Showing posts with label The Good Road. Show all posts
Showing posts with label The Good Road. Show all posts

Saturday, September 28, 2013

મલ્ટિપ્લેક્સ : 'ધ ગૂડ રોડ' : અન્જાન રાસ્તે

Sandesh - Sanskaaar Purti - 29 Sept 2013
મલ્ટિપ્લેક્સ 
ભારતની ભેદી ઓસ્કર સિલેક્શન કમિટીએ 'ધ ગૂડ રોડ' નામની માંદલી કીડીની પીઠ પર સો મણની ગુણી લાદી દીધી છે. આ કમિટીમાં સ્થાન પામતાં મનુષ્યપ્રાણીઓ હવે ચિચિયારી પાડીને કીડીને પાનો ચડાવી રહ્યાં છેઃ ભાગ કીડી ભાગ.... દોડ, જોર લગાવ, સૌને પાછળ મૂકી દે ને વિજયી થા!

મબખ્તી તો જુઓ. આપણી ભાષામાં બનેલી 'ધ ગૂડ રોડ' નામની ફિલ્મ ભારતભરની ફિલ્મોને પાછળ રાખી ઓસ્કર સુધી પહોંચી ગઈ ને આપણે હરખ પણ કરી શકતા નથી. ગુજરાતી ભાષા કે ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલી કોઈ પણ કલાકૃતિ, વ્યક્તિ કે કંઈ પણ જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ સુધીની મુસાફરી તય કરવામાં સફળ થાય ત્યારે ખરેખર તો આપણે ગર્વ અનુભવવાનો હોય. એને બદલે આપણા અફસોસનો પાર નથી. આપણું એક નંબરનું નપાવટ અને નાલાયક છોકરું પરીક્ષામાં ચોરી કરી કરીને જિલ્લા કક્ષાએ પહેલો નંબર લઈ આવે તો રાજી કેવી રીતે થવું? 'ધ ગૂડ રોડે' આપણી હાલત આ વંઠેલા છોકરાના પરિવારજનો જેવી વિચિત્ર કરી મૂકી છે.
પહેલો ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે 'ધ ગૂડ રોડ' જેવી અતિ રેઢિયાળ, મહાકંગાળ અને કળાશૂન્ય ફિલ્મને નેશનલ એવોર્ડ આપી દેવામાં આવ્યો ('મલ્ટિપ્લેક્સ', ૧૪ જુલાઈ, ૨૦૧૩). અત્યાર સુધી 'ધ ગૂડ રોડ' ફક્ત એક ગુજરાતી ફિલ્મ હતી, જે ગુજરાતીઓની સુરુચિ તેમજ સેન્સિબિલિટી પર હથોડાના ઘા કરતી હતી. ઓસ્કર ૨૦૧૪ની બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરી માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી બન્યા પછી 'ધ ગૂડ રોડ' ને એક રાષ્ટ્રીય કક્ષા મળી ગઈ છે. આમ તો એને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે જ રાષ્ટ્રીય કક્ષા મળી ગઈ હતી, પણ ઓસ્કર એન્ટ્રીની ઘોષણા પછી તેણે એકાએક આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ એ ફિલ્મ છે જેણે હવે ઓસ્કરના આંતરરાષ્ટ્રીય માહોલમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવાનું છે. 