Tuesday, April 30, 2013

હોલીવૂડ હંડ્રેડ: ‘ધ ટ્રી ઓફ લાઈફ’: જિંદગી... કેસી હૈ પહેલી હાય


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) - હોલીવૂડ હંડ્રેડ - તા. ૧ મે ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

મંત્રમુગ્ધ કરી નાખે તેવાં વિઝ્યુઅલ્સ ધરાતવી આ ફિલ્મ બે વાત કરે છે. એક તો, બ્રહ્માંડના તમામ તત્ત્વો - એકકોષી અમીબાથી લઈને લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા તારાઓ સુધીનું બધું જ - એકમેક સાથે કોઈને કોઈ રીતે સંબંધ ધરાવે છે. બીજું, આવડા મોટા બ્રહ્માંડમાં આપણા વ્યક્તિગત દુખનું કશું મૂલ્ય નથી. સો, ચિયર્સ! 
ફિલ્મ નં. ૨૦. ‘ધ ટ્રી ઓફ લાઈફ’

ગયા અઠવાડિયે આપણે ‘સેટરડે નાઈટ ફીવર’ નામની એક મસ્તીભરી ઢિન્ચાક ફિલ્મ માણી. આજે એક ‘અઘરી અઘરી આર્ટ ફિલ્મ’ વિશે વાત કરીએ. ‘ધ ટ્રી ઓફ લાઈફ’ જેટલી અઘરી છે એટલી અદભુત પણ છે. ખાસ કરીને એનાં વિઝ્યુઅલ્સ. આપણે ખુદને સિનેમાના પ્રેમી કહેડાવતા હોઈએ ત્યારે આર્ટ ફિલ્મોથી ડરીને દૂર નાસી છૂટીએ તે ન ચાલે. સત્ત્વશીલ આર્ટ ફિલ્મોનો ટેસ્ટ કેળવવો જ જોઈએ. ‘ધ ટ્રી ઓફ લાઈફ’થી આમેય દૂર નાસવાની જરુર નથી, કારણ કે એમાં મેઈનસ્ટ્રીમ હોલીવૂડની દિલની ધડકન કહેવાતો બ્રેડ પિટ પણ છે. તે આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે.

ફિલ્મમાં શું છે? 

જેક ઓ’બ્રિએન (શૉન પેન) એક આર્કિટેક્ટ છે. સફળ પણ મૂંઝાયેલો, એકલો. મૂળ એ ટેક્સાસનો. એક શાંત મજાના ટાઉનમાં રહેતાં મિસ્ટર એન્ડ મિસિસ ઓ’ બ્રિએન (બે્રડ પિટ, જેસિકા ચેસ્ટેઈન)નો એ સૌથી મોટો દીકરો. પછી બે નાના ભાઈઓ અવતર્યા. ફ્લેશબેકમાં આપણે જોઈએ છીએ કે મમ્મીની પ્રકૃતિ બહુ જ શાંત અને પ્રેમાળ. પપ્પા વહાલ ખૂબ કરે, પણ સ્વભાવે આકરા. શિસ્તમાં ખૂબ માને. એમનાં ફ્રેસ્ટ્રેશનનું એક કારણ એ હતું કે તેમને થવું હતું સંગીતકાર, પણ બની ગયા એન્જિનીયર. મમ્મીએ દીકરાઓને શાલીનતા શીખવી,  જ્યારે પપ્પાએ તેમને દુનિયાદારીના પાઠ શીખવ્યા.

ટીનેજર બની ગયેલા જેકને સમજાતું નથી કે શાલીનતા અને દુનિયાદારી બન્ને એકસાથે કેવી જાળવી શકાય. બે ઘટનાઓ એવી બને છે, જેના લીધે જેક અંદરથી આખેઆખો હલી જાય છે. એનો એક દોસ્તાર તળાવમાં ડૂબી ગયો, જ્યારે બીજો પોતાના ઘરમાં ફાટી નીકળેલી આગમાં જીવતો ભૂંજાઈ ગયો. જેક વિદ્રોહી બનતો જાય છે. એક દિવસ તે પપ્પા સામે ભડકી ઉઠે છે: તમે દંભી છો, તમે બોલો છો એક વસ્તુ અને કરો છો કંઈક જુદું જ. જેક મા પર પણ ગુસ્સે થાય છે: તું કેમ બધું પપ્પાનું ધાર્યું થવા દે છે? એક વાર પપ્પા બહારગામ ગયા હતા ત્યારે જેક તોફાની દોસ્તારો સાથે પોતાના એરિયામાં ભાંગફોડ કરે છે, જંગલમાં જઈ નાનાં જનાવરનો શિકાર કરે છે, પાડોશના ઘરમાંથી ચોરી સુધ્ધાં કરે છે. એને ખુદને સમજાતું નથી કે પોતે આવું શું કામ કરે છે. ધીમે ધીમે જુવાન બની રહેલું શરીર પણ સમસ્યાઓ વધારી રહ્યું છે. દરમિયાન પપ્પાની નોકરી જતી રહે છે. જીવન ચાલતું રહે છે. વર્ષો વીતે છે. એક દિવસ મિસ્ટર એન્ડ મિસિસ ઓ’ બ્રિએનને ટેલિગ્રામ મળે છે: તમારો ઓગણીસ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે. આ દીકરો એટલે જેકનો નાનો ભાઈ. પતિ-પત્ની તૂટી જાય છે. અત્યંત કઠિન છે જુવાનજોધ દીકરાના અણધાર્યા મોતને પચાવવું.ફિલ્મનું ફોર્મેટ નોન-લિનીઅર હોવાથી વાર્તાનો પ્રવાહ સીધી લીટીમાં વહેતો નથી. ઉપર વર્ણવેલી ઘટનાઓ ફિલ્મમાં આડાઅવળા ક્રમમાં રજૂ થઈ છે. જેમ કે, મિસ્ટર એન્ડ મિસિસ ઓ’ બ્રિએનના યુવાન પુત્રના મૃત્યુવાળી સિકવન્સ શરુઆતમાં આવી જાય છે. સવાલ એ છે કે આવડા મોટા બ્રહ્માંડની તુલનામાં પૃથ્વી નામના કોઈ એક ટચૂકડા ગ્રહ પર એકાદ માણસ મરે કે જીવે તેનાથી શો ફર્ક પડે છે? પૃથ્વી પર મનુષ્ય જન્મ્યો એના અબજો વર્ષ પહેલાં આ બ્રહ્માંડે આકાર લીધો હતો. ફિલ્મમાં પ્રાગૈતિહાસિક કાળની એક લાંબી સિકવન્સ છે, જેમાં તાજી તાજી જન્મેલી પૃથ્વી, તેના પર ભભૂકતા રહેતા જ્વાળામુખીઓ, એકકોષી અમીબાથી થયેલો જીવસૃષ્ટિનો પ્રારંભ, ધરતીના પટ પર રખડતાં ડાયનોસોર, પૃથ્વી પર ઝીંકાયેલા વિરાટ અવકાશી પદાર્થને લીધે ડાયનોસોરનો બોલી ગયેલો ખાત્મો વગેરે વોઈસ-ઓવરની કોમેન્ટરીની સાથે દેખાડાય છે. પૃથ્વી પર માણસ તો બહુ પાછળથી આવ્યો. આ સિકવન્સ પૂરી થાય પછી જેકના બાળપણની વાત શરુ થાય. ફિલ્મના અંતમાં સ્વપ્ન જેવી સિકવન્સ આવે છે. એમાં જેક પોતાના સ્વજનોને જુએ છે. મૃત્યુ પામેલો નાનો ભાઈ પણ દેખાય છે. એ જાણે ભાઈને લઈને પોતાનાં મા-બાપ પાસે આવે છે. દીકારને જોઈને મા-બાપ રાજી રાજી થઈ જાય છે. જેકની સાથે એક સ્ત્રી છે. મા એને કહે છે: મારો દીકરો જેક હું તને આપું છું. બધા ખુશ છે. કોઈ ફરિયાદ નથી, કોઈ વેદના નથી. વિરાટ બ્રહ્માંડ અને અંતહીન સમયના સંદર્ભમાં સ્વજના મૃત્યુનું દુખ જાણે સાવ હળવું બની જાય છે. ફિલ્મનો પ્રારંભ ઘોર અંધકારમાં ઝહળહતી પ્રકાશમય જ્યોતથી થઈ હતી. ફિલ્મનો અંત પણ આ ઈમેજ પર થાય છે.

કથા પહેલાંની અને પછીની

ફિલ્મના ડિરેક્ટર ટેરેન્સ મલિકે ચાલીસ વર્ષની કરીઅરમાં માત્ર છ જ ફિલ્મો બનાવી છે, પણ તેમનું કામ એટલું દમદાર છે કે વર્તમાન સમયમાં સક્રિય હોય તેવા મહાનતમ ફિલ્મમેકર્સની સૂચિમાં તેઓ સતત સ્થાન પામતા રહે છે. ‘ધ ટ્રી ઓફ લાઈફ’માં તેમણે ફિલોસોફિકલ અંદાજમાં પ્રેમ, પીડા, જીવન, મૃત્યુ અને અસ્તિત્ત્વનો એકબીજા સાથેના સંબંધને પેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું દર્શકની અંદર ધીરે ધીરે ઊઘડે છે. દર્શકની સામે સૌથી પહેલાં મજબૂત રીતે કંઈ ઊભરીને આવતું હોય તો તે છે ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ. એના માટે ‘અદભુત’ કરતાં ઓછો બીજો કોઈ શબ્દ વાપરી શકાય તેમ નથી.વિઝ્યુઅલ ઈફેક્ટ્સનું ડિપાર્ટમેન્ટ સંભાળનાર ડગ્લાસ ટ્રમબુલ ડિરેક્ટર ટેરેન્સ મલિકના જૂના દોસ્ત થાય. ડગ્લાસે ત્રીસ વર્ષ પહેલાં હોલીવૂડને અલવિદા કહી દીધી હતી, પણ ટેરેન્સ એમને આ ફિલ્મ માટે પાછા ખેંચી લાવ્યા. ટેરેન્સની બ્રીફ બહુ સાદી હતી: આજકાલ હોલીવૂડની ફિલ્મોમાં જે પ્રકારની કમ્પ્યુટર-જનરેટેડ સ્પેશિયલ ઈફેક્ટ્સની ભરમાર જોવા મળે છે એમાંનું કશું જ ‘ધ ટ્રી ઓફ લાઈફ’માં ન હોવું જોઈએ. સવાલ એ ઊભો થયો કે તો પછી બ્રહ્માંડના સર્જન જેવી કેટલીય ઘટનાઓ પડદા પર કેવી રીતે દર્શાવવી. ડગ્લાસ ટ્રમબુલનું ભેજું ઓવરટાઈમ કરવા લાગ્યું. ધાર્યા વિઝ્યુઅલ્સ ક્રિયેટ કરવા માટે તેમણે પેઈન્ટ્સ, કેમિકલ્સ, ડાઈ, ધુમાડો, પાણી, આગની જ્વાળા, જાતજાતની લાઈટિંગ અને હાઈસ્પીડ ફોટોગ્રાફી વડે જાતજાતના અખતરા કર્યા. ટેરેન્સે એમને છુટ્ટો દોર આપી દીધો હતો. અમુક વસ્તુ અમુક રીતે જ દેખાવી જોઈએ એવો તેમનો કોઈ આગ્રહ નહોતો. બ્રહ્માંડના સર્જનવાળાં સીન્સને ફિલ્માવવા માટે ડગ્લાસે સાવ સાંકડા પાત્રમાં ગળણી વડે દૂધ રેડ્યું. ચીવટપૂર્વક લાઈટિંગ કરીને આ આખી ક્રિયાને સ્લો મોશન દેખાડતા હાઈસ્પીડ કેમેરા તેમજ ફોલ્ડેડ લેન્સ વડે શૂટ કરી લીધી. આ રીતે જે ફૂટેજ મળ્યું  તે ખરેખર કોસ્મિક અને ભવ્ય દેખાતું હતું.


ફિલ્મમાં આવાં તો કેટલાંય દશ્યો છે. થિયેટરની વિશાળ સ્ક્રીન પર તે એટલાં બધાં રુપાળાં દેખાય છે કે, એક રિવ્યઅરે કહ્યું છે તેમ, તેની એકેએક ફ્રેમને પોઝ કરીને દીવાલ પર કલાકૃતિની જેમ ટાંગી શકાય. ‘પડદા પરની કવિતા’ એવો એક ચવાઈ ગયેલો શબ્દપ્રયોગ છે. તે દષ્ટિએ તો ‘ધ ટ્રી ઓફ લાઈફ’ને આખેઆખો કાવ્યસંગ્રહ કહેવો પડે. યાદ રહે, આ ફિલ્મમાં માત્ર હાઈક્લાસ દ્શ્યોની રેલમછેલ નથી. એ તો ફક્ત બાહ્ય માળખું થયું. સંવેદનશીલ અને રિસેપ્ટિવ દર્શકને આ બાહ્ય ટાપટીપ નીચેનું ફિલોસોફિકલ ડહાપણ સ્પર્શી ગયા વગર રહેતું નથી. બ્રહ્માંડના તમામ તત્ત્વો - એકકોષી અમીબાથી લઈને લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા તારાઓ સુધીનું બધું જ - એકબીજા સાથે સંકળાયેલાં છે, સૌ એકમેક સાથે કોઈને કોઈ રીતે સંબંધ ધરાવે છે તે વાત ટેરેન્સ મલિક આ ફિલ્મમાં કુશળતાપૂર્વક કહી શક્યા છે.

‘ધ ટ્રી ઓફ લાઈફ’ અઘરી આર્ટ ફિલ્મ ભલે રહી, પણ તે જોજો. રિવાઈન્ડ કરી કરીને જોજો. ધીરજ રાખીએ તો આ પ્રકારની ફિલ્મોનો ટેસ્ટ ધીમે ધીમે કેળવાતો જાય છે. આવતે અઠવાડિયે આપણે ઓર એક યાદગાર આર્ટ ફિલ્મ વિશે વાત કરવાના છીએ. નામ નોંધી લો: ફેડરિકો ફેલિનીની ઈટાલિયન ફિલ્મ ‘એઈટ એન્ડ હાફ’.

