Showing posts with label Premji. Show all posts
Showing posts with label Premji. Show all posts

Sunday, June 19, 2016

મલ્ટિપ્લેક્સ: 'શાંત થા, નીરવ.... થઈ જશે!'

Sandesh - Sanskar Purti - 19 June 2016

મલ્ટિપ્લેક્સ

ફિલ્મમેકર બનવા માટે કોઈ સારી ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈને કોર્સ કરવાનું કે કોઈના આસિસ્ટન્ટ ડિરેક્ટર બનીને અનુભવ મેળવવાનું સારું જ છે, પણ ફરજિયાત નથી. જો ભયાનક ગાંડપણ હોય, પ્રતિભા હોય, થાક્યા વગર મહેનત કરી શકવાની ક્ષમતા હોય અને આત્મવિશ્ર્વાસની કમી ન હોય તો ફિલ્મો જોઈજોઈને તેમજ અેકલવ્યની જેમ એકલા-એકલા અભ્યાસ કરીને સારા ફિલ્મમેકર બની શકાય છે. આજકાલ તરખાટ મચાવી રહેલી 'થઈ જશે!' ફિલ્મના રાઈટર-ડિરેક્ટર નીરવ બારોટના કિસ્સા પરથી આ વાત ફરી એક વાર સાબિત થઈ છે.   





'ઈ જશે!ફ્લ્મિના વખાણ સાંભળીને તમારા મનમાં કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું છે એટલે તેને શાંત કરવા સૌથી પહેલાં તો કાંદિવલીના 'મિલાપથિયેટરમાં જાઓ છો. હાઉસફુલ. ત્યાંથી મુંબઈના ગાંડા ટ્રાફ્ક્મિાં જેમતેમ રસ્તો કરતાં કરતાં તમે મલાડના મૂવીટાઈમ મલ્ટિપ્લેકસ પહોંચો છો. હાઉસફુલ. ફાયનલીતમે ગોરેગાંવમાં આવેલા 'ધ હબમલ્ટિપ્લેકસમાં અતિ લેટનાઈટ શોની ટિક્ટિ ઓનલાઈન બુક કરો છો. આ ઓડિટોરિયમ પણ ઓલમોસ્ટ હાઉસફુલ થવાની અણી પર છે. જોકે ટિક્ટિ મળી ગઈ એટલે તમારાં જીવને નિરાંત થાય છે. તમને થાય કે મારું બેટું આ તો જબરું છેએક ફ્લ્મિ જોવા માટે આટલી બધી સ્ટ્રગલ ક્રવાનીથિયેટરે-થિયેટરે ભટક્વાનું?


ખેર. 'થઈ જશે!'નો શો પૂરો થયા પછી મધરાતે દોઢેક વાગે ઘરે પહોંચો છો ત્યારે તમારા મનમાં સંતોષ છવાયેલો હોય છે. આ એવો કિંમતી સંતોષ છે જે બહુ ગાજેલી હિન્દી ફ્લ્મિો કે ઈવન અંગ્રેજી ફ્લ્મિોમાંથી પણ દર વખતે મળતો નથી. 

શું છે 'થઈ જશે!'માં? 
જેતપુરથી આવેલો એક યુવાન અમદાવાદમાં ભણીગણીને જોબ કરી રહૃાો છે. એને હવે અમદાવાદમાં ઠરીઠામ થવું છે. એ કંઈકેટલાય ફ્લેટ્સ જુએ છે, બેન્ક્ની હોમલોન માટે પાગલની જેમ ધક્કા ખાય છે, ગમે તેમ કરીને પૈસાનો મેળ કરે છે, અણધારી મુસીબતોને કારણે લગભગ ભાંગી પડવાની ધાર સુધી પહોંચી જાય છે પણ છેલ્લે સ્વાભિમાનપૂર્વક ખુદના આશિયાનામાં શિફ્ટ થાય છે. બસ, આટલી જ વાત. સાદી અને સીધી. પણ આ સ્ટોરી આઈડિયા જ ફ્લ્મિનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ પૂરવાર થયો છે. આપણામાંના મોટા ભાગના લોકોએ આ સંઘર્ષ કાં તો ખુદ ર્ક્યો છે અથવા સંઘર્ષના સાક્ષી બન્યા છે. તેથી ઓડિયન્સનું ફ્લ્મિનાં ક્થાનક સાથે ત્વરિત અને મજબૂત સંધાન થઈ જાય છે. અડધી બાજી તો ત્યાં જ જીતાઈ જાય છે. બાકીની ક્સર આત્મવિશ્વાસભર્યું ડિરેક્શન, અસરકરક્ પર્ફોર્મન્સિસ, અફ્લાતૂન સિનેમેટોગ્રાફી અને મજાનાં ગીતો પૂરી કરે છે.
વેેલ, 'થઈ જશે!' કંઈ બત્રીસ-લક્ષણી કે પરફેકટ ફ્લ્મિ નથી. આપણે આના કરતાં બહેતર સ્ક્રીનપ્લેવાળી અને વધારે સ્મૂધ ગતિથી વહેતી અર્બન ગુજરાતી ફ્લ્મિો માણી ચુકયા છીએ, ભલે, પણ 'થઈ જશે!' એટલી દમદાર તો છે જ કે છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી સિનેમાનો જે ન્યુ વેવ શરૃ થયો છે તેની ટોપ-ફઈવ યા ટોપ-સેવન ફ્લ્મિોની સૂચિમાં હકથી બેસી શકે.     
ફ્લ્મિના નાયકની જેમ ફ્લ્મિના રાઈટર-ડિરેકટર નીરવ બારોટ પણ જેતપુરથી અમદાવાદ આવ્યા હતા, વર્ષો સુધી ભાડાનાં ઘરમાં રહૃાા હતા અને પછી ઘરનું ઘર ખરીદીને ઠરીઠામ થયા છે. ફ્લ્મિમેકર જ્યારે પોતાની ફ્લ્મિમાં આત્મક્થાના ટુક્ડા મુકે છે ત્યારે આખી વાત વધારે આત્મીય અને પ્રામાણિક બની જતી હોય છે.