'ધ ગૂડ રોડ' નામની માંદલી કીડીની પીઠ પર ભારતની ભેદી સિલેક્શન કમિટીએ સો મણની ગુણી લાદી દીધી છે. આ કમિટીમાં સ્થાન પામતાં મનુષ્યપ્રાણીઓ હવે ચિચિયારી પાડીને કીડીને પાનો ચડાવી રહ્યા છેઃ ભાગ કીડી ભાગ.... દોડ, જોર લગાવ, સૌને પાછળ મૂકી દે ને વિજયી થા!
આ વખતે આપણી પાસે ખરેખર બે જાતવાન અશ્વ હતા- 'શિપ ઓફ થિસિઅસ' અને 'ધ લન્ચબોક્સ'- જે રમરમાટ કરતા દોડીને સૌનું ધ્યાન ખેંચી શક્યા હોત. ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીની ફાઇનલ ફાઇવમાં શોર્ટ-લિસ્ટ થવું ને પછી એવોર્ડ જીતવો એ પછીની વાત થઈ. આવું થાત કે ન થાત એ આપણે જાણતા નથી, પણ કમસે કમ એ વાતનો સંતોષ જરૂર રહેત કે આપણે આપણાથી બનતા શ્રેષ્ઠ અને બુદ્ધિગમ્ય પ્રયત્નો કરી છૂટયા.
શું છે આ ઓસ્કર સિલેક્શન કમિટી? એ ક્યાંથી પ્રગટ થઈ? સિલેક્શન કમિટીની જનક ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એફએફઆઈ) છે. ભારતના અઢારેક હજાર નિર્માતાઓ, વીસેક હજાર ડિસ્ટ્રિબ્યૂટરો, બારેક હજાર એક્ઝિબિટરો (એટલે કે થિયેટરના માલિકો) તેમજ સ્ટુડિયો-ઓનર્સને સમાવી લેતી આ પ્રમુખ સંસ્થા છે. ભારતની ઓસ્કર એન્ટ્રી નક્કી કરતી સિલેક્શન કમિટી એપોઇન્ટ કરવાનું કામ એફએફઆઈ જ કરે છે. આ કમિટીમાં સ્થાન પામતાં મહાન સદસ્યો 'ધ ગૂડ રોડ' જોઈને ઝૂમી ઊઠયા અને પાંચ કલાક ચર્ચા કરીને એવા નિર્ણય પર પહોંચ્યા કે આ ગુજરાતી ચલચિત્રમાં તો ભારતના 'સાવ અજાણ્યા પાસા'ને ઉજાગર કરવામાં આવ્યો છે. તો 'શિપ ઓફ થિસિઅસ', 'ધ લન્ચબોક્સ', 'ભાગ મિલ્ખા ભાગ', 'ઇંગ્લિશ વિંગ્લિશ', કમલ હાસનનું 'વિશ્વરૂપમ', 'શબ્દો' (બંગાળી), 'સેલ્યુલોઇડ' (મલયાલમ) ને બીજી એકવીસ ફિલ્મોને નાખો વખારે ને પહેરાવી દો 'ધ ગૂડ રોડ'ના ગળામાં વરમાળા.

