Showing posts with label Paresh Raval. Show all posts
Showing posts with label Paresh Raval. Show all posts

Tuesday, April 2, 2013

વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ : દુનિયા પાગલ હૈ યા ફિર મૈં દીવાના


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૩ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આ ફિલ્મમાં પાગલપણાની ધાર પર ફેંકાઈ ગયેલા માણસોની રોમાંચક કથા છે. જેક નિકોલસન શા માટે મહાન અભિનેતા ગણાય છે તે સમજવા માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે. 







ફિલ્મ નંબર ૧૬. વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ 

સમજણા થયા હોઈએ ત્યારથી અમુક ક્લાસિક ફિલ્મોનાં નામ સતત કાને પડતાં હોય છે અથવા વાંચવામાં આવતાં હોય છે. આખરે તે જોવાની તક મળે ત્યારે સમજાય કે શા માટે આ ફિલ્મ આટલી મહત્ત્વની ગણાય છે. ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ આવી જ એક ફિલ્મ છે.

ફિલ્મમાં શું છે? 

એક પાગલખાનું છે. અહીં જાતજાતના પાગલોને રાખવામાં આવ્યા છે. તેમને સમયસર દવા આપવામાં આવે,  એક્સરસાઈઝ કરાવવામાં આવે. નિયમો અને શિસ્તના નામે તેમના પર કેટલાય પાબંદીઓ લગાડવામાં આવી છે. એક દિવસ રેન્ડલ મેકમરફી (જેક નિકોલસન) નામના ‘દર્દી’ને અહીં લાવવામાં આવે છે. તે સાથે જ પાગલખાનાનો આખો માહોલ બદલાઈ જાય છે. મેકમરફી ભારાડી માણસ છે. ભૂતકાળમાં કેટલાય ગુના કરી ચુક્યો છે. એને જેલવાસની સજા કરવામાં આવી હતી, પણ આ સજા ભોગવવી ન પડે તે માટે એ પોતાની જાતને ચક્રમ જાહેર કરે છે. એની ગણતરી એવી છે કે  ભલે ગાંડા ગણાઈએ પણ મેન્ટલ હોસ્પિટલમાં પ્રમાણમાં આરામદાયક જીંદગી તો જીવવા મળે. પાગલખાનાના સાહેબોએ નક્કી કરવાનું છે કે મેકમરફી ખરેખર કેટલો પાગલ છે.



રેચેડ (લુઈસ ફ્લેચર) નામની મહિલાનું મેન્ટલ હોસ્પિટલમાં સૌથી વધારે ઉપજે છે. એને તમે નર્સ, કાઉન્સેલર, હેડ મેટ્રન કે કંઈ પણ કહી શકો. વર્તાવ અને દેખાવે તો એ શરુઆતમાં સૌમ્ય લાગે છે, પણ ધીમે ધીમે એના અસલી રંગ બહાર આવતા જાય છે. દર્દીઓ પર એની ખૂબ ધાક છે. એવા કેટલાય દર્દીઓ એવા છે, જે પાગલપણામાંથી બહાર આવી ગયા હોવા છતાં સ્વેચ્છાએ અહીં હીણપતભર્યું જીવન જીવે છે. દેખીતું છે કે મેકમરફી જેવો ટપોરી નર્સ રેચેડને તાબે ન જ થાય. હવે શરુ થાય છે નર્સ રેચેડ અને મેકમરફી વચ્ચેની ચડસાચડસી. જેમ કે, એક વાર કાઉન્સેલિંગ સેશનમાં મેકમરફી માગણી કરે છે કે અમારું શેડ્યુલ બદલવામાં આવે કે જેથી અમે ટીવી પર બેઝબોલની વર્લ્ડ સિરીઝ જોઈ શકીએ. આ માગણી પૂરી થતી નથી તો એ ધરાર આઠ-દસ પાગલોને બહાર ભગાડીને કારનામા કરે છે.

પાગલખાનાના દર્દીઓ પ્રત્યે મેકમરફીને સાહજિક હમદર્દી છે. તેમની સાથેના એના સંબંધો ધીમે ધીમે ગાઢ બનતા જાય છે. તેમાંથી એક છે ચીફ બ્રોમડેન (વિલ સેમ્પસન) નામનો સાડા-છ ફૂટીયો અને બહેરો-મૂંગો આદમી. એનો પથરીલો ચહેરો કાયમ ભાવશૂન્ય રહે છે. મેકમરફી એને સરસ રીતે વોલીબોલ રમાડતો કરી દે છે. એક વાર પાગલખાનામાં ધમાલ થઈ જાય છે. તોફાનીઓને ઈલેક્ટ્રિક શૉક આપવા લઈ જવામાં આવે છે ત્યારે મેકમરફીને ખબર પડે છે કે ચીફ તો મારો બેટો શકે છે. મૂક-બધિર હોવાનું એ ખાલી નાટક કરી રહ્યો છે!



