Wednesday, November 28, 2012

ગુડ્ડી


             નવલિકા 0 ‘માર્ગી’ દિવાળી અંક 2012

 ‘બોલ બીટ્ટુ, તને કોણ વધારે ગમે - નાનો ભાઈ કે નાની બહેન?’
હાસ્ય-મજાકની છોળો વચ્ચે છ વર્ષના બીટ્ટુને આ પ્રશ્ન ત્રીજી વખત પૂછાયો. જવાબમાં એણે ફરી હોઠ ભીડી દીધા, મોઢું ફૂલાવ્યું અને ગોળમટોળ આંખો પરની ભ્રમરો મરડીને રોષ પ્રગટ કર્યો.
‘પૂજા, હવે તમે એક જીવતુંજાગતું રમકડું બીટ્ટુને આપી જ દો!’ હરખપદૂડાં દાદીમા વહુને કહી રહ્યાં હતાં, ‘આ બીટુડાએ મારા બહુ લોહી પીધા છે. ખરે બપોરે માથાના મોંવાળાં બળી જાય એવા તાપમાં મને જગાડીને કહેશે, દાદીમા, મારી સાથે રમવા ચાલો... દાદીમા, મને બદામડી પર ચડાવો! હવે ઘરમાં નાનકડો ભાઈ કે નાનકડી બહેન આવશે એટલે એયને બીટ્ટુ એકલો એકલો એની સાથે રમ્યા કરશે ને રમાડ્યા કરશે. મારે એટલી ઝંઝટ ઓછી!’
‘નાનકડો ભાઈ નહીં, દાદીમા, નાનકડી બહેન જ આવશે!’ બીટ્ટુની મોટી બહેન ડોલી - જોકે એની ઉંમરેય અગિયાર વર્ષ કરતાં વધારે નહોતી - એ તો વળી આનંદ અને ઉત્સાહના આવેગમાં થનગનતી હતી:
‘મારે એક નાનો ભાઈ તો છે, હવે નાની બહેન જ જોઈએ!’
સમજણો થયો ત્યારથી બિટ્ટુએ આ જ શબ્દો સાંભળ્યા હતા- ‘નાનો ભાઈ’! પણ આજે પહેલી વાર ડોલી અને દાદીના મુખેથી નીકળતા ‘નાની બહેન’ જેવા અજાણ્યા શબ્દો એના કાન સાથે અથડાવાથી એને કશુંક નવું-નવું, અડવું-અડવું, અપ્રિયકર લાગતું હતું. બલકે રીતસર ખૂંચતું જ હતું. નાની બહેન એટલે શું વળી?
‘ગઈ કાલે મારી ફ્રેન્ડ નહોતી આવી - નૂપુર? એની નાની બહેન સ્વીટી કેટલી ક્યુટ છે? બસ, એવી જ!’ ડોલીએ ઉમેર્યુ્ંં.
‘હા રે હા! એ બેબલી તો મનેય બહુ ગમે છે,’ દાદીમા બોલ્યાં, ‘કેવી મજાની છે! ગોરી ગોરી, ચાવીવાળાં રમકડા જેવી!’
ડોલી ખુશ થઈ ગઈ.
‘સ્વીટી તો બીટ્ટુને ય ખૂબ પસંદ છે, કેમ બીટ્ટુ?’
વાત તો સાચી હતી. રુપકડી સ્વીટી બીટ્ટુને ખૂબ વહાલી હતી. એ બે વર્ષની બેબી સાથે બીટ્ટુ એ કંટાળ્યા વગર કલાકોના કલાકો પસાર કરી નાખતો. બીજો કોઈ દિવસ હોત તો એ સ્વીટીના પરાક્રમો ઊછળી ઊછળીએ, અદાઓ સાથે રજૂ કરત, પણ અત્યારે એ કંઈક ‘નકારાત્મક’ મૂડમાં હતો. લાક્ષાણિક ઢબે મોઢું મચકોડતો, ચહેરા પર ગુસ્સો છલકાવતો એ મોટેથી બોલ્યો:
‘છી! સ્વીટી તો કેટલી ગંદી છે! ત્યારે મારા ખોળામાં એણે કેવું સૂ-સૂ કયુર્ર્ં હતું!’
બીટ્ટુના માસૂમ ચહેરા પર ક્રોધની લાલિમા છવાતી ત્યારે એ ઓર મોહક બની જતો.


‘પણ મમ્મી, મારે તો સ્વીટી જેવી જ નાની બહેન જોઈએ છે અને-’
ડોલી વાક્ય પૂરું કરે તે પહેલાં જ મમ્મી ગુસ્સે થઈને બોલી, ‘ડોલી, હવે એક પણ શબ્દ આગળ બોલ્યા વગર ચુપચાપ જમી લે તો! બહુ બોલતા શીખી ગઈ છે આજકાલ...’
મમ્મી બહેન પર ગુસ્સે થઈ એટલે બીટ્ટુને મજા પડી ગઈ. એ પોતેય ‘નાની બહેન’-‘નાની બહેન’નું પારાયણ બંધ થાય એમ ઈચ્છતો હતોને! બે હાથે પાણીનો ગ્લાસ મોઢે માંડીને એ ડોલીના ચહેરા પરના હાવભાવ જોતો રહ્યો. ડોલી ચુપ થઈ ગઈ હતી. એ અને દાદીમાં કોણ જાણે શું કામ ક્યારના હસ-હસ કરતાં હતાં, પણ મમ્મી સાવ સિરીયસ છે.
...અને મૂંઝાયેલી, ખોવાયેલી.
‘ઘરમાં નાનું છોકરું આવવાનું હોય એટલે હરખ તો થાયને, વહુ!’ દાદીમાનો અવાજ ધીમો પડી ગયો હતો.
સામાન્યપણે રોજ રાતે ડાઈનિંગ ટેબલ પર વાતો થતી એમાંની ઘણી ખરી બીટ્ટુની આસપાસ જ ફરતી રહેતી:
- ‘પપ્પા, બીટ્ટુને કંઈક કહોને, રોજ મારી નવી નવી પેન્સિલો તોડી નાખે છે...’ ડોલી ફરિયાદ કરતી.
- ‘બીટ્ટુ, રિસેસમાં નાસ્તો કેમ કરતો નથી? કેમ રોજ લંચબોક્સ ભરેલું ને ભરેલું પાછું લાવે છે?’ મમ્મી ચિંતાતુર સ્વરે પૂછતી.
- ‘ભગવાન જાણે આ છોકરો ક્યારે રોટલા ખાતા શીખશે. ને પાછો વધે છેય કેવો!’ દાદીમા સૂર પૂરાવતા.
- ‘બીટ્ટુ, કાલે તારાં મિસ મળ્યાં હતાં. કહેતાં હતાં કે બીટ્ટુકુમારની મ્યુઝિક સેન્સ ખૂબ શાર્પ છે!’ પપ્પાના સ્વરમાં ગર્વની છાંટ વર્તાતી.
બીટ્ટુ, બીટ્ટુ અને બીટ્ટુ!
બીટ્ટુ એટલે મહેતા પરિવારના બાળરાજા. કુટુંબનું કેન્દ્ર. આખા ઘર પર એનો પૂરેપૂરો એકાધિકાર. એની ઈચ્છા-અનીચ્છા-મૂડ પ્રમાણે બાકીના સૌનું શેડ્યુલ નક્કી થાય. એનો પડ્યો બોલ ઝીલાય. અરે, નવું પ્લાઝમા ટીવી લેવું હોય તો પણ બીટ્ટુસાહેબના અભિપ્રાય પર ગંભીરતાથી વિચાર થાય!
... પણ મમ્મી હોસ્પિટલમાં ડોક્ટર આન્ટીને મળીને આવી છે ત્યારથી જાણે કશુંક બદલાઈ ગયું છે!
‘મમ્મી કંઈ બીમાર નહોતી, તોય કેમ ડોક્ટર આન્ટી પાસે ગઈ ?’ બીટ્ટુના મનમાં સવાલ સળવળ સળવળ થતો રહ્યો... અને જ્યારથી પાછી આવી છે ત્યારથી કેમ ડોલી અને દાદીમા ખુશખુશાલ થતાં થતાં ‘નાની બહેન... નાની બહેન’ની વાતો કરવા લાગ્યાં છે?  બીટ્ટુને કશું સમજાતું નહોતું, પણ એના બાળમને આ અણધાર્યા ફેરફારની નોંધ જ‚ર લીધી.
પપ્પા શું કરતા હશે? બીટ્ટુને અચાનક પપ્પા યાદ આવી ગયા. પપ્પા ઓફિસની કંઈક ટ્રેનિંગ માટે એક વીક પહેલાં જ દિલ્હી ગયા હતા અને છેક દોઢ મહિના પછી આવવાના છે...
પછીના દિવસો તો રોજ ઊગતા હોય એમ જ ઊગતા રહ્યા, પણ ઘરમાં જાણે અદશ્ય ‘કોઈક’ની હાજરી ઉમેરાઈ ગઈ. ડોલીએ તો એ ‘કોઈક’નું નામ પણ આપી દીધું:
‘ગુડ્ડી!’
‘ગુડ્ડી? નામ તો તું સરસ શોધી લાવી, છોકરી!’ દાદીમાએ રાજી થઈને કહ્યું.
‘ગુડ્ડી? એ વળી કોણ?’ બીટ્ટુએ આશ્ચર્યથી પૂછ્યું.
‘અરે બુદ્ધુ! ગુડ્ડી એટલે હવે આપણા ઘરમાં આવવાની છે એ... આપણી નાની બહેન!’
બીટ્ટુએ આંખો ફાડીને ડોલી સામે જોયા કર્યું.
પછી તો સવારથી સાંજ સુધી ગુડ્ડી નામનું પતંગિયું પાંખો ફફડાવતું ઘરમાં ઊડવા માંડ્યું.


- ‘મમ્મી, ગુડ્ડી આવે પછી આપણે બધા કારમાં કેવી રીતે સમાઈશું? ગુડ્ડીનો સામાન પણ હશેને? મારી પાસે મસ્ત આઈડિયા છે, કહું? જો, હું પપ્પાને કહીશે કે આ કાર કાઢી નાખો અને નવી કાર લઈ લો. મોટી એસયુવી! ઝાયલો, નહીં તો પછી ટાટા સફારી... રેડ કલરની!’
- ‘નૂપુરની બહેન પાસે કેવાં ફાઈન ફાઈન ડ્રેસીસ છે! ગુડ્ડી માટે પણ એનાં કરતાંય મસ્ત ડ્રેસીસ લાવીશું, પેલા નવા મૉલમાંથી! બરાબરને, દાદીમા?’
- ‘બીટ્ટુ, તારી આ ટ્રાઈસિકલ ભંગારમાં આપી દેવાની છે. ગુડ્ડી માટે તો આપણે નવી સાઈકલ ખરીદીશું!’
- ‘ઓય બીટુડા! ગુડ્ડી આવે પછી ટીવીનું વોલ્યુમ આટલું ફાસ્ટ મૂકીશ એ નહીં ચાલે, હં!’
બીટ્ટુને આ બધું કેવી રીતે ગમે? ઘરમાં સૌથી નાના હોવાના કારણે મળતા ખૂબ બધા ‘વિશિષ્ટ અધિકારો’ હવે છીનવાઈ જવાના હતા. હવે ઘરમાં અગ્ર્ાતાક્રમ બદલાઈ જવાનો હતો. ડોલી અને દાદીમા તો જાણે અત્યારથી જ ગુડ્ડીના પક્ષમાં જતા રહ્યાં છે. નાનકડો બીટ્ટુ આ બધું સભાનતાપૂર્વક તો શી રીતે સમજી શકે, પણ એ આખી વાતને પામી જ‚ર જતો. એને આ બધું ખૂંચ્યા કરતું. ગુડ્ડીનો ઉલ્લેખ આવે એટલે એ ચીડાય જાય, ગુસ્સે થઈ જાય, રિસાઈને એક ખૂણામાં મોઢુ ચડાવીને બેસી જાય. તો ક્યારેક, ગુડ્ડીની વાતો કરતી વખતે ડોલીની આંખોમાં આતુરતા, આનંદ અને આવકારની જે પલી અજબ ચમક અંજાઈ જતી હતી તે જોઈને ચુપ થઈ જાય.
જૂના રજવાડાંમાં જેમ સૂર્ય અસ્ત થાય તે પહેલાં નગર ફરતે ગઢના વિશાળ દ્વારો બંધ કરી દેવામાં આવતાં એ રીતે બીટ્ટુએ પણ પોતાનાં હૃદયનાં દ્વાર ગુડ્ડી માટે અજાણપણે ભીડી દીધાં હતાં!
એક દિવસ ઘરના પાછલા કમ્પાઉન્ડમાં બદામડીના ઝાડ પાસે બીટ્ટુ એના ફેવરિટ બૉલ સાથે રમી રહ્યો હતો. થોડે દૂર દાદીમા જાડા કાચવાળા ચશ્માં ચડાવીને કશુંક વાંચી રહ્યાં હતાં. બીટ્ટુને બદામડીની ડાળે હીંચકો બાંધીને ઝુલવું બહુ ગમતું. બૂમ પાડીને એણે ડોલીને પાસે બોલાવી:
‘ડોલી, ચાલ આપણે પેલી ડાળ પર હીંચકો બાંધીએ!’
‘ના હોં. જરાય નહીં.’
બીટ્ટુને નવાઈ લાગી. ડોલી તો ક્યારેય આવાં કામમાં ના નથી પાડતી. આજે વળી શું થયું? એણે આશ્ચર્યથી પૂછ્યું:
‘કેમ?’
‘હવે બદામડીની ડાળે તારો હીંચકો નહીં બંધાય.’
‘તો?’
‘ગુડ્ડીનો બંધાશે! બરાબરને દાદીમા?’
બીટ્ટુના ગાલ પર જાણે જોરદાર તમાચો પડ્યો!
પણ દાદીમા ખડખડાટ હસી પડ્યાં. ‘આ તો ભેંસ ભાગોળે અને છાસ છાગોળે! અરે બેટા, ગુડ્ડીને આવવાને હજુ ઘણી વાર છે...’ પછી બીટ્ટુ તરફ દયામણી દષ્ટિ ફેંકી, ‘ડોલી, હવે બીટ્ટુરાજાને છેલ્લા છેલ્લા લાડ લડાવી લ્યો. ગુડ્ડી તો આવતાં આવશે, બિચારા બીટ્ટુના તો અત્યારથી ભાવ પૂછાવાનું બંધ થઈ ગયું...!’
એટલું બધું લાગી આવ્યું બીટ્ટુને! એનું મોઢું સાવ કરમાઈ ગયું. પોતાની વાત મનાવવા અને ધાયુર્ર્ં કરાવવા આખું ઘર માથે લેતો બીટ્ટુ આ વખતે સાવ મૌન થઈ ગયો. હવા ભરેલું રમકડું જેમ ટાંચણી ભોંકાતા ઢગલો થઈને પડી જાય એમ બીટ્ટુ નીચું મોં કરીને દૂર ઓટલા પર બેસી પડ્યો. એની આંખોમાંથી ટપ ટપ કરતાં આંસુ ટપકવાં લાગ્યાં.
આ જોઈને ડોલીનો જીવ બળ્યો હોય કે પછી ભેગેભેગા પોતાનેય હિંચકા ખાવા મળશે એવી લાલચ જાગી હોય, પણ એ બીટ્ટુ પાસે જઈને એના માથા પર હાથ ફેરવવા લાગી. કહ્યું, ‘જા, સ્ટોર‚મમાંથી હિંચકો લેતો આવ. આપણે પેલી સૌથી લાંબી ડાળી પર બાંધીશું, બસ!’
ડોલીને એમ કે આ સાંભળીને બીટ્ટુ રાજી રાજી થઈ જશે, આંખો લૂછીને સીધો સ્ટોર‚મ તરફ દોટ મૂકશે, પણ એણે તો બિલકુલ ઊલટી જ પ્રતિક્રિયા આપી. એણે આંચકો મારીને ડોલીનો હાથ હટાવી દીધો. દબાયેલી સ્પ્રિન્ગ ઊછળી હોય એમ એ ઝાટકા સાથે ઊભો થઈ ગયો અને એકદમ ક્રોધભર્યા સ્વરે, લગભગ ખૂન્નસથી ચીસ પાડી, ‘હું હીંચકો તોડી નાખીશ... ગુડ્ડીને અગાસી પરથી નીચે ફેંકી દઈશ...!’
અને પછી માંડ્યો મોટે મોટેથી હિબકાં ભરવાં. છેલ્લા કેટલાય દિવસોથી જમા થયેલું ‘દુખ’ જાણે એકસાથે આંસુ બનીને એની આંખોમાંથી વહેવા લાગ્યું. આ આંસુમાં ઘરના સિંહાસન પરથી ‘પદભ્રષ્ટ’ થયા પછી પોતાનું શું થશે તે વાતની ભારોભાર અસલામતી પણ વહેતી હતી! ડોલી મૂંઝાઈ ગઈ. બીટુડાને આ વળી ઓચિંતા શું થઈ ગયું? એ ઢીલા, કંઈક ગુનાહિત અવાજે બોલી:
‘દાદીમા, જુઓને મેં એને હીંચકો બાંધી આપવાનું કહ્યું તોય રડે છે...’
પણ જમાનાના ખાધેલાં દાદીમાને આવડા અંગૂઠા જેવડા છોકરાની નાડ પારખતાં કેટલી વાર લાગે? ઈશારો કરીને એમણે ડોલીને ચુપ રહેવા કહ્યું અને બીટ્ટુને પોતાના ખોળામાં ખેંચી લઈ છૂટથી રડવા દીધો.
‘અરેરે! આટલું બધું ખોટું લાગી ગયું મારા લાલાને!’ દાદીમાને હવે ભાન થયું કે ઘરમાં ડોલીનાં નામના મંત્રોચ્ચારનો અતિરેક જરા વહેલો અટકાવી દીધો હોત તો આ બિચારો છોકરો આમ કરમાઈ ન જાત. મહામહેનત શ્વાસ લેતા, હાંફતા બીટ્ટુનાં ડૂસકાં ધીમે ધીમે શમવા લાગ્યાં. જોકે રડવાનું સાવ બંધ તો ન જ થયું. હજુ રહી રહીને હીબકું ભરાઈ જતું હતું અને આખું શરીર હલી ઉઠતું હતું. એ કંઈક વાત સાંભળી શકે એવી સ્થિતિમાં આવ્યો એટલે દાદીમા એના માથા પર હાથ ફેરવતા સમજાવવા લાગ્યાં:
‘આ ડોલી તો સાવ જ ગાંડી છે, નહીં? સાંભળ ડોલી, હવે આપણે ક્યારેય ગુડ્ડીની વાતો નહીં કરવાની, સમજી ગઈ? એ વળી શું? આખો દિવસ ગુડ્ડી, ગુડ્ડી, ગુડ્ડી... જાણે બીજું કોઈ કામ જ નથી! હવેથી એ બધું બંધ, બરાબર છે?’
બીટ્ટુ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. દાદીમા આગળ વધ્યાં:
‘હવે જો બીટ્ટુને ગમેને તો જ ગુડ્ડીની વાત કરવાની. એ સિવાય નહીં. બીટ્ટુ ઘરમાં ન હોય ત્યારેય નહીં. બસ, હવે તો રાજીને બીટ્ટુરાજા?’
દાદીમાની વાતે ધારી અસર કરી. બીટ્ટુનું રુદન અટક્યું. એની ભીની થયેલી આંખો સ્થિર થઈ. દાદીમાની ગુડ્ડી-વિરોધી વાતથી એના દિલને ધરપત થઈ હતી! જોકે ચહેરા પર ખુશાલીના ભાવ તો ન જ આવ્યા. રોષ ખંખેરી નાખતો હોય એમ એ હળવાશ અનુભવતો દાદીમાની ગોદમાંથી ઊભો થયો. એક હાથ ઊંચો કરીને ટીશટર્ની બાંયથી નાક લૂછી એ નરમાશથી બોલ્યો, ‘ચાલ ડોલી, આપણે હીંચકો બાંધીએ, પેલી સૌથી ઊંચી ડાળ ઉપર...’
- અને આજે ઘણા દિવસો પછી એવી સાંજ આવી કે ઘરમાં ગુડ્ડીની વાતો બિલકુલ ન થઈ! અરે, બીજો દિવસેય કોરો ગયો. ડોલીને તો ગુડ્ડીનું નામ જીભ વાટે બહાર નીકળી ન જાય એ માટે રીતસર પ્રયત્ન કરવો પડતો હતો, પણ દાદીમાએ એને બરાબર વિશ્વાસમાં લીધી હતી. ઘરમાં ઊડાઊડ કરતું ગુડ્ડી નામનું પતંગિયું જાણે એકદમ જ પાંજરામાં પૂરાઈ ગયું. ઘરમાં ગુડ્ડીની વાતો સાવ બંધ થઈ ગઈ એટલે બીટ્ટુનાં છણકા કરવાનું અને નારાજ થવાનું પણ ઓછું થઈ ગયું.
પણ આ સિલસિલો લાંબો સમય ચાલ્યો નહીં. બન્યું એવું કે ખુદ બીટ્ટુએ જ - ખાસ તો પેલી ટબૂકડી સ્વીટીએ - પાંજરાનું બારણું ખોલી નાખ્યું અને પતંગિયાને પાછું મુક્ત કરી દીધું.
તે દિવસે ડોલીની બહેનપણી નૂપુર એની બે વર્ષની બહેનને લઈને બપોરથી લેસન કરવા આવી હતી. સ્વીટી તો જાણે જનમોજનમથી બીટ્ટુને ઓળખતી હોય એમ બન્ને હાથ ઊંચાનીચા કરતી, ડગુમગુ ચાલતી એને વળગી પડી. બીટ્ટુ પણ સ્વીટીને જોઈને રાજી રાજી થઈ ગયો. એણે સ્વીટી સામે પોતાનાં નવાંજૂનાં તમામ રમકડાંનો ડુંગર જ ખડકી દીધો. એક એક રમકડાંને ચાવી આપતો જાય અને કાલી કાલી ભાષામાં સ્વીટી સાથે વાતો કરતો જાય. સ્વીટી ખિલ ખિલ કરતી હસી પડે અને નાનીનાની હથેળીઓમાં તાળી પાડે એટલે બીટ્ટુભાઈ ઓર ખીલે.