'મને પહેલેથી જ અમદાવાદનું બહુ એટ્રેકશન,' નીરવ બારોટ શરુઆત કરે છે, 'મારું આખું સર્કલ જેતપુરમાં છે, પણ મારે ત્યાં તો નહોતું જ રહેવું. કોલેજના છ મહિના કરીને પંદર વર્ષ પહેલાં હું અમદાવાદ આવી ગયો. આગળનું ભણવાનું કોરસ્પોન્ડન્સથી ચાલુ રાખ્યું, પણ બીકોમની ડિગ્રી તો ન જ મેળવી શકયો. મારે ફ્લ્મિલાઈનમાં જવું છે, સ્ટોરીટેલર બનવું છે, વાર્તાઓ ક્હેવી છે એવી સભાનતા મારામાં નાની ઉંમરથી આવી ગઈ હતી.'
સહેજે સવાલ થાય કે માણસને ફ્લ્મિલાઈનમાં આગળ વધવું હોય તો એ મુંબઈ જાય, અમદાવાદ શા માટે જાય? અને તે પણ પંદર વર્ષ પહેલાંના અમદાવાદમાં?
'આનું કારણ મારા રાજુમામા છે - રાજુ બારોટ,' નીરવ ક્હે છે, 'તેઓ લોક્ક્લાકાર હતા. બહુ હેન્ડસમ માણસ. એમને કોઈ ગુજરાતી ફ્લ્મિમાં હીરોના રોલની ઓફર થયેલી. હું એમની સાથે શૂટિંગમાં જતો. મને બહુ મજા આવતી આખી પ્રોસેસ જોવામાં. ૨૦૦૨-'૦૩ની આ વાત. એ વખતે હું હોઈશ બાવીસેક વર્ષનો. તે ફ્લ્મિ તો ખેર, કેઈ કારણસર રિલીઝ ન થઈ શકી. પછી મારા મામાનું હાર્ટએટેક્થી અણધાર્યું અવસાન થઈ ગયું. માંડ પાંત્રીસ વર્ષની ઉંમર હતી. એમના મૃત્યુએ અમને હચમચાવી મૂકયા હતા.'
નીરવનાં નિશામામી - નિશા બારોટ - ગુજરાતી ફ્લ્મિોના પ્લેબેક સિંગર છે. પોતાની ફ્લ્મિોનાં પ્રિમીયરમાં તેઓ નીરવને સાથે લઈ જાય. મોટા ભાગની ફ્લ્મિોમાં નીરવને ખાસ મજા ન પડતી. અસંતોષ રહી જતો. એમને થયા કરે કે ગુજરાતી ફ્લ્મિોની સ્થિતિ બદલાવી જોઈએ, ગણવત્તાનું સ્તર ઊંચકાવું જોઈએ. નિશા બારોટની ભલામણથી એમને હિતેનકુમારની  'ભડનો દીકરો' નામની ફ્લ્મિમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો નીરવને મોકો મળ્યો. ડિરેક્ટર હતા, હિતુ પટેલ. એક ફ્લ્મિ શી રીતે બને છે તેની સૌથી પહેલી વાર પ્રેક્ટિક્લ સમજણ નીરવને આ અનુભવ પરથી મળી. 