 ‘ધ ટ્રી ઓફ લાઈફ’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર-રાઈટર  : ટેરેન્સ મલિક
વિઝ્યઅલ ઈફેક્ટ્સ  : ડગ્લાસ ટ્રમબુલ
કલાકાર           : બ્રેડ પિટ, શૉન પેન, જેસિકા ચેસ્ટેઈન  
રિલીઝ ડેટ        : ૧૬ મે, ૨૦૧૧
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફી માટેનાં ઓસ્કર નોમિનેશન્સ                                              ૦ ૦ ૦

Saturday, April 27, 2013

મલ્ટિપ્લેક્સ: શોર્ટ એન્ડ સ્વીટ

Sandesh - Sanskaar - Sunday Supplement - 28 May 2013
મલ્ટિપ્લેક્સ 
દેખાદેખીથી કે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા કે મમ્મી-પપ્પાને દેખાડી દેવા શોર્ટ ફિલ્મ બનાવવાની ન હોય. આ પ્રવૃત્તિને ગંભીરતાથી લેવામાં આવે તો સિનેમાના ક્ષેત્રમાં આગળ વધવા માગતા લોકો માટે તે સરસ ટ્રેનિંગ ગ્રાઉન્ડ બની શકે છે. આવતા શુક્રવારે રજૂ થનારી 'બોમ્બે ટોકીઝ' શોર્ટ ફિલ્મોના શંભુમેળા જેવી છે.

૧૦૦ વર્ષ. આવતા શુક્રવારે ભારતીય સિનેમા પૂરાં સો વર્ષ પૂરાં કરશે. દાદાસાહેબ ફાળકેએ પ્રોડયુસ અને ડિરેક્ટ કરેલી હિંદુસ્તાનની સર્વપ્રથમ ફુલલેન્થ સાઇલન્ટ ફીચર ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' ૩ મે,૧૯૧૩ના રોજ મુંબઈના કોરોનેશન સિનેમાહોલમાં રિલીઝ થઈ હતી. બહુ મોટો કાળખંડ હોય છે એક સદી. ભારતીય સિનેમાના સોમાં બર્થડે નિમિત્તે બોલિવૂડના ચાર સફળ ફિલ્મમેકરોએ સાથે મળીને બનાવેલી ફિલ્મ 'બોમ્બે ટોકીઝ' આવતા શુક્રવારે રિલીઝ થવાની છે. આ ચાર ફિલ્મમેકરો એટલે અનુરાગ કશ્યપ, કરણ જોહર, દિબાકર બેનર્જી અને ઝોયા અખ્તર. તેમણે અલગ અલગ, એકબીજા કરતાં સંપૂર્ણપણે સ્વતંત્ર એવી વીસથી પચીસ મિનિટની ટૂંકી ફિલ્મો તૈયાર કરી છે. ચારેયની થીમ જોકે એક જ છે- ભારતીય સિનેમાનો આપણા દિલ-દિમાગ પર પડેલો પ્રભાવ. અમિતાભ બચ્ચન, રાની મુખર્જી, રણબીર કપૂર, કેટરિના કૈફ જેવા મેઇનસ્ટ્રીમ કલાકારોએ એમાં કામ કર્યું છે.
આઇડિયા રસપ્રદ છે. એક્ઝિકયુશન પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ પુુરવાર થાય છે કે કેમ એ તો ફિલ્મ જોયા પછી ખબર પડશે. અંતિમ પરિણામ જે આવે તે, બાકી 'બોમ્બે ટોકીઝ'ને કારણે એક સરસ વાત એ બની છે કે 'શોર્ટ ફિલ્મ'ના કોન્સેપ્ટ તરફ એકદમ લોકોનું ધ્યાન ખેંચાયું છે. દેશ-વિદેશમાં યોજાતા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં શોર્ટ ફિલ્મો માટે અલગ સેક્શન રાખવામાં આવે છે. કેવળ શોર્ટ ફિલ્મો માટેના અલાયદા ફેસ્ટિવલ્સ યોજાતા હોય છે. બહેતરીન શોર્ટ ફિલ્મ્સને ઓસ્કર અવોર્ડ્ઝ સુધ્ધાં એનાયત થાય છે. શોર્ટ ફિલ્મ એટલે રીતસરની ફિલ્મ, જેમાં કોઈ વાર્તા કે વાત કે વિચાર સુંદર રીતે કહેવાયો હોય, જે ઓરિજિનલ હોય અને જેની લંબાઈ ૧ મિનિટથી લઈને ૪૦ મિનિટની વચ્ચે હોય. સામાન્યપણે સિનેમાનો કીડો કરડયો હોય એવા શોખીનો યા તો સ્વતંત્ર ફિલ્મમેકર્સ શોર્ટ ફિલ્મ બનાવતા હોય છે. એનું બજેટ કાં તો ઝીરો હોય અથવા સાવ ઓછું હોય. ઝીરો બજેટ ફિલ્મમાં ડિરેક્ટર પોતે રાઇટર-એક્ટર-કેમેરામેન-એડિટર બધું જ હોય. ફિલ્મ બનાવવા માટેનાં જરૂરી સાધનો કાં તો ખુદનાં હોય અથવા તો દોસ્તો-પરિચિતો પાસેથી મેનેજ કર્યાં હોય.

સરસ મજાની ફુલલેન્થ ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ?' બનાવનારા અભિષેક જૈન કહે છે, 'શોર્ટ ફિલ્મની સૌથી મોટી મજા એ છે કે તેના મેકર પર નથી ઓડિયન્સની અપેક્ષાનું દબાણ હોતું કે નથી આર્થિક બાબતોનું પ્રેશર હોતું. તેને કારણે ફોર્મ અને કન્ટેન્ટ સાથે તે જાતજાતના પ્રયોગો કરી શકે છે.'
ખરી વાત છે. જેમ કે, અમદાવાદના મનીશ દવેએ બહુરૂપીયાઓની લુપ્ત થઈ રહેલી કળા પર ૧૯ મિનિટની એવોર્ડવિનિંગ ફિલ્મ બનાવી હતી. તેઓ કહે છે, 'અગાઉ શોર્ટ ફિલ્મ બનાવવામાં ઘણા ટેક્નિકલ અંતરાયોનો સામનો કરવો પડતો હતો, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ ઉપકરણો પ્રચલિત થવાથી શોર્ટ ફિલ્મો બનાવવાનું આસાન થઈ ગયું છે. ' સોનીનો પીડી-૧૭૦ કે એનએકસફાઈવ એચડી કેમેરા હોય અથવા તો કેનનનો ફાઈવ-ડી યા સેવન-ડી કેમેરા હોય તો બ્રોડક્ાસ્ટ કવોલિટી ધરાવતું સરસ રિઝલ્ટ મળી શક્ે છે. એડિિટગ માટે અડોબ પ્રિમિયર યા તો વિન્ડોઝનું ફાઈનલ ક્ટ પ્રો (એફસીપી) સોફ્ટવેર પોપ્યુલર છે.' 
શોર્ટ ફિલ્મ બનાવવાનું સરળ બની ગયું હોવાથી શોર્ટ ફિલ્મમેકરોની સંખ્યા પણ એકાએક વધવા માંડી છે. આજે શોર્ટ ફિલ્મ બનાવવી જાણે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. અભિષેક જૈન કહે છે, 'આ બરાબર નથી. દેખાદેખીથી કે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા કે મમ્મી-પપ્પાને દેખાડી દેવા શોર્ટ ફિલ્મ બનાવવાની ન હોય. શું તમે ખરેખર તીવ્રતાથી કોઈ વાર્તા કહેવા માગો છો? જો આનો જવાબ હા હોય તો જ આગળ વધવું જોઈએ. બીજું, ફુલલેન્થ ફીચર ફિલ્મો જોઈજોઈને શોર્ટ ફિલ્મ બનાવતા શીખી ન શકાય. આ બન્ને અલગ વસ્તુઓ છે, અલગ ક્રાફ્ટ છે. શોર્ટ ફિલ્મ બનાવતા પહેલાં પુષ્કળ માત્રામાં શોર્ટ ફિલ્મ્સ જોવી જોઈએ, પૂરતું હોમવર્ક કરવું જોઈએ.'
મજાની વાત એ છે કે ઇન્ટરનેટ પર શોર્ટ ફિલ્મ્સને લગતી કંઈકેટલીય વેબસાઇટ્સ ધમધમે છે, જેના પર તમે દુનિયાભરની શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ્સ જોઈ શકો છો. શોર્ટ ફિલ્મ બનાવવા માટે વીડિયો કેમેરા પણ કયાં અનિવાર્ય છે. મોબાઇલ કેમેરા વડે સરસ શોર્ટ ફિલ્મ બનાવી શકાય છે. જેમ કે, સુરતના જનાન્તિક શુક્લે ૨૦૦૪માં મોબાઇલ વડે 'એક્ઝિસ્ટ એક્ઝિટ' નામની ૯૦ સેકન્ડ્સની શોર્ટ ફિલ્મ બનાવી હતી. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તે રનર્સઅપ બની હતી અને જનાન્તિકને આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. અમેરિકામાં ફિલ્મમેકિંગનો કોર્સ કર્યા પછી હાલ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવાની કોશિશ કરી રહેલો જનાન્તિક કહે છે, 'સંંભવિત નિર્માતાઓ ફર્સ્ટ ટાઇમ ડિરેક્ટરની ફિલ્મ પર પૈસા લગાડતા પહેલાં તેનું આગલું કામ જોવા ઇચ્છતા હોય છે. પછી તે શોર્ટ ફિલ્મ્સ જ કેમ ન હોય. શોર્ટ ફિલ્મ પરથી આછોપાતળો અંદાજ આવી જાય છે કે માણસ કેટલી કોબેલિયતથી એક વાર્તાને ઓડિયન્સ સામે રજૂ કરી શકે છે.'
Doodlebug : A still from a short film by Christopher Nolan

'ધ ડાર્ક નાઇટ' અને'ઇન્સેપ્શન' જેવી અફલાતૂન ફિલ્મો બનાવનાર હોલિવૂડના ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલને શરૂઆત શોર્ટ ફિલ્મથી કરી હતી. યુટયૂબ પર તેની 'ડૂડલબગ' (Doodlebug) નામની ટચૂકડી ફિલ્મ ખાસ જોજો.
ઓલરાઇટ. માનો કે શોર્ટ ફિલ્મ તો જાણે બની ગઈ, પણ તેને લોકો સુધી પહોંચાડવી કેવી રીતે? જવાબ છે, ફિલ્મ ફેસ્ટિવલ્સ અને અમુક સંસ્થાઓ દ્વારા યોજાતી ઇવેન્ટ્સ દ્વારા. ઉદાહરણ તરીકે, ફ્રિવે ફિલ્મ કંપનીએ ૨૦૧૧ અને ૨૦૧૨માં નવશીખિયાઓનેે'અમદાવાદ ફિલ્મ પ્રોજેક્ટ' નામનું પ્લેટફોર્મ પૂરું પાડયું હતું. સ્પર્ધકોને એક વિષય અને ગણીને ૪૮ કલાક આપવામાં આવેલા. આટલા સમયગાળામાં શોર્ટ ફિલ્મની થીમ વિચારી લેવાની, શૂટ કરવાની અને પોસ્ટ પ્રોડક્શન સુધ્ધાં પૂરું કરી નાખવાનું. પહેલા વર્ષે 'હેરિટેજ' થીમ હતી, બીજા વર્ષે 'ટ્રાફિક'. આ ઇવેન્ટને સરસ પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે સંભવતઃ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ સ્પર્ધા યોજાવાની છે. એના પહેલાં જૂનમાં સુરતમાં શોર્ટ ફિલ્મ્સ અને ડોકયુમેન્ટરીઝને લગતો ગુજરાત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (giffindia) યોજાવાનો છે.
સારું છે. ગુજરાતનાં જુદાં જુદાં શહેરોમાં શોર્ટ ફિલ્મ્સને લગતી નાની-મોટી ગતિવિધિઓ ચાલતી રહે તે ઇચ્છનીય છે. સિનેમાનું પેશન ધરાવતા યંગસ્ટર્સને આ પ્રકારનાં જેટલાં પ્લેટફોર્મ મળે એટલાં ઓછાં. કોને ખબર, આવતી કાલે આમાંથી જ કોઈ જેન્યુઇન ટેલેન્ટ ઊભરી આવે...
શો-સ્ટોપર

'બોમ્બે ટોકીઝ'માં અમને ચારેય ડિરેક્ટરને દોઢ-દોઢ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. મારી રેગ્યુલર ફિલ્મોમાં હિરોઇનનાં કપડાંનું બજેટ આના કરતાં અનેક ગણુ મોટું હોય છે!  
- કરણ જોહર  

Wednesday, April 24, 2013

હોલીવૂડ હંડ્રેડ: સેટરડે નાઈટ ફીવર : ચાંદ પર સે આયા હૂં મૈં ડાન્સ કરને...


Mumbai Samachar - 24 April 2013

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

દુનિયાભરમાં ડિસ્કો કલ્ચરને સૌથી વધુ પોપ્યુલર કરનારી કોઈ ફિલ્મ હોય તો તે આ. મજાની વાત એ છે કે તે કેવળ એક ડાન્સ ફિલ્મ બનીને અટકી નથી ગઈ. એમાં સિત્તેરના દાયકાની યુવાન અમેરિકન પેઢીની છૂટછાટવાળી જીવનશૈલી, ફ્રસ્ટ્રેશન અને દિશાહીનતાની ઝલક પણ મળે છે. 

ફિલ્મ નંબર ૧૯. સેટરડે નાઈટ ફીવર
ફિલ્મમાં શું છે? 

ટોની મનેરો (જોન ટ્રવોલ્ટા) નામનો ઓગણીસ વર્ષનો એક ઈટાલિયન-અમેરિકન જુવાનિયો છે. ન્યુયોર્કમાં મા-બાપ અને નાની બહેન સાથે રહે છે. મોટો ભાઈએ પાદરી બનવા સંસારત્યાગ ર્ક્યો છે. ટોની કોલેજ-બોલેજનાં પગથિયાં ક્યારેય ચડ્યો નથી. હાર્ડવેરની દુકાનમાં મામૂલી નોકરી કરીને થોડુંઘણું કમાઈ લે છે. ઘરમાં એનું ખાસ કંઈ માન નથી. રાતે રખડીને ઘરમાં પગ મૂકે ત્યારે મા-બાપ એને ખખડાવવા માટે તૈયાર બેઠાં જ હોય. ટોનીને જોકે રોજની કટ-કટથી ટેવાઈ ગયો છે. એ શોખીન જીવડો છે. શનિવાર આવે એટલે એયને નવી ફેશનનાં કપડાં પહેરીને બ્રૂકલિન વિસ્તારમાં આવેલી ‘૨૦૦૧ ઓડિસી’ નામની ડિસ્કોક્લબમાં સ્ટાઈલ મારતો પહોંચી જાય. એ ફાંકડો ડાન્સ કરી જાણે છે. એ નાચે એટલે બીજાઓની નજર એના પરથી હટે નહીં. ઘરમાં ભલે ભાવ પૂછાતો ન હોય, પણ આ નાઈટક્લબમાં એને ભારે માનપાન મળે છે. એના ચાર દોસ્તારો છે, જે વાતવાતમાં મા-બેનની ગાળો બોલે છે, રસ્તા પર પાર્ક કરેલી કારની પાછલી સીટ પર છોકરીને લઈ જઈને નિર્લજ્જ થઈને અવિચારીપણે સેક્સ કરી નાખે છે, સ્ત્રીઓનો આદર કરવામાં સમજતા નથી, કોઈ ઊંચા ધ્યેય નથી, જીવનમાં આગળ શું કરવું છે તેની કોઈ સ્પષ્ટતા નથી. ટોની પણ વત્તેઓછે અંશે એમના જેવો જ છે. આ ટોળકીમાં એનેટ (ડોના પેસ્કો) નામની છોકરી પણ સામેલ છે. તેને ટોની પસંદ છે. ડોના ઈચ્છે છે કે તેમની વચ્ચે માત્ર કામચલાઉ કે શારીરિક નહીં, પણ કાયમી સંબંધ વિકસે.

