Tuesday, June 30, 2015

મલ્ટિપ્લેક્સ : શું આવ્યું બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું પરિણામ?

Sandesh - Sanskaar Purti - 28 June 2015

મલ્ટિપ્લેક્સ 

આ વર્ષની અત્યાર સુધીની મસ્તમજાની ફિલ્મોનું લિસ્ટ બનાવીએ તો આંકડો દસ પર પહોંચે છેઃ 'બેબી', 'શમિતાભ', 'બદલાપુર', 'દમ લગા કે હઈશા', 'એનએચ-ટેન', 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો', 'કોર્ટ', 'પિકુ', 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' અને 'એબીસીડી-ટુ'. ધારો કે આ લિસ્ટમાંથી તમે જીદ કરીને ધરાર 'શમિતાભ' અને 'એબીસીડી-ટુ'ને કઢાવી નાખો તોય પાછળ આઠ ફિલ્મો બચે છે. છ મહિનામાં એકબીજા કરતાં નોખા મિજાજની મસ્તમજાની આઠ-આઠ ફિલ્મો. આ અફલાતૂન સ્કોર કહેવાય.

લો, હજુ હમણાં તો થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાત સેલિબ્રેટ કરી હતી ને એટલામાં બોલિવૂડ-૨૦૧૫નો અર્ધવાર્ષિક રિપોર્ટ આપવાનો સમય આવી ગયો. બોક્સઓફિસના આંકડા એક વાત છે, ફિલ્મોની ગુણવત્તા-વૈવિધ્ય-મિજાજ તદ્દન જુદો મામલો છે. ખરેખર તો આંકડાઓએ સીધો ને સટ હિસાબ આપવો જોઈએ, પણ આપણે ત્યાં બોક્સઓફિસના અહેવાલો બ્લેક-એન્ડ-વ્હાઇટ સત્ય પેશ કરવાને બદલે અર્ધસત્યની વિરોધાભાસી ભ્રમજાળ બિછાવવાનું કામ વધારે કરે છે, તેથી પહેલાં આપણે ફિલ્મોની મજાની વાત કરીશું, કારણ કે એનો સીધો સંબંધ દિલ, દિમાગ અને ક્રિએટિવિટી સાથે છે. તે નક્કરપણે અનુભવી શકાય છે, સંવેદી શકાય છે.

આપણા મનમાં હજુ તનુ-મનુની ધમાલ, 'દિલ ધડકને દો'નું પાગલપણું અને 'એબીસીડી-ટુ'નાં ડાન્સ સ્ટેપ્સ છવાયેલાં છે, પણ સમયને જરા રિવાઇન્ડ કરીને વર્ષના પ્રારંભબિંદુ પર આવો. જાન્યુઆરીમાં જલસો કરાવી દે એક ફિલ્મ આવી - 'બેબી'. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીની ગતિવિધિઓને પેશ કરતી આ સુપર્બ,નો-નોનસેન્સ એક્શન થ્રિલરમાં અક્ષયકુમાર બરાબરનો ખીલ્યો હતો. ફ્રેબ્રુ્ર્ર્રઆરીમાં આવેલી એસ. બાલ્કીની 'શમિતાભે' જેટલી અપેક્ષા હતી એટલો તો નહીં, પણ તોય ઠીક ઠીક આનંદ કરાવ્યો. અહીં મજા તદ્દન નવા વિષયની હતી. ધનુષ જેવા દુબળાપાતળા કદરૂપા હીરો પર અમિતાભ બચ્ચનનો ભારેખમ મર્દાના અવાજ ફિટ કરી દેવામાં આવે તો શું થાય? કોણ ચડિયાતું - જે દેખાય છે એ કે જે સંભળાય છે એ? ફિલ્મના એક્ઝિક્યુશનમાં ભલે કચાશ રહી ગઈ, પણ એક અસાધારણ, ઓફબીટ અને વણખેડાયેલી થીમ પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો તે વખાણવાલાયક તો ખરો જ.

ફેબ્રુઆરીમાં બે સુંદર ફિલ્મો આવી. પહેલી, હાઇક્લાસ રિવેન્જ ડ્રામા, 'બદલાપુર'. નવાઝુદ્દીન સિદ્દીકી એક્ટિંગનો એક્કો છે તે આપણે જાણતા હતા, પણ વરુણ ધવન? આ ચોકલેટી હીરોએ ઇન્ટેન્સ ભૂમિકા એટલી પ્રભાવશાળી રીતે ભજવી કે ફટાક કરતો એ જુદી જ ભ્રમણકક્ષામાં મુકાઈ ગયો. 

ફેબ્રુ્આરીના અંતમાં 'દમ લગા કે હઈશા' આવી. બોલિવૂડમાં નિષ્ફળતાનો ભાર વેંઢારી રહેલો સુકલકડી આયુષ્યમાન ખુરાના એનો હીરો હતો અને ભયંકર જાડ્ડીપાડ્ડી ઢમઢોલ દેખાતી ભૂમિ પેડણેકર નામની સાવ અજાણી યુવતી એની હિરોઇન. ફિલ્મનો વિષય જ આ હતોઃ કજોડું. ફિલ્મની સાદગી અને સરળતાએ કમાલ કરી. હરિદ્વાર-ઋષિકેશના પશ્ચાદભૂમાં બનેલી આ હસતી-હસાવતી ફિલ્મ લોકોના દિલને સ્પર્શી ગઈ. આ ડેડલી કોમ્બિનેશન છે- ભરપૂર રમૂજ અને હૃદયના તાર ઝંકૃત કરી શકવાની તાકાત. રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં આ જ તો બે તત્ત્વોનું પ્રભુત્વ હોય છે. 'દમ લગા કે હઈશા'એ બોલિવૂડને એક બ્રાન્ડ ન્યૂ ડિરેક્ટર પણ આપ્યો - શરત કટારિયા.

માર્ચમાં 'એનએચ-ટેન' આવી. સીટ સાથે જકડી રાખે એવી આ હાર્ડ-હિટિંગ થ્રિલર વર્ષની પહેલી હિરોઇન-સેન્ટ્રિક ફિલ્મ બની રહી. આ ફિલ્મથી અનુષ્કા શર્માએ પ્રોડયુસર તરીકે સફળ શરૂઆત કરી. 
એપ્રિલમાં આવેલી 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો' અદૃશ્ય બોમ્બની જેમ ફાટી. સેરેબ્રલ પોલ્સીથી પીડાતી અને સતત વ્હિલચેર સાથે જડાયેલી રહેતી અપંગ યુવતીનાં તન-મનમાં પોતાની ઉંમરની કોઈ પણ તંદુરસ્ત યુવતી જેવા જાતીય આવેગો સળગવા માંડે ત્યારે શું થાય? ફિલ્મનું નાવીન્ય અને બોલ્ડનેસ જોઈને દર્શકો આનંદાશ્ચર્યથી ચમકી ગયાઃ અહો, આવા વિષય પર પણ આટલી ઇફેક્ટિવ ફિલ્મ બની શકે છે! કલ્કી કોચલિને શું અભિનય કર્યો છે આ ફિલ્મમાં. એક જ અઠવાડિયા પછી આંખ બંધ કરીને સીધી ઇન્ડિયન એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલી શકાય એવી ધમાકેદાર ફિલ્મ આવી - 'કોર્ટ'. મરાઠી-અંગ્રેજી-હિન્દી-ગુજરાતીમાં બનેલી આ ફિલ્મે સૌને એક વાત શીખવીઃ સાદગીમાં પ્રચંડ તાકાત હોઈ શકે છે. ફિલ્મને પ્રભાવશાળી બનાવવા માટે કોઈ ટેક્નિકલ તામજામની જરૂર હોતી નથી. બસ, વાતમાં દમ હોવો જોઈએ. આ સાથે ૨૦૧૫ની મસ્ત ફિલ્મોનો આંકડો ક્યાં પહોંચ્યો? સાત પર.

હવે આવો ૨૦૧૫ના પાંચમા મહિનામાં. 'પિકુ'! આખો દિવસ સૌનું લોહી પીધા કરતા સાવ ખડૂસ સ્વભાવના એક ઘરડા માણસને કબજિયાતની બીમારી હોય, પોતાની દીકરી સાથે એ કારમાં દિલ્હીથી કોલકાતાની સફર કરે ને પછી વતનના ઘરમાં એનું રામ બોલો ભાઈ રામ થઈ જાય - આવડાક અમથા તાંતણામાંથી આખેઆખી ફુલલેન્થ ફિચર ફિલ્મ બની શકે? તે પણ અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન જેવાં ધરખમ ખેલાડીઓને લઈને? જો વાત શૂજિત સરકારની ચાલતી હોય તો જવાબ છે, હા, જરૂર બની શકે. એય પાછી હિટ ફિલ્મ. 'પિકુ' જોઈને આપણે પુલકિત થઈ ગયા હતા. આવી અંતરંગી ઓેફબીટ ફિલ્મને હિટ બનાવીને ઓડિયન્સે પોતાની સતત વધી રહેલી મેચ્યોરિટીનો ફરી એક વાર પરચો દેખાડયો. 

મે મહિનાના ઉત્તરાર્ધમાં'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' આવી ને તે સાથે જ જાણે કે હિન્દી ફિલ્મો જોતું સમગ્ર ઓડિયન્સ અને બોલિવૂડ ઝૂમી ઊઠયાં. 'ક્વીન' જોયા પછી લાગતું હતું કે બસ, કંગના રનૌતની 'મધર ઇન્ડિયા' આવી ગઈ, પણ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'થી એ એક લેવલ ઔર ઉપર ચડી. બહુ ગાજેલી હન્ડ્રેડ કરોડ ક્લબમાં દાખલ થવા માટે ખાન તો શું, કોઈ પણ હિટ હીરોની જરૂર નથી એવું પુરવાર કરીને કંગનાએ બોલિવૂડનાં સમીકરણોને સખળડખળ કરી નાખ્યાં છે.