‘...નહીંતર આજે અમે મેકડોનાલ્ડ્સમાં જવાનાં હતાં, પણ સ્વીટી આવી છે એટલે બીટુડો બધું જ ભૂલી ગયો છે!’ ડોલી નૂપુરને કહી રહી હતી.
મમ્મીએ ઓરેન્જ જ્યુસ અને બે-ત્રણ સ્નેક્સ બનાવી આપ્યાં. બીટ્ટુએ ખુરસી પર એક ઉપર એક ત્રણ ઓશીકાં ગોઠવીને એના ઉપર સ્વીટીને બેસાડી. પછી હળવે હળવે ચમચીથી જ્યુસ પીવડાવતો જાય એ નેપ્કિન વડે એનું મોં લૂછતો જાય.
‘જો તો ખરી વહુ, કેવું હેત છે બીટ્ટુને આ છોકરી ઉપર!’ દાદીમાએ અચંબો પામીએ મમ્મીને કહ્યું.
રાત થવા આવી એટલે સ્વીટીની મમ્મી બન્ને બહેનોને તેડી ગઈ. સ્વીટીને બીટ્ટુ સાથે એવી માયા બંધાઈ ગઈ કે વિખૂટા પડવાનું થયું એટલે ભેંકડો તાણીને રડવા માંડી. બીટ્ટુ પણ ઢીલો થઈ ગયો હતો. સ્વીટીના ભૂરા વાંકડિયા વાળમાં હાથ ફેરવતા જાણે એ બધું સમજતી હોય તેમ મનાવવા લાગ્યો:
‘જો સ્વીટી, કાલે સન્ડે છે. મને સ્કૂલમાં હોલીડે છે... હું સવારથી તારા ઘરે રમવા આવી જઈશ, બસ?’ પછી સ્વીટીની મમ્મી તરફ જોઈને પૂછી લીધું:
‘આવુંને આન્ટી?’
‘અરે  આવજેને બેટા. તારું જ ઘર છે. એમાં પૂછવાનું હોય?’
બીજે દિવસે બીટ્ટુ ગયો પણ ખરો. આખો દિવસ બન્ને રમવામાં એવા મશગુલ રહ્યાં કે સાંજે ‘વિદાયવેળા’ આવી ત્યારે ફરી પાછું ગઈ કાલનું પુનરાવર્તન થયું. આ વખતે તો સ્વીટીનાં રુદનમાં બીટ્ટુનાં આંસુ પણ ભળ્યાં!
વળતી વખતે રસ્તામાં બીટ્ટુ કહે, ‘દાદીમા, સ્વીટી કેટલી સ્માર્ટ છે, નહીં? ચાલોને, એને આપણા ઘરે રાખી લઈએ!’
દાદીમા બીટ્ટુ સામે જોઈ રહ્યાં: લોઢું ગરમ છે, હથોડો ઝીંકવાનો સરસ મોકો છે. પળ-બે પળ એ જાણીજોઈને ચુપ રહ્યાં. પછી કહે:
‘ના રે ભાઈ, તને ક્યાં નાનાં છોકરાંવ ગમે છે?’ પછી હળવેકથી ઉમેરી દીધું, ‘તને તો ગુડ્ડી પણ ક્યાં ગમે છે?’
બીટ્ટુ જોઈ રહ્યો. થોડી વાર એ કશું ન બોલ્યો. પછી ધીમે અવાજે પૂછ્યું:
‘દાદીમા, ગુડ્ડી પણ સ્વીટી જેવી જ હશે?’
‘સ્વીટી કરતાંય ફાઈન!’
‘એ પણ મારી સાથે રમશે?’
‘હા હા! એ તો સ્વીટી કરતાંય વધારે રમતિયાળ હશે. તું જોજે તો ખરો!’
બીટ્ટુ વિચારમાં પડી ગયો. ઘરે આવ્યા ત્યાં સુધીમાં એના મોંમાંથી એક શબ્દ ન નીકળ્યો. કોમિક્સ લઈને એક ખૂણામાં ચુપચાપ બેસી તો ગયો, પણ એનું ધ્યાન ચોપડીમાં ક્યાં હતું. એની ચુપકિદી તૂટી છેક રાત્રે, ડિનર વખતે.
વાતવાતમાં ડોલી મમ્મીને કહી રહી હતી, ‘મમ્મી, નૂપુર શ‚આતમાં મારા કરતાં વધારે માર્ક્સ લાવતી હતી, પણ સ્વીટી આવી પછી પાછળ રહેવા લાગી...’
‘સાવ એવું તો નહીં હોય, ડોલી,’ મમ્મીએ કહ્યું, ‘એક સ્વીટીના કારણે જ...’
પણ મમ્મી વાક્ય પૂરું કરે એ પહેલાં જ, જાણે ક્યારનું શાંત બેઠેલું સસલું અચાનક ચેતનવંતુ બનીને કાન ઊંચા કરે એમ, ચુપચાપ કોળિયાં ભરી રહેલો બીટ્ટુ ઉત્તેજિત થઈને બોલી ઉઠ્યો:
‘મમ્મી, મમ્મી! ગુડ્ડી આપણાં ઘરમાં આવશે પછી તો હું મારી સાથે એને પણ હોમવર્ક કરવા બેસાડીશ... મેં સ્વીટીને એ-બી-સી-ડી નહોતી શીખવાડી?  બસ, એમ જ! હું, ગુડ્ડી ને ડોલી અમે ત્રણેય હાર્ડ વર્ક કરીશું અને અમે ત્રણેય સરસ માર્ક્સ લાવીશું... હેં ને ડોલી?’
ડોલી સ્થિર થઈ ગઈ! એનો કોળિયો હવામાં અધ્ધર રહી ગયો! ચોંકીને એણે બીટ્ટુ સામે જોયું. આ બીટ્ટુ બોલ્યો? બીટ્ટુના અવાજનો આ રણકો, નાની આવનારી બહેન માટે પ્રગટેલી ઉષ્મા... આ બધું તદ્દન અનપેક્ષિત હતું. ડોલીની આંખો હર્ષથી ચમકી ઉઠી. એણે દાદીમા તરફ નજર કરી. દાદીમા એની સામે જોઈને આનંદથી મંદ મંદ હસતા, વિજયસ્મિત લહેરાવી રહ્યાં હતાં. એમનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. એમણે આંખોથી જ પોરસાઈને કહી દીધું: જોયુંને ડોલી, હું નહોતી કહેતી?