નાઈટક્લબમાં એક ડાન્સ કોમ્પિટીશન થવાની છે. ડોનાનો પાર્ટનર બનવા પહેલાં તો ટોની હા પાડી દે છે, પણ પછી એનું મન ઢચુપચુ થવા લાગે છે. એનું કારણ છે સ્ટેફની (કરેન લિન ગોર્ની) નામની એક છોકરી, જે આજકાલ ક્લબમાં અવારનવાર દેખાય છે અને જેને નાચતા પણ સારું આવડે છે. સ્ટેફની જરા સોફિસ્ટીકેટેડ છોકરી છે, સારા એરિયામાં રહે છે, સરસ જોબ કરે છે, સારું કમાય છે. એ પહેલાં તો ટોનીને ડાન્સ પાર્ટનર બનવાની ચોખ્ખી ના પાડી દે છે, પણ પછી માની જાય છે. દરમિયાન પાદરી બનવા ગયેલો ટોનીનો મોટો ભાઈ ફ્રેન્ક ઘોયેલા મૂળાની જેમ ઘરે પાછો આવી જાય છે. દુખી દુખી થઈ ગયેલા મા-બાપનું માથું શરમથી ઝૂકી જાય છે. અરરર... લોકોને હવે શું મોઢું બતાવીશું. બન્ને ભાઈઓ વચ્ચે હૂંફાળો સંબંધ છે. ફ્રેન્ક પાછો સંસારમાં આવી ગયો તેનાથી ટોની અંદરખઆને આનંદિત થાય છે કે ચાલો, ઘરમાં હું એકલો જ નાલાયક નથી, મોટો પણ મારા જેવો જ નીકળ્યો! બીજાઓની જેમ મોટો ભાઈ પણે ટોનીને સલાહ આપે છે કે તારો જીવ ડાન્સમાં છે તો તું ડાન્સના ફિલ્ડમાં જ કરીઅર બનાવ.

ટોનીના ફ્રેન્ડ બોબીએ કાંડ કર્યો છે. તેણે એક છોકરીને પ્રેગ્નન્ટ કરી નાખી છે. બાળક પડાવી શકાય એવું પણ નથી. એનાં અને છોકરીનાં મા-બાપ સાથે મળીને બળજબરી કરી રહ્યાં છે કે તું સોરી કહીને છૂટી જાય તે ન ચાલે, તારે છોકરી સાથે કાયદેસર લગ્ન કરવા પડશે. બોબી જબરો ફસાયો છે. આ કંઈ ઉંમર છે લગ્ન કરવાની? ટોની બોબીને ઉપરછલ્લું આશ્વાસન આપવા સિવાય બીજું કરી શકતો નથી.પેલી ડાન્સ કોમ્પિટીશન આખરે યોજાય છે. સ્ટેફની કરતાંય ચડિયાતા ડાન્સર્સ હોવા છતાં આ બન્નેને ફર્સ્ટ પ્રાઈઝ ફક્ત એટલા ખાતર મળે છે કે તેઓ અમેરિકન છે. ટોની ડાન્સનો પારખુ માણસ છે. એ પોતાના કરતા બહેતર ડાન્સ કરનાર જોડીને ઈનામ આપીને નારાજ થતો બહાર નીકળી જાય છે. એનો ગુસ્સો હજુ ઉતર્યો નથી. રોષમાં ને રોષમાં તે સ્ટેફની પર બળજબરી કરવાની કોશિશ કરે છે. સ્ટેફની નાસી જાય છે. દરમિયાન ટોનીના દોસ્તો અને ડોના કાર પાસે આવે છે. ડોનાને બરાબરનો દારુ ચડી ગયો છે. એક દોસ્તાર ઘોષણા કરે છે કે ચાલો ચાલો, આજે તો ડોના સૌની સાથે વારાફરતી સેક્સ કરવાની છે. ટોની ડોનાને એક બાજુ લઈ જઈને સમજાવવાની કોશિશ કરે છે, પણ એનું સાંભળે કોણ. ડોના જાણે છે કે ટોની એના હાથમાંથી જતો રહ્યો છે. એ ટોનીને જલાવવા માગે છે. એ સાચેસાચ ચાર છોકરાઓ સાથે કારમાં નીકળી પડે છે. સૌથી પહેલાં એક છોકરો પાછલી સીટ પર એની સાથે સેક્સ માણે છે. પછી બીજાનો વારો આવે છે. દરમિયાન ડોનાનો નશો ઉતરી જાય છે. તે આનાકાની કરે છે, પણ હવે ના પાડવાનો કોઈ મતલબ નથી. તે રહે છે, પણ બીજો છોકરો પોતાની હવસ સંતોષીને જ માને છે. કાર આખરે એક બ્રિજ પર ઊભી રહે છે. અહીં છાકટા થયેલા છોકરાઓ બ્રિજની પાળી પર ચડીને છાતી બેસી જાય એવા જોખમી સ્ટંટ્સ કરે છે. એમાં પેલો બોબી છે. એ ટોનીને ટોણો મારે છે કે હું ફસાઈ ગયો હતો, પણ તેં મને મદદ ન કરી. ટોની એને બહુ સમજાવે છે કે મહેરબાની કરીને તું પાળી પરથી નીચે ઉતરી જા, પણ બોબી કોઈનું સાંભળ્યા વિના બસ્સો ફૂટની ઊંચાઈથી કૂદકો મારી આત્મહત્યા કરી લે છે. સૌ આઘાતથી મૂઢ થઈ જાય છે.

ટોનીના જીવન વિશેના બધા ભ્રમ હવે ભાંગી ચૂક્યા છે. તીવ્ર એકલતા અનુભવતો એ આખી રાત લોકલ ટ્રેનોમાં નિરુદ્દેશ રખડતો રહે છે. બીજા દિવસે સવારે એ સીધો પોશ ગણતા મેનહટન વિસ્તારમાં રહેતી સ્ટેફનીના ઘરે પહોંચી જાય છે. દિલથી એની માફી માગે છે. કહે છે કે બસ, બહુ થઈ ગઈ આવારાગર્દી. મારે હવે નવું જીવન શરુ કરવું છે, મને તારા સહારાની જરુર છે. સ્ટેફની માની જાય છે. સાથે સાથે ઉમેરે છે કે આપણે વચ્ચે સાદી દોસ્તીનો સંબંધ રહેશે, એનાથી વધારે બીજું કશું નહીં. ટોની માટે આટલું પણ ઘણું છે. બન્ને શેકહેન્ડ કરે છે અને આ આશાભર્યા વણાંક પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

નિક કોહન નામના પત્રકારે ‘ન્યુ યોર્ક’ મેગેઝિનમાં ‘ટ્રાઈબલ રાઈટ્સ ઓફ ધ ન્યુ સેટરડે નાઈટ’ નામનો લેખ લખ્યો હતો. આ લેખ ફિલ્મની પટકથાનો આધાર બન્યો.આ કંઈ સીધીસાદી ડાન્સ ફિલ્મ નથી. તેમાં ૩૬ વર્ષ પહેલાંના અમેરિકાના જુવાનિયાઓના ફ્રસ્ટ્રેશન, દિશાહીનતા અને લાઈફસ્ટાઈલની નક્કર ઝલક મળે છે. ફિલ્મનાં પાત્રો કાર્ડબોર્ડ કટ-આઉટ જેવાં લાગવાને બદલે સાચુકલાં લાગે છે. અગ્રેજીમાં જેને ‘કમિંગ ઓફ એજ’ કહે છે તે પ્રકારની આ ફિલ્મ છે. આજે ડીવીડી પર જોતી વખતે ફિલ્મના ડાન્સ ભલે સામાન્ય લાગે, પણ તે વખતે ડિસ્કો કલ્ચર નવું હતું. દુનિયાભરમાં ડિસ્કોનેે લોકપ્રિય કરવામાં આ ફિલ્મનો સિંહફાળો છે. ફિલ્મનાં ગીતો બી જીઝ (Bee Gees) નામનાં મ્યુઝિકલ બેન્ડનાં છે. ‘સ્ટેઈંગ અલાઈવ’ જેવાં કેટલાંક ગીતો આજે પણ ઝુમાવી દે તેવાં છે. ‘સેટરડે નાઈટ ફીવર’નાં ગીતો એટલા બધા હિટ થયાં કે ઈતિહાસનું તે સૌથી વધારે વેચાયેલું આલબમ બન્યું. છેક છ વર્ષ પછી માઈકલ જેક્સનના ‘થ્રિલર’ આલબમે એનો રેકોર્ડ તોડ્યો.

 સાવ ઓછા બજેટમાં બનેલી ‘સેટરડે નાઈટ ફીવર’ આવી તે પહેલાં હીરો જોન ટ્રવોલ્ટા એક-બે હિટ ટીવી સિરિયલોને કારણે અમેરિકામાં ઓલરેડી જાણીતા થઈ ચૂક્યા હતા, પણ આ ફિલ્મે તેમને ડાન્સિંગ સ્ટાર તરીકે આતંરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. જોન ટ્રવોલ્ટા એટલા ચાર્મિંગ માણસ છે કે જરાય ન ગમે એવા અણધડ યુવાનનાં પાત્રને પણ એમણે ગમતીલું બનાવી દીધું.
‘સેટરડે નાઈટ ફીવર’માં એટલી બધી ગાળાગાળી છે કે ફિલ્મને સેન્સરનું એડલ્ટ સર્ટિફિકેટ જ મળશે અને ટીવી પર ક્યારેય ટેલિકાસ્ટ નહીં થઈ શકે તે નિશ્ચિત હતું. તેથી શૂટિંગ દરમિયાન બે વર્ઝન શૂટ કરવામાં આવતાં - એક ડર્ટી વર્ડઝ સહિતનું મૂળ વર્ઝન અને બીજું, ગાળો ગાળી લીધા પછીનું વેજીટેરિઅન વર્ઝન. જોેકે વિવેચકો સહિત સૌએ એક વાત સ્વીકારી કે જે એનર્જી ઓરિજિનલ વર્ઝનમાં ફીલ થાય છે તે ગાળો વગરની આવૃત્તિમાં નથી જ થતી! ‘સેટરડે નાઈટ ફીવર’ હોલીવૂડની પહેલી ફિલ્મ છે જેમાં મુખમૈથુન માટે વપરાતો ‘બ્લો-જોબ’ શબ્દ સ્ક્રીન પર બોલાયો હતો. જોન ટ્રવોલ્ટા આ ડાયલોગ બોલતા ત્યારે ઓડિટોરિયમમાં રીતસર સન્નાટો છવાઈ જતો. ચાલતી કારની પાછલી સીટમાં છોકરી પર લગભગ ગેંગ-રેપ થઈ જાય છે તે દશ્ય ફિલ્માવતી વખતે ખુદ ડિરેક્ટર જોન બેડહેમને લાગતું હતું કે આ જરાક વધારે પડતું થઈ રહ્યું છે. જોકે સ્ક્રીનપ્લે રાઈટર રોબર્ટ વેક્સલર પોતાના કન્વિક્શન પર મુસ્તાક હતા. ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જોન બેડહેમને બીજી એક ફિલ્મ ઓલરેડી ઓફર થઈ ચૂકી હતી. બીજી ફિલ્મના પ્રોડ્યુસર ‘સેટરડે નાઈટ ફીવર’ જોઈને એવો હેબતાઈ ગયો કે એણે પોતાની ઓફર પાછી ખેંચી લીધી. ખેર, આ ફિલ્મની સુપર સફળતાએ તરંગો જન્માવ્યા. તેનું સંગીત, અભિનય, અમેરિકન યંગસ્ટર્સનું વાસ્તવિક ચિત્રણ આ બધું ખૂબ વખણાયું. કેટલાંય ઈન્ટરનેશનલ અવોર્ડઝ માટે તે નોમિનેટ થઈ.

ડીવીડી પર ફિલ્મ જોઈ લીધા પછી ડિરેક્ટરની રમૂજી કમેન્ટરીવાળું સ્પેશિયલ ફીચર ખાસ જોજો. મૂળ ફિલ્મ જેટલી જ મજા તેમાં પણ આવશે.                                                                                      


‘સેટરડે નાઈટ ફીવર’ ફેક્ટ ફાઈલ 
ડિરેક્ટર    : જોન બેડહેમ
મૂળ લેખક : નિક કોહન
સ્ક્રીનપ્લે   : રોબર્ટ વેક્સલર
કલાકાર     :  જોન ટ્રવોલ્ટા, ડોના પેસ્કો, કરેન લિન ગોમી
ગીતો      : બી જીઝ
દેશ          : અમેરિકા
રિલીઝ ડેટ    : ૧૪ ડિસેમ્બર ૧૯૭૭
મહત્ત્વના અવોર્ડઝ: જોન ટ્રવોલ્ટાને બેસ્ટ એક્ટર માટેનું ઓસ્કર નોમિનેશન                       000


