Friday, January 27, 2012

મારું જીવન અંજલિ થાજો...


ચિત્રલેખા - અંક તા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું 
                                                                                 
માજના કોઈ વર્ગમાં નાના પાયે તો નાના પાયે પણ નક્કર પરિવર્તન લાવવા માટે શાની જરૂર પડે? ખૂબ બધો પૈસાની? સત્તાની? માનવબળની? ના. ‘જીના ઈસી કા નામ હૈ’ નામનું આ નાનકડું પણ મહત્ત્વનુ પુસ્તક વાંચતી વખતે આ સવાલનો સચોટ જવાબ મળી જાય છેઃ કોઈના જીવનને સ્પર્શવા માટે સૌથી જરૂરી તત્ત્વો છે, ભરપૂર સંવેદનશીલતા અને કદીય ઢીલું ન પડતું મનોબળ. જો આ બે બાબત સાબૂત હશે તો બાકીનું બધું આપોઆપ ગોઠવાઈ જશે.

બીજાઓની જિંદગીમાં આશાનું કિરણ બનીને આવેલી પચાસ વ્યક્તિઓની સુંદર વાત અહીં રસાળ શૈલીમાં કહેવાઈ છે. આમાંનું કોઈ સેલિબ્રિટી નથી. એમની તસવીરો અખબારોનાં પેજ-થ્રી પર છપાતી નથી કે ટીવી પર ઉછળી ઉછળી ચર્ચા કરતી પેનલમાં એ ક્યારેય સ્થાન પામતા નથી. પણ એમનું કામ નક્કર છે, આદરણીય છે, ઉદાહરણરૂપ છે.દાખલા તરીકે, રામુ ઉર્ફ રામ સ્નેહી. એ મધ્યપ્રદેશની બેડિયા જાતિના સદસ્ય છે. આ જાતિના લોકોનું માનવું છે કે એમની સ્ત્રીઓ મૂળ અપ્સરા હતી, એટલે મૃત્યુલોકમાં જન્મીને એમણે પુરુષોને રીઝવવાનું કામ કરવાનું હોય. તેથી બેડિયા જાતિની બધી જ સ્ત્રીઓ વેશ્યા બને અને એમના ભાઈઓ ને બાપાઓ દલાલ. રામુએ કાચી વયે જ આ પોતાના સમાજની બહેનદીકરીઓને આ કીચડમાંથી બહાર કાઢવાનો નિર્ધાર કરી લીધેલો. એને ધમકીઓ મળી, એની મારપીટ થઈ, એને ગામબહાર તગેડી મૂકવામાં આવ્યો, પણ રામુએ તંત ન છોડ્યો. પોતાના ગામથી શહેરમાં ગયેલી વેશ્યાઓનો ભરોસો જીતતા રામુને બે વર્ષ લાગ્યાં. કમનસીબ યુવતીઓને રામુએ સમજાવી કે તમારાં સંતાનો મને સોંપી દો, હું એમને ઉછેરીશ. આજે રામુના આશ્રમમાં ૩૦૦ બાળકો છે. એમને શિક્ષણ અપાય છે, જાતજાતની રમતો રમાડાય છે. આમાંના કોઈકને મોટા થઈને ડોક્ટર બનવું છે, કોઈકને ટીચર. એક બાળકી માનસશાસ્ત્રી બનવા માગે છે. આશ્રમ માટે, આ બાળકો માટે રામુએ અંગત જિંદગી ન્યોચ્છાવર કરી દીધી છે.

આંધ્રપ્રદેશના એક પછાત વર્ગમાં પ્રચલિત જોગણીપ્રથાનો સંબંધ પણ દેહાચાર સાથે છે. આ સમાજમાં દસઅગિયાર વર્ષની ન્કયાઓને ભગવાનની મૂર્તિ સાથે પરણાવી દેવામાં આવે એટલે તે જોગણી બની ગઈ કહેવાય. એવી માન્યતા છે કે આ ધાર્મિકવિધિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને કુટુંબનું દળદર ફીટે છે. જોગણીઓ શ્રીમંત પરિવારોમાં લગ્ન કે મૃત્યુ પ્રસંગે નાચવા જાય. ગામના જે પુરુષની ઈચ્છા થાય તે આ જોગણીને પોતાની સાથે સૂવા માટે બોલાવી શકે. ધર્મના નામે ચાલતા વ્યભિચારના આ ખેલમાં લાચાર સ્ત્રીઓ હોમાતી રહે છે.

હેમલતા લવણમ નામની સમજસેવિકા દાયકાઓથી આ કુરિવાજ સામે લડી રહ્યાં છે. ઘરે ઘરે જઈને એ લોકોને સમજાવે કે ભગવાન કંઈ આ રીતે પ્રસન્ન ન થાય. પૈસાદાર અને ઊંચી જાતિના લોકો સામે એમણે પડકાર ફેક્યોઃ ‘ભગવાનને રિઝવવાની આ પ્રથામાં તમે ખરેખર માનતા હો તો મોકલોને તમારી દીકરીઓને પણ જોગણી બનવા. માત્ર ગરીબોની દીકરીઓને જ શા માટે ભગવાન જોડે પરણવા દો છો?’