'એ વર્ષોમાં હું મારા ત્રણ દોસ્તારો સાથે એલડી એન્જિનિયરિંગ કોલેજ નજીક્ આવેલા શેફાલી નામના અપાર્ટમેન્ટમાં રહેતો,' નીરવ બારોટ કહે છે, 'દોસ્તારો ભણતા ને હું કોલ સેન્ટરમાં જોબ કરતો. ચાર-પાંચ હજારના પગારથી શરુઆત કરી હતી. ઘરની આર્થિક્ હાલત ખાસ ઠીક નહોતી એટલે ઘરે પૈસા પણ મોક્લતો. ખૂબ સ્ટ્રગલ કરી છે. એક્ ચોક્કસ કોલ સેન્ટરમાં જોબ લેવાનું કારણ એ હતું કે ત્યાં રાતે ર્ક્મચારીઓને જમાડવામાં આવતા. પાણીમાં બોળી બોળીને બિસ્ક્ટિ ખાધા હોય એવા દિવસો ય કાઢયા છે. જોકે પરિવારમાં કોઈને હું મારી તંગ પરિસ્થિતિનો ભાસ સુદ્ધાં ન થવા દેતો.'
ઈર્મ્ફ્મેશન ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં પ્રવેશ આ જ તબક્કે થયો. મિત્રો પાસેથી એસઈઓ (સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન)ની આંટીઘૂંટી શીખીને નીરવ એક ક્ંપનીમાં એકિઝકયુટિવ તરીકે જોડાયા. દીકરો હવે સારું ક્માવા લાગ્યો હતો એટલે મા-બાપે અમદાવાદમાં વસતા જ્ઞાાતિના એક સુખી પરિવારની એમબીએ થયેલી ક્ન્યા સાથે એમની સગાઈ કરી.  
'મેં સેજલને ક્હેલું કે આજે ભલે હું આઈટી ઈન્ડસ્ટ્રીમાં રહૃાો, પણ મારું સપનું તો ફ્લ્મિો બનાવવાનું છે. સેજલને તેની સામે કેઈ જ વિરોધ નહોતો.'
સગાઈ પછી, ૨૦૦૯-'૧૦માં હું રાજુ બારોટના 'હા, મેં તને ચાહી છે જિંદગી' નામના નાટક માટે બેક્સ્ટેજ ર્ક્યુંં. 'ભડનો દીકરો' ફ્લ્મિના ડિરેકટરને આસિસ્ટ  કરવા અને એક નાટક્નું બેકસ્ટેજ કરવું - અભિનયના ક્ષેત્રનો નીરવનો આટલો જ ર્ફ્સ્ટહેન્ડ અનુભવ. પદ્ધતિસરની તાલીમ માટે પુનાની ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ્ ઈન્ડિયા (એફ્ટીઆઈઆઈ)માં એડમિશન લેવાની ઈચ્છા હતી, પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી નહોતી એટલે તે શકય નહોતું. હવે એક જ વિક્લ્પ બચતો હતો - સેલ્ફ્સ્ટડી.

'ફ્લ્મિમેકિંગને લગતું જે કંઈ સાહિત્ય અને વિડીયો ઓનલાઈન અવેલેબલ હતાં તે બધું મેં ધ્યાનપૂર્વક્ વાંચવાનું-જોવાનું શરુ ર્ક્યું,' નીરવ ક્હે છે, 'દેશવિદેશની ફ્લ્મિો જોવાની ચાલુ કરી. તમે માનશો, અમુક્ ફ્લ્મિો મેં ચાલીસ-પચાસ વાર જોઈ છે, એક સ્ટુડન્ટની જેમ! રાઈટર-ડિરેકટરે કઈ રીતે સ્ક્રિપ્ટિંગ ર્ક્યું હશે, અમુક વાત અમુક જ રીતે મૂક્વા પાછળ એમની શી થોટ-પ્રોસેસ હશે, અમુક જ એંગલથી શોટ શા માટે લીધો હશે વગેરે જેવા ક્ંઈકેટલાય પ્રશ્નોના જવાબ હું મારી રીતે શોધવાની કેશિશ કરતો. મારી ડાયરીમાં નોટ્સ ટપકાવતો જતો ને પછી નવી સમજણ સાથે ફ્લ્મિ નવેસરથી જોતો. મેં જોયું કે રાજકુમાર હિરાણી, ઈમ્યિયાઝ અલી, સ્ટીવન સ્પિલબર્ગ જેવા ફ્લ્મિમેર્ક્સ પેશનેટ લોકો છે, ફ્લ્મિો બનાવવાનું ઝનૂન એમની ભીતરથી પેદા થયું છે. ઈમ્તિયાઝ કે સ્પિલબર્ગ કયારેય ફ્લ્મિ-સ્કૂલમાં ભણ્યા નથી. મને થયું કે જેમ હું સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશનનું કામ વગર ડિગ્રીએ શીખી ગયો હતો એમ ફ્લ્મિો બનાવતાં પણ શીખી જ જઈશ.'
દરમિયાન લગ્ન થયાં. ૨૦૧૧ના અંતમાં અમદાવાદમાં પોતાનું ઘરનું ઘર ખરીદ્યું. કાર ખરીદી. 'થઈ જશે!'નાં માબાપ મનોજ જોશી અને કુમકુમ દાસની માફ્ક્ નીરવનાં મમ્મી-પપ્પા પણ ઓલરેડી અમદાવાદ આવીને ત્રણચાર વર્ષ ભાડાનાં ઘરમાં રહી ચુકયાં હતાં. ઘર ખરીદતી વખતે એજન્ટો, મકાનમાલિકે, બિલ્ડરો, હોમલોન આપતી બેન્કો વગેરેના જે જાતજાતના અનુભવો સૌને થતા હોય છે તે નીરવને પણ થયા. દોસ્તોની ઘર-ખરીદીના અનુભવો પણ હાથવગા હતા. તેના આધારે ૨૦૧૨ની શરુઆતમાં નીરવે ફ્લ્મિ લખવાની શરુ કરી. ટાઈટલ આપ્યું, 'ઘરનું ઘર'. અડધે પહોંચ્યા પછી બીજું ટાઈટલ આપ્યું - 'ધરતીનો છેડો'. સ્ક્રીનપ્લે લખતાં પહેલાં નીરવે ઝીણી ઝીણી ડિટેલિંગ સાથે બસ્સો-અઢીસો પાનાંની નવલક્થા જેવું લખી નાખ્યું હતું. અગાઉ પર્સનલ ડાયરીમાં તેઓ કયારેક્ કવિતા જેવું લખતા. એમ તો સ્વર્ગસ્થ રાજુમામાની જીવનક્થા લખવાનું પણ શરુ કરેલું. લેખનક્રિયાનો નીરવને આટલો જ અનુભવ. 

