Saturday, July 28, 2012

‘હું સ્તબ્ધ છું!’


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૯ જુલાઈ ૨૦૧૨ માટે 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’નો આજે અંતિમ એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે ત્યારે મળો, શોના ટેલેન્ટેડ ડિરેક્ટર, સત્યજિત ભટકળને...‘આજે દોઢ-બે વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે થોડોક રિલેક્સ છું અને મારા પર કામનું પ્રેશર નથી...’ મુંબઈમાં બાંદરા સ્થિત એમઆઈજી ક્લબની રેસ્ટોરાંમાં પોતાની જિમબેગ બાજુમાં મૂકીને સત્યજિત ભટકળ સ્મિતપૂર્વક વાતચીતની શરુઆત કરે છે. સત્યજિત ભટકળ એટલે સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’ના ડિરેક્ટર. આજે ‘સત્યમેવ જયતે’નો તેરમો અને અંતિમ એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે તેઓ સમગ્રા અનુભવને નિહાળે છે?

‘આઈ એમ સ્ટન્ડ!’ તેઓ કહે છે, ‘ખરેખર, ‘સત્યમેવ જયતે’એ જે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એણે કંઈકેટલાય સ્તરો પર જે નક્કર પ્રતિક્રિયાઓ જન્માવી છે એ જોઈને અમે બધા સ્તબ્ધ છીએ. અમારામાંથી કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યુ કે આ શો આટલી ઊંચાઈ પર પહોંચી શકશે.’

આ સિલસિલાની શરૂઆત થઈ હતી બે વર્ષ પહેલાં. એક વાર આમિર ખાન અને સત્યજિત ભટકળ એમ જ વાતો કરતા બેઠા હતા. સત્યજિત અને આમિર બાળપણના દોસ્તો છે. વકીલ તરીકે દસ વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી સત્યજિત ‘લગાન’ની ટીમમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈને ટીમનો અંતર્ગત હિસ્સો બની ગયા હતા. આ ઓસ્કરનોમિનેટેડ ફિલ્મના ઘટનાપ્રચુર મેકિંગ વિશે પછી એમણે ‘ધ સ્પિરિટ ઓફ લગાન’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું અને ‘ચલે ચલો’ (અથવા ‘મેડનેસ ઈન ધ ડેઝર્ટ’) નામની અફલાતૂન ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી, જેણે નેશનલ અવોર્ડ જીત્યો. એ પછી એમણે ‘બોમ્બે લોયર્સ’ નામની મિની સિરીઝ લખી અને ડિરેક્ટ કરી, જે ખૂબ વખણાઈ. દર્શિલ સફારીને લઈને ‘ઝોક્કોમોન’ નામની એક બાળસુપરહીરોની થીમવાળી ફિલ્મ પણ બનાવી. પેલી અનૌપચારિક મિટીંગમાં આમિરે કહ્યુંઃ સત્યા, મારા મનમાં એક ટીવી શો કરવાનો વિચાર આવી રહ્યો છે. મને ગેમ શો કે એવું કશું આકર્ષતું નથી, પણ હું એવો શો બનાવવા માગું છું જે ટેલીવિઝનના જબરદસ્ત પાવરનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે અને જેનું સ્વરૂપ ટોકશો પ્રકારનું હોય. શું લાગે છે તને?  

સત્યજિતે આમિરને જે આઈડિયાઝ આપ્યા એ એવા હતા કે આ શો એવો હોવો જોઈએ જે આમજનતાને સૌથી વધુ સ્પર્શતા મુદ્દાઓની વાત કરતો હતો. એનું સ્વરૂપ સનસનાટીનું કે આક્ષેપબાજીનું નહીં, પણ ઈન્ક્લુઝિવ એટલે કે સૌને સમાવી લેતું હોય.  એમાં ‘આપણી’ વાત હોય, ‘તમારી’ કે ‘એ લોકોની’ નહીં. કોઈ પણ સમસ્યાનું સ્વરૂપ, એનાં કારણો અને એ નિવારવાના ઉપાયો આ ત્રણેય બાબતોને તે આવરી લેતો હોય. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ. હું તો જોકે પછી એ વાત ભુલી ગયો હતો. પાંચછ વીક પછી અચાનક આમિરે મને કહ્યુંઃ સત્યા, આપણે કામ શરૂ કરી દઈએ. તું તારી ટીમ બનાવવા માંડ.’સત્યજિતની ટીમના સૌથી પહેલાં સભ્યો હતાં કેટલાંય પ્રતિષ્ઠિત અંગ્રાજી પ્રકાશનોમાં પત્રકાર રહી ચુકેલાં એમનાં પત્ની સ્વાતિ ચક્રવર્તી ભટકળ અને આમિરસત્યજિતનના જૂના સાથી લાન્સી ફર્નાન્ડિઝ. પછી શોના અસોસિએટ ડિરેક્ટર અને લેખક સુરેશ ભાટિયા પણ જોડાયા. સૌએ નક્કી કર્યુર્ં કે શોના ફોર્મેટની ચિંતા કર્યા વગર આપણે પહેલાં તો દેશમાં ફરીએ, આપણને કેવું મટીરિયલ મળે છે એ જોઈએ. આ ટીમે ભારતભરમાં રખડીને રીતસર છ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી (એમાંની એક સ્ત્રીભ્રૂણહત્યા વિશેની હતી). સત્યજિત કહે છે, ‘આ એક્સરસાઈઝને કારણે અમને ઝાંખો ઝાંખો આઈડિયા મળવા લાગ્યો કે ઓકે, અમારા ટીવી શોનું કન્ટેન્ટ કંઈક આ પ્રકારનું હશે, મટિરીયલને આ રીતે ફ્લો કરી શકાશે. એક વાતે અમે બિલકુલ સ્પષ્ટ હતા કે શો ઈન્ટેસ્ટિંગ બનવો જોઈએ, એકેડેમિક નહીં. એમાં નકરી માહિતીનો ખડકલો નહીં હોય, પણ એ લાગણીઓની ભાષા બોલતો હશે. અમે શોમાં આવરી શકાય એવા ૨૦ વિષયોનું લિસ્ટ બનાવ્યું. એમાંથી આખરે ૧૩ વિષયો ફાયનલાઈઝ કર્યા.’

પછી શરૂ થયું રીસર્ચવર્ક. સેંકડો પુસ્તકો, ન્યુઝપેપરમેગેઝિનનાં હજારો કટિંગ્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના ગંજ ખડકાયા. હવે સમય હતો ટીમને વિસ્તારવાનો. સ્વાતિ ચક્રવર્તી ભટકળે દેશભરમાંથી ૮ થી ૯ કોરસ્પોન્ડન્ટ પસંદ કર્યા. ત્રણ દિલ્હીમાં, ચાર મુંબઈમાં અને એક દક્ષિણ ભારતમાં. ‘સત્યમેવ જયતે’માં દેશના ખૂણેખૂણાને જે રીતે આવરી લેવામાં આવ્યા છે એ જોતા દશર્કને સહેજે લાગે કે આમિર પાસે કોરસપોન્ડન્ટ્સની જબરદસ્ત મોટી ફોજ હશે, પણ સચ્ચાઈ તદ્દન વિપરીત છે. આટલું વિરાટ ફિલ્ડવર્ક માત્ર આ ૮ થી ૯ પત્રકારોએ કર્યુર્ં છે! સત્યજિત ભટકળ કહે છે, ‘અમે બધાં જ સખ્ખત ચાર્જડઅપ હતા, ઝનૂની હતા. હું હંમેશા માનતો આવ્યો છું કે મોટા કાફલા કરતાં નાની પણ મજબૂત અને મોટિવેટેડ ટીમ હંમેશા વધારે સારું પરિણામ આપે છે. મારે એવા માણસો જોઈતા હતો જે પોતાના કામને કામ નહીં એક પેશન ગણે.’

આખરે ૨૫ ફેબ્રુઆરીએ યશરાજ સ્ટુડિયોના સાવ સાદા સેટ પર શૂટિંગ શરૂ થયું, જે મેના અંત સુધી ત્રૂટકત્રૂટક ચાલ્યું. વચ્ચેના  ખાલી દિવસોમાં પોસ્ટપ્રોડક્શન તેમજ આગલા એપિસોડની તૈયારીઓ થાય. એક એપિસોડના શૂટિંગ દરમિયાન ચારથી આઠ કલાકનું ફૂટેજ મળે, જેને વ્યવસ્થિત કાપીકૂપીને, એડિટ કરીને ૬૬ મિનિટમાં સમાવી લેવું પડે.

