Wednesday, November 27, 2019

મને જૂની લડાઈઓમાં નહીં, નવાં યુદ્ધોમાં રસ છે!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 27 Nov 2019 બુધવાર 
ટેક ઓફ 
'નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.

પણે હજુ ભારતીય કુળના સુપર સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર)ની વાત માંડી જ હતી ત્યાં ઑર એક સરસ ન્યુઝ આવ્યા છે. પ્રતિષ્ઠિત ફૉર્ચ્યુન મૅગેઝિને માઇક્રોસોફ્ટના હૈદરાબાદી સીઇઓ સત્યા નડેલાને બિઝનેસપર્સન ઑફ ધ યર 2019 ઘોષિત કર્યા છે. થોડા દિવસો પહેલાં હાર્વર્ડ બિઝનેસ રિવ્યુએ વર્લ્ડક્લાસ કંપનીઓ ચલાવતા દુનિયાના સો સર્વશ્રેષ્ઠ સીઈઓની સૂચિ બહાર પાડી હતી, જેમાં ત્રણ નૉન રેસિડન્ટ ઇન્ડિયન્સ ટૉપ-ટેનમાં સ્થાન પામ્યા છે -   અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). અજય બંગાના સક્સેસ ફન્ડા વિશે આપણે ગયા બુધવારે વિગતે વાત કરી હતી. આજે બાકીના બે સીઈઓનો વારો.
કમ્પ્યુટર સાથે પનારો પડતો હશે તે વાચકો ફોટોશોપ સોફ્ટવેર અને પીડીઓફ ફાઇલથી સારી રીતે પરિચિત હોવાના. આ બન્ને અડોબી કંપનીની પ્રોડક્ટ્સ છે. આ સિવાય ઇલસ્ટ્રેટર, પેજમેકર, ઇનડિઝાઇન, પ્રીમિયર પ્રો જેવાં અડોબી કંપનીનાં બીજાં કેટલાંય સોફ્ટવેર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. 2007માં અડોબીના સીઇઓ બનેલા શાંતનુ નારાયણનો સૌથી મોટો સિદ્ધાંત આ છેઃ પ્રિઝર્વીંગ સ્ટેટસ કૉ ઇઝ નોટ અ વિનિંગ બિઝનેસ સ્ટ્રૅટેજી. આનો અર્થ છે, જે છે, જેટલું છે એટલું સાચવીને બેસી રહેવાથી જંગ જીતી શકાશે નહીં. સમયની સાથે બદલાવ તો લાવવો જ પડે.
શાંતનુ સીઈઓ બન્યા તે પહેલાં પણ અડોબી કંપની ફોટોશોપ, પેજમેકર જેવા સોફ્ટવેર વેચતી જ હતી. એક વાર ગ્રાહકને સોફ્ટવેરનું બૉક્સ વેચીને પછી ભૂલી જવાનું. માત્ર અડોબી જ નહીં, સોફ્ટવેર બનાવતી તમામ કંપનીઓ આમ જ કરતી હતી. અડોબીના વડા બન્યા પછી શાંતનુએ નિર્ણય લીધો કે આપણે પ્રોડક્ટ્સ નહીં, પણ સબસ્ક્રિપ્શન (લવાજમ) વેચીશું. ગ્રાહકો લવાજમ ભરે એટલે અમુક સમયગાળા માટે જ તેઓ આપણા ફોટોશોપ અને અન્ય સોફ્ટવેર વાપરી શકે. આપણે ગ્રાહકો સાથે સતત રિમોટલી જોડાયેલા રહેવાનું. સમયમર્યાદા પૂરી થાય એટલે ગ્રાહકો નવેસરથી લવાજમ ભરવું પડે. લવાજમ ન ભરે તો તેઓ સોફ્ટવેર ન વાપરી શકે.

અગાઉ આવું કોઈએ ક્યારેય કર્યું નહોતું. સોફ્ટવેર્સનાં વેચાણની આખેઆખી સ્ટ્રૅટેજીને ધરમૂળથી બદલી નાખવામાં ખૂબ મોટું જોખમ હતું, પણ શાંતનુએ પોતાની ટીમને કન્વિન્સ કરી. નિર્ણય અમલમાં મૂકાયો. અડોબીએ દાખલ કરેલું આ સબસ્ક્રિપ્શન મૉડલ એટલું બધું સફળ નીવડ્યું કે સોફ્ટવેરની દુનિયા ખળભળી ગઈ. ડિજિટલ માર્કેટિંગની આખી નવી બજાર ખૂલી ગઈ. માઇક્રોસોફ્ટ જેવી આઇટી સેક્ટરની જાયન્ટ કંપનીએ સુધ્ધાં આ મોડલ અપનાવવું પડ્યું. શાંતનુએ વર્ષો પહેલાં ભવિષ્ય ભાખેલું કે આવનારો સમય ડિજિટલ માર્કેટિંગનો હશે. એમની ભવિષ્યવાણી યથાતથ સાચી પડી છે.
શાંતનુ નારાયણ ડિસેમ્બર 2007માં અડોબીના સીઈઓ બન્યા તે પછી કંપનીના શેરમાં 600 ટકા ઉછાળો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 24 બિલિયન ડૉલર હતું. શાંતનુએ સંચાલન સંભાળ્યું પછી આ આંકડો વધીને 125 બિલિયન ડૉલર (8960 અબજ રૂપિયા)ને સ્પર્શી ગયો છે.
શાંતનુ નાના હતા ત્યારથી એમનામાં પાર વગરની કુતૂહલવૃત્તિ હતી. તેમની ઇચ્છા પત્રકાર બનવાની હતી. તેઓ જોકે બન્યા એન્જીનિયર, પણ એમની કુતૂહલવૃત્તિ આજ સુધી યથાવત્ રહી છે. તેઓ કહે છે, અમે તો છીએ જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના બિઝનેસમાં. ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી (બૌદ્ધિક ઉત્સુકતા)ને, નવા પ્રયોગોને અને અખતરાઓને અમે ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ. 
શાંતનુ નારાયણે ગયા વર્ષે લાસ વેગાસમાં અડોબી કંપનીના તેર હજાર કર્મચારીઓ માટે એક વિરાટ સંમેલન યોજ્યું હતું. તેમાં એમણે કહેલી એક વાત સોફ્ટવેર સિવાયની પ્રોડક્ટ્સને પણ લાગુ પડે તેવી છે. તેમણે કહ્યું હતું કે, એક જ પ્રકારની વસ્તુ જુદી જુદી કેટલીય કંપનીઓ બનાવતી હોય છે. આ બધી પ્રોડક્ટસની ગુણવત્તામાં કંઈ ઝાઝો ફર્ક હોતો નથી. આજે લોકો એક્સપિરીયન્સ ખરીદે છે, પ્રોડક્ટ નહીં. તમારી પ્રોડક્ટ વાપરતી વખતે ગ્રાહકને મજા આવવી જોઈએ. તેમને પ્રોડક્ટ વિશેની અમુક જ વિગતો યાદ રહેશે, પણ પ્રોડક્ટ વાપરવાનો અનુભવ તેઓ નહીં ભુલે. કોઈ પણ બ્રાન્ડ સાથે આ જ રીતે ગ્રાહકનું સંધાન થતું હોય છે. તમારી પ્રોડક્ટની ડિઝાઇન જેટલી ઉત્તમ હશે, ગ્રાહકનો અનુભવ એટલો જ સુખદ પૂરવાર થવાનો.
છેલ્લે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાની વાત કરીએ. દુનિયામાં જબરદસ્ત ટેકનોલોજીકલ ક્રાંતિ આણીને આપણા સૌની લાઇફસ્ટાઇલ પર તીવ્ર અસર પેદા કરનારી સૌથી મહત્ત્વની કંપનીઓમાં માઇક્રોસોફ્ટનું નામ મોખરે ગણાય. બિલ ગેટ્સ તો માઇક્રોસોફ્ટ સ્થાપના કરીને, કંપનીને ઊંચાઈ પર પહોંચાડીને સીઈઓના પદ પરથી 2000ની સાલમાં રિટાયર થઈ ગયા હતા. સ્ટીવ બમર નામના મહાશયને નવા સીઇઓ બનાવવામાં આવ્યા ને તે સાથે જ માઇક્રોસોફ્ટની અધોગતિ શરૂ થઈ. 2014માં જ્યારે સત્યા નડેલાને નવા સીઇઓ તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે કંપનીની અતિ વિચિત્ર અવસ્થામાં હતી. માઇક્રોસોફ્ટે નોકિયા કંપની સાથે કરેલું મોંઘુંદાટ જોડાણ નિષ્ફળ પૂરવાર થયું હતું. માઇક્રોસોફ્ટની ખુદની પ્રોડક્ટ વિન્ડોઝ-એઇટને સાવ ઠંડો આવકાર મળ્યો હતો. કંપનીના શેર ગગડીને ભયજનક સપાટીએ પહોંચી ગયા હતા. માઇક્રોસોફ્ટની આભા ઝાંખી પડી ગઈ હતી. ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં થયેલી નવી નવી કેટલીય લોકપ્રિય શોધો (સોશિયલ મીડિયા વગેરે)ની બસ માઇક્રોસોફ્ટ ચુકી ગયું હતું. આવી સ્થિતિમાં કંપનીના વડા બનવું કેટલું પડકારજનક હોવાનું તે સમજી શકાય છે.

