Showing posts with label Shoojit Sircar. Show all posts
Showing posts with label Shoojit Sircar. Show all posts

Sunday, April 15, 2018

હિટ-મશીન નંબર વન

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 15 એપ્રિલ 2018
મલ્ટિપ્લેક્સ                   
વરૂણ ધવનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે ફિલ્મમેકર પપ્પા ડેવિડ ધવનના જૂના, જાણીતા, સલામત પણ સાવ સત્ત્વ વગરના રુટ પર ગાડી હંકાર્યે રાખવાને બદલે એ તરત બાયબાસ પકડીને બહેતર રસ્તા પર આવી ગયો. એણે એક કરતાં વધારે વખત પૂરવાર કર્યું છે કે એને ઠાલા સ્ટારડમમાં નહીં, બલકે એક અભિનેતા તરીકે વિકસવામાં પણ રસ છે.


'બ ફિલ્મેં હિટ હો રહી હૈ સાલે કી. પતા નહીં કૈસા નસીબ લે કર પૈદા હુઆ હૈ કમીના!'
અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યુમાં વરૂણ ધવન માટે મજાકમાં અને મિત્રભાવે આ મતલબનાં ઉચ્ચારણો કર્યાં હતાં. અર્જુનની હૈયાવરાળ સમજી શકાય એવી છે. નવી પેઢીના હીરો જ શું કામ, સિનિયરો પણ બળી બળીને બેઠા થઈ જાય એવો વરૂણનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. ફિલ્મી દુનિયામાં એ લોન્ચ થયો એ વાતને હજુ માંડ છ વર્ષ થયા છે. આટલા સમયગાળામાં એણે નવ ફિલ્મો કરી. આ નવેનવ ફિલ્મો કાં તો હિટ, સુપર હિટ યા તો સેમી હિટ થઈ છે. ફિલ્મ ઇન્ડ્ટ્રીનો બીજા ક્યો સિનિયર કે જુનિયર સ્ટાર છાતી ફૂલાવીને 100 ટકા સક્સેસ રેશિયો ધરાવતો હોવાનો દાવો કરી શકે એમ છે?  

આ શુક્રવારે વરૂણની દસમી ફિલ્મ રિલીઝ થઈ. આ મહિનો ભલે એપ્રિલ રહ્યો, પણ ફિલ્મનું નામ 'ઓક્ટોબર' છે. શૂજિત સરકાર જેવા ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા ડિરેક્ટરે તે બનાવી છે. ઓક્ટોબર ફિલ્મ વરૂણની સફળતાની કૂચકદમને આગળ ધપાવે છે કે બ્રેક મારે છે તે આજકાલમાં જ સ્પષ્ટ થઈ જશે.
2012માં વરૂણની સાથે આ બે નવોદિતો પણ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મથી બોલિવૂડમાં લોન્ચ થયાં હતાં - આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા. કરણ જોહરે ડિરેક્ટ કરેલી 'સ્ટુડન્ટ ઓફ ધ યર' રિલીઝ થઈ ત્યારે વરૂણ 24 વર્ષનો હતો. આજે એ ત્રીસનો થયો ને હજુય એ ક્યુટ દેખાય છે ને એનો છોકરડા જેવો ચાર્મ અકબંધ રહ્યો છે. કરણ જોહરનાં ત્રણેય સ્ટુડન્ટ્સમાંથી આલિયા ભટ્ટ અભિનયના મામલામાં સૌથી બ્રિલિયન્ટ સાબિત થઈ તે સાચું, પણ બોક્સઓફિસના સંદર્ભમાં તેનો ટ્રેક રેકોર્ડ વરૂણની માફક હંડ્રેડ પરર્સન્ટ નથી. (યાદ કરો, આલિયાની મહાબોરિંગ 'શાનદાર'.) સિદ્ધાર્થ મલ્હોત્રાની તો આખી કરીઅર હિટ અને ફ્લોપ વચ્ચે હિંચકા ખાતી રહી છે. એક બાજુ સિદ્ધાર્થની 'એક વિલન' અને 'કપૂર એન્ડ સન્સ' જેવી સફળ ફિલ્મો કરે છે તો બીજી બાજુ 'બાર બાર દેખો' અને 'અ જેન્ટલમેન' જેવી બેક-ટુ-બેક બબ્બે સુપરફ્લોપ ફિલ્મો આપી આખો કેસ બગાડી નાખે છે. બીજા યંગ સ્ટાર્સની વાત કરીએ તો અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂત, આયુષ્યમાન ખુરાના સહિતના એ આખી બેચના સિતારાઓ નિયમિતપણે નિષ્ફળતાનો સ્વાદ ચાખતાં રહે છે. એક માત્ર વરૂણે જ કોણ જાણે ક્યા સાધુબાબા પાસેથી દોરાધાગા કરાવી આવ્યો છે કે 'ફ્લોપ' શબ્દ એની આસપાસ ફરકવાનું નામ સુધ્ધાં લેતો નથી. કમસે કમ ગયા શુક્રવાર સુધી તો નહીં જ.

