Monday, June 30, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૭૭ : મેનહટન


Mumbai Samachar - Matinee - 27 June 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો


વૂડી એલન બડા એડિક્ટિવ માણસ છે. એમની ફિલ્મોને વીણી વીણીને જોવાનો રીતસર ચસકો લાગી જાય છે. રોમેન્ટિક કોમેડી બનાવવામાં એમણે મહારત હાંસલ કરી છે. વૂડીની શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામતી ‘મેનહટન’માં પ્રેમના રમૂજી શેડ્ઝ ઉપરાંત એકલતા અને અધૂરપની લાગણી પણ સરસ ઊભરી છે.

 ફિલ્મ 78 : મેનહટનમૈંને પ્યાર ક્યૂં કિયા?


વૂડી એલનની ‘ઍની હૉલ’ ફિલ્મ વિશે આપણે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. પ્રચુર માત્રામાં ફિલ્મો બનાવતા આ વિચક્ષણ અમેરિકન ફિલ્મમેકરની ઑર એક ક્લાસિક અને જલસો પડી જાય તેવી ફિલ્મ વિશે આજે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

પાક્કો ન્યૂયોર્કવાસી આઈઝેક ડેવિસ (વૂડી એલન) ફિલ્મનો મુખ્ય નાયક છે. ટીવી પર કોમેડી સિરિયલો લખે છે. ટિપિકલ વૂડી એલન ફિલ્મોની જેમ આમાં પણ નાયકને ખૂબ બોલવાની, સતત બોલતા રહેવાની આદત છે. ૪૨ વર્ષની ઉંમરમાં એના બબ્બે વાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. એક સંતાન પણ છે જે પહેલી પત્નીની સાથે રહે છે. બીજી પત્ની જિલ (મેરિલ સ્ટ્રીપ) ઓચિંતા લેસ્બિયન નીકળી.

પોતાની પ્રેમિકા ખાતર એણે આઈઝેકને છોડી દીધો છે. આટલું જાણે ઓછું હોય તેમ જિલ એક આત્મકથનાત્મક પુસ્તક લખી રહી છે, જેનું ટાઈટલ રાખ્યું છે - ‘મેરેજ, ડિવોર્સ એન્ડ સેલ્ફહૂડ’. એમાં એ આઈઝેક સાથેની સેક્સલાઈફ સહિતની બધ્ધેબધ્ધી વાતોના વટાણા વેરી દેવાની છે. આઈઝેક એને બહુ સમજાવે છે કે તું આપણી, ખાસ તો મારી પર્સનલ લાઈફના આમ જાહેરમાં ઘજાગરા કરવાનુું રહેવા દે, પણ જિલ સાંભળે તોને.

                                            શું બબ્બે ડિવોર્સ પછી આઈઝેક હવે સંબંધોથી દૂર રહે છે? ના રે ના. એને ટ્રેસી (મેરીલ હેમિંગ્વે) નામની સરસ મજાની ગર્લફ્રેન્ડ પણ છે જે એના કરતાં પચ્ચીસ વર્ષ નાની છે. સત્તર વર્ષની ટ્રેસી હજુ તો હાઈસ્કૂલમાં ભણે છે. એવું નથી કે આઈઝેક એના ભોળપણનો ગેરલાભ ઉઠાવી રહ્યો છે. એ સતત ટ્રેસીને કહ્યા કરે છે કે તું તારી ઉંમરના છોકરાઓ સાથે હર-ફર, એમની સાથે દોસ્તી કર, તને લંડનની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લેવામાં રસ છે તો એમ કર, કારણ કે આપણી રિલેશનશિપનું કોઈ ભવિષ્ય નથી. જોકે ટ્રેસી આ સંબંધમાં બહુ ખુશ છે. એને બીજા છોકરાઓમાં રસ લેવાની જરાય જરૂર લાગતી નથી.

આઈઝેકનો એક પ્રોફેસર દોસ્ત છે, યેલ (માઈકલ મર્ફી). બન્ને બાળપણના મિત્રો છે. યેલને એમિલી નામની સુંદર અને સમજદાર પત્ની છે, છતાંય એ મેરી (ડિએન કીટન) નામની ડિવોર્સી સાથે એકસ્ટ્રામેરિટલ અફેર ચલાવે છે. મેરીની પહેલાં પણ એ બીજી મહિલાઓ સાથે લફરાં કરી ચૂક્યો છે. એમિલી પતિનાં કારનામાં જાણે છે, પણ કોમ્પ્રોમાઈઝ કરીને લગ્નજીવન ટકાવી રાખવામાં એને ખાસ કંઈ વાંધો નથી.

                                             
એક વાર આઈઝેક-ટ્રેસી અને યેલ-મેરી કશેક આકસ્મિકપણે ભેગાં થઈ જાય છે. મેરી એક નંબરની સ્યુડો-ઈન્ટેલેક્ચ્યુઅલ મહિલા છે. એ સાહિત્ય, કળા, ફિલોસોફી અને ઈતિહાસની ઊંચી ઊંચી, અઘરી અઘરી અને માથામેળ વગરની વાતો કર્યા કરશે. આઈઝેક એનાથી કંટાળી જાય છે. એ પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડને કહે છે પણ ખરો કે યેલ કાયમ આવી વિચિત્ર બાઈઓ તરફ જ શા માટે એટ્રેક્ટ થતો હશે?

આઈઝેક ચક્રમ જેવી કોમેડી સિરિયલો લખીને ત્રાસી ગયો છે. એક વાર તોરમાં આવીને એ નોકરી છોડી દે છે. આ બાજુ શાદીશુદા યેલ પોતાની પ્રેમિકા સાથે બ્રેક-અપ કરી લે છે. એ આઈઝેકને કહે છે કે મેરી સાથે હવે મારે કોઈ સંબંધ નથી, તું શું કામ એની સાથે દોસ્તી કરતો નથી? મેરીને તારા માટે માન છે. આઈઝેક અને મેરી ધીમે ધીમે હળવામળવાનું શરુ કરે છે.

મેરી ફર્સ્ટ ઈમ્પ્રેશન જરાય સારી નહોતી પડી, પણ પછી ધીમે ધીમે દોસ્તી થતી જાય છે. આઈઝેક એની સાથે કલાકો સુધી નોનસ્ટોપ વાતો કરતો રહે છે. મેરી સાથે રિલેશનશિપ આગળ વધારી શકાય છે એવું લાગતા એ ટીનેજ ટ્રેસીને એક વાર નિખાલસતાપૂર્વક કહી દે છે કે મારી લાઈફમાં હવે કોઈક છે. આપણે હવે સંંબંધ પર પૂર્ણવિરામ મૂકીએ. ટ્રેસી રડી પડે છે. આઈઝેક એને સમજાવે છે કે તને શરૂઆતમાં અઘરું લાગશે, પણ તું દુનિયા એક્સપ્લોર કરીશ એટલે એટલા સરસ-સરસ લોકો મળશે કે તું મને જરાય મિસ નહીં કરે.

                                              મેરી હવે આઈઝેકની સાથે રહેવા લાગે છે. મેરી એકાદ વાર ચેતવે પણ છે કે હું ડિફિકલ્ટ સ્ત્રી છું, મારી સાથે રિલેશનશિપ બાંધવી સહેલી નથી. એક વાર યેલ એકાએક મેરીને ફોન કરે છે: મારે તને મળવું છે. યેલ અને મેરી બન્નેને હવે લાગે છે કે આપણે બ્રેકઅપ કરીને ખોટું કરી નાંખ્યું, આપણે તો હજુય એકબીજાના પ્રેમમાં છીએ. મેરી આઈઝેકને સાચેસાચું કહી દે છે. આઈઝેકને ઝટકો લાગે છે. એ યેલ સાથે ઝઘડી પડે છે. યેલ કહે છે: પણ મેરી તારા પહેલાં મારી ગર્લફ્રેન્ડ છે, એની સાથે તારી ઓળખાણ મેં જ તો કરાવી હતી!

તરછોડાયેલા આઈઝેકને પાછી પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડ સાંભરે છે. એને થાય છે કે ટ્રેસી જ બેસ્ટ છે. એને અળગી કરીને મેં ભયંકર ભૂલ કરી નાખી છે. એ ગાંડાની જેમ દોડતો દોડતો ટ્રેસીના ઘરે જાય છે. એ હવે અઢાર વર્ષની થઈ ગઈ છે. ટ્રેસી બેગબિસ્તરાં સાથે ટેક્સીમાં બેસીને એરપોર્ટ તરફ રવાના થાય એટલી જ વાર છે. આઈઝેક ઘાંઘો થઈને કહે છે કે આઈ એમ સોરી. તું પ્લીઝ, લંડન જવાનું માંડી વાળ. ટ્રેસી કહે છે: પણ મેં ઓલરેડી એડમિશન લઈ લીધું છે, લંડનમાં ભાડાનું મકાન નક્કી કરી નાંખ્યું છે... અને હું ક્યાં કાયમ માટે લંડન જઈ રહી છું. છ મહિનામાં તો પાછી આવી જઈશ. આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ તો છ મહિના દૂર રહેવાથી શું ખાટુંમોળું થઈ જશે? આઈઝેક કહે છે: ના ના, છ મહિનામાં તો ઘણું બધું થઈ શકે છે. તું કેટલાય જુવાનિયાઓના સંપર્કમાં આવીશ, એક્ટરોને મળીશ, ડિરેક્ટરોને મળીશ. ટ્રેસી કહે છે: હું કરપ્ટ નહીં થાઉં... અને તારે માણસો પર ભરોસો કરતાં શીખવું પડશે, આઈઝેક.

ટ્રેસી લંડન જતી રહે છે. અનિશ્ર્ચિતતા અને અસલામતી વચ્ચે આઈઝેક પાછો એકલોઅટૂલો થઈ જાય છે...

કથા પહેલાંની અને પછીની


જે ફિલ્મ બનાવીને એના ડિરેક્ટર-રાઈટરને ભયંકર અસંતોષ રહી ગયો હોય અને ફિલ્મ બહુ જ ખરાબ બની છે એવું પોતે દૃઢપણે માનતા હોય તે જ ફિલ્મ આગળ જતાં ઓલટાઈમ ગ્રેડ ફિલ્મોની જુદી જુદી સૂચિઓમાં સ્થાન પામે, એવું બને? ચોક્કસ બને.‘મેનહટન’ના કિસ્સામાં આવું જ થયું છે. ૧૯૭૭માં ‘ઍની હૉલ’ નામની ઓસ્કરવિનિંગ ફિલ્મ બનાવી ચૂકેલા વૂડી એલને બે વર્ષ પછી ‘મેનહટન’ બનાવી. આ ફિલ્મથી તેઓ એટલા અસંતુષ્ટ હતા કે એમણે યુનાઈટેડ આર્ટિસ્ટ્સ સ્ટુડિયોના માલિકોને કહી દીધું હતું કે તમે આ ફિલ્મને રિલીઝ કર્યા વિના માળિયે ચડાવી દો, આના બદલામાં હું તમને બીજી કોઈ સારી ફિલ્મ મફતમાં ડિરેક્ટ કરી આપીશ! મજા જુઓ. વૂડીની ખુદની સૌથી અપ્રિય ફિલ્મ બોક્સઓફિસ પર સૌથી વધારે સફળ થઈ. વર્ષો સુધી વૂડી કહેતા રહ્યા કે મને હજુય સમજાતું નથી કે ‘મેનહટન’ કેવી રીતે ચાલી ગઈ!