જાનમાં કોઈ જાણે નહીં ને હું વરરાજો પોતે. 'ધ ગૂડ રોડ'ની આ કરુણતા છે. બીજાં રાજ્યોની વાત જ જવા દો, કેટલા ગુજરાતીઓએ 'ધ ગૂડ રોડ' જોવાની તસ્દી લીધી છે? બાય ધ વે, ભારતનું કયું 'અજાણ્યું પાસું' જોઈને ઓસ્કર કમિટીવાળા મુગ્ધ થઈ ગયા? ફિલ્મમાં એક માથામેળ વગરનો બાળવેશ્યાઓનો ટ્રેક છે, જેને મૂળ વાર્તા સાથે કોઈ સંબંધ નથી. આ 'રિયાલિસ્ટિક' ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કચ્છના કોઈ હાઈ-વે પાસે ખુલ્લા મેદાનમાં રોજ રાતે વેશ્યાઓનો મેળો ભરાય છે. હજુ ઋતુકાળમાં પણ આવી ન હોય એવી દસ-બાર વર્ષની માસૂમ છોકરીઓ લાલી-લિપસ્ટિકના થથેડા કરીને એક શામિયાણા નીચે કતારમાં ગોઠવાઈ જાય. આ બધી બાળવેશ્યાઓ છે, જે મુંબઈના કમાઠીપુરાની વેશ્યાઓની જેમ ધંધો કરવા ઊભી છે. સામે ટોળાંમાં ઊભેલા પુરુષોમાંથી જેને જે છોકરી ગમી જાય તેના તરફ ઇશારો કરે એટલે દલાલ છોકરીને ઘરાકની સાથે અલગ તંબુમાં મોકલી આપે. આ છોકરીઓ દિવસે રમતી હોય ને કાનમાંથી કીડા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલતી ઝઘડતી હોય. ફિલ્માં આ બધી જ ગાળો યથાતથ મૂકવામાં આવી છે.
સિલેક્શન કમિટીમાં સ્થાન પામતાં રહસ્યમય નરશ્રેષ્ઠો અને નારીરત્નો અપેક્ષા રાખીને બેઠાં છે કે ભારતનું (આમ તો ગુજરાતનું) આ 'અજાણ્યું પાસું' જોઈને ઓસ્કરની જ્યુરી આફરીન પોકારી જશે! 'સ્લમડોગ મિલિયોનેર'માં મુંબઈની ગંધાતી ઝૂંપડપટ્ટી અને મળની ટાંકીમાં ધુબાકો મારીને બહાર નીકળેલાં ટાબરિયાંને જોઈને પશ્ચિમના ઓડિયન્સને મજા પડી ગઈ હતી, એમ. એ 'પોવર્ટી પોર્ન' હતું. ભારતની કંગાલિયત જોઈને પશ્ચિમનું ઓડિયન્સ પોર્નોગ્રાફી જોઈ રહ્યા હોય તેમ ઉત્તેજિત થઈ જતું હોય તો 'ધ ગૂડ રોડ'માં તો રીતસર બાળવેશ્યાઓ દેખાડી છે. ભારતની આ ગંદી (અને ગુજરાતના સંદર્ભમાં તો બિલકુલ કપોળ કલ્પિત) તેમજ 'એક્ઝોટિક' છબિ જોઈને ગોરાઓ ગાંડા ગાંડા થઈ જશે એવું આપણી સિલેક્શન કમિટીનું વિશફુલ થિંકિંગ હશે?
'ધ ગૂડ રોડ' કે જેમાંથી સતત બેઈમાનીની વાસ આવ્યા કરે છે તે ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ થઈ તેની પાછળ આ ફિલ્મ એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા) એ બનાવી છે તે હકીકતની શી ભૂમિકા છે? એનએફડીસી પોતાની હાજરી બોલકી બનાવવા માટે ઘાંઘું થઈ ગયું છે? નેશનલ એવોર્ડ જીત્યો હોય એવી ફિલ્મ આપોઆપ ઓસ્કર એન્ટ્રી માટે વધારે લાયક બની જાય?
સવાલ હવે બાળવેશ્યાઓનાં દૃશ્યોનો પણ નથી. આ એક્ કાલ્પનિક્ ક્થા છે અને ફિલ્મ હોય, નવલક્થા હોય કે  બીજું ક્ોઈ પણ માધ્યમ હોય, ક્લાક્ાર ક્રિયેટિવ લિબર્ટી લઈને પોતાનું આગવું વિશ્ર્વ રચી જ શકે  છે. આ સ્વીકાર્ય દૃલીલ છે. ફિલ્મમેકર ધારે તો કાશ્મીરમાં રણ બતાવી શકે છે ને અમદૃાવાદૃમાં સાબરમતીને બદૃલે ઊછળતો દૃરિયો બતાવી શકે છે. ફેર ઈનફ. મુદ્દો આ છે: કાશ્મીરમાં રણ બતાવ્યા પછી અને અમદૃાવાદૃમાં દૃરિયો બતાવ્યા પછી શું સમગ્ર ફિલ્મ યા તો  ક્ૃતિ સત્ત્વશીલ બને છે? ક્ળાના માપદૃંડો પર ખરી ઊતરે છે? અભિનય, ક્થાની ગૂંથણી, પાત્રાલેખન, સંવાદૃો અને અન્ય ટેક્નિક્લ  પાસાં થકી દૃર્શક્ને કે ભાવક્ના મન-હૃદૃયને સંતોષનો અનુભવ  કરાવી શકે છે?  'ધ ગુડ રોડ'ના સંદૃર્ભમાં આનો ઉત્તર છે: ના, બિલકુલ નહીં. આ ફિલ્મ સતત એક્ અધક્ચરા, અર્ધદૃગ્ધ અને છીછરાં જોણાંની અનુભૂતિ કરાવતી રહે છે.જે ફિલ્મ પોતાનાં દૃેશની તો ઠીક્, પોતાનાં રાજ્યની સારી ફિલ્મોની સામે પર બે પગે સીધી ઊભી રહી શક્તી નથી એને ઓસ્કર સિલેકશન ક્મિટી આંતરરાષ્ટ્રીય ફિલ્મો સામે અખાડામાં ઊતારી દૃીધી છે.
 
