Friday, October 21, 2016

મલ્ટિપ્લેક્સ: ગિલ્ટનો રંગ કેવો?

Sandesh - Ardh Saptahik purti - 19 Oct 2016
મલ્ટિપ્લેક્સ
કલાકાર - પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, લેખક હોય કે એક્ટર હોય - એનો માંહ્યલો કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે?
Atul Dodiya
વાચન-લેખન જ જેનું જીવન છે એવો લેખક અમુક ચોક્કસ શબ્દ સરખી રીતે’હેન્ડલ’ કરી શકતો ન હોય એવું બને? આંકડાઓની એકધારી પટ્ટાબાજી ખેલવી જેનો ધર્મ છે એવો અકાઉન્ટન્ટ કોઈ ચોક્કસ આંકડાને બરાબર ‘હેન્ડલ’ ન કરી શકે તેમ બને? ચિત્રકળા જેનું પેશન છે એવો ચિત્રકારને કોઈ ચોક્કસ રંગ ‘હેન્ડલ’ કરતી વખતે અસ્થિર થઈ જતો હોય એવું બને?
હા, બને.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ચિત્રકાર અતુલ ડોડિયાએ કહેલી એમના નાનપણની એક વાત સાંભળીને, રાધર, વાંચીને જબરું કૌતુક થયું હતું. આ વાત અતુલ ડોડિયાએ ઉત્તમ લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને કહી હતી, જે તેમણે પછી ‘ફાર્બસ' મેગેઝિનના તાજા અને દૃળદૃાર વિશેષાંક માટે લખેલા પોતાના મસ્તમજાના પ્રલંબ લેખમાં ઉતારી. 
નૌશિલ મહેતાની પહેલાં, એક લેખક-કયુરેટર અને કોલકાતાના જાણીતા અંગ્રેજી અખબારના એક સંપાદૃક સાથે અતુલ ડોડિયાની લંબાણપૂર્વક વાતચીત ચાલી હતી. ચારેક દિૃવસ સુધી બન્ને વચ્ચે ગુફતગૂ થયા કરી. વાતવાતમાં સંપાદૃકસાહેબે એકાએક  ‘સાઈકિયાટ્રિસ્ટ પૂછે એવો' તીરછો સવાલ ફેંક્યો કે અતુલભાઈ, તમે ઘાટકોપરની ચાલીમાં ઉછર્યા છો તો તમારા એ ઘરમાં તે વખતે ફર્નિચર કેવું હતું?
‘આ સવાલના જવાબમાં ભળતો મસાલો બહાર આવ્યો,' અતુલ ડોડિયા કહે છે, 'મેં એમને એક એવી વાત ઘટનાની વાત કરી જે મેં કોઈને નથી કરી, કેમ કે સ્મરણશકિત હોવા છતાં એ ઘટના ક્યાંક અંદૃર ધરબાઈ ગયેલી.'
શું હતી એ ઘટના? આનો જવાબ અતુલ ડોડિયાના શબ્દોમાં જ સાંભળોઃ 
 ‘થયેલું એવું કે અમારે ઘરે રોઝવુડની બનેલી બે સુંદર કેબિનેટ્સ હતી. બાપુજીના બેડરુમમાં. નાનકડી હતી. એમની ઉપર માળિયું આવે. ત્યાં મારાં ચિત્રો, પોર્ટફેલિયો, ઘરવખરીમાં આડો આવતો સામાન, હાર્ડવેરનો સામાન અને ઇનેમલ પેઇન્ટના ડબા રહેતા. પેઇન્ટ લીલો – પ્રોપર ગ્રીન.
માળિયેથી મારી ચીજવસ્તુ લેવા-મૂકવામાં એક દિવસ મારાથી એકાદ દસ લિટરનો ડબો આડો પડી ગયો હશે, આપોઆપ ખૂલી ગયો હશે. તે રંગ રેલાયો, ફેલાયો. જાડો ચમકતો લીલોચટ્ટક રંગે માળિયેથી બહાર નીકળીને કેબિનેટ પર પડયો… એની અંદર પેસ્યો.
મારા બાપુજી કપડાંના શોખીન. ફંકડી ફઉન્ટન પેન વાપરે, વિદેશી ઘડિયાળ, સ્ટાઇલિશ જોડાં પહેરે. કોટ-જેકેટ, સરસ સિલાઈના શર્ટ્સ અને નીચેથી વાળેલા ટ્રાઉઝર્સના રસિયા. એ લીલો ઇનેમલ રંગ બધું પલાળીને ભોંયની લાદી પર ફેલાયો ત્યાર સુધી અમારું કોઈનું ધ્યાન ન ગયું.
આ ઘટના રાતે થઈ હશે અને સવારે ઝાડું કાઢતા છોકરાનું ઝાડું ચોંટી ગયું ત્યારે એણે જોયું કે ત્યાં રંગ પડયો છે અને જામી ગયો છે. એણે મને પૂછયું કે આ રંગ કયાંથી આવ્યો? ત્યારે કબાટ ખોલ્યું અને જોયું કેવા હાલ થયેલા! જે વઢ પડી છે મને! એ યાદ નથી કે બાપુજીએ એકઝેકટલી શું બોલેલા, કદાચ હું બહુ નાનો હતો, પણ નીચી મૂંડી કરીને વઢ ખાધાનું યાદ છે.'

આ આખો કિસ્સો વર્ણવ્યા પછી અતુલ ડોડિયા ઉમેરે છેઃ ‘કમાલની વાત એ છે કે મારાં ચિત્રોમાં આજેય લીલો રંગ હેન્ડલ કરવો મને કપરો પડે છે. એવો લીલો રંગ જવલ્લે જ મારા કામમાં તમને દેખાશે. અલબત્ત, હું લીલો રંગ કયારેક જ વાપરું છું, પણ એમેરાલ્ડ ગ્રીન કે ઘેરા લીલા સ્વરૂપે.’
આં સાંભળીને પેલા સંપાદકે એક સ્ટેટમેન્ટ કરી નાખ્યું: ‘ગ્રીન ઇઝ ધ કલર ઓફ્ ગિલ્ટ ફેર યુ!’ અર્થાત્ લીલા રંગનો સંબંધ નાનપણમાં પેલી ઘટનાને કારણે ચિત્રકારના મનમાં જાગેલા તીવ્ર અપરાધીભાવની લાગણી સાથે હોઈ શકે. એવું બને કે ખુદની બેદરકારી, કપડાં તથા બીજી ચીજવસ્તુઓને થયેલું નુકસાન અને બાપુજીની વઢ – આ સૌની સ્મૃતિઓનું પડીકું પેલા લીલા રંગમાં ઝબોળાઈને એમના ચિત્તના કોઈ પડળમાં લપાઈ ગયું હોય, એક ગિલ્ટ બનીને. શકય છે કે ચિત્ર બનાવતી વખતે તે લીલોતરું ગિલ્ટ અભાનપણે સપાટી પર ડોકિયાં કરી જતું હોય, જેને કારણેે આટલા મોટા ચિત્રકાર હોવા છતાંય અતુલ ડોડિયાને લીલો રંગ હેન્ડલ કરવામાં મુશ્કેલીનો અનુભવ થતો હોય!
આ થિયરીમાં કેટલું તથ્ય છે તે આપણે જાણતા નથી, પણ તે ભારે ઇન્ટરેસ્ટિંગ એ તો નક્કી. સામયિકના લેખમાં અતુલ ડોડિયાએ બીજી કેટલીય ઇન્ટરેસ્ટિંગ વાતો કહી છે. માણસ કલા વિશે બહુ બધું જાણતો હોય, એને બહુ બધી ખબર પડતી હોય, દુનિયાભરના ચિત્રકારોના નામો છાંટી શક્તો હોય અને તેમની ચિત્રશૈલીઓ વિશે એ પટ્ પટ્ પટ્ કરતો અઘરા શબ્દોમાં વર્ણનો કરી શકતો હોય તો તે શું હંમેશાં ઇચ્છનીય બાબત છે? માણસનું જ્ઞાાન કલા-સંગ્રહ માણવામાં એની મદદ કરે છે કે વિઘ્નો ઊભા કરે છે?
 આ સવાલ પૂછીને અતુલ ડોડિયા કહે છે, ‘જાણકારો જ કલા માણી શકે એ ધારણા ભૂલભરેલી હોઈ શકે. તમે જે જાણો છો એ કયારેક તમારી જોવાની પ્રક્રિયામાં દખલ પણ કરી શકે. મારો ઉછેર મુંબઈના પરામાં થયો – ઘાટકોપરની ચાલીમાં. મારા કુટુંબીઓ કે પાડોશીઓને આધુનિક કલાના કક્કાનીય ખબર નહોતી. પણ મારું થતું કામ કે પૂરું થયેલું કામ જોઈને તેમના પ્રતિભાવો મોટા ભાગે સચોટ અને સાચા હતા અને આજેય હોય છે. એથી મને થાય છે, ના, કલા કેવળ કલારસિકોની જાગીર નથી. સામાન્ય માણસો – જેમને કલા વિશે કંઈ જાણકારી નથી – તેઓ આ કલા માણી શકે છે. હા, કયારેક કોઈ કલાકૃતિની ખૂબી ચીંધવી પડે, કયારેક એકાદ ઐતિહાસિક વિગત કહેવી પડે. પણ નજીવી ટિપ્પણીઓના આધારેય તેઓ ઉત્તમ કલા ભરપૂર માણી શકતા હોય છે.’

અતુલ ડોડિયા ભારતના સૌથી સફળ અને સૌથી મોંઘા કન્ટેમ્પરી આર્ટિસ્ટોમાં સ્થાન પામે છે. એમના એક-એક ચિત્રની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં પહોંચે છે. તેઓ કહે છે, ‘અહીં ચિત્રકળાની વાત ચાલે ને નક્કી કોઈ બોલી ઊઠે, ‘આપણને તો સીધી લીટી દોરતાં ન આવડે…’ કે ‘મોડર્ન આર્ટમાં આપણું કામ નહીં…’ કે ‘આવું તો મારી ચાર વરસની બેબી પણ ચીતરી શકે…’ ચિત્ર કરવા બેસું ત્યારે આવાય વિચારો મારા માથામાં ભમતા હોય છે!’

આમ કહીને તેઓ ઉમેરે છે, ‘હું દઢપણે માનું છું કે હું કલાકૃતિ મારા માટે નથી બનાવતો. હું જ મારી કૃતિનો પહેલો દર્શક, પહેલો ચાહક, પહેલો વિવેચક… પણ એની રચના પૂરી થયા પછી એ કૃતિ મારે કોઈને દેખાડવી હોય. મારી કૃતિ જોતાં દર્શકના મારે હાવભાવ વાંચવા હોય… એના અંગેઅંગની ભાષા ઉકેલવી હોય! દરેક કૃતિ જોનારને કંઈક આપતી હોય છે… એને નિહાળીને દરેક જોનાર કશુંક પામતો હોય છે… દરેક જોનારને શું પહોંચ્યું એ મારે કળી લેવું હોય છે. આખરે કળા પ્રદર્શનનો હેતુ શું છે? અલબત્ત, કલાની બજાર છે અને અમે અમારું કામ વેચીએ છીએ – એ આર્થિક દુનિયાની ના નહીં – પણ પ્રદર્શનનો મૂળ હેતુ શેરિંગનો છે… કે મેં આ કર્યું છે તો બધા આવો અને માણો પોતપોતાની રીતે! જે આનંદ મને કલાકૃતિની રચના કરતી વખતે થાય છે એવો જ ઉલ્લાસ મને થાય છે જ્યારે લોકો એને નિહાળે છે ત્યારે!’

Jeram Patel
'ફાર્બસ'ના સ્પેશિયલ ઇશ્યુમાં ૮૬ વર્ષની પકવ ઉંમરે મૃત્યુ પામેલા નામાંકિત ચિત્રકાર જેરામ પટેલ વિશે પણ લેખ છે. તેમણે દાયકાઓ પહેલાં પોતાની કેફ્યિત આપતા લખેલું કે –
‘ચિત્ર રચતી વખતે હું હંમેશાં આક્રમણ જ કરતો હોઉં છું… ધારો કે હું લાલ રંગનો પ્રયોગ કરું છું. એનો અર્થ એ થાય છે કે કોઈક ચોક્કસ રંગ ઉપર, કોઈક ચોક્કસ જગા માટે એ કોઈક ચોક્કસ કારણોસર મેં હુમલો કર્યો છે. આ બધું એની મેળે બનતું આવતું હોય છે. કામ શરૂ કરું છું ત્યારે મારા મનમાં કશું સ્પષ્ટ હોતું નથી. એ બધું સ્વાભાવિક ક્રમે અનાયાસે જ આવતું હોય છે. આ જગા માટે લાલ છે, આ પીળા માટે છે કે આ કાળા માટે છે… રંગોને નાટકના પાત્રોની જેમ અભિનય કરતાં જોવામાં રસ છે. મુખ્ય વાત તો એ છે કે હું કશું જ આમ જુઓ તો ચોક્કસપણે કરવા માગતો નથી. મારે તો માત્ર લાલને એની પોતાની ખાસ જગાએ, કાળાને એની જગાએ અને કથ્થઈને એની જગાએ જોવા હોય છે અને એ જ પ્રમાણે બીજા રંગો બાબતે કહી શકું. અહીં કોઈ એવી દલીલ કરી શકે કે આવું તો કોઈપણ કરી શકે. હા, નિશંકપણે જરૂરથી એ કરી જ શકે, જેમ બાળકો પણ કરે છે. કશું જ પણ વિચાર્યા વગર રંગો લઈને એ તો કાગળ પર ચિતરડા કરતાં જ હોય છે ને!’

