Showing posts with label Divyasha Doshi. Show all posts
Showing posts with label Divyasha Doshi. Show all posts

Sunday, August 20, 2017

‘ઘારો કે છોકરી લગ્નની ના પાડે તો છોકરાને બળાત્કારની ફરિયાદ કરવાનો હક આપણે આપીશું?’


ચિત્રલેખા - અંક ઓગસ્ટ ૨૦૧૭
 કોલમ: વાંચવા જેવું 

 ‘પરસ્પર પ્રેમ અને સંમતિથી સેકસ સંબંધ બંધાતો હોય તો એમાં કોઈ કાળે બળાત્કારની ફરિયાદને અવકાશ રહેતો નથી. પ્રેમમાં જો છોકરી સંબંધ પછી લગ્નની ના પાડે તો છોકરાને પણ એટલું જ દુખ થઈ શકે છે. આપણે સ્ત્રીઓ જો શરીરથી ઉપર ઊઠવાની કોશિશ કરીશું તો પુરુષો પણ આપણને ફકત શરીર તરીકે નહીં જોઈ શકે.’ 





 ‘સ્ત્રી એટલે ત્યાગ, સમર્પણ અને દયાન દેવી એ માનવું ક્યારેય ગમ્યું નહોતું. સ્ત્રીનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર થાય એવો આગ્રહ બાળપણથી જ મનમાં રોપાયો હતો.’

 ‘આજની નારી’ની પ્રસ્તાવનામાં આવું વિધાન કરીને લેખિકા દિવ્યાશા દોશી આખા પુસ્તકનો ટોન અને મૂડ સ્થાપિત કરી દે છે. મહિલાકેન્દ્રી પુસ્તક લખવું ખરેખર પેચીદું કામ છે. જો સભાનતા અને સંતુલન સહેજ પણ તૂટે તો પુસ્તકને લાઉડ, પ્રચારાત્મક કે ઝંડાધારી નારીવાદીઓના કાગારોળ જેવું બની જતાં વાર ન લાગે. ‘આજની નારી’ આ તમામ સંભવિત જોખમસ્થાનોથી સફળતાપૂર્વક દૂર રહી શકયું છે એનું કારણ લેખિકાની તટસ્થ વિચારસરણી છે.

 નાના નાના ૧૩૪ લેખોમાંથી એક ઉદાહરણ લઈએ. સ્ત્રીઓનાં રક્ષણ અને સશક્તિકરણ માટે બનાવવામાં આવેલા કાયદાના ગેરઉપયોગ થાય છે એ જાણીતું સત્ય છે. યુવક-યુવતી પ્રેમમાં હોય, પણ યુવક પછી લગ્ન માટે તૈયાર ન થાય અથવા કોઈ પણ કારણસર પ્રેમસંબંધ લગ્ન સુધી ન પહોંચે એટલે કેટલીક સ્ત્રીઓ બળાત્કારની ફરિયાદ કરતી હોય છે. લેખિકા પૂછે છે:  

 ‘ઘારો કે છોકરાને બદલે છોકરી લગ્નની ના પાડે તો છોકરાને પણ ફરિયાદ કરવાનો હક આપણે આપીશું? પરસ્પર પ્રેમ અને સંમતિથી સેકસ સંબંધ બંધાતો હોય તો એમાં કોઈ કાળે બળાત્કારની ફરિયાદને અવકાશ રહેતો નથી. પ્રેમમાં જો છોકરી સંબંધ પછી લગ્નની ના પાડે તો છોકરાને પણ એટલું જ દુખ થઈ શકે છે. આપણે સ્ત્રીઓ જો શરીરથી ઉપર ઊઠવાની કોશિશ કરીશું તો પુરુષો પણ આપણને ફકત શરીર તરીકે નહીં જોઈ શકે.’