'લખવાના મામલામાં હું બહુ ખરાબ છું!' નીરવ હસે છે, 'સ્ક્રિપ્ટ લખતો હતો ત્યારે કેટલીય વાર એવું બનતું કે સીનમાં શું ક્હેવું છે તે ખબર હોય, પણ સીનને ક્ઈ રીતે ક્રેક કરવો ને કાગળ પર ઊતારવો તે ન સમજાય. દિમાગ આઈડિયાઝથી ફાટ-ફાટ થતું હોય પણ સીનનું લખાણ જામે જ નહીં. આવું થાય એટલે હું રીતસર માથાં પછાડું, દીવાલ પર મુક્કા મારવા લાગું. પછી અરીસા સામે ઊભો રહીને ખુદને શાંત કરવાની કેશિશ કરું અને મારી જાત સાથે વાતો કરું કે, 'ભાઈ નીરવ, ટાઢો પડ. શું કામ આટલો અધીરો થાય છે? જરા નિરાંત રાખ અને શાંતિથી વિચાર. બધું થઈ જશે.' આમ કરવાથી મન ખરેખર શાંત થાય. હું પાછો લખવા બેસી જાઉં. મેં જોયું કે એવાં કેટલાંય સીન હતાં જેના એન્ડમાં 'થઈ જશે'વાળી ફીલિંગ રીપીટ થયા કરતી હતી. મને થયું કે બોસ, આ 'થઈ જશે'વાળી વાતમાં સોલિડ દમ છે. ગજબની પોઝિટિવિટી મળે છે આ બે શબ્દોમાંથી. મેં કાગળ પર 'થઈ જશે!' શબ્દો લખીને મોબાઈલથી એનો ફોટો પાડી લીધો. મેં અગાઉ વિચારી રાખેલાં બન્ને ટાઈટલ આમેય ખાસ ગમતાં નહોતાં. મને થયું કે યેસઆ જ તો છે મારી ફ્લ્મિનું પરફેકટ ટાઈટલ - 'થઈ જશે!''   
નીરવને માત્ર ટાઈટલ જ નહીં, પરંતુ ફ્લ્મિની સેન્ટ્રલ થીમ પણ મળી ગઈ. લેખન જેવી ક્રિયેટિવ પ્રોસેસમાં આગળ વધવાનું સૂઝતું ન હોય ત્યારે જો અણીના સમયે યોગ્ય ચાવી જડી જાય તો આખી દિશા ખૂલી જતી હોય છે. 'થઈ જશે' શબ્દપ્રયોગમાં જાણે ફ્લ્મિનું આખું સ્ટ્રકચર છૂપાયેલું હતું.
દરમિયાન જૂન, ૨૦૧૨માં અભિષેક જૈનની 'કેવી રીતે જઈશ?' રિલીઝ થઈ. નીરવ તો આ ફ્લ્મિનું ટ્રેલર જોઈને જ પુલિક્ત થઈ ગયેલા. એમને થયું કે પોતે ગુજરાતી સિનેમાની જે ગુણવત્તાનું સપનું જુએ છે તે આ જ તો છે! નીરવ ક્હે છે, 'જાણે હું ય 'કેવી રીતે જઈશ?'નો ટીમ-મેમ્બર હોઉં રીતે મેં જોરશોરથી ફ્લ્મિને પ્રમોટ કરવા માંડી હતી! એક્ મૉલમાં ફ્લ્મિના મ્યુઝિક્ લોન્ચ વખતે બીજા કેટલાય ચાહકોની જેમ અભિષેક જૈનને મળેલો પણ ખરો. એમની આ પહેલી ફ્લ્મિે ગુજરાતી સિનેમામાં એક માહોલ બનાવી નાખ્યો.'
બીજો તીવ્ર પ્રભાવ પાડયો વિજયગિરિ ગોસ્વામીની 'પ્રેમજી' ફ્લ્મિના અનુભવે. નીરવ ક્હે છે, 'હું આ ફ્લ્મિના માર્કેટિંગ સાથે સંક્ળાયેલો હતો. વિજયની ધગશ જોઈને, જે રીતે એણે સારી ક્માણી છોડીને ફ્લ્મિમેકર બનવાનું  રિસ્ક લીધું હતું તે જોઈને મને સોલિડ ધક્કો લાગ્યો. મેં વિચારી લીધું કે બસ, હવે ગમે તે થાય, 'થઈ જશે!' તો હું બનાવીને જ રહીશ.
Nirva Barot with Malhar Thakar and Monal Gajjar 

