Showing posts with label Marlon Brando. Show all posts
Showing posts with label Marlon Brando. Show all posts

Tuesday, February 27, 2018

ઓસ્કર જીતવા માટે કેટલો સ્ક્રીન-ટાઇમ જોઈએ?


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 25 ફેબ્રુઆરી 2018 

મલ્ટિપ્લેક્સ

એક્ટર ફિલ્મની એકેએક ફ્રેમમાં હોય તો પણ ધારી અસર પેદા ન કરી શકે એવું બને. સામે પક્ષે દુનિયામાં એવા અદભુત અદાકારો પણ છે, જેમણે માત્ર પાંચ-પંદર-વીસ મિનિટ માટે પડદા પર દેખાઈને ઓસ્કર પોતાના નામે કરી નાખ્યા છે.

Anthony Hopkins in The Silence of the Lambs


સ્કરની સૌથી મહત્ત્વની પાંચ કેટેગરી એટલે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસ. અત્યાર સુધી ફક્ત ત્રણ ફિલ્મો એવી પાકી છે, જેને આ પાંચેપાંચ ઓસ્કર મળ્યાં હોય. ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ(1991) તેમાંની એક. બાકીની બે એટલે ઈટ હેપન્ડ વન નાઈટ’ (૧૯૩૪) અનેવન ફ્લ્યુ ઓવર ધ કકૂઝ નેસ્ટ’ (૧૯૭૫).

તમને શું લાગે છે, હાંજા ગગડાવી નાખે એવીધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર મેળવનાર સર એન્થની હોપકિન્સ સ્ક્રીન પર કેટલા સમય માટે દેખાતા હશે? ગણીને સોળ મિનિટ, ફક્ત!

ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સની વાર્તા કંઈક એવી છે કે બફેલો બિલ (ટેડ લેવિન) તરીકે ઓળખાતા સિરિયલ કિલરને ઉત્પાત મચાવ્યો છે. આ વિકૃત માણસ સ્ત્રીઓને શિકાર બનાવે છે. એ મહિલાઓનું અપહરણ કરે, પછી એની કતલ કરી શરીર પરથી ચામડી ઊતરડી લે. ક્લેરિસ સ્ટારલિંગ (જુડી ફોસ્ટર) એફબીઆઈના બિહેવિયર સાયન્સ યુનિટમાં કામ કરતી સ્માર્ટ ટ્રેઈની છે. એણે બફેલો બિલ સુધી પહોંચવા માટે એના જેવા જ બીજા એક ખતરનાક ગુનેગાર સાથે કામ પાર પાડવાનું છે. આ ગુનેગાર નંબર ટુનું નામ છે હેનિબલ લેક્ટર (એન્થની હોપકિન્સ). બહુ જ હોશિયાર સાઈકિએટ્રિસ્ટ રહી ચુકેલો આ આદમી માનવભક્ષી છે! એ જંગલી જાનવરની માફક પોતાનાં શિકારને કાચો ચાવી જાય છે! હાલ એ જેલમાં છે.

એફબીઆઈની થિયરી એવી છે કે હેનિબલ અને બફેલો બિલની વિકૃતિ અથવા તો અપરાધનું સ્વરુપ થોડુંઘણું એકસરખું  છે. જો હેનિબલને વિશ્વાસમાં લઈ શકાય તો એ જરૂર બફેલો બિલના માનસ વિશે થોડોઘણો પ્રકાશ પાડી શકે, પણ હેનિબલ શા માટે એફબીઆઈની મદદ કરે? આખરે એવું નક્કી થયું કે ક્લેરિસને હેનિબલ પાસે મોકલવી. કદાચ એ મોં ખોલે પણ ખરો.

સામેના માણસને વીંધી નાખતી ખોફનાક આંખોવાળો આધેડ હેનિબલ શરુઆતમાં તો ક્લેરિસને પણ ભાવ નથી આપતો. પણ ધીમે ધીમે તેમની વચ્ચે થોડું કમ્યુનિકેશન શરુ થાય છે. અધિકારીઓ જૂઠમૂઠ કહે છે કે જો તું અમને મદદ કરીશ તો અમે તને સારી જગ્યાએ ટ્રાન્સફર કરીશું. સામે પક્ષે, હેનિબલ ક્લેરિસને કહે છે કે સૌથી પહેલાં તું તારી જિંદગીની, તારા ભૂતકાળની વાત મને કર!

ઘણું બધું બને છે. પેલા બફેલો બિલના પાપનો ઘડો અંતે ભરાય છે. ક્લેરિસના હાથે એનું મોત થાય છે અને આ બાજુ હેનિબલ સિક્યોરિટના જવાનોને ખતમ કરીને જેલમાંથી ભાગી છૂટે છે.

જેના પરથી આ ફિલ્મ બની છે તે પુસ્તકનું  ટાઈટલ પણ ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સજ છે. થોમસ હેરિસે લખેલી આ બેસ્ટસેલર નવલકથા એક્ટ્રેસ જુડી ફોસ્ટરને એટલી બધી પસંદ પડી ગઈ હતી કે એ ખુદ પુસ્તકના રાઈટ્સ ખરીદવા માગતી હતી, પણ એ મોડી પડી. હેનિબલના પાત્ર માટે ફર્સ્ટ ચોઈસ શૉન કોનરી (જૂના જેમ્સ બોન્ડ)  હતા. એમણે ના પાડી એટલે આલા દરજ્જાના બ્રિટિશ એક્ટર એન્થની હોપકિન્સની વરણી કરવામાં આવી. એન્થની હોપકિન્સે પોતાનાં પાત્રને કન્વિન્સિંગ બનાવવા સિરિયલ કિલરોની ફાઈલોનો અભ્યાસ કરેલો. જેલમાં જઈને ખૂનીઓને મળેલા અને અદાલતોમાં કેસના હિઅરિંગ વખતે પણ હાજર રહેલા. ફિલ્મનું ડિરેક્શન અને લખાણ એવાં સોલિડ છે કે જે દશ્યોમાં એન્થની ન હોય તેમાં પણ એમની હાજરી વર્તાતી રહે છે!

એક્ટર એકેએક ફ્રેમમાં હોય તો પણ ધારી અસર પેદા ન કરી શકે એવું બને. સામે પક્ષે એન્થની હોપકિન્સ જેવા દરજ્જેદાર ગણ્યાંગાંઠ્યાં દશ્યોમાં દેખાઈને પણ અમીટ છાપ છોડી શકે. આવા ઘણા કિસ્સા છે. એમાંના અમુકની વાત કરીએ તો, અગાઉ ડેવિડ નિવેન નામના એક્ટરનેસેપરેટ ટેબલ્સ’ (૧૮૫૮) માટે શ્રેષ્ઠ એક્ટરનો અવોર્ડ મળેલો અને એમાં એના ભાગે માત્ર પંદર મિનિટ આવેલી. 'ડલાસ બાયર્સ ક્લબ' (2014)માં જેરેડ લેટોએ એચઆઈવી પોઝિટિવ ટ્રાન્સસેક્સ્યુઅલનો ઓસ્કરવિનિંગ અભિનય કર્યો હતો. એના ભાગે 21 મિનિટ જેટલો જ સ્ક્રીન-ટાઇમ આવ્યો હતો. 2012માં રિલીઝ થયેલી મ્યુઝિકલ 'લે મિઝેહાબ્લ' (જેનો ઉચ્ચાર આપણે ટેસથી 'લા મિઝરેબલ્સ' કરીએ છીએ)માં તોતિંગ સ્ટારકાસ્ટ હતી, પણ 158 મિનિટ લાંબી ફિલ્મમાં ફક્ત પંદર મિનિટ માટે દેખાઈને એન હેથવેએ બેસ્ટ સર્પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી લીધો. 

ઇન્ગ્રિડ બર્ગમેનને 'મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ' (1975) માટે ઓસ્કર મળેલો, જેમાં એ કેવળ 14 મિનિટ 18 સેકન્ડ દેખાયાં હતાં. 'ધે બેડ એન્ડ બ્યુટીફુલ' (1952) નામની ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતનાર ગ્લોરિયા ગ્રેહેમને સાડાનવ મિનિટ જેટલો જ સ્ક્રીન-ટાઇમ મળ્યો હતો, તો 'શેક્સપિયર ઇન લવ' માટે ઓસ્કર તાણી જનાર જુડી ડેન્ચને તો માત્ર આઠ મિનિટ માટે સ્ક્રીન પર ફરક્યાં હતાં. સૌથી ઓછો સમય સ્ક્રીન પર રહીને ઓસ્કર જીતવાનો રેકોર્ડ કોના નામે બોલે છે? બીટ્રાઇસ સ્ટ્રેટ નામની અમેરિકન અભિનેત્રીના નામે. 1976માં રિલીઝ થયેલી 'નેટવર્ક'માં એ ફક્ત પાંચ મિનિટ 40 સેકન્ડ માટે સ્ક્રીન પર ચમકીને બેસ્ટ સર્પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગયેલાં! 

Marlon Brando in Apocalypse Now

સ્ક્રીન-ટાઇમની વાત નીકળી જ છે તો ભેગાભેગી માર્લોન બ્રાન્ડોની 'એપોકેલીપ્સ નાઉ'નો ઉલ્લેખ પણ કરી લઈએ. વિશ્વના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં સ્થાન પામતા માર્લોન બ્રાન્ડોની આ ફિલ્મના ડિરેક્ટર પણ ગ્રેટ હતા - ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. બન્ને સાથે મળીને અગાઉ 'ગોડફાધર'માં ઓલરેડી અદભુત કામ કરી ચુક્યા હતા.   