                                            


વૂડી એલન નખશિખ ન્યૂયોર્કપ્રેમી માણસ છે. તેઓ પોતાના ફેવરિટ શહેરને એકદમ ક્લાસી રીતે શૂટ કરવા માગતા હોવાથી ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં ન્યૂયોર્કના કેટલાંય લેન્ડમાર્કસનો લોકેશન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝ થઈ પછી ૧૭ વર્ષની છોકરીને પોતાના બાપની ઉંમરના પુરુષના પ્રેમમાં પડેલી દેખાડી છે તે બદલ થોડીઘણી ટીકા જરૂર થઈ હતી. ‘ઍની હૉલ’ દરમિયાન વૂડી એલન અસલી જીવનમાં સ્ટેસી નેલકીન નામની ટીનેજ એક્ટ્રેસના પ્રેમમાં પડી ચૂક્યા હતા. એ બન્ને વચ્ચે પણ પચ્ચીસ વર્ષનો ગાળો હતો. તેમનો રોમાન્સ બે વર્ષ ટકેલો. ટ્રેસીનું પાત્ર આ સ્ટેસી પરથી જ આવ્યું છે. ટ્રેસીની ભૂમિકામાં વૂડીની ઈચ્છા જુડી ફોસ્ટરને લેવાની હતી, પણ આખરે મેરીલ હેમિંગ્વે નામની ટીનેજ એક્ટ્રેસને કાસ્ટ કરવી પડી. તરુણી હોવા છતાં મોટેરાઓ કરતાં વધારે મેચ્યોરિટી અને ઊંડાણ ધરાવતી ટ્રેસીનું પાત્ર મેરીલે બહુ જ સહજતાથી ભજવ્યું છે. તેથી જ તો એ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. એ વર્ષે બેસ્ટ એકટ્રેસનો એવૉર્ડ મેરિલ સ્ટ્રીપને ‘ક્રેમર વર્સસ ક્રેમર’ માટે મળ્યો હતો. મેરિલે ‘મેનહટન’માં વૂડીની લેસ્બિયન એક્સ-વાઈફનો રોલ પણ કર્યો છે. જોકે આમાં એણે અભિનયના કોઈ અજવાળાં પાથરવાના નહોતા. એના ભાગે ચારેક સીન માંડ આવ્યાં છે. ૧૯૭૯માં મેરિલ સ્ટ્રીપની એક ઑર ફિલ્મ રિલીઝ થઈ હતી- ‘ધ સિડક્શન ઓફ જા ટાઈનેન’. મેરી બનેલી ડિએન કીટન સાથે વૂડીએ કુલ આઠ ફિલ્મો કરી છે. વૂડી એલન બધી ફિલ્મોમાં વૂડી એલન જ હોય છે અને તેઓ દર વખતે એકનું એક પાત્ર ભજવ્યા કરે છે એવું હંમેશાં કહેવાતું રહ્યું છે. વાતમાં તથ્ય છે. રાઈટર-એક્ટર વૂડી એલનમાં આંખો ચાર થઈ જાય એવી વર્સેેટાલિટી નથી જ. છતાંય સ્ક્રીન પર વૂડીને જોવાનો ક્યારેય કંટાળો આવતો નથી. બલકે, એમનું બંધાણ થઈ જાય છે. અમિતાભ બચ્ચનને વર્ષો સુધી એન્ગ્રી યંગ મેનના અવતારમાં જોઈને આપણે થાકતા નહોતા, એમ.

                                           વૂડી એલન આ ફિલ્મને પોતાની આગલી ફિલ્મો ‘ઍની હૉલ’ અને ‘ઈન્ટીરિઅર્સ’ની ભેળપુરી જેવી ગણાવે છે. ભેળપુરી ખરેખર ખૂબ ટેસ્ટી છે. ક્યારેક ખડખડાટ હસાવી દે તો ક્યારેક મરકાવી દે તેવા મસ્તમજાના ડાયલોગ્ઝ અને સ્માર્ટ વનલાઈનર્સ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે (ફિલ્મ જોતી વખતે સબટાઈટલ્સનું ઓપ્શન ઑન રાખવાનું છે). ફિલ્મના પ્લોટ પરથી ધારો કે બોક્સઓફિસ પર ચાલે એવી કોમેડી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી થાય અને ડિરેકશન અનીસ બઝમી પ્રકારના મેકરને સોંપવામાં આવે તો તે કેવી બને? મોટે ભાગે તો સ્થૂળ અને વાહિયાત. વૂડીએ ‘મેનહટન’માં ઝીણું નક્શીકામ કર્યું છે. તે માત્ર ટાઈમપાસ રોમેન્ટિક-કોમેડી બનીને અટકી જતી નથી. એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ અને લાક્ષણિકતાઓ ભારે ખૂબસૂરતીથી ઝિલાઈ છે. અહીં પ્રેમ કરતાં ખાસ તો એકલતા અને અધૂરપની વાત છે. ફિલ્મ નથી ક્યારેય સેન્ટિમેન્ટલ બનતી કે નથી કોમિક દૃશ્યોમાં ક્યારેય લાઉડ બનતી. વળી, ન્યાયાધીશ બનીને નૈતિક મૂલ્યો વિશે કોઈ ઉપદેશ આપવાની ચેષ્ટા પણ થઈ નથી.

ફિલ્મ ન જોઈ હોય તો ખાસ જોજો. અગાઉ કહ્યું તેમ, વૂડી એલન એડિક્ટિવ છે. ‘મેનહટન’ જોયા પછી તમે વૂડી એલનની બીજી ફિલ્મોને વીણી વીણીને જોવાનો ચસકો લાગી જાય તો કહેતા નહીં કે અમે તમને ચેતવ્યા નહોતા!


‘મેનહટન’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : વૂડી એલન    સ્ક્રીનપ્લે : વૂડી એલન - માર્શલ બ્રિકમેન

કલાકાર : વૂડી એલન, ડિએન કીટન, મેરીલ હેમિંગ્વે, માઈકલ

મર્ફી, મેરિલ સ્ટ્રીપ

રિલીઝ ડેટ : ૨૫ એપ્રિલ ૧૯૭૯

મહત્ત્વના એવૉર્ડ્ઝ : બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (મેરીલ હેમિંગ્વે) માટેનો ઓસ્કર એવૉર્ડ, બેસ્ટ સ્ક્રીનપ્લે માટેનું ઓસ્કર નોમિનેશન

મલ્ટિપ્લેક્સ : સોચો કભી ઐસા હો તો ક્યા હો...


Sandesh - Ardh Saptahik Purti - 29 June 2014


મલ્ટિપ્લેક્સ 
ધારો કે ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં અમિતાભ બચ્ચનને ટક્કર આપવાનું કૌવત ધરાવતા એકમાત્ર સુપરસ્ટાર વિનોદ ખન્નાએ અણધારી નિવૃત્તિ ન લઈ લીધી હોત તો? ધારો કે 'એક દૂજે કે લિએ'ની સુપરડુપર સફળતા પછી કમલ હાસને મુંબઈમાં સેટલ થઈને માત્ર અને માત્ર હિન્દી સિનેમા પર ફોકસ કર્યું હોત તો? તો બોલિવૂડનો સ્ક્રીન પ્લે કદાચ સાવ જુદી જ રીતે લખાયો હોત!

'જો' અને 'તો' દુનિયા બડી રોમાંચક હોય છે. જીવનમાં એકને બદલે બીજી ઘટના બને તો કેવળ આપણી જ નહીંક્યારેક બીજાઓના જીવનની ભૂગોળ પણ બદલાઈ જતી હોય છે. સહેજ અમથું કોમ્બિનેશન બદલાય ને કંઈકેટલીય જિંદગીના આકારોમાં ફેરફાર થઈ જતો હોય છે. અમિતાભ બચ્ચન આપણને સૌને પ્યારા છે. ૭૫ વર્ષના દાદાજીથી ૪૦ વર્ષના પુત્ર૧૦ વર્ષના પૌત્ર સુધીની જનરેશનને અમિતાભનું આકર્ષણ છે. આજે જ્યારે એમની અને એમના સમકાલીનોનો આખો કરિયરગ્રાફ આપણી આંખ સામે છે ત્યારે એક કલ્પના કરવાનું મન થાય છે.
ધારો કે ૧૯૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચનને ટક્કર આપવાનું કૌવત ધરાવતા એકમાત્ર સુપરસ્ટાર વિનોદ ખન્નાએ અણધારી નિવૃત્તિ ન લઈ લીધી હોત તો? અને ધારો કે 'એક દૂજે કે લિએ'ની સુપરડુપર સફળતા પછી કમલ હાસને મુંબઈમાં સેટલ થઈને માત્ર અને માત્ર હિન્દી સિનેમા પર ફોકસ કર્યું હોત તો? તો બોલિવૂડનો સ્ક્રીન પ્લે કદાચ સાવ જુદી જ રીતે લખાયો હોત!
વાતને વિગતે સમજવા સમયચક્રને ઊલટું ઘુમાવીને ૧૯૮૦ના વર્ષમાં પ્રવેશીએ. ૩૮ વર્ષના અમિતાભની કરિયર શિખર પર છે. તેઓ મેગાસ્ટાર તરીકે ક્યારના પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. આ વર્ષે એમની ચાર ફિલ્મો આવે છે- 'દો ઔર દો પાંચ','રામ બલરામ', 'દોસ્તાના' અને 'શાન'. વિનોદ ખન્ના એમના કરતાં ચાર વર્ષ નાના. બચ્ચન સાથે એમણે ઘણી ફિલ્મો કરી છે અને કેટલીય વાર એવું બન્યું છે કે બચ્ચનને ટક્કર આપીને રીતસર માત કર્યા હોય. વિનોદ ખન્નાનો કરિશ્મા પણ ગજબનો છે. ઇન્ડસ્ટ્રીમાં બચ્ચનને હંફાવી શકે એવું કોઈ હોય તો એક વિનોદ ખન્ના જ છેએવું સૌ કોઈ માને છે. ૧૯૮૦માં વિનોદ ખન્નાની બે સુપરહિટ ફિલ્મો તરખાટ મચાવે છે - 'કુરબાનીઅને 'ધ ર્બિંનગ ટ્રેન'. પુરુષો 'કુરબાની'ની બિકીનિધારી ઝિનત પર ગાંડા ગાંડા થઈ ગયા છેતો મહિલાઓ સુપર હેન્ડસમ વિનોદ ખન્નાની મર્દાના અપીલ પર ફિદા છે.