‘સત્યમેવ જયતે’ના પહેલા જ એપિસોડથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતીઃ આ શોમાં કન્ટેન્ટ કેન્દ્રમાં છે, આમિર ખાન નહીં. આમિરે પોતાના ઓડિયન્સને આંજી નાખવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. શો જોતી વખતે દર્શકનું ધ્યાન સુપરસ્ટાર આમિર ખાન પર, એની અદાઓ પર કે એના કપડાં પર રહ્યું નહીં, બલકે એ વિષય સાથે વહેતો ગયો. આઘાત, અરેરાટી, કારુણ્ય કે પછી આશા, આનંદ અને જુસ્સાની લાગણીને દર્શક એટલી તીવ્રતાથી અનુભવતો હોય કે આ શોમાં આમિર જેવો સુપરસ્ટાર પણ છે એ હકીકત એકતરફ હડસેલાઈ જાય, લગભગ ભુલાય જાય. શો પર હાજર રહેતા મહેમાનો આમિરથી અંજાયેલા હોય એવું પણ ક્યારેય લાગ્યું નથી.‘બિલકુલ! આ શોમાં મહેમાનો જ અસલી સ્ટાર હતા, આમિર નહીં,’ સત્યજિત કહે છે, ‘તમે નોંધ્યું હશે કે ૭૦ થી ૭૫ ટકા જેટલી વાતો મહેમાનોએ કરી છે. અમે ટીવી ચેનલોની ચર્ચાઓમાં કાયમ દેખાતા છાપેલા કાટલા જેવા વીસપચ્ચીસ ચહેરાઓથી દૂર જ રહ્યા. અમારા માટે આ શોને ઝાકઝમાળભર્યો બનાવવો સાવ આસાન હતું. અમે ધારત તો કંઈકેટલાય સેલિબ્રિટીઓને આ શોમાં બોલાવીને ગ્લેમર ઉમેરી શક્યા હોત. શોની એન્ટટેનિંગ વેલ્યુ વધારવા માટે આમિરે નથી ક્યારેય પોતાની ફિલ્મનો ડાયલોગ બોલ્યો કે નથી કોઈ ગીત લલકાર્યું. અમે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે અમારે આ બધામાં પડવું જ નથી.’

શોમાં બે જ જાણીતા ચહેરા દેખાયેલા  જાવેદ અખ્તર, જેમણે પોતાના દારૂના જૂના વ્યસન વિશે વાત કરેલી અને બીજા ગાયક સુખવિન્દર સિંહ, જેણે એક ગીત ગાયું હતું. ‘સત્યમેવ જયતે’નાં ગીતો પણ ખૂબ વખણાયાં છે. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારે એવો સંગીતકાર જોઈતો હતો જે આ શો સાથે તીવ્રતાથી જોડાઈ શકે, લાગણીના સ્તરે આ શોને પોતાનો બનાવી શકે. અમારી આ જરુરિયાત રામ સંપટે પૂરેપૂરી સંતોષી છે. એમના કામથી હું અત્યંત ખુશ છું.’  

આમિર જે પ્રોજેક્ટ હાથમાં લે છે એમાં પોતાની જાતને રીતસર ફેંકી દે છે. સત્યજિત કહે છે, ‘છેલ્લા બે વર્ષથી આમિરના સમય પર મારી સંપૂર્ણ મોનોપોલી હતી! મારી એક જ ‘સૌતન’ હતી  આમિરનું ‘ધૂમથ્રી’ માટેનું ત્રણચાર કલાકનું એક્સરસાઈઝ રુટિન! બસ, એ સિવાયનો એનો તમામ સમય ‘સત્યમેવ જયતે’નો!’

આમિરની કામ કરવાની શૈલી વિશે સત્યજિત સરસ વાત કરે છે. એ કહે છે, ‘આમિર મજૂર માણસ છે. એ પોતાના પ્રોજેક્ટસ પર એટલી હદે મહેનત કરે છે કે નવાઈ પામી જવાય. એક ઉદાહરણ આપું. અમે લોકો આખો દિવસ એપિસોડનું શૂટિંગ કરીને, લોથપોથ થઈને રાત્રે બારસાડાબારે છૂટા પડીએ ત્યારે આમિરના ઘરે માર્કેટિંગની ટીમ મિટીંગ માટે રાહ જોઈને બેઠી હોય! એણે મને એકબે વખત આ મિટીંગમાં હાજર રહેવા માટે કહેલું, પણ પછી મારે કહેવું કહ્યું કે આમિર, હું એટલો બધો થાકેલો છું કે... આઈ કેન નોટ ફોકસ! પણ આમિરે આ મિટીંગ માટે પણ પહેલેથી તૈયારી કરી રાખી હોય, એ પૂરેપૂરો એલર્ટ હોય.  આ માણસનું ઈન્વોલ્વમેન્ટ, એનું ડેડિકેશન, એની સજ્જતા, એનું એનર્જી લેવલ... ખરેખર, ખૂબ શીખવા જેવું છે એની પાસેથી.’    
‘સત્યમેવ જયતે’નો જાદુ તમામ ઉંમરના દર્શકોથી લઈને છેક વડાપ્રધાન સુધી છવાયોે. આ શોના નક્કર પ્રભાવની ખબરો મિડીયામાં આવતી રહે છે. સામે પક્ષે, આ શોની અને વ્યક્તિગત રીતે આમિરની ટીકા પણ ખૂબ થઈ છે. આને ‘સત્યમેવ જયતે’ની ટીમ શી રીતે રિએક્ટ કરે છે?‘વિથ અ સ્માઈલ!’ સત્યજિત હસી પડે છે, ‘જો શોની ટીકા ન થઈ હોત તો અમને ચિંતા થઈ જાત! આમાં તો એવું છે કે તમે ગમે એટલું કરો તો પણ ઓછું જ લાગવાનું. કંઈક ને કંઈક તો બાકી રહી જ જવાનું. જેમ કે, પાણીની તંગીવાળા એપિસોડમાં અમારે ગુજરાતને આવરી લેવાની જરૂર હતી, કારણ કે અહીં રેઈનવોટર હાર્વેસ્ટિંગ પર સરસ કામ થયું છે. જેતે મુદ્દાનું જટિલતા ઘટી ગઈ હોય અને વિષયનું ઓવરસિમ્પિલિફિકેશન (અતિસાધારણીકરણ) થઈ ગયું હોય એવું લગભગ દરેક વખતે બન્યું છે. જોકે એક વાતે અમે સ્પષ્ટ હતા કે આખરે તો આ એક ટીવી શો છે, એનાથી કંઈ ક્રાંતિ આવી જવાની નથી. સમાજની વિષમતા ઓછું કરવાનું કામ સ્વતંત્ર કાર્યકર્તાઓ, સંસ્થાઓ અને ઈવન સરકારો પહેલેથી કરે જ છે. અમે મૂંગે મોઢે કરતાં એ અજાણ્યા ચહેરાઓને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યુ છે. દારુના દૂષણવાળા એપિસોડમાં અમે ‘આલ્કોહોલિક એનોનિમસ’ નામની સંસ્થાની વાત કરી હતી. એ એપિસોડ ટેલિકાસ્ટ થયો પછી સંસ્થાને ૧ લાખ ૬૦ હજાર કરતાં વધારે ફોન આવ્યા. માની લો કે આમાંથી માત્ર ૧૦ ટકા નશાખોરોને પણ ફાયદો થયો તો પણ એ કેટલી મોટી વાત છે!’

આમિરે તો જાહેર કરી દીધું છે ‘સત્યમેવ જયતે’ની બીજી સિઝન જરૂર આવશે. જોકે સત્યજિત ભટકળ કહે છે કે સામૂહિક નિર્ણય લેવાનો હજુ બાકી છે.

‘આ શોએ અમને આખેઆખા નીચોવી નાખ્યા છે.  પહેલાં તો આ આખો અનુભવ પચાવવો પડશે, એનાથી ડિટેચ થઈને પૃથક્કરણ કરવું પડશે. અમારા પ્લસ પોઈન્ટ્સ, માઈનસ પોઈન્ટ્સ, ભુલો એ બધું સમજવું પડશે... અને એના માટે સમય જોઈશે. છેલ્લા દોઢબે વર્ષમાં મેં માત્ર છ દિવસ રજા લીધી છે. એટલે અત્યારે તો મને એક જ વસ્તુ દેખાય છે.... આરામ!’  

શો-સ્ટોપર

બીજા પ્રોડ્યુસરો પર આધાર રાખ્યા વિના મારી ફિલ્મો હું પોતે જ પ્રોડ્યુસ કરી શકું છું. આહા... આનાથી બહેતર મુક્તિનો અહેસાસ બીજો કોઈ ન હોઈ શકે! 

-  સૈફ અલી ખાન 

Saturday, July 21, 2012

જિંદગી કે સફર મેં...