'એપોકેલીપ્સ નાઉ'માં વિયેતનામનું યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચુક્યું છે. અમેરિકન આર્મીના કેપ્ટન (સ્પેશિયલ ઓપરેશન્સ) વિલિયમ વિલાર્ડ (માર્ટિન શીન)ને એક ગુપ્ત અસાઇન્મેન્ટ મળે છે. વાત એમ છે કે અમેરિકન આર્મીનો એક લડાયક કર્નલ છે - વોલ્ટર કર્ટ્ઝ (માર્લોન બ્રાન્ડો), જે ઉપરીઓના આદેશનું પાલન કરવાને બદલે સ્થાનિક આદિવાસીઓની ટોળકી એકઠી કરીને એમનો સરદાર થઈને બેઠો છે. સિક્રેટ મિશન હેઠળ વિલાર્ડે નુંગ નામની નદીમાં થઈને કંબોડિયાના ગાઢ જંગલમાં ગુપચુપ પહોંચી જવાનું ને કર્નલ કર્ટ્ઝને ઉડાવી દેવાનો છે.  ફિલ્મના અંતે વિલાર્ડ પોતાના મિશનમાં સફળ થાય છે.
 
ફિલ્મમાં બ્રાન્ડોની એન્ટ્રી બહુ જ મોડી થાય છે, પણ તેમના કિરદાર માટે જે માહોલ બિલ્ડ-અપ કરવામાં આવ્યો છે તે અફલાતૂન છે. બધું મળીને બ્રાન્ડો માંડ ૧૫ મિનિટ માટે જ સ્ક્રીન પર દેખાય છે. ફિલ્મ જોતી વખતે આપણને બરાબર સમજાય કે શા માટે આવા નાનકડા રોલ માટે માર્લોન બ્રાન્ડો જેવા મહાન એક્ટરની વરણી કરવામાં આવી છે.

જોકે માર્લોન બ્રાન્ડો સાથે કામ કરવાનો ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનો અનુભવ જરાય સારો નહોતો રહ્યો. પા કલાકના રોલ માટે તેમને એ જમાનામાં સાડાત્રણ મિલિયન ડોલરની અધધધ ફી ચુકવવામાં આવી ત્યારે જોરદાર હલચલ મચી ગઈ હતી. બ્રાન્ડોનાં નખરાં શૂટિંગ શરુ થયું તેની પહેલાં જ શરુ થઈ ગયા હતા. હું એડવાન્સ પેટે મળેલા વન મિલિયન ડોલર રાખી લઈશ ને ફિલ્મ નહીં કરું એવી ધમકી તેઓ ઉચ્ચાર્યા કરતા. કોપોલાએ કંટાળીને એક વાર કહી દેવું પડ્યું કે તમતમારે પૈસા રાખી લો, તમારે બદલે હું જેક નિકલસન કે અલ પચીનોને સાઈન કરી લાઈશ. ખેર, બ્રાન્ડો આખરે મોડા મોડા સેટ પર હાજર થયા ખરા. કોપોલાએ માની લીધું હતું કે આવો ગ્રેટ એક્ટર જબરદસ્ત પૂર્વતૈયારી કરીને જ આવશે, પણ પહેલા જ દિવસે એમને ખબર પડી કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તેહાર્ટ ઓફ ડાર્કનેસનું નામ સુધ્ધાં બ્રાન્ડોએ સાંભળ્યું નહોતું! અધૂરામાં પૂરું, તેમણે પોતાના ડાયલોગ્ઝ પણ ગોખ્યા નહોતા. કોપોલા બ્રાન્ડોના કિરદારને એકદમ સૂકલકડી દેખાડવા માગતા હતા, તેને બદલે બ્રાન્ડોએ વજન ભયંકર વધારી નાખ્યું હતું.

કોપોલાને ટેન્શનનો પાર ન રહ્યો. નછૂટકે કલોઝઅપ્સ વધારે લેવા પડ્યા. શૂટિંગ આગળ વધતું ગયું તેમ તેમ બ્રાન્ડોની હરકતોથી કોપોલા એવા ત્રાસી ગયા હતા કે એમણે પોતાના આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહેવું પડ્યું કે ભાઈ, બ્રાન્ડોવાળાં સીન્સ હવેથી તું જ હેન્ડલ કરજે, મારાથી આ માણસ સાથે કામ નહીં થાય!

માર્લોન બ્રાન્ડોને ડાયલોગ્ઝ યાદ રહેતા નહોતા તે જાણીતી હકીકત છે. તેઓ શૂટિંગ દરમિયાન સંવાદોને ઈમ્પ્રોવાઈઝ કરતા. ‘અપોકેલીપ્સ નાઉમાં એક અઢાર મિનિટનો મોનોલોગ હતો, તે પણ તેમણે પોતાની રીતે ઈમ્પ્રોવાઈઝ કર્યો હતો. શોટ લેવાયા પછી બ્રાન્ડોએ કોપોલાને કહેલું કે દોસ્ત, મેં મારું બેસ્ટ આ શોટમાં આપી દીધું છે. આનાથી વધારે હું કશું નહીં કરી શકું. તને જો અસંતોષ હોય તો મારી જગ્યાએ બીજા કોઈ એક્ટરને લઈ લે! કોપોલા કશું ન બોલ્યા. શું બોલે? બ્રાન્ડો એટલી અદભૂત રીતે મોનોલોગ બોલ્યા હતા કે કોપોલા અવાચક થઈ ગયા હતા. ફિલ્મના ફાઈનલ વર્ઝનમાં જોકે અઢાર મિનિટની તે એકોક્તિ  કાપીકૂપીને બે જ મિનિટમાં સમેટી લેવામાં આવી તે અલગ વાત થઈ.
 
ફિલ્મ આખરે રિલીઝ થઈ અને હિટ થઈ. ઘણા વિવેચકોના મતે આ ફિલ્મ અત્યાર સુધીની શ્રેષ્ઠ ૧૦ ફિલ્મોમાંની એક છે. ના, આ ફિલ્મ માટે બ્રાન્ડોને ઓસ્કર તો નહોતો મળ્યો, પણ ઓછામાં ઓછો સમય પડદા પર દેખાઈને વધુમાં વધુ અસર શી રીતે પેદા કરવી તે એમણે દુનિયાભરના કલાકારોને જરૂર શીખવી દીધું!  

સો વાતની એક વાત આ જ છેઃ ઓડિયન્સનું દિલ જીતવા માટે અભિનયનું ઊંડાણ મહત્ત્વનું છે, પડદા પર ખેંચાયા કરતી હાજરી નહીં.

0 0 0 


Saturday, October 24, 2015

મલ્ટિપ્લેક્સ : 'પ્રોફેશનલ એક્ટરને હું ક્લાકાર ગણતો જ નથી...'

Sandesh - Sanskar purti - 25 Oct 2015
મલ્ટિપ્લેક્સ 
દુનિયાના સૌથી મહાન અભિનેતાઓમાં સ્થાન પામેલા માર્લોન બ્રાન્ડો બીજા એક્ટરો તો ઠીક, ખુદને પણ આર્ટિસ્ટ ગણતા નહોતા. તેમના હિસાબે પ્રેક્ષકોને ચોકકસ પ્રકારની અનુભૂતિ કરાવવી કે 'ક્ષણને પકડવી' એ કંઈ બહુ મહાન વાત નથી. ઈવન વેશ્યા પણ પોતાના ગ્રાહકને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે! 