બચ્ચન-ખન્નાની આ ફિલ્મોની અસર વચ્ચે ૫ જૂન, ૧૯૮૧ના શુક્રવારેકમલ હાસન નામનો સાઉથ ઇન્ડિયન હીરો હિન્દી સ્ક્રીન પર ત્રાટકે છે. 'એક દૂજે કે લિએ'નાં અફલાતૂન ગીતો અને ટ્રેજિક લવસ્ટોરી યંગસ્ટર્સ પર ભૂરકી છાંટે છે. ૧૯૮૧માં એક બાજુ કમલ હાસન નામના ૨૭ વર્ષના આ જુવાનિયાની ચારે બાજુ ચર્ચા છે તો બીજી બાજુઅમિતાભ એ જ વર્ષે જક્કાસ ફિલ્મોની હારમાળા સર્જી દે છે- 'લાવારિસ', 'નસીબ', 'સિલસિલા', 'યારાના', 'કાલિયા' અને 'બરસાત કી રાત'. આ તમામ ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થાય છે! વિનોદ ખન્નાની માત્ર બે ફિલ્મો આવે છે - 'એક ઔર એક ગ્યારહ' અને બીજી ટીના મુનિમ સાથેની 'ખુદા કસમ'. આ બેમાંથી એકેય ફિલ્મ આપણને યાદ નથી.
વિનોદ ખન્નાની ઉદાસીનતા ઇન્ડસ્ટ્રીને અને ચાહકોને એકસરખી અકળાવી રહી છે. "હું રિટાયર થવા માગું છું" એવી ચોંકાવનારી ઘોષણા એમણે વર્ષો પહેલાં કરી દીધી હતી. સુપર સક્સેસગ્લેમરસ લાઇફસ્ટાઇલપૈસો, નામ અને સરસ મજાનો પરિવાર આ બધું એની પાસે છેપણ એમના જીવને સંતોષ નથી. એમને એક જ બાબત માનસિક શાંતિ આપી શકે છે - ઓશો રજનીશનું સાંનિધ્ય. અમિતાભનો એકમાત્ર હરીફ ઇન્ડસ્ટ્રી અને ઘરબાર છોડીને પૂરાં પાંચ વર્ષ માટે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ જાય છે! કમલ હાસન એક પાવરહાઉસ પરફોર્મર છેએ દક્ષિણ ભારત જાણતું હતું. 'એક દૂજે કે લિએપછી આખું ભારત પણ જાણવા લાગ્યું. સૌએ માની લીધું કે હિન્દી ફિલ્મોમાં અબ કમલ હાસન કી નીકલ પડી. એક વિકલ્પ હતોઆટલી સરસ શરૂઆત પછી સાઉથનું કામકાજ સમેટીનેબિસ્તરા-પોટલાં બાંધીને મુંબઈ સેટલ થઈ જવાનોતમિલ ફિલ્મોની તુલનામાં અનેકગણું વધારે ઓડિયન્સ આપતી હિન્દી ફિલ્મોને પ્રાયોરિટી આપવાનો. બીજો વિકલ્પ હતોદહીં-દૂધ બન્નેમાં પગ રાખવાનો. કમલ બીજો વિકલ્પ પસંદ કરે છે. 'એક દૂજે કે લિએ' પછીના દોઢ વર્ષમાં કમલની બે જ હિન્દી ફિલ્મો આવે છે - 'સનમ તેરી કસમ' અને પૂનમ ધિલ્લોન સાથેની 'યે તો કમાલ હો ગયા'. આમાંની પહેલી ફિલ્મ હિટ થાય છેએનાં ગીતો તો આજેય હિટ છેપણ બીજી ફિલ્મ ફ્લોપ જાય છે. આ બે પિક્ચરની સામે કમલ દક્ષિણમાં કેટલી ફિલ્મો કરે છેઅગિયાર ફિલ્મો. મતલબ કે ૧૯૮૨માં કમલની કુલ ૧૩માંથી બે જ ફિલ્મો હિન્દી છે.
Vinod Khanna with his guru, Osho Rajneesh 

પછીનું વર્ષ. વિનોદ ખન્નાનું ઓશોગમન થઈ ગયું છે એટલે બચ્ચનબાબુને મોકળું મેદાન મળી ગયું છે. ૧૯૮૨માં તેઓ અડધો ડઝન ફિલ્મોનો ખડકલો કરી દે છે- 'સત્તે પે સત્તા', 'બેમિસાલ', 'દેશપ્રેમી', 'નમકહલાલ', 'ખુદ્દાર' અને 'શક્તિ'. આમાંની મોટાભાગની ફિલ્મો હિટ છે.
૧૯૮૩. કમલ હાસનને દક્ષિણની ફિલ્મોથી છેડો નથી જ ફાડવો. આ વષે એમની કુલ ૮ ફિલ્મો રિલીઝ થાય છેજેમાંથી બે જ હિન્દી છે - 'ઝરા સી જિંદગી' અને 'સદમા'. ફિલ્મ ગમે તેટલી સારી હોય પણ બોક્સઓફિસ પર ધમાલ ન મચાવે ત્યાં સુધી એ ઝળકતી નથી. 'સદમા'ના કેસમાં એવું જ થયું. મતલબ કે 'એક દૂજે કે લિએ'નાં અઢી વર્ષ પછી પણ કમલ હસનના બાયોડેટામાં સાધારણ 'સનમ તેરી કસમ'ને બાદ કરતાં એક પણ હરખાઈ જવાય એવી સુપરહિટ ફિલ્મ ઉમેરાતી નથી. બોલિવૂડ અને કમલ હાસનની કુંડળી મળતી નથી કાં તો હિન્દી ફિલ્મમેકરોને આટલા ટેલેન્ટેડ એક્ટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવા આવડયો નહીં અથવા કમલની હિન્દી સિનેમામાં કમાલ કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા ઓછી પડી. કદાચ આ બન્ને વાત સાચી છે. ૧૯૮૩માં અમિતાભની ચાર ફિલ્મો આવે છે- 'નાસ્તિક', 'મહાન', 'પુકાર' અને 'કુલી'. અમિતાભની લોકપ્રિયતા કેટલી ખતરનાક છે એનો પાક્કો અંદાજ 'કુલી'ના અકસ્માત પછી સૌને મળી જાય છે.

૧૯૮૪માં કમલ હાસનની ચાર ફિલ્મો આવે છે - 'એક નઈ પહેલી', 'યાદગાર', 'રાજતિલક' અને 'કરિશ્મા'. ફરી પાછી એ જ જૂની કહાણી. આ વર્ષે પણ કમલ હાસન ન કશો કરિશ્મા કરી શક્યા કે ન યાદગાર ફિલ્મ આપી શક્યા. ૧૯૮૫માં 'ગિરફ્તાર'માં કમલ - બચ્ચન - રજનીકાંતની ત્રિપુટી છે. 'સાગર' અફલાતૂન ફિલ્મ હતી, પણ અગેન, બોક્સઓફિસ પર ન ચાલી. 'દેખ કે પ્યાર તુમ્હારા'નામની ફાલતુ ફિલ્મ પણ આ જ વર્ષે આવી ગઈ. કમલ કંટાળી ગયા. હિન્દી ફિલ્મોમાં ધાર્યું પરિણામ આવતું નહોતું એટલે તેમણે મુંબઈમાં ખોટાં હવાતિયાં મારવાનું બંધ કરીને દક્ષિણ પર જ સંપૂર્ણપણે ધ્યાન એકાગ્ર કરવાનું નક્કી કર્યું. ૧૯૮૨થી ૧૯૮૫ દરમિયાન કમલ હાસનની કુલ ૩૭ ફિલ્મોમાંથી ૧૧ ફિલ્મો હિન્દી હતી. પછી આ આંકડો શૂન્ય થઈ ગયો. પછી છેક બાર વર્ષે, ૧૯૯૭માં 'ચાચી ૪૨૦' કરી. વચ્ચે એક 'પુષ્પક' આવી ગઈ, પણ એ મૂંગી ફિલ્મ હતી.
નિરાશા બચ્ચનના નસીબમાં પણ લખાયેલી હતી. ૧૯૮૪થી ૧૯૮૭માં તેમણે રાજકારણ અજમાવી જોયુંપણ બોર્ફોર્સનો ડાઘ લઈને પાછા ફરવું પડયું. આ બાજુ ઓશોનો પાંચ વર્ષ સત્સંગ કરીને ૪૧ વર્ષના વિનોદ ખન્નાએ ઇન્ડસ્ટ્રીમાં પુનરાગમન કર્યું. ૧૯૮૭માં આવેલી 'ઇન્સાફ' એમની કમબેક ફિલ્મ બની, જે હિટ થઈ. ૧૯૮૮માં બિગ બીએ 'શહેનશાહ'થી કમબેક કર્યું. તે પછી બચ્ચનની ભયાનક ખરાબ ('ગંગા જમુના સરસ્વતી', 'તુફાન', 'જાદુગર') અને ખન્નાની ઠીકઠાક ફિલ્મો ('દયાવાન', 'રિહાઈ', 'ચાંદની', 'બટવારા' વગેરે) આવતી રહી. જોકે, હવે સ્પર્ધાનું તત્ત્વ રહ્યું નહોતુંકેમ કે પેઢી બદલાઈ ચૂકી હતી. 
૧૯૮૩માં અનિલ કપૂર અને જેકી શ્રોફ બન્નેની ગ્રાન્ડ એન્ટ્રી થઈ ચૂકી હતી. અનિલ કપૂરની ‘વોહ સાત દિન’ અને જેકી શ્રોફની ‘હીરો’ આ વર્ષે રિલીઝ થઈ. ૧૯૮૮માં એક ક્યૂટ ક્યૂટ ચોકલેટી હીરોએ ઇન્ડસ્ટ્રીમાં તોફાન મચાવ્યું. એ નવાનિશાળિયાનું નામ હતુંઆમિર ખાન ('કયામત સે કયામત તક'). પછીનાં વર્ષે ઔર એક જુવાનિયાએ ઇન્ડસ્ટ્રીમાં ઉપાડો લીધો - સલમાન ખાન ('મૈંને પ્યાર કિયા'). એ બન્ને ઠરીઠામ થઈ રહ્યા ત્યાં શાહરુખ નામના ત્રીજા ખાને એન્ટ્રી મારી ('દીવાના', ૧૯૯૨). આ નવી જનરેશનના હીરો હતાજે ભવિષ્યમાં સુપરસ્ટાર બનવાના હતા.

ફરી પાછા મૂળ વાત પર પાછા ફરીએ. અમિતાભ નસીબના બળિયા છે એ તો નક્કી. વિનોદ ખન્ના અને કમલ હાસને બોલિવૂડ પરથી ફોકસ દૂર ન થવા દેવાના નિર્ણય લીધા હોત તો આ બન્ને જણા અમિતાભના અત્યંત સમાંતર શક્તિશાળી પાવર સેન્ટર તરીકે ઊભર્યા હોત એ તો નક્કી. ખેરફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાનું કોઈ ગણિત નથી. આખો મામલો 'જોઅને 'તો'નો છે... અને ક્યારેક 'જો-તો'ની સાપસીડી રમવાની મોજ પડે છે!
શો-સ્ટોપર
"તુમ્હારા બાપ અપને ગુરુ કે સાથ ભાગ ગયા..." - હું રજનીશ પાસે જતો રહ્યો ત્યારે સૌ મારા દીકરાઓને આવું કહીને ટોન્ટ મારતા હતા. મારા વિશે લોકો કંઈ પણ બોલેમને ફરક નહોતો પડતોપણ મારા દીકરાઓની તકલીફ મને અકળાવતી હતી.
- વિનોદ ખન્ના

Thursday, June 19, 2014

ટેક ઓફ : વેલ ડન, નિકો!


Sandesh - Ardh Saptahik Purty - 18 June 2014
ટેક ઓફ 
નિકો જન્મ્યો હતો ત્યારે ડોક્ટરોએ એનાં મા-બાપને કહી દીધું હતું કે તમારો દીકરો ક્યારેય નોર્મલ લાઇફ જીવી નહીં શકે. નિકોએ આ આગાહી જુદી રીતે સાચી પાડી. એણે નોર્મલ નહીંઅસાધારણ જીવન જીવી બતાવ્યું! ફૂટબોલમાં રસ પડતો ન હોય તેવા લોકોને પણ નિકોની કથા પાનો ચડાવી દે તેવી છે

ફૂટબોલ ફિવર પૂરજોશમાં ફાટી નીકળ્યો છે ત્યારે ટેલિવિઝન પર ફિફા વર્લ્ડ કપના કવરેજ દરમિયાન એક એનર્જી ડ્રિન્કની એડ પર તમારું ધ્યાન ગયું હશે (1). આ વિજ્ઞાાપનમાં ભાંખોડિયાં ભરીને ચાલતો એક સુંદર મજાનો ટાબરિયો ઓગણીસ વર્ષનો જુવાન થાય છે ત્યાં સુધીની યાત્રા ગણતરીની સેકન્ડ્સમાં આવરી લેવામાં આવી છે. એના માટે પા-પા પગલી કરવાનું કઠિન છેકેમ કે કુદરતે એને એક જ પગ આપ્યો છે. જન્મથી એનો ડાબો પગ અને ડાબું નિતંબ ગાયબ છે. બચ્ચાના રૂપકડા ચહેરા પર જોકે શારીરિક વિકલાંગતાની સહેજ અમથી સભાનતા સુધ્ધાં નથી. એ દોડાદોડી કરે છે, પડે છે-આખડે છે, રડે છે, ગુલાંટો મારે છેએક હાથથી હેન્ડસ્ટેન્ડ અને પુલ-અપ્સ કરે છે. નકલી પગની જગ્યાએ કાખઘોડી આવી જાય છે. ગજબની તાકાત છે એના શરીરમાં. મોટો થઈને એ એટલું કમાલનું ફૂટબોલ રમે છે કે તે જોઈને દુનિયા દંગ રહી જાય છે.

