Saturday, May 19, 2012

પોળપુરાણ ચિત્રલેખા  અંક તા. ૧૪ મે ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 


                                                                                         
‘વોટ ઈઝ ખાડિયા?’

આ સવાલ ૧૯૪૨ની હિંદ છોડો ચળવળના દિવસોમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં પૂછાયો હતો. વિચાર કરો કે બ્રિટીશ શાસકો સુધ્ધાંએ જેની નોંધ લેવી પડે એવો અમદાવાદનો આ વિસ્તાર એ અરસામાં કેવો ગાજ્યો હશે. વાસ્તવમાં માત્ર ખાડિયા જ નહીં, અમદાવાદના આખા પોળ વિસ્તારની રચના અને તાસીર જ એવાં છે કે આ પ્રકારના માહોલમાં એ ‘ન્યુઝમેકર’ બન્યા વગર ન રહે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમદાવાદની પોળોનું બુદ્ધિધન અને યુવાધન અગ્રેસર રહ્યું હતું. અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા ત્યારે ૬૦ બંગાળી વિદ્યાર્થી ખાડિયાની ધોબીની પોળમાં રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ ખરેખર તો ક્રાંતિકારી હતા. ખેર, આક્રમકતા અને ઝનૂન તો પોળનો એક રંગ થયો. આજનાં પુસ્તકમાં અમદાવાદના પોળકલ્ચરનું આખેઆખું શેડકાર્ડ પેશ થયું છે.

પોળ વચ્ચે પોળ થઈને ગૂંથાતી આ પોળો
એકસરખી લાગે બધ્ધી જોઈ આંખો ચોળો

લેખિકાએ પુસ્તકમાં દિનેશ ડોંગરે લિખિત કવિતાની આ પંક્તિ ટાંકી છે જે પોળોની જટિલ ભૂગોળને આબાદ વ્યક્ત કરે છે. સાંકડા રસ્તા, અસંખ્ય પોળ, પોળમાં બીજી પોળ, પોળમાં ખાંચો એટલે કે ખડકી, ખડકીથી ગલી અને ગલીકૂંચી પછી રસ્તો! આ ભુલભુલામણી એવી તો કમાલની છે કે ભલભલો તીસમારખાં એમાં ભુલો પડી શકે! અમુક ઘર તો એવાં છે કે એનાં બારણાં ત્રણ-ત્રણ પોળમાં પડે છે. પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટે એક સરસ વાત નોંધી છે. રાયપુરમાં પખાલીની પોળ અને લાંબા પાડાની પોળ પાસેપાસે છે. શહેરમાં રમખાણો થાય ત્યારે લાંબા પાડાની પોળના છોકરા તોફાન કરે અને પોલીસના હાથનો માર પખાલીની પોળના છોકરાઓએ ખાવો પડે. ‘પાડાના વાંકે પખાલીને ડામ’ કહેવત આ રીતે પડી છે!

પોળ શબ્દ સંસ્કૃત ‘પ્રતોલી’ પરથી ઉતરી આવ્યો છે. સોલંકીયુગમાં પોળ ‘પાડા’ તરીકે ઓળખાતી. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલાં ભારતના એકમાત્ર શહેર અમદાવાદનો ઐતિહાસિક વારસો આ પોળોમાં સરસ રીતે સચવાયો છે. પોળ છેક મોગલકાળમાંય અસ્તિત્ત્વ ધરાવતી હતી. અમદાવાદના ૬૦૦ વર્ષના ઈતિહાસ દરમિયાન કેટલીય પોળ બંધાઈ અને કેટલીય નષ્ટ પામી. તેમ છતાં આજેય ૬૦૦થી વધારે પોળમાં આશરે ૬૦ હજાર જેટલાં મકાન એકમેકના ખભે હાથ મૂકીને ખુમારીથી ઊભાં છે.

લેખિકાએ પોળમાં પરિભ્રમણ અહીંની જીવનશૈલીને નજીકથી નિહાળી છે અને ખૂબ બધું રિસર્ચ કરીને કંઈકેટલીય રસપ્રદ માહિતી એકઠી કરી છે. પોળની બાંધણીમાં બે પ્રકાર જોવા મળે દુકાનો સહિતનાં મકાનોવાળી પોળ અને માત્ર રહેઠાણવાળી પોળ. જૂનાં બાંધકામમાં જમીનથી ઉપર ઓટલો અને ઓટલા ઉપર મકાન બાંધવામાં આવતું. ઘરની વચ્ચોવચ્ચ ચોક હોય. હવેલી જેવાં દેખાતાં મકાન વધુ મોટાં હોય. તેમાં સુંદર મજાની કોતરણી અને કાષ્ઠકલાના નમૂના જોવા મળે. લાકડાંની ફ્રેમવર્કને કારણે આ મકાન ધરતીકંપના આંચકા વધારે તાકાતથી ઝીલી શકે છે. તેથી જ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપમાં પોળનાં મકાનોને ઓછ  નુક્સાન થયું હતું. ચબૂતરા યા તો પરબડી પણ પોળની આર્કિટેક્ચરનો મહત્ત્વનો હિસ્સો છે.કેટલીક હવેલીમાં ચોરદરવાજા ઉપરાંત ગુપ્ત ભોંયરાં પણ જોવા મળે. જેમકે, ધોબીની પોળમાં ‘વારસો’ નામની હવેલીમાં એક ભોંયરું છે, જે છેક ભદ્રના કિલ્લા તરફ બહાર નીકળે છે! આ ભોયરું માણસ ઘોડા પર સવાર થઈને આરામથી પસાર થઈ શકે એટલું પહોળું છે. જૂના જમાનામાં આવાં ભોંયરાંનો ઉપયોગ ગુપ્ત સંદેશાની આપલે કરવા માટે થતો. સાંકડી શેરીમાં સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના જેવી દોઢસો વર્ષ જૂની દીવાનજીની હવેલી છે. એમાં ૨૦ ઓરડા ઉપરાંત અન્ડરગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ પણ છે!