હેમલતાના પ્રયત્નો સફળ થતા ગયા. પછાત જાતિના લોકો મોડે મોડે પણ સમજ્યા ખરા કે આ પ્રથા ખોટી છે. હેમલતાએ ‘ચેન્ની નિલયમ’ એટલે કે ભગિની નિવાસ સ્થાપ્યું. બાપ વગરના જોગણીઓનાં સંતાનો માટે શાળા શરૂ કરી. નાચવા જવાનું બંધ કરી ચૂકેલી જોગણીઓએ ધીમે ધીમે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળવા માંડ્યું છે. એમને સ્વેચ્છાએ સંસાર માંડવાની તક અને સમાજમાં માનપૂર્વક જીવવાનો હક મળી રહ્યા છે.માણસમાં જો વિત્ત હોય તો એના પર ત્રાટકતું અણધાર્યું કારુણ્ય એને તોડી શકતું નથી, બલકે એનામાં અજબ શક્તિનો સંચાર કરી દે છે. બે કિસ્સા સાંભળવા જેવા છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં સાઈકલ રિપેરિંગની દુકાન ધરાવતા મોહમ્મદ શરીફનો દીકરો લાપતા થઈ ગયેલો અને એને દફન કરવાનો મોકો સુધ્ધાં નહોતો મળ્યો. આ વેદના ઓછી કરવા મોહમ્મદે રઝળતી બિનવારસી લાશોની સન્માનભેર અંતિમવિધિ કરવાનું કામ શરૂ કરી દીધું. મરનાર મુસ્લિમ હોય તો મૌલવી પાસે વિધિસર દફનવિધિ કરાવે અને હિન્દુ હોય તો બાહ્મણ પાસે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરાવે.

બીજો કિસ્સો પશ્ચિમ બંગાળની સુહાસિની નામની કાછિયણનો છે. એના પતિએ સારવારના અભાવે  ડોક્ટરની ગેરહાજરીમાં જીવ ગુમાવ્યો હતો. સુહાસિનીએ પતિના નિર્જીવ શરીર પર હાથ મૂકીને શપથ લીધા કે હું એવી હોસ્પિટલ બનાવીશ જેમાંથી કોઈ ગરીબજન સારવાર પામ્યા વિના પાછ  નહીં જાય. આ ઘટના પછીનાં ૨૦ વર્ષ સુધી એ શાકભાજી વેચતી રહી. કાળજ  કઠણ કરીને બાળકોને અનાથાશ્રમમાં મૂકી દીધાં કે જેથી એમને સારું શિક્ષણ મળે. દીકરો અજય તેજસ્વી નિકળ્યો અને ડોક્ટર બન્યો. ટીપે ટીપે એકઠી કરેલી બચતમાંથી સુહાસિનીએ શરુઆતમાં નાની ડિસ્પેન્સરી ખોલી. થોડાં વર્ષોમાં 100 કરતાંય વધારે બૅડ તેમજ આધુનિક શસ્ત્રસરંજામ સાથેની હોસ્પિટલ ખડી થઈ ગઈ. અભણ સુહાસિનીએ પોતાની શપથ પાળી બતાવી!

અભણ ગરીબ માણસો જો આટલી હદે સામાજિક દાયિત્વ નિભાવી શકતા હોય તો સંપન્ન શિક્ષિત માણસ ધારે તો આ દિશામાં કેટલું બધું હાંસલ કરી શકે! આ પુસ્તક સહેજ પણ ઉપદેશ આપ્યા વગર વાચકમાં કમાલની પોઝિટિવિટી પેદા કરે છે, એને વિચારતો કરી મૂકે છે.  વાસ્તવમાં ૧૯૯૯૨૦૦૨ દરમિયાન દૂરદર્શન પર ‘કિરણ’ નામનો પાંચ જ મિનિટનો અવોર્ડવિનિંગ કાર્યક્રમ ટેલીકાસ્ટ થયો હતો. તેને ખૂબ સારો પ્રતિસાદ મળેલો. આ શોની સત્યકથાઓનું લિખિત સ્વરૂપ એટલે આ પુસ્તક. શોનું લાઘવ પુસ્તકમાં પણ સુંદર રીતે જળવાઈ રહ્યું છે. લાંબા લાંબા વર્ણનો નહીં, બિનજરૂરી લાગણીવેડા નહીં. સીધી ને સટ વાત અને ચોટદાર અસર. સૌરભ શાહે કરેલું ગુજરાતીકરણ એટલું સુંદર છે કે મૂળ લખાણ વધારે નિખરીને, વધારે પ્રભાવશાળી બનીને બહાર આવ્યું છે.