'પ્લેબોય' મેગેઝિન હમણાં સમાચારોમાં ચમકયું હતું. દાયકાઓથી સ્ત્રીઓની કામુક તસવીરો છાપીને વિશ્વવિખ્યાત (કે વિશ્વકુખ્યાત) બની ગયેલાં આ મેગેઝિનની એડિટોરિયલ ટીમે હવે નક્કી કર્યું છે કે,સ્ત્રીઓના ન્યુડ ફોટોગ્રાફ્સ નહીં છાપવામાં આવે. ખેર, 'પ્લેબોય' એના ઈન્ટરવ્યુઝ માટે પણ ખૂબ જાણીતું છે. સાહિત્ય, રાજકારણ,સિનેમાથી લઈને જુદાં જુદાં કેટલાંય ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલી દુનિયાભરની સેલિબ્રિટીઝના અત્યંત વિસ્તૃત, ઊંડાણસભર અને ગંભીર મુલાકાતો 'પ્લેબોય' છાપતું આવ્યું છે. આજે દંતકથારૂપ અભિનેતા માર્લોન બ્રાન્ડોના 'પ્લેબોય' ઈન્ટરવ્યુ વિશે વાત કરવી છે.
માર્લોન બ્રાન્ડો (જન્મઃ ૧૯૨૪, મૃત્યુઃ ૨૦૦૪) મેથડ એકિટંગના બાપ ગણાય છે. 'ધ ગોડફાધર', 'ઓન ધ વોટરફ્રન્ટ', 'અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર', 'લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ', 'અપોકેલિપ્સ નાઉ' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને એમણે દુનિયાના ઓલટાઈમ-ગ્રેટ એકટર્સની સૂચિમાં ય પાછું ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્વભાવે ભયંકર અતરંગી. મિડિયા સાથે જરાય ન ગમે. પત્રકારોને મુલાકાત આપવાની વાત આવતાં જ ભડકી ઉઠે. એક ફોટોગ્રાફરને ધીબેડવા બ્રાન્ડોએ એની પાછળ રીતસર દોટ મૂકી હતી એવો કિસ્સોય બન્યો છે. તેથી જ 'પ્લેબોય'ના જાન્યુઆરી ૧૯૭૯માં છપાયેલા આ ઈન્ટરવ્યુનું વિશેષ મહત્ત્વ છે. જો કે બ્રાન્ડોને મુલાકાત માટે મનાવવા આસાન નહોતા. લોરેન્સ ગ્રોબલ નામના પત્રકારને ઈન્ટરવ્યુ માટે હા પાડવામાં બ્રાન્ડોએ સત્તર મહિના કાઢી નાખ્યા હતા. કેટલીય વાર તારીખ પોસ્ટપોન કરી. આખરે બ્રાન્ડોએ પત્રકારને પોતાની માલિકીના ટાપુ પર તેડાવ્યા. બન્ને દસ દિવસ સુધી સતત વાતો કરતા રહૃાા. વચ્ચે વચ્ચે ખાણીપીણી કરે, ચેસ રમે, બોટિંગ કરવા ઉપડી જાય, વગેરે. આમાંથી જેને ઈન્ટરવ્યુ કહી શકાય એવી પાંચ જ સેશન થઈ. પ્રત્યેક સેશન બે કલાકથી છ કલાક સુધી ચાલતી. આ મટીરિયલમાંથી આખરે લોરેન્સે લાંબોલચ્ચ ઈન્ટરવ્યુ લખ્યો. એમાંથી કેટલાક અંશ અહીં પેશ છે. બ્રાન્ડોના વ્યકિતત્ત્વના કેટલાક ઈન્ટરેસ્ટિંગ અને વિરોધાભાસી શેડ્ઝ આમાં ઊપસ્યા છેઃ વાંચો બ્રાન્ડોના જ શબ્દોમાં...
- એકિટંગની ટેલેન્ટ વિશે કારણ વગર હો-હા કરી મૂકવામાં આવી છે. સચ્ચાઈ એ છે કે આપણે બધા જ એકટર છીએ. આપણે આખો દિવસ એકિટંગ કરતા હોઈએ છીએ. દિવસમાં અસંખ્ય વખત એવું બનતું હોય છે કે, મનમાં કંઈક ચાલતું હોય, ફીલ કશુંક જૂદુ થઈ રહૃાું હોય, પણ એ બધું સતત છુપાવીને વર્તન સાવ ત્રીજા પ્રકારનું કરતા હોઈએ ,આપણે કોઈને અપસેટ કરવા ન માગતા હોઈએ, કોઈને જાણીજોઈને અપસેટ કરવા માગતા હોઈએ. કાં મનમાં જે ધિક્કાર કે પ્રેમ કે ગુસ્સો કે ઈર્ષ્યાની લાગણી ફૂંફાડા મારે છે તે દેખાડવા માગતા ન હોઈએ અથવા તો સામેવાળાના અમુકતમુક વર્તાવથી મને કશો જ ફરક નથી જ પડતો એવું સાબિત કરવા માગતા હોઈએ. 'કેમ છો?' એવો ઔપચારિક સવાલ થાય એટલે આપણે ફટ કરતા બોલી નાખીએ, 'મજામાં'. ટૂંકમાં માણસમાત્ર એકિટંગ કરતો હોય છે, હંમેશાં.


- અભિનયને પ્રોફેશન બનાવનારા અને અસલી જીવનમાં અભિનય કરનારા બાકીના લોકો વચ્ચે ફર્ક એટલો જ છે હોય કે, પ્રોફેશનલ એકટરો (વેલ, બધા તો નહીં, પણ અમુક પ્રોફેશનલ એકટરો) અભિનયકળા વિશે થોડુંક વધારે જાણતા હોય છે અને એમને અભિનય કરવાના પૈસા મળતા હોય છે. એકચ્યુઅલી, આ વાત પણ સાચી નથી. અસલી જીવનમાં અભિનય કરનારાઓને પણ એકિટંગ કરવાના પૈસા મળે જ છે. ઉદાહરણ તરીકે, તમારી બહુ જ રૂપાળી અને ચાર્મિંગ સેક્રેટરીને જરૂર ખબર હોય છે કે, પોતાને આ જોબ મળી છે એની પાછળ એના ચાર્મ અને સેકસ અપીલનો મોટો ફાળો છે. એ પોતાના રૂપનો ઉપભોગ કરવા દેે કે ન દે તે અલગ વાત છે. તમારો કોઈ જુનિયર બહુ જ મીઠડો અને રમૂજી હોય, તમને ખુશ રાખતો હોય, તમારાથી એ ખૂબ પ્રભાવિત છે એવું દેખાડયા કરતો હોય ત્યારે અંદરખાને એને ખબર હોય છે કે, પ્રમોશન મેળવવામાં એનો આ વર્તાવ કામ આવવાનો છે. સરકારો અને રાજકારણીઓનો પાવર-પ્લે પણ અભિનય જ છેને. હું પ્રોફેશનલ એકટરો અને અસલી જીવનમાં એકિટંગ કરનારા વચ્ચે કોઈ ભેદ જોતો નથી. પ્રોફેશનલ એકટરોને ક્ષણને પકડતા આવડતું હોય છે એમ કહેવાય છે પણ એવું તો વેશ્યાને પણ આવડતું હોય છે. એ એના ઘરાકને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેવી અદભૂત અનુભૂતિ કરાવી શકે છે.
- પ્રોફેશનલ એકટરને હું કલાકાર ગણતો જ નથી. મેં મારી જાતને કયારેય એકટર ગણ્યો નથી. એક પણ ફિલ્મ મને કલાકૃતિ લાગી નથી. હું ગાયકોને પણ કલાકાર ગણતો નથી. અમે સૌ કલાકાર બનવા માગતા લોકો છીએ. 'કલાકાર' એક જનરીક ટર્મ છે,એક લેબલ છે જે આપણે ગમે તેેને ચોંટાડી દઈએ છીએ. આપણે ક્રાફ્ટ (કુશળતા)ને કળા કહીએ છીએ અને ચતુરાઈને ક્રાફ્ટમાં ખપાવી દઈએ છીએ. ઈટ્સ ડિગસ્ટિંગ. અસલી કળામાં ભવ્યતા હોય, તેનામાં ઈતિહાસ બદલી નાખવાની તાકાત હોય. અમે લોકો કલાકાર નહીં, વેપારી છીએ. આર્ટ જેવું કશું છે જ નહીં દુનિયામાં. શેકસપિઅર અને પિકાસો અંતિમ આર્ટિસ્ટ હતા. એમના પછી કોઈ આર્ટિસ્ટ પાકયો જ નથી.
- (માર્લોન બ્રાન્ડો સ્વયં એક બ્રાન્ડ છે અને તમને એકિટંગ કરવાની તગડી ફી મળે છે તે વિશે પૂછાતા) શંુ તમે પૈસાને યોગ્યતા સાથે સાંકળો છો? મને એકિટંગ કરવી ગમે છે કે, કેમ એમ તમે પૂછો છો? લિસન, તમને બીજે કયાં એટલા પૈસા મળવાના છે કે,જેનાથી તમે આખેઆખો ટાપુ ખરીદી શકો અને ટેસથી બેઠા બેઠા વાતોના વડાં કરી શકો? હા, હું મારા કામને સિરીયસલી લઉં છું. તમે તમારાં કામમાં સારા નહીં હો તો ભૂખે મરવું પડે. હું મારા કામમાં સારો છું એટલે આવી લાઈફસ્ટાઈલ પરવડે છે અને ફેમિલી સાથે સમય વિતાવી શકું છું. બાકી નવથી પાંચની નોકરી હું ન કરી શકું. હું એ વિચાર માત્રથી કાંપી ઉઠું છું. રંગભૂમિ એટલે જ સિનેમા કરતાં અઘરૂ માધ્યમ છે. નાટક કરતા હો તો રોજેરોજ રિહર્સલમાં અને શો ટાઈમે હાજર થવું પડે.
- ફિલ્મોમાં અમુક દશ્યો એકટર-પ્રૂફ હોય છે. મતલબ, સીન પોતે જ એટલો સરસ હોય, ઉત્તમ રીતે લખાયો ને ડિઝાઈન થયો હોય કે એમાં એકટરે ઝાઝી ચંચુપાત કરવાની જરૂર જ ન પડે. હા, એકટર-પ્રૂફ ન હોય એવાં સીનમાં ખૂબ મજૂરી કરવી પડે. તો જ એ સીન ઉઠાવ આપે.
- લોકો મહાન લેખકો, મહાન ચિત્રકારો, મહાન વિચારકો, મહાન સર્જકો વિશે વાત કરતા હોય છે. પણ મહાન લેખક શું કહેવા માગે છે એે તો જ પૂરેપૂરૂ સમજાશે તો તમારા ખુદમાં એ કક્ષાનું ઉંડાણ અને સમજણ હશે.

