Saturday, December 25, 2010

તારી આંખનો અફીણી : સંગીત, સ્મૃતિ અને સન્માન

                       દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૨૬ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


                                                કોલમ ઃ મલ્ટિપ્લેક્સ

અજિત મર્ચન્ટે કંપોઝ કરેલાં અને દિલીપ ધોળકિયાએ ગાયેલાં ‘તારી આંખનો અફીણી’ ગીતની ટ્યુન પછી એક કરતાં વધારે હિન્દી ગીતોમાં વપરાઈ હતી, જેમાનું એક ગીત લતાએ ગાયું હતું. આમાંનું એક પણ ગીત ન ચાલ્યું અને ‘તારી આંખનો અફીણી’ અમર થઈ ગયું. ચાલીસ વ્યક્તિઓએ આ ગીતને પોતાના નામ ચડાવવાની ચેષ્ટા કરી છે!૧૯૫૦માં રિલીઝ થયેલી ‘દીવાદાંડી’ નામની એક ફ્લોપ ગુજરાતી ફિલ્મ તમે જોઈ નથી, પણ એનું એક ગીત તમે સાંભળ્યું જ નહીં, રોમેન્ટિક મૂડમાં હો ત્યારે લલકાર્યું પણ છે. દેશવિદેશમાં ફેલાયેલા ગુજરાતીઓનું તે મહાફેવરિટ છે અને આ ગીત દાયકાઓથી એકધારું સંભળાતું અને પર્ફોર્મ થતું રહ્યું છે. એ છે, વેણીભાઈ પુરોહિતે લખેલી યાદગાર રચના ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’. અજિત મર્ચન્ટનું કમ્પોઝિશન અને દિલીપ ધોળકિયાનો સ્વર. પ્રચંડ લોકપ્રિયતાએ આ ગીતને લગભગ લોકગીતની કક્ષાએ મૂકી દીધું છે.આ ગીતને આજે યાદ કરવાનું ખાસ કારણ છે. ચાર દિવસ પછી, એટલે કે ૩૦ ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટ બન્નેને મુનશી સન્માન વડે પુરુસ્કૃત કરવામાં આવશે. એરકન્ડીશન્ડ ઓડિટોરિયમમાં સંગીત અને સ્મૃતિઓની છાકમછોળ ઉડશે. કેટલી બધી સ્મૃતિઓ! આ ગીત કંપોઝ થયું તે દિવસે દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટ બન્ને સ્ટ્રેન્ડ સિનેમામાં ફિલ્મ જોવા ગયેલા. શો પછી અજિતભાઈ કહેઃ દિલીપ, એકએક પેગ લગાવીએ અને પછી બેસી જઈએ કંપોઝ કરવા. દિલીપ ધોળકિયા કહેઃ ના, ઘરે તો જવું પડશે! તેઓ સાંતાક્રુઝ સ્થિત પોતાના ઘરે ગયા, ફ્રેશ થઈને પાછા અજિત મર્ચન્ટને મળ્યા અને પછી બન્નેએ આ ગીત પર કામ કર્યું. રેકોર્ડંિગ વખતે એક જ ટેકમાં દિલીપ ધોળકિયાએ ગીત ગાઈ નાખ્યું હતું.ફિલ્મ તો ખરાબ રીતે પિટાઈ ગઈ, પણ એચએમવી મ્યુઝિક કંપનીએ ગીતોનું આલબમ બહાર પાડતાં જ ગીતે તરખાટ મચાવ્યો. ઘણાએ એમ માની લીધું કે આ ગીત મુકેશે ગાયું છે! તે દિવસોમાં મુકેશે ગાયેલાં કેટલાંક અન્ય ગુજરાતી ગીતો ઓલરેડી લોકપ્રિય થઈ ચૂક્યાં હતાં. અજિત મર્ચન્ટના ફ્લેટની નીચે જ મુકેશ રહેતા. મુકેશનાં પત્ની સરલાબેન ગુજરાતી એટલે મર્ચન્ટ પરિવાર સાથે સારો એવો ઘરોબો. અજિતભાઈનાં બા પાસે સરલાબેન ઘણી વાર બેસવા આવે.


Ajit Merchant
 કોઈએ એવું પણ કહ્યું કે ‘તારી આંખનો અફીણી’ની ટ્યુન તો સ્પેનિશ છે. ‘મુદ્દો એ છે કે સુગમ સંગીતની રચનાઓ ધાર્યા કરતાં ઘણી ગૂઢ છે અને કઈ રચના કેવી રીતે લોકપ્રિય થઈ જશે એ ધારી શકાય નહીં,’ અજિત મર્ચન્ટ એક મુલાકાતમાં કહે છે, ‘આ જ ગીતની ધૂન અજિત મર્ચન્ટે પછી હિન્દી ફિલ્મનાં કોઈ ગીતમાં વાપરી, પણ તે ન ચાલી. સંગીતકાર ચિત્રગુપ્તે ‘ચંદા લોરીયાં સુનાયેં’ ગીતને આ ધૂન આપી હતી. લતા મંગેશકરે ગાયું હતું છતાં એ ગીત ન ચાલ્યું અને ‘તારી આંખનો અફીણી’ અમર થઈ ગયું.’સફળ ચીજ તરફ સારીનરસી બધી બાબતો આકર્ષાય છે. બેપાંચ નહીં, પણ પૂરી ચાલીસ વ્યક્તિઓએ ‘તારી આંખનો અફીણી’ને પોતાના નામ ચડાવ્યું છે! ‘તારી આંખનો અફીણી’ અજિત મર્ચન્ટનું ખુદનું પર્સનલ ફેવરિટ નથી, પણ હસતારમતાં રચાઈ ગયેલાં આ ગીતે એવા વિક્રમો સર્જ્યા કે તેમના બાયોડેટામાં સર્વોચ્ચ સ્થાને હકથી બિરાજમાન થઈ ગયું.
Dilip Dholakia

આ બન્ને મહારથીઓની રાજુ દવે અને નંદિની ત્રિવેદીએ અલગ અલગ લીધેલી મુલાકાતો વાંચવા જેવી છે. ૨૫-૩૦ ફિલ્મોમાં સંગીત પિરસનાર દિલીપ ધોળકિયા સરસ વાત કરે છે, ‘ટેક્નિકલી હું સારો સંગીતકાર કહેવાઉં. ટેક્નિકલી સારા હોવું અને આર્ટિસ્ટિકલી સારા હોવું આ બન્ને વચ્ચે ફર્ક છે. સંગીત એટલે માત્ર ગાવુંબજાવું નહીં. એનું પ્રેઝન્ટેશન પણ જરૂરી છે. સંગીતની ટેક્નિકાલિટીને કારણે આનંદ આપતા આર્ટિસ્ટિક તત્ત્વની બાદબાકી થઈ જતી હોય છે. સંગીતના મિકેનિઝમમાં ઘૂસો એટલે કંપોઝિશનનો આનંદ જતો રહે. ફિલ્મલાઈનમાં હું સારું કમાયો, પણ એક સંગીતકાર તરીકે બહુ ગુમાવ્યું. ખાસ કરીને, આનંદ.’અજિત મર્ચન્ટ અને સઆદત હસન મન્ટો વચ્ચે મિત્રતા હતી. મન્ટો ઘણી વાર અજિતભાઈના ઘરે પહોંચી જતા અને કહેતાઃ બોલ, પીતા હૈ યા પીલાતા હૈ? એક વાર સાયગલને મળવા અજિત મર્ચન્ટ એમના વિસ્તારમાં ગયા તો સાયગલ બહાર ખુલ્લામાં ટેક્સીના બોનેટ પર બેઠા બેઠા ગઝલો ગાતા હતા. કલાકારનો નિજાનંદ અને બેફિકરી આને જ કહેતા હશે!ઘણી બધી યાદો છે. આ ગુરુવારે જ્યાં સન્માન સમારોહ યોજાયો છે તે ભારતીય વિદ્યા ભવન સાથે ઘણા કલાકારોની મધુર યાદ સંકળાયેલી છે. એક સમયે ભવન્સમાં દર મહિને ‘આ માસના ગીત’ નામનો સંગીતમય કાર્યક્રમ યોજાતો. એક વખત અજિત મર્ચન્ટે આ પ્રોગ્રામ કર્યો, જેમાં અજિત શેઠ-નિરૂપમા શેઠે વેણીભાઈએ લખેલાં ‘તારી આંખનો અફીણી’ અને ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકી ને રાત અચાનક મલકી’ ગીતો સંુદર રીતે ગાયાં. તે વખતે અજિત-નિરૂપમા બન્ને હજુ કુંવારાં હતા, પણ આ કાર્યક્રમના થોડા સમય બાદ તેઓ પરણી ગયાં. આ જ ઈવેન્ટમાં નાટ્યકર્મી કાંતિ મડિયા ઉપરાંત નીતિનાબહેને પણ ભાગ લીધો હતો. બસ, કાર્યક્રમ બાદ એ બન્ને પણ પતિપત્ની બની ગયાં. ‘તારી આંખનો અફીણી’ની જબરદસ્ત રોમેન્ટિક અપીલનાં આના કરતાં ચડિયાતાં ઉદાહરણો બીજાં કયાં હોવાનાં!

શો સ્ટોપર

જબ રેશમા કી જવાની આઈ તબ હમ બચ્ચેં થે. અબ શીલા કી જવાની આઈ તબ હમારે બચ્ચેં હૈં. યે લડકીયાં સહી વક્ત પે જવાન ક્યું નહીં હોતી?

- એક તોફાની એસએમએસ

Friday, December 24, 2010

મિડ-ડે રિવ્યુઃ તીસ માર ખાન

મિડ-ડે તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


દસ માર ખાન


આ ફિલ્મી થાળીમાં માત્ર કોમેડીની આઈટમો અને નાચગાના છે, લાગણીસભર વાનગીની સદંતર ગેરહાજરી છે. ‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’ની તુલનામાં આ ફિલ્મ નિરાશાજનક પૂરવાર થાય છે.

રેટિંગ ઃ બે સ્ટારફિલ્મમાં તોફાની ફરાહ ખાને બોલીવૂડની ઈનહાઉસ જોક જેવો તકિયા કલામ અક્ષયકુમારના મોઢે મુક્યો છેઃ ‘ખાનોં મેં ખાન? તીસ માર ખાન.’ ફિલ્મનું રિઝલ્ટ આવ્યા પછી શાહરૂખ ખાન મૂછમાં મલકવાનો. ફરાહે આ વખતે પહેલી વાર શાહરૂખ વગર ફિલ્મ બનાવી અને અક્ષય પાસે શાહરૂખ જેવો કરિશ્મા નથી જ તે વાત પૂરવાર કરી બતાવી. ફરાહે ડિરેક્ટ કરેલી ‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’માં કમર્શિયલ હિન્દી સિનેમાની મસાલેદાર ફોર્મ્યુલાઓનું ચટાકેદાર સેલિબ્રેશન હતું. ‘તીસ માર ખાન’નો મસાલો આગલી બે ફિલ્મોની તુલનામાં ફિક્કો સાબિત થાય છે.


ચોર મચાયે શોરફિલ્મની શરૂઆત મજાની છે. મા (અપરા મહેતા, બહુ સરસ) મારધા઼ડવાળી હિન્દી ફિલ્મોની જબરી શોખીન છે. તેના ગર્ભમાં રહેલું બાળક (જે મોટું થઈને અક્ષયકુમાર બને છે) અત્યારથી જ ન શીખવાનું શીખવા માંડે છે. જન્મતાંની સાથે ડોક્ટરની ઘડિયાળ અને નર્સની ચેન ચોરી લેનાર બેબી અક્ષય મોટો થઈને, નેચરલી, અઠંગ ચોર-ઉઠાવગીર બને છે. આ વખતે એણે અબજો રૂપિયાનો ખજાનો ચાલુ ટ્રેનમાંથી લૂંટવાનો છે. બસ, આ મિશન પાર પાડવા માટે તે જે ઉધમપછાડ કરે છે તે વિશેની આ ફિલ્મ છે. કેટરીના કૈફ સી-ગ્રેડમાં કામ કરતી એકટ્રેસ છે, જે અક્ષયની ગર્લફ્રેન્ડ છે. ‘રોડીઝ’ શોથી ફેમસ થયેલા ટકલા ટિ્વન્સ અક્ષયના બોસ છે. આ સિવાય ચક્રમ સુપરસ્ટાર અક્ષય ખન્ના છે, ત્રણેક ભાઈલોગ છે, ફિલ્મમાં કામ કરવા ગાંડું થયેલું આખું ગામ છે, અડબૂથ પોલીસ છે, ગૅ સીબીઆઈ ઓફિસરો છે, આઈટમ સોંગ્સ છે અને મજેદાર કર્ટન કૉલ છે.જુવાન શીલા, ઘરડી કોમેડી‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’માં એવું શું હતું જે ‘તીસ માર ખાન’માં નથી? અફકોર્સ, શાહરૂખ સિવાય? ઈમોશનલ પંચ. કમર્શિયલ સિનેમાની મિક્સ વેજ સબ્જીમાં લાગણીઓનો વઘાર. ‘મૈં હૂં ના’માં ભાઈભાઈ વચ્ચેનો સ્નેહ હતો તો પુનર્જન્મની કહાણી કહેતી ‘ઓમ શાંતિ ઓમ’માં બિછડે હુએ પ્રેમીનો દર્દ-એ-ડિસ્કો હતો. ‘તીસ માર ખાન’ની ફિલ્મી થાળીમાં માત્ર કોમેડીની આઈટમો અને નાચગાના છે, દર્શકના હ્યદયને થોડીઘણી પણ સ્પર્શી શકે એવા લાગણીસભર તત્ત્વોની સદંતર ગેરહાજરી છે. પાત્રો સાથે પ્રેક્ષકો અનુસંધાન કે અનુકંપા અનુભવી શકતા નથી. તેને લીધે ‘તીસ માર ખાન’ અક્ષયકુમારની એક ટિપિકલ કોમેડી ફિલ્મ બનીને રહી જાય છે.પહેલી અડધી કલાકમાં જ તમે ‘શીલા કી જવાની’ દેખાડી દો છો અને ઓડિયન્સને કહી દો છો કે અક્ષય શી રીતે ટ્રેન લૂંટવાનો છે. પછી કોઈ પણ અણધાર્યા ટિ્વસ્ટ્સ-ટર્ન્સ વગર એક્ઝેક્ટલી એ જ રીતે તમે ફિલ્મ આગળ ધપાવતો રહો છો. આમાં પ્રેક્ષકોને મજા કેવી રીતે આવે અને શું કામ આવે? સ્કીનપ્લેની આ સૌથી મોટી નબળાઈ છે, જે ફિલ્મને ભારે પડી જાય છે. પટકથા-સંવાદો શિરીષ કુંદર અને અશ્મિત કુંદરે (અનુક્રમે ફરાહના પતિદેવ અને દિયર) લખ્યા છે અને તે ફિલ્મના મોટા માઈનસ પોઈન્ટ્સ બની રહે છે. ફિલ્મની સ્ટોરી એક જૂની હોલીવૂડની ફિલ્મમાંથી ઉઠાવાઈ છે છતાં આ હાલ છે. રમૂજી દશ્યો એક મર્યાદા સુધી જ અપીલ કરે છે. આખી ફિલ્મ માત્ર એક જ મહાલૂંટ ફરતે ગોળ ગોળ ફર્યા કરે છે.અક્ષય પોતાની માને ગુંડી કહે છે અને પ્રેમિકાને કમીની. ખલનાયકો તેના માટે દો હંસો કા જોડા છે. વિલનો કન્જોઈન્ડ એટલે કે કમરેથી જોડાયેલા ટિ્વન્સ છે અને તેમાં એક પ્રકારનું નાવીન્ય છે, કોમેડી માટે અહીં ઘણી શકયતાઓ હતી, પણ ફિલ્મમાં આ એલીમેન્ટ વેડફાઈ ગયું છે. ‘સ્લમડોગ મિલ્યનેર’ ફિલ્મ અનિલ કપૂરની પહેલાં શાહરૂખને ઓફર થઈ હતી તે વિગત અને શાહરૂખની પીઠના દુખાવાની ફિલ્મમાં સારી એવી ખિલ્લી ઉડાવવામાં આવી છે. અહીં હોલીવૂડ ડિરેક્ટર મનોજ નાઈટ શ્યામલન બદલાઈને મનોજ ડે રામલન થઈ જાય છે અને ‘જય હો’, ‘ડે હો’ થઈ જાય છે. ફરાહ ખાને ‘ઓમ શાંતિ ઓમ’માં મનોજકુમારની મશ્કરી કરી હતી. આમાં એણે ડેની ડેંગ્ઝપ્પા જેવા સિનિયર એક્ટરને અપમાનિત કરી નાખ્યા છે.ફિલ્મની પૅસ જોકે સારી છે. આ ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’ ટાઈપની ભંકસ કોમેડી કરતાં તો સારી છે. અક્ષયકુમાર આ ફિલ્મમાં પાછો ફૉર્મમાં આવી ગયો છે. કોમેડી અક્ષયનો ગઢ ગણાય. કેટરીનાએ નાચવા ઉપરાંત પોતાને જેવી આવડે એવી ગાંડીઘેલી એક્ટિંગ કરી છે. ફરાહ ઉછળી ઉછળીને મિડીયાને કહ્યાં કરતી હતી કે ‘શીલા કી જવાની’ ગીત માટે કેટરીના ભયંકર મહેનત કરીને બૅલી ડાન્સિંગ શીખી છે. ક્યાં છે બૅલી ડાન્સિંગ? આના કરતાં અનેકગણું ચઢિયાતું બૅલી ડાન્સિંગ તો ટીવીના ટેલેન્ટ શોઝના સ્પર્ધકો ઓડિશન રાઉન્ડ્સમાં કરે છે. અલબત્ત, આ ગીત જમાવટ કરે છે એ તો સ્વીકારવું પડે. ગીતસંગીત અને નાચગાના ફરાહની ફિલ્મોમાં ન જામે તો ક્યાં જામવાનાં? જોકે સલમાન ખાનવાળું ધરાર ઘુસાડેલું આઈટમ સોંગ બીજી જ મિનિટે ભુલાઈ જાય એવું છે.ફિલ્મનું સરપ્રાઈઝ પૅકેજ તો ઓસ્કરક્રેઝી સુપરસ્ટારની ભુમિકા એણે બિન્દાસપણે ભજવનાર અક્ષય ખન્ના છે. ફરાહ જેવી મજેદાર ઍન્ડ ક્રેડિટ્સ બીજું કોઈ આપી શકતું નથી. અહીં ઓસ્કર ફંકશનમાં પ્રોડ્યુસરોથી માંડીને સ્પોટબોય્ઝ સુધીના સૌ અવોર્ડ્ઝ ઉસરડી જાય છે.જો તમે અક્ષયના મહાફૅન હો યા તો જીવનમાં કરવા માટે બીજું કોઈ બહેતર કામ ન હોય તો જ આ ફિલ્મ જોજો. બાકી મોટી સ્ક્રીન હોય કે ટીવી સ્ક્રીન, શીલાની જુવાની બન્ને પડદે સરખી જ દેખાવાની છે.
000