અતુલ ડોડિયાએ પોતાનાં ચિત્રોને લોકો સામે પ્રદર્શિત કરવાની અને શેરિંગના આનંદની વાત કરી છે, તો જેરામ પટેલ આ સ્થિતિને જરા જુદી રીતે મૂકે છેઃ 
‘એક ચિત્ર કર્યા પછી હું એને અલબત્ત નીરખું છું પણ એ એવી રીતે કે જે રીતે નૈસર્ગિક પદાર્થને જોતો હોઉં. જેમ કે એક લેન્ડસ્કેપને આપણે જોઈએ છીએ કે પછી ઝાડને જોઈએ છીએ કે પછી એક પથ્થરને પણ જોતાં હોઈએ છીએ. મનમાં કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના જોતો હોઉં છું. આ મેં બનાવ્યું છે માટે એના માટે મને મમત હોય કે લાગણી હોય એવું કશું એમાં નથી હોતું… કોઈ અન્યના ચિત્ર વિશે પણ એવું જ કહી શકું. એને કોઈ નૈસર્ગિક પદાર્થ તરીકે જ હું જોવાનું પસંદ કરું છું.’
કલાકારનો માંહૃાલો – પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય કે લેખક હોય કે અભિનેતા – એ કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે? બહુ રસપ્રદ છે આ સવાલ અને એનો જવાબ ચોક્કપણે બહુરંગી હોવાનો!
0 0 0 

Saturday, October 15, 2016

મલ્ટિપ્લેકસ: સ્મિતા પાટીલને લાફો કેમ પડ્યો?

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૧૬ ઓકટોબર ૨૦૧૬ 

૩૧ વર્ષના આયુષ્યમાં માણસ કેટલું પ્રદૃાન કરી શકે? સ્મિતા પાટીલ જેટલું... જો ઉપરવાળાએ એને ઠાંસી ઠાંસીને પ્રતિભા આપી હોય, યોગ્ય સમયે સાચી દિૃશા મળી ગઈ હોય અને જબરદૃસ્ત મહેનત કરવાની ક્ષમતા હોય, તો! 
સ્મિતા પાટીલ જો જીવતાં હોત તો આવતી કાલે તેમણે ૬૧ વર્ષ પૂરાં કરીને બાસઠમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હોત. સ્મિતા પાટીલ ફકત ૩૧ વર્ષ જીવ્યાં. ૩૧ વર્ષ, ૧ મહિનો અને ૨૫ દિૃવસ, ટુ બી પ્રિસાઈઝ. માણસને કુદૃરતે ઠાંસી ઠાંસીને પ્રતિભા આપી હોય, એને યોગ્ય સમયે સાચી દિૃશા મળી ગઈ હોય અને એનામાં જબરદૃસ્ત મહેનત કરી શકવાની ક્ષમતા હોય તો આટલાં ટૂંકા જીવનમાં માણસ કેટલું જબરદૃસ્ત પ્રદૃાન કરી શકે છે તેનું ઉત્તમ ઉદૃાહરણ  સ્મિતા પાટીલ છે.

સ્મિતા પાટીલ કન્સીવ થયાં ત્યારે એમનાં મા વિદ્યા પાટીલને બાળકની જરાય ઇચ્છા નહોતી. એમણે તાજો તાજો નર્સિગનો કોર્સ પૂરો કર્યો હતો અને એક દૃીકરી (સ્મિતાનાં મોટાં બહેન અનિતા)ને ઊછેરવાની જવાબદૃારી ઓલરેડી માથા પર હતી. રાજકારણમાં ખૂંપેલા પતિ શિવાજીરાવ પાટીલ (કે જે આગળ જતાં મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન પામેલા) ઘરખર્ચ માટે થોડાઘણા રુપિયા મોકલી આપતા, પણ એટલાથી પૂરું થતું નહોતું. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલતમાં બીજા બાળકને કેવી રીતે પેદૃા કરવું? સ્મિતા પાટીલ મોટાં થયાં પછી વિદ્યાતાઈએ એમને આ વાત શર કરેલી. આથી સ્મિતા ક્યારેક રીસાઈને ગુસ્સામાં એમને કહી દૃેતાં: ‘તુલા મા નકો હોતે ના.' અર્થાત, મા, તને તો હું જોઈતી જ નહોતી, હું તો અણગમતી આવી છું!

જોકે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ભણતર પૂરું કર્યા પછી સ્મિતાએ દૃૂરદૃર્શન પર મરાઠીમાં સમાચાર વાંચવાનું શરુ કર્યું ત્યારે તેઓ સૌના ગમતાં ન્યુઝરીડર બની ગયાં હતાં. એ જમાનાના બ્લેક-એન્ડ-વ્હાઈટ ટેલીવિઝન પર પણ સ્મિતાની સ્ક્રીન પ્રેઝન્સ ગજબની લાગતી. એટલે જ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું ધ્યાન પણ આ પાણીદૃાર આંખોવાળી યુવતી તરફ ખેંચાયેલું.  શ્યામ બેનેગલની પહેલી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ ‘અંકુર (૧૯૭૩) રિલીઝ થઈ ચુકી હતી. શબાના આઝમીની પણ આ પહેલી ફિલ્મ.  હવે શ્યામ બેનેગલ ફરી શબાનાને લઈને ‘નિશાંતની (૧૯૭૫) તૈયારી કરી રહ્યા હતા. આ ફિલ્મની સેકન્ડ લીડ તરીકે તેઓ સ્મિતાને લેવા માગતા હતા. સ્મિતાનાં મમ્મીપપ્પા તો તરત માની ગયાં, પણ સ્મિતા અવઢવમાં હતાં. વિદ્યાતાઈને ‘અંકુર ખાસ્સી ગમી હતી. તેમણે દૃીકરીને કહ્યું: સ્મિતા, તું ધડ્ દૃઈને ના ન પાડી દૃે. એક વાર ડિરેકટરને મળી તો જો!

Smita Patil in Nishant


અપોઈન્મેન્ટ ફિકસ થઈ. શબાના પહેલી વાર શ્યામને મળવા ગયેલાં ત્યારે ખાસ બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરાવી આવેલાં, પણ વીસ-એકવીસ વર્ષનાં સ્મિતા તો  સાવ મામૂલી જીન્સ અને ઢીલુંઢાલું ટીશર્ટ ચડાવીને શ્યામને મળવા પહોંચી ગયેલાં. શ્યામબાબુના મનમાં એકચ્યુઅલી તે વખતે  ‘નિશાંત' ઉપરાંત ‘ચરણદૃાસ ચોર' (૧૯૭૫) નામની બાળફિલ્મ પણ રમી રહી હતી. એમણે વિચાર્યું કે પહેલાં ‘ચરણદૃાસ ચોર' બનાવીશ તો સ્મિતા માટે તે ‘નિશાંત'ની વર્કશોપ જેવું પણ થઈ જશે. છત્તીસગઢના ભિલાઈ પાસેના કોઈ ગામડામાં ‘ચરણદૃાસ ચોર'નું શૂિંટગ કરવામાં આવ્યું હતું. શૂિંટગ પૂરું થતાં જ હોમ-સિક થઈ ગયેલાં સ્મિતા પોતાના કમરામાં ભરાઈ જતાં ને જમવાનું પણ ત્યાં જ મગાવી લેતાં.

‘નિશાંત'માં સ્મિતા પાટીલે અત્યાચારી જમીનદૃારની માયાળુ પત્નીનો રોલ કર્યો હતો. રોલ નાનો હતો, પણ સ્મિતા સૌનું ધ્યાન ખેંચી શકવામાં કામિયાબ રહ્યાં. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘નિશાંત'નું સ્ક્રીિંનગ થયું હતું અને શ્યામ બેનેગલ પોતાની બન્ને હિરોઈનોને કાન (ફ્રાન્સ) લઈ ગયા હતા. વર્લ્ડ સિનેમાનું સ્મિતાનું આ પહેલું એકસપોઝર.  ‘અંકુર' અને ‘નિશાંત' એ ફિલ્મો છે જેની સાથે હિન્દૃી ફિહ્લમ ઇન્ડસ્ટ્રીમાં આપણે જેને પેરેલલ સિનેમા યા તો આર્ટ સિનેમા કહીએ છીએ તેની નક્કર શરુઆત થઈ હતી. ત્યાર પછી આવી 'મંથન' (૧૯૭૬) જે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર આધારિત હતી. શ્યામ બેનેગલ મૂળ શબાનાને લઈને આ ફિલ્મ બનાવવાના હતા, પણ શબાના ત્યાં સુધીમાં બિઝી સ્ટાર બની ચુક્યાં હતાં એટલે સ્મિતાને મુખ્ય નાયિકા તરીકે કાસ્ટ કર્યા. ગુજરાતી લહેકો શીખવવા માટે ખાસ કોચ રાખવામાં આવ્યો હતો.

એક વાર રાજકોટ નજીક એક ગામડામાં શૂિંટગ હતું. રવિવારનો દિૃવસ હતો. ચાર-પાંચ સ્થાનિક મહિલાઓ દૃીવાલને ટેકે ધૂળમાં બેઠી હતી. સ્મિતા એમની પાસે જઈને માંડ્યાં ટોળટપ્પાં મારવાં. એવામાં  કેટલાક સાઈકલસવાર કોલેજીયોનો શૂટિંગ જોવા આવ્યા. પૃચ્છા કરી: હિરોઈન ક્યાં છે? કોઈએ સ્મિતા તરફ આંગળી ચીંધીને કહ્યું: જો.... ત્યાં ટોળામાં લાલ સાડી પહેરીને બેઠી છેને એ! કોલેજિયનો માની ન શક્યા: ગપ્પાં ન મારો. હિરોઈન કોઈ દૃી' આ રીતે ગામડાંનાં બૈરાં સાથે સાવ આમ ધૂળમાં થોડી બેસે?

Smita Patil in Bhumika


‘ભુમિકા' (૧૯૭૭) ફિલ્મ સ્મિતાને ખાસ્સી અઘરી પડી હતી. અગેન, આ ફિલ્મ પણ શ્યામબાબુ મૂળ શબાનાને લઈને બનાવવાના હતા, પણ તે મહારાષ્ટ્રીયન એકટ્રેસ હંસા વાડકરના જીવન પર આધારિત હોવાથી આ કિરદૃાર મરાઠી મુલગી સ્મિતા સહજ રીતે ભજવી શકશે એવું લાગતાં ડિરેકટરસાહેબે વિચાર બદલ્યો હતો. હંસા વાડકર પોતાની શરતો પર જીવનારી બિન્દૃાસ સ્ત્રી હતી, જેને લાગણી અને સલામતીની પણ ઝંખના છે. ‘ભુમિકાનું શૂિંટગ ચાલી રહ્યું હતું તે દૃરમિયાન એક દિૃવસ અચાનક સ્મિતાનાં માતાજી વિદ્યાતાઈ પર શ્યામ બેનેગલનો ફોન આવ્યો: તાઈ, શૂિંટગ તાડદૃેવમાં તમારા ઘરથી નજીક જ ચાલી રહ્યું છે. પ્લીઝ, થોડી વાર સેટ પર આવીને તમારી દૃીકરીને સમજાવશો?

વિદ્યાતાઈ ગયાં. ‘તુમ્હારે બીના જી ના લગે ઘર મેં' ગીત ફિલ્માવાઈ રહ્યું હતું, જેમાં સ્મિતાએ થોડા કામુક કહી શકાય એવા લટકા-ઝટકા કરવાના હતા. સ્મિતા હઠે ભરાયેલાં કે આવી મુવમેન્ટ્સ તો હું નહીં જ કરું. વિદ્યાતાઈએ એમને કહ્યું: જો બેટા, તું તારી મરજીથી આ લાઈનમાં આવી છો. તારો રોલ દૃેવીનો હોય કે વેશ્યાનો, એકિટંગ કરતી વખતે તારી નિષ્ઠામાં સહેજ પણ ફર્ક પડવો ન જોઈએ. આટલું કહીને વિદ્યાતાઈ નીકળી ગયાં. થોડી કલાકો પછી શ્યામ બેનેગલનો પાછો ફોન આવ્યો: તાઈ, તમારી સમજાવટ કામ કરી ગઈ. સ્મિતાએ પરફેકટ શોટ આપ્યા છે. થેન્ક્યુ સો મચ!

‘ભુમિકા'ના જ બીજા એક શોટમાં સ્મિતાએ આઘાતથી સ્તબ્ધ થઈ જવાના એકસપ્રેશન આપવાના હતા. કોણ જાણે કેમ, એમનાથી ધાર્યા હાવભાવ ચહેરા પર આવતા જ નહોતા. એમણે કંટાળીને શ્યામ બેનેગલને કહી દૃીધું: સોરી, મારાથી આ નહીં જ થાય. શ્યામબાબુએ તોડ કાઢ્યો. એમણે સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાનીને કાનમાં કહ્યું: તું કેમેરા ચાલુ કરીને સ્મિતાના ફેસ પર ફોકસ કર, હું કંઈક કરું છું. આટલું કહીને શ્યામ બેનેગલ સ્મિતા પાસે ગયા અને એમના ગાલ પર જોરથી લાફો ઠોકી દૃીધો. સ્મિતા હેબતાઈ ગયાં! એમનો આ ચહેરો કેમેરામાં કંડારાઈ ગયો. શ્યામ બેનેગલે આનંદૃથી ચિલ્લાયા: કટ... કટ! બસ, મારે આ જ એકસપ્રેશન જોઈતા હતા!
Smita Patil with Shabana Azmi in Mandi


સ્મિતાએ પછી ત્રણેક દિૃવસ સુધી તેમણે શ્યામ બેનેગલ સાથે વાત નહોતી કરી! જોકે પછી તે વર્ષે આ જ ફિલ્મ માટે સ્મિતાને બેસ્ટ એકટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો ને એ તદ્દન જ જુદૃી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગયાં. અભિનય જ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર છે અને મારે આ જ લાઈનમાં આગળ વધવાનું છે તે વાત સ્મિતાને ‘ભુમિકા' પછી પૂરેપૂરી સમજાઈ.