Tuesday, April 23, 2013

ત્રીસીનો દાયકોઃ હજુ અડધી જિંદગી બાકી છે

Sandesh - Ardh Saptahik Purti - 24 April 2013

Column: ટેક ઓફ 
ત્રીસીનો દાયકો તમને જીવનમાં થોડાઘણા અખતરા કરવાના મોકા જરૂર આપે છે. કરિયરમાં અખતરા, સંબંધોમાં અખતરા. હજુય શરીરમાં ખૂબ ઊર્જા ભરી છે, હજુય મન-હૃદય ઘા ખમી શકે તેટલાં મજબૂત છે!ક ડોક્ટર વોક પર નીક્ળ્યા હતા. એમણે જોયું કે એક વૃદ્ધ આદમી બેન્ચ પર બેઠો બેઠો ટેસથી સ્મોકિંગ કરી રહૃો છે. ફેશનેબલ કપડાં પહેર્યાં છે, સ્ટાઇલથી ધુમાડા છોડી રહ્યો છે. ડોક્ટરે પાસે જઈને કહ્યું:'એક્સક્યુઝ મી! તમે એટલા મોજમાં દેખાઓ છો કે પૂછયા વગર રહી શકતો નથી. શું છે તમારી ખુશાલીનં રહસ્ય?" આદમીએ પોરસાઈને કહ્યું: "જુઓને, હું રોજની વીસ સિગારેટ ફૂંકી કાઢું છું. ગુટકા વગર તો મને ચાલે જ નહીં. રાતે સૂતા પહેલાં પીવા તો જોઈએ જ. ખાવાનું તો એવું છે ને કે જંકફૂડ સિવાય હું બીજું કશું મોઢામાં મૂકતો નથી અને કસરત તો મેં બાપજન્મારે કદી કરી નથી."
ડોક્ટર અચંબિત થઈ ગયાઃ "ઓહો! શું વાત કરો છો! આટલાં બધાં વ્યસન પાળ્યાં છે તે હિસાબે તમારું શરીર સારું ચાલે છે. કેટલી ઉંમર થઈ તમારી, દાદા?"
જવાબ મળ્યોઃ "પાંત્રીસ વર્ષ."
મરકાવી દેતા આ જોકમાં અકાળે બુઢાપો ખેંચી લાવવાની હાઈક્લાસ રેસિપી છુપાયેલી છે. બાકી સામાન્ય સંજોગોમાં પાંત્રીસ વર્ષે વૃદ્ધત્વ ક્ષિતિજ પર પણ ડોકાયું હોતું નથી. ત્રીસથી ચાલીસનો દાયકો એવો છે, જેમાં યુવાની હજુ ગઈ નથી અને બુઢાપાને આવવાની હજુ ઘણી વાર છે. પપ્પા-દાદા-પરદાદાની પેઢી ૪૦ વર્ષના થતા સુધીમાં બુઝુર્ગની માફક વર્તવા માંડતી. અત્યારની વાત જુદી છે. હવે ત્રીસીમાં બાલિશ હરકતો ભૂતકાળ બની જાય છે, પણ રમતિયાળપણું અકબંધ રહે છે. આ એક્સટેન્ડેડ યુવાનીનો દશક છે. થર્ટીઝ એ એક્સટેન્ડેડ ટ્વેન્ટીઝ છે!
ત્રીસીમાં પ્રવેશતા પહેલાં માણસે કરિયર અને જીવનસાથી એવા બે બે અત્યંત મહત્ત્વના નિર્ણય લઈ લીધા હોય છે. આ બે નિર્ણયો સાચા લેવાયા હતા કે એમાં મોટા પાયે ગરબડ થઈ ગઈ છે તે હવે ત્રીસીના દાયકામાં સમજાય છે! તરુણાવસ્થામાં સેલ્ફ ડિસ્કવરીની, પોતાની જાતને સમજવાની પ્રક્રિયા શરૂ થઈ હોય છે. ત્રીસ-પાંત્રીસના થઈએ ત્યાં સુધીમાં ઠીક ઠીક અંદાજ આવી ગયો હોય છે કે બોસ, આપણને આ ગમે છે, આ નથી ગમતું, આપણે આવા છીએ ને આપણે આવા તો બિલકુલ નથી. ત્રીસીનો દાયકો તે રીતે સ્પષ્ટતાનો દાયકો છે.


ત્રીસીનો દાયકો સામાન્યપણે કમાવાનો, આર્થિક પ્રગતિનો ગાળો છે. જ્યોર્જ બર્નાર્ડ શોએ કહ્યું છે કે જો વીસ વર્ષની ઉંમરે તમે કમ્યુનિસ્ટ ન હો તો એનો મતલબ એ કે તમારી પાસે દિલ નથી અને ત્રીસની ઉંમરે તમે મૂડીવાદી ન હો તો એનો અર્થ એ કે તમારી પાસે દિમાગ નથી! ૧.૨૫ બિલિયન ડોલર્સની સંપત્તિ સાથે બિલ ગેટ્સ વિશ્વના સૌથી યુવાન અબજોપતિ બન્યા ત્યારે માંડ ૩૧-૩૨ વર્ષના હતા. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી ત્યારે ૩૪ વર્ષના હતા. અલબત્ત, પૈસા કંઈ માણસની સફળતા અને સત્ત્વનો એકમાત્ર માપદંડ નથી. ત્રીસથી ચાલીસનો દાયકો એવો છે જેમાં માણસ પાસે એટલી ક્ાબેલિયત આવી ગઈ હોય છે કે ધારે તો તે ચંદ્રને સ્પર્શી શકે - લીટરલી. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકયો ત્યારે ૩૮ વર્ષના હતા! મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં પહેલો સત્યાગ્રહ કર્યો ત્યારે ૩૭ વર્ષના હતા. વિવેકાનંદે શિકાગોમાં 'સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાવાળું'મશહૂર ભાષણ કર્યું ત્યારે ૩૧ના હતાં. ટેનિસસ્ટાર માર્ટિના નવરાતિલોવા ૩૩ વર્ષની થઈ ત્યાં સુધી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ જીતતી રહી.
ત્રીસથી ચાલીસની ઉંમર દરમિયાન આપણે જે ક્ષેત્રમાં હોઈએ તેમાં કમ સે કમ બે-ચાર હાઈ પોઇન્ટ્સ જરૂર આવી જવા જોઈએ. નોબેલ પ્રાઇઝ-ઓસ્કર-પદ્મવિભૂષણ પ્રકારની ઊંચા માયલી સિદ્ધિઓની જ વાત નથી, પણ આપણે જેને પ્રોફેશનલ હાઈ પોઇન્ટ ગણીએ છીએ, તે. નાના પાયે ધંધો શરૂ કરનાર ભાડાની દુકાનમાંથી શોરૂમનો માલિક બને તો તે એના માટે પ્રોફેશનલ હાઈ પોઈન્ટ છે. નાની નોકરીથી કરિયરની શરૂ કરનાર યુવાન કંપનીનો પ્રોજેક્ટ મેનેજર કે એડિશનલ જનરલ મેનેજર બને તે નક્કર તરક્કી છે. ચાલીસ થતાં સુધીમાં સફળતા અને સ્વીકૃતિને આંગળી મૂકીને દર્શાવી શકાય એવા નક્કર હાઈ પોઇન્ટ્સ પણ નહીં આવે તો ફ્રસ્ટ્રેશન શરૂ થઈ જવાનું. 'બધા આગળ નીકળી ગયા હું રહી ગયો'વાળી ફીલિંગથી પીડાતો માણસ પછી ચાલીસીમાં ઘાંઘો થવા માંડે છે, ડેસ્પરેટ થઈને ક્યારેક્ હાસ્યાસ્પદૃ વર્તન કરવા લાગે છે.
ત્રીસથી ચાલીસનો દાયકો ઘણા બધા 'સર્વપ્રથમ'નો દસકો છે. છાતીનો પહેલો સફેદ વાળ, પેટ ફરતે ઉપસેલું પહેલું ચરબીદાર ટાયર, પહેલું ફુલ બોડી ચેકઅપ, સાવ મામૂલી કોલેજમાંથી એમબીએ કરીને પહેલી જ જોબમાં અઢાર લાખનાં વાર્ષિક પેકેજ મેળવનાર ચોવીસ વર્ષના જુવાનિયાને જોઈને અનુભવેલી પહેલી લઘુતાગ્રંથિ, પહેલી વાર કાનમાં હથોડાની જેમ ઝીંકાયેલું 'અંકલ' કે 'આન્ટી'નું સંબોધન, લગ્નજીવનમાં પડી ગયેલી તિરાડને ફાડીને બહાર આવેલું પહેલું એકસ્ટ્રા મેરિટલ અફેર..! માતૃત્વ અને પિતૃત્વનો ભરપૂર અનુભવ થઈ રહ્યો છે એટલે ખુદનાં માતા-પિતા હવે વધારે સમજાવા લાગે છે, વધારે નિકટ લાગે છે. સ્ત્રી પોતાના જીવનમાં સૌથી ભરપૂર, સૌથી મધુર સંભવતઃ એ પાંત્રીસ વર્ષની હોય ત્યારે બને છે. જોકે ચાલીસનો આંકડો નજીક આવતો જાય છે તેમ તે વધુ ને વધુ સતર્ક બનતી જાય છે. ઢીલાં પડી રહેલાં સ્તનો માટે પુશઅપ બ્રાની ખરીદી થવા માંડે છે. ડ્રેસિંગ ટેબલ પર એન્ટિ-એજિંગ બ્યુટી પ્રોડક્ટ્સની જમઘટ વધતી જાય છે. શોપિંગ કરતી વખતે પત્ની ભૂલી ગઈ હોય તો પતિ  યાદ કરાવે છે:  હેર-ડાઈ પડી છે ઘરે? ખતમ થવા આવી હોય તો નવી લઈ લે...


ત્રીસીના દાયકામાં એક ક્ષણ એવી આવે છે જ્યારે કેટલાંય વર્ષોથી ઊંધું ઘાલીને દોડી રહેલો માણસ એકાએક શ્વાસ લેવા ઊભો રહે છે અને વિચારે છેઃ મેં જે દિશામાં દોટ લગાવી છે તે સાચી તો છેને? હું જિંદગીમાં ખરેખર આ જ કરવા માગતો હતો જે અત્યારે કરી રહ્યો છું? કે પછી મારું ખરું પેશન કંઈક જુદું જ છે? કરિયર બદલવાનો નિર્ણય ખૂબ મોટો છે, કારણ કે હવે પરિવારની જવાબદારી પણ નિભાવવાની છે. ત્રીસીનો દાયકો તમને જીવનમાં થોડાઘણા અખતરા કરવાના મોકા જરૂર આપે છે. કરિયરમાં અખતરા, સંબંધોમાં અખતરા. અલબત્ત, હવે આંધળુકિયાં નથી ક્રવાનાં, હવે ક્લ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું છે. હજુય શરીરમાં ખૂબ ઊર્જા ભરી છે, હજુય મન-હૃદય ઘા ખમી શકે તેટલાં મજબૂત છે અને હજુ તો અડધી જિંદગી બાકી છે! 


જિંદગી ના મિલેગી દૃોબારા'  ફિલ્મમાં એક્ સરસ સીન છે. હળવું ફુલ જીવન જીવતી મસ્તમૌલી કેરીના ક્ૈફ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક્ર હૃતિક્ રોશનને  ક્હે છે: ‘તેં  દિવસ-રાત એક્ ક્રીને બેન્ક્ બેલેન્સ તગડી ક્રી નાખી છે તો જાણે બરાબર છે, પણ જીવનના આનંદૃનું શું? ઉન ચીઝોં કે લિએ વકત નિકાલો જિસ મેં તુમ્હેં ખુશી મિલતી હો. જેમ કે cooking એ તારું પેશન છે, તો એના માટે સમય ક્ેમ કા તો નથી?' હૃતિક્ ખભા ઉછાળીને ક્હે છે: ‘યા.. ધેટ્સ ધ પ્લાન. આઈ મીન, ચાલીસનો થઈશ એટલે રિટાયર થઈને પછી...'  કેરીના એનું વાક્ય પૂરું થવા દૃેતી નથી: ‘પણ તને કેવી રીતે ખબર પડી ગઈ  કે તું ચાલીસ વર્ષ સુધી જીવવાનો છે? એની પહેલાં જિંદગી ખતમ થઈ ગઈ તો? સીઝ ધ ડે, માય ફ્રેન્ડ. પહલે ઈસ દિન ક્ો પૂરી તરહ સે જીયો. ફિર ચાલીસ કે બારે મેં સોચના...' 

મુદ્દાની વાત ક્રી નાખી કેરીનાએ. સીઝ ધ ડે... આજના દિવસને જીવી લો! જો સાન ઠેકાણે હશે અને વર્તમાનને મુઠ્ઠીમાં પકડવાની તાકાત હશે તો વીસી, ત્રીસી, ચાલીસી... જીવનના બધા જ દાયકા રળિયામણા વીતશે!                    0 0 0 

Saturday, April 20, 2013

મલ્ટિપ્લેક્સ: યારી હૈ ઈમાન મેરા


Sandesh - Sunday Sanskar purti - 21 April 2013

મલ્ટિપ્લેક્સ 

મોડા તો મોડા પણ ભારત સરકારે પ્રાણસાહેબને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કર્યા ખરા. હિન્દી સિનેમાના આ ખૂંખાર વિલનની ધાક એટલી જબ્બર હતી કે મા-બાપોએ પોતાના દીકરાનું નામ 'પ્રાણ' રાખવાનું બંધ કરી દીધું હતું૧૯૬૦ની આ વાત છે. મુંબઈના આર.કે. સ્ટુડિયોમાં 'છલિયા' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ડિરેક્ટર મનમોહન દેસાઈની આ સૌથી પહેલી ફિલ્મ. પતરાંના શેડ નીચે ખુરસી પર એ જમાનાના એક વિખ્યાત વિલન શાંતિથી બેઠા છે. એક જુવાનિયો પોતાના દોસ્તારો સાથે સેટ પર શૂટિંગ જોવા આવ્યો છે. તેને ખલનાયકનો ઓટોગ્રાફ જોઈએ છે પણ મૂંઝાઈ રહ્યો છે કે એમની પાસે જવું કઈ રીતે. આખરે હિંમત કરીને સૌ ખલનાયકની નજીક પહોંચે છે. "સર, ઓટોગ્રાફ પ્લીઝ..." કહીને ડરતો ડરતો પેલો યુવાન તેમની સામે ડાયરી અને પેન ધરી દે છે. ખલનાયક બહુ જ પ્રેમથી સૌને મળે છે. ફોટા પડાવે છે. આટલો પંકાયેલો અદાકાર, પણ સહેજ પણ અભિમાન નથી. તેમની સાલસતા અને સ્વભાવથી પ્રભાવિત થયેલો પેલો યુવાન ખુશખુશાલ થઈને વિદાય લે છે.
આ વિલન એટલે પ્રાણ... અને એમનો ઓટોગ્રાફ માગવા ગયેલો યુવાન એટલે અમિતાભ બચ્ચન! પ્રાણસાહેબ વિશે બન્ની રૂબેન નામના લેખકે '...એન્ડ પ્રાણ' નામનું જે પુસ્તક લખ્યું છે તેમાં ખુદ અમિતાભે ઉપરનો કિસ્સો વર્ણવ્યો છે.