મિડ-ડે રિવ્યુઃ ટૂનપુર કા સુપરહીરો

મિડ-ડે તા ૨૫ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

સિર્ફ બચ્ચાપાર્ટી કે લિએહાફ લાઈવ - હાફ એનિમેશનનો અખતરો અદભુત નથી, પણ પ્રયત્ન સારો છે. બચ્ચાપાર્ટીને આ ફિલ્મ મજા કરાવશેરેટિંગઃ બે સ્ટાર


અર્ધકાર્ટૂન ફિલ્મમાં જ્યાં જુઓ ત્યાં ‘ટૂન’નું  સામ્રાજ્ય છવાયેલું છે. શહેરનું નામ ટૂનપૂર છે, જેમાં ભલાભોળા દેવટૂન્સ વસે છે અને ટૂનાસૂરો કાળો કેર વર્તાવી રહ્યા છે જેમને મારવા માટે ટૂનાસ્ત્રનો પ્રયોગ કરવો પડે છે. અહીંના ભગવાન ટૂનેશ્વર છે અને રબદેવ યમદેવનું કામ કરે છે. કોઈ કાર્ટૂન કેરેક્ટરનું આયુષ્ય પૂરૂં થાય એટલે રબદેવ એને રબ (આરયુબી) કરી નાખે છે એટલે કે ભૂસી નાખે છે. આ બધું બહુ ક્યુટ લાગે છે.ભારતની આ સૌથી પહેલી લાઈવ -એકશન એનિમેશન ફિલ્મ છે. જો તમારી ઉંમર બાર વર્ષ કરતાં ઓછી હશે તો તમને આ સ્વાગત મીઠું લાગશે. જો તમે આ વયજૂથમાં સ્થાન પામતા નહીં હો તો આ ફિલ્મ તમને અપીલ કરવાની નથી. હોલીવૂડ ‘કિડ્ડી ફિલ્મ્સ ફોર એડલ્ટ્સ’ બનાવવા માટે મશહૂર છે. તેની એનિમેશન ફિલ્મો મોટેરાઓને પણ જલસો કરાવી દે તેવી મજેદાર હોય છે. જો ‘ટૂનપૂર કા સુપરહીરો’નું લક્ષ્ય આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાનું હોય તો સફળતા ખાસ્સી દૂર રહી ગઈ છે. બાકી બચ્ચાપાર્ટી માટે આ ફિલ્મ મજાની છે.કોન હૈ અસલી, કૌન હૈ નકલીઅહીં સમાંતરે બે વિશ્વો છે. એક માણસોની દુનિયા અને બીજી કાર્ટૂનોની દુનિયા એટલે કે ટૂનપુર. ટૂનપુરમાં સારાં કાર્ટૂન અને ખરાબ કાર્ટૂન સામસામાં બાખડતાં રહે છે. અજય દેવગણ ‘નોર્મલ’ ફિલ્મી હીરો છે. કાજોલ તેની વાઈફ છે. એમના દીકરાને ખબર છે કે સ્કીન પર દેખાતા અજબગજબના સ્ટંટ વાસ્તવમાં સ્ટંટમેન કરે છે, ડેડી તો ફૅક હીરો છે. જોકે પેલા ભલા કાર્ટૂનોને સચ્ચાઈની જાણ નથી. ટૂનાસૂરોનો મુકાબલો કરવા માટે તેમને બહાદૂર સેનાપતિની જરૂર છે. તેઓ અજય દેવગણને કિડનેપ કરે છે અને પછી શરૂ થાય છે ઢીશુમ ઢીશુમ. છેલ્લે અજય પોતાના દીકરા અને કાર્ટૂનો બન્નેની નજરમાં અસલી હીરો પૂરવાર થાય છે.પ્રામાણિક પ્રયત્નટૂનપુરના કાર્ટૂન કેરેક્ટર્સં આમ તો બીબાંઢાળ છે. જેમ કે, એક સરદાર બાળક છે જે અંતમાં ‘કુછ કુછ હોતા હૈ’નો ડાયલોગ ફટકારે છેઃ તુસી જા રહે હો? તુસી ના જાઓ. એક જાડી પાડી ગુજરાતણ ‘બિગ બેન’ છે, જે ચોવીસે કલાક હાથમાં વેલણ ઝાલી રાખે છે અને ઢોકળા-પાતરાંની વાતો કર્યાં કરે છે. એક ગપ્પી છે, જે કાયમ રાગડા તાણતો અને શરીરે ઢગલાબંધ ઘરેણાં લટકાવી રાખે છે. (જેના પરથી આ પાત્ર પ્રેરિત છે તે ભપ્પી લહેરી, સાંભળ્યું છે કે, ફિલ્મના મેકરોથી ખફા થઈ ગયા છે.) એક પાંડુ હવાલદાર ટાઈપનો મરાઠી પોલીસ છે, સાઉથ ઈન્ડિયન સાયન્ટિસ્ટ છે, મોટી મોટી આંખો અને કલાત્મક વણાંકોવાળી હિરોઈન છે, હોઠ ચા રાખીને ‘પાઉટ’ કરતી કામુક વેમ્પ મોનિકા છે, કાયમ બકબક કર્યા કરતો બકબકાસુર છે વગેરે. આ કિરદારોની ઉધમપછાડમાં કશું નવું નથી, પણ બચ્ચેલોગને કિલકિલાટ કરી મૂકવા માટે પૂરતું છે.ફિલ્મમાં ખાસ કરીને ‘અસલી દુનિયા’ની કેટલીય સિકવન્સીસ જમાવટ કરી શકી હોત. જેમ કે, ટૂનપુરની વેબસાઈટ દ્વારા દેવટૂન્સ અને અજયના બાળકોનો કોન્ટેક્ટ થવો, અજયનાં બીવીબચ્ચાં સાથે કાર્ટૂનોનો પહેલીવાર આમનોસામનો વગેરે. ફિલ્મના ઈન્ટરવલ પોઈન્ટ ફિસ્સો છે. ગીતો ઠીક છે. તેનું પ્લેસિંગ બહેતર હોઈ શક્યંુ હોત. એનિમેશન ફિલ્મોમાં સંવાદો સૉલિડ રમૂજી અને ધારદાર પંચવાળા હોવા જોઈએ. અહીં સંવાદલેખન સહેજે પ્રભાવિત કરતું નથી.ફિલ્મની ક્લાઈમેક્સ સૌથી રોમાંચક છે. તેમાં અજય દેવગણે એક ટિપિકલ વિડીયો ગેમમાં એન્ટર થઈને, પોઈન્ટ્સ કલેક્ટ કરતાં કરતાં એક પછી એક લેવલ વટાવતા જઈને પોતાનાં બાળબચ્ચાંને બચાવવાનાં છે. બાકી ‘કાળા માથાના માનવીઓની દુનિયા’માં જે કંઈ હ્યુમર અજમાવાયું છે તે ધા મોંએ પટકાય છે. કાજોલ વાસ્તુશાસ્ત્રમાં ગાંડાની જેમ માને છે, પણ એની આ ઈરિટેટિંગ લાક્ષાણિકતા અચાનક ગાયબ થઈ જાય છે. કાજોલ આ મામૂલી રોલમાં ભયાનક રીતે વેડફાઈ છે. ખેર, બચ્ચા-ઓડિયન્સને આનાથી કશો ફર્ક પડતો નથી. એમને તો સુપરહીરોમાં રસ પડે અને તે કિરદારમાં અજય દેવગણ ઓકે છે.કિરીટ ખુરાનાએ ડિરેક્ટ કરેલી ‘ટૂનપુર કા સુપરહીરો’ પરફેક્ટ ટાઈમે રિલીઝ થઈ છે. ક્રિસમસ વેકેશન માણી રહેલાં કચ્ચાંબચ્ચાંને આ ફિલ્મમાં મજા કરાવશે. હાફ લાઈવહાફ એનિમેશનનો આ અખતરો અદભુત નથી, લેકિન કોશિશ અચ્છી હૈ. બાળકો અને તેમનાં મમ્મીપપ્પાઓ બધાં સાગમતે એન્જોય કરી શકે તેવી ઈન્ડિયન એનિમેશન ફિલ્મ ભગવાન જાણે ક્યારે આવશે.

0 0 0

અમદાવાદ એટલે કે...

ચિત્રલેખા અંક તારીખ ?? જાન્યુઆરી ૨૦૧૧ માટે

અમદાવાદ બતાવું ચાલો...


સ્લગઃ વાંચવા જેવું

જહેમતપૂર્વક તૈયાર થયેલા આ પુસ્તકમાં અમદાવાદ શહેરનાં કેટલાંય સ્પંદનો, દષ્ટિકોણો અને ઈતિહાસના લસરકા શબ્દસ્થ થયાં છે. આ પુસ્તક અમદાવાદના ચેતનાતંત્રનો એક્સ-રે પણ છે અને પેઈન્ટિંગ પણ છે.

ગામી ફેબ્રુઆરીમાં અમદાવાદ શહેરનો સ્થાપના દિન આવી રહ્યો છે. અમદાવાદનો છસ્સોમો બર્થડે! આ નિમિત્તે અમદાવાદને એક કાવ્યાત્મક ભેટ એડવાન્સમાં મળી છે ‘અમદાવાદ બતાવું ચાલો’ નામના આ પુસ્તક સ્વરૂપે. કવિ-લેખકોને પોતાના વતન અને કર્મભૂમિ પ્રત્યે કંઈક વિશેષ લગાવ રહેતો હોય છે. નગરકાવ્યો ખૂબ લખાયાં છે, આખી દુનિયામાં સતત લખાતાં રહ્યાં છે. વોલ્ટ વ્હીટમેને ન્યુયોર્ક શહેર વિશે અને વિલિયમ વર્ડ્ઝવર્થે લંડન વિશે એકાઘિક કવિતાઓ લખેલી. અત્યારે વાત અમદાવાદ વિશેનાં કાવ્યોની થઈ રહી છે અને મજા એ વાતની છે કે કોઈ એક જ શહેરને કેન્દ્રમાં રાખીને આખેઆખો કાવ્યસંગ્રહ બહાર પડ્યો હોય તેવો ગુજરાતી સાહિત્યનો આ સંભવતઃ પહેલો પ્રસંગ છે.અમદાવાદ વિશેનાં ગીતોની વાત નીકળે ત્યારે સૌથી પહેલું કોનું સ્મરણ થાય? રમરમાટ દોડતી રિક્ષામાં મસ્ત બનીને ‘હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવ્વાણુ નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો...’ ગીત ગાતા અલ્લડ યુવાન અસરાનીનું! અમદાવાદ વિશેનું આ સૌથી લોકપ્રિય અને અમર ગીત છે. ‘માબાપ’ ફિલ્મ માટે અવિનાશ વ્યાસે રચેલાં આ ગીતની ચહેરા પર સ્મિત ફરકાવી દે તેવી એક કડી જુઓ -

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય


જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાનામોટાં ખાય...


રાત પડે ત્યારે માણેકચોકની અંદર જયાફત ઊડે


અરે પાણીપુરી ને કુલ્ફી ભજિયાં, શેઠમજૂર સૌ ઝૂડે...આના જેટલું જ અને લગભગ લોકગીતની કક્ષાએ પહોંચી ગયેલું અને શરીરને થરકારી દેતું ‘એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ’ ગીત પણ અવિનાશ વ્યાસે જ રચ્યું છે, ‘સંતુ રંગીલી’ ફિલ્મ માટે. જો આ બે જ કૃતિઓ અમદાવાદનું આવું ઝમકદાર ચિત્ર પેશ કરતું હોય તો કલ્પના કરો કે પ્રસ્તુત સંગ્રહમાં ૯૪ કવિઓની રચનાઓમાં આ શહેરના કેટકેટલા શેડ્ઝ ઝીલાયા હશે! આદિલ મન્સૂરીએ એકલા માણેકચોક વિશે આખી કવિતા લખી છે. માત્ર ભાવજગત નહીં, કાવ્યની રચનારીતિમાં પણ પુષ્કળ વૈવિધ્ય છે. જેમ કે, બ. ક. ઠાકોરે શાર્દૂલવિક્રીડિત છંદમાં કાવ્ય લખ્યું છે તો જયંત જી. ગાંધી ‘કુસુમાયુધે’ સવૈયા છંદમાં અભિવ્યક્તિ કરી છે. મણિલાલ દેસાઈએ ગદ્યકાવ્ય લખ્યું છે, તો હરદ્વાર ગોસ્વામી અને અલ્પ ત્રિવેદીએ મુક્તકો લખ્યાં છે. અહીં હાઈકુઓ પણ છે, રમેશ પટેલે રચેલાં.ભવાઈવેશો ગુજરાતની આગવી ઓળખ છે. અસાઈત ઠાકર રચિત ૩૬૦ જેટલા ભવાઈવેશોમાંથી જે થોડાક સચવાયા છે એમાંના એકનો નશીલો અંશ જુઓઃકાકરિયે મેં કાલા પાની, તાથૈ (૨)
બીચ નગીના વાડીમાલી સીંચે મોગરાં, મતબાલા પીવે તાડી, તાથૈતાડી પી મતબાલા હોવે, તાથૈ (૨)
ભર ભર પીને તરીયાં...

ખરેખર, ભવાઈને દારૂબંધી કે તાડીબંધી સાથે શું લાગેવળગે! અમદાવાદ વિશેનાં કાવ્યો હોય અને તેમાં ડાયાસ્પોરા ગુજરાતીઓનો અવાજ ન હોય તેવું કેમ બને. ગીતા ભટ્ટ શું લખે છે?

રસ્તામાં ચીપ ટિકિટ લીધી હતી ને? પહેલાં ઊંધાં પૂગ્યાં


શિકાગોથી કેલિફોર્નિયા ને ત્યાંથી ન્યુયોર્ક વળિયાં


ત્યાંથી ઊડ્યાં યુરોપ ભણી ને મિડલ ઈસ્ટમાં ઘૂમ્યાં


કુવૈત-શાહજાહ-દુબઈ-જોર્ડન કંઈક બખાળા કીધા


કંઈક નવું ને કંઈક પુરાણું એ બધ્ધુંય સાથ લઈને


અમે અમેરિકાથી અમદાવાદ જવા આવી રીતે રખડિયાં.આ સંગ્રહમાં માત્ર મસ્તી અને રમૂજ છે એવું ન માનશો. અહીં ગુલાબી ચશ્માં પહેરીને અમદાવાદને માત્ર મુગ્ધ દષ્ટિએ નિહાળવાનો કોઈ આશય નથી. આ પુસ્તકમાં નિર્ભાન્તિ છે, પીડા છે અને પાર વગરનો આક્રોશ પણ છે. આ શહેર એટલી વેદના જન્માવી શકે છે કે ચિનુ મોદીએ કહેવું પડે છે

આ શ્હેરકિયા જનમનું લેતું વેર?હું એને છોડી શકું નહીંઅને એક ક્ષણ
અહીં મૂંઝારા વગર જીવી શકું નહીં.
‘જબ કૂત્તે પે સસ્સા આયા’વાળા સંદર્ભને રવીન્દ્ર પારેખ આ રીતે ચોટદાર ટિ્વસ્ટ આપે છે -

કૂંતરાંને ભગાડવામાં અહીંના સસલાંઓ

એટલે દૂર નીકળી ગયાં છે કે

કૂતરાં પાછાં આવી ગયાં છે, 

પણ સસલાં પાછાં ફર્યાં નથી.તો ભાવેશ ભટ્ટ ‘મન’ ધારદાર સવાલ કરે છે -

એક સસલાએ કૂતરા પર મારેલી તરાપની


સજા ભોગવી રહ્યું છે?


