Showing posts with label Sangita Joshi. Show all posts
Showing posts with label Sangita Joshi. Show all posts

Saturday, June 1, 2013

આલ્પ્સના ડુંગરા નજીકથી પણ રળિયામણાં!


 ચિત્રલેખા - અંક તા. જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

Interlaken
                                                                                   
ગુજરાતના પા ભાગ કરતાંય ઓછો એરિયા ધરાવતા, ફક્ત ૭૮ લાખની વસતીવાળા તેમજ જર્મની, ઓસ્ટ્રિયા, લીચટેનસ્ટેન, ઈટલી અને ફ્રાન્સની વચ્ચે વસેલા સ્વિત્ઝરલેન્ડમાં એવું તે શું છે કે દુનિયાભરના પ્રવાસીઓનું એ દાયકાઓથી મોસ્ટ ફેવરિટ છે? આ સવાલનો વિસ્તૃત જવાબ એટલે આજનું પુસ્તક. લેખકબેલડી અઠંગ વિશ્વપ્રવાસી છે. દુનિયાભરના દેશોમાં ઘુમીને પછી એનાં ઝીણવટભર્યા વર્ણનો કરતાં પુસ્તકો લખવાની એમની ખૂબસૂરત આદત છે. સ્વિત્ઝરલેન્ડના ઈન્ટરલેકન નગરની હેરિટેજ હોટલમાં રોકાણ કરીને એમણે લગભગ આખો દેશ ખૂંદી નાખ્યો. પછી દેશ પાછા ફરીને આ પુસ્તક પર કામ કરવાનું શરુ કરી દીધું.

ડો. સુધીર શાહ લખે છે કે સ્વિત્ઝરલેન્ડ તમારી સામે તમારી તાસીર પ્રમાણે બધું જ પીરસશે. જો તમને ચિત્રકલામાં રસ હોય તો અહીં અપ્રતિમ દશ્યો જોવા મળશે. સંગીતકાર બનવાની ઉત્કંઠા હોય તો અહીંના ઝરણાં અને પંખીઓ પોતાના સ્વરો દ્વારા  તમને સંગીત શીખવશે. કાવ્યો રચવા હોય તો આખો દેશ એ માટે પ્રેરણા પૂરી પાડશે. આર્કિટેક્ચરમાં રસ હોય તો અહીં તમને વર્ષો જૂનાં અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈનો ધરાવતાં કંઈકેટલાય આવાસો જોવા મળશે. તમને એડવન્ચર અને સ્પોર્ટસમાં રસ હોય તો એને લગતી એક્ટિવિટીઝ માટે તો આ દેશ પંકાયેલો છે. ખાવાના શોખીન હો તો જીનીવા અને ઝ્યુરિક તમારી સામે દુનિયાભરની વાનગીઓનો અન્નકોટ ધરી દેશે. પીવાના શોખીન હો તો જાતજાતનાં સ્વાદિષ્ટ, માદક તેમજ નિદોર્ષ પીણાં તમને તર-બ-તર કરી મળશે. ટૂંકમાં, તમે કોઈ પણ બાબતમાં રુચિ ધરાવતા હો, આ દેશ એને સંતોષવાની અદભુત ક્ષમતા ધરાવે છે. કદાચ એટલે જ આખા વિશ્વના ટુરિસ્ટો માટે આ નંબર વન દેશ છે!

હિમાલયના પર્વતોને જોતા આધ્યાત્મિક અનુભૂતિ થાય, જ્યારે આલ્પ્સ પ્રવાસીઓને રોમાંચનો અનુભવ કરાવે. ઘણા પરદેશીઓ સ્વતંત્રપણે  સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે ગયા હોય ત્યારે અડધા દિવસો ઈન્ટરલેકનમાં અને અડધા દિવસો લ્યુઝેનમાં રહેવાનું પસંદ કરે છે, જેથી આલ્પ્સની તળેટીમાં બબ્બે તળાવોની વચ્ચે વસેલા શાંત નગરના માહોલ અને જાતજાતની પ્રવૃત્તિઓથી ધમધમતા લ્યુઝેન શહેર, એમ બન્ને પ્રકારના વાતાવરણનો અનુભવ થઈ શકે.

