Showing posts with label Pretty Woman. Show all posts
Showing posts with label Pretty Woman. Show all posts

Thursday, August 4, 2016

મલ્ટિપ્લેક્સઃ પ્રીટી મેન

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - ૩૧ જુલાઈ ૨૦૧૬

મલ્ટિપ્લેક્સ

 હોલિવૂડની સૌથી લોકપ્રિય, સૌથી સફળ અને સદૃાબહાર રોમેન્ટિક ફિલ્મોની ચર્ચા થાય  છે ત્યારે ‘પ્રીટી વુમન'ના ઉલ્લેખ વગર વાત પૂરી થઈ શકતી નથી. તેના ડિરેકટર ગેરી માર્શલ તાજેતરમાં મૃત્યુ પામ્યા. સડકછાપ રુપજીવિની અને ધનાઢ્ય બિઝનેસમેનની લવસ્ટોરીવાળી ‘પ્રીટી વુમન'ની નિર્માણકથા ફિલ્મ જેટલી જ ઈન્ટરેસ્ટિંગ છે.


મેરિકાના સિનિયર ફિલ્મમેકર ગેરી માર્શલનું તાજેતરમાં ૮૧ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે એમના આત્માની શાંતિ માટે હોલિવૂડની સેલિબ્રિટીઓએ ધડાધડ ટ્વિટ કરી નાખ્યાં હતાં. જરુરી નથી કે બધ્ધેબધ્ધાં ટ્વિટ્સ ઠાલી ઔપચારિકતા માટે જ કરવામાં આવ્યા હોય. હળવીફુલ પ્રકૃતિ ધરાવતા ગેરી માર્શલ ફિલ્મી વર્તુળમાં ખાસ્સા પોપ્યુલર હતા. એમના બાયોડેટામાં ‘પ્રીટી વુુમન' જેવી સુપરડુપર અને એવરગ્રીન રોમેન્ટિક ફિલ્મ બોલે છે. અલબત્ત, ગેરી માર્શલને ભલે વૂડી એલન કક્ષાના માસ્ટર ફિલ્મમેકરોની પંગતમાં બેસાડી ન શકાય, પણ એમણે જુલિયા રોબર્ટ્સ અને રોબિન વિલિયમ્સ જેવી કેટલીય પ્રતિભાઓની કરીઅર બનાવવામાં સિંંહફાળો આપ્યો છે તે હકીકત છે. ગેરીની ચાર ફિલ્મોમાં કામ કરનાર જુલિયા ખુદૃને એમની ‘ફેક કિડ' (સારી ભાષામાં, માનસપુત્રી) ગણાવે છે.

‘પ્રીટી વુમન' ગેરી માર્શલ અને જુલિયા રોબર્ટ્સ બન્નેની કરીઅરની સફળતમ ફિલ્મ. ૧૯૯૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ બજેટ હતું એ જમાનામાં ૧૪ મિલિયન ડોલર અને એણે બિઝનેસ કર્યો ૪૬૩ મિલિયનનો, મતલબ કે રોકેલા નાણાં કરતાં ૩૪ ગણો વધારે! ગેરીએ ૩૪ વર્ષની ફિલ્મી કરીઅરમાં ‘પ્રીટી વુમન' ઉપરાંત ‘રનઅવે બ્રાઈડ', ‘પ્રિન્સેસ ડાયરીઝ', ‘વેલેન્ટાઈન્સ ડે' (જેમાં એમણે લગભગ અડધા હોલિવૂડને કાસ્ટ કર્યું હતું) જેવી કુલ ૧૮ ફિલ્મો ડિરેકટ કરી હતી. છેલ્લી 'મધર્સ ડે' તો હમણાં એપ્રિલમાં જ રિલીઝ થઈ હતી. હલકીફુલકી રોમેન્ટિક કોમેડી બનાવવામાં ગેરીની હથોટી હતી.

