Showing posts with label Asif Kapadia. Show all posts
Showing posts with label Asif Kapadia. Show all posts

Monday, July 13, 2015

મલ્ટિપ્લેક્સ: જીવન, મૃત્યુ અને એમી વાઈનહાઉસ

Sandesh - Sanskar Purti - 12 July 2015

મલ્ટિપ્લેક્સ 

ગજબની ટેલેન્ટેડ બ્રિટિશ ગાયિકા અને ગીતકાર એમી વાઈનહાઉસનું ફકત ૨૭ વર્ષની ઉંમરે અતિ ડ્રગ્ઝ અને અતિ શરાબને કારણે મૃત્યુ થઈ ગયું. શું એ માત્ર વ્યસનોને કારણે મરી હતી? કે પછી હાનિકારક સંબંધોએ પણ એનો જીવ હણવામાં યથાશકિત ફાળો આપ્યો હતો? જેનાથી એમી ઘેરાયેલી રહેતી એ પરિવારજનો, દોસ્તો તેમજ પ્રોફેશનલ સાથીઓ એને કેમ બચાવી ન શકયા? મૃત્યુના ચાર વર્ષ પછી પણ આજેય એમીનું મોત એક અકળ ભેદ બનીને ઊભું છે. કાચી ઉંમરે રહસ્યમય રીતે મૃત્યુને ભેટેલા હાઈ-પ્રોફાઈલ કલાકારનું જીવન ફિલ્મો તેમજ કથાઓ માટે આકર્ષક વિષય બની જતું હોય છે.



જે કોઈ હિન્દી કે ઈંગ્લિશ ફીચર ફિલ્મને બદલે એક ઉત્તમ ડોકયુમેન્ટરી વિશે વાત કરવી છે. સિનેમાના પ્રેમીઓએ રેગ્યુલર ફિલ્મોની સાથે સાથે શોર્ટ ફિલ્મ્સ અને ડોકયુમેન્ટરી માટેનો ટેસ્ટ પણ ધીમે ધીમે કેળવવો જોઈએ. આજે જેની વાત કરવાના છીએ તે ડોકયુમેન્ટરીનું નામ છે, 'એમી'. ભારતીય મૂળ ધરાવતા આસિફ કાપડિયા નામના બ્રિટિશ ફિલ્મમેકરે બનાવેલી 'એમી' આ શુક્રવારે ભારતમાં રિલીઝ થઈ છે. ડોકયુમેન્ટરીઝની દુનિયામાં આસિફનું નામ અને કામ બન્ને મોટાં છે. 'એમી'નું પ્રીમિયર આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું હતું. ખૂબ વખણાઈ આ ફિલ્મ. તરત જ એને ટ્રેજિક માસ્ટરપીસનું બિરુદ આપી દેવામાં આવ્યું.
એમી એટલે એમી વાઈનહાઉસ. ગજબની ટેલેન્ટેડ બ્રિટિશ ગાયિકા અને ગીતકાર. ઘણા લોકો એને મ્યુઝિકલ જિનિયસ કહેતા. રુપકડો કરતાં વરણાગી વધારે લાગે એવો એનો દેખાવ. એ ઘેરું કાજલ લગાડતી અને બન્ને આંખને ખૂણે ઊંચે સુધી તીખી અણી બનાવતી. હેરસ્ટાઈલ ૧૯૬૦-૭૦ના દાયકાની આપણી હિન્દી હિરોઈનો જેવી. ઊંચો, ડબલ અંબોડો લીધો હોય એવી. વેસ્ટર્ન મ્યુઝિકનાં ક્ષેત્રમાં એમી વાઈનહાઉસ બોમ્બની જેમ ફાટી. કમનસીબે એની પ્રતિભા હજુ તો પૂરેપૂરી નિખરીને બહાર આવે અને એ નવી ઊંચાઈઓ સર કરે તે પહેલાં ફકત ૨૭ વર્ષની ઉંમરે અતિ ડ્રગ્ઝ અને અતિ શરાબને કારણે એનું મૃત્યુ થઈ ગયું. શું એ માત્ર વ્યસનોને કારણે મરી હતી? કે પછી હાનિકારક સંબંધોએ પણ એનો જીવ હણવામાં યથાશકિત ફાળો આપ્યો હતો? જેનાથી એમી ઘેરાયેલી રહેતી એ પરિવારજનો, દોસ્તો તેમજ પ્રોફેશનલ સાથીઓ એને કેમ બચાવી ન શકયા? મૃત્યુના ચાર વર્ષ પછી પણ આજેય એમીનું મોત એક અકળ ભેદ બનીને ઊભું છે. કાચી ઉંમરે રહસ્યમય રીતે મૃત્યુને ભેટેલા હાઈ-પ્રોફાઈલ કલાકારનું જીવન ફિલ્મો તેમજ કથાઓ માટે આકર્ષક વિષય બની જતું હોય છે.
 એમી વાઈનહાઉસનાં નામે પાંચ વર્ષની કરીઅરમાં ફકત ત્રણ આલ્બમ બોલે છે. દાયકાઓ કે સદીઓ પહેલાં થઈ ગયેલા વ્યકિતવિશેષ વિશે વાત કરતી વખતે થોડી ક્રિયેટિવ છૂટછાટ લઈ શકાતી હોય છે, પણ એમીનું જીવન અને મૃત્યુ બન્ને લોકોની સ્મૃતિમાં સાવ તાજાં હતાં. તેથી તેને પડદા પર પેશ કરતી વખતે વધારે સતર્ક રહેવું પડે. એમીને લગતું બધું ફૂટેજ મળશે? એના પરિવારજનો, ભૂતપૂર્વ પતિ, દોસ્તો, પ્રોફેશનલ સાથીઓ વગેરે ખૂલીને પ્રામાણિકતાથી કેમેરા સામે બોલશે? કામ પડકારજનક હતું,પણ આસિફ કાપડિયાએ પ્રયત્ન છોડયા નહીં.
એમીનું આખું જીવન ઘટનાચૂર હતું. સોળ વર્ષની થઈ ત્યારે એને મ્યુઝિક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એનું ધ્યાન ભણવામાં ચોંટતું નહોતું એટલે અને એણે નાક વીંધાવ્યું હતું એટલે! સદનસીબે એ જ વર્ષે એને જિંદગીનો પહેલો મોટો બ્રેક મળ્યો. એમીના પોપસિંગર દોસ્તે એની ડેમો ટેપ પોતાની કંપનીના માલિકોને સંભળાવી. કંપની એ વખતે સારા જેઝ સિંગરની શોધમાં હતી. એમીનો અવાજ ગમી જતાં એમણે એમીને સાઈન કરી લીધી. આ રીતે ૨૦૦૩માં એમીનું પહેલું આલબમ બહાર પડયું -'ફ્રેન્ક'. તે ખૂબ વખણાયું. ઘણા અવોર્ડ્ઝ જીત્યાં એણે. એમીના અવાજમાં ગજબની પક્વતા હતી. એને સાંભળીને લોકોને એવી લાગણી થતી જાણે આ છોકરી આખી જિંદગીની તડકીછાંયડી જોઈને બેઠી છે.
Amy Winehouse with her husband, Blake Fielder-Civil

