Showing posts with label Pulitzer Prize. Show all posts
Showing posts with label Pulitzer Prize. Show all posts

Tuesday, November 7, 2017

પરંપરાગત મીડિયા, સોશિયલ મીડિયા અને વિશ્વસનીયતા

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2017
Take off
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
Janet Cooke

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે બીજું કોઈ પાગલ થયું હોય કે ન હોય, સોશિયલ મીડિયા જરૂર ગાંડું થયું છે. બંને મુખ્ય પક્ષોનો વિરોધ કે સમર્થન કરનારાઓએ એવો પ્રચંડ ગોકીરો મચાવ્યો છે કે ખોપડીમાં જ્ઞાાનતંતુઓ બેહોશ થઈ જાય. ફેસબુક-વોટ્સએપ-ટ્વિટર પર બેફમપણે ફેરવર્ડ થઈ રહેલાં અભિપ્રાયો, વીડિયો કિલપ્સ, અહેવાલો, ડેટા, કબર ખોદીને બહાર ખેંચી કાઢેલી જૂની-પુરાણી વાતો, રમૂજ વગેરેેના ધમધમાટમાં મનોરંજનનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. હવે સ્થિતિ જરા બદલાઈ છે, પણ એક સમયે જન્માષ્ટમી દરમિયાન ભરાતા સૌરાષ્ટ્રના મેળાઓમાં લોકો કીડિયારાની જેમ ઊભરાતા. ઘાટ ઘાટના પાણી પીને આવેલા જાતજાતના લોકોથી છલકાતા આવા મેળામાં કોલાહલનું નિયમન કરી શકાતું નથી. સોશિયલ મીડિયા આ મેળા જેવું છે. અહીં આત્યંતિક ગાળાગાળીથી લઈને મધમાખીનેય ડાયાબિટીશ કરાવી નાખે એવી વખાણબાજી સુધીનું બધું જ બધું જ નિરંકુશ છે, બધું જ તારસ્વરે થાય છે, ભયજનક તીવ્રતાથી થાય છે.
સોશિયલ મીડિયાની સરખામણીમાં પરંપરાગત મીડિયા હંમેશાં સંતુલિત લાગવાનું. પરંપરાગત મીડિયા એટલે કે છાપાં-મેગેઝિનો અને ટેલિવિઝન. સોશિયલ મીડિયામાં કોઈ પૂછનાર નથી, રોકનાર નથી, કોઈ સિનિયર-જુનિયર નથી, હોદ્દાઓના સ્તર નથી, પણ પ્રિન્ટ અને ટીવી મીડિયામાં આ બધું જ છે. સમાજના બીજા ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નૈતિકતાના સ્તરમાં ગિરાવટ જરૂર આવી છે. ખોટી સ્ટોરી કે વિગતો ઊપજાવી કાઢવી, ચગાવવી, સાચી વાત દબાવી દેવી, સત્યને તોડીમરોડીને, એકાંગી કે વિકૃત બનાવીને પેશ કરવું – આ બધાં દૂષણો પત્રકારત્વમાં છે જ. આમ છતાંય આ એક્ શબ્દ એવો છે જે હજુ પણ અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલોની દુનિયામાં સૌથી પવિત્ર અને સૌથી વજનદાર છે. હંમેશાં રહેવાનો.
આ શબ્દ છે, વિશ્વસનીયતા. ક્રેડેબિલિટી.
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
એવો તો કેવો કાંડ કર્યો હતો ‘પુલિત્ઝર પ્રાઇઝ વિનર’ જેનેટે?
એ તેજતર્રાર પચ્ચીસ-છવ્વીસ જુવાનડી હતી ત્યારે અમરિકના અતિ પ્રતિષ્ઠિત ગણાતા ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબારમાં એની રિપોર્ટર તરીકે પસંદગી થઈ હતી. આંજી નાખે એવા એના બાયોડેટામાં ઊંચાં ઊંચાં કવોલિફ્કિેશન લખાયાં હતાં. માતૃભાષા અંગ્રેજી ઉપરાંત પોતે સ્પેનિશ અને ફ્રેન્ચ પણ કડકડાટ લખી-વાંચી-બોલી શકે છે એવો એણે દાવો કરેલો.
પત્રકારત્વમાં હરીફઈનું તત્ત્વ તીવ્ર હોય છે. માત્ર હરીફ્ છાપાં-મેગેઝિનો કે ચેનલોની વચ્ચે જ નહીં, પણ એક જ જગ્યાએ કામ કરતા પત્રકારોમાં પણ ધમાકેદાર સ્ટોરી બ્રેક કરીને સાથી પત્રકારો કરતાં આગળ નીકળી જવાની વૃત્તિ ફ્ૂંફડા મારતી હોય છે. એમાં કશું ખોટુંય નથી. ૧૯૮૦ની એક સુંદર બપોરે જેનેટ એના તંત્રીને કહૃાું: સર, મને એક ઇન્ટરેસ્ટિંગ ઇર્ન્ફ્મેશન મળી છે. એના પરથી સરસ સ્ટોરી થાય તેમ છે. તંત્રી કહેઃ શાના વિશે છે? જેનેટ કહેઃ નશીલી દવાના બંધાણી વિશે. તંત્રી કહેઃ આમાં નવું શું છે? જેનેટ કહેઃ સર, નવું એ છે કે નશીલી દવાનો આ બંધાણી ફ્કત આઠ વર્ષનો ટાબરિયો છે. આ છોકરાને હેરોઈન વગર એને ચાલતું નથી!

