Showing posts with label મુહમ્મદ અલી. Show all posts
Showing posts with label મુહમ્મદ અલી. Show all posts

Thursday, November 9, 2017

ચેમ્પિયનોનું માઇન્ડસેટ કેવું હોય?

Sandesh - Ardh Saptahik purti - 25 Nov 2017
ટેક ઓફ

'જ્યાં સુધી તમે તમારું હંડ્રેડ પર્સન્ટ નહીં આપો, પૂરેપૂરા પ્રયત્નો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે જે-તે સ્પોર્ટમાં ખરેખર નબળા છો કે કેમ. મુહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા દુનિયાના કેટલાય મહાન ખેલાડીઓ કંઈ શરૂઆતથી જ મહાન નહોતા. રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ સાવ સાધારણ હતા. ફ્કિસ્ડ માઇન્ડસેટ ન રાખો, પણ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો. નિષ્ફ્ળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થઈ જવાને બદલે તેમાંથી શીખવાની, ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે.’

Muhammad Ali

‘એ તો ચેમ્પિયન માણસ છે.’
કોઈના વિશે આ પ્રકારનો પ્રશંસાત્મક અભિપ્રાય સાંભળીએ ત્યારે આપણા મનમાં કેવા વિચાર જાગે? સૌથી પહેલો વિચાર તો એ આવે કે એ માણસ શ્રેષ્ઠ હશે, નંબર વન હશે અથવા કમસે કમ પોતાના ક્ષેત્રમાં ઘણો જ આગળ હશે. જો સ્પોર્ટ્સનો મામલો હોય તો તરત એવો વિચાર આવે કે એ માણસમાં ભારોભાર ‘નેચરલ ટેલેન્ટ’ હશે. સ્કૂલ લેવલની ટીમથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી કુદરતી પ્રતિભાવાળા ખેલાડીઓની બહુ બોલબાલા હોય છે.
એક્ઝેકટલી શું હોય છે આ કુદરતી પ્રતિભા? બૌદ્ધિક ક્ષમતા નરી આંખે દેખાતી નથી, પણ શારીરિક ક્ષમતા ઘણું કરીને દ્રશ્યમાન હોવાની. જેમ કે, ખેલાડીની હાઇટ-બોડી, બાંધો, ચપળતા આ બધું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બોક્સિંગના એક્સપર્ટ્સ જન્મજાત પ્રતિભાશાળી ખેલાડીને પારખવા માટે બોક્સરની મુઠ્ઠીનું કદ, છાતીની પહોળાઈ અને વજન જેવા માપદંડો પર આધાર રાખતા હોય છે. અમેરિકન પ્રોફેશનલ બોક્સર મુહમ્મદ અલી (જન્મઃ ૧૯૪૨, મૃત્યુઃ ૨૦૧૬)ની ગણના વીસમી સદીના સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. મજાની વાત એ છે કે બોક્સિંગના ટિપિકલ માપદંડો અનુસાર મુહમ્મદ અલી ‘નેચરલ’ કે ‘કુદરતી રીતે પ્રતિભાશાળી’ નહોતા. એમની પાસે સ્પીડ હતી, પણ એમનો શારીરિક બાંધો ઉત્કૃષ્ટ બોક્સરો જેવો નહોતો. એમની સ્ટ્રેન્થ પણ ઓછી હતી અને એમની મુદ્રાઓ તેમજ મુવ્ઝ ‘કલાસિક’ નહોતી. નિષ્ણાતો કહેતા કે પ્રતિસ્પર્ધીના મુક્કાઓને ખાળવાની મુહમ્મદ અલીની રીત ખોટી હતી. સામાન્ય સમજ એવી છે કે બોક્સરે પોતાનું જડબું એકસપોઝ્ડ ન રાખવું જોઈએ, પણ મુહમ્મદ અલી રાખતા. આ સિવાય પણ એમનામાં બીજું એવું ઘણું હતું જે કુદરતી રીતે પ્રતિભાશાળી બોક્સરમાં ન હોવું જોઈએ.