એમીએ પુખ્ત થતાં પહેલાં જ શરાબ પીવાનું શરૂ કરી દીધું હતું. એની ઈમેજ એક શરાબી પાર્ટી ગર્લ તરીકે પડી ગઈ હતી. પહેલાં આલબમ પછી એનાં સ્ટેજ પર્ફોર્મન્સીસ થતાં ત્યારે પણ એ શરાબ ઢીંચીને આવતી. આ જ અરસામાં એનો ભેટો બ્લેક ફીલ્ડર-સિવિલ નામના છોકરા સાથે થઈ ગયો. એ મ્યુઝિક વિડીયો આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. એમીને નશીલી દવાનો ચટકો આ છોકરાએ જ લગાડયો. એમીને હેરોઈન-કોકેન જેવી ખતરનાક ડ્રગ્ઝનો બંદોબસ્ત કરી આપવાનું એનું મુખ્ય કામ. ધીમે ધીમે એ એનો બોયફ્રે્ન્ડ બની ગયો. બન્ને વચ્ચે જાહેરમાં ઝઘડા અને મારામારી સુધ્ધાં થતી, પણ એમીને એના વગર ચાલતું નહીં. બ્લેકને એ પોતાનું પુરુષ-વર્ઝન કહેતી.
એમીનાં શરાબ - ડ્રગ્ઝ એટલા વધી ગયાં કે એની મેનેજમેન્ટ કંપનીએ એને નશાથી છૂટકારો મેળવવા ત્રણ અઠવાડિયા માટે રિહેબ સેન્ટરમાં જવાની સલાહ આપી હતી. એમીએ ચોખ્ખી ના પાડી દીધી. પોતાના આ અનુભવને એણે 'રિહેબ' ગીતમાં ઢાળ્યો. એમીના બીજાં મેગા હિટ આલબમ 'બેક ટુ બ્લેક'નું આ મુખ્ય ગીત બન્યું. યુરોપ બાદ અમેરિકામાં આલબમ લોન્ચ થતાં જ સુપર હિટ થઈ ગયું હતું. બિલબોર્ડ મ્યુઝિક ચાર્ટમાં કેટલાંય અઠવાડિયાં સુધી તે અડિંગો જમાવીને બેસી રહૃાું. અમેરિકાના મ્યુઝિક ચાર્ટમાં કોઈ બ્રિટીશ મહિલા સિંગરનું ગીત આટલો લાંબો સમય રહૃાું હોય તેવું પહેલી વાર બન્યું. એ જ અરસામાં એમીએ બ્લેક સાથે લગ્ન કર્યાં. એ બ્લેકને પ્રેમ પણ કરતી હશે, બ્લેકને એ પોતાની પ્રેરણા ગણતી હતી, પણ આ ધીમે ધીમે સ્પષ્ટ થતંુ ગયું કે એમી-બ્લેકનાં લગ્નજીવનનો પાયો પ્રેમ કે દોસ્તી નહીં, પણ ડ્રગ્ઝનું બંધાણ હતું. એમીએ ખુદ આ વાત કબૂલી હતી.
૨૦૦૮માં એમીના 'બેક ટુ બ્લેક' આલબમે પાંચ ગ્રેમી અવોર્ડ્ઝ જીતી લઈને ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો. ગ્રેમીના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ બ્રિટીશ સિંગરે એક સાથે પાંચ-પાંચ અવોર્ડ જીતી લીધા હોય. કમબખ્તી એ થઈ હતી કે ડ્રગ્ઝના ડિંડવાણાને કારણે એમીને અમેરિકાનો વિસા ન મળ્યો. એ ગ્રેમી અવોર્ડ ફંકશનમાં હાજર ન રહી શકી. એણે જે પર્ફોર્મન્સ આપવાનું હતું તે લંડનમાં આપવું પડયું. ગ્રેમી અવોર્ડ ફંકશનમાં તે લાઈવ દેખાડવામાં આવ્યું. એક પછી એક પાંચ અવોર્ડ ઘોષિત થયા ત્યારે એમીના આનંદનો પાર ન રહૃાો. એક દોસ્તને એણે તે વખતે કહેલું: શીટ યાર, ડ્રગ્ઝ વગર હું ખુશી બરાબર ફીલ કરી શકતી નથી. ઈટ્સ બોરિંગ વિધાઉટ ડ્રગ્ઝ! સિદ્ધિની આવી ચરમ ક્ષણે પણ એમી ડ્રગ્ઝને મિસ કરી રહી હતી!
