Saturday, September 29, 2012

‘ક’ કરીનાનો ‘ક’


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 30 સપ્ટેમ્બર 2012 

સ્લગ: મલ્ટિપ્લેક્સ

 એક છેડે ‘જબ વી મેટ’ની જબરદસ્ત જીવંત પંજાબણ છે તો તદ્દન વિરુદ્ધ છેડે કોમ્પલેક્સ પર્સનાલિટી ધરાવતી ‘હિરોઈન’ની માહી અરોરા ઊભી છે. કરીના કપૂરની અભિનયક્ષમતાને ડિફાઈન કરવા માટે આ બે કિરદાર કાફી છે. બ વી મેટ’માં કરીના કપૂરની એન્ટ્રીને યાદ કરો. રેલવે પ્લેટફોર્મ પર એક કૂલી દોડતો દોડતો ડબ્બાના દરવાજા પાસે ઊભેલા માણસને એક પછી એક લગેજ પાસ-ઓન કરી રહ્યો છે. ટ્રેન ગતિ પકડી ચૂકી છે. ઢગલાબંધ બેગ-બિસ્તરાં અંદર આવી ગયાં છે, કૂલી હટી જાય છે અને એની પાછળ પાછળ દોડી રહેલી કરીના કપૂર ‘હાથ દો... હાથ દો...’ કરતી પ્રગટ થાય છે. એનો હાથ પકડીને માંડ માંડ અંદર ખેંચી લેવામાં આવે છે. આ તમાશો જોઈ રહેલા પેસેન્જર્સનો જીવ અધ્ધર થઈ ગયો છે. ડબ્બામાં ચડી ગયા પછી હાંફતી હાંફતી, હસતી હસતી કરીના બોલવા માંડે છે:

‘આજ તો હદ હી હો ગઈ. લાઈન ક્રોસ હો હી ગઈ થી આજ તો... પતા હૈ ક્યા, આજ તક લાઈફ મેં એક ટ્રેન નહીં છૂટી મેરી... (ઉપર જોઈને) થેન્ક્યુ બાબાજી, મેરા રેકોર્ડ તૂટને સે બચા લિયા...’

પેલો માણસ હજુય એનો હાથ પકડીને ઊભો છે. કરીના મુસ્કુરાતી એને કહે છે, ‘અંદર આ ગઈ હૂં મૈં... અબ તો મેરા હાથ છોડ દો! ઈતની ભી સુંદર નહીં હૂં મૈં...’

બસ, છ જ વાક્ય. કાબેલ પેઈન્ટર જે રીતે બે-ચાર લસરકામાં આખું ચિત્ર ઊભું કરી દે એ રીતે કરીના કપૂર આ છ જ વાક્ય અથવા 51 શબ્દોના ડાયલોગથી પોતાનાં પાત્ર ને સજ્જડ રીતે એસ્ટાબ્લિશ કરી દે છે. ગીત નામની છોકરી આવી જ હોય. અત્યંત જીવંત, ભયંકર બોલકી, બાલિશ લાગે એટલી હદે રમતિયાળ, વિચારવાની તસદી લીધા વિના બિન્દાસપણે ઝુકાવી દેનાર અને સામેના માણસને મૂંઝવી નાખે એવી એક્સ્ટ્રોવર્ટ પંજાબણ! રાઈટર-ડિરેક્ટર ઈમ્તિયાઝ ‘જબ વી મેટ’ની આ કિરદારને કરીના કપૂરના બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ વગર યાદગાર બનાવી શક્યા ન હોત.

એક છેડે ગીત નામની આ પંજાબણ છે તો તદ્દન વિરુદ્ધ છેડે ‘હિરોઈન’ની માહી અરોરા ઊભી છે. કરીના કપૂરની અભિનયક્ષમતાને ડિફાઈન કરવા માટે આ બે કિરદાર કાફી છે. માહી જોતાં જ પ્રેમમાં પડી જવાય એવી ચુલબુલી અને સાવ સરળ છે, જ્યારે બોલીવૂડની ગ્લેમરસ સ્ટાર માહી અરોરા કોમ્પલેક્સ સ્ત્રી છે. એની પર્સનાલિટી એવી છે કે કહેવાતા પ્રિયજનો એના પર આસાનીથી ઘા કરી શકે છે, એ પોતે પણ સમય આવ્યે ઘા મારી દે છે. એ મૂડી છે, ક્યારે શું કરશે એ કળી શકાતું નથી, પ્રેમ અને પ્રોફેશનમાં સતત અસલામતી અનુભવ્યા કરે છે.યાદ રહે, સમગ્ર્ ફિલ્મ તરીકે ‘જબ વી મેટ’ અને ‘હિરોઈન’ની કોઈ તુલના નથી. ‘જબ વી મેટ’ વારે વારે જોવી ગમે એવી સદાબહાર ફિલ્મ છે, જ્યારે ‘હિરોઈન’માં મધુર ભંડારકરે આપણને નિરાશ કર્યા છે.  માત્ર એક જ બાબતને કારણે ફિલ્મ બચી ગઈ છે અને એ છે કરીના કપૂર. નબળું મટિરીયલ મળ્યું હોવા છતાં કરીના પોતાનાં પાત્રને કાર્ડબોર્ડ કટ-આઉટ જેવું સપાટ અને નિર્જીવ બનાવતાં બચાવી લે છે. બલકે, માહી અરોરાના કેરેક્ટરને એ એક પ્રકારની ગરિમા અને વજન આપે છે. સ્ક્રિપ્ટ કરતાં ઉપર ઉઠી શકવાની ક્ષમતા બહુ ઓછા કલાકારો પાસે હોય છે.

કરીના માટે ‘બોડીગાર્ડ’ અને ‘ગોલમાલ-થ્રી’ જેવી હિટ પણ ઊંડાણ વગરની ફિલ્મો કર્યા પછી ‘હિરોઈન’ જેવી નાયિકા પ્રધાન ફિલ્મ કરવી મહત્ત્વનું હતું. બોલીવૂડની લગભગ બધી સારી અભિનેત્રીઓની કરીઅર મિક્સ-બેગ જેવી હોવાની. અમુક ફિલ્મોમાં એ ફક્ત શોભાની પૂતળી હશે, અમુક ફિલ્મ માત્ર એટલા માટે કરી હશે કે બેનર મોટું હતું અથવા તો હીરો મોટો હતો, અમુક ફિલ્મો માત્ર તોતિંગ પૈસા માટે કરી હશે, જ્યારે અમુક ફિલ્મોમાં એની અભિનયક્ષમતા પૂરબહારમાં ડિસ્પ્લે થઈ હશે. કરીના કપૂરનું પણ એવું જ છે. ‘કભી ખુશી કભી ગમ’ (2001)ની કહાણીના મુખ્ય પ્રવાહમાં આમ જોવા જોઈએ તો કરીનાનું કોઈ મહત્ત્વ નહોતું છતાંય એનો અભિમાનની પૂતળી એવી સુપર સ્ટાઈલિશ ‘પૂ’નો રોલ ઓડિયન્સ એને હજુ યાદ કરે છે. આ એની છઠ્ઠી ફિલ્મ હતી. એ પછી (આમ તો એની પહેલાંય) સ્થૂળ ગ્લેમરસ ભુમિકાઓની કતાર થઈ ગઈ હતી. એના પર પૂર્ણવિરામ મૂકાયું ‘ચમેલી’ (2004)થી. આ ફિલ્મમાં એ સડકછાપ વેશ્યા બની હતી. આ ફિલ્મમાં કરીનાના પર્ફોર્મન્સે જબરું સાનંદાશ્ચર્ય પેદા કર્યું. એ પછી રુટિન ફિલ્મોની વચ્ચે વચ્ચે તગડાં અભિનયવાળી ફિલ્મો આવતી રહી- ‘દેવ’ (2004), ‘ઓમકારા’ (2006), આગળ જેની વાત કરી એ ‘જબ વી મેટ’ (2007), લેટેસ્ટ  ‘હિરોઈન’ વગેરે.કરીનાનું નામ મહાન લેખક લિયો ટોલ્સટોયની નવલકથા ‘એના કેરેનિના’ પરથી પાડવામાં આવ્યું છે. 32 વર્ષની કરીના બહેન કરિશ્મા જ નહીં, બલકે મમ્મી બબિતા કરતાંય ઘણી સુપિરિયર એક્ટ્રેસ છે. કરીનાને ‘થ્રી ઈડિયટ્સ’માં ડિરેક્ટ કરનાર રાજકુમાર હિરાણી કહે છે, ‘સામાન્ય રીતે મને મારા એક્ટરો પાસે રિહર્સલ્સ કરાવવાની આદત છે, પણ કરીના રિહર્સલ કરવાની ના પાડી દેતી. એને ડર હોય કે એ બહુ તૈયારી કરીને સેટ પર જશે તો સ્વાભાવિક અને સ્પોન્ટેનિયસ પર્ફોર્મન્સ નહીં આપી શકે.’ કરણ જોહરનું કહેવું છે કે અભિનયનો ક્રાફ્ટ, અભિનયનું વ્યાકરણ વગેરે જેવી ભારે ભારે થિયરીઓમાં કરીનાને સહેજ પણ ગતાગમ પડતી નથી. એનામાં ઉપરવાળાએ કુદરતી રીતે જ સેન્સ-ઓફ-સિનેમા યા તો અભિનય માટે જ‚રી મસાલો ભરી દીધો છે. તેના આધારે કરીનાની ગાડી ગબડતી રહી છે.

રેન્સિલ ડી’ સિલ્વાએ કરીનાને ‘કુરબાન’માં ડિરેક્ટ કરી હતી. એનું નિરીક્ષણ પણ ઈન્ટરેસ્ટિંગ છે. રેન્સિલ કહે છે, ‘કરીનાનું ઈમોશનલ ઈન્ટેલિજન્સ ખૂબ ઊંચું છે. એને સીન એક વાર સમજાવી દો એટલે કુદરતી રીતે આખી વાતને પામી લેશે અને પછી તે પ્રમાણે કેમેરા સાથે કમાલ અભિનય કરશે. કરીનાને લાંબા લાંબા ડિસ્કશન જરાય પસંદ નથી. જો તમે સીન શૂટ કરતાં પહેલાં એ દશ્યની બારીકાઈઓ વિશે પિષ્ટપિંજણ કરવા બેસશો તો એનું પર્ફોર્મન્સ ઊલટાનું બગડી જશે.’

હવે પછી કરીના ‘તલાશ’માં દેખાશે. આ સસ્પેન્સ થ્રિલરમાં આમિર ખાન અને રાની મુખર્જી એનાં કો-સ્ટાર્સ છે. સૈફ અલી ખાન સાથે લગ્નની હવે દિવસો ગણાય છે. કરીનાને તો લાગે છે કે લગ્નને કારણે એની કરીઅર પર કશી અસર નહીં થાય. એક મુલાકાતમાં એ કહે છે, ‘હું અને સૈફ પાંચ વર્ષથી સાથે છીએ. અમે ગુપચુપ લગ્ન કરી પણ નાખ્યાં હોય તોય કોને ખબર પડવાની છે? જો સૈફ સાથેની રિલેશનશિપથી મારી કરીઅર પર  અત્યાર સુધી કંઈ ફરક પડ્યો ન હોય તો હવે શું કામ પડે? કામધામ છોડીને હું કઈ હાઉસવાઈફ બની જવાની નથી. સૈફ પણ એવું ઈચ્છતો નથી.’