 સી ધ ફન. ધ ગુડ રોડની પસંદૃગી બાબતે બહુ થઈ ગઈ એટલે ઓસ્કર સિલેકશન ક્મિટીના વડા ગૌતમ ઘોષે નિવેદૃન ફટકાર્યું: મને તો છેેને ધ લન્ચબોકસ જ વધારે ગમી હતી, પણ છેને...
 
 વાહ! શાબાશ, ઘોષબાબુ!
 
 ગુજરાતમાં 'ધ ગુડ રોડ' વિરુદ્ધ જે દૃેખાવો થયા તે અત્યંત મોડું છે. ફિલ્મને નેશનલ અવોર્ડ આપી દૃેવામાં આવ્યો ત્યારે, ફિલ્મને ગુજરાતમાં નામ પૂરતી તો નામ પૂરતી પણ રિલીઝ કરવામાં આવી ત્યારે બૂમરાણ કેમ ન મચાવ્યું? ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે લોક્ કરી દૃીધાં પછી વિરોધની આખી ક્વાયત અર્થહીન બની જાય છે.



ભારતની સિલેક્શન કમિટી સૌથી લાયક ફિલ્મોને અવગણીને ભળતીસળતી ફિલ્મોને ઓસ્કરમાં મોકલવા માટે આમેય બદનામ છે,તેથી 'ધ ગૂડ રોડ'ની પસંદગી બદલ આશ્ચર્ય ન થવું જોઈએ. 'કેવી રીતે જઈશ?' ફિલ્મના મેકર અભિષેક જૈન સરસ વાત કરે છે, 'ફિલ્મ સારી છે કે ખરાબ એનો જવાબ હંમેશાં વ્યક્તિગત હોવાનો. ચાલો, 'ધ ગૂડ રોડ' ફિલ્મનું સિલેક્શન થવાથી આખા ભારતના મીડિયાએ ગુજરાતી સિનેમાની નોંધ તો લીધી. ગુજરાતી ભાષામાં પણ ફિલ્મો બને છે અને તે ઓસ્કર એન્ટ્રી તરીકે સિલેક્ટ સુધ્ધાં થઈ શકે છે એવી દેશની જનતાને ખબર તો પડી. ઓસ્કરમાં ગયા પછી 'ધ ગૂડ રોડ'નું જે થાય તે, પણ આ અવેરનેસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક સાબિત થશે. હવે કદાચ ગુજરાતી ફિલ્મો બનાવવા વધારે ફાઇનાન્સરો આગળ આવશે.'શ્વાસ' ઓસ્કરમાં ગઈ પછી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીવ આવ્યો હતો, એના કાયાકલ્પની શરૂઆત થઈ હતી. 'ધ ગૂડ રોડ' ઓસ્કરમાં જવાની ઘટના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાયાકલ્પની શરૂઆત હોઈ શકે એવી ઉમ્મીદ કેમ ન રાખવી?'
બરાબર છે. આફ્ટરઓલ, ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે.
શો-સ્ટોપર
આજે સૌ કોઈ ફેસબુક અને ટ્વિટર પર એક્ટિવ છે, પણ હું આ બધાથી દૂર જ રહું છું. સોશિયલ મીડિયા પર લોકો તમારી વાહવાહી કરતા હોય ને શુભેચ્છાઓ આપતા હોય વગેરે, પણ આ બધું મને સતત બનાવટી લાગ્યા કરે છે.
- કંગના રનૌત

Saturday, July 13, 2013

મલ્ટિપ્લેક્સ : ધ બેડ રોડ


Sandesh - Sanskaar Purti - 14 July 2013

Column: મલ્ટિપ્લેક્સ 

'ધ ગુડ રોડનામની ગુજરાતી ફિલ્મે નેશનલ એવોર્ડ જીતી લીધો તે એક વાત થઈ અને તે જોઈને બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે તે તદ્દન જુદી વાત થઈ. શું આવી કંગાળ અને કળાશૂન્ય ફિલ્મ ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠતાનું માપ નક્કી કરશે?