પોળ કલ્ચર ગરીબ અને તવંગરને એક જ સ્તર પર ખેંચી આવવાની તાકાત હંમેશા હતી. જે પોળમાં મિલમાલિક રહેતો હોય એ જ પોળમાં એ મિલનો મજૂર પણ રહેતા હોય. પોળનાં નામોની પાછી અલગ જ મજા છે. અમુક નામ જ્ઞાતિવાચક છે (દરજીનો ખાંચો, માળીની પોળ, હજામની પોળ, પટેલની ખડકી), અમુક નામ વ્યક્તિવાચક છે (ગાલા ગાંધીની પોળ, અબુ ભટ્ટનો ખાંચો, મહોમદ જમાદારની ગલી, ભાભા પારસનાથનો ખાંચો), અમુક નામ દેવદેવીવાચક છે (શ્રીરામજીની શેરી, લક્ષ્મીનારાયણની પોળ, પંચમુખી હનુમાનનું ડહેલું) તો અમુક  પશુપંખીવાચક છે પોળ, દેડકા પોળ, ચામાચીડિયાની પોળ, ખિસકોલા પોળ, વાઘણ પોળ, બકરી પોળ)!

અખા ભગત અને કવિ દલપતરામ સહિત કેટલાય જાણીતા કવિ, સંતમહાત્મા, ઉદ્યોગપતિ, કલાકાર અને ક્રાંતિકારી જે ગલીઓમાં જીવન વીતાવી ચૂક્યા છે એ પોળો હવે તૂટવા લાગી છે. પરિવર્તન એ સમયનો નિયમ છે. પોળ પણ એમાંથી શી રીતે બાકાત રહે? માંડવીની પોળ વાસણબજારમાં તબદીલ થઈ ગઈ છે, પાદશાહની પોળમાં હવે કાપડબજાર ધમધમે છે, તો રાયપુર ચકલામાં વસ્ત્રભંડારો થઈ ગયા છે. એવા કેટલાય અમદાવાદીઓ છે જે પોળ છોડીને નવા અમદાવાદનાં રેસિડેન્શિયલ કોમ્પલેક્સીસમાં શિફ્ટ થાય તો છે, પણ પછી થોડા જ સમયમાં પોળ કલ્ચરને તીવ્રતાથી મિસ કરવા લાગે છે.


‘અમદાવાદની પોળમાં’ એક પરફેક્ટ કોફી-ટેબલ બુક છે. શ્રેષ્ઠ પ્રોડક્શન વેલ્યુ, અફલાતૂન ક્વોલિટી ધરાવતા ચિક્કાર ફોટોગ્રાફ્સ, માપસરનું લખાણ અને અફકોર્સ, ઊંચી કિંમત. પુસ્તકમાં ખાડિયા, કાળુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર અને રાયખડની પોળોની સંપૂર્ણ સૂચિ  ઉપરાંત પોળનાં મકાનોનાં નક્શા તેમજ રેખાંકન પણ છે, જે લેખિકાની સજ્જતાનો પૂરાવો છે. લેખિકાની ભાષા સરળ છે, જે વધારે સફાઈદાર હોઈ શકી હોત. આપણી ભાષામાં કોફીટેબલ બુક્સ ઓછી બને છે ત્યારે ‘અમદાવાદની પોળમાં’ને ઉમળકાભેર વધાવી લેવા જેવું છે.                                                          0 0 0


અમદાવાદની પોળમાં 
લેખિકાઃ રિદ્ધિ પટેલ
 પ્રકાશકઃ ઓમ પબ્લિકેશન,  અમદાવાદ - ૬
વિક્રેતાઃ  નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમતઃ  રૂ. ૧૨૦૦ /
પૃષ્ઠઃ ૧૨૮

                                                               


પાવરફુલ પરિણીતી


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૨0 મે ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સુપર ટેલેન્ટેડ પરિણીતી ચોપડાની ગાડી ધારી દિશામાં અને ધારી ગતિએ ચાલતી રહી તો એ કઝિન પ્રિયંકાને જ નહીં, પણ ઈન્ડસ્ટ્રીની કેટલીય જુનિયર-સિનિયર હિરોઈનોને ભારે પડવાની છે! ક્રોધે ભરાઈને ડોળા તગતગાવે છે ત્યારે આપણને થાય કે સામેનો માણસ એની આંખોની અગ્નિથી ત્યાં ને ત્યાં સળગી જશે. એ ચાગલી થઈને માબાપ સામે જીદ કરે ત્યારે આપણને થાય કે અંકલઆન્ટી અબ ઘડીએ પીગળી જશે. એ પ્રેમનાં ગીત ગાય ત્યારે એના ચહેરા પરની મુગ્ધતા જોવા જેવી હોય. સંબંધમાં ફટકો પડે ત્યારે એની સાથે સાથે દર્શકને પણ ફીલ થાય. છેલ્લે કયા નવા નિશાળીયાએ અભિનય દ્વારા લાગણીઓનું આટલું અસરકારક પ્રદર્શન કર્યુ હતું? 