બજારમાં ઠલવાઈ રહેલાં પ્રેરણા અને ચિંતનનાં અસરહીન પુસ્તકો વચ્ચે ‘જીના ઈસી કા નામ હૈ’ તાજગીનો સુખદ અનુભવ કરાવે છે. બેશક, વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક.    ૦૦૦


જીના ઈસી કા નામ હૈ 


લેખકઃ ઉમેશ અગ્રવાલ

 રજૂઆતઃ સૌરભ શાહ

પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧

કિંમતઃ  રૂ. ૮પ /

પૃષ્ઠઃ ૧૪૦


Sunday, January 22, 2012

ખ્વોબોં કા પરિંદા


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ - 
૧૫ જાન્યુઆરી ૨૦૧૨


સ્લગઃ મલ્ટિપ્લેક્સ


ટેલેન્ટેડ સિંગર મોહિત ચૌહાણ પહાડો વચ્ચે એક પ્રકારના અવસાદનો અનુભવ કેમ કરે છે? ઝંખનામાં પેદા થતો વિષાદ, કશુંક અગોચર તત્ત્વ જેને તમે જીવનમાં ક્યારેય હાંસલ કરી શકવાના નથી એનો વિષાદ...સૌથી પહેલાં આ ગીતો મનોમન ગણગણી લો.  વિરહ અનુભવી રહેલા નાયકની લાગણીઓ વ્યક્ત કરતું ‘યે દૂરીયાં...’(લવ આજકલ), પ્રેમિકાને ભૂલવા મથતા પણ ન ભૂલી શકતા નાયકની વેદનાને વાચા આપતુંં ‘તૂઝે ભૂલા દિયા...’ (અંજાના અંજાની), નવા નવા પ્રેમમાં પડેલા હીરોની મીઠી મુંઝવણની વાત કરતું ‘અભી કુછ દિનોં સે’ (દિલ તો બચ્ચા હૈ જી), ભ્રષ્ટ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતું ‘ખૂન ચલા’ (રંગ દે બસંતી), મુક્ત પંખી જેવા મસ્તીભર્યા મિજાજને ઝીલતું ‘મસકલી’ (દિલ્હી સિક્સ) અને વર્ષો પહેલાં ખૂબ લોકપ્રિય બનેલંું પેલું ઈન્ડિપોપ સોંગ ‘ડૂબા ડૂબા’....

આ તમામ ગીતોમાં એક વાત, રાધર, સૂર કોમન છે. આ બધાં ગીતો મોહિત ચૌહાણે ગાયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોહિત હિન્દી ફિલ્મસંગીતમાં એક મહત્ત્વના પ્લેબેક સિંગર તરીકે ઊભર્યા છે. એમાંય એ. આર. રહેમાને કંપોઝ કરેલા ‘રોકસ્ટાર’નાં જબરદસ્ત ગીતો પછી એ એક નવી જ ઊંચાઈ પર પહોંચી ગયા છે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને રહેમાને નક્કી કર્યુ હતું કે ફિલ્મમાં રણબીર કપૂરનો અવાજ એકધારો રહેવો જોઈએ. તેથી ફિલ્મનાં બધાં જ ગીતો એક જ ગાયક પાસે ગવડાવવાં, અલગ અલગ સિંગર પાસે નહીં. તેમણે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મોહિત ચૌહાણ પર પસંદગી ઉતારી. બહુ મોટી જવાબદારી હતી આ, પણ મોહિતે તે બરાબર નિભાવી. ફિલ્મમાં રણબીરનું પાત્ર સંગીતની જન્મજાત પ્રતિભા ધરાવે છે. એ દિલથી ગાય છે, એણે સંગીતની કોઈ પદ્ધતિસર તાલીમ લીધી નથી. મોહિતનું પણ એવું જ છે. રોક્સ્ટરા જોર્ડન સાથે ખુદને એ આઈડેન્ટિફાય કરી શકતા હતા.

૩૮ વર્ષના મોહિતનું ખુદનું મ્યઝિક બેન્ડ હતું, સિલ્ક રુટ, જેનું ૧૯૯૮માં ‘બુંદેં’ નામનું પહેલું  પ્રાઈવેટ આલબમ બહાર પડ્યું હતું. એનું ‘ડૂબા ડૂબા’ ગીત ખાસ્સું ચગ્યું હતું. ૨૦૦૦માં ‘પેહચાન’ આલબમ આવ્યું. તેનાં પાંચ વર્ષ પછી ‘મૈં, મેરી પત્ની અૌર વો’ નામની ફિલ્મનું એક ગીત મોહિત કંપોઝ કર્યુ હતું અને ગાયું હતું. એના અવાજથી પ્રભાવિત થઈને એ. આર. રહેમાને એમને ‘રંગ દે બસંતી’ (૨૦૦૬)માં ચાન્સ આપ્યો અને  ‘ખૂન ચલા’ ગીત ઘણું વખણાયું. ત્યાર બાદ પ્રીતમે  એમની પાસે ‘જબ વી મેટ’ (૨૦૦૭) માટે એક ગીત ગવડાવ્યું જેના શબ્દો હતા ‘તુમ સે હી’. આ ગીત અને ફિલ્મ બન્ને હિટ થયાં અને મોહિતને બોલીવૂડના મેઈનસ્ટ્રીમ  પ્લેબેક સિંગર તરીકે વિધિવત સ્વીકૃતી મળી. તાજેતરમાં ‘પ્લેયર્સ’માં મોહિતે ‘દિલ યે બેકરાર ક્યૂં હૈ’ ગીત ગાયું છે.‘પ્રીતમનું એવું એ છે કે ઘણી વાર એ ગીતના રેકોર્ડિંગ વખતે ગેરહાજર રહે અને એનો આસિસ્ટન્ટ કામ સંભાળી લે. ગીત રેકોર્ડ થઈ જાય પણી આસિસ્ટન્ટ પ્રીતમને ફોન પર ગીત સંભળાવે. ગીત ધ્યાનપૂર્વક સાંભળી લીધા પછી પ્રીતમ મને ફોન પર જ કહેશેઃ મોહિત, જો, તેં સરસ ગાયું છે, ફક્ત એન્ડમાં જરાક આ રીતે ફેરફાર કરવા જેવો લાગે છે, બાકી સબ સહી હૈ...’ પ્રીતમ સાથેના અનુભવની વાત કર્યા પછી મોહિત એક મુલાકાતમાં રહેમાન વિશે કહે છે, ‘રહેમાનની સેન્સ-ઓફ-હ્યુમર કમાલની છે. જોકે એ છે બહુ ઓછાબોલા. એ તમને ખૂબ મોકળાશ આપશે. ગીતમાં અણધાર્યા આરોહ-અવરોહ લાવશે. મ્યુઝિકના જુદા જુદા ટુકડાઓને એકમેેકમાં ભેળવતા રહેમાનને બહુ સરસ આવડે છે.’

