મુવમેન્ટ એનેલિસિસનો એક આખા વર્ષનો કોર્સ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન એની મુલાકાત બેનેડિક્ટ સાથે થયેલી. બન્ને પ્રેમમાં પડ્યાં, થોડો સમય લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા અને આખરે 2012માં કાયદેસર પરણી ગયાં.      



બેનેડિક્ટનું વાયોલિનવાદક અને કમ્પોઝર તરીકે ઇંગ્લેન્ડ અને યુરોપમાં મોટું નામ છે. રાધિકાની લેટેસ્ટ મિની-સિરીઝ ઘુલ ઉપરાંત અનુરાગ કશ્યપની ધેટ ગર્લ ઇન યલો બૂટ્સ તેમજ આનંદ ગાંધીની શિપ ઓફ થિસિયસમાં પણ બેનેડિક્ટે સંગીત આપ્યું છે. રાધિકા ભારતમાં બિઝી રહે છે અને બેનેડિક્ટનું કાર્યક્ષેત્ર ઇંગ્લેન્ડમાં ફેલાયેલું. આ લોન્ગ-ડિસ્ટન્ટ મેરેજને હેમખેમ રાખવા માટે બન્નેએ ખૂબ મહેનત કરવી પડે છે.

એક ઇન્ટરવ્યુમાં રાધિકા કહે છે, હું એકાંતરે મહિને એક વાર લંડન આંટો મારી આવવાની કોશિશ કરું છું. આ ટ્રિપ્સ બહુ થકવી નાખનારી અને અતિ ખર્ચાળ પૂરવાર થાય છે. મને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં જોઈને ઘણા લોકો નવાઈ પામીને પૂછતા હોય છેઃ અરે! તમે ઇકોનોમી ક્લાસમાં? બહુ ગુસ્સો આવે આવું કોઈ આવું કહે ત્યારે. આઇ મીન, એકાંતરે મહિને મુંબઇ-લંડન-મુંબઇની ટ્રિપ કરવી કંઈ ખાવાના ખેલ નથી. ક્યારેક અચાનક મારું શૂટિંગ કેન્સલ થયું હોય ને મને અઠવાડિયાનો સમય મળી જાય તો મારે છેલ્લી ઘડીએ લંડનની ફ્લાઇટ બુક કરાવવી પડે. દેખીતી રીતે જ તે અતિ મોંઘી હોવાની. બેનેડિક્ટને સમય મળે ત્યારે એ મુંબઇ આવી જાય છે. લંડન અને મુંબઇ આ બન્નેની ગણના દુનિયાનાં સૌથી મોંઘા શહેરોમાં થાય છે. કલ્પના કરો, આ બન્ને શહેરોમાં એક-એક ઘર મેન્ટેઇન કરવાનું અને બન્ને શહેરો વચ્ચે સતત આવ-જા કરવામાં કેટલાં ફદિયાં જોઈએ. એટલેસ્તો હું કરકસર કરીને જીવું છું.

રાધિકા હવે બ્રિટિશ ફિલ્મમેકર માઇકલ વિન્ટરબોટમની ફિલ્મ ધ વેડિંગ ગેસ્ટમાં દેખાશે. એમાં સ્લમડોગ મિલિયોનેરવાળો દેવ પટેલ એનો હીરો છે. લિડીયા ડીન નામની અમેરિકન ડિરેક્ટરની ફિલ્મમાં એ નૂર ઇનાયત ખાન નામની બ્રિટીશ જાસૂસ બની છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં આકાર લે છે. આ ઉપરાંત સૈફ અલી ખાન સાથે બાઝાર (ડિરેક્ટર ગૌરવ ચાવલા), શ્રીરામ રાઘવનના ડિરેક્શનમાં બની રહેલી એક ફિલ્મ (હીરો આયુષ્યમાન ખુરાના) અને લસ્ટ સ્ટોરીઝની સિક્વલમાં પણ રાધિકા દેખાશે. સારું છે. રાધિકા આપ્ટે જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસને લાગલગાટ કામ મળતું રહે એ એના માટે જ નહીં, ઓડિયન્સ માટે પણ સારું છે.