તંત્રી ચોંકી ગયા. આઠ જ વર્ષનો છોકરો… અને હેરોઈન જેવી ખતરનાક ડ્રગનો બંધાણી? એમણે કહૃાું: જેનેટ, આ તો હાઇકલાસ હૃાુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી છે! તંુ મચી પડ. છોકરાને શોધી કાઢ. એના મા-બાપને મળ. આપણે આ સ્ટોરી સરસ રીતે ચમકાવીશું.
જેનેટ કામે લાગી ગઈ. વોશિંગ્ટન શહેરમાંથી એ છોકરાનું પગેરું શોધવું આસાન નહોતું. જેનેટ આમથી તેમ દોડતી રહી. એક વાર તંત્રીને કહેઃ સર, એ છોકરાની મા વાત કરવા તૈયાર થતી નથી. એને બદનામીનો ડર લાગે છે. તંત્રી કહેઃ કશો વાંધો નહીં. આપણે સાચું નામ નહીં છાપીએ. છોકરાની અને એના ફેમિલીમાં જે કોઈ હોય તે બધાની ઓળખ ગુપ્ત રાખીશું, બસ?
આખરે બે મહિને જેનેટે બાવીસો શબ્દોનો સરસ મજાનો લેખ ઔફઇલ કર્યો. એને મથાળું આપ્યું: ‘જિમીઝ વર્લ્ડ’. એમાં એણે છોકરાની હાલતનું વર્ણન કરતાં લખ્યું હતું: 
‘જિમીના પરિવારમાં નશીલી દવાના બંધાણીઓની કમી નથી. જિમીને ડ્રગ્ઝની આદતનો આગલી બે પેઢીના વારસારૂપે મળ્યો છે. આ ચપળ છોકરાના વાળ ભૂખરા છે, આંખો વેલ્વેટી બ્રાઉન છે એના ઘઉંવર્ણા કોમળ હાથ પર ઈન્જેકશનની સોયના કેટલાય નિશાન દેખાય છે. વોશિંગ્ટનના સાઉથવેસ્ટ હિસ્સામાં રહેતા જિમીનો ચહેરો ચરબીદાર છે. એ નિર્દોષતાપૂર્વક કપડાં વિશે, પૈસા વિશે, બેઝબોઝની પોતાની ફેવરિટ ટીમ અને હેરોઇન વિશે વાતો કરે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી એ આ ભયંકર ડ્રગ્ઝ લે છે.’
૨૮ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પહેલાં જ પાને જેનેટ કૂકની અત્યંત રસાળ શૈલીમાં લખાયેલો આ અહેવાલ છપાયો. જિમીની કહાણીએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી. લોકો ઉકળી ઉઠયા. આ શું થવા બેઠું છે? સમાજ કઈ દિશામાં જઈ રહૃાો છે? આઠ વર્ષનું માસૂસ બચ્ચું નશીલી દવાનું બંધાણી બની જાય એ તો હદ થઈ ગઈ. સરકારના પેટનું પાણી ક્ેમ હલતું નથી? પ્રશાસન ડ્રગ્ઝ વેચનારાઓને પકડીને જેલભેગા કેમ કરતા નથી? વગેરે.