૬૦૦ વર્ષથી.લોહિયાળ સ્ખલનો અનુભવી ચૂકેલાં આ શહેર પર શું કાયમ અશુભનો ઓથાર ઝળુંબતો રહે છે? એ સિવાય અંકિત ત્રિવેદી શા માટે એવું કહે કે

કેમ બધું સરખું ચાલે છે, કઈ તૈયારી રાહ જુએ છે?!


શહેરની ચુપકિદી પાછળ શું મારામારી રાહ જુએ છે!નિરંજન ભગતે ૧૯૫૧માં લખેલુંઃ

આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધૂંવા


રૂંધાય જ્યાં મનુષ્યનાં રુંવેરુંવાં


ન શ્હેર આ, કુરુપની કથા,


ન શ્હેર આ, વિરાટ કો’ વ્યથા.પણ ધીરુ પરીખ આ વાત સાથે સહમત નથી. એટલેસ્તો તો તેમણે નિરંજન ભગતની ઉપરોક્ત રચનાને જવાબ આપતું પ્રતિકાવ્ય લખ્યું જેની શરૂઆત જ આ રીતે થાય છેઃહું નગર


નરી વિરૂપની કથા?‘અભિયાન’ સાપ્તાહિક સાથે સંકળાયેલા દિનેશ દેસાઈની જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને અમદાવાદ છે. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક માટે મેં લાઈબ્રેરીઓમાં જઈને અમદાવાદ વિશે લખાયેલાં શક્ય તેટલાં વધારે કાવ્યો શોધ્યાં. કેટલાક કવિઓને ખાસ આમંત્રણ આપ્યું અને કવિતાઓ લખાવી. બહુ સંતોષકારક રહ્યો આ અનુભવ. હવે હું વડોદરા, સુરત અને રાજકોટ વિશેની કવિતાઓના આ જ પ્રકારના સંગ્રહો પર કામ કરી રહ્યો છું.’જહેમતપૂર્વક તૈયાર થયેલા આ પુસ્તકમાં અમદાવાદ શહેરનાં કેટલાંય સ્પંદનો, દષ્ટિકોણો અને ઈતિહાસના લસરકા શબ્દસ્થ થયાં છે. આ પુસ્તક અમદાવાદના ચેતનાતંત્રનો એક્સ-રે પણ છે અને પેઈન્ટિંગ પણ છે. કેટલીક જોડકણાં જેવી કાચી રચનાઓ ટાળી શકાઈ હતી તો સંગ્રહ ઓર ખૂબસૂરત બનીને નિખર્યું હોત. હવે પછીના નગરકાવ્ય સંગ્રહોની ઉત્સુકતા રહેશે એ તો નક્કી.

(સંપાદકઃ દિનેશ દેસાઈ - જયશ્રી દેસાઈપ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,

રતનપોળ નાકા સામે,


ગાંધી માર્ગ,

અમદાવાદ - ૩૮૦૦૦૧


ફોનઃ (૦૭૯) ૨૭૪૯ ૭૧૯૫


કિંમતઃ રૂ. ૧૨૫/


કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૨૦૦)

Friday, December 17, 2010

મિડ-ડે રિવ્યુ ઃ મિર્ચ

મિડ-ડે તા. ૧૮ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

સ્ત્રીચરિતરઅહીં આડા સંબંધો અને કામુક દશ્યોની રેલમછેલ છે. આમ છતાં આ કંઈ રેગ્યુલર ટાઈમપાસ મનોરંજક જોણું નથી. આ એક ટિપિકલ મલ્ટિપ્લેક્સ મૂવી છે.રેટિંગઃ અઢી સ્ટારગળે ફૂલોની માળા, બન્ને હાથ પર ફૂલોના બાજુબંધ, ઝૂંપડાની બારીમાંથી દેખાતા દૈદિપ્યમાન ચંદ્રમાની નીચે ઝળહળી રહેલું સુંદર સરોવર, માત્ર સફેદ સાડી વીંટાળીને ચટાઈ પર સૂતેલી રાઈમા સેન અને એની અર્ધખુલી પીઠ અને શરીરના વણાંકો પર કામુક રીતે ફરતો કેમેરા. ફિલ્મના ઈરોટિક માહોલને સરસ રીતે એસ્ટાબ્લિશ કરી દેવા માટે આટલું પૂરતું છે. બેકગ્રાઉન્ડમાં ગૂંજતા ગીત શબ્દો પરથી તમને સમજાય છે કે ઉન્માદ અનુભવી રહેલી સ્ત્રી તેના પ્રેમીની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહી છે (આ ગીત શશી કપૂરની ફિલ્મ ‘ઉત્સવ’ની યાદ અપાવે છે). પ્રેમી ખાટલાની ઉપર ફેલાઈને પડ્યો છે, ખાટલા નીચે પતિ રાજપાલ યાદવ છૂપાયેલો છે. પ્રેમી સાથે રંગરાગ ખેલતા પહેલા ચાલાક રાઈમા ઉસ્તાદીપૂર્વક કશીક વાર્તા ઉપજાવી કાઢે છે અને તે સાંભળીને રાજપાલ ગદગદ થઈ જાય છેઃ વાહ રે ભગવાન.. મારી પ્રેમાળ પત્નીને મારા લાંબા આયુષ્યની કેટલી પરવા છે! ચારિત્ર્યહીન પત્ની, એની ધૂર્તતા અને બાઘ્ઘા પતિની નાસમજી આ બાબતો ફિલ્મની હવે પછીની કથાઓમાં સતત પુનરાવર્તિત થતું રહેવાનું છે, અલગ અલગ સ્વરૂપોમાં.વેલકમ ટુ ધ વીમેન્સ વર્લ્ડ! ફિલ્મમેકર વિનય શુક્લાએ અગાઉ ‘ગોડમધર’ ફિલ્મમાં સ્ત્રીની મર્દાના બાજુ અસરકારક રીતે પેશ કરી હતી, તો આ વખતે તેમણે સ્ત્રીની બેવફાઈભરી છળકપટ કરી શકવાની વૃત્તિ પર ફોકસ કર્યું છે. એક ફિલ્મ, ચાર વાર્તાઓ. અહીં અડધો એકસ્ટ્રા સ્ટાર ફિલ્મના રસપ્રદ ફોર્મેટ અને હિંમતવાન ‘નોન-કમર્શિયલ’ અપ્રોચ માટે.

વજાઈના મોનોલોગ્સઅરુણોદય સિંહ (જેને તમે ‘માહી વે’ સિરિયલ અને ‘આયેશા’ ફિલ્મમાં કદાચ જોયો હશે) એક ફિલ્મ રાઈટર છે, જે ડિરેક્ટર સુશાંત સિંહને લેપટોપ પર જોતાં જોતાં પતિને છેતરતી ચાર સ્ત્રીઓની વાર્તાઓ એક પછી એક સંભળાવતો જાય છે. રાઈમારાજપાલ પછીની બીજી વાર્તા યુવાન રાણી (કોંકણા સેન શર્મા) અને તેને સંતોષ ન આપી શકતા ઘરડા રાજા (પ્રેમ ચોપરા) વિશેની છે. કોંકણા ચતુરાઈથી રાજાની આંખોની સામે પોતાના પ્રેમી સાથે સંભોગ કરે છે. ઈન્ટરવલ પછીની બે વાર્તાઓ શહેરી છે. શ્રેયસ તળપદેની પત્ની રાઈમા સેન પ્રેમી સાથે બિન્દાસ કામક્રીડા કરે છે. રંગેહાથ ઝડપાય છે ત્યારે ‘લે! મારી સાથે બિસ્તરમાં તું નહોતો?’ કહીને લટાના શ્રેયસને ગિલ્ટી ફીલ કરાવે છે. છેલ્લી વાર્તા રંગીન મિજાજ સિંધી બિઝનેસમેન (બોમન ઈરાની) અને ચારિત્ર્યવાન હોવાનો ઢોંગ કરતી તેની પત્ની (અગેન, કોંકણા) વિશેની છે. ચારેયમાં પતિને પોપટ બનાવતી ઉસ્તાદ પત્નીઓ કોમન છે.

આડા-µભા-ત્રાંસા સંબંધો‘ફિલ્મ વિધિન ફિલ્મ’ ફોર્મેટ નવું નથી. ‘મિર્ચ’ ફિલ્મમેકિંગ વિશેની ફિલ્મ છે પણ નહીં. અહીં ફિલ્મમેકિંગની પ્રક્રિયા એક સ્માર્ટ ડિવાઈસ તરીકે યા તો ચાર ટુકડાઓને જોડતા સાંધા તરીકે વપરાઈ છે. આદર્શવાદી લેખક હીરો અહીં ‘સેક્સ્યુઅલ એન્ડ ઈરોટિક ફિલ્મ્સ’નું ગૂગલસર્ચ કરે છે, ડીવીડી જોતાં જોતાં ‘મુગલ-એ-આઝમ’ના પીંછાદાર રોમાન્સ અને ‘પ્યાસા’ના પ્રકાશમય શેરડા વિશે ડિવોર્સી ફિલ્મએડિટર ગર્લફ્રેન્ડ શહાના ગોસ્વામી સાથે ડિસ્કસ કરે છે. દર્શક એક ધારણા એવી બાંધે કે આ રાઈટર-ગર્લફ્રેન્ડ-ડિરેક્ટરનો ટ્રેક પાંચમી વાર્તા તરીકે ભરશે અને બેવફાઈનો ઓર એક રંગ દેખાશે. પણ એવું બનતું નથી. શહાના ગોસ્વામી લગ્ન પહેલાં પતિને અને ડિવોર્સ પછી બોયફ્રેન્ડને વફાદાર છે. ‘મિર્ચ’નું ફોકલ પોઈન્ટ પેલી ચાર વાર્તાઓ બની રહે છે. ફિલ્મ વેરવિખેર થયા વિના કે અસંતુલિત બન્યા વગર ઠીક ઠીક અસર ઉપજાવી શકે છે.શું ‘મિર્ચ’ પુરુષના દષ્ટિકોણથી કહેવાયેલી અને સ્ત્રીને હલકી ચિતરતી જાતિવાદી ફિલ્મ છે? જડ ફેમિનિસ્ટોને આવું જરૂર લાગી શકે. અહીં કામાતુર પત્નીની અતિ ચતુરાઈ, ધૂર્તતા અથવા સાદા શબ્દમાં કહીએ તો સ્ત્રીચરિતરને કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. એક ફિલ્મમેકર પોતાની ફિલ્મમાં સ્ત્રી, પુરુષ, કુદરત કે બીજા કશાની કોઈ એક જ છટાને ચોક્કસ બહેલાવી શકે. એમાં કશું ખોટું નથી. ‘મિર્ચ’ સ્ત્રીચરિતરને નથી જનરલાઈઝ કરતી કે નથી જસ્ટિફાય કરતી. આ ફિલ્મ કશાં તારણો કાઢતી નથી, કશો ન્યાય તોળતી નથી કે કશો મેસેજ આપતી નથી.‘મિર્ચ’ અતિ ગંભીર કે ડિપ્રેસિંગ ફિલ્મ બનતી નથી તેનું કારણ તેનું હ્યુમર છે. રમૂજનો માપસરનો ડોઝ ફિલ્મને હળવી રાખે છે. રાઈમા, કોંકણા અને શહાના આ ત્રણેય અભિનેત્રીઓનું પર્ફોર્મન્સ તગડું છે. સપોર્ટંિગ રોલમાં ઈલા અરૂણ પણ અસરકારક છે. બમન ઈરાનીવાળી વાર્તા નબળી કડી પૂરવાર થવાને કારણે ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી એકવિધતામાં અટવાઈ ગયેલી લાગે છે. કસાયલા શરીરવાળા નવોદિત અરૂણોદય સિંહ માટે દિલ્હી ઠીક ઠીક દૂર છે (બોલીવૂડનો કયો લેખક આવો બોડીબિલ્ડર છે?). વિનય શુક્લાએ પોતાની ડિરેક્ટર તરીકેની કાબેલિયત ‘ગોડમધર’માં પૂરવાર કરી હતી. ‘મિર્ચ’ જેવી ફિલ્મને હેન્ડલ કરવા માટે એક પ્રકારની પરિપક્વતા જોઈએ, જે વિનય શુક્લાએ દેખાડી છે. ફિલ્મના ટેક્નિકલ પાસાં મજાનાં છે. મોન્ટીનું સંગીત બહેતર હોઈ શક્યું હોત.‘મિર્ચ’ ટિપિકલ મલ્ટિપ્લેક્સ મૂવી છે. આડા સંબંધોની વાતો હંમેશા રસપ્રદ હોય છે. એમ તો અહીં સેક્સનાં દશ્યોની પણ રેલમછેલ છે. આમ છતાં આ કંઈ રેગ્યુલર ટાઈમપાસ મનોરંજક જોણું નથી. જો તમે સ્ત્રીપુરુષના સંબંધ વિશે કશુંક ‘હટ કે’ જોવા માગતા હો તો ‘મિર્ચ’ ગમી શકશે.૦ ૦ ૦

મિડડે રિવ્યુઃ ૩૩૨ મુંબઈ ટુ ઈન્ડિયા

મિડ-ડે
તા. ૧૮ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
અબ બસ!


કંગાળ સ્ક્રીનપ્લે, બાલિશ સંવાદો અને રેઢિયાળ ડિરેકશન. ઉદ્દેશ સારો હોવા છતાં આ ફિલ્મ સાચુકલી ૩૩૨ નંબરની બસની મુસાફરી જેવી બોરિંગ પૂરવાર થાય છે.

                                                                રેટિંગઃ દોઢ સ્ટાર

---------------------------------------------------------------------------------