યેસ, અ સ્ટાર ઈઝ બોર્ન! વાત થઈ રહી છે પરિણીતી ચોપડાની. ટેલેન્ટના તોપગોળા જેવી પરિણીતીના લાગલગાટ બીજા ધમાકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તરંગો ફેલાઈ ગયા છે. પરિણીતીએ પહેલો ધડાકો કર્યો હતો પોતાની પહેલી જ ફિલ્મ ‘લેડીઝ વર્સસ વિકી બહલ’થી. ૨૦૧૧માં રિલીઝ થયેલી ‘લેડીઝ...’માં પરિણીતી મેઈન હિરોઈન નહોતી, તો પણ. રણવીર સિંહની એ બીજી ફિલ્મ હતી એટલે સૌને એ જાણવાની તાલાવેલી હતી કે જોઈએ તો ખરા, ‘બેન્ડ બાજા બારાત’ પછી ભાઈસાહેબ આ વખતે કેવુંક ઉકાળે છે. એની સામે હિરોઈન હતી અનુષ્કા શર્મા. લટકામાં સપોર્ટિંગ આર્ટિસ્ટ જેવી બીજી ત્રણ લેડીઝ હતી. પરિણીતી એમાંની એક. મજાની વાત એ થઈ કે ઓડિયન્સને આખી ફિલ્મમાંથી પરિણીતી સૌથી વધારે યાદ રહી. બીજા બધા એક બાજુ ધકેલાઈ ગયા. પરિણીતી પર બેસ્ટ ન્યુકમર (ફિમેલ) માટેના લગભગ તમામ ફિલ્મી અવોડર્ઝનો વરસાદ વરસી ગયો.

એ પછી ગયા અઠવાડિયે ‘ઈશકઝાદે’ રિલીઝ થઈ. એમાં પરિણીતી મુખ્ય નાયિકા છે. યશરાજ જેવું બેનર હોય અને અર્જુન બોની કપૂર જેવો બ્રાન્ડ ન્યુ હીરો આ ફિલ્મથી લોન્ચ થવાનો હોય એટલે દેખીતી રીતે જ ઓડિયન્સના મનમાં થોડી ચટપટી હોવાની.  વેલ, ફિલ્મ ધારી હતી એવી દમદાર તો સાબિત ન થઈ પણ, અગેન, પરિણીતી મેદાન મારી ગઈ. કોઈને અર્જુન ગમ્યો, કોઈને ન ગમ્યો, કોઈને એ કાચો લાગ્યો તો કોઈને પ્રોમિસિંગ લાગ્યો, પણ એક વાતે સૂંપર્ણપણે એકમતી સધાઈઃ ‘ઈશકઝાદે’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે પરિણીતીનો જાનદાર અભિનય. પરિણીતી ચોપરા એક લાંબા રેસની ઘોડી છે અને બોલીવૂડમાં તે બહુ લાંબી ઈનિંગ્સ ખેલવાની છે એ બાબતમાં હવે કોઈને શંકા રહી નથી.પરિણીતી ચોપડા અને પ્રિયંકા ચોપડાના પપ્પા સગા ભાઈ થાય એ હવે બધા જાણે છે. પરિણીતીએ ગઈ બારમી મેએ ચોવીસ વર્ષ પૂરાં કર્યાં. એ હરિયાણાના અંબાલા શહેરમાં મોટી થઈ છે. ભણવામાં એ બ્રાઈટ હતી. બારમું કર્યાં પછી આગળ ભણવા એ ઇંગ્લેન્ડ ગઈ. માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાયનાન્સ અને ઈકોનોમિક્સમાં ડિગ્રાી મેળવી. ઈન્ડિયા પાછી આવીને એ યશરાજ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે જોબ કરવા લાગી. એ વખતે ‘બેન્ડ બાજા બારાત’નું શૂટિંગ ચાલતું હતું અને અનુષ્કા શર્માનું ખાતું પરિણીતીને સોંપવામાં આવ્યું. અનુષ્કા એના રંગઢંગ પરથી સમજી ગઈ હતી કે આ છોકરી કંઈ માર્કેટિંગફાર્કેટિંગમાં ઝાઝું ખેંચે એવી નથી. એ પરિણીતીની ટાંગ ખેંચ્યાં કરતીઃ એ નૌટંકી! માર્કેટિંગનું નાટક શું કામ કરે છે? તું હિરોઈન જ બનવાની છે, મને ખબર છે! પરિણતી આંખો પહોળી કરીને કહેતીઃ શટ અપ! હંુ તારી મેનેજર છું. મારી સાથે આ રીતે વાત ન કર!