જૂન. આપણે આ વર્ષની મસ્તમજાની ફિલ્મોનું લિસ્ટ બનાવી રહ્યા છીએ ત્યારે એમાં 'દિલ ધડકને દો'ને સામેલ કરવી છે કે નથી કરવી? નથી કરવી, કેમ કે 'દિલ ધડકને દો'એ આપણને એવી કોઈ યાદગાર મોમેન્ટ નથી આપી. સોરી, ઝોયા. લિસ્ટમાં લેટેસ્ટ એન્ટ્રી છે, 'એબીસીડી-ટુ'ની. હા, ફિલ્મનો સ્ક્રીનપ્લે બાલિશ છે. હા, ડાન્સને બાદ કરી નાખીએ તો ફિલ્મમાં કંંઈ બચતું નથી, પણ મુદ્દો એ છે કે 'એબીસીડી-ટુ'માંથી ડાન્સને બાદ શું કામ બાદ કરી નાખવાના? આ એક અફલાતૂન ડાન્સ-મ્યુઝિકલ છે. આ જોનરમાં આમેય ઓછી ફિલ્મો બની છે. તો, સ્કોર થયો, દસ. ધારો કે આ લિસ્ટમાંથી તમે જીદ કરીને ધરાર 'શમિતાભ' અને 'એબીસીડી-ટુ'ને કઢાવી નાખો તોય પાછળ આઠ ફિલ્મો બચે છેઃ 'બેબી', 'બદલાપુર', 'દમ લગા કે હઈશા', 'એનએચ-ટેન', 'માર્ગારિટા વિથ અ સ્ટ્રો', 'કોર્ટ', 'પિકુ' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'. છ મહિનામાં એકબીજા કરતાં નોખા મિજાજની મસ્તમજાની આઠ-આઠ ફિલ્મો. આ અફલાતૂન સ્કોર કહેવાય. એક પછી એક આઠ સુંદર ફિલ્મોથી શોભતા બહુ ઓછા છ મહિના બોલિવૂડે જોયા છે.

હવે થોડી નિરાશાજનક વાતો. દિવાકર બેનર્જીની સસ્પેન્સ-થ્રિલર 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી!' જમાવટ ન કરી શકી. 'રોય' અને 'બોમ્બે વેલ્વેટ' ફ્લોપ થવાથી રણબીર કપૂર તો ઠીક, એના ચાહકો પણ ટેન્શનમાં આવી ગયા છે. આવંુ જ વિદ્યા બાલનના કેસમાં બન્યું. 'હમારી અધૂરી કહાની'એ વિદ્યાની નિષ્ફળતાની હેટ્રિકમાં એક ઔર નિષ્ફળતાનો ઉમેરો કર્યો.
ઓકે, હવે બોક્સઓફિસની આંકડાબાજી કરી લઈએ. કમાણીની દૃષ્ટિએ આ છ મહિનામાં આટલી ફિલ્મો હિટ થઈઃ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' (બજેટની તુલનામાં લગભગ ત્રણથી ચાર ગણી કમાણી કરવાથી તનુ-મનુ ઓફિશિયલી બ્લોકબસ્ટર છે), 'બેબી', 'ગબ્બર ઇઝ બેક', 'પિકુ', 'બદલાપુર', 'એનએચ-ટેન', 'દમ લગા કે હઈશા' અને 'એબીસીડી-ટુ'. નુકસાન તો નહીં જ પણ મામૂલી નફો કહી શકાય તેવો એવરેજ બિઝનેસ કરનાર ફિલ્મો આટલીઃ 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી!' (અમુક રિપોર્ટ્સ પ્રમાણે આ બક્ષીબાબુ એવરેજ નહીં, ફ્લોપ છે), 'ખામોશિયાં', સની લિઓનીવાળી 'લીલા' અને ભરમાળી સેક્સ-કોમેડી હોવાની છાપ ઊભી કરનાર 'હન્ટર'.
આ વર્ષે સ્મોલ બજેટ અને તગડું કન્ટેન્ટ ધરાવતી ફિલ્મોએ સારી કમાણી કરી છે, જ્યારે 'બોમ્બે વેલ્વેટ' જેવી મોંઘીદાટ ફિલ્મોએ દાટ વાળ્યો છે. ૧૧૦ કરોડના બમ્પર ખર્ચે બનેલી 'બોમ્બે વેલ્વેટ' સાવ ૨૪ કરોડની કમાણી કરીને ઇન્ડસ્ટ્રીનું આર્થિક હવામાન બગાડી નાખ્યું છે. ફિલ્મી પંડિતોના મતે આર્થિક રીતે ૨૦૧૫ના પહેલા છ મહિના ચિંતાજનક સાબિત થયા છે. ઇન્ડસ્ટ્રીની નજર આવતા મહિને રિલીઝ થઈ રહેલી 'બજરંગી ભાઈજાન' પર છે. સલમાન ખાનની આ ફિલ્મ આદત મુજબ દોઢસો-બસ્સો-અઢીસો કરોડનો બિઝનેસ કરશે તો ફિલ્મી વેપારીઓના જીવમાં જીવ આવશે. આપણને ખેર, બોક્સઓફિસના આંકડામાં નહીં, પણ ફિલ્મોની ક્વોલિટી અને વેરાઇટીમાં રસ છે. જો હવે પછીના છ મહિના આગલા છ મહિના જેવા જ સમૃદ્ધ જશે તો આપણને જલસા જ જલસા.
શો-સ્ટોપર

મને વરુણ ધવન બહુ જ ગમતો હતો, પણ એણે ધડ કરતું કહી દીધું કે આઈ હેટ ગર્લ્સ. વરુણે મારું દિલ તોડી નાખ્યું. તે વખતે હું આઠ વર્ષની હતી!
- શ્રદ્ધા કપૂર

Friday, June 26, 2015

વાંચવા જેવું: રાજપૂત મારી જાણે, ચારણ મરી જાણે!

ચિત્રલેખા - અંક તા. 22 જૂન ૨૦૧૫ માટે

કોલમ: વાંચવા જેવું

શૂરવીરતાને એક શાપ છે અવિચારીપણાનો. રાજપૂતો એટલે શૂરવીરતાનું પ્રતીક. રાજપૂતોની વીરરસભરી કથાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છેપણ આવા રાજપૂત ભારતને સાચવી ન શક્યા. દેશ તો ઠીકધર્મ અને મંદિરો પણ ન સચવાયાં. અરેરાજપૂતાણીઓને પોતાનું શિયળ બચાવવા જૌહરવ્રતમાં ભસ્મ થઈ જવું પડ્યું. રાજપૂતો સિવાય બીજી કોમમાં જૌહર થયાનું સાંભળ્યું નથી.
    

                                                                                                                

સૌરાષ્ટ્ર અને શૂરાતન - આ બે શબ્દ સાથે સાંભળીએ કે તરત આપણને ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારની અદભુત કથાઓ યાદ આવે. મૂળ કથામાં જ્યારે નવું અને તાજગીભર્યું અર્થઘટન ઉમેરાય ત્યારે એની સોડમ કેટલી આહલાદક રીતે બદલી જાય છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે આજનું પુસ્તક. સ્વામી સચ્ચિદાનંદે સૌરાષ્ટ્રનું શૂરાતનમાં મેઘાણી તેમજ અન્ય લેખકોએ લખેલી વાર્તાઓમાં પોતાની દષ્ટિ તેમજ વિચારોના રંગ ઉમેરીને સરસ ટ્વિસ્ટ આપ્યો છે. 

સૌરાષ્ટ્રમાં ઋષિઓથી માંડીને મહાત્મા ગાંધી સુધીના કેટલાય મહાન માનવરત્નો પેદા થયા જ છે. મજાની વાત એ છે કે અહીં મહાન બહારવટિયા પણ પેદા થયા છે! સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જેટલા બહારવટિયા સૌરાષ્ટ્રમાં પેદા થયા છે તેટલા કદાચ આખા દેશમાં પેદા થયા નહીં હોય. ચંબલના ડાકુની તુલના સૌરાષ્ટ્રના બહારવટિયા સાથે ન કરી શકાય, કેમ કે બન્નેના ચારિત્ર્યમાં આકાશપાતાળનું અંતર છે.

આજનાં પુસ્તકનો હેતુ પ્રજાને સાચી દિશામાં શૂરવીર થવાની પ્રેરણા આપવાનો છે. કેટકેટલી કથાઓ. એમાંની એકની જ ટૂંકમાં વાત કરીએ. જામનગરના તાબાનું લોંઠિયા ગામના પાદરે વહેતી સસોઈ નદીના સામે કાંઠે ચારણોનો નેસડો વસેલો. એક વાર એક વૃદ્ધ ચારણ ડોશીમા બેઠાંબેઠાં માળા ફેરવતાં હતાં. ઓચિંતું એક લોહીલુહાણ સસલું એમના ખોળામાં આવી પડ્યું. કશેક જાનમાં જઈ રહેલા રાજપૂત જાનૈયાથી  જીવ બચાવીને સસલું ભાગેલું. જુવાન જાનૈયા દેકારો કરતાં પાછળ પાછળ આવી પહોંચ્યા. ડોશીમાને કહે, ‘આઈ, અમારો શિકાર અમને આપી દો.આઈએ મક્કમતાથી કહ્યું, ‘ના! શિકાર તમારો હશે, પણ શરણાગત મારો છે. પ્રાણના ભોગે શરણાગતનું રક્ષણ કરવું એ અમારો અને તમારો પણ ધર્મ છે.