એક પછી એક ફિલ્મો આવતી ગઈ. 'મંડી' (૧૯૮૩)માં શબાનાએ વેશ્યાવાડો ચલાવતી મેડમનો રોલ કર્યો, જ્યારે સ્મિતાએ ‘સ્ટાર-વેશ્યાનો કિરદૃાર નિભાવ્યો. શબાના ટ્રેઇન્ડ એકટ્રેસ અને પરફેકશનિસ્ટ હતાં, રાધર, છે. સામે પક્ષે, સ્મિતાએ અભિનયની કયારેય વિધિવત તાલીમ લીધી નહોતી એટલે તેઓ સ્પોન્ટેનિયસ અને ડિરેકટર્સ એકટ્રેસ હતાં. જોકે એમણે  શબાનાના સંદૃર્ભમાં ક્યારેય લઘુતાગ્રંથિ અનુભવી નહોતી. તેમનો કોન્ફિડન્સ ગજબનો હતો. સામાન્ય સંજોગોમાં સાવ સાધારણ દૃેખાતાં સ્મિતા કેમરા ઓન થતાં સાવ જુદૃી જ સ્ત્રી બની જતાં.

કોણ જાણે કેમ સ્મિતાને હંમેશાં લાગતું કે પોતે લાંબું નહીં જીવે. એમનો અંદૃેશો સાચો પડ્યો. દૃીકરા પ્રતીકને જન્મ આપ્યા બાદૃ કોમ્પ્લીકેશન્સ થયાં ને બે જ વીક પછી, ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ એમનું અવસાન થયું. સ્મિતાની આયુષ્યરેખા જો લાંબી હોત તો કોણ જાણે કેવા કેવા ચમત્કારો સર્જ્યા હોત. ‘નિશાંત', ‘ભુમિકા', 'મંડી' વગેરે જેવી સ્મિતાની આખેઆખી ઉત્તમ ફિલ્મો યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. આવતી કાલે એમના બર્થડે પર આમાંનું કશુંક જોજો અને મનોમન એમને વિશ કરજો.    

0 0 0 

Wednesday, October 12, 2016

હોલીડેટિંગ: પાંચ રાત સાથે વીતાવ્યા પછી…!

Sandesh - Ardh Saptahik Purti - 12 Oct 2016
ટેક ઓફ
‘હું ફ્લાણા (કે ફ્લાણી) સાથે રિલેશનશિપમાં છું’ એવું કોઈ કહે તો તેનો સ્પષ્ટ મતલબ એ છે કે અમારી વચ્ચે ઓલરેડી શારીરિક સંબંધો સ્થપાઈ ચૂકયા છે.  ‘હૂક અપ’માં છોકરા-છોકરી બેમાંથી કોઈને કમિટમેન્ટ-બમિટમેન્ટમાં ખાસ રસ નથી, આમાં માત્ર એક્બીજાનું શરીર મુખ્ય છે! સંબંધોના મામલામાં આજની યંગ જનરેશન કન્ફ્યુઝ્ડ છે કે વધારે પડતી ક્લીયર છે? પંદરથી પચ્ચીસ વર્ષ વચ્ચેના  છોકરા-છોકરીઓ વચ્ચે  ચક્કર આવી જાય એટલી ત્વરાથી સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે.

પ્રિયંકા અમદાવાદની એક કોલેજના થર્ડ યરમાં ભણે છે. રૂપકડી છે. સરસ કપડાં પહેરવાની અને જાતજાતની સેલ્ફી પાડી ફેસબુક્-ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાની શોખીન છે. ઓગણીસમા બર્થ-ડે પર મમ્મી-ડેડીએ લઈ આપેલી કારમાં એ રોજ કોલેજ જાય છે. પોતાનાથી એક વર્ષ સિનિયર એવા સાગર નામના હેન્ડસમ છોકરાને પ્રિયંકાએ ‘જસ્ટ ગુડ ફ્રેન્ડ’ કરતાં વિશેષ દરજ્જો આપ્યો છે. કદાચ. કોલેજ પૂરી કર્યા પછી સાગર ખુદનો બિઝનેસ કરવા માગે છે. સાગર માટે પણ પ્રિયંકા ‘જસ્ટ ગુડ ફ્રેન્ડ’ કરતાં થોડી વિશેષ છે. કદાચ.
તો… સાગર તારો બોયફ્રેન્ડ છે, રાઈટ? સાગર સાથે સતત હરતી-ફરતી પ્રિયંકને તમે પૂછો છો.
‘યા. યુ કેન સે ધેટ,’ પ્રિયંકા જવાબ આપે છે.
ભવિષ્યમાં એકબીજાને પરણવાના છોને તમે બંને?
પ્રિયંકાના ચહેરા પર ‘આ કેવો વિચિત્ર સવાલ પૂછો છો તમે?’ પ્રકારના એકસપ્રેશન્સ આવે છે. પછી ખભા ઉછાળીને કહે છે,’આઈ ડોન્ટ નો!’
કેમ? તને સાગર પસંદ છે, તું એની ઘરે આવ-જા કરે છે, તો પછી પરણવામાં  શો વાંધો છે?
‘વાંધો કશો નથી, પણ સાગર હજુ સેટલ કયાં થયો છે? એનું ઘર પણ કેટલું નાનું છે…’
ધારો કે તને સરસ સેટલ થયેલો અને બંગલાવાળો છોકરો મળે તો? તું સાગર પર ચોકડી મારીને ગાડી-બંગલાવાળા છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી શકે?
‘અફ કોર્સ,’ પ્રિયંકા  સ્પષ્ટતાથી કહે છે.
પણ તું અને સાગર એકબીજાના પ્રેમમાં નથી?
‘ફીલિંગ્ઝ છે આમ તો… પણ આખી લાઈફ્નો સવાલ હોય ત્યારે ઘણું બધું જોવું પડે, યુ નો.’
સાગર પણ તારી જેમ વિચારે છે? એણે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે?
‘હાસ્તો વળી. અમે બંનેએ એકબીજાને કમિટ કયાં કર્યું છે?’

ટૂંકમાં, પ્રિયંકા  અને સાગરે એકબીજાને ‘સ્ટેન્ડ-બાય’ પર રાખ્યા છે. વધારે સારી ચોઈસ મળે તો એને પકડીને પરણી જવાનું, નહીં તો પછી આ તો છે જ. આ બંને અસલી પાત્રો છે, માત્ર નામ બદલાવી નાખ્યા છે. આ આજની જનરેશન છે. ફ્રેન્ડ, બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, લવર્સ અને એન્ગેજ્ડની કેટેગરીની બહાર નીકળીને, સંબંધોના બીજા કેટલાય સગવડિયા ખાના પાડીને નવી પેઢી બિન્દાસ્ત જીવે છે. સંબંધોના મામલામાં આજની યંગ જનરેશન કન્ફ્યુઝ્ડ છે કે વધારે પડતી ક્લીયર છે? પંદરથી પચ્ચીસ વર્ષ વચ્ચેના  છોકરા-છોકરીઓ વચ્ચે  ચક્કર આવી જાય એટલી ત્વરાથી સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે. અઢાર વર્ષની છોકરી પોતાના કરતાં પાંચ જ વર્ષ મોટી બહેનને બેધડક કહી શકે છેઃ તમારી જનરેશનમાં વાત જુદી હતી, અમારી જનરેશનમાં તો…
‘તમારી’ જનરેશન? હવે પાંચ જ વર્ષમાં પેઢી અને મૂલ્યો બંને બદલાઈ જાય છે? જે કાં તો ભણી રહૃાા છે અથવા કોલેજ પૂરી કર્યા પછી જોબ કે બિઝનેસ કે ટાઇમપાસ કરી રહૃાા છે, જેમને ત્રીસીમાં પ્રવેશવાને હજુ વાર છે અને જેમને લગ્ન વિશે વિચારવાનો પણ કંટાળો આવે છે તેવા મહાનગરવાસી યંગસ્ટર્સમાં ચમકી જવાય એવું કલ્ચરલ શિફ્ટ થઈ ગયું છે.
‘આજે છોકરા-છોકરી વચ્ચે પરિચય થાય પછી ઘણી વાર ફ્રેન્ડશિપનો તબક્કો આવતો જ નથી,’  એક આઈટી કંપનીમાં જોબ કરતો વિવેક કહે છે, ‘તેઓ સીધા રિલેશનશિપમાં જ ઝંપલાવે છે! રિલેશનશિપમાં હોય એ દરમિયાન એકબીજાને ઓળખવાની પ્રોસેસ ચાલતી રહે અને તે પછી જેન્યુઈન લવ થાય કે ન પણ થાય. જો પ્રેમ થાય તો ઠીક છે, નહીં તો… ધે જસ્ટ મુવ ઓન!’
વિવેકની વાતમાં આંશિક અતિશયોકિતવાળું સત્ય છે. પ્રિયંકા  અને સાગરના કેસમાં કદાચ આવું જ બન્યું છે. સાદા દોસ્તાર બનતાં પહેલાં જ બંને રિલેશનશિપમાં બંધાઈ ગયા છે. દોસ્તી, પ્રેમ, શરીરના આવેગો, સરખામણી, સ્વકેન્દ્રી ગણતરી… આ બધાનું એક વિચિત્ર કોકટેલ તૈયાર થતું જાય છે.
મોટા શહેરોમાં વસતા યંગસ્ટર્સ ઉપરાંત ત્રીસીમાં પ્રવેશ કરી ચુકેલાં અને સરસ કમાતા સિંગલ સ્ત્રી-પુરુષોના સ્માર્ટફોનમાં બે-ચાર ડેટિંગ એપ ડાઉનલોડ થયેલી હોય તો આઘાત નહીં લગાડવાની. કોલેજ, ઓફ્સિ કે બાજુવાળી બિલ્ડિંગમાં કોઈ સાથે અખિયાં લડાવીને મૂંગો રોમાન્સ કરવા જેટલી ધીરજ તેમનામાં નથી. પાર્ટનર શોધવા માટે કલબ કે ડાન્સપાર્ટીમાં જવાની વાત પણ તેમને જૂનવાણી લાગે છે. આવી મહેનત કરવાને બદલે તેઓ ડેટિંગ એપ પર સર્ફિંગ કરે છે, ફોટાગ્રાફ્ અથવા પ્રોફાઈલ અથવા બંને જોઈને અનુકૂળ પાર્ટનર શોધે છે, થોડો સમય ઓનલાઈન ચેટિંગ કરે છે, પછી સમય ફ્કિસ કરી કોઈ સ્ટાઈલિશ મૉલની કોફી શોપમાં મળે છે. વાતચીતની પહેલી ત્રીસ જ મિનિટમાં તેઓ નક્કી કરી નાખે છે કે આની સાથે આગળ વધવા જેવું છે કે નહીં.
આજના યુવક-યુવતીઓ વચ્ચે શારીરિક નિકટતાના ઘણાં સ્તરો ડિફાઈન થઈ ચૂકયાં છે. તમે કોઈને ‘લાઈક’ કરતાં હો પણ તમે એના પ્રેમમાં ન હો તો જાહેરમાં એનેે સ્પર્શી શકાય, ભેટી પણ શકાય. હા, હોઠ પર કિસ નહીં કરવાની. બે પાત્રો એકમેકને જાહેરમાં હળવી રીતે ભેટી શકતા હોય તો તેનો અર્થ માત્ર એટલો થાય કે તેઓ માત્ર એકમેકના 'સાદાં ફ્રેન્ડ્ઝ' છે, તેમની વચ્ચે સેકસનો સંબંધ નથી. ‘ગોઇંગ આઉટ વિથ સમવન’ એટલે તમને કોઈ વ્યકિત પસંદ છે, તમે એની સાથે હરોફરો છો, એને ઓળખવાનો પ્રયાસ કરી રહૃાા છો એને સ્પર્શો છો અને ભેટો છો, પણ સંભવતઃ મામલો હજુ ફુલફ્લેજ્ડ સેકસ સુધી પહોંચ્યો નથી.
‘હું ફ્લાણા (કે ફ્લાણી) સાથે રિલેશનશિપમાં છું’ એવું કોઈ કહે તો તેનો અર્થ માત્ર એટલો નથી થતો કે હું એ વ્યકિતના પ્રેમમાં છું,  બલકે એક સ્પષ્ટ મતલબ એ પણ છે કે અમારી વચ્ચે ઓલરેડી શારીરિક સંબંધો સ્થપાઈ ચૂકયા છે. ‘હૂક અપ’નો તો અર્થ જ સેકસ્યુઅલ રિલેશનશિપ થાય છે. ‘હૂક અપ’માં છોકરા-છોકરી બેમાંથી કોઈને કમિટમેન્ટ-બમિટમેન્ટમાં ખાસ રસ નથી, આમાં માત્ર એક્બીજાનું શરીર મુખ્ય છે!  આપણે ત્યાં હજુ પોપ્યુલર નથી, પણ પશ્ચિમમાં ‘ર્ફ્સ્ટ બેઝ’, ‘સેકન્ડ બેઝ’ અને ‘થર્ડ બેઝ’ શબ્દપ્રયોગ થાય છે. ર્ફ્સ્ટ બેઝ એટલે અમે કિસ સુધી પહોંચી ગયાં છીએ, સેકન્ડ બેઝ એટલે અમે એકમેકને કમરથી ઉપરના શરીરને સ્પર્શી શકીએ છીએ. થર્ડ બેઝનો સંબંધ કમરના નીચેના હિસ્સા પર સ્પર્શ સાથે છે. આના પછીનો, સંપૂર્ણ શારીરિક સંબંધનો ત્રીજો તબક્કો એટલે હોમ-રન.
‘સીઇંગ ઈચ અધર’ શબ્દપ્રયોગ જરા અસ્પષ્ટ છે. એમાં બંને પાત્રો વચ્ચે સેકસનો સંબંધ હોય પણ ખરો, ન પણ હોય. ‘ડેટિંગ’ શબ્દ વાપરો એટલે સંબંધ ઓફિશિયલ બનવાની દિશામાં જઈ રહૃાો છે એમ કહેવાય. ‘હૂક-અપ’ જેવી અર્થચ્છાયા ધરાવતો બીજો એક શબ્દપ્રયોગ છે ‘ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ’. અહીં છોકરો-છોકરી પ્રેમમાં નથી, તેમની વચ્ચે ફ્કત દોસ્તી છે અને જસ્ટ ફેર ફ્ન, બિલકુલ કેઝ્યુઅલી,  કોઈપણ જાતના કમિટમેન્ટ વગર તેઓ શારીરિક સંબંધ બાંધે છે. બંને મુકત છે, બંને બીજા લોકો સાથે પણ સંબંધો ધરાવી શકે છે. કોઈ ખુલાસા કરવાની જરૂર નથી, કમિટમેન્ટની તો વાત જ નથી. જુવાન શરીરની કેટલીક જરૂરિયાતો છે અને દોસ્ત તરીકે એકમેકની જરૂરિયાત સંતોષવાનો છે. ફ્રેન્ડ હોવાનો આ બેનિફ્ટિ છે!