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૨૨ જુલાઈ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનું લગ્નજીવન એક્શન-પેક્ડ હિન્દી ફિલ્મ જેવું રહ્યું  -ઘટનાપ્રચુર, વિસ્ફોટક. એમના સંબંધે આ ૩૯ વર્ષોમાં કેવાં કેવાં સ્વરૂપો બદલ્યાં?  
દશ્ય એક

ઓગસ્ટ ૧૯૭૩. સુપર સ્ટાર રાજેશ ખન્ના અને બોબીગર્લ ડિમ્પલ કાપડિયાનાં લગ્નને માંડ પાંચ મહિના થયા છે. રાજેશ ખણાને પૂછવામાં આવે છેઃ તો કેવી જઈ રહી છે તમારી મેરિડ લાઈફ, મિસ્ટર  ખન્ના ?

‘ફેન્ટેસ્ટિક!’ રાજેશ ખન્ના ખુશખુશાલ થઈને જવાબ આપે છે.

 અને કેવું રહ્યંુ હનીમૂન?

‘ઓહ, ફેબ્યુલસ!’ એમનો ચહેરો ઓર ખીલે છે, ‘મે હની-ફની-સની-મૂનની એકેએક પળને ખૂબ એન્જોય કરી. ઈટ વોઝ એબ્સોલ્યુટલી ફેબ્યુલસ!’

થોડા મહિનાઓ પછી એમને પૂછાય છેઃ રાજેશજી, તમે બાપ બનવાના છો. કેવું લાગે છે?

‘અદભુત! મારા ખ્યાલ મુજબ ડોક્ટરે જાન્યુઆરીની તારીખ આપી છે.’

જાન્યુઆરી નહીં, પણ ડિસેમ્બર ૧૯૭૪માં દીકરી ટિ્વંકલનો જન્મ થાય છે. આનંદનો મહાસાગર ઉછળે છે. દેખીતી રીતે જ ડિમ્પલ કાકાના જીવનમાં ખૂબ બધી ખુશીઓ લાવી છે.

દશ્ય બીજું

કશું જ અચળ રહેતું નથી. એમાંય રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારના જીવનમાં તો કશું જ સ્થિર રહી શકે તેમ નથી.  ૧૧ વર્ષનાં લગ્નજીવન પછી ૧૯૮૪માં પતિપત્ની નોખાં થઈ ગયાં છે.  તેમણે ડિવોર્સ લીધા નથી, પણ બન્ને પોતપોતાના રસ્તે આગળ વધી ગયાં છે. એમના સંબંધ હાંફી ગયો હતો, પણ ધીમે ધીમે શ્વાસોચ્છવાસ નોર્મલ થઈ ગયા છે. અલબત્ત, કેટલાય અનુત્તર પ્રશ્નો હવામાં હજુય એમ જ તોળાયેલા છે. હા, હવે આ સવાલો પહેલાંની માફક જીવલેણ પીડા પેદા કરતા, નથી એટલું જ. મે ૧૯૯૦માં ‘સ્ટારડસ્ટ’ મેગેઝિન એક ફીચર સ્ટોરી કરે છે. મેગેઝિનની એડિટોરિયલ ટીમ વિખૂટા પડી ગયેલાં રાજેશ ખન્ના- ડિમ્પલને એકઠાં કરે છે. એકમેકને કદીય પૂછી ન શકાયેલા સવાલો બન્નેએ જીભ પર લાવવાના છે અને બને એટલા પ્રામાણિક રહીને એના ઉત્તર આપવાના છે. આ રહ્યા કાકાડિમ્પલ વચ્ચે થયેલી એ પ્રશ્નોત્તરીના કેટલાક અંશઃ

ડિમ્પલઃ       ‘હું તો લગ્ન ઝંખતી હતી. એક પતિ, એક કંપેનિયન ઝંખતી હતી...’

રાજેશ ખન્નાઃ ‘તો તારે મને આખેઆખો, મારી નબળાઈઓ સહિત સ્વીકારી લેવો જોઈતો હતો. તારે સમજવું    જોઈતું હતું કે મારી જગ્યાએ જો તું હોત તો તેં પણ મારા જેવું જ વર્તન કર્યુ હોત...’

ડિમ્પલઃ         ‘હું પહેલી વાર ‘આશીર્વાદ’ છોડીને જતી રહી હતી ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું?’

રાજેશ ખન્નાઃ  ‘નિરાંત! રિલીફ!’

ડિમ્પલઃ          ‘તમે સ્ત્રીપુરુષ સમાનતામાં માનો છો?’રાજેશ ખન્નાઃ     ‘સ્ત્રી પુરુષને સમોવડી હોઈ શકે જ નહીં. એ તો પુરુષ કરતાં ચડિયાતી છે. સ્ત્રી મા બની શકે છે, જન્મ આપી શકે છે, પુરુષ નહીં. માતૃત્વની ગરિમા જળવાવી બહુ મહત્ત્વની છે. પોતાની મા પરપુરુષ સાથે સંબંધ ધરાવતી હોય એ ક્યા સંતાનને ગમે?’

ડિમ્પલઃ         ‘એક્સક્યુઝ મી. પોતાનો પિતા પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય તો એ પણ કોઈ સંતાનને ન જ ગમે. સંતાન પર મા અને બાપ બન્નેનો પ્રભાવ પડતો હોય છે, રાઈટ?’

રાજેશ ખન્નાઃ  ‘હા, પણ પુરુષથી ગરિમા ઝંખવાશે નહીં, કારણ કે એણે સંતાનને જન્મ આપ્યો નથી. ઓકે, ધારો કે કાલે તું મારી પાસે પાછી ફરે તો તને લાગે છે કે હું તને ફરીથી સ્વીકારી લઈશ?’

ડિમ્પલઃ     ‘શા માટે તમે મને સ્વીકારશો કે કેમ એ જ સવાલ હોવો જોઈએ? એવું કેમ પૂછતા નથી કે તમે મારી પાસે પાછા ફરો તો હું તમને સ્વીકારીશ કે નહીં? આપણા રસ્તા બહુ અલગ પડી ગયા છે. મને લાગે છે કે આપણે એકબીજાથી અલગ જ ખુશ રહી શકીએ છીએ...’

દશ્ય ત્રણ

૧૯ જુલાઈ, ૨૦૧૨. સ્થળઃ મુંબઈમાં વિલેપાર્લેનું સ્મશાન. ચિતા પર રાજેશ ખન્નાનો નિષ્ચેષ્ટ દેહ પડ્યો છે. કાકાના અંતિમ દિવસોમાં સતત સાથે રહેલી ડિમ્પલ હવે રડી રડીને નિચોવાઈ ચૂકી છે. જેણે આખી જિંદગી ચિક્કાર સુખ અને પુષ્કળ પીડા આપી છે એ પતિનો નિર્જીવ હાથ એણે સજ્જડ પકડી રાખ્યો છે. પતિએ પ્રાણ છોડ્યા ત્યારે પણ ડિમ્પલનો હાથ આ જ રીતે એમના હાથમાં હતો. ડિમ્પલનો બીજો હાથ પતિના ઠંડા પડી ગયેલા કપાળ પર ફરી રહ્યો છે. જાણે કે કશુંક કમ્યુનિકેશન થઈ  રહ્યું છે બન્ને વચ્ચે. અગ્નિદાહ આપવાની ઘડી નજીક આવે છે. ડિમ્પલ પતિના શરીર પર અને ચહેરા પર ઘી રેડે છે. અગ્નિદાહ અપાય છે.  ડિમ્પલ ભાંગી પડે છે. ન ઉકેલાયેલા કોયડા જેવો એમનો ૩૯ વર્ષનો સંબંધ જાણે આંખ સામે ભડભડ કરતો સળગી રહ્યો છે. ના, આ સંબંધ પર હજુય પૂર્ણવિરામ મૂકાયું નથી. માત્ર સંબંધનું સ્વરૂપ બદલાયું છે. ફરી એક વાર.

શો-સ્ટોપર


જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે.... 


- રાજેશ ખન્નાની ફિલ્મ ‘આપ કી કસમ’નું એક ગીત 

Monday, July 16, 2012

બૉસ કેવી રીતે બનશો?


 ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 

                                                                                                           

‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ આ બે શબ્દો એકસાથે સાંભળો. શક્ય છે કે આ શબ્દોને કારણે તમારા મનમાં અૌપચારિકતાના બોજવાળું એક શુષ્ક વર્તુળ રચાઈ જાય. આ ઈમેજ જોકે છેતરામણી છે. મેનેજમેન્ટ એટલે માત્ર એમબીએની ડિગ્રી કે સોગિયા મોઢાવાળા સુટેડબુટેડ સાહેબો કે કોર્પોરેટ મિટીંગ્સમાં ફેંકાતા અઘરા અઘરા શબ્દોની માયાજાળ નહીં, પ્લીઝ. ‘ધ બૉસ’ પુસ્તકમાંથી પસાર થશો એટલે સ્પષ્ટ થતું જશે કે ‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ શબ્દોનું વર્તુળ તો ખૂબ મોટું છે. લેખકો કહે છે તેમ, મેનેજમેન્ટ એ કોઈ વિષયનું નામ નથી. એ એક જીવનશૈલીનું, એક મિજાજનું કે એક સ્પિરિટનું નામ છે. ગુણવંત શાહે જુદાં જુદાં પ્રકાશનોમાં લખેલા તેંત્રીસ જેટલા લેખોના આ સંગ્રહમાં મેનેજમેન્ટનો એ સ્પિરિટ ફક્કડ રીતે ઝીલાયો છે.