દારુના નશામાં છાકટા થયેલા જાનૈયાઓમાંથી એક ઝપટ મારીને ડોશીમાના હાથમાં સસલો પડાવી લીધો અને એની ડોક મરડીને મારી નાખી. આઈથી આઘાત જીરવાયો નહીં. એમણે ચિતા ખડકીને એના પર ચડી બેઠાં. આઈનું બલિદાન જોઈને નેસડાની બધી ચારણ બાઈઓને ચાનક ચડ્યું. જોતજોતામાં બાવીસ ચારણ બાઈઓએ અગ્નિમાં ઝંપલાવી દીધું. રાજપૂત મારી જાણે ને ચારણ મરી જાણે! આ બાજુ પેલા જુવાન જાનૈયા શેકાયેલા સસલાને ખાવા અંદરોઅંદર લડી પડ્યા. જોતજોતામાં બધા તલવારોના ઝટકે વેતરાઈ ગયા. આજે પણ સસોઈ નદીના એક કિનારે રાજપૂતોના પાળિયા છે, તો સામે કાંઠે નેહડામાં બાવીસ બાઈઓના પાળિયા છે.સહેજે સવાલ થાય કે ક્ષુલ્લક કારણસર આટલી ભયાનક ખાનાખરાબી? સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે શૂરવીરતા સૌથી મોટો ગુણ મનાય છે, પણ શૂરવીરતાને એક શાપ છે અવિચારીપણાનો. રાજપૂતો એટલે શૂરવીરતાનું પ્રતીક. રાજપૂતોની વીરરસભરી કથાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છે, પણ આવા રાજપૂત ભારતને સાચવી ન શક્યા. દેશ તો ઠીક, ધર્મ અને મંદિરો પણ ન સચવાયાં. અરે, રાજપૂતાણીઓને પોતાનું શિયળ બચાવવા જૌહરવ્રતમાં ભસ્મ થઈ જવું પડ્યું. રાજપૂતો સિવાય બીજી કોમમાં જૌહર થયાનું સાંભળ્યું નથી. આવી મહાન કોમના માથે ત્રણ દોષ લાગેલા છે: એક, પરસ્પરની પ્રબળ ઈર્ષ્યા. બે, નાની-નાની તુચ્છ બાબતોને મોટું રુપ આપી લડી મરવું અને ત્રણ, એકતાનો અભાવ. સૌરાષ્ટ્રના શૂરવીરો ઉપર વારી જાવાનું મન થાય, પણ શૂરવીરતા બતાવવાના કારણ તરફ નજર કરીએ તો હસવું આવે, કરુણા છૂટે. નાની અને તુચ્છ વાતો ઉપર મોટાં ધીંગાણાં રચાયાં! ભારતનું શૂરાતન એળે ખર્ચાયું તેની ચિંતા થાય. સૌરાષ્ટ્રની શૂરવીરતા જેટલી પરસ્પર અથડાઈ છે તેટલી સીમાડા ઉપર નથી અથડાઈ. લશ્કરમાં કાઠી દરબારોની કોઈ રેજીમેન્ટ નથી.  

પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદના ક્વોટેબલ ક્વોટ્સની રેલમછેલ છે. સ્વામીજી પાસે તટસ્થ અવલોકનશક્તિ અને આગવો દષ્ટિકોણ છે. પ્રકરણે-પ્રકરણે વેરાયેલાં એમનાં મૌલિક અવતરણો પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણ:

- પરમપદથી ભાગી છૂટનારા ભગતડાં તો થાય, પણ પરમપદના અધિકારી ન થાય. ભારતમાં મોટા ભાગના પડકારોથી ભાગી છૂટનારા પરમપદના દાવેદાર થતા રહ્યા છે, જેમણે ભગતડાંની બહુ મોટી ફોજ તો ઊભી કરી છે, પણ આ ફોજે કોઈ ધીંગાણું જીત્યું દેખાતું નથી.

- માણસ તો ઘણા મળે પણ મર્દો ઓછા મળે. તલવારની મર્દાનગી કરતાં સંબંધની મર્દાનગી ઘણી મોટી હોય કહેવાય. વિપતકાળમાં પણ જે સંબંધમાં અડીખમ રહે અને નિભાવે તે અસલી મર્દ. એને વારેવારે વંદન કરીએ. દેવદર્શન કરતાં પણ મર્દદર્શન વધુ દુર્લભ કહેવાય.

- બાપમુખી પતિ નમાલો હોય. મામુખો પતિ માવડિયો હોય અને પત્નીમુખો પતિ ઘેલો હોય. આવા પતિ સાથે જેનું પનારું પડ્યું હોય તે તેજસ્વી પત્ની કદી સુખી ન થાય. સ્વમુખી પતિ જ પતિ કહેવાય.

- જે બધા પર તરત વિશ્ર્વાસ મૂકી દે, બધાને સજ્જન સમજે ને પછી છેતરાય એને ભોળો માણસ કહેવાય.  જે વારંવાર છેતરાયા કરે, અનુભવ પરથી કોઈ બોધપાઠ ન શીખે એને ભોટ કહેવાય. સામેના માણસની દાનત સમજીને તે  પ્રમાણે સંબંધ બાંધી વ્યવહાર કરે એ ચતુર. એ કોઈને છેતરે પણ નહીં અને ખુદ ક્યારેય છેતરાય પણ નહીં. લુચ્ચો એને કહેવાય, જે હંમેશા બીજાને છેતરતો રહે. એનામાં નર્યો સ્વાર્થ હોય અને એ જીંદગીભર દુર્જન તેમજ અવિશ્ર્વાસુ થઈને રહે. 

- વફાદારી જીવનનું ફિલામેન્ટ છે. ફિલામેન્ટ ઉડી જાય તો બલ્બ ટકાનો થઈ જાય. આ રીતે સંબંધોમાં પણ વફાદારીનું ફિલામેન્ટ હોય ત્યાં સુધી જ તેની કિંમત હોય છે. માણસની વફાદારીનું ફિલામેન્ટ ઊડી જાય તો તે માત્ર નકામો જ નથી થઈ જતો, તે વિશ્ર્વાસઘાતી થઈને દુશ્મન થઈ જતો હોય છે. જેમ વફાદારી વિપત્તિમાં પરખાય છે, તેમ વિશ્ર્વાસઘાત પણ વિપત્તિમાં જ પ્રગટે છે.

સ્વામી સચ્ચિદાનંદના ચાહકોને જ નહીં, બલ્કે સૌ કોઈને જલસો પડી જાય એવું સુંદર પુસ્તક!

0 0 0 

સૌરાષ્ટ્રનું શૂરાતન       
લેખક: સ્વામી સચ્ચિદાનંદ

 પ્રકાશક: ગૂર્જર સાહિત્ય પ્રકાશન,  અમદાવાદ-૬
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમત:   ‚. ૧૫૦ /
પૃષ્ઠ: ૨૫૬


 0 0 0 

Sunday, June 21, 2015

મલ્ટિપ્લેક્સ: યોગ : બોલિવૂડ સે હોલિવૂડ તક

Sandesh - Sanskar purti - 21 June 2015

મલ્ટિપ્લેક્સ

બોલિવૂડની નવી પેઢીમાં કરીના કપૂરે સાૈને યોગનો ચટકો લગાડ્યો છે. અનિલ કપૂર હોટ યોગા કરીને જાણે પોતાની ઉંમર પર બ્રેક મારી દીધી છે. યોગાભ્યાસના મામલામાં હોલિવૂડના સ્ટાર્સ આપણા કલાકારો કરતાંય સિન્સિયર છે. 

                                            Kareena Kapoor                                                         Photo courtesy: ijustlovemovies.com


જનું અખબાર તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટીએ દિલ્હીમાં રાજપથ પર તરીકે કાં તો કરતબ દેખાડી દીધાં હશે અથવા દેખાડવાની તૈયારીમાં હશે. યોગ ડેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અક્ષય અને શિલ્પા પરફેક્ટ ચોઇસ છે, કેમ કે બોલિવૂડમાં આ બન્નેનું શરીરસૌષ્ઠવ શ્રેષ્ઠ ગણાય છે. ઇન્ડસ્ટ્રીમાં સુપરમેન જેવા કેટલાય બાવડાબાજ હીરો છે, પણ એમાંથી અક્ષયનું સ્ફૂર્તિલું શરીર જેન્યુઇન, એથ્લેટિક અને ખાસ તો સ્ટિરોઇડથી મુક્ત છે.
(Update: Apparently, film celebs were missing from the scene at Rajpath - Delhi.)
શિલ્પાએ આજથી છેક સાત વર્ષ પહેલાં 'શિલ્પાઝ યોગા' નામની સીડી પણ બહાર પાડી હતી. એને અગાઉ સ્પોન્ડિલાઇટિસનો પ્રોબ્લેમ હતો. એની ગરદન કાયમ દુખ્યા કરતી. એણે પ્રોફેશનલ ટ્રેનરની મદદથી યોગ કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ એને ફાયદો વર્તાવા લાગ્યો હતો.
બોલિવૂડની જનતા જિમમાં પડયાપાથર્યા રહેવામાં માને જ છે, પણ અહીં યોગનો દબદબો પણ પૂરેપૂરો છે. રેખાએ બુઢાપા સુધી પોતાની સુંદરતા જાળવી રાખી છે તેની પાછળનું રહસ્ય જગજાહેર છે. એક તો રેખા દાયકાઓથી હોલિવૂડ સ્ટાર જેન ફોન્ડાએ સૂચવેલા એરોબિક્સ રૂટિનને અનુસરે છે અને બીજું, એ યોગાભ્યાસના મામલામાં જબરદસ્ત શિસ્તબદ્ધ છે. જેન ફોન્ડા આજે ૭૭ વર્ષની ઉંમરે પણ ૩૭ વર્ષની સ્ત્રીઓ શરમાઈ મરે એટલી ફિટ છે.   દુનિયાભરમાં એરોબિક્સનો ક્રેઝ શરૂ કરનાર જેન ફોન્ડા જ. ૧૯૮૨માં એણે સૌથી પહેલી 'જેન ફોન્ડાઝ વર્કઆઉટ' નામની પહેલી વીડિયો કેસેટ બહાર પાડી હતી. લોકો આ કેસેટ જોવા માટે ખાસ વીસીઆર (વીડિયો કેસેટ પ્લેયર) ખરીદતા! સીડી અને ડીવીડી પ્લેયરનો જમાનો તો બહુ પાછળથી આવ્યો. જેન ફોન્ડાની અત્યાર સુધીમાં કુલ ૨૪ વીડિયો કેસેટ-ડીવીની લગભગ પોણા બે કરોડ નકલો વેચાઈ ચૂકી છે. એની એક ડીવીડીનું ટાઇટલ છે, 'જેન ફોન્ડાઝ એએમ-પીએમ યોગા'.
બોલિવૂડની નવી પેઢીમાં યોગનો ચટકો કોણે લગાડયો? જવાબ છે, કરીના કપૂરે. કરીના નવી નવી આવી ત્યારે ઠીક ઠીક ભરાવદાર અને ચબી-ચબી હતી, પણ પછી એણે પોતાનાં ફિગરનું રૂપાંતર કરીને આખા દેશને અચંબિત કરી દીધો હતો. આપણે ત્યાં ઝીરો-ફિગર શબ્દપ્રયોગ પ્રચલિત કરવાવાળી કરીના જ. અલબત્ત, ઝીરો-ફિગરનો કોન્સેપ્ટ વિવાદાસ્પદ છે એટલે એેને હાલ બાજુ પર મૂકીને કરીનાની ઓવરઓલ ફિટનેસની વાત કરીએ તો, આ કપૂરકન્યા અઠવાડિયામાં છ દિવસ યોગ કરે છે. એની પ્રત્યેક સેશન સવાથી દોઢ કલાક ચાલે. કરીના કહે છે, "હું તો સંપૂર્ણપણે યોગમય બની ચૂકી છું. મને લાગે છે કે યોગને લીધે મારી આખી લાઇફ પલટાઈ ગઈ છે. સવારે યોગ કરી લઉં એટલે મને ખાતરી થઈ જાય કે આજે મારો આખો દિવસ સરસ પસાર થવાનો. જે દિવસે યોગ ન થયો હોય તે દિવસે મન ઉચાટ અનુભવે, આજે કશીક ગરબડ ન થાય તો સારું એવું ફીલ થાય, સતત અધૂરું અધૂરું લાગ્યા કરે."
યોગનો પ્રચાર કરવામાં કરીનાને કોઈ ન પહોંચે. અર્જુન રામપાલ કહે છે, "હું કરીનાને લીધે જ યોગ કરતો થયો છું. તમે કરીનાના દોસ્ત હો એટલે તમને યોગનો ચટકો લાગે, લાગે ને લાગે જ!" પાયલ ગિડવાણી અને ભરત ઠાકુર નામના યોગ-ઇન્સ્ટ્રક્ટર્સ પાસેથી કરીના યોગ શીખી છે. ભરત ઠાકુર એટલે 'તેરે નામ'માં સલમાનની હિરોઇન બનેલી ભૂમિકા ચાવલાના પતિદેવ. એણે કરીના ઉપરાંત શ્રીદેવી, અનિલ કપૂર, કેટરીના કૈફ અને સલમાન જેવાં ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સને યોગ શીખવ્યા છે. ભરત ઠાકુર કહે છે, "સેલિબ્રિટીઝને યોગમાં રસ પડે છે એનું સાદું કારણ એ છે કે યોગને લીધે માણસ જુવાન દેખાય છે, દિમાગ અને સ્ટ્રેસ લેવલ અંકુશમાં રહે છે, સ્ટેમિના જળવાઈ રહે છે. જિમની જાતજાતની એક્સરસાઇઝ તમને થકવી નાખે એવું બને, પણ યોગ તમને આખો દિવસ તાજગીનો અનુભવ કરાવે છે."
આપણે અનિલ કપૂરની ચુસ્તી-સ્ફૂર્તિ અને ખાસ તો જુવાની જોઈને નવાઈ પામતા રહીએ છીએ. આપણને થાય કે એની હરોળના જેકી શ્રોફ જેવા હીરો ખખડી ગયા, પણ અનિલ કપૂરની ઉંમર પર શી રીતે બ્રેક લાગી ગઈ છે? અનિલની હિરોઇન પુત્રી સોનમ કપૂરે વચ્ચે ટ્વિટ કરીને વટાણા વેરી નાખ્યા હતાઃ "મારા ડેડી વિક્રમ યોગા કરે છે. વિક્રમ યોગાને લીધે જ એ આટલા ફિટ અને ફેબ્યુલસ દેખાય છે. હું પણ વિક્રમ યોગાને જ ફોલો કરું છું."
Rekha