મૈં કિસકી હૂં?ફિલ્મ શરૂ થતાં જ દર્દીલા વિઝયુઅલ્સના બેકગ્રાઉન્ડમાં એક દર્દીલો સ્ત્રીસ્વર લાંબો પ્રલાપ કરે છે અને પછી આવો સવાલ ફેંકે છે. આપણને સમજાય છે કે આ બધું વાસ્તવમાં મુંબઈનગરી ખુદ બોલી રહી છે. એના સવાલનો મતલબ છે, મૈં કિસકી હૂં ઓરિજિનલ મુંબઈકર કી યા નોર્થ ઈન્ડિયા સે આનેવાલોં કી? આપણને સૌથી પહેલાં તો એ જ લાગણી થાય કે પ્લીઝ, અત્યારે મહારાષ્ટ્રીયન અને યુપી-બિહારીઓ વચ્ચેના ટકરાવનો મુદ્દો અત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયો છે ત્યારે શા માટે એને પાછો ઊછાળો છો? શું કામ જૂના ઘા ખોતરીને નવેસરથી પીડા ઊભી કરો છો?ખેર, સિનેમા સામે આ પ્રકારના સેન્ટીમેન્ટ્સ અપ્રસ્તુત છે. સિનેમા મનોરંજન પીરસવા ઉપરાંત જીવાતા જીવનને પડદા પર પ્રતિબિંબિત કરે જ અને તેમાં એની સાર્થકતા પણ છે. આપણે ‘વેનસડે’ અને ‘મુંબઈ મેરી જાન’ જેવી ફિલ્મો જોઈ છે, જેમાં આતંકવાદથી તૂટી ચૂકેલા મુંબઈનું વાસ્તવ અસરકારક રીતે ઝીલાયું હતું. ‘૩૩૨ મુંબઈ ટુ ઈન્ડિયા’ ફિલ્મ પણ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ૨૭ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ રાહુલ રાજ નામના પચ્ચીસ વર્ષના બિહારી જુવાને અંધેરીથી કૂર્લા જતી ૩૩૨ નંબરની બેસ્ટની ડબલડેકર બસ પકડી હતી. ગનના જોરે તેણે બસને બાનમાં રાખી હતી. ખરેખર તો તે યુપી-બિહારીઓને હૈડ હૈડ કરતા રાજ ઠાકરની હત્યા કરવા માગતો હતો. આખરે પોલીસે તેના પર ચાર ગોળીઓ છોડીને એને ઉડાવી દીધો. આ ઘટનાએ તીવ્ર તરંગો સર્જ્યાં હતાં.નિઃશંકપણે આ ઘટનાચક્રમાં પુષ્કળ સિનેમેટિક સંભાવના છે. ખાટલે મોટી ખોડ એ છે કે રાઈટર ચિરાગ જૈન અને ડિરેક્ટર મહેશ પાંડે બેમાંથી કોઈના કામમાં આ સંવેદનશીલ વાતને અસરકારક રીતે પડદા પર પેશ કરવાની પક્વતા નથી. પરિણામે ફિલ્મ અતિ લાઉડ, કંઈક અંશે હાસ્યાસ્પદ અને અંધેરીથી કૂર્લા સુધીની ખરેખરી બસની મુસાફરી જેવી બોરિંગ બની ગઈ છે.બનાવોની બાસુંદીલેખક-દિગ્દર્શકે અહીં સત્યઘટના ફરતે કલ્પનાનું પેકેજિંગ કર્યું છે. એક તરફ ગનધારી યુવાન બસમાં ધમાલ મચાવી રહ્યો છે, બીજી તરફ બિહારની એક હોસ્ટેલમાં એક ભારાડી લોકલ વિદ્યાર્થી મહારાષ્ટ્રીયન છોકરા પર ખૂન્નસ ઉતારી રહ્યો છે, ત્રીજી તરફ બાલાજી ટેલીફિલ્મ્સમાં સિરિયલો લખતો અને આખી વાતને હળવાશથી લઈ રહેલો મૂળ બિહારી યુવાન ધિક્કારનો ભોગ બને છે, ચોથી તરફ એક મુસ્લિમ રિક્ષાચાલક લેવાદેવા વગર દંડાઈ જાય છે, ચોથી તરફ મુંબઈચી મુલગી અને બિહારી બાબુની લવસ્ટોરી આગળ વધી રહી છે અને પાંચમી બાજુ... ઉફ! ટૂંકમાં, એક સાથે અનેક સ્થળે અનેક બનાવો આકાર લઈ રહ્યા છે અને આખરે...ન અસરકારક, ન વિચારપ્રેરકપ્રાંતવાદને ભૂલો, રાષ્ટ્રવાદ જન્માવો. આપણે સૌથી પહેલાં ભારતીય છીએ અને પછી બીજું બધું. ફિલ્મ બનાવનારાઓનો ઉદ્દેશ આ સંદેશને પ્રસરાવવાનો છે, જે શુભ છે. પણ માત્ર સારા ઉદ્દેશથી ગાડું ગબડી જતું હોત તો જોઈએ જ શું. કંગાળ સ્ક્રીનપ્લે, અતિ કંગાળ સંવાદો અને કલ્પનાશીલતાનો સંપૂર્ણ અભાવ ધરાવતું રેઢિયાળ ડિરેકશનને કારણે પડદા પર આકાર લેતા બનાવો અસરહીન અને અતિશયોક્તિસભર લાગ્યા કરે છે. ફિલ્મ પૂરી થયા પછી સ્ક્રીન પર ડિરેક્ટરની ઓળખ ચાંપલી રીતે અપાય છે અ ‘થોટ’ બાય મહેશ પાંડે. પોતે ડિરેક્ટર તરીકેની જવાબદારી બરાબર ઉઠાવી નથી એનું ભાન થઈ ગયું હોવાથી મહેશ પાંડેએ પોતાના ભાગનો જશ માત્ર ‘થોટ’ એટલે કે આઈડિયા પૂરતી સીમિત રાખ્યો હશે? સ્ક્રોલ થતાં એન્ડ ક્રેડિટ્સમાં તો હદ થાય છે. બધાના નામ પછી કૌંસમાં ‘ઈન્ડિયન’ શબ્દ લખાયો છે. ઉદાહરણ તરીકે, કોસ્ચ્યુમ ડિઝાઈનર મણિબેન ચમનભાઈ પટેલ (ઈન્ડિયન), એકશન ડિરેક્ટર છગનભાઈ મગનભાઈ મહેતા (ઈન્ડિયન), સંગીત કનુભાઈ મનુભાઈ શાહ (ઈન્ડિયન). અરે?

સેન્સર બોર્ડના આદેશથી આખી ફિલ્મમાંથી ‘ભૈયા’ અને ‘મરાઠી’ જેવા કેટલાય શબ્દો સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે. આથી ફિલ્મમાં એટલી બધી વાર ઓડિયો ગાયબ થઈ જાય છે કે વાત ન પૂછો. લગભગ બધાં પાત્રો કાર્ડબોર્ડર્ કટઆઉટ જેવાં સપાટ છે અને તેઓ અતિ ખરાબ એકસન્ટ એટલે કે લઢણમાં સંવાદો ફટકારે છે. લાઉડ એક્ટિંગ કરવાની તો જાણે રીતસર સ્પર્ધા ચાલી છે. આધેડ વયનું પ્રેમીપ્રેમિકાનું જોડકું, પોતાની રીક્ષાને ‘મેરા બચ્ચા, મેરા બચ્ચા’ કરતો બચીઓ ભરતો અલી અસગર, ફેન્સી ડ્રેસ કોમ્પિટીશનમાં ભાગ લીધેલા સ્પર્ધક જેવો લાગતો ચીકનો પોલીસ ઓફિસર અને બીજા કેટલાંય એક્ટરો એકબીજાના માથાં ભાંગે એવી ઓવરએક્ટિંગ કરે છે. ડિરેક્ટર મહેશ પાંડે ખુદ બાલાજી ટેલીફિલ્મ્સના રાઈટર રહી ચુક્યા હોવાથી આ ફિલ્મમાં એમણે એકતા કપૂરની મસ્ત આરતી ઉતારી છે. ટીવી રાઈટરનો પેલો અર્થહીન બેડરૂમ સીન શું કામ ધરાર ઘુસાડવામાં આવ્યો છે તે કેમે કરીને સમજાતું નથી.લગભગ બસવાળી ઘટનાના ૨૮ દિવસ પછી, તેની સાથે કોઈ સંધાન ન ધરાવતી તાજઓબેરોયનરીમન હાઉસ પર ટેરરિસ્ટ અટેકવાળી દુર્ઘટના બની હતી. આ વાતને પણ ફિલ્મમાં છેલ્લે છેલ્લે છાંટી દેવાઈ છે. ફિલ્મ નથી દર્શકના દિલમાં કોઈ સ્પંદનો પેદા કરી શકતી કે નથી વિચાર કરવા પ્રેરતી. બિચારા પ્રેક્ષકો પિક્ચર પૂરી થવાની રાહ જોતાં જોતાં બગાસાં ખાતાં રહે છે. આ શંભુમેળામાં તોય બે એક્ટરો થોડુંઘણું ધ્યાન ખેંચે છે એક તો હોસ્ટેલનો ભારાડી વિદ્યાર્થી અને બીજો ટીવી સિરિયલ-રાઈટર.થોડા સમય પહેલાં ગોવિંદાની ‘ચલ ચલા ચલ’ નામની ભયાનક ખરાબ ફિલ્મ આવી હતી, જેના કેન્દ્રમાં એક બસ હતી. તેના પછી બસને ખૂબ મહત્ત્વ મળ્યુ હોય તેવી આ બીજી ફિલ્મ આવી. લાગે છે, બોલીવૂડના નસીબમાં સારી બસ-મૂવી છે જ નહીં. ફિલ્મ દેખીતી રીતે જ નોર્થ-ઈન્ડિયન ઝોક ધરાવે છે, પણ તોય રાજ ઠાકરે કે એની ભારાડી સેનાએ ઊંચાનીચા થવાની જરૂર નથી. સારી એવી ફ્રી પબ્લિસિટી મળી હોવા છતાં આ ફિલ્મ જોવા આમેય કોઈ જવાનું નથી.૦૦૦

Tuesday, December 14, 2010

સરદાર પટેલ હાજરાહજૂર છે...


Vedish Zaveri in and as Sardar


દિવ્ય ભાસ્કર - સરદાર વિશેષ પૂર્તિ - 15/12/2010માં પ્રકાશિતતમને લાગે છે કે સમયચક્ર જાણે ઊલટું ફરી ગયું છે અને ઈતિહાસને નક્કર દિશા આપનારી શકવર્તી ઘટનાઓ તમારી આંખ સામે આકાર લઈ રહી છે. મિહિર ભૂતા લિખિત-દિગ્દર્શિત નાટક ‘સરદાર’ની આ તાકાત છે.


----------------------------------સફેદ ખાદીનો ઝભ્ભો અને ધોતિયું, ઉપર આછી લીલી બંડી અને ખભે શાલ. માથે ટાલ છે. કાનની ઉપર જોકે વાળની થોડી સફેદી બચી ગઈ છે. ચહેરા પર કરડાકી છે અને અવાજમાં અધિકારી વજન. એ બોલે છે ત્યારે સૌ ધ્યાન દઈને સાંભળે છે, સાંભળવું પડે છે. એમની હાજરી માત્ર માહોલને ભરી દે છે.

એ સરદાર છે. સરદાર વલ્લભભાઈ પટેલ. તમે એરકંડીશન્ડ ઓડિટોરિયમમાં તમારી સીટ પર છો અને તમારી સામે જીવતા-જાગતા-બોલતા-દલીલ કરતા સરદાર હાજરાહજૂર છે. તમને લાગે છે કે સમયચક્ર ઊલટું ફરી ગયું છે, તમે વીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રવેશી ચૂક્યા છો અને ઈતિહાસને નક્કર દિશા આપનારી શકવર્તી ઘટનાઓ તમારી આંખ સામે આકાર લઈ રહી છે. મિહિર ભૂતા લિખિત-દિગ્દર્શિત દ્વિઅંકી નાટક ‘સરદાર’ની આ તાકાત છે.
Writer-director : Mihir Bhuta
 ‘આ નાટક છેલ્લાં દસપંદર વર્ષથી મારી અંદર ઘુમરાઈ રહ્યું હતું.’ મુંબઈની રંગભૂમિ પર ગયા મહિને ઓપન થયેલા પોતાના ‘સરદાર’ નાટક વિશે મિહિર ભૂતા કહે છે, ‘મને શરૂઆતથી જ ઈતિહાસમાં અને ખાસ કરીને કેરેક્ટર સ્કેચીસમાં વધારે રસ પડ્યો છે. મને લાગે છે કે સામાજિક સ્તરે જાગૃત હોય એવા કોઈ પણ લેખકને ઈતિહાસમાં રસ પડે જ. મારા સ્વર્ગસ્થ દાદાજી પ્રભુદાસ ભુતા સ્વાતંત્ર્ય સેનાની હતા. ૧૯૪૨-’૪૩ દરમિયાન તેઓ યરવડા જેલમાં સરદાર પટેલની સાથે છ મહિના રહેલા અને તેમના અંગત સચિવ તરીકે કામ પણ કરેલું. મારા પરિવારમાં આ બધી વાતો ખૂબ થાય. કર્ણોેપકર્ણ વહેતી આવેલી આ વિગતો સાયલન્ટ ઈમ્પ્રેશન રૂપે મારા મનમાં જમા થયા કરે, જે ‘સરદાર’ નાટક બનાવતી વખતે ઉપયોગી બની.’


સરદાર પટેલ જેવા અત્યંત મહત્ત્વના એૈતિહાસિક પુરુષ વિશે નાટક બનાવતી વખતે દેખીતી રીતે જ ખૂબ બધું વાંચવું પડે. રાજ પાટિલે એડિશનલ રિસર્ચ કરી આપ્યું અને પછી ક્રમબદ્ધ રીતે નાટકનાં દશ્યો લખાતાં ગયાં. વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વચ્ચેના પ્રારંભિક પરિચયથી શરૂ થયેલું આ ચોટદાર નાટક આખરે સરદારના મૃત્યુ પર વિરમે છે. મિહિર ભૂતા કહે છે, ‘સરદાર પટેલ સાથે એટલી બધી ઘટનાઓ સંકળાયેલી છે કે નાટકનું ફોર્મેટ લિનીઅર (સુરેખ) હોય તો જ યોગ્ય સંદર્ભો સાથે પ્રસ્તુત થઈ શકે. મારા ‘ચાણક્ય’ નાટકનું ફોર્મેટ પણ લિનીઅર હતું.’


Tremendous Trio: Nehru (Paresh Gajjar) - Gandhi (Ajay Jayram) - Sardar (Vedish Zaveri)

ગાંઘીજીના સ્પર્શને કારણે મૂડીવાદી એડવોકેટમાંથી પ્રચંડ દેશદાઝ ધરાવતી વ્યક્તિમાં થતું સરદારનું સ્વરૂપાંતર, સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી પ્રવૃત્તિમાં આગેવાની, દેશના પ્રથમ ગૃહમંત્રી બન્યા પછીની કાર્યવાહી, જવાહરલાલ નેહરુ અને ઈવન ગાંધીજી સાથેના મતભેદ વગેરે દર્શાવતા પ્રસંગોની વચ્ચે વચ્ચે સરદારના વ્યક્તિગત જીવનના માપસર ઉલ્લેખો પણ થતા રહે છે. સરદાર પટેલ ખાસ કરીને રજવાડાઓના વિલીનીકરણ જેવી અત્યંત નિર્ણાયક બાબત સૌથી વધારે જાણીતા છે અને આ દશ્યો નાટકની હાઈલાઈટ છે. સરદારની કુનેહ ઉપરાંત તેમની દૂરંદેશી પણ નાટકમાં આબાદ ઝીલાઈ છે. જેમ કે, નાટકના એક દશ્યમાં દશાવાર્યું છે તે પ્રમાણે, દેશ આઝાદ થયો તે વર્ષોમાં સરદારે કહેલું કે, ‘કાશ્મીરનો મામલો તો દેડકાનો ભારો છે. જો એ તરત નહીં ઉકેલાય તો મને ડર છે કે ક્યારેય નહીં ઉકેલાય...’ સરદારનો આ ડર કેટલો સાચો હતો તે આજે આપણે જોઈએ છીએ.


નાટક માત્ર લખાવું કે ભજવાવું પૂરતું નથી, તે જોવાવું પણ જોઈએ. ઈતિહાસના આલેખનની સાથે નાટ્યરસ પણ અકબંધ જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી લેવાઈ છે. પ્રત્યેક દશ્યનો સ્પષ્ટ પ્રારંભ, મધ્ય છે અને તે એક નિશ્ચિત ચોટ કે પંચ પર પૂરું થાય છે. બે દશ્યો વચ્ચેના બ્લેકઆઉટમાં હોમી વાડિયાના પૌરુષિક અવાજમાં કોમેન્ટ્રી ચાલે, જે દર્શકને હવે પછીના દશ્ય માટે સજ્જ કરી દે. મિહિર કહે છે તેમ, જીવાતા જીવનમાં ‘ઈવેન્ટ્સ’ બનતી નથી, તેવી છૂટ નાટકમાં જ મળે. સરદારના જીવનની બને તેટલી વધારે વિગતો આવરી શકાય અને તેને પ્રેક્ષણીય નાટ્યરૂપ પણ મળે તે માટે અલગ અલગ બનેલા બે બનાવોને ક્યારેક એક જ દશ્યમાં જોડી દેવાયા છે.


નાટક જોતી વખતે કોણ જાણે કેમ જવાહરલાલ નહેરુનું પાત્રાલેખન નબળું લગભગ કેરિકેચરીશ લાગ્યા કરે છે. આ એક જ વાતને લીધે વાંકદેખાઓ ‘આ નાટક ભગવા (એટલે કે ભાજપી) રંગે રંગાયેલું છે’ એવી ટીકા કરે તો આશ્ચર્ય ન પામવું. ‘જુઓ, નાટકમાં કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં બતાવીએ એટલે બીજાં પાત્રો આપોઆપ પરિઘ પર જતા રહેવાનાં.’ મિહિર ભૂતા કહે છે, ‘આપણે ત્યાં જવાહરલાલ નહેરુનો એટલો બધો મહિમા થયો છે કે સરદાર એમની તુલનામાં હંમેશા નાના દેખાયા છે. આ નાટક સરદાર વિશેનું છે, સરદાર અહીં કેન્દ્રમાં છે તેથી નહેરુ પણ સ્વાભાવિક રીતે જ સરદારના સંદર્ભમાં પેશ થયા છે.’ભાજપી રંગે રંગાયેલા હોવાની દલીલનો છેદ નાટકનો એક સંવાદ જ ઉડાવી દે છે. એક દશ્યમાં સરદાર પટેલ હૂંકાર કરે છે, ‘હું હિંદુ નથી, પટેલ નથી, ગુજરાતી પણ નથી... હું આખા દેશનો છું.’સરદારનું કેન્દ્રીય પાત્ર ભજવ્યું છે ઉત્તમ અદાકાર વેદીશ ઝવેરીએે. મિહિર ભૂતા લિખિત અને મનોજ શાહ દિગ્દિર્શિત ‘જલ જલ મરે પતંગ’ નાટકમાં વેદીશના પાવરફુલ પર્ફોર્મન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ‘સરદાર’ નાટક અભિનયની દુનિયામાં વેદીશનું સ્થાન ઓર સજ્જ્ડ બનાવી દીધું છે. મિહિર કહે છે, ‘વેદીશ ઈઝ અ ફિનોમિનલ એક્ટર. વળી, તેનો દેખાવ, તેની ફિઝિકાલિટી સરદાર પટેલ સાથે કમાલનું સામ્ય ધરાવે છે. ઈટ્સ અ ગ્રેટ કોમ્બિનેશન.’