Zurich


ઝ્યુરિકના બેનહોફ સ્ટ્રેસ નામના રસ્તા પર જોકે લેખિકા સંગીતા જોશીને અલગ અનુભૂતિ થઈ. એમને અચાનક યાદ આવ્યું કે આ રસ્તાની નીચે આવેલા અન્ડરગ્રાઉન્ડ લોકરોમાં દેશ-પરદેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓે અને ધનિકોના કાળા નાણાં અને એના વડે ખરીદાયેલા ઝરઝવેરાત, હીરા-મોતી, સોના-ચાંદીની લગડીઓ અહીં સંગ્રહાયેલા પડ્યા છે. એ લખે છે:

‘એ રસ્તા પર પગ મૂકતા જ જાણે કે મને વીજળીનો આંચકો લાગ્યો. હું પણ જાણે અબજોપતિ હોઉં એવું ત્યાંની ધરતી ઉપર પગ ઠેરવતા મેં અનુભવ્યું. જો પગ નીચેની દોલત માણસને આવો અનુભવ કરાવી શકે તો એ મિલકત એના ખિસ્સામાં હોય તો તો એ એને શું નું શું કરાવી શકે?’ આટલું કહીને લેખિકા હળવેથી ઉમેરી દે છે કે, ‘અન્ના હજારે જો સ્વિત્ઝરલેન્ડમાં જન્મ્યા હોત તો આ બેનહોફ સ્ટ્રેસ પર બેસીને જ કાળાં નાણાં વિરુદ્ધ ભૂખ હડતાળ આદરી હોત!’

સ્વિત્ઝરલેન્ડને ભારતીયોમાં પોપ્યુલર બનાવનાર જો કોઈ હોય તો એ છે યશ ચોપડા! એમણે પોતાની બેનરની ફિલ્મોનું અહીંના આંખ ઠારે એવાં લોકેશન્સ પર ચિક્કાર શૂટિંગ કર્યું છે. ૨૦૧૧માં એમને એમ્બેસેડર ઓફ ઈન્ટરલેકન તરીકેનું બહુમાન આપવામાં આવ્યું હતું. અહીંના એક પાર્કમાં યશ ચોપડાના નામની રીતસર તકતી મૂકાઈ છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને કારણે માઉન્ટ ટિટલિસ ભારતીય પ્રવાસીઓમાં સુપરહિટ થઈ ગયું છે. આ પર્વતની ટોચ પર શાહરુખ-કાજોલનું પૂર્ણકદનું કટ-આઉટ સુદ્ધાં જોવા મળે છે! પ્રવાસીઓને શિખર સુધી લઈ જતી દુનિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ કેબલકાર અહીં શરુ થઈ હતી. માઉન્ટ ટિટલિસની તળેટીમાં આવેલું એંગલબર્ગ શહેર તમને બર્ફીલા ઈગ્લૂમાં રહેવાની સુવિધા પૂરી પાડે છે.

Mount Titlis

કેટલી બધી જગ્યાઓ અને કેટલી બધી વાતો. યુરોપનો સૌથી ઊંચો પર્વત ઝુંગફ્રુજો (ઝંગફ્રુ શબ્દનો અર્થ છે, જુવાન છોકરી), હાર્ડર કુલ્મ, બેલનબર્ગ ઓપનએર મ્યુઝિયમ, બ્રિન્ઝ તળાવ, બર્ફીલા ગ્લેશિયરની ટૂર કરાવતી ટ્રેનો, જીનીવા લેકમાં આવેલો ૧૪૦ મીટર ઊંચાઈ સુધી પાણી ફેંકતો જેટ ડ્યુ ફાઉન્ટન, સિનિક પ્લેટ નામની રમણીય જગ્યા અને એવું તો કેટલુંય.

લેખકબેલડી પાસે ફિલ્ડ રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર જેવો મિજાજ છે. પ્રવાસ કરતી વખતે તેમની આંખ, કાન, નાક (અને જીભ પણ!) સતત સતેજ રહે છે. જે-તે સ્થળનું વર્ણન કરતી વખતે પાક્કા આંકડા અને વિગતો ટાંકીને સ્થાનિક તેમજ ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરતા જાય છે. દુનિયાના કેટલાય દેશોમાં ઘુમ્યા છે એટલે એમની પાસે તુલનાત્મક દષ્ટિકોણ છે. જેમ કે એક જગ્યાએ એ કહે છે કે અમેરિકામાં તો જો તમે ટિપ ન આપો તો વેઈટરો, ટેક્સીડ્રાઈવરો, ટૂરગાઈડો તમને હડધૂત કરે કે રીતસર ગાળો આપે એવું સુધ્ધાં બને છે! અમેરિકા અને સિવાયના કેટલાંક યુરોપિયન દેશોમાં લોકો ટિપને પોતાનો હક માને છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં રેસ્ટોરાંમાં બિલ ચુકવતી વખતે ટિપ આપવાનો રિવાજ નથી.