એમીના પિતા મિચ વાઈનહાઉસ પણ અજબ કેરેકટર છે. ડ્રગ્ઝના પ્રલોભનથી દૂર રહી શકાય તે માટે એમી એક વાર થોડા દિવસો માટે સેન્ટ લુસિયા ગઈ હતી તો એના પિતા પોતાની સામે કેમેરા ક્રૂ લઈને પાછળ પાછળ ત્યાં પહોંચી ગયા હતા. મિચ પોતાની સેન્ટ લુસિયાની ટ્રિપને રેકોર્ડ કરવા માગતા હતા! એમી પાપારાઝીઓના ત્રાસથી બચવા માગતી હતી, પણ બાપ પોતે જ ફોટોગ્રાફરોને પોતાની સાથે તેડી લાવ્યો! દીકરી મોત સામે સંઘર્ષ કરી હોય, ડ્રગ્ઝથી છૂટવાનો મરણિયા પ્રયત્નો કરી રહી હોય ત્યારે બાપ તરીકે એણે હૂંફ આપવાની હોય કે દીકરીની પીડાનો તમાશો કરવાનો હોય? દીકરીની સફળતા અને પ્રસિદ્ધિનો નશો બાપને ચડી ગયો હતો? એ લાલચુ અને સંવેદનહીન બની ગયો હતો? એમીની પડતીમાં એના પતિદેવનો મોટો હાથ હોત જ,પણ એમીના પિતાની ભુમિકા પણ કંઈ વખાણવા જેવી તો નથી જ. આસિફ કાપડિયાએ ડોકયુમેન્ટરી માટે એમીના પિતાજીનો અપ્રોચ કર્યો ત્યારે એણે તાનમાં તાનમાં ઈન્ટરવ્યુ તો આપી દીધો, પણ પછી ફફડી ઉઠયા. ડોકયુમેન્ટરીમાં પોતાનું ખરાબ દેખાશે એવો અણસાર આવતા એણે આસિફ અને એની ફિલ્મની બુરાઈ શરૂ કરી દીધી. આસિફ અને એના પ્રોડયુસરોએ શરમાવું જોઈએ એ પ્રકારના આકરા સ્ટેટમેન્ટ સુધ્ધાં કરી નાખ્યા.
લાખ કોશિશ છતાં એમી શરાબ અને ડ્રગ્ઝથી દૂર ન જ રહી શકી. સ્ટેજ પર ગીત ગાવા આવે ત્યારે એના પગ લથડિયાં ખાતા હોય, એ ગડથોલું ખાઈને પડી જાય, શબ્દો ભુલી જાય, ઓડિયન્સ હૂરિયો બોલાવે. આવું કેટલુંય વાર બનતું. આ બધા શરમજનક વિડીયો યુટયુબ પર આજે ય જોઈ શકાય છે. એક વાર એમીએ પોતાની ચાહકને લાફો ઠોકી દીધો હતો. એનીની કેટલીય કોન્સર્ટ્સ કેન્સલ કરવી પડતી. એમી અને એના વરે એકથી વધારે વાર જેલમાં જવું પડયું. એ બન્નેના પછી ડિવોર્સ પણ થઈ ગયા. એમીની આવી વંઠેલ લાઈફસ્ટાઈલથી મિડીયાને જલસો પડી જતો. ટેબ્લોઈડ્સ અને ટીવીના ગોસિપ શોઝમાં એમી છવાયેલી રહેતી. એનીની બ્રાન્ડવેલ્યુ ઓર ઊંચકાતી. મ્યુઝિક આલબમ્સ ઓર વેચાતા. 'રોકસ્ટાર' ફિલ્મનો રણબીર કપૂર યાદ આવે છે? બસ, એવું જ નિરંકૂશ એમીનાં જીવનમાં વાસ્તવમાં બની રહૃાું હતું. આખરે શરાબ, ડ્રગ્ઝ અને કથળેલી શારીરિક-માનસિક હાલતે ૨૭ વર્ષની એમીનો જીવ લીધો.
Director Asif Kapadia