મેકમરફીનો ઉત્પાત વધતો જાય છે. નર્સ રેચેડ નક્કી કરે કે મેકમરફી ભલે સડતો રહે અહીં પાગલખાનામાં. સાલો એ જ લાગનો છે. એક પછી એક કેટલીય ઘટનાઓ બનતી જાય છે. મેકમરફી અને ચીફ અહીંથી છટકીને કેનેડા નાસી જવાનો પ્લાન કરે છે. આ પ્લાનિંગના ભાગરુપે મરફી નાઈટ-ડ્યુટી કરતા વોર્ડબોયને ફોડે છે અને પોતાની બે મહિલા-મિત્રોને શરાબની ખૂબ બધી બાટલીઓ લઈને મેન્ટલ હોસ્પિટલમાં બોલાવે છે. પાગલખાનામાં પાર્ટીનો માહોલ ઊભો થાય છે. બિલી (બ્રેડ ડોરિફ) નામના  તોતડા અને યુવાન પાગલને એક યુવતી ગમી જાય છે. મેકમરફી બન્નેને એક ઓરડીમાં ધકેલે છે:  જાઓ, ઍશ કરો તમતમારે. બન્ને ઍશ કરીને બહાર આવે તે પહેલાં દારુ ઢીંચેલા પાગલો, મેકમરફી, વોર્ડબોય સહિત સૌ ઊંધી જાય છે. નાસી જવાના પ્લાન પર દારુ ફરી વળે છે. સવારે નર્સ રેચેડ કમઠાણ જોઈને ચોંકી ઉઠે છે. દર્દીઓની ગણતરી કરવામાં આવે છે. બિલી ક્યાંય દેખાતો નથી. શોધખોળ કરતાં ખબર પડે છે કે એ તો નગ્નાવસ્થામાં કોઈ સ્ત્રી સાથે પથારીમાં  પડ્યો છે. નર્સ રેચેડ એને ધધડાવી નાખે છે: શરમ નથી આવતી તને? તારી મા મારી જૂની બહેનપણી છે. કહી દઉં એને કે અહીં તું કેવા ધંધા કરે છે? બિલી ફફડી ઉઠે છે: ના ના, મારી માને કંઈ ન કહેતા, પ્લીઝ. રડતા-કકડતા બિલીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. બિલી ગ્લાસ ફોડી એના કાચથી કાંડાની નસ કાપી નાખે છે. એનો જીવ ઉડી જાય છે. મેકમરફીને ભયાનક ગુસ્સો આવે છે. તે રેચેડ પર હિંસક હુમલો કરી એનું ગળું દબાવી દે છે. જોકે છેલ્લી ઘડીએ રેચેડને બચાવી લેવામાં આવે છે.

ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. મેકમરફી ગાયબ છે. પાગલ દોસ્તોને કશી જ ખબર નથી કે એનું શું થયું. એક રાત્રે અચાનક બે વોર્ડબોય મેકમરફીને લાવીને એના પલંગ પર સૂવડાવી દે છે. ચીફનું ધ્યાન જતાં એ ઊભો થઈને મેકમરફી પાસે આવે છે. એ શું જુએ છે? મેકમરફીને ઈલેક્ટ્રિક શૉક આપી આપીને જીવતી લાશ જેવો બનાવી દેવામાં આવ્યો છે. ચીફનો જીવ કકડી ઉઠે છે. આ  શું હાલત કરી નાખી છે મારા દોસ્તની? અમે તો અહીંથી મુક્ત થઈને કેનેડા જતા રહેવાનાં સપનાં જોયા હતા. ચીફ કશુંક વિચારી લે છે. અહીંથી કોઈપણ હાલતમાં મુક્ત થવાનું છે એ તો નક્કી છે. ચીફ હવે એક અકલ્પ્ય અને હેબતાવી દે એવું પગલું ભરે છે. ચીફ એક્ઝેક્ટલી શું કરે છે અને બન્ને દોસ્તારોને કેવી રીતે મુક્તિ મળે છે તે અમે નહીં કહીએ. એ તમારે ડીવીડી પર જોઈ લેવાનું.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ કેન કેસી નામના લેખકે ૨૬ વર્ષની ઉંમરે લખેલી નવલકથા પર આધારિત છે. ન્યુ અમેરિકન લાયબ્રેરીના બેસ્ટસેલર લિસ્ટમાં તે લાગલગાટ ૨૫૮ અઠવાડિયાં સુધી અડીખમ ટકી રહી હતી. જોકે અભિનેતા કર્ક ડગ્લસે (એક્ટર અને આ ફિલ્મના પ્રોડ્યુસર માઈકલ ડગ્લસના પપ્પા) નવલકથા છપાઈ તે પહેલાં જ વાંચી લીધી હતી અને તેના થિયેટ્રિકલ રાઈટ્સ પણ ખરીદી લીધા હતા. નવલકથા પરથી પહેલાં તો ૧૯૬૩માં નાટક બન્યું. ત્યાર બાદ ફિલ્મ તો છેક બાર વર્ષ પછી બની. મહેનતાણાના મામલામાં કેન કેસીને તીવ્ર અસંતોષ રહી ગયો હતો. ચેકોસ્લોવેકિયન ડિરેક્ટર મિલોસ ફોરમેનને આ ફિલ્મ થકી હોલીવૂડમાં પ્રવેશ કરવાની તક દેખાતી હતી.