ચલણમાં આવેલો એક લેટેસ્ટ શબ્દ છે, ‘હોલીડેટ’.  હોલીડે વત્તા ડેટિંગ. જેની સાથે ડેટિંગ કરતાં હો એની સાથે બે-ત્રણ-ચાર કે વધારે દિવસો માટે બહારગામ ફરવા જવું એટલે હોલીડેટિંગ. હજુ સામેના પાત્રને ઓળખવાની – પારખવાની પ્રક્રિયા ચાલુ છે, હજુ સુધી કોઈ કમિટમેન્ટ થયું નથી, પણ એની કંપનીમાં નવા સ્થળે ફરવાની મજા આવશે એવું લાગે છે. ડેટિંગની શરૂઆત જ સીધી બહારગામ ફરવા જવાથી થાય તે પણ શકય છે. અમુક વાતોની ચોખવટ પહેલેથી જ કરી લેવાની. આપણે સાથે સાઈટ-સીઇંગ કરીશું, ખાઈશું-પીશું, ખર્ચ શૅર કરીશું, પણ આપણી વચ્ચે સેકસના સંબંધ નહીં હોય. આપણે અલગ-અલગ કમરામાં રહીશું અથવા પૈસા બચાવવા એક જ કમરાના જુદા જુદા બેડ પર સુઈશું. એવી આગોતરી સ્પષ્ટતા પણ થઈ શકે કે આપણી વચ્ચે મામલો કદાચ સેકસ સુધી પહોંચી જાય તો વાંધો નથી, પણ હા, શારીરિક નિકટતાને કોઈ જાતનું કમિટમેન્ટ નહીં ગણી લેવાનું. ધારો કે બંનેને અથવા બેમાંથી એક પાત્રને ચાર-પાંચ દિવસ-રાતના સાથસંગાથમાં મજા ન આવી તો હોલીડે પૂરી થયા પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાનું. અાવી સ્થિતિમાં કોઈએ સેન્ટીમેન્ટલ થઈને ઉધામા નહીં મચાવવાના!
અપરિચિત વ્યકિત સાથે આ રીતે ફરવા નીકળી જવાનું, અલબત્ત, જોખમી છે જ. એવી સલાહ પણ અપાય છે કે હોલીડેટિંગ કરતાં પહેલાં સાઈકોલોજિસ્ટ કે કાઉન્સેલરને મળીને સલાહ જરૂર લેવાની. આ પ્રકારની રિલેશનશિપ તમને લાગણીના સ્તરે નુકસાન તો નહીં પહોંચાડેને? તમને પછી ગિલ્ટ કે ડિપ્રેશનના અટેક તો નહીં આવેને? આ બધું સમજી લેવાનું.
લાગે છે કે પવિત્ર પ્યાર, પ્લેટોનિક લવ, રોમાન્સ, નૈતિક્તા ને એવું બધું ચોપડીઓ અને (જૂની) ફ્લ્મિો પૂરતું જ સીમિત થઈ જવાનું છે! હોલીડેટિંગ અને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ પ્રકારનું કલ્ચર એકવીસમી સદીના મુંબઈ – ગુજરાતના મોડર્ન યંગસ્ટર્સમાં – અને એના કરતાં થોડી મોટી પેઢીમાં પણ – ફૂંકાયા વગર રહેવાનું નથી. કદાચ ઓલરેડી ફૂંકાવા લાગ્યું છે. એના પર રોક લગાવી શકાય એવું કોઈ મિકેનિઝમ અસ્તિત્વમાં નથી. આ બધું આપણા સમાજમાં થવાનું જ છે. એ થશે જ. વડીલો આતંકિત થઈ જવાને બદલે આ સત્ય જેટલું વહેલા સ્વીકારશે એટલાં ઓછા દુઃખી થશે!
0 0 0 

Sunday, October 9, 2016

મલ્ટિપ્લેકસ: પચાસ કલાકમાં પિકચર બનાવવાની કળા

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ  - ૯ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી: ટોપ ઓફ ધ વર્લ્ડ. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું?  રાજકોટની ટેલેન્ટેડ ટીમે બનાવેલી ‘ગોન વિથ ધ વિન્ડ' નામની અફલાતૂન શોર્ટ ફિલ્મમાં પ્રેમિકાના લિપસ્ટીકના નિશાનવાળા ટિશ્યુ પેપરને બચાવવા માટે સમજોને કે પા ભાગના રાજકોટને આવરી લે એટલી લાંબી ચેઝ છે, ખડખડાટ હસવું આવે એવું હ્યુમર છે, મસ્તમજાનું જોશીલું ગીત છે અને કલાઈમેકસમાં ડ્રોન વડે લેવાયેલા અફલાતૂન શોટ્સ પણ છે!


 વારથી ઝરમર ઝરમર ચાલુ છે, છતાંય ગાંધી જયંતીના દિૃવસે મુંબઈ સ્થિત ગોરેગાંવમાં વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવેની લગોલગ આવેલા નેસ્કો આઈટી પાર્કમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. વિરાટ એરકંડીશન્ડ હૉલમાં ઘુસતાં જ સામે કતારબદ્ધ ગોઠવાયેલા કમ્પ્યુટર્સ પર મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. બાજુમાં ખુરસીઓની પાછળ દૃીવાલ પર અંગ્રેજીમાં લખેલું છે: ‘ફિલ્મમેકરો આમ તો પગ વાળીને બેસતાં નથી, છતાંય જો જરાક આરામ કરવો હોય તો...' આ ખુરસીઓ દૃેખીતી રીતે જ ખાલી છે, કારણ કે એના પર બેસનારાઓ બધા હૉલની અંદૃર, વિશાળ મંચની સામે પથરાયેલા આસનો પર ગોઠવાયેલા છે. ઓડિયન્સમાં આખા દૃેશમાંથી આવેલા ઉત્સાહી જુવાનિયાઓ છે. અરે, આજે સવારે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલી ચીનની એક ટીમ પણ છે. કમાલની યુથફુલ એનર્જી અને ઉત્તેજના હવામાં તરવરી રહી છે. મંચનાં ડિજિટલ બેકગ્રાઉન્ડ પર એકધારા બદૃલાઈ રહેલાં વિઝ્યુઅલ્સની વચ્ચે આ શબ્દૃો સતત ઊપસ્યા કરે છે:

‘ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ, સિઝન સિકસ!'

શોર્ટ ફિલ્મ્સ જોવાના અને બનાવવાના શોખીનો માટે ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ (આઈએફપી)નું નામ જાણીતું છે. જેઓ તેનાથી પરિચિત નથી તેમણે જાણી લેવું જોઈએ કે આઈએફપી ઊભરતા, સાવ નવા નિશાળિયા અને અનુભવી શોર્ટ ફિલ્મમેકરો માટે અસ્તિત્ત્વમાં આવેલું એક અફલાતૂન પ્લેટફોર્મ છે. એકઝેકટલી શું બનતું હોય છે આ પ્રોજેકટમાં? એક તારીખ નિશ્ર્ચિતે, નિશ્ર્ચિત સમયે આઈએફપીની વેબસાઈટ ઉપરાંત ફેસબુક અને ટ્વિટર પર વિષય યા તો થીમની ઘોષણા કરવામાં આવે. આ વિષય પર તમારે પચાસ કલાકની અંદૃર ચારથી છ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી નાખવાની. ફિલ્મ તમે વિડીયો કેમેરા યા મોબાઈલ ફોન વડે  શૂટ કરી શકો છો. તમે તમારી ટીમ (ડિરેકટર,રાઈટર, સંભવિત એકટરો, એડિટર, સંગીતકાર, ગીતકાર વગેરે) પહેલેથી નક્કી કરી નાખો તે ચાલે, પણ શોર્ટ ફિલ્મનો વિષય મળી ગયા પછીના માત્ર પચાસ જ કલાકમાં તમારે યુદ્ધના ધોરણે આટલાં કામ કરી નાખવાં પડે: સ્ક્રિપ્ટ લખી નાખવાની, શૂિંટગનાં લોકેશન નક્કી કરી ત્યાં શૂિંટગ કરી નાખવાનું, આર્ટ ડિઝાઈિંનગની જરુર પડે તે કે કરી નાખવાનું, ગીત મૂકવું હોય તો ગીત લખીને કમ્પોઝ કરી નાખવાનું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવવાનું, ધડાધડ એડિિંટગ કરવાનું, ડબિંગ - કલર કરેકશન - રેન્ડિંરગ પતાવી નાખવાનું, તમારી વિડીયો ફાઈલને ૩૦૦ એમબી કરતાં ઓછી સાઈઝમાં કંપ્રેસ કરી નાખવાની અને રજિસ્ટર્ડ ઇમેઈલ આઈડી પર અપલોડ કરી દૃેવાની!

મોબાઈલ ફિલ્મની કેટેગરી આ વખતે નવી ઉમેરાઈ છે. બાકી મુખ્ય કેટેગરી આ બે: એમેટર (એટલે કે નવા નિશાળિયા) અને પ્રોફેશનલ. જો તમે ઓલરેડી અગાઉ ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી ચુક્યા હો તો તમે પ્રોફેશનલ ગણાવ. ઇન્ડિયન ફિલ્મ પ્રોજેકટની લેટેસ્ટ સિઝનના આંકડા આંખો પહોળી કરી દૃે તેવા છે - દૃુનિયાભરના ૨૦ દૃેશોના ૨૬૨ શહેરોમાંથી ૨૩,૦૦૦ ઉત્સાહીઓએ (જેમના માટે હકથી ફિલ્મમેકર્સ શબ્દૃ વાપરવામાં આવે છે) ૧૨૦૦ કરતાંય વધારે શોર્ટ ફિલ્મસ આ વખતે સ્પર્ધામાં ઉતારી હતી. ગયા રવિવારે મુંબઈમાં યોજાયેલી ફુલ-ડે ઇવેન્ટમાં દિૃવસભર હાઉ ટુ ગો વાઈરલ, હાઉ ટુ મેક અ શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝ એટલે એકઝેકટલી શું વગેરે વિષયો પર પેનલ ડિસ્કશન કરીને પોપ્યુલર ડિજિટલ સ્ટાર્સ, ફિલ્મમેકર્સ, ક્રિટિકસ અને રેડિયો જોકીઓએ એકધારું મંચ ગજાવ્યું. આખરે બાદૃ ભારે શોરગુલ વચ્ચે ત્રણેય કેટેગરીના વિજેતાઓ ઘોષિત થયા.
આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી: ટોપ ઓફ ધ વર્લ્ડ. ફિલ્મના એકાદૃ શોટ યા સીનમાં કોઈક રીતે કોમિકસની ચોપડીનો ઉપયોગ થવો જોઈએ એવી શરત પણ મૂકાઈ હતી. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું?એક વિજેતા શોર્ટ ફિલ્મ ભારત અને અમેરિકા બન્નેમાં એકસાથે શૂટ થઈ છે. એક કપલ ઇન્ડિયામાં વસે છે, બીજું અમેરિકામાં. એક કપલ સંતાન માટે તરસી રહ્યું છે, જ્યારે બીજાને ટેન્શન છે કે પ્રોટેકશન રાખ્યા પછીય ક્યાંક પ્રેગનન્સી ન રહી જાય. બન્ને સ્ત્રીઓ પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા જાય છે. જે સંતાનને ઝંખે છે તે સ્ત્રીની ટેસ્ટનું રિઝહ્લટ પોઝિટિવ આવે છે, એે હરખથી રડી પડે છે, જ્યારે પ્રેગનન્સીથી બચવા માગતી સ્ત્રીનું રિઝલ્ટ નેગેટિવ આવતાં એના જીવને જબરી નિરાંત થાય છે. સિચ્યુએશન એકમેકથી સાવ વિરુદ્ધ છે, છતાંય બન્ને સ્ત્રીઓ પોતપોતાની રીતે ટોપ-ઓફ-ધ-વર્લ્ડ હોવાની લાગણી અનુભવે છે. વિષય મળતાં જ ભારતના શોર્ટ ફિહ્લમમેકરે ઝપાટાબંધ વિષય વિચારી નાખ્યો, અમેરિકા વસતા પોતાના દૃોસ્ત સાથે તે શેર કર્યો અને પછી બન્ને દૃેશોમાં સમાંતરે શૂિંટગ શરુ થઈ ગયું. બને એટલી ઝડપે અમેરિકાનું ફૂટેજ ઇન્ડિયા મોકલી આપવામાં આવ્યું, અહીં બન્ને હિસ્સાઓને વ્યવસ્થિત રીતે એડિટ કરી, ફિલ્મને અંતિમ સ્વરુપ આપી પચાસમી કલાક પૂરી થાય તે પહેલાં જ ફિલ્મ અપલોડ કરી દૃેવામાં આવી!