- અને પછી તો ગુડ્ડીનું નામ પહેલાં કરતાંય વધારે ચંચળ અને વધારે ગતિશીલ બનીને ઘરમાં રંગો વિખેરવા લાગ્યું. હવે ગુડ્ડીનાં નામનું રટણ કરવા માટે એક ઓર જીભ પણ ઉમેરાઈ ગઈ હતી- બીટ્ટુની! દાદીમા અને ખાસ તો પેલી ટબૂકડી સ્વીટીએ મળીને કંઈક એવો જાદુ કરી નાખ્યો કે એના બંધ હૃદયનાં દ્વાર ફટાક કરતાં ખૂલી ગયાં. બીટ્ટુને જાણે સમજાઈ ગયું કે શાહ પરિવારનાં સામ્રાજ્ય પર એ અને ગુડ્ડી બન્ને સંપીને રાજ કરી શકે છે! ઋતુ બદલે અને ઝાડપાન નવાં રંગ‚પ ધારણ કરે એમ બીટ્ટુના તો તેવર જ બદલાઈ ગયા.
- ‘ડોલી, ગુડ્ડીને ક્યાં સુવાડીશું? મમ્મી-પપ્પાના રુમમાં કે આપણા રુમમાં?’
- ‘નહીં, ફ્રોક નહીં, ગુડ્ડી મારી જેમ ચડ્ડી અને ટીશર્ટ પહેરશે!’
- ‘મમ્મી, ગુડ્ડી માટે પણ એક પિગી બેંક લાવી આપને. હું અત્યારથી એમાં કોઈન્સ નાખતો જઈશ... પછી એમાંથી ગુડ્ડી માટે ચાવીવાળો ડોરિમોન ને શિનચેન લાવીશું!’
દાદીમા હસી પડતાં, ‘મારો ભોળિયો દીકરો! રીસાતા ય વાર નહીં ને રીઝાતા ય વાર નહીં! પહેલાં કેવો ગુડ્ડીનું નામ પડતાં જ રાડો પાડવા મંડતા હતો અને હવે ગુડ્ડી-ગુડ્ડી કરતાં જીભ સૂકાતી નથી!’
પાછલાં કમ્પાઉન્ડમાં બીટ્ટુએ જીદ કરીને ગુલાબના બેને બદલે ત્રણ છોડ રોપાવ્યાં. વનસ્પતિ માત્રને એ ‘ટ્રી’ કહેતો. હરિયાળી લોન એટલે ઘાસના ટ્રી! એની ગણતરી સાવ સાદી હતી: એક ગુલાબનું ટ્રી મારું, એક ગુલાબનું ટ્રી ડોલીનું અને એક  ગુડ્ડીનું! ગુલાબના છોડને દિવસમાં ત્રણ વાર પાણી પાવાનું એ ક્યારેય ચુકતો નહીં.
...અને દિલ્હીમાં પૂરા પોણા બે મહિનાની ટ્રેનિંગ પતાવીને પપ્પાનો પાછા ઘરે આવવાનો દિવસ સાવ નિકટ આવી ગયો.  ઘરમાં આનંદની લહેર દોડી ગઈ. પણ થોડી ગરબડ થઈ ગઈ: પપ્પા શુક્રવારે રાતે આવવાના હતા અને શનિ-રવિ સ્કૂલની પિકનિક ગોઠવાઈ હતી. ડોલી તો કહેવા માંડી કે પિકનિક કેન્સલ કરી નાખીએ, પણ મમ્મીએ એને સમજાવી:
‘ના ના, તમે જઈ આવો પિકનિકમાં. આવી ટ્રિપ મિસ કરાય જ નહીં. બંધ ક્લાસ‚મમાં ભણો એના કરતાં કુદરતના ખોળે વધારે શીખવાનું મળે. પાછા પૈસાય ભરાઈ ગયા છે. તમારે ક્યાં વધારે રોકાવાનું છે? બે જ દિવસનો તો સવાલ છે. પછી પપ્પા સાથે રહેવાનું જ છેને?’
શુક્રવારની રાત ફટાફટ આવી ગઈ. પપ્પા દિલ્હીથી આવી ગયા, સૌ માટે કેટલીય ગિફ્ટ્સ લઈને. પપ્પા વગર આટલો લાંબો સમય એકલા રહેવાનું અગાઉ ક્યારેય નહોતું બન્યું. ભાઈ-બહેન એમને જોતાંવેંત દોડીને વળગી પડ્યાં હતાં. બીટ્ટુ તો લાગણીવશ થઈને રડવા લાગ્યો હતો, પણ પપ્પા એના માટે સૌથી વધારે  ગિફ્ટ્સ લાવ્યા હતા એટલે તરત રાજી થઈને કૂદાકૂદ કરવા માંડ્યો.  ઘરમાં આત્મીયતા અને હૂંફનું એક મધુર વાતાવરણ રચાઈ ગયું.
‘બીટ્ટુ, આ ગેમ તું કાલે પિકનિકમાં સાથે લઈ જજે. મજા આવશે,’ પપ્પાએ કહ્યું.
‘એ તો તમે નહીં કહો તો પણ સાથે લઈ ગયા વગર થોડો રહેવાનો છે?’ મમ્મી મુસ્કુરાઈ.
બીટ્ટુ તો પપ્પા સાથે મોડે સુધી જાગીને નવાં ટોયઝ સાથે રમવા માગતાં હતાં, પણ બીજે દિવસે સાત વાગ્યામાં સ્કૂલ બસ પિક-અપ કરવા આવી જવાની હતી એટલે નછૂટકે રોજ કરતાં વહેલાં સૂઈ જવું પડ્યું.
સવારે મમ્મી-પપ્પા બન્ને બસ સ્ટોપ સુધી મૂકવા આવ્યાં. બસ સમયસર હોર્ન વગાડતી આવી ગઈ. સૂચનાઓ અને શીખામણો આપીને મમ્મીએ બન્નેને સીટ પર બેસાડી દીઘાં. ટીચર્સને જ‚રી ભલામણો થઈ ગઈ. બારીમાંથી ટા-ટા કરતી વખતે બીટ્ટુને અચાનક યાદ આવ્યું, ‘મમ્મી, અમારાં ગુલાબના ટ્રીને પાણી પાવાનું ભુલતી નહીં!’પિકનિકમાં બધાએ ખૂબ મસ્તી કરી. પર્વત, નાનકડી ઝરણાં જેવી નદી, લીલુંછમ્મ જંગલ, વૈભવી રિસોર્ટ અને ખાસ તો પોતાની ઉંમરના બચ્ચાઓ સાથે ધીંગામસ્તી. આ બધામાં દોઢ દિવસ અને એક રાત સડસડાટ પસાર થઈ ગયાં. પુષ્કળ મજા કરીને સૌ બસમાં બેસી શહેર તરફ પાછાં વળી રહ્યાં હતાં ત્યાં સુધી બીટ્ટુ પિકનિકના જ મૂડમાં હતો, ‘ડોલી, આપણે મમ્મી-પપ્પા અને દાદીમાને લઈને અહીં ફરી આવીશું...’ પછી કશુંક યાદ આવી ગયું હોય એમ ઉમેર્યું, ‘અને ગુડ્ડીને પણ સાથે લાવીશું!’
ડોલીએ એની સામે જોયું. ‘બે દિવસ તો ગુડ્ડીનું નામ પણ ન લીધું અને હવે ઘર નજીક આવ્યું એટલે ગુડ્ડી યાદ આવી!’
પણ બીટ્ટુ પોતાની ધૂનમાં હતો.
‘ડોલી, પપ્પા આપણા માટે ગિફ્ટસ લાવ્યાં, પણ ગુડ્ડી માટે કેમ કશું ન લાવ્યા?’ થોડુંક વિચારીને બીજો સવાલ કર્યો, ‘પપ્પાને ખબર છેને કે ગુડ્ડી આપણા ઘરે આવવાની છે?’
ડોલી હસી પડી. એ કશું બોલી નહીં.
‘ડોલી, મમ્મી ગુલાબના ટ્રીને પાણી પાવાનું ભુલી નહીં ગઈ હોયને?’ બીટ્ટુને રહી રહીને ચિંતા થઈ આવી, ‘અને ગુડ્ડીના ટ્રીમાં તો કળી પણ આવી હતી, ખબર છે?’
‘અરે, આ બે દિવસમાં તો કળીમાંથી આખું ગુલાબ થઈ ગયું હશે, તું જોજે તો ખરો!’ ડોલીએ કહ્યું.
બિટ્ટુનો ચહેરો ચમકી ઉઠ્યો.
‘વાઉ! આપણે છેને ગુડ્ડીના ટ્રીનું પહેલું ગુલાબ ભગવાનને ચડાવીશું!’ પાછી આંખો પટપટાવી, ‘પણ ડોલી, ગુડ્ડી આપણા ઘરે આવશે ક્યારે?’
આ જ સવાલ ડોલીએ દાદીને પણ પૂછ્યો હતો. એ એકાદ પળ શાંત રહી. પછી દાદીમાના જવાબના આધારે, એમની જ અદામાં ઉત્તર આપ્યો, ‘છેને તું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવી જઈશને ત્યારે!’
બીટ્ટુ મનોમન ગણતરીઓ કરતો રહ્યો ત્યાં ઘર આવી ગયું. સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હતો અને અજવાળું પૂરેપૂરું હતું. બસ નિર્ધારિત સ્ટોપ પર ઊભી રહી એટલે શોલ્ડર બેગ અને વોટરબોટલ લઈ, દોસ્તોને બાય-બાય કરી બન્ને સંભાળીને નીચે ઉતર્યાં. સામે કેતન ઊભો હતો. એ બાજુના બંગલામાં રહેતો હતો. ડોલી કરતાં એકાદ વર્ષ મોટો. એ ત્વરાથી આગળ આવ્યો:
‘કેવી રહી તમારી પિકનિક? મજા આવી?’
‘અરે બહુ મજા આવી... પણ તું અહીં શું કરે છે?’ ડોલીએ કહ્યું.
‘હું તમને લેવા આવ્યો છું.’
કેતન આગળ કંઈ બોલે એ પહેલાં બીટ્ટુએ અધીરાઈથી પૂછ્યું, ‘કેતન... કેતન... તું અમારા ગાર્ડનમાં ગયો હતો? તેં ગુલાબનાં ટ્રી જોયાં? એક ટ્રીમાં ગુલાબ આવવાનું હતું એ આવી ગયું?’
કેતન વિચારમાં પડી ગયો.
‘મેં તો એવું કંઈ જોયું નથી...’
‘કેતનને ગુલાબની કેવી રીતે ખબર હોય, સ્ટુપિડ?’ ડોલીએ ચાલવા માંડ્યું. પછી પૂછયું, ‘મારી મમ્મી કેમ ન આવી અમને તેડવાં?’
‘તારી મમ્મીને તો આરામ કરે છે,’ કેતને કહ્યું, ‘તમે લોકો કાલે પિકનિકમાં ગયાં પછી આન્ટીને હોસ્પિટલમાં એડમિટ કર્યાં હતાંને?’
ડોલી ચમકી ગઈ. મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કરી હતી? મમ્મી અને હોસ્પિટલ શબ્દ સાથે સાથે ઉચ્ચારાયા એટલે બીટ્ટુ પણ થંભી ગયો. બન્ને કેતન સામે જોવા લાગ્યાં. એ ફરી બોલ્યો:
‘શી ઈઝ ફાઈન. આન્ટીને કાલે સાંજે હોસ્પિટલમાંથી છુટ્ટી પણ મળી ગઈ.’
‘પણ મમ્મીને થયું શું હતું? અમે કાલે સવારે અમે પિકનિકમાં ગયાં ત્યારે તો સાવ સાજી હતી!’ ડોલીને ટેન્શન થઈ ગયું. વધારે સવાલ-જવાબ કરવાની જ‚ર ન પડી. ઘર આવી ગયું. બન્ને દોડીને અંદર ઘૂસી ગયાં. ડ્રોઈંગરુમમાં સોફા પર દાદી અને એક પાડોસી મહિલા ભારે ચહેરે બેઠાં હતાં. સામે ચેર પર પપ્પા હતા. બીટ્ટુ-ડોલી વંટોળની જેમ આવ્યાં એટલે તેમની કોઈ વાત ઊભી રહી ગઈ.
‘મમ્મી ક્યાં છે?’ બીટ્ટુએ તરત પૂછ્યું.
‘શું થયું મમ્મીને? હોસ્પિટલમાં કેમ એડમિટ કરી હતી?’ ડોલીએ પ્રશ્નોની ઝડી વરસાવી.
કોઈ કશું બોલ્યું નહીં. ડોલી વિસ્ફારિત નેત્રે સૌને વારાફરતી જોતી રહી. થોડી વારે પાડોશી મહિલા ધીમેથી બોલી:
‘મમ્મી અંદર બેડ‚મમાં સૂતી છે. તમે એને ડિસ્ટર્બ નહીં કરતા. બિચારીને માંડ ઊંઘ આવી છે.’
ડોલી સામેના સોફા પર બેસી ગઈ. બીટ્ટુનો હાથ ખેંચીને પોતાની પાસે બેસાડી દીધો. જરુર કંઈક સિરિયસ મામલો છે. બધાના ચહેરા પર આટલી તાણ શા માટે છે? દાદીમાનું મોઢું કોઈ દુર્ઘટના બની ગઈ હોય એવું શોકમગ્ન કેમ દેખાય છે? આ શું? દાદીમાં રડી રહ્યાં છે? ડોલી અને બિટ્ટુ ગંભીર થઈ ગયાં.
‘હું ગાર્ડનમાં જોતો આવું... પેલું ગુલાબનું ફુલ આવી ગયું છે કે નહીં...’ કહેતો કેતન બહાર જતો રહ્યો.
- અને દાદીમા છૂટથી રડી પડ્યાં. તરડાતા અવાજે વાતચીતનો તૂટેલો તંતુ ફરી સાંધતા હોય એમ પપ્પા સામે જોઈને બોલવા લાગ્યાં:
‘આ બિચારાં બીટ્ટુ અને ડોલી... કેટલા વખતથી ગુડ્ડી-ગુડ્ડી કરે છે. કેટલી હોંશ હતી બેયને નાની બહેનની... અને તારો સહેજ પર જીવ ન કોચવાયો આમ... એક જીવતા જીવને... સાવ આ રીતે...’ આગલા શબ્દો રુદનમાં ઓગળી ગયા.
પપ્પાનો ચહેરો વધારે સખત થઈ ગયો. જાણે ધૂંધવાયેલા હોય એમ સમસમીને ચુપ બેસી રહ્યા. પપ્પાનો આવો મુખભાવ અને દાદીમાને આ રીતે રડતાં જોઈને ડોલી-બિટ્ટુ શિયાંવિયાં થઈ ગયાં. દાદીમાનો રોષ ઠાલવવાનો હજુ બાકી હતો:
‘આ લોકો તો કીધા કરે... બે છોકરાં બસ... એક છોકરું બસ... પણ આપણે આપણું જોવાનું હોયને? સંતાન તો ઉપરવાળાની મરજી છે. એને પૂજાનું ફૂલ સમજીને માથે ચડાવવાનું હોય... આમ સડી ગયેલી આંગળીને કાપીને ફેંકી દે એ રીતે...’
દાદીમાના શબ્દોમાં વેદના વધારે હતી કે આક્રોશ એ કહેવું મુશ્કેલ હતું.
‘પીટ્યા દોક્તરોનો તો ધંધો છે. એ મૂઆઓ તો દુકાન ખોલીને બેઠા છે, એમને પૈસા કમાવા છે, પણ તારો જીવ કઈ રીતે ચાલ્યો, અનંત? તારું પોતાનું બીજ હતું એ... વહુને બિચારીને એમ કે તું દિલ્હીથી આવે પછી સારા સમાચાર આપે.. પણ તેં તો આવતાની સાથે જ... એક જીવતાજીવને આમ રહેંસી નાખતા તને સહેજ પણ અરેરાટી ન થઈ?’
ડોલી સ્તબ્ધ બની રહી હતી. દાદીમા આ શું બોલી રહ્યાં છે?
‘ને કે’ છે હતી ય છોકરી જ. તને ક્યાં ભારે પડી જવાની હતી એ નાની બાળ? ભગવાને દીધેલું ઘણું છે આપણી પાસે. ેબે ભેગાં ત્રણ... અને વહુનીય ઈચ્છા હતી. ભલે એ આ છોકરાવની જેમ આખો દહાડો ગુડ્ડી... ગુડ્ડીનું રટણ નહોતી કરતી, પણ મનમાં તો એનેય-’
ડોલીથી હવે ન રહેવાયું.
‘શું થયું ગુડ્ડીને, દાદીમા?’ એણે ફફડાટથી પૂછ્યું.
ઓરડામાં વજનદાર શાંતિ પથરાઈ ગઈ. ડોલી અને બીટ્ટુ ત્રણેયના ચહેરા સામે વારાફરતી તાકતા રહ્યાં. પપ્પાના ચહેરા પર કરડાકી યથાવત હતી. દાદીમાના ચહેરા પર પારાવાર વેદના છવાયેલી હતી. દાદીમાનો આવો ગરીબડો ચહેરો જોઈને ડોલીનો જીવ ચૂંથાવા લાગ્યો.
દાદીમાએ ધીમેથી નજર ઉઠાવીને છોકરાંવ સામે જોયું. ડબ ડબ કરતાં બે આંસુ એમની આંખોમાંથી સરી પડ્યાં. અત્યંત કષ્ટ પડતું હોય એમ, દુખ નીતરતા અવાજે એ માંડ માંડ બોલ્યાં:
‘ગુડ્ડી જતી રહી, બેટા... હવે ભુલી જાઓ એને... ગુડ્ડી જતી રહી, જન્મતાં પહેલાં જ...’
દાદીમાની વાત ડોલી સમજી અને સમજતાંની સાથે જ હેબતાઈ ગઈ. ગુડ્ડી જતી રહી? ફાટી આંખે એ દાદીમાને જોતી રહી. બીટ્ટુ પણ ચમક્યો. દાદીમા આ શું બોલ્યાં? એ ઊભો થઈ ગયો:
‘દાદીમા, ગુડ્ડી હવે નહીં આવે?’
જવાબમાં દાદીમા ફક્ત થોડાં ઓર અશ્રુ વહાવી શક્યાં.
‘હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવીશ ત્યારે ય નહીં આવે?’
‘ના દીકરા ના... તારી ગુડ્ડી હવે ક્યારેય નહીં આવે...’ દાદીમા પાછાં ભાંગી પડ્યાં.
બીટ્ટુ કશું બોલે એ પહેલાં તો-
‘બીટ્ટુ... ડોલી... તમારો ગુલાબનો પ્લાન્ટ...’ ગાર્ડનમાં ગયેલો કેતન ચીસ પાડતો ઓરડામાં ધસી આવ્યો. પછી હાંફતો હાંફતો બોલ્યો:
‘બીટ્ટુ, પેલા પ્લાન્ટ પર કળી હતીને? એ તો કોઈએ તોડી નાખી છે...’
બીટ્ટુ તાકી રહ્યો.
‘તો ગુલાબનું ફુલ?’
‘ગુલાબનું ફુલ હવે નહીં આવે. કળી કોઈએ તોડી નાખીને?’
કમરામાં બે-ત્રણ પળ ખામોશી તરવરતી રહી.
... અને પછી અચાનક જ, જાણે કોઈ બિહામણું દશ્ય જોઈ લીધું હોય એમ બીટ્ટુ છળી ઉઠ્યો. એ મોટેથી ચિત્કાર કરતો રડી ઉઠ્યો. એની ચીસ સાંભળીને મૂઢ બની ગયેલી ડોલીની સ્તબ્ધતા ફાટી. ધક્કો લાગ્યો હોય તેમ બીટ્ટુને વળગીને એ મોટેથી રડી પડી. આતંકિત થઈ ગયેલાં ભાઈ-બહેનની આંખોમાંથી અસહાય પીડા વરસવા લાગી.
અત્યાર સુધી મૌન બેઠેલા પપ્પા આ અણધારી પ્રતિક્રિયાથી ચોંકી ઉઠ્યા. એ સફાળા ઊભા થઈ ગયા:
‘બીટ્ટુ... ડોલી... આ શું થઈ ગયું તમને એકાએક? શાંત થઈ જાઓ બન્ને... એક ગુલાબની કળી તૂટી ગઈ એમાં આટલું બધું રડવાનું? બીટ્ટુ?’
પણ પપ્પાના શબ્દો કાન સુધી પહોંચી શકે એવી સ્થિતિ જ ક્યાં હતી?
કેટલાય દિવસોથી ઘરમાં ગુડ્ડી નામનું પતંગિયું ઊડાઊડ કરતું હતું. આજે એ બીટ્ટુ અને ડોલીના આંસુ નીચે દફન થઈ ગયું. હંમેશ માટે.                                      0 0 0
                                           (સંપૂર્ણ)
ફન્ડા.... ફિલ્મના અને લાઈફના!