Dear daughter : Maniben (Tripti Thakkar) with Gandhi and Nehru


ગાંધીજી તરીકે અજય જયરામ પણ પ્રભાવશાળી છે. પરેશ ગજ્જર (નેહરુ), તૃિ ઠક્કર (મણિબેન) ઉપરાંત શફીક અન્સારી, શ્રેયાંશ કપાસી, આદિત્ય કાપડિયા, આનંદ પટેલ, અમિતા પટેલ, મનીષ વાઘેલા, અરવિંદ ઉપાધ્યાય, પ્રવીણ ભંડારી, દર્શન સંઘવી અને શક્તિ સિંહે ભજવેલી ભુમિકાઓ પણ મજાની છે. મિહિર ભૂતાએ લખેલા ‘વલ્લભ.. વલ્લભ’ ટાઈટલ સોંગને સચિન સંઘવીએ પ્રભાવશાળી રીતે કંપોઝ કર્યું છે. ઉદય મઝુમદારના મ્યુઝિકલ ઈનપુટ્સ નાટકને વધારે સમૃદ્ધ બનાવે છે.મિહિર ભૂતાને પોતાના સંદર્ભમાં રાઈટર અને ડિરેક્ટર આ બન્ને સ્વરૂપો એકબીજાને પૂરક લાગે છે. તેઓ કહે છે, ‘ડિરેક્ટર સૌથી પહેલો દર્શક છે. અદાકાર જે કંઈ પર્ફોર્મ કરે છે તેને કે મંચ પર જે કંઈ ભજવાઈ રહ્યું છે તેને નકારવાનો સૌથી પહેલો અધિકાર પણ ડિરેક્ટરનો જ છે. આ નાટકની નિર્માણપ્રક્રિયા દરમિયાન સરદાર વિશેના મારા ઘણા ખ્યાલો બદલાઈ ગયા, ઘણા કોન્સેપ્ટ્સ સ્પષ્ટ થયા. કોઈ પણ મહાનુભાવને સંક્ષિપ્તમાં ન વાંચી શકાય. એનું આખું જીવન જોવું પડે અને તે પછી જ ખુદના તારણો પર પહોંચી શકાય...’અટુભાઈ ઠક્કર અને હેમંત પિઠડીયા નિર્મિત આ નાટકના કોઈ અંશ કે અમુક અર્થઘટન સાથે ક્દાચ કોઈ અસહમત થાય તે શક્ય છે, પણ ‘સરદાર’ આધુનિકગુજરાતી રંગભૂમિનું એક મહત્ત્વપૂર્ણ નાટક બની રહેવાનું એ તો નક્કી. કહે છે ને કે ઈતિહાસ કંટાળજનક હોતો નથી, ઈતિહાસ ભણાવનાર માસ્તર કંટાળજનક હોય છે. અહીં ‘સરદાર’ નાટક અને તેને ભણાવનાર માસ્તરની રીત બન્ને ઈન્ટરેસ્ટિંગ છે.

0 0 0

Saturday, December 11, 2010

સોફિયા લોરેનનું સિક્રેટ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૧૨ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ મલ્ટિપ્લેક્સ

‘મેં હંમેશાં કંઈક ને કંઈક ઝંખ્યું છે. એની તીવ્રતા એટલી બધી હોય કે મને આખરે એ ચીજ મને મળ્યા વગર ન રહે. મારા જીવનનું આ સૌથી માટું સિક્રેટ છે.’

વખતે તો ઈન્ડિયા આવવું જ છે!

હોલિવૂડ લેજન્ડ સોફિયા લોરેને આવી ઘોષણા અગાઉ કેટલીય વાર કરી હતી. આ વખતે ભારત આવવાનાં નક્કર કારણો હતાં તેના મિત્ર દિલીપકુમારનો બર્થડે (જે ગઈ કાલે ઉજવાયો) અને તેમની નરમગરમ રહેતી તબિયત. દિલીપકુમાર અને સોફિયા લોરેન વચ્ચેનો પરિચય ચાર દાયકા જુનો છે. ૧૯૬૧માં તેઓ એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યા હતા. દિલીપકુમારના ‘ગંગા જમના’ના અભિનય પર સોફિયા ઓળઘોળ થઈ ગઈ હતી. દિલીપકુમારને પણ આ ઓસ્કર-વિનર એક્ટ્રેસના કામ પ્રત્યે હંમેશા આદર રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તો સોફિયાના આગમનના એંધાણ ભલે ન વર્તાયા હોય, પણ આ જાજવલ્યમાન અભિનેત્રી વિશે જાણવા જેવું છે.


Sophia Loren: Kal aur aaj


એક જમાનામાં દુનિયાની સૌથી ખૂબસૂરત સ્ત્રી ગણાયેલી સોફિયા આજે ૭૬ વર્ષની થઈ છે. આ ઉંમરેય તેની ગ્લેમરસ આભા અકબંધ છે. ‘મેં પંદર વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું,’ સોફિયા લોરેન એક મુલાકાતમાં કહે છે, ‘પડદા પર મને શરૂઆતથી જ એક સ્ત્રી તરીકે પેશ કરવામાં આવી, તરૂણી તરીકે ક્યારેય નહીં. ૨૬ વર્ષની ઉંમરે તો મને ‘ટુ વીમેન’ ફિલ્મ માટે ઓસ્કર મળી ગયો અને ૩૦ વર્ષની થઈ કે પત્રકારો મને પૂછવા લાગ્યા હતાઃ તમે મધ્યવયસ્ક બની ગયાં... કેવું લાગે છે? તેઓ એવી રીતે સવાલ કરતા હતા કે જાણે હું કોઈ રાષ્ટ્રીય ઈમારત ન હોઉં જેના કાંગરા ખરવાનું શરૂ થઈ ગયું હોય! પછી હું ચાલીસની થઈ, પચાસની થઈ, સાઠની થઈ. વૃદ્ધાવસ્થાથી, ચહેરા પર કરચલીઓ જોવાથી મને ક્યારેય ટેન્શન થયું નથી. વધતી જતી ઉંમરને વધાવતા તમને આવડવું જોઈએ. જો એ નહીં આવડે તો તમે ખુદના કાર્ટૂન જેવા બનીને રહી જશો. દરેક ઉંમરની પોતપોતાની સુંદરતા હોય છે, સંતોષ હોય છે. ગરિમા સાથે વૃદ્ધ થવાનું રહસ્ય કહું? નેવર લૂક બેક... હંમેશા આગળ જુઓ. પાછળ વળી વળીને જોતા રહેશો અને ભૂતકાળ સંભાર્યા કરશો તો ઉંમરનો ભાર હંમેશાં વર્તાયા કરશે.’ઈટાલિયન લોરેનની માતા રોમિલ્ડાને ખુદને ફિલ્મોમાં કામ કરવાના અભરખા હતા. એક વખત ગ્રેટા ગાર્બો (એક ઓર હોલીવૂડ લેજન્ડ)નાં લૂકઅલાઈક એટલે કે એના જેવા દેખાવાની સ્પર્ધા યોજાઈ. રોમિલ્ડા આ હરીફાઈ જીતી ગઈ. ઈનામમાં હતું હોલીવૂડ આવવા-જવાનો ખર્ચ અને ત્યાં જઈને સ્ક્રીન ટેસ્ટ આપવાનો મોકો. પણ રોમિલ્ડાની મા એટલે કે સોફિયાની નાનીએ મનાઈ ફરમાવી દીધીઃ બેસી રહે ચુપચાપ, આપણે ક્યાંય નથી જવું! સત્તર વર્ષની રોમિલ્ડાએ વિદ્રોહ કર્યો અને રોમ ભાગી આવી. અહીં તેનો ભેટો રિકાર્ડો નામના પુરુષ સાથે થયો. રિકાર્ડો એને પ્રેગ્નન્ટ કરીને જતો રહ્યો. આ રીતે સોફિયા જન્મ થયો. સોફિયા પાંચ વર્ષની થઈ છેક ત્યારે પહેલી વાર પોતાના પિતાને જોયા. સોફિયાનાં માતાપિતાએ ક્યારેય લગ્ન ન કર્યાં. બાપે સોફિયાને પોતાની અટક ‘લોરેન’ લગાડવા દીધી, પણ નાની બહેન મારિયાને સ્કૂલમાં એડમિશન લેવાનો સમય આવ્યો ત્યારે ચોખ્ખું સંભળાવી દીધુંઃ બસ બહુ થયું, બીજી છોકરીને હું મારી અટક લગાડવા નહીં જ દઉં...


‘પિતાની છત્રછાયા કેવી હોય એ મને કદી ખબર પડી નથી,’ લોરેન કહે છે, ‘મને ને મારી બહેનને હંમેશા લાગતું કે બીજાં બાળકો કરતાં અમે જુદા છીએ... પણ મારામાં ધિક્કારની ભાવના ક્યારેય જાગી નહીં, કારણ કે મમ્મી અને નાનાનાની તરફથી અમને ખૂબ પ્રેમ મળ્યો છે.’


માએ પોતાની ફિલ્મસ્ટાર બનવાની અધૂરી ખ્વાહિશ દીકરી લોરેન થકી પૂરી કરી. લોરેને પોતાની જાતને સેક્સ સિમ્બલ તરીકે પણ સ્થાપિત કરી અને સત્ત્વશીલ ભુમિકાઓ પણ ભજવી. અમેરિકન કરતાં ઈટાલિયન ફિલ્મોમાં તેણે વધારે સફળતા જોઈ. ‘હું નસીબમાં માનતી નથી,’ લોરેન કહે છે, ‘વાત ઝંખનાની છે. મેં હંમેશાં કંઈક ને કંઈક ઝંખ્યું છે. એની તીવ્રતા એટલી બધી હોય કે મને આખરે એ ચીજ મને મળ્યા વગર ન રહે. મારા જીવનનું આ સૌથી માટું સિક્રેટ છે. મેં મેળવ્યું છે તો સામે પક્ષે ચૂકવ્યું પણ છે. ચુકવણી દર વખતે પૈસાથી જ કરવાની ન હોય. મેં જે કંઈ હાંસલ કર્યું છે તેની કિંમત મેં પીડાથી ચૂકવી છે.’


Sophia Loren with her director husband Carlo Ponti


માત્ર પંદર વર્ષની ઉંમરે સોફિયા લોરેને પોતાનાથી ૨૧ વર્ષ મોટા પરિણીત ફિલ્મ ડિરેક્ટર કાર્લો પોન્ટી સાથે સાથે લગ્ન કર્યાં. તે જમાનામાં ઈટાલીમાં કાનૂન ડિવોર્સ લેવાની છૂટ આપતો ન હતો. બન્ને પર ખૂબ માછલાં ધોવાયાં. આખરે ફ્રેન્ચ નાગરિકત્વ મેળવીને કાર્લોએ પહેલી પત્નીથી છૂટાછૂડા મેળવ્યા અને લોરેન સાથે વિધિવત લગ્ન કર્યાં. તેમનું લગ્નજીવન પાંચ દાયકા સુધી અકબંધ રહ્યું. કાર્લો ૨૦૦૭માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી લોરેન એમની પત્ની બની રહી.સોફિયા લોરેન આ ઉંમરેય કડેધડે છે, ફિલ્મોમાં એક્ટિંગ કરે છે. પોતાના બંગલામાં રોજ અચૂકપણે સ્વિમિંગ કરે છે, એક્સરસાઈઝ કરે છે અને ગરમ ખૂશ્બોદાર પાણી બરેલા બાથટબમાં ક્યાંય સુધી છબછબિયાં કરતાં રહે છે. ‘યુવાનીનો ઝરો વાસ્તવમાં માણસના મગજમાં છે,’ સોફિયા લોરેન પોતાનું અંતિમ રહસ્ય છતું કરે છે, ‘તમે તમારી ટેલેન્ટ અને ક્રિયેટિવિટીને શી રીતે ઉપયોગમાં લો છો, માત્ર તમારા એકલાના જ નહીં બલકે તમારા પ્રિયજનોના જીવનમાં શી રીતે તેનાથી પોઝિટિવ ચેન્જીસ લાવો છો તેના પર સઘળો આધાર છે. જો તમને આ ઝરાની ભાળ મળી જશે તો તમને ચિર યુવાન થતાં કોઈ અટકાવી નહીં શકે.’શો-સ્ટોપર

તમારી આંખો રડશે નહીં ત્યાં સુધી સુંદર નહીં બની શકે.


- સોફિયા લોરેન

Friday, December 10, 2010

મિડ-ડે રિવ્યુઃ ‘નો પ્રોબ્લેમ’

                                                 મિડ-ડે તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત                    પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ

આ બિકીનીલેન્ડમાં પ્રવેશતા પહેલાં દિમાગને ઘરે મૂકીને નહીં આવ્યા હો તો બ્રેઈન હેમરેજ થઈ જવાનું પૂરેપૂરું જોખમ છે. અનીસ બઝમીની આ કોમેડી ફિલ્મ તેમની આગલી ત્રણેય હિટ ફિલ્મોની તુલનામાં ઢીલી છે.

                                                         રેટિંગ ઃ દોઢ સ્ટાર


પાક્કો હાઈવે છે, દૂર દૂર સુધી ક્યાંય દરિયાનું કે ઈવન સ્વિમિંગ પૂલનું નામોનિશાન નથી, પણ બિકીની પહેરેલી ગોરી છોકરીઓનું આખું ધાડું ગોળના ગાંગડા પર જેમ માખીઓ બણબણતી હોય તેમ હીરોલોગને વળગ્યા કરે છે અને કમરતોડ અંગમરોડ કરતી રહે છે. સેક્સી યુરોપિયન એકસ્ટ્રાઓ હિન્દી ગીત પર હોઠ ફફડાવે અને ઠેકડા મારતી મારતી ભાંગડાના સ્ટેપ કરે એટલે ઓડિયન્સને મજા પડી જાય એવું હિન્દી ફિલ્મમેકરો માનતા હશે?

વેલકમ ટુ ધ બિકીનીલેન્ડ!