સત્યાએ એક જગ્યાએ સરસ કહ્યું છે, મને જૂની લડાઈઓમાં રસ નથી. મારે નવાં યુદ્ધો લડવાં છે. સત્યાએ સીઈઓની પોસ્ટ સંભાળ્યા બાદ કેટલાક કપરા નિર્ણયો લીધા. સૌથી પહેલાં તો નોકિયા સાથેનું જોડાણ રદ કર્યું. જે બસ ચૂકાઈ ગઈ છે એની પાછળ દોડવાને બદલે ક્લાઉડ સર્વિસ  જેવા નવા ઊભરી રહેલા માર્કેટ તરફ નજર દોડાવી. ત્રણ વર્ષમાં જાણે જાદુ થયો. માઇક્રોસોફ્ટનો આર્થિક વિકાસ 84 ટકા જેટલો વધી ગયો. કંપનીના શેરનો ભાવ એટલો ઊંચકાઈને એવી સપાટીએ પહોંચ્યો જેટલો બિલ ગેટ્સ વખતે પણ નહોતો પહોંચ્યો. છેલ્લા આર્થિક વર્ષમાં માઇક્રોસોફ્ટે કરેલી ચોખ્ખી આવકનો આંકડો જ 39.2 બિલિયન ડોલર (2810 અબજ રૂપિયા) જેટલો છે. સત્યાના રાજમાં માઇક્રોસોફ્ટ બ્રાન્ડ માત્ર આળસ મરડીને માત્ર બેઠી નથી થઈ, બલકે, ધમધમાટ કરતી દોડવા લાગી છે. માઇક્રોસોફ્ટની મૂળ તાસીર નવી નવી ટેકનોલોજી શોધવાની છે. વચ્ચેનાં વર્ષોમાં કંપનીનો આ મિજાજ કોણ જાણે ક્યાંક દબાઈ ગયો હતો. કંપનીના વાતાવરણમાં એક પ્રકારનું બંધિયારપણું આવી ગયું હતું, અમલદારશાહી ચલણમાં આવી ગઈ હતી. સત્યાએ સીઈઓની ખુરસી પર બેસતાંની સાથે જ આ માહોલ બદલાઈને ગતિશીલ થવા માંડ્યો. સત્યાને માઇક્રોસોફ્ટના તારણહારનું બિરુદ અમસ્તું મળ્યું નથી.
સત્યા નડેલા એક જગ્યાએ કહે છે, વચ્ચેનાં વર્ષોમાં માઇકોસોફ્ટની છાપ એવી પડી ગઈ હતી કે જાણે અમને બધી ખબર છે. મેં કંપનીના આ નો-ઇટ-ઑલ માઇન્ડસેટને બદલીને લર્ન-ઇટ-ઑલકલ્ચર દાખલ કરવાની કોશિશ કરી. અમને બધું આવડે છે એમ નહીં, પણ અમારે બધું શીખવું છે, એમ.
કશુંક નવું શીખતા હોઈએ કે કરતાં હોઈએ ત્યારે નિષ્ફળ પણ જવું પડે. સત્યા કહે છે, નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.
સત્યાને વાંચનનો પુષ્કળ શોખ છે. નવું શીખવા માટે, નવી પ્રેરણાઓ મેળવવા માટે તેઓ પુસ્તકોને  પોતાની પ્રેરણાનો મુખ્ય સ્રોત ગણાવે છે. સત્યાની સફળતામાં ઇગો વગરના એમના સૌમ્ય સ્વભાવનો પણ મોટો ફાળો છે. સત્યાએ સ્વયં હિટ રિફ્રેશ નામનું સુંદર પુસ્તક લખ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયા ન હોય એવાં લોકોને પણ ખૂબ મજા પડે એવું આ પુસ્તક વાંચવા જેવું છે.
 0 0 0 

Saturday, November 23, 2019

‘હેલ્લારો’ પછી શું?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 Nov 2019
મલ્ટિપ્લેક્સ
'આગવાળા સીન પછી સ્ટંટ ડિરેક્ટરને વળગીને હું જે રડ્યો છું! આટલું બધું હું જિંદગીમાં અગાઉ એક જ વખત રડ્યો હતો - મારા ફાધરનાં મૃત્યુ વખતે.ફિલ્મના ભલે ગમે તેટલા વખાણ થતા હોય, પણ કોઈ પણ ફિલ્મમેકરને પોતાની કૃતિથી સોએ સો સંતોષ ન જ થાય, આજકાલ જે સૉલિડ ન્યુઝમાં છે એ હેલ્લારો ફિલ્મના ડિરેક્ટર અને કૉ-રાઇટર અભિષેક શાહ વાતચીતની શરૂઆત કરે છે, જો ફિલ્મમેકર પોતાની જ ફિલ્મના પ્રેમમાં પડીને માનવા લાગે કે પોતે અદભુત વસ્તુ બનાવી નાખી છે તો નક્કી એની થૉટ-પ્રોસેસમાં કશીક ગરબડ હોવાની!’

