Sandesh - Cine Sandesh Supplement - 17 May 2013
બોલિવૂડ એક્સપ્રેસ
કરણ દેઓલ અને સાશા આગા... સ્ટાર-સંતાનોના નવાનક્કોર ફાલ માટે રેડી થઈ જાઓ!
બોલિવૂડ બોય ઉર્ફે બો-બો હાજર છે, ખૂબ મસાલેદાર ફિલ્મી ખબરો સાથે! પહેલા ન્યૂઝ છે સની દેઓલ વિશે. તમે કહેશો કે બો-બો,મસાલેદાર વાતો જ કરવી હોય તો સની લિઓનીના ન્યૂઝ સંભળાવ. ખખડી ગયેલા સની દેઓલની વાતમાં શું મસાલો હોઈ શકે? હમ્મ્મ્મ્... વાત તો સાચી. એક્ચ્યુઅલી વાત સની પાજીના જુવાનજોધ દીકરા કરણની છે, જે આવતા વર્ષે હીરો તરીકે લોન્ચ થઈ રહ્યો છે. અમે જ્યારે પહેલી વાર સાંભળેલું કે ઢાઈ કિલો કા હાથ ધરાવતા આ સન ઓફ સરદારનો દીકરો બાળકલાકાર તરીકે નહીં, પણ જુવાનજોધ હીરો તરીકે આવવાનો છે ત્યારે નવાઈનો પાર નહોતો રહ્યો. ટાઇમ કેવો ઝપાટાભેર પસાર થાય છે નહીં?
સની કહે છે, 'મારા ડેડીએ મને 'બેતાબ'માં લોન્ચ કર્યો હતો ત્યારે હું તો રિલેક્સ્ડ હતો, પણ એ ખૂબ નર્વસ હતા. હવે કરણ સોલો હીરો તરીકે લોન્ચ થવાનો છે ત્યારે હું નર્વસ છું અને એ રિલેક્સ્ડ છે!'
સની હાલ દીકરાને હાઇક્લાસ ટ્રેનિંગ આપી રહ્યો છે. એનું માનવું છે કે જિમમાં મજૂરી કરીને સિક્સ પેક બનાવી નાખો એટલે કંઈ તમે એક્ટર ન થઈ જાઓ. એટલે જ આવતા મહિને રિલીઝ થઈ રહેલી 'યમલા પગલા દીવાના-૨'માં કરણને આસિસ્ટન્ટ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યો હતો. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે 'વાયપીડી-ટુ'ની સ્ટોરી સનીની વાઇફ લિન્ડાએ લખી છે. હવે એવું ન પૂછતા કે સનીની વાઇફનું નામ તો પૂજા હતું, આ લિન્ડા ક્યાંથી આવી ગઈ? સનીએ પત્ની બદલી નાખી ને આપણને ખબર પણ ન પડી? કાન ખોલકર સુન લોઃ પૂજા અને લિન્ડા એક જ છે. પૂજાના પાસપોર્ટમાં આજની તારીખેય લિન્ડા નામ બોલે છે. પહેલી વાર એવું બન્યું છે કે દેઓલ ખાનદાનની વહુએ બંગલાની લોખંડી દીવાલોમાંથી બહાર આવીને કોઈ ફિલ્મની સ્ટોરી લખી હોય. મતલબ કે 'યમલા પગલા વોટેવર'ના સેટ પર બાપ, બેટો, વહુ, સસરો, દિયર... ઇનશોર્ટ, લગભગ આખું ફેમિલી સાથે મળીને કામ કરી રહ્યું હતું. સ્વીટ!
* * *
સનીની વાત નીકળી છે તો સાથે સાથે બોલિવૂડનાં ઔર એક 'મહિલા ડાયનોસોર'ની વાત પણ કરી જ લઈએ. સલમા આગા યાદ છે? જેના દિલ કે અરમા આંસુઓમાં વહી ગયાં હતાં? એની નીલી નીલી આંખોવાળી રૂપકડી દીકરી સાશા 'ઔરંગઝેબ'માં અર્જુન બોની કપૂરની હિરોઇન બની છે. જોકે સાશાને શૂટિંગ દરમિયાન ખાસ ધમાલમસ્તી કરવાની તક નહોતી મળી, કારણ કે સલમા-મમ્મી સેટ પર સતત હાજર રહેતી હતી. સલમા આગાનો સ્વભાવ એટલો કડક છે કે અર્જુન એની આંખોમાં ગુસ્સાની લકીર જોતાં જ ફફડી ઊઠતો હતો. સાશાની મસ્તી કરવાની તો વાત જ બાજુએ રહી, એ સાશાની બાજુમાં પણ ફરકતો નહોતો.
