Saturday, June 23, 2012

‘કેવી રીતે જઈશ’ : યે હુઈ ન બાત!


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૨૪ જૂન ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


આજકાલ ખૂબ ચર્ચાસ્પદ બનેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ખરેખર એક સરપ્રાઈઝ પેકેજ છે. કોઈપણ ભાષાની સારી, કમર્શિયલ, એન્ટરટેનિંગ ફિલ્મમાં હોવા જોઈએ એ લગભગ તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મના પચ્ચીસ વર્ષીય રાઈટર-ડિરેક્ટર અભિષેક જૈન આગળ શું કરે છે... 


ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’  સ્ક્રીન પર ત્રણ ભાષાઓમાં આ રુટિન લખાણ ફ્લેશ થયા પછી ફિલ્મ શરુ થાય છે. લગભગ ત્રીજી જ મિનિટે, આ બોરિંગ ચેતવણીની ઠેકડી ઉડાવાતી હોય એમ, સુખી ઘરના ચાર અમદાવાદી દોસ્તો બિન્દાસ દારુની બોટલ ખોલે છે. આ પહેલો જ સીન આખી ફિલ્મનો ટોન અથવા તો સૂર સેટ કરી નાખે છે. ફિલ્મ ગુજરાતી છે, પણ શરૂઆત મેળાથી કે ચોરણાંઘાઘરીપોલકાં પહેરેલાં જોકરબ્રાન્ડ નટનટીથી થતી નથી. અહીં કોલેજ પાસ-આઉટ કરી ચુકેલા જુવાનિયાઓનું કન્ફ્યુઝન છે, કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની વાતો વચ્ચે છૂટથી ફેંકાતા ‘બકા’ અને ‘કંકોડા’ જેવા અસલી અમદાવાદી શબ્દો છે અને અફકોર્સ, ગુજરાતની દારૂબંધીમાં સંપૂર્ણ સ્વાભાવિકતાથી પીવાતા શરાબની થ્રિલ છે. પહેલું જ દશ્ય ગુજરાતી સિનેમાના ખખડી ગયેલા ગંદાગોબરા ફોર્મેટનો ભુક્કો બોલાવી નાખે છે. હવે પછીની ૧૨૮ મિનિટ આવા જ તાજગીભર્યા માહોલમાં પસાર થવાની છે.

વાત ‘કેવી રીતે જઈશ’ની થઈ રહી છે. આ ફિલ્મે શા માટે તંરગો પેદાં કર્યાં છે તે બિલકુલ સમજાય એવું છે. ખરેખર, ગુજરાતી સિનેમાના મામલે આપણી હાલત ભૂખથી હાડપિંજર થઈ ગયેલા, અન્ન મળવાની આશામાં તરફડ્યા કરતા દુષ્કાળગ્રાસ્ત પીડિતો જેવી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ‘કેવી રીતે જઈશ’ સ્ટાઈલિશ રેસ્ટોરાંમાં પિરસાતી ચટાકેદાર ગુજરાતી થાળી બનીને તમારી સામે પેશ થાય છે. શું છે ફિલ્મની વાર્તા? હરેસ (હરેશ નહીં, પણ હરેસ)ના બાપા એને યેનેકેન પ્રકારેણ અમેરિકા મોકલવા માગે છે. ન્યુયોર્ક શબ્દની પ્રિન્ટવાળું ટીશર્ટ પહેરીને ફર્યા કરતા આ યુવાનને પણ યુએસ પહોંચીને મોટેલકિંગ બની જવાના ધખારા છે. આ સપનું યા તો ઘેલછા પૂરી કરવા પટેલ પિતાપુત્ર કેવા ઉધામા કરે છે? બચુભઈનો લાલો આખરે અમેરિકા પહોંચે છે ખરો?

ગુજરાતી સિનેમાના સંદર્ભમાં ‘કેવી રીતે જઈશ’ એક સરપ્રાઈઝ પેકેજ છે. કોઈપણ ભાષાની સારી, કમર્શિયલ, એન્ટરટેનિંગ ફિલ્મમાં હોવા જોઈએ એ લગભગ તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. તમામ ગુજરાતીઓ તરત આઈડેન્ટિફાય કરી શકે એવો વિષય, સરસ સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ, સૂક્ષ્મ રમૂજો, અસરકારક અભિનય, સુંદર સિનેમેટોગ્રાફી  ગીત-સંગીત અને ધ્યાનાકર્ષક પ્રોડક્શન વેલ્યુ. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં બધું પોતીકું લાગે છે, સાચુકલું લાગે છે. આમાં આજના ગુજરાતીઓની વાત છે. અહીં નથી ખોટી ચાંપલાશ કે નથી  હિન્દી ફિલ્મની નકલખોરી. ‘હેંડો હેંડો દેખાડી દઈએ કે આમ બનાવાય ગુજરાતી પિક્ચર...’ એવા કોઈ એટિટ્યુડની અહીં ગંધ પણ આવતી નથી. ફિલ્મમેકર અને એમની ટીમ પાસે કન્વિક્શન, પ્રામાણિકતા અને સાદગી છે, જે પડદા પર થઈને દર્શક સુધી પહોંચે છે.

Abhishek Jain: Captain of the ship


આ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર અભિષેક તારાચંદ જૈન મૂળ છે તો મારવાડી, પણ એમનો જન્મ અને ઉછેર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં. (ફિલ્મના હીરોએ, બાય ધ વે, જિંંદગીમાં ક્યારેય પોળવિસ્તાર જોયો નથી!) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રાી મળી ગયા પછી અભિષેકે સુભાષ ધાઈની વ્હિસલિંગ વૂડસ ઈન્ટરનેશનલમાં બે વર્ષનો ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કરવા માટે અમદાવાદ છોડ્યું એ જ વખતે મનોમન નક્કી કરી નાખ્યું હતું કે અત્યારે ભલે મુંબઈ જાઉં છું, પણ આખરે સેટલ તો હું અમદાવાદમાં જ થઈશ! ‘કોલેજકાળ સુધી મને ફિલ્મોનો ક્રેઝબેઝ કશું નહોતું,’ અભિષેક કહે છે, ‘સિનેમા માટેનું ખરું પેશન વ્હિસલિંગ વૂડ્સમાં ગયો પછી પેદા થયું. અહીં એક બાજુ તમે ફિલ્મસિટીમાં હાડોહાડ કમર્શિયલ હિન્દી ફિલ્મો બનતાં તમે જોતા હો અને બીજી બાજુ વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર મળતું હોય. કોર્સ કરી લીધા પછી મેં સુભાષ ઘાઈને એમની બે ફિલ્મો ‘યુવરાજ’ અને ‘બ્લેક એન્ડ વ્હાઈટ’માં આસિસ્ટ કર્યા. એ પછી સંજય લીલા ભણસાલીને જોઈન કર્યું. ‘સાંવરિયા’ પછી તેઓ ‘ચેનાબ ગાંધી’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા હતા, પણ દુર્ભાગ્યે એ ફિલ્મ ક્યારેય બની નહીં. સર્વાઈવલના સવાલો ક્રિયેટિવિટીને ચીમળાવી નાખે એ પહેલાં હું મુંબઈને અલવિદા કરીને પાછો અમદાવાદ આવી ગયો.’

હવે શું કરવું? લાઈફમાં માત્ર બે જ ગુજરાતી ફિલ્મો જોઈ હતી એક તો ’બેટર હાફ’  અને બીજી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેનું કશું સ્મરણ મનમાં નોંધાયેલું નહોતું. નવા બનેલા મિત્રો અનિશ શાહ અને નિખિલ મુસાળે સાથે સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ નામની એડ એજન્સી શરૂ કરીને નાનુંમોટું કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને સાથે સાથે પોતે જે ફિલ્મ બનાવવા માગે છે એના પર પણ કામ શરુ કર્યું. અભિષેક કહે છે, ‘પોતાની ભૂમિ પ્રત્યેનો પ્રેમ  લવ ફોર ધ લેન્ડ  ખરેખર પ્રચંડ હોય છે. મને હંમેશા સવાલ થયા કરતો કે લોકો ખરેખર શા માટે માઈગ્રોટ કરતા હોય છે? આથી જ્યારે પોતાની ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે આ જ વિચારબીજને વિકસાવીને ‘કેવી રીતે જઈશ’ની સ્ક્રિપ્ટ લખવા માંડી. વચ્ચે એક ફિલ્મ ફેસ્ટિવલમાં જોયેલી ફતિહ અકિન નામના જર્મન ડિરેક્ટરની ‘ધ એજ ઓફ હેવન’ નામની ફિલ્મથી ખૂબ પ્રભાવિત થયો હતો. સ્ક્રિપ્ટ લૉક કરતાં પહેલાં અમે એના ૧૭ ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા!’

