Showing posts with label Ajay Umat. Show all posts
Showing posts with label Ajay Umat. Show all posts

Wednesday, August 21, 2013

વાંચવા જેવું : પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!


 ચિત્રલેખા - અંક તા. ૧૪ મે ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 




ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે. ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? યુવાને જવાબ આપે છે: ‘પિતાજી!’ ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર...’ આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ!

પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે... અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં આપણે પાછળ રહી ન જવાય કદાચ એટલા માટે જ રાજ ભાસ્કર ‘લવ યુ મમ્મી’ પછી ‘લવ યુ પપ્પા’ નામનું દળદાર સંપાદન લઈને આવ્યા છે. અહીં જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાના પિતા વિશે દિલ ખોલીને લખ્યું છે.



આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું. પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની લાડલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં શ્રીમતીજી અંજલિનું પાત્ર ભજવતી એક્ટ્રેસ નેહા મહેતા છલક-છલક થઈને કહે છે: મારા પપ્પા તો મને ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ છે!

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ નહીં કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે.પપ્પા માટે મને લવ કરતાં સેલ્યુટ શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’



હાસ્યકાર જગદીશ ત્રિવેદી બે-અઢી વર્ષના હતા ત્યારે પિતાજીના મોટા ભાઈ-ભાભી એમને પોતાની સાથે લઈ ગયા હતા ને પછી સગા દીકરાની જેમ મોટા કર્યા. એ પાંચ-સાત વર્ષના થયા ત્યારે કોઈ ખણખોદિયા બ્રાહ્મણે એમને કહી દીધું કે તુું જેને બા અને બાપા કહે છે એ તો તારા દાદા ને ભાભુ છે, તારાં સગાં મા-બાપ તો થાનગઢ રહે છે! બાળ જગદીશને પહેલાં આઘાત લાગ્યો અને પછી ડર બેસી ગયો: મને થાનગઢ લઈ જશે તો મારાં આ મા-બાપ વગર હું કેવી રીતે રહી શકીશ?  સદભાગ્યે એવું ન બન્યું. જગદીશ ત્રિવેદીની કુંડળીમાં મા-બાપની બબ્બે જોડીનો પ્રેમ લખાયો હતો. પિતા ક્યારેક બાપ ઉપરાંત પણ બીજું ઘણું બધું હોય છે. જેમ કે, ‘હિપ્નોટિઝમનું બીજું નામ’નું બિરુદ પામેલા ડો. પી.ટી. ભીમાણીને એમના સાઈકોલોજિસ્ટ પુત્ર ડો. પ્રશાંત ભીમાણી ગુરુ તરીકે નિહાળે છે.

તદ્દન ભીમાણી બાપ-બેટાની માફક તો નહીં, પણ સંજય છેલનું ફિલ્ડ એમના પપ્પાના કર્મક્ષેત્રથી નિકટ જરુર છે. એમના પપ્પા એટલે છેલભાઈ વાયડા. રંગભૂમિની વિખ્યાત આર્ટ-ડિરેક્ટર જોડી છેલ-પરેશમાંના એક. સંજય લખે છે કે, ‘એ ભાગ્યે જ મારી ફિલ્મો, સિરિયલો વગેરે જુએ છે અને જુએ છે ત્યારે ભાગ્યે જ એમને ગમે છે. પણ મારે એમનાં નાટકોની ટીકા નહીં કરવાની અને એમણે મારી ફિલ્મોની એવી અમારા વચ્ચે મૂંગી સમજૂતિ છે!’



કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન. શું પિતાનાં મૃત્યુ પછી ઘરનો મોટો દીકરો એમનું સ્થાન લઈ શકતો હોય છે? કદાચ, ના. અંગત અનુભવના આધારે પત્રકાર-લેખક નરેશ શાહનો આ જ નીચોડ છે કે સમજણથી, સાહસથી, નસીબથી કે મહેનતથી તમે ગમે તે બની શકો છો, પણ તમે તમારા ‘બાપ’ બની શકતા નથી! મૃત્યુ પામેલા પિતાનું સ્થાન ઘરમાં હંમેશાં ખાલી જ રહે છે! આટલું કહીને લેખક ઉમેરે છે કે, ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’

પુસ્તકમાં કુલ ૫૧ લેખો છે, જેમાં પિતા અને સંતાન વચ્ચેના સંબંધના ઘણા શેડ્ઝ આકર્ષક રીતે ઝિલાયા છે. આ પ્રકારના પુસ્તકનાં લખાણ પર મેલોડ્રામેટિક બની જવાનું અને ‘પિતૃ દેવો ભવ... મેરે ડેડી મહાન’ પ્રકારની લાગણીમાં વહી જવાનું મોટું જોખમ તોળાતું હોય છે. આ પુસ્તકની સારી વાત એ છે કે અમુક લેખોને બાદ કરતા ઘણાખરા કિસ્સામાં લેખકો સંયમિત રહી શક્યા છે અને ઈમોશનલ ઓવરડોઝથી બચી શક્યા છે. રિપીટેશન યા તો એકની એક ભાવસ્થિતિનું પુનરાવર્તન એ બીજું ભયસ્થાન છે. ખરેખર તો મા, દીકરી વગેરે સંબંધોને કેન્દ્રમાં રાખીને તૈયાર થતાં આ પ્રકારનાં સંપાદનો સ્વયં રિપીટેશનનો ભોગ બનીને નાવીન્ય ગુમાવી ચુક્યા છે. ખેર, સ્વતંત્રપણે ‘લવ યુ પપ્પા’ એક સુંદર અને ગમી જાય એવું સંપાદન બની શક્યું છે.                                                                                                                 0 0 0


 લવ યુ પપ્પા 


સંપાદક: રાજ ભાસ્કર

પ્રકાશક: બુકશેલ્ફ, અમદાવાદ-૯ અને નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ 

ફોન: (૦૭૯) ૨૬પ૬ ૩૭૦૬, (૦૨૨)૨૨૦૧ ૭૨૧૩ 

કિંમત:   ૩૫૦ /

પૃષ્ઠ: ૨૪૨





‘’

Thursday, July 14, 2011

મા આખરે તો માણસ છે...

 


ચિત્રલેખા  
અંક તા. ૨૫ જુલાઈ ૨૦૧૧




કોલમઃ
વાંચવા જેવું 



                                                                                                     

 - એ કેટલા છોકરાઓ હતા?
એક રૂઆબદાર મહિલાએ પોતાના દીકરા સામે ‘શોલે’ના કિતને આદમી થે?ના અંદાજમાં ડાયલોગ ફેંક્યો.
 - ચાર.
 - અને તને ફક્ત ચાર છોકરાઓ મારી ગયા! પાછો જા અને એ ચારેયને ખોખરા કર્યા વગર પાછો ન આવતો.

દીકરામાં હિંમત આવી. એ ગયો અને ચારેયને ધીબેડીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો ઘરે પાછો ફર્યો. દાયકાઓ પછી દીકરો લખે છેઃ ‘મારી માતાએ તે દિવસે મારામાંથી એક વિજેતાને બહાર આણ્યો.’ ભીરૂ દીકરાને ભડવીર બનતા શીખવનાર એ માતાએ પછી છોકરો જુાન થયો ત્યારે બોલડાન્સ, વોલ્ટ્ઝ અને ફોક્સટ્રોટ ડાન્સ કરતાં પણ શીખવ્યું. આ રૂઆબદાર માનુની એટલે તેજી બચ્ચન અને પેલો છોકરો એટલે અમિતાભ બચ્ચન!