એ નિકોલાઈ અથવા નિકો કેલેબ્રિઆ છે. આ અમેરિકન છોકરો ફૂટબોલનો અસલી હીરો છે. નિકો જન્મ્યો હતો ત્યારે ડોક્ટરોએ એનાં મા-બાપને કહી દીધું હતું: તમારો દીકરો ક્યારેય નોર્મલ લાઇફ જીવી નહીં શકે. નિકોએ આ આગાહી જુદી રીતે સાચી પાડી. એણે નોર્મલ નહીંઅસાધારણ જીવન જીવી બતાવ્યું! કોઈ એન્જિનિયરીંગ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ પદ પર કામ કરી રહેલા પિતા કાર્લ અને માતા જીનીનાં ત્રણ સંતાનોમાં એ વચલો. માત્ર શરીરમાં ખોડ હોવાને કારણે એને ક્યારેય વિશેષ લાડપ્યાર કરવામાં આવ્યાં નથી. મોટો ભાઈ એને એમ જ હેરાન કરતો જે રીતે બીજો કોઈ પણ ભારાડી છોકરો ઘરમાં નાના ભાઈને દબડાવતો હોય. પરિવારનો રવૈયો સ્પષ્ટ હતોઃ નિકો પ્રત્યે સહેજ પણ પક્ષપાત દેખાડવાનો નથી. એનામાં ભૂલેચૂકેય લાચારી કે બિચારા હોવાની લાગણી જન્મવી ન જોઈએ.
માંડ એક-દોઢ વર્ષનો હતો ત્યારથી નિકોમાં દોડવાની ઝંખના હતી ને એ દોડયો. પાંચ વર્ષનો થયો પછી એણે ધરાર પ્રોસ્થેટિકનો નકલી પગ ન જ પહેર્યો. કાખઘોડીની મદદથી હલનચલન કરવામાં એેને વધારે સરળતા રહેતી હતી. ધીમે ધીમે મોટો થતો ગયો એમ નિકોને સમજાતું ગયું કે બીજા છોકરાંઓ કરતાં પોતે અલગ છેકુદરતે એનું શરીર અધૂરું ઘડયું છે. બીજા ટેણિયા એને લંગડો... લંગડો કહીને ચીડવે ત્યારે રડતો રડતો એ ઘરે આવતો. માને લાગી આવતુંપણ પપ્પા વેદનાને ભીતર દબાવી દઈને સ્વસ્થ ચહેરે કહેતાં: "જો બેટાભગવાન ઉતાવળમાં તને એક પગ આપતાં ભૂલી ગયા છેપણ એનું હવે કશું જ થઈ શકે તેમ નથી, રાઈટ? એક પગ તો એક પગ. તારે એક પગથી થઈ શકે એટલું બેસ્ટ કરી દેખાડવાનું છે, ઓકે?" 

આઠ વર્ષની ઉંમરે એ સ્થાનિક ફૂટબોલ ટીમમાં દાખલ થઈ ગયો હતો. શરૂઆતમાં બીજા છોકરાંઓના વાલીઓ અને રેફરીએ વિરોધ નોંધાવેલો. એમને હતું કે નિકો પોતાની કાખઘોડીથી બીજા છોકરાંઓ પર પ્રહાર કરશેપોતાની વિકલાંગતાનો ગેરલાભ લેશે. આવું ક્યારેય ન બન્યું. ધીમે ધીમે સૌનો ડર દૂર થતો ગયો. દોડવામાં બીજા છોકરાંઓ કરતાં નિકોની સ્પીડ ઓછી જરૂર પડતીપણ આ ખામી એ બીજી રીતે સરભર કરી દેતો. પછી તો બીજા વાલીઓ એમનાં સંતાનોને નિકોનો દાખલો આપતાં: આ એક પગવાળો છોકરો આટલું સરસ રમી શકતો હોય તો તું કેમ ન રમી ન શકે? નિકોએ એક વાર ટીવી પર 'વોલ્કેનો અબાઉ ક્લાઉડ્સ' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ. એમાં એક માણસ કાખઘોડીની મદદથી આફ્રિકાનો પ્રસિદ્ધ કિલિમાન્જારો પર્વત ચડી ગયો એની વાત હતી. નિકોને પાનો ચડયોઃ હું પણ કિલિમાન્જારો ચડીશ! એ વખતે નિકો માંડ તેર વર્ષનો હતો, છતાં મમ્મીપપ્પાએ એટલું જ કહ્યું: "જરૂર,કેમ નહીં!"

ત્રણ નાના પહાડો પર પર્વતારોહણની પ્રેક્ટિસ કર્યા બાદ નિકોએ આખરે આ સાહસ પણ કરી દેખાડયું. ૧૯,૨૪૦ ફૂટ ઊંચાઈ ધરાવતા કિલિમાન્જારોને સર કરતાં એને સાડાપાંચ દિવસ લાગ્યા. અલબત્તએ એકલો નહોતો. પપ્પા ઉપરાંત સહાયકોની આખી ટીમ એની સાથે હતી. રાત્રે તાપમાન લગભગ ઝીરો ડિગ્રીને સ્પર્શી જાય તો બપોરે ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચકાઈ જાય. નિકો કાખઘોડીની મદદથી ધીમે ધીમે પણ મક્કમ ડગલે ચડતો ગયો. શિખર થોડુંક દૂર હતું ત્યારે ઓક્સિજનની કમીને કારણે પપ્પા હિંમત હારી ગયાપણ નિકો ટોચ સુધી પહોંચ્યો. કિલિમાન્જારો સર કરનારો એ દુનિયાનો સૌથી નાની ઉંમરનો વિકલાંગ બન્યો. નિકોના આ સાહસ પર 'નિકોઝ ચેલેન્જ' (૨૦૧૦) નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે.

બે વર્ષ પછી નિકોએ ઔર એક કમાલ કરી દેખાડી. સિનિયર હાઈસ્કૂલની એક ફૂટબોલ મેચમાં નોર્મલ ખેલાડીઓને એણે ગજબની લડત આપી. અફલાતૂન કોર્નર કિક મારીને એણે ઓવર-ધ-હેડ ગોલ કરીને ટીમને જિતાડી દીધી. એના આ ગોલનો વીડિયો યુટયુબ પર જબરદસ્ત પોપ્યુલર બન્યો. જોતજોતામાં લાખો હિટ્સ મળી. સૌને એક વાતની ખાતરી થઈ ગઈઃ આ છોકરો કંઈ પણ કરી શકે છે!

મા-બાપે એનામાં ગજબનો ફાઈટિંગ સ્પિરિટ સીંચ્યો છે. લાઇફમાં સતત પ્રયત્નો કરતા રહેવાનાવિપરીત સંજોગો સામે લડતા રહેવાનું, હાર નહીં માનવાની! આજે એે અમેરિકાની નેશનલ એમ્પ્યુટી સોકર ટીમનો સદસ્ય બની ગયો છે. અહીં બધાં જ એના જેવા એક પગવાળા ખેલાડી છે. એમાંના અમુક તો વોર-વેટરન્સ એટલે કે દુશ્મન સામે લડતાં લડતાં અપંગ થઈ ગયેલા ફૌજીઓ છે. નવેમ્બરમાં વિકલાંગ લોકોનો વર્લ્ડ કપ યોજાવાનો છે. એમાં શારીરિક સ્તરે સૌ સરખેસરખા હશે એટલે નિકોના પર્ર્ફોર્મન્સ માટે સૌનાં મનમાં ઘણી અપેક્ષા અને ઉત્કંઠા છે.

નિકો હાલ યુનિવર્સિટીમાંની રેસલિંગ ટીમનો કો-કેપ્ટન પણ છે. એ કહે છે,"મારે લોકોને એક જ વાત કહેવી છે કે તમારી ફિઝિકલ કંડિશનથી, તમે કયા દેશમાં જન્મ્યા છો તેનાથી યા તો તમે પુરુષ છો કે સ્ત્રી તેનાથી કોઈ ફેર પડતો નથી. બધું જ હાંસલ કરી શકાય છે, જો દૃઢ મનોબળ અને પુરુષાર્થ કરવાની તાકાત હોય તો!" 
                                                 0 0 0
Footnote (1) : We don't get to see Nico Calabri's Powerade ad in India during FIFA matches. However, here is the link to that wonderful ad:  
                                               0 0 0  

Sunday, June 15, 2014

મલ્ટિપ્લેક્સ : નયે સૂર, નયે ગીત

Sandesh - Sanskaar Purty - 15 June 2014
મલ્ટિપ્લેક્સ

કોરસ સિંગર જેવા, માત્ર ફુસફુસાઈને ગાઈ શકતા, અંગ્રેજીને બદલે ભૂલથી હિન્દીમાં ગાવા માંડયા હોય તેવો ભાસ કરાવતા ગાયકોના અવાજોથી સંતોષ થતો નથી. જાવેદ અલી, કમાલ ખાન, તોચી  રૈના જેવાં જાનદાર સિંગરોને વધારે ગીતો આપો. સોનુ નિગમ અને શાનને કહો કે પ્લીઝ, આમ પ્રિમેચ્યોર રિટારમેન્ટ લઈને ગાયબ ન થઈ જાય. અરે, ઉદિત નારાયણ-કુમાર સાનુ-અભિજિત જેવા જૂના જોગીઓને પાછા ખેંચી લાવો... પણ મહેરબાની કરીને આ મિકા સિંહ-હની સિંહના આતંકમાંથી મુક્તિ અપાવો!
Arijit Singh