મોટા ભાઈ નયન જૈન પ્રોડ્યુસર બન્યા.  કાસ્ટિંગ શરૂ થયું. વ્હિસલિંગ વૂડ્સનો પોતાનો જુનિયર રહી ચુકેલો મુંબઈવાસી દિવ્યાંગ ઠક્કર મુખ્ય નાયક બન્યો. સુરતની વેરોનિકા ગૌતમ નાયિકા. અનંગ દેસાઈ, કેનેથ દેસાઈ, ટોમ ઓલ્ટર, રાકેશ બેદી, જય ઉપાધ્યાય, અભિનય બેન્કર વગેરે જોડાતા ગયા.  ફિલ્મની અફલાતૂન સિનેમેટોગ્રાાફી પુષ્કર સિંહે કરી છે. અભિષેક કહે છે, ‘હું અને પુષ્કર વ્હિસલિંગ વૂડ્સમાં રૂમમેટ્સ હતા. ડિસેમ્બર ૨૦૧૦માં એને અમદાવાદ બોલાવીને અમે શહેરનો મૂડ કેપ્ચર કરતા શોટ્સ લઈ લીધા. અગિયાર મહિના પછી પ્રિન્સિપલ શૂટિંગ શરૂ કર્યું ત્યારે સ્ટોરીબોર્ડ સહિત બધું જ રેડી હતું. એને એક્ઝિક્યુટ કરતા અમને ત્રેવીસ દિવસ લાગ્યા. આ દિવસોમાં અમે સૌ એટલી બધી એનર્જીથી છલકાતા હતા કે દોડવાનું શરૂ કર્યુર્ં હોત તો પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ હોત!’ફિલ્મમાં કેટલાય મજાનાં દશ્યો છે. વિસા ઈન્ટરવ્યુ, એક સાથે ડીવીડી પર એડલ્ટ ફિલ્મ જોઈ રહેલા ભાઈઓ, એરપોર્ટનાં સીન્સ વગેરે.  અભિષેક કહે છે, ‘તમે માનશો, અમદાવાદ એરપોર્ટ પર શૂટિંગ કરવાની પરમિશન અમને સાવ છેલ્લી ઘડીએ મળી હતી. આ પ્રકારની ફિલ્મ બનાવવાનું શરૂ કરી દીધું હોય ત્યાં સુધી અને તમારી પાસે એરપોર્ટની પરમિશન ન હોય એ ખરેખર તો બેવકૂફી ગણાય. સદભાગ્યે, બધું સમુંસૂતરું પાર પડી ગયું.’

કદાચ આ મેડનેસ જરૂરી હોય છે એક સુંદર ફિલ્મ બનાવવા માટે. અલબત્ત, ‘કેવી રીતે જઈશ’ કંઈ ‘પાથેર પાંચાલી’ નથી કે ગુજરાતી સિનેમાનો આખી દુનિયામાં ડંકો વાગી જાય. એમાં ક્ષતિઓ છે જ, પણ તે સહિત પણ તે એક નખશિખ સરસ ફિલ્મ બની શકી છે, જેને આપણે સહેજ પણ ક્ષોભ અનુભવ્યા વગર માણી શકીએ અને સંતોષભર્યો ગર્વ પણ અનુભવી શકીએ. સવાલ હવે સાતત્યનો છે. ફક્ત એક ‘કેવી રીતે જઈશ’થી કશું નહીં વળે. જ્યાં સુધી એક વર્ષમાં આ ગુણવત્તાની કમસે કમ પાંચ ફિલ્મો બનીને રિલીઝ નહીં થાય અને આ સિલસિલો એટલીસ્ટ પાંચ વર્ષ વણથંભ્યો ન ચાલે ત્યાં સુધી  ગુજરાતી સિનેમાનો અંધારયુગ પૂરો થવાનો નથી.

પચ્ચીસ વર્ષના અભિષેક જૈને આશા જગાડી છે. એમની કરીઅરની હવે પછીની ગતિ મહત્ત્વની પૂરવાર થવાની. તેઓ કહે છે, ‘હું ગુજરાતી ફિલ્મો બનાવવાનું અટકાવીશ નહીં. મારી પાસે વાણિયાબુદ્ધિ છે. હું જાણું છું કે નવી દુકાન ખોલીએ એટલે પહેલા દિવસથી નફો શરૂ ન થઈ જાય. એ માટે ધીરજ રાખવી પડે અને કામ કરતા રહેવું પડે.’

બેસ્ટ ઓફ લક, અભિષેક.

શો-સ્ટોપર 


મેં નાની ઉંમરે બહુ બધી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. બાવીસમે વર્ષે તો મેં ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી દીધી હતી. નોર્મલ ટીનેજ લાઈફ મેં માણી જ નથી.  

- શાહિદ કપૂર 


Tuesday, June 19, 2012

કેટલાં દુષ્કૃત્યો પછી પૃથ્વી ડૂબી જાય?


 ચિત્રલેખા - અંક તા. ૧૮ જૂન ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 


                                                                                                                                                                                                                             
માણસનું મન કેટલા સંઘાતો ઝીલી શકે? એમાંય કુમળાં બાળકનું મન? આકરા પ્રહારો ઝીલવાની આઠ-દસ-બાર વર્ષનાં બચ્ચાંની તાકાત કેટલી? બાળપણમાં થયેલા આઘાતના પડછાયા જીવનના ફલક પર ક્યાં સુધી લંબાતા હોય છે? કુંઠિત થઈ ગયેલું મન પૂર્વવત થાય ખરું? જો થાય તો કેવી રીતે? હિમાંશી શેલતની નવી નવલકથા ‘સપ્તઘારા’ આ અને આના જેવા કેટલાય સંવેદનશીલ સવાલો ઊભા કરે છે.

ખરું પૂછો તો ‘સપ્તધારા’ને ગુજરાતી નવલકથાનાં બીબાંઢાળ સ્વરૂપ સાથે એકરૂપ થઈ જવાની કોઈ ઝંખના નથી. એને તો છળી ઉઠાય એવા અનુભવોમાંથી પસાર થયેલાં સાત બાળકોનાં મનમાં ઊઠતા તરંગો સાથે નિસ્બત છે. આ સાત બાળકો એટલે બુલ્લાં-દલજીત-પૂરવ-ગણેશ-સલમા-રેણુ-રજત. સૌના ટ્રોમા અલગ. સૌની કહાણી ભિન્ન, પણ સૌના કારુણ્ય એક.

વંટોળિયા જેવા દલવીરનાં માબાપ એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં છે. મોડી રાતે એના શબ ઘરે આવ્યાં હતાં. દલવીરની આંખ ફાટી ગઈ. ચાચા એને દિલ્હી તેડી ગયા, પણ ત્યાં દંગા થઈ ગયા. સ્ત્રીઓ અને બીજાં બાળકો સાથે દલવીરને અંધારિયા ઓરડામાં ધકેલી દેવામાં આવ્યો. ગાંડૂતૂર ટોળું ડેલાં તોડીને ઘરમાં ઘૂસી ગયું. બે ડોકાં ધડથી અલગ થઈ ગયાં. ગાદલાં અને પટારા વચ્ચે ભરાયેલા દલવીરે બારીક ફાટમાંથી લાલ રંગનો ધસમસતો ઉછાળ જોયો. એ પથ્થર જેવો મૂંગો થઈ ગયો. કોઈએ જાણે એની જીભ કાપી નાખી.મોત રેણુએ પણ જોયું હતું. સગી બહેનનું. પરિવારના પુરુષોએ જ એનું શિરચ્છેદ કરી નાખ્યું હતું. એનો અપરાધ શો? ઊતરતા વરણના છોકરા સાથે પ્રેમ કરવાનો. એના લોહીના રેલામાંથી તિલક થયાં. દીકરીનું બલિદાન દીધું એટલે કુળની આબરુ સચવાઈ ગઈ. નાનકડી બુલ્લાંની માને પણ આબરુની જ ચિંતા હતી, પણ એની ચિંતા ઘણી નક્કર હતી. એ પોતાના પતિનો જીવ લઈને જેલમાં ગઈ ગતી. એ ડર હતો એ આ નઠારો ધણી બીજી છોકરીઓની સાથે માસૂમ બુલ્લાંને પણ વેચી નાખશે!