એક લાખના પગારવાળી જોબ છોડવાનો નિર્ણય લેવો સહેલો ન જ હોય. અત્યાર સુધી રાતોની રાતો જાગીને ઓફ્સિની બહાર, કારમાં, સોસાયટીના ગાર્ડનમાં ખોળામાં લેપટોપ લઈને લખ-લખ-લખ ર્ક્યું હતું, પણ હવે ચોવીસે ક્લાક ફ્લ્મિ માટે ફાળવવાનો સમય આવી ગયો હતો. ઓકટોબર ૨૦૧૫માં આઈટી ઈન્ડસ્ટ્રીને અલવિદા ક્હીને ફ્લ્મિની ટીમ બનાવવાની શરુઆત કરી. મનોજ જોશી જેવા સિનિયર એકટર સ્ક્રિપ્ટનું નરેશન સાંભળીને ક્ન્વિન્સ થઈ ગયા. પ્રોડયુસર અજય પટેલ મેદાનમાં ઉતર્યા. જય ભટ્ટે સ્ક્રીનપ્લેને વધારે સુરેખ બનાવ્યો. પ્રયાગ દવેએ સંવાદો લખ્યા. 'છેલ્લો દિવસ' પછી હોટ-એન્ડ-હેપનિંગ બની ગયેલા મલ્હાર ઠાકરને હીરો તરીકે કાસ્ટ કરવામાં આવ્યા. દક્ષિણમાં ઓલરેડી સાતઆઠ ફ્લ્મિોની હિરોઈન બની ચુકેલાં સુપર કયુટ મોનલ ગજ્જર નાયિક બન્યાં. તપન વ્યાસે  સિનેમેટોગ્રાફી સંભાળી. હેમાંગ ધોળક્યિાએ સંગીત આપ્યું. જુદા જુદા ૪૮ લોકેશન પર ૩૧ દિવસમાં ભરપૂર આત્મવિશ્વાસ સાથે ફ્લ્મિ શૂટ થઈ. નીરવ પંચાલે તે એડિટ કરી. ત્રીજી જૂને રિલીઝ થઈ અને રિઝલ્ટ આપણી સામે છે.
'મને હજુ માન્યામાં નથી આવતું કે મેં ખરેખર ફ્લ્મિ બનાવી નાખી છે ને થિયેટરોમાં તે હાઉસફુલ જઈ રહી છે!' નીરવ સમાપન ક્રે છે, 'બસ, હવે બિઝનેસ બ્રેક-ઈવન પર પહોંચે ને પ્રોડયુસરનો ખર્ચ રિક્વર થઈ જાય એટલે ગંગા નાહૃાા.'
થઈ જશે, નીરવ બારોટ, આ પણ થઈ જશે! ટચવૂડ.
0 0 0 

Saturday, July 18, 2015

'પ્રેમજી' કેવી છે?

શું પ્રેક્ષક તરીકે આપણને 'પ્રેમજી' જોઈને ક્ષોભ થાય છે, સંકોચ અનુભવવો પડે છે? જવાબ છે, ના. પ્લસ-માઇનસ બન્ને પોઇન્ટ્સને ધ્યાનમાં લઈએ તો સરવાળે 'પ્રેમજી'ને એક સારી ફિલ્મ કહેવાય કે ન કહેવાય? જવાબ છે,'પ્રેમજી' સરવાળે એક સારી ફિલ્મ પણ છે અને ન્યૂ વેવ ગુજરાતી સિનેમાની ઇમ્પોર્ટન્ટ ફિલ્મ પણ છે. વિજયગીરી ગૌસ્વામીએ અપેક્ષા જગાડી છે. હવે પછી તેઓ શું બનાવે છે, એક આર્ટિસ્ટ તરીકે અને એક ફિલ્મમેકર તરીકે એમનો કરિયર ગ્રાફ કેવી રીતે વિકસે છે તે જોવાની મજા આવશે.