મે ઘરેથી ઓફિસ જવા નીકળો છો અને તમારી કારમાં એફએમ રેડિયો ઓન કરતાં જ 'ચાર બોટલ વોડકા... કામ મેરા રોજ કા...' શરૂ થઈ જાય છે. યો-યો હની સિંહનો અવાજ સાંભળતાં જ તમે ફટાક કરતાં ચેનલ ચેઇન્જ કરી નાખો છો. અહીં મિકા સિંહનું ગીત વાગી રહ્યું છે, 'તૂ મેરી અગલબગલ હૈ... મૈં તેરી અગલબગલ હૂં...' તમે નિઃશ્વાસ ફેંકીને, માથું ધુણાવીને ફરી રેડિયો સ્ટેશન બદલો છો. અહીં હની સિંહ બોમ્બ જેવી દેખાતી છોટી ડ્રેસવાળી છોકરીને જોઈને લાળ ટપકાવી રહ્યો છે, એટલે સ્ટેશન બદલ્યા વગર છૂટકો નથી. પાછો મિકા સિંહ અથડાય છે, 'કહાં ચલ દી, કહાં ચલ દી... પ્યાર કી પૂંગી બજા કે...' પૂંગી સાંભળવામાં તમનેે કોઈ રસ નથી એેટલે એક ઔર એફએમ ચેનલ. અહીં પણ હની સિંહ ધૂણી રહ્યો છે, 'અંગરેઝી બીટ દે...' તમે આખરે ત્રાસીને રેડિયો બંધ કરી દો છો. તમને થાય છે કે આપણે શું મિકા સિંહ-હની સિંહના યુગમાં જીવી રહ્યા છીએ? જવાબ જો 'હા' હોય તો થઈ ગયું કલ્યાણ ફિલ્મી સંગીતનું...
ફિલ્મી સંગીત જો જે-તે સમયનું પ્રતિબિંબ પાડતું હોય તો આ બહુ ખરાબ પ્રતિબિંબ છે. મિકા-હનીનાં અમુક ગીતો ક્યારેક હળવા મૂડમાં ઝૂમવા માટે કદાચ ઠીક છે, પણ પછી તરત તે અબખે પડી જાય છે ને જોતજોતામાં એની રીતસર એલર્જી થઈ જાય છે. ના, મોહમ્મદ રફી-કિશોરકુમારને મિસ કરવાનો કોઈ ઇરાદો નથી - એ જમાનાની તો વાત પણ થાય એમ નથી. તકલીફ એ થઈ રહી છે કે આ હની સિંહો અને મિકા સિંહોને લીધે સોનુ નિગમ અને શાન જેવા યુવાન ગાયકો પણ એક તરફ ધકેલાઈ ગયા છે. સોનુ ખૂબ સિલેક્ટિવ થઈ ગયો હોવાથી અને શાન ફિલ્મી હીરો બનવામાં ફોકસ કરી રહ્યો હોવાથી એમનાં ગીતો ઓછાં થઈ ગયાં છે કે પછી તેમની ડિમાન્ડ જ ઘટી ગઈ છે?
કોરસ સિંગર જેવા, માત્ર ફુસફુસાઈને ગાઈ શકતા, અંગ્રેજીને બદલે ભૂલથી હિન્દીમાં ગાવા માંડયા હોય તેવો ભાસ કરાવતા ગાયકોના અવાજોથી સંતોષ થતો નથી. જિંગલની જેમ ગવાતાં આ ગીતો કાન પાસે અટકી જાય છે. એ હૃદય સુધી પહોેંચી શકતાં નથી. તકલીફ ત્યારે થાય છે જ્યારે કમોસમી માવઠા જેવા ગાયકો ઇન્ડસ્ટ્રી ગજાવે છે અને તગડો શાસ્ત્રીઝ બેઝ ધરાવતા જાવેદ અલી જેવા ટેરિફિક સિંગર્સની અવગણના થાય છે. જાવેદે કેટલીય સુપરહિટ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં છે - 'તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ' (ગજિની), 'કહને કો જશ્ન-એ-બહારાં હૈ' (જોધા અકબર), 'નગાડા નગાડા બજા' (જબ વી મેટ), 'કુન ફાયા કુન' (રોકસ્ટાર). અફકોર્સ, છેલ્લે 'જબ તક હૈ જાન' અને 'ગુંડે'માં એકાદ ગીત ગાયું, પણ એ ઠીકઠાક રહ્યાં. જાવેદના અવાજમાં સોનુ નિગમનો ગાઢ શેડ છે.

ગયા વર્ષે પ્લેબેક સિંગિંગમાં એકાએક કોઈ નામ ગાજ્યું હોય તો એ છે 'આશિકી-ટુ' ફેમ અરિજિત સિંહ. ૨૦૦૫માં 'ફેમ ગુરુકુલ' નામનો એક રિયાલિટી શો ટીવી પર આવતો હતો. એમાં અરિજિત ટોપ-સિક્સ સુધી પહોંચી ગયેલો. પછી એણે પ્રીતમના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું અને 'આશિકી-ટુ' પછી તો એ સ્ટાર બની ગયો છે. એક તરફ આ ફિલ્મનાં રોમાન્સ અને વિષાદભર્યાં ગીતો છે, તો બીજી બાજુ 'તૂ મેરા હીરો'નું 'તેરા ધિયાન કિધર હૈ... પલટ' ગીત છે. અરિજિતનું વોકલ પરફોર્મન્સ જુઓ. વરુણ ધવન સ્ક્રીન પર જે કરતો હોય, એ પણ આ ગીતમાં અરિજિતે પોતાના અવાજમાં જ એટલી બધી મસ્તી છલકાવી છે કે મજા આવી જાય. અરિજિતનો અવાજ બોલિવૂડની યંગ જનરેશનના લગભગ બધા હીરો પર ફિટ બેસે એવો છે. આ લાંબી રેસનો ઘોડો દૂર સુધી જવાનો.
'બરફી'માં હીરો રણબીર કપૂર મૂંગો હતો, પણ એના માટે નિખિલ પોલ જ્યોર્જે ગાયેલું 'ઉફ મૈં ક્યા કરું... ક્યાં કરું....' ગીત બહુ મીઠું છે. 'બરફી' પછી નિખિલનાં ગીતોની તડી બોલશે એવું લાગતું હતંુ, પણ એવું બન્યું નહીં. રણબીર માટે બેની દયાલે 'યે જવાની હૈ દીવાની'માં બે સુપરહિટ ગીતો ગાયાં - 'બદ્તમીઝ દિલ' અને 'બલમ પિચકારી'. દક્ષિણમાં મૂળિયાં ધરાવતા બેની દયાલે અમીત ત્રિવેદી, વિશાલ-શેખર, પ્રીતમ, સલીમ-સુલેમાન જેવા ટોચના કમ્પોઝરો સાથે ઘણાં ગીતો ગાયાં છે.
આગામી 'હમશકલ'નું 'કોલરટયૂન'વાળું ગીત આજકાલ બહુ સંભળાય છે. અગાઉ 'બોમ્બે વાઇકિંગ' ગ્રૂપના હિસ્સા રહી ચૂકેલા નીરજ શ્રીધરે તે ગાયું છે. નીરજનો અવાજ સૈફ અલી ખાનને સરસ સૂટ થાય છે. 'લવ આજકલ'ના 'ચોર બઝારી' અને 'આંહુ આંહુ' ગીત નીરજ શ્રીધરે ગાયાં હતાં. 'કોકટેલ' અને 'એજન્ટ વિનોદ'માં એનાં ગીતો હતાં.
 'યે જવાની હૈ દીવાની'નું શ્રેષ્ઠ ગીત 'કબીરા' હતું, જે તોચી રૈના અને રેખા વિશાલ ભારદ્વાજે ગાયું હતું. સચીન-જિગરે કમ્પોઝ કરેલા 'શોર ઇન ધ સિટી'ના યાદગાર ગીત 'સાઇબો'માં તોચી રૈનાએ શ્રેયા ઘોષાલ સાથે રંગ જમાવ્યો હતો. 'વેકઅપ સિડ'ના 'ઇકતારા' ગીતનું મેલ વર્ઝન તોચીએ બહુ અસરકારક રીતે ગાયંુ હતું. જોકે કવિતા શેઠે ગાયેલું આ જ ગીતનું ફિમેલ વર્ઝન વધારે પોપ્યુલર બન્યું.
તોચીની માફક દિલથી ગાતો ઔર એક સિંગર હોય તો તે છે, કમાલ ખાન. એ સારેગામાપા ટેલેન્ટ શોની પ્રોડક્ટ છે. 'ધ ડર્ટી પિક્ચર'માં સ્ક્રીન પર વિદ્યા બાલને ધમાલ મચાવી તો પ્લેબેક સિંગિંગમાં કમાલ ખાને ધ્યાન ખેંચ્યું. એણે ગાયેલું 'મેરા ઇશ્ક સૂફિયાના' ગીત એટલું અસરકારક છે કે સુનિધિ ચૌહાણના સ્વરમાં રેકોર્ડ થયેલું તે જ ગીતનું ફિમેલ વર્ઝન સાવ ફિક્કું પડી જાય છે. કમાલ ખાનનું તે પછી કોઈ સુપરહિટ ગીત આવ્યું નથી. એ કદાચ પંજાબી ફિલ્મો ભણી વળી ગયો છે તે કારણ હોઈ શકે.
શફાકત અમાનત અલી ખાન પાકિસ્તાનથી થયેલી સૂરીલી ઇમ્પોર્ટ છે. એણે ગાયેલાં 'જન્નત-ટુ'નું 'તૂ હી મેરા', 'રા.વન'નું 'દિલદારા' કે 'ડોર'નું 'યે હૌંસલા' ગીત સાંભળો. શફાકત બોલિવૂડમાં ઝળક્યા હતા 'કભી અલવિદા ના કહના'ના 'મિતવા' સોંગથી. પાકિસ્તાની સિંગર આતિફ અસલમની માફક પ્લેબેક સિંગર કેકેનાં ગીતોની સંખ્યા પણ ખાસ્સી ઘટી ગઈ છે. આ વર્ષે 'તુને મારી એન્ટ્રિયાં' (ગુંડે) સિવાય કેકેનું એક પણ હિટ ગીત આવ્યું નથી. થેન્ક ગોડ, બોલિવૂડમાં મોહિત ચૌહાણ જેવા ગાયકો પણ છે, જેની પાસે એ.આર. રહેમાન 'રોકસ્ટાર'નું આખેઆખું આલબમ ગવડાવી શકે છે, પણ 'રોકસ્ટાર' પછી મોહિતનાં એ કક્ષાનાં કયાં સુપરહિટ ગીતો આવ્યાં?
વચ્ચે વચ્ચે રાહત ફતેહ અલી ખાનનાં ગીતો ધોમધખતા તાપમાં જાણે શેરડીનો મસ્તમજાનો ચિલ્ડ રસ પીવા મળ્યો હોય તેવી રાહત આપી જાય છે. 'આજ દિન ચડેયા' (લવ આજ કલ), 'ઓ રે પિયા' (આજા નચ લે), 'દિલ તો બચ્ચા હૈ જી' (ઇશ્કિયા) - આ બધાં વારંવાર સાંભળવા ગમે તેવાં સુંદર અને યાદગાર ગીતો છે.


Palak Muchhal

હવે ગાયિકાઓની વાત કરીએ. 'આશિકી-ટુ'થી  અરિજિતની સાથે પલક્ મુછાલ પણ પ્રકાશમાં આવી. એણે ગાયેલાં 'મેરી આશિકી' અને 'ચાહુ મૈં યા ના' જેવાં ગીતો મસ્ત છે. આ પ્રકારનાં ગીતોમાં પલક્ જો શ્રેયા ઘોષાલની વિક્લ્પ બની શકે તેમ હોય તો શિલ્પા રાવ ક્દૃાચ સુનિધિ ચૌહાણ પ્રકારનાં ગીતો માટે ક્ન્સિડર થઈ શકે. અગાઉ 'બચના અય હસીનો' માટે 'ખુદૃા જાને' ગાઈ ચુકેલી શિલ્પાનું છેલ્લું હિટ સોંગ 'ધૂમ-થ્રી'નું 'મલંગ... મલંગ' છે. આમ જોવા જઈએ તો શાલ્મલી ખોડગડે ('મૈં પરેશાં.. પરેશાં' -ઈશક્ઝાદૃે)નો અવાજ પણ આ જ  ફેમિલીનો ગણાય. એનું 'બલમ પિચક્ારી' (યે જવાની...) અને 'લત લગ ગઈ' (રેસ-ટુ) મસ્તીભર્યાં છે.  આ સિવાય નીતિ મોહન છે. નીતિ એટલે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ શો'ની વિનર અને આજકાલ 'ઝલક્ દિૃખલા જા'માં દૃેખાતી શકિત મોહનની મોટી બહેન. 'ઈશ્ક્ વાલા લવ' (સ્ટુડન્ટ ઓફ ધ યર) ગીત એને સારું ફળ્યું છે. એનું 'તૂને મારી એન્ટ્રીયાં' (ગુંડે) હિટ થયું છે અને એ.આર. રહેમાને કમ્પોઝ કરેલું 'જીયા રે' (જબ તક્ હૈ જાન) ગીત પણ ક્ંઈક્ અંશે ધ્યાનાર્ક્ષક્ બન્યું છે.