એમીના ચાહકોને એ વાત સમજાતી નથી કે એમી સતત આટલા બધા લોકોથી વીંટળાયેલી રહેતી તો એ આ રીતે મરી શી રીતે શકે? એમીએ દોસ્તોનાં ટોળાં એકઠા કરી નાખ્યા હતા. સૌ પોતાને એમીના બેસ્ટ ફ્રેન્ડ ગણાવતા. જોવા જેવી વાત એ હતી કે આ બેસ્ટ ફ્રેન્ડોએ આપસમાં એકબીજાનું નામ પણ સાંભળ્યું નહોતું. એમી પોતાના દોસ્તોને એકબીજાથી અલગ-અલગ રાખતી, તેમની વચ્ચે વિભાજનરેખા દોરી રાખતી. આથી એવું બનતું કે જે-તે દોસ્ત અમુક સમય પૂરતો એની ખૂબ નિકટ હોય, પણ એની પાસે આખું ચિત્ર ન હોય. ખૂબ બધા દોસ્તો હોવા છતાં એમી એકલતા અનુભવતી.
એમી માટે એવો સવાલ પૂછાય છે કે શું એ પોતાની ટેલેન્ટ કરતાં વંઠેલ લાઈફસ્ટાઈલના જોરે સુપર સેલિબ્રિટી બની ગઈ હતી? કે પછી, એ એક અસલી કલાકાર હતી જે શિખર પહોંચે તે પહેલાં જ વિલીન થઈ ગઈ? આસિફ કાપડિયા એક મુલાકાતમાં કહે છે, 'મારી ડોકયુમેન્ટરી માટે હું લગભગ સો લોકોને મળ્યો, પણ મને તકલીફ એ વાતની છે કે કોઈએ મને સાચા અને સંતોષકારક જવાબો આપ્યા નથી. સૌ એમીને ટુકડાઓમાં જાણતા હતા. એવી કોઈ વ્યકિત નથી જેને એમી વિશે બધ્ધેબધ્ધી ખબર હોય.'
'એમી' ફિલ્મમાં આ જ છે - એમીના જીવન અને મૃત્યુને ઉકેલવાનો પ્રયાસ. તમને વેસ્ટર્ન મ્યુઝિકમાં ઊંડો રસ ન હોય તો પણ એક કલાકારની ચડતીપડતી સમજવા માટે 'એમી' ડોકયુમેન્ટરી જોવા જેવી છે.
શો-સ્ટોપર