ઘણા લોકો વરૂણને ગોવિંદા અને સલમાન ખાનની ભેળપુરી જેવો ગણે છે. આ નિરીક્ષણમાં અમુક અંશે તથ્ય પણ છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર' પછી રિલીઝ થયેલી વરૂણની બીજી ફિલ્મ 'મૈં તેરા હીરો' હતી, જે એના પપ્પાશ્રી ડેવિડ ધવને બનાવી હતી. ગોવિંદાને 'બ્રાન્ડ ગોવિંદા' બનાવનાર ડેવિડ ધવન છે. આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ 19 ફિલ્મો કરી છે! સલમાન ખાને કોઈ એક ડિરેક્ટર સાથે કરીઅરની સૌથી વધારે ફિલ્મો કરી હોય તો એ ડેવિડ ધવન છે - પૂરી નવ ફિલ્મો! દેખીતું છે કે 'મૈં તેરા હીરો'માં અને પછી 'જુડવા-ટુ'માં વરૂણ ધવનનાં પર્ફોર્મન્સમાં ગોવિંદા-સલમાનની ધેરા શેડ્ઝ દેખાવાના જ. વરૂણે એક ઇન્ટરવ્યુમાં કહેલું પણ ખરું કે, હું ગોવિંદા સર અને સલમાન સર જેવો શોટ આપું  તો મારા ડેડી બહુ રાજી થાય છે!



ખૂબ બધી હિટ ફિલ્મો આપનાર ડેવિડ ધવનનું બોલિવૂડમાં નામ છે, પણ સાથે સાથે અર્થહીન અને ક્યારેક વલ્ગર ચાળાં ભભરાવેલી મસાલા કોમેડી ફિલ્મોના મેકર તરીકે તેઓ બદનામ પણ છે. વરૂણનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે પપ્પાજીના જૂના, જાણીતા, સલામત પણ સાવ સત્ત્વ વગરના રુટ પર ગાડી હંકાર્યે રાખવાને બદલે એ તરત જ બાયબાસ પકડીને બહેતર રસ્તા પર આવી ગયો. 'સ્ટુડન્ટ ઓફ ધ યર' રિલીઝ થઈ પછી તરત જ એણે 'બદલાપુર' જેવી ડાર્ક, ઓફબીટ અને નવાનિશાળીયા માટે ખાસ્સી અઘરી કહેવાય એવી ફિલ્મ પસંદ કરી હતી. 'બદલાપુર' રિલીઝ થાય તેની પહેલાં 'મૈં તેરા હીરો' અને 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી પ્રોપર મેઇન્સ્ટ્રીમ ફિલ્મો આવી ગઈ. આ બન્ને ફિલ્મો હિટ થઈ એટલે ઇન્ડસ્ટ્રીમાં વરૂણનું સ્થાન ઓર મજબૂત બન્યું જેનો સીધો ફાયદો 'બદલાપુર'ને મળ્યો. કરીઅરની આ ચોથી જ ફિલ્મથી વરૂણે જાણે જાહેર કરી દીધું કે ખબરદાર મને ચીલાચાલુ ફિલ્મો કરનારો દમ વગરનો હીરો માની લીધો છે તો!

એમ તો 'હમ્પ્ટી શર્મા...'માં પણ વરૂણનાં પર્ફોર્મન્સ સરસ હતું. આમાં એ કોઈ એનઆરઆઈ  કે સ્ટાઇલિશ બોમ્બે-બોય નહીં, બલકે બાઘ્ઘો દેસી યુવાન બન્યો હતો. આ રોલમાં એ ખાસ્સો કન્વિન્સિંગ લાગતો હતો. એટલેસ્તો એના કરીઅરનું સૌથી મોટું ઓપનિંગ (એટલે ફિલ્મ રિલીઝ થાય તે દિવસનું બોક્સઓફિસ કલેક્શન) આ 'હમ્પ્ટી શર્મા...'ના નામે નોંધાયું. 'બદલાપુર' પછી 'એબીસીડી-ટુ'માં એણે ધર્મેશ સર અને પુનિત જેવા દેશના બેસ્ટ ડાન્સર્સમાં સ્થાન પામતી 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' ટીવી શો ફેમ પ્રતિભાઓ સાથે સીધો મુકાલબલો કર્યો ને ડિસ્ટીંક્શન સાથે પાસ પણ થયો. તે પછીની 'દિલવાલે' ફિલ્મ આમ તો શાહરુખ અને કાજોલની ગણાય. રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં હરખાઈ જવાય એવું કશું નહોતું. તોય તે સેમી-હિટ તો જરૂર થઈ. સગા મોટા ભાઈ રોહિત ધવનની 'ઢિશૂમ' વરૂણની કરીઅરની સૌથી નબળી ફિલ્મ છે. સદભાગ્યે તેણે અબાઉ એવરેજ બિઝનેસ કર્યો એટલે 'ફ્લોપ'ના લેબલથી આબાદ બચી ગઈ.  