બૉસ હોવું એટલે શું? ગુણવંત શાહ કહે છે કે બૉસ હોવું એટલે લીડર હોવું. બૉસ હોવું એટલે પહેલ કરનારા હોવું. બૉસ હોવું એટલે નિર્ણય લેનારા હોવું. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના શોર્ટ ફોર્મનો ખરો મર્મ શો છે? ‘સી’ એટલે કોન્ફિડન્સ, ‘ઈ’ એટલે એફિશિયન્સી (કાર્યક્ષમતા) અને ‘ઓ’ એટલે ઓર્ગેનાઈઝડ બિહેવિયર (વર્તનવ્યવસ્થા)!

જે -તે કંપનીના બૉસ કે સીઈઓએ મેનેજમેન્ટના માસ્ટર બનવું પડે. લેખક મેનેજમેન્ટનું સૌથી મહત્ત્વનું સૂત્ર ગીતામાંથી શોધી કાઢે છે.  કૃષ્ણ અર્જુનને કહે છે, ‘યોગઃ કર્મસુ કૌસલમ’. અર્થાત, કર્મની કુશળતા એ યોગ છે. ગીતામાં એક ઑર સૂત્ર પણ છેઃ ‘સમત્વં યોગ ઉચ્યતે’. સમત્વ જાળવી શકતો બૉસ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડગતો નથી. ઓફિસની અડધી સમસ્યા તો બોસના આત્મવિશ્વાસને કારણે ઊભી થતી અટકી જાય છે. બૉસના આત્મવિશ્વાસની અસર છેક પટાવાળા સુધી પહોંચતી હોય છે.બોસ પ્રભાવશાળી હોય એ જરૂરી છે. લેખક કહે છે કે પ્રભાવહીન બોસ પોતાની સંસ્થાને ભારે નુક્સાન પહોંચાડી શકે છે. ગરીબી દૂર કરવી હોય તો ગરીબડા બૉસને દૂર કરવો પડે. નાની નાની લુચ્ચાઈ બૉસની શોભા ઘટાડે છે. સહકાર્યકર્તાઓને ખબર પડી જાય છે કે સાહેબ ભરોસાપાત્ર નથી. આવું બને ત્યારે સમગ્ર કંપનીનો જસો યા તો સ્પિરિટ ઓછો થાય છે. પોતાના જુનિયર્સનો આદર ક્યારેય સહેલાઈથી મળતો નથી. જૂઠા અને લુચ્ચા બૉસની પર્સનાલિટી નિવૃત્તિ પછી ઓફિસ છૂટી જાય ત્યારે ખાલી કોથળા જેવી થઈ જતી હોય છે. વટ અને પ્રભાવમાં ફર્ક છે. હોદ્દાનો વટ પડે છેે, જ્યારે ચારિત્ર્યનો પ્રભાવ પડે છે. વડાપ્રધાનનો વટ પડે, જ્યારે મહાત્મા ગાંધીનો પ્રભાવ પડે છે. વટ કરતાં પ્રભાવનું આયુષ્ય લાંબું હોય છે. બોસ નિવૃત્ત થાય ત્યારે વટ ખતમ થાય છે, પણ પ્રભાવ ખતમ થતો નથી.

ગુણવંત શાહ જેવા ચિંતક મેનેજમેન્ટના વિષય પર લખે ત્યારે મજા એ વાતની હોય છે કે લખાણમાં મેનેજમેન્ટની થિયરીઓની સાથે સાથે રામાયણ અને મહાભારતની વાતોની પણ રેલમછેમ હોય છે! આ રહ્યું એક ઑર દષ્ટાંત. એક જગ્યાએ એમણે લખ્યું છેઃ

‘વાલ્મીકિ રામાયણમાં દશરથના સિનિયર-મોસ્ટ પ્રધાન સુમન્ત્રને માટે ‘ત્વરિતવિક્રમઃ’ વિશેષણ પ્રયોજાયું છે. જે વ્યક્તિ કામનો ઝટ નિકાલ લાવવાનું પરાક્રમ ધરાવે તે ‘ત્વરિતવિક્રમ’ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ આવા સમર્થ શાસક હતા. આવી જ કાર્યક્ષમતા મોરારજીભાઈ દેસાઈમાં પણ હતી. સમર્થ મેનેજર નિર્ણય લીધા પછી એનો અમલ કરવામાં વિલંબ કરતો નથી.’

લોર્ડ માઉન્ટબેટન માનતા હતા કે આઝાદી મળ્યા પછી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનતા પંદર વર્ષ લાગી જશે, પણ સરદારે આ ચમત્કાર દસબાર મહિનામાં કરી બતાવ્યો! મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ જ નહીં, પણ સૌ કોઈએ સરદારની શાસનશૈલીનાં નીચેનાં ચાર લક્ષણોને આત્મસાત કરવાં જેવાં છેઃ (૧) વેધક દષ્ટિએ પરિસ્થિતિનો કાર્ડિયોગ્રામ મેળવી લેવો. (૨) બધો વિચાર કર્યા પછી પૂરી મક્કમતાથી સમસ્યાનો ઉકેલ અંગે નિર્ણય લેવો. (૩) નિર્ણય લેવાઈ જાય પછી કોઈ પણ જાતની અવઢવ વિના એ નિર્ણયને પાર પાડવા માટે શક્તિનું છેલ્લું ટીપું વાપરી નાખવું. (૪) આમ કરતી વખતે દેશના (એટલે કે સામૂહિક) હિતનો જ વિચાર કરવો અને ક્યાંય વ્યક્તિગત સ્વાર્થ વચ્ચે આવવા દેવો નહીં.

કંપનીમાં ખરો વહીવટકર્તા કોણ ગણાય? લેખક કહે છે કે પ્રત્યેક ‘જ્ઞાન-કારીગર’ આજની કંપનીમાં વહીવટકર્તા છે. સેનાપતિ પાયાની વ્યૂહરચના સમજાવી શકે, પરંતુ પળ પળના નિર્ણયો જેતે સિપાઈએ જાતે જ લેવા પડે છે. આજની ‘જ્ઞાન કંપની’ઓમાં પ્રત્યેક નિર્ણયકર્તા  એક ‘વહીવટકર્તા’ જ છે.

Narayan Murthy: Climbing to the top!


પુસ્તકમાં મૂકાયેલાં નાનામોટા ચિક્કાર ફીલર્સ તો મુખ્ય લેખો કરતાંય ચોટદાર છે. પુસ્તકમાં એક તરફ મનોવિજ્ઞાની અબ્રાહમ મેસ્લોની સેલ્ફએક્ચ્યુલાઈઝેશનની સમજૂતી છે તો બીજી બાજુ ભગવાન બુદ્ધના ચાર આર્યસત્યો છે. અહીં માર્કેટિંગ પણ છે અને મહંમદ પણ છે. ‘ઈન્ફોસિસ’ના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને કોફાઉન્ડર નંદન નિલકાનીનાં યાદગાર પ્રવચનોને ય અહીં સ્થાન મળ્યું છે. નારાયણ મૂર્તિ કહે છે કે એમની સફળતાના પાયામાં આ ચાર ચીજો છેઃ જીવનના અનુભવોમાંથી મળતી શીખ, વિકાસશીલ માનસિકતા, ઓચિંતી બનતી આકસ્મિક ઘટનાઓ (ચાન્સ ઈવેન્ટ્સ) અને ‘સ્વ’ અંગે વિચારવાની ટેવ.

અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલા પોતાના લેખોને સંગ્રહરૂપે બહાર પાડતી વખતે સહેજ પણ એડિટ કરવાની તસ્દી ન લેતા આળસુ લેખકોએ આ પુસ્તકમાંથી ઘણું શીખવાનું છે. મનીષા મનીષે અહીં લેખો બેઠ્ઠા છાપી નથી નાખ્યા, બલકે ફૂટનોટ્સ તેમજ પૂરક નોંધો વડે એને અપડેટ કર્યા છે અને આખા પુસ્તકની સૂઝપૂર્વક ગૂંથણી કરી છે.