 લેખિકા, અલબત્ત, સ્ત્રીઓની નક્કર સમસ્યાઓ પ્રત્યે વિશેષપણે સંવેદનશીલ છે જ. સ્ત્રીઓ પર થતી અનેક પ્રકારની હિંસા વિશેના લેખમાં એ લખે છે કે છાપા-મેગેઝિનમાં બળાત્કારના સમાચાર વાંચતી વખતે દરેક સ્ત્રીનાં મન-હૃદય બળાત્કાર અને અત્યાચારની વેદના અનુભવતાં હોય છે. એમની ચીસ દબાઈ ગઈ છે, પણ જો તમામ સ્ત્રી એકસાથે ચીસ પાડે તો બ્રહ્માંડ પણ હલી જાય.

 અગાઉ ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ સ્વરુપે પ્રકાશિત થયેલા આ લેખોમાં જોવા મળતી માહિતી અને આવશ્યક વિગતોની ગૂંથણી તરત ધ્યાન ખેંચે છે. પુસ્તકમાં કેટલીય સફળ સ્ત્રીઓ વિશે ખૂબ બધા લેખો છે. જેમ કે, સુનિતા વિલિયમ્સ. અવકાશમાં ૪૪ કલાક અને બે મિનિટ સુધી સ્પેસવોક કરીને રેકોર્ડ સ્થાપનાર સુનિતા વિલિયમ્સનું નામ સાંભળીને માત્ર ગુજરાતીઓની જ નહીં, બલકે સમગ્ર ભારતીયો અને અમેરિકનોની છાતી પણ ગજ ગજ ફુલે છે. ગુજરાતના ઝુલાસણ ગામમાં મૂળિયાં ધરાવતી સુનિતા અમેરિકન નાગરિક છે. સુનિતાએ કરીઅરની શરુઆત અમેરિકન નેવીમાં હેલિકોપ્ટરના પાઈલટ બનીને કરી હતી. એક જહાજથી બીજા જહાજ સુધી ઈંડાથી માંડીને બોમ્બ સુધીની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ એ કરતાં. પછી એમણે એન્જિનીયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. ૧૯૯૮માં નાસાના એસ્ટ્રોનોટ ટ્રેનિંગ માટે એમની પસંદગી થઈ. દિવ્યાશા દોશી આગળ લખે છે:

 ‘સુનિતા વિલિયમ્સની એક વાત દરેક મહિલાએ ગોખી લેવા જેવી છે. એણે એક મુલાકાતમાં એસ્ટ્રોનોટ હોવું એટલે શું એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે, ‘તમે આ નહીં કરી શકો’ એવો વાક્યપ્રયોગ કોઈને પણ તમારા માટે કરવા ન દો. મને એક સ્કવોડ કમાન્ડરે કહ્યું હતું કે માત્ર જેટ વિમાનના પાયલટ જ અવકાશયાત્રી બની શકે છે હેલિકોપ્ટર ચાલક નહીં, પણ તમારે શું કરવું છે એ તમે જાણતા હો તો તમારે એને શ્રેષ્ઠ રીતે કરવાની રીત શોધીને પછી જ એ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ... તમારે પ્રયત્ન કરતા રહેવું પડે. એવુંય બને કે સતત પ્રયત્ન કરતા રહો ને તમને કોઈ તક ન પણ મળે. આથી જે પણ કામ કરો તેનો આનંદ ઉઠાવો. ક્યારેક બોનસ જેવી તક મળી જાય તો ઝડપી લો.’



 સુનિતા વિલિયમ્સની આ વાત કેવળ મહિલાઓએ જ નહીં, પુરુષોએ પણ ગોખી રાખવા જેવી નથી શું? એક ઊંચાઈ સુધી પહોંચી ચુકેલી સફળ વ્યક્તિ, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, બધા માટે પ્રેરણાદાયી બની જતી હોય છે. સુનિતા વિલિયમ્સની માફક સેલિબ્રિટી લેખિકા અનિતા દેસાઈના પિતા પણ ભારતીય અને માતા યુરોપિયન છે. પદ્મભૂષણ અનિતા દેસાઈની ત્રણ-ત્રણ નવલકથાઓ બૂકર પ્રાઈઝ માટે નોમિનેટ થઈ ચુકી છે. ચાર બાળકોની માતા બન્યાં પછી પણ એમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. અનિતા દેસાઈ કહે છે કે મા માટે ટોપ પ્રાયોરિટી એના સંતાનો જ હોય. આથી બાળકો સ્કૂલે જતાં ત્યારે એ લખવા બેસતાં અને ઘરે પાછા આવે એટલે લખવાનું કામ આટોપી લેતાં.

