Sandesh - Ardh Saptahik - 23 July 2014
ટેક ઓફ
નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર નડીન ગોર્ડમરે કહ્યું છે કે લેખક આખી જિંદગીમાં ખરેખર તો એક જ પુસ્તક લખતો હોય છે. સ્થળ અને કાળ પ્રમાણે સમજણ બદલાતી રહે છે અને લેખક એક જ પુસ્તકના જુદા જુદા હિસ્સા ક્ષમતા પ્રમાણે લખતો જાય છે
આ એક દુઃખદ વક્રતા છે કે વિશ્વ સાહિત્યનાં કેટલાંય સમકાલીન નામો તરફ બે જ વખત નજર ખેંચાય છે. એક, કાં કોઈ પ્રતિષ્ઠિત એવોર્ડ મળે ત્યારે યા તો એ મૃત્યુ પામે ત્યારે. નડીન ગોર્ડમરના કિસ્સામાં આવું જ બન્યું. ૧૩ જુલાઈએ ૯૦ વર્ષની ઉંમરે આ વ્હાઈટ સાઉથ આફ્રિકન નોબેલ પારિતોષિક વિજેતા લેખિકાનું નિધન થયું,તેમનું નામ એકાએક મેનસ્ટ્રીમ મીડિયામાં ચમક્યું ને તે સાથે તેમના વિશે જાણવાની ઉત્કંઠા જાગી. બેટર લેટ ધેન નેવર. ઉત્તમ કલાકાર અને તેમની ટાઈમલેસ કૃતિઓની વિશેષતા હોય છે કે તેમની સાથે ગમે ત્યારે, ગિલ્ટ અનુભવ્યા વગર, ત્વરિત સંધાન કરી શકાય છે.
બૂકર અને નોબેલ એમ બન્ને સૌથી પ્રતિષ્ઠિત ગણાતાં પ્રાઈઝ જીતી ચૂકેલાં નડીન ગોર્ડમરે પંદર વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કરી દીધું હતું. સમજણ પુખ્ત થતી ગઈ તેમ તેમ અશ્વેત આફ્રિકન્સને થતો અન્યાય તેમને વધુ ને વધુ ખૂંચતો ગયો. સંપૂર્ણ નીડરતા સાથે તેઓ સતત અવાજ ઉઠાવતાં રહ્યાં. "પ્રત્યેક આફ્રિકને બે વખત જન્મવુું પડે છે," નડીન ગોર્ડમરે કહ્યું છે, "પોતે કેટલા તીવ્ર રંગભેદના માહોલ વચ્ચે જીવી રહ્યો છે તેની સભાનતા પ્રગટે ત્યારે એનો બીજો જન્મ થાય છે!" રંગભેદને કારણે સમાજમાં પેદા થતો તણાવ, વ્યક્તિગત સ્તરે થતી એની અસરો, રાજકીય દમન અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટેની જીદ - આ તેમની વિરાટ લેખનયાત્રાના કેન્દ્રિય મુદ્દા છે. તેમણે ૨૦૦ કરતાં વધારે ટૂંકી વાર્તાઓ,૧૫ નવલકથાઓ અને અસંખ્ય નિબંધો લખ્યાં છે. વૈચારિક સાતત્ય અને મોરલ ફોકસ કોઈ પણ કલાકાર માટે અનિવાર્ય હોવાનું. કદાચ એટલે જ નડીન ગોર્ડમરે કહ્યું છેઃ "આખી જિંદગીમાં તમે ખરેખર તો એક જ પુસ્તક લખતા હો છો. સ્થળ અને કાળ પ્રમાણે સમજણ બદલાતી રહે છે અને તમે એક જ પુસ્તકના જુદા જુદા હિસ્સા આખી જિંદગી દરમિયાન ક્ષમતા પ્રમાણે લખતા જાઓ છો."