મોબાઈલ કેટેગરીની એક ફિલ્મ મમાં એક મજૂર કક્ષાનો માણસ રોજ એક સડકછાપ વેશ્યાને જુએ છે. તેની સાથે સમય વિતાવી શકાય તે માટે તે રોજ થોડા થોડા પૈસા બચાવે છે. આખરે પૂરતા પૈસા એકઠા થઈ જતાં એક રાત્રે એ વેશ્યાને સાઈકલ પર બેસાડીને પોતાની ખોલીમાં લાવે છે. એના માટે આ ટોપ-ઓફ-ધ-વર્લ્ડ ફીિંલગ છે! એક કયુટ દૃાદૃાજીને ગુલાબજાંબુ ગજબના ભાવે છે, પણ ડાયાબિટીસની તકલીફ હોવાથી ઘરના સભ્યોએ એમને ગુલાબજાંબુ તરફ જોવાનીય મનાઈ ફરમવી દૃીધી છે. એક દિૃવસ અચાનક એમની સામે કટોરીમાં ગુલાબજાંબુ પેશ કરવામાં આવે છે. પુત્રવધુ કહે છે: પપ્પા, આ શુગર-ફ્રી જાંબુ છે, તમતમારે બિન્દૃાસ ખાઓ. સસરાજીને જાણે જીવતેજીવ સ્વર્ગ મળી ગયું હોય એવો આનંદૃ થાય છે!

Ritam Bhatnagar


પ્રોફેશનલ કેટેગરીમાં ભલે સુપરનેચરલ થીમ ધરાવતી સાઉથ ઇન્ડિયન શોર્ટ ફિલ્મ વિજેતા ઘોષિત થઈ, પણ આ લખનાર સહિત સમગ્ર ઓડિયન્સનું દિૃલ જીતી લેનાર ફિલ્મ તો બીજા નંબરે આવેલી ‘ગોન વિથ ધ વિન્ડ છે. આ ફિલ્મ રાજકોટની ટીમે તૈયાર કરી છે. સાગર કાલરિયાએ ડિરેકટ કરેલી અને ભુમિલ સૂચકે શૂટ તથા એડિટ કરેલી આ ફિલ્મમાં પ્રેમિકાના લિપસ્ટીકના નિશાનવાળા ટિશ્યુ પેપરને બચાવવા માટે સમજોને કે પા ભાગના રાજકોટને આવરી લે એટલી લાંબી ચેઝ છે, ખડખડાટ હસવું આવે એવું હ્યુમર છે, મસ્તમજાનું જોશીલું ગીત છે અને કલાઈમેકસમાં ડ્રોન વડે લેવાયેલા અફલાતૂન શોટ્સ પણ છે! આપણને સહેજે થાય કે આ ટીમ જો માત્ર પચાસ જ કલાકમાં આટલું સુંદૃર પરિણામ લાવી શકતી હોય તો એમને જો પ્રોપર બજેટ અને પૂરતો સમય આપવામાં આવે તો તેઓ શું અચીવ ન કરી શકે? આનો જવાબ ટૂંક સમયમાં મળી જવાનો, કેમ કે આ જ  ટીમે ઓલરેડી ‘બાપ રે બાપ' નામની ફુલલેન્થ ગુજરાતી ફિચર ફિલ્મનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે. હાલ પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે.  
'ગોન વિથ ધ વિન્ડ'ની વિજેતા ટીમ સિઝન સિક્સના જ્યુરી મેમ્બર્સ સાથે (ઉપર); (નીચે) શોર્ટ ફિલ્મનું પોસ્ટર આઈએફપીની આગલી પાંચેય સિઝનની ફાઈનલ ગતિવિધિઓ અમદૃાવાદૃમાં થઈ હતી. આઈએફપીના સ્થાપક એટલે પ્રતિભાશાળી અને ઓછાબોલા રિતમ ભટનાગર, જેમણે ૨૦૧૧માં રુમમેટ્સ સાથે થયેલી ચર્ચા પછી એમ જ રમતરમતમાં પચાસ કલાકમાં શોર્ટ ફિલ્મ્સ બનાવવાની સ્પર્ધા તરતી મૂકી દૃીધી હતી. પહેલાં વર્ષે બધી ફિલ્મો અમદૃાવાદૃની પોળમાં જ શૂટ કરવાની હતી. ૧૧ શહેરોમાંથી આવેલા ઉત્સાહીઓએ કુલ ૮૬ શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. છ જ વર્ષમાં આ આંકડો વધીને ૨૦ દૃેશો અને ૧૨૦૦ શોર્ટ ફિલ્મ્સ પર પહોંચી ગયો છે. પહેલાં વર્ષે ઇવેન્ટનું બજેટ ફકત ૩૦ હજાર હતું, જ્યારે આ વખતનું બજેટ લગભગ એક-સવા કરોડને સ્પર્શી ગયું છે. રિતમના પેશન અને આઈએફપીની આ છ વર્ષની યાત્રા વર્ણવવા માટે અલાયદૃો લેખ કરવો પડે.

‘આપણામાંથી કેટલાય લોકોના મનમાં ક્યારેક તો એકાદૃી ફિલ્મ બનાવી નાખવાનો વિચાર જરુર આવી જતો હોય છે,'  રિતમ ભટનાગર કહે છે, ‘અમે આ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. શક્ય છે કે આ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હોય. બટ સો વોટ? ઉત્તમ અને નવા સ્ટોરીટેલર્સ આ જ રીતે બહાર આવવાના.'

આટલાં વર્ષોની તમામ વિજેતા ફિલ્મો આઈએફપીની વેબસાઈટ પર જોઈ શકાય છે. આવતા વર્ષની કોમ્પીટીશનમાં ભાગ લેવો હોય તો અત્યારથી તમારી ટીમ એકઠી કરવાની તજવીજ શરુ કરી દૃેજો!

0 0 0

Thursday, October 6, 2016

ટેક ઓફઃ ફેસ ટ્રાન્સપ્લાન્ટઃ ચહેરે પે ચહેરા

Sandesh - Ardh Saptahik Purti - Sept 21, 2016
ટેક ઓફ
એક ફ્રેન્ચ મહિલા બેહોશી પછી ભાનમાં આવીને જુએ છે કે એનાં હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ માત્ર માંસના લોચા બચ્યા છે, કેમ કે આ અંગો એના પાલતુ કૂતરાએ ચાવી નાખ્યાં હતાં! સ્ત્રીના ચહેરા પર કોઈ અન્ય મૃતક મહિલાનાે ચહેરો ફિટ કરવામાં આવે છે. પેશ છે, દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટની રોમાંચક કથા!

દુનિયાભરના અખબારો અને માધ્યમોમાં તાજેતરમાં એક નાની ન્યૂઝ આઈટમ છપાઈ હતીઃ દુનિયાનું સૌથી પહેલું ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી ફ્રેન્ચ મહિલા ઇસાબેલ ડિનોરીનું અવસાન. ટ્રાન્સપ્લાન્ટ કરેલો ચહેરો જળવાઈ રહે તે માટે એ જે ભારે દવા લઈ રહી હતી તેની આડઅસર રૂપે થયેલા કેન્સરથી એ મૃત્યુ પામી છે!
ફેસ ટ્રાન્સપ્લાન્ટ એટલે, સાદી ભાષામાં, એક માણસનો ચહેરો ઉખાડીને બીજા માણસના ધડ પર ફ્ટિ કરી દેવો! શંકર ભગવાને ક્રોધાવેશમાં પોતાના પુત્ર ગણેશનો શિરચ્છેદ કર્યા બાદ ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે હાથીનું માથું ગણેશના ધડ સાથે જોડી દીધું હતું. આને ફેસ ટ્રાન્સપ્લાન્ટનો આ સમગ્ર સૃષ્ટિનો સર્વપ્રથમ કેસ કહી શકાય! આટલાં વર્ષોમાં મેડિકલ સાયન્સે એટલો બધો વિકાસ કર્યો છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે સાંભળતી વખતે આપણને હવે ખાસ નવાઈ લાગતી નથી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ આજેય આપણા માટે એક કૌતુકભરી વસ્તુ છે. આજ સુધીમાં દુનિયામાં બહુ ઓછા ફેસ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો થયા છે. હોલિવૂડની સાયન્સ ફ્કિશન થ્રિલર ‘ફેસ ઓફ્’માં ફેસ ટ્રાન્સપ્લાન્ટના વિષયને રોમાંચક રીતે બહેલાવવામાં આવ્યો હતો. તેમાં ચહેરાઓની અદલાબદલી થવાથી ગુંડો નિકોલસ કેજ, પોલીસ જોન ટ્રવોલ્ટા બની જાય છે અને પોલીસ જોન ટ્રવોલ્ટા, ગુંડો નિકોસલ કેજ બની જાય છે! અહીં કેવળ ચહેરા જ નહીં, આઇડેન્ટિટી ટ્રાન્સપ્લાન્ટની પણ વાત હતી.
આપણે જેની વાત માંડી છે એ ઈસાબેલ નહોતી ચોર કે નહોતી પોલીસ. એ બાપડી સીધીસાદી ડિવોર્સી મહિલા હતી, જે ઉત્તર ફ્રાન્સના એક નગરમાં બે દીકરીઓ અને લાબ્રાડોર બ્રાન્ડના કૂતરા સાથે રહેતી હતી. આર્થિક હાલત જરાય હરખાવા જેવી નહીં. એ કાપડ વેચવાનું કામ કરતી ને વચ્ચે વચ્ચે બેકારી પણ ભોગવી લેતી. એક તો પર્સનલ લાઈફ્માં સ્થિરતા નહીં. ઉપરથી આર્થિક ભીંસ. ઇસાબેલ ડિપ્રેશનનો ભોગ બની ગઈ. એના દિમાગમાં પેદા થયેલા કેમિકલ લોચા અંકુશ હેઠળ રહે તે માટે સાઈકિઆટ્રિસ્ટે એને કેટલીક દવાઓ લખી આપી હતી.
ઇસાબેલને ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર કેમ પડી? ૨૦૦૫ની આ વાત છે. ૩૮ વર્ષની ઇસાબેલ અને તેની દીકરીઓ વચ્ચે કોઈક વાતે રમખાણ ફટી નીકળ્યું. ઓલરેડી તીવ્ર ડિપ્રેશન અનુભવતી રહેલી ઇસાબેલે તે રાત્રે ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી. તંદ્રાવસ્થામાં એ સંતુલન ગુમાવીને ધડામ કરતી પડી. કશીક વસ્તુ એના ચહેરા પર જોરથી અથડાઈ ને એ બેભાન થઈ ગઈ. બીજા દિવસે સવારે કૂતરો આદત મુજબ રૂમમાં આવ્યો ત્યારે એણે ઇસાબેલને વિચિત્ર રીતે નીચે પડી હતી. કૂતરાએ રોજની જેમ એને જગાડવાની કોશિશ કરી. ઇસબેલા તરફ્થી કોઈ પ્રતિક્રિયા ન આવી. કૂતરાએ એના ચહેરા પર જીભ ફેરવવા માંડી. હજુય કોઈ પ્રતિક્રિયા ન મળી એટલે ઘાંઘો થયેલો કૂતરો ઇસાબેલાને જગાડવાની લાહૃામાં એના ચહેરાને વધારે ને વધારે જોરથી ચાટવા ને ચૂંથવા લાગ્યો. શકય છે કે ઇસાબેલાના ચહેરા પર બાઝેલું લોહી કૂતરાના પેટમાં ગયું હોય. કૂતરો આખરે તો માંસાહારી પ્રાણી જને. એ ક્રમશઃ વધુ ને વધુ આક્રમક બનતો ગયો. એણે ઇસાબેલાના આખેઆખા હોઠ, ગાલ, નાક અને હડપચી બહુ જ ગંદી રીતે કરડી ખાધા!