મા વિશે કેટલું લખી શકાય? શું લખી શકાય? જન્મદાત્રીનો આભાર માનવાનો હોય? કે પછી, પ્રતિષ્ઠિત નાટ્યલેખક પ્રવીણ સોલંકી કહે છે તેમ, ‘થેન્ક યૂ મમ્મી’ એ વાક્ય જ અવાસ્તવિક છે? નરેન્દ્ર મોદીએ ભલે ‘માનું  માર્કેટિંગ ન થાય’ એમ કહીને લેખ લખવાનું ટાળ્યું હોય, બાકી સંતાનો ધારે તો પોતાની જનની વિશે લખી શકે છે, દિલપૂર્વક લખી શકે છે અને સરસ લખી શકે છે. આ વાતની સાબિતી છે આ રૂપકડું પુસ્તક. વીર નર્મદથી લઈને ફિલ્મસ્ટાર પ્રાચી દેસાઈ સુધી અને મહાત્મા ગાંધીથી લઈને લોર્ડ ભીખુ પારેખ સુધીના ૪૭ સંતાનોના પોતાની મા વિશેનાં હૃદયસ્પર્શી લખાણો અહીં સંગ્રહ પામ્યાં છે.



‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અજય ઉમટનાં મમ્મી અનેક વખત મજાકમાં કહેતાંઃ ‘જો હું જાતને ન સાચવી શકું એવી પરવશ થઈ જાઉં તો મને પ્રેમથી વિદાય આપજો. મારો જીવ ન જતો હોય તો ‘પાકીઝા’નું થાડે રહીયો એ બાંકે યાર રે વગાડજો.’ માત્ર ૫૬ વર્ષની વયે એમનાં માતાજીએ લીધેલી વિદાય માટે ડાયાબિટીસ નિમિત્ત બન્યો, જ્યારે  જાણીતા કોલમિસ્ટ જય વસાવડાનાં માતાજીને જીવલેણ કેન્સરે હણી લીધાં. મમ્મી ભાંગી ન પડે તે માટે હકીકત છુ૫વવામાં આવી હતી. જોકે સ્વજનો અને તબીબો દઢપણે માને છે કે તેમને સચ્ચાઈની જાણ હતી જ. જય વસાવડા લખે છેઃ‘માત્ર મેં જે (બીમારી છૂપાવવાનું) નાટક કર્યું છે તેમાં હું રાજી રહું એટલે મૃત્યુપર્યંત એણે એક પણ વખત પીડા વચ્ચે પણ એનો પ્રગટ એકરાર ન કર્યો. પ્રેમની આનાથી વધુ મોટી પરાકાષ્ઠા કઈ હોઈ શકે?’

જાણીતા ફિલ્મ-ટીવીલેખક તથા કોલમિસ્ટ સંજય છેલની અટક વાયડા છે અને તેઓ પોતાની મમ્મીને તોફાનભર્યા વહાલથી ‘કુસુમ છેલ વાયડી’ કહે છે! સંજય છેલ લખે છેઃ ‘મમ્મીને મારા સુખની ચિંતા હતી અને મને મારા સુખની, મારાં સપનાંઓની. અને એ મારું સુખ મળવવાની સફરમાં મેં અને એણે એકબીજાંને ખૂબ દુખ આપ્યાં છે. અમે ખૂબ લડ્યાં ઝઘડ્યાં છીએ... મને સો ટકા ખાતરી છે કે મૃત્યુ પછીય મારી મમ્મી ભૂત બનીને મારી આસપાસ આવીને ફરકશે અને પૂછશેઃ ‘તું સુખી છે? તું જમ્યો? સવારે વહેલો ઉઠીશ? થોડો ડિસીપ્લીન્ડ થઈશ? થોડું ગંભીર લખીશ?’ વગેરે વગેરે વગેરે અને મા કમસ મને ભૂત કરતાંય વધારે આ પ્રશ્નોનો ડર લાગે છે...’