લેખકબેલડીનાં પ્રવાસકથાનાં પુસ્તકોમાં વાચકને આંજી નાખવાનો નહીં પણ હંમેશાં પોતાના આનંદને અને રોમાંચને શેર કરવાનો એટિટયુડ હોય છે. સ્થળોની વાતો કરતાં કરતાં એમની વચ્ચે થઈ ગયેલી તૂ-તૂ-મૈં-મૈં અને રોમેન્ટિક ક્ષણોની વાતો પણ બિલકુલ સહજભાવે ટાંકતા જાય છે. તેને લીધે પુસ્તક વધારે જીવંત અને હલકુફૂલકું બન્યું છે. ચિક્કાર ઉપયોગી ટિપ્સ ધરાવતાં આ પુસ્તકનું લખાણ સાદગીભર્યું અને અત્યંત પ્રવાહી છે. કાળાં ધાબાં જેવી બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરો લગભગ નિરર્થક બની રહે છે, પણ એની કસર ખૂબસૂરત કલર તસવીરો પૂરી કરી નાખે છે. વાચકમાં મીઠી ઈર્ષ્યા જગાવી દે, તેને આનંદિત, ઉત્તેજિત અને બેચેન કરી નાખે એવું મજાનું પુસ્તક.                                                                                                                0 0 0


આલ્પ્સના ખોળામાં 

લેખકો: સંગીતા જોશી - ડો. સુધીર શાહ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩
કિંમત:  ‚. ૨૫૦ /

પૃષ્ઠ: ૨૩૦




Monday, July 9, 2012

અજબ શોઝની ગજબ વાતો


 ચિત્રલેખા -  અંક તા. 9 જુલાઈ 2012

કોલમઃ વાંચવા જેવું 

Lido (Paris)
                                                                              
વિદેશનાં પ્રવાસવર્ણન વિશેનાં ઢગલાબંધ લખાણો આપણી આંખ સામે આવતાં રહે છે, પણ એમાં સ્થાનિક રંગભૂમિ અને અજબગજબના શોઝ વિશેની વાતો કાં તો સદંતર ગાયબ હોય અથવા તો એના વિશે સાવ ઉપરછલ્લા ઉલ્લેખો હોય. ઈવન વિદેશપ્રવાસ કરી આવેલા મિત્રો-પરિચિતો પાછા આવીને ઉત્સાહભેર વાતો કરતા હોય ત્યારે એમાં આ પ્રકારના શોઝ લગભગ ગેરહાજર હોય છે. આનું કારણ છે શોઝની મોંઘીદાટ ટિકિટો. દેખીતું છે કે થોડી મિનિટો કે કલાકો ચાલતા આવા એક શો માટે દસ-વીસ હજાર રૂપિયા ખર્ચવા કંઈ સૌને ન પોષાય. ધારો કે પોષાતું હોય તો એ માટે જરુરી પેશન કે ઊંડો રસ હોતા નથી.

આ ફરિયાદનો કાયમી છેદ ઉડાવી દેવો હોય એમ સંગીતા જોશી એકસાથે બે પુસ્તકો લઈને આવ્યાં છે ‘ઓપેરા હાઉસ’ અને ‘અમેરિકાના શો’. બન્ને પુસ્તકોમાં આ વિષય એટલી સરસ રીતે ખેડાયો છે કે એક સ્તરે વાંચનાર ઊંડો સંતોષ અનુભવે અને બીજા સ્તરે, એને જોરદાર તાલાવેલી જાગે કે ક્યારે વિદેશ જાઉં અને અને ક્યારે આ શોઝ ખુદ માણવાની તક ઝડપું!  ‘અમેરિકાના શો’ના ૨૩ લેખોમાં માત્ર સ્થાનિક શોઝની વાતો છે, જ્યારે ‘ઓપેરા હાઉસ’ના ૩૮ લેખોમાં અમેરિકા સિવાયના દેશોના  શોઝ આવરી લેવામાં આવ્યા છે. આ તમામ લેખો અગાઉ ‘મુંબઈ સમાચાર’માં કોલમ સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે.