અનુષ્કા સાચી હતી. ‘લેડીઝ વર્સસ રિકી બહલ’માં અનુષ્કા અને પરિણીતી બન્નેને કાસ્ટ કરવામાં આવી. પરિણીતી એક મુલાકાતમાં કહે છે, ‘મેં તો ક્યારેય વિચાર્યુર્ં પણ નહોતું કે મોટી થઈને હું એક્ટ્રેસ બનીશ (ઈન્ડસ્ટ્રીમાં આવું બોલવાની જૂની ફેશન છે). સ્કૂલ કોલેજમાં મને ક્યારેય એક્ટિંગ કરવામાં રસ પડ્યો નહોતો. મને હંમેશા થતું કે એક્ટર લોકોએ તો ખાલી ડિઝાઈનર કપડાં પહેરવાનો હોય, મેકઅપ ચોપડીને રૂપાળા દેખાવાનું હોય અને કેમેરા સામે ચારપાંચ લાઈનો બોલીને બેસી જવાનું હોય, બસ. એક્ટિંંગને બુદ્ધિ અને મહેનત સાથે શું લાગેવળગે? (લો બોલો, કઝિન પ્રિયંકા ચોપડા ઓલરેડી મોટી સ્ટાર બની ગઈ હતી તોય પરિણીતીને આવું લાગતું હતું!) પણ એ તો હું યશરાજમાં માર્કેટિંગ મેનેજર તરીકે જોઈન થઈ અને ફિલ્મમેકિંગની વિધિ નજીકથી જોઈ ત્યારે મને સમજાયું કે બોસ, એક્ટર બનવું એ ખાવાના ખેલ નથી.’

પ્રિયંકા અને પરિણીતીને એકબીજા સાથે સારંુ બને છે. કમસે કમ જાહેરમાં તો ખરું જ. બેય જણીયું જે રીતે ટિ્વટર પર એકબીજાને પાનો ચડાવતા મેસેજ મોકલીને ભગિનીપ્રેમનું પ્રદર્શન કરતી રહે છે એ જોઈને ઘણા વાંકદેખા કહેતા હોય છે કે આ તો બધો દેખાડો છે. હકીકતમાં એમને ઊભંુ બનતું નથી. કોઈ આવું કહે એટલે પરિણીતીની કમાન છટકે છે, ‘હું શું કામ પ્રેમનું નાટક કરું? પ્રિયંકા મારી કઝિન છે અને મને એના માટે ખરેખર લાગણી છે. કોઈ પણ નોર્મલ પિતરાઈ બહેનો વચ્ચે હોય એવો અમારો સંબંધ છે. સ્વભાવે અમે બેય સાવ સરખી છીએ. હું એના સેન્ડલ એને પૂછ્યા વિના ઉપાડી જાઉં તો એ કંઈ નહીં બોલે, પણ મેં જો મિડીયા સામે કંઈક ભાંગરો વાટ્યો હોય તો એ મને તતડાવી નાખશે! પ્રિયંકા બરાબર જાણતી હોય છે કે અમુક સિચ્યુએશનમાં કે અમુક લોકો સાથે હું કેવી રીતે વર્તીશ. એ મને હંમેશા સાચી સલાહ આપે છે. નવી ફિલ્મ સાઈન કરતાં પહેલાં હું એની સાથે ચર્ચા જરૂર કરું છું.’

Sweet siblings: Priyanka Chopra and Parineeti Chopra


પરિણીતીની બે નવી ફિલ્મો આવી રહી છે. એકના ડિરેક્ટર છે ‘બેન્ડ બાજા બારાત’ ફેમ મનીશ શર્મા (ફિલ્મનું ટાઈટલ સંભવતઃ ‘એક વેનિલા દો પરાઠે’ છે) અને બીજી ‘પરિણીતા’વાળા પ્રદીપ સરકારની ફિલ્મ. મનીશ શર્માવાળી ફિલ્મમાં પરિણીતીનો હીરો બીજો કોઈ નહીં ને પ્રિયંકાનો એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર છે.

પ્રિયંકા સુપર ગ્લેમરસ છે. પરિણીતી પાસે મોટી બહેન જેવું ગ્લેમર નથી. સહેજ જાડુડીપાડુડી પરિણીતી જોકે મીઠડી અને ક્યુટ તો દેખાય જ છે. એ જો સહેજ વજન ઘટાડે તો એના માટે ગ્લેમરસ અવતાર ધારણ કરવો રમતવાત છે. પ્રિયંકા ઈન્ડસ્ટ્રીમાં હમણાં દાયકો પૂરો કરશે, જ્યારે પરિણીતીએ હજુ બે જ ફિલ્મો કરી છે. આમ છતાંય એક વાત લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે કે પ્રિયંકા કરતાં  પરિણીતી ઘણી વધારે દમદાર એક્ટ્રેસ છે. પ્રિયંકાને ઘરઆંગણે તીવ્ર સ્પર્ધા ઊભી થઈ છે. જો પરિણીતીની ગાડી ધારી દિશામાં અને ધારી ગતિએ ચાલતી રહી તો એ એકલી પ્રિયંકાને જ નહીં, પણ અનુષ્કાઓ અને કરીનાઓ સહિત ઢગલાબંધ હિરોઈનોને ભારે પડે એમ છે!

શો-સ્ટોપર

રામગોપાલ વર્માએ મને અનેક પડકારજનક ભુમિકાઓ આપી છે (સરકાર, નિઃશબ્દ, રામગોપાલ વર્મા કી આગ) અને એ ભજવવાની મને બહુ જ મજા આવી છે. એ ફિલ્મો વખણાઈ કે નહીં કે એણે તોતિંગ બિઝનેસ કર્યો કે નહીં તે તદ્દન જુદી વાત છે.

-  અમિતાભ બચ્ચન 

Saturday, May 12, 2012

ખબર અબ તક


   દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ -  ૧૩ મે ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સ્ટાર ન્યુઝ ચેનલનું નામ બદલાઈને શા માટે એબીપી ન્યુઝ થઈ જવાનું છે? ઈમેજિન ટીવી ચેનલ કેમ અણધારી બંધ થઈ ગઈ? ટીવી ચેનલોની દુનિયામાં ઘણી ઉથલપાથલ થઈ રહી છે...