'બાહુબલિ' જ્યારે દેશભરનાં થિયેટરોને ગજવી રહી હતી ત્યારે એને સમાંતરે આપણે ત્યાં ઘરઆંગણે 'પ્રેમજી' નામની ઘટના બની રહી હતી. 'બાહુબલિ' જે દિવસે ચાર હજાર સ્ક્રીન પર એકસાથે ત્રાટકી હતી તે જ દિવસે રિલીઝ થયેલી 'પ્રેમજી'ના ફાળે માંડ ૩૬ થિયેટરો આવ્યાં. આ એક ગુજરાતી ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મો ડિસ્ટ્રિબ્યુટ થવાની પેટર્ન તેમજ ગણિત જુદાં હોય છે. દૃોઢ મહિના પહેલાંફિલ્મ હજુ પોસ્ટ પ્રોડકશનના અંતિમ તબક્કામાં હતી ત્યારે એનો ફર્સ્ટ ક્ટ જોયો હતો. તાજેતરમાં તેનું ફાયનલ વર્ઝન જોયું. 

તો 'પ્રેમજી'કેવી છે? 'પ્રેમજી'માં શું છે ને શું નથી? 'પ્રેમજી' અથવા તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગુજરાતી સિનેમામાં જે નવો પ્રવાહ પેદા થયો છે તેનો હિસ્સો બનેલી કોઈ પણ મોડર્ન ગુજરાતી ફિલ્મને શી રીતે જોવી જોઈએ? પ્રમાણવી જોઈએ? સૌથી પહેલાં તો આટલાં વર્ષોમાં બોલિવૂડ-હોલિવૂડની ફિલ્મો જોઈને આપણી ભીતર જે પેલો વાયડો વિવેચક પેદા થઈ ગયો છે એને કંટ્રોલમાં રાખવાનો. છરી-ચાકા સજાવીને તૈયાર રાખ્યાં હોય તો એને પાછાં ડ્રોઅરમાં મૂકી દેવાનાં. તલવાર જો કાઢી રાખી હોય તો એને ફરી મ્યાન કરી દેવાની. ટૂંકમાં, નવી ગુજરાતી ફિલ્મ જોતી વખતે 'આજે તો મારી નાખું-કાપી નાખું-છોતરાં કાઢી નાખું-ભુક્કો બોલાવી દઉં' એ ટાઇપનો એટિટયૂડ તો બિલકુલ નહીં રાખવાનો. આ એક વાત થઈ. આના વિરુદ્ધ છેડા પર પ્રતિદલીલ એ થઈ શકે કે ભાઈ,ઓડિયન્સ તો ઓડિયન્સ છે. પૈસા, સમય અને શક્તિ ખર્ચીને ફિલ્મ જોવા જતા દર્શકને ફક્ત અને ફક્ત એન્ટરટેઇનમેન્ટમાં રસ છે. એ શું કામ કોઈ પણ ફિલ્મ તરફ કૃપાદૃષ્ટિ રાખીને ગ્રેસના માર્ક્સ આપે? તો આના જવાબમાં સામો સવાલ એ કરવાનો કે મોડર્ન ગુજરાતી સિનેમા હજુ તો ભાખોડિયા ભરી રહેલું કુમળું બાળક છે તે હકીકત શી રીતે ભૂલી શકાય? બાળકની સરખામણી 'બાહુબલિ' સાથે કેવી રીતે કરાય? નોટ ફેર.
આ બેમાંથી એકેય અંતિમ પર ફંગોળાયા વગર વિજયગીરી ગૌસ્વામીએ લખેલી, ડિરેક્ટ કરેલી અને પ્રોડયુસ કરેલી 'પ્રેમજી' વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો ફિલ્મ જોતી વખતે આ એક જેન્યુઇન પ્રયાસ છે એવું સતત ફીલ થયા કરે છે. ફિલ્મમેકરનો ઉદ્દેશ પ્રામાણિક છે એવી પ્રતીતિ આપણને એકધારી થયા કરે છે. આવું બધું ફિલ્મોમાં બનતું નથી. કેટલીય ફિલ્મોમાં ફિલ્મમેકરની ક્રિએટિવ ડિસઓનેસ્ટી ગંધાતી હોય છે. 'ધ ગૂડ રોડ'માં આવી અપ્રામાણિકતાની વાસ સતત આવ્યા કરતી હતી. યોગાનુયોગે વિજયગીરી 'ધ ગૂડ રોડ' સાથે પણ ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, પણ તેના મેકર સાથે વિખવાદ થવાથી ફિલ્મ અધવચ્ચેથી છોડી દીધી હતી.