તે પછી આવી 'હમ્પ્ટી શર્મા...'ની સિક્વલ, 'બદરીનાથ કી દુલ્હનિયા'. સુપરહિટ. અત્યાર સુધીમાં વરૂણને બોલિવૂડમાં પાંચ વર્ષ થઈ ગયાં હતાં. 'બદરીનાથ...' સુધીની એની આઠ ફિલ્મોનો ટોટલ બિઝનેસ હતો 692 કરોડ રૂપિયા. આઠમાંથી ત્રણ ફિલ્મો મોંઘેરી હંડ્રેડ કરોડ ક્લબમાં સ્થાન પામતી હતી. ત્યાર બાદ રિલીઝ થયેલી 'જુડવા-ટુ' પણ સફળ થતાં વરૂણ ઘવન બોલિવૂડનો આઇએસઆઇ માર્કાવાળો સુપરસ્ટાર છે તે વાત કોઈને શંકા ન રહી.

આ જ કારણ હતું કે 'ઓક્ટોબર'નું કાસ્ટિંગ કરતી વખતે શૂજિત સરકારના મનમાં વરૂણનો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો. શૂજિત આ ફિલ્મના મેઇન લીડ માટે કોઈ સાવ અજાણ્યા એક્ટરને લેવા માગતા હતા. વરૂણ જોકે લાંબા સમયથી શૂજિતને કહ્યા કરતો હતો કે સર, મારે તમારી સાથે કામ કરવું છે. સ્ટ્રગલર માણસ બધા પાસે કામ માગતો ફરે તે સમજી શકાય એવું છે, પણ અફલાતૂન ટ્રેક રેકોર્ડ ધરાવતો સ્ટાર સાથેથી કામ કરવાની ઉત્સુકતા વારંવાર વ્યક્ત કરે તે તદ્દન જુદી બાબત થઈ. એક વાર શૂજિત સાંજે વહેલા પરવારી ગયા. એમને યાદ આવ્યું કે વરૂણ ક્યારનો પોતાને મળવાની વિનંતી કરતા મેસેજ મોકલ્યા કરે છે, અત્યારે સમય મળ્યો છે તો એને મળી લઉં. એમણે વરૂણને ફોન કર્યોઃ વરૂણ, હમણાં જ મારી ઓફિસ આવી જા. વરૂણ કહેઃ સર, થોડોક ટાઇમ આપશો? અત્યારે મારી હાલત સાવ લઘરવઘર છે. શૂજિત કહેઃ કશો વાંધો નહીં. લઘરવઘર હાલતમાં આવી જા.



વરૂણ ગયો. શૂજિત સરકાર સાથે લાંબી ચર્ચા થઈ. કોઈની સાથે માત્ર ફોનથી, વોટ્સએપ પર કે સોશિયલ મિડીયા દ્વારા સંપર્કમાં હોવું એક વાત છે અને એ જ વ્યક્તિને પ્રત્યક્ષ, સદેહે મળવું તે તદન જુદી વાત છે.  શૂજિત સરકારે જોયું કે આ છોકરો હિટ સ્ટાર હોવા છતાં એના દિમાગમાં હવા નથી. પોતાની જ પિપૂડી વગાડ્યે રાખવાને બદલે એ સામેના માણસને ધ્યાન દઈને સાંભળે છે. એનો ઉમળકો અને ઉત્સુકતા બનાવટી નથી. એ જેન્યુઇન છે. એની વાત કરવાની રીતમાં, એની આંખોમાં, એની બોડી લેંગ્વેજમાં પ્રામાણિકતા વર્તાય છે. ચર્ચા કરતાં કરતાં વરૂણથી ચાનો કપ પણ ઢોળાયો. શૂજિતે આ પણ નોંધ્યું. વાતચીત પતાવીને વરૂણ ગયો તે સાથે જ શૂજિત સરકારે મોબાઇલ ઉપાડીને ફિલ્મના પ્રોડ્યુસર અને લેખિકા જુહી ચતુર્વેદીને વારફરતી ફોન કરીને કહ્યુઃ 'ઓક્ટોબર'માં આપણે કોઈ ન્યુકમર છોકરાને લેવા માગતા હતા, પણ મને લાગે છે કે મને આપણો હીરો મળી ગયો છે!