ન્યુઝ ચેનલ પર આજકાલ એક ઈનહાઉસ એડ પ્રસારિત થાય છે. બે આદમીઓ વાતો કરી રહ્યા છે. એક જણો ખરખરો કરતો હોય એમ બોલે છે, ‘આ મારા બેટા ‘સનસની’વાળા... આટલા વર્ષોથી શો જોઉં છું.... મારો દીકરો આખો દી’ એના એન્કરની નકલ કરતો હોય છે... આવો હાઈક્લાસ કાર્યક્રમ... આ આખેઆખો શો સ્ટાર ન્યુઝ ચેનલ પરથી બીજી ચેનલ પર જતો રહેવાનો છે, બોલો! આવું તે કંઈ હોતું હશે?’ બન્નેની વાત સાંભળી રહેલો ત્રીજો માણસ ટમકું મૂકે છેઃ ‘ભાઈસા’બ, ‘સનસની’ શો ક્યાંય જવાનો નથી. એ ત્યાંનો ત્યાં જ છે. ફક્ત ચેનલનું નામ બદલાઈ ગયું છે. સ્ટાર ન્યુઝ ચેનલ પહેલી જૂનથી એબીપી ન્યુઝ તરીકે ઓળખાશે, એટલું જ!’

સ્ટાર ન્યુઝ જેવી જામેલી ચેનલનું નામાંતરણ શા માટે કરવું પડે? મિડીયા મહારથી રુપર્ટ મર્ડોકના સ્ટાર ગ્રાુપ અને કોલકાતાના આનંદ બઝાર પત્રિકા (એબીપી) ગ્રાુપ વચ્ચે આઠ વર્ષ અગાઉ જોઈન્ટ વન્ચર થયું હતું. ૭૪ ટકા હિસ્સો એબીપીનો હતો, ૨૬ ટકા હિસ્સો સ્ટારનો હતો. મિડીયા કન્ટેન્ટ એન્ડ કમ્યુનિકેશન્સ સર્વિસીસ (એમસીસીએસ) પ્રાઈવેટ ઈન્ડિયા હેઠળ તેઓ ન્યુઝ ચેનલ્સ ઓપરેટ રહ્યાં કરી હતાં. આટલા લાંબા અસોસિયેશન પછી તાજેતરમાં સ્ટાર અને એબીપીના રસ્તા નોખા થયા છે.  સ્ટારનું બ્રાન્ડનેમ પાછું ખેંચાઈ જવાથી હવે એબીપી ગ્રાુપ પોતાની બ્રાન્ડનેમ વાપરશે. તેથી સ્ટાર ન્યુઝ બનશે એબીપી ન્યુઝ, બંગાળી ન્યુઝ ચેનલ સ્ટાર આનંદ બનશે એબીપી આનંદ અને મરાઠી ન્યુઝ ચેનલ સ્ટાર માઝા બનશે એબીપી માઝા. આ બાજુ, સ્ટાર ગ્રાુપ એન્ટરટેઈનમેન્ટ પર ફોકસ કરશે. આમેય આનંદ બઝાર પત્રિકા ગુ્પની ખરી તાકાત એના ન્યુઝ કન્ટેન્ટમાં છે, જ્યારે સ્ટારની ખરી તાકાત મનોરંજક કાર્યક્રમોમાં છે.

આ બધું ય બરાબર છે, પણ સવાલ એ છે કે સ્ટારએબીપી વચ્ચે  ‘ડીવોર્સ’ થયા શા માટે? ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના સૂત્રો કહે છે કે એડિટોરિયલ કન્ટ્રોલ મામલે સ્ટાર અને એબીપી વચ્ચે તનાવ રહ્યા કરતો હતો. એફડીઆઈ (ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) લિમિટને કારણે જોઈન્ટ વન્ચરમાં સ્ટારનો હિસ્સો માત્ર ૨૬ ટકા હતો અને આ ટકાવારી વધવાની કોઈ શક્યતા નહોતી. સ્વાભાવિક રીતે જ ન્યુઝ ચેનલો પર એબીપીનો મહત્તમ અંકુશ હતો. જેની લગામ પોતાના હાથમાં રાખી શકાતી ન હોય એવી ન્યુઝ ચેનલ પોતાના પોર્ટફોલિયોમાં હોવાનો સ્ટાર ગ્રાુપનેે વ્યુહાત્મક રીતે કોઈ ફાયદો કે મજા દેખાતા નહોતા.

આ સિવાય પણ કેટલાક મુદ્દા હતા. એબીપી ગ્રાપે ગયા વર્ષે સાનંદા ટીવી નામની બંગાળી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ લોન્ચ કરી. તેની સીધી હરીફાઈ સ્ટાર ગ્રાુપની સ્ટાર જલસા ચેનલ સાથે થઈ. સ્ટાર ગ્રાુપને આ શી રીતે ગમે? સામે પક્ષે, એબીપીને પણ સ્ટાર સામે વાંધો હતો. સ્ટાર ગ્રાુપે ગયા વર્ષે પોતાના જૂના સાથીદાર એનડીટીવી સાથે હાથ મિલાવ્યા. એમની ગોઠવણ અનુસાર, એનડીટીવીની ત્રણેય ન્યુઝ ચેનલ્સ (એનડીટીવી ૨૪ બાય ૭, એનડીટીવી પ્રોફિટ, એનડીટીવી ઈન્ડિયા) ઉપરાંત વેબસાઈટ માટે જથ્થાબંધ જાહેરાતો લાવવાનું કામ (આઉટસોર્સિંગ) સ્ટાર ગ્રાપને સોંપાયું! આ ગોઠવણ વિચિત્ર ગણાય. મોટા ભાગની ટેલીવિઝન કંપનીઓમાં સેલ્સ અને માર્કેટિંગ સેટઅપ્સ ઈનહાઉસ હોય છે, પણ પહેલીવાર એવું બની રહ્યું હતું કે કોઈ એક જૂથ પોતાની આવક માટે હરીફ જૂથ પર આધારિત રહે!  એબીપીને આ વાત હજમ ન થઈ. સરવાળે, સ્ટાર અને એબીપી એકબીજાને ટાટા બાયબાય કહી દીધું.