ભારતની તમામ ભાષાની બધ્ધેબધ્ધી ફિલ્મોને પાછળ રાખીને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ જીતી જનાર હેલ્લારોથી ઑડિયન્સ અતિ ખુશ છે. ફિલ્મને જે કક્ષાનો પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી હેલ્લારોની ટીમ અતિ અચંબિત છે, પણ ફિલ્મે જન્માવેલા તીવ્ર ઉન્માદ વચ્ચે અભિષેકે પોતાની સમતા આકર્ષક રીતે જાળવી રાખી છે. હેલ્લારોએ પહેલા વીકમાં કેટલો બિઝનેસ કર્યો? સંબંધિત ટીમ મેમ્બરને પાક્કી પૃચ્છા કરીને અભિષેક આંકડો ટાંકે છે, પાંચ કરોડ રૂપિયા.  

હેલ્લારો નખશિખ પરફેક્ટ ન હોવા છતાં ઉત્તમ ફિલ્મ છે. ફિલ્મનાં પાત્રોની ભાષા અને પહેરવેશ વિશે અભિષેક કહે છે, અમે ફિલ્મની ભાષા જાણી જોઈને નિર્ભેળ કચ્છી નહીં, પણ બધાને સમજાય એવી ગ્રામ્ય ગુજરાતી રાખી છે. નાયિકાઓએ આભલા કે ભરતગૂંથણવાળાં કપડાં શા માટે પહેર્યાં નથી તે સમજાવવા માટે તો આખેઆખો ફ્લેશબેક મૂક્યો છે. બિનજરૂરી વિવાદ ન થાય તે માટે અમે કોઈ ચોક્કસ સ્થાનિક કોમના પહેરવેશનો સંદર્ભ સભાનતાપૂર્વક ટાળ્યો છે.

ફેર ઇનફ. હેલ્લારોનાં ગીત-સંગીત-કોરિયોગ્રાફી-પર્ફોર્મન્સીસના બે મોઢે વખાણ થાય છે. તેનો ક્લાઇમેક્સ એટલો પ્રભાવશાળી છે કે એની પ્રશંસાના વજન નીચે ફિલ્મની સંભવતઃ એટલી જ સશક્ત ઑર એક સિકવન્સનો અવાજ થોડો દબાઈ ગયો છે. તે છે, તરસ છીપાવ્યા પછી ઢોલી દાંડી પીટે છે અને સ્ત્રીઓ જ્યારે પહેલી વાર ગરબો કરે છે, તે દશ્ય. આ એક લાંબો, 2 મિનિટ 46 સેકન્ડ્સનો  સિંગલ-શોટ છે, જેમાં ખૂબ બધું બને છે. કોઈ સ્ત્રી આનંદથી હિલ્લોળે ચડી છે તો કોઈ ભયભીત છે. કોઈ પાપનો બોજ અનુભવે છે તો કોઈ મૂંઝારો. સજ્જડબમ પાંજરુ પહોળું થવાની આ પહેલી ક્ષણ છે. અભિષેક કહે છેઃઅમે જ્યારે રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે સમીર તન્નાએ સૂચન કર્યું હતું કે આ સીનમાં નાયિકાઓની લાગણીઓને અલગ અલગ શોટ્સમાં વિભાજિત કરવાને બદલે આ આખી સિકવન્સને સળંગ શૂટ કરવી જોઈએ. સિનેમેટોગ્રાફર ત્રિભુવન બાબુ તો જાદુગર છે જ, પણ આ ચોક્કસ દશ્ય માટે કિશોર જાઘવનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેઓ સ્ટેડી-કેમ ઓપરેટર છે. તેમણે પોતાના શરીર પર ચાલીસ-પચાસ કિલો વજનનો કેમરા બાંધ્યો હતો. આમથી તેમ દોડીને, ગોળ ગોળ ઘુમીને, ખુદને બેલેન્સ કરતાં કરતાં, અગાઉથી નક્કી થયું હતું તે પ્રમાણે ફ્રેમિંગ મેન્ટેઇન કરતાં કરતાં એમણે આખું દશ્ય શૂટ કર્યું છે. અમુક બીટ પર ચોક્કસ નાયિકાની એન્ટ્રી કેપ્ચર થાય, ક્યાંક કેમેરા પાત્રની નજીક જઈને એના હાવભાવ પકડે, ક્યાંક કેમેરા પાછળ જાય, ચોક્કસ સમયે ઢોલી દેખાવો જોઈએ - આ તમામ મૂવમેન્ટ્સ સહેજ પણ ગરબડ વગર કેમેરામાં ઝિલાવી જોઈએ. આ સિકવન્સમાં કેમેરા 360 ડિગ્રીએ  ગોળ ગોળ ઘુમે છે એટલે ફ્રેમમાં કલાકારો સિવાય બીજું કશું જ ઝડપાવું ન જોઈએ. શૂટિંગ વખતે અર્શ - સમીર તન્નાની દીકરી તમન્ના કે જે એમને આસિસ્ટ કરે છે એ, વિવેક ગાંજાવાલા નામનો બીજો એક આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર, ત્રિભુવન બાબુ, એમનો આસિસ્ટન્ટ, ફિલ્મનું મેકિંગ શૂટ કરી રહેલો માણસ અને હું – આટલા લોકોનું ટોળું કિશોર જાધવની પાછળ પાછળ દોડાદોડ કરતું હતું. અમે રિહર્સલ એટલાં બધાં કર્યાં હતાં કે ત્રણ જ ટેકમાં શોટ ઓકે થઈ ગયો. હેલ્લારોના મેકિંગની મારી ત્રણ બેસ્ટ મોમેન્ટ્સમાંની આ એક.

અને બાકીની બે મોમેન્ટ્સ?

એક તો ઓબ્વિયસલી, ફિલ્મનો ક્લાઇમેક્સ. બે કેમેરા સેટ-અપ સાથે સતત બે રાત સુધી ક્લાઇમેક્સનું શૂટિંગ ચાલ્યું હતું. મને યાદ છે, એક રાતે મેં 65 જેટલા શોટ્સ લીધા હતા. એક તો કચ્છની ઠંડી ને પાછું કૃત્રિમ વરસાદમાં ભીંજાવાનું. શૂટિંગ વખતે બહેનો રીતસર ધ્રૂજતી હતી. બે શોટ્સની વચ્ચે અમે એમને ધાબળા ઓઢાડતાં, એમને તાપણાં પાસે બેસાડતાં. જમીન પર કીચડ થઈ જવાને કારણે બાપડી ક્યારેક લપસી પડતી. અભિનેત્રીઓને મેં એવી બ્રિફ આપી હતી કે આ સિકવન્સમાં તમારે જીવ પર આવીને ગરબા કરવાના છે. મનમાં એવો ભાવ રાખવાનો છે કે જાણે આ રણમેદાન છે, આ ગરબા પછી તમારે જાણે કે મરી જવાનું છે. તમારી સામે પુરુષો તલવાર લઈને ઊભા છે ને તમારી પાસે ગરબા સિવાય બીજું કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. તમારી આંખોમાં, ચહેરા પર ભયાનક તાકાત હોવી જોઈએ. ગરબે ઘુમતી વખતે મનમાં ગાળો બોલજો, જિંદગીમાં કોઈને નફરત કરી હોય તો તે યાદ કરજો.

