Wednesday, March 28, 2012

એક અમેરિકન સ્વામીની સ્પિરિચ્યુઅલ થ્રિલર


                                                                         ચિત્રલેખા  અંક તા. ૨ એપ્રિલ ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 
                                                                               
લ્પના કરો. અમેરિકાના શિકાગો શહેરનો એક છોકરો છે.  રિચાર્ડ સ્લેવિન એનું નામ. સુખી યહૂદી પરિવારનું એ ફરજંદ છે. ઉંમર હશે માંડ ઓગણીસ વર્ષ. એક દિવસ ડાઈનિંગ ટેબલ પર ડિનર કરતાં કરતાં એ શાંતિથી ઘોષણા કરે છેઃ ‘ત્રણ દિવસ પછી હું મારા ફ્રેન્ડ સાથે યુરોપ જઈ રહ્યો છ . ફરવા. સપ્ટેમ્બરમાં કોલેજ ખૂલે એ પહેલાં પાછા આવી જઈશું. મારી ચિંતા ના કરતા.’

છોકરો પહેલેથી જ જરા અલગ સ્વભાવનો. નાનો હતો ત્યારે ધરાર નીચે પલાંઠી વાળીને એકલો જમતો. નવાંનક્કોર કપડાં જૂનાં ન દેખાય ત્યાં સુધી એની માએ વારંવાર ઘસીને ધોવા પડતાં. નવાં જૂતાં પણ પથ્થરથી ઘસી ઘસીને જૂનાં કરી નાખે પછી જ પહેરે. કૂમળી વયથી ઊંડી આધ્યાત્મિક સંવેદન અનુભવતો આ છોકરો કંઈક ગજબની બેચેની અનુભવી રહ્યો છે. એ જાણે કે કશુંક શોધી રહ્યો છે. કદાચ ખુદની સાચી ઓળખ, કદાચ પોતાના જીવનનો સાચો ઉદ્દેશ... પૂરેપૂરી સ્પષ્ટતા આ ઉંમરે તો કેવી રીતે હોય?

ખેર, એ હિપ્પી બનીને હિચહાઈકિંગ કરતો કરતો એટલે કે વાહનોમાં લિફ્ટ માગી માગીને લંડનથી પ્રવાસ આરંભી દે છે. ઈટલી, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ... એક સાંજે ભૂમધ્ય સમુદ્રના કિનારે, જાણે અંતઃ પ્રેરણા થઈ રહી હોય તેમ, તેના હૃદયમાંથી મધુર આદેશ સંભળાય છેઃ ‘ભારત જા!’ રિચાર્ડ વિચારમાં પડી જાય છે. ભારત શા માટે? આ દેશ કેટલો દૂર છે એની એને કશી ગતાગમ નથી. સ્કૂલમાં ભણ્યો હતો એટલે માત્ર એટલી ખબર છે કે ભારત પૂર્વ દિશામાં છે, બહુ ગરીબ દેશ છે અને ત્યાં ખૂબ બધા મદારીઓ રહે છે! બસ, આટલું જ. નથી એની પાસે નક્શો કે નથી પૈસા, પણ તોય એ ભારત તરફ નીકળી પડે છે. એકલો, પગપાળા!

...અને પછી શરૂ થાય છે શ્વાસ અધ્ધર કરી દે એવી એની આધ્યાત્મિક તલાશ. એક પ્રવાસી તરીકે નહીં, પણ સત્યના શોધક તરીકે આદરેલી યાત્રામાં શું શું બને છે? એને પોતાના પ્રશ્નોના ઉત્તર મળે છે? એની શોધનો તાર્કિક અંત આવે છે? આ સવાલોનો રસપ્રદ જવાબ એટલે ‘પેલે પારનો પ્રવાસ’ નામનું આ આત્મકથનાત્મક પુસ્તક.રિચાર્ડ ગ્રીસથી તુર્કીમાં પ્રવેશ કરે છે. તુર્કીમાં દાવાનળની જેમ કોલેરા ભડકી રહ્યો છે. એમાંથી જીવતો પસાર થઈને એ ઈરાન પહોંચે છે. ઈરાનથી અફઘાનિસ્તાન અને ત્યાંથી ખૈબર ઘાટ થઈને પાકિસ્તાન. એ દિવસોમાં એટલે કે ૧૯૭૦ના દાયકામાં હિપ્પી કલ્ચરમાં માનતા અલગારી જીવો અત્યંત ઓછા ખર્ચે ભયંકર હાડમારીઓ વેઠીને વિશ્વપ્રવાસો કરતા. એમાંના ઘણાખરા સાહસવૃત્તિથી પ્રેરાઈને આમ કરતા તો કેટલાક આધ્યાત્મિક ઝુકાવને લીધે. રિચાર્ડ ભારત માટે તીવ્ર તલસાટ અનુભવી રહ્યો હતો. હુસૈનીવાલા નામના સરહદી શહેરની ચોકીમાં એક ઉદ્ધત મહિલા અધિકારીએ કહી દીધુંઃ ભારતમાં પ્રવેશ કરવા માટે તારી પાસે ઓછામાં ઓછા ૨૦૦ ડોલર હોવા જોઈએ. ક્યાં છે તારા પૈસા? તને પ્રવેશ નહીં મળે. ભારતમાં શું ભીખારીઓની કમી છે?