મા વિશેનાં લખાણો પૂજ્યભાવથી છલકાવા માંડતાં હોય તો એ સ્વાભાવિક છે, પણ જો લાગલગાટ આ જ પ્રકારના લેખોની હારમાળા રચાય તો પુસ્તકને એકાંગી, એકવિધ અને એકપરિમાણી બનતાં વાર ન લાગે. આ સંગ્રહનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં માતૃત્વના કેટલાક અપ્રિય લાગે એવા રંગો પણ પ્રામાણિકતાપૂર્વક ઝીલાયા છે. તેને લીધે પુસ્તક મલ્ટિડાયમેન્શનલ બની શક્યું છે.

રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્ર ગોહિલને જન્મ તો આપ્યો જેસલમેરનાં રજવાડાંનાં કુંવરી રુક્મિણીદેવીએ, પણ માનો સાચો પ્રેમ મળ્યો દાઈમા રુખ્ખણ તરફથી. દાઈમાએ એમને સગા દીકરાથી વિશેષ ગણી એમને ઉછેર્યો, જ્યારે રુક્મિણીદેવી સાથેનો તેમનો પહેલેથી જ તંગ અને સૂકો રહ્યો. પોતે હોમોસેક્સ્યુઅલ છે એવી માનવેન્દ્રે ઘોષણા કરી ત્યારે રુક્મિણીદેવી દીકરા સામે યુદ્ધે ચડ્યાં હતાં. રાજઘરાનાની સંપત્તિમાંથી એમને રદબાતલ ઠેરવી દીધા અને અખબારોમાં મોટી જાહેરાત પણ આપી દીધી કે હવેથી માનવેન્દ્ર મારો દીકરો મટી ગયો છે. માનવેન્દ્ર કહે છે, ‘એમણે વળી ક્યારે મને પુત્ર ગણ્યો હતો કે હવે પુત્ર હોવાની ના પાડે છે? હું ક્યારેય એમનો પુત્ર હતો જ નહીં.’ માનવેન્દ્રે પોતાની સેક્સ્યુઅલિટીની જાહેરાત કરી તે પહેલાં જ દાઈમાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. માનવેન્દ્ર લખે છેઃ ‘મારા ગે હોવા વિશે દાઈમાને પણ બહુ મોટો આઘાત જરૂર લાગ્યો હોત, પણ એ અભણ બાઈએ મને આખરે તો સ્વીકારી જ લીધો હોત, કારણ કે એને તો એના લાલા સાથે પ્રેમ હતો, લાલો શું છે એની સાથે નહીં.’ ગે એક્ટિવિસ્ટ અશોક રાવ કવિને માનવેન્દ્ર પોતાની ત્રીજી મા, ગે-મા, ગણે છે!




આખા પુસ્તકમાં સંભવતઃ સૌથી ધ્યાનાકર્ષક લેખ હોય તો તે છે પત્રકાર જ્યોતિ ઉનડકટનો. તેઓ લખે છેઃ ‘માત્ર પ્રેમ જ એકતરફી નથી હોતો, ઘણી વખત નફરત પણ એકતરફી હોય છે. હા, ભાભીને (એટલે કે મમ્મીને) મારાં પ્રતિ એકતરફી નફરત છે. આજે કદાચ ભાભીને કોઈ પૂછે કે તમને સૌથી વધુ નફરત કોના ઉપર છે? તો એ મારું જ નામ લે.’ જ્યોતિની જીવનસાથીની પસંદગી પરિવાર પચાવી ન શક્યો અને તેમનો તીવ્ર રોષ, અબોલા અને સંબંધવિચ્છેદની સ્થિતિ એક દાયકા સુધી ખેંચાઈ. પણ પિતાનું મૃત્યુ થયું ત્યારે જ્યોતિથી ન રહેવાયું. અવસાનના છઠ્ઠા દિવસે જ્યોતિ પોતાનાં ઘરે ગયાં. ઈચ્છા તો માને વળગીને રડી લેવાની હતી, પણ સાડા સત્તર મિનિટની શુષ્કતા પછી જ્યોતિએ જ્યારે ઘરની બહાર પગ મૂક્યો ત્યારે માના શબ્દો કાનમાં પડઘાતા હતાંઃ ‘હું મરી જાઉં ત્યારે તું ન આવતી...’