ઘ્યાન રહે, આ હાહાહીહીનગરમાં પ્રવેશતા પહેલાં દિમાગને ઘરે મૂકીને નહીં આવ્યા હો તો બ્રેઈન હેમરેજ થઈ જવાનું પૂરેપૂરું જોખમ છે. ઈન ફેક્ટ, અનીસ બઝમીની કોઈપણ ફિલ્મ માટે આ વાત લાગુ પડે છે. તેમની આગલી ત્રણ હિટ ફિલ્મો ‘નો એન્ટ્રી’, ‘વેલકમ’ અને ‘સિંઘ ઈઝ કિંગ’એ આમદર્શકોનું ખૂબ મનોરંજન કરેલું. શેરડીના સંચાવાળો જેમ રસ કાઢી કાઢીને શેરડીનો કૂચો કરી નાખે તેમ રાઈટર-ડિરેક્ટર અનીસ બઝમીએ પોતાની હિટ ફોર્મ્યુલાનો આ ફિલ્મમાં કૂચો કાઢી નાખ્યો છે. મોટો પ્રોબ્લેમ એ છે કે અહીં રસને બદલે કૂચો જ દેખાય છે. બઝમીબાબુની આ ફિલ્મ તેમની આગલી ત્રણેય ફિલ્મોની તુલનામાં લોકોને એન્ટરટેઈન કરવામાં કાચી પૂરવાર થાય છે.ગોરી, ગોરીલા અને ગોકીરોતમે ‘નો પ્રોબ્લેમ’ના પ્રોમોમાં ચિમ્પાન્ઝીની પ્રચંડ વાછૂટને કારણે હવામાં ડી જતો સરદારજીને જોયો છે, રાઈટ? બસ, આ એકદમ કરેક્ટ પ્રોમો છે. આખી ફિલ્મમાં આવું જ બધું છે. સંજય દત્ત અને અક્ષય ખન્ના ચોર છે, પરેશ રાવલ તેમનો શિકાર બન્યા છે અને બાઘ્ઘો પોલીસવાળો અનિલ કપૂર ગુનેગારોને પકડવા ફાંફા મારે છે. માફિયા ડોન સુનીલ શેટ્ટી અને ચિત્રવિચિત્ર દેખાવ ધરાવતી એની ટીમ પણ સંજય-અક્ષય (ફિલ્મમાં તેમનાં નામ યશ-રાજ રાખવામાં આવ્યાં છે)ની પાછળ પડી છે. અનિલ કપૂરની સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતી પત્ની સુસ્મિતા સેનને દિવસમાં એકાદ વાર હિંસક ઍટેક આવે છે. કંગના સુસ્મિતાની બહેન છે, જે અક્ષયના પ્રેમમાં છે. બસ, પછી માઈન્ડલેસ પકડાપકડા, ભાગાભાગી, મારામારી ને ગરબડ ગોટાળા ચાલ્યા કરે છે. આ શંભુમેળાનું આખરે શું કરવું તેનો રસ્તો દેખાતો ન હોય તેમ રાઈટર-ડિરેક્ટરે આખરે વાતનો જેમતેમ વીંટો વાળી દીધો છે.મનોરંજનના નામે કંઈ પણ‘નો પ્રોબ્લેમ’માં બે આધેડ થઈ ચૂકેલા હીરો છે (સંજય દત્ત, અનિલ કપૂર) અને ત્રીજો હીરો (અક્ષય ખન્ના) આધેડ થાઉં થાઉં કરે છે. પરેશ રાવલ પણ આધે઼ડ છે અને સુસ્મિતા સેન એક્સપાયરી ડેટ વટાવી ચૂકી છે. સુનીલ શેટ્ટી, શક્તિ કપૂર, રણજીત કાં તો સિનીયર સિટીઝન થઈ ચૂક્યા છે યા તો તે દિશામાં આગળ વધી રહ્યા છે. ટૂંકમાં, એક કંગના રનૌતને બાદ કરતાં અહીં લગભગ આખી ટીમ ઉંમરલાયક છે. આખેઆખી ફિલ્મ ઘરડી અને ખખડી ગયેલી ન લાગે તેના પ્રયાસ રૂપે અનીસ બઝમીએ અડધી નાગડીપૂગડી ગોરી એકસ્ટ્રાઓની ભરમાર કરી હશે?બજેટ સારું હોય તો ફોરેનના લોકેશનનો અને વ્હાઈટ સ્કિનનો બને એટલો વધારે ઉપયોગ કરવો એવો આપણી મસાલા ફિલ્મોમોનો લેટેસ્ટ કાયદો છે. ફિલ્મ દર્શકની બુદ્ધિને અપીલ કરે કે ન કરે, તેની વિઝયુઅલ અપીલ હાઈક્લાસ હોવી જ જોઈએ યુ સી, એટલે આ ફિલ્મનું શૂટિંગ લેવા દેવા વગર દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું છે. અહીંના પોલીસ, હવાલદાર, મિનિસ્ટર, કમિશનર, માફિયા ડોન બધા જ ઈન્ડિયન છે અને શહેર તો ઠીક, ખોબા જેવડાં ગામડાના લોકોને પણ પાક્કુ હિન્દી આવડે છે. પરેશ રાવલ પોતાની ગોરી પત્નીનું નામ ‘સાવિત્રી’ રાખે છે અને એ ય હિન્દીમાં ડાયલોગ ફટકારે છે.આ પ્રકારની કોમેડી ફિલ્મમાં લોજિક શોધવાનું ન હોય, કબૂલ, પણ દિમાગને દાબડામાં બંધ કરી દીધા પછી ય હસવું તો આવવું જોઈએ ને. ‘નો પ્રોબ્લેમ’માં હસતા હસતા જડબાં દુખી જાય તેવા સૉલિડ રમૂજી સિકવન્સ ખૂબ ઓછી છે. સ્માર્ટ વનલાઈનર્સ અને રમૂજી ગૅગ્સની કારમી તંગી છે. કેટલાંય સીન નકામાં છે અને બિનજરૂરી રિપીટેશન પણ ઘણું છે. દશ્યો આડેધડ બદલાય છે અને બે ક્રમિક દશ્યો વચ્ચે કનેક્ટિવિટી રહેતી નથી. સંવાદો ઢીલા છે. (‘યે આદમી આપકે લિએ સરદર્દ હો સકતા હૈ..’ ... ‘ઔર તુમ જાનતે હો કિ મુઝે સરદર્દ બિલકુલ પસંદ નહીં હૈ.’!) અનીસ બઝમી હજુય ‘સિંઘ ઈઝ કિંગ’ના હેંગઓવરમાંથી બહાર આવ્યા નથી. એમણે અહીં એકેએક પુરુષ પાત્રને સરદારજીના વેશમાં ભાંગડા કરાવ્યા છે.... અને અક્ષય ખન્ના છોકરીના સ્વાંગમાં ભયાનક લાગે છે, પ્લીઝ!પરેશ રાવલ, હંમેશ મુજબ, સૌથી વધુ અસરકારક છે. સાયકોનો રોલ આ વખતે કંગના રનૌતને બદલે, ફોર અ ચેન્જ, સુસ્મિતા સેને કર્યો છે. સુસ્મિતા સરસ કોમેડી કરી જાણે છે તે આ ફિલ્મ ફરી એક વાર પૂરવાર કરે છે. કંગના જોકે તદ્દન વેડફાઈ છે. વિજય રાઝ નાના રોલમાં પણ ધ્યાન ખેંચે છે. બાકી બધા રાબેતા મુજબ છે. પ્રીતમનું સંગીત ઘોંઘાટિયું અને નિરાશાજનક છે.સો વાતની એક વાત. જો તમને અનીસ બઝમીની આગલી ફિલ્મો અને ‘ગોલમાલ-થ્રી’ ટાઈપની કોમેડીમાં જોરદાર મજા આવી જતી હોય તો ઘણું કરીને તમને ‘નો પ્રોબ્લેમ’માં પ્રોબ્લેમ નહીં થાય. બીજા બધાએ આ ફિલ્મથી સેફ ડિસ્ટન્સ જાળવવું.૦૦૦૦

મિડ-ડે રિવ્યુઃ બેન્ડ બાજા બારાત

મિડ-ડે તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


લાખેણાં લગ્નસીધુંસાદું, સેન્સિબલ અને આહલાદક મનોરંજન, દસ ફિલ્મો કરીને બેઠો હોય એવો સુપર કૉન્ફિડન્ટ હીરો અને થિયેટરની બહાર નીકળો ત્યારે તમારા ચહેરા પર મોટું સ્માઈલ.... આનાથી વધારે બીજું શું જોઈએ.
રેટિંગ ઃ સાડા ત્રણ સ્ટાર
એક સમયે ગામની ખૂબ વખણાતી અને છેલ્લાં કેટલાક સમયથી સાવ ખાડે ગયેલી રેસ્ટોરાંના પગથિયાં તમે ચડો છો. પેટમાં બિલાડા બોલે છે અને પેટપૂજા કર્યા વગર ચાલે એમ નથી એટલે નછૂટકે તમે અહીં આવ્યા છો. વેઈટર આવીને કહે છે, સાહેબ, અમારા નવા રસોઈયાએ એક નવીનક્કોર ડિશ તૈયાર કરી છે, લાવું? ગરમાગરમ છે. તમે કંટાળીને, ઠંડકથી કહો છોઃ હા ભાઈ, લેતો આવ. તમારા મનમાં આ નવી આઈટમ માટે કોઈ ઉત્સુકતા નથી. આ હોટલની વાનગીઓમાં આમેય હવે ક્યાં ભલીવાર રહી છે? વેઈટર આવીને નવી ડિશ તમારા ટેબલ પર મૂકે છે. તમે કશી પણ અપેક્ષા વગર એક ટુકડો તોડીને મોંમાં મૂકો છો. એકદમ ચમકી ઉઠો છો તમે. તમારી સ્વાદેન્દ્રિય સતેજ થઈ જાય છે. ટટ્ટાર થઈને તમે બીજો ટુકડો આરોગો છો. અરે વાહ, કમાલનો સ્વાદ છે! અને પછી તો તમે આ નવી વાનગી પર રીતસર તૂટી પડો છો. ડિશ સફાચટ કરીને, સૉલિડ તૃપ્ત થઈને, વેઈટરને તગડી ટિપ આપીને પેટ પર હાથ ફેરવતા ફેરવતા તમે રેસ્ટોરાંની બહાર નીકળો છો.અહીં ‘રેસ્ટોરાં’ના સ્થાને યશરાજ બેનરને મૂકો. નવી વાનગીની જગ્યાએ ‘બેન્ડ બાજા બારાત’ને મૂકો. બસ, યશરાજની આ લેટેસ્ટ ફિલ્મ જોઈને તમે એક્ઝેક્ટલી આવી જ ફીલિંગ થાય છે. તમને થાય કે આપણે તો કશી જ અપેક્ષા વગર ફિલ્મ જોવા બેઠા’તા ને આ તો મારી બેટી મસ્ત ફિલ્મ નીકળી! ડિરેક્ટર મનીશ શર્માનું આ પહેલું સાહસ છે. હીરો રણવીર સિંહની પણ આ પહેલી જ ફિલ્મ છે. થ્રી ચિયર્સ ટુ ફર્સ્ટ-ટાઈમર્સ!કાં બિઝનેસ કાં પ્રેમઆમ તો આ સીધીસાદી લવસ્ટોરી જ છે. ખેડૂતપુત્ર બિટ્ટએ (નવોદિત રણવીર સિંહ) દિલ્હીની હોસ્ટેલમાં રહીને હમણાં જ કોલેજ પૂરી કરી છે. શ્રુતિ (અનુષ્કા શર્મા)નું પણ એવું જ છે. અનુષ્કાને વેડિંગ પ્લાનર બનીને સ્વતંત્ર બિઝનેસ કરવાની જબરી હોંશ છે. બિટ્ટુ એનો પાર્ટનર બની જાય છે. ખડૂસ શ્રુતિ પહેલેથી જ એક વાતે સ્પષ્ટ છેઃ બિઝનેસ પાર્ટનર સાથે રોમાન્સના ચક્કરમાં નહીં પડવાનું. પણ પ્રેમ થાય છે. પછી દિલ અને બિઝનેસ બન્ને તૂટે છે અને પછી...તાજગીથી ભરપૂર મનોરંજનસાચું પૂછો તો ફિલ્મની શરૂઆતમાં જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલાં પંજાબી શાદીનાં એનાં એ જ વિઝયુઅલ્સ જોઈને તમને હિપોપોટેમસ જેવડું મોઢું ફાડીને બગાસું ખાવાનું મન થાય છે. તમને થાય કે માર્યા ઠાર, ફરી પાછા મેરે હાથોં મેં નૌ-નૌ ચૂડિયાં ખનકશે ને કંટાળાનો પાર નહીં રહે. પરંતુ થાય છે એનાથી લટું. હીરોહિરોઈન બન્ને વેડિંગ પ્લાનર હોવાથી પંજાબી-મારવાડી-મુસ્લિમ લગ્નોની ધમાલ અહીં વ્યાજબી પશ્ચાદભૂ તરીકે ઉભરે છે. શાદીબારાતનો માહોલ અહીં વાર્તાને આગળ વધારવા માટેની સ્માર્ટ ડિવાઈસ બની રહે છે.આ ફિલ્મ ધારી અસર ભી કરી શકે છે તેનાં ઘણાં કારણો છે. સૌથી પહેલાં તો, આ ફિલ્મ ઝીરો હાઈપ અને ઝીરો અપેક્ષા સાથે રિલીઝ થઈ એ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. લંબૂસ નૉન-હેપનિંગ હિરોઈન અને સમોસા જેવા ચપટા નાકવાળા અજાણ્યા હીરોની ફિલ્મ પાસેથી કોઈ શું કામ કશુંય એક્સપેક્ટ કરે. વાર્તા સાવ સાદી અને પ્રિડિક્ટીબલ હોય ત્યારે ઓડિયન્સનો રસ ટકાવી રાખવો આસાન નથી હોતો. અહીં ડિરેક્ટર મનીશ શર્મા આ કામ ખૂબીપૂર્વક કરી શક્યા છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ સેકન્ડ-હાફ-સિન્ડ્રોમનો ભોગ બની નથી. ઈન્ટરવલ પહેલાં અને પછી યોગ્ય જગ્યાએ યોગ્ય સ્પંદનો પેદાં થતાં રહે છે. ડિટેલિંગ સરસ થયું છે. ક્યાંય કશુંય લાઉડ કે અતિ નાટ્યાત્મક નથી. ઘટનાઓની રજૂઆતમાં ડિરેક્ટર સતત સંયમિત રહી શક્યા છે, જે પ્રશંસનીય છે. ફિલ્મની પેસ અને રમૂજનો ડોઝ બન્ને માપસર છે.તગડી સ્કિપ્ટ અને અત્યંત સહજ, ચોટદાર સંવાદોની ક્રેડિટ જાય છે હબીબ ફૈઝલને. થોડા સમય પહેલાં આવેલી ‘દો દૂની ચાર’ (રિશી કપૂર-નીતૂ સિંહ) ફિલ્મના તેઓ રાઈટર-ડિરેક્ટર હતા. હબીબ ફૈઝલે દિલ્હીનો મિડલક્લાસ માહોલ ગજબનો આત્મસાત કર્યો છે. મૂળ ગામડાગામનો હીરો ‘બિઝનેસ’ને ‘બિન્નેસ’ કહે છે. શરાબના નશામાં ‘કાંડ’ કરી લીધા પછી નર્વસ થઈ ગયેલા હીરોને નાયિકા કહે છે, ‘તેરી ક્યું ફટી પડી હૈ?’ ફિલ્મોના સંવાદોમાંથી સતત રેલાતી મિડલ-ક્લાસ દિલ્હીની આહલાદક ખૂશ્બો માણવા જેવી છે.અનુષ્કા શર્માએ તેની પહેલી જ ફિલ્મ ‘રબને બના દી જોડી’થી સાબિત કરી દીધું હતું કે તે તગડી પર્ફોર્મર છે. આ ફિલ્મમાં તે બરાબરની ખીલી છે. હીરો સાથેની એની કેમિસ્ટ્રી પડદા પર સુંદર રીતે ઉપસે છે. ફિલ્મનો સૌથી મોટી હાઈલાઈટ તો તેનો હીરો છે રણવીર સિંહ. જાણે દસ ફિલ્મો કરીને બેઠો હોય એટલો કૉન્ફિડન્સ એના અભિનયમાં એકધારો વર્તાય છે. કમાલનું છે એનું એનર્જી લેવલ. કોઈ પણ અદાકારની ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકવાની ક્ષમતા બહુ મહત્ત્વની હોય છે. રણવીરને આ ડિપાર્ટમેન્ટમાં ફુલ માર્કસ આપવા પડે. તે ડાન્સ-બાન્સ પણ સારો કરી જાણે છે. ટૂંકમાં, જો નસીબ સારું હશે અને યોગ્ય ફિલ્મો મળતી રહેશે તો આ છોકરો બોલીવૂડમાં જમાવટ કરશે. રણબીર કપૂર - ઈમરાન ખાન - નીલ નીતિન મૂકેશ એન્ડ પાર્ટી, સાવધાન!ફિલ્મનું કેમેરાવર્ક (અસીમ મિશ્રા) મુખ્ય પાત્રોના તરવરાટ અને અજંપા સાથે જાણે તાલ મિલાવતું હોય તેમ સતત ગતિશીલ તેમજ એનર્જેટિક રહે છે. સલીમસુલેમાને ‘કજરા રે’ જેવું એક પણ ચાર્ટબસ્ટર ગીત આપ્યું નથી, પણ ફિલ્મ પૂરતાં ગીતો ઠીકઠીક જમાવટ કરે છે. અને થેન્ક ગોડ, અનુષ્કા ફિલ્મમાં એક પણ વાર શિફોનની સાડી પહેરતી નથી અને હીરો-હિરોઈન ડ્રીમસોંગમાં પણ ધડામ્ કરતાં સ્વિટર્ઝલેન્ડ પહોંચી જઈને કમર હલાવ-હલાવ કરતાં નથી. ચિક્કાર પૈસા લઈને ધનપતિઓનાં લગ્નોમાં નાચવા પહોંચી જતા શાહરૂખ ખાનની બરાબરની ખિલ્લી ઉડાવવામાં આવી છે.‘બેન્ડ બાજા બારાત’ કંઈ મહાન સિનેમા નથી. આ એક સીધીસાદી, સેન્સિબલ અને આહલાદક ફિલ્મ છે. ફિલ્મ જોઈને તમે થિયેટરની બહાર નીકળો છો ત્યારે તમારા ચહેરા પર મોટું સ્માઈલ હોય છે. આનાથી વધારે બીજું શું જોઈએ.

0 0 0

Thursday, December 9, 2010

પિતા, પુત્રી અને પત્રો

                                   ચિત્રલેખા અંક તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


                                                        સ્લગઃ વાંચવા જેવું

‘મન ને તનની ઓળખાણ થાય છે તમને, ત્યારે જ માતાપિતા સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા જોઈએ. જે ક્ષણે સંકોચ કે શરમને કારણે એમનાથી સંતાડવાનું મન થાય છે એ જ ક્ષણ છે એમની સાથેનું અંતર ઓછું કરવાની...’


જવાહરલાલ નેહરુએ પુત્રી ઈન્દિરાને એક પત્રમાં લખેલુંઃ ‘પ્યારી બેટી! પત્રથી કંઈ વાતચીતની ગરજ તો ન જ સરે... હું જે કંઈ કહું તે તને ઉપદેશ જેવું લાગે તો તેને તું કડવી ગોળી સમાન ગણીશ નહીં. એને તું જાણે આપણે સાચેસાચ વાતચીત કરી રહ્યા છીએ અને તારે વિચારવા માટે મેં કંઈ સૂચન કર્યું છે એમ માની લેજે.’