બીજા દિવસે સવારે ઇસાબેલ ભાનમાં આવી. દવાની અસર હતી અથવા ચહેરો બધિર થઈ ગયો હતો, પણ ઉઠતાવેંત ઇસાબેલને પીડા ન થઈ. એણે ઉઠતાવેંત આદત મુજબ અધખૂલી આંખે સૌથી પહેલું કામ બાજુમાં પડેલા સિગારેટનું પાકિટ અને લાઈટર હાથમાં લઈને સિગારેટ સળગાવાનું કર્યું. સિગારેટ મોંમાં મૂકવાની કોશિશ કરી, પણ સિગારેટ પડી ગઈ. એનું ધ્યાન બાજુમાં ભરાયેલા લોહીના ખોબોચિયા પર પડયું. આખરે એને ભાન થયું કે એના ચહેરા પર હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ ફ્કત માંસના લોચા જ રહી ગયા છે!
ઘરમાં આટલું બધું થઈ ગયું ત્યાં સુધી દીકરીઓને કશી ખબર જ ન પડી. આખરે એમણે માને હોસ્પિટલભેગી કરી. કેસ એટલો ગંભીર હતો કે બે દિવસ પછી એને વધારે અદ્યતન એવી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીંના ફેસિયલ સર્જરી વિભાગના વડા ડો. બર્નાર્ડ ડેવશેલે ઇસાબેલની હાલત જોઈને ઝડપથી નક્કી કરી નાખ્યું કે આ કેસમાં ફેસ ટ્રાન્સપ્લાન્ટ કર્યા સિવાય છૂટકો નથી.
સૌથી પહેલાં તો, આ સર્જરી અત્યંત કઠિન પુરવાર થવાની હતી. બીજું, સર્જરી પછી શકય છે કે ઇસાબેલનું શરીર અન્ય કોઈ વ્યકિતના અંગો ન સ્વીકારે, તેને રિજેકટ કરી નાખે. આવું ન થાય તે માટે ઇસાબેલાએ આખી જિંદગી ખૂબ ભારે કહેવાય એવી દવા લેતા રહેવું પડે. આ દવાની સંભવિત આડઅસરો ખતરનાક હતી. ઇસાબેલ તેના માટે તૈયાર છે કે કેમ તે સૌથી પહેલાં જાણવું પડે. ઉપરાંત, નવા ચહેરાને લીધે એને માનસિક સ્તરે નવા કોમ્પ્લિકેશન્સનો સામનો કરવો પડે. શું ઇસાબેલમાં શારીરિક ઉપરાંત માનસિક પડકારો પણ ઝીલી શકવાની તાકાત હતી? આ નક્કી કરવા માટે એને સકાએટ્રિસ્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવી. જાતજાતના સાઈકોલોજિકલ ટેસ્ટ્સ લેવામાં આવ્યા. હાલત જરા ઠીક-ઠાક થઈ જતાં એને એના ઘરે મોકલી દેવામાં આવી. ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરવું કે નહીં તેનો અંતિમ નિવેડો આવવાનો હજુ બાકી હતો.
અચ્છા, પેલા વિલન કૂતરાનું પછી શું થયું? આટલો મોટો કાંડ કર્યા પછી તે ખુદ બીમાર પડી ગયો હતો એટલે એને શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવેલો. એ કોઈ વાઇરસનો ભોગ બની ગયો હતો, એને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ્ને લીધે ખૂબ પીડાઈ રહૃાો હતો. બે અઠવાડિયા પછી એના પર યુથનેશિયા કરવામાં આવ્યું એટલે કે તબીબો દ્વારા કાયદેસર રીતે તેનો જીવ લઈ લેવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ઇસાબેલાને આ વાતની ખબર પડી ત્યારે એ દુઃખી દુઃખી થઈ ગઈ હતી. પોતાનો ચહેરો ચાવી જનાર કૂતરા તરફ્ એના મનમાં કોઈ રોષ નહોતો. ઊલટાનું એ તો બધાને કહૃાા કરતી હતી કે આ તો એક એકિસડન્ટ હતો. એ થોડું જાણી જોઈને મારું મોઢું ખાઈ ગયેલો? એ મને ઉઠાડવા માગતો હતો ને હું કોઈ રિસ્પોન્સ નહોતી આપતી એટલે એ અગ્રેસિવ થઈ ગયો, એટલું જ! કૂતરો મરી ગયો પછી ઇસાબેલએ હોસ્પિટલના બિછાનાની બાજુમાં કૂતરાની તસવીર સુધ્ધાં રાખી હતી! આ બાજુ, ઇસાબેલના સંભવિત ફેસ ટ્રાન્સપ્લાન્ટની વાત મીડિયામાં આવવા લાગી ત્યારે શેલ્ટર હોમના સ્ટાફ્ને ખબર પડી આપણે જેનો જીવ લીધો એ જ કૂતરાએ ઇસાબેલની હાલત ખરાબ કરી નાખી હતી!

આખો દિવસ મોં પર માસ્ક બાંધી રાખતી ઇસાબેલ હિંમત કરીને અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી હતી, પણ કયારેક ઓચિંતા કાચ પર પોતાનું પ્રતિબિંબ દેખાઈ જતું તો એ છળી ઉઠતી. આથી ઘરની દીવાલો પરથી કાચની તમામ વસ્તુઓ ઉતારી લેવામાં આવી. ઇસાબેલએ વિચાર્યું કે આ રીતે મરી મરીને જીવવા કરતાં ફેસ ટ્રાન્સપ્લાન્ટનું જોખમ લેવામાં શું ખોટું. એ સર્જરી માટે તૈયાર થઈ ગઈ. એના સકાએટ્રિસ્ટે પણ લીલી ઝંડી દેખાડીને કહૃાું કે ઇસાબેલ હવે મનોવૈજ્ઞાાનિક સ્તરે આ પગલું ભરવા સજ્જ છે.
ઇસાબેલ તો રેડી હતી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ ડોનર પણ મળવી જોઈએને? ફ્રાન્સની હોસ્પિટલોમાં સંદેશો પ્રસરાવવામાં આવ્યો કે આ પ્રકારના કેસ માટે લાયક કેન્ડિડેટ મળે તો સત્વરે જાણ કરવી. બે-અઢી મહિને બાજુના ટાઉનની એક હોસ્પિટલમાંથી મેસેજ આવ્યોઃ અમારી પાસે મેરેલિન ઓબર્ટ નામની એક બ્રેઈન-ડેડ મહિલા છે. એણે ગળાફંસો ખાઈને આત્મહત્યા કરી છે. તમે ઇચ્છો તો ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે એનો ચહેરો વાપરી શકો છો. મૃતક મહિલાનો ફેટોગ્રાફ્ ઇમેઇલમાં મગાવવામાં આવ્યો. ઇસાબેલ સાથે આ મહિલાનો ચહેરો મેચ થતો હતો એટલે ડો. ડેવશેલે સહેજ પણ સમય બગાડયા વગર તાત્કાલિક ફેસ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની તૈયારી આરંભી દીધી.
૨૭ નવેમ્બર ૨૦૦૫ના રોજ સર્જરી થઈ. મૃતકના ચહેરા પરથી નાકના મૂળથી લઈને ગાલ, નાક અને હડપચી સહિતનો ત્રિકોણાકાર હિસ્સો ચીરી લઈ ઇસાબેલના ચહેરા પર જડી દેવામાં આવ્યો. ઓપરેશન લાગલગાટ પંદર કલાક ચાલ્યંુ. સર્જરી સફ્ળ થતા જ દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટના સમાચાર વાયુવેગે આખી દુનિયામાં ફ્રી વળ્યા. એક બાજુ મેડિકલ સાયન્સના આ અદ્ભુત અને અભૂતપૂર્વ ચમત્કારને વધાવી લેવામાં આવ્યો, તો બીજી બાજુ કન્ટ્રોવર્સી પેદા થઈ ગઈ. નીતિમત્તાના સવાલો ખડા થયા. ઇસાબેલ જેવી આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલી અને નાજુક માનસિક હાલત ધરાવતી મહિલા શી રીતે નક્કી કરી શકે કે ફેસ ટ્રાન્સપ્લાન્ટ જેવી જોખમી સર્જરી કરાવવી કે નહીં? અધૂરામાં પૂરું, તમે જે લેડીનો ચહેરો એના ધડ પર ચોંટાડયો છે એ પણ આપઘાત કરીને મૃત્યુ પામી હતી. આવી સ્ત્ર્રીનો ચહેરો ઈસાબેલ રોજ અરીસામાં જોશે તો એના મન પર કેવી અસર થશે? આ આખા મામલામાં કમર્શિયલ એંગલ પણ છુપાયેલો હતો. ફેસ ટ્રાન્સપ્લાન્ટની આખી વિધિની ડોકયુમેન્ટરી ફ્લ્મિ બનાવવાના અને સર્જરી પછીના ઇસાબેલની નવા ચહેરાવાળી તસવીરોના એકસકલુઝિવ રાઈટ્સ જુદી જુદી એજન્સીઓને તોતિંગ રકમ વસૂલ કરીને વેચવામાં આવ્યા હતા. કહેનારાઓનું કહેવું હતું કે આવા જીવન-મરણના મામલાને કમાણીનું સાધન ક્ેવી રીતે બનાવી શકાય?
ખેર, સર્જરી પછી ઇસાબેલ પોતાના નવા ચહેરા સાથે ધીમે ધીમે એડજસ્ટ થવા માંડી હતી. ક્રમશઃ સર્જરીના નિશાન ભૂંસાવા લાગ્યા. શરૂઆતમાં નવા ચહેરા પર કોઈ જાતની સંવેદવાઓ જાગતી નહોતી, પણ ઘીમે ધીમે સેન્સેશન્સ પેદા થવા માંડયા. એ ખાઈ શકતી, અસ્પષ્ટ સ્વરે બોલી શકતી, સ્માઈલ કરી શકતી, મોં મચકોડી શકતી. એને ફરિયાદ એક જ વાતની હતીઃ હું કોઈને કિસ કરું છું ત્યારે મને કશું ફ્ીલ થતું નથી!
વર્ષો વીતતા ગયા. ઇસાબેલનું શરીર બહારથી ફ્ટિ કરેલા અંગોને રિજેકટ ન કરી નાખે તે માટે જરૂરી ગણાતી દવા ખાતી રહી. આખરે જેનો ડર હતો એવું જ થયું. દવાની સાઈડ ઇફેકટ રૂપે ઇસાબેલના શરીરમાં કેન્સરના કોષો પેદા થયા. એને વારાફ્રતી બે કેન્સર થયા. ૨૨ એપ્રિલે એનું મૃત્યુ થયું. એનો પરિવાર પ્રાઇવસી ઇચ્છતો હતો તેથી વાત મૃત્યુ ગુપ્ત રાખવામાં આવ્યું. આખરે આ મહિનાના પ્રારંભમાં મીડિયા સમક્ષ ઇસાબેલના મોતની વાત જાહેર કરવામાં આવી.
ઈસાબેલ પાર્શિયલ કે ફુલ ફેસ ટ્રાન્સપ્લાન્ટના મામલામાં હંમેશ માટે એક મજબૂત રેફરન્સ પોઇન્ટ તરીક્ે યાદ રહેશે. આ આખી ક્થાનો સાર એક જ છેઃ ઘરમાં ઉત્સાહી કૂતરા હોય તો આપઘાતના પ્રયાસ ન કરવા!
0 0 0 

તમે રોજ ડાયરી લખો છો?

Sandesh - Ardh Saptahik Purti - Oct 5, 2016
ટેક ઓફ
'રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે.’

૧૯ એપ્રિલ, ૧૯૨૯
૩-૩૦ વાગે ઊઠયો. પ્રાર્થના પહેલાં ‘યંગ ઇન્ડિયા’ કર્યું. પાછું એનિમા (લીધા) પછી પણ કર્યું. છ વાગે કૂચ કરી નવ વાગે મુકામ કર્યો. ખાવાપીવા ઉપરાંતનો સમય ત્રણ વાગ્યા લગી ‘યંગ ઇન્ડિયા’ને આપ્યો. ત્રણ વાગે કાંત્યું અને કોઈ  સાધ્વી સાથે વાતો કરી. પાંચ વાગે કૂચ કરી. દસ વાગે મુકામે પહોંચ્યા. ટપાલ વાંચી પ્રાર્થના કરી. ૧૦-૪૫ વાગ્યા છે.
તાર ૨૧૭ કાંત્યા.
                                                              0 0 0 
૬ મે, ૧૯૨૯
રોજનીશી લખ્યા પછી રાત્રે પ્રાર્થના પછી નવ વાગ્યા સુધી લખ્યું. આજે (મધરાતે) સાડાત્રણ વાગે આંખ ખુલી પણ ઊંઘ હતી તેથી સૂતો રહૃાો. પરિણામે ૪-૨૦ વાગે આંખ ઊઘડી. પ્રાર્થના ઇત્યાદિ પછી કાગળો લખવા બેઠો. ‘નવજીવન’નું લખ્યું. ૧૧ વાગે ટપાલ રવાના કરી. પછી કાંત્યું ને કાંતતાં પ્રભાવતીના શ્લોક સાંભળ્યા. પછી સૂતો, ઊઠીને પાછા કાગળો લખ્યા. સાતવળેકરનો એકાદશીનો ઉપવાસનો નિબંધ પૂરો કર્યો.
૪-૩૦ વાગે ખાધું. પછી ટહેલ્યો. સાત વાગે પ્રાર્થના કરી. ૭-૧૫ વાગે મૌન ખોલ્યું ને તુરંત સભામાં ગયો. ત્યાંથી રવાના થયા. રસ્તામાં રૂ. ૧૦૦૦ એક હજાર ઉઘરાવી ૯ માઈલ દૂર ગોદાવરી તીરે મુસાફ્રી બંગલામાં ઊતર્યા.
હવે ૮-૫૦ થયા છે.
તાર ૨૨૫ કાંત્યા.
                                                   0 0 0 
આ ગાંધીજીના શબ્દો છે. ૧૯૨૮-‘૨૯ દરમિયાન આંધ્રપ્રદેશની યાત્રા દરમિયાન તેમણે પોતાની પર્સનલ ડાયરીમાં આ પ્રમાણે એન્ટ્રી કરી છે. પર્સનલ ડાયરી માટે ગાંધીજી રોજનીશી શબ્દ વાપરતા. તેમાં આખા દિવસમાં  શું બન્યું અને શું કર્યું તેના વિશે ટૂંકી નોંધ લખતા. લાંબાં લાંબાં વર્ણનો નહીં, પણ ફ્કત પોઈન્ટ્સ ટપકાવ્યા હોય તેવા સીધા ને સટ ઉલ્લેખો.
ત્રિદીપ સુહૃદે  ગાંધીજીની અંગત ડાયરીને કેન્દ્રમાં રાખીને ‘રોજનીશી’ નામના એક સુંદર પુસ્તકનું સંપાદન કર્યું છે. ગાંધીઆશ્રમના અંતેવાસી કુસુમબહેન હ. દેસાઈએ લખેલી ડાયરી અને નોંધોનો આધાર આ પુસ્તક તૈયાર કરતી વખતે લેવામાં આવ્યો છે. આ પુસ્તક્માં છપાયેલી સામગ્રીનો સમાવેશ ‘ગાંઘીજીનો અક્ષરદેહ’ના તોતિંગ સંગ્રહમાં થયો નથી. તે હિસાબે ૨૦૧૪માં છપાયેલું આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.