Divya Bhaskar Diwali issue Utsav 2012

મહાન અમેરિકન ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝીને ‘ફાધર ઓફ સિનેમા’ દરજ્જો ળ્યો છે. આજે 70 વર્ષની ઉંમરે પણ તેઓ ઉત્સાહ અને એનર્જીથી થનગને છે. તેમણે વર્ણવેલા ઉત્તમ ફિલ્મમેકિંગના ફન્ડા ખરેખર તો સૌ કોઈને સ્પર્શે એવા ઉત્તમ જિંદગી માટેના ફન્ડા છે.     ફાધર ઓફ સિનેમા... અર્થાત સિનેમાનો બાપ!

  આ વિશેષણ જેમના માટે વપરાય છે, એ છે માર્ટિન સ્કોર્સેઝી. 1970ના દાયકામાં અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય તેજસ્વી નામો ઊભર્યા: ફ્રાન્સિસ ફોર્ડ કપોલા (‘ગોડફાધર’), જેમ્સ કેમરોન (‘ટાઈટેનિક’), સ્ટીવન સ્પીલબર્ગ (‘જુરાસિક પાર્ક’), જ્યોર્જ લુકાસ (‘સ્ટારવોર્સ’), બ્રાયન દ પાલ્મા (‘સ્કેરફેસ’) અને માર્ટિન સ્કોર્સેઝી. આ સૌ હોલીવૂડના ‘બ્રેટ પેક’ એટલે કે તોફાની બારકસો કહેવાયા. આમાંથી ‘ફાધર ઓફ સિનેમા’નું બિરુદ પામેલા 70 વર્ષીય માર્ટિન સ્કોર્સેઝી વિશે આજે માંડીને વાત કરવી છે.

  સ્કોર્સેઝીએ આજ સુધીમાં 42 ફિલ્મો બનાવી છે. એમની ફિલ્મો જોઈ જોઈને દુનિયાભરના ફિલ્મમેકરોની એક કરતાં વધારે પેઢી ફિલ્મ ડિરેક્શનના પાઠ શીખી છે. સ્કોર્સેઝી ઊભરતા ફિલ્મમેકર્સને જે ટિપ્સ આપે છે એ ધ્યાન દઈને સાંભળવા જેવી છે. મજાની વાત એ છે કે આ ટિપ્સ માત્ર ફિલ્મ ડિરેક્ટરોને જ નહીં, બલકે, પોતપોતાનાં ક્ષેત્રમાં સફળ થવા માગતા સૌને કોઈક ને કોઈક રીતે લાગુ પડે છે. આવો, સ્કોર્સેઝીની ટિપ્સની સાથે સાથે એમની જીવનકિતાબનાં પાનાં ખોલતા જઈએ...

  ટિપ નંબર 1:  તમારા અંગત અનુભવોને કામ લગાડો

  માર્ટિન ર્સ્કોેસેઝીની ફિલ્મોમાં એમના અતીત અને એમની ખુદની પર્સનાલિટીનું પ્રતિબિંબ સતત પડતું રહ્યું છે. એમનું બાળપણ ન્યુયોર્કમાં વીત્યું. માર્ટિન (એમનું હુલામણું નામ ‘માર્ટી’ છે)નાં મમ્મીપપ્પા પાર્ટટાઈમ એક્ટર્સ હતાં. બન્નેનું કુળ ઈટાલિયન. અસ્થમાની તકલીફ હોવાને કારણે માર્ટિન સ્પોર્ટ્સમાં ભાગ ન લઈ શકતા. તેથી મમ્મીપપ્પા અને મોટો ભાઈ એમને ફિલ્મો દેખાડવા લઈ જતા. બસ, માર્ટિનને સિનેમાનો કીડો આ જ રીતે વળગ્યો. કોલેજમાં અંગ્ર્ોજી સાથે બી.એ. કરી રહ્યા હતા ત્યારથી જ તેમણે શોર્ટ ફિલ્મ્સ બનાવવાનું શ‚ કરી દીધેલું.

  પચ્ચીસ વર્ષની ઉંમરે, 1967માં, માર્ટિને પોતાની પહેલી ફુલ લેન્થ ફીચર ફિલ્મ બનાવી જેનું ટાઈટલ હતું ‘હુઝ ધેટ નોકિંગ ઓન માય ડોર’. ડિરેક્ટર દોસ્ત બ્રાયન દ પાલ્માએ એમની ઓળખાણ એક એક્ટર કરાવી, જેનું નામ હતું રોબર્ટ દ નીરો. આ ઓેળખાણ બન્ને માટે ખૂબ ફળદાયી સાબિત થવાની હતી. રોબર્ટ દ નીરોને લઈને માર્ટિને ‘મીન સ્ટ્રીટ’ બનાવી, જેણે માર્ટિનને એક દમદાર ડિરેક્ટર તરીકે અને રોબર્ટ દ નીરોને સુપર એક્ટર તરીકે એસ્ટાબ્લિશ કરી નાખ્યા. મર્દાનગીભર્યો માહોલ, લોહીલુહાણ હિંસા, ન્યુયોર્કની અંધારી ગલીઓ, ગિલ્ટ, ધારદાર એડિટિંગ અને બેકગ્ર્ાાઉન્ડ મ્યુઝિકમાં રૉક સંગીત - આ માર્ટિન સ્કોર્સેઝીની ફિલ્મોનો ટ્રેડમાર્ક છે. આ બધું જ ‘મીન સ્ટ્રીટ’માં હતું.

Robert De Niro in Taxi Driver


  સ્કોર્સેઝી તે પછી રોબર્ટ દ નીરોને ‘ટેક્સી ડ્રાઈવર’ના ટાઈટલ રોલમાં ચમકાવ્યા. ટેક્સી ડ્રાઈવર બાપડો એકાકી માણસ છે. એને અનિદ્રાની તકલીફ છે એટલે આખી રાત ન્યુયોર્કની સડકો પર ટેક્સી ચલાવ્યા કરે છે. એને સગીર વયની વેશ્યા (આ રોલ જુડી ફોસ્ટરે કરેલો, જે ખૂબ વિવાદાસ્પદ બનેલો)થી માંડીને જાતજાતના લોકો ભટકાતાં રહે છે. આ ફિલ્મે સ્કોર્સેઝીને જબરદસ્ત કીર્તિ અપાવી. ‘ટેક્સી ડ્રાઈવર’ વિશ્વસિનેમાના ઈતિહાસની મહાનતમ ફિલ્મોમાં સ્થાન પામે છે. રોબર્ટ દ નીરો વિશ્વના સૌથી મહાન અદાકારોમાંના એક ગણાય છે અને એમને આ ઊંચાઈ સુધી લઈ જવામાં એમણે માર્ટિનનાં ડિરેક્શનમાં કરેલી આઠ ફિલ્મોનો સિંહફાળો છે.

  ‘ટેક્સી ડ્રાઈવર’ ખૂબ વખણાઈ એટલે ઉત્સાહિત થઈ ગયેલા માર્ટિને પોતાની પહેલી બિગ બજેટ ફિલ્મ બનાવી- ‘ન્યુયોર્ક ન્યુયોર્ક’. આ સ્ટાઈલિશ મ્યુઝિકલ હતી, જેમાં ફ્રેન્ક સિનાત્રાએ ગાયેલું ટાઈટલ સોંગ ખૂબ પોપ્યુલર બન્યું. આ ફિલ્મની પ્રશંશા ખૂબ થઈ, પણ  બોક્સઓફિસ પર તે ન ચાલી. આ નિષ્ફળતા માર્ટિનને ડિપ્રેશન તરફ ધકેલી દીધા. તેઓ કોકેઈન જેવી ખતરનાક નશીલી દવાના બંધાણી થઈ ગયા. જો આ સિલસિલો લાંબો ચાલ્યો હોત તો માર્ટિનની કરીઅર જ નહીં, જીવન પણ ખતમ થઈ ગયું હોત. ભલું થજો રોબર્ટ દ નીરોનું, જેમણે માર્ટિનને ‘રેજિંગ બુલ’ નામની ફિલ્મ બનાવવા માટે રીતસર ધક્કા માર્યા જેના પરિણામે તેઓ નશીલા દલદલમાંથી બહાર આવી શક્યા.

Robert De Niro in Raging Bull


  ‘રેજિંગ બુલ’ બનાવતી વખતે માર્ટિનની માનસિક હાલત ભયાનક હતી. એમને ખાતરી થઈ ગઈ હતી કે મારી લાઈફની આ છેલ્લી ફિલ્મ છે અને આના પછી હું કશું જ કરી શકવાનો નથી. તેથી જાણે પોતાનામાં રહેલી શક્તિનું છેલ્લામાં છેલ્લું ટીપું વાપરી નાખવા માગતા હોય તેમ માર્ટિને રીતસર ઝનૂનમાં આવી ગયા હતા. પરિણામ? રિલીઝ થતાંની સાથે જ ‘રેજિંગ બુલ’ને એક માસ્ટરપીસનો દરજ્જો મળી ગયો. આ ફિલ્મમાં બોક્સિગંની વાત હતી અને માર્ટિન સ્કોર્સેઝીની ટ્રેડમાર્ક સ્ટાઈલ તેમાં સોળે કળાએ ખીલી ઉઠી હતી. ફિલ્મે આઠ-આઠ ઓસ્કર અવોર્ડઝ મળ્યા. રોબર્ટ દ નીરોને ‘ટેક્સી ડ્રાઈવર’ પછી બેસ્ટ એક્ટરનો બીજો ઓસ્કર મળ્યો. કમનસીબે માર્ટિન બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ ન જીતી શક્યા. ‘રેજિંગ બુલ’ એ વર્ષની જ નહીં, બલકે 1980ના દાયકાની તે શ્રેષ્ઠ ફિલ્મ ગણાઈ. ટોપ-ટેન ઓલ-ટાઈમ-ગ્ર્ોટ સ્પોર્ટસ ફિલ્મોમાં ‘રેજિંગ બુલ’નું નિયત સ્થાન છે.  

  માર્ટિન કહે છે, ‘આ ફિલ્મ બને એવું રોબર્ટ દ નીરો ઈચ્છતા હતા, હું નહીં, કારણ કે મને બોક્સિંગમાં કશી જ સમજ પડતી નહોતી. મારા માટે બોક્સિંગ એટલે શરીરથી રમાતું ચેસ. મારા હિસાબે આ ફિલ્મમાંથી એવો મેસેજ મળે છે કે હિંસાથી દુનિયા બદલતી નથી. ધારો કે થોડોઘણો બદલાવ દેખાય તો એ માત્ર ટેમ્પરરી હોવાનો.’

  માર્ટિનની ફિલ્મોમાં ચોક્કસ લૂક અને ફીલ હોય છે. તેઓ નખશિખ ન્યુયોર્કનું ફરજંદ હોવાથી આ શહેર એમની ફિલ્મોમાં ભરપૂર ઉતયુર્ર્ં છે. તેઓ કહે છે, ‘જુઓ, મને રિઅલીસ્ટિક લૂકમાં ક્યારેય રસ નહોતો અને આજની તારીખે પણ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે દરેક ફિલ્મ જેવી મને ખુદને ‘ફીલ’ થાય છે એવી પડદા પર ‘દેખાવી’ જોઈએ.’

  ખુદના અનુભવો, લાગણીઓ અને નિરીક્ષણોને પડદા પર (કે કાગળ પર) ઉતારવામાં આવે ત્યારે એમાં એક સચ્ચાઈ હોવાની, તીવ્રતા હોવાની. ઉછીનું લીધેલું ન પણ ઊગે, પણ જે પોતાનું હશે એ ખીલી ઉઠશે. જો નસીબ પણ સાથે સાથે જોર કરતું હોય તો આવું સર્જન ઓડિયન્સને સ્પર્શ્યા વગર રહેતું નથી. 

  ટિપ નંબર 2: તમને સંતોષકારક બજેટ ક્યારેય મળવાનું નથી

  આટઆટલી સફળતા પછી પણ ફિલ્મમેકરને સ્ટ્રગલ કરવી પડે એના જેવી કમબખ્તી બીજી કઈ હોવાની? ‘રેજિંગ બુલ’ અને ‘કિંગ ઓફ કોમેડી’ પછી માર્ટિને ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ’ નામની નવલકથા પરથી ફિલ્મ બનાવવાની કોશિશ કરી, પણ એ પ્રોજેક્ટ પડી ભાંગ્યો અને માર્ટિનની કરીઅરમાં કટોકટી સર્જાઈ ગઈ. હોલીવૂડમાં માહોલ બદલાઈ રહ્યો હતો.  બધું એટલું કમર્શિયલાઈઝ્ડ થવા માંડ્યું હતું કે કળા એક તરફ ધકેલાઈ રહી હતી. 1970ના દાયકામાં જેમનો ભારે દબદબો હતો એવા માર્ટિન જેવા બીજા કેટલાક ઉત્તમ ફિલ્મમેકર્સ હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા.

Martin Scorsese (right) with De Niro

  આ તબક્કે માર્ટિને એક સખ્ખત લો-બજેટ ફિલ્મ બનાવી, રાધર, બનાવવી પડી - ‘આફ્ટર અવર્સ’. તે પછી માઈકલ જેક્સનનો ફેમસ મ્યુઝિક વિડીયો ‘બેડ’નું ડિરેક્શન કર્યું અને જિંદગીમાં પહેલી વાર હાડોહાડ મેઈનસ્ટ્રીમ હોલીવૂડ ફિલ્મ કહી શકાય એવી ‘ધ કલર ઓફ મની’ બનાવી. કહોને કે બનાવવી પડી. કલ્પના કરો, માર્ટિન સ્કોર્સેઝી જેવા ઓલરેડી મહાન બની ચૂકેલા ફિલ્મમેકરે સ્ટ્રગલ કરવી પડતી હોય અને નાણાભીડ સહેવી પડતી હોય તો નવાનિશાળિયાઓની શી વાત કરવાની! તેઓ કહે છે, ‘મારી આખી કરીઅરમાં માત્ર એક કે બે જ ફિલ્મમાં મને પૂરેપૂરો ફાયનાન્શિયલ સપોર્ટ મળ્યો હોય. બાકીની તમામ ફિલ્મો બનાવતી મને કાયમ એવો અફસોસ રહી ગયો છે કે કાશ, મારી પાસે વધારાના આઠ-દસ દિવસ શૂટિંગ થઈ શકે એટલું એકસ્ટ્રા બજેટ હોત તો કેટલું સારું થાત!’

  આપણે શીખવાનું આ છે: મર્યાદાઓ હંમેશા નડવાની, પણ આ મર્યાદાઓ વચ્ચે રહીને પણ ઉત્તમ અચીવ કરવાનું છે. એક કે બીજાં પરિબળોને લીધે પરફેક્શન પર કદાચ આપણો અંકુશ ન રહે, પણ જે કોઈ પરિસ્થિતિમાં છીએ એમાં રહીને જ એક્સેલન્સ એટલે કે શ્રેષ્ઠતા હાંસલ કરવા પર આપણને કોણ રોકી શકવાનું છે?

  ટિપ નંબર 3: પ્રેરણાની શોધ ક્યારેય અટકાવવી નહીં

  શું ‘સિનેમાના બાપ’ને પ્રેરણા માટે બહાર નજર દોડાવવી પડે? હા, દોડાવવી પડે! જેમની ફિલ્મો જોઈને એક કરતાં વધારે પેઢીઓ ફિલ્મ ડિરેક્ટ કરતા શીખી છે એ માણસનેય પ્રેરણાની જરુર પડે? હા, ચોક્કસ જ‚ર પડી શકે. 1980ના દાયકામાં માર્ટિન સ્કોર્સેઝીએ કમર્શિયલ બનવાની કોશિશ કરી, જેને લીધે મિક્સ્ડ બેગ જેવો બની રહ્યો, પણ 1990માં તેઓ પાછા ઓરિજિનલ ફોર્મમાં આવવા લાગ્યા. શ‚આત થઈ ગેંગસ્ટર ફિલ્મ ‘ગુડફેલાઝ’થી. આ ફિલ્મમાં માર્ટિનનો કોન્ફિડન્સ પાછો સપાટી પર આવી ગયો હતો અને જાણે ફિલ્મની એકેએક ફ્રેમમાંથી તે છલકાતો હતો.  આ ફિલ્મને ‘ગોડફાધર’ પછીની સર્વોત્તમ ગેંગસ્ટર મૂવી ગણવામાં આવે છે. તે પછી આવી સુપર સ્ટાઈલિશ થ્રિલર ‘કેપ ફિયર’. ગુણવત્તાની દષ્ટિએ ‘કેપ ફિયર’ને મિક્સ્ડ રિસ્પોન્સ મળ્યો, પણ તે કમાણીની દષ્ટિએ તે માર્ટિનની સૌથી સફળ ફિલ્મ બની રહી.