લેખિકા કહે છે કે સિંગાપોર ગયા હો અને સેન્ટોસા આઈલેન્ડ પર ચાલતો ‘સોંગ ઓફ ધ સી’ ના દેખા તો ક્યા દેખા! અહીં દરિયાકિનારે એક અનોખો અને અદભુત પરમેનન્ટ સેટ છે, જે પાણીની અંદર ઊભો કરવામાં આવ્યો છે. ૨૫૦૦ પ્રક્ષકો સમાઈ શકે એટલી બેઠકોની સાવ આગળની રૉ અને દરિયાના પાણી વચ્ચે ચાલીસેક ફૂટનું અંતર હોય. પાણીમાં ૧૨૦ મીટર લાંબા સ્ટ્રક્ચરમાં મલેશિયન ગામડાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. પાણીના ફુવારા ઉડાડવા માટે ૬૯ મશીન, આકાશમાં અદભુત આતશબાજી કરતાં મશીન, લેસર લાઈટના શેરડા છોડતા મશીન અને પાઈરોટેક્નિક ડિસ્પ્લે કરતાં મશીન વગેરે સેટ પર ખૂબીપૂર્વક સંતાડવામાં આવે છે. રેતી પર ગોઠવાયેલા મોટા ખડકોમાં કાં તો સ્પીકર્સ સંતાડેલા હોય અથવા તો આગની જ્વાળા છોડતાં યંત્ર. શાપિત રાજકુમારીની વાર્તા કરતો આ ઝાકઝમાળભર્યો શો એક વાર જુઓ એટલે દિમાગમાં કાયમ માટે અંકિત થઈ ગયો સમજો!

Song of the Sea (Singapore)

લેખિકા પાસે તીવ્ર વિસ્મયભાવ છે. એમની જિજ્ઞાસા ફક્ત મંચ પર થતી ગતિવિધિઓ પૂરતી સીમિત નથી. સ્વયં ગુજરાતી તખ્તાનાં અનુભવી અભિનેત્રી હોવાથી એમના મનમાં બેકસ્ટેજની ચહલપહલ વિશે ય કુતૂહલ હોય છે. એ માત્ર ‘શું?’ પર અટકી જતાં નથી, એમને ‘કેવી રીતે’માં પણ ઊંડો રસ પડે છે. તેથી જ તેમના લેખો પાક્કી વિગતો અને આંકડાથી સમૃદ્ધ હોય છે. જેમ કે ‘લીડો’ નામના શોની વાત કરતી વખતે એ નોંધે છે કે આ શો પેરિસમાં ૧૯૪૬થી અને લાસ વેગાસમાં ૧૯૫૮થી ચાલે છે. ૯૦ મિનિટના આ શોમાં ૨૩ વખત સેટ બદલાય છે. એક સાથે ચાર લેવલ પર અલગ અલગ કોસ્ચ્યુમ્સમાં જુદી જુદી જાતના ચાર નૃત્યો ચાલતાં હોય ત્યારે ક્યાં જોવું ને ક્યાં ન જોવું એ સવાલ થઈ પડે. સ્ત્રીના વિવિધ ભાવ અને સ્વરૂપ નિરૂપતા નૃત્યાંગના મોટે ભાગે કાં તો ટોપલેસ હોય અથવા તો પારદર્શક વસ્ત્રોમાં હોય, પણ ક્યાંય કશુંય બિભત્સ નહીં, બલકે ગરિમાપૂર્ણ લાગે. થોડી જ પળોમાં નગ્નતા એક તરફ હડસેલાઈ જાય અને દર્શકો કળામાં ખોવાતા જાય. 

લેખિકાને શબ્દોની પટ્ટાબાજી રમીને વાંચકોને આંજી નાખવા માગતાં નથી. એમનો અભિગમ રીડર-ફ્રેન્ડલી છે. એ જાણે છે કે વાચક માટે કઈ માહિતી ઉપયોગી પૂરવાર થવાની. તેથી જ તુર્કીના કાપાડોકિયા શહેરમાં ચાલતા નાઈટ શોની વાત કરતી વખતે લેખિકા કહે છેઃ ‘જો તમે એકલા હો તો ૪૫ યુરો અને જો ગ્રુપ બુકિંગ કરો તો વ્યક્તિ દીઠ ૧૭ યુરોના દરે નાઈટ શોના આયોજકો છેક તમારી હોટલ પરથી તમને લઈ જઈ શોમાં તમને તમારું મનોરંજન કરી અને રાત્રે પાછા હોટલ સુધી મૂકી જવાની જવાબદારી ઉપાડી લે છે. શિયાળામાં રાત્રે ૮ વાગ્યે અને ઉનાળામાં ૮.૩૦ વાગે શરૂ શતો આ શો ૧૧.૩૦ વાગે પૂરો થઈ જાય છે.’