બાર વર્ષના રજતે આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઉંમરે એવું તે કયું દુખ? એ પરીક્ષામાં ધાર્યું પરિણામ ન લાવે એટલે એના પિતાજી પાગલ થઈ જતા. મારા કુટુંબમાં તો સૌ ભણવામાં એકએકથી ચડિયાતા, પણ આ ડોબો... ગણેશના મિત્ર પર એના અણધડ શિક્ષકે ચોરીનો આરોપ મૂક્યો. છોકરાને બહુ ખોટું લાગી ગયું. બે દિવસ પછી નહેરમાંથી એનું શબ મળ્યું. ગણેશને ભયાનક ગુસ્સો ચડ્યો. એણે શિક્ષકને સાઈકલ પરથી પછાડ્યા. ભરપેટ ગાળો દીધી. સ્કૂલના ચોપડા સળગાવી માર્યા. આ લોકો મને શું ભણાવવાના? પૂરવ અને સલમાની કથા પણ એટલી જ દારુણ છે, પ્રશ્નો એટલા જ દારુણ છે.

કથાની નાયિકા સુચિતાના મનમાં પ્રશ્ન થાય છેઃ કેટલાં દુષ્કૃત્યો પછી પૃથ્વી ડૂબી જાય? સુચેતાને બાળકો પ્રત્યે સચ્ચાઈભરી નિસ્બત છે. એ અંગત સ્તરે અથવા બીજા લોકો સાથે જોડાઈને બાળકો માટે સતત કામ કરતી રહે છે.  શું આઘાતમાંથી બહાર આવેલા બાળકો નવા માહોલમાં ધીમે ધીમે ગોઠવાઈ જતાં હોય છે? સુચેતાને અનુભવે સમજાયું છે કે ના, સહેલાઈથી ગોઠવાઈ જવાતું નથી. જાતને કાપીકૂપીને, ઘસીને, રંધો ફેરવીને જે આકાર આપણે ભાગો આવ્યો હોય તે અપનાવી લેવાનો અને આટલું થયા પછી પણ બંધબેસતા થવાતું હોતું નથી. સુચેતાને એમ કે બે મહિનામાં છોકરાંવને રમતાં કરી દેવાશે. એમનું વિસ્મય, રોમાંચ, ધમાલમસ્તી પાછાં આવી જશે. પણ એવું બનતું  નહીં. ચૂરચૂર થઈ ગયેલા આત્મવિશ્વાસની રજેર ભેગી કરવાનું કામ આસાન થોડું છે? 

સમગ્ર કથાપ્રવાહને બાંધી રાખતો તંતુ સુચેતા જ છે. એણે સ્વયં બાળપણમાં મન પર ઘાવ ઝીલ્યા છે. કદાચ એટલે જ બાળકો પ્રત્યેનું તેનું સમસંવેદન તીવ્ર અને સહજ છે. એ સાવ નાની હતી ત્યારે એક રાતે એની મા પપ્પા સાથે ઝઘડીને, બેગમાં કપડાં ઠસોઠસ ભરીને ઘર છોડીને ચાલી નીકળી હતી. બહાર નીકળતી વખતે માત્ર એક વાર દીકરી સામે જોયું હતું. એના માથાં તરફ હાથ લંબાયો ખરો પણ માથાને અડ્યો નહીં. બારણું ધડ દઈને બંધ થઈ ગયું. મમ્મા જતી રહી. હોસ્ટેલમાં જીવન જીવાતું રહ્યું.

...પણ એ રાતે માત્ર ઘરનો દરવાજો બંધ નહોતો થયો. યુવાની પસાર કરીને મધ્યવય તરફ આગળ વધી ગયેલી સુચેતાના દિલના દરવાજા ચસોચસ ભીડાયેલા રહ્યા. કોઈને એણે અંદર આવવા ન દીધા. જે સંબંધો જરાતરા અડ્યા એને ગાઢ થવા ન દીધા. નિકટતાનો તબક્કો આવે એ પહેલાં તો સુચેતા સલામત અંતરે દૂર જતી રહે. એ માનવા લાગી હતી કે સાથીદાર હોવા છતાં એકલતા અનુભવવી પડે એના કરતાં આરંભથી જ એકલા હોવાની સ્થિતિ વધારે સ્વીકાર્ય છે.

અલગાવ જરુર છે, પણ સુચેતાએ પોતાનાં સાથેનો સંપર્કસેતુ સતત જળવી રાખ્યો છે. સાતેય બાળકો માટે સુચેતા જે રીતે ઘસાઈ રહી છે એ જોઈને મા વિચારે છે પોતે એકમાત્ર દીકરીનું ય જતન ન કરી શકી, પણ મારી દીકરી કેટલાંયને અપનાવી રહી છે!

લેખિકા હિમાંશી શેલતે કુલ ૨૦ વર્ષ સુધી રેલવે પ્લેટફોર્મ પર રઝળતાં બાળકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ન્કસ્ટ્રક્શન સાઈટના મજૂરોનાં બાળકો તેમજ રિમાન્ડ હોમના બાળકો માટે કામ કર્યું છે. એ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મને લાગે છે કે આપણે બાળકોના અપરાધી છીએ. ભારતના અને ઈવન પશ્ચિમના દેશોમાં માબાપો કદાચ પૂરતી પાત્રતા કેળવી શક્યાં નથી. શિક્ષણ પણ બાળપણની અવજ્ઞા કરે છે. સમાજમાં જે પ્રશ્નો ઊભા થાય છે એનાં મૂળમાં આ જ બાબત રહેલી છે. હું તબક્કે કેટલાંય અવગણાયેલાં બાળકોના સંપર્કમાં આવી છ . આ અનુભવોને મેં ‘પ્લેટફોર્મ નંબર ચાર’ પુસ્તકમાં યથાતથ મૂક્યા હતા, પણ અહીં મેં સચ્ચાઈને કલ્પનાના વાઘાં પહેરાવી પેશ કરી છે.’

લાઘવ એ લેખિકાનાં લખાણોનો હંમેશા મોટો પ્લસ પોઈન્ટ રહ્યો છે. આ નવલકથા ચીલાચાલુ મનોરંજન માટે છે જ નહીં. ‘સપ્તધારા’નો કથાપ્રવાહ ભાવકના મનહૃદયમાં વેદનાનાં સ્પંદનો પેદા કરે છે, એમને વિચારતા કરી મૂકે છે અને પોતાના આગવા લયમાં વહેતો રહે છે. સંવેદનશીલ વાચકોને સ્પર્શી જાય એવી સરસ કૃતિ.                                                                                                                                 0 0 0


સપ્તધારા


લેખિકાઃ હિમાંશી શેલત


પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ-૬


ફોનઃ (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮, ૬૫૨૩ ૦૧૩૫


કિંમતઃ  રૂ. ૯૦ /     પૃષ્ઠઃ ૧૧૨


                                             

Saturday, June 16, 2012

અનુરાગમાં એવું તે શું છે?