મેકમરફીની મુખ્ય ભુમિકા અન્ય એકાદ એક્ટર સહિત માર્લોેન બ્રાન્ડોને પણ ઓફર થઈ હતી, પણ આખરે જેક નિકોલસન ફાયનલાઈઝ થયા. એ વખતે હોલીવૂડના તેઓ ઝપાટાભેર ઊપસી રહેલા તેજસ્વી સિતારા હતા. નર્સ રેચેડનું ‘પોલિટિકલી ઈનકરેક્ટ’ કિરદાર આગળ પડતી પાંચ અભિનેત્રીઓએ નકારી કાઢ્યું હતું. શેલી ડુવોલને છેલ્લી ઘડી સુધી સ્ટેન્ડ-બાય તરીકે રાખવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું ત્યાર બાદ તેને લીલી ઝંડી દેખાડવામાં આવી હતી. સૌથી કઠિન કાસ્ટિંગ ચીફનું હતું. સારી અભિનય કરી શકતો હોય એવો મહાકાય એેક્ટર ક્યાંથી શોધવો? લગભગ ચમત્કારિક રીતે ડિરેક્ટરને વિલ સેમ્પસન મળી ગયા, જે ખરેખર તો ટ્રક ડ્રાઈવર અને હોર્સ-ટ્રેડર હતા. આ ફિલ્મની જબરદસ્ત વાત એ છે કે માત્ર મુખ્ય પાત્રો જ નહીં, પણ નાનાંમોટાં તમામ પાત્રો માટે અફલાતૂન કાસ્ટિંગ થયું છે. ડિરેક્ટર એક વાતે બહુ સ્પષ્ટ હતા કે તમામ પાગલોના દેખાવ એકબીજા કરતાં સાવ જુદાં તેમજ જોતાં જ યાદ રહી જાય તેવાં હોવાં જોઈએ. એવું જ થયું. અમેરિકાભરમાંથી સેંકડો એક્ટરોના ઓડિશન લેવામાં આવેલાં. બિલીના પાત્રમાં દેખાતા બ્રેડ ડોરિફ સહિતના કેટલાય અેક્ટરો રંગભૂમિના કલાકારો છે.  ફિલ્મને અધિકૃત લૂક મળે તે માટે ઓરેગોનની એક સાચુકલી મેન્ટલ હોસ્પિટલમાં શૂટિંગ કરવામાં આવ્યું. બેકગ્રાઉન્ડમાં દેખાતાં કેટલાંક પાગલો એક્ટરો નથી બદલે ખરેખરા દર્દી છે. તબક્કાથી જ દરમિયાન કલાકારો સેટ પર જ પડ્યા-પાથર્યા રહેતા અને અસલી દર્દીઓનો વર્તન-વ્યવહારનો ઝીણવટભેર અભ્યાસ કરતા. એક મજાની આડવાત. આપણા ફેવરિટ મધુ રાયે આ ફિલ્મ પરથી ગુજરાતી નાટક લખ્યું હતું, જેનું નામ હતું ‘ચાન્નસ’. કેતન મહેતાએ તે ડિરેક્ટ કરેલું. રંગભૂમિના કેટલાય ધુરંધર એક્ટરોએ તેમાં કામ કરેલું. જેક નિકોલસનવાળો રોલ પરેશ રાવલે ભજવેલો.

દુનિયાભરના ઓડિયન્સે ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ને જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો. ઓસ્કરની નવ-નવ કેટેગરીમાં તે નોમિનેટ થઈ. જેક નિકોલસનને અગાઉ ચાર વાર નોમિનેશન્સ મળી ચુક્યાં હતા, પણ જીત્યા ક્યારેય નહોતા. ઓસ્કર સમારોહમાં આવવાની આ વખતે એમની જરાય ઈચ્છા નહોતી. અવોર્ડ ફંક્શન શરુ થયું. શરુઆતની એક પછી એક કેટેગરીમાં ફિલ્મ હારતી ગઈ. પણ પછી જોરદાર સપાટો બોલ્યો. તમામ મહત્ત્વના અવોર્ડઝ આ ફિલ્મ તાણી ગઈ. ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પછી ચાલીસ વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું કે કોઈ એક ફિલ્મે પાંચેપાંચ મેજર ઓસ્કર (બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે, પિક્ચર) જીતી લીધાં હોય. ક્લાસિક ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મ મસ્ટ-વોચ છે. શરુઆતથી અંત સુધી સતત જકડી રાખતી આ ફિલ્મ પૂરી થઈ ગયા પછીય  ક્યાંય સુધી તમારા મનમાં ઘુમરાયા કરશે. એમાંય પાગલપણાની ધાર પર પહોંચી ગયેલા આદમીનાં પાત્રમાં જેક નિકોલસનની અદભુત એક્ટિંગ જોઈને તમે, વેલ, પાગલ થઈ જશો.

‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’  ફેક્ટ ફાઈલ 




ડિરેક્ટર           : મિલોસ ફોરમેન
મૂળ નવલકથાકાર  : કેન કેસી
સ્ક્રીનપ્લે          : લોરેન્સ હોબેન, બો ગોલ્ડમેન
કલાકાર           : જેક નિકોલસન, લૂઈસ ફ્લેચર, વિલ સેમ્પસન
રિલીઝ ડેટ        : ૧૯ નવેમ્બર, ૧૯૭૫
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે અને પિક્ચરના ઓસ્કર અવોર્ડઝ

૦૦૦૦૦૦૦૦૦

Saturday, September 22, 2012

સર્જન વિરુદ્ધ સર્જનહાર


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પહેલાં તેમણે કાનજી વિરુદ્ધ કાનજી જેવા સીમાચિહ્ન નાટક આપ્યું, પછી તેના આધારે બનેલી ફિલ્મનું ડિરેક્શન કર્યુંઆવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓહ માય ગોડ! માત્ર એક નાટકનું નહીં, પણ ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.



ક નખશિખ નાસ્તિક માણસ ભગવાનના અસ્તિત્ત્વને નકારે, એટલું જ નહીં, એને છેક અદાલતમાં ઘસડી જાય એ કલ્પના જ કેટલી રોમાંચક છે! અમુક વિષય જ એટલા બળકટ હોય છે અને એની અપીલ એટલી તીવ્ર હોય છે કે તે પોતાનો વ્યાપ વધાર્યા વગર રહી ન શકે. એટલે જ તો સીમાચિહ્ન પ બની ગયેલું ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી અન્ય ભાષાઓમાંથી પસાર થતું થતું આખરે બિગ સ્ક્રીન સુધી પહોંચ્યુને! આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓએમજી - ઓહ માય ગોડ! ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.

ઓહ, પણ નાટક કરતાં આ ફિલ્મનું ફલક ઘણું મોટું છે, મુંબઈ સ્થિત  પૃથ્વી થિયેટરના કાફેટેરિયામાં બ્લેક ટી પીતાં પીતાં ડિરેક્ટર ઉમેશ શુક્લ વાતચીતની શઆત કરે છે, ફિલ્મ વર્ઝનમાં એટલા બધા ફેરફાર અને ઉમેરા કરવામાં આવ્યા છે કે બે-ત્રણ વખત નાટક જોઈ ચૂકેલા પ્રેક્ષકોને પણ ઓહ માય ગોડ જોતી વખતે નવી જ અનુભૂતિ થશે. આ વિષય કોઈ એક ધર્મની સીમારેખામાં બંધાઈ રહે એવો નથી. અલબત્ત, નાટક ઘણું કરીને હિંદુ ધર્મના સંદર્ભમાં આકાર લે છે, પણ ઓહ માય ગોડ બનાવતી વખતે અમારી પાસે ઘણી મોકળાશ હતી, વિશાળ વ્યાપ હતો, તેથી ફિલ્મમાં અમે બધા જ મુખ્ય ધર્મોને આવરી લેવાની કોશિશ કરી છે.


Kanji Viruddh Kanji - Gujarati play (top); (below) Kishan Versus Kaniya - its Hindi Version



સી ધ ફન. તેજસ્વી યુવા લેખક ભાવેશ માંડલિયાએ કાનજી વિરુદ્ધ કાનજી માટે ગુજરાતી રંગભૂમિના કેટલાય મોટા નિર્માતાઓને અપ્રોચ કર્યો હતો, પણ કોઈને આ અતરંગી વિષયમાં રસ નહોતો પડ્યો. આખરે એ પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉમેશ શુક્લ પાસે પહોંચ્યો અને પછી, અંગ્ર્ોજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી! આ ફિલ્મ ભાવેશ અને ઉમેશ શુક્લ બન્નેએ સંયુક્ત રીતે લખી છે. બે વર્ષના ગાળામાં નહીં નહીં તોય આ સ્ક્રિપ્ટના 16 ડ્રાફ્ટ બન્યા છે.

ઉમેશ શુક્લ ઉમેરે છે, નાટકમાં તમારે માત્ર આઠ સીનમાં આખી વાર્તા કહી દેવાની હોય, જ્યારે ફિલ્મમાં સાઠ-સિત્તેર દ્શ્યો હોય. નાટકમાં તમે વર્બોઝ બનો (એટલે કે વધી પડતી શબ્દાળુતા અપનાવો) તે ચાલી જાય, કારણે કે અહીં તમારે લગભગ બધી જ વાત બોલીને કહેવાની છે. ફિલ્મનું ગ્ર્ામર જુદું છે. અહીં માત્ર એક જ શોટમાં એક પણ શબ્દ બોલ્યા વિના ઘણું વ્યક્ત થઈ જતું હોય છે. 