ફિલ્મોમાં આવતા પહેલાં ગેરીએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં રાઈટર-પ્રોડ્યુસર તરીકે વીસ વર્ષનો અનુભવ લીધો હતો. શરુઆત એમણે સ્ટેન્ડઅપ કોમેડિયનને જોકસ લખી આપનાર લેખક તરીકે કરી હતી. પછી ‘ધ ટુનાઈટ શો' જેવા સફળ ટીવી શો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું. ત્યાર બાદૃ ‘ધ ઑડ કપલ', ‘હેપી ડેઝ' જેવી કેટલીય સિરીયલો લખી અને એમાંની કેટલીક પ્રોડ્યુસ પણ કરી. ટીવી પર કામ કરીને કંટાળ્યા એટલે સિનેમા તરફ નજર દૃોડાવી અને ફિલ્મડિરેકટર તરીકે પણ સફળ થયા.

શું હતું ‘પ્રીટી વુમન'? વિવિયન નામની એક જુવાન સડકછાપ વેશ્યા છે (અંગ્રેજીમાં જેને હૂકર કહે છે તે, જુલિયા રોબર્ટ્સ). ભડકામણા કપડાં પહેરીને એ એક વાર લોસ એન્જલસની સડકો પર ગ્રાહકની શોધમાં રખડતી હોય છે ત્યારે એનો ભેટો એડવર્ડ નામના એક અત્યંત ધનાઢ્ય બિઝનેસમેન સાથે થઈ જાય છે. બન્ને વચ્ચે સોદૃો થાય છે. પેલો કહે છે: હું છ દિૃવસ આ શહેરમાં રહેવાનો છું. મને રાત-દિૃવસ કંપની આપીશ? એક રાતના ત્રણસો ડોલરના હિસાબે છ રાતના તને અઢારસો ડોલર ગણી આપીશ. બોલ, છે મંજૂર? વિવિયન કહે છે: પણ હું દિૃવસમાં ય તારી સાથે હોઈશને. દિૃવસના પૈસા તારે એકસ્ટ્રા આપવા પડશે. એડવર્ડ કહે છે: ઓકે.

'પ્રીટી વુમન'ના સેટ પર જુલિયા રોબર્ટ્સ અને રિચર્ડ ગેરને સીન સમજાવી રહેલા ગેરી માર્શલ 

આ છ દિૃવસ અને છ રાત દૃરમિયાન બન્ને વચ્ચે માત્ર શરીરનો નહીં, લાગણીનો સંબંધ પણ બંધાય છે. તેમની વચ્ચે નોકઝોંક પણ થાય છે ને ઝઘડીને વિખૂટા પડે છે. પછી બેયને અહેસાસ  થાય છે કે સામેનાં પાત્રને લીધે પોતાનું જીવન વધારે સમૃદ્ધ, વધારે સભર બન્યું છે. વિવિયને વેશ્યાવૃત્તિને હંમેશ માટે છોડીને આગળ ભણવાનો નિર્ણય લે છે, જ્યારે એડવર્ડ પણ પોતાની કેટલીક કમીઓને સુધારવાની કોશિશ કરવાનું નક્કી કરે છે. આખરે બન્ને  પ્રેમીઓનું મિલન થાય છે ને ખાઈ, પીને રાજ કરે છે.

