Showing posts with label ઉપનિષદ. Show all posts
Showing posts with label ઉપનિષદ. Show all posts

Wednesday, May 27, 2020

શાકાહાર વિશે આપણાં વેદશાસ્ત્રો શું કહે છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 2020, બુધવાર
ટેક ઓફ 
હે દાંત, તમે ચોખા, જવ, અડદ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો

કોરોના મહામારીનું એક પરિણામ સારું આવ્યું એ આવ્યું કે આજે આખી દુનિયા શાકાહાર, તેના ફાયદા તથા માંસાહાર અને તેના ગેરફાયદા વિશે ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવા લાગી છે. એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ગૅરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું ઉદાહરણ લો. તેઓ વર્ષોથી જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. આ થિયરી કહે છે કે પશુપક્ષીજંતુવનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છેતેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસઅમને જીવવા દો!

જૈન શાસ્ત્રો કહે છે કે શાકભાજીપાણીઅગ્નિધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂર થાય છેપણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છેપણ બેત્રણચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

શું જૈન સૌથી વૈજ્ઞાનિક ધર્મ છે? આખી દુનિયા આજે મોઢે માસ્ક લગાડીને ફરે છે, પણ જૈન સાધુઓ તે સદીઓથી કરતા આવ્યા છે. ખાનપાનની વિશેના જૈન સિદ્ધાંતો - નીતિનિયમો આજે જેટલા અસરકારક અને રિલેવન્ટ લાગે છે એટલા કદાચ અગાઉ ક્યારેય લાગ્યા નહોતા. જૈન ધર્મ કરતાંય ક્યાંય જૂના એવા આપણાં પ્રાચીન વેદ-ઉપનિષદોએ શાકાહાર વિશે શું કહ્યું છે?       

એતદ્ વા ઉ સ્વાદીયો યદથિગવં ક્ષીરં વા માસં ના તદેવ નાશ્યન્તિ. આ અથર્વવેદનો અંશ છે (પ્રકરણ 8, ખંડ 6, શ્લોક 6). આનો અર્થ થાય છે, એ જ ખાદ્ય પદાર્થ રુચિકર, સ્વાદિષ્ટ અને લાભકારી હોય છે, જે ફળ, ફૂલ, અન્ન, શાક, કંદ અને મૂળમાંથી પ્રાપ્ત થાય છે અથવા જે ગાય આદિ પશુઓનાં દૂધ, દહી, ઘી આદિ રૂપમાં મળે છે. પશુ, પક્ષી, માછલી આદિને મારીને જે માંસ પ્રાપ્ત થાય છે અથવા જે પશુ-પક્ષી વગેરેના ગર્ભ અથવા ઈંડાના રૂપમાં છે તે આમેય અભક્ષ્ય છે, તેને ન ખાવા જોઈએ.

બીજા એક શ્લોકમાં કહેવાયું છે કે, જે લોકો નર અને માદા (જીવ) ભ્રૂણ તેમજ અંડાનો નાશ કરી ઉપલબ્ધ થતા માંસને કાચું અથવા રાંધીને ખાય છે તેમનો વિરોધ કરવો જોઈએ (અથર્વવેદ, 8/6/23). એક શ્લોકમાં મનુષ્યના દાંતને ઉદ્દેશીને કહેવાયું છે કે હે દાંત, તમે ચોખા ખાઓ, જવ ખાઓ, અડદ ખાઓ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો (અથર્વવેદ, 6/140/2).

વેદને આપણે ઈશ્વરીય વાણી ગણીએ છીએ. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ જ્ઞાનની ખોજ માટે હિમાલયના પર્વતો ખૂંદતા હતા ત્યારે વેદનારાયણ ભગવાને સ્વયં આકાશવાણી રૂપે તેમને વેદ સંભળાવ્યા હતા. આમ, ઋષિઓ વેદોના રચયિતા નહીં, પણ શ્રોતા છે. વેદ એ શ્રુતિજ્ઞાન (સાંભળીને પ્રાપ્ત થયેલું જ્ઞાન) છે, જે પછી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સતત જીવતું રહ્યું.

યજુર્વેદમાં પણ જીવહિંસા વિશે ઘણા શ્લોકો છે. જેમ કે આઃ હે મનુષ્યો, જે ગાય આદિ પશુઓ છે તે ક્યારેય હિંસા કરવા યોગ્ય નથી (યજુર્વેદ, 1/1). જે લોકો પરમાત્માના સહચરી એવા પ્રાણી માત્રને પાતાના આત્માને સમકક્ષ માને છે, તેઓ જેટલું પોતાનું હિત ઇચ્છે છે એટલું જ અન્યોનું હિત પણ ઇચ્છે છે (યજુર્વેદ, 40/7). હે મનુષ્ય, તું બે પગવાળા અર્થાત્ અન્ય મનુષ્યો અને ચાર પગવાળાં અર્થાત્ પશુઓની હંમેશાં રક્ષા કરજે (યજુર્વેદ, 14/8).

ખાણીપીણીના મામલામાં માનવજાતમાં બે સ્પષ્ટ વર્ગ પડી ગયા છે. એક વર્ગ એવો છે, જે જમીન, પાણી કે આકાશમાં વસતા કોઈ પણ પશુ, પક્ષી, કીટક કે માછલીને પકડીને, મારીને, એની સાફસફાઈ કરીને, પકાવીને ખાઈ જાય છે. સાપ, ચામાચિડીયા, ઉંદર, ગરોળી સહિતનાં કલ્પી ન શકાય એવાં જીવ-જનાવરોને મરેલાં કે જીવતાં રખાઈ જતા ચીનાઓ હવે આખી દુનિયામાં ભયંકર બદનામ થઈ ચૂક્યા છે. બીજો વર્ગ માને છે કે માણસની જેમ હાથ, પગ, આંખ, નાક, કાન, પેટ જેવાં અવયવો ધરાવતાં, સુખ-દુખની અનુભૂતિ કરતાં, માણસની જેમ જ વહાલ કરી શકતાં ને ભયભીત થઈ શકતાં, બચ્ચાં પેદા કરીને તેમનું લાલન-પાલન કરતાં અને કુદરતના ક્રમ પ્રમાણે જન્મ લેતાં ને મૃત્યુ પામતાં પશુ-પક્ષીઓમાં પણ મનુષ્યની જેમ આત્મા હોય છે. આવાં જીવજનાવરોને મારવામાં આવે છે ત્યારે તેઓ ભયભીત થાય છે, દોડાદોડ કરી મૂકે છે, ચીસો પાડે છે, ભયંકર વેદના સહન કરે છે. તેમને મારીને ખાવા તે હિંસા છે, પાપ છે.

વૈદિક સિદ્ધાંત માંસાહાર પર સ્પષ્ટપણે નિષેધ ફરમાવે છે. સવાલ એ છે કે તો પછી જૂના જમાનામાં યજ્ઞો વગેરેમાં પ્રાણીઓની બલિ ચડાવવાની પરંપરા હતી તેનું શું? આ વિશે ફરી ક્યારેક.     
  
0 0 0