મને આજકાલની છોકરડીઓ ગમતી નથી. એ લોકો બહુ જ બોલ-બોલ કરે, તમને 'બ્રો' કહીને સંબોધે. આ બધી છોકરી કરતાં છોકરા જેવી વધારે દેખાતી હોય છે. એ વધારે પડતી કયુટ હોય છે અને અકારણ આકરું વર્તન કરતી હોય છે.
- રંદીપ હૂડા

Saturday, May 23, 2015

મલ્ટિપ્લેક્સ : આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શું શું થયું?

Multiplex - Sanskaar Purti - 24 May 2015
મલ્ટિપ્લેક્સ 
આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વૂડી એલનની 'ઈરરેશનલ મેન' અને નેટલી પોર્ટમેનની 'અ ટેલ ઓફ ડાર્કનેસ' જેવી કેટલીય ઈન્ટરેસ્ટિંગ ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. આગામી ઓસ્કર સિઝન સુધી આ ફિલ્મો દુનિયાભરમાં ગાજતી રહેવાની.


તો, ફ્રાન્સના એક રળિયામણા દરિયાઈ સ્થળે પૂરજોશમાં ચાલી રહેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ આજે અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો છે. સિનેમાના ક્ષેત્રમાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો (સાચો ઉચ્ચાર કાન છે,કાન્સ કે કેન્સ નહીં) ખૂબ આદરપૂર્વક લેવાય છે. આ ફેસ્ટિવલના કોઈ પણ સ્તરે હિસ્સો બનવું, અહીં ફિલ્મ રજૂ થવી અને જાતજાતના એવોર્ડ જીતવા એ મોટા ગર્વની વાત ગણાય છે. અહીં પ્રદર્શિત થયેલી નવીનક્કોર ફિલ્મોમાંની કેટલીય હવે આગામી ઓસ્કર સીઝન સુધી દુનિયાભરમાં ગાજ્યા કરવાની.
વૂડી એલનની લેટેસ્ટ ફિલ્મ 'ઇરરેશનલ મેન' જોવા પડાપડી થઈ ગઈ હતી. નેચરલી. સ્ત્રી-પુરુષોના નાજુક સંબંધોને આડા-ઊભા-ત્રાંસા-ઊલટા દૃષ્ટિકોણથી પેશ કરતી વૂડીની ફિલ્મો જોવાની મજા જ કંઈક ઔર હોય છે. છેલ્લે વૂડીની મસ્તમજાની 'બ્લૂ જાસ્મિન' માટે કેટ બ્લેન્શેટને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. જોકે, તે પછીની 'ટુ રોમ વિથ લવ' અને 'ફેડિંગ જિગોલો' ખાસ સફળ નહોતી થઈ.
'Irrational man'