વેલ, કરીના જેવી તગડી સ્ટાર-એક્ટર કામ કરતી રહે એ ઈચ્છનીય જ છે. શરત એટલી કે એના મજબૂત ભુમિકાઓ મળતી રહેવી જોઈએ.
 

શો-સ્ટોપર

સલમાન ખાનની ગાડી એટલી જબરદસ્ત સ્પીડ પકડી ચૂકી છે કે એની ફિલ્મો હવે લગભગ ક્યારેય ફ્લોપ નહીં જાય એવું લાગે છે. સિવાય કે એ મારી ફિલ્મમાં કામ કરે!

- રામગોપાલ વર્મા

Saturday, September 22, 2012

સર્જન વિરુદ્ધ સર્જનહાર


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પહેલાં તેમણે કાનજી વિરુદ્ધ કાનજી જેવા સીમાચિહ્ન નાટક આપ્યું, પછી તેના આધારે બનેલી ફિલ્મનું ડિરેક્શન કર્યુંઆવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓહ માય ગોડ! માત્ર એક નાટકનું નહીં, પણ ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.ક નખશિખ નાસ્તિક માણસ ભગવાનના અસ્તિત્ત્વને નકારે, એટલું જ નહીં, એને છેક અદાલતમાં ઘસડી જાય એ કલ્પના જ કેટલી રોમાંચક છે! અમુક વિષય જ એટલા બળકટ હોય છે અને એની અપીલ એટલી તીવ્ર હોય છે કે તે પોતાનો વ્યાપ વધાર્યા વગર રહી ન શકે. એટલે જ તો સીમાચિહ્ન પ બની ગયેલું ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી અન્ય ભાષાઓમાંથી પસાર થતું થતું આખરે બિગ સ્ક્રીન સુધી પહોંચ્યુને! આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓએમજી - ઓહ માય ગોડ! ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.

ઓહ, પણ નાટક કરતાં આ ફિલ્મનું ફલક ઘણું મોટું છે, મુંબઈ સ્થિત  પૃથ્વી થિયેટરના કાફેટેરિયામાં બ્લેક ટી પીતાં પીતાં ડિરેક્ટર ઉમેશ શુક્લ વાતચીતની શઆત કરે છે, ફિલ્મ વર્ઝનમાં એટલા બધા ફેરફાર અને ઉમેરા કરવામાં આવ્યા છે કે બે-ત્રણ વખત નાટક જોઈ ચૂકેલા પ્રેક્ષકોને પણ ઓહ માય ગોડ જોતી વખતે નવી જ અનુભૂતિ થશે. આ વિષય કોઈ એક ધર્મની સીમારેખામાં બંધાઈ રહે એવો નથી. અલબત્ત, નાટક ઘણું કરીને હિંદુ ધર્મના સંદર્ભમાં આકાર લે છે, પણ ઓહ માય ગોડ બનાવતી વખતે અમારી પાસે ઘણી મોકળાશ હતી, વિશાળ વ્યાપ હતો, તેથી ફિલ્મમાં અમે બધા જ મુખ્ય ધર્મોને આવરી લેવાની કોશિશ કરી છે.


Kanji Viruddh Kanji - Gujarati play (top); (below) Kishan Versus Kaniya - its Hindi Versionસી ધ ફન. તેજસ્વી યુવા લેખક ભાવેશ માંડલિયાએ કાનજી વિરુદ્ધ કાનજી માટે ગુજરાતી રંગભૂમિના કેટલાય મોટા નિર્માતાઓને અપ્રોચ કર્યો હતો, પણ કોઈને આ અતરંગી વિષયમાં રસ નહોતો પડ્યો. આખરે એ પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉમેશ શુક્લ પાસે પહોંચ્યો અને પછી, અંગ્ર્ોજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી! આ ફિલ્મ ભાવેશ અને ઉમેશ શુક્લ બન્નેએ સંયુક્ત રીતે લખી છે. બે વર્ષના ગાળામાં નહીં નહીં તોય આ સ્ક્રિપ્ટના 16 ડ્રાફ્ટ બન્યા છે.

ઉમેશ શુક્લ ઉમેરે છે, નાટકમાં તમારે માત્ર આઠ સીનમાં આખી વાર્તા કહી દેવાની હોય, જ્યારે ફિલ્મમાં સાઠ-સિત્તેર દ્શ્યો હોય. નાટકમાં તમે વર્બોઝ બનો (એટલે કે વધી પડતી શબ્દાળુતા અપનાવો) તે ચાલી જાય, કારણે કે અહીં તમારે લગભગ બધી જ વાત બોલીને કહેવાની છે. ફિલ્મનું ગ્ર્ામર જુદું છે. અહીં માત્ર એક જ શોટમાં એક પણ શબ્દ બોલ્યા વિના ઘણું વ્યક્ત થઈ જતું હોય છે. નાટકની હિન્દી આવૃત્તિમાં પરેશ રાવલ નાસ્તિકની કેન્દ્રિય ભુમિકા ભજવે છે. આ નાટક જોઈને પ્રભાવિત થયેલા અક્ષય કુમારે ફિલ્મ આવૃત્તિમાં કેવળ સૂટેડ-બૂટેડ ભગવાનનો રોલ જ નથી કર્યો, બલકે પરેશ રાવલ અને અશ્વિની યાર્ડીની સાથે ફિલ્મના સહનિર્માતા પણ જોડાયા. હાઉસફુલ-ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો કર્યા પછી ઓડિયન્સ પોતાને ભગવાનના પમાં સ્વીકારશે કે કેમ એવો ઉચાટ અક્ષયને રહેતો હોય તો એ સ્વાભાવિક હતો.

અક્ષયે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે, ઉમેશ શુક્લ કહે છે, સવારે સાડા પાંચથી નવ સુધી અમારી વર્કશોપ ચાલતી. પરેશ રાવલ સાથે એણે ઘણી ફિલ્મો કરી છે, પણ ઓહ માય ગોડમાં ઓડિયન્સને એમની વચ્ચેની કેમિસ્ટ્રીનો નવો જ રંગ જોવા મળશે. આ બન્નેમાંથી કોઈ મેથડ એક્ટર નથી. બન્ને સ્પોન્ટેસિયસ છે. તેથી શૂટિંગ દરમિયાન કેટલીય વાર અચાનક કોઈક સરસ મોમેન્ટ મળી જતી.


Umesh Shukla with Akshay Kumar


ફિલ્મમાં આ બે સિવાય પણ મિથુન ચક્રવર્તી, ઓમ પુરી, ગોવિંદ નામદેવ જેવા નામી અદાકારો છે. ઉમેશ શુક્લ સ્મિતપૂર્વક કહે છે, 1994માં મેં યાર ગદ્દાર નામની ફિલ્મ કરી હતી. એમાં મિથુનદા હીરો હતા અને મારો નેગેટિવ રોલ હતો. એ પછી સીધા ઓહ માય ગોડ વખતે અમે પહેલી વાર મળ્યા! ગોવિંદ નામદેવ કમાલના ફોર્સથી કામ કરે છે. ઓમ પુરીની વાત કરું તો એમણે પહેલી જ ડાયલોગ્ઝ એવી રીતે વાંચેલા કે હું નવાઈ પામી ગયો હતો. આપણને થાય કે ઓમજીએ ક્યારે આ પાત્રને આત્મસાત કરી લીધું?


Umesh Shukla with Mithun Chakraborty


ઓહ માય ગોડમાં પુષ્કળ હ્યુમર છે તો સાથે સાથે દર્શક વિચારમાં પડી જાય એવી નક્કર વાતો પણ છે. ઓડિયન્સને કેટલાંક પાત્રોનાં કેરેકટરાઈઝેશન પર શ્રી શ્રી રવિશંકર, રાધેમા, બાબા રામદેવ જેવી હસ્તીઓની હળવી અસર પણ દેખાય. ફિલ્મમાં ક્રાઉડનાં ખૂબ બધાં દશ્યો છે. અમુક દશ્યો માટે બસ્સો-અઢીસો જેટલા અસલી સાધુ-બાવાઓને કાસ્ટ કરવામાં આવ્યા હતા! આખેઆખી ફિલ્મનું શૂટિંગ કુલ 60 દિવસમાં પૂરું થયું, જેમાંથી લગભગ વીસેક દિવસ દરમિયાન સાધુઓની સેટ પર હાજરી રહી. તેમને  બસોમાં બેસાડીને જુદા જુદા મંદિરોમાંથી તેડાવવામાં આવતા. સાચુકલા સાધુ હોય એટલે ના કોસ્ચ્યુમની ઝંઝટ, ન મેકઅપની ચિંતા. સેટ પર એમને તૃપ્ત થઈ જવાય એટલું ભોજન મળે. વળી, ચાના કપ અને બિસ્કિટની ટ્રે સતત ફરતાં હોય. આતમાં તેઓ કેમેરા જોઈને કોન્શિયસ થઈ જતા હતા, પણ ધીમે ધીમે સરસ પર્ફોર્મ કરવા લાગ્યા હતા!

ઓહ માય ગોડનું મ્યુઝિક હિમેશ રેશમિયા, સચિન-જીગર અને અંજાન-મીટ બ્રધર્સે આપ્યું છે. ફિલ્મમાં ગો ગો ગો... ગોવિંદા ગીત ઉમેરવાનો આઈડિયા અક્ષયનો હતો, ઉમેશ શુક્લ ઉમેરે છે, અક્ષયે રાઉડી રાઠોડમાં પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા સાથે તાજું તાજું કામ કયુર્ર્ં હતું એટલે આ ગીતમાં એ બન્નેને લેવામાં આવ્યાં. ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની વાત છે એટલે જન્માષ્ટમી અને દહી-હાંડી થીમ સાથે બંધબેસતાં હતાં. આ ગીતને કારણે ફિલ્મમાં સરસ વેલ્યુ-એડિશન થયું છે.ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પોતાનાં જૂનાં નાટકોની વાત કરતી વખતે કે કોઈ ફિલ્મનાં ગમતાં દશ્યોની વાત કરતી વખતે એમની બોડી લેંગ્વેજમાં આવેશ ઉમેરાઈ જાય છે, ચહેરો અને આંખો તરલ થવા માંડે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમના માટે નવી નથી. આઠેક ફિલ્મોમાં તેઓ જુદા જુદા સ્તરે સંકળાઈ ચૂક્યા છે. અગાઉ તેમણે ઢૂંઢતે રહ જાઓગે નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી, જે સફળ થઈ શકી નહોતી. એ નિષ્ફળતાને કારણે મારા હાથમાં બે ફિલ્મો જતી રહી હતી, તેઓ સ્વસ્થતાથી કહે છે, એક ફિલ્મ બીજા કોઈ ડિરેકટરને આપી દેવામાં આવી, જ્યારે બીજી ફ્લોર પર જ ન ગઈ. આ પીડાદાયી તબક્કો હતો, પણ રંગભૂમિએ મને ટકાવી રાખ્યો. ઓડિટોરિયમના અંધકારમાં મારાં નાટકો જોતાં ઓડિયન્સની તાળીઓ સાંભળતો ત્યારે થતું કે ના, બધું હેમખેમ છે, કશું જ ખોવાયું નથી!