'સાંભળો, સાંભળો, સાંભળો. એક અદ્ભુત ઘટના ઘટી છે. છેલ્લાં વીસ વર્ષમાં ક્યારેય ઘટી ન હોય એવી. એક રત્ન સાંપડયું છે, અત્યંત કીમતી. જાણકારો આ રત્નને જોઈને દંગ થઈ ગયા છે. એમની આંખો ફાટી ગઈ છે. નિષ્ણાતોએ ઘોષિત કર્યું છે કે આપણી ધરતીમાંથી આવું મહામૂલું રત્ન પ્રાપ્ત થવું એ દુર્લભ ઘટના છે. તો ગીતડાં ગવડાવો, ઢોલ પર દાંડી પીટો, વાજાં વગડાવો અને આ રત્નના પ્રકાશમાં નહાઓ!'
આવી પ્રચંડ ઘોષણા સાંભળીને તમે સ્વાભાવિક રીતે જ ઉત્સુક થઈ જવાના, ખુશ પણ થવાના. તમને થાય કે ઓહોહો, શું વાત છે? ચાલો જરા જોઈએ તો ખરા કે કેવુંક રત્ન છે. તમે થનગન થનગન થતા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા રત્નને નિહાળવા પહોંચી જાઓ છો, પણ રત્નને જોતાં જ તમે ઘા ખાઈ જાઓ છો. આ? કાચના નિર્જીવ ટુકડાને આ લોકો રત્ન કહે છે? કીમતી, મહામૂલું, દુર્લભ આવાં બધાં વિશેષણો આ નકામી અને રદ્દી વસ્તુ માટે વપરાયાં હતાં? તમે ક્રોધિત થઈ ઊઠો છો. તમારા મનમાં છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે.
હવે આ 'રત્ન'ના સ્થાને 'ધ ગૂડ રોડ' નામની ગુજરાતી ફિલ્મને મૂકો. વાહવાહીના સ્થાને નેશનલ એવોર્ડનું લેબલ ચીપકાવી દો. નિષ્ણાતોની જગ્યાએ ભેદી મનુષ્ય-પ્રાણીઓથી બનેલી સિલેક્શન પેનલને ફિટ કરી દો. વાત એ જ રહે છે. ત્રીજી મે, ૨૦૧૩ના રોજ ૬૦મા નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ સેરિમનીમાં 'ધ ગૂડ રોડ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ને સિલ્વર લોટસ (રિજનલ કેટેગરી)નો નેશનલ એવોર્ડ એનાયત થયો. અગાઉ  1980માં કેતન મહેતાની ભવની ભવાઈને બે અને ત્યાર બાદ 1993માં ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈને એક નેશનલ અવોર્ડ મળી ચૂક્યા છે.  વચ્ચેનાં વર્ષો બિલકુલ ખાલી ગયાં હતાં. 'ધ ગુડ રોડ' નામની આ અજાણી તો અજાણી પણ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય સન્માન મળ્યાના સમાચાર આવ્યા ત્યારે એક સિનેમાપ્રેમી તરીકે હરખ થયો હતો. વળી, ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઓસ્કર વિનર રસુલ પુકુટ્ટી તેમજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે રજત ધોળકિયા જેવાં મહત્ત્વનાં નામ જોડાયેલાં હોવાથી આ એક સિન્સિયર ફિલ્મ હશે એવી ખાતરી બેસતી હતી,પણ થોડા દિવસો પહેલાં આ ફિલ્મ જોવાની તક મળી ને એમ સઘળો હરખ એક ઝાટકામાં ગાયબ થઈ ગયો. ઊલટાની બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની લાગણી જાગી. નેશનલ એવોર્ડનો નશો ઝાટકામાં ઊતરી ગયો. મદહોશ થઈને ઝૂમી રહેલા દારૂડિયાને કચકચાવીને લાફો મારવાથી એ એકાએક ભાનમાં આવી જાય તેમ.