0 0 0  


Saturday, September 1, 2018

નટસમ્રાટ




પેલું હિન્દીમાં કહે છેને કે, આંખેં તરસ ગઈ થી! શાના માટે? સિદ્ધાર્થ રાંદેરિયાને આ રંગરૂપમાં જોવા માટે. આ રૂપ એટલે સિદ્ધાર્થભાઈનું ગુજ્જુભાઈ સિવાયનું રૂપ. રંગ એટલે હાસ્યરસ સિવાયના રંગ. ગુજ્જુભાઈ સિરીઝનાં નાટકો અને ફિલ્મો જોઈને આપણે સૌએ સોલિડ એન્ટરટેઇનમેન્ટ મેળવ્યું જ છે, સો ટકા કબૂલ, પણ તોય આપણને સતત થતું રહેતું હતું કે આવો આલા દરજ્જાનો અદાકાર ક્યાં સુધી એકસરખા રિપીટિટીવ રોલ્સ કર્યા કરશે. ભૂતકાળમાં તેઓ રંગભૂમિ પર જે અદભુત રેન્જ ઓલરેડી દેખાડી ચુક્યા છે એ હવે ફરી ક્યારેય જોવા નહીં મળે કે શું?
પણ ભલું થજો 'નટસમ્રાટ'નું. સિદ્ધાર્થ રાંદેરિયા હેઝ રિર્ટન્ડ... એન્ડ હાઉ! 'નટસમ્રાટ' એ રીતે સિદ્ધાર્થ રાંદેરિયાનું કમ-બેક વેહિકલ છે. 'રેવા' જોઈને જે સંતોષ અને આનંદની તીવ્ર લાગણી થઈ હતી એક્ઝેક્ટલી એવી જ ફીલિંગ ગઈ રાત્રે 'નટસમ્રાટ' જોયા પછી થઈ રહી છે. આવી ફિલ્મ જોઈએ ત્યારે નક્કર પ્રતીતિ થાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્લોલી બટ શ્યોરલી મેચ્યોર થઈ રહી છે.
'નટસમ્રાટ'માં શું છે એ તમે જાણો છો, રાઇટ? ન જાણતા હો તો ટૂંકમાં સાંભળી લો કે આ રંગભૂમિના એક નિવૃત્ત સુપરસ્ટાર અદાકારની હૃદયસ્પર્શી કહાણી છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખજો. આ ફિલ્મ જોતી વખતે મહેરબાની કરીને મરાઠી 'નટસમ્રાટ' સાથે એની સરખામણી કર-કર ન કર્યા કરતા. સિદ્ધાર્થભાઈનું જ 'અમારી દુનિયા તમારી દુનિયા' નાટક જો જોયું હોત તો એને પણ ટેમ્પરરી ભુલી જજો. આ પ્રકારના સંદર્ભો ગાળીને, એક સ્ટેન્ડ-અલોન ફિલ્મ તરીકે જોજો. વધારે મજા આવશે. સિદ્ધાર્થ રાંદેરિયા રિઅલ લાઇફમાં ગુજરાતી મેઇનસ્ટ્રીમ રંગભૂમિ પર વર્ષોથી સુપરસ્ટારનો દરજ્જો ભોગવી રહ્યા છે. એ રીતે આ પરફેક્ટ કાસ્ટિંગ છે.
માત્ર ટાઇટલ રોલ જ નહીં, મુખ્ય પાત્રોમાં કાસ્ટ થયેલાં તમામ કલાકારો મજાના છે. દીપિકા ચિખલિયા (રામાનંદ સાગરની 'રામાયણ' સિરીયલવાળાં ઓરિજિનલ સીતામાતા) અસરકારક છે. એમણે ચુનંદી પણ સારી ફિલ્મો કરતાં રહેવું જોઈએ. Samvedna Suwalka સામાન્યપણે પોતાના કિરદારને અન્ડરપ્લે કરવાની ટેન્ડન્સી ધરાવતી એક્ટ્રેસ છે, પણ અહીં નટસમ્રાટની દીકરીના રોલમાં એની એનર્જી અને પિચ બન્ને પરફેક્ટ છે. બહોત અચ્છે, સંવેદના. સ્મિત પંડ્યા, સરસ. (રેડિયો સિટી પરથી પ્રસારિત થતા એમના કિશોરકાકા નામના ગુજરાતી શોનો હું જબરો ફેન છું).