સીધીસાદી ગૃહિણીથી માંડીને પાંચસો માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીના માલિક સુધીના સૌને અપીલ કરી શકે એટલું પાવરફુલ પુસ્તક.                                               ૦ ૦ ૦


ધ બૉસ


લેખકોઃ ગુણવંત શાહ  - મનીષા મનીષ
પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમતઃ  રૂ. ૨૫૦ /  
પૃષ્ઠઃ  ૨૪૪

Saturday, July 14, 2012

સૈફ અલી ખાનનું ક્વોટ માર્શલ


દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૧૫ જુલાઈ ૨૦૧૨  

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

૨૧ વર્ષની ઉંમરે સૈફ અલી ખાને પોતાનાં કરતાં સાડા-અગિયાર વર્ષ મોટી અમૃતા સિંહ સાથે પહેલાં લગ્ન કર્યા. હવે ૪૨ વર્ષની ઉંમરે એ એક દાયકો નાની કરીના સાથે બીજાં લગ્ન કરેશે. આ બે ઘટનાઓ વચ્ચે સૈફની પર્સનાલિટીમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં? 


શુક્રવારે સૈફ અલી ખાનની લેટેસ્ટ ફિલ્મ રિલીઝ થઈ ‘કોકટેલ’. સાચું પૂછો તો સૈફનું ખુદનું જીવન કંઈકેટલાય રંગો અને અનુભવોના ઈન્ટરેસ્ટિંગ કોકટેલ જેવું છે. સૈફે જુદા જુદા સમયે મિડીયાને જે ઈન્ટરવ્યુ આપેલા એના અંશો પર નજર ફેરવશો તો એના વ્યક્તિત્ત્વમાં આવેલાં ક્રમિક પરિવર્તનનો એક આકર્ષક આલેખ ઉપસતો જશે. ચાલો જોઈએ.

સમયચક્રને ઊલટું ઘુમાવો અને એ બિંદુ પર પહોંચો કે જ્યારે સૈફ અલી ખાનની કરીઅર હજુ શરૂ પણ થઈ નથી. એની ઉંમર ફક્ત ૨૧ વર્ષ અને બે મહિના છે અને પોતાના કરતાં સાડા અગિયાર વર્ષ મોટી એકટ્રેસ અમૃતા સિંહ એ સાથે લગ્ન કરી લે છે. આ ૧૯૯૧ની વાત છે. પછીના બે વર્ષ દરમિયાન સૈફની પહેલી ત્રણ ફિલ્મો રિલીઝ થાય છે ‘પરંપરા’, ‘આશિક આવારા’ અને ‘પેહચાન’.

ડિસેમ્બર ૧૯૯૩માં સૈફ કહે છેઃ  ‘અમૃતા સાથે લગ્ન કરવા સિવાય છૂટકો જ નહોતો. હું એના ઘરમાં રહેતો હતો અને એના ફ્રેન્ડ્ઝ કહ્યા કરતા હતા કે જો તું અમૃતાને ચાહતો ન હો અને એને પરણવા માગતો ન હો તો અહીં શું કામ પડ્યો છે? ચાલ્યો જા બીજે કશેક! હું લગ્ન કરવા તૈયાર થઈ ગયો. જોકે મને પછી થયું પણ ખરું કે મેં ક્યાંક વધારે પડતું મોટું પગલું તો ભરી નખી નાખ્યંુ ને? લગ્ન પછીના પહેલાં ત્રણ દિવસ હું સખત ટેન્શનમાં હતો. અમે ગુપચુપ પરણી ગયાં એટલે કે અમારાં પેરેન્ટ્સને હજુ જાણ કરવાની બાકી હતી એટલે નહીં, પણ મને ભય હતો કે ઓહ ગોડ! લાઈફની બીજી કેટલીય વસ્તુઓની જેમ હું ક્યાંક આ મેરેજ નામની વસ્તુથી પણ બોર તો નહીં થઈ જાઉં ને!’


Saif Ali Khan (21 years) weds Amruta Singh (32 years)સૈફની કરીઅર ડચકાં ખાતી ખાતી આગળ વધે છે. કરીઅરનાં પહેલાં આઠ વર્ષમાં કેટલીય ચક્રમ જેવી ફિલ્મો વચ્ચે સૈફની માંડ બે ફિલ્મો ઢંગની આવે છે, ‘મૈં ખિલાડી તું અનાડી’ અને ‘કચ્ચે ધાગે’.

ડિસેમ્બર ૧૯૯૯માં સૈફકુમાર કહે છેઃ ‘પૈસાના મામલામાં હું મારી ઉંમરના બીજા કોઈ પણ જુવાન જેટલો જ ઈન્સિક્યોર છું. સત્તર વર્ષનો હતો ત્યારથી મેં મમ્મીપપ્પાથી મેં એક રૂપિયો પણ લીધો નથી. અમૃતા ઈચ્છે છે કે લાઈફમાં મને બધું જ બેસ્ટ મળે અને એ બેસ્ટ હું એની સાથે શૅર કરું...’

સૈફની કરીઅરમાં ખરો ટર્નિંગ પોઈન્ટ આવે છે, અફલાતૂન ‘દિલ ચાહતા હૈ’થી. બે બચ્ચાંનો બાપ બની ગયેલો સૈફ એપ્રિલ ૨૦૦૨માં કહે છેઃ ‘બાળકોને લીધે હું અને અમૃતા એક જુદા જ લેવલ પર જોડાઈ ગયાં છીએ. બાળકોની નજરોમાં અમે પરફેક્ટ પેરેન્ટ્સ છીએ. આથી હું અને અમૃતા પણ સાચા અર્થમાં પરફેક્ટ પેરેન્ટ્સ બની રહેવા માગીએ છીએ. અમૃતા મારી લગામ પોતાના હાથમાં ઝાલી રાખે છે. સાચું કહંુ, અમૃતા મને કંટ્રોલમાં રાખે એની સામે મને કોઈ વાંધો નહીં. ઊલટાનું, મને તો ગમે છે એ.’

બોલવંુ સહેલું છે. જો ખરેખર કોઈ વાંધા જ ન હતો તો એમનાં લગ્નજીવનમાં ભંગાણ ન પડત. નિતનવી અફવાઓ સંભળાય છે. સૈફે અમૃતા સાથે છેડો ફાડી નાખ્યો છે, એ એની ઈટાલિયન ગર્લફ્રેન્ડ રોસા સાથે રહેવા લાગ્યો છે, વગેરે. જોકે મગનું નામ મરી પાડવા કોઈ પાર્ટી તૈયાર નથી.

Saif with son Ibrahim and daughter Sara


૨૦૦૪માં સૈફ ઘાંઘો થઈને કહે છેઃ ‘મારી અંગત વાતો મિડીયા પાસે શી રીતે પહોંચી જાય છે? નક્કી મારા દોઢડાહ્યા દોસ્તો જ વટાણાં વેરી નાખે છે. ઓહ, હું સખત અપસેટ છું. હચમચી ઉઠ્યો છંું. હા હા, હું અમૃતાના ટચમાં છું જ. એને રોજ ફોન કરું છું. મને સખત માન છે અમૃતા માટે... અને મારાં વહાલાં બચ્ચાંને હું કેવી રીતે ભુલી શકું? હું કોશિશ કરું છું કે બધું ઠીક થઈ જાય.’

જો કજોડું તૂટે એ ઠીક થયું એમ કહેવાતું હોય તો હા, ૨૦૦૪માં બધું ઠીક થઈ ગયંુ. સૈફઅમૃતા કાયદેસર રીતે નોખાં થઈ ગયાં. જાણે ડિવોર્સ ફળ્યા હોય તેમ સૈફની ગાડી ટોપ ગિઅરમાં આવી જાય છે. ‘એક હસીના થી’, ‘હમ તુમ’, ‘પરિણીતા’, ‘સલામ નમસ્તે’, ‘ઓમકારા’...   આ બધી મજાની ફિલ્મો. ‘કલ હો ના હો’ એક વર્ષ પહેલાં જ આવી ગઈ હતી.  સૈફ ઈન્ડસ્ટ્રીનો ચોથો મજબૂત ખાન ગણાવા લાગે છે. ઈટાલિયન કન્યા સાથેનો એનો સંબંધ ત્રણ વર્ષ ચાલે છે. ૨૦૦૭ના ઉત્તરાર્ધમાં કરીના કપૂર એના  જીવનમાં પ્રવેશે છે.

મે ૨૦૦૮માં સૈફ કહે છેઃ ‘સવારે મારી આંખ ખૂલે અને મને ભાન થાય કે હું હજુ જીવું છું! આ મુક્તિનો અહેસાસ બહુ મજાનો હોય છે. હું મારાં સંતાનો પ્રત્યે ખૂબ જવાબદાર છું અને છતાંય પૂરેપૂરો આઝાદ પણ છું! પ્રેમની લાગણી સિવાય મને બીજંુ કશું જ બાંધી ન શકે.’