હેલ્લારોનો આ અંત ઑડિયન્સ ભુલી શકવાનું નથી. ફિલ્મના મેકિંગ દરમિયાન ત્રીજી યાદગાર ક્ષણ ઢોલીનો ફ્લેશબેક શૂટ કરતી વખતે આવી. શૂટિંગના 30-32 દિવસ પૂરા થઈ ગયા હતા. બાકીની આખી ફિલ્મ શૂટ થઈ ગઈ હતી. કલાકારો પૅકઅપ કરીને ક્ચ્છ છોડીને પોતાપોતાના ઘરે જતા રહ્યા હતા. હવે ગામલોકો ઢોલીના પરિવારને ભૂંગા સહિત સળગાવી મારે છે એ જ દશ્ય ફિલ્માવવાનું બાકી હતું. ફાયર સિકવન્સમાં એક્સપર્ટાઇઝ ધરાવતી ટીમ મુંબઈથી આવી હતી. શૂટિંગ શરૂ થયું ને અભિષેકનું મન ભારે થવા માંડ્યું.

મેં તો અમદાવાદના મારા ઘરમાં ટેબલખુરસી પર બેસીને કાગળ પર લખી નાખ્યું હતું કે ઢોલીની પત્ની-દીકરી આગમાં બળીને ભડથું થઈ જાય છે ને એ પોતે દાઝી જાય છે... પણ અહીં આ લોકો ખરેખર પોતાના શરીર પર આગ ચાંપી રહ્યા હતા. અફ કોર્સ, એ પ્રોફેશનલ અને અનુભવી લોકો હતા, પણ તોય એમને આ ફાયર-સ્ટંટ કરતાં જોઈને હું કાંપી ઉઠ્યો હતો. છેલ્લા એક મહિનાના શૂટ દરમિયાન મારી ટીમ જે રીતે ભયંકર તાપ અને ટાઢમાં હેરાન થઈ હતી તે બધું પણ મને યાદ આવતું હતું. જયેશ મોરે (ઢોલી)ના છેલ્લા આક્રંદવાળા શોટ પછી મને પૂછવામાં આવ્યું કે સર, બધું બરાબર છે? મારાથી હવે ન રહેવાયું. છેલ્લા એક મહિનાથી જે ડૂમો છાતીમાં દબાવી રાખ્યો હતો તે હવે ધક્કા સાથે ઊછળ્યો... ને સ્ટંટ ડિરેક્ટરને વળગીને હું જે રડ્યો છું! આટલું બધું હું જિંદગીમાં અગાઉ એક જ વખત રડ્યો હતો - મારા ફાધરનાં મૃત્યુ વખતે.


           
આ ધન્યતાની, કૃતકૃત્યતાની લાગણીનો ઉછાળ હતો. અત્યારે સૌના મનમાં જે સવાલ ઉછળી રહ્યો છે તે આ છેઃ હેલ્લારો પછી શું? આઇ ડોન્ટ નો!’ અભિષેક હસીને સમાપન કરે છે, મને હિન્દી ફિલ્મોની ઑફર પણ આવી છે, પણ આ તબક્કે હું જાણતો નથી કે મારી હવે પછીની ફિલ્મ કઈ હશે અને તે કઈ ભાષામાં હશે. માત્ર એટલી ખબર છે કે મારી આગલી ફિલ્મનો વિષય પણ એવો જ હશે જે મને ખુદને અત્યંત સ્પર્શી ગયો હોય.

બિલકુલ. આખરે તો હૃદયને આંદોલિત કરી નાખનારા વિચારમાંથી જ હેલ્લારો જન્મતો હોય છે!  

shishir.ramavat@gmail.comWednesday, November 20, 2019

સુપર સીઈઓના સક્સેસ ફન્ડા


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 Nov 2019 બુધવાર
ટેક ઓફ 
મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. યાદ રાખો, તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો.

રા વિચારો. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ નામનું પ્રતિષ્ઠિત અમેરિકન મૅગેઝિન પાક્કા સર્વે અને ટકોરાબંધ માપદંડોના આધારે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ ચલાવતા એકસો શ્રેષ્ઠતમ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ ઓફિસર (સીઈઓ)ની સૂચિ તૈયાર કરે છે. આ લિસ્ટના ટૉપ ટેનમાં ત્રણ ભારતીય નામ ઉપસે છે અને આ ત્રણેય જણા હૈદરાબાદની એક જ સ્કૂલમાં ભણ્યા છે! આ ત્રણ સુપર સીઇઓ એટલે ફોટોશોપ, પીડીએફ જેવાં કેટલાંય કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી કંપની અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). આ ત્રણેય જણા હૈદરાબાદ પબ્લિક સ્કૂલ (એચપીએસ)ના વિદ્યાર્થી છે.
અમેરિકાવાસી અજય બંગાના પિતાજી ઇન્ડિયન આર્મીમાં જનરલ હતા. તેઓ પિતાજીની માફક ફૌજી તો ન બન્યા, બલ્કે આઇઆઇએમ-અમદાવાદમાંથી એમબીએ કરીને ક્રમશઃ માસ્ટરકાર્ડના સીઈઓ થયા. માસ્ટરકાર્ડ બ્રાન્ડના ક્રેડિટ કાર્ડ્સ દુનિયાભરના લોકો વાપરે છે. આજની તારીખે માસ્ટરકાર્ડ કંપનીની ટોટલ ઇક્વિટી 497 બિલિયન ડોલર એટલે કે 35,649 અબજ રૂપિયા જેટલી છે. કંપનીના આ ઠાઠમાઠનો જશ યોગ્ય રીતે જ અજય બંગાની ટકોરાબંધ લીડરશિપને અપાય છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની સલાહકાર સમિતિના સભ્ય રહી ચુકેલા અજય બંગાની સુપર સક્સેસનું રહસ્ય શું છે? તેઓ કેવી રીતે સાડાતેર હજાર જેટલા કર્મચારીઓ ધરાવતી આટલી વિરાટ મલ્ટિનેશનલ કંપનીને સફળતાપૂર્વક સંચાલન કરે છે? મિડીયાને આપેલા કંઈકેટલાય ઇન્ટવ્યુઝ, જાહેર ઇવેન્ટ્સ, કોલેજ-યુનિવર્સિટીઓના પદવીદાન સમારંભમાં આપેલાં પ્રવચન વગેરેમાં તેઓ પોતાની ફિલોસોફી અને કાર્યપદ્ધતિ વિશે અવારનવાર વાત કરતાં રહે છે. એમની વાતો મોટી કંપનીના મોટા સાહેબોને જ નહીં, પણ કોઈ પણ ટીમ લીડરે ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. કપડાંના શોરૂમમાં પાંચ માણસો કામ કરતા હોય તો શોરૂમનો માલિક આ પાંચ માણસોનો ટીમ લીડર છે. 
અજય બંગાએ એક જગ્યાએ કહેલું, આર્મીમાં જનરલ જેવા ઊંચા હોદ્દા પર રહી ચુકેલા મારા પપ્પા બધા સાથે એકસરખી સહજતાથી હળીભળી શકતા. એમની સામે કોઈ સિનિયર ફૌજી ઓફિસર હોય કે એમનો ડ્રાઇવર હોય, એમના વર્તાવમાં કશો ફર્ક ન પડતો. નાનામોટાનો ભેદભાવ કર્યા વગર તેઓ સૌને એકસરખું માન આપે. મારી કંપનીમાં મેં આવું જ કલ્ચર વિકસાવ્યું છે. અમારી ન્યુ યોર્ક સ્થિત હેડઑફિસમાં મારા સૌથી પાક્કા દોસ્તાર કોણ છે, ખબર છે? છાપાં નાખવા આવતા છોકરાઓ! હું રોજ સવારે એમની સાથે દુનિયાભરની વાતો કરું છું.