સની લિસ્ટન નામના ઓર એક અમેરિકન બોકસર ૧૯૫૩થી ૧૯૭૦ સુધી એટલે કે મૃત્યુપર્યંત પ્રોફેશનલ બોક્સર તરીકે સક્રિય હતા. તેઓ ૧૯૬૨માં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા હતા. સની લિસ્ટન ‘નેચરલ’ ગણાતા. એક આદર્શ બોક્સર પાસે હોવું જોઈએ તે બધું જ એમની પાસે હતું – મુઠ્ઠી-છાતીની પરફેક્ટ સાઇઝ, હાઇટ-વેઇટ, સ્ટ્રેન્થ, અનુભવ, બધું જ. ખાસ કરીને એમના પાવરફ્ુલ મુક્કા બેજોડ ગણાતા. સની લિસ્ટનની છાપ એવી સજ્જડ હતી કે મુહમ્મદ અલી કયારેય એમને હરાવી શકશે એવું લોકો વિચારી પણ ન શકતા. આ બંનેની તુલના જ હાસ્યાસ્પદ લાગતી. સચ્ચાઈ એ છે કે મુહમ્મદ અલી આજે લેજન્ડ ગણાય છે, બોકિસંગમાં રસ ન હોય એવા લોકોએ કમસે કમ પણ એમનું નામ તો સાંભળ્યું જ હોય છે, જ્યારે સની લિસ્ટન માટે ‘એ કોણ?’ એવો પ્રશ્ર પૂછવો પડે છે ને વિકિપિડીયા ખોલવું પડે છે.
આવું કેવી રીતે બન્યું? સની લિસ્ટન જેવા નેચરલ બોક્સર કરતાં મુહમ્મદ અલી શી રીતે કયાંય આગળ નીકળી ગયા? કોના જોરે? કેરલ ડ્વેક નામનાં પ્રતિષ્ઠિત સાયકોલોજિસ્ટ-લેખિકા આનો જવાબ એક જ શબ્દમાં આપી દે છે – ‘માઇન્ડસેટ’. યોગાનુયોગે કેરલ ડ્વેકના પુસ્તકનું નામ પણ આ જ છે. કેરલ લખે છે કે મુહમ્મદ અલી પાસે સ્પીડ અને ચપળતા તો હતાં જ, પણ એમની ખરી તેજસ્વિતા એમના દિમાગમાં હતી. તેઓ પ્રતિસ્પર્ધીના માત્ર મુવ્ઝને જ નહીં, પણ એના આખા વ્યક્તિત્વનો અભ્યાસ કરતા. તેઓ સની લિસ્ટનની ફઇટિંગ સ્ટાઇલનું બારીકાઈથી નિરીક્ષણ કરતા અને રિંગની બહાર એ કેવી રીતે વર્તે છે, એ કેવા પ્રકારના આદમી છે ને એવું બધંુ પણ ઝીણવટભેર નોંધતા. મુહમ્મદ એમના એકેએક ઇન્ટરવ્યૂ વાંચી જતા, એમની સાથે સંપર્કમાં હોય તેવા લોકો સાથે વાતચીત કરતા ને સની લિસ્ટનની માનસિકતા સમજતા. આ રીતે જે ડેટાનો મગજમાં સંગ્રહ થતો એના પરથી સની લિસ્ટન (તેમજ અન્યોનું) બને તેટલું વિગતોવાળું માનસિક ચિત્ર ઊભું કરવાની કોશિશ કરતા.
દરેક ફાઇટ પહેલાં મુહમ્મદ અલીનું વર્તન વિચિત્ર બની જતું, એના પાગલ જેવા વર્તનની પાછળ નક્કર ગણતરી રહેતી. સૌથી નિર્ણાયક એવો નોક-આઉટ પન્ચ કયાં અને કેવી રીતે પડશે તે કળાવું ન જોઈએ. સની લિસ્ટન ક્ે બીજા કેઈપણ પ્રતિસ્પર્ધીને ને લાગવું જોઈએ કે આ માણસ ગાંડો થઈ ગયો છે અને ગાંડો માણસ તો કંઈપણ કરી શકે છે!
એવું જ થયું. મુહમ્મદ અલીએ સની લિસ્ટનને હરાવી દઈને ઇતિહાસ રચી નાખ્યો. એક જાણીતા બોક્સિંંગ મેનેજરે કહેલું કે મુહમ્મદ અલી વિરોધાભાસોના પૂતળા જેવા હતા. રિંગમાં એમનું ફિઝિકલ પર્ફોર્મન્સ ટેકનિકલી સાવ ખોટું રહેતું, પણ એનું દિમાગ સતત સાચી દિશામાં દોડતું. મુહમ્મદ અલીએ પુરવાર કર્યું કે બોક્સિંગ રિંગમાં વિજય દિમાગને કારણે થાય છે, મુઠ્ઠી (એટલે કે પાવરફ્ુલ પન્ચ)ને કારણે નહીં.