ખેર, ભારતની ધરતી પર આખરે રિચાર્ડે પગ મૂક્યા ખરા. પહેલાં જ દિવસે કોઈ એને ભાંગ પીવડાવી દે છે અને તીખા તમતમતા લાલ મરચાને એ મીઠાઈ સમજીને મોંમાં મૂકી દે છે! ભારત આવ્યા પછી એના જીવનમાં જે નાટ્યાત્મક ઘટનાઓ બનવાની છે એનું આ તો નાનકડું ટ્રેલર માત્ર છે! ખેર, એનું સદનસીબ જુઆ. દિલ્હી આવતાવેંત રિચાર્ડની નજર ‘વિશ્વ યોગ સંમેલન’ની જાહેરખબર પર જાય છે. ચાર દિવસ દરમિયાન સેંકડો ગુરુ, સાધુ, લામા અને પંડિત એને એક જ સ્થળે મળી જાય છે. કશાક દિવ્ય ઉઘાડની જાણે કે આ શરૂઆત છે. રિચાર્ડનું ભારતભ્રમણ શરૂ થાય છે. લેખક કહે છેઃ

‘ક્યારેક ગમગીન બનાવે તો ક્યારેક ઉલ્લાસિત કરી મૂકે એવા અનુભવોથી મારો રસ્તો સભર હતો. દરેક અનુભવ મારા માટે એક એવા વિશ્વની બારી ખોલી નાખતો, જ્યાંથી મારા જીવનને આગળ વધવા અમુક નવી દિશા મળતી રહેતી.’

રિચાર્ડ સ્વયં સાધુ બનીને હૃષીકેશ, હરિદ્વાર, કુલુ, બનારસ, કલકત્તા, પશુપતિનાથ, ધરમશાલા, મુંબઈ, ગોવા, મથુરા, વૃંદાવન, નેપાળ જેવા કેટલાય સ્થળે એકધારું ફરે છે. કંઈકેટલાય યોગી, સાધુબાવા અને તપસ્વી સંપર્કમાં આવે છે. એક સ્પોન્જની જેમ રિચાર્ડ પોતાને મળતા મનુષ્યો પાસેથી જ નહીં, કુદરત પાસેથી પણ સતત શીખતો રહે છે, ગ્રહણ કરતો રહે છે. એની આધ્યાત્મિક અનુભૂતિઓ ઘુંટાતી જાય છે. જોકે એક વાતે એ સ્પષ્ટ છે કે કોઈના સ્થાયી શિષ્ય બનવું એ બહુ મોટી જવાબદારીવાળું કામ છે. તેથી જ્યાં સુધી હું બધું જોઈશસમજીશઅનુભવીશ નહીં ત્યાં સુધી ગુરુ બનાવવામાં હું ઉતાવળ નહીં કરું! પ્રલંબ ઘટનાપ્રચુર પ્રવાસને અંતે એ જેને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપે છે એ છે, શ્રીલ પ્રભુપાદ.