આ પઢીના બીજાં હીરો-હિરોઇનોની જેમ વરૂણનું કમ્યુનિકેશન પણ ખૂબ સારું છે. પોતાના મનની વાત એ અસરકારક રીતે પેશ કરી શકે છે. એ પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુમાં વાત કરતો હોય ત્યારે એની વૈચારિક સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. એની ફિલ્મોની પસંદગી જોઈને, એ જે રીતે પોતાની કરીઅરને આગળ ધપાવી રહ્યો છે તે જોઈને લાગે છે કે એને ઠાલા સ્ટારડમમાં રસ નથી, એક અભિનેતા તરીકે પોતે વિકસતો રહે તે માટે પણ એ સભાન છે. 

એક્ટર ગમે તેટલો પ્રતિભાશાળી હોય, જેન્યુઇન હોય, મહેનતુ હોય, કમ્યુનિકેશનમાં સારો હોય અને સ્માર્ટ હોય તો પણ એને નિષ્ફળતા મળ્યા કરે ને એની કરીઅર ડચકાં ખાધાં કરે, એમ બને. રણબીર કપૂરનું ઉદાહરણ આપણી સામે છે. આથી જ માનવું પડે કે ખાસ કરીને કળાનાં ક્ષેત્રોમાં નસીબ નામનું તત્ત્વ બહુ જોર કરતું હોય છે ખરું. અત્યાર સુધી તો નસીબે વરૂણને સતત સાથ આપ્યો છે. જોઈએ, આગળ શું થાય છે.
0 0 0 

Sunday, September 25, 2016

મલ્ટિપ્લેકસ: સરકાર રાજ

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૫ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

‘તું મારી ફિલ્મમાં કામ કરીશ કે નહીં કરે? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.'   




કોઈ જ પૂર્વસંકેત આપ્યા વગર ‘પિન્ક' ફિલ્મ થિયેટરોમાં અને આપણાં દિૃલદિૃમાગમાં એકાએક બોમ્બની જેમ ફાટી છે. ભૂતકાળમાં પાંચ બંગાળી ફિલ્મો બનાવી ચુકેલા અનિરુદ્ધ રોય ચૌધરીની આ પહેલી હિન્દૃી ફિલ્મ છે. ડિરેકટર હોવાને નાતે તેઓ કેપ્ટન-ઓફ-ધ-શિપ ગણાય, પણ ‘પિન્કની સફળતાને કારણે લાઈમલાઈટમાં શૂજિત સરકાર આવી ગયા છે. તેઓ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર છે, જે ભૂતકાળમાં ‘વિકી ડોનર', 'મદ્રાસ કાફે' અને ‘પિકુ' જેવી બ્રિલિયન્ટ ફિલ્મો ડિરેકટ કરી ચુક્યા છે. ઇન્ટરેસ્ટિંગ માણસ છે શૂજિત. કેટલાય પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક ઇન્ટરવ્યુઝમાં ફેલાયેલા એમના કવોટ્સ પર એકસાથે નજર ફેરવવાથી એમના માનસિક જગતનો સરસ ચિતાર મળે છે. તો પ્રસ્તુત છે શૂજિત સરકારનું કવોટ-માર્શલ. ઓવર ટુ હિમ:  

હું આકસ્મિકપણે ફિલ્મકર બની ગયેલો માણસ છું. ફિહ્લમમેિંકગ કરતાં ફૂટબોલ પ્રત્યે મને વધારે લગાવ છે. જો હું આ લાઈનમાં ન આવ્યો હોત તો ચોક્કસપણે ફૂટબોલર બન્યો હોત. ગ્રેજ્યુએશન પછી હું દિૃલ્હીની લા મેરિડીઅન હોટલમાં કામ કરતો હતો. એક વાર એમ જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફ રખડી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલાક લોકો ચીસો પાડી રહ્યા છે. એ બધા એક થિયેટર ગ્રુપના લોકો હતા ને કોઈક સ્ટ્રીટ-પ્લે ભજવી રહ્યા હતા. પછી મેં કામિની થિયેટરમાં એક નાટક જોયું જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને અમરીશ પુરી અભિનય કરતા હતા. નાટક જોતી વખતે મને એવું લાગ્યું કે હું કોઈક જુદૃી જ દૃુનિયામાં પહોંચી ગયો છુંં. આ અનુભવે મારી ભીતર કશુંક બદૃલી નાખ્યું.  પછી મેં સફદૃર હાશ્મિનું જન નાટ્યમંચ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. અમે ખૂબ બધાં સ્ટ્રીટપ્લે કર્યા્ં. આ શેરી નાટકોને કારણે સમાજના પ્રશ્ર્નો વિશેની, આપણી આસપાસની વાસ્તવિકતા વિશેની મારી સમજણ વિકસી, ફિલ્મો પ્રત્યેનો મારો પ્રેમ જાગ્રત થયો. પછી મેં ‘એકટ વન' નામનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું. હું વધારે ફિલ્મો જોવા લાગ્યો. સત્યજીત રાયની ફિલ્મો ઓલરેડી જોઈ ચુક્યો હતો છતાંય મેં નવેસરથી એ ફિલ્મો જોવાનું શરુ કર્યુંં. સિનેમા વિશેની મારી દૃષ્ટિ ખુલી ગઈ હતી. આમ, મેં ફિલ્મમેિંકગનો કોઈ કોર્સ કર્યો નથી, પણ હું જે કંઈ શીખ્યો છું તે સત્યજીત રાયની ફિલ્મો જોઈને અને સિનેમા વિશેનું સાહિત્ય વાંચીને શીખ્યો છું.