આજકાલ બોલીવૂડમાં 100 કરોડ ક્લબની બહુ બોલબોલા છે. આ માપદંડના પાયામાં તોતિંગ બિઝનેસ છે, સિનેમાની ગુણવત્તા નહીં. પણ મને આ ક્લબમાં સામેલ થવાના કોઈ અભરખા નથી, ઉમેશ શુક્લ સમાપન કરે છે, મારી ફિલ્મ લાખો લોકોના દિલ સુધી પહોંચે એટલે ભયો ભયો!

શો-સ્ટોપર

તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે મને ચાંદની બાર માટે નેશનલ અવોર્ડ એનાયત થયો ત્યારે સપનાં જેવું લાગતું હતું, કારણ કે હજુ થોડા મહિના પહેલાં હું બસની લાઈનમાં ઊભો રહેતો હતો અને મારી ટિકિટ પણ બીજું કોઈ કપાવી આપતું હતું!

- મધુર ભંડારકર (ફિલ્મમેકર)


બિઝનેસક્ષેત્રે.... કુરક્ષેત્રે


ચિત્રલેખા - અંક તા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 


                                                                                                   
કવીસ વર્ષનો એક ભારતીય છોકરો અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતમાં એના પિતાનું અણધાર્યું અવસાન થતા ફેમિલી બિઝનેસ સંભાળી લેવા છોકરાને ભણવાનું અધૂરું છોડાવીને પાછો બોલાવી લેવામાં આવ્યો. કંપનીના શેરહોલ્ડરોએ મનોમન વિચાર્યું: આ લબરમૂછિયો છોકરડો આવડું મોટું ઉદ્યોગસામ્રાજ્ય શી રીતે સંભાળી શકવાનો? કોઈએ એને મોઢામોઢ સંભળાવી પણ દીધું: ‘જો ભાઈ, આ ઉંમરે આવડી મોટી કંપની સંભાળવાનું તારું ગજું નહીં. અમે તારા શેરો ખરીદીને પ્રોફેશનલ મેનેજમેન્ટથી કંપની ચલાવીશું. તું તારો ભાગ અમને વેચી દે.’

આ શબ્દો છોકરાની છાતીમાં ખંજરની જેમ ભોંકાઈ ગયા. એણે દઢ નિશ્ચય કર્યો: ‘હું કાળી મજૂરી કરીશ, રાત-દિવસ કામ કરીશ અને જ્યાંથી શીખવા મળે ત્યાંથી શીખીશ, પરંતુ આ કંપનીને ડૂબવા નહીં દઉં!’ આ છોકરો એટલે અઝીમ પ્રેમજી. ઊંચા દરજ્જાની સોફ્ટવેર કંપની ‘વિપ્રો’ના માલિક. આજે અસંખ્ય ઉદ્યોગસાહસિકો અઝીમ પ્રેમજીને પોતાના રોલ-મોડલ તરીકે જુએ છે.

આજના પુસ્તક ‘બિઝનેસમેનની ભગવદગીતા’માં આ અને આના જેવા કેટલાય પ્રેરણાદાયી કિસ્સાને આવરી લેવાયા છે. પુસ્તકનું મૂળ અંગ્રજી શીર્ષક છે, ‘ક્રેઝી પીપલ ક્રિએટ હિસ્ટરી, વાઈસ પીપલ નોર્મલી રીડ હિસ્ટરી.’ લેખક કહે છે કે આજના જમાનામાં પોતાની કંપની ચલાવવી અને પ્રોફેશનલ તરીકે પ્રગતિ કરવી એ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા જેવી કપરી બાબત છે. મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે દાયકાઓનો સમૃદ્ધ અનુભવ ધરાવતા લેખકે ઊભરતા બિઝનેસ-બહાદૂરોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખ્યું છે. ગીતામાં જેમ અઢાર અધ્યાય છે, તેમ અહીં અઢાર પ્રકરણો ડિઝાઈન કરવામાં આવ્યા છે. ધંધા-રોજગારમાં નડતા પ્રશ્નો અને મૂંઝવણોેમાંથી માર્ગ કાઢીને શી રીતે સફળતા તરફ કૂચકદમ ચાલુ રાખવી એની ચર્ચા એમાં કરવામાં આવી છે.વાત બિઝનેસની હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રની હોય, સફળતા માટે પેશનનું હોવું ખૂબ જરૂરી છે. લેખક કહે છે કે પેશન એટલે પેટમાંની આગ. ભીતર જુસ્સો જગાવતી જ્વાળા. અશક્યને શક્ય બનાવવાની પ્રેરણા આપનાર દીવાનગી. ‘લગે રહો’ની ભાવના ટકાવનાર શક્તિ. તમારી હોશિયારી કરતાં જુસ્સો વધારે મહત્ત્વની બાબત બની જાય છે. કામ પ્રત્યે જેને લગાવ હોય એ જરૂર પડે ત્યારે સો વ્યક્તિઓની સામે સહેલાઈથી પોતાનો મુદ્દો રજૂ કરી શકે છે. બધા તેને સાવ જ અંતર્મુખી અને શાંત માનતા હોય, પરંતુ તે સૌને ખોટા પાડી દે છે.

લેખક વજનદાર અને અસરકારક વાતો નાનકડાં તેમજ ચોટડૂક સ્લોગનો દ્વારા સમજાવી દે છે. જેમકે, સપનાં સાકાર કરવાં હોય તો આ ત્રણ ‘પી’ પર ધ્યાન આપવું: પર્પઝ (કારણ), પ્રોસિજર (પ્રક્રિયા) અને પરસિવિયરન્સ (ખંત). સૌથી પહેલાં તો કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એ કાર્ય કરવાનાં કારણો અને વ્યૂહરચનાઓ વિશે સ્પષ્ટ થઈ જાઓ. એકવાર આ સ્પષ્ટતા થઈ જાય પછી તમે કઈ રીતે યા તો કઈ પ્રક્રિયાથી આગળ વધવા માગો છો એ નક્કી કરો. પછી બસ, કામ આરંભી દો પછી સફળતા ન મળે ત્યાં સુધી મચી પડો!

સેલ્ફ બિલીફ યા તો પોતાની જાતમાં વિશ્વાસ એ બહુ મોટી વાત છે. ‘કર્મનું મહત્ત્વ’ લેખમાં કહેવાયું છે: ‘શ્રેષ્ઠ સમય આજે જ છે. તમારી પાસે જબરદસ્ત આઈડિયા છે? તો આ પળે જ એનો અમલ કરો. ‘બજાર સુધરશે ત્યારે કરીશ’, ‘ભાઈ નાણાં રોકશે પછી માલ લઈશ’ કે ‘ટુ-વ્હીલર’ ન હોય તો ક્યાંથી શરૂ કરું’ એવાં અનેક બહાનાં તમને મળી આવશે. બધું જ સાનુકૂળ ક્યારેય નહીં હોય. ‘શ્રેષ્ઠ સમય’ જેવું કંઈ છે જ નહીં. તેથી આજની ઘડી રળિયામણી ગણી કામ શરૂ કરી દો.સાયરસ ડ્રાઈવર નામના મહાશયના ‘જબરદસ્ત આઈડિયા’ વિશે જાણવા જેવું છે. આઈઆઈએમમાંથી સ્નાતક થયા પછી એ સિંગાપોરમાં એક વિશ્વવિખ્યાત કંપનીમાં ફાંકડી જોબ કરતા હતા. એમણે પોતાની આસપાસ અનેક નોકરિયાતોને સાત્ત્વિક ભોજન મેળવવા માટે સંઘર્ષ કરતા જોયા. કોઈ પાતળા થવા માટે જાતજાતના નૂસખાં અપનાવતા હતા તો કોઈ વળી આકરું ડાયેટિંગ કરીને ભૂખે મરતા હતા. સાયરસ પોતે વજન ઘટાડવા માગતા હતા. એમની પાતળા થવાની પ્રબળ ઈચ્છામાંથી જ ‘કેલરી કેર’ નામની કંપનીનો જન્મ થયો! એમને બ્રહ્મજ્ઞાન થયું કે ઉપવાસ-એકટાણાંને બદલે સાત્ત્વિક અને નિયમિત ભોજન જ વજનને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ‘કેલરી કેર’ કંપનીનો આખો બિઝનેસ આ જ થિયરી પર ખડો છે. ખરેખર, આંખ-કાન ખુલ્લા રાખીએ અને સામાન્ય બુદ્ધિ ઉપયોગમાં લઈએ તો આઈડિયાઝની જરાય કમી હોતી નથી!

જીવનમાં જોખમ લીધા સિવાય કશું જ હાંસલ થતું નથી. અલબત્ત, મૂર્ખામીભર્યા જોખમ અને ગણતરીપૂર્વકનું હોશિયારીભર્યું જોખમ વચ્ચે નિષ્ફળતા અને સફળતા જેટલો તફાવત હોય છે. જ્યારે તમે ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું નક્કી કરો છો ત્યારે નસીબના પાસાંની બાદબાકી અનાયાસે જ થઈ જાય છે. લોજિક એટલે ડહાપણની શરૂઆત. બિઝનેસ કરવો એ હાર્ડકોર બાબત છે, પણ તોય અમુક નાજુક બાબતોને ભુલવા જેવી નથી. લેખક આંતરસ્ફૂરણાને ખૂબ મહત્ત્વ આપે છે. એ કહે છે: ‘અંતરાત્માનો અવાજ તમારા આત્મામાં સંતાઈને પડેલ માહિતીના પૃથક્કરણમાંથી આવે છે. તેથી એનો વિશ્વાસ કરજો.’

પુસ્તક રૂપકડું છે. લખાણ રસાળ અને સરળ છે. લેખક જગદીશ જોષી એક મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે કંઈકેટલીય કંપનીઓના માલિકો તેમજ સીઈઓના સંપર્કમાં આવ્યા છે. તેથી તેમની કલમમાં સતત અધિકારી વજન છે. ભાવાનુવાદ પણ મજાનો થયો છે. અલબત્ત, આ પુસ્તકમાં ભલે કશુંય નવું કહેવાયું ન હોય, છતાંય પોતાનો બિઝનેસ જમાવવા માગતા ઉત્સાહીઓ અને પ્રોફેશનલોને તે અપીલ જરૂર કરશે.
૦ ૦ ૦  


 બિઝનેસમેનની ભગવદગીતા 

લેખક: જગદીશ જોષી
અનુવાદિકા: સોનલ મોદી
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
 વિક્રેતા:  બૂકમાર્ક, આશ્રમરોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, ૨૨૧૩ ૯૨૫૩ 
કિંમત:  ‚. ૨૦૦ /
પૃષ્ઠ: ૨૨૬

Tuesday, September 18, 2012

વાર્તામાં હોવું એટલે કોઈનાં સ્વપ્નમાં હોવું?