નાટકની હિન્દી આવૃત્તિમાં પરેશ રાવલ નાસ્તિકની કેન્દ્રિય ભુમિકા ભજવે છે. આ નાટક જોઈને પ્રભાવિત થયેલા અક્ષય કુમારે ફિલ્મ આવૃત્તિમાં કેવળ સૂટેડ-બૂટેડ ભગવાનનો રોલ જ નથી કર્યો, બલકે પરેશ રાવલ અને અશ્વિની યાર્ડીની સાથે ફિલ્મના સહનિર્માતા પણ જોડાયા. હાઉસફુલ-ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો કર્યા પછી ઓડિયન્સ પોતાને ભગવાનના પમાં સ્વીકારશે કે કેમ એવો ઉચાટ અક્ષયને રહેતો હોય તો એ સ્વાભાવિક હતો.

અક્ષયે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે, ઉમેશ શુક્લ કહે છે, સવારે સાડા પાંચથી નવ સુધી અમારી વર્કશોપ ચાલતી. પરેશ રાવલ સાથે એણે ઘણી ફિલ્મો કરી છે, પણ ઓહ માય ગોડમાં ઓડિયન્સને એમની વચ્ચેની કેમિસ્ટ્રીનો નવો જ રંગ જોવા મળશે. આ બન્નેમાંથી કોઈ મેથડ એક્ટર નથી. બન્ને સ્પોન્ટેસિયસ છે. તેથી શૂટિંગ દરમિયાન કેટલીય વાર અચાનક કોઈક સરસ મોમેન્ટ મળી જતી.


Umesh Shukla with Akshay Kumar


ફિલ્મમાં આ બે સિવાય પણ મિથુન ચક્રવર્તી, ઓમ પુરી, ગોવિંદ નામદેવ જેવા નામી અદાકારો છે. ઉમેશ શુક્લ સ્મિતપૂર્વક કહે છે, 1994માં મેં યાર ગદ્દાર નામની ફિલ્મ કરી હતી. એમાં મિથુનદા હીરો હતા અને મારો નેગેટિવ રોલ હતો. એ પછી સીધા ઓહ માય ગોડ વખતે અમે પહેલી વાર મળ્યા! ગોવિંદ નામદેવ કમાલના ફોર્સથી કામ કરે છે. ઓમ પુરીની વાત કરું તો એમણે પહેલી જ ડાયલોગ્ઝ એવી રીતે વાંચેલા કે હું નવાઈ પામી ગયો હતો. આપણને થાય કે ઓમજીએ ક્યારે આ પાત્રને આત્મસાત કરી લીધું?


Umesh Shukla with Mithun Chakraborty


ઓહ માય ગોડમાં પુષ્કળ હ્યુમર છે તો સાથે સાથે દર્શક વિચારમાં પડી જાય એવી નક્કર વાતો પણ છે. ઓડિયન્સને કેટલાંક પાત્રોનાં કેરેકટરાઈઝેશન પર શ્રી શ્રી રવિશંકર, રાધેમા, બાબા રામદેવ જેવી હસ્તીઓની હળવી અસર પણ દેખાય. ફિલ્મમાં ક્રાઉડનાં ખૂબ બધાં દશ્યો છે. અમુક દશ્યો માટે બસ્સો-અઢીસો જેટલા અસલી સાધુ-બાવાઓને કાસ્ટ કરવામાં આવ્યા હતા! આખેઆખી ફિલ્મનું શૂટિંગ કુલ 60 દિવસમાં પૂરું થયું, જેમાંથી લગભગ વીસેક દિવસ દરમિયાન સાધુઓની સેટ પર હાજરી રહી. તેમને  બસોમાં બેસાડીને જુદા જુદા મંદિરોમાંથી તેડાવવામાં આવતા. સાચુકલા સાધુ હોય એટલે ના કોસ્ચ્યુમની ઝંઝટ, ન મેકઅપની ચિંતા. સેટ પર એમને તૃપ્ત થઈ જવાય એટલું ભોજન મળે. વળી, ચાના કપ અને બિસ્કિટની ટ્રે સતત ફરતાં હોય. આતમાં તેઓ કેમેરા જોઈને કોન્શિયસ થઈ જતા હતા, પણ ધીમે ધીમે સરસ પર્ફોર્મ કરવા લાગ્યા હતા!

ઓહ માય ગોડનું મ્યુઝિક હિમેશ રેશમિયા, સચિન-જીગર અને અંજાન-મીટ બ્રધર્સે આપ્યું છે. ફિલ્મમાં ગો ગો ગો... ગોવિંદા ગીત ઉમેરવાનો આઈડિયા અક્ષયનો હતો, ઉમેશ શુક્લ ઉમેરે છે, અક્ષયે રાઉડી રાઠોડમાં પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા સાથે તાજું તાજું કામ કયુર્ર્ં હતું એટલે આ ગીતમાં એ બન્નેને લેવામાં આવ્યાં. ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની વાત છે એટલે જન્માષ્ટમી અને દહી-હાંડી થીમ સાથે બંધબેસતાં હતાં. આ ગીતને કારણે ફિલ્મમાં સરસ વેલ્યુ-એડિશન થયું છે.



ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પોતાનાં જૂનાં નાટકોની વાત કરતી વખતે કે કોઈ ફિલ્મનાં ગમતાં દશ્યોની વાત કરતી વખતે એમની બોડી લેંગ્વેજમાં આવેશ ઉમેરાઈ જાય છે, ચહેરો અને આંખો તરલ થવા માંડે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમના માટે નવી નથી. આઠેક ફિલ્મોમાં તેઓ જુદા જુદા સ્તરે સંકળાઈ ચૂક્યા છે. અગાઉ તેમણે ઢૂંઢતે રહ જાઓગે નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી, જે સફળ થઈ શકી નહોતી. એ નિષ્ફળતાને કારણે મારા હાથમાં બે ફિલ્મો જતી રહી હતી, તેઓ સ્વસ્થતાથી કહે છે, એક ફિલ્મ બીજા કોઈ ડિરેકટરને આપી દેવામાં આવી, જ્યારે બીજી ફ્લોર પર જ ન ગઈ. આ પીડાદાયી તબક્કો હતો, પણ રંગભૂમિએ મને ટકાવી રાખ્યો. ઓડિટોરિયમના અંધકારમાં મારાં નાટકો જોતાં ઓડિયન્સની તાળીઓ સાંભળતો ત્યારે થતું કે ના, બધું હેમખેમ છે, કશું જ ખોવાયું નથી!

આજકાલ બોલીવૂડમાં 100 કરોડ ક્લબની બહુ બોલબોલા છે. આ માપદંડના પાયામાં તોતિંગ બિઝનેસ છે, સિનેમાની ગુણવત્તા નહીં. પણ મને આ ક્લબમાં સામેલ થવાના કોઈ અભરખા નથી, ઉમેશ શુક્લ સમાપન કરે છે, મારી ફિલ્મ લાખો લોકોના દિલ સુધી પહોંચે એટલે ભયો ભયો!

શો-સ્ટોપર

તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે મને ચાંદની બાર માટે નેશનલ અવોર્ડ એનાયત થયો ત્યારે સપનાં જેવું લાગતું હતું, કારણ કે હજુ થોડા મહિના પહેલાં હું બસની લાઈનમાં ઊભો રહેતો હતો અને મારી ટિકિટ પણ બીજું કોઈ કપાવી આપતું હતું!

- મધુર ભંડારકર (ફિલ્મમેકર)


Saturday, November 20, 2010

પરેશ રાવલનું હેરી પોટર કનેકશન

          દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - ૨૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


                                                       કોલમઃ મલ્ટિપ્લેક્સ

‘પહેલાં બે શોમાં સ્ટેજ પર નગ્ન થતી વખતે મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’




‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’ ફિલ્મનો પાર્ટ વન આ શુક્રવારે રિલીઝ થયો. છેલ્લાં નવ વર્ષથી દુનિયાભરનું ઓડિયન્સ હેરી પોટર બનતા બાળજાદુગર ડેનિયલ રેડક્લિફને સ્ક્રીન પર મોટો થતાં જોઈ રહ્યું છે. ડેનિયલ હવે ૨૧ વર્ષનો પુખ્ત પુરુષ બની ગયો છે. જુવાનજોધ ડેનિયલની અંગત માલમિલકતનું મૂલ્ય આજની તારીખે ૨૮.પ મિલિયન પાઉન્ડસ (આશરે ૨૦૫ કરોડ રૂપિયા) જેટલું છે. ઇંગ્લેન્ડનાં પ્રિન્સ ચાર્લ્સ લેડી ડાયેનાના સુપુત્ર પ્રિન્સ વિલિયમ કરતાં પણ ડેનિયલ વધારે ધનિક છે!
Daniel with Richar Griffith in Equus - the play