ચાલો, મોડા તો મોડા પણ ભારત સરકારે પ્રાણસાહેબને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કર્યા ખરા.આટલાં વર્ષ સુધી એવોર્ડ્ઝના મામલામાં અવગણના થઈ તેનો પ્રાણસાહેબને ખાસ હરખશોક નથી. શા માટે હોય. ૯૩ વર્ષીય પ્રાણસાહેબને ઓડિયન્સની એકાધિક પેઢીઓનો પુષ્કળ પ્રેમ મળ્યો છે. હિન્દી સિનેમાના ઇતિહાસના તેઓ શ્રેષ્ઠતમ ખલનાયક ગણાય છે. ખૂંખાર દરિંદા તરીકે તેમની છાપ એટલી સજ્જડ પડી ગઈ હતી કે રીઅલ લાઇફમાં પણ લોકો તેમનાથી ડરતા. તેઓ કોઈના ઘરે જતા તો ઘરની સ્ત્રીઓ તેમને જોઈને ફફડી ઊઠતી, આઘીપાછી થઈ જતી. વચ્ચે મુંબઈ, દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશની સ્કૂલ-કોલેજોમાં એક સર્વે થયો હતો. તેના પરથી જાણવા મળ્યું કે પચાસના દાયકા પછી વાલીઓએ પોતાના દીકરાનું નામ પ્રાણ રાખવાનું બંધ કરી દીધું હતું! કોઈ પોતાના સંતાનનું નામ રાવણ કે દુર્યોધન ન રાખે તેમ. એક અદાકાર તરીકે આનાથી વધારે મોટી સફળતા બીજી કઈ હોવાની.
પ્રાણસાહેબની કરિયરની શરૂઆત શી રીતે થઈ? એક વાર લાહોરમાં રાતે પેટપૂજા કર્યા પછી તેઓ દોસ્તો સાથે પાનના ગલ્લે ઊભા હતા. તે વખતે એમની ઉંમર હશે માંડ ઓગણીસેક વર્ષ. એક માણસ આવ્યો. પ્રાણસાહેબને પગથી માથા સુધી ધારી ધારીને જોવા લાગ્યો. પછી કહેઃ મારું નામ વલી મોહમ્મદ વલી છે. 'યમલા જાટ' નામની પંજાબી ફિલ્મ લખી રહ્યો છું. મારા મનમાં એક મહત્ત્વનું પાત્ર છે તેમાં તું એકદમ ફિટ બેસે છે. બોલ, તું કરીશ એ રોલ? પ્રાણસાહેબ ખુશ ખુશ થઈને બોલ્યાઃ હા હા, કેમ નહીં? અને બસ, ગલ્લા પર મસ્સાલેદાર પાન ખાતાં ખાતાં તેમની કારકિર્દીનો પ્રારંભ થઈ ગયો. 'યમલા જાટ'નું કેરેક્ટર ખલનાયકનું હતું. ફિલ્મ હિટ થઈ. ત્રીજી ફિલ્મ 'ખાનદાન'માં પ્રાણસાહેબ હીરો બન્યા. નૂરજહાં તેમની હિરોઈન હતી. હીરો બન્યા હોઈએ એટલે ગીતડાં ગાવાં પડે, હિરોઈન સાથે રોમાન્સના ટાયલાં કરવા પડે. પ્રાણસાહેબને આ બધું જરાય ફાવતું નહીં. દેશના ભાગલા પછી તેઓ લાહોરથી મુંબઈ આવી ગયા અને હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે કામ કરવા માંડયા. 
૬૩ વર્ષની કારકિર્દીમાં પ્રાણસાહેબે સેંકડો ફિલ્મો ક્રી. કરડા ચહેરાવાળા વિલન બનીને કંટાળ્યા એટલે 'કશ્મીર કી કલી'માં તેમણે ખલનાયકીમાં કોમેડીમાં ઉમેરી. એ જમાનાના વિલનો માટે આ નવું હતું. એક તબક્કે કોમિક વિલન બનવાનો પણ કંટાળો આવવા માંડયો એટલે તેઓ કેરેક્ટર રોલ્સ તરફ વળ્યા. કેરેક્ટર રોલ્સ એટલે એવાં પાત્રો જે નાયક પણ નથી અને ખલનાયક પણ નથી,છતાંય ફિલ્મના કથાપ્રવાહમાં ખૂબ મહત્ત્વનાં હોય. શરૂઆત થઈ મનોજકુમારની 'શહીદ' ફિલ્મથી. તેમાં પ્રાણસાહેબ એક ખરાબ આદમી બન્યા, જે છેલ્લે સુધરી જાય છે. તે પછી આવી 'ઉપકાર'. તેમાં પ્રાણસાહેબનું મલંગચાચાનું કિરદાર ખૂબ વખણાયું.

'ઉપકાર'માં કલ્યાણજી-આણંદજીએ કંપોઝ કરેલું એક અદ્ભુત ગીત છે-કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા.' આ ગીત પ્રાણસાહેબ પર ફિલ્માવવાનું હતું. તેમની ગીતો પ્રત્યેની એલર્જી જાણીતી હતી એટલે કલ્યાણજીભાઈએ મનોજકુમારને ચેતવ્યાઃ મહેરબાની કરીને આવું સરસ ગીત પ્રાણને ન આપતા. એ ગીતની વાટ લગાડી નાખશે! બન્યું એનાથી ઊલટું. પ્રાણસાહેબે આ ગીતને ચેલેન્જ તરીકે લીધું અને એટલું સરસ પર્ફોર્મન્સ આપ્યું કે તેમના પર સૌથી પહેલો ફોન કલ્યાણજીભાઈનો આવ્યોઃ "પ્રાણસાહેબ, આપ પહલે આર્ટિસ્ટ હૈં જિન્હોંને મુંહ સે નહીં, ગલે સે હમારા ગાના ગાયા હૈ!"
પ્રાણસાહેબ વર્સેટાઈલ અને ઈન્ટેલિજન્ટ અભિનેતા છે. છાપાં-મેગેઝિનોમાં છપાતી તસવીરોમાં કોઈ ઈન્ટરેસ્ટિંગ હેરસ્ટાઇલ કે મૂછ કે ચહેરાના હાવભાવ દેખાઈ જાય તો તેઓ એ ફોટોગ્રાફ કાપીને સાચવી રાખતા. ભવિષ્યમાં જરૂર પડયે તેનો રેફરન્સ તરીકે ઉપયોગ થઈ શકે, માટે. 'જિસ દેશમેં ગંગા બહતી હૈ'માં તેઓ ડાકુ બન્યા હતા, જે ગળા પર સતત આંગળી ઘુમાવતો રહે છે. આ ચેષ્ટા કરવા પાછળ પ્રાણસાહેબનો તર્ક એવો હતો કે ડાકુને સૌથી મોટો ડર ફાંસીના માંચડે ચડવાનો હોવાનો. ગળા પર આંગળી ફેરવતા રહેવાથી આ ભય અભાનપણે તેમની વર્તણૂકમાં ઝળકતો રહે છે. પ્રાણસાહેબની આ વાતથી 'જિસ દેશ મેં...' ના ડિરેક્ટર રાજ કપૂર ખુશ થઈ ગયેલા.
'જીસ દેશમેં...' અને 'ઉપકાર' ઉપરાંત 'દિલ દિયા દર્દ લિયા', 'મધુમતી', 'વિક્ટોરિયા નંબર ૨૦૩' અને 'જંજિર' પ્રાણસાહેબની ફેવરિટ ફિલ્મો છે. 'ઝંજીર'ના શૂટિંગ દરમિયાન અમિતાભ અને પ્રાણસાહેબનો પહેલી વાર સાચા અર્થમાં આમનોસામનો થયેલો. અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજને ઘૂંટવામાં પ્રાણસાહેબનો બહુ મોટો ફાળો છે. જો વિલન તગડો હોય તો જ હીરો સશક્ત બનીને ઉભરે. બન્નેએ ૧૪ ફિલ્મોમાં સાથે કામ કર્યું. કહે છે કે આમાંની પહેલી છ ફિલ્મો (ઝંજીર, કસૌટી, મજબૂર, અમર અકબર એન્થની, ગંગા કી સૌગંધ અને ડોન) માટે પ્રોડયુસરોએ બિગ બી કરતાં પ્રાણસાહેબને વધારે ફી ચૂકવી હતી!   અમિતાભ કહે છે, "પ્રાણસાહેબ પોતાની ફિલ્મો કદી ન જોતા. 'ઝંજીર' તેમણે રિલીઝ થઈ તેનાં વીસ વર્ષ પછી જોઈ અને તે પણ આકસ્મિક્ રીતે. પછી તેમણે મને ફોન કરીને કહેલું કે અમિત, મને .'ઝંજીર'માં તારું પર્ફોર્મન્સ ગમ્યું. પ્રાણસાહેબે બબ્બે દાયકા પછી કોમ્પ્લિમેન્ટ્સ આપી તો પણ હું રાજીનો રેડ થઈ ગયો હતો!"
શો-સ્ટોપર

વિલન હંમેશાં ગજબનાક આકર્ષણ ઊભું કરે છે. તેમની પાસે સ્પષ્ટ વિચારધારા હોય છે, પ્લાન હોય છે પછી ભલેને તે ગમે તેટલા વિકૃત કે ખોટા કેમ ન હોય.
-  રસલ ક્રો (ઓસ્કર વિનર અભિનેતા)

Thursday, April 18, 2013

જીવન અંગે વિચારવા સિવાય જીવનમાં ઘણું બધું છે!


ચિત્રલેખા - અંક તા. 8 એપ્રિલ 2013

કોલમ: વાંચવા જેવું 


                                                                                         
મેરિકન લેખક હ્યુ પ્રેથરનું એક પુસ્તક છે - ‘નોટ્સ ટુ માયસેલ્ફ’. વિચારતા કરી મૂકે એવા, ચમકી જવાય એવા વિચારો અને નિરીક્ષણોનો તેમાં સંગ્રહ છે. આ નિરીક્ષણો ઘણું કરીને ખુદની અનુભૂતિઓ અને લાગણીઓનાં છે. આ પુસ્તક દસ ભાષાઓમાં અનૂદિત થયું અને દુનિયાભરમાં તેની પચાસ લાખ કરતાંય વધારે નકલો વેચાઈ. ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ને યાદ કરવાનું કારણ એ છે કે આજનું પુસ્તક ‘સમજણનું સુખ’ એના જ કુળનું છે. લેખક મૂકેશ મોદીએ તે ‘લખ્યું’ નથી. એમણે પ્રસ્તાવનામાં કહ્યું છે એમ, પુસ્તકમાં રજૂ થયેલી સમજણ લાંબા સમયગાળામાં, વિવિધ સમયે ક્લિક થયેલી તસવીરો છે.

તસવીરો ખરેખર રુપાળી છે. એમાં જીવન ધબકે છે. લેખક કહે છે:

‘અન્યોની અપેક્ષા પ્રમાણે જીવવું એ નકલી જીવન છે. મજાની વાત એ છે કે પેલો પેલાની અપેક્ષા પ્રમાણે અને પેલો પેલાની અપેક્ષા પ્રમાણે જીવવા મથે છે! આમાં જીવનની ઓથેન્ટિસિટી રહે ખરી?’

જીવનની ઓથેન્ટિસિટી એટલે કે જિંદગીનું સાચુકલાપણું.... કેટલો સુંદર શબ્દપ્રયોગ. આ જ પ્રયોગ લેખકે બીજી એક જગ્યાએ પણ કર્યો છે:

‘માનવ ઈતિહાસમાં આજ સુધી કોઈ કોઈને બદલી શક્યું નથી. હા, મહાપુરુષો અન્યોના જીવનને અસર કરી શકે છે. અને એ અસર તેઓ સ્વનું જીવન સુંદર રીતે જીવીને જ ઉપજાવી શક્યા છે. તમે પણ જો અન્યને બદલવા મથતા હો તો પહેલાં તમારે તમારું જીવન ઓથેન્ટિક રીતે જીવવું રહ્યું.’

જીવન ઓથેન્ટિક કેવી રીતે બને? જીવવામાં સચ્ચાઈ કેવી રીતે આવે? માણસ પોતાના આંતરિક લય પ્રમાણે જીવે ત્યારે. એટલે જ લેખક કહે છે કે, 

‘હું જ્યારે લયબદ્ધ અને લવબદ્ધ જીવ્યો છું ત્યારે મારી આસપાસ ફરિયાદનું કારણ રહ્યું નથી.’ 

લય અને લવ બન્ને મહત્ત્વના. માંહ્યલો કહે એમ જીવવા માટે જાતજાતના બંધનો નડતા હોય છે. જોકે લેખક કહે છે કે,

‘આપણી માની લીધેલી માન્યતાઓ સિવાય બીજું એકેય બંધન છે જ નહીં. લેટ્સ ફ્રી અવરસેલ્વ્સ ફ્રોમ સેલ્ફ!’ 

આ જરુરી છે કેમ કે - 

‘જો અને જ્યારે તમે તમારો સ્વીકાર કરો છો તો અને ત્યારે જ વિશ્વ તમને સ્વીકારશે.’ 
આત્મસ્વીકૃતિથી વધારે ગરિમાપૂર્ણ બીજું કશું ન હોઈ શકે. જીવન ક્રૂરતાપૂર્વક આપણી તરફ જે અણધાર્યાં સત્યો અને પરિસ્થિતિઓ ફેંકે છે તેનો પણ હિંમતભેર સ્વીકાર કરી લેવાનો. કારણ? 

‘જે સ્વીકારથી ડરે છે એણે જખ મારીને સ્વીકારવું પડે છે.’

આ બધી આમ તો ડાહી ડાહી અને પોઝિટિવ-પોઝિટિવ વાતો છે. એ કરવી સહેલી છે, પણ...

‘આપણે જેટલી પોઝિટિવિટીની વાતો કરીએ છીએ એટલા પોઝિટિવ હોઈએ છીએ ખરા? એટલી પોઝિટિવિટી શક્ય છે ખરી? ખાલી ખાલી પોઝિટિવ થવા કરતાં, જે છે તેનો સ્વીકાર કરી, દંભી થવાથી બચીએ તો સારું કે નહીં?’

માણસો મિત્રતાનો અને સ્નેહનો દંભ ખૂબ કરતા હોય છે. આવી સ્થિતિમાં સાચો મિત્ર કોને ગણવો?

‘મારા સુખે ખુશ થાય એ મિત્ર. નહીં કે મારા દુખમાં સાંત્વના આપવા આવે એ!’ અને સાચો સ્નેહી? ‘જે તમારા દુખના સમયે તમને હૂંફ તો આપે, પણ તમે દુખનું મૂલ્ય સમજો એ માટે સ્પેસ પણ આપે.’

જીવનમાં એક તબક્કા પછી માણસ અધ્યાત્મ તરફ આકર્ષાવા લાગે છે. લેખક અધ્યાત્મની સાદી પણ સચાટ વ્યાખ્યા બાંધતા કહે છે કે, 

‘અધ્યાત્મ અઘરી કે અટપટી વાત નથી. અધ્યાત્મ એટલે સુખની ખેવના નહીં, અધ્યાત્મ એટલે સુખ અને દુખની સાચી સમજણ.’ 