આ ફીલ ગુડ ફિલ્મની પડદૃા પાછળની નિર્માણકથા પણ ખાસ્સી ઈન્ટરેસ્ટિંગ છે. ડિઝની સ્ટુડિયોએ આ વિષય પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે શરુઆતમાં મૂળ વાર્તા અલગ હતી. ઓરિજિનલ ડ્રાફ્ટમાં વિવિયનને ચાલીસની થવા આવેલી ખખડી ગયેલી વેશ્યા બતાવવામાં આવેલી. આ વેશ્યા ડ્રગ્ઝની બંધાણી છે અને એેને ડિઝનીલેન્ડ જવાનું ખૂબ મન છે. બિઝનેસમેન એની સામે શરત મૂકે છે કે જો તારે મારી સાથે રહેવું હોય તો અઠવાડિયા સુધી નશીલી દૃવાને હાથ સુધ્ધાં નહીં લગાડવાનો. ફિલ્મનો એન્ડ એવો હતો કે એડવર્ડ રોષે ભરાઈને વિવિયનને કારમાંથી ઉતારી દૃઈને રવાના થઈ જાય છે અને પેલી ડિઝનીલેન્ડ જવા બસ પકડે છે. ડિઝનીના સાહેબોએ ગેરીને કહ્યું: જુઓ, ફિલ્મની સ્ક્રિપ્ટ તો રેડી છે, પણ છેલ્લે છેલ્લે તે બહુ ડાર્ક બની જાય છે. તમે એને હળકીફુલકી મોડર્ન લવસ્ટોરીમાં કન્વર્ટ કરી શકશો? ગેરી કહે: ઓકે. સ્ક્રિપ્ટ નવેસરથી લખવામાં આવી. ઓરિજિનલ ટાઈટલ ‘થ્રી થાઉઝન્ડ ડોલર' બદૃલીને ‘પ્રીટી વુમન' કરવામાં આવ્યું.

ટાઈટલ રોલ માટે શેરોન સ્ટોન, મિશેલ ફાયફર, જિના ડેવિસ, મડોના, બો ડેરેક, એમા થોમ્પસન, બ્રિજેટ ફોન્ડા, કિમ બેસિન્જર સહિતની કંઈકેટલીય અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોઈકને આ રોલ વધારે પડતો બોલ્ડ લાગ્યો. કોઈ ઉંમરમાં કાં તો નાની પડતી હતી યા તો મોટી પડતી હતી. કોઈ વિકલ્પ ન બચ્યો એટલે આખરે  જુલિયા રોબર્ટ્સને લેવી પડી. તે વખતે એકવીસ વર્ષની જુલિયા હોલિવૂડમાં સાવ નવીસવી હતી. એને અગાઉ‘સ્ટીલ મેગ્નોલિઆસ' નામની ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન જરુર મળ્યું હતું, પણ હોલિવૂડમાં કે હોલિવૂડની બહાર એનું નહોતું નામ બન્યું કે નહોતી એની કોઈ ઈમેજ ઊભી થઈ.

હીરો માટે  ક્રિસ્ટોફર રિવ, ડેન્ઝલ વોિંશગ્ટન, ડેનિયલ જેવા કેટલાય એકટરનો વિચાર કરવામાં આવ્યો હતો. અરે, અલ પચીનોએ તો રિડીંગ રિહર્સલ્સ સુધ્ધાં કર્યાં હતાં, પણ પણ એમણે કોઈક કારણસર ના પાડી દૃીધી. એક વાર ચાર્લ્સ ગ્રોડિન નામના એકટર સાથે જુલિયા રોબર્ટ્સનો સ્ક્રીન ટેસ્ટ લેવાનો હતો. ગેરીએ કહ્યું, ‘જુલિયા, સાંભળ. આ ચાર્લ્સ ગ્રોડિન તારા કરતાં કમસે કમ દૃસ ગણો વધારે ફની માણસ છે. આપણે અત્યારે સ્ક્રીનટેસ્ટમાં જે સીન કરવાનાં છીએ એમાં તું સહેજ ઢીલી પડીશ તો પણ એ તને કાચોકાચો ખાઈ જશે ને તું સીનમાં દૃેખાઈશ પણ નહીં. એ તને ડોમિનેટ ન કરી જાય તે જોવાની જવાબદૃારી તારી.' રિહર્સલ બાદૃ શૂટિંગ શરુ થયું. ગરીએ જોયું કે જુલિયા ચાર્લ્સને બરાબર ટક્કર આપે છે. ગરીના મનમાં જુલિયા માટે એવી છાપ ગંભીર પ્રકૃતિની છોકરી તરીકે પડી હતી, પણ કેમેરા ચાલુ થતાં જ એ બહુ જ ચાર્મિંગ, રમતિયાળ અને જીવંત બની જતી હતી.