હેરી પોટર પછી શું? એવો સવાલ ડેનિયલને સતાવે એમ નથી. પોતે અચ્છો એક્ટર છે તે ડેનિયલે ત્રણ વર્ષર્ પહેલાં જ પ્રસ્થાપિત કરી દીધું હતું, પીટર શેફર લિખિત ‘ઈક્વસ’ નાટકમાં કામ કરીને. પીટર શેફરે આ નાટક ૧૯૭૩માં લખ્યું હતું. નાટકની પ્રેરણા બન્યો લંડન નજીકના એક પરગણામાં બનેલો સાચો કિસ્સો. સત્તર વર્ષના એક તરૂણે છ ઘોડાની આંખો ફોડી નાખી હતી. ઊગીને ઊભો થતો લબરમૂછિયો આવું ઘૃણાસ્પદ કામ શા માટે કરે? આ પ્રશ્નના ઉત્તર રૂપે પીટર શેફરે એક કાલ્પનિક કહાણી રચી. અપરાધી છોકરાનો કેસ માનસચિકિત્સક પાસે આવે છે, જે ધીમે ધીમે તેના મનના પડળોને ખોલતો જાય છે. ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય છે કે છોકરો તો ઘોડામાં ભગવાનનું સ્વરૂપ જોતો હતો. ઘોડા પ્રત્યે તે ન સમજાય એવું સેક્સ્યુઅલ એટ્રેકશન પણ અનુભવે છે. એક વાર એક ચંચળ તરૂણી ધરાર આ છોકરા સાથે તબેલામાં શારીરિક સંબંધ સ્થાપવાની કોશિશ કરે છે. તબેલામાં બાંધેલા છ ઘોડા તેને આ ‘પાપ’ કરતાં જોઈ ગયા છે તે વિચારે છોકરો ફફડી ઉઠે છે. આવેશમાં આવીને છોકરો છએ છ ઘોડાની આંખો ફોડી નાખે છે...

Daniel Redcliffe in Equus


 1973માં સૌથી પહેલી વાર રોયલ નેશનલ થિયેટરે લંડનમાં ‘ઈક્વસ’નું મંચન કર્યું. તરુણના રોલમાં પીટર ફર્થ નામનો યુવાન અદાકાર હતો. ૧૯૭૭માં નાટક પરથી ફિલ્મ બની, જેમાં રિચર્ડર્ બર્ટને અભિનય કર્યો હતો. તરૂણનો રોલ ફિલ્મમાં પણ પીટર ફર્થે જ કર્યોર્. ફિલ્મની જોકે ખૂબ ટીકા થઈ. મંચ પર ઘોડા નકલી હોય અને તેના પર થતો અત્યાચાર સજેસ્ટિવ કે પ્રતીકાત્મક હોય, પણ ફિલ્મમાં ઘોડા પર થતી હિંસાનાં દશ્યો ઓડિયન્સને અરેરાટી થઈ જાય તે રીતે શૂટ કરવામાં આવ્યાં હતા. એનિમલ રાઈટ્સવાળાઓ તો ઠીક, સ્વયં પીટર શેફરે આ ફિલ્મને વખોડી કાઢી હતી.

Poster of Equus - the movie

Equus- the movie: Richard Burton and Peter Firth


‘ઈક્વસ’ પછી તો મંચ પણ ઘણી વાર રિવાઈવ થયું. છેલ્લે ૨૦૦૭માં ડેનિયલ રેડક્લિફને મુખ્ય ભુમિકામાં કાસ્ટ કરીને ‘ઈક્વસ’ રિવાઈવ કરવામાં આવ્યું. તે વખતે ડેનિયલ ખુદ સત્તર વર્ષનો હતો. આ રિવાઈવલ અને ડેનિયલના પર્ફોર્મન્સે તરંગો પેદા કર્યા. નાટકમાં ડેનિયલે એક દશ્યમાં સંપૂર્ણપણે નગ્ન થવાનું હતું. ડેનિયલ કહે છે, ‘સ્ટેજ પર સંપૂર્ણપણે નગ્ન થવામાં મને કશો પ્રોબ્લેમ નહોતો એવું તો શી રીતે કહી શકાય? હું સખ્ખત નર્વસ હતો. ગેરી ઓલ્ડમેન નામના સિનિયર એક્ટરને હું મળ્યો. સ્ટેજ પર નિર્વસ્ત્ર થવાનો તેમને અનુભવ છે. મારે તેમની પાસેથી ટિપ્સ લેવી હતી. ગેરીએ મને કહ્યું કે જો, પહેલા શો વખતે તને ખૂબ ગભરાટ થશે, બીજા શો વખતે પણ તું ગભરાઈશ, પણ પછી તું નોર્મલ થઈ જઈશ. એવું જ થયું. પહેલા બે શોમાં મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’


 ‘ઈક્વસ’ નાટકમાં ડેનિયલના અભિનયે પ્રેક્ષકો અને વિવેચકો સૌને સાનંદાચર્યનો આંચકો આપ્યો. હેરી પોટર તરીકે જેનેે વર્ષોથી જોઈ રહ્યા છીએ તે ટાબરિયો જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો હશે અને અત્યંત કોમ્પ્લીકેટેડ રોલ પ્રભાવશાળી રીતે અદા કરી શકશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય. જોકે ઇંગ્લેન્ડઅમેરિકાની ટીનેજ કન્યાઓની કેટલીય મમ્મીઓ નારાજ થઈ ગઈ હતી. તેમણે ડેનિયલને ફોન કરી કરીને ફરિયાદો કરી કે તું આવું ગંધારુંગોબરું નાટક કરી જ શી રીતે શકે? ડેનિયલ અકળાઈને કહે છે, ‘અરે! ‘ઈક્વસ’ કંઈ પોર્નોગ્રાફી થોડું છે? નાટકમાં હું ફક્ત સાત મિનિટ સ્ટેજ પર નેકેડ રહું છું અને તે પણ છેક ક્લાઈમેક્સમાં.’