સંપાદક લખે છે, ‘ગાંઘીજી માટે રોજનીશી લલિતગદ્યનો સાહિત્યિક પ્રકાર નથી, (પણ) તેમાં કળાનો અભાવ છે તેમ માનવાની ભૂલ ન કરવી. રોજનીશી સત્યને સાક્ષી માનીને જાતનો હિસાબ આપવાની, રાખવાની મથામણ છે. સત્યને સાક્ષી રાખવું તેથી વિશેષ કોઈ કળા સંભવી ન શકે. સતત, નિરંતર જાગૃતિ એ ગાંધીજીની સત્ય સાધના અને સ્વરાજ સાધનાનું અભિન્ન અંગ છે. આ સાધનાનું એક સાધન તે રોજનીશી.’
આપણામાંથી ઘણાને ડાયરી લખવાની આદત હશે. કોઈએ કદાચ ભૂતકાળમાં રોજનીશી લખી હશે. ઘણા લોકો રોજેરોજ નહીં પણ મરજી પડે ત્યારે, કયારેક કયારેક, ખાસ કરીને મન વધુ પડતા સુખ કે વધુ પડતી પીડાથી છલકાઈ રહૃાું હોય ત્યારે ડાયરી પાસે જાય છે. ડાયરીમાં મન ઠાલવી દેવાથી હળવાફ્ુલ થઈ જવાય છે તે હકીકત છે. ડાયરી આપણો  ઉત્તમોત્તમ અને સૌથી વિશ્વાસુ સાથી બની શકે છે તે પણ સત્ય છે. આમતેમ ઘુમરાતા વિચારો કાગળ પર ઊતરે ત્યારે ઘણી બઘી માનસિક સ્પષ્ટતાઓ થઈ જતી હોય છે. ધારો કે મૂંઝવણનો ઉકેલ ન મળે તો આપણને  એકઝેકટલી આ પ્રકારની ગૂંચવણ છે તે તો સ્પષ્ટ થઈ જ જાય છે.
જોકે ગાંઘીજીનો રોજનીશી લખવાનો અપ્રોચ સાવ જુદો છે. તેમના માટે ડાયરી એ આત્મપૃથક્કરણ કરવાની જગ્યા નથી. મનમાં જાગેલા તરંગો કે ‘બ્રાઈટ આઈડિયાઝ’ કે વિચારકણિકાઓ સાચવી રાખવા માટે તેઓ ડાયરીનો ઉપયોગ કરતા નથી. બીજાઓને કે ખુદને પ્રભાવિત કરી નાખવાનો ઉદ્દેશ તો ભૂલેચૂકે પણ નથી. ગાંઘીજીની રોજનીશી એટલે બિલકુલ મેટર-ઓફ્-ફેકટ લખાણ. જાણે હિસાબકિતાબની ચોપડી જોઈ લો. ‘આજે શાકભાજીમાં ૧૫૦ રૂપિયા ખર્ચ્યા, ૮૦૦ રૂપિયાનું દૂધવાળાનું બિલ ભર્યું, ઓફ્સિમાં મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી’ –  બસ, લગભગ આવા જ ઢાળમાં દિવસભર જે કામ કર્યું હોય તેવી નોંધો ગાંધીજી લખી છે. રમણીકલાલ મોદી નામના આશ્રમવાસીને ગાંધીજીએ એક પત્રમાં કહેલું:
‘સારી રોજનીશી રાખવી એમાં તો કળા છે અને રાખનારને તથા આશ્રમને એમાંથી ઘણું મળી રહે છે. (રોજનીશીમાં) થોડા શબ્દોમાં મનુષ્ય પોતાની દિનચર્યા આપી શકે અને પોતે કરેલા કામનું ટૂંકુ વર્ણન કરી શકે.’
અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ દરેક ચળવળકાર અને સ્વરાજવાદીને રોજનીશી રાખવાનું સૂચન કર્યું હતું. તેમણે કહેલું:
‘જે વેપારી હમેશનો હિસાબ કાઢયા વિના સૂએ તે કોઈ દહાડે દેવાળું કાઢે. જે પ્રભુ પ્રાર્થના વિના, સંધ્યા સ્નાનાદિ વિના દહાડો ગાળે તે પ્રભુનો ચોર બને અને આત્માને ઓળખતાં જ ન શીખે. (તેથી) જે સ્વરાજવાદી સ્વરાજ્ય લેવાનો રસ્તો અસહકાર છે એમ સમજે છે તે હંમેશાં હિસાબ કરે.’
શાનો હિસાબ? પોતાના પ્રયત્નોમાં કોઈ ઊણપ તો રહી નથી ગઈ ને તે બાબતે સતત જાગૃતિ રાખવાનો હિસાબ. રોજનીશી માટે ગાંધીજીએ ‘ચોકીદાર’ શબ્દ વાપર્યો છે. અંગત ડાયરીને આપણે એક પ્રકારનો સીસીટીવી કેમેરા સમજી લેવો જોઈએ, જે આપણા પર સતત તકાયેલો રહે છે. દિવસના અંતે આપણે તેની પાસે જવાનું છે અને રિવાઈન્ડ કરીને આખા દિવસમાં મેં શું કર્યું ને શું ન કર્યું તે તટસ્થપણે જોવાનું છે. ગાંઘીજીએ એક વાર પોતાના ભત્રીજા નારણદાસ ગાંધીને પત્રમાં લખ્યું હતું:
‘રોજનીશીનો વિચાર કરતાં જોઉં છું કે મારે સારું તો એ અમૂલ્ય વસ્તુ થઈ પડી છે. જે સત્યને આરાધે છે તેને સારું તો તે ચોકીદાર થઈ પડે છે. કેમ કે તેમાં સત્ય જ લખવું છે. આળસ કરી હોય તો તે લખ્યે છૂટકો. કામ ઓછું કર્યું હોય તો લખ્યે છૂટકો. આમ તે અનેક રીતે મદદગાર  થઈ પડે છે. તેથી સહુ તેની કિંમત સમજે તે આવશ્યક છે. તે નિયમિત શરૂ કર્યા પછી આપણને પોતાની મેળે સૂઝે છે કે શું ને કેવી રીતે લખવું. હા, એક શરત છે. આપણે સાચા થવું છે. જો તે ન હોય તો રોજનીશી ખોટા સિક્કા જેવી થઈ પડે છે. જો તેમાં સાચું જ હોય તો સોનાની મહોરથી કીમતી છે.’

ડાયરીમાં રોજેરોજ એકની એક વસ્તુ લખવાનો કંટાળો ન આવે? સવારે આટલા વાગે ઊઠયો, ચા-નાસ્તો પતાવી ઓફ્સિ કે દુકાન કે કોલેજ ગયો, ફ્લાણાં ફ્લાણાં કામ કર્યાં, સાંજે ઘરે આવી ઘરના સભ્યો સાથે વાતો કરતાં કરતાં જમ્યો ને પછી ટીવી જોઈને સૂઈ ગયો – જો રોજનીશીમાં આવી બધું યાંત્રિકપણે લખવાનું હોય તો એનો મતલબ શો છે? ગાંધીજી પાસે આનોય જવાબ છે. કાશીનાથ ત્રિવેદી નામના અંતેવાસીને તેમણે એક પત્રમાં લખેલું:
‘રોજનીશીમાં ભલે ને એ જ વસ્તુ રોજ આવે, એ તેની મહત્તા છે જો તે શુદ્ધ હોય તો. જેનું જીવન સૂર્યમંડળની જેમ ચાલે છે એવું જે પુરુષ નોંધી શકે તેને ધન્ય છે.’
અલબત્ત, ભૌતિક ક્રિયાઓ સિવાયની વાતો રોજનીશીમાં અવશ્ય નોંધાવી જોઈએ. વાત આખરે તો આત્મશુદ્ધિની, ખુદને વધારે સારા બનાવવાની છે. ગાંધીજી એક જગ્યાએ લખે છેઃ
‘રોજનીશીમાં દરેક પ્રકારનું કામ લખવાની આવશ્યકતા છે એમ મને લાગે છે, પણ આઠ કલાક ઉપરાંતનું અથવા સામાજિક કાર્ય બહારનું ન લખવા ઇચ્છે તો તેને ફ્રજ ન પડાય. પણ એવા માણસને વિશે હું એમ કહું કે, એેને વિચાર પણ કરતાં નથી આવડતા.’
ડાયરી લખતી વખતે ઘણી વાર આપણે ખુદને ધીબડવા લાગતા હોઈએ છીએ. હું કેટલો પાપી કે નાલાયક કે કમનસીબ છું એવા બખાળા કાઢવા બેસી જતા હોઈએ છીએ. આનાથી ઊલટું, હું કેટલો મહાન, અસાધારણ અને સ્પેશિયલ છું એ પ્રકારના આત્મપ્રશસ્તિના પૂર પણ કયારેક ડાયરી લખતાં લખતાં વહાવી દેતા હોઈએ છીએ. ગાંધીજી કહે છે કે રોજનીશી જીવનના રંગ, મનોભાવની નોંધ માટે નથી. રોજનીશીમાં કોઈની ટીકા કરવી નહીં. પોતાની જાતની પણ નહીં અને બીજાઓની તો બિલકુલ નહીં. અમુક વસ્તુ કરવામાં હું ગાફેલ રહૃાો તેની માત્ર નોંધ લઈ લઈએ એટલંુ પૂરતું છે. ડાયરી એટલે આમ તો ખુદના વ્યકિતત્વમાં ક્રમિકપણે આવેલાં પરિવર્તનોનો આલેખ, પણ જો રોજનીશી લખનારને આ પરિવર્તન કળાતું ન હોય તો? ગાંધીજી કહે છે કે રોજનીશીનું મુખ્ય કામ સાક્ષીપણાનું છે. આથી જ્યાં સુધી સત્યને સાક્ષી રાખવું હોય ત્યાં સુધી રોજનીશી રાખવી જરૂરી છે. ગાંધીજી એક પૃચ્છાના ઉત્તરમાં કહે છેઃ
‘રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે. કેમ કે તે આપણા દોષની સાક્ષી રૂપે રહેશે. તેમાં (આપણે) કરેલા દોષની નોંધ આવવી જ જોઈએ. તેના પર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર હોય જ. ‘આજે ‘ક’ને છેતર્યાે’, આટલો ઉલ્લેખ બસ છે. ‘આ બહુ ખોટું થયું’, ‘રે મન, હવે એમ ન કરવુ’ વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાની સ્તુતિના વચન લખવાના હોય જ નહીં. કરેલા કામની ને કરેલા દોષોની નોંધ રોજનીશીમાં લેવી ઘટે.’
૧૭ માર્ચ ૧૯૩૦ના રોજ સાથી યાત્રીઓ સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહેલું:
‘આપણી તો આ ધર્મયાત્રા છે અને ધર્મયાત્રામાં આપણી એકપણ ક્ષણ નકામી ન જવી જોઈએ… દરરોજ કેટલું (રૂ) કાંત્યું તેનો હિસાબ રાખવો, પ્રાર્થનાનો સમય જાળવવો એ બધું મેં યરવડા જેલમાં બેઠાં બેઠાં વિચારી લીધું. આપણાથી દિવસમાં એકપણ કાર્ય એવું ન થાય જેથી આપણને શરમાવું પડે – અને એ પ્રતિક્ષણ આત્મશુદ્ધિ અને આત્મપરીક્ષણમાં ન જતી હોય ત્યાં સુધી શી રીતે થાય? એથી જ રોજનીશી એ આપણા જીવનમાં એક આવશ્યક અંગ છે.’
પરફેકટ! તો હવે તમે કયારથી રોજેરોજ, નિયમિતપણે ડાયરી લખવાનું શરૂ કરો છો, કહો તો?
0 0 0 

Saturday, October 1, 2016

'રોંગસાઈડ રાજુ' - A Facebook Post


(A Facebook post, sometime in October)