બન્યું એવું કે ચાર્લ્સ ગ્રોડિન ‘પ્રીટી  વુમન' ન કરી શક્યા એટલે હીરોની શોધ પાછી આગળ વધી. એકટરો સાથે મીટીંગ કરવાની હોય ત્યારે ગેરી હંમેશાં જુલિયાને પોતાની સાથે લઈ જતા. એક વાર બન્ને રિચર્ડ ગેરને મળવા ગયાં.  ચાલુ મીટીંગે ગેરી ઓિંચતા ઊભા થયા ને ‘હું જરા કૉફી લઈને આવું છું' એમ કહીને નીકળી ગયાં. થોડે દૃૂરથી જઈને એમણે જુલિયા-રિચર્ડ તરફ નજર કરી. તેઓ સમજવા માગતા હતા કે પોતાની ગેરહાજરીમાં આ બન્ને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છે કે નહીં? ભલે દૃૂરથી એકેય અક્ષર સંભળાતો નથી,  પણ વાતચીત કરતી વખતે બેયની બૉડી લેંગ્વેજ કેવી છે? એમની વચ્ચે સરસ કેમિસ્ટ્રી રચાય એવી શક્યતા  દૃેખાય છે? ગેરીને આ બધા સવાલના જવાબમાં ‘હા'માં મળ્યો. ગરીની અનુભવી આંખે જોઈ લીધું કે બેયની જોડી સ્ક્રીન પર સરસ લાગશે!

એવું જ થયું.

શૂટિંગ દૃરમિયાન રિચર્ડ કેટલીય વાર મીઠી ફરિયાદૃ કરતા કે ગેરી, આ જુલિયા તો ગજબની છે. કેટલું અદૃભુત કામ કરે છે. એ એકલી જ કાફી છે આખી ફિલ્મને ઊંચકી જવા માટે. તમારે હીરોની જરુર જ શી છે? ગેરી માર્શલે પછી કબૂલ્યું હતું કે રિચર્ડ ગેરની જગ્યાએ કોઈ સાધારણ એકટર હોત તો જુલિયા આખી ફિલ્મ પર છવાઈ જાય છે એ વાતે વિરોધ કર્યો હોત, પોતાના રોલને જુલિયાના રોલ કરતાં વધારે દૃમદૃાર બનાવવા જાતજાતના ઉધામા કર્યા હોત, પણ રિચર્ડ ગેરે એવું કશું જ ન કર્યું. એમણે ઈન્સિક્યોર થયા વગર  જુલિયાને ઉડવા માટે પૂરતી મોકળાશ આપી. રિઝલ્ટ આપણી સામે છે.



સડકછાપ વેશ્યાનો અભિનય કરતી વખતે જો નબળી એકટ્રેસ હોય તો કિરદૃારને ચીપ કે વલ્ગર બનતાં જરાય વાર ન લાગે, પણ જુલિયાએ આ પાત્રને એવી રીતે ભજવ્યું છે કે હીરોની સાથે સાથે ઓડિયન્સ પણ એના પ્રેમમાં પડી જાય છે. રુપજિવીનીનું પાત્ર હોવા છતાં જુલિયાએ એક સ્ત્રી તરીકેની ગરિમા સતત જાળવી રાખી છે.

‘પ્રીટી વુમન'ની જબરદૃસ્ત સફળતાને લીધે જુલિયા રોબર્ટ્સ રાતોરાત ગ્લોબલ સુપરસ્ટાર બની ગઈ. મેરીલ સ્ટ્રીપ જેવી મેરીલ સ્ટ્રીપને પાછળ રાખીને જુલિયાએ આ ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી લીધો. વર્ષો સુધી હોલિવૂડની ટોચની એકટ્રેસ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખીને અને એકએકથી ચડિયાતી ફિલ્મો કરીને એણે પૂરવાર કર્યું કે એ કંઈ વન-ફિલ્મ-વંડર નહોતી. ‘પ્રીટી વુમન'ને લીધે હીરો રિચર્ડ ગેરની કરીઅરને નવું ઈંધણ મળ્યું. આ ફિલ્મ પ્રેક્ષકોને એટલી બધી ગમી કે હોલિવૂડની સૌથી લોકપ્રિય, સૌથી સફળ અને સદૃાબહાર રોમેન્ટિક ફિહ્લમોની ચર્ચા થાય  છે ત્યારે ‘પ્રીટી વુમન'ના ઉલ્લેખ વગર વાત પૂરી થઈ શકતી નથી.