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - 17 જૂન 1012


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

અનુરાગ કશ્યપ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા.  ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! આજની તારીખે હિન્દી સિનેમાના સૌથી તગડા સ્ટોરીટેલરોમાં એમની ગણના થાય છે. માણસ પાંચ કલાક ૧૮ મિનિટ લાંબી ફિલ્મ બનાવીને પ્રતિષ્ઠિત કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરે છે અને, પ્રાપ્ય અહેવાલો તેમજ રિવ્યુઝના આધારે કહીએ તો, દુનિયાભરમાંથી એકત્રિત થયેલા દર્શકોની વાહવાહી મેળવે છે. આ માણસે હિન્દી સિનેમામાં જીદપૂર્વક એક નવી દિશા ખોલી છે. એની પાછળ પાછળ, એની સફળતાથી પ્રેરાઈને કેટલાય યુવાન ફિલ્મમેકરો  ઉત્સાહપૂર્વક અલગ પ્રકારની સુંદર ફિલ્મો બનાવવા લાગ્યા છે.

વાત અનુરાગ કશ્યપ અને તેમની લેટેસ્ટ ફિલ્મ ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ની થઈ રહી છે. આવતા શુક્રવારે આપણાં થિયેટરોમાં આ લંબૂસ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થવાનો છે. ઉત્તર ભારતમાં કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરીને શી રીતે માફિયાઓ અસ્તિત્ત્વમાં આવ્યા અને પાવરફુલ બનતા ગયા એની આમાં વાત છે. અતિ હિંસા અને અપશબ્દોથી ભરપૂર આ ફિલ્મ એની ભૌગોલિકતાને કારણે મુંબઈની ગેંગસ્ટર ફિલ્મોથી અલગ પડે છે. અનુરાગને ભાઈલોકો સારા ફળ્યા છે. રામગોપાલ વર્માની અફલાતૂન ગેંગસ્ટર ફિલ્મ ‘સત્યા’ અનુરાગે લખી હતી. ‘સત્યા’થી મનોજ વાજપેયીની અભિનયપ્રતિભા બોમ્બની જેમ ફાટીને સૌની નજરમાં આવી હતી. પછી તો ‘કૌન?’ અને ‘શૂલ’ જેવી ફિલ્મોમાં પણ અનુરાગ અને મનોજે રાઈટર-ડિરેક્ટર તરીકે સાથે કામ કર્યું.

Manoj Bajpai in Gangs of Wasseypur

એક રાતે સાડા દસે અચાનક મનોજને અનુરાગ કશ્યપનો ફોન આવ્યોઃ ફ્રી છે? અબ્બીહાલ મારી ઓફિસે આવી જા. એક કલાકમાં મનોજ અનુરાગની ઓફિસમાં હતો. અનુરાગે એને ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’નો સ્ટોરી આઈડિયા સંભળાવ્યો. ફિલ્મના નાયકમાં નૈતિકતાનું નામોનિશાન નથી. એ સેક્સ મેનિયાક છે અને હિન્દી ફિલ્મનો હીરોએ જે ન કરવાં જોઈએ તે બધાં જ કામ એ કરે છે. આમ છતાંય એના વ્યક્તિત્ત્વમાં કશુંક ગમી જાય એવું તત્ત્વ છે. અનુરાગે પૂછ્યુંઃ બોલ મનોજ, બનીશ હીરો? મનોજે એક પળનો વિચાર કર્યા વિના કહી દીધુંઃ યેસ્સ! બસ, પછી શું. મિટીંગની ત્રીસમી મિનિટે બન્ને જણા વાઈનની બોટલ ખોલીને એમનો સંયુક્ત નવો પ્રોજેક્ટ સેલિબ્રેટ કરી રહ્યા હતા!

અનુરાગ નાનપણથી જ સારા સ્ટોરીટેલર છે.  એમને ઉત્તર ભારતનો, ખાસ કરીને યુપીનો સારો પરિચય છે. એમના પિતાજીની સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં ટ્રાન્ફરેબલ જોબ હતી એટલે યુપીના ઘણા શહેરોમાં રહેવાનું થયું હતું. એ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા.  ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! એટલું જ નહીં, નાનકડો અનુરાગ ખરેખર માનવા લાગતો સ્ટોરી એકદમ સાચી જ છે અને ખરેખરી ફિલ્મમાં મેં જે વિચાર્યુર્ં છે એવું જ હોવું જોઈએ!

અનુરાગ કોલેજકાળમાં થિયેટર કરતા હતા. એમને શરૂઆતમાં તો એક્ટર બનવું હતું, પણ એક વખત દિલ્હીમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની ભાતભાતની ફિલ્મો જોઈને વિચાર બદલાયો અને ફિલ્મમેકર બનવાનો નિર્ણય લીધો. વીસ વર્ષ પહેલાં એમણે મુંબઈમાં પગ મૂક્યો. પાછળ પાછળ નાનો ભાઈ અભિનવ કશ્યપે એમબીએ કરવા મુંબઈમાં એન્ટ્રી કરી. અનુરાગે ‘પાંચ’ નામની હાર્ડહિટીંગ ફિલ્મ બનાવી હતી, પણ એ રિલીઝ થવાનું નામ નહોતી લેતી એટલે હાલત ખરાબ થઈ ગઈ હતી (આ ફિલ્મ આજની તારીખે ય રિલીઝ નથી થઈ!). સદભાગ્યે છોટે ભૈયા ‘ત્રિકાલ’ અને ‘ડર’ જેવી ટીવી સિરિયલો લખવા અને ડિરેક્ટ કરવા લાગ્યા. ટીવીમાંથી પૈસામાંથી ઘર ચાલતું. નિરાશાઓ અને સંઘર્ષ વચ્ચે પણ અનુરાગનું પેશન ક્યારેય ઢીલું ન પડ્યું એટલે એમની ગાડી ક્રમશઃ એમણે ઈચ્છી હતી એ દિશામાં ચાલવા લાગી.

Anurag with younger brother Abhinav Kashyap

અનુરાગ કશ્યપ ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ ગણાયા, જ્યારે નાના ભાઈ અભિનવે વર્ષો પછી સાવ સામે છેડે જઈને ‘દબંગ’ જેવી હાડોહાડ મસાલા ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે ધમાકેદાર શરૂઆત કરી. ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ બન્નેમાં ઉત્તર ભારતનું ગ્રાામ્ય બરછટપણું છે.

એક ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપ કહે છે, ‘વિશાલ ભારદ્વાજ, તિગ્માંશુ ધુલિયા અને હું ફિલ્મોમાં ગ્રામ્ય બરછટપણું પેશ કરીએ છીએ, પણ અમારા ત્રણેયમાંથી એકેયને બોક્સઓફિસ પર પ્રચંડ સફળતા આજ સુધી મળી નથી. હવે થયું છે એવું કે ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ની સુપરડુપર સફળતાને કારણે ઓડિયન્સને અમારી ફિલ્મોમાં દર્શાવાતાં પ્રમાણમાં વધારે વાસ્તવિક એવા ગ્રામ્ય માહોલમાં ધીમે ધીમે રસ પડવા માંડ્યો છે. ઓડિયન્સનો ટેસ્ટ કંઈ રાતોરાત એક ફિલ્મથી બદલાયો નથી. પ્રેક્ષકોને બીબાંઢાળ ફિલ્મોથી અલગ જોતાં કરવાનો જશ જો આપવો જ હોય તો તમે વિશાલ ભારદ્વાજનું નામ લઈ શકો, દિબાકર બેનર્જીનું નામ લઈ શકો... પણ મારા હિસાબે ખરી કમાલ તો રાજુ હિરાણીએ કરી છે. એ માણસે ‘મુન્નાભાઈ’ સિરીઝ અને ‘થ્રી ઈડિયટ્સ’ બનાવીને આર્ટ્સ અને કોમર્સ વચ્ચે જે જબરદસ્ત બેલેન્સ કર્યુર્ં છે જેવું અમારામાંથી કોઈ કરી શક્યું નથી. હિરાણી ઓડિયન્સને પ્રચંડ માત્રામાં આકર્ષી શકે છે અને સાથે સાથે પોતાને જે કહેવું હોય એ કહી પણ દે છે.’

અનુરાગ કશ્યપને ઊંડે ઊંડે આશા છે કે ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ કદાચ આટર્સ અને કોમર્સનો સંગમ કરી શકશે. આ ફિલ્મ આવતા મહિને યુરોપમાં મોટા પાયે રજૂ થવાની છે. વિદેશી ઓડિયન્સને આ પ્રકારની ભારતીય માટીની ખૂશ્બુ ધરાવતી, સ્થાનિક સેન્સિબિલિટીવાળી ફિલ્મો જ આકર્ષી શકે. આ પ્રકારની ફિલ્મોમાં દેખાડાતી દુનિયા એમના માટે નવી છે. જરૂરી નથી એ દરિદ્ર અને ગંદીગોબરી જ હોય.