વિક્રમ યોગા શું છે તે જોતા પહેલાં બોલિવૂડનાં અન્ય સ્ટાર્સની વાત કરીએ તો, શિલ્પાની માફક લારા દત્તાએ પણ યોગની ડીવીડી બહાર પાડી છે. એમાં લારાએ ખાસ કરીને પ્રસૂતિ પછી મહિલાઓએ શી રીતે પાછું શેપમાં આવવું તે શીખવ્યું છે. એમ તો ફિટનેસને લગતી એકાધિક ડીવીડી તો બિપાશા બસુએ પણ બહાર પાડી છે, પણ એમાં યોગનો કોઈ સંદર્ભ નથી. રાની મુખર્જીને પણ યોગનો રંગ લાગ્યો છે. શરીર પરથી ચરબીના થર ઉતારવા એ યોગ ઉપરાંત વેઇટ ટ્રેનિંગ પણ કરે છે.
યોગાભ્યાસના મામલામાં હોલિવૂડનાં સ્ટાર્સ આપણાં હીરો-હિરોઇન કરતાં ક્યાંય વધારે સિન્સિયર છે. મસ્ત સ્પોર્ટ્ઝ કોસ્ચ્યુમ પહેરીને અને બગલ નીચે ગોળ ફિંડલું કરેલી યોગા-મેટ્રેસ દબાવીને યોગ ક્લાસમાં જતાં-આવતાં હોલિવૂડ એક્ટર્સની તસવીરો ત્યાંના મીડિયામાં અવારનવાર છપાતી રહે છે. આ સ્ટાર લોકોનું જોઈજોઈને જ અંદાજે બે કરોડ અમેરિકનો યોગના દીવાના બની ચૂક્યા છે. હોલિવૂડમાં યોગને સાચા અર્થમાં પોપ્યુલર કરવાનો જશ કોઈને આપવો હોય તો તે છે, મડોના. આ સુપર સિંગર અને સુપર પર્ફોર્મરની ઉંમર ભલે પચાસનો આંકડો વટાવી ગઈ હોય, પણ એનું શરીર વીસ વર્ષની જુવાન છોકરી જેવું ફ્લેક્સિબલ છે. મડોના અષ્ટાંગ યોગ અને હઠયોગ કરે છે. 'ફ્રેન્ડ્ઝ' ફેમ જેનિફર એનિસ્ટન વર્ષોથી નિયમિત યોગ કરે છે. 'વી આર ધ મિલર્સ'નામની ફિલ્મમાં એણે સ્ટ્રિપરનો રોલ કરવાનો હતો. કેમેરા સામે કપડાં ઉતારવાનાં હોય એટલે બોડી પરફેક્ટ બનાવવી જ પડે. આથી જેનિફરે પરંપરાગત યોગની સાથે કાર્ડિયો અને ટોનિંગ એક્સરસાઇઝ કરીને સ્વર્ગની અપ્સરા જેવું શરીર બનાવ્યું હતું. જુલિયન મૂર કહે છે, "જિમ જવામાં મને ત્રાસ થાય છે, પણ યોગ કરતી વખતે હું હળવી ફુલ હોઉં છું. જિમિંગ અને યોગાભ્યાસ વચ્ચે આ સાઇકોલોજિકલ ફર્ક છે." યોગપ્રેમી હોલિવૂડ સ્ટાર્સનું લિસ્ટ ખાસ્સું લાંબંુ છેઃ ડેમી મૂર, જુલિયા રોબર્ટ્સ, કોલિન ફેરલ,ચાર્લીઝ થેરોન, રીની ઝેલવેગર, નિકોલ કિડમેન, હેલન હન્ટ, ડ્રુ બેરીમોર, હેલી બેરી, મેથ્યુ મેકોન્હે... એટલે હવે જ્યારે આ હીરો-હિરોઇનોની અદ્ભુત પર્સનાલિટી જોઈને અભિભૂત થાઓ ત્યારે યાદ રાખવાનું કે તેમના આ લુકની પાછળ ચુસ્ત યોગાભ્યાસનું મોટું યોગદાન છે.
Madonna, Julia Roberts, Jennifer Aniston end others

લેડી ગાગા અને બીજાં કેટલાંય અમેરિકન સેલિબ્રિટીઝ આપણા અનિલ કપૂરની માફક વિક્રમ યોગા કરે છે. શું છે આ વિક્રમ યોગા?વિક્રમ ચૌધરી નામના ભારતીયે અમેરિકા જઈને ૧૯૭૦ના દાયકામાં પરંપરાગત હઠયોગને ખૂબ લોકપ્રિય બનાવ્યા. દુનિયાના કેટલાય દેશોમાં એમના યોગ ક્લાસ ચાલે છે. દોઢ કલાકના ક્લાસમાં બે બ્રિધિંગ એક્સરસાઇઝ સહિત કુલ ૨૬ યોગાસન કરાવવામાં આવે. સામાન્યપણે જિમમાં મસ્ત એરકન્ડિશનર ચાલતાં હોય છે, પણ વિક્રમ યોગાના ક્લાસીસમાં ઓરડાનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું કરી નાખવામાં આવે છે. કલ્પના કરો કે આટલી જોરદાર ગરમીમાં એકધારા દોઢ કલાક સુધી યોગ કરવાથી માણસો પરસેવાથી કેવા રેબઝેબ થઈ જતા હશે. વિક્રમ યોગાનું બીજું નામ હોટ યોગા છે તેનું કારણ આ જ.
વિક્રમ ચૌધરી અમેરિકનોને હોટ યોગાનું ઘેલું લગાડીને કરોડો ડોલર કમાયા છે. સેલિબ્રિટી ફૂટબોલર ડેવિડ બેકહેમ જેવાઓને એ વ્યક્તિગત કોચિંગ આપે છે. વચ્ચે એમણે યોગની મુદ્રાઓ પર પોતાનો કોપીરાઇટ લગાડવાની નિષ્ફળ કોશિશ કરી હતી. એમની અમુક મહિલા ટ્રેનરોએ એમના પર જાતીય સતામણીના આરોપ પણ લગાવ્યા હતા. ખેર, આ વિવાદો અલગ વિષય થઈ ગયો. આપણને તો એ જાણવામાં રસ છે કે વિક્રમ યા તો હોટ યોગામાં કયાં ૨૬ આસનો કરાવવામાં આવે છે? આ રહ્યું લિસ્ટઃ પ્રાણાયામ, અર્ધચંદ્રાસન (પાદહસ્તાસન સાથે), ઉત્કટાસન, ગરુડાસન, દંડાયમન જાનુશીર્ષાસન, દંડાયમન ધનુરાસન,તુલાદંડાસન, દંડાયમન વિભક્તપાદ પશ્ચિમોત્તાનાસન, ત્રિકોણાસન, તાડાસન, પાદાંગુષ્ઠાસન, શવાસન, પવનમુક્તાસન, પાદહસ્તાસન, ભુજંગાસન, શલભાસન, પૂર્ણ શલભાસન, ધનુરાસન, સુપ્ત વજ્રાસન, અર્ધકૂર્માસન, ઉષ્ટ્રાસન, શસાંગાસન,જાનુશીર્ષાસન (પશ્ચિમોત્તાનાસન સાથે), અર્ધમત્સ્યેન્દ્રાસન અને કપાલભાતિ!
અમેરિકામાં બાય ધ વે બોલિવૂડ યોગા પણ પ્રચલિત છે, જેમાં બોલિવૂડનાં ઢીંચાક ગીતોનાં સ્ટેપની સાથે સાથે યોગાસનની મુદ્રાઓ કરાવવામાં આવે છે!
શો-સ્ટોપર

શાહરુખ-સલમાન અને આમિર સાથે મારું માત્ર અટક પૂરતું સામ્ય છે. આ ત્રણેયની ફિલ્મો બસ્સો-બસ્સો કરોડનો ધંધો કરે છે,જ્યારે મારી ફિલ્મો બિચારી બોક્સઓફિસ પર ડચકાં ખાય છે.
- સૈફ અલી ખાન

Wednesday, June 17, 2015

મલ્ટિપ્લેક્સ : શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ?