મારી પહેલી પહેલી ‘...યહાં' (૨૦૦૫) ખાસ ચાલી નહીં. અમિતાભ બચ્ચનને લઈને બનાવેલી બીજી બીજી ફિલ્મ ‘શૂબાઈટ' કાનૂની વિવાદૃમાં ફસાઈ જવાને કારણે આજ સુધી રિલીઝ થઈ શકી નથી. હું હતાશ થઈ ગયેલો, ડિપ્રેશનનાં આવી ગયેલો. પછી મારી પત્નીએ મને સમજાવ્યું કે ભલે તારી ફિલ્મો ન ચાલે કે ડબ્બામાં પડી રહે, પણ તને લખતા આવડેે છે, તને ફિલ્મ બનાવતા આવડે છે. તારી આ ટેલેન્ટ કોઈ છીનવી શકવાનું નથી. મેં નક્કી કર્યું કે ગમે તે પરિણામ આવે, હું ફિલ્મો તો બનાવીશ જ. ‘...યહાં'નાં સાત વર્ષો પછી મેં સ્પર્મ ડોનર જેવા અતરંગી વિષય પર ‘વિકી ડોનર' બનાવી જે કમર્શિયલી અને ક્રિટીકલી બન્ને રીતે વખણાઈ. આ ફિલ્મથી મારા જીવનની દિૃશા બદૃલાઈ.


કોઈ સ્ટાર મને હા પણ ન કહે કે ના પણ ન પાડે ને લબડાવ્યા કરે ત્યારે એક તબક્કે હું ચોખ્ખું કહી દૃઉં છું: ભાઈ, તું મારી ફિલ્મમાં કરીશ કે નહીં કરે? યેસ ઓર નો? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.


મિતાભ બચ્ચન એક મહાન લેજન્ડ છે, પણ એમની સાથે કામ કરવું બહુ જ આસાન છે. એમની સાથેની મારી એક પણ મિટીંગ પંદૃર મિનિટ કરતાં વધારે ચાલી નથી. એ મને સ્ટોરી સંભળાવાનું કહે ને હું ફટાફટ નરેશન આપવા માંડું. એમને મારી આંખોમાં કોન્ફિડન્સ દૃેખાય, હું વિષયને સારી રીતે હેન્ડલ કરી શકીશ એવો ભરોસો દૃેખાય એટલે તરત મારા વિઝનને સરન્ડર થઈ જાય. હાથમાં સ્ક્રિપ્ટ આવતાં જ તેમનામાં એક બાળક જેવી ઉત્સુકતા પેદૃા થઈ જાય છે. અમિતાભ માટી જેવા છે, જેને તમે ગમે કોઈ પણ ઘાટ આપી શકો છો. અફકોર્સ, એમની પાસે ફિલ્મોમાં કામ કરવાનો ૪૫ વર્ષોનો અનુભવ છે. સ્ક્રિપ્ટમાં કેવોક દૃમ છે તે તેઓ તરત કળી જાય છે. આખેઆખી સ્ક્રિપ્ટ એમને અલ્પવિરામ અને પૂર્ણવિરામ સહિત યાદૃ હોય છે. એમના ખુદૃના પોઈન્ટ-ઓફ-વ્યુ હોવાના જ, પણ એમને કન્વિન્સ કરવા સહેલા છે.