અનુરાગ કશ્યપ હાલ ‘મોન્સૂન શૂટઆઉટ’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ સિવાય એમના બે ડ્રીમ પ્રોજેક્ટ્સ છે. એક છે, ‘બોમ્બે વેલ્વેટ’ અને બીજી, ‘દોગા’. સાઠના દાયકાનું પશ્ચાદભૂ ધરાવતી ‘બોમ્બે વેલ્વેટ’ એક ખર્ચાળ ફિલ્મ બની રહેવાની.  અનુરાગ પચાસ વર્ષ પહેલાનું ફોર્ટથી માહિમ સુધીનું બોમ્બે પડદા પર રિક્રિયેટ કરવા માગે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા એપ્રિલથી શરૂ થશે અને ઘણું કરીને રણબીર કપૂર એનો હીરો હશે. ‘દોગા’ ક્રિસ્ટોફર નોલનની ખૂબ વખણાયેલી (બેટમેનવાળી) ‘ધ ડાર્ક નાઈટ’ પ્રકારની ફિલ્મ હશે. મુંબઈનું લોકાલ ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ પૈસો માગી લે એવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનુરાગ કશ્યપનું સ્ટેટસ હવે ખાસ્સું વધ્યું છે એટલે એમને મસમોટું ફાયનાન્સ અવેલેબેલ થઈ રહ્યું છે. ટોપ સ્ટાર્સ પણ એમની સાથે કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપ જેવા વેગળા ફિલ્મમેકરને નાણાં અને કાસ્ટિંગના મામલે ઝાઝી ચિંતા ન કરવી પડે એ ખરેખર ખૂબ સારી નિશાની છે!

શો-સ્ટોપર

મારો ચહેરો પોસ્ટર પર જોઈને લોકોનાં ટોળેટોળાં ફિલ્મ જોવા ઉમટી પડે એવું ક્યારેય નહોતું, પણ ‘ફરારી કી સવારી’ પછી બોક્સ ઓફિસ પર મારી પોઝિશન બહુ સ્ટ્રોન્ગ થઈ જવાની. 

-  શર્મન જોશી (એક્ટર)


Tuesday, June 12, 2012

ડોન્ટ વરી, બી રાઉડી


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૧૦ જૂન ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

ચોખલિયો દર્શક ‘રાઉડી રાઠોડ’ જોઈને દિગ્મૂઢ થઈને વિચારમાં પડી જાય છે કે આ હથોડાછાપ ફિલ્મ સાચે જ સંજય ભણસાલીએ બનાવી છે? અમુક વિવેચકોના મતે સંજયની ક્રિયેટિવિટીના અંતની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે ઈન્ડસ્ટ્રીના બિઝનેસબહાદૂરો કહે છે કે ‘રાઉડી રાઠોડ’ પ્રોડ્યુસ કરીને ભણસાલીભાઈએ પહેલી વાર કોઈ સમજદારીનું કામ કર્યું છે!   ‘મેરા માલ...’

એક આધેડ વયના મુછ્છડ આદમી પોતાના કરતાં અડધી ઉંમરની ન્કયાને જોતાં જ આ બે શબ્દો ઉચ્ચારે છે. ન્કયાની ખુલ્લી કમર જોઈને એની ડાગળી વારે વારે ચસકી જાય છે. પછી કોઈ ઢીન્ચાક ગીતની બીટ્સ પર આ હીરો-હિરોઈન શરીરના મધ્ય હિસ્સાને જોરદાર ઝાટકા મારતાં મારતાં ચક્રમ જેવો ડાન્સ કરે છે. ઠીક છે. હીરો મારામારી કરે ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમની ઐસીતૈસી કરીને ગુંડા હવામાં આમતેમ ઊડ્યા કરે એનો ય વાંધો નથી. ‘રાઉડી રાઠોડ’ હાડોહાડ ટાઈમપાસ કમર્શિયલ ફિલ્મ છે એટલે એમાં આવા બધા મસાલા હકથી હોવાના. આ ફિલ્મમાં ચમકી જવાય એવી ચીજ એક જ છે. એ છે, ફિલ્મની શરૂઆતમાં આવતો લાલચટ્ટાક હંસની આકૃતિવાળો લોગોઃ સંજય લીલા ભણસાલી ફિલ્મ્સ!

વર્ષોથી સંજયસાહેબની મુલાયમ મુલાયમ ફિલ્મો જોવા ટેવાયેલો દર્શકન દિગ્મૂઢ થઈને વિચારવા માંડે છેઃ આ શું? આ હથોડાછાપ ફિલ્મ સાચે જ સંજય ભણસાલીએ બનાવી છે? ‘રાઉડી રાઠોડ’ જોયા પછી અમુક વિવેચકોએ તો ઘોષણા કરી નાખીઃ સંજય ભણસાલીની ક્રિયેટિવિટીના અંતની શરૂઆત થઈ ચૂકી છે...!
મુદ્દો ઈમેજનો છે. સંજય ભણસાલી એટલે નજાકતના માણસ, વિઝયુઅલના માણસ, પડદા પર કવિતા કરનારા માણસ... આવી એક સજજડ છાપ પડી ગઈ છે. મૂંગાબહેરાં માબાપને દિલ કી ઝુબાં સંભળાવતા (‘ખામોશી’), હીરો પાસે આંખોં કી ગુસ્તાખીયાં કરાવતા (‘હમ દિલ દે ચૂકે સનમ’), વિદેશ ગયેલા પ્રેમીની પ્રતિક્ષા કરી રહેલી નાયિકા પાસે અખંડ દીવો પેટાવતા (‘દેવદાસ’) અને આયખું ટૂંકાવી દેવું હોવા છતાં નાયકને જીવનરસને છલછલતો રાખતા (‘ગુઝારિશ’) આ ફિલ્મમેકર આ જ પ્રકારની ફિલ્મો બનાવતા રહે એવું જાણેઅજાણે આપણે ઈચ્છવા લાગતા હોઈએ છીએ.

સૌથી પહેલાં એક સ્પષ્ટતા. સંજય ભણસાલીએ ‘રાઉડી રાઠોડ’ પોતાનાં બેનર હેઠળ માત્ર પ્રોડ્યુસ કરી છે, ડિરેક્ટ નથી કરી. આની પહેલાં એમણે ‘માય ફ્રેન્ડ પિન્ટો’ (પ્રતીક બબ્બર) નામની ફિલ્મ માત્ર પ્રોડ્યુસ કરી હતી. ફર્ક એ છે કે ‘માય ફ્રેન્ડ પિન્ટો’ સુપરફ્લોપ થઈ હતી, પણ ‘રાઉડી રાઠોડ’ હિટ થઈને કરોડો કમાઈ રહી છે. શું ‘સાંવરિયા’ અને ‘ગુઝારિશ’ જેવી નિષ્ફળ ફિલ્મો પછી સંજય ભણસાલી પૈસા કમાવવા એક ‘રાઉડી રાઠોડ’ બનાવે એટલે એમની ક્રિયેટિવિટી કે સેન્સિબિલિટી જોખમમાં આવી જાય?