મોહિતે જિંગલ્સ પણ ઘણાં ગાયાં છે.  પેરાશૂટ, વ્હીલ, મારુતિ ઓલ્ટો, નેસ્કેફે, વિક્સ વેપોરબ વગેરેની ટીવી એડ્સમાં હજુય મોહિતનો અવાજ સાંભળવા મળે છે. પાપી પેટ ખાતર ખાતર મોહિતે જિંગલ્સ ગાયાં હોય તે બરાબર છે, બાકી સંગીત પ્રત્યેના એમના અપ્રોચમાં પૂરી ગંભીરતા છે. એ કહે છે, ‘મારા માટે સંગીત સ્વયં એક પ્રકારનું સૂફીઝમ છે. હું બે કલાક સુધી એકધારો જેમિંગ કરતો હોઉં ત્યારે મારા દિમાગમાં સંગીત સિવાય બીજું કશું હોતું નથી (જેમિંગ અથવા તો જેમ સેશન એટલે સંગીતની એવી બેઠક જેમાં એક કરતાં વધારે ગાયકોસાજિંદાઓ વિશેષ પૂર્વતૈયારી વગર, સ્પોન્ટેનીયસલી સંગીત સર્જતા જાય અને ઈમ્પ્રોવાઈઝ કરતા જાય). મારા માટે આવી બેઠકો મેડિટેશનનો જ એક પ્રકાર છે.’

મોહિત હિમાચલ પ્રદેશના વતની છે. એ પહાડી માણસ છે. એ કહે છે, ‘હું પહાડો વચ્ચે હોઉં ત્યારે એક પ્રકારના અવસાદનો અનુભવ કરતો હોઉં છું. પહાડો મારામાં ઝીણો વિષાદભાવ પેદા કરે છે. ઝંખનામાંથી પેદા થતો વિષાદ, કશુંક અગોચર તત્ત્વ જેને તમે જીવનમાં ક્યારેય હાંસલ કરી શકવાના નથી એનો વિષાદ. એવું નથી કે પહાડો વચ્ચે હોઉં ત્યારે સતત મારા મનમાં આ લાગણી ઘૂમરાતી રહે છે, પણ સબ-કોન્શિયસ લેવલ પર ક્યાંક આ સૂક્ષ્મ પીડાનો અહેસાસ થતો હોય છે...’

ગાયકસંગીતકાર માણસને, નેચરલી, સંગીત રચવામાં જ સૌથી વધારે ખુશી મળે. મોહિત ચૌહાણ કહે છે, ‘હું ગાતો હોઉં છું ત્યારે સૌથી સુખી હોઉં છું. તે વખતે હું, હું હોઉં છું. હું કોઈ વાતથી અતિ આનંદિત પણ થતો નથી કે અતિ દુખી પણ થતો નથી. હું પહેલેથી જ આવો છું. ક્યારેક કોઈ વાતનું દુખ થાય પણ પાંચ-દસ મિનિટમાં પાછો નોર્મલ થઈ જાઉં અને કામે ચડી જાઉં.’

‘કમીને’ના ‘પહેલી બાર મહોબ્બત કી હૈ’ ગીત પછી વિશાલ ભારદ્વાજે પોતાની આગામી ફિલ્મ ‘માતૃ કી બીજલી કા મંડોલા’ માટે પણ મોહિત પાસે ગીતો ગવડાવ્યાં છે. આ ગીતો સાંભળવાની પ્રતીક્ષા રહેશે.

શો સ્ટોપર

મારું પેશન સંગીત નહીં, પણ કૂકિંગ છે. સંગીતથી તો હું ઓલરેડી પરિચિત છું. નવી વસ્તુ, અજાણ્યાં ક્ષેત્રો હંમેશાં સહેજ વધારે ઈન્ટરેસ્ટિંગ લાગતાં હોય છે.

- શંકર મહાદેવન (ગાયક - સંગીતકાર) 

Friday, January 13, 2012

મૈં કૌન સા ગીત ગાઉં... ક્યા સુનાઉં...