અજય બંગા દાઢી-પાઘડીધારી શિખ છે. જ્યાં પણ જાય ત્યાં તરત અલગ પડી જાય. ખાસ કરીને અહીં અમેરિકામાં અને પશ્ચિમના બીજા દેશોમાં, અજય બંગા કહે છે, મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. જ્યાં સુધી હું ખુદના બેકગ્રાઉન્ડનો પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે સ્વીકાર નહીં કરું ત્યાં સુધી અન્ય માહોલમાં, અન્ય કલ્ચરમાં હું સારી રીતે નહીં જ ગોઠવાઈ શકું. યાદ રાખો, તમારું કામ એ તમારી ઓળખ છે, તમારું બેકગ્રાઉન્ડ એ તમારી ઓળખ નથી. તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો. એમને તમારા વર્તન અને આશય સાથે નિસબત છે, તમે કઈ જ્ઞાતિના છો કે કયા ગામ કે શહેરથી આવો છો એવી બધી વાતોમાં નહીં.
નિષ્ફળતા કોને ગમે? અજય બંગા કહે છે કે સમસ્યાઓ કે મોકાણના સમાચારથી દૂર નહીં ભાગવાનું, એમને આવકારવાના. તમને સમસ્યા વિશે ખબર જ નહીં હોય તો એને નિવેડો કેવી રીતે લાવશો? ક્યારેય ખરાબ સમાચાર લાવનારને શિક્ષા નહીં કરવાની. ડોન્ટ શૂટ ધ મેસેન્જર! અજય બંગાએ પોતાના સ્ટાફને કહી રાખ્યું છે કે તમે મને ગુડ ન્યુઝ આરામથી આપશો તો ચાલશે, પણ બેડ ન્યુઝ ફટાફટ આપી દેવાના!
ટીમ લીડર પાસે દરેક વખતે પોતાના પ્રોજેક્ટ કે કામ વિશેનો બધ્ધેબધ્ધો ડેટા, બધ્ધેબધ્ધી માહિતી ન પણ હોય. આગળ વધવા માટે ડેટા અપૂરતો હોય તો પણ ઘણી વાર કોઠાસૂઝના આધારે નિર્ણયો લેવા પડતા હોય છે, ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવું પડતું હોય છે. એવુંય બને કે ટીમ લીડરના નિર્ણય ટીમના તમામ સભ્યોને ન પણ ગમે. ટીમ લીડરે ક્યારેક અળખામણા પણ બનવું પડે. ઉત્તમ લીડર સાંભળે બધાનું, પણ કરે એ જ જે ખુદને ઠીક લાગે છે અને જે કંપનીના હિતમાં છે. અજય બંગા કહે છે, અમે માસ્ટરકાર્ડમાં એક નિયમ કર્યો છે. ધારો કે અમારી કંપનીની દુનિયાભરની કોઈ પણ શાખાનો મેનેજર હેડક્વાર્ટરને કશીક રિકવેસ્ટ કે પ્રપોઝલ મોકલે અને જો બે વીકમાં હેડક્વાર્ટર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળે તો જે-તે પ્રપોઝલ સ્વીકારાઈ ગઈ છે એવું માનવું!’     
ધારો કે તમે જે પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો તે સફળ ન થયો તો? તમારી કંપની કોઈ ચોક્કસ પ્રોડક્ટ બનાવતી હોય, પણ નવી ટેકનોલોજીને કારણે કે બીજા કોઈ પણ કારણસર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ સાવ ઘટી ગઈ તો? મોબાઇલ આવ્યા એટલે પેજર નકામાં થઈ ગયાં, સીડી આવી એટલે કેસેટ નકામી થઈ ગઈ એવું કંઈક. આવી સ્થિતિમાં શું કરવું? અજય બંગા કહે છે કે ઝપાટાભેર બદલાતા આજના જમાનામાં તમારી પૈસા વૈકલ્પિક પ્લાનિંગ હોવું જ જોઈએ. તમારી પાસે પ્લાન બી જ નહીં, પ્લાન સી અને પ્લાન ડી પણ તૈયાર હોવો જોઈએ.

બાહોશ સીઈઓને સમસ્યાનું પિષ્ટપિંજણ કરવામાં નહીં, બલકે ઉકેલ શોધવામાં રસ હોવાનો. એમને સપાટી ઉપરની છીછરી વિગતોમાં નહીં, પણ મામલામાં ઊંડા ઉતરીને સચ્ચાઈ જાણવામાં રસ હોવાનો. અજય બંગાએ એક સરસ કિસ્સો શૅર કર્યો છે. એક વિદેશી બેન્ક ફડચામાં જવાની તૈયારીમાં હતી. માસ્ટરકાર્ડ કંપનીને આ બેન્ક સાથે ખાસ્સો પનારો પડ્યો હતો. સવાલ એ ઊભો થયો કે બેન્ક ઉઠી જાય ત્યાં સુધી કંપનીમાં કોઈને ખબર જ ન પડી? અજય બંગાને કહેવામાં આવ્યું કે આ ફલાણા મેનેજરની ભુલ છે. એણે જો કામમાં બરાબર ધ્યાન આપ્યું હોત તો આપણે વેળાસર ચેતી ગયા હોત. જો કોઈ સામાન્ય સીઈઓ હોત તો આવું ફીડબેક મળતાંની સાથે જ એણે મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. અજય બંગાએ શું કર્યું? એમણે સમસ્યાને સમજવામાં ચાર-પાંચ દિવસ ફાળવ્યા. તેમને ધીમે ધીમે સમજાતું ગયું કે પેલા મેનેજરની કશી ભુલ નહોતી. એણે કટોકટીને રોકવા માટે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કર્યું જ હતું. ઇન ફેક્ટ, એની જગ્યાએ જો ખુદ અજય બંગા હોત તો પણ આ પરિસ્થિતિ પેદા થયા વગર ન રહી હોત. લોકોના આશ્ચર્ય વચ્ચે અજય બંગાએ પેલા મેનેજરને કાઢી તો ન મૂક્યો, બલકે એને સ્પેશિયલ બોનસ આપ્યું!         
આ તો થઈ વિશ્વના બેસ્ટ પર્ફોર્મિગ સીઈઓના ટોપ ટેન લિસ્ટમાં સ્થાન પામેલા ત્રણ ભારતીય સીઈઓમાંના એકની વાત. બાકીના બે મહાનુભાવો એટલે કે અડોબીના શાંતનુ નારાયણ અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલાના સક્સેસ ફન્ડા વિશેની વાતો હવે પછી.
000