'ઇરરેશનલ મેન'માં શું છે? આમાં જોકિવન ફિનિક્સ ફિલોસોફીનો પ્રોફેસર બન્યો છે. એક નાનકડા નગરની કોલેજમાં એની નિમણૂક થઈ છે. પ્રોફેસર હજુ કેમ્પસમાં પગ મૂકે તે પહેલાં જ એના વિશેની સાચી-ખોટી વાતો આખી કોલેજમાં ફેલાઈ ગઈ છે. એ દારૂડિયો છે, જુવાન સ્ટુડન્ટ્સ સાથે લફરાં કરતો ફરે છે, એની પત્ની પરપુરુષ સાથે ભાગી ગઈ છે, અફઘાનિસ્તાનમાં એની આંખ સામે એક દોસ્તના ફૂરચા ઊડી ગયા હતા ત્યારથી પ્રોફેસરનું થોડું ચસકી ગયું છે વગેરે. પ્રોફેસરની જે ઇમેજ પડી ગઈ છે તે સાવ ખોટીય નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, પ્રેમ શું છે જેવા ભારેખમ 'અસ્તિત્વવાદી સવાલો' એને મૂંઝવી રહ્યા છે. એ કોઈકનું મર્ડર કરી નાખે છે અથવા તો મર્ડર કરવાના ખાલી વિચારો કરે છે. તે સાથે જ એની આંતરિક રૃંધામણ ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે. એની સુષુપ્ત થઈ ગયેલી સેક્સ્યુઅલ અને ક્રિએટિવ શક્તિઓ ફૂંફાડા મારતી જાગી ઊઠે છે! વૂડી એલને આ ફિલ્મ બનાવી છે એટલે એમણે આ બધું મલાવી-મલાવીને પેશ કર્યું હશે એ તો નક્કી.
આ વખતે કાન ફેસ્ટિવલમાં કદાચ સૌથી વધારે ઉત્સુકતા નેટલી પોર્ટમેને જગાડી હતી. આપણે નેટલીની ઓસ્કરવિનિંગ એક્ટિંગ 'બ્લેક સ્વાન' જેવી અદ્ભુત સાઇકોલોજિકલ થ્રિલરમાં જોઈ છે. નેટલીએ હવે પાંખો ફેલાવી છે. એણે 'અ ટેલ ઓફ લવ એન્ડ ડાર્કનેસ' બનાવીને ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ એણે લખી છે અને એક્ટિંગ પણ કરી છે. અમોસ ઓઝ નામના એક ઇઝરાયેલી લેખક-પત્રકારે 'અ ટેલ ઓફ લવ એન્ડ ડાર્કનેસ' નામના આત્મકથનાત્મક પુસ્તકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના ઘર્ષણની વાતો લખી છે. ૨૮ ભાષાઓમાં અનુદિત થયેલા આ પુસ્તક પરથી નેટલીએ ફિલ્મ બનાવી છે, જેનું પ્રીમિયર કાન ફેસ્ટિવલમાં યોજાયું. અમોસ ઓઝે પુસ્તકમાં પોતાની દુખિયારી મા વિશે ઘણું લખ્યું છે. ૩૮ વર્ષની ઉંમરે એનું મોત થઈ ગયું હતું. આ રોલ નેટલીએ ખુદ કર્યો છે. પુસ્તકના લેખકની માફક નેટલી પણ મૂળ ઇઝરાયેલની છે. એણે આ આખી ફિલ્મ હિબ્રુ ભાષામાં બનાવી છે.
'A Tale of Darkness and Love'

'ધ લોબ્સ્ટર' એક સાયન્સ ફિક્શન-કમ-કોમેડી છે (ડિરેક્ટરઃ યોર્ગોસ લેન્થીમોસ, એક્ટર કોલિન ફર્થ). જબરી થીમ છે આ ફિલ્મની. અહીં એક એવા સમાજની કલ્પના કરવામાં આવી છે જ્યાં એકલાં થઈ ગયેલાં સ્ત્રી-પુરુષોને એક ચોક્કસ જગ્યાએ મોકલી આપવામાં આવે છે. શરત એટલી કે ૪૫ દિવસમાં કોઈ પાર્ટનર શોધી લેવાનો. ધારો કે પાર્ટનર ન મળે તો માણસ જનાવર બની જાય અને પછી એને જંગલમાં મોકલી દેવામાં આવે!
'The Sea of Trees'