આજના પુસ્તકના લેખક તુષાર શુક્લ જાણે નેહરૂજીની આ વાત નીચે અદશ્યપણે સહી કરે છે. દીકરીને ઉદ્ેશીને લખાયેલા નેહરુજીના પત્રોમાંથી ‘જગતના ઈતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ નામનું દળદાર પુસ્તક જન્મ્યું હતું. ‘બેકપેક’માં પણ પિતા છે, પત્રો છે અને એ પાછા દ્વિપક્ષી છે. અહીં દીકરી પણ  પપ્પાને કાગળો લખે છે, બન્ને એક જ છત નીચે રહેતાં હોવા છતાં.  દીકરી સોળમા વર્ષમાં પ્રવેશી છે. તેનું ભાવવિશ્વ તરુણાવસ્થામાંથી યુવાવસ્થા તરફ ગતિ કરી રહેલી તમામ  શહેરી યુવતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે કોન્ફિડન્ટ પણ છે અને કન્ફ્યુઝડ પણ છે. પુત્રીના જીવનના આ તબક્કે   માબાપની ભૂમિકા એક  વિશિષ્ટ કક્ષાએ પહોંચે તેવી અપેક્ષા રહેતી હોય છે. આ પુસ્તકનો પિતા પહેલી વાર રજઃસ્વલા થયેલી દીકરીના માથે હાથ ફેરવીને  કહી શકે છે કે ‘બેટા, હવે તું પૂર્ણ સ્ત્રી બની’, તો હળવેથી એનો કાન આમળીને તેની ભૂલ તરફ આંગળી પણ ચીંધી શકે છે.દીકરી એક જગ્યાએ અકળાઈને કહે છેઃ ‘પોતાના બાળક પર વિશ્વાસ ન હોય તે કેમ ચાલે? બહાર જઈને હું કૈં ખોટું તો કરવાની નથી. તમને તમારા સંસ્કાર પર શ્રદ્ધા તો હોવી જોઈએ ને? પણ મમ્મી કૈં સમજતી જ નથી. આવું કેમ?’


પિતા એને ધીરજપૂર્વક સમજાવે છેઃ ‘સ્વતંત્રતા એ પ્રાિ નથી, પડકાર છે, જવાબદારી છે....  ઈમેઈલ અને ચેટિંગના માર્ગે અજાણ્યા સાથે રાતદિવસ ગમે ત્યારે સંપર્કમાં રહેવું, મોબાઈલ ફોન પર વાતો અને એસએમએસ ને એમએમએસમાં સમય આનંદવો, આ બધું માતાપિતાથી છાનું રાખવું મોટાં પ્રશ્નો ઊભા કરી શકે છે. જો છૂપાવવા જેવું કૈં ન હોય, સહજ અને સરળ પરિચયો જ હોય તો એના વિશે વાત કરવામાં શંુ વાંધો હોય? અને જો આવા પરિચય ઘનિષ્ઠ બને કે ગભરાવે એવા બને તો વાત કરવામાં સંકોચ શાને? ... માતાપિતા કે પરિવારથી કૈં છુપાવવું, સંતાડવું એ વિશ્વાસઘાત છે. એને આવા વિશ્વાસઘાત પછી પણ, એ તો સંતાનને સહાય કરવા તત્પર જ હોય છે.’


સુખી, સંસ્કારી મધ્યમવર્ગીય પરિવારની સોળસત્તર વર્ષની મુગ્ધાને હોઈ શકે તે તમામ નાનીમાટી સમસ્યાઓ આ છોકરીને સતાવે છે. જેમ કે  મોબોઈલનું બિલ ખૂબ ઊંચું આવતાં ગુસ્સો કરતી મમ્મી, આડેધડ ડાયેટિંગ કરીને માંદી પડતી બહેનપણી, બાઈક પર મિત્ર (છોકરા) સાથે મોડી રાતે પાછી ફરતી વખતે રસ્તા પર અટકાવતો પોલીસ,  ફોન પર ખરાબ વાતો કરીને પજવ્યા કરતો અજાણ્યો માણસ, અકારણ પ્રોબ્લેમ ઊભા કરતા પ્રોફેસરો, વેલેન્ટાઈન ડે પર  સરસ મજાનું કાર્ડ આપી ગયેલો  કોલેજનો એક છોકરો...


‘કાર્ડ સરસ છે!’ પપ્પા તરત કાગળમાં લખે છે, ‘એમાનું લખાણ પણ મજાનું છે... બાળક શું જુએ છે, માબાપની આંખમા? એના માટેનો સ્વીકાર. આવકાર. આપણા સહુની ઝંખના આ જ છે ને? સ્વીકારની ઝંખના!...આજે તારો સ્વીકાર તેં અનુભવ્યો, એક સાવ અજાણી આંખોમાં. તારો આ રોમાંચ સહજ છે. આમાં કશીય અસહજતાનો અંશ ન ઉમેરાય તે જોજે. અસહજતા આવશે તો સાથે સાથે સમજણની વિવેકતુલાને ય હલાવી નાખશે, જે આપણને યોગ્ય નિર્ણય કરવામાં બાધારૂપ સાબિત થશે. માટે સહજ રહેજે...સ્વસ્થ રહેજે. પ્રસન્ન તો તું છે જ!’


કુમળી વયે વિજાતીય આકર્ષણ અને તેને કારણે પેદા થતાં પ્રશ્નોપરિસ્થિતિઓ સૌથી વજનદાર બની જતા હોય છે. પિતાજી એટલે જ લખે છે કેઃ ‘છોકરાઓ સાથેની દોસ્તી, હસીમજાક, થોડાંક અડપલાં એ યૌવનસહજ છે. મન અને તન બન્નેને ગમે છે. પણ, ગમવાની સીમા આપણે જ નક્કી કરવી રહી. મન ને તનની ઓળખાણ થાય છે તમને, ત્યારે જ માતાપિતા સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા જોઈએ. જે ક્ષણે સંકોચ કે શરમને કારણે એમનાથી સંતાડવાનું મન થાય છે એ જ ક્ષણ છે એમની સાથેનું અંતર ઓછું કરવાની.... તમે પગભર થાવ પછી, ઉંબર અને આંગણ ઓળંગો પછી, વહાલ જેટલું જ મહત્ત્વ વિશ્વાસનું હોય છે.’ 


દીકરીને પણ મમ્મીપપ્પાની પ્રસન્નતાની ખેવના છે જ. એટલેસ્તો તેમની વેડિંગ એનિવર્સરી પર દીકરી પોતાના પોકેટ મનીમાંથી તેમના માટે હોલીડે પેકેજ બૂક કરાવે છે. દીકરી માટે પોકેટમની એટલે માય પોકેટ એન્ડ યોર મની! અચ્છા, હોલીડે દરમિયાન શું થયું?  ‘... પછી તો તારી મમ્મી વાતોએ ચડી બસ! તારી જ વાતો... હનીમૂન અમારું ને વાતો તારી! એ કહે કે, આપણી દીકરી મોટી થઈ ગઈ! ને આંખમાં આંસુ! ને કન્યાવિદાયની વાતે તો હું ય ઢીલો! બેટા, તારા આયોજન પર અમે પાણી ફેરવી દીધું -આંસુરૂપે!’


‘યુ આર ટુ મચ!’ દીકરી ચીડાઈને રીસભેર કાગળમાં લખે છેઃ ‘તમને ત્યાં આટલા માટે મોકલેલાં? હાઉ અનરોમેન્ટિક!’


રીસામણા-મનામણા, મજાકમસ્તી, ડર, ચિંતા, અસલામતી, સધિયારો, ધન્યતા, ક્યારેય ન સૂકાતું વાત્સલ્ય... આ પુસ્તકમાં માબાપ અને સંતાન વચ્ચે પેદાં થતી કંઈકેટલીય સંભાવનાઓ અને સ્પંદનો હ્યદયસ્પર્શી રીતે ઝીલાયાં છે. પુસ્તક જીવાતા જીવનથી ખૂબ નિકટ છે અને તે એનો મોટો પ્લસ પોઈન્ટ છે. વાસ્તવમાં આ ચોપડીનું એક જોડિયું પુસ્તક પણ છે ‘ડેનીમ’, જેમાં બાપ-બેટા વચ્ચેનો પત્રસંવાદ છે.

લેખક તુષાર શુક્લ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘એક રીતે કહીએ તો, ‘બેકપેક’ અને ‘ડેનીમ’ પુસ્તકો મારા મનપ્રદેશમાં ચાલ્યા કરતી વાતોનું લાઉડ થિન્િકંગ છે. મને બહુ કન્સર્ન છે નવી પેઢી માટે. આજે ઘણાં માબાપ પોતાના જુવાન થઈ રહેલાં સંતાનને કશુંય કહેતા ડરતાં હોય છે. આના કરતાં દુખદ વાત બીજી કઈ હોઈ શકે?’


માર્ગદર્શનની જરૂર માત્ર નવી પેઢીને નથી, માબાપને પણ છે. આ પુસ્તક સંતાનની સાથે સાથે વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરે છે અને તે પણ સહેજ પણ ભારેખમ બન્યા વિના. સુંદર વાંચન, સત્ત્વશીલ લખાણ. માત્ર યુવાન સંતાનો કે તેમના વાલીઓ જ નહીં, પણ જેમનાં સંતાનો ભવિષ્યમાં ટીનેજર બનવાનાં છે તેવાં મમ્મીપપ્પાઓને પણ અપીલ કરે તેવું મજાનું પુસ્તક.


(બેકપેક

લેખકઃ તુષાર શુક્લ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,
દેરાસર પાસે, ગાંધી માર્ગ,
અમદાવાદ  ૩૮૦૦૦૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

િકંમતઃ રૂ. ૧૨૫/

પૃષ્ઠ સંખ્યાઃ ૯૪)

૦૦૦

Saturday, December 4, 2010

યે અંદર કી બાત હૈ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૧૫ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત

સ્લગઃ મલ્ટિપ્લેક્સ‘બિગ બોસ’ કે ‘ઈમોશનલ અત્યાચાર’માં બિપ્ બિપ્ અવાજ નીચે દબાઈ જતી ગાળાગાળીથી હબકી જતું ઓડિયન્સ યાદ રાખે કે આ તો માત્ર શરૂઆત છે. હજુ તો ખૂબ બધું આવશે. નો-પેન્ટી ફોટોગ્રાફ્સ, સેક્સ-વિડીયોઝ, બધું જ.
તૈયાર રહેજો.ઈન્ડિયન નથી, યુરોપિયન છે. હિન્દી સિનેમામાં તેણે આઈટમ ગર્લ તરીકે કરીઅર બનાવી છે. દેખાવે તે બાફેલા ઇંડા જેવી છે. ક્યારેક તે ફદફદી ગયેલા વાસી ભાત જેવી લાગે છે. તેનું નામ કંઈ પણ હોય શકે હિડિંબા, તાડકા, કૂબડી, કુબ્જા, ચાંડાલિકા, કંઈ પણ. એના નામમાં આપણે નથી પડવું. તેની તસવીર પણ નથી જ છાપવી. તે ત્રીસ વર્ષ વટાવી ગઈ છે તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ધારાધોરણ પ્રમાણે તેની એક્સપાયરી ડેટ આવી ગઈ કહેવાય. બીજી કશી ટેલેન્ટ ન હોય અને એક પછી એક દરવાજા બંધ થઈ રહ્યા હોય તે સ્થિતિ ઘાંઘા થવા માટે પૂરતી હોય છે. અસલામતીની લાગણીથી વિહવળ થઈ ગયેલી આ આઈટમ ગર્લે પોતાના તરફ સૌનું ધ્યાન ખેંચવા તાજેતરમાં એક અત્યંત ઘટિયા હરકત કરી નાખી.મુંબઈમાં બાળકો માટેની એક ચેરિટી પ્રોગ્રામ યોજાયો હતો. ગ્લેમર ઈન્ડસ્ટ્રીના કેટલાય લોકો આવ્યા હતા, પ્રિન્ટ અને ટેલીવિઝન મિડીયા પણ હાજર હતું. આમ તો આ રૂટિન ઈવેન્ટ હતી, પણ પેલી બીગ્રેડની આઈટમ ગર્લ માટે જોણું કરવાનો આ પરફેક્ટ મોકો હતો. તે બ્લેક કલરનું વનપીસ ફ્રોક પહેરીને પહોંચી ગઈ. ખભા ખુલ્લા અને ડ્રેસની લંબાઈ માંડ નિતંબ ઢંકાય એટલી. ઠીક છે. હિરોઈન, મોડલ કે આઈટમ ગર્લ પોતાની ગ્લેમરસ ઈમેજ પ્રમાણે પોષાક ધારણ કરે તેમાં કશું ખોટું નથી. આ આઈટમ ગર્લે સ્થળ પર શાનદાર એન્ટ્રી મારી એટલે મિડીયાના પ્રતિનિધિઓ આદત મુજબ એની કાર તરફ દોડ્યા. જેવો પેલીએ કારનો દરવાજો ખોલ્યો કે માંડ્યા બધા ક્લિક ક્લિક કરવા. પણ ફોટોગ્રાફરો અને કેમેરામેનોએ હવે જે જોયું તે માની ન શકાય તેવું નહોતું. આ આઈટમ ગર્લના ટૂંકા બ્લેક ડ્રેસ નીચે અન્ડરવેર નહોતું.આઈટમ ગર્લ તો સ્માઈલ કરતાં કરતાં ટેસથી આગળ વધી અને આમંત્રિતો સાથે ભળી ગઈ. અલગ અલગ ટેબલ ફરતે ખુરસીઓ ગોઠવાયેલી હતી. આઈટમ ગર્લ પોતાની સીટ પર પગ પર પગ ચડાવીને બેસી ગઈ. ઓળખીતા-પાળખીતા એની પાસે આવે, બાજુની ચેર પર બેસે, હસીમજાક કરે અને આ બેવકૂફ મહિલા વાતો કરતા કરતા પગની પોઝિશન બદલતી રહે. પાપારાઝીઓને ખાતરી થઈ ગઈઃ આ આઈટમ ગર્લ ખરેખર પેન્ટી પહેર્યા વગર આવી છે. કોઈએ છોકરીનું ધ્યાન પણ દોર્યું. આંખો પટપટાવીને કહેઃ એમ? ઈટ્સ અ વોર્ડરોબ માલફંકશન!બસ, પછી શું? બીજે દિવસે અખબારોમાં તસવીરો છપાઈ ગઈ, ઈન્ટરનેટ પર ધડાધડ આ ફોટોગ્રાફ્સ સર્ક્યુલેટ થવા માંડ્યા. આઈટમ ગર્લ તો નિર્લજ્જ હતી, પણ મિડીયાને શરમ નડી. તસવીર છાપતી વખતે કે અપલોડ કરતી વખતે આઈટમ ગર્લના ગુપ્ત હિસ્સાને કાળા ચકરડાથી ઢાંકી દેવામાં આવી. ના, વાત અહીં પૂરી થતી નથી. મસાલાભૂખ્યું મિડીયા આ સંપૂર્ણ અંગપ્રદર્શન વિશે પોતાને ક્યારે પૂછે એની રાહ જોઈને બેઠી હોય તેમ બીજે દિવસે તે હસી હસીને ઈન્ટરવ્યુ આપવા માંડીઃ ‘હેહેહેહે... છેને એ તો હું પેન્ટી પહેરવાનું ભુલી ગઈ હતી! એમાં થયું એવું કે આખો દિવસ હું એક ડાન્સ શો માટે રિહર્સલ કરતી હતી. કોરિયોગ્રાફર ચિત્રવિચિત્ર સ્ટેપ્સ કરાવે ત્યારે અન્ડરવેરથી બહુ અગવડ પડતી હતી. એટલે તે દિવસે હું સીધું જ ટ્રેકપેન્ટ ચડાવીને રિહર્સલમાં પહોંચી ગયેલી. સાંજે મારે રિહર્સલમાંથી સીધા પેલા ફંકશનમાં જવાનું હતું એટલે ત્યાં પહેરવાનો બ્લેક ડ્રેસ, સેન્ડલ્સ, મેકઅપનો સામાન બધું પેક કરીને હું સાથે લઈ ગયેલી... પણ આ સામાનમાં હું પેન્ટી નાખવાનું જ ભૂલી ગઈ! મારે પછી એમને એમ જ ફંકશનમાં જવું પડ્યું, બોલો. શું થાય?’ પછી પોતે કેટલી ખેલદિલ અને બહાદૂર છે એવા ભાવ સાથે ખુદને ખિતાબ આપતા બોલીઃ ‘ અત્યાર સુધી હું આઈટમ ગર્લ તરીકે ઓળખાતી હતી, પણ હવેથી હું
નો-પેન્ટી ગર્લ તરીકે ઓળખાઈશ. હેહેહેહે...’શાબાશ! આ છોકરી ચોક્કસ એવાં સપનાં જોતી હશે કે મારી નોપેન્ટી તસવીરો મિડીયામાં જાહેર થશે એટલે એયને મહિલા સંગઠનો મારા નામની હાય હાય કરતાં સરઘસ કાઢશે, મારા પૂતળાં બાળશે, ટીવી પર ચેટશોમાં મને બોલાવવામાં આવશે, કોર્ટમાં મારા વિરુદ્ધ અશ્લીલતાના બેચાર કેસ થઈ જશે અને એટલો મસ્ત વિવાદ થશે કે અઠવાડિયાઓ સુધી હું ન્યુઝમાં ચમકતી રહીશ... પછી ચારપાંચ ફિલ્મો ને બેત્રણ રિયાલિટી શો તો ચપટી વગાડતા મળી જશે.Paris Hilton

કામ મેળવવા, સમાચારમાં ગાજતા રહેવા માટે પોતાની આબરુનો છેલ્લો અંશ પણ જાહેરમાં પ્રદર્શિત કરી દેવો તે અત્યંત છીછરી અને નિમ્નતમ ચેષ્ટા થઈ. આ પશ્ચિમના ‘સુધરેલા’ દેશોનું સેલિબ્રિટી કલ્ચર છે. આપણે ત્યાં આ કલ્ચર તીવ્ર વેગે પ્રવેશી રહ્યું છે તેનો આ ઘટના સ્પષ્ટ સંકેત છે. પેરિસ હિલ્ટન (જુઓ તસવીર) યુરોપ-અમેરિકાના ગ્લેમર મિડીયામાં સતત ગાજતી પેજ-થ્રી પાર્ટી ગર્લ છે. તેના વિશે શું કામ લખાવું જોઈએ કે તેને શા માટે મહત્ત્વ મળવું જોઈએ તેનો જવાબ કોઈની પાસે નથી. શી ઈઝ ફેમસ ફોર બીઇંગ ફેમસ! આપણે ત્યાં પણ આવા કેટલાય પેજથ્રી નમૂનાઓ છે જ. પેરિસ હિલ્ટન સારી એવી જાણીતી થઈ એટલે તેને એક રિયાલિટી શોમાં કામ મળ્યું. આ શો ઓન-એર થાય તેના એક્ઝેક્ટલી એક વીક પહેલાં પેરિસનો સેક્સ-વિડીયો ‘લીક’ કરવામાં આવ્યો. પત્યું. પેરિસનો જયજયકાર થઈ ગયો. પેરિસની કિમ નામની સહેલી તેના પગલે પગલે ચાલી. તેણે પણ પોતાની સેક્સટેપ બહાર પાડી. એ ન્યુઝમાં આવી ગઈ. ‘પ્લેબોય’ મેગેઝિને તેની ઉઘાડી તસવીરો છાપી. તે જોઈને એક રિયાલિટી શોવાળાઓએ કિમ અને તેના પરિવારનો અપ્રોચ કર્યો અને તેમને પોતાના શોમાં ચમકાવ્યાં. બસ, પછી શું. કિમ સ્ટાર બની ગઈ!