Monday, November 18, 2019

જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 નવેમ્બર 2019
મલ્ટિપ્લેક્સ
બે મહાન સમકાલીન અભિનેત્રીઓ વચ્ચે શું કેવળ સ્પર્ધા અને ઇર્ષ્યાનો જ સંબંધ હોઈ શકે? ના. નરગીસ-મીનાકુમારી વચ્ચે મૈત્રી અને સમસંવેદનનો સુંદર સંબંધ વિકસ્યો હતો.   રગીસ અને મીનાકુમારી બન્ને ભારતીય સિનેમાની સર્વકાલીન મહાનતમ અભિનેત્રીઓ. બન્ને એકમેકની સમકાલીન. નરગીસ (જન્મઃ 1929, મૃત્યુઃ 1981) કરતાં મીનાકુમારી (જન્મઃ 1933, મૃત્યુઃ 1972) ઉંમરમાં ચાર વર્ષ નાનાં. શમા નામના હવે બંધ પડી ગયેલા ઉર્દૂ ફિલ્મ મૅગેઝિનમાં નરગીસનો ફર્સ્ટ પર્સનમાં લખાયેલો એક લેખ છપાયો હતો, જેનું ટાઇટલ છે, મીના – મૌત મુબારક હો!’ યાસિર અબ્બાસી નામના લેખકે અનૂદિત કરેલા અંગ્રેજી પુસ્તક યે ઉન દિનોં કી બાત હૈમાં આવરી લેવાયેલા આ લેખમાં નરગીસે પોતાની સખી વિશે દિલપૂર્વક વાતો કરી છે.   

એક વખત સુનીલ દત્ત મદ્રાસમાં મૈં ચુપ રહૂંગી (1962) ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ એ સમયગાળાની વાત છે જ્યારે મધર ઇન્ડિયા (1957) સહિતની કેટલીય ફિલ્મો રિલીઝ થઈ ચુકી હતી અને નરગીસ, નરગીસ બની ચુક્યાં હતાં. મીનાકુમારીની સાહબ, બીબી ઔર ગુલામ અને પાકિઝા જેવી કરીઅરની શ્રેષ્ઠતમ ફિલ્મો આવવાની હજુ વાર હતી. મૈં ચુપ રહૂંગીનું શેડ્યુલ લાંબુ ચાલવાનું હતું એટલે સુનીલ દત્તે નરગીસને બાળકો સહિત મદ્રાસ તેડાવી લીધા. સંજય દત્ત તે વખતે અઢી વર્ષના અને નાની નમ્રતાને તો માંડ બે મહિના થયેલા. હોટલ ઓશિનિકમાં એમનો ઉતારો હતો. મૈં ચુપ રહુંગીનાં હિરોઈન મીનાકુમારીનો ઉતારો પણ આ જ હોટલમાં હતો.

એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં મીનાકુમારી અને નરગીસ અગાઉ એક જ વખત મળ્યાં હતાં. મૈં ચુપ રહૂંગીના શૂટિંગ દરમિયાન તેમનો બીજી વાર આમનોસામનો થયો. નરગીસને જોતાં જ મીનાકુમારીએ એમની પાસે જઈને કહ્યું, મને તમારાં પ્રત્યે બહુ જ માન છે. હું તમને બાજી (મોટી બહેન) કહીને બોલાવું તો વાંધો નથીને?’  બન્ને વચ્ચે તરત બહેનપણાં થઈ ગયાં.

એક વખત દત્તસાહેબને ચેન્નાઈમાં કોઈક જગ્યાએ વખણાતું ચાઇનીઝ ફૂડ ખાવાનું મન થયું. એમણે મીનાકુમારીને આમંત્રણ આપ્યું કે તું પણ અમારી સાથે ચાલ. મીનાકુમારીએ કહ્યું કે હું સહેજ થાકેલી છું ને પેટ પણ ભરાયેલું છે એટલે તમને કંપની તો નહીં આપી શકું, પણ તમારાં બાળકો મને આપતાં જાઓ. એમની ચિંતા ન કરતાં. હું બેયને સાચવીશ.


સુનીલ દત્ત અને નરગીસ ડિનર પતાવીને રાત્રે અગિયાર વાગે હોટલ પાછાં ફર્યાં ત્યારે બાળકોની દેખભાળ માટે સાથે આવેલી નૅનીએ કહ્યું કે બચ્ચાં હજુ મીનાકુમારીના રૂમમાં જ છે. નરગીસ એમને લેવા ગયાં. ધીમેથી કમરાનું બારણું ખોલીને તેમણે અંદર જોયું કે ડબલબેડ પર વચ્ચે મીનાકુમારી સૂતાં છે. એક બાજુ સંજય અને બીજી બાજુ નમ્રતા ઘસઘસાટ ઊંઘે છે ને મીનાકુમારીએ બન્ને પર હળવેથી પોતાનો હાથ મૂક્યો છે. મીનાકુમારીના ચહેરા પર ગજબની શાંતિ અને સંતોષ છવાયેલાં હતાં. ઊંઘતાં બાળકોને હળવેકથી ઊંચકીને નરગીસ પોતાના રૂમમાં આવી ગયાં. નૅનીએ પછી જણાવ્યું કે મારે બાળકોને સાચવવાની જરૂર જ ન પડી. સંજય (દત્ત)ને છી-છી પી-પી કરાવવું, નમ્રતાનાં બાળોતિયાં બદલવાં, દૂધની બોટલ તૈયાર કરવી, હાલરડાં ગાઈને બન્નેને ઊંઘાડી દેવાં – આ બધું કામ મીનાકુમારીએ જાતે કર્યું હતું.

એક દિવસ લંચબ્રેક વખતે નરગીસે પૂછ્યું, મીના, તને બાળકો આટલાં વહાલાં છે તો તને ખુદને મા બનવાનું મન નથી થતું?’ મીનાકુમારીએ જવાબ આપ્યો, એવી કઈ સ્ત્રી હશે જેને મા બનવાનું મન ન થતું હોય?’ આટલું બોલતાં એની આંખો ભરાઈ આવી. તે રાત્રે મીનાકુમારીના કમરામાંથી મારપીટ અને રોકક્કળના અવાજો સંભળાતા હતા. એમના પતિ કમાલ અમરોહી તે વખતે ચેન્નાઈ આવી ગયેલા. બીજા દિવસે તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને મીનાકુમારી શૂટિંગ પર ન ગયાં.

એક વાર નરગીસે મીનાકુમારીના પતિનો જમણો હાથ ગણાતા સેક્રેટરી બકર અલીને પકડીને ધધડાવ્યોઃ તમારે લોકોએ મીનાને મારી નાખવી છે? તમારા માટે એ બિચારી રાત-દિવસ મહેનત કરે છે. ક્યાં સુધી બેઠાં બેઠાં એના હાથના રોટલા ખાવા છે?’      

મુંબઈ પાછાં ફર્યા બાદ બન્ને અભિનેત્રીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. નરગીસના કાને જોકે મીનાકુમારી વિશે જાતજાતની વાતો પડ્યા કરતી. એક વાર ખબર પડી કે એ પતિનું ઘર છોડીને બહેનને ત્યાં રહેવા જતાં રહ્યાં છે. પિંજરે કે પંછી ફિલ્મના સેટ પર બકર અલી સાથે એમનો એટલો મોટો ઝઘડો થઈ ગયો હતો. મીનાકુમારી ખૂબ દારૂ પીવા લાગ્યાં છે તેવી વાતો પણ સતત સંભળાયા કરતી. એક વાર એમને જૉન્ડિસ (કમળો) થઈ ગયો. નરગીસ ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયાં. હિંમત કરીને એમણે કહી દીધું, મીના, તું હવે આઝાદ છે, પણ આઝાદીનો ઉપયોગ તું દારૂ પી-પીને ખુદને ખતમ કરવામાં કરીશ તો એનો શો મતલબ છે?’