ડિરેક્ટર વર્લ્ડ ફેમસ હોય અને એનો એક્ટર ઓસ્કર જીતીને બેઠો હોય તોય એનો અર્થ એવો નહીં કે ભેગા થઈને તેઓ હાઇક્લાસ ફિલ્મ જ બનાવે. આ વખતે 'ધ સી ઓફ ટ્રીઝ'ના કેસમાં એવું જ બન્યું. ગસ વેન સેન્ટ એના ડિરેક્ટ છે અને 'ડલાસ બાયર્સ ક્લબ' તેમજ 'ઇન્ટરસ્ટેલર' ફેમ Matthew Mcconaughey એનો હીરો છે. ફિલ્મની કહાણી એવી છે કે જીવનથી ત્રાસી ગયેલો એક અમેરિકન આદમી આત્મહત્યા કરવા માગે છે. આથી એ 'સ્યુસાઇડ ફોરેસ્ટ' તરીકે જાણીતા જાપાનના જંગલમાં જાય છે. આ એવું ખતરનાક જંગલ છે કે એમાં એક વાર પગ મૂકનાર માણસ જીવતો પાછો આવી જ ન શકે. બન્યું એવું કે હીરોને જંગલમાં એક સ્થાનિક માણસ (કેન વેટેનેેબે) મળી જાય છે. એય અહીં જીવ ટૂંકાવવા જ આવ્યો છે, પણ એની હાલત એટલી બધી ખરાબ છે કે હીરો બધું ભૂલીને એની સારવાર કરવા લાગે છે. એકમેકના સંગાથમાં બન્નેને જીવન વિશેનું નવું બ્રહ્મજ્ઞાાન લાધે છે, નવી દૃષ્ટિ ખૂલે છે. હવે બેયને જંગલમાંથી જીવતા પાછા નીકળવું છે, કોઈ પણ હિસાબે.
ફિલ્મનો વિષય ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. લોકોને અપેક્ષાય ખૂબ હતી, પણ ફિલ્મ એટલી બધી બોરિંગ નીકળી કે એના બન્ને સ્ક્રીનિંગ વખતે ઓડિયન્સે હુરિયો બોલાવ્યો!

'Massan'

આ વખતે કાન ફેસ્ટિવલમાં ભારતની બે ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. એક છે, 'મસાન'. અંગ્રેજી ટાઇટલ છે, 'ફ્લાય અવે સોલો'. નીરજ ઘાયવાન એના ડિરેક્ટર છે. જો અનુરાગ કશ્યપે પ્રોડયુસ કરેલી 'શોર્ટ્સ' જોઈ હશે (એમાં પાંચ શોર્ટ ફિલ્મોનું ઝૂમખું હતું), તો શક્ય છે કે 'શોર' નામની ટચુકડી ફિલ્મ તમને કદાચ હજુ યાદ હોય. 'શોર' નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી. આ સિવાય એણે 'ધ એપિફેની' નામની શોર્ટ ફિલ્મ બનાવી છે, જે ઓનલાઇન રિલીઝ કરવામાં આવી હતી. અનુરાગ કશ્યપની 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'અગ્લી'માં નીરજે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 'મસાન' મૂળ તો શોર્ટ ફિલ્મ જ હતી, પણ અનુરાગ કશ્યપને એમાં રસ પડયો એટલે એણે, એઝ અ પ્રોડયુસર નીરજ પાસે એના પરથી ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવડાવી.
'મસાન' (ગુજરાતીમાં કહીએ તો, મસાણ) બનારસમાં આકાર લે છે, જેમાં ચાર મુખ્ય પાત્રો છે.બનારસના સ્મશાનમાં એક દલિત તરુણ કામ કરે છે. એને એક સવર્ણ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. છોકરીના પિતાની ભૂમિકા સંજય મિશ્રાએ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં એક નાનકડો અનાથ છોકરો છે અને રિચા ચઢ્ઢા પણ છે, જે કશાક છીનાળામાં ફસાઈ ગઈ છે. આ ચારેય કિરદારો એકમેકના સંપર્ક આવે છે અને કહાણી ધીમે ધીમે આગળ વધે છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી બીજી ભારતીય ફિલ્મ છે, 'ધ ફોર્થ ડિરેક્શન'. વર્યમ સિંહ સંધુ નામના લેખકે લખેલી બે ટૂંકી વાર્તાઓ 'ચૌથી કૂટ' અને 'આઈ એમ ફીલિંગ ફાઇન નાઉ' પરથી ગુરવિન્દર સિંહ નામના ડિરેક્ટરે આ પંજાબી ફિલ્મ બનાવી છે. એક કંવલજિતને બાદ કરતાં એમાં એકેય કલાકાર જાણીતો નથી. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તે પછીના તનાવયુક્ત પંજાબમાં ફિલ્મ આકાર લે છે. બને છે એવું કે બે હિન્દુ દોસ્તો અમૃતસર જતી ટ્રેન ચૂકી જાય છે. એ શીખ માણસની પણ એ જ હાલત થઈ છે. ત્રણેય બીજી એક ખાલી ટ્રેનમાં ચડી જાય છે. અહીં તેઓ એકલા નથી. ગાર્ડે બીજા બે શીખ યુવાનોને પણ ડબામાં ચડાવી દીધા છે. હિન્દુ અને શીખો વચ્ચે ઓલરેડી કોમી તણાવ ફેલાયેલો છે એવા માહોલમાં આ પાંચ અજાણ્યા પુરુષો એકમેકને શંકાની નજરે જોયા કરે છે. ફિલ્મ આગળ વધતી જાય છે તેમ તેમ બીજા ફણગા ફૂટતા જાય છે.
મૂળ ભારતીય, પણ મન-વચન-કર્મથી પૂરેપૂરા બ્રિટિશ એવા આસિફ કાપડિયાની 'એમી' નામની ડોક્યુમેન્ટરી પણ આ વખતે કાન ફેસ્ટિવલમાં રજૂ થઈ. ઘણા સમીક્ષકોના મતે આસિફ કાપડિયા દુનિયાના શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરોમાંના એક છે. આસિફે કેટલીક અઘરી-અઘરી અને એવોર્ડવિનિંગ ફીચર ફિલ્મો બનાવી છે. એમની પહેલી ફીચર ફિલ્મ 'ધ વોરિયર'માં ઇરફાનની મુખ્ય ભૂમિકા હતી. ૨૦૦૧માં આ ફિલ્મ આવેલી ત્યારે ઇરફાનની એક તગડા અદાકાર તરીકે ઓળખ ઊભી થવાની હજુ બાકી હતી. મુંબઈના એનસીપીએમાં સ્ક્રીનિંગ પછી આસિફ કાપડિયાને મળવાનું બન્યું હતું. "પણ 'ધ વોરિયર' રેગ્યુલર ફિલ્મ જ છે," આસિફે તે વખતે કહેલું, "તમે એને ઓફબીટ કે આર્ટ ફિલ્મ શા માટે ગણો છો?"
'Amy'