Writer Radhanath Swami (Richard Slewin) garlanding his Guru, Shrila Prabhupada

યુરોપના પ્રવાસથી માંડીને વિસ્મયકારક સાધુસંતોની દુનિયા અને એમની સાથેના પોતાના સહવાસનું લેખકે વર્ણન એટલું અસરકારક અને ચિત્રાત્મક છે કે વાચકની સામે સિનેમાની જેમ સમગ્ર ઘટનાક્રમ ઉઘડતો જાય છે. વાચક રિચાર્ડના સહયાત્રી બનીને સાથે સાથે વહ્યા કરે છે. રિચાર્ડ સાથે આપણે પૂરેપૂરું સમસંવેદન અનુભવીએ છીએ. એની પીડા, ઉદ્વેગ, કરુણા અને ધન્યતા આ બધું જ સંવેદનશીલ વાચક સ્વયં અનુભવતો રહે  છે અને એ લેખકની કલમની તાકાત છે. આ લખાણમાં વાચકને આંજી નાખવાનો ઉદ્દેશ નહીં, પણ પ્રામાણિકતા અને પારદર્શિતા ઝળકે છે. વચ્ચે વચ્ચે થતાં રમૂજના છાંટણાં વાતના પ્રવાહને ઓર મજેદાર બનાવતાં રહે છે. લખાણનાં સ્પંદનો સાચાં સ્વરૂપમાં વાચક સુધી પહોંચતાં રહે છે એ હકીકત સુંદર અનુવાદનો પુરાવો છે. આ પુસ્તક વાંચતી વખતે તમને સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો ‘મારા અનુભવો’ અને ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’ યાદ આવશે. એલિઝાબેથ ગિલ્બર્ટનું બેસ્ટસેલર પુસ્તક ‘ઈટ, પ્રે, લવ’ પણ કદાચ મનમાં ઝબકી જાય, એવુંય બને.

રિચાર્ડના અસાધારણ અને અસામાન્ય પ્રવાસની વાત કરતું આ પુસ્તક વાસ્તવમાં એક સ્પિરિચ્યુઅલ થ્રિલર છે. નિઃશંકપણે માણવા જેવું અતિ સુંદર પુસ્તક.


 પેલે પારનો પ્રવાસ


લેખકઃ રાધાનાથ સ્વામી

અનુવાદઃ ડો. ગિરીશ રાઠોડ (ગિરિરાજ દાસ)

 પ્રકાશકઃ તુલસી બૂક્સ, શ્રી તુલસી ટ્રસ્ટ, ગિરગાંવ ચોપાટી, મુંબઈ

ફોનઃ ૦૯૯૩૦૧ ૪૧૮૨૫

કિંમતઃ  રૂ. ૧૯પ /

પૃષ્ઠઃ ૩૫૦


Sunday, March 18, 2012

મેરિલ સ્ટ્રીપમાં એવું તે શું છે?


                                                             દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૧૮ માર્ચ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

મેરિલ સ્ટ્રીપ આજે વિશ્વની મહાનતમ અભિનેત્રી ગણાય છે. તાજેતરમાં એણે ત્રીજો ઓસ્કર અવોર્ડ જીત્યો. એક સમયે કાનૂનશાસ્ત્રી બનવા માગતી મેરિલે અભિનયના ક્ષેત્રમાં મહારત શી રીતે હાંસલ કરી?  વી કોઈ વસ્તુ છે ખરી જે મેરિલ સ્ટ્રીપ ન કરી શકે?

તાજેતરમાં ‘ધ આયર્ન લેડી’ માટે બેસ્ટ એક્ટ્રેસ માટેનો ઓસ્કર અવોર્ડ જીતી લેનાર મેરિલ સ્ટ્રીપ માટે આ વાત સતત કહેવાતી રહી છે. મેરિલ બધું જ કરી શકે છે અને અદભુત રીતે કરી શકે છે ગંભીર રોલ, કોમેડી રોલ, એક્શન, સિંગિંગ, બહુરૂપીની જેમ કોઈપણ પાત્રનો સ્વાંગ સજી લેવો, બોલવાની નવી નવી લઢણ અપનાવી લેવી... બધું જ. ૬૩ વર્ષની મેરિલને વિશ્વની મહાનતમ સમકાલીન અભિનેત્રીનો દરજ્જો અમસ્તો નથી મળ્યો.