 ચિત્રલેખા - અંક તા. ૧ ઓક્ટોબર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું                                                                      
ક પુસ્તકોનું મ્યુઝિયમ છે. લાઈબ્રેરી નહીં, પણ મ્યુઝિયમ. આખેઆખું જોતાં એક હજાર ને એક દિવસ લાગે એવડું મોટું. મ્યુઝિયમમાં પહાડ પણ હોય અને રણ પણ હોય. રણમાં ‘વિખરાતાં પુસ્તકો’ નામનો વિભાગ છે, જ્યાં એવાં પુસ્તકો રાખવામાં આવેલાં જે રેતીની જેમ ખરતાં જાય, આપણી મુઠ્ઠીમાંથી સરતાં જાય. કહે છે કે રણ એવાં પુસ્તકોનાં ખરવાથી જ બનેલું! આ મ્યુઝિયમમાં આવેલી એક યુવતીને ઘણા વખતથી સપનામાં એક પુસ્તક દેખાય છે. એેને લાગે છે કે રોજ એ એક જ સપનું જોઈ રહી છે, રોજ એક જ દિવસ જીવી રહી છે. આ સપનાંને કારણે એની ઊંઘ તદ્દન વેરાઈ ગઈ છે. કોઈએ એને સલાહ આપી કે તું કોઈ એવું પુસ્તક વાંચ જે સ્વપ્નમાં આવતાં પુસ્તકની અસરને મારી શકે.  તો જ તને તારી ઊંઘ પાછી મળી શકશે! તેથી એ આ પુસ્તકોના મ્યુઝિયમમાં આવી છે.... અને પછી શરૂ થાય છે એ પુસ્તકની રોમાંચક શોધ!

તો... બળકટ વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે! છેલ્લે આપણે આપણી ભાષામાં ક્યારે નાવીન્યપૂર્ણ અને તાજગીભર્યો, અર્થઘન છતાંય રસપૂર્ણ નવલિકાસંગ્રહ વાંચ્યો હતો? અજય સરવૈયાનું પુસ્તક ‘ફેક્ટ એન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ’ આત્મવિશ્વાસપૂર્વક ગુજરાતી નવલિકા-વિશ્વમાં એક નવો અને બુલંદ અવાજ બનીને ઊપસે છે.

આ સંગ્રહમાં અગિયાર વાર્તાઓ છે. કેટલીક ટૂંકી તો કેટલીક પ્રલંબ. આ કથાઓ છેલ્લાં કેટલાંક વર્ષોેમાં જુદાં જુદાં સાહિત્યિક સામયિકોમાં છપાઈ છે, પણ અહીં એક સાથે એ સૌમાંથી પસાર થતાં જાણે કોઈ અલગ અને નક્કર પેટર્ન ઊભરી રહી હોય એવી અનુભૂતિ થાય છે. લેખક અઠ્ઠંગ પુસ્તકપ્રેમી છે.  તેથી પુસ્તકો અને તેની સાથે સંકળાયેલું ભાવવિશ્વ આ સંગ્રહનો જાણે કે એક સ્થાયી ભાવ બની રહે છે. ‘જેની શરૂઆત નથી હોતી’ નવલિકામાં નાયક લાઈબ્રેરીમાં રોજ એક ચોક્કસ પુસ્તક વાંચવા જાય, પણ એનો એક ફકરો રોજ બદલાયા કરે. નાયક રોજ વાંચે ને રોજ એક ફકરો જુદો હોય. ‘આ વાર્તા પાનખરમાં નહીં વાંચતા’માં તો આખું પ્રકરણ, આખેઆખું પાત્ર ગાયબ થઈ જાય!અહીં મેજિક રિઅલિઝમની આકર્ષક છટા છે. ખબર પણ ન પડે એવી રીતે વાસ્તવ રંગ બદલીને ફેન્ટસીમાં પરિવર્તિત થઈ જાય છે અને ફેન્ટસી મનના પડળો ભેદીને વિચારોને રણઝણાવે છે. વાર્તાને અંતે ચમત્કૃતિ હોય પણ ખરી અને ન પણ હોય. અહીં વાચકને ચમકાવી મૂકવાનો નહીં, પણ એને કદાચ એક ચોક્કસ એસ્થેટિક વાતાવરણમાં ખેંચી જવાનો ઉદેશ છે. એક નવલિકામાં કહેવાયું છે કે દરેક વાર્તાની ઘણી શરૂઆતો હોય છે ને ઘણા અંત. માટે દરેક વાર્તાની ભીતર બીજી ઘણી વાર્તાઓ હોય છે અને એક વાર્તામાંથી બીજી વાર્તા ઉદભવતી રહે છે. આ સંગ્રહનું પણ એવું જ છે. અહીં બધી નવલિકાઓ જાણે એકમેકમાં પરોવાઈને ઊભી છે, એ એકમેકનાં એક્સટેન્શન જેવી છે.

‘જગતનો નક્શો’ વાર્તા વળી રહસ્યરંગમાં ઝબોળાઈ છે. પ્રોફેસર કથાનાયકને અચાનક કોઈ અજાણી મધ્યવયસ્ક સ્ત્રીનો ફોન આવે છે. એ સ્ત્રીનો પતિ છ મહિનાથી સહસા ગાયબ થઈ ગયો છે. કોઈ જ સ્પષ્ટ કે અસ્પષ્ટ કારણ નહીં, કોઈ હિન્ટ પણ નહીં. સ્ત્રી કહે છે કે, ‘એ મારી દરેકેદરેક વસ્તુનું ધ્યાન રાખતા. એટલા પરફેક્ટ કે એ ખોટા હતા. તમે ઝાડને નિયમિત, ભૂલ્યા વગર પાણી આપતાં રહો તો એ ઊગે, ખીલે, પણ કોઈ વ્યક્તિ સાથે એટલા નિયમિત વર્તો તો એ વર્તન એનો અર્થ ગુમાવી બેસે. હું ચાહતી હતી કે એ મને ચકિત કરી મૂકે,  આળસ કે કંટાળાના નામે ફરિયાદ કરે... પણ એ અકળાઈ ઉઠતા. હું ગુસ્સે થતી, ચીસો પાડતી કે એ કંઈક બોલે, જુદુ બોલે, જુદું કરે, મને ફટકારે, ગાળો ભાંડે, પણ એ ભીંતની જેમ બેસી રહેતા. જે રીતે છાપાં પર નજર ફેરવતાં એ જ રીતે મને જોઈ લેતાં...’

ખોવાયા એની આગલી રાતે અને થોડા દિવસોથી પતિદેવ વિખ્યાત ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખનાં ‘માપામુંડી’ સિરીઝનાં પેઈન્ટિંગ્સ જોતા હતા. કથાનાયકે આ સિરીઝનાં ચિત્રો પર લેખો લખ્યા હતા. માત્ર એથી જ, સ્ત્રીને કોણ જાણે કેમ લાગે છે કે ગુમશુદા પતિને શોધી કાઢવાનું જે કામ પોલીસ પણ કરી શકી નથી, એ કામ કરવામાં આ કથાનાયક સફળ થઈ શકશે!આખાં પુસ્તકમાં લેખકના પ્રિય સર્જકો નિર્મલ વર્મા, બોર્હેસ, મિલાન કુન્દેરા વગેરે છૂટથી ઉલ્લેખ પામતા રહે છે. કથાઓમાં લેખકની જીવન વિશેની સમજ અને સુંદર વિચારકણિકાઓ પણ સહજ રીતે વણાતી ગઈ છે. જેમ કે, ‘ફેક્ટ અને ફિક્શન’ નવલિકામાં કહેવાયું છે: 

‘સુખ એ ચમત્કાર છે, કારણ કે એ ઝાઝું નથી ટકતું. ટકી શકે પણ નહીં. નહીં તો એ સુખ નહીં રહે. જે બટકે નહીં, ભાંગીને ભૂકો ન થાય, ઓગળીને અદશ્ય ન થાય, એ સુખ કેવું? સુખ એ હંમેશા કશાકનું હોય છે. ક્યાંકથી આવે છે. થોડીવાર માટે, પછી ક્યાં જાય છે, કોઈ નથી જાણતું. સુખ હંમેશાં વાસ્તવ અને ભ્રમની વચ્ચે હોય છે. બીજી રીતે કહું તો, એ વાસ્તવ અને ભ્રમ વચ્ચેનો ભેદ ભૂંસી નાખે છે.’ 

‘સુખનું નામ નથી હોતું’ વાર્તાનો પ્રારંભ જુઓ:

‘દુખ આવતું નથી, હળવેથી કે વેશ બદલીને. દુખ વરસતું નથી, કે તૂટી પડતું નથી. દુખ નથી આગળ હોતું કે પાછળ નથી આવતું. દુખ સાથે પણ નથી હોતું. દુખ ફૂટી નીકળે છે, ઝબકી ઊઠે છે. જે ક્ષણોમાં અપેક્ષા નથી હોતી એ ક્ષણોમાં.

આ વાર્તામાં આગળ લેખક કહે છે કે, ‘મળવું અને ગુમાવવું એક થઈ જાય ત્યારે સુખ અને દુખ વચ્ચેની રેખા ભૂંસાઈ જાય છે.’ આ જ વાર્તાનું ઓર એક અવતરણ જુઓ:

‘પ્રેમમાં વધારે શું કે ઓછું શું? કઈ રીતે નક્કી કરીશું? પછી ખબર પડી, પ્રેમમાં સંતુલન હોતું જ નથી. પ્રેમનું ત્રાજવું હંમેશાં ઊંચું કે નીચું, ઓછું કે વધારે જ રહેવાનું. અસંતુલનનો અર્થ જ એ કે તમે વ્યક્તિ તરીકે શ્વાસ લઈ રહ્યા છો, મથી રહ્યા છો, કે તમે હજી કોઈના તાબે થયા નથી. શું ઈશ્વર પણ અપૂર્ણ નથી? એ પણ સતત ઘડાતો નથી?’ 

લેખકે નવલિકાની પારંપરિક વિભાવનાઓથી સંપૂર્ણપણે તો નહીં, પણ બને એટલું અંતર જાળવીને આગવો લય પેદા કરવાની સફળ કોશિશ કરી છે. અહીં શાલીન પ્રયોગશીલતા છે, સ્થૂળ પ્રયોગખોરી નહીં. અહીં કશું જ દુર્બોધ કે ક્લિષ્ટ નથી, બલકે સુંદર પ્રવાહિતા છે. અલબત્ત, કોઈક જગ્યાએ નકરી માહિતી રસક્ષતિ જરૂર કરે છે. ઉપલક દષ્ટિએ આ વાર્તાઓમાં ભલે વિષય વૈવિધ્ય ન લાગે, પણ લગભગ ચમત્કારિક રીતે એનું હોવું-ન હોવું અહીં અપ્રસ્તુત બની ગયું છે. કદાચ વાર્તાઓની સળંગસૂત્રતાને કારણે જ પુસ્તક એક વિશિષ્ટ માહોલ ઊભો કરી શક્યો છે.

Ajay Sarvaiya
એમ. એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લિંગ્વિસ્ટિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત યુવા લેખક અજય સરવૈયાની લેખનયાત્રા ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’ જેવાં સામયિકોથી થઈ હતી. એ ‘ચિત્રલેખા’ને કહે છે:

‘હું નવલિકા લખવા બેસું ત્યારે અંત સ્પષ્ટ ન હોય. જેમ જેમ આગળ લખાતું જાય એમ ક્રમશ: વાર્તા ઊઘડતી જાય. મને વાર્તા ફક્ત લખવા ખાતર લખવામાં રસ હોતો નથી. મારો પ્રયત્ન એવું સર્જન કરવાનો હોય છે - નવા અપ્રોચ, નવી સંકલ્પનાઓ, નવા પ્રયોગ - જેના થકી સંભવત: સાહિત્યમાં કશુંક ઉમેરાતું હોય. સત્યની શોધ આપણે મનોવિજ્ઞાનથી, ફિલોસોફીથી, ધાર્મિકતાથી કરતા હોઈએ છીએ, પણ કેટલાંક સત્યો એવાં છે જે કેવળ સાહિત્ય દ્વારા જ શોધી શકાય. મારાં લેખનની દિશા આ સત્યોને શોધવા તરફની છે.’