સિનેમા અત્યંત ખર્ચાળ માધ્યમ છે અને નાણાંનું પરિબળ કેન્દ્રમાં આવી જ જતું હોય છે. પ્યોર બિઝનેસની જ ભાષા સમજતી ઈન્ડસ્ટ્રીમાં અત્યારે એવું કહેવાય છે કે સંજય ભણસાલીએ ‘રાઉડી રાઠોડ’ બનાવીને પહેલી વાર કોઈ સમજદારીનું કામ કર્યું છે! સંજયે એક ઈન્ટરવ્યુમાં કહેલું, ‘એક્શન ફિલ્મ બનાવવી મારું કામ નહીં. હું પોતે ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરવાનું વિચારી પણ ન શકું. અત્યારે હું મારી કરીઅરના એવા તબક્કામાં છ  કે એક ફિલ્મમેકર તરીકે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જ પડે અને અત્યાર સુધી જે દિશામાં નજર સુધ્ધાં કરી નહોતી એ તરફ કદમ માંડવાં પડે. હું પોતે મુંબઈની ચાલમાં ઉછરેલો માણસ છું . નાનો હતો ત્યારે મેં તમામ પ્રકારની ફિલ્મો ખૂબ માણી છે. લોકો ફિલ્મ જોતાં જોતાં દેકારો બોલાવતા હોય, સિક્કા ઊછાળતા હોય, ઊભા થઈ થઈને નાચતા હોય એવું બધું મેં બહુ જોયું છે. હું ઈચ્છું  છું  કે ‘રાઉડી રાઠોડ’ પણ એ જ પ્રકારનો જાદુ ફરી જગાવી શકે.’

સંજયજીની આ ઈચ્છા અમુક અંશે પૂરી થઈ છે. ખરેખર તો અક્ષયકુમાર-સોનાક્ષી સિંહાને ચમકાવતી આ ફિલ્મ ‘વોન્ટેડ’, ‘દબંગ’  અને ‘સિંઘમ’ની સફળતા પરથી પ્રેરાઈને બનાવવામાં આવેલું એ જ કુળની ઓર એક જોણું છે. પ્રભુ દેવાએ ‘વોન્ટેડ’ ડિરેક્ટ થકી સલમાન ખાનની લડખડાતી કરીઅરને શિખર તરફ ધકેલી હતી. આ વખતે ‘રાઉડી રાઠોડ’થી સંભવતઃ અક્ષયકુમારની હલબલી ગયેલી કરીઅર સ્થિર થશે. કેટલાય અરસાથી સફળતાના સ્વાદ માટે તરસી રહેલા સંજય ભણસાલીને પણ આ ફિલ્મથી એનર્જીનું ઈન્જેક્શન મળશે એ અલગ.

બાકી ‘રાઉડી રાઠોડ’ જોઈને કાંપી ઉઠેલા ચોખલિયા દર્શકજનોએ કે ચાંપલા વિવેચકોએ સંજય ભણસાલીની કાબેલિયતના નામનું નાહી નાખવાની કશી જરૂર નથી. કહેનારાઓ કહે છે કે સંજય ભણસાલી હવે મહેશ ભટ્ટના રસ્તા ચાલી નીકળ્યા છે. ‘સારાંશ’ અને ‘અર્થ’ જેવી અદભુત ફિલ્મો આપનાર મહેશ ભટ્ટે પછી કોઈ પણ જાતના અફસોસ વિના, બિલકુલ બિન્દાસ થઈને પ્રોડ્યુસર તરીકે ‘મર્ડર’,  ‘રાઝ’,  ‘જિસ્મ’  અને એવી બધી ફિલ્મોનો ખડકલો કરી નાખ્યો. તેઓ કહે છે, ‘હું આજની તારીખેય ‘અર્થ’  અને ‘સારાંશ’ જેવી ફિલ્મો બનાવી શકું છું , પણ એ જોશે કોણ? આ ફિલ્મો બનાવીને મેં બહુ વાહવાહી મેળવી, અવોર્ડઝ જીત્યા, પણ મારું ખિસ્સું ખાલીખમ રહી ગયું એનું શું? ફિલ્મો માત્ર ક્રિયેટિવ સેટિસ્ફેક્શન માટે બનાવવાની નથી હોતી. એ બોક્સ ઓફિસ પર ચાલવી પણ જોઈએ. અમારે ‘મર્ડર’ અને  ‘જિસ્મ’  જેવી ફિલ્મો બનાવવી પડે છે કારણ કે ઓડિયન્સને આવું જ બધું જોવું છે.’

વેલ, મહેશ ભટ્ટની વાતમાં અર્ધસત્ય છે. તેઓ ધારત તો ‘મર્ડર’ અને ‘જિસ્મ’ જેવી કમર્શિયલી સક્સેસફુલ ફિલ્મોની લંગાર વચ્ચે છૂટીછવાઈ સત્ત્વશીલ ફિલ્મો જરૂર બનાવી શક્યા હોત. બાકી સંજય અત્યારે ‘રામલીલા’ની તૈયારી કરવામાં વ્યસ્ત છે, જે  બિલકુલ ‘એમના ટાઈપ’ની  ફિલ્મ છે. સો ડોન્ટ વરી! કરીના કપૂર અને રણવીર સિંહને ચમકાવતી આ ફિલ્મને ‘રાઉડી રાઠાડ’ ટાઈપની સફળતા મળે એટલે ભયો ભયો.

શો-સ્ટોપર

સ્ત્રીઓનાં અન્ડરગાર્મેન્ટ્સ વેચતો એક આધેડ સેલ્સમેન એક  મહિલાને જુદી જુદી બ્રા બતાવતાઃ ‘આ સ્પોર્ટસ બ્રા છે, આ અંધારામાં ચમકે એવી ફ્લુરોસન્ટ બ્રા છે અને આ છે પેડેડ બ્રા... (મહિલાના હૃષ્ટપુષ્ટ શરીર પર નજર નાખીને) પણ એની તમારે કશી જરૂર નથી.’ 

 - સંજય ભણસાલીએ પ્રોડ્યુસ કરેલી આગામી ફિલ્મ ‘શિરીન ફરહાદ કી તો નિકલ પડી’નો એક સીન


Tuesday, June 5, 2012

મન જ્યારે વિસ્મયના તડકામાં ઊભું રહે છે...


 ચિત્રલેખા - અંક તા. ૨૮ મે ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 

ટેબ્લેટ અને પાનબાઈ!

આ કોમ્બિનેશન જ સહેજ ચમકાવી દે એવું છે. આ બન્ને શબ્દો આજનાં પુસ્તકનાં શીર્ષકના હિસ્સા છે અને એ પુસ્તક પાછું ગુજરાતી લલિત નિબંધોનું છે. જી, આ ટેક્નોલોજી યુગમાં ય આપણી ભાષામાં લલિત નિબંધો લખાય છે! તરત ધ્યાન ખેંચતી બીજી બાબત છે, પુસ્તકનાં રંગરૂપકદઆકાર જે બિલકુલ ટેબ્લેટ જેવાં છે (ટેબ્લેટ એટલે લેપટોપ કરતાંય નાનું એવું એક પ્રકારનું કમ્ય્યુટર, જેને મોબાઈલની જેમ આસાનીથી સાથે રાખી શકાય). ખેર, આ તો બાહ્ય બાબત થઈ, ખરી મજા એનાં લખાણમાં છે. ગુજરાતી ભાષાનું લાલિત્ય અહીં મન મૂકીને ખીલ્યું છે.

લલિત નિબંધને ઋતુઓ સાથે જૂનું લેણું છે. એમાંય લેખક ખુદને ‘ઋતુઓના માણસ’ ગણાવે છે. દેખીતી રીતે જ પુસ્તકના અડધોઅડધ નિબંધો ક્રમબધ્ધ બદલાતી ઋતુઓ અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને લખાયા છે. જદા જદા લેખોમાં વેરાયેલા અલંકાર અને ઉપમા વડે કેવાં  ચિત્ર ઊપસ્યાં છે? જઓઃ