માતૃપ્રેમના મહિમા વિશે કેટલાંય પુસ્તકો છપાયાં છે અને ભવિષ્યમાંય છપાતાં રહેશે. માનું માર્કેટિંગ ભલે ન થાય, પણ સંપાદકબેલડી અમીષા શાહ - મૃગાંક શાહ કહે છે તેમ, મા પ્રત્યેની ઈન્દ્રધનુષી લાગણીઓનું ઈમોશનલ શેરિંગ ચોક્કસ થાય. સુંદર છપાઈવાળું આ પુસ્તક લેખકોની પસંદગી તેમજ લખાણોની નક્કર પારદર્શિતાને લીધે વાંચનક્ષમ બન્યું છે એ તો નક્કી.                                                                   000



થેંક યૂ મમ્મી

સંપાદકઃ અમીષા શાહ- મૃગાંક શાહ

પ્રકાશકઃ આવિષ્કાર પબ્લિશર્સ
વડોદરા-૯

વિતરકઃ આર. આર. શેઠની કંપની
ફોનઃ (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

કિંમતઃ  રૂ. ૨૪૪

પૃષ્ઠઃ ૩૦૦

Monday, July 4, 2011

હસમુખ ગાંધીએ અણ્ણા હઝારે - બાબા રામદેવ વિશે શું લખ્યું હોત?

ચિત્રલેખા - અંક તા. ૧૧ જલાઈ ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું


Hasmukh Gandhi (Photographs courtesy: Saurabh Shah)

એબનોર્મલ દૈનિક.

પોતે જણેલા અને પોષેલા અખબાર ‘સમકાલીન’ માટે હસમુખ ગાંધી સ્વયં આ શબ્દપ્રયોગ કરતા. અખબાર અથવા સામયિક જો એના તંત્રીના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ગણાતું હોય તો એ ન્યાયે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધી (જન્મઃ૧૯૩૨, મૃત્યુઃ ૧૯૯૯) પણ એબનોર્મલ માણસ ગણાય. તંત્રી હસમુખ ગાંધી માટે, અલબત્ત, ‘એબનોર્મલ’ કરતાં ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ શબ્દ વાપરવો પડે. તે સિવાય ‘ગાંધીભાઈના આગમન પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ’ અને ‘ગાંધીભાઈના ‘સમકાલીન’ પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ’ એવા જે બે સ્પષ્ટ ભાગ પડ્યા છે તે ન પડ્યા હોત.



ગાંધીભાઈના ગાંધીત્વનો આબાદ પરિચય કરાવતું એક સુંદર પુસ્તક, એટલા જ મજાનાં અન્ય ચાર પુસ્તકો સાથે, તાજેતરમાં બહાર પડ્યું છે. સંપુટનું નામ છે, ‘મારા મનગમતા તંત્રીલેખો’. બાકીનાં ચાર પુસ્તકોમાં ભગવતીકુમાર શર્મા (‘ગુજરાત મિત્ર’), શાંતિલાલ શાહ (‘ગુજરાત સમાચાર’), કુંદન વ્યાસ (‘જન્મભૂમિ’) અને અજય ઉમટ (‘દિવ્ય ભાસ્કર’) લિખિત ચુનંદા તંત્રીલેખોનો સંગ્રહ છે. સીમિત જગ્યાને કારણે આપણે અત્યારે હસમુખ ગાંધીના તંત્રીલેખો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.