દૃરેક નોંધપાત્ર ડિરેકટરની કરીઅરમાં ઘણું કરીને એક એવી ફિલ્મ જરુર હોય છે જે એના માટે સજ્જડ રેફરન્સ પોઈન્ટ બની જાય. આ ન્યાયે ગેરી માર્શલ હંમેશાં ‘પ્રીટી વુમન'ના ડિરેકટર તરીકે યાદૃ રહેવાના.

શો-સ્ટોપર

ગેરી વહાલથી ભેટે ત્યારે મને એટલી હૂંફ અને સલામતીનો અનુભવ થાય છે કે મને ક્યારેક રડવાનું મન થઈ જાય છે.

- જુલિયા રોબર્ટ્સ (ગેરી માર્શલના મૃત્યુના થોડાં મહિનાઓ પહેલાં)
         

Thursday, June 13, 2013

હોલીવૂડ હંડ્રેડ: પ્રીટી વુમન : મેરે ખ્વાબોં મેં જો આએ...


                  મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - તા. ૧૪ જૂન ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

બોલિવૂડ શું કે હોલિવૂડ શું, સપનાંના રાજકુમારવાળી થીમ એવરગ્રીન છે. જુલિયા રોબર્ટ્સને સુપરસ્ટાર પદે મૂકી દેતી આ ફિલ્મની વાર્તા જ્યોર્જ બર્નાર્ડ શોના ‘પિગ્મેલિયન’ યા તો સંતુ રંગીલીના કુળની છે. 



ફિલ્મ નંબર ૨૬. પ્રીટી વુમન

ગયા અઠવાડિયે ‘ધ સેવન યર ઈચ’માં મેરિલીન મનરોનાં નખરાં જોયાં પછી આજે એક ઓર ‘પ્રીટી વુમન’ની વાત કરીએ. ફિલ્મનું ટાઈટલ જ આ છે- ‘પ્રીટી વુમન’. પહોળું મોંફાડ, ભરેલા હોઠ અને સરસ હાઈટવાળી એની હિરોેઈન જુલિયા રોબર્ટસ વધારે ખૂબસૂરત છે કે વધારે ટેલેન્ટેડ એ નક્કી કરવું મુશ્કેલ છે.

ફિલ્મમાં શું છે?

આ એક હળવી રોમેન્ટિક અમેરિકન ફિલ્મ છે. ઝીણી ઝીણી આંખોવાળો હેન્ડસમ નાયક એડવર્ડ લેવિસ (રિચર્ડ ગેર) પાક્કો બિઝનેસમેન છે, જ્યારે નાયિકા વિવિયન વોર્ડ (જુલિયા રોબર્ટ્સ) લોસ એન્જલસની સડકો પર ધંધો કરતી વેશ્યા છે. એડવર્ડ કોઈક બિઝનેસના કામે એલ.એ. આવ્યો છે. હોટલનો રસ્તો ભુલી જતા એ કાર ઊભી રાખી, કાચ નીચે કરી, ભડકામણા કપડાં પહેરીને ઘરાક શોધી રહેલી વિવિયનને પૂછે છે: બિવર્લી હિલ્સ હોટલ કઈ બાજુ આવી? પેલી મફતમાં શું કામ જવાબ આપે. એ કારનો દરવાજો ખોલી બાજુમાં ગોઠવાય છે. બન્ને વચ્ચે વાતચીત શરુ થાય છે. વિવિયનમાં એક પ્રકારની નિર્દોષતા અને આકર્ષક ચુલબુલાપણું છે. હોટલ નજીક આવતાં એડવર્ડ એને પૂછે છે: આખી રાતના કેટલા ચાર્જ કરે છે તું? પેલી કહે છે: તને નહીં પોસાય. એડવર્ડ કહે છે: બોલ તો ખરી. વિવિયન કહે છે, ત્રણસો ડોલર. એડવર્ડ સ્મિત કરે છે: ડન.  