  ‘ફિલ્મમેકર બનવા માટે તમારામાં શું હોવું જોઈએ?’ માર્ટિન સ્કોર્સેઝી કહે છે, ‘ઈવન આજની તારીખેય મને સવાલ થયા છે કે મારે પ્રોફેશનલ બનવાનું છે કે કલાકાર બનવાનું છે? ટકી રહેવાનું દબાણ અને સેલ્ફ એક્સપ્રેશનની ઝંખના - આ બન્ને વચ્ચે બેલેન્સ કઈ રીતે કરવાનું? ફિલ્મમેકર બનવાનું સપનું જીવવા માટે હજુ કેટલો ભોગ આપવો પડશે? શું આખરે મારે સ્પ્લીટ પર્સનાલિટીના શિકાર બની જવું પડે છે? મારે ફિલ્મો ઓડિયન્સ માટે બનાવવાની છે કે નિજાનંદ માટેે?’  વિચાર કરો. કોઈ પણ ક્રિયેટિવિટી ક્ષેત્રમાં કામ કરતા સામાન્ય માણસને જે પ્રશ્નો સતાવતા હોય છે એક્ઝેક્ટલી એ જ પ્રશ્નો જીવતે જીવ લેજન્ડ બની ગયેલા માર્ટિન સ્કોર્સેઝીને પણ સતાવે છે! બે છેડા ભેગા કરવાનો સંઘર્ષ યા તો કમર્શિયલ દબાણની સ્થિતિ તીવ્ર બની જાય ત્યારે આપણને પ્રેરણાની - મોટિવેશનની જ‚ર પડતી હોય છે... આપણે પોતાની જાતથી વિખૂટા પડી ન જઈએ એ માટે.

  સ્કોર્સેઝી પ્રેરણા માટે પોતાના દિલ-દિમાગનું એન્ટેના હંમેશાં ઊંચું રાખે છે! તેઓ કહે છે, ‘હું કોઈ બીજાએ ડિરેક્ટ કરેલી અફલાતૂન ફિલ્મ, એનો કોઈ સીન કે ઈવન એકાદ હાઈકલાસ શોટ પણ જોઉં તો પણ ઉત્તેજિત થઈ જાઉં છું. ઘણીવાર એવું બને કે આપણે શૂટિંગમાં કે એડિટિંગમાં એવા ઊંધેકાન થઈ ગયા હોઈએ કે એક તબક્કા પછી આપણને લાગવા માંડે કે બસ, આનાથી વધારે સારી રીતે મારાથી હવે નહીં થાય અથવા આના કરતા જુદું હું નહીં કરી શકું... આવી મનોસ્થિતિમાં બીજા કોઈનું સુંદર કામ મારી નજરે પડે તો હું નવેસરથી ઉત્સાહથી થનગનવા માંડું અને મને નવા નવા આઈડિયાઝ આવવા માંડે!’

  ટૂંકમાં, કમર્શિયલ દબાણ ન હોય તો પણ હું સવર્ગુણસંપન્ન છું અને મને બધું જ આવડે છે એવા વહેમમાં રહેવું નહીં. અન્ય પ્રતિભાશાળી સર્જકોનાં સર્જન ખુલ્લા દિલે જોવાં. શક્ય છે તે તમારી ભીતર કશુંક ટ્રીગર થઈ જાય અને દિમાગમાં નવા  આઈડિયાઝ પેદા થાય, વિચારવાની નવી દિશા ખુલી જાય. યાદ રહે, અહીં જેન્યુઈન પ્રેરણાની વાત થઈ રહી છે, ઉઠાંતરી માટેના આઈડિયાઝની નહીં. કહેવાની જરુર નથી કે આ વાત માત્ર ફિલ્મમેકર્સને નહીં, બલકે લેખકો, ચિત્રકારો, સંગીતકારો વગેરેને પણ એટલી જ લાગુ પડે છે. 

  ટિપ નંબર 4: ગુણગ્ર્ાહી બનો
 

  2002માં માર્ટિનની સૌથી ખર્ચાળ અને સંભવત: સૌથી મેઈનસ્ટ્રીમ કહી શકાય એવી ફિલ્મ આવી- ‘ગેન્ગ્સ ઓફ ન્યુયોર્ક’. આ ફિલ્મમાં ‘ટાઈટેનિક’નો હીરો લિયોનાર્ડો દ કેપ્રિયો હીરો હતો. રોબર્ટ દ નીરો સાથે જેમ જોડી જામેલી એવું જ કંઈક લિયોનાર્ડો સાથે પણ બન્યું. માર્ટિનની હવે પછીની ફિલ્મોમાં લિયોનાર્ડો લગભગ કાયમી થઈ ગયો.  આ બન્નેની બીજી સંયુક્ત ફિલ્મ ‘એવિએટર’ને અગિયાર ઓસ્કર નોમિનેશન મળ્યા જેમાંથી પાંચ એણે જીતી લીધા. જોકે બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર ક્લિન્ટ ઈસ્ટવૂડ તાણી ગયા, ‘મિલિયન ડોલર બેબી’ માટે. માર્ટિન સ્કોર્સેઝી બાપડા આ વખતે પણ રહી ગયા!

Martin Scorsese with Leonardo Decaprio on the sets of Gangs of New York 

 
  માર્ટિન કહે છે, ‘મને લાગે છે કે આપણે યુવાન હોઈએ એને એનર્જીથી ફાટ ફાટ થતા હોઈએ ત્યારે પહેલી પાંચ-છ ફિલ્મોમાં આપણે જે કહાણીઓ તીવ્રતાથી કહેવા માગતા હોઈએ એ કહી દેતા હોઈએ છીએ. કદાચ મારી શ‚આતની ફિલ્મોમાંથી એકાદને ઓસ્કર મળવો જોઈતો હતો. 1976માં મારી ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મ માટે રોબર્ટ દ નીરોને બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળ્યો, જુડી ફોસ્ટરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો, ઈવન મ્યુઝિક ડિરેક્ટર પણ ઓસ્કર જીતી ગયો, પણ હું અને મારો લેખક પૉલ શ્રેડર રહી ગયા. હું દુખી દુખી થઈ ગયો હતો. મેં પૉલને કહ્યું હતું કે જો દોસ્ત, અવોર્ડ્ઝમાં તો બધું આવું જ હોવાનું અને આમ જ રહેવાનું. આપણે આ ‘અન્યાય’થી ટેવાઈ જવું પડશે! સીધી વાત છે. અવોર્ડ ન મળે તો બીજું શું કરવાનું? ઘરે જઈને પોક થોડી મૂકાય છે?’

  2007માં માર્ટિને પોતાની ફેવરિટ ક્રાઈમ-થ્રિલર શૈલીની ફિલ્મ બનાવી - ‘ધ ડિપાર્ટેડ’. આ સુપરહિટ ફિલ્મને વિવેચકોએ ‘ટેક્સી ડ્રાઈવર’ તેમજ ‘ગુડફેલાઝ’ના સ્તરની ગણાવી. આ ફિલ્મે ચાર ઓસ્કર અવોર્ડ જીત્યા... અને સરપ્રાઈઝ, સરપ્રાઈઝ! એક અવોર્ડ માર્ટિનને પણ મળ્યો, બેસ્ટ ડિરેક્ટર તરીકે! 40 વર્ષની ઝહળળતી કારકિર્દીમાં, અગાઉ પાંચ-પાંચ વખત નોમિનેટ થઈને નિરાશ થયા બાદ, માર્ટિનને આખરે છઠ્ઠી વખતે ઓસ્કર મળ્યો ખરો! અવોર્ડ લેવા તેઓ સ્ટેજ પર ગયા ત્યારે એમણે મજાક કરેલી: ‘પ્લીઝ, વિજેતાનું નામ બીજી વાર ચેક કરી લેજો. એન્વેલપમાં ખરેખર મારું જ નામ લખ્યું છેેને? કંઈ ભુલ નથી થતીને?’ પોતાનો અવોર્ડ એમણે પોતાના વર્ષો જુના દોસ્તો  સ્ટીવન સ્પીલબર્ગ, જ્યોર્જ લુકાસ અને ફ્રાન્સિસ ફોર્ડ કપોલાને ડેડિકેટ કર્યો.

 

  2011માં રિલીઝ થયેલી માર્ટિન સ્કોર્સેઝીની છેલ્લી ફિલ્મ ‘હ્યુગો’ થ્રીડીમાં હતી. આ અદભુત ફિલ્મને 11 ઓસ્કર નોમિનેશન ઘોષિત થયાં તે પછી એક મેગેઝિનના પત્રકારે માર્ટિનનો લાંબો ઈન્ટરવ્યુ લીધો. સ્કોર્સેઝીએ પોતાની વાતચીતમાં અલગ અલગ 85 ફિલ્મોના સંદર્ભો ટાંક્યા. આ પ્રત્યેક ફિલ્મનો પોતાના પર કેવો પ્રભાવ પડ્યો એ પણ એમણે કહ્યું. આ ઈન્ટરવ્યુ છપાયો અને વિવાદ થઈ ગયો. કેટલાય વિવેચકોએ બખાળા કાઢ્યા કે સ્કોેર્સેઝીએ ફલાણી-ફલાણી ફિલ્મને કેમ યાદ ન કરી? સ્કોર્સેઝીએ પછી ખુલાસો કરવો પડ્યો કે ભાઈ, મેં કંઈ પહેલેથી પ્લાનિંગ નહોતું કરી રાખ્યું કે નહોતું ફિલ્મોનું લિસ્ટ હાથ રાખ્યું. હું તો ઈન્ટરવ્યુ આપતા આપતા જે ફિલ્મોનાં નામ દિમાગમાં આવતાં ગયાં એ બોલતો ગયો!

  આ કિસ્સામાંથી શીખવાનું આ છે: ગુણગ્ર્ાાહી બનો. સ્પોન્જ જેવા ગુણ ધારણ કરીને જે કંઈ ઉત્તમ વાંચો- જુઓ- સાંભળો એનું સત્ત્વ ખુદમાં ઉતારતા જાઓ. સ્કોર્સેઝીએ 85 ફિલ્મોને યાદ કરી. આ કેવળ પહેલું લિસ્ટ હોઈ શકે છે. સાચા અને સારા અર્થમાં જેનો પ્રભાવ ઝીલ્યો હોય એવી ફિલ્મોનો આંકડો 850ને પણ વટાવી જાય એમ બને.

  ટિપ નંબર 5: સૌ સાથે એકસરખું વર્તન કરો

  ફિલ્મના સેટ પર સમાનતાનો મૂડ ઊભો કરવામાં દેવામાં માર્ટિન સ્કોર્સેઝીની માસ્ટરી છે. ભલે ગમે તેટલો ફેમસ, ગમે તેટલો મહાન કે ગમે તેટલો સિનીયર એક્ટર - ટેક્નિશીયન કામ કરતો હોય, પણ સ્કોર્સેઝીનો વર્તાવ એવો હોય કે સાવ જુનિયર માણસને પણ એવું ફીલ થાય કે અહીં કોઈ ઊંચુંનીચું નથી, સૌ સમકક્ષ છે. સ્કોર્સેઝી ખુદ લિવિંગ લેજન્ડ છે, પણ અઢાર વર્ષના  આસિસ્ટન્ટ ડિરેક્ટર સુધ્ધાંને એ વાતનો સહેજે ભાર ન લાગે. સેટ પર નાનામાં નાના માણસ સાથે એમનું પૂરેપૂરું સંધાન હોય. કોઈને એવું પણ લાગી શકે કે સ્કોર્સેઝીના સ્તરના માણસે સાવ જુનિયરોને પણ ભેટવાની ને ખભે હાથ મૂકીને વાત કરવાની શી જ‚ર છે? પણ આ પ્રકારની ટ્રીટમેન્ટથી જે પરિણામ આવે છે એ અદભુત હોય છે.

  ટિપ નંબર 6: પૂછતા રહો... આપણે શું શીખ્યા?

 કમાલની એનર્જી છે માર્ટિન સ્કોર્સેઝીમાં (એના વગર માણસ પાંચ-પાંચ વખતે લગ્ન કેવી રીતે કરી શકે?) એ સિત્તર વર્ષના થયા તોય પાગલની માફક મહેનત કરે છે. એનામાં ગજબનાક ઉત્સુકતા છે, એમની કુતૂહલવૃતિનો કોઈ અંત નથી. સિનેમાનું એમને રીતસર બંધાણ છે. હાઈફેશનના મોંઘાદાટ કપડાં પહેરાવાનો એમને શોખ છે. આ જીવંત માણસ મહેફિલમાં ખીલી ઉઠે છે. તેઓ કલાકો સુધી અસ્ખલિતપણે બોલી શકે છે. હસીમજાક કરતાં કરતાં કંઈકેટલાય કિસ્સાઓ સંભળાવતા જવાની એમની આદત લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને, ખૂબ આકર્ષે છે. ફિલ્મી પંડિતોના મત માર્ટિન એમની પેઢીના સૌથી ગિફ્ટેડ ફિલ્મમેકર છે.


  ‘હુઝ ધેટ નોકિંગ ઓન માય ડોર’થી ‘ટેક્સી ડ્રાઈવર’થી ‘ગુડફેલાઝ’થી ‘હ્યુગો’ સુધીની યાત્રામાં માર્ટિન સ્કોર્સેઝી શું શીખ્યા? વેલ, આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર તેઓ જે રીતે ફિલ્મો બનાવે છે એના પરથી જ મળી રહે છે. એમની ફિલ્મો જાણે પહેલાં સવાલ ખડો કરે છે અને પછી સિનેમાનો જાદુ પાથરતા પાથરતા જાતે જ ઉત્તર શોધવાની કોશિશ કરે છે. એમની ફિલ્મોમાં હિંસાના નિરુપણમાં પણ હવે વધારે ઊંડાણ દેખાય છે. માર્ટિન હંમેશા પોતાની જાતને અપડેટ કરતા રહ્યા, સમયના તાલ સાથે તાલ મિલાવતા રહ્યા. તેથી તેઓ ક્યારેય જુનવાણી ન થયા, ક્યારેય અપ્રસ્તુત બન્યા.

  માર્ટિન સ્કોર્સેઝી નિવૃત્ત ક્યારે થશે? ક્યારેય નહીં! એમની હવે પછીની ફિલ્મ ‘ધ વોલ્ફ ઓફ વોલસ્ટ્રીટ’માં, અગેન, લિયોનાર્ડો દ કેપ્રિયો હીરો છે. એ પછીના અન્ય પ્રોજેક્ટ્સની ઘોષણા પણ તેમણે કરી નાખી છે. માર્ટિનનો એક મોટો પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે એમણે પોતાના પાવર અને પોઝિશનનો ઉપયોગ નવી ટેલેન્ટ્સને, નવા ફિલ્મમેકર્સને પ્રોત્સાહન આપવામાં કર્યો છે. સ્કોર્સેર્ઝીએ પેલા ઈન્ટવ્યુમાં પોતાને પ્રભાવિત કરનાર 85 ફિલ્મો ગણાવી હતી, જ્યારે એમણે ખુદ 42 ફિલ્મો બનાવી છે અને ભવિષ્યમાં ય બનાવતા રહેવાના છે... આપણને સૌને પ્રભાવિત કરવા માટે!