- મને મિલીટરી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે મારા ફાધર ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. એમની નજરમાં હું સાવ નાલાયક ને નઠારો છોકરો હતો. એમાંય મેં એકિટંગ સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે આભ તૂટી પડયુ હતું. એમની દષ્ટિએ હું એકટર બનવાના ધખારા રાખું એના કરતાં ખરાબ બીજું કશું ન હોઈ શકે પણ ધીમે ધીમે હું સફળ થયો, ચિક્કાર કમાવા લાગ્યો. મારા ફાધર માની નહોતા શકતા કે, મારા જેવો હોપલેસ છોકરો આટલું બધું કમાય છે. આ પૈસાનું શું કરવું એ જ એમને સમજાતું નહોતું.
- ફિલ્મ રિવ્યુઅર જો ખરેખર સારો હોય તો એના રિવ્યુ વાંચીને એકટરને કે ઈવન ડિરેકટર વગેરેને ખૂબ બધું નવું શીખવાનું મળે છે. ખરાબ રિવ્યુઝમાંથી કશું જ શીખવા મળતું નથી. જેમ કે, પૌલીન કાઈલ એકદમ તીવ્રતાથી પેશનથી રિવ્યુ લખે છે. એમનાં માટે રિવ્યુ લખવો એક ભરપૂર અનુભવ છે. તમે પૌલીન સાથે સહમત થાઓ કે ન થાઓ, પણ એમનાં રિવ્યુ વાંચવાનું ગમે તો ખરું જ. ટેલેન્ટેડ રિવ્યુઅર લખાણમાં પોતાની જાતને ખુલ્લી કરતો હોય છે, એક કલાકારની જેમ.
- અમુક એકટરોને ઈમ્પ્રોવાઈઝ કરવું સહેજ પણ ગમતું નથી જેમ કે, લોરેન્સ ઓલિવિયર. (એમની ગણના પણ દુનિયાના મહાન એકટરોમાં થાય છે.) એની મુવમેન્ટ્સ, લાઈન્સ બધું જ પહેલેથી નક્કી થયેલું હોય. બિલ્ડિંગ બનાવતા પહેલાં આર્કિટેકચર પ્લાન બનાવતા હોય છે. લોરેન્સ ઓલિવિયર પણ પોતાના રોલને એક આર્કિટેકટની માફક અપ્રોચ કરે છે.
- ચાર્લી ચેપ્લિને 'અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ' નામની ફિલ્મ ડિરેકટ કરી હતી અને એમાં મને એક રોલ આપ્યો હતો. સ્ક્રિપ્ટના રિડીંગ માટે મને લંડન તેડાવેલો. મને એટલો બધો જેટલેગ હતો કે ચાર્લી ચેપ્લિન નરેશન આપી રહૃાા હતા ત્યારે હું રીતસર નસકોરાં બોલાવવા માંડેલો! ધેટ વોઝ ટેરીબલ. આ ફિલ્મ માટે મારી પસંદગી જ ખોટી હતી. ચાર્લી ચેપ્લિને ડિરેકટ કરવાની જરૂર જ નહોતી. એ બહુ સેડિસ્ટિક માણસ હતા. લોકોને ત્રાસ આપવામાં એમને બહુ આનંદ મળતો. પોતાના સગા દીકરા (સિડની ચેપ્લિન)નું એ સેટ પર સૌની હાજરીમાં ભયંકર અપમાન કરી નાખતા. એક વાર મારી સાથે પણ આ રીતે વર્તવાની કોશિશ કરી હતી. બન્યંુ એવું કે હું કંઈક સેટ પર સહેજ મોડો પહોંચ્યો ને ચાર્લી ચેપ્લિન મને ખખડાવવા માંડયાં હું ઉકળી ઉઠયો. મેં સંભળાવી દીધું કે આજ પછી કયારેય મારી સાથે આ રીતે વાત કરવાની ગુસ્તાખી ન કરતા. એ માણસ કોઈને ડિરેકશન આપી શકે એમ હતો જ નહીં. કદાચ જુવાનીમાં સારા ડિરેકટર બની શકયા હોત. હી વોઝ અ રીમાર્કેબલ ટેલેન્ટ બટ અ મોન્સ્ટર ઓફ અ મેન.
- મોટા ભાગે એકટર પોતે જ ખુદને ડિરેકટ કરતો હોય છે.

- વૂડી એલન સાથે મારે અંગત પરિચય નહોતો, પણ મને એ માણસ બહુ ગમે છે. એમની 'ઍની હૉલ' ફિલ્મમાં મને જલસો પડી ગયો હતો.
- (સ્ત્રીઓ સાથેના સંબંધોના સંદર્ભમાં) હું ગિલ્ટની ભાવનાથી કયારેય પીડાતો નથી. અપરાધીભાવ સાવ નકામી લાગણી છે,એનાથી કશો ફાયદો થતો નથી. હા, અંતરાત્મા સ્વસ્થ જરૂર હોવો જોઈએ.
શો-સ્ટોપર

બ્રાન્ડો જાણતા હતા કે પોતે ગ્રેટેસ્ટ એકટર છે પણ આ વાતના ગુમાનમાં એ જીવતા નહોતા. એક કલાકાર તરીકે હું માર્લોન બ્રાન્ડોની તુલના પિકાસો સાથે કરું છું.
- જેક નિકલસન

Friday, April 11, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ: ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર : મૈં તો દીવાની...

Mumbai Samachar - Matinee - 11 April 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ


હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો હોલીવૂડના પડદા પર અગાઉ ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતા ડરતા, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં કરેલા માર્લોેન બ્રાન્ડોના બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. બ્રાન્ડોના ચાહકો માટે આ ફિલ્મ મસ્ટ-સી છે.

ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર





ભિનય, ડિરેક્શન યા તો સિનેમાનાં બીજા કોઈ પણ પાસાં પર સજ્જડ છાપ છોડી જતી અને નવો પ્રવાહ પેદા કરી શકતી ફિલ્મો હંમેશાં મૂઠી ઊંચેરી હોવાની. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ આ કક્ષાની ફિલ્મ છે, જેમાં માર્લોેન બ્રાન્ડોએ અભિનયની નવી ભાષા દુનિયા સામે મૂકી. 

ફિલ્મમાં શું છે?

અમેરિકાના ન્યુ ઓર્લિઓન્સની આ વાત છે. ફિલ્મની શરૂઆતમાં જ ભરજુવાની વટાવી ચુકેલી એક મધ્યવયસ્ક સ્ત્રી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઊતરે છે. એનું નામ બ્લાન્ચ (વિવિઅલ લી) છે. પ્રમાણમાં ગ્લેમરસ કહી શકાય તેવાં કપડાં પહેર્યાં છે. થોડી ગભરાયેલી દેખાય છે. એક ટેક્સીવાળાને કાગળની ચબરખીમાં લખેલું સરનામું બતાવે છે. પેલો કહે છે: સામે એક ટ્રામ (સ્ટ્રીટકાર) આવશે. એના પર ‘ડિઝાયર’ (સ્ટેશનનું નામ) લખ્યું હશે. તેમાં ચડી જજો. સરનામું બ્લાન્ચની નાની બહેન સ્ટેલા (કિમ હન્ટર)નું છે. મોટી બેગ ઊંચકીને બ્લાન્ચ એના ઘરે પહોંચે છે. નિમ્ન મધ્યમવર્ગીય વસ્તીમાં બે માળના બેઠા ઘાટના મકાનમાં ઉપલા માળે મકાનમાલિક અને ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેલા એના વર સાથે રહે છે. બ્લાન્ચને થાય છે કે અરેરે, મારી બેનનું ઘર સાવ આવું? 



બન્ને બહેનો વર્ષો પછી મળી હતી એટલે સ્ટેલા બ્લાન્ચને જોઈને રાજી રાજી થઈ જાય છે. સ્ટેલાનો પતિ સ્ટેન્લી (માર્લોેન બ્રાન્ડો) સ્વભાવનો માથા ફરેલો આદમી છે. શાલીનતા, સભ્ય વ્યવહાર, સ્ત્રીઓનું સન્માન આવું બધું એ શીખ્યો જ નથી. વાત વાતમાં એની કમાન છટકે. ચીજવસ્તુઓના છુટ્ટા ઘા કરે. પત્ની પર હાથ પણ ઉપાડી લે. સ્ટેલા રડતી કકળતી ઉપર મકાનમાલિક મહિલા પાસે જતી રહે. સ્ટેન્લી જંગલી છે, સોફિસ્ટિકેશન સાથે એને કોઈ લેવાદેવા નથી, પણ એના વ્યક્તિત્વમાં એક ગજબની ચુંબકીય આભા અને કામુક આકર્ષણ છે. સ્ટેલા સાથે એ જનાવરની જેમ વર્તશે, પણ પછી ગુસ્સો ઊતરતાં હિબકાં ભરવાં લાગશે, સ્ટેલાની માફી માગશે. વારે વારે બાખડતાં રહેતાં પતિ-પત્નીને એકબીજા વગર ચાલતું નથી. એકમેક પ્રત્યે અદમ્ય ખેંચાણ હોવાથી તેમના ઝઘડાનો અંત હંમેશાં ‘ગ્રેટ સેક્સ’માં આવે છે. 

સ્ટેલા વરને વિનંતી કરે છે કે તું પ્લીઝ મારી બહેન સાથે સારી રીતે વર્તજે, બિચારીનું મારા સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. સ્ટેન્લીને કુતૂહલ છે કે બ્લાન્ચનું ચક્કર શું છે? ધીમે ધીમે બ્લાન્ચની કુંડળી ખૂલતી જાય છે. બન્ને બહેનોને વારસામાં પુષ્કળ જમીન અને ખેતવાડી મળી હતી, પણ કોઈક કારણસર બધી પ્રોપર્ટી બ્લાન્ચના હાથમાંથી જતી રહી છે. સ્ટેન્લીને શંકા છે કે બ્લાન્ચ ખોટું બોલે છે. એ બધા પૈસા દબાવીને બેઠી છે. બ્લાન્ચનાં લગ્ન નાની ઉંમરે થઈ ગયાં હતાં, પણ એના વરની મર્દાનગી ઓછી પડી. બ્લાન્ચનાં મેણાંટોણાંથી ત્રાસીને એણે સાવ કાચી ઉંમરે આત્મહત્યા કરી નાખી હતી. સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી બ્લાન્ચે પછી કેટલાય પુરુષો સાથે સંબંધ બાંધ્યા. હદ ત્યારે થઈ જ્યારે એણે પોતાના જ સત્તર વર્ષના વિદ્યાર્થી પર નજર બગાડી. એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. આથી તેણે બહેન સ્ટેલાના ઘરે કાયમી ધોરણે ધામા નાખ્યા હતા. 