એક નિશ્ચિત સ્તરની સાહિત્યિક સજ્જતા ધરાવતા વાચકોને વારંવાર વાંચવું ગમે એવું પુસ્તક.  ચીલાચાલુ ટાઈમપાસ વાર્તાઓના શોખીનોએ આ સંગ્રહથી દૂર રહેવું!          0 0 0                                                                                


 ફેક્ટ એન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ 

લેખક: અજય સરવૈયા

પ્રકાશક: સાહચર્ય પ્રકાશન-મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ

ફોન: (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦

કિંમત:  ૧૭૫ / 
પૃષ્ઠ: ૨૩૮


Saturday, September 15, 2012

ફ્રોમ વૂડી વિથ લવ


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 16 સપ્ટેમ્બર 2012 

મલ્ટિપ્લેક્સ
 
વૂડી એલન 76 વર્ષની વયે પણ ફાંકડી ફિલ્મો બનાવી જાણે છે. એમનો થનગનાટ હજુ બીજા પંદર વર્ષ સુધી ઢીલો પડે એવો નથી. સ્ત્રી-પુરુષના સંબંધોને રમતિયાળ ઢબે પડદા પર પેશ કરતા આ ફિલ્મમેકરનું ખુદનું અંગત જીવન  ખાસ્સું ઘટનાપ્રચૂર રહ્યું છેયુ યુઝ સેક્સ ટુ એક્સપ્રેસ એવરી ઈમોશન્સ એક્સેપ્ટ લવ! 

સ્માર્ટ વનલાઈન જેવો આ ચટાકેદાર સંવાદ ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્ઝ’ ફિલ્મનો છે. એક સ્ત્રી એના પતિને કહી રહી છે કે તું તારી તમામ લાગણીઓ વ્યક્ત કરવા સેક્સનો સહારો લે છે, એક માત્ર પ્રેમને બાદ કરતાં! આ ફિલ્મના યહૂદી રાઈટર-ડિરેક્ટર છે, એલન સ્ટુઅર્ટ કોનિગ્સબર્ગ. અજાણ્યું લાગે છે આ નામ? વેલ, હોલીવૂડના દંતકથા‚પ ફિલ્મમેકર વૂડી એલનનું તે ઓરિજિનલ નામ છે.  ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્સ’ 1992માં રિલીઝ થઈ હતી. તે વર્ષ વૂડી એલનનું અંગત જીવનમાં વિસ્ફોટક પૂરવાર થયું હતું, પણ એની વાત થોડી વાર પછી. આજે આપણે વૂડી એલનની વાત એટલા માટે માંડી છે કે એમની લેટેસ્ટ ફિલ્મ ‘ટુ રોમ વિથ લવ’ ગયાં અઠવાડિયે ભારતમાં ચુપચાપ રિલીઝ થઈ ગઈ. 76 વર્ષના વૂડી એલનની આ ચોપનમી ફિલ્મ છે. એ 47 વર્ષોથી લાગલગાટ ફિલ્મો બનાવી રહ્યા છે. આટલા સમય અંતરાલમાં તેઓ કુલ 23 વખત ઓસ્કર માટે નોમિનેટ થયાં અને એમાંથી ચાર ઓસ્કર જીતી પણ ગયાં - ત્રણ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે અને એક બેસ્ટ ડિરેક્શન માટે. એ વાત જુદી છે કે આ મૂડી માણસ ઓસ્કર સમારંભમાં દર વખતે ધરાર ગેરહાજર રહે છે, એટલું જ નહીં, ટીવી પર જોવાનું પણ ટાળે છે!

ચપટું નાક, જાડાં ચશ્માં, મામૂલી ચહેરો, પાતળિયું, અતિ સ્ફૂર્તિલું શરીર અને મશીનગનથી જેમ ધડધડાટ શબ્દો ફેંકતી વાણી - વૂડી એલનની બાહ્ય પર્સનાલિટીમાં દાયકાઓથી કશો ફર્ક પડ્યો નથી. મૂળ તો એ લેખક. રમૂજ એમનું મુખ્ય શસ્ત્ર. 19 વર્ષની ઉંમરથી એમણે જુદા જુદા ટીવી શોઝ માટે લખવાનું શ‚ કરી દીધું હતું. તે પછી તેઓ સ્ટેન્ડ-અપ કોમેડિયન બની ગયા. સ્ટેન્ડ-અપ કોમેડીને એક કરીઅર તરીકે પ્રસ્થાપિત અને પોપ્યુલર કરવામાં વૂડી એલનનું મહત્ત્વનું યોગદાન છે. તેઓ ટૂંકી વાર્તાઓ લખતા, જે ‘ન્યુયોર્કર’ જેવા મેગેઝિનોમાં પ્રકાશિત થતી. એ પછી એમણે બ્રોડવે માટે નાટકો લખવાનું અને પ્રોડ્યુસ કરવાનું શ‚ કર્યું. ‘પ્લે ઈટ અગેન, સેમ’ નાટકનાં સાડાસારસો કરતાંય વધારે શોઝ થયા, જેમાં એમણે એક્ટિંગ પણ કરી હતી. હવે પછીનું નેક્સ્ટ લોજિકલ સ્ટેપ હતું, હોલીવૂડ. વૂડી એલન જોકે ફિલ્મી દુનિયામાં પગ મૂકે એ પહેલાં જ ‘લાઈફ’ મેગેઝિનનાં કવર પર ચમકી ગયા હતા.

Diane Keaton with Woody Allen in his most popular film, Annie Hall.
Click below for its trailer 
                                      http://www.youtube.com/watch?v=M85gaKOtKVo

હોલીવૂડમાં તેમણે શ‚આત તો લેખક તરીકે જ કરી. પહેલી જ ફિલ્મમાં જ હીરોલોગ વચ્ચે થયેલી હૂંસાતૂંસીને કારણે જે રીતે સંવાદોમાં કત્લેઆમ થઈ અને અમુક લખાપટ્ટી સેટ પર ચાલુ શૂટિંગ દરમિયાન કરવી પડી, એ જોઈને વૂડી એલનને બ્રહ્મસત્ય સમજાઈ ગયું: હું જો કેવળ લેખક રહીશ તો મારાં લખાણ પર મારો કોઈ ક્રિયેટિવ કંટ્રોલ રહેશે નહીં. તેથી એમણે બહુ જ ત્વરાથી પહેલાં ડિરેક્ટર તરીકે અને પછી પ્રોડ્યુસર તરીકે ગતિ શ‚ કરી દીધી. વૂડી એલનને આખી ફિલ્મની લગામ પોતાના હાથમાં જોઈએ - સ્ક્રિપ્ટ, કાસ્ટિંગથી લઈને છેક એડિટિંગ સુધી. ઈવન, સ્ટાર્સ લોકોને પણ માત્ર એમનાં દશ્યોવાળાં જ પાનાં આપવામાં આવે. વૂડીની ફિલ્મો એક તો ફટાફટ બની જાય. મોટા મોટા સિતારાઓ પોતાની નોર્મલ ફી કરતાં ખૂબ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ જાય. હોલીવૂડના ટોપ સ્ટુડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મોની તુલનામાં વૂડી એલનની ફિલ્મો ખૂબ નાની ગણાય. વળી, એનું બજેટ જ એટલું ઓછું હોય કે કોઈએ પૈસા ગુમાવવાનો વારો ન આવે.

‘એની હૉલ’ અને ‘મેનહટ્ટન’ વૂડી એલનની સંભવત: સૌથી વિખ્યાત ફિલ્મો છે. અમેરિકન સિનેમામાં એમણે ત્વરાથી પોતાનું એક ઊંચું સ્થાન બનાવી કાઢ્યું. એ ‘સિનેમાજગતની કિમતી જણસ’ કહેવાયા. સ્ત્રી-પુરુષના સંબંધો અને રમૂજ - વૂડીની ફિલ્મોમાં આ બે તત્ત્વો સામાન્યપણે સૌથી વધારે જોવા મળે. સ્ત્રી-પુરુષના સંબંધોના મામલામાં વૂડી સ્વયં ખાસ્સા અનુભવ-સમૃદ્ધ છે. પહેલી વાર લગ્ન કયાર્ર્ં ત્યારે એ ફક્ત 19 વર્ષના હતા અને કન્યા હતી સોળની. તેમણે કુલ ત્રણ લગ્નો કર્યાં. છૂટક અફેર્સ અને લિવ-ઈન રિલેશનશીપ્સ લટકામાં. મિઆ ફેરો નામની એક્ટ્રેસ સાથે પ્રેમસંબંધ દસ વર્ષ ચાલ્યો. જોકે બન્નેએ ન લગ્ન કર્યાં, ન એક છત નીચે રહ્યાં. મિઆ એક દત્તક દીકરીને ‘આંગળીએ’ લેતી આવી હતી. નામ એનું સૂન-યી પ્રેવિન. મિઆ અને એના આગલા પાર્ટનરે સૂન-યીને અડોપ્ટ કરી હતી. આમ, સંબંધની દષ્ટિએ વૂડી એલન આ છોકરીના પિતાતુલ્ય વ્યક્તિ ગણાય. વૂડી અને મિઆએ બીજાં બે બાળકોને દત્તક લીધાં. એક સગાં સંતાનનાં મા-બાપ પણ બન્યાં. ધરતીકંપ ત્યારે સર્જાયો જ્યારે વૂડી પાસેથી 20 વર્ષીય સૂન-યીની, એટલે કે પ્રેમિકાની દત્તક દીકરીની, નગ્ન તસવીરો મળી આવી. સંબંધમાં ભંગાણ પડ્યું, બન્ને નોખાં પડી ગયાં અને વૂડીએ પોતાનાં કરતાં 34 વર્ષ નાની સૂન-યી સાથે કાયદેસર લગ્ન કરી લીધાં! હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. મિડીયાને જલસો પડી ગયો. વૂડી પર ફિટકાર વરસ્યો. દીકરી સમાન યુવતી સાથે લગ્ન થાય જ કેમ? વૂડીની ઈમેજ ખરડાઈ ગઈ. જોકે વૂડી બહાદૂરીપૂર્વક પોતાના નિર્ણયને વળગી રહ્યા. તેઓ હંમેશા કહેતા રહ્યા, ‘જુઓ, સૂન-યી મારી ભૂતપૂર્વ પ્રેમિકાની દત્તક દીકરી હતી, મારી નહીં. મેં સૂન-યીને ક્યારેય કાયદેસર રીતે ક્યારેય અડોપ્ટ નહોતી કરી. હું એના પ્રેમમાં પડ્યો ને પરણી ગયો. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યું?’