  0 0 0

Saturday, November 17, 2012

પોતપોતાનાં સત્યો


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 18 નવેમ્બર 2012

                                                                                                           
 વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા એન્ગ લીની લેટેસ્ટ ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ વિધિવત રિલીઝ થાય એ પહેલાં જ ઓસ્કર સિઝન માટે હોટ ફેવરિટ ગણાવા લાગી છે. એન્ગ લીનું ગુજરાતી કનેક્શન જાણવા જેવું છે... 
ક તરુણ છે. નામ એનું પાઈ પટેલ. પોડિંચેરીમાં મા-બાપ સાથે રહેતો પાઈ છે તો હિન્દુ પણ એ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, કારણ કે એ ઈશ્વરને ખૂબ ચાહે છે! એના પિતા એક પ્રાણી સંગ્ર્ાહાલય ચલાવે છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે પરિવારે ઘણાંખરાં પ્રાણીઓને વેચીને દેશ છોડીને જતા રહેવું પડે છે. એક જાપાની બોટમાં પટેલ પરિવાર કેનેડા તરફ સમુદ્રયાત્રા શ‚ કરે છે. કમનસીબે, મધદરિયે મોટું તોફાન આવે છે. જહાજ તૂટી જાય છે. પાઈ બેહોશ થઈ જાય છે. એને ભાન આવે છે ત્યારે ખબર પડે છે કે પોતે એક લાઈફબોટ પર છે. એ એકલો નથી. એની સાથે એક ઝરખ, એક ઉરાંગઉટાંગ, એક ઘાયલ ઝેેબ્રા અને એક વાઘ પણ છે. હવે શ‚ થાય છે અસ્તિત્ત્વનો સંઘર્ષ. સૌથી પહેલાં તો ઝરખ પેલા ઝિબ્રાને મારીને ખાઈ જાય છે. એ ઉરાંગઉટાંગને પણ છોડતો નથી. પછી એ ખુદ વાઘનો શિકાર બની જાય છે. છેલ્લે બચે છે પાઈ અને વાઘ. ચારે બાજુ અફાટ દરિયો, એક નોંધારી લાઈફબોટ અને એના પર આ બે જીવો. પાઈ હવે માછલી પકડી પકડીને વાઘને ખવડાવવાનું શ‚ કરે છે કે જેથી એનું પેટ ભરાયેલું રહે અને પોતાનો જીવ સલામત રહે. આ હાલતમાં પાઈ અને વાઘ 227 દિવસ પસાર કરે છે! આખરે એ મેક્સિકોની ભૂમિ પર ઉતરે છે. વાઘ જંગલમાં નાસી જાય છે. કોઈ પાઈની વાત માનવા તૈયાર નથી કે એ એક વાઘ સાથે મધદરિયે સાડાસાત મહિના એકલો રહ્યો હતો! અને પછી...

કેટલી રોમાંચક કથા! યેન માર્ટલ નામના કેનેડિયન લેખકે લખેલી નવલકથા ‘લાઈફ ઓફ પાઈ’નો આ ટૂંકસાર છે. પાંચ-પાંચ પ્રકાશકોએ આ નોવેલને રિજેક્ટ કરી નાખી હતી. આખરે 2001માં નૉફ કેનેડા નામના પબ્લિશરે તે છાપી. પછી તો એની ખૂબ પ્રતિષ્ઠા થઈ. મેન બૂકર પ્રાઈઝ સહિત કેટલાય અવોર્ડઝ મળ્યા. એન્ગ લી નામના વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા ડિરેક્ટરે આ પુસ્તક પરથી ફિલ્મ પણ બનાવી,  જે આવતા અઠવાડિયે ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે.દસ વર્ષ પહેલાં આ નવલકથા વાંચી હતી ત્યારથી એન્ગ લીના મનમાં એનાં તત્ત્વો રમ્યાં કરતાં હતાં. જીવન, મૃત્યુ, દરિયો, આકાશ, મનષ્ય, પ્રાણી, ભય, હત્યા, સહજીવન... ‘મને આ વાર્તાને પડદા પર લાવવાનું મન તો ખૂબ થતું હતું, પણ આ આખી વાત જ એટલી ગજબનાક, એટલી માતબર, એટલી સ્પિરિચ્યુઅલ છે કે મારી હિંમત નહોતી ચાલતી,’ 58 વર્ષીય એન્ગ લી એક મુલાકાતમાં કહે છે, ‘વળી, આ ફિલ્મમાં જે પ્રકારનાં વિઝ્યઉલ્સ ઊભા કરવાં પડે તે અત્યંત ખર્ચાળ તેમજ અવ્યવહારુ સાબિત થાય એમ હતાં. જોકે ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સવાળાએ મને ખૂબ કન્વિન્સ કર્યો એટલે આખરે હું આ ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયો. એક વાતે હું બિલકુલ સ્પષ્ટ હતો કે આ વિષય ટુ-ડાયમેન્શનમાં કેપ્ચર શકે જ નહીં. આ કહાણીને તો થ્રી-ડાયમેન્શલ સિનેમા જ પૂરતો ન્યાય આપી શકે.’

સૂરજ શર્મા નામનો દિલ્હીના નવોદિત એક્ટરે પાઈની કેન્દ્રીય ભુમિકા ભજવી છે. એન્ગ લી કહે છે કે આજ સુધીમાં મેં જેટલા એક્ટર્સ સાથે કામ કર્યું છે એ સૌમાં સૂરજ સૌથી અનોખો છે. ઈરફાન ખાન વયસ્ક પાઈ બન્યો છે, જ્યારે તબુએ પાઈની માનો કિરદાર નિભાવ્યો છે. ચુનંદા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત થઈ ચૂકેલી આ ફિલ્મ આગામી ઓસ્કર સીઝનમાં સપાટો બોલાવી દેશે એવી હવા ઓલરેડી બંધાઈ ગઈ છે. આવી હવા બનવાનું કારણ એ છે કે એન્ગ લીની ફિલ્મોને ઢગલાબંધ ઓસ્કર નોમિનેશન્સ ઊસરડી લેવાની જુની આદત છે. તાઈવાનમાં જન્મેલા અને ઉછરેલા એન્ગ લીની ચોથી ફિલ્મ ‘સેન્સ એન્ડ સેન્સિબિલટી’ (1995)એ સાત નોમિનેશન્સ મેળવીનેે  એક ઓસ્કર જીતી લીધો હતો. 2000માં રિલીઝ થયેલી સુપરડુપર હિટ ફિલ્મ ‘ક્રાઉચિંગ ટાઈગર હિડન ડ્રેગને’ ત્રણ નોમિનેશન મેળવીને બેસ્ટ ફોરેન ફિલ્મનો ઓસ્કર મેળવ્યો. તે પછીની ‘હલ્ક’ એક ટિપિકલ હોલીવૂડ મસાલા ફિલ્મ હતી. ત્યાર બાદ આવી ‘બ્રોકબેક માઉન્ટન’ (2005), જેણે આઠ નોમિનેશન્સ મેળવ્યાં. આ ફિલ્મે એન્ગ લીને બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર અપાવ્યો. બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર જીતનાર એન્ગ લી પહેલી એશિયન વ્યક્તિ બન્યા.એન્ગ લીની ફિલ્મોમાં નવાઈ લાગે એટલું બધું વૈવિધ્ય હોય છે. જેમ કે ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ જેન ઓસ્ટિને 1811માં લખેલી નવલકથા પરથી બની છે જેમાં એ જમાનાના બ્રિટનનો માહોલ છે. ‘ક્રાઉચિંગ ટાઈગર...’માં વુક્શિયા નામની ટ્રેડિશનલ માર્શલ આર્ટને એક્સપ્લોર કરવામાં આવી છે. ‘બ્રોકબેક માઉન્ટન’, અગેન, એક નવલિકા પર આધારિત છે, જેમાં બે અમેરિકન હોમોસેક્સ્યુઅલ કાઉબોયની પ્રેમકહાણી કહેવાઈ છે. એન્ગ લીએ દુનિયાના જુદા જુદા હિસ્સાના ભિન્ન ભિન્ન સ્થળકાળને ખૂબીથી આત્મસાત કરીને  હૃદયસ્પર્શી રીતે પડદા પર પેશ કરવામાં કમાલની મહારત હાંસલ કરી છે. શું ‘લાઈફ ઓફ પાઈ’ને તેઓ ભારતીય કથા તરીકે નિહાળે છે?

‘ના. આ કેનેડિયન લેખકે લખેલી કથા છે અને એને હું કેનેડિયન કહાણી તરીકે જ જોઉં છું,’ એન્ગ લી કહે છે, ‘જ્યારે પણ કોઈ ફિલોસોફિકલ કે માયાવી તત્ત્વની વાત કરવાની હોય ત્યારે પશ્ચિમના કળાજગતમાં પૂર્વના કલ્ચરનો સંદર્ભ લેવામાં આવતો હોય છે. ‘લાઈફ ઓફ પાઈ’માં જીવનની ભ્રમણાની વાત કરવામાં આવી છે. અહીં પાઈ એવી પરિસ્થિતિમાં મૂકાયો છે કે એ માત્ર પોતાની જાત પર અને ઈશ્વરીય શક્તિ પર જ આધાર રાખી શકે.’

Shyam "Patrakar Popatlal" Pathak with Ang Lee


એન્ગ લી બહુ જ ઓછું બોલે છે. એમનું અંગ્ર્ોજી પણ કામચલાઉ છે. એન્ગ લીનું ગુજરાતી કનેક્શન જાણવા જેવું છે. ‘બ્રોકબેક માઉન્ટન’ પછી એમણે 2007માં ‘લસ્ટ, કોશન’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં ભારતના બે એક્ટરોને કામ કરવાનો મોકો મળ્યો હતો - અનુપમ ખેર અને શ્યામ પાઠક. શ્યામ પાઠક એટલે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં પત્રકાર પોપટલાલનું મજેદાર પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેતા.  ‘લસ્ટ, કોશન’નું પશ્ચાદભૂ બીજા વિશ્વયુદ્ધ વખતનું છે. આ ફિલ્મ ચાઈનીઝ અને અંગ્ર્ોજી બન્ને ભાષામાં બની છે. પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચુકેલા શ્યામ પાઠક કહે છે, ‘કમનસીબે, મારાં લગભગ બધાં સીન એડિટિંગ ટેબલ પર કપાઈ ગયાં અને મારી હાજરી નામ પૂરતી રહી ગઈ, પણ એન્ગ લી સાથે વીસ-પચ્ચીસ દિવસ કામ કરવાનો લહાવો મળ્યો એ મોટી વાત હતી. ઈટ વોઝ અન એમેઝિંગ એક્સપિરીયન્સ. તેમની કામ કરવાની પદ્ધતિ કમાલની છે. વર્લ્ડના ટોપમોસ્ટ ફિલ્મમેકર્સમાં ગણના થતી હોવા છતાં અત્યંત નમ્ર અને ડાઉન-ટુ-અર્થ માણસ છે એ. તેમણે ભરતમુનિનું નામ સાંભળ્યું હતું. એક વખત એમણે કહેલું પણ ખરું કે મારે નવરસ વિશે વધારે જાણવું છે.’

શૂટિંગ પૂરું થયા પછી ભારત પાછા ફરતી વેળાએ શ્યામ પાઠકે તેમને પૂછ્યું: સર, તમારે ઈન્ડિયાના યંગ એક્ટરને એક જ વાત કહેવાની હોય તો તમે શું કહો? એન્ગ લીએ જે જવાબ આપેલો તે શ્યામ ક્યારેય ભુલી નહીં શકે. એન્ગ લીએ કહેલું: શ્યામ, આપણા બધામાં એક બ્રોકબેક માઉન્ટન હોય છે. વી ઓલ શુડ ટ્રાય ટુ સીક ટ્રુથ ઈન અવરસેલ્વ્સ... આપણાં સૌનાં સત્યો આપણે જાતે જ શોધી લેવાનાં હોય છે!

શો-સ્ટોપર

એવું નથી કે મને ડાન્સમાં બહુ રસ પડે છે એટલે હું ‘ઝલક દિખાલા જા’નો જજ બન્યો હતો કે પછી જાતજાતની ટેલેન્ટ જોઈને ચકિત થઈ જવાનું મને બહુ ગમે છે એટલે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ સાથે સંકળાયો છું. હું ટેલીવિઝન ખાસ તો એટલા માટે કરું છું કે એ લોકો પૈસા ચિક્કાર આપે છે. 

- કરણ જોહર (ફિલ્મમેકર) 

Trailer of Life of Pi. Click here:
http://www.youtube.com/watch?v=j9Hjrs6WQ8M


Saturday, November 10, 2012

જબ તક હૈ જબાન


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 11 નવેમ્બર 2012

 શાહરુખની જીભ એનું સૌથી આકર્ષક અંગ છે. શાહ‚ખનાં ઈન્ટરવ્યુઝ વાંચવામાં અને જોવામાં એની ફિલ્મો કરતાંય વધારે મજા આવે છે. પેશ છે એસઆરકેનું કેટલુંક બોલ બચ્ચન...


 ‘શાહરુખ ખાને બહુ જલદી મા-બાપ ખોઈ દીધા છે. એટલે એને સતત પ્રેમની જ‚ર પડે છે. પુષ્કળ પ્રેમની. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ત્યાં સુધી એ તમને છોડશે નહીં. એ જાણે કે તમારો કાંઠલો પકડીને કહેશે: જુઓ, હું તમને પ્રેમ આપી રહ્યો છું, ઓકે? હવે મને સામો પ્રેમ આપો! બસ, શાહ‚ખની આ જ ક્વાલિટીએ એને સુપરસ્ટાર બનાવ્યો છે.  એ કેમેરા સામે એક્ટિંગ કરતો હોય કે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતો હોય કે ઈન્ટરવ્યુ આપતો હોય... એ જાણે કે સતત કહેતો હોય છે કે ‘જુઓ,  મારી સામે જુઓ... મને ચાહો, ચાહતા રહો’.  એની પ્રેમની ઝંખના ક્યારેય સંતોષાતી નથી.’

 આ આદિત્ય ચાપડાના શબ્દો છે. પ્રોડ્યુસર અને દોસ્ત હોવાના નાતે એણે શાહ‚ખની પર્સનાલિટીની એક છટા સરસ પકડી છે. હાલના તબક્કે સલમાન કદાચ ત્રણેય ખાનમાં સૌથી પોપ્યુલર ખાન છે, આમિર સંભવત: સૌથી વર્સેટાઈલ અને ચતુર ખાન છે, પણ એક્સ ફેક્ટરના મામલમાં શાહરુખ હંમેશા નંબર વન રહ્યો છે. એક્સ ફેક્ટર એટલે જેને વ્યાખ્યામાં બાંધી ન શકાય એવો કરિશ્મા, કશુંક ચુંબકીય તત્ત્વ. એ ‘ફૌજી’ સિરિયલ કરી રહ્યો હતો ત્યારે પણ એનામાં એક્સ ફેક્ટર હતું. શાહરુખની સૌથી પહેલી રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાના’માં એની એન્ટ્રી વખતે લોકો ચિલ્લાઈ ઉઠતા હતા. ફિલ્મી પડદા પર એનું અચીવમેન્ટ હજુ તો શૂન્ય હતું, તો પણ.      

 શાર્પ દિમાગ અને રમૂજથી છલકાતું વાકચાતુર્ય - શાહરુખના એક્સ ફેક્ટરના મૂળિયાં કદાચ અહીં દટાયેલાં છે. શાહ‚ખનાં ઈન્ટરવ્યુઝ વાંચવામાં અને જોવામાં એની ફિલ્મો કરતાંય વધારે મજા આવે છે. શાહરુખની જીભ એનું સૌથી આકર્ષક અંગ છે!  ‘તમે ક્યારેય સિલ્વર મેડલ જીતતા નથી, તમે ફક્ત ગોલ્ડ મેડલ હારો છો!’ શાહરુખનું આ ક્લાસિક ક્વોટ છે. પેશ છે એના જેવા કેટલાક ઑર ચુનંદા અવતરણો.... - હું રોલ્સ રોયસ કાર જેવો છું. એન્જિન વગર કેવળ પ્રતિષ્ઠાના જોરે દોડતો રહી શકું છું.

 - હું જે માનું છુંં એ જ કરુ ંછું. જે લોકોને એની સામે વાંધો છે એ મારા માટે મહત્ત્વના નથી. જે લોકો મારા માટે મહત્ત્વના છે, એનેે વાંધો હોતો નથી.

 - ભગવાનને ક્રિકેટ રમવાનું મન થયું અને એેણે સચિન તેંડુલકર બનાવ્યો. ભગવાનને બોલીવૂડમાં એક્ટિંગ કરવાનું મન થયું અને એણે શાહરુખ ખાન બનાવ્યો!

 - દુનિયામાં ફક્ત એક જ ધર્મ છે- પુુરુષાર્થ.

 - હું સારો માણસ નથી, પણ મને સારા માણસ તરીકે જીવન જીવવાના સંસ્કાર મળ્યા છે. ક્રોધે ભરાઈને બીજાઓને ધીબેડતો માણસ ખરાબ નથી. અંદરખાને આપણે બધા જ એવા છીએ. આપણે આપણી જાતને જરા વધારે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, એટલું જ.

 - મારી પત્ની ગૌરી મારા માટે પ્રેમથી રાંધે છે એવું કહીને ખોટું શું કામ બોલવાનું? ગૌરી જિંદગીમાં ક્યારેય રાંધતા શીખી જ નથી. હા, એ રસોઈયાઓ સારા પકડી લાવે છે.