એનડીટીવીની વાત નીકળી જ છે તો એક સમયે આ ગ્રાુુપની માલિકીની એન્ટરટેઈનમેન્ટ ચેનલ ઈમેજિન ટીવીની વાત પણ કરી લઈએ. ગયા મહિને ૧૨ તારીખના ગુરુવારે મેનેજમેન્ટે એવી અણધારી ઘોષણા કરી કે ઈન્ડસ્ટ્રી અને ઈવન ઓડિયન્સમાં તરંગો ફેલાઈ ગયા. મેનેજમેન્ટે ઠંડે કલેજે કહી દીધું- આવતી કાલ એટલે કે ૧૩ એપ્રિલ ચેનલનો છેલ્લો વર્કિંગ ડે છે, ઈમેજિન ચેનલ બંધ કરવામાં આવે છે, ૧૪ એપ્રિલથી પર માત્ર જુના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ થશે!  વેલ, બે દિવસ પહેલાં એટલે કે ૧૧ મેથી આ પુનઃ પ્રસારણો પણ બંધ થઈ ગયાં છે. ઈમેજિન ચેનલ હવે ઈતિહાસ બની ગઈ છે.

ઈમેજિન ચેનલ જાન્યુઆરી ૨૦૦૮માં લોન્ચ થઈ હતી. એ વખતે એનું નામ એનડીટીવી ઈમેજિન હતું. શરૂઆત તો સારી થઈ હતી. ‘રામાયણ’ સિરિયલ અને રાખી સાવંત, રાહુલ મહાજન તેમજ રતન રાજપૂતના સ્વયંવરને કારણે ઓડિયન્સનું ધ્યાન ઠીક ઠીક ખેંચાયું હતું, પણ સમગ્રપણે આ ચેનલ વફાદાર દર્શકવર્ગ મેળવવામાં નિષ્ફળ નીવડી. અલબત્ત, આ ચેનલ રેસમાં પાછળ જરૂર રહી ગઈ હતી, પણ ટીવીલાઈનના લોકોએ કે ઈવન ઓડિયન્સે એના નામનું નાહી તો નહોતું જ નાખ્યું. અરે, મેનેજમેન્ટે ખુદ થોડા મહિના પહેલાં ચેનલના કન્ટેન્ટ હેડ તરીકે અગાઉ સ્ટાર પ્લસ અને ઝી ટીવી માટે સરસ પર્ફોર્મ કરનાર વિવેક બહલને  અપોઈન્ટ કર્યા હતા ને ત્યાં આ અણધાર્યુર્ ડિસીઝન!


ટર્નર ઈન્ટરનેશનલ ઈન્ડિયા, સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન કહે છે, ‘અમે આ ચેનલ ચલાવવા માટે જે કરવું જોઈએ એ બધું જ કરી છૂટ્યા, પણ અમને ધાર્યુ રિઝલ્ટ ન જ મળ્યું. અમારી કંપની ટર્નર ચુસ્ત ફાયનાન્શિયલ ડિસીપ્લીનમાં માને છે અને અમે અમારા શેરહોલ્ડર્સને જવાબ આપવા બંધાયેલા છીએ. આખરે એક તબક્કા પછી અમારે ચેનલ બંધ કરવાનું બિઝનેસ ડિસીઝન લેવું જ પડ્યું.’

એક અંદાજ પ્રમાણે ટર્નર કંપની ઈમેજિન ચેનલને ચલાવવામાં દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરતી હતી.  અગાઉ ટર્નર ‘રિઅલ’ નામની સુપર ફ્લોપ હિન્દી ચેનલ લોન્ચ કરીને ઓલરેડી હાથ દઝાડી ચૂકી હતી આ રકમ સંભવતઃ એને વધારે ભારે લાગી. વિશ્લેષકો કહે છે કે ચેનલ નવી નવી લોન્ચ થઈ હોય ત્યારે એને પોતાના પગ પર ઊભા થવા માટે પાંચથી આઠ વર્ષ તો આપવા જ પડે. ત્યાં સુધી મૂંગા મૂંગા પૈસા નાખતા જવાના. સ્ટારને બ્રેકઈવન પર પહોંચતાં આઠ વર્ષ લાગ્યાં હતાં, સોનીને પાંચથી છ વર્ષ લાગ્યાં હતાં. એક માત્ર કલર્સ ચેનલ ઘણી ઝડપથી પગભર થઈ ગઈ હતી. વિવેક બહલને ઈમેજિનના કન્ટેન્ટ હેડ તરીકે લેવામાં આવ્યા ત્યારે એમણે મેનેજમેન્ટને સ્પષ્ટ કહી દીધું હતું કે ધીરજ રાખજો, એક કે બે વર્ષ સુધી કોઈ ચમત્કારની અપેક્ષા ન રાખતા, પણ...