Sandesh - Sanskar purti - 14 June 2015 

મલ્ટિપ્લેક્સ 

સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?વીસ વર્ષ પહેલાં 'રંગીલા' નામની મસ્તમજાની ફિલ્મ આવી હતી. એમાં નવી નવાઈનો ફિલ્મ ડિરેક્ટર બનેલો ગુલશન ગ્રોવર છાતી ફુલાવીને કહે છેઃ "મારી કોમ્પિટિશન અહીંના ડિરેક્ટરો સાથે થોડી છે? મારી કોમ્પિટિશન તો હોલિવૂડના ડિરેક્ટરો સાથે છે." ગુલશન ગ્રોવરના કિરદારનું નામ પાડવામાં આવ્યું હતું, સ્ટીવન કપૂર. એટલે કે શેખર કપૂર વત્તા સ્ટીવન સ્પીલબર્ગનાં નામોની ભેળપૂરી. વીસ વર્ષ પહેલાં સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ ગણાતા હતા. આજની તારીખે પણ સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?
શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ? ઘણું બધું. સૌથી પહેલાં તો એમણે પ્રોડયુસ કરેલી બ્રાન્ડ-ન્યૂ બ્લોકબસ્ટર 'જુરાસિક વર્લ્ડ' ભારત સહિત દુનિયાભરના દેશોમાં આ શુક્રવારે જ રિલીઝ થઈ. બાવીસ વર્ષ પહેલાં, ૧૯૯૩માં આપણે 'જુરાસિક પાર્ક'માં જીવતાજાગતા, ઉધામા મચાવતા રાક્ષસી ડાયનોસોરને જોઈને ચકિત થઈ ગયા હતા. આ ફિલ્મ સ્પીલબર્ગે ડિરેક્ટ કરી હતી. માઇકલ ક્રિચટન નામના જાણીતા સાયન્સ ફિક્શન રાઇટરે ૧૯૯૦માં 'જુરાસિક પાર્ક' નામની નવલકથા લખેલી. ધરતીના પટ પરથી જેનો હજારો વર્ષ પહેલાં સફાયો થઈ ચૂક્યો છે એવા ડાયનોસોર ધારો કે પાછા જીવિત થાય તો? 'જુરાસિક પાર્ક'નો આ કેન્દ્રીય વિચાર હતો. માઇકલ ક્રિચટનની નવલકથા છપાય તે પહેલાં જ એના પરથી ફિલ્મ બનાવવા માટે દોઢ મિલિયન ડોલરમાં રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા. પછી એમને ઔર પાંચ લાખ ડોલર આપીને કહેવામાં આવ્યું: ભાઈ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ તમે જ લખી આપો.
સ્ટીવન સ્પીલબર્ગે આ સ્ક્રીનપ્લેના આધારે એવી કમાલની ફિલ્મ બનાવી કે તરખાટ મચી ગયો. ૬૩ મિલિયનના ખર્ચે બનેલી'જુરાસિક પાર્કે' અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે? ૧૦૨૯ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૬૫,૯૮૦ અબજ રૂપિયા, ફક્ત! આ એક જ ફિલ્મના જોરે સ્પીલબર્ગે પોતે ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧૬ અબજ રૂપિયા) ઘરભેગા કર્યા છે. સિનેમાના ઇતિહાસની તે સૌથી સફળતમ ફિલ્મ ગણાઈ. 'જુરાસિક પાર્ક'નો બોક્સઓફિસ રેકોર્ડ ચાર વર્ષ પછી 'ટાઇટેનિકે' તોડયો.

'જુરાસિક પાર્ક'ના પ્રતાપે ડાયનોસોર નામનું આ મહાકદરૂપું અને કઢંગું પ્રાણી આબાલવૃદ્ધ સૌમાં એટલું બધું પોપ્યુલર બની ગયું કે વાત ન પૂછો. કહે છે કે ડાયનોસોર પર બીજી નવલકથા લખવાનો માઇકલ ક્રિચટનનો કોઈ ઇરાદો નહોતો, પણ સ્પીલબર્ગ સહિત સૌએ એવી જોરદાર ડિમાન્ડ કરી કે માઇકલભાઈની કલમ સટ-સટ-સટ કરતી ચાલવા લાગી. પુસ્તક બહાર પડયું એના પછીના વર્ષે ૧૯૯૬માં, આ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ બની. ૨૦૦૧માં ઔર એક સિક્વલ આવી- 'જુરાસિક પાર્ક-થ્રી'. થર્ડ પાર્ટ સાથે જોકે સ્પીલબર્ગ કે ક્રિચટન બન્નેમાંથી કોઈ સંકળાયા નહોતા. આ ફિલ્મને ખાસ હરખાવા જેવા રિવ્યૂઝ નહોતા મળ્યા, પણ આગલા બેય ભાગની માફક તે બોક્સઓફિસ પર હિટ તો થઈ જ.
આ શુક્રવારે રિલીઝ થયેલી 'જુરાસિક વર્લ્ડ'ને આ જ શૃંખલાની કડી સમજો. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક'માં ડાયનોસોરની દુનિયા જાહેર જનતા માટે ખુલ્લી મુકાય તે પહેલાં જ તેનો કચ્ચરઘાણ વળી જાય છે. 'જુરાસિક વર્લ્ડ'માં તે અધૂરું સપનું સાકાર થયું છે. ટૂરિસ્ટો ગીરના જંગલમાં સિંહ જોવા આંટા મારતા હોય તેમ અહીં ડાયનોસોરના ખેલ જોવા લોકો રીતસર લાઇનો લગાવે છે. મુખ્ય ડાયનોસોર અહીં લેબોરેટરીમાં પેદા કરવામાં આવ્યું છે! ફિલ્મમાં, ઓફકોર્સ, પરંપરા મુજબ શ્વાસ અધ્ધર થઈ જાય એવી ક્ટોકટીભરી સિચ્યુએશન્સ તો ઊભી થાય જ છે.
 'જુરાસિક પાર્ક' રિલીઝ થઈ તે પછીનાં બાવીસ વર્ષમાં આખી પેઢી બદલાઈ ગઈ છે. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક' જોનારો આઠ વર્ષનો ટેણિયો આજે ત્રીસ વર્ષનો પુખ્ત માણસ બની ગયો છે. થિયેટરમાં જઈને ફિલ્મો જોનારાઓમાં ૧૮થી ૩૨ વર્ષના એજગ્રૂપવાળા લોકો બહુમતીમાં હોય છે. 'જુરાસિક વર્લ્ડ' બનાવતી વખતે પ્રોડયુસર તરીકે સ્ટીવન સ્પીલબર્ગનો આઇડિયા એ જ હતો કે ૧૮-૩૨ વર્ષવાળા ક્રાઉડને ફરી વાર શા માટે થિયેટર તરફ ન ખેંચવા. ખાટલે મોટી ખોડ એ છે કે ડાયનોસોર હવે પોતાનું નાવીન્ય સાવ ગુમાવી ચૂક્યું છે. વચ્ચેના બે દાયકામાં કેટલીય ફીચર ફિલ્મો અને એનિમેશન ફિલ્મોમાં ડાયનોસોર દેખાઈ ચૂક્યું છે. એનાં રમકડાં અને જાતજાતની પ્રોડક્ટ્સ વેચાઈ ચૂકી છે. તેથી જ ગયા વર્ષે 'જુરાસિક વર્લ્ડ'નું પહેલું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઓડિયન્સનો પ્રતિસાદ ઠંડો હતો. લોકોને 'જુરાસિક વર્લ્ડ' જોવા કરતાં 'મેડ મેક્સઃ ફ્યુરી રોડ' અને 'સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ'જેવી સિક્વલો જોવામાં વધારે રસ હતો. સ્પીલબર્ગના સદ્ભાગ્યે 'જુરાસિક વર્લ્ડ'ની રિલીઝ ડેટ નજીક આવતી ગઈ તેમ તેમ ફિલ્મ હોટ-એન્ડ-હેપનિંગ બનતી ગઈ, ઓડિયન્સમાં ફિલ્મ પ્રત્યેનું કુતૂહલ વધતું ગયું. આજની 'મલ્ટિપ્લેક્સ' કોલમ તમારે ત્યાં આવશે ત્યાં સુધીમાં 'જુરાસિક વર્લ્ડ'નાં પર્ફોર્મન્સના પ્રારંભિક રિપોર્ટ જાહેર થઈ ચૂક્યા હશે.
૧૫૦ મિલિયન ડોલર કરતાંય વધારે ખર્ચે બનેલી 'જુરાસિક વર્લ્ડ'ના ડિરેક્ટર છે કોલિન ટ્રેવોરો, જેમણે અગાઉ 'સેફ્ટી નોટ ગેરેંટેડ'નામની ઓછી જાણીતી ફિલ્મ બનાવી છે. આપણને રસ પડે એવી વાત એ છે કે 'જુરાસિક વર્લ્ડ'માં આપણા ઇરફાન ખાને એક્ટિંગ કરી છે. ડાયનોસોરવાળો જે એન્ટરટેઇનમેન્ટ પાર્ક બન્યો છે એના શ્રીમંત માલિકનો રોલ ઇરફાને કર્યો છે. એક કથા એવી છે કે બાવીસ વર્ષ પહેલાં 'જુરાસિક પાર્ક' ફિલ્મ આવી હતી ત્યારે ઇરફાન પાસે થિયેટરમાં જઈને ટિકિટ ખરીદવાના પૈસા નહોતા. નસીબની બલિહારી જુઓ કે ફિલ્મના ચોથા ભાગમાં ઇરફાન સ્વયં એમાં અભિનય કરે છે!
(Update: As on 18 June 2015, Jurassic World now holds the record for the biggest opening in movie history with roughly $209 million.)