લાંબા સમયથી ડબામાં પુરાઈ રહેલી આ ફિલ્મ હવે આવતા શુક્રવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં રિલીઝ થઈ રહી છે. શું છે આ ફિલ્મમાં? ફિલ્મ કચ્છની ભૂમિ પર આકાર લે છે. મુંબઈનું એક યુગલ કારમાં વતન જઈ રહ્યું છે. સાથે આઠ-દસ વર્ષનો દીકરો છે. રસ્તા પર ધાબા જેવી જગ્યાએ ચંચળ છોકરો ઊતરી જાય છે અને મા-બાપ ભૂલથી એને ત્યાં જ છોડીને આગળ નીકળી જાય છે. પછી દીકરો ગાયબ છે એવી ખબર પડતાં ઘાંઘાં થાય છે. ટેણિયો મમ્મી-પપ્પાની રાહ જોવાને બદલે કોઈ ટ્રક ડ્રાઇવર સાથે નીકળી પડે છે. ઔર એક ટ્રેક દસેક વર્ષની બાળકીનો છે. તે રસ્તા પર શરીર વેચતી વેશ્યાઓની ગેંગનો હિસ્સો બની જાય છે. છેલ્લે અફકોર્સ, સૌ સારા વાના થઈ જાય છે.
ફિલ્મ એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ફંડિંગથી બની છે. મુંબઈવાસી ડિરેક્ટર જ્ઞાન કોરિયા મૂળ એડવર્ટાઇઝિંગના માણસ છે. એ મૂળ ગોવાના. રસુલ પુકુટ્ટી અને રજત ધોળકિયા જેવાં વજનદાર નામ સંકળાયેલાં હોય એવા પ્રોજેક્ટના હાલહવાલ કરી નાખવા માટે ખરેખર જ્ઞાનભાઈ જેવી 'સુપર ટેલેન્ટ' જોઈએ! નથી ડિરેક્શનનાં ઠેકાણાં, નથી અભિનયમાં ભલીવાર. સોનાલી કુલકર્ણી અને પપ્પાનો રોલ કરતો અજય ગેહી (જે સીધાં ગુજરાતી વાક્યો પણ બોલી શકતો નથી)ને બાદ કરતાં ડિરેક્ટરસાહેબે નોન-એક્ટર્સને લેવાનો આગ્રહ રાખ્યો છે, ફિલ્મને 'રિયાલિસ્ટિક ફીલ' મળે તે માટે. મતલબ કે સ્થાનિક લોકોને પકડીને, તેમને ટ્રેનિંગ આપી, તેમને અલગ અલગ રોલમાં ફિટ કરીને અભિનય કરાવ્યો છે. સપાટ ભાવશૂન્ય ચહેરાવાળા, પથ્થરના ચેતનહીન ખડકલા જેવા આ 'એક્ટરો'નો અભિનય જોઈને કંપી ઉઠાય છે. ફિલ્મની વાર્તામાં આખેઆખા ટ્રક પસાર થઈ જાય એવડાં મોટાં ગાબડાં છે. આપણી સેન્સિબિલિટી પર સૌથી મોટો ઘા તો પેલી નાની બાળકીવાળો ટ્રેક કરે છે. આ ફિલ્મ આપણને માહિતી આપે છે કે કચ્છના કોઈક હાઈવે પાસે ખુલ્લા મેદાનમાં વેશ્યાઓનો મેળો ભરાય છે. રાત પડે એટલે શામિયાણા જેવું તૈયાર કરવામાં આવે, જેમાં દરવાજા હોય. હજુ કદાચ ઋતુકાળમાં પણ આવી ન હોય એવડી દસ-બાર વર્ષની માસૂમ બાળકીઓ ઉપરાંત તરુણીઓ બનીઠનીને, લાલી-લિપસ્ટિક કરીને કતારમાં ઊભી રહી જાય. આ બધી વેશ્યાઓ છે. સામે આડશની પેલી બાજુ પુરુષો ભીડમાં ઊભા હોય. જેને જે છોકરી પસંદ પડે એના તરફ ઇશારો કરે એટલે દલાલ છોકરીને ઘરાક સાથે તંબૂમાં મોકલી આપે. આ છોકરીઓ દિવસે રમતી હોય, કાનમાંથી કીડા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલતી ઝઘડતી હોય (ફિલ્મમાં આ બધી ગાળો યથાતથ મૂકવામાં આવી છે) અને રાત પડે એટલે ધંધો કરવા ઊભી રહી જાય. કચ્છમાં ફોર ધેટ મેટર, ગુજરાતના કયા હિસ્સામાં આ રીતે મુંબઈના કમાઠીપુરાની જેમ વેશ્યાનાં બજારો ભરાય છે?