'તલાક' ફિલ્મથી ફેમસ બનેલી સલમા આગાએ અસલી જીવનમાં તલાકનો અનુભવ લેવો પડયો છે, યુ સી. એના પહેલા પતિ રહેમત ખાન જાણીતા સ્ક્વોશ કોચ હતા. મિન્સ કે છે. સલમા કહે છે, 'લગ્ન ટકે, ન ટકે એ નસીબની વાત છે. જુઓને, હું રહેમતને પૂરેપૂરી વફાદાર હતી, રહેમત પણ મારા પ્રત્યે સંપૂર્ણ વફાદાર હતા. એક્સ્ટ્રા-મેરિટલ અફેર જેવું કશું હતું જ નહીં, છતાંય અમને એકબીજા સાથે ન ફાવ્યું ને અમારા તલાક થઈ ગયા. પતિ-પત્ની છૂટાં પડે ત્યારે સૌથી વધારે સહન કરવાનું બાળકોના ભાગે આવે છે. કોઈ મને પૂછે તો હું તો હવે એ જ સલાહ આપું છું કે ભાઈસાબ, પડયું પાનું નિભાવી લો, પણ કમસે કમ તમારાં બચ્ચાં ખાતર ડિવોર્સ તો ન જ લો.'
સાશા અને એનો નાનો ભાઈ અલી બન્ને રહેમતનાં સંતાનો છે. તલાક પછી સલમા અને રહેમત બન્નેએ બીજાં લગ્ન કર્યાં. સલમાનો હાલનો પતિ મન્ઝર શાહ દુબઈમાં બિઝનેસમેન છે. સલમા બાળકો સાથે મુંબઈમાં રહે છે. મતલબ કે એમના લોન્ગ-ડિસ્ટન્સ મેરેજ છે. 'સાચું કહું, અમે બન્ને અલગ-અલગ દેશમાં રહીએ છીએ એટલે જ સુખી છીએ!' સલમા હસી પડે છે, 'સુખી લગ્નજીવનની આ ચાવી છે. એકબીજાથી જેટલા દૂર રહેશો એટલી સંબંધમાં મીઠાશ જળવાઈ રહેશે.'
લો બોલો, કંઈ કહેવું છે તમારે?
* * *
સલમા આગાના જે ફન્ડા હોય તે, સોહા અલી ખાન તો લગ્ન પહેલાં જ પોતાના ભાવિ પતિ સાથે બિન્ધાસ્ત એક છત નીચે રહેવા લાગી છે. બન્ને પ્રેમસંબંધમાં તો લાંબા સમયથી હતાં, હવે તેઓ લિવ-ઇન પાર્ટનર બન્યાં છે. લોકોની ભ્રમર વંકાવાની જ. આ બન્ને સોએ સો ટકા એકબીજાને પરણવાનાં તો ખરાં જને?
'હોપફુલી!' કુણાલ કહે છે.
હોપફુલી એટલે? અત્યારે અમે ભલે ભેગાં રહીએ, પણ ભવિષ્યમાં અમે લગ્ન કરીએ કે ન પણ કરીએ, એમ?
કુણાલ ઉમેરે છે, 'અત્યારે તો અમારી વચ્ચે બધું સરસ જઈ રહ્યું છે અને લગ્ન કરવાની ઉતાવળ શી છે?'
સોહાના પરિવારે કુણાલને આમ તો સ્વીકારી લીધો છે. જુઓને, સંભવિત સાળા સૈફ અલી ખાને 'ગો ગોવા ગોન' પ્રોડયુસ કરી તો એમાં કુણાલને લીધો જ ને. સોહા-કુણાલ દિલ્હી જાય ત્યારે સંભવિત સાસુ શર્મિલા ટાગોરને જરૂર મળે છે. શર્મિલા મુંબઈ આવે ત્યારે પણ મળવાનું થાય. અત્યારે તો ઓલ ઇઝ વેલ છે. આગળ જતાં પણ આની આ સ્થિતિ જળવાઈ રહે અને ઘીના ઠામમાં ઘી પડી રહે એટલે ભયો ભયો. બોલિવૂડની અંદરનાં તેમજ બહારનાં તમામ પ્રેમી-પંખીડાંને બો-બોના બેસ્ટ ઓફ લક! 00