 ચિત્રલેખા - અંક તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ માટે 


કોલમઃ વાંચવા જેવું 


                                                                                     
સૌથી પહેલાં તો આ ત્રણ ગીતો મનોમન ગણગણી લો. ‘મુગલ-એ-આઝમ’માં બંદીખાનામાં કેદ થયેલી ફૂલ જેવી કોમળ મધુબાલા લોખંડી ઝંઝીરોના ખણખણાટ વચ્ચે પરવરદિગારને આર્દ્ર સ્વરે પોકારી રહી છેઃ  ‘બેકસ પે કરમ કીજિએ... સરકારએમદીના...’ બીજ , નટખટ જયા ભાદુડી ‘ગુડ્ડી’માં સ્કૂલના એસેમ્બલી હૉલમાં સરસ પ્રાર્થના ગવડાવી રહી છેઃ ‘હમ કો મન કી શક્તિ દેના...’ અને હેમંત કુમારે ગાયેલું ત્રીજ  ગીત આઃ ‘દર્શન દો ઘનશ્યામ, નાથ મોરી અખિયાં પ્યાસી રે...’

આ ત્રણેય ભક્તિગીતો હોવા ઉપરાંત તેમની વચ્ચે એક ઓર વાત કોમન છે. આ ત્રણેય ગીતોની રચના રાગ કેદાર પર આધારિત છે. એક વાર ઉસ્તાદ અમીર ખાં સાહેબે વાતવાતમાં મ્યુઝિક ડિરેક્ટર ઓ. પી. નય્યરને કહ્યું કે રાગ કેદાર ભક્તિગીતમાં જેટલી જમાવટ કરે છે એવી અસર બીજા મૂડના ગીતોમાં પેદા કરી શકતો નથી. આખી કરીઅરમાં લતા મંગેશકર પાસે એક પણ ગીત ન ગવડાવનાર ઓ. પી. નય્યર કહેઃ ‘ઠીક હૈ. મૈં આપકો દૂસરે મૂડ મેં કંપોઝ કરકે સુનાઉંગા.’ થોડા દિવસો બાદ નય્યરસાહેબે ઉસ્તાદ અમીર ખાંને પોતાના મ્યુઝિક રૂમ પર આવવા આમંત્રણ આપ્યું અને કહ્યુંઃ ‘ગુસ્તાખી માફ ખાં સાહબ, અબ આપ યે ગાના સુનિયે અૌર ક્લાસિકલ મ્યુઝિક કે હિસાબ સે મૈંને સહી કિયા હૈ યા નહીં વો બતાઈએ.’

Ustad Amir Khan
ક્યું હતું એ ગીત? મોહમ્મદ રફી અને આશા ભોંસલેના અવાજમાં ગવાયેલું રાગ કેદાર પર આધારિત પેલું યાદગાર લવસોંગઃ આપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા... ગીત સાંભળીને ઉસ્તાદજી ખુશ થઈ ગયા. કહેઃ ‘યાર, તુમને તો કમાલ કર દિખાયા!’

આ અને આવા જેવા કેટલાય રસપ્રદ કિસ્સા લેખકપત્રકાર અજિત પોપટે ‘ગાયે જા ગીત ફિલમ કે...’માં નોંધ્યા છે. વાસ્તવમાં આ પુસ્તકની સાથે ઓર બે પુસ્તકો પણ બહાર પડ્યાં છે ‘બેકરાર દિલ, તુ ગાયે જા...’ અને ‘સાજ અને સ્વરસાધકો’. પહેલાં બે પુસ્તકોમાં ‘ગુજરાત સમાચાર’માં છપાતી લેખકની ‘સિનેમેજિક’ કોલમના લેખોનું સંકલન થયું છે, જ્યારે ત્રીજામાં ‘ચિત્રલેખા’માં છપાયેલા પ્રમાણમાં વિસ્તૃત લેખોને આવરી લેવામાં આવ્યા છે. હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને જલસો કરાવી દે એવો આ સંપુટ છે.

લેખક કહે છે કે ફિલ્મસંગીતમાં ભૈરવી અને શિવરંજની રાગો છૂટથી વપરાયા છે. આ ઉપરાંત એક રાગ એવો છે જેનો ઉપયોગ કરીને રચવામાં આવેલાં ગીતો સંભવતઃ તમામ પ્લેબેક સિંગર્સ ગાઈ ચૂક્યા છે. તે છે રાગ પહાડી. સાંભળોઃ ‘જવાં હૈ મુહેબ્બત હસીં હૈ જમાના...’ (ફિલ્મ અનમોલ ઘડી, ગાયિકાઃ નૂરજહાં), ‘કોરા કાગજ થા યે મન મેરા લિખ લિયા નામ ઉસ પે તેરા...’ (આરાધના, કિશોર કુમાર), ‘આ જા રે... ઓ  મેરે દિલબર આ જા...’ (નૂરી, લતા મંગેશકર). આ બધા ઉદાહરણો રાગ પહાડીનાં છે. આ પુસ્તકમાં એક મસ્તમજાનું કામ થયું છે. ૨૯૫ જેટલાં લોકપ્રિય ફિલ્મી ગીતો કયા રાગ પર આધારિત છે તેનુ વિગતવાર લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

સંશોધનોના આધારે સલાહ અપાતી હોય છે કે બાળકને ગણિત અને વિજ્ઞાનમાં એકાગ્ર કરવા એને સંગીત શીખવવું જોઈએ. આ સંગીત ભારતીય કે પાશ્ચાત્ય કોઈ પણ હોઈ શકે. બન્નેમાંથી કયું  સંગીત બહેતર? આ બન્ને પ્રકારના સંગીતના તુલનાત્મક અભ્યાસ પછી લેખકે જે અભિપ્રાય બાંધ્યો તેની નીચે જગવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહીન સહી કરે છે. મેન્યુહીન કહે છે કે ભારતીય સંગીત વ્યક્તિગત છે. માત્ર એક કલાકાર મંચ પર બેસીને કલાકો સુધી રસિકોને ડોલાવી શકે છે, જ્યારે વેસ્ટર્ન મ્યુઝિક સમૂહલક્ષી છે.