 વચ્ચે વચ્ચે એક્દૃમ પ્રકાશીને પછી ગાયબ થઈ જતાં ઘણાં નામો છે.  જેમ કે, 'રા.વન'માં નંદિૃની 
શ્રીકર 'ક્યું રુઠે મોસે મોહન'. જેવું અફલાતૂન ગીત ગાયા પછી ('એજન્ટ વિનોદૃ'નું 'દિૃલ મેરા મુફ્ત કા' જેવું ટિપિક્લ આઈટમ સોંગ બાદૃ કરીએ તો) લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. આ સિવાય પણ ભુમિ ત્રિવેદૃી અને ચિન્મયી શ્રીપદૃા જેવાં બીજાં ઘણાં નામો છે જેનાં ઉલ્લેખ સ્થળ સંક્ોચને ક્ારણે કરી શક્ાય તેમ નથી. 
સો વાતની એક વાત. જાવેદ, કમાલ, તોચી જેવાં જાનદાર સિંગરોને વધારે ગીતો આપો. સોનુ નિગમ અને શાનને કહો કે પ્લીઝ, આમ પ્રિમેચ્યોર રિટારમેન્ટ લઈને ગાયબ ન થઈ જાય. અરે, ઉદિત નારાયણ-કુમાર સાનુ-અભિજિત જેવા જૂના જોગીઓને પાછા ખેંચી લાવો... પણ મહેરબાની કરીને આ મિકા સિંહ-હની સિંહના આતંકમાંથી મુક્તિ અપાવો!
શો-સ્ટોપર

મ્યુઝિક કંપોઝર જ્યારે ખુદ ગાયક હોય ત્યારે બન્ને વચ્ચે કમ્યુનિકેશન આસાન થઈ જાય છે. નવી જનરેશન સિંગર અરિજિત સિંહ શ્રેષ્ઠ છે.
- હરિહરન

Thursday, June 12, 2014

ટેક ઓફ : જસ્ટિન બીબરમાં એવું તે શું છે?

Sandesh - Ardh Saptahik Purty - 11 June 1014

ટેક ઓફ

બાર વર્ષના દીકરાના વીડિયો શૂટ કરી કરીને યુ ટયૂબ પર અપલોડ કરતી વખતે એક સિંગલ મધરે કલ્પના પણ નહોતી કરી કે એનો ટીનેજર દીકરો જોતજોતામાં ઇન્ટરનેશનલ સુપરસ્ટાર બની જશે. ચક્કર આવી જાય એવી સફળતા મેળવનાર કેનેડિયન પોપસિંગર જસ્ટિન બીબર ડિજિટલ યુગની પરફેક્ટ પ્રોડક્ટ છે


જુવાનનો ચહેરો સુપર કયૂટ છે, લગભગ કુમળો કહી શકાય એવો. માથા પર વાળનો તોતિંગ મસ્તમજાનો જથ્થો, પાતળિયું શરીર. અવાજ પણ પાતળો, મર્દાનો નહીં. એ ગજબનું ગાય છે,નાચે છે, પોતાનાં ગીતો જાતે લખે છે ને કમ્પોઝ કરે છે. ભલભલા સુપર સેલિબ્રિટીની આંખો ચાર થઈ જાય એટલો એ પોપ્યુલર છે. આજની તારીખે ટ્વિટર પર એના ૫ કરોડ ૨૦ લાખ ૯૫,૮૫૨ ફોલોઅર્સ છે, જે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા કરતાં ક્યાંય વધારે છે! એની સંપત્તિનો આંકડો ૧૬૦ મિલિયન ડોલર એટલે કે લગભગ સાડા નવ અબજ રૂપિયાને સ્પર્શી ગયો છે. વર્ષના અંત સુધીમાં આ આંકડો પોણા બાર અબજ રૂપિયાને વટાવી જશે એવો અંદાજ છે.
... અને આ જુવાનની ઉંમર ફક્ત વીસ વર્ષ છે!
વાત કેનેડિયન પોપસ્ટાર જસ્ટિન બીબરની ચાલી રહી છે. જસ્ટિન વિશ્વભરમાં એક ચર્ચા અને અભ્યાસનો વિષય બની ગયો છે. પોપસિંગર તો ઘણા થઈ ગયા. નાની ઉંમરે ખૂબ સફળ થઈ જનારા બ્રિટની સ્પિઅર્સ જેવા પણ ઘણાં છે, પણ જસ્ટિન સૌથી અલગ પડે છે. એવું તે શું બન્યું કે પેટ્રિશિયા મેલેટ નામની સિંગલ મધરે ઉછરેલો આ છોકરડો આટલી નાની ઉંમરમાં ચિક્કાર કમાઈ શક્યો અને આટલો બધો ફેમસ થઈ ગયો?
જસ્ટિન નહોતો ચાઇલ્ડ મોડલ કે નહોતો ચાઇલ્ડ આર્ટિસ્ટ. નથી એ સેલિબ્રિટી પરિવારનું ફરજંદ કે નથી ક્યારેય એણે કોઈ ટીવીના ટેલેન્ટ શોમાં ભાગ લીધો. એ નિર્ભેળપણે ડિજિટલ યુગની, વધારે ચોક્કસ બનીને કહીએ તો, યુ ટયૂબની પ્રોડક્ટ છે. કાચી ઉંમરે એ પિયાનો અને ગિટાર વગાડતા શીખી ગયેલો. ગાતો પણ ખૂબ સરસ. પોતાની કોલોની કે શહેરના કાર્યક્રમોમાં એની મમ્મી ભાગ લેવડાવે. ઘરમાં પણ એ એકલો એકલો ગાતો-વગાડતો હોય. મમ્મી હેન્ડીકેમથી દીકરાનું શૂટિંગ કર્યા કરે અને પછી આ બધા વીડિયો પોતાનાં સગાં-સંબંધી અને બહેનપણીઓને દેખાડવા માટે યુ ટયૂબ પર અપલોડ કરે. જસ્ટિન સ્ટીવ વંડર જેવા જૂના કલાકારોનાં ગીતો એટલાં સરસ રીતે ગાતો કે બિલકુલ અજાણ્યા લોકોને પણ એના વીડિયો ગમવા માંડયા. ધીમે ધીમે યુ ટયૂબ પર આ બાર વર્ષના ટેણિયાના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ.


જસ્ટિન નસીબનો બળિયો પણ ખરો. ૨૦૦૭ની એક મધરાતે સ્કૂટર બ્રાઉન નામના એક અમેરિકન મહાશય એમ જ ટાઇમ પાસ કરવા યુ ટયૂબ સર્ફ કરી રહ્યા હતા. બ્રાઉન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના વગદાર પ્રમોટર અને મેનેજર છે. એકાએક એમની નજરમાં જસ્ટિનનો વીડિયો આવ્યો. છોકરાની ટેલેન્ટ જોઈને એ ચકિત થઈ ગયા. અઠવાડિયા-દસ દિવસ પછી જસ્ટિનના ઘરે પહોંચીને એની મમ્મીને કહ્યું: તમારા દીકરાની કરિયર બનાવવાની જવાબદારી હવે મારી. આજથી હું એનો મેનેજર!
ઇરાદો તો જસ્ટિનનું આલબમ બહાર પાડવાનો હતો, પણ મ્યુઝિક કંપનીઓનું ગાણું ચાલી રહ્યું: કોણ જસ્ટિન? એ ક્યાં કોઈ ટેલેન્ટ શોનો વિનર છે? યુ ટયૂબ પર ફ્રીમાં લોકો વીડિયો જોશે, પણ કોઈ શું કામ પૈસા ખર્ચીને એનું આલબમ ખરીદે? બ્રાઉન એસ્ટાબ્લિશ્ડ કલાકારોના સ્ટેજ પર્ફોર્મન્સીસમાં આ ટીનેજરને પ્લગ કરવા માંડયા. સિનિયર સિંગરોમાં એકાએક જસ્ટિનનું નામ ચર્ચાવા લાગ્યું. અશર નામના સફળ આફ્રિકન-અમેરિકન સિંગન જસ્ટિનથી એટલો પ્રભાવિત થયો કે રીતસર એનો મેન્ટર યા તો પથદર્શક બની ગયો.
આખરે ૨૦૦૯ના અંતમાં જસ્ટિનનું પહેલું સિંગલ (એટલે કે ગીત) બહાર પડયું - 'માય વર્લ્ડ'. ત્યાં સુધીમાં યુ ટયૂબ પર ૫ાંચ કરોડ લોકો એના વીડિયોના સબસ્ક્રાઇબર બની ચૂક્યા હતા. એક પછી એક સાત ઓરિજિનલ સિંગલ રિલીઝ થયાં. એક પણ આલબમ બહાર પડયું ન હોવા છતાંય જેનાં સાત સુપરહિટ ગીતો બિલબોર્ડ ચાર્ટમાં સ્થાન પામ્યાં હોય તેવો જસ્ટિન દુનિયાનો પહેલો સિંગર બન્યો. ટીનેજ કન્યાઓનો તો એ હીરો બની ગયો. ઈવન પાંચ-છ વર્ષની બેબલીઓને પણ જસ્ટિન ખૂબ ગમતો, રાધર, ગમે છે.


સોળ વર્ષના જસ્ટિન કી તો નિકલ પડી. પબ્લિક પર્ફોર્મન્સીસ, 'ધ લેટ શો' અને 'ધ ટુનાઇટ શો' જેવા હાઈ પ્રોફાઇલ ચેટ શોઝમાં ઇન્ટરવ્યૂઝ... ૨૦૧૦થી દર વર્ષે એક નવું આલબમ બહાર પડતું ગયું - 'માય વર્લ્ડ ૨.૦', 'અન્ડર ધ મિસલટો', 'બિલીવ' અને 'જનરલ્સ'. જસ્ટિન સાચા અર્થમાં એક ટીન આઇડલ તરીકે ઊભર્યો. પછી તો એ ફિલ્મોમાં અને 'ઝલક દિખલા જા' જેના પરથી બન્યો છે તે 'ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ' સહિત કેટલાય ટીવી શોમાં પણ એ દેખાયો. વર્લ્ડ ટૂરો યોજાવા લાગી. જસ્ટિને ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી. એક વાત શરૂઆતના તબક્કામાં જ સ્પષ્ટ થઈ ગઈ કે ઉપરવાળાએ જસ્ટિનને ઠાંસી ઠાંસીને ટેલેન્ટ આપી છે. એ માત્ર સારો ગાયક નથી, એ સારો સ્ટેજ પર્ફોર્મર પણ છે. ઇન્ટરવ્યૂ દરમિયાન સ્માર્ટ અને ફની જવાબો આપવામાં ઉસ્તાદ છે અને સહેજ પણ ટ્રેનિંગ લીધી ન હોવા છતાં સારો અભિનય પણ કરી લે છે.
જસ્ટિનની ચિક્કાર લોકપ્રિયતાએ કેટલાય એસ્ટાબ્લિશ્ડ કલાકારોને પાછળ રાખી દીધા છે. એક હદ પછી સેલિબ્રિટીહૂડ કંઈક અંશે સ્વયંસંચાલિત બની જતું હોય છે. પૈસો પૈસાને ખેંચે તેમ લોકપ્રિયતા, લોકપ્રિયતાને ખેંચતી હોય છે. ખેર, અપાર સફળતા મેળવનારે એક તબક્કા પછી ફિટકાર ખાવા માટે પણ તૈયાર રહેવું પડતું હોય છે. જસ્ટિનને ધિક્કારનારો એક બોલકો વર્ગ પણ ઊભો થઈ ગયો છે. એમને જસ્ટિન દીઠો નથી ગમતો. સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ આક્રમક વર્ગ જસ્ટિન પર ગાળોનો વરસાદ વરસાવતો રહે છે. અધૂરામાં પૂરું વચ્ચે જસ્ટિન નશીલી દવા લેતા પકડાઈ ગયો. એણે જેલની હવા ખાવી પડી હતી. આ ઘટનાને લીધે એની ઇમેજ પર મોટો ફટકો પડયો. સફળતાની હવા જસ્ટિનને પણ લાગી ગઈ છે. અઢાર વર્ષની ઉંમરે એણે બબ્બે આત્મકથા લખી નાખી હતી અને એના જીવન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની ચૂકી હતી. જસ્ટિન તો ઠીક, એની હરખપદૂડી મમ્મીએ પણ આત્મકથા ઘસડી નાખી છે!
ખેર, માણસ પોતાની ભૂલોમાંથી શીખતો હોય છે. જસ્ટિન સંયમ અને શિસ્તથી લાંબી રેસનો ઘોડો પુરવાર થાય છે કે પછી બ્રિટની સ્પિઅર્સની જેમ જલદી પ્રકાશીને જલદી અસ્ત થાય છે એ તો સમય જ બતાવશે.