સાથે સાથે લેખક લાલ બત્તી પણ ધરે છે:

‘અધ્યાત્મ એ માનવજીવનમાં આવતું અંતિમ અને સૌથી ખતરનાક વિઘ્ન છે. માણસ એની જીવનયાત્રામાં જેટલો ક્યાંય ભ્રાન્ત નથી રહેતો, જેટલો લાંબો સમય ક્યાંય અટવાયેલો અને બંધાયેલો નથી રહેતો એટલો અધ્યાત્મના પ્રદેશમાં રહી પડે છે. અધ્યાત્મ પડાવ તરીકે ઠીક છે. અધ્યાત્મ મંઝિલ તો નથી જ.’ 
અધ્યાત્મિકતા કરતાં પ્રસન્નતા કદાચ વધારે મૂલ્યવાન છે. લેખક કહે છે કે, ‘મજા કરવા આ કે તે કરવું પડે છે, પ્રસન્ન રહેવા એટિટ્યુડ કેળવવો પડે.’ જીવનમાં આ પ્રકારની વૈચારિક સ્પષ્ટતા મહત્ત્વની છે, પણ... ‘આપણે સ્પષ્ટ હોઈએ એ જ પૂરતું નથી. આપણી સ્પષ્ટતા અંગે સામેવાળા પણ સ્પષ્ટ હોય તો મોજ પડે.’ 

લેખકે પુસ્તકમાં પાને પાને આવી વિચારકણિકાઓ વિખરી છે. નાના નાના વાક્યો અથવા તો વાક્યસમૂહો. કોઈ તમ્મર ચડાવી દે એવી ફિલોસોફી નહીં, ઉપદેશનો મારો કરીને વાચકનું જીવન સુધારી નાખવાના મરણિયા પ્રયત્નો નહીં. આ સભાનપણે વિચારાયેલા વિચારો નથી. હોઈ શકે પણ નહીં. વિચારોમાં સાદગી, સહજતા અને હળવાશ છે. પુસ્તકની માતબર પ્રોડક્શન વેલ્યુ એનાં સમૃદ્ધ content સાથે તાલ મિલાવે છે. પાનાં સજાવનાર ડિઝાઈનર રણમલ સિંધવનો વિશેષપણે ઉલ્લેખ કરવો જોઈએ. પુસ્તક આમ તો ‘ગિફ્ટ એડિશન’ છે. સૌથી પહેલાં તો પુસ્તક ગિફ્ટમાં કોઈને આપવાનું તમને મન નહીં થાય. ધારો કે આપ્યું તો સામેનો માણસ એ વાંચીને જીવન વિશે સારા સારા વિચારો કરવા પ્રેરાશે. સવાલ એ છે કે આવા વિચારો કરવાથી શું વળે? કેમ કે લેખક પોતે જ એક જગ્યાએ કહે છે કે:

‘જીવન અંગે વિચાર કરવા સિવાય જીવનમાં ઘણું બધું છે!’          0 0 0સમજણનું સુખ 

લેખક: મૂકેશ મોદી
પ્રકાશક: ડબલ્યુ.જી.બી. પબ્લિકેશન, અમદાવાદ

ફોન: ૯૧૭૩૪ ૦૪૧૪૨

કિંમત:  ‚. ૨૦૦ /
પૃષ્ઠ: ૧૧૪

                                       ૦ ૦ ૦

Tuesday, April 16, 2013

વ્હિસ્કીને વય સાથે શો સંબંધ છે?


સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ એપ્રિલ ૨૦૧૩ 

કોલમટેક ઓફ 

ખુશવંતસિંહનું રોજ સાંજે એક પેગ શરાબ પીવાનું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે.


'કાચબાની જેમ સો-સવા સો વર્ષ ખદબદવા કરતાં રેસના ઘોડાની જેમ દસ-પંદર વર્ષ દોડી લેવું સારું. ફાસ્ટ લાઇફ! કાચબો ન તો ખુલ્લી જમીન પર આવે છે કે ન તો ઊંડા પાણીમાં ઊતરે છે. બે-ચાર ફૂટ પાણીમાં અથવા બહાર સૂકા કાદવમાં ખદબદ્યા કરવાનો અને જરાક કંઈક થાય એટલે એની ઢાલમાં ઘૂસી જવાનો. કાચબાની જેમ જીવો તો જરૂર ઘણું લાંબું જીવતા રહેવાય.'
ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા 'પેરાલિસિસ'માં યુવાન થઈ રહેલી દીકરી પ્રોફેસર પિતાને આ શબ્દો કહે છે. માની કૂખમાંથી અવતરતાંની સાથે જ માણસનું જીવન ટેક ઓફ કરે છે. કેટલાં વર્ષ જીવવું તે માણસના હાથમાં હોતું નથી, પણ કેવી રીતે જીવવું - હણહણતા ઘોડાની જેમ કે ખદબદતા કાચબાની જેમ - તેના પર જરૂર આપણો અંકુશ હોઈ શકે છે. ધારો કે હણહણતા ઘોડાની જેમ સો વર્ષ જીવવું હોય તો? આનો જવાબ ભારતીય પત્રકારત્વના 'ડર્ટી ઓલ્ડ મેન' ખુશવંતસિંહ પાસે છે. ફેબ્રુઆરીમાં તેમણે ૯૮ વર્ષ પૂરાં કર્યાં. પોતાના બર્થડેની આસપાસ તેમણે એક પુસ્તક બહાર પાડયું - 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ'. આ પુસ્તકમાં તેમણે લાંબું જીવન જીવવા માટેની બાર ટિપ્સ આપી છે. શું છે તે? સાંભળોઃ
૧. સ્પોર્ટ્સમાં રસ લો. ટેનિસ, સ્ક્વોશ, બેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો . એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.
૨. માનો કે તમારાથી આમાંનું કશં થઈ શકતું ન હોય તો દિવસમાં કમ સે કમ એક વાર આખા શરીરે હાઈક્લાસ મસાજ કરાવો. મસાજથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે. યાદ રહે, અહીં નિર્દોષ હેલ્થ મસાજની વાત છે. પેલાં ભમરાળાં મસાજ પાર્લરોના મસાજ સાથે આનો કોઈ સંબંધ નથી.
૩. ખાણીપીણી પર કાપ મૂકો. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન કરો. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરે છે. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબી, તીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે ત્રણ કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી બ્રેકફાસ્ટ કરવા બેસે તે પણ ન ચાલે.
૪. રાતના ભોજન પહેલાં સિંગલ મોલ્ટ વ્હિસ્કીનો એક પેગ (એક જ હં, વધારે નહીં) લગાવવો. તેનાથી ભૂખ સારી ઊઘડે છે. આવું ખુશવંતસિંહ કહે છે, અમે નહીં.
Khushwant Singh

૫. રાત્રે ડિનર લેતાં પહેલાં તમારી જાતને કહો, દાબી-દાબીને ન ખાતો (કે ખાતી). આપણે પરિવારના સભ્યો સાથે જમવા બેસવાનું પસંદ કરતા હોઈએ છીએ, પણ ખુશવંતસિંહ નવી વાત કરે છે. તેઓ કહે છે કે એકલા જમવા બેસવું. આની પાછળનું લોજિક એ છે કે સાથે જમવામાં અલકમલકની વાતો કરતાં કરતાં આપણે એકાદ ગરમાગરમ ભાખરી વધારે ખાઈ લઈએ એવું બને.
૬. એક જ પ્રકારનું શાક ખાવું. એનો મતલબ એવો નહીં કે રોજ તેલમાં લથડપથડતું આખાં બટાકા-રીંગણાંનું મસાલેદાર ભરેલું શાક ઝાપટવું. ખુશવતસિંહનો કહેવાનો મતલબ છે કે સ્વાદના ચટાકા ન રાખવા. જમ્યા પછી ચપટી એક પાચક ચૂર્ણ ફાકી લેવું. ડિનરમાં ઈડલી-ઢોંસાનો વિકલ્પ સારો છે, કારણ કે તે આસાનીથી પચી જાય છે.
૭. ભૂલેચૂકેય કબજિયાત ન થાય એની ખાસ કાળજી રાખો. તમારાં આંતરડાં કોઈ પણ હિસાબે ચોખ્ખાં રાખો. એ માટે એનિમા લેવો પડે એમ હોય તો શરમાયા વગર એનિમા લો.
૮. ફક્ત શરીર નહીં, માનસિક શાંતિ માટે તમારું બેન્ક બેલેન્સ પણ તંદુરસ્ત હોવું જોઈએ. ભવિષ્યની જરૂરિયાતો માટે તથા સંભવિત માંદગી દરમિયાન સરખા ઇલાજ માટેની વ્યવસ્થા હોય તે પૂરતું છે.
 ૯થી ૧૨. મગજ પર કાબૂ રાખવો. વાત વાતમાં કમાન છટકે તે ન ચાલે. હસતા રહો. જૂઠું બોલીને દિલ પર બોજ ન વધારો. ઉદાર બનો. ધરમધ્યાન અને પૂજાપાઠમાં સમય વેડફવાને બદલે નવો શોખ વિકસાવો. બાગકામ, સંગીત, બાળકોને કે જરૂરતમંદોને મદદ કરવી, કંઈ પણ. ટૂંકમાં, કાયમ બિઝી બિઝી રહો.તમારા હાથ અને દિમાગ બંને ચાલતા રહેવા જોઈએ.
લાલકૃષ્ણ અડવાણી આ પુસ્તક વાંચ્યા પછી અપોઇન્ટમેન્ટ લઈને ખુશવંતસિંહને મળવા ગયા હતા. તેમણે હસીને કહેલુંં, 'સરદારજી, તમે લાંબં જીવવા વિશે જે લખ્યું છે એમાંની અગિયાર ટિપ્સ તો જાણે બરાબર છે, પણ રોજ સાંજે વ્હિસ્કીનો ગ્લાસ ગટગટાવી જવાની ટિપ મને ફાવે એવી નથી!' વ્હિસ્કીવાળું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે. પ્રખર મદિરાવિરોધીઓ દાંત કચકચાવીને, મુઠ્ઠી ઉગામીને કહેશે, કોણ કહે છે કે લાંબું જીવવા માટે માફકસરનો દારૂ પીવો જોઈએ? દારૂને અડયા વગર દીર્ઘાયુ પામેલા મહાનુભાવો વિશે કેમ સરદારજી કંઈ બોલતા નથી?
Morarji Desai
વાતમાં તથ્ય છે. જેમ કે, મોરારજી દેસાઈ આજીવન શરાબના ઉગ્ર વિરોધી રહ્યા અને તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા. ખાસ્સા મોટા થયા ત્યાં સુધી પલાંઠી વાળીને બેઠા હોય ત્યારે હાથ ટેકવ્યા વિના કે બીજી કોઈ પણ ચીજનો ટેકો લીધા વિના સટ્ટાક કરતા ઊભા થઈ શકતા. (શોખીનો કહેશે કે લાંબું જીવવા મોરારજીભાઈની જેમ સ્વમૂત્રસેવન કરવા કરતાં શરાબનું માફકસરનું સેવન કરવું શું ખોટું?)પ્રખર લોકસેવક રવિશંકર મહારાજ પૂરી એક સદી જીવ્યા હતા. તેમણે દારૂના દૂષણના વિરોધમાં ઘણું કામ કર્યું હતું. કમાલનું હતું એમનું એનર્જી લેવલ! ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન આંદોલનમાં જોડાઈને તેઓ પગપાળા ગામેગામ ફર્યા હતા અને દુકાળગ્રસ્તો માટે ફાળો ઉઘરાવવા નીકળ્યા ત્યારે ૮૯ વર્ષના હતા. કે.કા. શાસ્ત્રી આયુષ્યનું શતક પૂરું કરવા નજીક પહોંચી ગયા હતા ત્યાં છેક સુધી અમદાવાદની વિશ્વ હિંદુ પરિષદની ઓફિસમાં રોજ બે કલાક હાજરી આપવા આવતા. ૧૦૧ વર્ષ જીવેલા શાસ્ત્રીજીનું લાંબા આયુષ્ય માટેનું સૂત્ર હતું, 'કમ ખા, ગમ ખા'
Ravishankar Maharaj
ખુશવંતસિંહની માફક પ્રતિષ્ઠિત બંગાળી લેખક નીરદ ચૌધરી પણ ૧૦૨ વર્ષ સુધી ભરપૂર જીવ્યા. અંતિમ પુસ્તક બહાર પડયું ત્યારે તેઓ ૯૯ વર્ષના હતા. ૮૭ વર્ષની ઉંમરે રેડ વાઇનનો ગ્લાસ હાથમાં રાખીને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં પ્રણય રોયને 'ધ વર્લ્ડ ધિસ વીક' નામના ટીવી શો માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમણે કહ્યું હતું, "જે વસ્તુ હું નહીં કરી શકું એની મને ખબર હોય એનાથી હું કાયમ દૂર રહું છું."
વેલ, વધારે જીવવા માટે શરાબ કરતાં અનેક ગણું મહત્ત્વનું સિક્રેટ તો આ છે, અનુકૂળ ન હોય એવાં કામ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓથી દૂર રહેવું. ચિયર્સ!  
                                                               0 0 0 
Link to e-edition of Sandesh: 

Thursday, April 11, 2013

જિજ્ઞા વ્યાસમાં એવું તે શું છે?


 અમદાવાદ કૉલિંગ - અંક 7 એપ્રિલ 2013

કોલમ: Backstage

અમદાવાદની આ દરજ્જેદાર યુવા અભિનેત્રીને તમે ‘વેલકમ જિંદગી’ અને અન્ય નાટકોમાં જોઈ છે. મધુ રાયના શબ્દોમાં કહીએ તો, દર વખતે એનો અભિનય દલડું વીંધી નાખે છે!


Aathma Tara nu Aakash

ર્મ અંગીકાર કરતી હશે બિચારી... એને એમ થઈ ગયું હશે કે કોઈ ધર્મના હોઈએ તો બરાબર, બાકી કારણ વગર શું કામ મરવાનું?’

મંચ પરથી બોલાયેલો આ એનો સૌથી પહેલો ડાયલોગ. ‘દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ નામના અફલાતૂન નાટકમાં એક કૂતરીના સંદર્ભમાં આ બે વાક્યો બોલવાના હતા. ઉત્સાહી કન્યાનો આનંદનો પાર ન રહ્યો. 70 કલાકારોનો તોતિંગ કાફલો ધરાવતા નાટકનું રિહર્સલ શરુ થયું ત્યારથી મનમાં એક જ વાત રમતી હતી કે બેકગ્ર્ાઉન્ડમાં ટોળાનો હિસ્સો બની રહેવાને બદલે કશુંક બોલવાનો મોકો મળે તો કેવું સારું! ડિરેક્ટરના મનમાં આખરે રામ વસ્યા ને એણે કન્યાને આ બાવીસ શબ્દોનો ડાયલોગ બોલવા આપ્યો.  રિહર્સલ પૂરું કરીને ઘરે પહોંચી ત્યારે આ ભવ્ય ન્યુઝ share કરવા એ રીતસર ઊછળી રહી હતી: ‘મમ્મી... મને લાઈન મળી!’