બીજે દિવસે એડવર્ડ એને કહે છે: હું અહીં છ દિવસ રોકાવાનો છું. તું પણ મારી સાથે રહી જા. એક રાતના ત્રણસો ડોલર લેખે છ રાતના તારા અઢારસો ડોલર, રાઈટ? વિવિયન કહે છે: પણ હું દિવસેય તારી હોઈશ. એડવર્ડ રકમ વધારે છે: તો બે હજાર ડોલર. પેલી તરત કહે છે: ત્રણ હજાર. આ સોદો પણ ડન થઈ જાય છે. આવી વૈભવી હોટલમાં રહેવાનું હોય અને પાર્ટી-બાર્ટીઓમાં સાથે જવાનું હોય ત્યારે વિવિયને આવા સડકછાપ રુપજીવિની જેવાં કપડાં પહેરેલાં હોય તે ન ચાલે. એડવર્ડ એને પૈસા આપે છે: જા, તારાં માટે સરસ કપડાં ખરીદી આવ. વિવિયન મોંઘાદાટ શોરુમમાં પહોંચી જાય છે, પણ એના રંગઢંગ જોઈને સેલ્સગર્લ્સ એને લગભગ કાઢી મૂકે છે. પાછી હોટલ પર પહોંચે છે ત્યારે હોટલનો મેનેજર એને અટકાવીને કહે છે કે આમ તો અમે તારા જેવી સ્ત્રીઓને હોટલમાં ઘૂસવા દેતા નથી, પણ મિસ્ટર એડવર્ડ અમારા ખાસ મહેમાન છે તેથી અપવાદરુપ કેસ તરીકે તને ચલાવી લઈએ છીએે. વિવિયન ખૂબ અપસેટ છે. સાંજે ડિનરમાં જવાનું છે અને એની પાસે પહેરવાનાં સારાં કપડાં પણ નથી. મેનેજર એને મદદ કરે છે. ખાવાપીવાની એટિકેટ પણ શીખવે છે. સાંજે વિવિયનને બદલાયેલા અવતારમાં જઈને પ્રભાવિત થાય છે.