Woody Allen with his wife Soon-Yi and kids


વૂડી અને સૂન-યી હજુય એકમેકની સાથે ટકી રહ્યાં છે. પર્સનલ લાઈફમાં ઊથલપાથલ થતી રહી, પણ વૂડીનું કામ ક્યારેય ન અટક્યું. વૂડી હાડોહાડ ન્યુયોર્કવાસી છે. એમની ફિલ્મોમાં ન્યુયોર્ક શહેર એક મહત્ત્વના કિરદાર તરીકે સતત ઊભરતું રહ્યું છે.  2005માં એમણે ‘મેચપોઈન્ટ’ નામની ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર અમેરિકાની બહારનું કોઈ શહેર - લંડન - લોકાલ બન્યું. આ ફિલ્મ હિટ થઈ અને યુરોપિયન દેશોમાં ફિલ્મો બનાવવાનો  દૌર શ‚ થયો - ‘સ્કૂપ’ અને ‘કેસેન્ડ્રાઝ ડ્રીમ’ (બન્ને લંડન), ‘વિકી ક્રિસ્ટીના બાર્સેલોના’, ‘મિડનાઈટ ઈન પેરિસ’, રોમવાળી લેટેસ્ટ ફિલ્મ વગેરે. શહેરોને એક્સપ્લોર કરવાની એક સુંદર દષ્ટિ વૂડી પાસે છે. એમને વિદેશોમાંથી સતત આમંત્રણો મળતાં રહે છે: મિસ્ટર એલન, તમે અમારે ત્યાં આવો, ફિલ્મ બનાવો, ફાયનાન્સની વ્યવસ્થા થઈ જશે! તેઓ કહે છે કે જો મને ઈન્ડિયાથી આમંત્રણ આવે અને કંઈક ફની પ્લોટ મળી જાય તો હું તો ઈન્ડિયામાં પણ ફિલ્મ બનાવવા તૈયાર છું. વૂડીએ આજ સુધી એક પણ ભારતીય ફિલ્મ જોઈ નથી એ અલગ વાત થઈ. જાતે જ થોપી દીધેલા પ્રલંબ સિનેમેટિક ‘દેશનિકાલ’ પછી એમની હવે પછીની ફિલ્મ નખશિખ અમેરિકન છે. ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં સાત જ અઠવાડિયામાં આખેઆખી ફિલ્મનું શૂટિંગ થઈ જશે.

‘રિટાયરમેન્ટ જેવો શબ્દ જ મારી ડિક્શનરીમાં છે જ નહીં,’ હોલીવૂડના આ દેવ આનંદ કહે છે, ‘પેરેલિસિસ કે હૃદયરોગનો હુમલો આવે ને મારે ઘરે બેસી જવું પડે યા તો પછી મને ફાયનાન્સ મળવાનું બંધ થાય તો અલગ વાત છે. ધારો કે એવું થાય તો ય હું  નવરો તો નહીં જ બેસું. ઘરે બેઠા બેઠા નાટકો ને પુસ્તકો લખીશ. સિમ્પલ!’

શો-સ્ટોપર

ફિલ્મમેકિંગનો સંબંધ પરફેક્શન સાથે નહીં, કોમ્પ્રોમાઈઝ સાથે છે. ક્યાં કેટલું સમાધાન કરી શકાય એમ છે તેની તમને ખબર હોવી જોઈએ. તમે પરફેક્ટ કોમ્પ્રોમાઈઝ કરતા શીખી જાઓ એટલે જંગ જીતી ગયા.  

- આમિર ખાન 

પહેલો હક ભાવનગરનો!


 ચિત્રલેખા - અંક તા.  3 સપ્ટેમ્બર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 

Maharaja Krishnakumar Sinhji of Bhavnagar

                                                                                 
રાત્રિના ૧૧ વાગ્યા છે. દિલ્હીમાં બિરલા હાઉસ સ્થિત નિવાસસ્થાનમાં ગાંધીજી પરવારીને પોતાનાં અંતેવાસી મનુબહેન ગાંધીને ફરી એક વાર તાકીદ કરે છે: ‘દરવાજે સમય કરતાં પાંચેક મિનિટ વહેલી ઊભી રહેજે. મુલાકાતીને બરાબર સારી રીતે આવકાર આપજે.’

મનુબેનને નવાઈનો પાર નથી. એવું તો કોણ મળવા આવવાનું છે? ગાંધીજીને મળવા તો વાઈસરોય સહિતના અનેક મુલાકાતીઓ આવે છે, પણ તેમના માટે પણ ગાંધીજી આવી પૂર્વતૈયારી કરતા નથી! આ આગંતુક છે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. વર્ષો પહેલાં ગાંધીજી ભાવનગરના મહેલમાં આવ્યા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજી તેર વર્ષના તરૂણ હતા. આજે એ ૩૬ વર્ષના યુવાન બની ગયા છે.  આટલાં સમયમાં ગંગામાં ઘણાં નીર વહી ગયાં છે. દેશ આઝાદ થઈ ચૂક્યો એ વાતને ય ચાર મહિના થઈ ગયા છે.

શું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આગમનનું પ્રયોજન? અખંડ ભારતમાં ભળવા માટે દેશભરના રજવાડાઓ જ્યારે આનાકાની કરી રહ્યા હતા ત્યારે નોખી માટીના આ રાજવી સામે ચાલીને પોતાની રાજ્યસત્તા અને જાહોજલાલી નિષ્કપટ ભાવથી ગાંધીજીને ચરણે ધરી દેવા આવ્યા હતા. એમણે ગાંધીજીને વિનમ્રભાવે કહ્યું હું રોકડ, મિલકતો વગેરે જવાબદાર રાજતંત્રને સોંપી દઈશ. તમારી સંમતિ હશે એટલી જ ખાનગી મિલકત રાખીશ અને સાલિયાણું પણ તમે નક્કી કરી આપો એટલું જ લઈશ. સૂર્યવંશી ગોહિલકુળના ૭૦૦ વર્ષના શાસનના સંધિકાળે ઈતિહાસે કપરી પરિસ્થિતિ સર્જી નાખી હતી, પણ મહારાજાએ આત્મગૌરવપૂર્વક મૂઠીઉંચેરો નિર્ણય લઈ ગાંધીજી સહિત સૌને આશ્ચર્યચકિત કરી દીધા. તેમનાં આ પગલાએ દેશની અખંડતા અને એકતાને સાકાર કરવાની પ્રક્રિયાને પ્રચંડ વેગ આપી દીધો.

Ghogha Circle (Photo courtesy: Amul Parmar) 

આજનાં પુસ્તકમાં ભાવનગરના આ પ્રજાવત્સલ અને દૂરંદેશી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની રસપ્રદ જીવનકથા આલેખાઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ કંઈ રાજવી પર ઠાલા ગુણગાનનો વરસાદ વરસાવી દેતું ફરમાસુ પુસ્તક નથી. આ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું બહુ-પરિમાણી સર્જન છે. અહીં મહારાજાના સમયનો સંપૂર્ણ રાજકીય અને સામાજિક પરિવેશ રસપ્રદ રીતે વાચક સામે ક્રમશ: ઊઘડતો જાય છે.

Maharaja Bhavsinhji
કૃષ્ણકુમારસિંહજીના પિતા એટલે મહારાજા ભાવસિંહજી (બીજા). સર પ્રભાશંકર પટ્ટણી એમના મિત્ર અને વિચક્ષણ દીવાન. ભાવસિંહજીનાં લગ્ન ૧૯૦૫માં નંદકુંવરબા સાથે થયાં પછી લાંબા સમય સુધી સંતાન ન થયું. તેથી પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવાનું વ્રત લીધેલું. આખરે ૧૯૧૨માં યુવરાજ કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ત્યારે મહારાજા સ્વયં પ્રભાશંકરને વધામણી આપવા વહેલી પરોઢે એમના ઘર ગયા હતા.  કમનસીબે કૃષ્ણકુમારસિંહજીના નસીબમાં માતા-પિતાનું સુખ ઝાઝું લખાયું નહોતું. એ હજુ માંડ સાત વર્ષના થયા ને મસ્તક પરથી મા-બાપ બન્નેની છત્રછાયા જતી રહી. એ પછી કૃષ્ણકુમારસિંહજી તેમજ એમનાથી ય નાનાં એક ભાઈ અને એક બહેન માટે પ્રભાશંકર પટ્ટણી વડીલ સ્વજન બની રહ્યા.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના બહુઆયામી વ્યક્તિત્વને ઉજાગર કરતાં કેટલાય પ્રસંગો પુસ્તકમાં વર્ણવાયા છે. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એમને મદ્રાસ પ્રાંતના પહેલા ભારતીય રાજ્યપાલ તરીકે  નિયુક્ત કર્યા હતા. ભાવનગરની જનતાને લાગણીશીલ બનાવી દેવા માટે આ સમાચાર  પૂરતા હતા. મહારાજાએ મદ્રાસ જતાં પહેલાંના અંતિમ પ્રવચનમાં હૃદયભીના શબ્દોમાં કહ્યું હતું કે હું ગમે ત્યાં હોઉં, પણ ભાવનગરને ભૂલીશ નહીં. આ જન્મ ભાવનગરની પ્રજા વાસ્તે ભગવાને મને દીધો છે એટલે મારા પર પહેલો હક આપનો છે. જ્યારે આપને મારી જરૂર હશે ત્યારે આ ચાકર તમારી સેવામાં હાજર થઈ જશે.  

Takhteshwar ni Tekriદક્ષિણ ભારતીયોને આમેય ઉત્તર ભારતના લોકો માટે થોડો અણગમો. એમાંય આ નવા ગર્વનર તો પાછા રાજવી કુળના વંશજ. ન એમને મદ્રાસીઓને ભાષા આવડે કે ન એમની રહેણીકરણીથી પરિચિત. છતાંય કૃષ્ણકુમારસિંહજી પોતાના વર્તાવ અને વ્યક્તિત્વથી ધીમે ધીમે એમના દિલમાં સ્થાન બનાવી શક્યા.

Gangajalia Talav


કૃષ્ણકુમારસિંહજીના ગર્વનરકાળ દરમિયાન એક અકલ્પ્ય ઘટના બની. બૂરી સંગતમાં પડી ગયેલા એમના નાના ભાઈ નિર્મળકુમારસિંહજી રાજકોટ જિલ્લાના રીબ નામના ગામમાં ધાડ કેસમાં સપડાયા. એમની ધરપકડ થઈ. કૃષ્ણકુમારસિંહજી ધારત તો પોતાની વગનો ઉપયોગ કરીને ભાઈને છોડાવી શકત, પણ કાયદાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો એમના સિધ્ધાંતનિષ્ઠ સ્વભાવની વિરુદ્ધ હતું. ભાઈને પૂરા છ વર્ષનો જેલવાસ થયો. મહારાજા ખૂબ દુખી થયા. એમનો સ્વભાવ ક્રોધી અને ચિડીયો થઈ ગયો. ગર્વનર તરીકેના કાર્યકાળના હજુ તો માંડ સાડાત્રણ વર્ષ થયા હતા છતાં એમણે દોઢ વર્ષ વહેલું રાજીનામું આપી દીધું. એ એટલા બધા ઘવાયા હતા કે નાના ભાઈની સજા પૂરી થઈ ગયો પછી પણ બે વર્ષ સુધી એમને મળ્યા નહીં. ખેર, અન્યોની સમજાવટથી આખરે એ ભાઈને ફ્કત એક જ વખત મુલાકાત આપી. એ પછી મહારાજા ૫૩ વર્ષની વયે દેવ થઈ છેક ત્યારે નિર્મળકુમારસિંહજી પહેલી વાર નીલમબાગ પેલેસમાં પધાર્યા હતા.