જેનેટ કૂકે સ્પષ્ટપણે કહી દીધું કે મેં ગુપ્તતા જાળવી રાખવાના સોગંદ ખાધા છે એટલે હું છોકરાનું સાચું નામ કે સરનામું કોઈને નહીં આપું. વોશિંગ્ટનના મેયરે છોકરાને શોધવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કામે લગાડી દીધું. ઘણા દિવસ થયા તોય છોકરાનો પત્તો ન મળ્યો એટલે જનતાનો ઉશ્કેરાટનો પાર ન રહૃાો: આ મેયર અને પોલીસ કર્મચારીઓ નકામા છે. એક આવડા અમથા છોકરાને શોધી શકતા નથી? થોડા સમય પછી મેયરે જાહેર કર્યું: અમને જિમીનો પતો મળી ગયો છે, પણ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે એની સ્ટોરી છપાઈ એના થોડા દિવસ પછી જ એનું મૃત્યુ થઈ ગયું હતું. જિમી ઇઝ નો મોર!
જેનેટ કૂક અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના તંત્રીઓ ફોર્મમાં આવી ગયાં હતાં. સ્ટોરી ભલે પીડાદાયી કે નેગેટિવ હોય, પણ એને વાચકો તરફ્થી આવો જોરદાર પ્રતિસાદ મળે એટલે મીડિયાકર્મીઓ તો ખુશ થવાના જ. જેનેટની આ સ્ટોરીને પત્રકારત્વની દુનિયામાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા પુલિત્ઝર પ્રાઇઝ માટે સબમિટ કરવામાં આવી. એપ્રિલ ૧૯૮૧માં પરિણામો ઘોષિત થયા. જેનેટને ફ્ચિર રાઇટિંગ માટેના પુલિત્ઝર પ્રાઇઝની વિજેતા ઘોષિત થઈ. જેનેટની આ સિદ્ધિની મીડિયામાં સગર્વ નોંધ લેવાઈ. ચારે તરફ્ જેનેટની વાહ વાહ થઈ ગઈ.
જોકે આનંદની આ ઘડી લાંબી ન ટકી. ‘ધ વોશિંંગ્ટન પોસ્ટ’ની પહેલાં જેનેટ ‘ટોલેડો બ્લેડ’ નામનાં જે છાપામાં કામ કરતી હતી એના તંત્રીને જેનેટની બાયોડેટાની જાહેર થયેલી કેટલીક્ વિગતોમાં મરી-મસાલા છંટાયેલા દેખાયા. વધારે છાનબીન કરતાં ખબર પડી કે જેનેટની કોલેજની ડિગ્રીઓ ખોટી છે. એ કડકડાટ ફ્રેન્ચ અને સ્પેનિશ જાણે છે તે વાત પણ ખોટી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સિનિયર તંત્રીઓએ જેનેટને બોલાવીને કડકાઈથી ઉલટ તપાસ શરૂ કરી. આખરે અગિયાર કલાક સુધી ચાલેલા જોરદાર ગ્રિલિંગ પછી જેનેટે ધડાકો કર્યોઃ
આઠ વર્ષના ડ્રગ્ઝના બંધાણી છોકરાની સ્ટોરી સાચી નથી. આવો કોઈ છોકરો છે જ નહીં. મેં આખી કહાણી ઊપજાવી કાઢી હતી!
પણ આવું જેનેટે શા માટે કર્યું? પ્રેશરને કારણે. એણે આ સ્ટોરી પાછળ બે મહિના બરબાદ કર્યા હતાં. તંત્રીને જવાબ શો આપવો? શું એમ કહેવું કે સોરી સર, મને છોકરો ન મળ્યો? તો તો ભોંઠા પડવું પડે, સાહેબનો ઠપકો ખાવો પડે ને સાથી પત્રકારોના ઉપહાસનો ભોગ બનવું પડે. જેનેટની સચ્ચાઈ સામે આવતાં તરત જ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં માફીનામું પ્રગટ કરવામાં આવ્યું. એકલી જેનેટ જ નહીં, વોશિંગ્ટનનો મેયર પણ જૂઠો પુરવાર થયો. એણે કહૃાું કે પબ્લિકનંું પ્રેશર એટલું બધું હતું ક્ે મારે નછૂટક્ે આવી જાહેરાત કરવી પડી હતી!
જેનેટનું પુલિત્ઝર પ્રાઇઝ પાછું લઈ લેવામાં આવ્યું. એની પત્રકાર તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયંુ. થોડાં વર્ષો માટે એ પેરિસ ભાગી ગઈ હતી. એના ડિવોર્સ થઈ ગયા. આર્થિક હાલત એટલી વણસી ગઈ કે એની માએ પ્લેનની ટિકિટ મોકલી ત્યારે એ અમેરિકા પાછી આવી શકી. છેલ્લા ખબર મુજબ અમેરિકામાં કોઈ સ્ટોરના કાઉન્ટર પર એ કલાકના સાત-આઠ ડોલરના મહેનતાણામાં નોકરી કરતી હતી. મેડિકલ કવર નથી એટલે પોતાની બીમારીઓનો ઇલાજ પણ કરાવી શકતી નથી. એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે એનો ઇન્ટરવ્યૂ લઇને એક મેગેઝિનમાં છાપ્યો હતો. કોઈ ફ્લ્મિ પ્રોડયૂસરે જેનેટની કહાણીના અધિકર ૧.૬ મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. જેનેટ અને એક્સ-બોયફ્રેન્ડે પ્રારંભિક રકમ અડધી અડધી વહેંચી લીધી, પણ આ ફ્લ્મિ કયારેય બની જ નહીં. ફ્લ્મિ ઉતરે કે ન ઉતરે, જેનેટ અમેરિકન જર્નાલિઝમમાં ‘અમર’ જરૂર બની ગઈ.
વિશ્વસનીયતા એ પત્રકાર અને લેખકની સૌથી મોટી મૂડી છે અને રહેવાની. માત્ર પત્રકાર-લેખક જ શા માટે, વિશ્વસનીયતાનો ગુણ તો સૌ કોઈ માટે એક્સરખો મહત્ત્વનો છે, ખરું?
0 0 0