આ કયા ઓડિયન્સ માટે બનાવેલી ફિલ્મ છે? તે આમ જનતા માટે તો નથી જ, તો શું આ ફિલ્મ બનાવનારા એવા ભ્રમમાં હશે કે અમે તો 'ક્લાસ' માટે આર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ? ખરેખર? આર્ટ ફિલ્મ ભૂલી જાઓ, 'ધ ગૂડ રોડ' સ્યુડો આર્ટ ફિલ્મ પણ નથી. હા, કળા અને ક્રિએટિવ એક્સપ્રેશન્સના નામે જે ભયાનક ખરાબ, ગંદાં, ગમાર અને નિકૃષ્ટ કક્ષાનાં જોણાં તૈયાર થાય છે એમાં તે જરૂર હકથી સ્થાન પામી શકે એમ છે. 'ધ ગૂડ રોડ'માં કચ્છનાં ગામોનો સતત નામોલ્લેખ થતો રહે છે. તે ભૂજ અને ધોરડો વચ્ચેના રોડ પર અને બન્નીના રણમાં ડોક્યુમેન્ટરી જેવી શૈલીથી શૂટ કરવામાં આવી છે. આ જ વિસ્તારમાં કચ્છનો રણોત્સવ ભરાય છે જે ધીમે ધીમે બિનગુજરાતીઓમાં પણ લોકપ્રિય બની રહ્યો છે. 'ધ ગૂડ રોડ' રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં દેખાડાય તે શક્ય છે. એક સવાલ એ પણ જાગે કે ફિલ્મમાં કચ્છનું જે કક્ષાનું વિકૃત નિરૂપણ થયું છે તે જોઈને બિનગુજરાતીઓ કે બિનભારતીયોમાં કેવી ઇમેજ બનશે?
આ કોઈ ન્યૂઝ રિપોર્ટ નહીં, પણ કાલ્પનિક કથા છે તે કબૂલ. આપણે એવા કંઈ સૂગાળવા પણ નથી કે વેશ્યાઓનાં સીન જોઈને કે ગાળો સાંભળીને આતંકિત થઈ જઈએ. પ્રશ્ન સિનેમેટિક ઓનેસ્ટિનો છે. તમે ફિલ્મને રિયાલિસ્ટિક બનાવવા જાતજાતના ઉધામા કરો છો, ઓથેન્ટિક લોકેશન પર જઈને શૂટ કરો છો અને પછી ફિલ્મને 'એક્ઝોટિક ફ્લેવર' મળે તે માટે આવો વેશ્યાઓનો માથામેળ વગરનો ટ્રેક ભભરાવી દો છો. ગાળો, સેક્સ આર્ટ ફિલ્મમાં આવું બધું હોવું જોઈએ, યુ સી. ખાટલે મોટી ખોડ એ છે કે વેશ્યાઓની વાર્તાને ફિલ્મના મુખ્ય નેરેટિવ સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો સંતાનને શોધી રહેલાં મા-બાપ, લાપતા છોકરાની રખેવાળી કરતો ટ્રક ડ્રાઇવર અને વેશ્યા બનતાં બનતાં રહી ગયેલી બાળકી- આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં આખરે પરોવાઈ જવી જોઈએ અને એક સુરેખ સંપૂર્ણ ચિત્ર ઊપસવું જોઈએ, પણ અહીં એવું અણઘડ એડિટિંગ-કટિંગ થયું છે કે વાર્તાઓના છેડા હવામાં અધ્ધર લટકતા રહી જાય છે. તેને લીધે વાત અધૂરી અને અધકચરી રહી જાય છે. અતિ ધીમી ગતિએ ચાલતી ફિલ્મ તમારી ધીરજની કસોટી કરતી રહે છે. 'ધ ગુડ રોડ'નું બજેટ અઢી કરોડનું કહેવાય છે. મતલબ કે રેગ્યુલર ગુજરાતી ફિલ્મો કરતાં લગભગ પાંચ ગણું. ફિલ્મની અતિ કંગાળ પ્રોડક્શન વેલ્યૂ જોઈને થાય કે અરેરે, આ ફિલ્મે અઢી કરોડ રૂપિયા ક્યાં ચાવી નાખ્યા હશે?