Steven Spielberg while shooting Jaws

આ જ મહિને સ્ટીવન સ્પીલબર્ગની બીજી એક મહત્ત્વની ઇવેન્ટ પણ છે. ૨૧ જૂને સ્પીલબર્ગે ડિરેક્ટ કરેલી'જોઝ' ફિલ્મના ચાલીસ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે યુનિવર્સલ સ્ટુડિયો આખા અમેરિકાના પાંચસો થિયેટરમાં 'જોઝ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું છે. 'જોઝ'સ્પીલબર્ગે બનાવેલી કેટલીય યાદગાર ક્લાસિક ફિલ્મોમાંની એક છે. ખૂંખાર શાર્ક સામે બાથ ભીડતા ત્રણ આદમીની સાહસકથા ટીવી પર જોવાની આપણને આજેય મજા પડે છે. 'જોઝ' સ્પીલબર્ગની ભવ્યાતિભવ્ય કરિયરની બીજી જ ફિલ્મ. તે વખતે એમની ઉંમર હતી માંડ ૨૯ વર્ષ. આજે સ્પીલબર્ગ ૬૮ વર્ષના સિનિયર સિટીઝન છે. માત્ર નવ મિલિયન ડોલરના ખર્ચે બનાવેલી 'જોઝે'કેટલી કમાણી કરી હતી? ૪૭૦ કરોડ મિલિયન! સ્પીલબર્ગ પહેલેથી જ હોલિવૂડના સ્ટુડિયોના કમાઉ દીકરા રહ્યા છે.
બીજાઓને ચિક્કાર કમાવી આપતા માણસે ખુદ ચિક્કાર કમાવું જ જોઈએ. આ ન્યાયે સ્પીલબર્ગ પ્રોડયુસર ભલે બની ગયા, પણ કમાવાના ચક્કરમાં તેમણે પોતાની ભીતર રહેલા ડિરેક્ટરને ક્યારેય નિષ્ક્રિય થવા દીધો નથી. હાલ તેઓ 'બ્રિજ ઓફ સ્પાઈઝ'નામની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં બિઝી બિઝી છે. આ ફિલ્મનો હીરો છે, સ્પીલબર્ગનો ફેવરિટ ટોમ હેન્કસ. આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે - 'સેવિંગ પ્રાઇવેટ રાયન', 'કેચ મી ઇફ યુ કેન', 'ધ ટર્મિનલ' અને હવે 'બ્રિજ ઓફ સ્પાઇઝ'. સ્પીલબર્ગને યુદ્ધના વિષયો ખૂબ આકર્ષે છે. અમેરિકા-સોવિયેત રશિયા વચ્ચે ૧૯૫૭થી ૧૯૬૦ના દાયકાના પ્રારંભિક વર્ષો દરમિયાન કોલ્ડ વોર ચાલતું હતું. 'બ્રિજ ઓફ સ્પાઇઝ' આ શીત યુદ્ધના બેકગ્રાઉન્ડમાં આકાર લે છે. ફિલ્મમાં જેમ્સ ડોનોવેન નામના એક અમેરિકન લોયર-કમ- નેવી ઓફિસર-કમ-પોલિટિશિયનની વાત છે. એણે પોતાની સમગ્ર કરિયર અને વિશ્વસનીયતાને દાવ પર મૂકીને એક રશિયન જાસૂસનો બચાવ કર્યો હતો. આ ફિલ્મ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
Steven Spielberg with Tom Hanks: On the set of Bridge of Spies

સ્પીલબર્ગને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જીવનગાથા પણ ખૂબ આકર્ષે છે. જો ડેવિડ ઓયેલોવો નામનો અશ્વેત એક્ટર માની જાય તો તેઓ માર્ટિન લ્યુથર કિંગના જીવન પર ફિલ્મ બનાવવા માગે છે. તકલીફ એ છે કે ડેવિડે હજુ હમણાં જ 'સેલ્મા' નામની ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મમાં માર્ટિન લ્યુથર કિંગનો રોલ કર્યો છે. એકનો એક રોલ એક્ટર કેટલી વાર કરે. ખેર, આ ફિલ્મ બને કે ન બને, પણ સ્ટીવન સ્પીલબર્ગના જાદુના પટારામાંથી નવી નવી ફિલ્મો આવતી જ રહેવાની. ટચવૂડ!
શો-સ્ટોપર

ઘણા બધા લોકોને મારા પ્રકારની ફિલ્મો ગમતી નથી. હું એક પ્રોડક્ટ બનાવું તો સોએ સો ટકા લોકોને તે પસંદ પડે જ તે જરૂરી નથી. ઇટ્સ ઓકે. આમાં કંઈ કોઈ સાથે ઝઘડો કરવા ન બેસાય.
- રોહિત શેટ્ટી (ડિરેક્ટર)

Thursday, June 11, 2015

વાંચવા જેવું : લગ્નેતર સંબંધો સમાજમાન્ય બને તો શું થાય ?

ચિત્રલેખા - અંક તા. 15 જૂન ૨૦૧૫

કોલમ: વાંચવા જેવું

જો પત્ની જ પુરુષની પ્રેયસી તથા મિત્રની ભુમિકા સફળતાથી નિભાવી અને સ્વીકારી શકતી હોય તો એના કરતાં ઉત્તમ વાત આ જગતમાં બીજી કોઈ હોઈ ન શકે... પરંતુ ઘણી સ્ત્રીઓ લગ્નપછી અને ખાસ કરીને માતૃત્વ પામ્યા પછી જાતે જ પ્રેયસી-ભુમિકામાંથી ક્રમશ: વિથડ્રો થઈ જતી હોય છે. પતિકે જે મૂલત: પુરુષ છેતેને માટે આ એક સૂક્ષ્મ હોનારત છે...'                                                                                                                     
શો રજનીશ યુવાન હતા અને પ્રખર વિચારક તરીકે પ્રખર સ્થાપિત થવાની હજુ ઘણી વાર હતી ત્યારે એમની માતા એમને લગ્ન કરી લેવા માટે વારંવાર આગ્રહ કર્યાં કરતાં. રજનીશ પાસે એમને ચુપ કરાવવાનો અક્સીર ઉપાય હતો. એ માતાને સીધું પૂછતા કે, ‘સાચું કહેજે મા, તારા હૃદય પર હાથ મૂકીને સત્ય કહેજે કે તને તારા જીવનમાં લગ્નથી કંઈ સુખ મળ્યું છે? જો તારો જવાબ હા હોય તો જ મને પરણવાનો આગ્રહ કરજે.રજનીશની માતા આનો જવાબ હકારમાં નઆપી શક્યા. આખરે એમણે પુત્રનો સંસાર વસાવવાનો વિચાર જ આખરે મૂક્યો.

પ્રેમ, લગ્ન, લગ્નેતર સંબંધ, લફરાં, છૂટાછેડા આ બધાં બહુ જ નાજુક અને કોમ્પ્લીકેટેડ વિષયો છે. એના પર કલમ ચલાવવા માટે લેખકમાં ખૂબ બધી પરિપક્વતા અને સ્વસ્થતા જોઈએ. રજનીકુમાર પંડ્યાએ ૧૯૮૦ના દાયકામાં લવસ્ટોરીનામનાં મેગેઝિનમાં આ બધા મુદ્દા પર લાંબી લેખમાળા લખી હતી. પછી આ લેખોને સમાવી લેતાં ત્રણ પુસ્તક કર્યા - સંબંધ પ્રેમના’, ‘પરણ્યા એટલે...અને લગ્નેતર સંબંધો’. આજે જેની વાત કરી રહ્યા છીએ એ મહામંડપપુસ્તક એટલે આ ત્રણેય પુસ્તકોનો સંગ્રહ.

લેખક કહે છે કે આપણને ગમે કે ન ગમે પરંતુ એક વાત તો આપણે સ્વીકારવી જ રહી કે લગ્નેતર સંબંધો આદિકાળથી માંડીને આજ સુધીના અને પછીના યુગની એક અપરિહાર્ય - ન ટાળી શકાય એવી - એક ઘટના છે, રહેશે. સમાજજીવનના વાડમાં લગ્નજીવનના છોડની સાથોસાથ આવા સંબંધોનું ઘાસ અનિવાર્યપણે, વિના પ્રયત્ને કુદરતી રીતે જ ઊગી નીકળે છે. ક્યારેક ક્યારેક તો એ ઘાસ મૂળ છોડ કરતાં પણ એક વેંત ઊંચું માથું કાઢે છે. તો ક્યારેક ઊગતા પહેલાં જ એને ડામી દેવામાં આવે છે. પણ એથી કરીને એક વનસ્પતિ તરીકેના એના અસ્તિત્ત્વને નકારી શકાય નહીં.