જાન્યુઆરીમાં ઉતરાણ આવે એટલે લેખકને લાગે કે આકાશ નીચે પંતગોનું નવું રંગીન આકાશ રચાઈ ગયું છે. ફેબ્રુઆરીમાં ફૂલો ‘ક્લાઈમેટ ચેન્જ’ સામે છાતી કાઢીને ઊભાં રહી જાય. માર્ચ મહિનામાં હોળીના દિવસોમાં લેખકનું મન વિસ્મયના તડકામાં ઊભું રહે અને પોપચાં પિચકારી મારે. એપ્રિલમાં તડકાનું એક મોટું ટોળું લેખકના નગરને રગદોળી નાખે. ગરમીથી અકળાઈને સ્વિમિંગપુલનું વિહવળ થયેલું પાણી પુલની દીવાલ સાથે બરડો ઘસી નાખે. ગ્રીષ્મની રાતોમાં પંચતારક હોટલની જાહોજલાલી ઉજાગરા કરે. પવન રસ્તાની પહોળાઈને જાનૈયા પાન ચાવતા હોય એ અદાથી ચાવતા હોય એવું લાગે. ભરઊનાળે ટાંકણીનાં ટોચ જેવા અજવાળાના ફણગાં ફૂટે એટલે સમજી લેવાનું દિવસનું આક્રમણ આવી રહ્યું છે. વેકેશનમાં અમુક નિશાળો બધાં પાન ખરી ગયેલા ઝાડ જેવી, તો અમુક નિશાળો ઊંઘ આવતા પહેલાંના ઘેનમાં જાગતી સ્ત્રી જેવી લાગે! વરસાદનું વ્યાકરણ એટલે નિરાશાનું વ્યાકરણ. શિયાળો ધમધોકાર આવ્યો ન હોય ત્યારે સવારની ચામાં બોળી બોળીને ડિસેમ્બરના સૂરજને ચાખવાનો અને લિજ્જત માણવાની!  ‘મનને ઋતુપ્રૂફ બનાવવા જેવું નથી’ લેખમાં કહેવાયું છેઃ

‘મારા શહેરને ધોળા વાળ આવ્યા છે. અમારી નદીઓની આંખોમાં ભાલા ભોંકીને દુશ્મનો ભાગી ગયા છે. એના કાળા કાળા પગની પિંડીઓમાં હવે ડાયાબિટીસનું દર્દ છે. હવ એણે ઋતુપ્રૂફ મન સિવડાવી લીધું છે. દેવચકલીઓએ દેશવટો સ્વીકારી લીધો છે. નિયોનલાઈટનું અજવાળું મોકલી દીધું છે ગિફ્ટપેકમાં વસંતના બોલકા પવનની કુરિયર સર્વિસ થકી. મારું શહેર અજાણ્યાં (નંબર વગરનાં) ચશ્માં પહેરીને શોધે છે, મને. ઋતુઓના માણસને. માણસને નંબરપ્લેટ નખાવવાનું અને ગાડીઓને મોતિયો ઉતારવાનું ટાણું આવ્યું છે. કેલેન્ડરમાં ડરનો મહિમા છે. લંકામાં ન હોય એટલી શંકાઓથી ડંકા પડે છે ગામના ટાવરમાં.’

ગુજરાતી ગદ્યમાં આવી મનોહર રંગછટા રોજરોજ ક્યાં દેખાય છે! લેખકને ‘રીડર-ફ્રેન્ડલી’ થવાની લાહ્યમાં ભાષાની ઘટ્ટતા ઓછી કરી નાખવામાં બિલકુલ રસ નથી. એમને તો રોજિંદા ઘટમાળની વાતો-વિગતોને જદા જ દષ્ટિકોણથી નિહાળીને એનાં સુંદર શબ્દશિલ્પો રચવા છે. આ લખાણોમાંથી પસાર થવા માટે વાચક ચોક્કસ કક્ષાની સજ્જતા ધરાવતો હોય એવી અપેક્ષા પણ અહીં ચુપચાપ બેઠી છે.

‘એકાંત’ નિબંધમાં લેખકે પોતાની ઈચ્છાઓ વિશે સરસ લખ્યું છેઃ

‘ઘણીવાર એમ થાય, ચાલો, આકાશને ખોદીએ. સૂરજને કોમળતાની કવિતા અને છાયાની શીતળતાની એક અરજી આપવાની ઈચ્છા છે. વાદળી આકાશનાં કાળાંડિબાંગ પોલાણોમાં રખડવું છે. જથ્થાબંધ વાદળોનાં પોચાં પોચાં મેદાનોમાં થોડી ધીંગામસ્તી કરવી છે. મારા જન્મસ્થાને રહેલા ચંદ્ર સામે બેસીને થોડી વાતો કરી લેવી છે. પક્ષીઓને દઝાડતાં કિરણોને રસ્તામાં જ પકડીને એમનો હાથ મચડવો છે. ભેંકાર આકાશમાં લીલાંછમ ખેતરો જેવી પ્રાર્થનાઓ અને કવિતાઓમાં ખુલ્લા પગે દોડવું છે. આંતરડાંને હચમચાવીને ગવાયેલાં વેદનાનાં ગીતોને ભેટવું છે. પ્રેમનાં દશ્યોને સંઘરી રાખનાર કોઈ દેવ સાથે વિવાદ કરવો છે. વરુણદેવને પહેલા વરસાદનું ગીત સંભળાવીને ઋણ ચૂકવવું છે.’આ વર્ણનોમાં સ્પર્શી શકાય એવી કાવ્યાત્મકતા છે. નિબંધકાર અગાઉ બે કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે એ એક મહત્ત્વનું કારણ હોઈ શકે. લેખક ભાગ્યેશ જહા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘હું ગદ્ય અને પદ્ય બન્નેમાં એકસરખું કમ્ફર્ટેબલ ફીલ કરું છ. લેખન મારા માટે શોખ નહીં, વિસામો છે. સામાન્યપણે હું સવારના ભાગમાં સીધો જ કમ્પ્યુટર પર લખતો હોઉં છ. સર્જનક્રિયા મારા માટે એક પ્રકારનું મેડિટેશન છે. ’

કાલિદાસ લેખકના પ્રિય કવિ છે અને વારંવાર ઉલ્લેખ પામતા રહે છે. પુસ્તકનો એટિડ્યુડ મોડર્ન છે. આ ઊતાવળે નહીં, ભરપૂર મોકળાશ વચ્ચે વાંચવાનું પુસ્તક છે. ભાષાની તાજગી અને ચમત્કૃતિપૂર્ણ નાવીન્ય એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. જોકે કોઈક જગ્યાએ ભાષા અતિ આત્મસભાન બનીને સહેજ અટકી જતી હોય એવું પણ લાગે. બ્રિટીશ લેખિકા વર્જિનિયા વુલ્ફે કહ્યું છેઃ

‘સારા નિબંધમાં એક પ્રકારનું કાયમીપણું, એક ચિરંજીવી તત્ત્વ સમાયેલું હોય છે. એ વાચકની આસપાસ જાણે કે એક પડદો રચી દે છે. આ પડદો વાચકને પોતાની ભીતર ઊતરવામાં મદદ કરે એવો હોય, પોતાનામાંથી બહાર ધકેલી દે એવો નહીં.’

‘ટેબ્લેટને અજવાળે, પાનબાઈ!’માં સંગ્રહાયેલાં મહત્તમ નિબંધો કાયમીપણાના આ માપદંડ પર ખરા ઊતરે છે. વળી, એ વાચકને પોતાની પાસે ફરી ફરીને આવવા માટે આમંત્રણ આપે છે. બહુ ઓછા પુસ્તકોમાં આ ગુણ હોય છે. આ ટેબ્લેટનું અજવાળું માણવા જેવું છે, એક કરતાં અધિક વાર.                                  0 0 ટેબ્લેટને અજવાળે, પાનબાઈ!


લેખકઃ ભાગ્યેશ જહા

 પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

કિંમતઃ  રૂ. ૨૦૦ /

પૃષ્ઠઃ ૧૨૮૦૦૦૦૦૦૦૦

Sunday, June 3, 2012

કાન, કપડાં અને કલા


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 3-6-2012

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

 આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ઘોષિત થયેલી ફ્રેન્ચ ફિલ્મ ‘આમોર’ની સિનિયર એકટ્રેસનું નામ ઈમેન્યુએલ રિવા છે. દાયકાઓ પહેલાં સ્વ. ચંદ્રકાંત બક્ષી એનાથી એટલા પ્રભાવિત થયા હતા કે પોતાની દીકરીનું નામ એના પરથી ‘રિવા’ પાડ્યું હતું. 