હસમુખ ગાંધી કલમથી પટ્ટાબાજી ખેલતા અને કોઈને ન બક્ષતા. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ પ્રકાશિત થયેલા ‘સમકાલીન’ના સૌથી પહેલા અંકના તંત્રીલેખમાં ગાંધીભાઈએ ગર્વિષ્ઠ ઘોષણા કરી હતીઃ ‘છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય એવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દોઃ આ બધાને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે.’ આ ઠાલા શબ્દો નહોતા, ગાંધીભાઈએ આ પ્રમાણે કરી બતાવ્યું.



માહિતીની સમૃદ્ધિ, વૈચારિક સ્પષ્ટતા અને તીખીતમતી ભાષા - ગાંધીભાઈના લખાણમાં આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન થતું. એમની ચીડ અને અણગમો હંમેશા તીવ્રતાથી વ્યક્ત થતાં. મધર ટેરેસા વિશે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એના સંદર્ભમાં ‘નરકની દેવીનો ભાંડો ફૂટે છે’ એવું શીર્ષક ફટકારીને ગાંધીભાઈએ લખ્યું હતુંઃ ‘મધર ટેરેસાની અસ્કયામતો ત્રીજા વિશ્વના અનેક દેશોની એસેટ્સ કરતાં ચડી જાય એટલી વિરાટ છે. મધર ટેરેસાની પ્રવૃત્તિઓથી કોને લાભ થાય છે? તો કે હીણા ડિટેક્ટરોને, વેટિકનને અને ભ્રષ્ટ લોકોને. સેવા? ક્રાઈસ્ટ, ક્રાઈસ્ટ કરો.’ ઘોંઘાટ વિશેના એક તંત્રીલેખમાં તેમણે ત્રસ્ત થઈને લખ્યું હતુંઃ ‘સૌથી દુષ્ટ પેલા હરેરામકૃષ્ણવાળા છેઃ ઝાંઝપખાજ વડે પિક અવર વખતે ચર્ચગેટ સ્ટેશનમાં તેઓ નાચે છે અને બહાર પુસ્તકો વેચવા માટે માઈકનો ઉપયોગ કરે છે.’



હસમુખ ગાંધી વિશેના એક લેખમાં પત્રકાર-લેખક સૌરભ શાહે લખ્યું છેઃ ‘ગુજરાતી ભાષામાં છપાઈને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની તેમનામાં જબરદસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠતી, સત્તરમી કળા પેપરવેઈટ ઉછાળવાની.’



સહેજે વિચાર આવે કે ગાંધીભાઈ અત્યારે જીવતા હોત તો અણ્ણા હઝારે અને બાબા રામદેવે ઘટનાઓનો જે વંટોળ ઊભો કર્યો છે તેના વિશે કેવું કચકચાવીને લખતા હોત! લંપટ સ્વામી કેશવાનંદનો કિસ્સો બહુ ચગ્યો હતો તે વખતે ગાંધીભાઈએ અંધશ્રદ્ધાળુઓને તો ઠીક, ગુજરાતી અખબારોની પણ બરાબરની ખબર લઈ નાખી હતીઃ ‘ગુજરાતી અખબારોએ વર્ષો સુધી દોરાધાગા, મૂઠમાદળિયાં, વળગાડઉતાર, વહેમ અને અંધશ્રદ્ધાને પોષ્યાં છે. આ અખબારોએ વાંઝિયણ સ્ત્રીને બાળક અવતરે એવો મંત્ર અને એ માટેનું યંત્ર આપનાર ધુતારાઓની ચિક્કાર જાહેરખબરો છાપી છે. હવે આ જ દૈનિકો દિવસો સુધી કેશવાનંદને ટપલી મારતા અગ્રલેખો બહાદુરીપૂર્વક છાપશે. કેવી છલના. કેવી આત્મવંચના. કેવાં બેવડાં ધોરણો.’