બીજા દિવસે વિવિયન એને શોપિંગ વખતે થયેલો કડવો અનુભવ કહે છે. આજે અડવર્ડ ખુદ એની સાથે જાય છે અને ચક્કર આવી જાય એટલું મોંઘુંદાટ શોપિંગ કરાવે છે. સ્ટાઈલિશ કપડાં અને ટાપટિપમાં વિવિયન ભદ્ર મહિલા જેવી દેખાવા લાગી છે. એડવર્ડ પછી તો એની ખૂબ આળપંપાળ કરે છે. એને પોલોની મેચમાં લઈ જાય છે, પ્રાઈવેટ જેટમાં ઓપેરા જોવા લઈ જાય છે. ઓપેરાનું સંગીત અને આ આખો અનુભવ વિવિયનને ખૂબ સ્પર્શી જાય છે. તેનો નિયમ હતો કે ઘરાક સાથે સેક્સ કરતી વખતે ક્યારેય એના હોઠ પર ચુંબન નહીં કરવાનું, કારણે કે લિપ-કિસ બહુ જ પર્સનલ વસ્તુ ગણાય. પણ તે રાતે વિવિયન નિયમ તોડે છે. ઘસઘસાટ સૂઈ ગયેલા એડવર્ડના હોઠને એ પ્રેમથી ચુમી લે છે. છ-સાત દિવસના સહવાસ દરમિયાન બન્નેેના દિલમાં એકબીજા પ્રત્યે કૂણી લાગણી જાગી ચુકી છે. એડવર્ડ એને કહે છે કે હું તને એક ફ્લેટ લઈ આપું, દર મહિને ઘરખર્ચ આપું. જ્યારે જ્યારે હું લોસ એન્જલસ આવીશ ત્યારે આપણે સાથે રહીશું. આ સાંભળીને વિવિયન ઘવાઈ જાય છે. એને એડવર્ડમાં સપનોં કા રાજકુમાર દેખાઈ રહ્યો હતો, પણ આ ફ્લેટવાળી ઓફર સાંભળતા જ એને ભાન થાય છે કે આ તો મને વધુમાં વધુ એક રખાત તરીકે જ રાખી શકે. ઘણી ઘટનાઓ બને છે. અલવિદા કહેવાની પળ નજીક આવતી જાય છે. વિવિયનના સહવાસને કારણે એડવર્ડમાં પણ પરિવર્તન આવ્યું છે. એને સમજાય છે કે આખો દિવસ પૈસાની પાછળ ભાગવાનું ન હોય, જીંદગી પણ માણવાની હોય. એડવર્ડના એટિટ્યુડમાં આવેલું પરિવર્તન એના એક બિઝનેસ અસોસિયેટને ગમતું નથી. એ વિવિયન પર ભડકે છે: એડવર્ડમાં આ જે ફેરફાર થયો છે એનું કારણ તું છે. એ વિવિયન પર વધારે આક્રમક થાય તે પહેલાં એડવર્ડ તેને મુક્કો મારીને પાડી દે છે. ડઘાઈ ગયેલી વિવિયન હોટલ છોડીને જતી રહે છે. આમેય એડવર્ડ સાથેના છ દિવસ-છ રાત હવે પૂરાં થઈ ગયાં છે. એને વેશ્યા-વ્યવસાય છોડી દેવો છે, એ હવે આગળ ભણવા માગે છે. આ બાજુ એરપોર્ટ તરફ જઈ રહેલો એડવર્ડ અચાનક રસ્તો બદલીને વિવિયનના ઘર તરફ વળી જાય છે. કોઈપણ રીતે એ વિવિયનને શોધી કાઢે છે. એની પાસે વિવિયનને આપવા માટે લાલ ગુલાબ છે. આમ, વિવિયનને આખરે પોતાનાં સપનાંનો રાજકુમાર મળી જ જાય છે અને બન્ને ખાઈ-પીને રાજ કરે છે.

 કથા પહેલાંની અને પછીની 

સૌથી લોકપ્રિય અને સફળતમ રોમેન્ટિક કોમેડીના લિસ્ટમાં હંમેશા મોખરાનું સ્થાન પામતી ‘પ્રીટી વુમન’ની મૂળ વાર્તા તો ઘણી જુદી અને ખાસ્સી ડાર્ક હતી. ઓરિજિનલ ડ્રાફ્ટમાં વિવિયનને ડિઝનીલેન્ડ જોવાનું ઘણું મન છે. એ ડ્રગ્ઝની બંધાણી છે. એડવર્ડ એની સામે શરત મૂકે છે કે જો તારે મારી સાથે રહેવું હોય તો અઠવાડિયા સુધી કોકેઈનને હાથ પણ લગાડી નહીં શકે. ફિલ્મના અંતમાં એડવર્ડ રોષે ભરાઈને વિવિયનને કારમાંથી ઉતારી દઈને જતો રહે છે અને વિવિયન ડિઝનીલેન્ડ જવાની બસ પકડે છે. સ્ટુડિયોના એક બિગ બોસે આગ્રહ કર્યો કે આવી સિરિયસ ફિલ્મ બનાવવાને બદલે રાજકુમાર-રાજકુમારી પ્રકારના ફીલવાળી મોડર્ન લવસ્ટોરી બનાવીએ. આખી સ્ક્રિપ્ટ નવેસરથી લખવામાં આવી. મૂળ ટાઈટલ ‘થ્રી થાઉઝન્ડ ડોલર’ બદલીને ‘પ્રીટી વુમન’ કરવામાં આવ્યું.