Vijaygiri Goswami

'પ્રેમજી' એક બહુ જ જોખમી ફિલ્મ છે, વિષયની દૃષ્ટિએ. ફિલ્મનો નાયક ટિપિકલ અર્થમાં હીરો હોવાને બદલે સહેજ સ્ત્રૈણ હોય એવું છેલ્લે ક્યારે જોયું હતું? હીરો પર બળાત્કાર થતો હોય એવું દૃશ્ય ગુજરાતી કે હિન્દી તો શું, બીજી કોઈ ભાષાની ફિલ્મમાં જોયું હોવાનું પણ યાદ આવતું નથી. નાયક પર થતો સેક્સ્યુઅલ અબ્યુઝ આ ફિલ્મનું કેન્દ્ર છે. એના ફરતે આખી વાર્તા ગૂંથાઈ છે. આ એક અન્ડર-ડોગની, સામાન્ય દેખાતા માનવીમાં ધરબાયેલી અપાર શક્તિની વાર્તા છે. 'પ્રેમજી'માં હ્યુમન ટ્રાફિકિંગની, માસૂમ બચ્ચાંઓનાં શરીરને ભોગવતા વિકૃત પુરુષોની વાત પણ છે. ફિલ્મ જોતી વખતે આપણને ડિરેક્ટરને બન્ને ખભેથી પકડીને હચમચાવીને પૂછવાનું મન થાય કે ભાઈ, તમારી કરિયરની પહેલી જ ફિલ્મ બનાવો છો ત્યારે આવો રિસ્કી સબ્જેક્ટ શા માટે પસંદ કર્યો છે? જો સહેજ સંતુલન ચુકાય તો આખી ફિલ્મ ઊંધા મોંએ પટકાઈ શકે. સદ્ભાગ્યે સંતુલન ચુકાતું નથી. જો કોઈ કોમર્શિયલ નિર્માતાએ ફિલ્મ પ્રોડયુસ કરી હોત તો સ્ક્રિપ્ટમાં કેટલાય ફેરફાર કરાવ્યા હોત, વાર્તાની ધારને બુઠ્ઠી બનાવી દીધી હોત. આવું ન થાય તે માટે વિજયગીરીએ દેવું કરીને જાતે ફિલ્મ પ્રોડયુસ કરી. સેફ રમવાને બદલે સમજદારીપૂર્વક અને હિંમતભેર ઓરિજિનલ ફિલ્મ બનાવવા બદલ તેમને ફુલ માર્ક્સ. 
'કેવી રીતે જઈશ' અને 'બે યાર'ની સફળતા પછી એ ઢાળની નબળી અર્બન ફિલ્મોનો મારો થયો હતો. 'પ્રેમજી' આ ટ્રેપથી ઠીક ઠીક દૂર રહી શકી છે. ફિલ્મ નખશિખ ગુ-જ-રા-તી છે. મેહુલ સોલંકી, આરોહી પટેલ, મૌલિક નાયક, મલ્હાર પંડયા, નમ્રતા પાઠક,વિશાલ વૈશ્ય, હેપી ભાવસાર અને ઘનશ્યામ પટેલ જેવાં ફિલ્મના અદાકારો ગુજરાતી થિયેટર, ટેલિવિઝન કે રેડિયો સાથે સંકળાયેલાં નામો છે. મોટાભાગનાં (બધાં નહીં) પર્ફોર્મન્સીસ સારાં છે. સંભવતઃ સૌથી મોટો પડકાર પ્રેમજીનો કોમ્પ્લિકેટેડ ટાઇટલ રોલ ભજવતા મેહુલ સોલંકી સામે હતો. પ્રેમજી કંઈ હોમોસેક્સ્યુઅલ નથી, એ ફક્ત સહેજ સ્ત્રૈણ રહી ગયો છે. તે પણ જીવન પ્રત્યેના એટિટયૂડમાં નહીં, બલકે બોડી લેંગ્વેજમાં. આ પાત્રની ફેમિનિટીને એક્ટર-ડિરેક્ટરે ખૂબ સૂક્ષ્મતાથી ઉપસાવી છે. પ્રેમજીના પિતાનું કિરદાર 'ગુલાલ' અને 'રામ-લીલા' જેવી કેટલીય હિન્દી ફિલ્મો કરી ચૂકેલા અભિમન્યુ સિંહે ભજવ્યું છે. હુકમના એક્કા જેવો આ અદાકાર સેકન્ડ હાફમાં સ્ક્રીન પર આવે છે અને માહોલ એકાએક ગતિશીલ બની જાય છે. સરસ કોમિક ટાઇમિંગ ધરાવતા મૌલિક નાયકને જો યોગ્ય પ્રોજેક્ટ્સ મળતા રહેશે તો એમની કરિયર રોકેટની ઝડપે ગતિ કરવાની છે. નવોદિત આરોહી પટેલ સ્ક્રીન પર ર્ચાિંમગ અને સહજ લાગે છે. ફિલ્મનું સંગીત (કેદાર ઉપાધ્યાય - ભાર્ગવ પુરોહિત) કાનને ગમે છે.