સ્ટેન્લીને પત્તાં રમવાનો શોખ છે. એના ઘરે જુગાર રમવા આવતા દોસ્તારોમાં એક મિચ (કાર્લ માલ્ડન) પણ છે. બીજાઓની તુલનામાં એ જરા જેન્ટલમેન છે. બ્લાન્ચ અને મિચ એકમેક પ્રત્યે આકર્ષાય છે, પણ એમની લવસ્ટોરી આગળ વધતા પહેલાં જ ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે. મિચના કાને બ્લેન્ચના કેરેક્ટર વિશે જાતજાતની વાતો પડે છે. એ બ્લાન્ચને રિજેક્ટ કરીને જતો રહે છે. બ્લાન્ચની માનસિક સ્થિતિ ક્રમશ: વધારે ને વધારે બગડતી જાય છે. એના પોતાના વિશેના ભ્રમ વધારે તીવ્ર બનતા જાય છે. સ્ટેન્લી એને સતત અપમાનિત કરતો રહે છે. પ્રેગનન્ટ સ્ટેલાને વેણ ઊપડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ડિલીવરી બીજા દિવસે થવાની છે એટલે સ્ટેન્લી રાત્રે ઘરે આવતો રહે છે. ઘરમાં એ અને બ્લાન્ચ એકલાં છે. જે વાતનો ડર હતો તે થઈને રહે છે. બ્લાન્ચ ખુદને બચાવવાની ખૂબ કોશિશ કરે છે, પણ સ્ટેન્લી પર હેવાનિયત સવાર થઈ છે. 

પછી શું થાય છે? બ્લાન્ચનું આખરે શું થયું? સ્ટેલાને જ્યારે ખબર પડે છે કે એના વરે પોતાની સગી બહેન પર બળાત્કાર કર્યો છે ત્યારે એની શી પ્રતિક્રિયા આવે છે? હજુય એ પતિને પ્રેમ કરતી રહે છે? હવે બાળક જન્મી ગયું હોવાથી એણે લાચાર થઈને ઘરસંસાર ચલાવતા રહેવું પડે છે? કે પછી, એનામાં પતિને છોડવાની હિંમત આવે છે?

કથા પહેલાંની અને પછીની

‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ મૂળ તો પુલિત્ઝર પ્રાઈઝ વિનિંગ નાટક. બ્રોડવે પર એલિયા કાઝને તે ડિરેક્ટ કરેલું. ડિસેમ્બર ૧૯૪૭માં તે ઓપન થયું પછી તેના ૮૫૫ શોઝ થયા હતા. નાટકના શુભારંંભના ચાર વર્ષ બાદ એના પરથી ફિલ્મ બની. સામાન્યપણે નાટક પરથી ફિલ્મ બને ત્યારે બધ્ધેબધ્ધા કલાકારો બદલી જતા હોય છે, પણ ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ નાટકના નવ કલાકારોેને સીધા કાસ્ટ કરી લેવામાં આવ્યા હતા. ડિરેક્ટર એલિયા કાઝન પણ એ જ. આવું ભાગ્યે જ બનતું હોય છે. માર્લોેન બ્રાન્ડો, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન ત્રણેયે નાટકમાં પણ અનુક્રમે સ્ટેન્લી, સ્ટેલા અને મિચની ભૂમિકાઓ કરેલી. 



બ્લાન્ચની ભૂમિકા માટે વિવિઅન લીની વરણી કરવામાં આવી, કારણ કે ફિલ્મમાં કમસે કમ એક સ્ટાર એટ્રેક્શન તો હોવું જોઈએ. સુપરહિટ ‘ગોન વિથ ધ વિન્ડ’માં સ્કારલેટ ઓ’ હારાનો રોલ નિભાવીને વિવિયન લી મોટી હસ્તી બની ગઈ હતી. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’થી એ સાવ અજાણી પણ નહોતી. નાટકના લંડનમાં શો થયેલા ત્યારે બ્લાન્ચનું પાત્ર સ્ટેજ પર વિવિયન લીએ જ ભજવેલું. નાટકનું ડિરેક્શન એના તે વખતના પતિ લોરેન્સ ઓલિવિઅરે કરેલું. વિવિયને વર્ષો પછી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એલિયા કાઝને ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્શન આપેલું એના કરતાં મારા એક્સ-હસબન્ડનું નાટકનું ડિરેક્શન મને વધારે ઉપયોગી બન્યું હતું. વિવિયન લી અસલી જીવનમાં બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની હતી અને શૂટિંગ વખતે ઘણી વાર રીલ અને રિઅલ વચ્ચેનો ભેદ ભૂલી જતી એવું કહેવાય છે. 



આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બની રહી હતી ત્યારે માર્લોેન બ્રાન્ડો હજુ માર્લોન બ્રાન્ડો નહોતા બન્યા. તેથી જ ક્રેડિટમાં એમનું નામ વિવિયન લી પછી મુકાયું છે. આ ફિલ્મમાં બ્રાન્ડોએ આપેલું પર્ફોેર્મન્સ હોલીવૂડના ઈતિહાસનાં સૌથી પ્રભાવશાળી પર્ફોેર્મન્સીસમાંનું એક ગણાય છે. અગાઉ હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો ફિલ્મી પડદા પર ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતાં ડરતાં, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. માર્લોેન બ્રાન્ડોએ જે રીતે સ્ટેન્લીનું કિરદાર ભજવ્યું તે જોઈને સૌ ચકિત થઈ ગયા. આટલો બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનય અગાઉ હોલીવૂડના કોઈ એક્ટરે નહોતો કર્યો. માર્લોેન બ્રાન્ડોના ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ના અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. જેક નિકલસન, શૉન પેન જેવા પછીની પેઢીના એક્ટરો પર બ્રાન્ડોનાં આ પર્ફોેર્મન્સની તીવ્ર અસર છે.

વક્રતા જુઓ, આ ફિલ્મ માટે માર્લોેન બ્રાન્ડોને ઓસ્કર ન મળ્યો, પણ ફિલ્મનાં બાકીના ત્રણેય મુખ્ય અદાકાર - વિવિયન લી, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન - પોતપોતાની કેટેગરીમાં ઓસ્કર તાણી ગયાં! બેસ્ટ એક્ટરનો ઓસ્કર તે વર્ષે ‘ધ આફ્રિકન ક્વીન’ માટે હમ્ફ્રી બોગર્ટને મળ્યો હતો. માર્લોેન બ્રાન્ડો જેવો સુપર એક્ટર ફિલ્મમાં હોવા છતાં ફિલ્મના બાકીના અદાકારો ઢંકાઈ જવાને બદલે એટલી જ ખૂબસૂરતીથી ઊભરી શક્યા તે રાઈટર-ડિરેક્ટરની કમાલ ગણાય. અભિનયની ચારમાંથી ત્રણ કેટેગરીના ઓસ્કર એક જ ફિલ્મના એક્ટરો જીતી ગયા હોય એવું ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં પહેલી વાર બન્યું. પછી છેક્ પચ્ચીસ વર્ષે, ૧૯૭૬માં, ‘નેટવર્ક’ ફિલ્મમાં આ સ્થિતિ રીપીટ થઈ. 



નાટક પરથી ફિલ્મ બનાવતી વખતે વાર્તામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી પહેલો ફેરફાર એ હતો કે બ્લાન્ચના પતિને નાટકમાં હોમોસેક્સ્યુઅલ બતાવવામાં આવ્યો હતો, પણ ફિલ્મમાં આ વાત ગાળી નાખવામાં આવી છે. નાટકમાં સગી બહેન પર રેપ કરનાર પતિને સ્ટેલા છોડતી નથી. નાટકનું અંતિમ વાક્ય એવું છે કે ‘સ્ટેન્લી સ્ટેલાની બાજુમાં બેઠો અને એની આંગળીઓ સ્ટેલાનાં બ્લાઉઝનાં બટનો ખોલવા લાગી.’ ફિલ્મમાં મોરલ કોડ-ઓફ-ક્ધડક્ટની ચિંતા કરવી પડે તેમ હતી એટલે સ્ટેલા વરને છોડીને બચ્ચાં સાથે જતી રહેતી બતાવવામાં આવે છે. જોકે આ બદલાયેલા અંતને કારણે ધાર્યો પંચ આવતો નથી. મૂળ લેખક ટેનેસી વિલિયમ્સને પણ ફિલ્મ તો પસંદ પડી હતી, પણ અંત અસરહીન લાગ્યો હતો. નાટકનો એન્ડ ઘણો વધારે ધારદાર હતો.