મહાત્મા ગાંધી ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા તેનાં નવ વર્ષ પછી નડીન ગોર્ડમરનો જન્મ માઈનિંગ ટાઉન નામે ઓળખાતાં સ્પ્રિન્ગ્સ શહેરના પૈસાદાર યહૂદી પરિવારમાં થયો હતો. માતા બ્રિટિશ હતાં, પિતા મૂળ લાત્વિયાના વતની હતા.
૧૯૨૩માં દક્ષિણ આફ્રિકાના પૈસાદાર ગોરા પરિવારમાં જન્મવું એટલે આપોઆપ એલિટ શાસક વર્ગના હિસ્સા બની જવું. કાળાઓને નીચી નજરથી અને નફરતથી જોવાનું જાણે ગળથૂથીમાંથી જ શીખવવામાં આવતું. નડીનના ઘરથી થોડે દૂર એક ઊંચી દીવાલની પેલી બાજુ ખાણમાં કામ કરતા કાળા મજૂરો રહેતા. માતા-પિતા હંમેશાં નડીન અને એની બહેનને ચેતવતાં: પેલા કાળિયાઓથી હંમેશાં દૂર રહેવાનું, એ તરફ ભૂલેચૂકેય નહીં જવાનું! અશ્વેત લોકો પર શરાબ ખરીદવા પર પ્રતિબંધ હતો એટલે તેઓ જાતે જ ઘરમાં ગુપચુપ બિયર બનાવી લેતાં. નડીન અગિયારેક વર્ષનાં હતાં ત્યારે એક રાતે કમ્પાઉન્ડમાં ધમાલ થઈ ગઈ. ઊઠીને જોયું કે સર્વન્ટ્સ ક્વાર્ટર પર પોલીસે રેડ પાડી હતી. આખું ઘર ફેંદીને તેઓ દારૂ બનાવવાનો સામાન શોધી રહ્યા હતા. નડીનનાં માતાપિતા ચૂપચાપ તમાશો જોતાં રહ્યાં. તમારી પાસે સર્ચ વોરન્ટ છે યા તો અમારી પ્રોપર્ટીમાં તમે કેવી રીતે ઘૂસી ગયા એવો એક પણ સવાલ તેમણે પોલીસને ન કર્યો. આમાં શું મોટી વાત છે, કાળિયાઓને તો હડધૂત જ કરવાના હોયને એવો તેમનો અટિટયુડ હતો. નડીનના સંવેદનશીલ ચિત્તમાં આ વાત ચોંટી ગઈ. પંદર વર્ષની ઉંમરે તેમણે સૌથી પહેલી વાર્તા આ જ ઘટના પર લખી. આ વાર્તા પછી એક સાહિત્યિક સામયિકમાં પ્રકાશિત પણ થઈ.
વર્ષો પહેલાં મમ્મીએ એક સરસ કામ કરેલું. છ વર્ષની ઉંમરથી નડીનને એક ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીની મેમ્બર બનાવી દીધી હતી. "આ લાઇબ્રેરીએ જ મને ઘડી છે," નડીન કહે છે, "જો આ લાઇબ્રેરી ન હોત તો હું કદી લેખિકા બની ન હોત. રાઇટર બનવાની એક જ ટ્રેનિંગ છે - વાંચો, વાંચો, ખૂબ વાંચો, સતત વાંચતા રહો. નાનપણમાં હું પેલી લાઇબ્રેરીમાં કલાકો વિતાવી શકતી હતી, કેમ કે હું વ્હાઈટ હતી. કાળાં બચ્ચાં લાઇબ્રેરીમાં અલાઉડ નહોતાં." એમની કોન્વેન્ટ ગર્લ્સ સ્કૂલમાં પણ કેવળ ધોળી છોકરીઓ ભણતી. છેક કોલેજમાં આવ્યા પછી પહેલી વાર નડીનને અશ્વેત છોકરા-છોકરીઓ સાથે વાત કરવાની, તેમને જાણવા-સમજવાની તક મળી. વાચનને કારણે નડીનને સમજાયું હતું કે દુનિયામાં રંગભેદ નામની વસ્તુ છે અને જાણે-અજાણે હું પણ આ ભયંકર સામાજિક દૂષણને ઉત્તેજન આપી રહી છું.