મેરિલ સ્ટ્રીપને અત્યાર સુધીમાં ૧૭ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે, જે એક રેકોર્ડ છે. એમાંથી ત્રણ એ જીતી ગઈ છે. બેટ્ટી ડેવિસ નામની અવ્વલ દરજ્જાની સિનિયર એક્ટ્રેસે ૨૮ વર્ષમાં ૧૦ નોમિનેશન્સ મેળવ્યાં હતાં અને એમાંથી બે જીતી ગઈ હતી. મેરિલની કરીઅર હજુ પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે બેટ્ટી ડેવિસે એને પત્ર લખેલો અને કહેલુંઃ ‘મેરિલ, મને લાગે છે કે સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અમેરિકન એકટ્રેસનું મને જે બિરુદ મળ્યું છે એની ઉત્તરાધિકારી મને તારા રૂપમાં મળી ગઈ છે.’ મેરિલ સ્ટ્રીપે આ વાત સાચી પૂરવાર કરી દેખાડી.

મેરિલનો જન્મ ન્યુજર્સીમાં. એના પિતાજી એક ડ્રગ કંપનીમાં એક્ઝિક્યુટિવ હતા અને મા ચિત્રકાર હતી. ઘરના પાછળના ભાગમાં એમણે આર્ટસ્ટુડિયો જેવું બનાવી રાખેલી. મેરિલ બાર વર્ષની થઈ ત્યારે એને ઓપેરા સિંગર બનવાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એને લૉ કોલેજમાં એડમિશન લેવું હતું, પણ ઈન્ટરવ્યુના દિવસે સવારે એની ઊંઘ જ ન ઉડી અને ઈન્ટરવ્યુ ચૂકાઈ ગયું. મેરિલના મુકદ્દરમાં ભાગ્યવિધાતાએ અભિનેત્રી બનવાનું લખ્યું હતું! એણે અભિનયની શરૂઆત ન્યુયોર્કની રંગભૂમિથી કરી. લંડનના થિયેટરમાં પણ એણે કામ કર્યું. એક વાર લંડનમાં એની પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા. એણેે રીતસર જાહેર બગીચામાં રાત ગુજારવી પડી. બગીચાની સામે જ વૈભવી રિટ્ઝ હોટલ હતી. બાંકડા પર સૂતાં સૂતાં મેરિલ વિચારતી હતીઃ ‘આજે ભલે મારાં ખિસ્સાં ખાલી હોય, પણ એક દિવસ હું જરૂર આ હોટલમાં ઠાઠથી રહેવા આવીશ...!’ ગણતરીનાં વર્ષોમાં મેરિલે ખરેખર હોટલ રિટ્ઝમાં ચેકઈન કર્યુ ત્યારે એની પાસે માત્ર પૈસા જ નહીં, શોહરત અને સેલિબ્રિટી સ્ટેટસ પણ હતાં.