Saif and Kareenaઓક્ટોબર ૨૦૦૯માં સૈફ-કરીના જાહેરમાં એકરાર કરે છે કે યેસ્સ, વી આર ઈન રિલેશનશિપ. તેઓ મિડીયાને પોતાનાં અંગત જીવનની કહેવા જેવી અને ન કહેવા જેવી બધ્ધી વાતો કરતાં રહે છે. મિડીયાને જલસો પડી જાય છે.

સૈફ કહે છેઃ ‘મારા માટે મહત્ત્વનું એ છે કે એક અદાકાર તરીકે હું સારો ગણાઉં, મારા સહકલાકારોને મારા માટે આદર હોય અને નિર્માતાઓ મારા પર આધાર રાખી શકતા હોય. પ્રસિદ્ધિ મારા માટે એટલી બધી ઈમ્પોર્ટન્ટ નથી. કાલે ઉઠીને કોઈ મારો ઓટોગ્રાફ લેવા ન આવે તો મારા પેટનું પાણી પણ નહીં હલે.’ 

મસ્તમજાની ‘લવ આજકલ’ અને ફ્લોપ ‘કુરબાન’ પછીના પોણાત્રણ વર્ષમાં સૈફની ગણીને ત્રણ જ ફિલ્મો આવે છે, ‘આરક્ષણ’, ‘એજન્ટ વિનોદ’ અને લેટેસ્ટ ‘કોકટેલ’. સૈફ પોતાની છેલ્લી બન્ને ફિલ્મોનો પ્રોડ્યુસર પણ છે. હવે ‘ધ ડર્ટી પિક્ચર’ ફેમ મિલન લુથરિયાની ફિલ્મમાં સૈફ દેખાશે. બન્નેએ અગાઉ ‘કચ્ચે ધાગે’માં પહેલી વાર સાથે કામ કરેલું. તિગ્માંશુ ધુલિયાની હવે પછીની ફિલ્મમાં સૈફ યુપીનો માફિયા ડોન બન્યો છે. સાજિદ ખાનની આગામી ફિલ્મમાં પણ એ ચમકશે. અને હા, આ વર્ષ પૂરું થાય તે પહેલાં ૪૨ વર્ષનો સૈફ પોતાના કરતાં દસ વર્ષ નાની કરીના સાથે વિધિવત લગ્ન કરશે.

એક લેટેસ્ટ ઈન્ટવ્યુમાં એ કહે છેઃ ‘હા, અમારાં લગ્ન થવાનાં છે એ વાત સાચી, પણ એમાં એક્સાઈટ થવા જેવું શું છે? હું કંઈ અઢાર વર્ષનો કીકલો થોડો છું? હું અને કરીના છેલ્લાં કેટલાય વખતથી સાથે જ છીએને. મને તો ગુપચુપ પરણી જવાનું મન થાય છે. મેરેજ પછી જાહેરાત કરી દેવાની. કારણ કે ધામધૂમ કરવા જઈશું તો મેનેજ કરવું અઘરું થઈ પડશે અને ટેન્શનનો પાર નહીં રહે. આવડી મોટી ઈન્ડસ્ટ્રીમાંથી કોને લગ્નમાં બોલાવવા ને કોને કાપવા? હજુ તો જગ્યા ય નક્કી નથી થઈ. કદાચ એવુંય બને કે મુંબઈમાં નાનું સેલિબ્રેશન કરીએ અને બાકીનું બધું મારાં વતન પટૌડીમાં કરીએ. કશું જ નક્કી નથી. લેટ્સ સી.’

ઓલ ધ બેસ્ટ, સૈફુરીના.

શો-સ્ટોપર

હું કરીના સાથે  રિલેશનશીપમાં હતો ત્યારે એટલો કમિટેડ હતો, મને ઉત્તમ બોયફ્રેન્ડ બનવાની એટલી લાહ્ય હતી કે હું બીજી હિરોઈનો સાથે સાદી દોસ્તી પણ કરતો નહોતો. ખેર, મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું ઉત્તમ બોયફ્રેન્ડ બનવાના ધખારા ક્યારેય નહીં રાખું. 

- શાહિદ કપૂર 

Monday, July 9, 2012

અજબ શોઝની ગજબ વાતો


 ચિત્રલેખા -  અંક તા. 9 જુલાઈ 2012

કોલમઃ વાંચવા જેવું 

Lido (Paris)
                                                                              
વિદેશનાં પ્રવાસવર્ણન વિશેનાં ઢગલાબંધ લખાણો આપણી આંખ સામે આવતાં રહે છે, પણ એમાં સ્થાનિક રંગભૂમિ અને અજબગજબના શોઝ વિશેની વાતો કાં તો સદંતર ગાયબ હોય અથવા તો એના વિશે સાવ ઉપરછલ્લા ઉલ્લેખો હોય. ઈવન વિદેશપ્રવાસ કરી આવેલા મિત્રો-પરિચિતો પાછા આવીને ઉત્સાહભેર વાતો કરતા હોય ત્યારે એમાં આ પ્રકારના શોઝ લગભગ ગેરહાજર હોય છે. આનું કારણ છે શોઝની મોંઘીદાટ ટિકિટો. દેખીતું છે કે થોડી મિનિટો કે કલાકો ચાલતા આવા એક શો માટે દસ-વીસ હજાર રૂપિયા ખર્ચવા કંઈ સૌને ન પોષાય. ધારો કે પોષાતું હોય તો એ માટે જરુરી પેશન કે ઊંડો રસ હોતા નથી.

આ ફરિયાદનો કાયમી છેદ ઉડાવી દેવો હોય એમ સંગીતા જોશી એકસાથે બે પુસ્તકો લઈને આવ્યાં છે ‘ઓપેરા હાઉસ’ અને ‘અમેરિકાના શો’. બન્ને પુસ્તકોમાં આ વિષય એટલી સરસ રીતે ખેડાયો છે કે એક સ્તરે વાંચનાર ઊંડો સંતોષ અનુભવે અને બીજા સ્તરે, એને જોરદાર તાલાવેલી જાગે કે ક્યારે વિદેશ જાઉં અને અને ક્યારે આ શોઝ ખુદ માણવાની તક ઝડપું!  ‘અમેરિકાના શો’ના ૨૩ લેખોમાં માત્ર સ્થાનિક શોઝની વાતો છે, જ્યારે ‘ઓપેરા હાઉસ’ના ૩૮ લેખોમાં અમેરિકા સિવાયના દેશોના  શોઝ આવરી લેવામાં આવ્યા છે. આ તમામ લેખો અગાઉ ‘મુંબઈ સમાચાર’માં કોલમ સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે.

લેખિકા કહે છે કે સિંગાપોર ગયા હો અને સેન્ટોસા આઈલેન્ડ પર ચાલતો ‘સોંગ ઓફ ધ સી’ ના દેખા તો ક્યા દેખા! અહીં દરિયાકિનારે એક અનોખો અને અદભુત પરમેનન્ટ સેટ છે, જે પાણીની અંદર ઊભો કરવામાં આવ્યો છે. ૨૫૦૦ પ્રક્ષકો સમાઈ શકે એટલી બેઠકોની સાવ આગળની રૉ અને દરિયાના પાણી વચ્ચે ચાલીસેક ફૂટનું અંતર હોય. પાણીમાં ૧૨૦ મીટર લાંબા સ્ટ્રક્ચરમાં મલેશિયન ગામડાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. પાણીના ફુવારા ઉડાડવા માટે ૬૯ મશીન, આકાશમાં અદભુત આતશબાજી કરતાં મશીન, લેસર લાઈટના શેરડા છોડતા મશીન અને પાઈરોટેક્નિક ડિસ્પ્લે કરતાં મશીન વગેરે સેટ પર ખૂબીપૂર્વક સંતાડવામાં આવે છે. રેતી પર ગોઠવાયેલા મોટા ખડકોમાં કાં તો સ્પીકર્સ સંતાડેલા હોય અથવા તો આગની જ્વાળા છોડતાં યંત્ર. શાપિત રાજકુમારીની વાર્તા કરતો આ ઝાકઝમાળભર્યો શો એક વાર જુઓ એટલે દિમાગમાં કાયમ માટે અંકિત થઈ ગયો સમજો!