કટ ટુ 2012. ગુજરાતી તખ્તા પર સીમાચિહ્નરુપ બની ગયેલાં નાટક ‘સંતુ રંગીલી’ને રિવાઈવ કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે.  સંતુનું કેન્દ્રીય પાત્ર અભિનયસામ્રજ્ઞી સરિતા જોશીએ ભજવ્યું હતું. તેમની યશસ્વી કારકિર્દીમાં સંતુનું કિરદાર સૌથી યાદગાર પૂરવાર થયું છે. અત્યંત કઠિન અને ચેલેન્જિંગ એવું આ પાત્ર, જેને કેવળ અભિનયપ્રતિભાથી છલછલતી એક્ટ્રેસ જ સાકાર કરી શકે. ‘સંતુ રંગીલી’ના લેખક મધુ રાય નવા ડિરેક્ટરને અમેરિકાથી ફોન કરીને ખાસ ભલામણ કરે છે: સંતુના રોલ માટે જિજ્ઞા વ્યાસને કન્સિડર કરજો! ખેર, અન્ય પ્રોજેક્ટ્સ, વિદેશની ટૂર વગેરેમાં રોકાયેલી હોવાને કારણે જિજ્ઞા આ અદભુત ઓફક સ્વીકારી શકી નહીં તે અલગ વાત થઈ, પણ ખુદ મધુ રાય પોતે સર્જેલા સંતુનાં પાત્રમાં સરિતા જોશીની જગ્યાએ જિજ્ઞાને કલ્પી શક્યા તે કેટલી મોટી વાત છે.

‘મમ્મી... મને એક લાઈન મળી’થી શરુ થયેલી યાત્રા એક દાયકા પછી ‘સંતુ રંગીલી’ની ઓફર સુધી વિસ્તરી તે દરમિયાન જે કંઈ બન્યું તે સ્વયં જિજ્ઞા વ્યાસ પાસેથી જ સાંભળવા જેવું છે.

‘મેં જિંદગીનું સૌથી પહેલું નાટક જોયું ત્યારે ચોથી-પાંચમીમાં ભણતી હોઈશ,’ પાક્કી અમદાવાદી જિજ્ઞા પોતાના રણકદાર અવાજમાં ‘અમદાવાદ કૉલિંગ’ને કહે છે, ‘તે હતું, શર્મન જોશીનું ‘ઓલ ધ બેસ્ટ’. તે વખતે નાટક જોઈને અંદરથી મજા આવેલી, એટલું જ. તે પછી દસમા-અગિયારમા ધોરણ દરમિયાન ‘મારે એમને ગમવું છે’ નામનું એકાંકી જોયું અને તે વખતે પહેલી વાર મને તીવ્રતાથી ફીલિંગ થઈ કે મારે અહીં ઓડિયન્સમાં નહીં, પણ સામે સ્ટેજ પર હોવું જોઈએ!’

બેન્ક ઓફિસર મમ્મી-પપ્પાએ કહ્યું કે બેટા જરુર થિયેટર કરો, પણ પહેલાં ડિગ્ર્ાી લઈ લો. ડાહી દીકરીએ માત્ર ગ્ર્ોજ્યુએશન નહીં, પોસ્ટ ગ્ર્ોજ્યુએશન પણ કરી નાખ્યું. પછી 2001માં સૌમ્ય જોશીએ જેવું ‘ફેડ-ઈન’ નામનું થિયેટર ગ્ર્ાપ શરુ કયુર્ર્ કે પહેલાં જ દિવસથી જિજ્ઞા એનો હિસ્સો બની ગઈ. 2001માં જ રાજુ બારોટે ‘કંચન કરશે ગામને કંચન’ નામનું પ્રચારનાટક ડિરેક્ટ કર્યું હતું. જિજ્ઞાનું એ સૌથી પહેલું નાટક.

with mentor Saumya Joshi


‘અને પછી આવ્યું સૌમ્યસરનું ‘દોસ્ત, ચોક્કસ અહીં...’ કે જેમાં મને પેલી લાઈન બોલવા મળી!’ જિજ્ઞા ખડખડાટ હસી પડે છે, ‘તે પછી ‘આઠમા તારાનું આકાશ’ નાટકમાં મારો પ્રોપર અને મહત્ત્વનો રોલ હતો. તે પાત્ર માટે લાંબા અને સુંદર વાળ હોવા જરુરી હતા. સુંદર તો ખબર નથી, પણ મારા વાળ લાંબા જરુર હતા... અને કદાચ એટલે મને સૌમ્યસરે સિલેક્ટ કરી હશે! પણ મારું બોડી બહુ જ સ્ટીફ (અક્કડ) રહેતું હતું. તેથી મારી બોડી લેંગ્વેજ પર મેં ખૂબ મહેનત કરી. મને ડર હતો કે મહેનત નહીં કરું કે ધાર્યું પર્ફોર્મન્સ નહીં આપું તો રોલ હાથમાંથી જતો રહેશે! એટલે છ-છ કલાક રિહર્સલ કરીને ઘરે આવું પછી રાતના એક-બે વાગ્યા સુધી જાગીને મહેનત કરું. મારી મોટી બહેને મને તે વખતે ખૂબ મદદ કરી હતી. નાટકનાં એક સીનમાં માટે એક વિશાળ પાઈપ પર નાચવાનું હતું. હું ઘરની અગાસીની પાળી પર ચડીને એની પ્રેક્ટિસ કરતી! અફકોર્સ, પાળીની બીજી તરફ બીજા ઘરની અગાસી જોડાયેલી હતી એટલે પડી જવાનો ડર નહોતો.’

કલાકાર તરીકેની શિસ્ત અને પુષ્કળ પરિશ્રમ કરી શકવાની ક્ષમતા - જિજ્ઞાના વ્યક્તિત્ત્વનાં આ બે બહુ મોટા પ્લસ પોઈન્ટ છે, જે તેનામાં ઠાંસી ઠાંસીને ભરેલી પ્રતિભાને ઑર ઝળહળતી કરી દે છે. અભિનયનાં ક્ષેત્રમાં ડગલાં માંડવાની અને સતત નિરીક્ષણ કરતાં રહીને શીખતાં રહેવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી હતી, પણ ‘આઠમા તારાના આકાશ’ નાટકથી જિજ્ઞામાં રહેલી અભિનેત્રી નક્કર અર્થમાં ઊઘડવા માંડી. આ નાટકનાં બાવન શોઝ થયા. એનએસડી, પૃથ્વી ફેસ્ટિવલ વગેરેમાં તે ભજવાયું. દરમિયાન 2005માં ‘ફેડ-ઈન’ દ્વારા અમદાવાદમાં ‘વિંગ્ઝ’ નામના ત્રણ મહિનાના થિયેટર ફેસ્ટિવલનું આયોજન થયું, જેમાં જિજ્ઞાને અલગ પ્રકારની તાલીમ મળી. તે પછી આવ્યું મુંબઈના મનહર ગઢિયા નિર્મિત ‘સાત તરી એકવીસ’ નામનું સુંદર પ્રોડક્શન, જેની સાત પૈકીની એક એકોક્તિ ‘એક નહીં લખાયેલી કવિતા’માં જિજ્ઞાએ સૌનું ધ્યાન ખેંચ્યું. મુંબઈના રંગકર્મીઓ સાથે સીધા સંપર્કમાં આવવાનો (અને તંદુરસ્ત સ્પર્ધામાં ઉતરવાનો) આ પહેલો અવસર હતો. એક સ્પર્ધા માટે તૈયાર થયેલાં ‘સૂરજવાળી રાત’ નામના એકાંકીમાં જિજ્ઞા ઈન્વોલ્વ થઈ, પણ ડિરેક્ટરને આસિસ્ટ કરવા અને લાઈટિંગની જવાબદારી સંભાળવા માટે. આ પણ તેનો પહેલો અનુભવ.

7x3 = 21 :  Ek Nahi Lakhayeli Kavita

...અને તે પછી આવ્યું પ્રોઢ મા-બાપ અને યુવાન દીકરાના સંબંધોને અદભુત રીતે પેશ કરતું ‘વેલકમ જિંદગી’. જિજ્ઞા કહે છે, ‘સૌમ્યસર નાટક લખી રહ્યા હતા ત્યારથી હું તેમની પ્રોસેસનો હિસ્સો હતો. અમણે મને માનો રોલ આપ્યો ત્યારે મારું પહેલું રિએક્શન એ જ હતું કે ઈમ્પોસિબલ... આ રોલ તો હું ન જ કરી શકું! સરે કહ્યું કે મને ઠીક નહીં લાગે તો હું તને કાઢી મૂકીશ, હું નાટકને તો નુક્સાન નહીં જ થવા દઉં, પણ તું જો તો ખરી, મહેનત તો કર... અત્યારથી કામચોરી શું કામ કરે છે? અને મેં ડરતાં ડરતાં શરુઆત કરી. સામાન્યપણે રીડીંગ દરમિયાન હું સૌથી વધારે કમ્ફર્ટેબલ હોઉં છું, પણ આ નાટક તો વાચિકમ તબક્કાથી જ અઘરું પડવા માંડ્યું. હું રડું. રાતે સૂઈ ન શકું. રિહર્સલના એ છ મહિના મારા માટે જેટલા અદભુત હતા એટલા જ ટેન્શન અને સ્ટ્રેસવાળાં પણ બની રહ્યા.’

‘વેલકમ જિંદગી’એ ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાખ્યા. વર્ષો પછી દર્શકોએ કંઈક જુદી જ નાટ્યાનુભૂતિ કરી. આ મુંબઈનું પ્રોડક્શન હતું, જેમાં અમદાવાદના કલાકારોએ તરખાટ મચાવી દીધો. જિજ્ઞામાં રહેલી દરજ્જેદાર અભિનેત્રી આ નાટકમાં સોળે કળાએ ખીલી. ‘વેલકમ જિંદગી’એ એને વિઝિબિલિટી અને વ્યાપક સ્વીકૃતિ બન્ને અપાવ્યાં. એ કહે છે, ‘આ પ્લેના 350 શોઝ ઓલરેડી થઈ ચૂક્યા છે. પણ હજુય શો હોય તે દિવસે ફફડાટ તો હોય જ. આજની તારીખેય  ‘વેલકમ જિંદગી’નો શો હોય તો બે-અઢી કલાક પહેલાં થિયેટર પર પહોંચી જવાનું અને રિડીંગ કરવાનું એટલે કરવાનું જ. આ નાટક પાસેથી મને સૌથી વધારે શીખવાનું મળ્યું છે.’

શીખવું! આંખ-કાન-દિલ-દિમાગ ખુલ્લાં રાખીને સતત શીખતા જવું અને એબ્સોર્બ કરતાં રહેવું તે જેન્યુઈન કલાકારની નિશાની છે. ‘વેલકમ જિંદગી’ પછીના સુંદર નાટક ‘102 નોટઆઉટ’માં જિજ્ઞા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સંકળાયેલી છે. ઓડિયન્સને જોકે ભરપૂર સંતોષની વચ્ચે પણ જરા તકલીફ થઈ જાય છે. ‘ફેડ-ઈન’નું નાટક હોય અને જિજ્ઞાને મંચ પર અભિનય કરતી જોવા ન મળે તો કેમ ચાલે! ‘અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’માં, અગેન, જિજ્ઞાની એક નવી છટા જોવા મળી. આ નાટકમાં એણે સહેજ લાઉડ અને કેરિકેચરિશ અભિનય કરવાનો હતો. સંભવત: આ નાટક થોડા સમયમાં રિ-લોન્ચ થવાનું છે. ‘સૂરજવાળી રાત’ નાટકને ફુલલેન્થ કરવાનું પણ આયોજન છે.

Welcome Jindagi


જિજ્ઞાએ ઓછાં પણ મહત્ત્વનાં નાટકો કર્યાં છે. એના પ્રશંશકોની સૌથી મોટી ફરિયાદ આ જ છે: આટલી તગડી એક્ટ્રેસ... કેમ વધારે નાટકો કરતી નથી? એ કેમ ચારેકોર છવાઈ જતી નથી? એનામાં ગો-ગેટર વૃત્તિનો કેમ અભાવ વર્તાય છે? જિજ્ઞા પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા સાથે જવાબ આવે છે, ‘હું એમ્બિશિયસ છું જ, પણ મારી એમ્બિશન ખૂબ બધા રુપિયા કમાઈ લેવાની કે બંગલા બંધાવીને કમ્પાઉન્ડમાં ફેન્સી ગાડીઓની વણઝાર કરી દેવાની નથી. મારી ભૂખ સરસ રોલ્સ માટે છે. મને નાટકો, સિરિયલો, ફિલ્મો બધું જ કરવું છે, મને ઓફર્સ પણ મળે છે, પણ મને એ સ્વીકારવાનું મન તો જ થાય જો સ્ક્રિપ્ટ અને રોલ દમદાર હોય. વળી, પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન સરસ રીતે થશે એવો ભરોસો મને બેસવો જોઈએ. અફકર્સ, કામ એ કામ છે અને દરેક કામમાં કંઈક ને કંઈક તો શીખવાનું હોય જ છે, પણ જો રોલ સારો ન હોય અને હું દિવસ-રાત એમાં વ્યસ્ત રહું તો મને ડરે છે કે એક કલાકાર તરીકે તે મને કરપ્ટ કરી નાખશે.’

પોતાનો માંહ્યલો કરપ્ટ ન થાય તે માટે કલાકાર સતર્ક રહેતો હોય તેનાથી સુંદર વાત બીજી કોઈ ન હોઈ શકે. આ ઈમાનદારી, આ માંહ્યલો કરપ્ટ ન થવા દેવાની જીદ જ જિજ્ઞાને બીજા કરતા અલગ પાડે છે, એને ઊંચી ભ્રમણકક્ષામાં મૂકી દે છે.

ઓલ ધ વેરી બેસ્ટ, જિજ્ઞા!                                                  0 0 0


Wednesday, April 10, 2013

હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૧૭. ગુડફેલાઝ :ગોલી માર ભેજે મેં...


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) - તા. ૧૦ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ગેંગસ્ટર વિશેની ફિલ્મોની ચર્ચા ‘ગુડફેલાઝ’ વગર અધૂરી રહી જાય. અમુક ફિલ્મી પંડિતોના મતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનું આટલું પરફેક્ટ ડિટેલિંગ ‘ધ ગોડફાધર’માં પણ થયું નથી. ફિલ્મ નંબર ૧૭. ગુડફેલાઝ 

હોલીવૂડના સૌથી તેજસ્વી ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા માર્ટિન સ્કોર્સેઝીની આ લેખમાળામાં આજે પહેલી એન્ટ્રી છે. આગળ પણ એક કરતાં વધારે વખત થશે. ‘ગુડફેલાઝ’માં સ્કોર્સેઝીએ એક ગેંગસ્ટરના જીવનનાં ત્રીસ વર્ષોનો રોમાંચક ગ્રાફ દોર્યો છે. આ ફિલ્મ જોતી વખતે તમને ‘સત્યા’, ‘કંપની’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મો જરુર યાદ આવવાની.