- અને Manoj Joshi. ફિલ્મમાં એમનાં દશ્યોની સંખ્યા ઓછી છે, પણ થોડા સ્ક્રીન-ટાઇમમાં પણ તેઓ કેવી અફલાતૂન ઇમ્પેક્ટ છોડે છે! મનોજ જોશી મીઠો અસંતોષ જન્માવી દે છે. આપણને થાય કે અરે યાર, એમના વધારે સીન્સ હોવાં જોઈતા હતાં. આપણે રેસ્ટોરામાં ગુજરાતી થાળી જમવા ગયા હોઈએ અને થાળીમાં આપણી મોસ્ટ ફેવરિટ આઇટમ ગુલાબજાંબુના બે જ પીસ જોઈને વેઇટરને કહીએ કે યાર, પાંચ-સાત જાંબુ એકસાથે મૂકી દે, ને એ જવાબ આપે કે સોરી સાહેબ, લિમિટેડ થાળી છે, આમાં બે જ ગુલાબજાંબુ આવે, ત્યારે આપણને કેવું થાય! બસ, 'નટસમ્રાટ'માં મનોજ જોશી માટે એક્ઝેક્ટલી આવી જ ફીલિંગ આવે છે. મનોજ જોશી 'નટસમ્રાટ'ના ગુલાબજાંબુ છે! રેસ્ટોરામાં તો ખેર, વધારે પૈસા ચુકવીને એકસ્ટ્રા ગુલાબજાંબુ મગાવી શકાય છે, પણ ફિલ્મોમાં હજુ આ પ્રકારની ફેસિલિટી આવી નથી! મનોજ જોશી અને સિદ્ધાર્થ રાંદરિયાનાં સંયુક્ત દશ્યો આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. આવા બબ્બે મંજાયેલા કલાકારને એકસાથે સ્ક્રીન પર જોવા ખરેખર એક લહાવો છે.
મારા માટે સરપ્રાઇઝ 'મુંબઈ સમાચાર' અખબારના તંત્રી Nilesh Dave હતા. ફિલ્મમાં એમણે નટસમ્રાટના જમાઈના બોસનો ટચૂકડો રોલ કર્યો છે. સ્ક્રીન પર જામો છો, નીલશભાઈ. ચાલો, ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતી લેખકો-પત્રકારો પાસે કેમીઓ કરાવવાનો સરસ ટ્રેન્ડ બની રહ્યો છે. 'બે યાર'માં Jay Vasavada દેખાયા હતા, 'લવની ભવાઈ'માં Bhavin Adhyaru અને હવે 'નટસમ્રાટ'માં નીલેશ દવે. નોટ બેડ!
'નટસમ્રાટ' ઓવરઓલ એક સરસ પેકેજ છે. ટેક્નિકલ પાસાં અપ-ટુ-માર્ક છે. સ્ટીરિયોફોનિક સાઉન્ડમાં Dilip Rawal દિલીપ રાવલ લિખિત ગીતો ગાઈ રહેલા આલાપ દેસાઈનો મીઠો અવાજ કેટલો સરસ ગૂંજે છે. અને - આહા! - ફિલ્મમાં શ્રેયા ઘોષાલે પણ એક ડ્યુએટ ગાયું છે. ફિલ્મમાં ગીત-સંગીતનો બહુ જ સંયમિત ઉપયોગ થયો છે, જે તરત ધ્યાન ખેંચે છે. Sneha Desai, યુ રોક, ઓલવેઝ. ફિલ્મમાં મેલોડ્રામા છે, પણ ક્યાંય ગ્લિસરીનના ફુવારા છૂટતા નથી, ક્યાંય કશુંય ઓવર-ધ-ટોપ નથી, કશુંય બિનજરૂરી નથી. ફિલ્મનો સૂર સતત કરેક્ટ રીતે જળવાયો છે. આનું શ્રેય જયંત ગિલ્ટારના કોન્ફિડન્ટ ડિરેક્શનને મળવું જોઈએ.