Song of the Sea (Singapore)

લેખિકા પાસે તીવ્ર વિસ્મયભાવ છે. એમની જિજ્ઞાસા ફક્ત મંચ પર થતી ગતિવિધિઓ પૂરતી સીમિત નથી. સ્વયં ગુજરાતી તખ્તાનાં અનુભવી અભિનેત્રી હોવાથી એમના મનમાં બેકસ્ટેજની ચહલપહલ વિશે ય કુતૂહલ હોય છે. એ માત્ર ‘શું?’ પર અટકી જતાં નથી, એમને ‘કેવી રીતે’માં પણ ઊંડો રસ પડે છે. તેથી જ તેમના લેખો પાક્કી વિગતો અને આંકડાથી સમૃદ્ધ હોય છે. જેમ કે ‘લીડો’ નામના શોની વાત કરતી વખતે એ નોંધે છે કે આ શો પેરિસમાં ૧૯૪૬થી અને લાસ વેગાસમાં ૧૯૫૮થી ચાલે છે. ૯૦ મિનિટના આ શોમાં ૨૩ વખત સેટ બદલાય છે. એક સાથે ચાર લેવલ પર અલગ અલગ કોસ્ચ્યુમ્સમાં જુદી જુદી જાતના ચાર નૃત્યો ચાલતાં હોય ત્યારે ક્યાં જોવું ને ક્યાં ન જોવું એ સવાલ થઈ પડે. સ્ત્રીના વિવિધ ભાવ અને સ્વરૂપ નિરૂપતા નૃત્યાંગના મોટે ભાગે કાં તો ટોપલેસ હોય અથવા તો પારદર્શક વસ્ત્રોમાં હોય, પણ ક્યાંય કશુંય બિભત્સ નહીં, બલકે ગરિમાપૂર્ણ લાગે. થોડી જ પળોમાં નગ્નતા એક તરફ હડસેલાઈ જાય અને દર્શકો કળામાં ખોવાતા જાય. 

લેખિકાને શબ્દોની પટ્ટાબાજી રમીને વાંચકોને આંજી નાખવા માગતાં નથી. એમનો અભિગમ રીડર-ફ્રેન્ડલી છે. એ જાણે છે કે વાચક માટે કઈ માહિતી ઉપયોગી પૂરવાર થવાની. તેથી જ તુર્કીના કાપાડોકિયા શહેરમાં ચાલતા નાઈટ શોની વાત કરતી વખતે લેખિકા કહે છેઃ ‘જો તમે એકલા હો તો ૪૫ યુરો અને જો ગ્રુપ બુકિંગ કરો તો વ્યક્તિ દીઠ ૧૭ યુરોના દરે નાઈટ શોના આયોજકો છેક તમારી હોટલ પરથી તમને લઈ જઈ શોમાં તમને તમારું મનોરંજન કરી અને રાત્રે પાછા હોટલ સુધી મૂકી જવાની જવાબદારી ઉપાડી લે છે. શિયાળામાં રાત્રે ૮ વાગ્યે અને ઉનાળામાં ૮.૩૦ વાગે શરૂ શતો આ શો ૧૧.૩૦ વાગે પૂરો થઈ જાય છે.’

'O' (Las Vegas)

‘ઓ’ નામના હેરતઅંગેજ શોનું વર્ણન ખૂબ રસપ્રદ છે. ફ્રેન્ચ ભાષામાં ‘ઓ’ એટલે પાણી. સ્ટેજ નજીક પાણીના વિશાળ હોજમાં લોકો તરવાને બદલે પાણીની સપાટી ઉપર ચાલતા દેખાય! કલાકાર એક છેડેથી બીજા છેડે પહોંચે એટલી વારમાં પાણી ગાયબ થઈ જાય અને હોજમાં જમીન દેખાવા લાગે. પછી અંગકસરતના અજબગજબના ખેલ શરૂ થાય, જેમાં આગનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો હોય. જલ, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતી આ પાંચેય તત્ત્વોને વણી લેતા આ માયાવી શોમાં સાત હાઈડ્રોલિક લિફ્ટ્સ, બાવીસ દેશના ૮૪ કલાકારો, ૧૫૦ સ્કુબા ટેક્નિશિયનો અને ૧૨૦૦ કોસ્ચ્યુમ્સનો ઉપયોગ થયો છે!

કેટકેટલા શોઝ અને કેટકેટલી વાતો. કાળાગોરાના ભેદભાવ વિશે વાત કરતું બ્રોડવેનું ‘મેમ્ફિસ’, મહાન ઓસ્ટ્રિયન સંગીતકાર મોઝાર્ટની પ્રતિભાથી હીન ગ્રંથિથી પીડાતા એન્ટોનિયો સેલિયરીની વાત કરતું ‘એમેડસ’, પાંચ હજાર રૂમો ધરાવતી લાસ વેગાસ સ્થિત દુનિયાની સૌથી મોટી હોટલ એમજીએમનો ‘કા’ નામનો શો, થાઈલેન્ડની શાન ગણાતા ફિંગરનેઈલ નૃત્યની વાતો, ગણિતજ્ઞ રામાનુજન અને કેમ્બ્રિજ યનિવર્સિટીના તત્કાલીન ડીન  જી. એચ. હાર્ડીની વાત કરતું ઇંગ્લેન્ડનાં અદભુત નાટક ‘અ ડિસઅપિઅરીંગ નંબર’....

લખાણમાં સાદગી, અટક્યા વગર વાંચતા રહી શકાય એવી આકર્ષક પ્રવાહિતા અને શિસ્ત એ લેખિકાના સૌથી મોટા પ્લસ પોઈન્ટ્સ છે. એ કશુંય ઉભડક કે અધ્ધરતાલ છોડતાં નથી.  એક ઘડાયેલા ફિલ્ડ જર્નલિસ્ટની જેમ એ જેતે શોનું પાક્કું રિપોર્ટિંગ કરે છે. સંગીતા જોશી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘બન્ને પુસ્તકોમાં જે શોઝની વાત કરી છે તે તમામ મેં પ્રત્યક્ષ જોયા છે. શોની એકેએક પળ માણવાની હોય એટલે એ જોતી વખતે તો મારા હાથમાં ડાયરી અને પેન ન હોય, પણ પછી હું નોંધ ટપકાવી લઉં. શો વિશે માહિતી આપતાં પુસ્તકો ઉપલબ્ધ હોય તો એ ખરીદી લઉં. લેખ લખતી વખતે સ્મરણ અને રિસર્ચ  ઉપરાંત આ તમામ મટીરિયલને ઉપયોગમાં લઉં.’

થિયેટર, કળા અને પ્રવાસમાં રસ ધરાવનારાઓને સુંદર તસવીરોવાળાં આ પુસ્તકો ખૂબ પસંદ પડશે. વિદેશપ્રવાસનું પ્લાનિંગ કરતી વખતે આ પુસ્તકોને ખાસ રિફર કરી જવાં જેવાં છે.              0 0 0


ઓપેરા હાઉસ / અમેરિકાના શો 

લેખિકાઃ સંગીતા જોશી

 પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૧, અમદાવાદ-૧

ફોનઃ (૦૨૨) ૨૦૦૧ ૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦

કિંમતઃ  અનુક્રમે રૂ. ૩૦૦ અને રૂ. ૨૦૦

 કુલ પૃષ્ઠઃ ૪૦૦


૦ ૦

Saturday, July 7, 2012

‘સદમા’: સુરમઈ અખિયોં મેં...


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૮ જુલાઈ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આપણી સૌથી પ્રિય હિન્દી ફિલ્મોની સૂચિમાં ‘સદમા’નું નામ જરુર હોવાનું. આ ક્લાસિક ફિલ્મ રિલીઝ થઈ એ ઘટનાને આજે ૨૯ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે એની નિર્માણ-પ્રક્રિયાની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
 ‘’


માની શકાતું નથી! કમલ હસનશ્રીદેવીના અભિનયવાળી ‘સદમા’ ફિલ્મ રિલીઝ થઈ એ વાતને આજે એકઝેટ ૨૯ વર્ષ પૂરાં થયાં! આટલો પ્રલંબ સમયગાળો વીત્યા પછી પણ આપણા ચિત્તમાં આ ફિલ્મ આજે ભીનાશ પેદા કરી શકે છે. આ ફિલ્મની શ્રેષ્ઠતાની  નિશાની છે. ચાલો, ‘સદમા’ના ઓગણત્રીસમા બર્થડે પર એની નિર્માણકથાની થોડી વાતો માણીએ.

૧૯૮૩ની ૮ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કમલ હસનની ઉંમર હતી ૨૮ વર્ષ અને શ્રીદેવી હતી ૨૦ વર્ષની. હિન્દી સિનેમાનું ઓડિયન્સ કમલ હસનને ‘એક દૂજે કે લિયે’ અને ‘સનમ તેરી કસમ’માં તેમજ શ્રીદેવીને ‘હિંમતવાલા’માં ઓલરેડી જોઈ ચૂક્યું હતું. ‘સદમા’ તમિલ ફિલ્મ ‘મુંદ્રમ પિરાઈ’ની રિમેક છે. બન્નેના ડિરેક્ટર એક જ છે બાલુ મહેન્દ્ર.