'રોંગસાઈડ રાજુ' વિશે ભારોભાર ઉત્કંઠા હોવા છતાં ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈમાં ગોઠવાયેલાં ત્રણ પૈકીના એકેય સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જઈ શકાયું નહોતું. મનમાં હતું હતું કશો વાંધો નહીં, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ખેલ પાડી દઈશું. ઈન્સિડન્ટ્લી ફર્સ્ટ અને સેકન્ડ ડે પણ કોરા ગયા. આખરે રવિવારે બપોરે સપરિવાર ફિલ્મ જોઈ ત્યાં સુધીમાં ફેસબુક પર ફિલ્મના રિવ્યુઝનો મહાસાગર ઊછળી ચુક્યો હતો. કશો વાંધો નહીં. મોડા તો મોડા, આ રહી 'રોંગસાઈડ રાજુ' માટેની મારી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા હં, રિવ્યુ નહીં.
તમે ઓફિશિયલ રિવ્યુઅર હો એટલે ફિલ્મ જોતી વખતે અને રિવ્યુ લખતી વખતે તટસ્થતાની હેલ્મેટ પહેરી લેવી પડે અને કોણ જાણે કેટલી જાતના માપલા ને કાટલા ને સરખામણીનો ડેટા ને રેફરન્સીસનો આખો કોથળો માથા પર ઊંચકી રાખવો પડે. મોટા ભાગના કેસમાં આ જરૂરી હોય છે. વર્ષો સુધી રિવ્યુઝ લખ્યા છે એટલે આ વાત સારી રીતે સમજું છું. સાથે સાથે એવું પણ દઢપણે માનું છું કે દરેક ફિલ્મ પોતાનું આગવું વાતાવરણ, આગવી સેન્સિબિલિટી અને પર્સનલ હિસ્ટરી લઈને આવતી હોય છે. આ પરિબળોને પણ માન આપવાનું જ હોય. તમામ ફિલ્મોને બાંધેલા નિશ્ર્ચિત માપદંડોથી ન જ મપાય, એક જ જાતની લાકડીઓથી ન જ હંકારાય.
શાહરુખ ખાનની 'ફેન' જુઓ ત્યારે 'લે, એમાં શું? આવું બધું તો હોલિવૂડની ફલાણી ફિલ્મમાં આવી ગયું હતું' એવું વિચારીને રોમાંચની બાદબાકી થોડી જ કરી નખાય! સલમાન ખાનના સુંદર પફોર્મન્સવાળી મસ્તમજાની 'સુલતાન'ને સિલ્વેસ્ટર સ્ટેલોનની 'રોકી' સિરીઝની ફિલ્મો સાથે કે એ પ્રકારની બીજી કોઈ પણ વિદેશી ફિલ્મ સાથે સરખાવ-સરખાવ કરીએ તો લોકો આપણને ગાંડા ગણે. અફ કોર્સ, 'ફેન'માં બહુ બધા લોચા હતા જ, પણ શાહરુખે વર્ષો પછી આ ફિલ્મમાં જે પ્રકારનો અભિનય કર્યો છે તથા ફિલ્મના મેકર્સ જે પ્રકારની કમ્પ્યુટર-જનરેટેડ ઇફેક્ટ્સ અચીવ કરી શકયા છે તેને સેલિબ્રેટ કરવાની હોય. સલમાન જેવો નોન-એક્ટર 'બજરંગી ભાઈજાન' કે 'સુલતાન'માં સહેજ સારી એક્ટિંગ કરે તો એને વધાવી લેવાનો હોય. વાત અતિ ઉદાર થવાની નથી, વાત થોડુંક મળ્યું તો પણ ખુશ થઈ જવાની પણ નથી, વાત નીચું નિશાન તાકવાની તો બિલકુલ નથી, પણ પ્રત્યેક ફિલ્મને એના કરેક્ટ પર્સપેક્ટિવમાં જોવી જોઈએ, માણવી જોઈએ અને ઇવેલ્યુએટ કરવી જોઈએ.   
એમાંય આપણે જેને ન્યુ વેવ ગુજરાતી સિનેમા કહીએ છીએ તેની વાત કરતા હોઈએ ત્યારે તો ખાસ!
એક વૃદ્ધ માણસની કલ્પના કરો. લાચાર, અશક્ત, બીમાર, સાવ ખખડી ગયેલો, ચેતનાહીન, સત્ત્વહીન, મરવાના વાંકે જીવી રહેલો માણસ. એ ગમે તે ઘડીએ ઉકલી જાય તેમ છે. આ ડોસાબાપા એટલે થોડાં વર્ષો પહેલાંનું આપણું ગુજરાતી સિનેમા. અચાનક આ ડોસાબાપાની જગ્યાએ આપણે એક તંદુરસ્ત, ક્યુટ ક્યુટ,  જોતાં જ એને ઉંચકી લઈને એના ચરબીદાર ગાલ ખેંચવાનું મન થાય એવાં બાળકને જોઈએ છીએ. બચ્ચું હજુ તો ભાખોડિયાં ભરે છે, પણ એ છે એટલું બધું એનર્જેટિક કે વાત ન પૂછો. આ બાળક એટલે આપણે આજનું ગુજરાતી સિનેમા. બાળક ભલે ગમે તેટલું હૃષ્ટપુષ્ટ હોય, પણ એ હજુ બાળક જ છે. એને સંભાળની જરૂર છે. એ હજુ તો ચાલતાં માંડ શીખી રહ્યું છે. ચાલતાં ચાલતાં એ કેટલીય વાર પડશે, આખડશે. એનાં ગોઠણ છોલાશે. માંદું પડશે. કદાચ એને ક્યારેક હોસ્પિટલમાં એડમિટ પણ કરવું પડે, પણ ધીમે ધીમે બચ્ચું નક્કર ડગલાં માંડતાં શીખી જશે. પછી દોડવા માંડશે ને જોતજોતામાં એવી સ્પીડ પકડશે કે ઝાલ્યું ઝલાશે નહીં.
ગુજરાતી સિનેમાની સ્થિતિ અત્યારે એક્ઝેક્ટલી આ ભાખોડિયાં ભરતાં બાળક જેવી છે. એનામાં ખૂબ એર્નજી છે, એ ચીસાચીસ કરે છે, શોરબકોર કરે છે ને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચાય તે માટે પ્રયત્નો કરે છે. આ એની બાળસહજ સ્વાભાવિકતા છે. બચ્ચાં આમ જ કરે. એ આમ જ મોટું થાય. ગુજરાતી પ્રજા તરીકે (જેમાં ગુજરાતી મિડીયા પણ આવી ગયું) આપણે સતત યાદ રાખવાનું છે આ બઢતા બચ્ચાને અટેન્શનની, કેરની અને વહાલની જરૂર છે. આ એટિટ્યુડ ખૂબ જરૂરી છે.  
- અને હા, 'ધ રોડ રોડ' જેવી તદ્દન ઘટિયા અને બેઈમાન ગુજરાતી ફિલ્મ બને ત્યારે બઘું જ ભુલી જઈને તેને બરાબરની ધીબેડવી પણ જોઈએ. આપણે આ કામ પણ કર્યું જ છે.  
લો, બોલો. મૂળ વાત તો સાઈડમાં રહી ગઈ. આપણે વાત માંડી હતી 'રોંગસાઈડ રાજુ'ની. સરસ ફિલ્મ છે આ. ગુજરાતી પડદા પર આવી સ્ટોરી, આવાં કિરદાર, આવી ટ્રીટમેન્ટ, આવાં પર્ફોર્મન્સીસ આપણે તો પહેલી વાર જોયાં. ઇન ફેક્ટ, કેટલા બધા સર્વપ્રથમ જોડાયેલા છે આ ફિલ્મ સાથે. 'ક્વીન' જેવી લેન્ડમાર્ક ફિલ્મ બનાવી ચુકેલા અને અનુરાગ કશ્યપ-વિક્રમાદિત્ય મોટવણે-વિકાસ બહલ જેવા હિન્દી સિનેમાના સુપર ટેલેન્ટેડ ફિલ્મમેકરોએ ઊભા કરેલા ફેન્ટમ બેનરનું ગુજરાતી સિનેમા સાથે જોડાવું એ જ સૌથી પહેલાં તો બહુ વજનદાર વાત છે. અરિજિત સિંહ જેવા સુપર સિંગરે પહેલી વાર કોઈ ગુજરાતી ગીત ગાયું. પહેલી વાર કોઈ ગોરી કન્યા ગુજરાતી ફિલ્મની હિરોઈન બની.
'રોંગસાઈડ રાજુ' ઈમાનદારી સાથે બનાવવામાં આવેલી ફિલ્મ છે. ક્યાંય બિનજરૂરી કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યા નથી. કારણ વગર કશુંય ઘુસાડવામાં આવ્યું નથી. નીરેન ભટ્ટ અને સાથી લેખકોએ સરસ ગૂંથણી કરી છે. આ બોલિવૂડના કેરિકેચર જેવી, હિન્દી ફિલ્મની મિમિક્રી જેવી wannabe ફિલ્મ જરાય નથી. 'રોંગસાઈડ રાજુ'માં બોલિવૂડના પ્રોડ્યુસરો, સંગીતકાર, ગાયકો, સિનેમેટોગ્રાફર ઉપરાંત ઇમ્પોટેર્ડ હિરોઈન ઇન્વોલ્વ્ડ હોવા છતાં ફિલ્મે તેણે પોતાનું ગુજરાતીપણું, પોતાની ગુજરાતી આઇડેન્ટિટી અકબંધ રાખી છે. આ ફિલ્મે ન્યુ વેવ ગુજરાતી સિનેમાને નવી ઉર્જા, નવી ગતિ અને નવાં પરિમાણો આપી દીધાં છે એ વાત તો નક્કી.  
પ્રતીક ગાંધીએ, મારા બક્ષીબાબુએ મસ્ત કામ કર્યું છે રાજુના પાત્રમાં. (પ્રતીકની વાત આવે એટલે 'હું, ચંદ્રકાંત બક્ષી...' નાટકનો ઉલ્લેખ હું કરીશ જ, ઓકે? પછી ભલે અમારા આ નાટકના પ્લગિંગ જેવું લાગે! LOLz...) પ્રતીક ગાંધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમા બન્નેમાં સમાંતરે અને સાથે સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે એ કેટલી સરસ વાત છે. સ્ટેજ અને સિનેમા બન્નેમાં એકસાથે ગ્રો થઈ રહ્યો હોય એવા બીજો કોઈ એક્ટર મને તો યાદ નથી આવતો. ઘણો ફર્ક હોય છે સ્ટેજ પર અને કેમેરા સામે એક્ટિંગ કરવામાં. પ્રતીક ઇન્સટિંક્ટીવલી આ ફર્કને પામી શકે છે અને માધ્યમ અનુસાર પોતાના પર્ફોર્મન્સને કેલિબ્રેટ કરી શકે છે. આ એની અદાકાર તરીકેની તાકાત છે. 'રોંગસાઈડ રાજુ'માં પ્રતીકના સાયલન્ટ શોટ્સ જોજો. કશું જ બોલ્યા વિના માત્ર આંખોથી અને ચહેરાની રેખાઓથી એ કેટલું બધું વ્યક્ત કરે છે.
ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ તો મારા હિસાબે જયેશ મોરે છે. ઓહ, એબ્સોલ્યુટલી. તગડી શક્યતાઓ જોઈ શકાય છે મૂળ રંગભૂમિના આ દમદાર એક્ટરમાં.       
ઓકે, 'રોંગસાઈડ રાજુ'માં મને ક્યાં કચાશ લાગી? આ એક સારી ફિલ્મ છે, નો ડાઉટ, પણ તે કંઈ પરફેક્ટ ફિલ્મ નથી. સૌથી મોટી સમસ્યા પેસિંગની છે. આ એક થ્રિલર છે અને થ્રિલરમાં એક પછી એક ઘટના એટલી સટ-સટ-સટ કરતી બનતી રહેવી જોઈએ, નવાં નવાં ટિવસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતાં રહેવાં જોઈએ કે પ્રેક્ષકને બીજું કશું વિચારવાનો સમય જ ન મળે. 'રોંગસાઈડ રાજુ' આ અચીવ કરી શકતી નથી. એક થ્રિલર હોવાના નાતે ફિલ્મ બહુ ધીમી છે જે એક ગંભીર માઈનસ પોઈન્ટ ગણાય. રાજુ અને ગોરી હિરોઈનનો લવ-ટ્રેક પૂરો ડેવલપ થયો નથી. ફિલ્મ જોતી વખતે અને જોયા પછી એવી ફીલિંગ થતી રહે કે આ ફિલ્મ ઘણી વધારે ધારદાર, વધારે ચુસ્ત અને સમગ્રપણે બહેતર ફિલ્મ બની શકી હોત.


'રોંગસાઈડ રાજુ' ગુજરાતી સિનેમાને ચાર ડગલાં આગળ ગઈ છે અને કેટલાંય નવા દરવાજા ઊઘાડી આપ્યા છે તે વાત સાચી, પણ સ્ટ્રિક્ટલી એક પ્રેક્ષક તરીકે કહું તો, મને આજેય 'રોંગસાઈડ રાજુ' કરતાં
'બે યાર' ચઢિયાતી ફિલ્મ લાગે છે. (અભિષેક, એક્સેપ્ટ ઇટ.) 'બે યાર' એટલી ફર્સ્ટક્લાસ ફિલ્મ હતી કે એને ગ્રેસના માર્કસની કે જાતજાતના ખુલાસાની કે કૃપાદષ્ટિની યાચના કરવાની સહેજ પણ જરુર નહોતી. મને યાદ નથી કે 'બે યાર' જોતી વખતે હું પડદા પર સર્જાયેલી દુનિયામાંથી એક મિનિટ માટે પણ બહાર આવ્યો હોઉં. 'રોંગસાઈડ રાજુ' જોતી વખતે ડિસ-એન્ગેજ થઈ ગયો હોઉં એવી ક્ષણો આવી હતી.  
ઓલ સેઈડ એન્ડ ડન, શું 'રોંગસાઈડ રાજુ' જોવી જોઈએ (તમે ઓલરેડી જોઈ ન લીધી હોય તો)? અફકોર્સ જોવી જોઈએ.  શું આ એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે? અફકોર્સ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે.

ન્યુ વેવ ગુજરાતી સિનેમા નામનો પુત્ર હાલ પારણામાં ઝુલે છે. આ પુત્રનાં લક્ષણો જોઈને આપણને ખાતરી થાય છે કે આગળ જતા નક્કી યે બાબલા બડા નામ કરેગા ઔર બેટા ડેફિનેટલી બડા કામ કરેગા. આ વેવલી સેન્ટીમેન્ટાલિટી કે વિશફુલ થિંકિંગ નથી. આ હકીકત છે. આવતા પાંચ-દસ-પંદર વર્ષમાં ગુજરાતી ફિલ્મોદ્યોગ સાચા અર્થમાં ઈન્ડસ્ટ્રી બનીને ધમધમવાની છે ને આપણી છાતી ગજ ગજ ફુલે એવી ફિલ્મો પેદા કરવાની છે. તમે લખી રાખો!