 - ગૌરી અને હું એકબીજાની સાથે જીવીએ છીએ, એકબીજા માટે જીવતા નથી. જો એણે મારા માટે ત્યાગ કર્યા હોય કે ભોગ આપ્યા હોય તો મને ખબર નથી. એ જો આવું બોલે તો એનો અર્થ એ થયો કે એ ત્યાગ નથી કરતી, બલકે મારા પર ઉપકાર કરે છે.

 - તમે પ્રેમ ખાતર જેની સાથે લગ્ન કર્યાં હોય એનાથી કંટાળી જાઓ તો ગરબડ તમારામાં છે, તમારા જીવનસાથીમાં નહીં.

 - હું પિતા તરીકે કે પતિ તરીકે ક્યારેક નિષ્ફળ જાઉં તો હાઈક્લાસ રમકડાં અને ડાયમંડનાં મોંઘાં ઘરેણાંની મદદ લઉં છું. આ બે વસ્તુ એવી છે જે ક્યારેય નિષ્ફળ જતી નથી!

 - હું માત્ર બે જ જણા પર વિશ્વાસ કરું છું, એક ભગવાન પર અને એક શાહરુખ ખાન પર.

 - હું બહુ શરમાળ માણસ છું. ધારો કે હું બ્રિટિશ એરવેઝમાં મુસાફરી કરતો હોઉં અને એરહોસ્ટેસ ખાવાપીવા અંગે એક-બે સવાલ પૂછે અને મને એનું ઈંગ્લિશ ન સમજાય તો હું ‘નો, થેન્ક્સ’ કહી દઈશ. પછી ભલે આખી ફ્લાઈટમાં મારે ભુખ્યા બેસી રહેવું પડે.

 - હું કેમેરા સામે કોઈ કિરદાર ભજવતો હોઉં અથવા ‘સુપરસ્ટાર શાહરુખ’ તરીકે પેશ થઈ રહ્યો હોઉં ત્યારે જ કોન્ફિડન્ટ હોઉં છું.  મારી જાત સાથે એકલો પડું ત્યારે મારા આત્મવિશ્વાસનું સ્તર નીચે ઉતરી જાય છે.

 - મને નથી લાગતું કે મને સુપરસ્ટારડમ મળી ગયું છે. માણસે આના કરતાં ઘણું વધારે અચીવ કરવાનું હોય. હું ક્યારેક સ્ક્રીન પર મારી એક્ટિંગ જોતો હોઉં ત્યારે મને સવાલ થાય કે મેં આવા ભંગાર શોટ્સ શું કામ આપ્યા હશે. ઓડિયન્સને કે વિવેચકોને આ ખરાબ શોટ્સની ખબર નથી, પણ મને ખબર છે. આ ક્ષણો બહુ પર્સનલ હોય છે.


 - હું કેટલીય વાર લોકોને સામેથી ‘હેલો’ કહેતો નથી. મને ડર હોય કે એ મને નહીં ઓળખે તો!

 - હું બહાર રસ્તા પર નીકળું અને લોકો મને ઓળખે નહીં કે મને ઘેરી ન વળે તો હું આઘાતથી મરી જાઉં. આના માટે તો હું કામ કરું છું.

 - આર્થિક સમૃદ્ધિમાં હું અમુક અંશે માનું છું. મને લાગે છે કે આર્થિક સુખ એ આધ્યાત્મિક સુખ તરફ જવા માટેનું પહેલું પગથિયું છે. જોકે કેટલાક લોકો આનાથી ઊલટું માનતા હોય છે. કદાચ એ સાચા પણ હોય. અલબત્ત, હું જે માહોલમાં મોટો થયો છું, આપણે સૌ જે માહોલમાં મોટા થયા છીએ, એમાં કન્ઝ્યુમરિઝમ એક વાસ્તવિકતા છે.

 - હું પેપ્સીને છોડી દઉં અને કાલે ધારો કે કોકાકોલાવાળા મને અપ્રોચ કરે તો એના બ્રાન્ડ એમ્બેસેડર બનવામાં મને કોઈ વાંધો ન આવે. પેપ્સી અને કોકાકોલાની આઈડિયોલોજી સાથે મારે કશું લાગતું-વળગતું નથી. મને એક કામ સોંપવામાં આવે છે, જે હું કરીશ.

 - મને એવું માનવું ગમે છે કે મારામાં હિટલર અને નેપોલિયનના થોડાક અંશ છે. હું પ્રયત્ન કરું તો ય મહાત્મા ગાંધી કે મધર ટેરેસા જેવો બની શકવાનો નથી.

 - જો મારી પાસે તમને એરકન્ડીશન્ડ અંધકારમાં ત્રણ કલાક સુધી રડાવવાનો અધિકાર છે, તો તમને પણ મને કોઈ પણ પ્રશ્ન પૂછવાનો હક છે.

 -  લોકો કે મિડીયા બુમરાણ મચાવી રહ્યાં હોય ત્યારે ચુપ રહેવું, કશું ન બોલવું સહેલું નથી. આત્મસંયમ, ધીરજ અને પોતાની જાત પ્રત્યે તેમજ પરિવાર પ્રત્યે પ્રેમ હોય તો જ તે શક્ય બને.

 - સ્ટાર ગમે તેટલો મોટો કેમ ન હોય, એનું પતન થઈ શકે છે, એ ભુલ કરી શકે છે. પછી એ શાહરુખ ખાન હોય કે રોનાલ્ડીનો.

 - ભારતમાં સિનેમાનું સ્થાન સવારે બ્રશ કરવા જેવું છે. તમે એનાથી છટકી શકો જ નહીં.

 - મને જ્યારે પણ લાગે કે મારામાં બહુ ઘમંડ આવી ગયું છે તો હું અમેરિકા આંટો મારી આવું છું. ત્યાં એરપોર્ટ પર જ ઈમિગ્ર્ોશન ઓફિસરો મારી બધી હવા કાઢી નાખે છે!

 - હું ટ્રાય-સેક્સ્યુઅલ છું. જે કંઈ સેક્સ્યુઅલ છે એ બધું જ હું ટ્રાય કરું છું!

 - હું ઈન્ટેલિજન્ટ-બીન્ટેલિજન્ટ કશું નથી. હું કેવળ છીછરો માણસ છું, જે બધી જગ્યાએ મિસફિટ છે.

 - હું એક્ટર કરતાં પર્ફોમર વધારે છું. હું દઢતાથી, પ્રામાણિકતાથી, બેશરમીથી માનું છું કે સિનેમાનો ધર્મ લોકોને એન્ટેરટેઈન કરવાનો છે, સંદેશ આપવાનો નહીં. જો તમારે લોકોને સંદેશો જ આપવો હોય તો પોસ્ટ ઓફિસ જાઓ, ઈમેઈલ મોકલો કે એસએમએસ કરો. એ માટે ફિલ્મો શા માટે બનાવો છો?

 - મને ક્યારેય કોઈ બાબતનું ગિલ્ટ થતું નથી.

 -  ફિલ્મસ્ટારોનું રાષ્ટ્રીય સ્તરે કશું મહત્ત્વ નથી, એમના વગર કશું જ અટકવાનું નથી. સિમ્પલ.

 શો સ્ટોપર 

 શાહરુખ ખાન આર્ટ -ઓફ - લિવિંગના હરતા ફરતા કોર્સ જેવો છે. એ રોજ મારા આર્ટ ઓફ લિવિંગના ક્લાસ લે છે. એય સાવ ફ્રીમાં.  

 - કરણ જોહર 


Monday, November 5, 2012

અન્ના-અરવિંદ-રામદેવ બત્રીસલક્ષણા ન હોય તો શું થઈ ગયું?


ચિત્રલેખા - અંક તા. 12 નવેમ્બર 2012

કોલમ: વાંચવા જેવું 


                                                                                   
મે હિંદુવાદી છો કે સ્યુડો સેક્યુલર? તમે કોંેગ્રેસતરફી છો કે કોંગ્રેસવિરોધી? તમે અન્ના હઝારે અને બાબા રામદેવને છાતી કાઢીને પૂરેપૂરો સપોર્ટ કરો છો કે પછી એમને હસી કાઢો છો?

સવાલો સ્પષ્ટ છે અને તમારે જવાબ પણ એટલી જ સ્પષ્ટતાથી આપવાના છે. ‘કદાચ.... ક્યારેક ક્યારેક... સાવ આમ પણ નહીં ને સાવ તેમ પણ નહીં... આપણે તો કોઈના તરફી પણ નથી કે કોઈના વિરોધી પણ નથી... એમાં તો એવું છેને...’ જો તમે આવું કંંઈક બોલવાના હો તો તમારુું આવી બનવાનું છે, કારણ કે આજે જે પુસ્તકની વાત કરવી એ ડોળા તગતગાવીને તમને તતડાવી નાખશે. (‘ચુપ! આવા ઢીલાઢાલા, માંદલા જવાબ બિલકુલ નહીં ચાલે.  કાં હા બોલો અથવા ના બોલો. કાં આ પાર યા પેલે પાર. દહીં-દૂધ બેયમાં પગ ન રાખો!’) એમાંય જો તમે કોંગ્રસતરફી, હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈવાદી કે અન્નાવિરોધી નીકળ્યા તો તો તમારી લગભગ કતલ થઈ ગઈ સમજો. વેલ, ‘મહા-ભારતની રામાયણ’ પુસ્તકનો આ એટિટ્યુડ છે, આગની જ્વાળા જેવો અથવા તલવારની ધાર જેવો. ટેક ઈટ ઓર લીવ ઈટ!

પ્રસ્તુત પુસ્તકમાં ભારતની વર્તમાન સ્થિતિને કેન્દ્રમાં રાખીને લખાયેલા બત્રીસ લેખો અથવા ન્યુઝ એનેલિસિસ છે, જે અગાઉ ‘અકિલા’ અખબારમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. લેખક કિન્નર આચાર્યએ અહીં મુક્તપણે પોતાનો ઉકળાટ ઠાલવ્યો છે. લખાણમાં ગજબની તીવ્રતા છે, આવેગ છે. અલબત્ત, લેખના તીખા તમતમતાં ક્ધટેન્શનો આશય માત્ર વાચકને મજા કરાવવાનો નથી. બલકે અહીં દેશના પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યેની લેખકની સાચી નિસ્બત ઝલકે છે. અહીં મુખ્યત્વે આતંકવાદ સામે બાથ ભીડવામાં આપણે કેવી રીતેે અને શા માટે નિષ્ફળ જઈએ છીએ એનું તુલનાત્મક વિવરણ છે, તો બીજી બાજુ અન્ના હઝારેએ પ્રગટાવેલા જનઆંદોલનની કાળઝાળ ગરમીને શબ્દદેહ મળ્યો છે.

ઈ.સ. ૯૮૬થી ઈ.સ. ૧૦૩૦ દરમિયાન મહંમદ ગઝની કેટલીય વાર ભારતમાં ચડી આવ્યો અને કત્લેઆમ કરી, આતંક મચાવી મંદિરોને લૂંટી ધ્વંસ કરતો રહ્યો. લેખક નિરાશાપૂર્વક કહે છે કે એક હજાર વર્ષ પછી પણ આપણું ગુપ્તચર તંત્ર, સંરક્ષણતંત્ર ત્યાં જ છે. આજે પણ આપણે હુમલાઓ ખાળી શકતા નથી, દુશ્મનો સામે લડતા લડતા હાંફી જઈએ છીએ. અને સૌથી મહત્ત્વની વાત: દુશ્મનો ભારતમાં પ્રવેશે એ પહેલાં જ આપણે એને આજે પણ ખતમ કરી શકતા નથી, મૂળિયાં પર ઘા કરી શકતા નથી. લેખક ઉમેરે છે:

‘હવે કેમ કોઈ અમેરિકા સામે આંખ ઊંચી કરવાની હિંમત કરતું નથી? બે ટાવર ગુમાવ્યા પછી બુશે તેની સામે બે દેશો (અફઘાનિસ્તાન, ઈરાક)નો સોથ વાળી નાખ્યો છે એટલે. ઈસ્લામિક આતંકવાદીઓને બુશના નામથી જ પાટલૂનમાં થઈ જાય છે. કોઈ એક થપ્પડ મારે ત્યારે તેનો પ્રત્યુત્તર થપ્પડ મારીને ન અપાય, પણ થપ્પડ મારનારનો હાથ કાપી નાખવો પડે. એક દેશ ચલાવવા માટે આવું વલણ અનિવાર્ય છે. અને થપ્પડ મારનારાઓ પણ બુશ અને મોદીની ભાષા સમજે છે એ વાત સાબિત થઈ ચૂકી છે.’મુંબઈમાં આતંકવાદી હુમલા થાય એટલે પછી એક પિપૂડી અચૂક વાગે: મુંબઈના સ્પિરિટ વિશેની! જોયું? આટઆટલું થયું તો ય મુંબઈ નાહિંમત થયું? કેવું ઊભું રહ્યું અડીખમ! લેખકનો મુંબઈ વિશેનો દષ્ટિકોણ જોકે તદ્દન વિપરીત છે:

‘મુંબઈનો સ્પિરિટ? ધૂળ અને ઢેફાં! મુંબઈ એક જડભરત જેવું નફ્ફટ શહેર છે. કોઈને કોઈની પડી નથી. ટ્રેનના સાત ડબ્બાનો ફૂરચો બોલી ગયા, બસ્સો નિર્દોષ લોકોના ટુકડા થઈ ગયા, સાતસો હોસ્પિટલમાં પહોંચી ગયા અને મુંબઈ બીજી સવારથી કામે ચડી ગયું. આવા શહેરને તમે જીવંત કહો તો ખામી તમારી દષ્ટિમાં છે. ’

ઢીલાપોચા શાસકોની શિથિલતા જોઈને લેખકની કમાન છટકે છે. વડાપ્રધાન મનમોહન સિંહને સરકસના સાવજ (ખરેખર તો બિલાડી) સાથે સરખાવીને લેખક કહે છે:

‘જગત આખું જાણે છે કે આ સિંહ તૃણાહારી છે. (સોનિયા) મેડમે એવી જ વ્યક્તિને સેનાપતિ બનાવી છે, જેને પહેલેથી જ નહોર પણ નથી અને દાંત પણ ઊગ્યા નથી. કોઈ દિવસ કરડે એવો જ ભય જ નહીં! આ સિંહ તેની સામે પડેલા કાગળમાંથી સાવ ઝીણા ઝીણા અવાજે કશુંક એવું બોલતો રહે છે કે આપણા કાન સુધી પહોંચતું જ નથી, સમજવાની વાત તો દૂરની છે.’

આટલું કહીને લેખક ઉમેરે છે, ‘આ દેશની કમનસીબી એવી છે કે શાસક પક્ષના ત્રણ મુખ્ય ચહેરાઓમાંથી કોઈ જ વાંચ્યા વગર કશું બોલી શકતા નથી. સોનિયા અને મનમોહન પાસેથી તમે સ્ક્રિપ્ટ ચોરી લો તો એ દિવસે તેઓ સભામાં માત્ર હાથ ફરકાવીને જતાં રહે. રાહુલ કેટલીક ફિલોસોફિકલ વાતો કરીને વિદાય લે. કેટલીક એવી વાતો, જેની સાથે દેશને-સ્થાનિક લોકોને કશું જ લાગતું-વળગતું ન હોય.’અન્ના હજારે વિશે લેખક શું કહે છે તે સાંભળો. ‘આપણી સમસ્યા એ છે કે, અહીં મોટા ભાગના લોકોમાં કોમન સેન્સ અને સિવિલ સેન્સનો અભાવ છે. જ્યારે જેમનામાં બુદ્ધિસંપદા ઠાંસોઠાંસ છે તેવા મહત્તમ લોકો એકદમ બદમાશ છે. જે ધરતીમાં વીર્યવાન, જાંબાઝ, ખૂન્નસથી ભરપૂર ધગઘગતા લડવૈયા ઊગવાનું જ બંધ થઈ હોય અને ધરા આખી વાંંઝણી થઈ ગઈ હોય ત્યારે તેમાં એક અન્નાનું અવતરણ અનેક લોકોને જગાડી લે છે.’