પત્રકારત્વ ગાંધીભાઈનું પેશન હતું. ગુજરાતી જર્નલિઝમના તેઓ ‘બિગ ડેડી’ હતા. ગુજરાતી છાપાંમેગેઝિનો, તેમાં કામ કરતા માનવપ્રાણીઓ અને ઈવન વાચકો વિશે વાત કરતી વખતે તમની કલમ જબરી ઉત્તેજિત થઈ જતી. એક લેખમાં તેઓ આકળવિકળ થઈને લખે છેઃ ‘૨૫ ઈન્કમ્બન્ટ તંત્રીઓ અને ૨૫ ભૂતપૂર્વ તંત્રીઓને રાખીને તમે ગુજરાતી પેપર કાઢો તોય એ પેપર ખરાબમાં ખરાબ અંગ્રેજી દેનિક કરતાંય ઊતરતું હશે. આમ કહેવાથી આપણી ગુજરાતી અસ્મિતા ઘવાતી હોય તો તમે, મિસ્ટર નૌતમલાલ ઠક્કર, બે કેરીના રસની સાથે રોટલી વધુ ખાજો. ગુજરાતીમાં (ફોર ધેટ મેટર, વર્નાક્યુલર ભાષાઓમાં) પત્રકારત્વ હતું જ નહીં, છે જ નહીં અને હશે જ નહીં.’



નોતમલાલ ઠક્કર એટલે ગાંધીભાઈએ પેદા કરેલું પોતાના ઓલ્ટર ઈગો જેવું એક કાલ્પનિક પાત્ર. ગાંધીભાઈની અતિશયોક્તિ કરવાની અદા પણ આકર્ષક હતી. ગાંધીભાઈના નિધન પછી મધુ રાયે અંજલિલેખમાં કહ્યું હતુંઃ ‘‘સમકાલીન’ની ભાષામાં એક પર્વર્સ વાઈટાસિટી યાને વકરેલી જવાની હતી. હસમુખભાઈ ગુજરાતી લિપિ સામે સિરજોરી કરતા હતા, ગલોફામાં ભાંગની પકોડી મૂકીને, સાથળ પર થાપા મારીને, આખી ગુજરાતી ભાષાનું આવાહન કરતા હતા... એડિટરસાહેબ પોતાના ‘સબ’લોકો પાસે ભાષાની વ્યાયામશાળામાં લેજિમનૃત્ય કરાવતા, પત્રકારત્વનાં તત્ત્વ શીખવવાની મદરેસા ચલાવતા, અને ખૂનખાર પત્રકાર તરીકેની ખ્યાતિ ઉપાર્જિત કરતા હતા.’



આ પુસ્તકના સંપાદક દિવ્યાંગ શુક્લે ગાંધીભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ કહે છે, ‘હું પત્રકારત્વમાં પ્રવેશ્યો એની પહેલાંથી ગાંઘીભાઈના લેખોનાં કટિંગ્સ કરતો અને પછી વર્ષો સુધી કરતો રહ્યો. તેમના મૃત્યુ પછી ‘સમકાલીન’માં અમે નામની પૂર્તિ બે ભાગમાં બહાર પાડી હતી. મને ખૂબ ગમેલા અને સાચવી રાખેલા ગાંઘીભાઈના લેખોમાંથી આ પુસ્તક તૈયાર થયું છે. ગાંધીભાઈને આપેલી આ મારી ગુરૂદક્ષિણા છે...’



કહે છે ને કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા સ્થળે કોઈ પણ જગ્યાએ કેમેરા ધરીને ક્લિક ક્લિક કરી દો તો પણ તસવીર અફલાતૂન જ આવે. ગાંધીભાઈનાં લખાણોનું પણ એવું જ. જલસો કરાવે એવું આ પુસ્તક મિસ કરવા જેવું નથી.                                                                   000


(મારા મનગમતા તંત્રીલેખો - હસમુખ ગાંધી
સંપાદકઃ દિવ્યાંગ શુક્લ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન્સ, મુંબઈ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧
કિંમતઃ રૂ. ૧૫૦ /

પૃષ્ઠઃ ૧૩૮)