મજોને કે હું સરેરાશ રોજની એક સ્ક્રિપ્ટ વાંચતો હોઈશ. જુઓ, તમને બહુ સારા શબ્દૃો, સરસ વાક્યો અને સરસ કોન્સેપ્ટ નોટ લખતા આવડતું હોય તો એનો મતલબ એવો નથી કે તમને સરસ સ્ક્રિપ્ટ લખતા પણ આવડતું જ હશે. સ્ક્રીનપ્લે લખવાની કળા બહુ જ અલગ વસ્તુ છે જેના પર બહુ ઓછા લોકો મહારત હાંસલ કરી શકે છે. મેં જોયું છે કે મોટા ભાગના લેખકો ટીવી સિરીયલોની માફક ફિલ્મ લખે છે. તેમનું લખાણ સિનેમેટિક નથી હોતું. હું હંમેશાં બધાને કહેતો હોઉં છું કે તમે સત્યજિત રાયની ફિલ્મોનો અભ્યાસ કરો. તમને ખબર પડશે કે ઉત્તમ સિનેમા કોને કહેવાય. આપણે ત્યાં જે સ્ક્રિપ્ટ્સ લખાય છે એમાં ઊંડાણ હોતું નથી. જો ઊંડાણ હોત તો આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મો બનતી હોત. સારી ફિલ્મો જોવા માટે લોકો ઇરાનીઅન ફિલ્મો ડીવીડી ઘરે લાવશે, પણ ઉત્કૃષ્ટ બંગાળી કે તમિલ કે મલયાલમ ફિલ્મો નહીં જુએ. કેટલું સરસ કામ થાય છે આ ભાષાની ફિલ્મોમાં.


બોલિવૂડમાં ન્યુ-એજ સિનેમાની શરુઆત રામગોપાલ વર્માએ કરી હતી, ‘સત્યા'થી, ૧૯૯૮માં. બીજી એક ફિલ્મ જેનાથી ઇન્ડસ્ટ્રીને નવેસરથી ધક્કો લાગ્યો તે હતી, અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે' (૨૦૦૪). ૨૦૦૭માં શિમીત અમીનની ‘ચક દૃે ઇન્ડિયા' ખૂબ મોટા સ્કેલ પર બનાવવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીની શરુઆતની સ્પોર્ટ્સ ફિલ્મોમાંની તે એક, જેણે મોટો ક્રિયેટિવ ઇમ્પેકટ પેદૃા કર્યો. વિક્રમાદિૃત્ય મોટવાણેની ‘ઉડાન' (૨૦૧૦) એક મહત્ત્વની ફિલ્મ પૂરવાર થઈ.  ટીનેજરને કેન્દ્રમાં રાખીને બનેલી આ પહેલી કમિંગ- ઓફ-એજ ફિલ્મ. ૨૦૧૨માં આવેલી ‘પાનસિંહ તોમર' જોઈને મને તિગ્માંશુ ધુલિયાની ખૂબ ઈર્ષ્યા થઈ હતી. મને થાય કે આ ફિલ્મ મેં કેમ ન બનાવી. આ સિવાય અયાન મુખર્જીની ‘વેક અપ સિડ',  દિૃવાકર બનર્જીની ‘ખોસલા કા ઘોસલા', રિતેશ બત્રાની ‘ધ લંચબોકસ', રાજકુમાર હિરાણીની મુન્નાભાઈ સિરીઝ - આ બધી જ બ્રિલિયન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મારી ફેવરિટ ફિલ્મો છે.


  
કોર્પોરેટ હાઉસીસ પાસે ચિક્કાર નાણું છે. એમના મેનેજમેન્ટમાં ઓકસફર્ડમાં ભણી આવેલા એકિઝક્યુટિવ્સ અને ન્યુયોર્કમાં ચાર-છ મહિનાનો ફિલ્મનો કોર્સ કરી આવેલા માણસો છે જે માનવા લાગ્યા હોય છે કે સ્ટીવન સ્પિલબર્ગ કરતાં તેમનામાં વધારે અકકલ છે. કોર્પોરેટ હાઉસ સાથે મિટીંગ થાય ત્યારે આવા વીસ લોકો તમારી સામે બેસી જશે અને પછી પ્લોટ પોઈન્ટ ને કલાઈમેકસ ને કેરેકટરરાઈઝેશન જેવા શબ્દૃોની ફેંકાફેંક કરીને તમને કન્ફયુઝ કરી નાખશે. સિનેમા વિશે કશું જ ન જાણતા લોકો પોતાનું ડહાપણ ડહોળવાનું શરુ કરે એટલે ડિરેકટર ક્યારેક ખોટો નિર્ણય લઈ લેતો હોય છે. આખરે સઘળો આધાર ડિરેકટરના કન્વિકશન પર છે. પોતાના ઓરિજિનલ આઇડિયા અને સ્ટોરી પ્રત્યે પ્રામાણિક રહેવું જ પડે.

શો-સ્ટોપર

 કોઇપણ સંબંધમાં ભરોસો હોવો ખૂબ જરુરી છે. જો સામેના પાત્ર પર ટ્રસ્ટ નહીં હોય તો તદ્દન નિર્દૃોષ વસ્તુ પણ નિર્દૃોષ નહીં લાગે. આવો સંબંધ ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી. 

- અભય દૃેઓલ 

Saturday, May 5, 2012

શૂજિત અને સરકાર


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૬ મે ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘વિકી ડોનર’ અને અમિતાભની ગુજરાત ટુરિઝમવાળી એડ્સના ડિરેક્ટર એક જ જ છે શૂજિત સરકાર. આ એડફિલ્મ્સના મેકિંગ દરમિયાન શૂજિતને જે ફૂટેજ મળ્યું છે એમાંથી બિગ બીના અવનવા મૂડ્સએન્ડમોમેન્ટ્સ રજૂ કરતી અફલાતૂન ડોક્યુમેન્ટરી એ બનાવવાના છે. 