આખી ફિલ્મનું શૂટિંગ ૩૬ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ રિલીઝ થઈ ત્યારે વિવાદો થવા સ્વાભાવિક હતા. લોકોનું, ખાસ કરીને રિવ્યુઅર્સનું કહેવું હતું કે આવાં નીતિ મૂલ્યો વિહોણાં ઘૃણાસ્પદ પાત્રોને ગ્લોરિફાય કરવાની જરૂર શી છે? પણ પાત્રો, પાત્રો છે. સિનેમા હોય કે સાહિત્ય, લોકોને માત્ર રામ-સીતા ને જિસસ ક્રાઈસ્ટ જેવાં પવિત્ર-પવિત્ર અને ડાહ્યાં ડાહ્યાં પાત્રોમાં રસ નથી હોતો. જીવનના તમામ રસ, તમામ શક્યતાઓ, તમામ પરિસ્થિતિઓ કળાકૃતિમાં ઝીલાતાં હોય છે, ઝીલાવાં જોઈએ.

સતત જકડી રાખે એવી મસ્ત ફિલ્મ છે આ. વિશ્ર્વના સર્વકાલીન મહાન અભિનેતાઓમાંના એક ગણાતા માર્લોેન બ્રાન્ડોના ચાહકો માટે તો આ ફિલ્મ મસ્ટ-સી છે.


‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : એલિયા કઝાન 

મૂળ નાટ્યલેખક : ટેનેસી વિલિયમ્સ

સ્ક્રીનપ્લે : ટેનેસી વિલિયમ્સ, ઓસ્કર સાઉલ

કલાકાર : માર્લોેન બ્રાન્ડો, વિવિઅન લી, કિમ હન્ટર, કાર્લ માલ્ડન

રિલીઝ ડેટ : ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૧

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ અને આર્ટ ડેકોરેશન માટેનાં ઓસ્કર. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ ડિઝાઈન, મ્યુઝિક અને સાઉન્ડ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

0 0 0 

Tuesday, December 3, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : ૫૦ : ‘ધ ગૉડફાધર’

Hollywood 100 - Mumbai Samachar - Matinee Purti - 29 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ગંદા હૈ પર ધંધા હૈ યે...
ધ ગૉડફાધર’ એટલી માતબર ફિલ્મ છે કે વિશ્ર્વસિનેમાની શ્રેષ્ઠતમ સો નહીં, પણ ટોપ-ટેન ફિલ્મોની તમામ સૂચિમાં અધિકારપૂર્વક સામેલ થાય છે. 

ફિલ્મ ૫૦ - ‘ધ ગૉડફાધર’



સારું છે કે ‘હોલિવૂડ હંડ્રેડ’ કોલમમાં ક્રમનું મહત્ત્વ નથી, નહીં તો ‘ધ ગૉડફાધર’ જેવી સુપર ક્લાસિક ફિલ્મ છેક પચાસમા ક્રમે મુકવી મોટો અપરાધ ગણાઈ જાત. આજે ‘હોલિવૂડ હંડ્રેડ’નું ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન આ સોના જેવી મહામૂલી અને મહાપ્રભાવશાળી ફિલ્મ વિશે વાત કરીને કરીશું. ‘ધ ગૉડફાધર’ વિશ્ર્વની સર્વકાલીન શ્રેષ્ઠ સો નહીં, પણ શ્રેષ્ઠતમ દસ ફિલ્મોમાં સ્થાન પામતી માતબર કૃતિ છે.

ફિલ્મમાં શું છે?


 આ એક અન્ડરવર્લ્ડ ડૉનની પારિવારિક અપરાધકથા છે. ૧૯૪૫થી ૧૯૫૫નો સમયગાળો છે. ન્યુયોર્કનું લોકાલ છે. ઈટાલિયન મૂળિયાં ધરાવતા ડૉનનું નામ છે, વિતો કૉર્લીઓન (માર્લોેન બ્રાન્ડો). એમના ત્રણ દીકરા. સૌથી મોટો સૉન્ટિનો (જેમ્સ કાન), જે સનીના હુલામણા નામે ઓળખાય છે. ભારે રુઆબી અને રંગીલો. બીજો દીકરો ફ્રેડરિકો અથવા તો ફ્રેડો (જાન ક્રેઝલ). મોટો જેટલો તેજતર્રાર છે એટલો જ આ ઠંડો છે. ત્રીજો માઈકલ (અલ પચીનો) ઘરના બધા પુરુષો કરતાં સાવ જુદો છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈન્યનો હિસ્સો બની ચુકેલા માઈકલને માફિયાગિરીમાં નહીં, પણ નોર્મલ લાઈફ જીવવામાં રસ છે.

 ફિલ્મની શરુઆત ડૉનની દીકરી કૉનીનાં લગ્નથી થાય છે. ડૉન અને તેમનો ફેમિલી લૉયર ટોમ હેગન (રોબર્ટ ડુવેલ) સભા ભરીને બેઠા છે. અનાથ ટોમને ડૉન પોતાના દીકરા જેવો ગણે છે. સભામાં લોકો ફરિયાદ અથવા તો કંઈને કંઈ માગણી લઈને આવ્યા છે. ડૉન વારાફરતી સૌનો ન્યાય તોળતા જાય છે. ઈટાલિયનોમાં રિવાજ છે કે દીકરીનાં લગ્ન હોય તે દિવસે કોઈની વિનંતીને નકારી ન શકાય. દરમિયાન માઈકલ પોતાની ગર્લફ્રેન્ડ કય એડમ્સ (ડિએન કીટન)ને લઈને રિસેપ્શનમાં આવે છે. પરિવારમાં સૌની ઓળખાણ કરાવે છે, એમના ક્રાઈમકથાઓ કહે છે અને ખાતરી પણ આપે છે કે પોતે આવાં કામોથી દુનિયાની દૂર જ રહેવા માગે છે. 




ભપકાદાર રિસેપ્શનમાં જાણીતો ગાયક જાની ફોન્ટેન (અલ માર્ટિનો) પણ આવ્યો છે. એને હોલિવૂડની એક ફિલ્મમાં રોલ જોઈએ છે. એ ઈચ્છે છે કે ડૉન કંઈક ચક્કર ચલાવીને આ રોલ એને અપાવે કે જેથી એની ઠંડી પડી ગયેલી કરીઅરમાં કંઈક જીવ આવે. સ્ટુડિયોનું મોટું માથું ગણાતા જેક વોલ્ટ્ઝને જાનીને રોલ આપવામાં કોઈ રસ નથી. જાનીને દિલાસો આપીને ડૉન પેલો યાદગાર ડાયલોગ બોલે છે, ‘આઈ એમ ગોન્ના મેક હિમ અન ઓફર હી કાન્ટ રિફ્યુઝ.’ મતલબ કે હું સ્ટુડિયોના બૉસ સામે એક એવી ઓફર મૂકીશ કે એ તને ના પાડવાની હિંમત નહીં કરી શકે. રિસેપ્શન પછી ડૉન ટોમને લોસ એન્જલસ મોકલે છે, વોલ્ટ્ઝને મળવા. વોલ્ટ્ઝ ગુસ્સે થઈને ચોખ્ખી ના પાડી દે છે કે મારી ફિલ્મમાં જાનીને ચાન્સ નહીં જ આપું. બીજા દિવસે સવારે કોઈ હિરોઈન સાથે બિસ્તરમાં પડેલો વોલ્ટ્ઝને ચાદર અચાનક ભીની ભીની લાગે છે. ચાદર ખસેડતાં એ શું જુએ છે? લોહીમાં લથપથતું એના સૌથી પ્રિય ઘોડાનું કપાયેલું માથું. 

વર્જિલ સોલોઝો (અલ લેટીરી) નામનો આદમી ડૉનના પરિવારને મળે છે. ડૉનના હરીફ ગણાતા ટેટાગ્લીઆ ફેમિલી સાથે પણ એનો સંબંધ છે. સોલોઝો ઈચ્છે છે કે નશીલી દવા ઈમ્પોર્ટ કરવાના અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના કામમાં ડૉન કૉર્લીઓન પોતાની વગનો ઉપયોગ કરીને એને મદદ કરે. આ કામમાં પુષ્કળ પૈસા છે,પણ ડૉન નશીલી દવાઓમાં પડવા માગતા નથી. મોટા દીકરા સનીને જોકે આ લાઈનમાં ઝુકાવી દેવામાં બહુ રસ છે. ડૉન લુકા નામના પોતાના એક આદમીને ટેટેગ્લીઆના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને અંદરની માહિતી લઈ આવવા મોકલે છે. લુકાનું ખૂન થઈ જાય છે. 




આ તો શરુઆત છે. ડૉન કૉર્લીઓન પર એમની ઓફિસની બહાર જ ગોળીબાર થાય છે અને પરિસ્થિતિ વણસવા લાગે છે. ડૉનનો જીવ જતો રહ્યો છે કે કેમ તે તરત સ્પષ્ટ થતું નથી, પણ એમના બોડીગાર્ડની ગેરહાજરીમાં ફ્રેડો પિતાનું રક્ષણ કરવા માટે બિલકુલ સમર્થ નથી તે ઘીના દીવા જેવું સ્પષ્ટ થઈ જાય છે. સોલોઝો ટોમ હેગનનું અપહરણ કરે છે. સની ટેટેગ્લીઆ એન્ડ કંપનીને ચેતવણી આપે છે, પણ તેની અવગણના કરવામાં આવે છે. માઈકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડૉનને મળવા આવે છે. પિતાજીનું રક્ષણ કરવા કોઈ જ હાજર નથી તે જોઈને એ ચોંકે છે. ડૉન પર ફરી ખૂની હુમલો થઈ શકે તેમ છે. આ ધમાલમાં માઈકલ પણ ઘવાય છે. બાપ-દીકરાને ઘરે ખસેડવામાં આવે છે. દુશ્મન ડૉનનો સૌથી મોટા દીકરાનો જીવ જાય છે અને પછી તો ઘણું બઘું બને છે. બધાને નવાઈ ત્યારે લાગે છે જ્યારે માઈકલ પોતાના હાથ લોહીથી રંગવા તૈયાર થાય છે. માઈકલ સોલોઝો અને મેકક્લ્સ્કી નામના કરપ્ટ પોલીસને ઉડાવી દે છે. માઈકલને સિલિલી મોકલી આપવામાં આવે છે. 