Michael Jordon

ઓલ-ટાઇમ-ગ્રેટ બાસ્કેટબોલ પ્લેયર ગણાતા માઇકલ જોર્ડનના કિસ્સામાં પણ એવું જ થયેલું. મુહમ્મદ અલીની જેમ માઇકલ જોર્ડન પણ નેચરલ પ્લેયર નહોતા અને એમની મહાનતા પણ એકસપર્ટ લોકોને મોડી મોડી સમજાઈ હતી. માઇકલ જોર્ડન પ્રોફેશનલ ખેલાડી નહોતા બન્યા એ અરસામાં એમને યુનિવર્સિટીની બાસ્કેટબોલની ટીમમાંથી પડતા મૂકવામાં આવેલા. પોતાનું સિલેકશન ન થયું એટલે માઇકલ જોર્ડન દુઃખી દુઃખી થઈ ગયેલા. એમની મમ્મીએ કહૃાું: આમ મોઢું લટકાવીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. જા, મહેનત કર. શિસ્ત કેળવ. માઇકલ જોર્ડને માની વાત ગંભીરતાથી લીધી. સવારના છ વાગ્યામાં તેઓ પ્રેક્ટિસ કરવા ઘરેથી નીકળી જતા.
બાસ્કેટ બોલની સખત પ્રેક્ટિસ કરતા અને પછી કોલેજ જતા. એમની ડિફેન્સિવ ગેમ, બોલ હેન્ડલિંગ અને શૂટિંગ આ બધું જ નબળું હતું. માઇકલ જોર્ડને પોતાનાં તમામ નબળાં પાસાંને દૂર કરવા ખૂબ પ્રેક્ટિસ કરી. એમની મહેનત કરવાની તત્પરતા જોઈને કોચ નવાઈ પામી જતા. એક વાર એમની ટીમ એક સીઝનમાં છેલ્લી ગેમ હારી ગઈ. મેચ પૂરી થતાંની સાથે જ જોર્ડન બોલ લઈને પોતાના શોટ્સને પરફેકટ કરવા મંડી પડયા – આવતા વર્ષની સીઝનની તૈયારીના ભાગ રૂપે! પછી જે કંઈ બન્યું એની દુનિયા સાક્ષી છે. સર્વકાલીન સર્વોત્તમ ખેલાડીઓમાં ગણના થવા માંડી તે પછી પણ માઇકલ જોર્ડને પ્રેક્ટિસ કરવાનું છોડયું નહીં. તેઓ પહેલાં જેટલી જ તીવ્રતાથી પ્રેક્ટિસ કરતા. એમના માટે કોઈએ સરસ કહૃાું છેઃ હી ઇઝ અ જિનિયસ હું કોન્સ્ટન્ટલી વોન્ટ્સ ટુ અપગ્રેડ હિઝ જિનિયસ!
લોકો ભલે માઇકલ જોર્ડનની મહાનતાને એમના ફિઝિકલ પરફેક્શન સાથે જોડે, પણ તેઓ સ્વયં હંમેશાં કહેતા રહૃાા કે સ્પોર્ટ્સમાં સફ્ળતા માટે શારીરિક યોગ્યતા કરતાં માનસિક તાકાત અને જિગરનું જોર વધારે મહત્ત્વનાં છે. કેરલ ડ્વેક કહે છેઃ
‘તમને કયારેય એવું લાગ્યું છે કે અમુક-તમુક સ્પોર્ટમાં તમે જમાવટ કરી શકતા નથી? શકય છે કે આ વાત સાચી હોય. એ પણ શકય છે આ વાત ખોટી હોય. જ્યાં સુધી તમે તમારું હંડ્રેડ પર્સન્ટ નહીં આપો, પૂરેપૂરા પ્રયત્નો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે જે-તે સ્પોર્ટમાં ખરેખર નબળા છો કે કેમ. મુહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા દુનિયાના કેટલાય મહાન ખેલાડીઓ કંઈ શરૂઆતથી જ મહાન નહોતા. રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ સાવ સાધારણ હતા. તમને સાચ્ચે જ કોઈ સ્પોર્ટ માટે પેશન હોય તો અધવચ્ચે હથિયાર હેઠા ન મૂક્ી દો. ભરપૂર કોશિશ કરો અને પછી જુઓ કે શું રિઝલ્ટ મળે છે. જેને આપણે નેચરલ ટેલેન્ટ કહીએ છીએ તે ઊલટાની ક્યારેક બાધા ઊભી કરતી હોય છે. કુદરતી પ્રતિભા ધરાવતા ખેલાડીઓનું દિમાગ જડતાનું ભોગ બની જાય, એવું શકય છે. તેઓ ઘણી વાર વિપરીત પરિસ્થિતિ હેન્ડલ કરી શકતા નથી. ફ્કિસ્ડ માઇન્ડસેટ ન રાખો, પણ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો. નિષ્ફ્ળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થઈ જવાને બદલે તેમાંથી શીખવાની, ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે.’