On the set (top); (bottom) Vijaygiri Goswami with Mehul Solanki

આ થયા ફિલ્મના પ્લસ પોઇન્ટ્સ. હવે માઇનસ પોઇન્ટ્સનો વારો. 'પ્રેમજી'ની સૌથી મોટી ખામી હોય તો એ છે એડિટિંગ, એડિટિંગ અને એડિટિંગ. ફિલ્મનો ફર્સ્ટ હાફ દર્શકને થકવી નાખે છે, એની ધીરજની જોરદાર કસોટી કરે છે. લક્ષ્ય તરફ સીધી લીટીમાં ગતિ કરવાને બદલે કોલેજ કેમ્પસનાં અસરહીન દૃશ્યો અને રાજકારણીના ઇન્વોલ્વમેન્ટ જેવા બિનજરૂરી ટ્રેક્સ પર આડીઅવળી, આમથી તેમ ગોથાં ખાધાં કરે છે. ફર્સ્ટ હાફમાં આપણને થાય કે ફિલ્મ પ્રેમજી વિશે છે કે એના દોસ્ત રોય વિશે?
ડિરેક્ટર અને એડિટર બન્ને પોતપોતાની રીતે ફિલ્મ 'બનાવતા' હોય છે. ડિરેક્ટર ફિલ્મના સેટ પર ફિલ્મ બનાવે, એડિટર એડિટિંગ ટેબલ પર. વિજયગીરીએ સેટ પર તો સારી મહેનત કરી, પણ પ્રોફેશનલ એડિટર હાયર ન કરીને ગરબડ કરી નાખી. એડિટિંગ ટેબલ પર પણ એ જાતે જ બેઠા અને જે કંઈ બનાવ્યું હતું તેેની ધાર કાઢીને ઇમ્પ્રુવ કરવાને બદલે અસર મંદ કરી નાખી. અલબત્ત, કોઈ પણ એડિટિંગ પ્રોસેસમાં ડિરેક્ટર ગાઢપણે સંકળાયેલો રહેવાનો જ, પણ મુખ્ય કામ અનુભવી એડિટર દ્વારા થવું જોઈએ.
ફિલ્મની પેસ એકધારી રહેવી જોઈએ, વાર્તા ચોક્કસ રિધમમાં ઊઘડતી જવી જોઈએ, વાર્તામાં વણાંકો ચોક્કસ સમય પર આવી જવા જોઈએ. 'પ્રેમજી'માં આવું બનતું નથી. ફિલ્મ લાંબી અને ક્યારેક કન્ફ્યુઝિંગ લાગવાનું કારણ કાચો સ્ક્રીનપ્લે છે. વળી, અમુક પાત્રોની ભાષામાં સાતત્ય જળવાતું નથી. પ્રેમજીની અશિક્ષિત કચ્છી માતા નાગર બ્રાહ્મણ જેવા શુદ્ધ ઉચ્ચારો કરવા માંડે કે સંવાદોમાં આકૃતિ અને પ્રતિબિંબ જેવા ભારેખમ શબ્દો બોલે તે કેમ ચાલે.


સો વાતની એક વાત, ફિલ્મમાં ઘણા સ્તરે ઘણી કચાશ રહી ગઈ છે તે વાત સાચી, પણ શું પ્રેક્ષક તરીકે આપણને 'પ્રેમજી' જોઈને ક્ષોભ થાય છે, સંકોચ અનુભવવો પડે છે? જવાબ છે, ના. પ્લસ-માઇનસ બન્ને પોઇન્ટ્સને ધ્યાનમાં લઈએ તો સરવાળે 'પ્રેમજી'ને એક સારી ફિલ્મ કહેવાય કે ન કહેવાય? જવાબ છે, હા, કહેવાય. 'પ્રેમજી' સરવાળે એક સારી ફિલ્મ પણ છે અને ન્યૂ વેવ ગુજરાતી સિનેમાની ઇમ્પોર્ટન્ટ ફિલ્મ પણ છે. 'પ્રેમજી'ની આખી ટીમે મેકિંગથી લઈને પ્રમોશન અને ડિસ્ટ્રિબ્યુશન સુધીના તમામ તબક્કે ખૂબ મહેનત કરી છે. વિજયગીરીએ અપેક્ષા જગાડી છે. હવે પછી તેઓ શું બનાવે છે, એક આર્ટિસ્ટ તરીકે અને એક ફિલ્મમેકર તરીકે એમનો કરિયર ગ્રાફ કેવી રીતે વિકસે છે તે જોવાની મજા આવશે. ઓલ ધ બેસ્ટ.

0 0 0

(The modified version of the article appeared as Multiplex column in Sandesh on 19 July 2015)