ખેર, ખૂબ ઊંચી રકમોના ખેલ ખેલાતા હોય ત્યારે સેન્ટીમેન્ટ્સમાં પડ્યા વગર ઠંડા કલેજે નિર્ણયો લેવાતા હોય છે. વાત સિનેમાની હોય કે ટેલીવિઝનની, મનોરંજન આખરે તો એક સિરિયસ બિઝનેસ છે.


શો-સ્ટોપર 

ખુદને એક્ટર કહેવડાવતા ૯૮ ટકા લોકોને એક્ટિંગ સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકોને માત્ર ખુદનું માર્કેર્ટિંગ કરતાં હાઈક્લાસ આવડે છે અને એમનું પીઆર (પબ્લિક રિલેશન) બહુ જ તગડું હોય છે.


- કે કે મેનન  (ફિલ્મ અભિનેતા)Saturday, May 5, 2012

શૂજિત અને સરકાર


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૬ મે ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘વિકી ડોનર’ અને અમિતાભની ગુજરાત ટુરિઝમવાળી એડ્સના ડિરેક્ટર એક જ જ છે શૂજિત સરકાર. આ એડફિલ્મ્સના મેકિંગ દરમિયાન શૂજિતને જે ફૂટેજ મળ્યું છે એમાંથી બિગ બીના અવનવા મૂડ્સએન્ડમોમેન્ટ્સ રજૂ કરતી અફલાતૂન ડોક્યુમેન્ટરી એ બનાવવાના છે. વર્ષે અત્યાર સુધીમાં બોલીવૂડમાં બે બંગાળી ફિલ્મ ડિરેક્ટરો સૂતળી બોમ્બની જેમ ફાટ્યા. એક તો, ‘કહાની’વાળા સુજોય ઘોષ અને બીજા, જલસો કરાવી દે એવી ‘વિકી ડોનર’ના નિર્દેશક શૂજિત સરકાર. શૂજિતનું ખરું નામ સુજિત છે. કહાણી એવી છે કે સુજિતમોશાય છવ્વીસસત્તાવીસ વર્ષના થઈ ગયા હતા તોય એમનું જીવન શઢ વગરના વહાણની જેમ દિશાહીન ગતિ કરી રહ્યું એટલે એમનાં માતુશ્રીને ચિંતા થઈ. એ કહે, બેટા, તું તારા નામનો સ્પેલિંગ બદલી કાઢ, ‘સુજિત’નું ‘શૂજિત’ કરી નાખ. દીકરાએ માતાજીનું માન રાખ્યું અને ચમત્કારિક રીતે એમની ગાડી પાટે ચડી ગઈ. કાગનું બેસવું અને ડાળનું પડવું એ આનું નામ.

શૂજિત સરકાર મૂળ એડમેન. દિલ્હીમાં ઘણાં વર્ષ પસાર કયાર્ પછી એ મુંબઈ આવ્યા. અમિતાભ, શાહરૂખ, આમિર, શાહિદ જેવા ટોપસ્ટાર્સને ચમકાવતી ખૂબ બધી એડફિલ્મ્સ બનાવી. ‘યહાં....’ (૨૦૦૫) એમની પહેલી ફિચર ફિલ્મ. જિમી શેરગિલ અને મિનીષા લાંબાને ચમકાવતી આ ફિલ્મ હતી તો સારી, પણ બોક્સઓફિસ પર ખાસ કંઈ ઉકાળી ન શકી. એ પછી એમણે અમિતાભ બચ્ચનને લઈને બીજી ફ્લ્મિ ડિરેક્ટ કરી ‘શૂબાઈટ’. ફિલ્મ આખેઆખી બનીને રેડી થઈ ગઈ, પણ એ રિલીઝ થાય એ પહેલાં જ અણધાર્યુર્ં વિઘ્ન આવી પડ્યું. બન્યું એવું કે હોલીવૂડમાં ‘ધ સિક્સ્થ સેન્સ’ નામની ધમાકેદાર બ્લોકબસ્ટર બનાવનાર ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઈટ શ્યામલને ‘લેબર ઓફ લવ’ નામની સ્ક્રિપ્ટ લખી હતી. એના પરથી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સવાળા ફિલ્મ બનાવવાના હતા. હિન્દી સિનેમામાં મોટું નામ ગણાતાં યુટીવી બેનરે ‘લેબર ઓફ લવ’ના રિમેકના અધિકારો ફોક્સ પાસેથી ખરીદી લીધા અને સ્ક્રિપ્ટના આધારે ‘શૂબાઈટ’ બનાવી કાઢી. પણ ફોક્સેે યુટીવીને બ્રેક મારીઃ બાપલા, આટલી ઉતાવળ કાં કરો? પહેલાં અમને અંગ્રોજીમાં ઓરિજિનલ ફિલ્મ તો બનાવવા દો. એ બને અને રિલીઝ ન થાય ત્યાં સુધી તમે એની રિમેક (એટલે કે ‘શૂબાઈટ’) રિલીઝ કરી નહીં શકો. વાત તાર્કિક હતી, પણ કમબખ્તી એ થઈ કે ફોક્સવાળાએ ‘લેબર ઓફ લવ’ પરથી આજની તારીખ સુધી અંગ્રોજીમાં ફિલ્મ બનાવી નથી. જ્યાં સુધી એ બનશે નહીં ત્યાં સુધી ‘શૂબાઈટ’ ડબ્બામાંથી બહાર આવશે નહીં!