'O' (Las Vegas)

‘ઓ’ નામના હેરતઅંગેજ શોનું વર્ણન ખૂબ રસપ્રદ છે. ફ્રેન્ચ ભાષામાં ‘ઓ’ એટલે પાણી. સ્ટેજ નજીક પાણીના વિશાળ હોજમાં લોકો તરવાને બદલે પાણીની સપાટી ઉપર ચાલતા દેખાય! કલાકાર એક છેડેથી બીજા છેડે પહોંચે એટલી વારમાં પાણી ગાયબ થઈ જાય અને હોજમાં જમીન દેખાવા લાગે. પછી અંગકસરતના અજબગજબના ખેલ શરૂ થાય, જેમાં આગનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો હોય. જલ, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતી આ પાંચેય તત્ત્વોને વણી લેતા આ માયાવી શોમાં સાત હાઈડ્રોલિક લિફ્ટ્સ, બાવીસ દેશના ૮૪ કલાકારો, ૧૫૦ સ્કુબા ટેક્નિશિયનો અને ૧૨૦૦ કોસ્ચ્યુમ્સનો ઉપયોગ થયો છે!

કેટકેટલા શોઝ અને કેટકેટલી વાતો. કાળાગોરાના ભેદભાવ વિશે વાત કરતું બ્રોડવેનું ‘મેમ્ફિસ’, મહાન ઓસ્ટ્રિયન સંગીતકાર મોઝાર્ટની પ્રતિભાથી હીન ગ્રંથિથી પીડાતા એન્ટોનિયો સેલિયરીની વાત કરતું ‘એમેડસ’, પાંચ હજાર રૂમો ધરાવતી લાસ વેગાસ સ્થિત દુનિયાની સૌથી મોટી હોટલ એમજીએમનો ‘કા’ નામનો શો, થાઈલેન્ડની શાન ગણાતા ફિંગરનેઈલ નૃત્યની વાતો, ગણિતજ્ઞ રામાનુજન અને કેમ્બ્રિજ યનિવર્સિટીના તત્કાલીન ડીન  જી. એચ. હાર્ડીની વાત કરતું ઇંગ્લેન્ડનાં અદભુત નાટક ‘અ ડિસઅપિઅરીંગ નંબર’....

લખાણમાં સાદગી, અટક્યા વગર વાંચતા રહી શકાય એવી આકર્ષક પ્રવાહિતા અને શિસ્ત એ લેખિકાના સૌથી મોટા પ્લસ પોઈન્ટ્સ છે. એ કશુંય ઉભડક કે અધ્ધરતાલ છોડતાં નથી.  એક ઘડાયેલા ફિલ્ડ જર્નલિસ્ટની જેમ એ જેતે શોનું પાક્કું રિપોર્ટિંગ કરે છે. સંગીતા જોશી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘બન્ને પુસ્તકોમાં જે શોઝની વાત કરી છે તે તમામ મેં પ્રત્યક્ષ જોયા છે. શોની એકેએક પળ માણવાની હોય એટલે એ જોતી વખતે તો મારા હાથમાં ડાયરી અને પેન ન હોય, પણ પછી હું નોંધ ટપકાવી લઉં. શો વિશે માહિતી આપતાં પુસ્તકો ઉપલબ્ધ હોય તો એ ખરીદી લઉં. લેખ લખતી વખતે સ્મરણ અને રિસર્ચ  ઉપરાંત આ તમામ મટીરિયલને ઉપયોગમાં લઉં.’

થિયેટર, કળા અને પ્રવાસમાં રસ ધરાવનારાઓને સુંદર તસવીરોવાળાં આ પુસ્તકો ખૂબ પસંદ પડશે. વિદેશપ્રવાસનું પ્લાનિંગ કરતી વખતે આ પુસ્તકોને ખાસ રિફર કરી જવાં જેવાં છે.              0 0 0


ઓપેરા હાઉસ / અમેરિકાના શો 

લેખિકાઃ સંગીતા જોશી

 પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૧, અમદાવાદ-૧

ફોનઃ (૦૨૨) ૨૦૦૧ ૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦

કિંમતઃ  અનુક્રમે રૂ. ૩૦૦ અને રૂ. ૨૦૦

 કુલ પૃષ્ઠઃ ૪૦૦


૦ ૦