Neelam Baug Palace


પુસ્તક તૈયાર કરવા પાછળ લેખક ગંભીરસિંહ ગોહિલે લીધેલી જહેમત સ્પષ્ટપણે દેખાય છે. પાને પાને તસવીરો, ચિક્કાર ફૂટનોટ્સ, ટાઈમલાઈમ અને પરિશિષ્ટ રૂપે અપાયેલી કેટલીય સામગ્રીને કારણે પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. રસાળ અને પ્રવાહી શૈલીને કારણે પુસ્તક સહેજે શુષ્ક બનતું નથી. લેખકે લખ્યું છે:

‘જીવનકથાના લેખકે હકીકતોની છાનબીન કરવાની હોય છે, પણ તેથીય વિશેષ હકીકતોના આંતરસત્ત્વને તેણે સમજવું પડે છે. તેવી સમજ મેળવવા જતાં જીવનકથાના ચરિત્રનાયકના ચિત્તતંત્રને પણ તાગવું પડે છે. આવા પ્રયાસો મેં ક્યાંક ક્યાંક કર્યા છે. તે દષ્ટિએ મહારાજાના વાર્તાલાપો કે મનોમંથનો મેં મૂક્યાં છે. તેમાંના કેટલાક ખરેખરા સંદર્ભો પર આધારિત છે. જ્યાં વાસ્તવિક આધાર નથી ત્યાં પણ સંભવિતતાને ધ્યાનમાં લીધી છે.’

લેખકના પ્રયાસો સફળતાને પામ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ જીવનકથા એક સંદર્ભગ્રંથ તરીકે પણ ઉપયોગી પૂરવાર થાય એમ છે.                                                                                               000


પ્રજાવત્સલ રાજવી

લેખક: ગંભીરસિંહ ગોહિલ 

પ્રકાશક: રાજવી પ્રકાશન, કાળવીબીડ, ભાવનગર-૨ 

ફોન: (૦૨૭૮) ૨૫૬ ૯૮૯૮ 
કિંમત:  ‚. ૬૦૦ /, પૃષ્ઠ: ૬૩૨

Tuesday, September 11, 2012

આપણને પ્રસન્ન થતાં રોકે છે કોણ?


 ચિત્રલેખા - અંક તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 
                                                   

‘માણસ ત્રણ ‘વિ’માં જીવે છે. ઘણા માણસો વિદ્રોહમાં જીવે છે, ઘણા માણસો વિનોદમાં જીવે છે અને ઘણા માણસો વિસ્મયમાં જીવે છે.’

ક્યારેક વાક્યની રચના કે વાતને રજૂ કરવાની શૈલી એને કહેનારની ઓળખ બની જતી હોય છે. ઊપરનાં વિધાન વાંચતાની સાથે મનમાં મોરારીબાપુનું ચિત્ર ન ઊપસે તો જ આશ્ચર્ય! આજે જે બે પુસ્તકોની વાત કરવી છે એમાં પહેલાં પાનાંથી છેલ્લાં પૃષ્ઠ સુધી મોરારીબાપુ હાજરાહજૂર એટલા માટે છે કે આ પુસ્તકોનો મુખ્ય આધાર એમની રામકથાઓ છે.

‘આનંદ રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાં મોરારીબાપુ કહે છે કે નંદવાય નહીં તે પ્રસન્નતાનું નામ આનંદ! પ્રસન્નતા ક્યારેય જન્મ લેતી નથી. તે તો સદા હાજર જ છે. પ્રસન્નતાનું તો પ્રગટીકરણ થાય છે. આનંદ તો આપોઆપ ફૂટે છે. પ્રસન્ન એ છે જે સમતામાં જીવે છે. પ્રસન્ન એ છે જે બીજાના અવગુણો નહીં, ગુણો જોયા કરે. એમાં ખોટું શું એ ન જુએ, ખરું કેટલું એ જોયા કરે. મરવાની પણ ફૂરસદ ન હોય એ પ્રસન્ન છે. પોતે અપ્રસન્ન રહેવું અને બીજાને અપ્રસન્ન કરવાં એ બન્ને મોટામાં મોટાં પાપ છે.

પ્રસન્નતાનાં સાત લક્ષણો છે: ગુણગ્રહીતા, આનંદસભરતા, રસસભરતા, હૃદયસભરતા, સમતાસભરતા, કર્મસભરતા અને પ્રેમસભરતા. મોરારીબાપુ હરખ અને પ્રસન્નતા વચ્ચે સુંદર વિભાજનરેખા દોરી આપે છે. એ કહે છે કે, ‘હરખાવું એ પ્રસન્નતા નથી. પ્રસન્ન થવું અને હરખાવું એમાં બહુ અંતર છે. હરખાવું એ મનનું લક્ષણ છે - મનનું ક્ષેત્ર છે, જ્યારે પ્રસન્નતા એ ચિત્તનું લક્ષણ છે. આપણને લાભ થાય અને આપણે જે ખુશી અનુભવીએ એ હરખ કહેવાય. બીજાને લાભ થાય અને આપણને જે ખુશી થાય એને પ્રસન્નતા કહેવાય.’

મોરારીબાપુની ધારદાર રમૂજવૃત્તિ વિખ્યાત છે. એ હળવા સૂરે ઉમેરી દે છે કે, ‘તમને ખાનગીમાં કહી દઉં કે માણસ હસે તોય રૂડો ન લાગેને તો એનો ભરોસો ન કરવો!’‘સુખ-દુખ આનંદના સહોદર’ વિભાગમાં પ્રારંભમાં જ કહેવાયું છે કે અસ્તિત્ત્વે દુખની વ્યવસ્થા કરી જ નથી. દુખની વ્યવસ્થા માણસના મલિન મને કરી છે. પ્રસન્નતા, સુખ અને આનંદ માટેની પૂર્વશરત છે, શાંતિ. શાંતિ વગર પ્રસન્નતા અને સુખ મળશે નહીં અને મળશે તો ટકશે નહીં. માણસની દુખી થવાની પૂર્વતૈયારી જ એને દુખી કરે છે. જેને દુખી નથી થવું એને ઈશ્વર પણ દુખી કરી શકતો નથી! આટલું કહીને મોરારીબાપુ ઉમેરે છે:

‘સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુખ ઉત્પન્ન કરે છે. આપણા જીવનના મોટા ભાગનાં દુખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુખો ટકાઉ નથી. ભુલ સુધરી, દુખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું સત્ય બોલો તો દુખ ગયું. દુખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુખ ગયું એ સૂત્ર પાકું છે. કોઈ કોઈને સુખ નથી આપતું. કોઈ કોઈને દુખ નથી આપતું. સુખ અને દુખના દાતા કોઈ નથી. સુખ અને દુખ વ્યવહારનું સત્ય છે. પ્રત્યેક વ્યક્તિના સુખનું મૂળ એ છે કે જીવનમાં પ્રામાણિકતા હોય. જીવનમાં સત્ય છે એ જ સુખ છે, બાકી સુવિધા છે.’

મોરારીબાપુની શબ્દોની પસંદગી અને ભાષા પરનું પ્રભુત્વ શ્રોતાને (અને વાચકને) હંમેશાં પ્રસન્ન કરી મૂકે છે. ગુજરાતી ભાષા જાણે સંપૂર્ણ અભિજાત્ય અને ગરિમા સાથે મન મૂકીને મનોહર નર્તન કરી રહી હોય એવું વાતાવરણ મોરારીબાપુ અત્યંત સહજ રીતે સર્જી જાણે છે. આ પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે હળવા ચિંતનાત્મક વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

બીજું પુસ્તક ‘જીવન રાહ બતાવે રામાયણ’ બાર પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જીવન કોને કહેવાય? જીવન એને કહેવાય, જ્યાં કોઈપણ પ્રકારનો અભાવ ન હોય. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. બીજી વ્યાખ્યા છે, જ્યાં પરાધીનતા ન હોય, એનું નામ જીવન. પરાધીનતા જીવનનો પરિચય નથી. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એ સ્થિતિ પણ જીવનની સમાનાર્થી છે. જ્યાં રસિકતા હિલોળે ચડતી હોય અને જ્યાં શાંતિની, ભક્તિની, શક્તિની શોધ ચાલતી હોય એ જીવન!આ પુસ્તકોમાંથી પસાર થતી વખતે, અચાનક જ, બજારમાં ઉપલબ્ધ પ્રેરણાનાં કેટલાય પુસ્તકો પોલાં લાગવા માંડે છે. એનું કારણ એ છે કે આ પુસ્તકોનો પાયો રામાયણ તેમજ અન્ય ધર્મગ્રંથો છે અને આ શબ્દો કહેનારી વ્યક્તિ એનાં સત્ત્વ-તત્ત્વને પચાવી ચૂકી છે, એનાથી સંપૂર્ણપણે રસાયેલી છેે. મોરારીબાપુ સ્વયં કહે છે કે  મેં પુસ્તકો બહુ વાંચ્યાં નથી, પણ દુનિયાભરમાં ફરીને માણસોનાં મસ્તક ખૂબ વાંચ્યાં છે! વ્યાવહારિકતાના આધારે પર ઊભેલી એમની વાતો સાથે સતત રિલેટ કરી શકાય છે. આ રૂપકડાં પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે જીવનકેન્દ્રી અને સત્ત્વશીલ વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

 સૂઝપૂર્વક તૈયાર થયેલાં આ પુસ્તકો વાસ્તવમાં અંગ્રેજી સહિત ચાર ભાષામાં પ્રગટ થનારી પાંચ પુસ્તકોની શ્રેણીની પ્રથમ બે કડી છે. સંપાદક-પ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે: ‘બાપુની ૩૦૯ જેટલી કથાઓ, એમણે જુદા જુદા પ્રસંગોએ આપેલાં પ્રવચનો, મુલાકાતો, અખબારી અહેવાલો, અમુક વેબસાઈટ્સ પર મૂકાયેલું ક્ધટેન્ટ, કોલમ, બાપુએ લખેલાં જૂનાં પત્રો વગેરેમાંથી આ પુસ્તકોની સામગ્રીનું ચયન કરવામાં આવ્યું છે. આ શ્રેણી પોણા-બે વર્ષની મહેનતનું પરિણામ છે.’