                                               0 0 0 

Tuesday, June 3, 2014

ટેક ઓફ : આખું આકાશ મારી મુઠ્ઠીમાં


Sandesh - Ardh Saptahik Purty - 4 June 2014
ટેક ઓફ
બારમા ધોરણમાં ફક્ત ૪૨ ટકા લાવનારનું ભવિષ્ય બ્રાઇટ અને લાઇફસ્ટાઇલ શાનદાર હોઈ શકેબિલકુલ હોઈ શકે, જો માણસ મૂળભૂત રીતે તેજસ્વી હોયપુષ્કળ પરિશ્રમ કરી શકતો હોય અને એને સાચી દિશા મળી ગઈ હોય.
Akhilesh Dangat

બારમા બારમા ધોરણની બોર્ડ એક્ઝામ્સસીઇટી અને જેઇઇનાં પરિણામો આવી ચૂક્યાં છે. થોડા સમયમાં કોલેજમાં એડમિશન પ્રોસેસ શરૂ થશે અને તે સાથે હજારો યંગસ્ટર્સનો કરિયરગ્રાફ ડિફાઇન થઈ જશે.
ધારો કે કોઈ પણ કારણસર આ પરીક્ષાઓમાં સારું પર્ફોર્મ ન કરી શક્યા તો શું વાર્તા પૂરી થઈ જાયભવિષ્ય અંધકારમય બની જાય? બિલકુલ નહીં. આજે એક એવા યુવાનની વાત કરવી છે,જેણે બારમા સાયન્સમાં ફક્ત ૪૨ ટકા માર્ક્સ મેળવ્યા હતા છતાં ગણતરીના સમયમાં ભારતનાં યંગેસ્ટ પાઇલટ હોવાનું બિરુદ મેળવી લીધું ને પછી તો ભલભલાને ઇર્ષ્યા થઈ આવે એવી પ્રભાવશાળી કરિયર પણ બનાવી.
અખિલેશ દાંગટ એનું નામ. મુંબઈના જોડકા શહેર થાણેમાં એનો ઉછેર. ઘરમાં નાનો ભાઈમમ્મી અને ડોક્ટર-પપ્પા. સ્વભાવે અતિ તોફાની. સ્ક્ૂલમાં અડધો સમય ક્લાસની બહાર અંગૂઠા પકડીને ઊભો હોય. છોકરો તેજસ્વી, પણ વધારે પડતો રમતિયાળ હોવાથી ભણવામાં અબાઉ એવરેજ બનીને રહી જાય.
"દસમામાં મને ૮૨ ટકા માર્ક્સ આવ્યા હતા," અખિલેશ કહે છે, "મુંબઈમાં અગિયારમું-બારમું જુનિયર કોલેજ ગણાય. કોલેજ એટલે આઝાદી. ક્લાસ બન્ક કરવાનાધમાલમસ્તી કરવાની. પંદર-સોળ વર્ષની ઉંમરના ટીનેજર્સને કરિયર વિશે શી ગતાગમ હોય. તે ઉંમરે ગંભીરતા નથી હોતી. મેં માંડ માંડ બારમું સાયન્સ પાસ કર્યું. પર્સન્ટેજ આવ્યા પૂરા બેતાલીસ!"
ઘરમાં સન્નાટો વ્યાપી ગયો. મમ્મી-પપ્પાને ભયાનક નિરાશા થઈ. અખિલેશ અળવીતરું કરે તો પપ્પા વઢતાખખડાવી નાખતા,ગુસ્સો પ્રગટ કરતાંપણ આ વખતે તેઓ સહમીને બિલક્ુલ ચૂપ થઈ ગયા. અખિલેશ પેરેન્ટ્સનો ગુસ્સો હેન્ડલ કરી શકતો હતો,પણ એમની ચુપ્પી એનાથી સહન ન થઈ. પેરેન્ટ્સની તીવ્ર નિરાશાથી એને મોટો ઝટકો લાગ્યો. સામે ખાસ વિકલ્પો નહોતા. દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એરોનોટિક્સમાં માંડ એડમિશન મળે તેમ હતું. લઈ લીધું. એન્જિનિયરિંગમાં જરાય રસ નહોતો છતાં પણ.
માણસને ક્ેવી ક્ેવી અણધારી જગ્યાએથી નવા સંક્ેતો મળી મળી જતા હોય છે. એક્ વાર હોસ્ટેલના છોકરાઓનાં કપડાં ઇસ્ત્રી કરવાવાળા 'છોટુ'એ વાતવાતમાં અખિલેશને ક્હૃાું ક્ે એક ઔર ભૈયા કા યુનિફોર્મ ભી આપ કે જૈસા હી હૈ, ઔર વો પાઇલટ કી ટ્રેનિંગ લે રહે હૈ!
અખિલેશને રસ પડયો. એણે એ 'ભૈયા'નો કોન્ટેક્ટ કર્યો. ૨૩ વર્ષના એ યુવાને ચશ્માં પહેર્યાં હતાં. અખિલેશને નવાઈ લાગીઃ ચશ્મીશ લોકો પાઇલટ બની શકે? જાણકારી મળી - હા, પ્લસ-માઇનસ સાડા ત્રણ કરતાં વધારે નંબર ન હોય તો પાઇલટ બની શકાય. રસ્તા પર ઊભા ઊભા યુવાનની વાતો સાંભળ્યા પછી અખિલેશના દિમાગમાં એક વાત બેસી ગઈઃ ચાર વર્ષ એરોનોટિકલ એન્જિનિયરિંગનું ભણીને મેન્યુફેક્ચરિંગ કે મેન્ટેનન્સનું કામ કરવા કરતાં એકાદ વર્ષનો કોર્સ કરીને પાઇલટ બનવામાં વધારે ફાયદો છે! 
"ફ્રેન્કલી, નાનપણમાં મને ક્યારેય પાઇલટ બનીને પ્લેન ઉડાવવાની ઈચ્છા નહોતી થઈ." અખિલેશ કહે છે, "છતાં મેં નક્કી કરી લીધું કે મારે એન્જિનિયરિંગ છોડીને પાઇલટ ટ્રેનિંગ લેવી છે."

અખિલેશની વાત સાંભળીને પપ્પા ચકિત થઈ ગયા. બારમામાં ધબડકો કર્યા પછી એન્જિનિયરિંગમાં માંડ માંડ એડમિશન લીધું એ વાતને હજુ દોઢ મહિનો માંડ થયો છે ને ત્યાં પાછું આ નવું ફિતૂરતેઓ દિલ્હી આવ્યા. પાઇલટ ટ્રેનિંગ સ્કૂલોનું કામકાજ સંભાળતા એજન્ટને મળ્યા. અખિલેશ અમેરિકાની ટ્રેનિંગ સ્કૂલમાં એડમિશન લેવા માગતો હતો. અમેરિકામાં કોર્સની ફી હતી,અઢારથી વીસ લાખ રૂપિયા. મધ્યમવર્ગીય પરિવાર માટે આ મોટી રકમ ગણાય. પપ્પા જાણતા હતા ક્ે દીકરાએ ભલે બારમામાં ખરાબ પર્ફોર્મન્સ આપ્યુંપણ એ છે બ્રાઈટ. અખિલેશ પર એમનો કોન્ફિડન્સ અકબંધ હતો. દીકરાના ભવિષ્ય માટે એમણે મોટો જુગાર ખેલી નાખ્યો. એક પ્રોપર્ટી લઈ રાખી હતી તે વેચી કઢી. જેમાં રહેતા હતા તે ઘર મોર્ગેજ પર મૂક્યું ને વીસ લાખની રકમ એકઠી કરી. તેમણે કહ્યું, "બેટા, પૈસાની ચિંતા ન કર. તું ફક્ત તારી ટ્રેનિંગ પર કોન્સન્ટ્રેટ કર."
અખિલેશે એ જ કર્યું. ફ્લોરિડામાં માયામીમાં કેમ્પર એવિએશન નામની ટ્રેનિંગ સ્કૂલમાં એણે દિલ દઈને ભણવા માંડયું. કોર્સના બીજા-ત્રીજા અઠવાડિયાંથી જ પ્રેક્ટિકલ શરૂ થઈ ગયા.
"પહેલી વાર પ્લેન ઉડાડયું ત્યારે એવું લાગ્યું કે જાણે એસેલ વર્લ્ડની કોઈ રાઇડમાં બેઠો છું!" અખિલેશ કહે છે, "હવામાં ઊડવું એ માણસની પ્રકૃતિ વિરુદ્ધની ક્રિયા છે. કુદરતે આપણી રચના ઊડવા માટે કરી નથી. ટેક્નોલોજીની મદદથી પ્રકૃતિને મેનિપ્યુલેટ કરીને ફ્લાઇંગ શીખવાનું હોય છે."
અઢીસો કલાક પ્લેન ઉડાડવાનો અનુભવ લઈછ મહિનામાં કોર્સ સફળતાપૂર્વક પૂરો કરી અખિલેશ પાછો ઇન્ડિયા આવ્યો.
"મારી પાસે પાઇલટનું અમેરિકન લાઇસન્સ હતુંજે અહીં વેલિડ ન ગણાય. ઇન્ડિયન લાઇસન્સ મેળવવા માટે ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની પરીક્ષા આપવી પડે. હું બરાબર સમજતો હતો કે મારા પર કેટલી મોટી જવાબદારી છે. મારે ખાતર પપ્પાએ ઘર ગીરવે મૂક્યું હતું! હું હવે ફરીથી તેમને નિરાશ કરવાનું વિચારી પણ શકતો ન હતો."
દોઢ મહિનો દિવસ-રાત તૈયારી કરીને અખિલેશે પરીક્ષા આપી. ભારતભરના પાંચથી છ હજાર પરીક્ષાર્થીઓમાં એ સૌથી વધારે માર્ક્સ મેળવીને નંબરવન ઘોષિત થયો. માત્ર ૧૯ વર્ષની વયે ફ્લાઈંગ લાઇસન્સ મેળવનાર એ ભારતનો યંગેસ્ટ પાઈલટ બન્યો! બે મહિના પછી જેટ એરવેઝમાં જોબ મળી ગઈ. શરૂઆત કો-પાઇલટ તરીકે કરી. સાડા ચાર વર્ષમાં એ ૩૦૦૦ કલાક જેટલું ફલાઇંગ કર્યું. પચ્ચીસ વર્ષની ઉંમરે કમાન્ડર એટલે કે કેપ્ટન યા તો મુખ્ય પાઇલટ બની ગયો.આજે ૨૭ વર્ષનો અખિલેશ આખા એશિયામાં તોતિંગ બોઇંગ વિમાનો ઉડાડે છે.
પપ્પાનું દેવું તો જોબ શરુ થઈ પછી પહેલા જ વર્ષે ચૂકવી દીધું હતું. આજે એ મુંબઈના પોશ વિસ્તારમાં મસ્તમજાના બે મોટા ફ્લેટનો માલિક છે અને ર્મિસડિઝ સહિત ત્રણ કાર ધરાવે છે. બારમા ધોરણમાં ૪૨ ટકા લાવનાર છોકરો આજે એની બેચના ટોપર્સની આંખ ચાર થઈ જાય એવી સફળ અને સરસ લાઇફસ્ટાઇલ ધરાવે છે.
અખિલેશ જેવાં ઘણાં ઉદાહરણ છે. બારમા ધોરણને વધારે પડતું મહત્ત્વ આપવાની જરૂર નથી. જો માણસ મૂળભૂત રીતે તેજસ્વી હોય અને કંઈક કરી દેખાડવાની લગની ધરાવતો હોય તો એનું જીવનમાં પાછળ પડતો નથી. વાલીઓ ધીરજ ન ગુમાવે અને સંતાન પર પૂરો વિશ્વાસ રાખે તે પણ એટલું જ મહત્ત્વનું છે. 
o o o 

Monday, June 2, 2014

ટેક ઓફ : લીન થઈ ગઈ ધ્યાનમાં... પ્રાપ્ત થયા ઉકેલ!