દરમિયાન બહેન કૉનીનું લગ્નજીવન ખરાબે ચડે છે. લફડેબાજ બનેવી કાર્લો રિઝી એક વાર પ્રેગનન્ટ કૉની પર હાથ ઉપાડે છે તેથી સનીનો પિત્તો જાય છે. એ જિજાજીને ભરબજારે ધીબેડે છે. ગિન્નાયેલો કાર્લો દુશ્મન ગેંગ સાથે હાથ મિલાવે છે. પરિણામ: સનીની પણ હત્યા થઈ જાય છે. ડૉન કૉલીઓન વધારે ખૂનખરાબા ઈચ્છતા નથી. એ દુશ્મન ગેંગ સાથે સંધિ કરીને તેમને નશીલી દવામાં પોલિટિકલ પ્રોટેક્શન અપાવવાની બાંહેધરી આપે છે. 

પછી શું થાય છે? બન્ને દુશ્મન ગેંગ વચ્ચે સાચા અર્થમાં કોમ્પ્રો થાય છે? ખૂનામરકી પર પૂર્ણવિરામ મૂકાય છે? દેશનિકાલની સજા પામેલા કેદીની માફક સિસિલીમાં સમય વીતાવી રહેલો માઈકલ ક્યારે પાછો અમેરિકા આવે છે? એની પ્રેમિકાનું શું થયું? માઈકલ પુન: સીધુસાદું જીવન તરફ આગળ વધે છે કે ડર્ટી બિઝનેસના કાદવમાં ઊંડો ખૂંપતો જાય છે? આ બધા સવાલોના જવાબ તમારે સ્વયં ‘ધ ગૉડફાધર’ની ડીવીડી જોઈને મેળવી લેવાનો છે. ફિલ્મ જોવા ઉપરાંત તમારે એક ઑર કામ કરવાનું છે - જે પુસ્તક પર આ ફિલ્મ આધારિત છે તે મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ નવલકથાનો સૌરભ શાહે ગુજરાતીમાં કરેલા અફલાતૂન અનુવાદને વાંચી જવાનું. જલસો પડશે.

કથા પહેલાંની અને પછીની

પેરેમાઉન્ટ સ્ટુડિયોનો મૂળ આઈડિયા તો એ લૉ-બજેટ ગેંગસ્ટર ફિલ્મ બનાવવાની હતી. મૂળ નવલકથા ‘ધ ગૉડફાધર’ના જ લેખક મારિયો પૂઝોએ સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ એ જ રીતે લખેલો, પણ ડિરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ 
કોપોલાએ આ વર્ઝન રિજેક્ટ કરી નાખ્યું. વાસ્તવમાં ‘ધ ગૉડફાધર’ ડિરેક્ટ કરવા માટે ‘ધ ગુડ, ધ બેડ, ધ અગ્લી’ જેવી એકાધિક અફલાતૂન ફિલ્મોના ડિરેક્ટર સર્જીઓ લિઓનનો અપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ સર્જીઓને લાગ્યું કે આ ફિલ્મથી માફિયાઓ નાહકના ગ્લોરિયાફાય થઈ જશે. તેથી તેમણે ઓફર ઠુકરાવી દીધી. જોકે ફિલ્મે પછી જે કક્ષાની સફળતા મેળવી તે જોઈને સર્જીઓ પોતાના નિર્ણય બદલ પેટ ભરીને પસ્તાયા હતા. આ ફિલ્મ ઓફર થઈ ત્યારે બાલબચ્ચાવાળા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા દેવામાં ડૂબેલા હતા.


Mario Puzo

ગૉડફાધરના ટાઈટલ રોલ માટે કેટલાય એક્ટરોનાં નામ વિચારાયાં હતાં. ફ્રાન્સિસ ફોર્ડ કપોલાના મનમાં જોકે બે જ એક્ટર હતા - લોરેન્સ ઓલિવિઅર અને માર્લોેન બ્રાન્ડો. પહેલાં લોરેન્સ ઓલિવિયરનો સંપર્ક કરવામાં આવ્યો. એ દિવસોમાં તેઓ બીમાર રહેતા હતા અને નવાં કામ સ્વીકારતાં નહોતા તેથી એમનાં નામ પર ચોકડી મૂકાઈ ગઈ. તે પછી ૪૭ વર્ષના માર્લોેન બ્રાન્ડોને ડૉન કૉર્લીઓન તરીકે ફાયનલાઈઝ કરવામાં આવ્યા. ફ્રેન્ક સિનાત્રાએ આ રોલની સામેથી માગણી કરી હતી, પણ 
કોપોલા બ્રાન્ડોની પસંદગી પર મક્કમ રહ્યા.


બ્રાન્ડોની આગલી ફિલ્મ ‘બર્ન!’ સુપરફ્લોપ થઈ હતી. હોલિવૂડમાં કહેવાતું હતું કે બ્રાન્ડોની કરીઅર હવે ખતમ થઈ ગઈ છે. માર્લોન બ્રાન્ડોની છાપ હંમેશા એક બહુ જ ડિફિકલ્ટ એક્ટર તરીકેની રહી છે. એમને હેન્ડલ કરવામાં ડિરેક્ટરોને પરસેવો વળી જાય. ડાયલોગ્ઝ ગોખવાની તસ્દી ન લે એટલે એ શોટ આપતા હોય ત્યારે સંવાદ લખેલા પતાકડા પકડીને સામે માણસો ઊભા રાખવા પડે અથવા સંવાદોના કાગળિયાં કેમેરામાં દેખાઈ ન જાય તે રીતે આસપાસ ચીટકાડવા પડે. સ્ુટડિયોના સાહેબોએ Coppola સામે શરત મૂકી હતી કે અમે તમને તો જ બ્રાન્ડોને કાસ્ટ કરવા દઈશું જો એ પોતાની ફી ઓછી કરશે, સ્ક્રીન ટેસ્ટ આપીને એમાં પાસ થશે તેમજ લિખિતમાં ખાતરી આપશે કે પોતે ક્યારેય શૂટિંગ નહી રખડાવે!




ડૉનના કિરદાર માટે બ્રાન્ડોએ પોતાનો અવાજ બદલ્યો હતો. અવાજ બદલવાનો આઈડિયા તેમને ફ્રેન્ક કોસ્ટેલો નામના અસલી ગેંગસ્ટરનો ટીવી ઈન્ટરવ્યુ જોઈને આવ્યો હતો. ‘ધ ગૉડફાધર’નું શૂટિંગ ૭૭ દિવસ ચાલ્યું. એમાંથી બ્રાન્ડોએ કુલ ૩૫ દિવસ કામ કર્યું, કારણ કે આ જ અરસામાં તેમને ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’નું શૂટિંગ પણ ભેગાભેગું પતાવવાનું હતું. વિવાદાસ્પદ ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’ની ગણના પણ એક ક્લાસિક ફિલ્મ તરીકે થાય છે (‘હોલિવૂડ હંડ્રેડ’માં આપણે એના વિશે વાત કરી ચુક્યા છીએ). કલ્પના કરો, બ્રાન્ડો વિશ્ર્વસિનેમાની બબ્બે ઓલ-ટાઈમ-ગ્રેટેસ્ટફિલ્મોમાં એકસાથે કામ કરી રહ્યા હતા!

માઈકલના રોલ માટે સ્ટુડિયોની ઈચ્છા રોબર્ટ રેડફોર્ડ યા તો રાયન ઓ’નીલને લેવાની હતી, પણ કપોલા કોઈ ઓછા જાણીતા એક્ટરને કાસ્ટ કરવા માગતા હતા, જેનો દેખાવ અમેરિકન-ઈટાલિયન જેવો હોય. આ રીતે અલ પચીનોની પસંદગી થઈ. પચીનોએ અગાઉ બે તદ્દન મામૂલી ફિલ્મો કરી હતી.

સ્ટુડિયોના સાહેબોને પચીનોના સિલેક્શન સામેય વાંધો હતો. એમને એની હાઈટ ઓછી લાગતી હતી! ડૉનના નઠારા જમાઈ કાર્લો રિઝીનો રોલ મેળવવા માટે ગિઆની રુસો નામના તદ્દન બિનઅનુભવી એક્ટરે ખરેખરા અન્ડરવર્લ્ડ કનેક્શનનો ઉપયોગ કર્યો હતો! એ પોતાની કેમેરા ટીમને લઈને ધરાર ઓડિશન આપવા પહોંચી ગયેલો. એનું સિલેક્શન પણ થઈ ગયું. જોકે માર્લોન બ્રાન્ડો નારાજ થઈ ગયા હતા. એમનું કહેવું હતું કે જે માણસને એક્ટિંગના ‘એ’ની પણ ખબર નથી એ શું રોલ કરવાનો. રુસોની કમાન છટકી. એ રાતોપીળો થઈને બ્રાન્ડોને ધમકાવવા પહોંચી ગયો. એની આ ટપોરીગીરી ફાયદારુપ સાબિત થઈ. એના તેવર જોઈને બ્રાન્ડો કન્વિન્સ થઈ ગયા કે આ માણસ જો આવું જ વર્તન કેમેરા સામે કરશે તો કામ ચાલી જશે! નવોદિત સિલ્વેસ્ટર સ્ટોલને પણ બનેવીના રોલ માટે ઓડિશન આપ્યું હતું, પણ તેમને રિજેક્ટ કરવામાં આવેલા. ફ્રાન્સિસ કપોલાના કેટલાય પરિવારજનોએ ફિલ્મમાં નાનામોટા રોલ કર્યા છે. કપોલાની મા, પિતા, બહેન, બન્ને દીકરા અને દીકરી કોઈકને કોઈ સીનમાં દેખાય છે. બહેન ટેલીયા શાઈરે તો ફિલ્મના ત્રણેય ભાગમાં ડૉનની દીકરી કૉની કૉર્લીઓનના મહત્ત્વનો રોલ કર્યો છે.