Muhammad Ali (left) and Michael Jordan

સોનાની લગડી જેવી આ વાત માત્ર સ્પોર્ટ્સ પૂરતી સીમિત રાખવા જેવી નથી. ભણતર હોય (‘ફ્લાણાનું દિમાગ ગણિતમાં ખૂબ સરસ દોડે છે, પણ હું ગણિતમાં એના જેવો નેચરલ નથી’), કળા હોય (‘ડાન્સમાં મારું શરીર ફ્લાણા જેવું વળતું નથી. એનામાં ડાન્સની કુદરતી ટેલેન્ટ છે, પણ મારે બહુ પ્રેક્ટિસ કરવી પડે છે’) કે કે આ પ્રકારની બીજી કોઈ આવડત હોય (‘ફ્લાણો મંચ પર કુદરતી રીતે ખીલે છે, એ આસાનીથી સ્પીચ આપી શકે છે, પણ ઓડિયન્સને જોઈને મારા ટાંટિયા ધ્રૂજવા લાગે છે’) – આ બધું જ શીખી શકાય છે, આ બધામાં મહારત હાંસલ કરી શકાય છે, જો સો નહીં પણ બસ્સો ટકા મહેનત કરવામાં આવે તો, પ્રમાણિકતાપૂર્વક અને એકધારા ખંતથી રિયાઝ કરવામાં આવે, તો. શકય છે કે એક દિવસ એવો આવે જ્યારે જે-તે ક્ષેત્રમાં તમે જેને નેચરલ ટેલેન્ટવાળા ગણતા હતા એનો દૂર દૂર સુધી કયાંય અતોપતો ન હોય, જ્યારે તમે સફ્ળતાના શિખર પર બિરાજતા હો!

0 0 0