લગ્નો શા માટે નિષ્ફળ જાય છે? આ વિશે માત્ર લેખકના જ નહીં, પણ મૂળ લેખમાળાના વાચકો અને અન્ય આમંત્રિત લેખક-લેખિકાઓના વિચારો પણ આ પુસ્તકમાં પથરાયેલા છે. જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા કહે છે કે, ‘જો પત્ની જ પુરુષની પ્રેયસી તથા મિત્રની ભુમિકા સફળતાથી નિભાવી અને સ્વીકારી શકતી હોય તો એના કરતાં ઉત્તમ વાત આ જગતમાં બીજી કોઈ હોઈ ન શકે... પરંતુ ઘણી સ્ત્રીઓ લગ્નપછી અને ખાસ કરીને માતૃત્વ પામ્યા પછી જાતે જ પ્રેયસી-ભુમિકામાંથી ક્રમશ: વિથડ્રો થઈ જતી હોય છે. પતિ, કે જે મૂલત: પુરુષ છે, તેને માટે આ એક સૂક્ષ્મ હોનારત છે... પુરુષ લગ્ન પછી પત્ની સિવાયની સ્ત્રી સાથે કોઈક પ્રકારનો સંબંધ રાખે તો તેને હું સ્વાભાવિક - બલકે ઈષ્ટ લેખું છું. આવા સંબંધથી પુરુષને જીવન જીવવાનું કશુંક નવું રમણીય બળ મળી રહે છે. એવા પુરુષની પત્નીએ પણ પતિના આવા વર્તનથી પોતાને અન્યાય કે અનાદર થાય છે તેમ ન માનવા જેટલી સમજદારી, ઉદારતા અને ગરિમા બતાવવાં જોઈએ.

રજનીશનો વિરોધ લગ્નસંસ્થા સામે હતો- સેક્સ સામે કે સંતતિ ઉત્પન્ન કરવા સામે નહીં. પંડ્યાજી નોંધે છે તેમ, આપણે હંમેશાં લગ્નને સેક્સ ભોગવવાનો પરવાનો માનતા આવ્યા છીએ અને એ જ કદાચ સૌથી મોટી પાયાની ભુલ લગ્નસંબંધના આયોજનમાં રહી ગઈ છે કે એના પડીકામાં સેક્સને પણ સામાન્ય વસ્તુની જેમ બાંધી દેવામાં આવી છે.

પ્રા. રમણ પાઠક તો શબ્દ ચોર્યા વગર સ્પષ્ટપણે કહે છે કે,  ‘જાતીય આનંદની તીવ્ર ઈચ્છા એ સંપૂર્ણ કુદરતી છે જ્યારે લગ્નાદિ વ્યવસ્થાઓ અકુદરતી હોવાથી જ અસ્વાભાવિક છે અને એથી અત્યંત પ્રતિકૂળ નીવડે છે... લગ્નેતર સંબંધો જેવો આનંદ બીજા કશામાં નથી અને આવા સંબંધ જો સમાજમાન્ય બને તો ઘણા ઝઘડા અને છુટાછેડા ટાળી શકાય!

શી રીતે? અમુક લગ્નેતર સંબંધો એક્ઝોસ્ટ વાલ્વ જેવા હોય છે. કેટલાકનું માનવું છે કે જીવનસાથી જો સુખ આપી શકે એમ ન હોય તો એને ક્ષમા આપવી અને ખુદ એ વસ્તુથી વંચિત રહીને કુંઠિત થઈ જવાને બદલે એ સુખ બહારથી મેળવી લેવું. આ રીતે સદા ઉત્તેજિત-ઊકળતું રહેતું મન શાંત રહેશે અને જીવનસાથી પ્રત્યે ફરિયાદનું કારણ ન રહેતા દામ્પત્યજીવનનો પાયો મજબૂત બનશે! સવાલ એ છે કે જો લગ્નેતર સંબંધો ખરેખર દામ્પત્યજીવન માટે ઉપકારક નીવડતા હોય તો માણસ એમાં શા માટે આટલું બધો અપરાધભાવ અનુભવે છે? શા માટે જીવનસાથી સાથે નિખાલસ કેપારદર્શક બની શકતો નથી? કવિ હરેન્દ્ર દવેએ ખૂબ બધી સંશોધનાત્મક વિગતો આપીને કહ્યું છે કે લગ્નેતર સંબંધને પાપ ગણવા કે એનાથી પોતાના પતિત્વ કે પત્નીત્વ પર ઘા થયેલો ગણવો - એ બધું માનસિક રીતે સાપેક્ષ હોય છે.

પુસ્તકમાં આડા-ઊભા-ત્રાંસા સંબંધોના અસંખ્ય કિસ્સા ટાંકવામાં આવ્યા છે. એક કિસ્સો એવો છે કે સમાજમાં જેમની સારા માણસો તરીકે ગણના થાય છે એવા એક નિ:સંતાન પ્રોઢ દંપતી પૈકી પુરુષ લગ્નેતર સંબંધો ધરાવે છે. નવાઈની વાત એ છે કે એની પત્ની ખુદ પતિને નવા નવા શિકાર શોધી લાવવામાં મદદરુપ બને છે! બીજા એક કિસ્સામાં, મહારાષ્ટ્રની એક કવયિત્રી એના સીધાસાદા પતિ પર સતત લફરાંનો જૂઠા આરોપ લગાવ્યા કરતી. મોડે મોડે પતિને ખબર પડી કે કવયિત્રી ખુદ લગ્નેતર સંબંધો ધરાવે છે. ચપળ બિલાડી જેવી ચાલાક પત્નીએ સંભળાવી દીધું કે એ તો હું તને પાઠ ભણાવવા માટે આવા સંબંધમાં પડી છું. જો તું મને વફાદાર રહ્યો હોત તો હું ય તને વફાદાર રહી હોત!

સો વાતની એક વાત એ છે કે લગ્નેતર સંબંધો દામ્પત્યજીવનમાં અશાંતિ સર્જ્યા વગર રહેતા નથી. જોેકે લેખક કહે છે કે પતિ અથવા પત્ની એકબીજાના આડા સંબંધો પ્રત્યે સહિષ્ણુતા કેળવી લે અવું કદાચ વરસો પછી આપણે ત્યાં પણ બનવા લાગે એવી પૂરી સંભાવના જ નથી, એવાં ચિહનો પણ દેખાય છે.


પુસ્તકમાં લગ્ન અને લગ્નેતર સંબંધોનાં સત્યને શક્ય તેટલા વધારે દષ્ટિકોણથી ચકાસવામાં આવ્યાં છે. આ પ્રકારની ચર્ચામાં સંતાન પર થતી અસર એક મહત્ત્વનું પાસું ગણાય, પણ એને અહીં સ્પર્શવામાં આવ્યું નથી. લેખકે આમ તો ઠીક ઠીક તટસ્થતા જાણવી રાખી છે, છતાંય પુસ્તક વાંચતી વખતે લગ્નેતર સંબંધોને વ્યાજબી ઠેરવતો એક સૂક્ષ્મ સૂર બેકગ્રાઉન્ડમાંથી સંભળાતો રહે છે. વાંચવું ગમે એવું રસપ્રદ પુસ્તક.                                                                           0 0

મહામંડપ     
                                                                                    
લેખક: રજનીકુમાર પંડ્યા  પ્રકાશક: આર.આર.શેઠ એન્ડ કંપનીઅમદાવાદ-૧મુંબઈ-૨
ફોન: (૦૭૯) ૨૫૫૦૬૫૭૩, (૦૨૨)૨૨૦૧૩૪૪૧,
કિંમત:   ‚. ૩૫૦ /
પૃષ્ઠ: ૪૧૮


Tuesday, June 9, 2015

ટેક ઓફ : હસબન્ડ એટલે વાઇફનીય વાઇફ?

Sandesh - Ardh Saptahik Purti - 10 June 2014

ટેક ઓફ 

કલમકડછીબરછીતરવુંતાંતરવું અને તસ્કરવું! કલમ એટલે બૌદ્ધિક કામોમાં પ્રવીણ હોવુંકડછી એટલે રાંધતા આવડવુંબરછી એટલે લડતા આવડવુંતરવું એટલે સિમ્પલ તરવુંતાંતરવું એટલે સામેના માણસને પ્રભાવિત કરતાં આવડવું અને તસ્કરવું એટલે વ્યાપક અર્થમાંયેનકેન પ્રકારેણ પોતાનું કામ પાર પાડતા આવડવું. પતિને આ બધું આવડવું જોઈએ. પુરુષ આ છએ છ કળામાં પ્રવીણ હોય તો જ સાચા અર્થમાં ઘરધણી બની શકે છે!વું તે વળી કેવું કે આ પૃથ્વી પર વસતાં કરોડો-અબજો લોકોમાંથી કોઈ એક ચોક્કસ સ્ત્રી કે પુરુષને જ તમે તમારા જીવનસાથી તરીકે પસંદ કરો છો? કુદરતનું એવું તે વળી કેવું ચકરડું ફરતું હશે કે આટઆટલા લોકોમાંથી કોઈ એક ચોક્કસ વ્યક્તિના જ પ્રેમમાં તમે પડો છો અને એને પરણી જાઓ છો? યા તો એની સાથે અરેન્જ્ડ મેરેજ કરો છો? શું લગ્ન માત્ર અને માત્ર કર્મ-સંયોગ-નસીબનું ફળ છે? લગ્ન પછી માણસ ખીલી ઊઠે અથવા મૂરઝાઈને મુડદાલ બની જાય તો શું એને પણ કર્મનાં લેખાંજોખાં ગણીને સ્વીકારી લેવાનું?
જવાબ શોધતા આખી જિંદગી નીકળી જાય એવા અઘરા આ સવાલો છે. અંબાલાલ મૂળજીભાઈ પટેલ (જન્મ ૧૯૦૮, મૃત્યુ ૧૯૮૮) દાદા ભગવાન તરીકે ગુજરાતીઓના એક વર્ગમાં આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારાયા છે. તેઓ કહે છે કે કર્મની ગૂઢ ગતિનો કોયડો ઉકેલવો મુશ્કેલ છે, પણ જો વ્યવહારકળાને સમજીને તેને પ્રેમપૂર્વક અમલમાં મૂકીએ તો જીવન સરળ અને શાંતિભર્યુ ંબને છે. શું છે આ વ્યવહારકળા? દાદાશ્રી 'એડજસ્ટમેન્ટ' એટલે કે એકમેકને અનુકૂળ થવાની રીતને દાંપત્યસુખ માટેની ચાવી ગણે છે. એડજસ્ટ થવું એ આમ તો એક અતિ કોમન શિખામણ છે જે દરેક દુલ્હા-દુલ્હનને અને યુદ્ધે ચડેલાં કપલને નિયમિતપણે અપાય છે. પતિ યા તો પત્નીને એડજસ્ટ થવું એટલે લાચાર બની જવું કે નબળું પડી જવું તેમ નહીં, કેમ કે આ વ્યવહારકળામાં જ્ઞાાનાત્મક દૃષ્ટિ પણ સંકળાયેલી છે. દાદા ભગવાનને સ્વયં લાંબા અને સુખી લગ્નજીવનનો ભરપૂર અનુભવ હતો. એમણે હલકીફુલકી શૈલીમાં સમજાવેલી સુખી લગ્નજીવનની કેટલીક 'ટ્રિક્સ' સાંભળવા જેવી છે અને હા, તે માટે દાદાશ્રીના અનુયાયી હોવાની બિલકુલ જરૂર નથી.
પ્રશ્નોત્તરી શૈલીમાં લખાયેલા 'સનાતન સુખ' પુસ્તકમાં દાદાશ્રી કહે છે, "પુરુષો પ્રસંગો ભૂલી જાય, પણ સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. સ્ત્રીઓ તો બોલી જાય કે તે દા'ડે તમે બોલ્યા હતા તે હજુ મારે કાળજે વાગેલું છે. એ વાતને વીસ વર્ષ થયાં તોય નોંધ તાજી! દીકરો પૈણવા જેવા થઈ ગયો હોય તોય નોંધ તાજી! સ્ત્રીઓ માનભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે. ઠેઠ નનામી કાઢતાં સુધી એ રીસ સાબૂત હોય. માટે સ્ત્રીને (અપમાન) આલશો-કરશો નહીં. નથી આલવા જેવી આ ચીજ. ચેતતા રહેવા જેવું છે."
દાદાશ્રીના મતે પતિએ તો ઓલરાઉન્ડર બનવું પડે. કલમ, કડછી, બરછી, તરવું, તાંતરવું અને તસ્કરવું - આ છએ છ કળા નથી આવડતી એ માણસ નથી! કલમ એટલે બૌદ્ધિક કામોમાં પ્રવીણ હોવું, કડછી એટલે રાંધતા આવડવું, બરછી એટલે લડતા આવડવું, તરવું એટલે સિમ્પલ તરવું, તાંતરવું એટલે સામેના માણસને પ્રભાવિત કરતાં આવડવું અને તસ્કરવું એટલે સ્થૂળ અર્થમાં ચોરી કરવી, પણ વ્યાપક અર્થમાં કહીએ તો જરૂર પડયે સામ-દામ-દંડ-ભેદનો પ્રયોગ કરીને યેનકેન પ્રકારેણ પોતાનું કામ પાર પાડતા આવડવું. પતિને આ બધું આવડવું જોઈએ. પુરુષ આ છએ છ કળામાં પ્રવીણ હોય તો જ સાચા અર્થમાં ઘરધણી બની શકે છે! ખરેખર, પતિ બનવું આસાન નથી જ!