લેખક કહે છે કે તમારા સંતાનને સંગીત શીખવા મોકલશો તો સૌથી પહેલાં રાગ ભૂપાલી શીખવવામાં આવશે. રાગના વ્યાકરણનો વ્યાયામ શરૂ થાય તે પહેલાં  બાળકને જો ભૂપાગી રાગ આધારિત ફિલ્મગીતો સંભળાવો તો એ સહેલાઈથી યાદ રાખી શકશે. આ રાગમાં માત્ર પાંચ સ્વરો (સા, રે, ગ, પ, ધ)નો ઉપયોગ થાય છે. ઈવન જાપાનીસ લોકસંગીતમાં રાગ ભૂપાલી જેવી સૂરાવલિ કોમન છે. કયા પોપ્યુલર ફિલ્મગીતોમાં આ રાગનો ઉપયોગ થયો છે? સાંભળોઃ ‘સાયોનારા... સાયોનારા... વાદા નિભાઉંગી સાયોનારા’ (લવ ઈન ટોકિયો), ‘પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં’ (ચોરી ચોરી) વગેરે.

કેટલાક વિદ્વાનોના મતે ‘ભાભી કી ચૂડિયાં’ ફિલ્મનું ‘જ્યોતિ કલશ છલકે’ ભૂપાલીમાં સ્વરબદ્ધ થયું છે, તો કેટલાકે ક્હ્યું કે ના, આ ગીત રાત દેશકારમાં બન્યું છે. આ બેમાંથી કઈ વાત સાચી? ગીતના ગાયક સુધીર ફડકેને આ વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહી દીધુંઃ વિદ્વાનો ભલે મલ્લકુસ્તી કર્યા કરે, આપણે તો ગીતની રસલ્હાણ માણવાની. તમે ફક્ત ગીત સાંભળો અને એનો સાત્ત્વિક આનંદ માણો!

Ustad Bade Gulam Ali Khan and Lata Mangeshkar

‘જ્યોતિ કલશ છલકે’ ગીત લતા મંગેશકરે પણ ગાયું છે. લતાબાઈ અને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંનો એક મજાનો કિસ્સો લેખકે ‘બેકરાર દિલ... તું ગાયે જા’ પુસ્તકમાં ટાંક્યો છે. ઉસ્તાદને પાછલી ઉંમરે પેરેલિસિનો હુમલો આવ્યો ત્યારે લતા મંગેશકર એમની ખબર કાઢવા ગયાં હતાં. લતાજીએ બિસ્તર પર લેેટેલા ખાં સાહેબને તેમની જ એક અતિ લોકપ્રિય ઠુમરી ગાઈ સંભળાવી. લતાજીએ ખાં સાહેબની ગાયકીની તમામ ખૂબીઓ અકબંધ રાખીને એટલી સરસ રીતે ઠુમરી પેશ કરી કે ખાં સાહેબની આંખો છલકાઈ આવી. આ જ બડે ગુલામ અલી ખાં સાહેબે એક વાર લતાજી માટે પ્રેમથી કહ્યું હતુંઃ ‘સાલી કભી બેસૂરી નહીં હોતી...!’

Ustad Bade Gulam Ali Khan
લેખક અજિત પોપટ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મારો હેતુ વાચકોને શાસ્ત્રીય સંગીત શીખવવાનો કે રાગરાગિણીઓની ટેક્નિકલ માહિતી આપવાનો નથી. મારે તો વાચકોને ૧૯૩૫થી ૧૯૭૫ સુધીના સમયગાળાના શાસ્ત્રીય રાગો આધારિત ચુનંદા હિન્દી ફિલ્મી ગીતોનો રસાસ્વાદ કરાવવો છે.’

વેલ, લેખકનો હેતુ સરસ રીતે પાર પડ્યો છે. આ પુસ્તકો સહેજે ભારેખમ થયા વિના પોપ્યુલર ગીતોને શાસ્ત્રીય દષ્ટિકોણથી માણતા શીખવે છે. આ સંપુટમાં સંગ્રહાયેલો સંગીતમય ખજાનો ફિલ્મી ગીતોના રસિયાઓએ મન મૂકીને લૂંટવા જેવો છે. 000
ગાયે જા ગીત ફિલમ કે... 