નડીનને સ્પોર્ટ્સનું જરાય આકર્ષણ નહોતું. એમને શોખ તો લખવા-વાંચવાનો. પેલા અશ્વેત વિદ્યાર્થીઓને કોઈ સ્પોર્ટ્સમાં ભાગ લેવા ન દે એટલે તેઓ પણ નડીનની માફક લખતાં, લખવાની કોશિશ કરતાં. સમાન શોખને કારણે બ્લેક છોકરા-છોકરીઓ સાથે દોસ્તી મજબૂત થતી ગઈ. નડીને ડિગ્રી લીધા વગર એક જ વર્ષમાં કોલેજ છોડી દીધી હતી, પણ તેઓ લેખિકા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યાં હતાં. અન્ય લેખકો, થિયેટર એક્ટરો, પત્રકારો વગેરે સાથે તેમનું ઊઠવાબેસવાનું વધતું ગયું. આ બધા રૂઢિચુસ્ત નહોતા બલકે મોડર્ન વિચારસરણી ધરાવનારા પ્રગતિશીલ લોકો હતા. નડીનની રંગભેદ વિશેની દૃઢ થઈ રહેલી સમજણ એમનાં લખાણોમાં ઝળકવા લાગી. અશ્વેત લોકોના અધિકાર માટે લડતાં બાહોશ એક્ટિવિસ્ટ તરીકે, અત્યંત ઉચ્ચ કક્ષાના નીડર સાહિત્યકાર તરીકે તેમની પ્રતિષ્ઠા બનતી ગઈ. પ્રલંબ જેલવાસ પછી નેલ્સન મંડેલા ફેબ્રુઆરી ૧૯૯૦માં આઝાદ થઈને બહાર આવ્યા ત્યારબાદ પોતાની તમામ પ્રવૃત્તિઓ અને કેમ્પેન્સમાં તેમણે નડીનને શામેલ કર્યાં. મંડેલા ગયા વર્ષે મૃત્યુ પામ્યા ત્યાં સુધી નડીન સાથેની તેમની દોસ્તી જળવાઈ રહી. નડીન ગોર્ડમરની 'બર્ગર્સ ડોટર'(૧૯૭૯) અને 'જુલાઈઝ પર્સન' (૧૯૮૧) નવલકથાઓને સર્વાધિક પ્રતિષ્ઠા મળી છે. રંગભેદનો વિરોધ કરતી આ બન્ને કૃતિઓ પર દક્ષિણ આફ્રિકાની સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો.
નોબેલ પ્રાઈઝ માટે કેટલાંય વર્ષોથી એમનું નામ શોર્ટલિસ્ટ થયા કરતું હતું, પણ દર વખતે 'વાઘ આવ્યો રે ભાઈ વાઘ' જેવી સ્થિતિ સર્જાતી. આખરે ૧૯૯૧માં તેમને ખરેખર નોબેલ પ્રાઈઝ એનાયત થયું ને તેઓ વિશ્વકક્ષાનાં લેખિકા તરીકે પ્રસ્થાપિત થયાં. નડીને આખી જિંદગી લખ્યું છે, ખૂબ લખ્યું છે. તેમણે કહ્યું છે, "મારી ફિક્શન એટલે કે વાર્તાઓ અને નવલકથાઓ કરતાં વધારે ફેક્ચ્યુઅલ બીજું કશું નથી! લખવું એટલે જીવનમાંથી કશોક અર્થ શોધવાની કોશિશ કરવી. તમે આજીવન લખતાં રહો તો શક્ય છે કે જિંદગીના અમુક ભાગનો અર્થ તમે થોડો ઘણો પામી શકો."
0 0 0