'એમી' ડોક્યુમેન્ટરીમાં આસિફે વિવાદાસ્પદ સિંગર-સોંગ રાઇટર એમી વાઇનહાઉસના જૂના વીડિયો અને ફૂટેજના આધારે એનું જીવન કેપ્ચર કરવાની કોશિશ કરી છે. ૨૭ વર્ષની કાચી ઉંમરે આ ટેલેન્ટેડ આર્ટિસ્ટનું આલ્કોહોલ પોઇઝનિંગને કારણે અપમૃત્યુ થયું હતું. એમીના પિતા મિચ વાઇનહાઉસે આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં હકીકતોને તોડીમરોડીને પેશ કરવામાં આવી છે. ઓડિયન્સે અને સમીક્ષકોએ જોકે 'એમી'ને ખૂબ વખાણી છે.
કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ અને ક્લોઝિંગ ફિલ્મનંુ વિશેષ મહત્ત્વ હોય છે. તેરમી મેએ કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ 'સ્ટેન્ડિંગ ટોલ' નામની ફ્રેન્ચ ફિલ્મથી થયો હતો. આમાં જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમની વાત છે. એક યુવતીએ પોતાના માસૂમ દીકરાને તરછોડી દીધો છે, જે પછી કોર્ટના આદેશના આધારે જુદા જુદા જુવેનાઇલ હોમમાં મોટો થતો જાય છે. એના ઉછેરમાં સામાજિક કાર્યકરો પણ ભાગ ભજવે છે. આજે ફેસ્ટિવલના અંતિમ દિવસે ક્લોઝિંગ ફિલ્મ તરીકે 'આઇસ એન્ડ ધ સ્કાય' નામની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ થવાનું છે, જેમાં ગ્લોબલ ર્વોિંમગ વિશે ચિંતા થઈ છે. ૨૦૦૫માં ઓસ્કરવિનિંગ 'માર્ચ ઓફ ધ પેંગવિન્સ' નામની ડોક્યુમેન્ટરી બનાવનાર લુક જેકવેટે 'આઇસ એન્ડ ધ સ્કાય' બનાવી છે.
આ અને આના સિવાય પણ અફકોર્સ, બીજી કેટલીય મજાની ફિલ્મો આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડાઈ, જે આપણાં નજદીકી સિનેમાઘરોમાં યા તો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રાટકે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.
શો-સ્ટોપર
એક તબક્કે હું પ્રેમથી એટલો બધો નિર્ભાન્ત થઈ ગયો હતો કે મારાથી કૂતરાં પણ સહન થતાં નહોતાં. મને થતું કે આપણે ખાવાનું આપીએ માત્ર એટલા સારું જ આ સ્વાર્થી કૂતરાં પૂંછડી પટપટાવીને પ્રેમનું નાટક કરે છે.
-   ઇરફાન