 આખી દુનિયામાં એકલાં ફરી વળનાર મહિલાઓ વિશેના લેખમાં લેખિકાએ સરસ વાત કહી છે:

 ‘આપણે શું કામ ફરવા જતાં હોઈએ છીએ? આપણામાં રહેલી નવી વ્યક્તિને મળવા માટે. પ્રવાસમાં આપણે એ જ નથી રહેતા જે ઘરમાં હોઈએ છીએ. નવા પ્રદેશમાં લોકોય આપણને નવી દષ્ટિએ જુએ છે અને જ્યારે આપણે પાછા ફરીએ છીએ તો આપણું જ શહેર, આપણું જ ઘર નવું લાગે છે. આપણે જે છોડીને ગયા હોઈએ છીએ તે જ વાતાવરણ હવે નથી હોતું, કારણ કે આપણી ભીતર બદલાવ આવ્યો હોય છે.’

 મિલ્સ એન્ડ બૂનની અતિ રોમેન્ટિક નવલકથાઓ મહિલા વાચકોને ધ્યાનમાં રાખીને લખાયેલી છે એવી છાપ છે, પણ ચેન્નાઈમાં ઓનલાઈન લાયબ્રેરી શરુ કરનારી ચાર સખીઓ વિશેના લેખમાં કહેવાયું છે કે આ નવલકથાઓ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે વાંચે છે! પુસ્તકમાં આવાં કેટલાંય રસપ્રદ નિરીક્ષણો સંગ્રહાયેલાં છે.

 સ્ત્રીઓ વિશે કરતી વખતે પુરુષોની ગરિમાને સતત જાળવી રાખવી અને સ્થૂળ નારીવાદની જર્જરિત થઈ ગયેલી તમામ બીબાંઢાળ માન્યતાથી દૂર રહી શકવું - ‘આજની નારી’ પુસ્તકનાં આ સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે.

પ્રવાહી ભાષામાં લખાયેલું અને વાંચવું-વંચાવવું ગમે એવું સુંદર પુસ્તક.
   
                                                    ૦ ૦ ૦

 આજની નારી 
લેખિકા: દિવ્યાશા દોશી
પ્રકાશન: રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ
ફોન: (૦૭૯) ૨૭૯૧૩૩૪૪
 કિંમત:  Rs ૨૫૦ /
 પૃષ્ઠ: 2૮૬

Monday, January 3, 2011

એક સુપરગર્લ, નામે વિપાશા

                                     અહા! જિંદગી - અંક જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત

                                                                કોલમ : ફલક


એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે. પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી...


હસે છે, ખિલખિલાટ હસે છે અને હસતી વખતે એની આંખો, એનો ચહેરો, એનું આખું વ્યક્તિત્ત્વ ગજબનાક રીતે પ્રકાશી ઊઠે છે. તે જોઈને તમે સુખદ કંપ અનુભવો છો. આવું હાસ્ય અને આવો પ્રકાશ તમે વાસ્તવની થપાટોથી અજાણ એવા નિર્દોષ બાળકના ચહેરા સિવાય બીજે ક્યાંય જોયા નથી. એ હસે ત્યારે એવું લાગે કે જાણે તેનું સમગ્ર અસ્તિત્વ, તેની સમગ્ર ચેતના તેની બુદ્ધિશાળી આંખોમાં સમેટાઈ ગયાં છે. હાસ્ય અટકી ગયા પછી એ કશુંક ધ્યાનથી સાંભળતી હોય કે વિચારતી હોય ત્યારે તમે જુઓ છો કે એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે.

પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી.