Censored: Britney Spears


બ્રિટની સ્પીઅર્સ તો ખરેખર સ્ટારસિંગર હતી, એક સમયે તે યુથ આઈકોન ગણાતી હતી. વચ્ચે એક જ અઠવાડિયામાં લાગલગાટ ત્રણ વખતે તેની પેન્ટી વગરની તસવીરો મિડીયામાં છપાઈ. પેરિસ હિલ્ટનને પણ ‘મેં અન્ડરવેર પહેયરુ નથી’ એવું પ્રસ્થાપિત કરવાની હોબી છે. હોલીવૂડનો આ ટ્રેન્ડ છે. ન્યુઝમાં આવવા માટે લફરાં કરવામાં કે એવા બધામાં શા માટે ટાઈમ બગાડવાનો? જાહેરમાં શોર્ટ ડ્રેસ પહેરીને પેન્ટી પહેર્યા વગર મહાલવાનું એટલે થોડી કલાકોમાં ટીવી-ઈન્ટરનેટ-છાપાંમાં તસવીરો હાજર. ધારો કે એ ન જામતું હોય તો સેક્સ-વિડીયો બહાર પાડી દેવાનો. સિમ્પલ.અગાઉ જેની વાત કરી તે હિન્દી આઈટમ ગર્લ પેરિસ હિલ્ટનની અઢારમી ઝેરોક્સ છે. અને તે એક નથી, હિન્દી ફિલ્મટીવી ઈન્ડસ્ટ્રીમાં એના જેવી કેટલાય ડેસ્પરેટ નમૂનાઓ છે. માણસ હોય કે લાઈફસ્ટાઈલ હોય કે કલ્ચર આ સૌને આખેઆખા, એના સારાખરાબ રંગો સાથે, એક પેકેજ ડીલ તરીકે સ્વીકાર્યા વગર છૂટકો નથી. આપણી સંસ્કારિતા કે સેન્સિબિલીટી સાથે મેળ ખાતો ન હોય, તો પણ. પશ્ચિમના સેલિબ્રિટી કલ્ચરના વરવા રંગો આપણે ત્યાં ન દેખાય એવું શી રીતે બને? મુક્ત બજાર છે, ગ્લોબલ વિલેજ છે, પ્રભાવ સંર્પૂણ છે. પહાડના ઢોળાવ પર એક વિશાળ વજનદાર ગોળાને છુટ્ટો મૂકી દેવાયો છે. એ ગબડશે જ, વધારે નીચે જશે જ. ‘બિગ બોસ’ કે ‘ઈમોશનલ અત્યાચાર’માં બિપ્ બિપ્ અવાજ નીચે દબાઈ જતી ગાળાગાળીથી હબકી જતું ઓડિયન્સ યાદ રાખે કે આ તો માત્ર શરૂઆત છે. હજુ તો ખૂબ બધું આવશે. નો-પેન્ટી ફોટોગ્રાફ્સ, સેક્સ-વિડીયોઝ, બધું જ. તૈયાર રહેજો.શો સ્ટોપરમને ફિલ્મફેર અવોર્ડ માટે નોમિનેટ કરવાની વાત તો દૂર રહી, એ લોકો મને એમના ફંકશનમાં ઈન્વાઈટ પણ કરતા નથી. મને ક્યારેય ફિલ્મફેર અવોર્ડ ફંકશનના પાસ મોકલવામાં આવતા નથી. પણ ‘ગોલમાલ-થ્રી’ સહિત મારી ચાર ફિલ્મો લાગલગાટ હિટ થઈ એટલે એ લોકોની બોલતી બંધ થઈ
ગઈ છે.


- રોહિત શેટ્ટી, ડિરેક્ટર

Friday, December 3, 2010

Film reviews : No khel! No rakt! No Obama...

Dear blog-freinds,

No film reviews this week!

As I was off to a social visit in Gujarat for 3 days I could not watch any film released this week, ie Khele Hum Jee Jaan Se, Rakta Charitra -2 and Fas Gaye re Obama.

Whenever I can't make it, Gujarati Mid-day staffers translate the reviews from English Mid-day and publish them.

If you happen to watch any of these movies, do share your views. I am curious to know your feedback.

Regards...

Sunday, November 28, 2010

ઓડિયન્સ કો ક્યા મંગતા?

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - તા. ૨૮ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


મલ્ટિપ્લેક્સ

સંજય ભણસાલીએ આર્ટિસ્ટિક ફિલ્મો બનાવવાનું બંધ કરીને લંગૂર જેવા બે-ત્રણ-ચાર હીરોને લઈને કોમેડીના વલ્ગર ટાયલાં કરાવવા જોઈએ. ‘મુન્ની બદનામ હુઈ’ ટાઈપનાં આઈટમ સોંગ પર હિરોઈન પાસે ઢીંઢા હલાવીને ડાન્સ કરાવવો જોઈએ. લોકોને નોનસેન્સ હાહાહીહી જોઈએ છે તો એ જ આપવું જોઈએ, રાઈટ?૧૧ માથાં.

આ હતી મંગળવારની મોડી સાંજે મુંબઈના એક મલ્ટિપ્લેક્સમાં ‘ગુઝારિશ’ જોવા આવેલા માણસોની સંખ્યા. સંવેદનશીલ વાર્તા, ઉત્તમ ડિરેકશન, મજબૂત અભિનય, અફલાતૂન ટેક્નિકલ પાસાં, વિવેચકોના જોરદાર વખાણ... અને બોક્સ ઓફિસ રિઝલ્ટ? સુપર ફ્લોપ. એક રિપોર્ટ કહે છે કેે નોર્થ ઈન્ડિયાનાં કેટલાય થિયેટરોમાં બે જ દિવસમાં ‘ગુઝારિશ’ ઉતારીને તેની જગ્યાએ ‘ગોલમાલ-થ્રી’ લગાવી દેવામાં આવી. બીજો અહેવાલ કહે છે કે હિન્દી બેલ્ટમાં જ નહીં, અતિ પોશ ગણાતી ઓવરસીઝ ટેરિટરી એટલે કે વિદેશમાં પણ ‘ગુઝારિશ’નો ધબડકો થઈ ગયો. ત્રીજો રિપોર્ટ કહે છે, આ ફિલ્મ તો ‘કાઈટ્સ’ કરતાંય મોટી ફલોપ છે. ચોથો રિપોર્ટ કહે છે, આ ફિલ્મે પચાસ કરોડનું નુક્સાન કરી નાખ્યું છે. આંકડાબાજીમાં ન પડીએ, પણ એક વાત સ્પષ્ટ છેઃ આમજનતાને ‘ગુઝારિશ’ સહેજ પણ ગમી નથી. લોકોએ આ ફિલ્મને બેરહમીથી નકારી કાઢી છે.ક્યાં ગરબડ થઈ ગઈ? ક્યાં કાચું કપાયું? સમજાતું નથી. આ ઘડીએ ‘ગુઝારિશ’ની ટીમ ઓડિયન્સના રિજેકશનથી જેટલી સ્તબ્ધ છે એટલા જ સત્ત્વશીલ હિન્દી સિનેમાના ચાહકો ચકિત છે. ઓડિયન્સને ક્યાં વાંધો પડ્યો? ફિલ્મના અડધોઅડધ ડાયલોગ્ઝ અંગ્રેજીમાં છે, એમાં? ફિલ્મ બહુ ‘સિરિયસ સિરિયસ’ છે અને ફ્રેશ કરવાને બદલે ઊલટાનું મન ભારે કરી નાખે છે, એમાં? હ્યુતિક જેવા હીમેન હીરોને અપંગ બતાવ્યો છે અને આખી ફિલ્મમાં એને પથારી પર સૂવડાવી રાખ્યો છે, એમાં? ફિલ્મમાં હાઈકલાસ આઈટમ સોંગ રાખ્યું નથી અને તેના પર ઐશ્વર્યા પાસે નૃત્ય કરાવ્યું નથી, એમાં?ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીય છાવણીઓ રાજીની રેડ થઈ ગઈ છે અને કેટલાય માથાં સામસામા દારૂના ગ્લાસ અથડાવીને ‘ચિયર્સ’ કરી રહ્યાં છે. સંજય ભણસાલી, હ્યુતિક રોશન અને ઐશ્વર્યા રાય આ ત્રણેય બોલીવૂડનાં બહુ મોટાં નામો છે અને તેથી જ તેમની સફળતાથી જલી ઉઠતા લોકોનો અહીં તોટો નથી. સંજય ભણસાલીની ‘સાંવરિયા’ અને હ્યુતિક રોશનની ‘કાઈટ્સ’ પછીની આ લાગલગાટ બીજી ફ્લોપ ફિલ્મ છે. અંદરથી તોડી નાખે, આત્મવિશ્વાસ હલબલાવી નાખે એવી આ વાત છે. વાંકદેખાઓ કહે છે કે સંજય ભણસાલી એક જ પ્રકારની, અપંગોની લાચારીની વાર્તા કરતી એકસરખી ફિલ્મો (‘ખામોશી’, ‘બ્લેક’, ‘ગુઝારિશ’) બનાવ્યા કરે છે. અરે? રામગોપાલ વર્મા સમાન થીમ, ફીલ અને અપીલવાળી ‘સત્યા’ પછી ‘કંપની’ અને ‘સરકાર’ પછી ‘સરકાર રાજ’ બનાવતા નથી? વિશાલ ભારદ્વાજે શેક્સપિયરની કૃતિઓ પરથી ‘મકબૂલ’ પછી ‘ઓમકારા’ અને ત્યાર બાદ ફરી પાછા યુપી-બિહારના પશ્ચાદભૂવાળી ‘ઈશ્કિયા’ બનાવી નથી? મનમોહન દેસાઈની ફિલ્મો એકસરખી મસાલેદાર લાગતી હોય તો એ તેમનો ટ્રેડમાર્ક ગણાય. એક મુદ્દો વિદેશી ફિલ્મોની ઉઠાંતરીનો પણ છે. તો એટલું ચોક્કસ કહી શકાય કે સંજય ભણસાલી બેવકૂફ નકલખોરી કરતા નથી. દેશીવિદેશી સિનેમાનો પાક્કો રેફરન્સ હોવા છતાં તેમની ફિલ્મોમાં પુષ્કળ સંજયપણું રેડાયેલું હોય છે, જે જેન્યુઈન હોય છે.હ્યુતિકે બાપડાને દૂર દૂરથી પણ સ્પેનિશ-પોર્ટુગીઝ જેવી દેખાતી કંઈ પણ વસ્તુથી દૂર રહેવા જેવંુ છે, કારણ કે તે એના માટે સખ્ખત બુંદિયાળ સાબિત થાય છે. ‘કાઈટ્સ’ની હિરોઈન બાર્બરા મોરી સ્પેનિશભાષી હતી, જ્યારે ‘ગુઝારિશ’નું ગોવા, ક્લબ, તેનું ઘર વગેરે ડાયરેક્ટ પોર્ટુગલથી ઈમ્પોર્ટ કર્યાં હોય તેવાં દેખાય છે. શુકન-અપશુકનમાં શ્રદ્ધા ધરાવતા ચાહકોને ચિંતા થઈ જાય એવી વાત એ છે કે હ્યુતિકની આગામી ફિલ્મે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નું પુષ્કળ શૂટિંગ સ્પેનમાં થયું છે! હ્યુતિક જેવા ડાન્સિંગ-એકશન-રોમેન્ટિક હીરો માટે ‘ગુઝારિશ’ના પેરેલાઈઝડ નાયકનો રોલ સ્વીકારવો એ મોટું જોમખ હતું. છતાંય તેણે રિસ્ક લીધું, એટલું જ નહીં, આ ભુમિકામાં અવોર્ડ્સનો વરસાદ વરસે એવું પર્ફોર્મન્સ આપ્યું. ઓડિયન્સે ‘ગુઝારિશ’ સ્વીકારી હોત તો હ્યુતિકનો પાનો ચડત, એક એક્ટર તરીકે પોતાની સીમાને વિસ્તારવાની તે ફરીથી ઝનૂનપૂર્વક કોશિશ કરત. એવું નથી કે હ્યુતિકે, કે ફોર ધેટ મેટર, સંજય અને અને ઐશ્વર્યાએ ભૂતકાળમાં ફ્લોપ ફિલ્મો આપી નથી. છતાંય ‘ગુઝારિશ’ની નિષ્ફળતાનું એક અપ્રિય પરિણામ એ આવી શકે કે હ્યુતિક પાછો પોતાના ‘સેફ ઝોન’માં લપાઈ જશે અને ‘ક્રિશ’ બનીને સુપરહીરોવેડા કરવા માંડશે.‘બચ્ચન’ બન્યા પછી આ વર્ષે ઐશ્વર્યાની ચારચાર મોટી ફિલ્મો રિલીઝ થઈ. તેમાંથી એકમાત્ર હિટ ‘રોબો’ હતી, પણ તે રજનીકાંતનો વન-મેન-શો હતી એટલે એૈશ્વર્યા પાસેથી ખાસ કશા યોગદાનની અપેક્ષા જ નહોતી. જો ‘ગુઝારિશ’ ચાલી ગઈ હોત તો ‘રાવણ’ અને ‘એકશન રિપ્લે’ની નિષ્ફળતા એક તરફ હડસેલાઈ ગઈ હોત. પરિણીત અભિનેત્રીઓ માટે આપણા પ્રેક્ષકો ખરેખર સાઈકોલોજિકલ બ્લોક અનુભવે છે? ‘ગુઝારિશ’ના ધબડકા પછી નિરાશ થયેલી એૈશ્વર્યા ફેમિલી પ્લાન કરવા માંડે તો નવાઈ નહીં.... અને સંજય ભણસાલી હવે મહેરબાની કરીને આર્ટિસ્ટિક ફિલ્મો બનાવવાની બંધ કરે. એમણે લંગૂર જેવા બે-ત્રણ-ચાર હીરોને લઈને કોમેડીના વલ્ગર ટાયલાં કરાવવા જોઈએ. એ ય જો ઓછા પડતા હોય તો ઉપર જોની લીવર કે રાજુ શ્રીવાસ્તવને ભભરાવવા જોઈએ. અને હા, ‘મુન્ની બદનામ હુઈ’ કે ‘શીલા કી જવાની’ ટાઈપનાં કમસે કમ બે આઈટમ સોંગ તો જરૂર ઘુસાડવા જોઈએ. પછી એના પર હિરોઈન પાસે ઢીંઢા હલાવી હલાવીને સીટીમાર ડાન્સ અવશ્ય કરાવવો જોઈએ. ઓડિયન્સને ‘ગુઝારિશ’ નહીં ‘ગોલમાલ’ ખપે છે. લોકોને નોનસેન્સ હાહાહીહી જોઈતું હોય તો એ જ આપવું જોઈએ, રાઈટ?હંમેશાં ફિલ્મમેકર કે એક્ટર જ નિષ્ફળ જતા નથી, ક્યારેક ઓડિન્સ પણ નિષ્ફળ જતું હોય છે. ‘ગુઝારિશ’ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.


શો-સ્ટોપર

મારી પહેલી જ ફિલ્મ પછી લોકોએ મને ‘મેગાસ્ટાર’નું બિરુદ આપી દીધું હતું. તેના તરત પછી મને ‘ફિનિશ્ડ’ પણ જાહેર કરી દીધો. ડહાપણ એટલે બીજું શુ? ખરાબ સમયમાં શીખેલો બોધપાઠ સારા સમયમાં યાદ રાખવો, એ.- હ્યુતિક રોશન