ઘણા પતિઓને ઘરકામના મામલામાં ડબ ડબ કરવાની ટેવ હોય છે. સામે પક્ષે, ઘણી પત્નીઓને પતિના કામ-ધંધામાં સલાહો આપ આપ કરવાની આદત હોય છે. દાદાશ્રી કહે છે, "ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું તે બધો સ્ત્રીનો ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે ને ક્યાંથી નથી લાવતી તે પુરુષે જાણવાની શી જરૂર? વહુ જો વરને કહે કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો જુદી વાત થઈ. કેટલાક પુરુષો તો ઘરમાં જઈને મરચાંના ડબ્બામાં જુએ કે બે મહિનાનાં મરચાં લાવ્યાં હતાં તે આટલી વારમાં થઈ રહ્યાં! અલ્યા, મરચાં જોતો રહીશ તો ક્યારે પાર આવશે? સ્ત્રીઓએ પણ પુરુષની કોઈ બાબતમાં ડખો ના જ કરવો. દુકાનમાં કેટલો માલ આવ્યો, કેટલો ગયો, આજે મોડા કેમ આવ્યા? પેલાએ કહેવું પડે કે આજે નવની ગાડી ચૂકી ગયો એટલે લેટ થઈ ગયું. તો બહેન કહેશે કે એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય? એટલે પછી પેલા ભાઈ ચિઢાઈ જાય. પેલાનેે મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો એને મારત, પણ પત્ની આગળ શું કરે?"
દાદાશ્રીએ પતિની એક ઔર વ્યાખ્યા કરી છેઃ હસબન્ડ એટલે વાઇફનીય વાઇફ - પતિ એટલે પત્નીનીય પત્ની! પતિઓ તરત પૂછશે કે સાવ આવો ઢીલો એટિટયૂડ રાખીએ ને દબાઈને રહીએ તો વાઇફ માથે ન ચડી જાય? આવું પૂછનારને દાદાશ્રી કહે છે કે અલ્યા, હસબન્ડ એટલે વાઇફનીય વાઇફ એ ખાલી કહેવાની રીત છે, બાકી વાઇફ કંઈ થોડી ધણી થઈ બેસવાની છે? ઘરમાં ગેસ્ટ તરીકે રહો. કુદરતના ગેસ્ટ તરીકે તમને જો સુખ ના આવે તો સંસારમાં શું સુખ આવવાનું છે?'
કોઈ પતિ-પત્ની ખૂબ ઝઘડતાં હોય અને લડાઈ પૂરી થયા પછી આપણે ગુપચુપ જોવા જઈએ ને મહિલા ઘસઘસાટ ઊંઘતી હોય,પણ ભાઈસાહેબ આમથી તેમ પડખાં ઘસતાં હોય તો સમજવું કે બધી ભાઈની જ ભૂલ છે. પેલી મહિલા તો ભોગવતી નથી. જો ભાઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતાં હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. ભોગવે એની ભૂલ! આમ કહીને દાદાશ્રી ઉમેરે છે, "આ બહુ ઝીણું સાયન્સ છે. જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે." અહીં દાદાશ્રીનો ઇશારો કર્મના સિદ્ધાંત તરફ છે.
નાની-મોટી તૂ-તૂ-મૈં-મૈં ઠીક છે, પણ પતિ કે પત્ની સહન ના થઈ શકે એવડો મોટો ઘા મારી દે તો શું કરવું? દાદાશ્રી કહે છે કે આપણે સૌ વટેમાર્ગુ છીએ. પતિ કે પત્ની પણ વટેમાર્ગુ છે. જીવનના રસ્તા પર ચાલતાં ચાલતાં આકસ્મિકપણે મળી ગયેલી વ્યક્તિ છે. આ બધી રિલેટિવ સગાઈઓ છે. સાપેક્ષના સંબંધો છે. માબાપ અને સંતાનનો સંબંધ પણ રિલેટિવ છે. આપણો દેહ પોતે જ રિલેટિવ છે! આ દેહને આપણે રોજ નવડાવીએ, ધોવડાવીએ, તોય એને પેટમાં દુખે, માથું ચડે, માંદું પડે. આપણે દેહને કહીએ કે રોજ તારી આટલી માવજત કરું છું તો આજે જરા શાંત રહેજે, પણ તોય એ ઘડીભર શાંતિ ન રાખે. આખી જિંદગી ઘર ભરાઈ જાય એટલાં દાતણ કર્યાં હોય, રોજ પીંછી માર-માર કરી હોય તોય દાંત નથી દુખતા? આપણું પોતાનું શરીર જો આપણને દગો દઈ શકતું હોય તો બીજાઓ પાસેથી શી અપેક્ષા રાખવી?


પતિ-પત્ની વચ્ચે જોરદાર યુદ્ધ ફાટી નીકળે ત્યારે બેઉને ડિવોર્સના વિચાર આવવા માંડે છે. પછી એ વિચારબીજનું ઝાડ થાય. જો લગ્ન ટકી રહે એમ ઇચ્છતા હો તો, એક પાત્ર ફાડ-ફાડ કરે તો બીજાએ સાંધ-સાંધ કરવાનું. તો જ આ રિલેટિવ સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. દાદાશ્રી એક પ્રેક્ટિકલ ટિપ આપે છેઃ જીદે ન ચડવું. તરત વાતનો ઉકેલ લાવી દેવો. છતાં સામેવાળું માણસ બહુ ઝઘડે તો કહી દેવું: હું તો પહેલેથી જ ડફોળ છું, મને તો કશું આવડતું જ નથી! આવું કહી દઈએ એટલે સામેનું પાત્ર આપણને છોડી દે. એવું નહીં માની બેસવાનું કે બધા ચડી બેસશે તો શું કરીશું? અરે કોઈ શું ચડી બેસે? ચડી બેસવાની શક્તિ કોઈ ધરાવતું જ નથી. આ બધા કર્મના ઉદયથી નાચતા ભમરડા છે! ગમે તેમ કરીને હાલની કટોકટી શાંત કરી નાખો. પછીની વાત પછી.
ધારો કે પછી પણ નીવેડો ન આવ્યો તો? ક્યાં સુધી રાહ જોવાની? કેટલી ધીરજ ધરવાની? દાદાશ્રી કહે છે, "પતિ-પત્નીના ઋણાનુબંધ બહુ ચીકણા છેે. એ રીતે સંતાનો અને માબાપ સાથેના ઋણાનુબંધ પણ ચીક્ણા હોયછે. આથી તેમની સાથેની સમસ્યાનો ઉકેલ જરા વધુ સમય લાગે છેે. આ બધા જોડે ને જોડે હોય એટલે બધું ધીમે ધીમે થાય, પણ સમભાવે સમસ્યાનો નિકાલ કરવાનું નક્કી કર્યું હોય તો એક દહાડે સમસ્યાનો અંત જરૂર આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય છે ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે છે."
દાદાશ્રીની વાતો વાંચતાં કંઈક એવો સૂક્ષ્મ સંદેશ મળે છે કે લગ્નની ગાડી ચાલતી રાખવી હોય તો પતિ અને પત્ની બન્નેએ જે મનમાં હોય તો મોઢે નહીં લાવવાનું, પણ ગમ ખાઈ જવાનો, જતું કરવાનું. સહજતાથી નહીં, પણ ચતુરાઈપૂર્વક વર્તવાનું અને પછી જ્ઞાાન અને કર્મની ફિલોસોફીની રજાઈ ઓઢીને શાંતિથી સૂઈ જવાનું. તમે સહમત છો આ વાત સાથે? તમારું શું કહેવું છે?

0 0 0