Emmanuelle Riva in award winning French film Amour


પણે સામાન્ય રીતે વિદેશની બે ફિલ્મી ઈવેન્ટ વિશે વારાફરતી સાંભળતા રહીએ છીએ  ઓસ્કર અવોર્ડઝ નાઈટ અને કાન (કાન્સ નહીં) ફિલ્મ ફેસ્ટિવલ. થેન્ક્સ ટુ મિડીયા. ઓસ્કર અવોર્ડઝનો ખેલ થોડી કલાકોમાં ખતમ થઈ જાય છે, જ્યારે દર વર્ષે ફ્રાન્સમાં યોજાતો કાન ફિલ્મ ફેસ્ટિવલ દસ દિવસ સુધી ધમધમતો રહે છે. દુનિયાનો આ સૌથી ગ્લેમરસ ફિલ્મ ફેસ્ટિવલ છે. જુદા જુદા સેક્શનમાં દુનિયાભરની ઢગલાબંધ ફિલ્મો રજૂ થાય છે, વખણાય છે કે વખોડાય છે. કમનસીબે કાન ફિલ્મ ફેસ્ટિવલનું ઈમેજ મેકઓવર થઈ ગયું છે. અહીં રેડ કાર્પેટ પર કોણ કેવો ડિઝાઈનર ડ્રેસ પહેરીને આવ્યું હતું એનો તસવીરી હોબાળો એટલો બધો ગાજતો રહે છે કે આપણે પ્રયત્નપૂર્વક  યાદ રાખવું પડે કે ભાઈ, આ ઈવેન્ટ સિનેમા અને કળાને લગતી છે, ફેશનબેશનની નહીં. સાઉથ અમેરિકન લેખક પોલો કોએલ્હોની ‘ધ વિનર સ્ટેન્ડ અલોન’ નવલકથા કાન ફિલ્મ ફેસ્ટિવલના પશ્ચાદભૂમાં આકાર લે છે.    

૧૬ થી ૨૭ મે દરમિયાન ચાલેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ત્રણ બ્રાન્ડન્યુ ભારતીય ફિલ્મો રજૂ થઈ. અનુરાગ કશ્યપની બે ભાગમાં બનેલી ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ (કુલ સ્ક્રીન ટાઈમ પાંચ કલાસ દસ મિનિટ), અશિમ અહલુવાલિયાની ‘મિસ લવલી’ (જેમાં સીગ્રોડની ફિલ્મો બનાવતા અને એક જ સ્ત્રીને પ્રેમ કરતા બે ભાઈઓની વાત છે) અને વાસન બાલાએ ડિરેક્ટ કરેલી  મુંબઈની લાક્ષાણિકતા રજૂ કરતી ‘પેડલર્સ’.

Emmanuelle Riva... in young age
ખેર, આપણી એક પણ ફિલ્મ કોમ્પિટિશન સેક્શનનો હિસ્સો નહોતી. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મ સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ? માઈકલ હેનેકી નામના રાઈટરડિરેક્ટરની ફ્રેન્ચ ફિલ્મ, ‘આમોર’. આમોર એટલે પ્રેમ. એક વૃદ્ધ દંપતી છે. પતિપત્ની બન્ને એક સમયે મ્યુઝિક ટીચર હતાં. છેલ્લાં કેટલાંય વર્ષથી બન્ને રિટાયર્ડ છે. એમને એક દીકરી છે, જે વિદેશ રહે છે. વૃદ્ધા બાપડી મરવા પડી છે. પેરેલિસિસના હુમલાનો ભોગ બનવાને કારણે એનું અડધંુ શરીર માંડ કામ કરે છે. એક રીતે જોકે એ નસીબદાર છે. એના પતિદેવ એની ખૂબ ચાકરી કરી છે. અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ અને અસરકારક પર્ફોર્મન્સવાળી આ ફિલ્મને સૌએ એકઅવાજે વખાણી છે.

ઓસ્ટ્રિયન રાઈટર-ડિરેક્ટર માઈકલ હેનેકી ખુદ ૭૦ વર્ષના છે. એમણે ૧૪ વર્ષના લાંબા અંતરાલ પછી આ ફિલ્મ બનાવી છે. વૃદ્ધાની ભુમિકા ઈમેન્યુએલ રિવા નામની ફ્રેન્ચ અભિનેત્રીએ ભજવી છે. એ હાલ ૮૫ વર્ષનાં છે! એમની સૌથી પહેલી ફિલ્મ ‘હિરોશીમા, મોં આવુર’ ૧૯૫૯માં રિલીઝ થઈ હતી. આપણા અતિવહાલા સાહિત્યકાર સ્વ. ચંદ્રકાંત બક્ષી આ અભિનેત્રીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. એટલે સુધી કે ઈમેન્યુએલ રિવાના નામ પરથી એમણે પોતાની દીકરીનું નામ ‘રિવા’ પાડ્યું હતું!

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોકે બેસ્ટ એકટ્રેસનો ખિતાબ જોકે ‘બિયોન્ડ ધ હિલ્સ’ નામની રોમાનિઅન ફિલ્મની નાયિકાઓ ક્રિસ્ટિના ફ્લટર અને કોસ્મિના સ્ટ્રેટનને સંયુક્તપણે મળ્યો. બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ પાછી ત્રીજી ફિલ્મના ખાતામાં નોંધાયો. ‘પોસ્ટ ટિનીબ્રાસ લક્સ’ (અર્થાત, અંધકાર પછીનો ઉજાસ) નામની મેક્સિકન ફિલ્મના ડિરેક્ટર કાર્લોસ રેગેડ્સે આ ખિતાબ જીત્યો. ૪૧ વર્ષના કાર્લોસની બે વસ્તુ માટે જાણીતી છે સેક્સ અને ગંધારા ગોબરાં પાત્રો. એક દંપતીના જીવન વિશે વાત કરતી ‘પોસ્ટ ટિનીબ્રાસ લક્સ’ આંશિક રીતે આત્મકથનાત્મક છે.
Mikkelson in Hunt


કાર્લોસે એક વાર કહ્યું હતું, ‘મારું એવું છે કે હું પહેલાં ફિલ્મ બનાવી કાઢું અને પછી એનાં આંતરપ્રવાહોને સમજવા બેસું. પત્રકારો ફિલ્મ જોયા પછી જાતજાતને સવાલ કરે ત્યારે એમને સંતોષ થાય એવા ખુલાસા તો કરવા પડેને. એ વાત અલગ છે કે હું પોતે એ ખુલાસાઓ પર વિશ્વાસ કરતો નથી!’

બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીતનાર ડેનિશ અભિનેતાનું નામ છે, મેડ્સ મિકેલસન. આ એવોર્ડ તેને ‘ ધ હન્ટ’ નામની ફિલ્મને મળ્યો છે. મેડ્સને તમે જેમ્સ બોન્ડની ફિલ્મ ‘કેસિનો રોયલ’માં જોયો છે. ૪૭ વર્ષના મેડ્સને કેટલીય વાર ‘ધ સેક્સીએસ્ટ મેન ઓફ ડેનમાર્ક’ના ખિતાબથી નવાજવામાં આવ્યો છે. ‘ધ હન્ટ’માં એક માણસ કોઈક કારણસર રોષે ભરાયેલા ગામલોકોની બરાબરની હડફેટમાં આવી જાય છે એવી કથા છે.

A still from Italian film, Reality

આ વખતનો ગ્રા પ્રિ અવોર્ડ (એટલે કે જ્યુરી અવોર્ડ) ‘રિઆલિટી’ નામની ઈટાલિયન ફિલ્મને મળ્યો. આખી ફિલ્મ ‘બિગ બોસ’ જેવા એક રિયાલિટી શોમાં આકાર લે છે!

સિનેમાના ચાહકો આ લેખમાં સ્થાન પામેલી બધી ફિલ્મોનાં નામ નોંધી રાખે અને તક મળે ત્યારે જોઈ પણ લે. આમાંની એક પણ ફિલ્મ પાસેથી હોલીવૂડની બિગ બજેટ મસાલા ફિલ્મ જેવી અપેક્ષા નથી રાખવાની એ ખાસ યાદ રાખવાનું!


શો-સ્ટોપર

‘બેન્ડ બાજા બારાત’વાળા રણબીર સિંહને અભિનેતા બનતા પંદર વર્ષ લાગી જશે. આ બધા જિમમાં તૈયાર થયેલા એક્ટરો છે. 

 - તિગ્માંશુ ધૂલિયા (‘પાન સિંહ તોમર’ના ડિરેક્ટર)