Amitabh Bachchan in unreleased Shoebite


શૂજિતબાબુ, ખેર, નિરાશ થયા પણ હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. એમણે એડફિલ્મ્સ બનાવવાનું ચાલુ રાખ્યું. વચ્ચે ‘અપરાજિતા’ નામની બંગાળી ફિલ્મ પ્રોડ્યુસ કરી. હવે ‘વિકી ડોનર’ની સફળતા પછી એ એકદમ ફોર્મમાં આવી ગયા છે. હવે પછી એમની ‘જાફના’ નામની ફ્લ્મિ આવશે. જોન અબ્રાહમ આ ફિલ્મનો હીરો અને કોપ્રોડ્યુસર બન્ને છે. જલીયાંવાલા બાગ પર આધારિત એક ફિલ્મ બનાવવાની શૂજિતની તીવ્ર ઈચ્છા છે. સ્ક્રિપ્ટ એમણે રેડી કરી નાખી છે. આ સિવાય પણ કેટલીક ફિલ્મો એમના મનમાં રમી રહી છે. એમનું બેનર બંગાળી અને તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરશે એ લટકામાં.

આ બધાની વચ્ચે શૂજિત એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એ છે અમિતાભ બચ્ચન પર ડોક્યુમેન્ટરી. આ ડોક્યુમેન્ટરીનાં મૂળિયાં યા તો રૉ મટિરીયલ અમિતાભ બચ્ચનની ગુજરાત ટુરિઝમવાળી જાહેરાતોમાં દટાયેલાં છે. ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં...’ કેચલાઈનવાળી તમામ ૧૪ વિજ્ઞાપનો શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. આ એડ્સના શૂટિંગ માટે અલગ અલગ પાંચ તબક્કામાં શૂજિત બિગ બી સાથે ગુજરાતના પચ્ચીસ જેટલાં ગામનગરશહેરોમાં ઘૂમ્યા હતા. આ દિવસોનું પુષ્કળ ફૂટેજ શૂજિત પાસે છે, જેમાં અમિતાભની કેટલીય અવનવી અદા અને મજાની ક્ષણો સગ્રાહાયેલી છે. આ મૂડ્સએન્ટમોમેન્ટ્સને સુંદર રીતે પરોવીને શૂજિત એક દસ્તાવેજી ફિલ્મ બનાવવા માગે છે.

શૂજિત કહે છે, ‘શરૂઆતમાં તો હું ગુજરાતમાં ઠેકઠેકાણે વેરાયેલાં સૌંદર્યને જોઈને ચકિત થઈ જતો હતો, પણ પછી ગુજરાતની સાથે સાથે બચ્ચનસાહેબની પર્સનાલિટીના રંગો પણ મને અભિભૂત કરવા માંડ્યા. એમનું એનર્જી લેવલ, હજારો ચાહકોની ભીડ વચ્ચેય એમની સ્થિરતા, વાણીવર્તનમાં ઝળકતું એમનું આંતરિક તેજ, જીવન પ્રત્યે અને લોકો પ્રત્યેનો એમનો અભિગમ... આ બધું અદભુત છે.  મને થયું કે બિગ બીનું આ જે રૂપ અમે કેમેરામાં કંડાર્યુર્ં છે એ એમના ચાહકો સમક્ષ આવવું જ જોઈએ. આથી મારી પાસે જે કંઈ ફૂટેજ છે એને સુંદર રીતે એડિટ કરીને હું   ‘જોની મસ્તાના’ નામની ડોક્યુમેન્ટરી તૈયાર કરી રહ્યો છું. બચ્ચનસાહેબની પર્સનલ ડાયરીને પણ અમે આમાં વણી લેવાના છીએ. ’

અમિતાભે એકવાર સેંકડો ફૂટ ઊંડામાં ઊતરવાની જીદ પકડી હતી. શરૂઆતમાં સૌને થયું કે એ મજાક કરે છે, પણ સાહેબ સિરિયસ હતા. સલામતીની પૂરતી તકેદારી લઈને બિગ બી માંડ્યા લોખંડના પગથિયાં જેવા પાઈપ પર એક પછી એક પગ મૂકીને અંધારીયા કૂવામાં ઊતરવા. થોડી વારમાં એટલા નીચે ચાલ્યા ગયા કે કેમેરામાં દેખાતા બંધ થઈ ગયા! સૌના જીવ રીતસર અધ્ધર થઈ ગયા હતા. ડોક્યુમેન્ટરીમાં આવો તો ઘણો મસાલો છે.

‘જોની મસ્તાના’, ‘જાફના’ વગેરે આપણે વહેલામોડી જોઈશું જ. સવાલ ‘શૂબાઈટ’નો છે. ફોક્સ અને યુટીવી વચ્ચેની મડાગાંઠ જો વહેલામોડી ખૂલશે તો શૂજિત અને અમિતાભના કોમ્બોવાળી સંભવતઃ સારી ફિલ્મ આપણને જોવા મળશે.

શો-સ્ટોપર

સચિન તેંડુલકર મજાનો માણસ છે અને રાજ્યસભામાં સારા માણસો જાય એ ઈચ્છનીય જ છે. ના, રાજ્યસભાનું નોમિનેશન સ્વીકારીને સચિને કશી ભુલ કરી નથી.

- આમિર ખાન