 લેખકઃ અજિત પોપટ

 પ્રકાશકઃ પ્રવીણ પ્રકાશન, રાજકોટ

ફોનઃ (૦૨૮૧) ૨૨૩૨૪૬૦, ૨૨૩૪૬૦૨

કિંમતઃ  રૂ. ૧૩૦ /

પૃષ્ઠઃ ૧૦૦


૦ ૦ ૦


‘’

Sunday, January 8, 2012

કામિલની કમાલ


  દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૮ જાન્યુઆરી ૨૦૧૨


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

ગીતકાર ઈર્શાદ કામિલે ‘રોકસ્ટાર’ માટે સુપર્બ ગીતો લખ્યાં, પણ ફિલ્મની મ્યુઝિક બહાર પડી ત્યારે તેનાં જેકેટ પરથી એમનું નામ કેમ ગાયબ થઈ ગયું હતંું? હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગીતકારો વિશે પ્રમાણમાં ઘણું ઓછું ચર્ચાય છે. એનું કારણ એ છે કે ‘ઢીંકાચીકા’ અને ‘કોલાવેરી ડી’ના જોડકણાંયુગમાં નોંધ લેવી પડે તેવાં ગીતો ખાસ લખાતાં પણ નથી. પણ આજે આપણે ઈર્શાદ કામિલ વિશે વાત કરવી છે. ઈર્શાદ કામિલ એટલે ‘રોકસ્ટાર’નાં નક્કર ગુણવત્તાંવાળાં ગીતો લખનાર ટેલેન્ટેડ ગીતકાર. ઘણા સમય બાદ આપણને હિન્દી ફિલ્મમાં આવાં અર્થગંભીર ગીતો જોવાં મળ્યાં છે.

આ ગીતો એે. આર. રહેમાને કંપોઝ કર્યા છે. રહેમાનનાં ગીતો સામાન્યપણે આપણને પહેલા ધડાકે ગમી જતાં નથી. એ દારૂના નશાની જેમ ધીમે ધીમે ‘ચડે’ છે. આપણા કાનને, આપણી સિસ્ટમને એ ગીતો સાથે ટેવાતા થોડો સમય લાગે છે, પણ એક વાર આપણા સંવેદનતંત્રને ઝંકૃત કરી લે પછી આ ગીતો લગભગ કાયમી ધોરણે એનો હિસ્સો બની જાય છે. ફિલ્મ રિલીઝ થઈ તે અરસામાં અમિતાભ બચ્ચને કોઈક જગ્યાએ લખેલું કે આજકાલ મારા કમરામાં અને કારમાં સતત ‘રોકસ્ટાર’નાં ગીતો જ વાગ્યાં કરે છે!

‘રોકસ્ટાર’નાં ગીતો આપણને તે તીવ્રતાથી ‘અડી’ શક્યાં તેનો જશ રહેમાન ઉપરાંત, નેચરલી, ગીતકાર ઈર્શાદ કામિલને પણ આપવો પડે. આ ગીતોમાં પ્રેમ, આક્રોશ, વિદ્રોહ અને વિરહની વાત છે. એક મુલાકાતમાં ઈર્શાદ કહે છે, ‘હું આ ગીતો લખી રહ્યો હતો ત્યારે મારો અપ્રોચ કમર્શિર્યલ નહોતો. મારા મનમાં ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી કે સંગીતકાર રહેમાનને ખુશ કરી દેવાની ભાવના નહોતી. આ ગીતોથી સૌથી પહેલાં તો હું ખુદને રાજી કરવા, ખુદને સંતુષ્ટ કરવા માગતો હતો. મેં મારી ભીતર જોયું, હૃદય ફંફોસ્યું અને તેમાંથી આ ગીતો સર્જાયાં.’

‘રોક્સ્ટાર’નું સંગીત રિલીઝ થયું ત્યારે શરૂઆતમાં એની ટીકા થઈ હતી. ઘણા લોકોને રહેમાનનું સંગીત બહુ અઘરું અને ન સમજાય એવું લાગ્યું. પણ એક વાર ફિલ્મ રિલીઝ થઈ, લોકોએ પડદા પર ગીતો નિહાળ્યાં પછી મ્યુઝિક ઊપડ્યું. ઈર્શાદ કહે છે, ‘રહેમાનના કેસમાં મોટે ભાગે આવું જ બનતું હોય છે. આપણે બધા મુુવિંગ ઈમેજીસથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે સંગીત સાંભળીને જાતે કલ્પનાની દુનિયા ઊભી કરવામાં આપણને કષ્ટ પડે છે.’

Imtiaz Ali and Irshad Kamil


ઈમ્તિયાઝ અલીએ સૌથી પહેલી વાર ‘રોકસ્ટાર’ની સ્ટોરી સંભળાવી તે જ ઘડીથી ઈર્શાદનું આ પાત્રો સાથે સંધાન થઈ ગયું હતું.  બહુ મહત્ત્વનું હોય છે આમ થવું. ‘મેં પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે કેટલીય વાર મારી આંખો ભીની થઈ ગઈ હતી,’ ઈર્શાદ કહે છે, ‘ઈન ફેક્ટ, અમુક દશ્યો તો મને હજુય ખૂબ અસર કરી જાય છે. જેમ કે ‘કુન ફાયા કુન’ ગીતની આખી સિકવન્સ. આ સૂફી ગીત મેં જ લખ્યું છે, પણ છતાંય જ્યારે જ્યારે હું એ પડદા પર જોઉં છું ત્યારે દર વખતે હલબલી જાઉં છું.’