આ આંખોને પેલે પાર એક મન છે, જે કદાચ બીજા કોઈ પણ પુખ્ત, વિચારશીલ માણસના મન કરતાં ઘણું વધારે જટિલ છે. તેના મનની લીલા સામેની વ્યક્તિને ગૂંચવી નાખે છે, આઘાત આપે છે, છળી ઉઠાય એવાં કલ્પન રચે છે. શું માસૂમિયતનો એક છેડો હિંસાના પ્રદેશને સ્પર્શતો હશે? શું માસૂમિયત એક પરાકાષ્ઠા પછી આપોઆપ વિકરાળ બની જતી હશે? તે સિવાય આવી કૂમળી છોકરી એવું શી રીતે લખી શકે કે -

ચાલ
ભોંક લોકની આંખોમાં ગરમ સળિયો,
ના,
બે અધમૂઈ આંખોમાં ઠંડા
સળિયા,
ને કૂચ કર.

એ તાડન અને આત્મપીડનની ઉપર ક્યાંક ઊભી ઊભી ચુપચાપ બધો તાલ જોયાં કરે છે. મનના પરદા પર પળેપળે આકાર બદલતાં શ્યામલ છાયાચિત્રોની ભાષા ઉકેલવાની શાંત કોશિશ કરતી રહે છે. શક્ય છે કે તેને ઉકેલવામાં બહુ રસ ન પણ હોય. તેને કદાચ આ છાયાચિત્રોને માત્ર નિહાળવાં છે, તેના સાક્ષી બનવું છે, તેને પોતાની કવિતાઓમાં જડી લેવાં છે. તેની કવિતાઓથી ભલે સામેનો માણસ ગૂંચવાય, આઘાત પામે કે છળી ઊઠે, પણ એ સ્વયં સ્થિર છે, શાંત છે.

એક મિનિટ. વિપાશા ખરેખર શાંત છે કે માત્ર શાંત દેખાય છે?

૦ ૦ ૦


A beautiful painting by Anju Dodia
 વિપાશા છેલ્લાં છ વર્ષથી જિદપૂર્વક અમેરિકામાં રહે છે, એકલી, પોતાના હાલી-ચાલી-બોલી ન શકતા શરીર સાથે. આ પસંદગીપૂર્વકની એકલતાને લીધે તે પોતાના મન અને શરીરમાં ઊઠતાં સ્પંદનોને કે તેની ગેરહાજરીને વધારે બારીકાઈથી તેમ જ બહાદૂરીપૂર્વક ઝીલી શકી છે. વિપાશા ૨૦૦૪માં અમેરિકા ગઈ ત્યારે તેનો પહેલો એવોર્ડવિનિંગ કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો - ‘ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો’. હમણા ડિસેમ્બરમાં એ ઈન્ડિયાની મુલાકાતે આવી ત્યારે તેનો બીજો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો - ‘ટાપુઓ પર ફૂદડી’. આ બન્ને સંગ્રહોનાં ભાવવિશ્વો વચ્ચેનું અંતર સ્પર્શી શકાય એવું નક્કર છે. વિપાશાના પ્રકાશક-કમ-મિત્ર-જ્યાદા એવા નૌશિલ મહેતા ‘ટાપુઓ પર ફૂદડી’ વિશે લખે છેઃ ‘અહીં (એટલે કે આ કાવ્યોમાં) એ એકલી નથી. અહીં તો જાણે એકમેકથી તદ્દન ભિન્ન, એકમેક પ્રત્યે અનુકંપા વિનાનાં, જિદ્દી એવાં ત્રણ અસ્તિત્વો છેઃ શરીર, મગજ અને વ્યક્તિચેતના... આ ત્રણેય - હું-મગજ-શરીર - વચ્ચે સતત ખૂનખાર ઝનૂનપૂર્વકની ફેંદાફેંદીનો-ચૂંથાચૂંથીનો તણાવ, એકમેકને પછડાટ આપવાની હોડ આ કાવ્યોના વિષય અને વિશેષ છે.’

આ ફેંદાફેંદી અને ચૂંથાચૂંથીનું એક ઉદાહરણ જુઓ-

એક હથેળીમાં
મગજ


એક હથેળી પર
શરીર.

અફળાયાં
બન્ને એકબીજાં
સાથે.

ભુક્કા ઊડ્યા,
થોડું ચાલી
તણખાના
અજવાળામાં.

ભળી ગઈ
જમીન પર
પથરાયેલા
ભુક્કામાં.