'નટસમ્રાટ' જોયા પછી કલ્પના કરવાનું મન થાય છે કે આ ફિલ્મમાં જેમ સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોશી જેવા બે પ્રથમકક્ષ અદાકારોની જુગલબંદી થઈ એ રીતે આવનારા દિવસોમાં પરેશ રાવલ, દર્શન જરીવાલા, હિતેન કુમાર, ધર્મેન્દ્ર ગોહિલ વગેરે જેવા મંજાયેલા સિનિયર કલાકારો તગડા રોલ્સમાં એકસાથે કાસ્ટ થશે અને સામસામા ટકરાશે ત્યારે કેવી મજા આવશે. આપણી પાસે રાષ્ટ્રીય સ્તરે વટથી ઊભા રહી શકે, હિન્દી-બંગાળી-મરાઠી-મલયાલમ-તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરોની આંખોમાં આંખ મિલાવી શકે એવા દમદાર એક્ટરો છે જ. હંમેશા હતા. એમની ટેલેન્ટને જસ્ટિફાય કરવા માટે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરો અને સ્ક્રીનરાઇટરોએ હવે એમના સ્તર સુધી પહોંચવું પડશે.
'નટસમ્રાટ'ની આખી ટીમ મુંબઇના ગુજરાતી કલાકાર-કસબીઓની છે. ધારો કે મુંબઇની ગુજરાતી ફિલ્મો અને ગુજરાતમાં બનતી ગુજરાતી ફિલ્મો એવા અદશ્ય ભાગલા પડે અને એમની વચ્ચે તંદુરસ્ત કોમ્પિટીશનનો ભાવ જાગે તો એમાં ખોટું શું છે!
'નટસમ્રાટ'નો માઇનસ પોઇન્ટ મારી દષ્ટિએ આ એક જ છે - કંગાળ પ્રમોશન. આટલા સરસ કલાકારો હોય, આટલી સારી ફિલ્મ હોય, 'લગાન' - 'સત્યા' - 'હમ દિલ દે ચુકે સનમ' તેમજ મણિરત્નમની ફિલ્મો સાથે સંકળાયેલા પ્રોડ્યુસર-ડિસ્ટ્રીબ્યુટર જામુ સુગંઘના વારસદારો ઇન્વોલ્વ્ડ હોય છતાંય ફિલ્મ રિલીઝ થતાં પહેલાં એની ખાસ કંઈ હવા ન બને એ કેવું? 'નટસમ્રાટ' ખરેખર તો એક ઇવેન્ટ ફિલ્મ યા તો 'મોસ્ટ અવેઇટેડ ફિલ્મ' તરીકે ધામધૂમથી પેશ થવી જોઈતી હતી. એવું શા માટે બન્યું નથી એ મોટો સવાલ છે. સદભાગ્યે, બોલિવૂડની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો ત્રણ દિવસનો ખેલ હોતી નથી. વર્ડ-ઓફ-માઉથથી 'નટસમ્રાટ' ચાલવી નહીં, દોડવી જોઈએ. 'સૈરાટ' નહોતી આવી ત્યાં સુધી મરાઠી 'નટસમ્રાટ' મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ ગણાતી હતી. આ પ્રકારની સ્થિતિ ગુજરાતી 'નટસમ્રાટ' માટે પણ પેદા થઈ શકે એવું કૌવત આ ફિલ્મમાં છે.
જો તમે સિદ્ધાર્થ રાંદેરિયા અને એમના ગુજ્જુભાઈના ફેન હો તો તમારે 'નટસમ્રાટ' જોવી જોઈએ. મમ્મી-પપ્પા-સાસુ-સસરાને સાથે લઈને જોવી જોઈએ. જો તમને અમિતાભ-હેમા માલિનીવાળી 'બાગબાન' તેમજ રાજેશ ખન્ના-શબાના આઝમીવાળી 'અવતાર' ગમી હશે તો તો 'નટસમ્રાટ' ખૂબ ગમશે. લખી રાખો!
0 0 0