મીનાકુમારીએ પોતાનું હૈયું ઠાલવ્યું. કહે, બાજી, ધીરજની પણ કોઈ સીમા હોય છે. કમાલસાહેબના સેક્રેટરીની હિંમત કેવી રીત થઈ મારા પર હાથ ઉપાડવાની? મેં કમાલસાહેબને તરત આ બનાવ વિશે જાણ કરી હતી. મને એમ કે આ સાંભળીને તેઓ બધાં કામ પડતાં મૂકીને મારી પાસે દોડી આવશે ને બકર અલીને એ જ વખતે સેક્રેટરીની નોકરીમાંથી કાઢી મૂકશે. એને બદલે એમણે શું કહ્યું, ખબર છે? કહે, તું ઘરે આવ, પછી હું નિર્ણય લઈશ. નિર્ણય લેવા માટે હજુ શું બાકી રહી ગયું હતું? એટલે નિર્ણય એમણે નહીં, પણ મેં લીધો કે આ માણસના ઘરમાં હવે હું ક્યારેય પગ નહીં મૂકું.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની સીધી અસર પાકીઝા પર થઈ. કમાલ અમરોહી આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યાં હતાં અને મીનાકુમારીનો લીડ રોલ હતો. મીનાકુમારીએ એના શૂટિંગ પર જવાનું બંધ કરી દીધું. એક તબક્કે કમાલ અમરોહી બીજી કોઈ એક્ટ્રેસને લઈને નવેસરથી આ ફિલ્મ બનાવવાનું વિચારતા હતા. નરગીસે મીનાકુમારીને સમજાવ્યું, મંજુ, જો પાકીઝા અધૂરી રહી જશે તો બહુ મોટી કરૂણતા ગણાશે. તારી રાહ જોઈ જોઈને થાકેલા કમાલસાહેબ હવે તને રિપ્લેસ કરવાનું વિચારી રહ્યા છે. પ્લીઝ, એવું ન થવા દેતી. તું ફિલ્મ પૂરી કર. કમાલસાહેબ સાથે હું વાત કરું છું. મીનાકુમારી જવાબ આપ્યો, બાજી, તમે કહો એમ હું કરીશ.નરગીસે પછી કમાલ અમરોહીને પણ સમજાવ્યા. અધૂરું રહી ગયેલું શૂટિંગ પાછું આગળ વધ્યું ને આપણને પાકીઝા જેવી માતબર ફિલ્મ મળી.

જરા વિચારો, નરગીસે આ બધી વાતો પોતાના શબ્દોમાં કહી છે. યે ઉન દિનો કી બાત હૈ પુસ્તકમાં એ જમાનાના કલાકાર-કસબીઓની આવી કેટલીય વાતોનો ખજાનો છે. ખજાનો ચોક્કસપણે લૂંટવા જેવો છે!

 0 0 0 Sunday, November 3, 2019

સફળ ફિલ્મલેખકો કેવી રીતે સ્ક્રિપ્ટ લખે છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 નવેમ્બર 2019 રવિવાર
મલ્ટિપ્લેક્સ 
'નવા નવા આઇડિયાઝ માટે હું ફિલ્મો જોઉં છું. જે આઇડિયા તમારા મન પર કબ્જો જમાવી દે એના પર જ તમે વહેલામોડા કામ કરતા હો છો. વધુમાં વધુ લોકોને મળવું, જુદા જુદા પ્રકારના લોકોને મળવું – આ પણ એક ઉત્તમ સોર્સ છે, નવા વિચારોને જન્માવવા માટે.'