‘ઈમરજન્સી ૨૦૧૧-૧૨: કૌભાંડો  કરવાનું કાનૂની છે, એનો વિરોધ કરવાનું ગેરકાનૂની!’ લેખમાં ક્રમબધ્ધ દલીલો કરતા જઈને બાબા રામદેવની ખુલીને તરફેણ કરી છે. એમનું કહેવુ છે કે રામદેવ કદાચ અન્ના કરતાં વધારે થોડા ઓછા નિષ્ઠાવાન અને વધુ ચતુર હોઈ શકે છે, પણ મુદ્દો એ છે જ નહીં. મુદ્દો એ છે કે  નિષ્ઠા અને હિંમત હોય તો બ્લેક મની વિદેશથી પાછું આવી શકે છે. આ મામલે બાબા રામદેવને ટેકો આપવો એ કેલ્ક્યુલેટેડ રિસ્ક છે અને એ રિસ્ક લેવા જેવું છે. આ પુસ્તકના લેખો અરવિંદ કેજરીવાલ નામનો બોમ્બ ફાટ્યો એ પહેલાં લખાયેલા છે. લેખકે ચોક્કસપણે કેજરીવાલ માટે પણ આ જ સ્ટેન્ડ લીધું હોત. એ કહે છે:

‘જીનેટિકલી આપણે એક વામણી અને વાંઝણી પ્રજા છીએ. સામૂહિક રીતે સ્વહિતની માગણી કરવી એ આપણી પ્રકૃતિને રુચતું નથી અને જ્યારે કોઈ એક વ્યક્તિ આપણા વતી આવી માગણી લઈ મેદાને પડે છે ત્યારે આપણે સૌપ્રથમ તેના માઈનસ પોઈન્ટ્સ શોધીએ છીએ.... કોઈએ આગળ આવવું પડશે. અને આપણે એ યાદ રાખવું પડસે કે, આગળ આવનાર માણસ ક્યારેય બત્રીસલક્ષણો નથી હોવાનો.’

કિન્નર આચાર્ય એક ઘા ને બે કટકા કરવામાં માને છે. શબ્દો ચોરવાના નહીં, મોળી વાત કરવાની નહીં. પોતાના મંતવ્યો અને વિચારો પર લેખકનું કન્વિક્શન સંપૂર્ણ છે. લેખકની લેખનશૈલી પર, લેખોનાં મથાળાં અને શબ્દોની પસંદગીથી લઈને ઓવરઑલ અભિવ્યક્તિ સુધીનાં લગભગ તમામ સ્તરે, ‘સમકાલીન’તંત્રી સ્વ. હસમુખ ગાંધીની તીવ્ર અસર છે. જોકે એને લીધે લેખક જે કહેવા માગે છે એના વજનમાં કશો ફર્ક પડતો નથી. અલબત્ત, આ જ પેશન અને સ્પષ્ટતા સાથે લેખક પોતાની આગવી લેખનશૈલી વિકસાવે એવી અપેક્ષા જરુર રહે. આ લેખસંગ્રહની મજા એ છે કે એ માત્ર પ્રાસંગિક બની રહેતા નથી, બલકે એનું એક નિશ્ચિત દસ્તાવેજી મૂલ્ય પણ છે.

ચોક્કસપણે, જુસ્સો ચડાવી દે એવું દમદામ પુસ્તક.                                                                       0 0 0                                                                              


મહા-ભારતની રામાયણ

લેખક: કિન્નર આચાર્ય 
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમત:   ૨૦૦ /
પૃષ્ઠ:  ૨૬૦

‘’

Sunday, November 4, 2012

હિંસા, કરુણા અને સિનેમા

દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ- 4 નવેમ્બર 2012 
                                                                                                            

શું  હિંસા એ કરુણાની પરાકાષ્ઠા હોઈ શકે? અદભુત ફ્રેન્ચ ફિલ્મ ‘આમોર’ આપણને અસ્થિર કરી મૂકે એવો અણિયાળો સવાલ પૂછે છે. 


Emmanuelle Riva

આજે એક બેનમૂન ફ્રેન્ચ ફિલ્મની વાત કરવી છે. ‘આમોર’ એનું નામ. ફ્રેન્ચ ભાષામાં આમોર એટલે પ્રેમ. આ ફિલ્મ વિશે આ કોલમમાં અગાઉ ઉલ્લેખ થઈ ચુક્યા છે. એક સીધાસાદા ફ્લેટમાં આકાર લેતી આ ફિલ્મ એટલી પાવરફુલ છે કે સંવેદનશીલ દર્શકના ચિત્તમાં કાયમી છાપ છોડી દે. છેલ્લા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આમોર’ને સર્વોચ્ચ અવોર્ડથી નવાજવામાં આવી હતી. આગામી ઓસ્કર અવોર્ડઝની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં તે અત્યારથી હોટ ફેવરિટ ગણાય છે.

‘આમોર’નાં નાયક અને નાયિકા બન્ને વયોવૃદ્ધ છે, જીવનના આઠમા દાયકામાં પ્રવેશી ચૂક્યાં છે. આ કિરદાર ભજવનાર અભિનેતા અને અભિનેત્રી અસલી જીવનમાં ખરેખર આટલી જ ઉંમરના છે. એક્ટર જ્યોં-લૂઈ ટ્રિન્ટીગ્નન્ટ 82 વર્ષના છે,   એક્ટ્રેસ ઈમેન્યુએલ રિવા 85 વર્ષનાં છે. ફિલ્મના ડિરેક્ટર મિશાઈલ હૉનેકે આ બન્નેની તુલનામાં પ્રમાણમાં યુવાન છે- 70 વર્ષના! ફિલ્મનાં પહેલું જ દ્શ્ય ખરેખર તો વાર્તાનો અંતિમ મુકામ છે. પોલીસના માણસો ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશે છે. કદાચ પાડોશીઓએ ફરિયાદ કરી છે કે આ ફ્લેટ કેટલાય દિવસોથી બંધ પડ્યો છે અને એમાંથી ગંદી વાસ આવી રહી છે. આ દુર્ગંધ વૃદ્ધ સ્ત્રીના મૃતદેહની છે, જે બેડરુમના પલંગ પર પડ્યો છે. આ ક્લાઈમેક્સ છે. વાર્તા હવે ફ્લેશબેકમાં આગળ વધી આખરે આ જ બિંદુ પર આવીને અટકે છે. 

જેનું ડેડબોડી પોલીસને મળ્યું એ વૃદ્ધા અને એનો હમઉંમ્ર પતિ બન્ને પેરિસના આ મધ્યમવર્ગીય પણ મજાના ફ્લેટમાં રહે છે. ઘરમાં પુસ્તકોની રક્સ છે, પતિ-પત્ની બન્ને મ્યુઝિક ટીચર રહી ચુક્યાં છે એટલે એક કમરામાં પિયાનો પણ પડ્યો છે. એમના કેટલાય જૂના વિદ્યાર્થીઓ હવે તો જાણીતા સંગીતકાર બની ગયા છે. પતિ-પત્ની ટેસથી હરેફરે શકે એટલાં તંદુરસ્ત અને પૈસેટકે સુખી છે. શ‚આતના એક દશ્યમાં તેમને એક સ્ટુડન્ટની મ્યુઝિક કોન્સર્ટ અટેન્ડ કરવાં જતાં દેખાડવામાં આવ્યાં છે. બસ, આ એક સીનને બાદ કરતાં કેમેરા પછી ઘરની બહાર ક્યારેય જતો જ નથી.                                                                  Jean-Louis Trintignant

પતિ-પત્ની બન્ને એંસી વર્ષ વટાવી ચૂક્યાં છે એટલે દેખીતી રીતે જ એમનું લગ્નજીવન પચાસ-સાઠ વર્ષોનું તો હોવાનું. આટલા પ્રલંબ સહજીવન પછી પણ ડોસો સ્વાભાવિકતાથી ડોસીને કહી શકે છે:  આજે તું બહુ સુંદર લાગતી હતી એ મેં તને કહ્યું કે નહીં?    ૂબન્નેની બોડી લેંગ્વેજ પરથી, એકમેક પ્રત્યેના શાલીન અને સભ્ય વર્તન-વ્યવહાર પરથી ગણતરીની પળોમાં આપણને સમજાઈ જાય છે કે  પતિ-પત્નીએ આખી જિંદગી એકબીજાને ખૂબ સુખ, સંતોષ અને સન્માન આપ્યાં હશે, એકમેકને અનુકૂળ થઈને રહ્યાં હશે. એમની એક દીકરી છે, જે લંડન રહે છે. એ બુઢાં મા-બાપ માટે પુત્રીસહજ ચિંતા કર્યા કરે છે, પણ દંપતીની દુનિયા એકમેકના સંગાથમાં સલામત અને સંપૂર્ણ છે.

એમના ગઢમાં ગાબડું ત્યારે પડે છે, જ્યારે વૃદ્ધાને પહેલી વાર વિસ્મૃતિનો હુમલો થાય છે. બ્રેકફાસ્ટ કરતાં કરતાં એ અચાનક અવાચક થઈ જાય છે. ન બોલે, ન હાલે, ન ચાલે. પુરુષ એના ચહેરા પણ પાણી છાંટે છે, પણ એ કોઈ પ્રતિક્રિયા આપતી નથી. વૃદ્ધ બીજા રુમમાં ડોક્ટરને ફોન કરીને પાછો આવે ત્યાં સુધીમાં પત્ની એકદમ નોર્મલ જાય છે. એ ઊલટાની સામે ઠપકો આપે છે: નળ ચાલુ રાખીને તમે ક્યાં જતા રહ્યા હતા? સાવ બેદરકાર છો તમે! ડોસીમાને યાદ જ નથી કે થોડી વાર પહેલાં પોતે પથ્થરની મૂર્તિ થઈ ગયાં હતાં! ખૂબ અસરકારક બન્યો છે આ સીન. 

... અને આ તો કેવળ શ‚આત છે. થોડા દિવસો પછી વૃદ્ધાને પેરેલિસિસનો પહેલો હુમલો આવે છે. એના માટે બેટરી ઓપરેટેડ વ્હીલચેર લાવવામાં આવે છે. શ‚આતમાં તો વ્હીલચેરમાં બેસી, ચાંપ દાબી ઘરમાં આમતેમ ફરવામાં એને મોજ પડે છે, પણ ધીમે ધીમે તબિયત કથળતી જાય છે.  એ પતિદેવને કહે છે: એક પ્રોમીસ આપો મને. મારી તબિયત ભલે ગમે એટલી બગડે, પણ ટ્રીટમેન્ટ ઘરમાં જ કરાવજો. મને હોસ્પિટલમાં દાખલ ન કરતા, પ્લીઝ. વૃદ્ધ એની વાત માને છે.  એક નવું રુટીન, નવી કોરિયાગ્ર્ાાફી બન્નેએ શીખવી પડે છે. પત્નીને બગલમાંથી બે હાથે ઊભી કરવી, પછી પોટલાને ઊંચકતા હોય એમ પકડી, એક-બે ડગલાં ઘસડી વ્હીલચેરમાં બેસાડી દેવી. ડોસો કંઈ પહેલવાન નથી. કોઈની મદદ વગર આ બધું કરવું એના માટે અઘરું છે, છતાંય એકપણ વાર એ સહેજ પર મોં બગાડ્યા વિના, કંટાળ્યા વિના, સંપૂર્ણ ધૈર્ય અને પ્રેમથી પત્નીની તમામ ચાકરી કરતો રહે છે.

વૃદ્ધાના શરીરનો જમણો હિસ્સો ચેતના ગુમાવી ચુક્યો છે. અડધો હોઠ ખેંચાઈને જડ થઈ ગયો છે. બોલવા જાય તો મોંમાંથી શબ્દોને બદલે સૂસવાટા નીકળે છે. એકાંતરે આવતી નર્સને સમજ પડતી નથી કે ડોસીમાને શું જોઈએ છે. દીકરી માની હાલત જોઈને રડે છે. બાપ એને કહે છે કે બેટા, તને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ તારી ચિંતાની અમને કશી ઉપયોગિતા નથી! એક રાત્રે પતિને દુસ્વપ્ન આવે છે કે કોઈએ એને ગળું ભીસીને મારી નાખ્યો. મહાનગરમાં એકલા રહેતા વૃદ્ધો પર ઘરફોડી અને હત્યાની સંભાવનામાંથી પેદા થયેલી અસલામતીમાં જીવતા હોય છે. જોકે આ સપના કરતાં વાસ્તવિકતા વધારે વિકરાળ છે. પત્નીને પ્રવાહી ખોરાક ચમચીથી મોંમાં રેડવો પડે છે, પણ એ નખરાં કરે છે, નથી ખાવું-નથી ખાવું કરે છે. પતિને ખબર છે કે જો એના પેટમાં ખોરાક જશે નહીં તો એ વહેલી મરી જશે. ગુસ્સે થઈને એ બિસ્તરમાં અપાહિજ થઈને પડેલી પત્નીને લાફો મારી દે છે! ખાવામાં ધાંધિયા કરતા બાળકને એની પિતા લપડાક લગાવીને જબરદસ્તીથી જમાડવા બેસાડી દે, એમ.                                                                                    Michael Heneke,  the director (left)

પતિની સાથે સાથે આપણે પણ જોઈએ છીએ કે વૃદ્ધા પ્રત્યેક મિનિટે  થોડી થોડી મરી રહી છે. પણ આ મોત આસાન નથી, અત્યંત પીડાદાયી છે. એક સમયની ખૂબસૂરત જીવંત મ્યુઝિક ટીચર હવે નાનાં બાળક જેવી થઈ ગઈ છે. વારે વારે  ‘દુખે છે... દુખે છે...’ બરાડ્યા કરે છે. પતિ લાચાર થઈને એને જોયા કરે, થોડી વાર પંપાળે એટલે પાછીડ શાંત થઈ જાય. પત્ની સાથે વાતચીત તો થઈ શકતી નથી એટલે પતિ એને લાંબા લાંબા કાગળો લખે છે. એને ખબર છે કે પત્ની આ ક્યારેય વાંચી શકવાની નથી. ફિલ્મનો અંત આઘાતજનક અને હૃદય વીંધી નાખે એવો છે. આખી જિંદગી જેને ખૂબ ચાહ્યું હોય એ સ્વજન આંખ સામે ભયાનક પીડાતું હોય ત્યારે માણસ શું કરે? પતિ એક અકલ્પ્ય પગલું ભરે છે. આ કદાચ અંતિમ એક્ટ-ઓફ-લવ છે. સમસંવેદનની, પ્રેમની આ અંતિમ સીમા  છે.

‘આમોર’ દર્શકને વિચારતા કરી મૂકી છે.  શું હિંસા એ પ્રેમ અને કરુણાની પરાકાષ્ઠા હોઈ શકે? આ એવી ફિલ્મ છે, જે પૂરી થયા પછી પણ દિવસો સુધી આપણી ભીતર ઘુમરાતી રહે. અહીં પ્રેમના કોઈ લાંબા લાંબા દાવા કે ડાયલોગ નથી, કોઈ ડ્રામાબાજી નથી. એક ફક્ત વૃદ્ધ કપલના જીવતા જીવનની વાસ્તવિક ક્ષણો છે. આ ફિલ્મમાં બેકગ્ર્ાાઉન્ડ મ્યુઝિકનો ઓછામાં ઓછો ઉપયોગ થયો છે. બન્ને મુખ્ય કલાકારોના અસાધારણ અભિનય વિશે શું કહી શકાય? આ ફિલ્મના એક્ટર, એકટ્રેસ અને ડિરેક્ટરની સરેરાશ ઉંમર 79 છે! શ્રેષ્ઠતા અને ક્રિયેટિવીટી પર ક્યાં એક્સપાયરી ડેટ લખેલી હોય છે! જિંદગીના છેવાડે પહોંચી ચુકેલા આ ત્રણેય આર્ટિસ્ટ નથી ઘસાઈ ગયાં કે નથી આઉટ-ઓફ-ડેટ થયાં. બલ્કે પોતાની કળા અને ક્રાફ્ટમાં કદાચ અગાઉ ક્યારેય નહોતા એટલા ધારદાર બની ગયાં છે.  જિંદગીના આ મુકામ પર પણ કેટલું ઉચ્ચસ્તરીય કામ થઈ શકે છે એ સમજવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ.

તાજેતરમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આમોર’નું સ્ક્રીનિંગ થયું હતું. મુંબઈ-દિલ્હી જેવાં મોટાં શહેરોમાં પણે એ વિધિવત થિયેટરમાં રિલીઝ થશે કે કેમ એ સવાલ છે. અમુક દર્શકોને આ ફિલ્મ ધીમી લાગી શકે. ભલે. સત્ત્વશીલ ફિલ્મો અને વર્લ્ડ-સિનેમાના ચાહકોએ જ્યારે તક મળે ત્યારે ડીવીડી પર પણ આ ફિલ્મ જરુર જોવી.

શો સ્ટોપર 

ફિલ્મ એટલે એક સેકન્ડમાં 24 વખત બોલાતું જૂઠ. પણ આ જૂઠનો ઉદ્શ્ય છે, સત્યની ખોજ. 

- મિશાઈલ હૉનેકે (‘આમોર'ના ડિરેક્ટર)