કાસ્ટિંગની વિધિ ખૂબ લાંબી ચાલી. એડવર્ડના પાત્રમાં ક્રિસ્ટોફર રિવ, ડેન્ઝલ વોશિંગ્ટન અને ડેનિયલ ડે-લેવિસ જેવા કલાકારો ક્ધસીડર થયા હતા. અલ પચીનોએ તો રિડીંગ રિહર્સલ સુદ્ધાં કર્યા હતા, પણ પછી એમણે ના પાડી દેતા રિચર્ડ ગેરને હીરો તરીકે લેવામાં આવ્યા. હિરોઈનના રોલ માટે તો ગણી ગણાય નહીં એટલી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવેલો. મેગ રાયન, મિશેલ ફાયફર, જીના ડેવિસ, બો ડેરેક, મડોના, જેમી લી કર્ટિસ, એમા થોમ્પસન, શેરોન સ્ટોન, બ્રિજેટ ફોન્ડા, કિમ બેસિન્જર અને બીજી કેટલીય. કેટલીકને આ રોલ વધારે પડતો બોલ્ડ લાગ્યો, કોઈ આ ભુમિકા માટે ખૂબ નાની પડતી હતી, કોઈ મોટી પડતી હતી. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે જુલિયા રોબર્ટ્સ નામની એકવીસ વર્ષની નવીસવી અભિનેત્રીની વરણી કરવામાં આવી. અગાઉ ‘સ્ટીલ મેગ્નોલિઆસ’ નામની ફિલ્મમાં એને ઓસ્કરનું નોમિનેશન જરુર મળ્યું હતું, પણ તને બાદ કરતાં હોલિવૂડમાં નહોતું એનું નામ કે નહોતી કોઈ ઈમેજ. ‘પ્રીટી વુમન’માં અફલાતૂન અભિનય કરીને જુલિયા રોબર્ટ્સે તરખાટ મચાવી દીધો. એ રાતોરાત ગ્લોબલ સુપરસ્ટાર બની ગઈ. પોતાની આ પોઝિશન એણે વર્ષો સુધી જાળવી રાખી.

શૂટિંગ દરમિયાન રિચર્ડ ગેર ડિરેક્ટર ગેરી માર્શલને કેટલીય વાર મીઠી ફરિયાદ કરતા કે યાર, આ જુલિયા તો ગજબની છે. આટલું અદભુત કામ કરે છે... એ એકલી જ કાફી છે આખી ફિલ્મ ઊંચકી જવા માટે. હીરોનું કામ જ શું છે? ગેરી માર્શલે પછી કબૂલ્યું હતું કે રિચર્ડ ગેરની જગ્યાએ કોઈ સાધારણ એક્ટર હોત તો જુલિયા આખી ફિલ્મ પર છવાઈ જાય છે એ વાતે વિરોધ કરત, પોતાનો રોલ જુલિયા કરતાં વધારે પાવરફુલ બનાવવા માટે ત્રાગાં કરત, પણ રિચર્ડે જુલિયાને ઉડવા માટે પૂરતી મોકળાશ આપી. રિઝલ્ટ આપણી સામે છે. જુલિયા રોબર્ટ્સનો ચાર્મ અને રિચર્ડ ગેર સાથેની એની કેમિસ્ટ્રી માણવા માટે આ રોમેન્ટિક વરસાદી મોસમમાં ચા અને ગરમાગરમ ભજિયાંના સંગાથમાં ‘પ્રીટી વુમન’ જોવા જેવી છે.

 ‘પ્રીટી વુમન’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : ગેરી માર્શલ,
લેખક             : જે. એફ. લોટન,
કલાકાર           : જુલિયા રોબર્ટ્સ, રિચર્ડ ગેર    
રિલીઝ ડેટ        : ૨૩ માર્ચ, ૧૯૯૦
મહત્ત્વના અવોર્ડઝ: જુલિયા રોબર્ટ્સને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ અને ઓસ્કર નોમિનેશન                                         ૦૦૦