કમાલની લવસ્ટોરી છે. શ્રીદેવી એક મોડર્ન યુવતી છે. એક્સિડન્ટને કારણે એના દિમાગ પર ચોટ પહોંચે છે અને એનાં બુદ્ધિવર્તણૂક સાત વર્ષની બાળકી જેવાં થઈ જાય છે. સંયોગવશાત એ વેશ્યાવાડામાં પહોંચી જાય છે જ્યાં એની મુલાકાત કમલ હસન સાથે થાય છે. કમલ હસન એને ગંદવાડામાંથી બહાર કાઢીને પોતાની સાથે ઉટી લાવે છે. બન્ને વચ્ચે એક બહુ જ નિર્દોષ અને મીઠો સંંબંધ વિકસે છે. કમલ હસન એની કમાલની સારસંભાળ લે છે અને ઈલાજ પણ કરાવે છે. મહિનાઓને અંતે શ્રીદેવીની યાદદાશ્ત પાછી આવે છે. હવે આવે છે ફિલ્મનો હૃદય વલોવી નાખે એવો ક્લાઈમેક્સ. ટ્રેનમાં બેસીને પોતાનાં માબાપ સાથે ઘરે પાછી જઈ રહેલી શ્રીદેવી કમલ હસનને બિલકુલ ઓળખી શકતી નથી! કમલ એને યાદ અપાવવા ખૂબ હવાતિયાં મારે છે, ગુંલાટ મારે છે, બંદરની જેમ કૂદકા મારે છે... અને શ્રીદેવીને લાગે છે કે આ કોઈ પાગલ માણસ છે! જીંદગીભર રુઝાઈ ન શકે એવો જબરદસ્ત સદમો આપીને શ્રીદેવી જતી રહે છે...‘ફિલ્મના છેલ્લા સીનમાં મારાં પાત્રએ ખૂબ ઉધામા મચાવવા જોઈએ આઈડિયા મારો હતો,’ કમલ હસન એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘મારા ડિરેક્ટર બાલુ ફિલ્મનો અંત શાંત અને સંયમિત રાખવા માગતા હતા, પણ મને લાગતું હતું કે કશુંક મિસિંગ છે. એક માણસ પોતાના પ્રેમને ફરીથી પામવા જીવ પર આવીને શું શું કરી શકે? એને સમજાઈ ગયું હોય કે હવે આખી જિંદગી મારે મારા પ્રેમના અભાવ વચ્ચે જીવવાનું છે ત્યારે એની માનસિક હાલત કેવી હોય? બસ, આ બધું મેં બાલુને સમજાવ્યું. સામાન્યપણે એક્ટર સૂચન કરે ત્યારે ડિરેક્ટર સતર્ક બની જતો હોય છે. એમાંય બાલુ તો પાછા પોતાના વિચાર પ્રમાણે જ ચાલનારો માણસ. પણ એમને મારી વાતમાં દમ લાગ્યો. મારે અધીરાઈ અને ઘાંઘાપણું અભિનયમાં ઉતારવા માટે પાગલ માણસની જેમ વર્તવાનું હતું. એ સીનમાં  ટ્રેનની સાથે સાથે દોડતી વખતે હું એક થાંભલા સાથે અથડાઉં છું, મારો પગ તૂટી જાય છે.  લોકોને લાગતું હતું કે શૂટિંગ દરમિયાન ખરેખર મારો પગ ભાંગી ગયો હતો, પણ સચ્ચાઈ એ છે કે આ એકેએક મુવમેન્ટ અગાઉથી પ્લાન થયેલી હતી. એ સીનમાં મેં કશું જ ઈમ્પ્રોવાઈઝ કર્યુ નથી.’

ફિલ્મનું શૂટિંગ ઊટીમાં થયું છે. ફિલ્મમાં શ્રીદેવીએ સહેજ પણ ગ્લેમર દેખાડવાનું નહોતું. એ લોકેશન પર આવતી ત્યારે ડિરેક્ટર એને નાળિયેરપાણી આપીને કહેતાઃ લે, આનાથી ચહેરો ઘસી ઘસીને ધોઈ નાખ. બસ, આ શ્રીદેવીનો મેકઅપ. ચહેરા પર સાદું ફાઉન્ડેશન લગાડવાની પણ એને પરવાનગી નહોતી. ફિલ્મના યુનિટમાં કુલ કેટલા માણસો હતા, જાણો છો? ફક્ત બાર! કમલ હસન અને શ્રીદેવીએ જિંદગીમાં આજ સુધી આટલા નાના યુનિટ સાથે કામ કર્યુ નથી! ડિરેક્ટર બાલુ મહેન્દ્ર ફિલ્મના સિનેમેટોગ્રાફર પણ હતા.

શ્રીદેવી એક વાત હંમેશાં કહે છે કે ‘સદમા’ના શૂટિંગ દરમિયાન એ સતત કમલ હસનનું નિરીક્ષણ કરતી અને ખૂબ શીખતી. શ્રીદેવીએ સાત વર્ષની છોકરી જેવો અભિનય એવી રીતે કરવાનો હતો કે એનું પાત્ર કન્વિન્સિંગ લાગે, એની માસૂમિયત તેમજ કારુણ્ય સાચુકલાં લાગે. જો અભિનય સહેજ લાઉડ બને તો પાત્રને કેરિકેચર બનતાં વાર ન લાગે. શ્રીદેવીએ આત્મસૂઝથી આ પાત્રને યાદગાર બનાવી દીધું છે. એણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે, પણ ‘સદમા’ની ઊંચાઈ સુધી એનું બીજું કોઈ પર્ફોર્મન્સ પહોંચી શક્યું નથી. જોકે કમલ હસનું માનવું છે કે શ્રીદેવીએ હિન્દી કરતાં તમિલ આવૃત્તિમાં વધારે સારો અભિનય કર્યો છે.ગુલઝારનાં ગીતો અને ઈલિયા રાજાનું સંગીત ફિલ્મને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દે છે. યસુદાસે ગાયેલું અદભુત હાલરડું ‘સુરમઈ અખિયોં મેં નન્હામુન્હા એક સપના દે જા રે’ આપણા ચિત્તમાં જડાઈ ગયું છે. આ ગીતમાં કમલ હસન શ્રીદેવીનો પ્રેમી નથી, પણ પિતાની કક્ષા પર આવી ગયેલી સંવેદનશીલ વ્યક્તિ છે. નાયકનાયિકાના સંબંધનો આ એક બનમૂન રંગ છે. ફિલ્મમાં એક ઑર સ્ત્રીપાત્ર પણ છે સિલ્ક સ્મિતા (જેના જીવન પરથી વિદ્યા બાલનની સુપરહિટ ‘ધ ડર્ટી પિક્ચર’ બની છે). કમાલનો કોન્ટ્રાસ્ટ છે. એક તરફ જુવાનજોધ શ્રીદેવી છે, જે પોતાની સેક્સ્યુઆલિટીથી બિલકુલ અજાણ છે. સામેના છેડે સિલ્ક સ્મિતા છે, જેનું મન સતત કામવાસનાથી ખદબદતું રહે છે. ફિલ્મમાં કમર્શિયલ વેલ્યુ ઉમેરવા માટે સિલ્ક સ્મિતા અને કમલ હસનનું એક સેક્સી નૃત્ય ઉમેરવામાં આવ્યું હતું (‘ઓ બબુઆ યે મહુઆ’). બજેટ ટાંચું હતું એટલે બેકગ્રાઉન્ડમાં પચાસસો ડાન્સરોને નચાવવાનું પોસાય એમ નહોતું. જે કંઈ કરવાનું હતું એ કમલ અને સિલ્કે જ કરવાનું હતું. તકલીફ એ હતી કે સિલ્કને ડાન્સ કરતાં આવડે નહીં! ઉપરવાળો એનામાં બીટસેન્સ નાખવાનું જ ભુલી ગયેલો. કોરિયોગ્રાાફર સુંદરમ માસ્ટરે જેમતેમ કરીને કોરિયોગ્રાફી બેસાડી. સુંદરમ માસ્ટર એટલે પ્રભુ દેવાના પિતાજી. સિલ્ક મિમિક્રી સારી કરી જાણતી. આથી એ જાણે કોરિયોગ્રાાફરની મિમિક્રી કરતી હોય એ રીતે મ્યુઝિક પર પર્ફોર્મ કરતી!  

‘સદમા’ એક ટાઈમલેસ ક્લાસિક છે. આપણી મોસ્ટ ફેવરિટ હિન્દી ફિલ્મોની સૂચિમાં ‘સદમા’નું સ્થાન હંમેશા રહેવાનું.

શો- સ્ટોપર

અમારા સૌમાં વિદ્યા બાલન સૌથી સફળ હિરોઈન છે. એની ફિલ્મોમાં ગુણવત્તા ય જબરદસ્ત હોય છે અને એ બિઝનેસ પણ સારો કરે છે. હું વિદ્યાની બહુ મોટી ફેન છું.

 - પ્રિયંકા ચોપડા