'ધ ગુડ રોડ'ની સાથે નેશનલ એવોર્ડની સ્પર્ધામાં 'કેવી રીતે જઈશ' અને 'સપ્તપદી' પણ હતી. આ બન્નેમાંથી કોઈ એક કેમ ક્વોલિફાઈ ન થઈ એ ઇશ્યૂ નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે 'ધ ગુડ રોડ' જેવી નબળી ફિલ્મ કયા જોરે નેશનલ એવોર્ડ માટે લાયક ઠરી? તે એનએફડીસીની ફિલ્મ છે અને એનએફડીસી ફિલ્મને એવોર્ડ-બેવોર્ડ મળતો રહેવો જોઈએ એવી કોઈ ગણતરી છે? જ્ઞાન કોરિયા અને રસુલ પુકુટ્ટી એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના ગ્રેજ્યુએટ્સ છે. નેશનલ એવોર્ડની સિલેક્શન પેનલના માનવંતા સભ્યોને એફટીઆઈઆઈવાળાઓ માટે બહુ પ્રેમ છલકાતો હોય છે તે એક પરિબળ છે?
'કેવી રીતે જઈશ' પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પોઝિટિવ વાતાવરણ બન્યું હતું. આવામાં 'ધ ગુડ રોડ' જેવું 'નામ બડે ઔર દર્શન ખોટે' છાપ સુરસુરિયું માહોલને ડહોળી નાખે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ નેશનલ એવોર્ડ એક કક્ષા નક્કી કરી નાખે છે, રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકેલી ફિલ્મ એક રેફરન્સ પોઇન્ટ બની રહે છે. જેમ કે, 'ભવની ભવાઈ' ગુજરાતી સિનેમામાં એક સીમાચિહ્ન છે અને તેણે જીતેલા નેશનલ એવોર્ડને હંમેશાં યાદ કરવામાં આવે છે. 'ધ ગુડ રોડ' જેવી કળાશૂન્ય ફિલ્મ, કે જેમાંથી બેઈમાનીની વાસ આવ્યા કરે છે, તે શ્રેષ્ઠતાનું માપ શી રીતે બની શકે? નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે-તે ભાષાની સિનેમાનું અને જે-તે રાજ્યના પોપ્યુલર કલ્ચરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. આ મોટું ભયસ્થાન છે. 'ધ ગુડ રોડ' જેવી ફિલ્મો ગુજરાતી સિનેમાનું ભલું કરવાને બદલે નુકસાન કરી નાખે છે. ગુજરાતી સિનેમાને નેશનલ એવોર્ડ જીતી લેવાના કોઈ ધખારા છે. ભલે બીજાં પાંચ વર્ષ રાહ જોવી પડે, પણ કોઈ નકામી ફિલ્મ ભવિષ્યમાં બનનારી ફિલ્મો માટે ધારાધોરણ સ્થાપિત કરવાની કુચેષ્ટા કરે તે બિલકુલ ન ચાલે.                  0 0 0