વર્ષે અત્યાર સુધીમાં બોલીવૂડમાં બે બંગાળી ફિલ્મ ડિરેક્ટરો સૂતળી બોમ્બની જેમ ફાટ્યા. એક તો, ‘કહાની’વાળા સુજોય ઘોષ અને બીજા, જલસો કરાવી દે એવી ‘વિકી ડોનર’ના નિર્દેશક શૂજિત સરકાર. શૂજિતનું ખરું નામ સુજિત છે. કહાણી એવી છે કે સુજિતમોશાય છવ્વીસસત્તાવીસ વર્ષના થઈ ગયા હતા તોય એમનું જીવન શઢ વગરના વહાણની જેમ દિશાહીન ગતિ કરી રહ્યું એટલે એમનાં માતુશ્રીને ચિંતા થઈ. એ કહે, બેટા, તું તારા નામનો સ્પેલિંગ બદલી કાઢ, ‘સુજિત’નું ‘શૂજિત’ કરી નાખ. દીકરાએ માતાજીનું માન રાખ્યું અને ચમત્કારિક રીતે એમની ગાડી પાટે ચડી ગઈ. કાગનું બેસવું અને ડાળનું પડવું એ આનું નામ.

શૂજિત સરકાર મૂળ એડમેન. દિલ્હીમાં ઘણાં વર્ષ પસાર કયાર્ પછી એ મુંબઈ આવ્યા. અમિતાભ, શાહરૂખ, આમિર, શાહિદ જેવા ટોપસ્ટાર્સને ચમકાવતી ખૂબ બધી એડફિલ્મ્સ બનાવી. ‘યહાં....’ (૨૦૦૫) એમની પહેલી ફિચર ફિલ્મ. જિમી શેરગિલ અને મિનીષા લાંબાને ચમકાવતી આ ફિલ્મ હતી તો સારી, પણ બોક્સઓફિસ પર ખાસ કંઈ ઉકાળી ન શકી. એ પછી એમણે અમિતાભ બચ્ચનને લઈને બીજી ફ્લ્મિ ડિરેક્ટ કરી ‘શૂબાઈટ’. ફિલ્મ આખેઆખી બનીને રેડી થઈ ગઈ, પણ એ રિલીઝ થાય એ પહેલાં જ અણધાર્યુર્ં વિઘ્ન આવી પડ્યું. બન્યું એવું કે હોલીવૂડમાં ‘ધ સિક્સ્થ સેન્સ’ નામની ધમાકેદાર બ્લોકબસ્ટર બનાવનાર ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઈટ શ્યામલને ‘લેબર ઓફ લવ’ નામની સ્ક્રિપ્ટ લખી હતી. એના પરથી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સવાળા ફિલ્મ બનાવવાના હતા. હિન્દી સિનેમામાં મોટું નામ ગણાતાં યુટીવી બેનરે ‘લેબર ઓફ લવ’ના રિમેકના અધિકારો ફોક્સ પાસેથી ખરીદી લીધા અને સ્ક્રિપ્ટના આધારે ‘શૂબાઈટ’ બનાવી કાઢી. પણ ફોક્સેે યુટીવીને બ્રેક મારીઃ બાપલા, આટલી ઉતાવળ કાં કરો? પહેલાં અમને અંગ્રોજીમાં ઓરિજિનલ ફિલ્મ તો બનાવવા દો. એ બને અને રિલીઝ ન થાય ત્યાં સુધી તમે એની રિમેક (એટલે કે ‘શૂબાઈટ’) રિલીઝ કરી નહીં શકો. વાત તાર્કિક હતી, પણ કમબખ્તી એ થઈ કે ફોક્સવાળાએ ‘લેબર ઓફ લવ’ પરથી આજની તારીખ સુધી અંગ્રોજીમાં ફિલ્મ બનાવી નથી. જ્યાં સુધી એ બનશે નહીં ત્યાં સુધી ‘શૂબાઈટ’ ડબ્બામાંથી બહાર આવશે નહીં!