Sandesh - Ardh Saptahik Purty - 28 May 2014

ટેક ઓફ


કાશ્મીરનાં આદિ કવયિત્રી લલ્લેશ્વરી દુન્યવી માપદંડોથી ઉપર ઊઠી ચૂક્યાં હતાં. તેઓ ભારતનાં કદાચ પ્રથમ મહિલા સંત છે જે નગ્નાવસ્થામાં વિચરણ કરતાં. તેમણે રચેલા વાખ જીવનદર્શન અને અધ્યાત્મજ્ઞાાનથી ભરપૂર છે.
ઘર છોડી વન ગયા, તોય સર્યો નહીં અર્થ

જ્યાં લગ મન વશ થાય ના, ત્યાં લગ બધુંય વ્યર્થ.
ફકત હોઠ હલે પણ જો હોય ન હૈયે ભાવ
આવા પોપટિયા જપે, પાર નઉ તરે નાવ.

ઠાલાં કર્મકાંડ પર તીવ્ર ચાબખા ઝીંકાયા છે આ દોહામાં. એને રચ્યા છે કાશ્મીરમાં સંભવતઃ ચૌદમી સદીમાં થઈ ગયેલાં સંત કવયિત્રી લલ્લેશ્વરીએ. આ વિવાદાસ્પદ આદિ કવયિત્રીનું નામ આપણે ત્યાં બહુ જાણીતું નથી, પણ વિનોબાજીએ એમના માટે કહ્યું છે કે, કશ્મીર મેં દો હી નામ ચલતે હૈં - એક હૈ અલ્લા ઔર દૂસરા લલ્લા! લલ્લેશ્વરી માટે લલ્લા, લલયોગેશ્વરી, લલારિકા જેવાં નામો પણ પ્રચલિત છે. તેઓ ભારતનાં કદાચ પહેલા એવાં મહિલા સંત છે, જે સંપૂર્ણ નિવસ્ત્ર અવસ્થામાં વિચરતાં. તેમની વાણી યા તો દોહા પ્રકારની પદ્ય પંક્તિઓ 'વાખ' તરીકે ઓળખાય છે. કાશ્મીરનાં ગામોમાં આજે પણ લલ્લેશ્વરીના સ્થાનિક તળપદી ભાષામાં રચાયેલા વાખ ગવાય છે. 'લલ્લદ્યદ' નામના પુસ્તકમાં લલ્લેશ્વરીના વાખ અને તેના સંસ્કૃત અનુવાદનું સંપાદન થયું છે. એમાંથી પસંદગીના ૧૧૭ વાખનો સુરેશ ગાલાએ ગુજરાતીમાં સુંદર છંદોબદ્ધ ભાવાનુવાદ કરીને 'અસીમને આંગણે' નામના પુસ્તકમાં પ્રગટ કર્યો છે.
ખૂબ બધી વિસ્મયકારક લોકવાયકાઓ સંકળાયેલી છે લલ્લેશ્વરીના જીવન સાથે. શ્રીનગરથી નવ માઈલ દૂર સિમપુરા ગામના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં લલ્લેશ્વરીએ નાનપણથી જ અધ્યાત્મ તરફ ગતિ શરૂ કરી દીધી હતી. બાળવયે લગ્ન કરીને સાસરે તો ગયાં, પણ સંસાર પ્રત્યેની ઉદાસીનતા ધીમે ધીમે વધતી ગઈ. નિર્દય સાસુ ખૂબ ત્રાસ આપતી. થાળીમાં પથ્થર-કાંકરા લઈ,એની ઉપર ભાતનું પાતળું આવરણ પાથરી લલ્લેશ્વરીને ખાવા આપે. જોનારાને થાય કે વાહ, સાસુમા વહુને કેટલું બધું ખવડાવે છે, પણ તેમને ખબર ન હોય કે ભાતની નીચે કાંકરા પાથર્યા છે.
એક વાર લલ્લેશ્વરીને ઘાટ પરથી પાણી ભરીને લાવતાં મોડું થયું. સાસુએ દીકરાને ભડકાવ્યોઃ "જા, જઈને તપાસ તો કર કે ચુડેલ ક્યાં મોઢંુ કાળું કરવા ગઈ છે! વર લાકડી લઈને ઘાટ પર પહોંચી ગયો. સામેથી લલ્લેશ્વરી માથા પર પાણી ભરેલો માટીનો ઘડો ઊંચકી આવી રહ્યાં હતાં. વરે ગુસ્સામાં ઘડા પર લાકડી ફટકારી. લોકવાયકા કહે છે કે લાકડીના પ્રહારથી ઘડો ફૂટી ગયો, પણ મસ્તક પર પાણી એ જ આકારમાં ટકી રહ્યું! ઘરે જઈને લલ્લેશ્વરીએ તે પાણીથી વાસણો ભર્યાં, બચેલું પાણી બહાર ફેંક્યું. થોડા દિવસ પછી ત્યાં તળાવ બની ગયું. આજે તે 'લલ્લત્રાગ્'ના નામથી પ્રસિદ્ધ છે! અપમાન કે શારીરિક સીતમ લલ્લેશ્વરીને સ્પર્શતાં નહીં. તેમણે ગાયું -
કોઈ ભલેને ગાળ દે, એ પણ લાગે ખેલ

આત્મરમણતા હોય તો, મનદર્પણ નહીં મેલ.

બાલ્યાવસ્થામાં કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી લલ્લેશ્વરીએ ધર્મ, દર્શન અને યોગ સંબંધિત ઘણાં રહસ્યો જાણ્યાં હતાં. અવારનવાર તેઓ ધ્યાનમાં લીન થઈ જતાં. એમણે કહ્યું છે કે -
પોથીમાંથી મલિયો નહીં, મારગનો અણસાર
માળામાંથી પ્રગટયો નહીં, ચેતનનો ઝબકાર.
શાસ્ત્રો સહેલાં વાંચવાં, આચરવાં મુશ્કેલ,
લીન થઈ ગઈ ધ્યાનમાં, પ્રાપ્ત થયા ઉકેલ.
પણ ધ્યાનમાં લીન થવા માટે સતત કૂદાકૂદ કરતા મનમાંકડાને અંકુશમાં રાખવું પડે. લલ્લેશ્વરી મનને ગર્દભ સાથે સરખાવે છે-
મનગર્દભ રાખ વશમાં, એ તો કરે કુકરમ
ભોગવીશ તું આખરે, સમજી લે તું મરમ.
લલ્લેશ્વરી અધ્યાત્મના માર્ગે આગળ વધતાં રહ્યાં. એક સ્થિતિ એવી આવી ગઈ કે એમનો દેહભાવ છૂટી ગયો. પરમ સત્ત્વ સાથે એમનું સંધાન થઈ ચૂક્યું હતું. તેઓ આનંદપૂર્વક નાચતાં-ગાતાં દિગંબર અવસ્થામાં ઘૂમવા લાગ્યાં. દુન્યવી અર્થમાં આપણે જેને લજ્જા કહીએ છીએ તે લાગણી તેમનાથી જોજનો દૂર રહેતી. તેમના મતે દેહભાવથી મુક્ત થઈને પરમ તત્ત્વમાં રમમાણ વ્યક્તિ એ જ પુરુષ. આવી વ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. બાકીની વ્યક્તિઓ જો પુરુષ ન હોય તો પછી તેમની સામે નગ્નાવસ્થામાં ઘૂમવામાં શરમ શાની?
એક વચને દીક્ષા કે, ભીતર તું પ્રવેશ
ત્યજી વસ્ત્ર નાચી ઊઠી, રાખી છૂટા કેશ.
ઔર એક રસપ્રદ દંતકથા છે. એક દિવસ લલ્લેશ્વરીએ દૂરથી પ્રસિદ્ધ સૂફી સંત સૈયદ હમદાનીને આવતા જોયા. તેઓ પ્રફુલ્લિત થઈને શોર મચાવવા લાગ્યાં કે આજે મને અસલી પુરુષનાં દર્શન થયાં! તેઓ એક વાણિયાની દુકાને ગયાં. દેહ ઢાંકવા માટે વસ્ત્રોની માગણી કરી. વાણિયાએ વક્રતાપૂર્વક કહ્યું કે આજ સુધી તો તને ક્યારેય શરીર ઢાંકવાની જરૂર ન લાગી, આજે એકાએક કેમ કપડાં યાદ આવ્યાં? લલ્લેશ્વરીએ જવાબ આપ્યોઃ આજે અસલી પુરુષ અહીં આવી રહ્યા છે, એટલે! હું એમને ઓળખી ગઈ છું,તેમણે મને પારખી લીધી છે! એટલી વારમાં સંત સૈયદ હમદાની નજીક આવી ગયા. બાજુમાં એક ભઠ્ઠી સળગી રહી હતી. વસ્ત્રો નહોતાં મળ્યાં એટલે લલ્લેશ્વરી ભઠ્ઠીમાં કૂદી પડયાં. સંત હમદાનીને વસ્તુસ્થિતિ સમજતાં સહેજે વાર ન લાગી. એમણે હાકલ કરીઃ "લલ્લી, બહાર આવ, જો સામે કોણ ઊભું છે! કહે છે કે બીજી જ ક્ષણે લલ્લેશ્વરી દિવ્ય વસ્ત્રો પરિધાન કરીને સંત હમદાનીની સામે પ્રગટ થયાં!
લલ્લેશ્વરી માટે મહત્ત્વનું હતું આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ અને નિષ્કામ સાધના. દંભી બાહ્યાચાર અને ઠાલાં ક્રિયાકાંડના તેઓ આજીવન વિરોધી રહ્યાં. તેથી જ તેમણે કહ્યું છે કે -
મૂરખ સંગ જ્ઞાાનકથા, ગર્દભને તું ગોળ
કરમ મુજબ સહુ ભોગવે, તું સરનામું ખોળ.
કેવળ દેહદમન કર્યું, પણ ન કર્યું શુદ્ધ મન
જાણે શિખર નિરખિયું, ન કર્યું મૂર્તિદર્શન.
માન્યતા એવી છે કે શ્રીનગર-જમ્મુ હાઈવે નજીક બ્રિજબિહાલા ગામમાં એક મસ્જિદની પાછળ લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો. કાશ્મીરમાં લલ્લેશ્વરીનું એક પણ સ્મારક, સમાધિ કે મંદિર જોવા મળતું નથી એ નવાઈ વાત છે. ખેર, સંત-સાધ્વીનું સત્ મહત્ત્વનું હોય છે. મંદિર અને સમાધિ પણ એક રીતે બાહ્ય માળખું જ થયુંને!
                                                     0 0 0