ફિલ્મમાં શું છે?

અંધારી રાત છે. ત્રણ માણસો કારમાં હાઈવે પર કશેક જઈ રહ્યા છે. અચાનક કયાંકથી ઠક...ઠક...ઠક અવાજ આવે છે. કારને રસ્તાની એક બાજુ ઊભી રાખી સાવચેતીપૂર્વક ડિકી ખોલવામાં આવે છે. અંદર ભયાનક રીતે લોહીલુહાણ થઈ ગયેલો માણસ કણસાતો પડ્યો છે. ઠક...ઠક અવાજ એ જ કરતો હતો. એને જોઈને ત્રણેય આદમીઓના ચહેરા તંગ થઈ જાય છે: આ હજુય મર્યો નથી, સાલો? એક માણસ આગળ આવીને પેલાનાં મુડદાલ શરીરમાં ખચ્ચ ખચ્ચ કરતા છરાના ઉપરાછાપરી ઘા કરે છે. આટલાથી જાણે સંતોષ થયો ન હોય એમ બીજો એના પર ચાર-પાંચ ગોળી છોડે છે. માંડ માંડ અટકી રહેલો માણસનો જીવ ઝાટકા સાથે ઊડી જાય છે. ત્રણમાંથી સૌથી જુવાન દેખાતા આદમીનો ચહેરો સ્ક્રીન પર સ્થિર થાય છે અને બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સંભળાય છે: ‘મન યાદ છે ત્યાં સુધી... મારે હંમેશા ગેંગસ્ટર જ બનવું હતું.’

ફિલ્મનો આ પહેલો પ્રોપર ડાયલોગ. આ વાક્ય અને લોહિયાળ ઓપનિંગ સિકવન્સ આખા ફિલ્મનો મૂડ સેટ કરી નાખે છે. વાર્તા હવે ફ્લેશબેકમાં ખૂલે છે. પેલા જુવાન આદમીનું નામ હેનરી હિલ (રે લિઓટા) છે. ન્યુયોર્કમાં ઈટાલિયન લોકોની બહુમતીવાળા વિસ્તારમાં તે પોતાનાં પરિવાર સાથે રહે છે. નાનો હતો ત્યારેથી એને પોતાના એરિયાના પૉલ સિસેરો (પૉલ સોરવિનો) નામના ગુંડાની વૈભવી લાઈફસ્ટાઈલ અને દબદબાનું ભારે આકર્ષણ હતું. ૧૯૫૫ની આ વાત. પોકેટમની માટે જોબ કરવાના બહાને તે સિસેરોની ક્લબમાં નાનાંમોટાં કામ કરવા લાગે છે. હેનરીની ક્રિમિનલ તરીકેની જિંદગીની શરુઆત આ રીતે થાય છે. ફિલ્મના પહેલાં સીનમાં એના જે બે સાથીઓ દેખાયા હતા તે જિમી કોનવે (રોબર્ટ ડી નિરો) અને ટોમી ડિવીટો (Joe પેશી) સાથે એનો ભેટો અહીં જ થાય છે. જિમીને કિમતી માલસામાન ભરેલા વાહનો ચોરવામાં ભારે મોજ પડે છે. ટોમીની તાસીર એવી છે કે સાવ ધૂળ જેવી વાતમાં એ સામેના માણસ પર ગોળી ચલાવી દેતાં એક પળનો પણ વિચાર ન કરે.

હેનરી જુવાન થાય છે. એરપોર્ટ પર કાર્ગો પ્લેનમાંથી કરોડો ડોલરનાં નકદ નાણાંની ઉપાચત કરવાનાં એક ઓપરેશનમાં હેનરીને સફળતા મળતા જ બોસ સિસેરોનોે એના પર ભરોસો બેસી જાય છે. જોકે હેનરી જાણે છે કે પોતે ગમે મોટાં પરાક્રમ કરી બતાવશે તો પણ બોસના  સૌથી અંગત વર્તુળમાં એ ક્યારેય સ્થાન પામી શકવાનો નથી. તે માટે પૂરેપૂરા ઈટાલિયન હોવું જરુરી છે, જ્યારે હેનરી હાફ-ઈટાલિયન, હાફ-આઈરિશ છે. જિમી પણ હાફ-ઈટાલિયન છે. ખેર, હેનરી આ લપ્પનછપ્પનમાં પડ્યા વિના આગળ વધતો જાય છે. કરેન (લોરિએન બ્રેકો) નામની સીધીસાદી જ્યુઈશ યુવતીના પ્રેમમાં પડે છે. માબાપ વિરોધ ન કરે તે માટે કરેન ખોટેખોટું કહી દે છે કે હેનરી હાફ-જ્યુઈશ છે.

સમય વીતતાં હેનરી, જિમી અને ટોમી ત્રણેય વધુને વધુ ખૂંખાર બનતા જાય છે. હેનરીનું લગ્નજીવન કથળી રહ્યું છે. એની કારણ એની  રખાત છે. એક વાર કોઈ કારનામામાં હેનરી અને જિમીને ચાર વર્ષની જેલ થઈ જાય છે. હેનરી જેલમાં રહીને નશીલી દવાનો ધંધો કરવા લાગે છે. આ લાઈનમાં બહુ પૈસા હોવાથી જેલમાંથી બહાર આવ્યા બાદ તે ડ્રગ્ઝની હેરાફેરી વધારી દે છે. ડ્રગ્ઝને લગતા કાયદા ખૂબ કડક છે એટલે બોસ સિસેરો એને ચેતવે છે, પણ એનું સાંભળે કોણ. ઊલટાનો એ તો જિમી, પોતાની પત્ની અને રખાતને પણ આ કામમાં લગાડી દે છે.

ખૂનખરાબાનો સિલસિલો સમાંતરે ચાલતો રહે છે. માફિયાઓના આંતરિક સંબંધોમાં હવે બદલાવ આવવા માંડે છે. સિસેરોના માણસો ટોમીની ઠંડે કલેજે હત્યા કરી નાખે છે. ૧૯૮૦માં ડ્રગ્ઝના એક ઓપરેશન દરમિયાન હેનરી પાછો પકડાઈ જાય છે. એ ખુદ ડ્રગ એડિક્ટ બની ચૂક્યો છે. કરેન એને જામીન પર છોડાવે છે. કરેને ગભરાઈને ઘરમાં નશીલી દવાનો મોંઘોદાટ જથ્થો હતો તેનો નાશ કરી નાખ્યો હતો. હેનરી પાસે હવે ફૂટી કોડી પણ બચી નથી. સિસેરો મોં ફેરવી લે છે. જિમીના રંગઢંગ પણ બદલાઈ ગયા છે. હેનરી નિર્ણય લે છે કે પોતાની અને ખુદના પરિવારની સલામતી માટે એફબીઆઈના ખબરી બની જવું. તે અદાલતમાં જિમી અને અન્યો વિરુદ્ધ જુબાની આપે છે. ફિલ્મનો આ ક્લાઈમેક્સ છે. હેનરીનો હવે માફિયાગીરી સાથેનો નાતો સંપૂર્ણપણે કપાઈ ગયો છે. બસ, હવે જિંદગીના વધ્યાઘટ્યાં વર્ષો સડક પરના કોઈ પણ મામૂલી માણસની જેમ બોરિંગ અને બીબાંઢાળ ઢબે જીવી નાખવાનાં છે. આ કેફિયત પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની 

‘ગુડફેલાઝ’ સાચુકલાં પાત્રો અને બનાવો પર આધારિત ફિલ્મ છે. નિકોલસ પિલેગી નામના ન્યુયોર્કના એક ક્રાઈમ રિપોર્ટરે ‘વાઈઝ ગાય’ નામનું નોન-ફિક્શન પુસ્તક લખ્યું હતું. તેમાં અસલી હેનરીએ ગેંગસ્ટર તરીકે જીવેલાં જીવન વિશેનું ગજબનું ઝીણવટભર્યું લખાણ હતું. ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીએ પહેલાં પુસ્તકનો રિવ્યુ વાંચ્યો, પછી આખું પુસ્તક વાંચી ગયા. માફિયાઓ વિશેનું આટલું અધિકૃત લખાણ ેએમણે અગાઉ ક્યારેય નહોતું વાંચ્યું. પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો ત્વરિત નિર્ણય લઈ એમણે લેખક નિકોલસને ફોન જોડ્યો: ‘મને એવું લાગે છે કે જાણે હું આખી લાઈફ આ જ પુસ્તકની રાહ જોઈ રહ્યો હતો.’ નિકોલસે તરત સામો જવાબ આપ્યો: ‘...અને મને એવું લાગે છે કે આખી લાઈફ હું આ જ ફોનની રાહ જોઈ રહ્યો હતો!’સૌથી પહેલું કાસ્ટિંગ રોબર્ટ ડી નીરોનું થયું. સ્કોર્સેઝી ખરેખર તો અલ પચીનોને જિમીના રોલમાં લેવા માગતા હતા, પણ પચીનોએ ના પાડી. આ ઈનકારનો અફસોસ પછી એમને જિંદગીભર રહ્યો! પ્રોડ્યુસર ઈરવિન વિન્કલરના મનમાં મેઈન હીરો-હિરોઈન તરીકે એટલે કે પાત્ર માટે બે નામ હતાં: ટોમ ક્રુઝ અને પોપસ્ટાર મડોના. શૉન પેનનું નામ પણ વિચારાયું હતું. આખરે રોબર્ટ ડી નીરોએ રે લિઓટા નામના પ્રમાણમાં ઓછા જાણીતા એક્ટરનું નામ સૂચવ્યું. લિઓટાએ ખુદ આ રોલ માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. પ્રોડ્યુસરની જરાય ઈચ્છા નહોતી કે લિઓટાને લેવામાં આવે. એક વાર તેઓ રેસ્ટોરાંમાં જમી રહ્યા હતા ત્યારે લિઓટા વગર કહ્યે એમને મળવા પહોંચી ગયો. ‘સર, મન તમારી ફક્ત બે મિનિટ જોઈએ છે’ કહીને એણે પ્રોડ્યુસર સામે એવી જોરદાર રજૂઆત કરી કે બીજા દિવસે પ્રોડ્યુસરે સ્કોર્સેઝીને કહી દીધું: હીરોના રોલમાં લિઓટાનું ડન કરી નાખો!

મૂળ પુસ્તકના લેખક નિકોલસ પિલેગીએ સ્ક્રિપ્ટના બાર ડ્રાફ્ટ્સ લખ્યા હતા. માર્ટિન સ્કોર્સેઝીએ એક્ટરોને દશ્યોને પોતપોતાની રીતે  ભજવવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ખૂબ રિહર્સલ્સ થતાં, ઈમ્પ્રોવાઈઝેશન્સ થતાં. એક્ટરો નવી લાઈનો ઉમેરતા. આમાંથી જે કંઈ શ્રેષ્ઠ નીપજે તેને સ્કોર્સેઝી મૂળ સ્ક્રિપ્ટમાં સામેલ કરી દેતા. લિઓટા અને જા પેશીનો એક ‘યુ થિન્ક આઈ એમ ફની?’વાળો એક સીન છે, જે સંભવત: ફિલ્મનું સૌથી યાદગાર અને શ્રેષ્ઠ દશ્ય છે. તે આ જ રીતે ઈમ્પ્રોવાઈઝ થયું હતું. સ્કોર્સેઝી આખી ફિલ્મને અઢી કલાકના ટ્રેલર જેવી ફાસ્ટ-પેસ્ડ બનાવવા માગતા હતા. તેમના હિસાબે તો જ માફિયાઓની લાઈફસ્ટાઈલ અને વરણાગીપણું વ્યવસ્થિતપણે ઝીલી શકાય એમ હતું. સ્કોર્સેઝી જાણે ઓડિયન્સનો હાથ પકડીને માફિયાઓના જીવનમાં, તેમનાં ઘરોમાં લઈ જાય છે. ફિલ્મમાં પાર્ટીઓ, ખાણીપીણી, જુગાર અને ફક્કડ લાઈફસ્ટાઈલનાં દશ્યોને ખૂનામરકી અને હિંસાનાં દશ્યો જેટલું જ મહત્ત્વ મળ્યું છે.

‘ટેક્સી ડ્રાઈવર’ અને ‘રેજિંગ બુલ’ ફિલ્મો બનાવીને માર્ટિન સ્કોર્સેઝીએ હોલીવૂડમાં પોતાની સજ્જડ છાપ ઊભી કરી હતી. ‘ગુડફેલાઝ’થી આ છાપ ઓર મજબૂત થઈ. ફિલ્મના ટ્રાયલ દરમિયાન આશ્ચર્ય થાય એટલા બધા ખરાબ પ્રતિભાવ મળ્યા હતા, પણ તે રિલીઝ થયા પછી ઓડિયન્સ અને સમીક્ષકો એના પ્રેમમાં પડી ગયા. હોલીવૂડની ઓલટાઈમ ગ્રેટ ગેંગસ્ટર્સ મુવીઝમાં ‘ગુડફેલાઝ’નું નિશ્ચિત સ્થાન છે. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઈટિંગ, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (લોરિએન બ્રેકો) અને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (જા પેશી). Joe પેશી અવોર્ડ જીતી ગયા. આ ફિલ્મનું કોઈ એક પાત્ર જો સૌથી યાદ રહી જતું હોય તો તે છે Joe પેશીનું વાતવાતમાં ભડકી ઉઠતા ટોમીનું જ છે. ફિલ્મમાં ગાળોની રમઝટ છે. ‘એફ’ પરથી શરુ થતી અંગ્રજી ગાળ ૨૯૬ વખત બોલાય છે. મતલબ કે દર ૨.૦૪ મિનિટે એક વાર. આમાંથી અડધોઅડધ વખત એફ-વર્ડ Joe પેશીનું કિરદાર બોલે છે!

 ‘ગુડફેલાઝ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : માર્ટિન સ્કોર્સેઝી
Original લેખક   : નિકોલસ પિલેગી
સ્ક્રીનપ્લે          : નિકોલસ પિલેગી અને માર્ટિન સ્કોર્સેઝી
કલાકાર           : રોબર્ટ ડી નીરો, રે લિઓટા, Joe પેશી, લોરિએન બ્રેકો  
રિલીઝ ડેટ        : ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૦
મહત્ત્વના અવોર્ડઝ: Joe પેશીને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલનો ઓસ્કર

૦૦૦૦૦૦૦૦૦