જીવનના ચોથા દાયકાનો પ્રારંભ ઝાઝો દૂર ન હોય એવા બિંદુ પર ઊભેલી બીજી કોઈ પણ સ્ત્રી કરતાં - સ્ત્રી જ શા માટે? - બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વિપાશાનાં સંવેદનવિશ્વનો નક્શો જુદી રીતે દોરાયો હશે? ધારો કે એમ હોય તો પણ ‘ટાપુઓ પર ફૂદડી’નાં કાવ્યોને માત્ર વિપાશાની આત્મ-અભિવ્યક્તિના ચોકઠામાં કેદ કરી દેવાની જરૂર નથી. વિપાશા જ્યારે એમ લખે કે -

જીવન ચકડોળ
ચાલે
ધમધમ
સંભળાય
બસ ખાલીખમ
અવાજો.

- ત્યારે સહેજે સવાલ જાગે કે આ અવાજો, આ ખાલીપો શું તમામ સંવેદનસભાન વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવતી હોતી નથી શું? વિપાશાની કવિતાઓની અપીલ ખાસ્સી વ્યાપક છે. આ સંગ્રહ પ્રમુખપણે વિપાશાનું અંગત એક્સપ્રેશન હોવા છતાં તેમાંની કેટલીય કવિતાઓમાં વ્યક્ત થયેલી લાગણીઓ ઘણા વિશાળ ફલક પર વિહરે છે.

એની ને મારી
વચ્ચે
લડાઈ
ચાલતી લાગે
છે.
જોઈએ
કોણ જીતે છે:
જીવન
કે
હું?

આ પ્રકારનાં દ્વંદ્વનો સામનો આપણે સૌએ કર્યો હોય છે. સંદર્ભો આપણા હોય, સ્વરૂપ આપણે આપ્યું હોય, પણ દ્વંદ્વ અનુભવાય છે એ તો નક્કી.

૦ ૦ ૦

વિપાશાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો ત્યારે તેના પિતાએ એને કાળજીપૂર્વક ઊંચકી હતી, કપડાંનું નિર્જીવ પોટલું ખભે નાખ્યું હોય તેમ, અને પછી ધીમે ધીમે સીડી ઊતરી ગયા હતા. શરીર એ જ છે, પણ આ વિપાશા આજે અમેરિકામાં પોતાના સહાયકની પોસ્ટ માટે હિસ્પેનિક કે આફ્રો-અમેરિકન કે યુરોપિયન ઉમેદવારોની જાતે પસંદગી કરે છે, મોજથી શોપિંગ કરવા ઊપડી જાય છે, પોતાના રહેઠાણથી ઘણે દૂર ક્રિયેટિવ રાઈટિંગના ઈવનિંગ ક્લાસ અટેન્ડ કરે છે. ક્લાસ પૂરા થયા પછી બીજા સ્ટુડન્ટ્સ જતા રહ્યા હોય અને ઘેરાઈ ચૂકેલા વેરાન અંધકારમાં વિપાશા વ્હીલચેર પર મોડી પડેલી બસની રાહ જોતી બેઠી હોય, પોતાનાં મન અને કહ્યું ન માનતા શરીર સાથે, એકલી. અને પછી એ લખે કે -

મનની નસોમાં અટવાઈને તાકે છે
તીક્ષ્ણ આંખો, બેબાકળી નહીં, અફાટ
ધીરજ પોતાનામાંથી ઊપજાવતી.


ધીરજ, ખુદવફાઈ, આત્મસન્માન, આત્મબળ... આ બધા શબ્દોથી વિપાશા ખૂબ આગળ નીકળી ચૂકી છે . જીવન અને તેની વચ્ચે ચાલતી લડાઈ એ ક્યારની જીતી ચૂકી છે. મગજ અને શરીર ભલે ફક્કડ જીવતાં હોવાનો ડોળ કરે, ખાનગી બાતમી એ છે કે એ બન્ને થરથર કાંપે છે. મગજ અને શરીર બેયને બરાબરનો પરચો મળી ચૂક્યો છે, વિપાશા નામની આ સુપરગર્લનો.

૦ ૦ ૦