ઈર્શાદ અને ઈમ્તિયાઝ અલીનું અસોસિએશન આજકાલનું નથી. ઈમ્તિયાઝની ‘જબ વી મેટ’ તેમજ ‘લવ આજ કલ’ ફિલ્મોનાં ગીતો પણ ઈર્શાદે જ લખ્યાં છે. ‘લવ આજ કલ’ના ‘આજ દિન ચઢેયા’ ગીતમાં એક પંક્તિ છેઃ ‘માંગા જો મેરા હૈ, જાતા ક્યા તેરા હૈ, મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી’. અમુક મુસ્લિમ બિરાદરોને આ પંક્તિ સામે વાંધો પડી ગયો હતો. એમનું કહેવું હતું કે અલ્લાહ સાથે આવી ભાષામાં કેવી રીતે વાત કરી શકાય? તે વખતે ઈમ્તિયાઝ ઈર્શાદની મદદે આવ્યા હતા. ઈમ્તિયાઝે તેમને પ્રેમપૂર્વક સમજાવ્યું કે આ પંક્તિમાં તો ઈશ્વરની સામે પ્રેમીનો મીઠો રોષ પ્રગટ થયો છે, અલ્લાહનો અનાદર કરવાની કોઈ હેતુ ગીતકારનો નથી.‘જબ બી મેટ’ અને ‘લવ આજ કલ’નું સુપરહિટ સંગીત પ્રીતમે આપ્યું હતું, પણ ‘રોકસ્ટાર’ માટે ઈમ્તિયાઝ અલીએ રહેમાનને પસંદ કર્યા. ‘તે એટલા માટે કે ઈમ્તિયાઝના મનમાં આ ફિલ્મનો આઈડિયા વર્ષોથી રમતો હતો અને રહેમાન સાથે એનું કમિટમેન્ટ ઓલરેડી થઈ ચૂક્યું હતું’, ઈર્શાદ ખુલાસો કરે છે, ‘ધારો કે પ્રીતમે ‘રોકસ્ટાર’નું સંગીત કમ્પોઝ કર્યું હોત તો એમાં માસઅપીલ વધારે હોત અને છતાંય સ્ટોરીલાઈનને વફાદાર તો હોત જ... અને પ્રીતમને નકલખોર નથી, પ્લીઝ. જો એ માત્ર નકલ કરી જાણતા હોત તો આટલો બધો વખત ઈન્ડસ્ટ્રીમાં ટકી જ ન શકત. એમનાં ગીતોનો સક્સેસ રેશિયો સૌથી ઊંચો છે. એમની તકલીફ કદાચ એ છે કે એ વધુ પડતું કામ હાથમાં લઈ લે છે. એ મધરાતે બે વાગે ફોન કરીને મને કહેશેઃ ઈર્શાદ જો તો, આ ટ્યુન કેવી લાગે છે? પ્રીતમ જેટલી ઝડપથી કામ કરવાનું મારું ગજું નહીં.’

ઈર્શાદે શરૂઆત ટીવી સિરિયલોના લેખક તરીકે કરી હતી. ગીતકાર તરીકેની કરીઅર ૨૦૦૪માં ‘ચમેલી’ ફિલ્મથી થઈ. ‘રોકસ્ટાર’ એમની ચોંત્રીસમી ફિલ્મ છે. આ ફિલ્મની મ્યુઝિક સીડી લોન્ચ થઈ ત્યારે એના જેકેટ પર ગીતકાર તરીકે એમનું નામ જ નહોતું! કોઈ પણ કલાકાર માટે દામ કરતાંય નામ ઘણું વધારે મહત્ત્વનું હોય છે. ઈર્શાદ તે વખતે વિદેશ હતા. તેમને કોઈએ ફોન કરીને કહ્યું પણ ખરું કે ‘રોકસ્ટાર’ની સીડી પર તમને ક્રેડિટ આપવામાં આવી નથી. ‘પણ મેં ઈમ્તિયાઝ અલીને ફોન કરવાની તસ્દી સુધ્ધાં ન લીધી,’ ઈર્શાદ કહે છે, ‘કારણ કે મને તેમના પર ભરોસો છે. ઈન ફેક્ટ, ઈમ્તિયાઝનો સામેથી મને ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે આમાં કોઈનો વાંક નથી, વાસ્તવમાં સીડી બહાર પાડનાર ટીસિરીઝ કંપનીમાં કોઈથી આ ક્લેરિકલ મિસ્ટેક થઈ ગઈ છે. ઈમ્તિયાઝની વાત ન માનવાનું કોઈ કારણ નહોતું, કેમ કે ટીસિરીઝમાં મારે કોઈની સાથે દુશ્મનાવટ નથી. કોઈ મારા નામ સાથે શું કામ છેડછાડ કરે?’

વેલ, યુ નેવર નો. આ બોલીવૂડ છે અને અહીં કંઈ પણ શક્ય છે!

શો સ્ટોપર


સૌથી સફળ ફિલ્મ આપનાર નંબર વન એક્ટર કહેવાવો જોઈએ. તે હિસાબે ‘થ્રી ઈડિયટ્સ’ આપનાર આમિર ખાન હીરો નંબર વન છે, હું નહીં.  

 - સલમાન ખાન