વેલ, મહેનત લેખે લાગી છે.  વારંવાર વાંચવાં ગમે એવાં સુંદર પુસ્તકો!  0 0 0


 આનંદ રાહ બતાવે રામાયણ / જીવન રાહ બતાવે રામાયણ 

વકતા-લેખક : મોરારિબાપુ
સંપાદક : યોગેશ ચોલેરા
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
વિક્રેતા:  બુકમાર્ક, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
પ્રત્યેક પુસ્તકની કિંમત:   ૧૬૦ /
પૃષ્ઠ: અનુક્રમે ૨૧૦ અને ૧૯૪
Monday, September 10, 2012

બ્લડ કેન્સરથી બરફી સુધી


 દિવ્ય ભાસ્કર-  રવિવાર પૂર્તિ - 9 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

ફિલ્મમેકર અનુરાગ બાસુને બ્લડ કેન્સર ડિટેક્ટ થાય છે. ડોક્ટરોના હિસાબે એમનું આયુષ્ય માત્ર ત્રણેક મહિના જેટલું છે. અનુરાગ હિંમત હાર્યા વિના આ ઘાતક બીમારીનો આત્મવિશ્વાસપૂર્વક મુકાબલો કરે છે. આજે આઠ વર્ષ પછી એ હણહણતા અશ્વ જેવા છે. વતા શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ ‘બરફી’નાં બન્ને પાત્રો દુન્યવી દષ્ટિએ નોમર્લ નથી. એક શારીરિક રીતે વિકલાંગ છે, બીજું માનસિક રીતે. નાયક રણબીર કપૂર મૂક-બધિર છે, જ્યારે નાયિકા પ્રિયંકા ચોપડા ઑટિસ્ટિક છે. છતાંય બન્ને જલસાથી જીવે છે. તેઓ જબરાં શરારતી છે, મોજ-મસ્તીમાં રત રહે છે અને કહેવાતા ‘નોર્મલ’ લોકોને ઈર્ષ્યા આવી જાય એવી પ્રસન્ન જિંંદગી જીવે છે. જીવનરસથી છલોછલ આ પાત્રોને રચનાર ડિરેક્ટર-રાઈટર અનુરાગ બસુએ મૃત્યુને પોતાની આંખોની સાવ સામે જોયું છે. વાત વિગતે જાણવા જેવી છે.

2008નું એ વર્ષ. કેટલીટ ટીવી સિરિયલો પછી ‘કુછ તો હૈ’ અને ‘સાયા’ જેવી નબળી અને ‘મર્ડર’ જેવી સુપરહિટ ડિરેક્ટ કર્યા  બાદ અનુરાગ બસુ ‘તુમસા નહીં દેખા’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મ અડધી શૂટ થઈ ગઈ હતી. એક દિવસ અનુરાગ સખત બીમાર પડી ગયા. એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.  જાતજાતના ટેસ્ટ્સને અંતે નિદાન થયું: અનુરાગ બસુ લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરથી પીડાય છે. આટલું જાણે ઓછું હોય તેમ ડોક્ટરે બીજો વિસ્ફોટ કયોર્ર્: પ્રત્યેક સેકન્ડે અનુરાગની તબિયત વધુને વધુ ગંભીર થતી જાય છે. એમનું આયુષ્ય હવે માંડ ત્રણથી ચાર મહિના જેટલું છે, બસ.


પરિવાર આઘાતથી મૂઢ થઈ ગયો. બ્લડ કેન્સર? ચાર મહિના? આવી ભયાનક વાત હોસ્પિટલના બિસ્તર પર પડેલા અનુરાગને કહેવી કેવી રીતે? પત્ની અને અન્ય સ્વજનો સતત અનુરાગની સાથે રહેતાં હતાં, પણ કોઈના મોંમાથી એક શબ્દ સુધ્ધાં નીકળી શકતો નહોતો. પીડાથી એમના ચહેરા કાળા પડી ગયા હતા. એક દિવસ મહેશ ભટ્ટ એમને જોવા હોસ્પિટલ આવ્યા. તેઓ ‘તુમસા નહીં દેખા’ના પ્રોડ્યુસર હતા. એમણે અનુરાગના મસ્તક પર હાથ ફેરવ્યો અને પછી મોટેથી રડી પડ્યા. અનુરાગ ચોંકી ઉઠ્યા. મહેશ ભટ્ટ જેવો મજબૂત માણસ આમ ધ્રૂસકે ધ્રૂસકે રડે? અનુરાગે પૂછ્યું: ભટ્ટસાબ, શું વાત છે? આખરે મહેશ ભટ્ટે કઠણ થઈને કહી દેવું પડ્યું: અનુરાગ, તને બ્લડ કેન્સર છે. અનુરાગ ઘા ખાઈ ગયા, પણ એમણે ચહેરા પરથી કશું કળાવા ન દીધું. પ્રયત્નપૂર્વક હળવા રહીને એમણે કહ્યું: તાવ, શરદી, બ્લડ કેન્સર... શું ફરક પડે છે? મને તો આ હોસ્પિટલના એરકન્ડીશન્ડ કમરામાં મજા આવે છે!

...અને કેન્સર સામે ભીષણ યુદ્ધની શ‚આત થઈ. મહિનાઓ વીત્યા. વર્ષો વીત્યાં. જીવલેણ બીમારી સામે મુકાબલો ચાલતો રહ્યો. આને જબરદસ્ત માનસિક તાકાત કહો, તીવ્ર જીજીવિષાનું પરિણામ કહો, મેડિકલ સાયન્સનો પ્રતાપ કહો  કે ઉપરવાળાના આશીર્વાદ... અનુરાગ બસુ આજે આઠ વર્ષ પછી પણ રાતી રાયણ જેવા છે.

અધૂરી રહી ગયેલી ‘તુમસા નહીં દેખા’ પછી મહેશ ભટ્ટ અને મોહિત સૂરિએ પૂરી કરી નાખી. બીમારીમાંથી પૂરેપૂરા બહાર આવે ન આવે તે પહેલાં જ અનુરાગ બસુ બમણાં જોશથી કામે ચડી ગયા. એમનું વ્યક્તિત્ત્વ વધારે જીવંત બની ગયું. એ વધુ માનવીય, વધુ પ્રેમાળ બની ગયા હતા. કેન્સર સામે લડતા દર્દીઓ માટે અનુરાગ બસુ એક ઉત્તમ ઉદાહરણ ગણાય. કેન્સર એટલે કેન્સલ નહીં, પ્લીઝ. 2006 અને 2007માં અનુરાગે બે ફિલ્મો બનાવી - અનુક્રમે ‘ગેંગસ્ટર’ અને ‘અ લાઈફ ઈન અ મેટ્રો’. બેસ્ટ સ્ક્રીનપ્લે અને ડિરેક્શન માટે એમના પર અવોર્ડઝનો વરસાદ વરસ્યો. એ પછીની હૃતિક રોશનને લઈને બનાવેલી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કાઈટ્સ’ જોકે ફ્લોપ થઈ ગઈ. હવે બે વર્ષે તેઓ ‘બરફી’ લઈને આવ્યા છે.રણબીર જેવો તગડો એક્ટર હોય, ખૂબસૂરત કહાણી હોય અને ફિલ્મનો હાઈક્લાસ પ્રોમો દિવસમાં કેટલીય વાર ટીવી સ્ક્રીન પર રોટેટ થયા કરતા હોય ત્યારે ઓડિયન્સની ઉત્સુકતાને વળ ચડે જ. અનુરાગ બસુ એક મુલાકાતમાં કહે છે, ‘રણબીરને દશ્ય પોતાની રીતે ભજવવાની આદત છે. હું એને સીન સમજાવું ત્યારે એ ધ્યાનપૂર્વક સાંભળશે, મૂંડી હલાવીને હા-હા કરતો રહેશે, મોંમાંથી એક શબ્દ નહીં ઉચ્ચારે, પણ એક વાર કેમેરા ચાલુ થાય પછી એને એ સમયે જે મનમાં આવે એ જ કરશે! રણબીર એવી કોઈક ચેષ્ટા કરી નાખશે કે કોઈ એક્સપ્રેશન આપી દેશે જે સીનમાં હોય જ નહીં. આ બધું સ્પોન્ટેનિયસ હોય, રણબીરને ખુદને ખબર ન હોય કે કેમેરા ઓન થયા પછી પોતે શું કરવાનો છે. મારે કેેમેરામેનને કહી રાખવું પડે કે ભાઈ, તું સતર્ક રહેજે, રણબીર એક્ટિંગ કરતાં કરતાં ગમે ત્યાં ઉડી જશે, પણ એ ફ્રેમની બહાર જતો ન રહે એનું ધ્યાન તારે રાખવું પડશે! એક ઉદાહરણ આપું. મેં એનાં પાત્ર માટે ચાર્લી ચેપ્લિન જેવાં જેસ્ચર આખી સ્ક્રિપ્ટમાં ક્યાંય નહોતા લખ્યાં. એક વાર અચાનક રણબીરે ચાર્લી ચેપ્લિન જેવું કશુંક કર્યું, મને ગમ્યું અને અમે સેટ પર જ ઈમ્પ્રોવાઈઝ કરતા ગયા. રણબીર ઈઝ અ ગ્ર્ોટ ફન, રિઅલી!’નવી પેઢીના અદાકારોમાં એક પ્રકારનું આકર્ષક ખૂલ્લાપણું છે. અગાઉ ક્હ્યું તેમ, ‘બરફી’માં પ્રિયંકા ચોપડાએ ઑટિસ્ટિક છોકરી બની છે. ઑટિઝમથી પીડાતા લોકોની બુદ્ધિમત્તા સરસ હોય, પણ એનાં વર્તન-વ્યવહાર મંદ અને વિચિત્ર લાગી શકે એવાં હોય. ‘માય નેમ ઈઝ ખાન’માં શાહ‚ખ ખાનનું પાત્ર ઑટિસ્ટિક હતું. શ‚આતમાં અનુરાગને બિલકુલ ખાતરી નહોતી કે પ્રિયંકા ઑટિસ્ટિક કેરેક્ટર ભજવી શકશે કે કેમ, પણ પ્રિયંકાએ ખાતરી આપી: સર, હું કરી લઈશ. મારા પર ભરોસો મૂકો. અનુરાગ કહે છે, ‘આ કેરેક્ટર એટલું બધું મહત્ત્વનું છે કે માત્ર સ્ટારનું સ્ટેટસ જોઈને એને રોલ આપી શકાય નહીં. હું તો સાવ જ નવી છોકરીને લેવા પણ તૈયાર હતો. ઈન ફેક્ટ, એક તબક્કે મને ખાતરી થઈ ગઈ હતી કે આ ભુમિકામાં તો ઓડિયન્સે ક્યારેય જોઈ ન હોય એવી અજાણી એક્ટ્રેસ જ જોઈએ! પણ પ્રિયંકા કોન્ફિડન્ટ હતી. અમે ત્રણ દિવસની વર્કશોપ રાખી. પ્રિયંકાએ એમાં કમાલ કરી દેખાડી. એની લગની અને ઈન્વોલ્વમેન્ટ એટલાં બધાં હતાં કે ઑટિસ્ટિક છોકરીનો રોલ એને આપવા સિવાય કોઈ છૂટકો નહોતો.’

વેલ, અનુરાગ-રણબીર-પ્રિયંકા અને નવોદિત ઈલેના ડી’ક્રુઝની ટોળકીએ કેવીક સ્વાદિષ્ટ બરફી બનાવી છે એ બહુ જલદી સ્પષ્ટ થઈ જશે. આ પાત્રો જીવંત લાગે તો એમનાં કેરેક્ટરાઈઝેશનમાં અનુરાગે અનુભવેલી મોતની નિકટતાનો ફાળો અવશ્ય હોવાનો.

શો- સ્ટોપર 

મારી આગામી ફિલ્મ ‘બેગમ સમરુ’ માટે મેં કરીના કપૂર, રાની મુખર્જી અને વિદ્યા બાલન ત્રણેયનો અપ્રોચ કર્યો છે. જે મને સૌથી પહેલાં હા પાડશે... ટાઈટલ રોલ એનો! 

- તિગ્માંશુ ધૂલિયા (ડિરેક્ટર)

-----------------

Official Trailer of Barfi

Click here: http://www.youtube.com/watch?v=yZxrao3zou4