Sitanshu Yashschandra





 
Paresh Raval
 ‘ઈક્વસ’ ગુજરાતીમાં ‘તોખાર’ના નામે અવતરી ચૂક્યું છે. આ નાટકને આપણી ભાષામાં અદભુત રીતે રૂપાંતરિત કર્યું વિખ્યાત કવિ-નાટ્યકાર સિતાંશુ યશશ્ચંદે. રંગભૂમિ અને ગુજરાતી ભાષાની તાકાત પ્રત્યે આકર્ષણ ધરાવતા લોકોએ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલું ‘તોખાર’ અનિવાર્યપણે વાંચવું જોઈએ. આ નાટકને ૧૯૭૭માં ડિરેક્ટર મહેન્દ્ર જોશી મંચ પર લાવ્યા, જેમાં એક નવી તેજસ્વી પ્રતિભા વિસ્ફોટ સાથે ઊછળીને બહાર આવી. તેનું નામ હતું, પરેશ રાવલ. તેઓ તરૂણની મુખ્ય ભુમિકા ભજવતા હતા. માનસચિકિત્સકનું પાત્ર શફી ઈનામદારે ભજવેલું. ‘તોખાર’ નાટક એટલું પાવરફુલ હતું કે દર્શકો ચકિત થઈ જતા. સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી નાટકોની સૂચિમાં તે હકથી સ્થાન પામ્યું. આ નાટકે પરેશ રાવલમાં જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા કર્યો. તેઓ પોતાનામાં રહેલા અદાકારને આ નાટક થકી પારખી શક્યા.



Images of Naushil Mehta's Tokhar
‘તોખાર’ નાટકે એ વર્ષોમાં એક ઓર વ્યક્તિ પર પણ તીવ્ર અસર કરી હતી. એ હતા નૌશિલ મહેતા, જે ક્રમશઃ પ્રતિભાશાળી લેખક ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે ઊભર્યા. વર્ષો પછી તેમણે ‘તોખાર’ રિવાઈવ ર્ક્યું. ડિરેક્ટર તરીકેની જવાબદારી ઉપાડતી વખતે તેમણે એક આકર્ષક ફેરફાર કર્યો. અત્યાર સુધીના વર્ઝનોમાં માનસચિકિત્સકનું પાત્ર પુરુષ કલાકાર ભજવતો હતો. નૌશિલ મહેતાએ આ કિરદાર રત્ના પાઠક શાહને આપ્યું. ડોક્ટર પુુરુષને બદલે સ્ત્રી હોય તે વિચાર સિતાંશુ યશશ્ચંદ્રને પણ ગમ્યો. પરેશ રાવલ (અને ડેનિયલ રેડક્લિફ)વાળું પાત્ર ભજવ્યું ટેલેન્ટેડ અમિત મિસ્ત્રીએ. ડોક્ટર અને દર્દી વિજાતીય હોવાથી કેટલાંક પરિમાણો આપોઆપ બદલાયાં અને એક જુદી જ કેમિસ્ટ્રી પેદા થઈ. નવી પેઢીના નાટ્યરસિકો પાસે તુલના માટે મહેન્દ્ર જોશી - પરેશ રાવલવાળા ‘તોખાર’નો સંદર્ભ ભલે નહોતો, પણ નૌશિલ મહેતાનું ‘તોખાર’ તેમના માટે યાદગાર પૂરવાર થયું. ‘તોખાર’ની બન્ને આવૃત્તિઓમાં દેખીતી રીતે જ નગ્નતા ન હોય. મહેન્દ્ર જોશી અને નૌશિલ મહેતાએ એટલી કુનેહપૂર્વક ડિરેકશન કર્યું હતું કે કલાકારો અને પ્રેક્ષકો બન્નેમાંથી કોઈને કશુંય અન્કમ્ફર્ટેબલ ન લાગે અને છતાંય વિગતો પૂરેપૂરી તીવ્રતાથી મંચ પર ઉપસે.




Naushil Mehta

Amit Mistry

‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’નો પાર્ટ-ર્ટુ શૂટ થઈ ચૂક્યો છે. તે આવતા વર્ષે રિલીઝ થશે અને તે સાથે હેરી પોટર સિરીઝ પર પૂર્ણવિરામ મૂકાશે. ડેનિયલ રેડક્લિફ માટે આ સુખદ સ્થિતિ છે. એક એક્ટર તરીકે હેરી પોટરનું પાત્ર તેની સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે અને મેચ્યોર કિરદારો માટે તે સજ્જ છે તે હકીકત ‘ઈક્વસ’ થકી એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે. ડેનિયલની હવે પછી કરિયર કેવો આકાર લે છે તે જોવાનું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થશે...



શો-સ્ટોપર



પ્રેમ ખરેખર આંધળો છે. આ હું જાતઅનુભવ પરથી કહું છું.

- દીપિકા પદુકોણ