ક અફલાતૂન પુસ્તક વાંચવામાં આવ્યું - ધ વન હંડ્રેડ એન્ડ વન હેબિટ્સ ઑફ સક્સેસફુલ સ્ક્રીન રાઇટર્સ. હોલિવુડના સૌથી સફળ ફિલ્મલેખકોની 101 આદતો. કાર્લ ઇગ્લેસિઅસ નામના લેખક હોલિવુડમાં હિટ ફિલ્મો લખી ચુકેલા કેટલાય લેખકોને વારાફરતી મળ્યા, તેમની રાઇટિંગ પ્રોસેસ વિશે જાતજાતના સવાલ કર્યા. જે જવાબો મળ્યા એના આધારે એમણે આ સરસ મજાનું અંગ્રેજી પુસ્તક લખ્યું. મજાની વાત એ છે કે આ પુસ્તક માત્ર ઊભરતા ફિલ્મલેખકોને જ નહીં, પરંતુ વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યલેખક, કોલમિસ્ટ, નિબંધલેખક વગેરેમાંથી કંઈ પણ બનવા માગતી વ્યક્તિને પણ અપીલ કરે એવું છે. પ્રસ્થાપિત થઈ ચુકેલા લેખકોને સુધ્ધાં આમાંથી બે નવી વાત જાણવા મળશે.
કોઈ પણ ફિલ્મનો સ્ટોરી-આઈડિયા ક્યાંથી અને કેવી રીતે મળે? ડાઇ હાર્ડના પહેલા બે ભાગ, ધ રનિંગ મેન, ધ ફ્લિન્ટસ્ટોન્સ જેવી ફિલ્મોના લેખક સ્ટીવન દ સૂઝા કહે છે, મને છાપાં-મેગેઝિનનાં કટિંગ ભેગાં કરવાની જબરી આદત છે. મારા રૂમની એક આખી દીવાલને લગોલગ મોટો કબાટ છે ને એમાં કેટલાંય ખાનાં છે. એમાંથી અડધોઅડધ ખાનામાં કટિંગ્સ ભર્યાં છે. આ કટિંગ કોઈ પણ વિષયને લગતાં હોઈ શકે – ક્રાઇમ, અજીબોગરીબ ઘટનાઓ, મિલિટરી વેપન્સ, લેટેસ્ટ ટેક્નોલોજી, કંઈ પણ. મારું દિમાગ સતત રિસર્ચ કરતું હોય છે, વિષયો શોધતું હોય છે. હું માહિતી ભેગી કરી રાખું છું પછી ભલે એમાંથી કશું નીપજવાનું હોય કે ન હોય. ઇન્ટરનેટ અદભુત વસ્તુ છે. હું રોજ અચુક અડધી-એક કલાક સુધી ન્યુઝ વેબસાઇટ્સનું સર્ફિંગ કરું છું. સ્ટોરી આઇડિયાઝ મને આ જ રીતે મળે છે.   
અસલી ઘટનાઓ ક્યારેક એટલી વિચિત્ર, એટલી અજાયબ હોય છે કે એની સામે કલ્પના પણ ફિક્કી પડી જાય. સ્કૉટ રોઝમબર્ગ (ગોન ઇન સિક્સ્ટી સેકન્ડ્સ, કોન એર) નવા નવા આઇડિયાઝ માટે ફિલ્મો જુએ છે. તેઓ કહે છે કે જે આઇડિયા તમારા મન પર કબ્જો જમાવી દે એના પર જ તમે વહેલામોડા કામ કરતા હો છો. વધુમાં વધુ લોકોને મળવું, જુદા જુદા પ્રકારના લોકોને મળવું – આ પણ એક ઉત્તમ સોર્સ છે, નવા વિચારોને જન્માવવા માટે. ઇડ સોલોમન (મેન ઇન બ્લેક, ચાર્લીઝ એન્જલ્સ) કહે છે, આઇડિયાઝની ગતિ ન્યારી છે. તમે પ્રયત્નપૂર્વક આઇડિયાઝ શોધવા નીકળશો તો તે છૂપાઈ જશે. માત્ર દિમાગ ખુલ્લું રાખો. આઇડિયાઝ આપોઆપ તમારી પાસે આવશે.
ઓકે. સ્ટોરી આઇડિયા મળી ગયો. પછી? લેઇટા કાલોગ્રિડીસ (શટર આઇલેન્ડ) કહે છે, સામાન્યપણે મને એવું કશુંક મળી જતું હોય છે – કોઈ દશ્ય, કોઈ ગીત, કોઈ લખાણ – કે જે મને વિચારતી કરી મૂકે. હું પછી એના પર કામ કરવાનું શરૂ કરી દઉં છું. પાત્રો બનાવું, તેઓ કેવા માહોલમાં રહેતાં હશે, કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયાં હશે એવું વિચારું, એક આગવું વિશ્વ ઊભું કરવાની કોશિશ કરું. મારી આ આઉટલાઇન અથવા તો માળખું ચાલીસેક પાનાં જેટલું હોય. પછી હું વિધિવત સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરું. પહેલો ડ્રાફ્ટ લખાઈ જાય પછી દોસ્તોને તે વંચાવું. તેઓ મને ફીડબેક આપે. તેના આધારે હું નવો ડ્રાફ્ટ લખું. એક નહીં પણ અનેક નવા ડ્રાફ્ટ્સ.
રિ-રાઇટિંગ. પુનર્લેખન. એક વાર લખાઈ ચુકેલા લખાણને ફરી ફરીને મઠારવું. ઉત્તમ લખાણની આ ગુરૂચાવી છે. રિ-રાઇટિંગ વિશે ધ દા વિન્ચી કોડ અને અ બ્યુટીફુલ માઇન્ડ જેવી સુંદર ફિલ્મો લખી ચુકેલા અકિવા ગોલ્ડ્સમેન કહે છે, સૌથી પહેલાં તો હું મારી વાર્તાનું યા તો સ્ક્રિપ્ટનું માળખું બને એટલી સ્પષ્ટતાથી ઘડી કાઢું. પછી ખરેખરી સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરું. શરૂઆતનું લખાણ સાવ કચરા જેવું હોય, કેમ કે મારો મુખ્ય ઉદ્દેશ બને એટલા જલદી ધી એન્ડ સુધી પહોંચી જવાનો હોય. ક્યારેક સીન ડાયલોગ સહિત લખું તો ક્યારેક આ સીન અહીંથી શરૂ થશે, અહીં પૂરો થશે ને આખા સીનમાં આવું-આવું બનશે એવું ટૂંકી નોંધની જેમ લખી નાખું. એક વાર પહેલો ડ્રાફ્ટ પૂરો થઈ જાય પછી પાછું એકડેએકથી ચાલુ કરું. એકેએક પાનું, એકેએક સીન, એકેએક સિકવન્સ. જ્યાં સુધી એને આખરી ઘાટ ન મળે, જ્યાં સુધી મને ખુદને સંતોષ ન થાય ત્યાં સુધી રિ-રાઇટિંગ કર્યા જ કરું. આ રીતે ધીમે ધીમે લખાણમાંથી બિનજરૂરી ચરબી ઓગળતી જાય, તે ચુસ્ત બનતું જાય.
ડેરેક હાસ (ટુ ફાસ્ટ ટુ ફ્યુરિયસ) પોતાના પહેલા ડ્રાફ્ટને વૉમિટ ડ્રાફ્ટ કહે છે. તેઓ કહે છે કે, સૌથી પહેલાં તો હું જે કંઈ મનમાં હોય એને કાગળ પર ઊલટી કરીને બહાર કાઢી નાખું છું. કેરેક્ટર્સ બરાબર ઊપસે છે કે નહીં, સીનમાં કંઈ ઢંગધડા છે કે નહીં, સબ-ટેક્સ્ટ બરાબર કામ કરે છે કે નહીં – આવી કશી જ ચિંતા હું પહેલો ડ્રાફ્ટ લખતી વખતે કરતો નથી. મારે કોઈ પણ રીતે સો-એકસો દસ પાનાની સ્ક્રિપ્ટ પૂરી કરવી હોય છે. એક વાર આખી સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી હું મારા સાથીલેખક માઇકલ બ્રાન્ટને મળું, એને સ્ક્રિપ્ટ વંચાવું ને ત્યાર બાદ ખરેખરું સ્ક્રિપ્ટરાઇટિંગ શરૂ થાય. અમે ચર્ચા - દલીલબાજી – ઝઘડા કરીએ, નકામાં સીનને કેન્સલ કરીએ, નવાં સીન ઉમેરીએ, એક પછી એક સીનને નવેસરથી લખતા જઈએ. આ રીતે ધીમે ધીમે સ્ક્રિપ્ટને અંતિમ ઘાટ મળે.
ફટાફટ પહેલો ડ્રાફ્ટ લખી નાખવો એ એક અપ્રોચ થયો. ઘણા લેખકો પહેલા ડ્રાફ્ટમાં આગળ વધતી વખતે જ રી-રાઇટિંગ કરવાનું શરૂ કરી દે છે. બિલ માર્સિલી (દેજા વુ) કહે છે, મારી સવાર અને બપોરનો થોડો ભાગ મેં આગલી રાતે જે લખ્યું હોય તેને મઠારવામાં જાય છે. ધારો કે આગલી રાત્રે મેં બે સીન લખ્યાં હોય તો બીજા દિવસે બપોર સુધીમાં એ જ બે સીન પર હું નવેસરથી કામ કરું, તેને બે-ત્રણ વાર મઠારું ને વ્યવસ્થિત આકાર આપું. રાત્રે બે-ત્રણ નવાં સીન લખું, જેના પર બીજા દિવસે નવેસરથી કામ થાય. કાગળ પર ઊલટી કરી નાખવી જેવા ભયંકર શબ્દો હું ક્યારેય ઉચ્ચારતો નથી. તમારા ખુદના લખાણને તમે ઊલટી કેવી રીતે કહી શકો? લિઓનાર્ડો દ વિન્ચી મોનાલિસાનું પેઇન્ટિંગ બનાવવા બેઠો હશે ત્યારે એણે કંઈ સૌથી પહેલાં કેનવાસ પર લપેડા નહીં કરી નાખ્યા હોય. એમણે એણે એવું નહીં વિચાર્યું હોય કે આ લપેડામાંથી આખરે કંઈક તો બની જ જશે. લખાણનું પણ એવું જ.   
આખું પુસ્તક વાંચજો. ફરી ફરીને વાંચજો. જલસો પડશે.    
0 0 0