‘ધ ગૉડફાધર’માં અંધારું-અંધારું ખૂબ છે. ઈન્ટીરિયર સીન્સમાં સિનેમેટોગ્રાફર ગોર્ડન વિલિસે જાણી જોઈને શોટ્સને ખૂબ બધી લાઈટ્સથી ઝળહળતો કરી દેવાને બદલે જરુર કરતા ઓછો પ્રકાશ વાપર્યો છે. પેરેમાઉન્ટ સ્ટુડિયોના સાહેબો તો રફ ફૂટેજમાં અધારું-અંધારું જોઈને મૂંઝાઈ ગયા હતા. તેમને શંકા ગઈ કે પ્રિન્ટ ડેવલપ કરતી વખતે લેબોરેટરીમાં કંઈ ગરબડ થઈ કે શું? પણ કપોલા અને ગોર્ડન વિલિસે એમને સમજાવ્યું કે આ ડાર્કનેસ ફિલ્મની ડાર્ક થીમનું અને ગેંગસ્ટર્સનાં કાળાં કારનામાંનું પ્રતીક છે. પછી તો ખાસ કરીને ગેંગસ્ટરની થીમવાળી ફિલ્મોમાં આ પ્રકારની ડિમ-લિટ સિનેમેટોગ્રાફીની ખૂબ નકલ થઈ છે. આજની તારીખે પણ થઈ રહી છે.

ઈટાલિયનો ખાધોકડી પ્રજા છે. ફિલ્મમાં ખાવા-પીવાના અધધધ ૬૧ દશ્યો છે! સામાન્યપણે ડિરેક્ટર ફિલ્મ એડિટ કર્યા પછી પહેલો કટ અથવા તો વર્ઝન તૈયાર કરે તે પ્રમાણમાં લાંબો હોય. ‘ધ ગૉડફાધર’ના કેસમાં ઊલટું થયું. ફર્સ્ટ કટ ફક્ત ૧૨૬ મિનિટનો હતો. હોલિવૂડના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોકે આ પણ વધારે જ કહેવાય. પ્રોડક્શન ચીફ રોબર્ટ ઈવાન્સે સૂચના આપી કે ફિલ્મને ઑર લાંબી કરો, એમાં ફેમિલીનાં દશ્યો ઉમેરો. આથી Coppolaએ એડિટ થઈ ચુકેલા મટિરીયલમાંથી કુલ પચાસ મિનિટ જેટલાં દશ્યો ઉમેરીને બીજું અને ફાઈનલ વર્ઝન તૈયાર કર્યું. શૂટિંગ દરમિયાન રોબર્ટ ઈવાન્સને લાગતું હતું કે ફિલ્મ ગેંગસ્ટર વિશેની છે, પણ આમાં એક્શન સીન્સ માંડ સમ ખાવા પૂરતાં છે. તેઓ વધારાનો એક્શન ડિરેક્ટર લેવા માગતા હતા. ઈવાન્સના જીવને નિરાંત થાય તે માટે કપોલાએ કૉની અને તેના વર કાર્લોના લાંબા ઝઘડાવાળો સીન ઉમેરવો પડ્યો!





વક્રતા જુઓ. Coppola સરસ કામ કરી રહ્યા હતા, પણ શૂટિંગ દરમિયાન પેરેમાઉન્ટ સ્ટુડિયોના બોસલોકો કાચું ફૂટેજ જોઈને એટલા બધા અસંતુષ્ટ હતા કે તેઓ Coppolaને ડિરેક્ટરપદેથી તગેડી મૂકવા માગવા હતા! તેઓ એલિયા કઝાન નામના ડિરેક્ટરને લાવવા માગતા હતા. મેનેજમેન્ટનું માનવું હતું કે કઝાન પાસે માર્લોન બ્રાન્ડો સીધા ચાલશે. માર્લોેન બ્રાન્ડોને જેવી આ હિલચાલની ગંધ આવી કે તેમણે ચોખ્ખું સંભળાવી દીધું કે જો તમે Coppolaને કાઢી મૂકશો તો હું પણ ફિલ્મ અધૂરી મૂકીને જતો રહીશ! સાહેબલોકોએ નછૂટકે Coppolaને ફિલ્મ પૂરી કરવા દેવી પડી. કોઈ પણ કંપનીની મેનેજમેન્ટ ટીમમાં બુદ્ધિશાળી માણસો બેઠા હોય છે તેવી એક માન્યતા છે, પણ આ નોન-ક્રિયેટિવ લોકો કેટલી હદે બાલિશ, ખોટા અને ઈવન હાનિકાકર હોઈ શકે છે એનું ‘ધ ગૉડફાધર’ ઉત્તમ ઉદાહરણ છે. ફ્રાન્સિસ ફોર્ડ Coppola માટે આ ફિલ્મ બનાવવાનો અનુભવ પીડાદાયી સાબિત થયો. તેમને સતત ફફડાટ રહેતો હતો કે સાહેબલોકો એને ગમે તે ઘડીએ તગેડી મૂકશે. તેમનો આત્મવિશ્ર્વાસ એટલો બધો નીચે ઉતરી ગયો હતો કે ફિલ્મ પૂરી થઈ પછીય તેમને ખાતરી થતી નહોતી કે પોતે એક સારી ફિલ્મ બનાવી છે. એમને થતું હતું કે ‘ધ ગૉડફાધર’ પછી એક પણ નવી ફિલ્મ ડિરેક્ટ કરવા નહીં મળે.

પણ ‘ધ ગૉડફાધર’ રિલીઝ થતાંની સાથે જ સુપરડુપર હિટ થઈ. એણે કેટલાય બોક્સઓફિસ રેકાર્ડ્સ તોડી નાખ્યા. જે કાસ્ટિંગ માટે સ્ટુડિયોના સાહેબો Coppolaનું લોહી પી ગયા હતા તે પરફેક્ટ પૂરવાર થયું. અવોર્ડ્ઝનો વરસાદ વરસ્યો. અલ પચીનોને એમની કરીઅરનું પહેલું ઓસ્કર નોમિનેશન મળ્યું, પણ રાજી થવાને બદલે તેઓ ક્રોધે ભરાઈ ગયા. તેમનું કહેવું હતું કે મને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં માટે શા માટે નોમિનેટ કરવામાં આવ્યો છે? મારો રોલ વધારે લાંબો છે, સ્ક્રીન પર હું માર્લોેન બ્રાન્ડો કરતાં વધારે દેખાઉં છું તો મને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ કરવો જોઈતો હતો! અલ પચીનો એટલા બધા નારાજ થઈ ગયેલા કે તેઓ ઓસ્કર ફંકશનમાં હાજર સુધ્ધાં ન રહ્યા. ઉપસ્થિત રહ્યા હોત તો કદાચ એમને ઑર બળતરા થઈ હોત, કેમ કે બ્રાન્ડો બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ગયા. બ્રાન્ડો પણ અવોર્ડ ફંકશનમાં પ્રતીકાત્મક રીતે હાજર રહ્યા ન હતા. તેમનો વાંધો એ વાત સામે હતો કે અમેરિકન ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અમેરિકાના મૂળ વતનીઓ એવા રેડ ઈન્ડિયનોનું ચિત્રણ નકારાત્મક કરવામાં આવે છે.

ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જ એની એટલી સરસ હવા બની ગઈ હતી કે ‘ધ ગૉડફાધર’ પાર્ટ ટુ અને થ્રી બનાવવાનો નિર્ણય લઈ લેવામાં આવેલો. આ ફિલ્મો બની પણ ખરી અને તે પણ પહેલા પાર્ટ જેટલી જ અદભુત પૂરવાર થઈ. આ બન્ને સિક્વલ વિશે ‘હોલિવૂડ હંડ્રેડ’ સિરીઝના ઉત્તરાર્ધમાં ફરી ક્યારેક.

‘ધ ગૉડફાધર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : ફ્રાન્સિસ ફોર્ડ Coppola 



મૂળ નવલકથાકાર અને સ્ક્રિપ્ટરાઈટર: મારિયો પૂઝો

કલાકાર : માર્લોન બ્રાન્ડો, અલ પચીનો, જેમ્સ કાન, રોબર્ટ ડુવોલ, ડીએન કીટન, જોન કેઝન, અલ લિટેરી

રિલીઝ ડેટ : ૧૫ માર્ચ ૧૯૭૨

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, એક્ટર ઈન લીડીંગ રોલ અને એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર અવોર્ડ્ઝ. બેસ્ટ ડિરેક્ટર, એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (અલ પચીનો, જેમ્સ કાન, રોબર્ટ ડુવોલ), કોસ્ચ્યુમ ડિઝાઈન, એડિટિંગ, સાઉન્ડ અને ઓરિજિનલ મ્યુઝિક માટે ઓસ્કર નોમિનેશન્સ.