મેરિલે ડ્રામા સ્કૂલમાં અભિનયની ફોર્મલ ટ્રેનિંગ લીધી હતી. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે, ‘એક વાર અમારા ટીચરે સવાલ કર્યોઃ  તમે રાણી કે રાજાનો અભિનય કેવી રીતે કરશો? બધા સ્ટુડન્ટે તરત કહ્યું કે બોડી લેંગ્વેજમાં શાહી અંદાજ લાવીને. ટીચર કહે, ના. રાણી કે રાજા પ્રવેશ કરે કે તરત ઓરડાનો માહોલ બદલાઈ જવો જોઈએ. સૌનું ધ્યાન એના તરફ જવું જોઈએ અને માથું અદબથી ઝુકી જવું જોઈએ... અને આ કામ સાથી અદાકારોએ કરવાનું હોય, રાજા કે રાણી બનેલા એક્ટરે નહીં! મારા માટે આ એક મોટી શીખ હતી. હું આજની તારીખે પણ મારા સાથી કલાકારો પર સતત ડિપેન્ડન્ટ હોઉં છું. મારા અભિનયની ગુણવત્તાનો આધાર એમના પર હોય છે. તેથી જ હું સિન્સિયર લોકો સાથે કામ કરું એ બહુ જ જરૂરી છે. વારે વારે અરીસામાં જોઈને મેકઅપ સરખો કર્યા કરતા એક્ટર્સ નહીં, પણ અસલી અદાકારો જોઈએ... અભિનય જેના લોહીમાં વહેતું હોય એવા અદાકારો.’મેરિલ સ્ટ્રીપની પહેલી ફિલ્મ ‘જુલિયા’ ૧૯૭૭માં આવી. બીજે જ વર્ષે એને ‘ધ ડીઅર હન્ટર’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની કેેટેગરીમાં પહેલું ઓસ્કર નોમિનેશન મળ્યું. એ પછી તો ઉત્તમ પર્ફોર્મન્સીસની કતાર થઈ ગઈઃ ‘ક્રેમર વર્સસ ક્રેમર’ (જેના માટે એણે પહેલી વાર બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીત્યો. આમિર ખાન - મનીષા કોઈરાલાવાળી ‘અકેલે હમ અકેલે તુમ’ આ ફિલ્મ પરથી બની છે), ‘સોફીઝ ચોઈસ’ (એમાં મેરિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભયાનક નરસંહારમાં સ્વજનો ખોઈ ચૂકેલી પોલેન્ડવાસી સ્ત્રીનો હૃદયદ્રાવક રોલ કર્યો હતો, બીજો ઓસ્કર), ‘આઉટ ઓફ આફ્રિકા’, ‘પોસ્ટકાર્ડ ફ્રોમ ધ એજ’, ‘ડેથ બિકમ્સ હર’, ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા’, ‘મમ્મા મિઆ!’, ‘ઈટ્સ કોમ્પ્લીકેટેડ’, ‘ડાઉટ’, ‘જુલિયા એન્ડ જુલિયા’, ‘ધ આર્યન લેડી’ (ત્રીજો ઓસ્કર) વગેરે. મેરિલે ૩૩ વર્ષમાં મેરિલે ૨૩ ફિલ્મો કરી છે. હિરોઈન ત્રીસપાંત્રીસની થાય એટલે આપોઆપ મેઈનસ્ટ્રીમમાંથી આઉટ થઈ જાય એવું માત્ર આપણે ત્યાં જ નથી, હોલીવૂડમાં ય આ સમસ્યા છે જ. પણ મેરિલની પ્રતિભા એટલી પ્રચંડ હતી કે ચાલીસીમાં પ્રવેશ્યા પછી પણ એને દળદાર ભુમિકાઓ મળતી રહી.મેરિલ કુટુંબપ્રેમી મહિલા છે. એના (એકમાત્ર) પતિ ડોન ગમર શિલ્પી છે. ચાર પુખ્ત વયનાં સંતાનો છે. મેરિલની કરીઅર સતત ચડતી કળાએ રહી છે એનું એક મહત્ત્વનું કારણ એના અંગત જીવનની સ્થિરતા પણ છે. એ કહે છે, ‘હું બહુ મહેનતુ છું. શરૂઆતથી જ હું મારા એકેએક રોલ માટે હું ખૂબ મહેનત કરતી આવી છું. હવે તો પાછી હું ખૂબ સિનિયર એક્ટ્રેસ ગણાઉં એટલે મને સતત થયા કરે કે મારે તો સારું કામ કરવું જ પડે. મારાથી નબળું કામ કેવી રીતે થાય? આઈ હેવ ટુ ટ્રાય રિઅલી રિઅલી રિઅલી હાર્ડ. હું તો કહું છું કે મારું મૃત્યુ થાય અને મને દફન કરવામાં આવે ત્યારે કબર પર પણ આ જ શબ્દો કોતરવામાં આવેઃ શી ટ્રાઈડ રિઅલી હાર્ડ...’
  
શો-સ્ટોપર

‘ધ ડર્ટી પિક્ચર’માં તો ગીતો હતાં, ડાન્સ હતા, બીજા કેટલાય મરીમસાલા હતા જેને કારણે ઓડિયન્સને તે ફિલ્મ ગમાડવી આસાન હતી, પણ ‘કહાની’માં એવું કશું જ નથી. આમાં હું નોન-ગ્લેમરસ પ્રેગનન્ટ સ્ત્રી બની છું છતાંય લોકોને ફિલ્મ ગમી ગઈ છે. આ બહુ મોટી વાત છે.


 - વિદ્યા બાલન


------------------------------------------------------------------


Extra feature


Meryl Streep as Margaret Thatcher (R) in The Iron Lady


Click here for the trailer of The Iron Lady :
http://www.youtube.com/watch?v=yDiCFY2zsfc