Amitabh Bachchan in unreleased Shoebite


શૂજિતબાબુ, ખેર, નિરાશ થયા પણ હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. એમણે એડફિલ્મ્સ બનાવવાનું ચાલુ રાખ્યું. વચ્ચે ‘અપરાજિતા’ નામની બંગાળી ફિલ્મ પ્રોડ્યુસ કરી. હવે ‘વિકી ડોનર’ની સફળતા પછી એ એકદમ ફોર્મમાં આવી ગયા છે. હવે પછી એમની ‘જાફના’ નામની ફ્લ્મિ આવશે. જોન અબ્રાહમ આ ફિલ્મનો હીરો અને કોપ્રોડ્યુસર બન્ને છે. જલીયાંવાલા બાગ પર આધારિત એક ફિલ્મ બનાવવાની શૂજિતની તીવ્ર ઈચ્છા છે. સ્ક્રિપ્ટ એમણે રેડી કરી નાખી છે. આ સિવાય પણ કેટલીક ફિલ્મો એમના મનમાં રમી રહી છે. એમનું બેનર બંગાળી અને તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરશે એ લટકામાં.

આ બધાની વચ્ચે શૂજિત એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એ છે અમિતાભ બચ્ચન પર ડોક્યુમેન્ટરી. આ ડોક્યુમેન્ટરીનાં મૂળિયાં યા તો રૉ મટિરીયલ અમિતાભ બચ્ચનની ગુજરાત ટુરિઝમવાળી જાહેરાતોમાં દટાયેલાં છે. ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં...’ કેચલાઈનવાળી તમામ ૧૪ વિજ્ઞાપનો શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. આ એડ્સના શૂટિંગ માટે અલગ અલગ પાંચ તબક્કામાં શૂજિત બિગ બી સાથે ગુજરાતના પચ્ચીસ જેટલાં ગામનગરશહેરોમાં ઘૂમ્યા હતા. આ દિવસોનું પુષ્કળ ફૂટેજ શૂજિત પાસે છે, જેમાં અમિતાભની કેટલીય અવનવી અદા અને મજાની ક્ષણો સગ્રાહાયેલી છે. આ મૂડ્સએન્ટમોમેન્ટ્સને સુંદર રીતે પરોવીને શૂજિત એક દસ્તાવેજી ફિલ્મ બનાવવા માગે છે.

શૂજિત કહે છે, ‘શરૂઆતમાં તો હું ગુજરાતમાં ઠેકઠેકાણે વેરાયેલાં સૌંદર્યને જોઈને ચકિત થઈ જતો હતો, પણ પછી ગુજરાતની સાથે સાથે બચ્ચનસાહેબની પર્સનાલિટીના રંગો પણ મને અભિભૂત કરવા માંડ્યા. એમનું એનર્જી લેવલ, હજારો ચાહકોની ભીડ વચ્ચેય એમની સ્થિરતા, વાણીવર્તનમાં ઝળકતું એમનું આંતરિક તેજ, જીવન પ્રત્યે અને લોકો પ્રત્યેનો એમનો અભિગમ... આ બધું અદભુત છે.  મને થયું કે બિગ બીનું આ જે રૂપ અમે કેમેરામાં કંડાર્યુર્ં છે એ એમના ચાહકો સમક્ષ આવવું જ જોઈએ. આથી મારી પાસે જે કંઈ ફૂટેજ છે એને સુંદર રીતે એડિટ કરીને હું   ‘જોની મસ્તાના’ નામની ડોક્યુમેન્ટરી તૈયાર કરી રહ્યો છું. બચ્ચનસાહેબની પર્સનલ ડાયરીને પણ અમે આમાં વણી લેવાના છીએ. ’

અમિતાભે એકવાર સેંકડો ફૂટ ઊંડામાં ઊતરવાની જીદ પકડી હતી. શરૂઆતમાં સૌને થયું કે એ મજાક કરે છે, પણ સાહેબ સિરિયસ હતા. સલામતીની પૂરતી તકેદારી લઈને બિગ બી માંડ્યા લોખંડના પગથિયાં જેવા પાઈપ પર એક પછી એક પગ મૂકીને અંધારીયા કૂવામાં ઊતરવા. થોડી વારમાં એટલા નીચે ચાલ્યા ગયા કે કેમેરામાં દેખાતા બંધ થઈ ગયા! સૌના જીવ રીતસર અધ્ધર થઈ ગયા હતા. ડોક્યુમેન્ટરીમાં આવો તો ઘણો મસાલો છે.

‘જોની મસ્તાના’, ‘જાફના’ વગેરે આપણે વહેલામોડી જોઈશું જ. સવાલ ‘શૂબાઈટ’નો છે. ફોક્સ અને યુટીવી વચ્ચેની મડાગાંઠ જો વહેલામોડી ખૂલશે તો શૂજિત અને અમિતાભના કોમ્બોવાળી સંભવતઃ સારી ફિલ્મ આપણને જોવા મળશે.

શો-સ્ટોપર

સચિન તેંડુલકર મજાનો માણસ છે અને રાજ્યસભામાં સારા માણસો જાય એ ઈચ્છનીય જ છે. ના, રાજ્યસભાનું નોમિનેશન સ્વીકારીને સચિને કશી ભુલ કરી નથી.

- આમિર ખાન