Showing posts with label Gandhiji. Show all posts
Showing posts with label Gandhiji. Show all posts

Thursday, February 2, 2017

અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો?

Sandesh - Ardh Saptahik purti - 1st Feb 2017 
Take off

‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે.'

Gandhi during WWI, as organizer of the Indian Volunteer Corps, London, 1914

દુનિયાને અહિંસા જેવા અદ્ભુત શસ્ત્રની ભેટ આપનાર મહાત્મા ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને દિલપૂર્વક ટેકો આપ્યો હતો તે વળી કેવું! ચોથી ઓગસ્ટ ૧૯૧૪ના રોજ ફર્સ્ટ વર્લ્ડ વોરની જાહેરાત થઈ હતી અને તેના બે દિવસ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. લંડન પહોંચીને એમણે ત્યાં વસતા ભારતીયોની મિટિંગ બોલાવી. ગાંધીજીએ કહૃાું કે જે ભારતીયો ઈંગ્લેન્ડમાં રહે છે તેમણે અંગ્રેજ સરકારને આ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાથી થાય એટલી સઘળી મદદ કરવી જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓની માફ્ક ઈંગ્લેન્ડમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ લશ્કરમાં ભરતી થવું જોઈએ. સ્વાભાવિક રીતે જ તરત સામી દલીલ થઈ કે, ‘અંગ્રેજો માલિક છે, આપણે ગુલામ છીએ. ગુલામે શા માટે  માલિકને સહકાર આપવો જોઈએ? જે ગુલામ સ્વતંત્ર થવા માગે છે એના માટે તો પોતાનો માલિક સંકટમાં હોય તે જ સારું ગણાયને! આ તો આપણા માટે સારો અવસર આવ્યો ગણાય. આપણે આવા સમયે જ અંગ્રેજો સામે આપણી માગણી રજૂ કરવી જોઈએ.’
પણ આ દલીલોની ગાંધીજી પણ કોઈ અસર થઈ નહોતી. ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ  બિરલાએ ‘બાપુ’ નામના પુસ્તકમાં ગાંધીજીના આ વિરોધીભાસી વલણ વિશે આખું પ્રકરણ લખ્યું છે. બિરલા નોંધે છે કે સૌથી પહેલાં તો, બાપુને નહોતું લાગતું કે ભારતીયો ગુલામીની કક્ષાએ પહોંચી ગયા છે. વળી, ગાંધીજીને એવો વિશ્વાસ હતો કે જો આપણે અંગ્રેજોનો પ્રેમ સંપાદન કરી શકીશું તો જ પરિસ્થિતિમાં ફેરફાર થશે. સંકટમાં આવી પડેલા અંગ્રેજોને મદદરૂપ થઈશું તો શકય છે કે એમનું હ્ય્દયપરિવર્તન થાય અને ભારતીયો પ્રત્યેનો એમનો વ્યવહાર બદલાય.
આખરે પ્રથમ વિશ્વયુદ્ધના માહોલ વચ્ચે લંડનમાં ભારતીય સ્વયંસેવકોની એક ટુકડી તૈયાર કરવામાં આવી. મજા જુઓ. આ ટુકડીની મદદ સ્વીકારવા માટે તે વખતના ભારતમંત્રી લોર્ડ ક્રૂ તૈયાર નહોતા! ખૂબ બધી આનાકાની પછી માંડ તેમણે ભારતીય વોલેન્ટિયર્સની સેવા સ્વીકારવાની હા પાડી. દક્ષિણ આફ્રિકામાં વસતા ગાંધીજીના સાથીદારોએ આ સાંભળ્યું ત્યારે એમની નવાઈનો પાર ન રહૃાો. એક બાજુ ગાંધીજી અહિંસાની ઉપાસના કરે છે અને બીજી બાજુ ભારતીયોને વિશ્વયુદ્ધમાં સામેલ કરે છે! આ તો વળી કેવી બેવડી નીતિ! આ વિશે ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા કંઈક આવી હતીઃ


‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. અહિંસા એક વિશાળ ધર્મ છે. માણસ એક પણ ક્ષણ જાણે-અજાણ્યે હિંસા કર્યા વિના જીવિત રહી શકતો નથી. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે. અહિંસાનો પૂજારી પોતાના ધર્મનું યથાર્થ પાલન એવી સ્થિતિમાં જ કરી શકે જ્યારે એના તમામ કર્મોનો એક જ સ્ત્રોત હોય. એ સ્ત્રોત છે દયા. જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અહિંસાના ઉપાસકનો પ્રથમ ધર્મ છે યુદ્ધ બંધ કરાવવું. જો યુદ્ધ રોકવાની શકિત નથી તો ભલે યુદ્ધમાં કદાચ સામેલ હોય, પણ સાથેસાથે એ રાષ્ટ્રોને, દુનિયાને અને પોતાની જાતને યુદ્ધથી મુકત રાખવાનો પ્રયત્ન પણ નિરંતર કર્યા કરે છે.’
ગાંઘીજીએ ન યુદ્ધ વિરુદ્ધ બગાવત કરી, ન ઈંગ્લેન્ડની સરકાર તેની નીતિનો ત્યાગ ન કરે ત્યાં સુધી સત્યાગ્રહ કે અસહકાર કર્યો કે ન કાનૂનભંગ કરીને જેલમાં ગયા. આ બધું કરવા માટે તેઓ પોતાની જાતને અયોગ્ય માનતા હતા. આથી તેમણે અંગ્રેજોને સાથ આપવાનો રસ્તો અપનાવ્યો. ઘનશ્યામદાસ બિરલા અહીં સ્પષ્ટ શબ્દોમાં લખે છેઃ
‘ગાંધીજીનો આ તર્ક કંઈક લૂલો લાગે છે, પણ ગાંધીજી કઈ રીતે નિર્ણય પહેલાં કરે છે અને દલીલો પછીથી ઊપજાવી કાઢે છે તેની ચર્ચા પછીથી કરીશું. તર્ક મજબૂત ન હોય તો ભલે ન હોય, પણ ગાંધીજીના આત્માને જે સમયે જે સત્ય લાગ્યું તેની જ પાછળ તેઓ ચાલ્યા. એમના તર્કોમાં જાણી જોઈને આત્મવંચના નથી હોતી. મૂળ વાત એમ હતી કે એમને બ્રિટિશ શાસનપદ્ધતિમાં અનહદ શ્રદ્ધા હતી.’
ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફેર્ડને પત્રમાં લખ્યું હતું કે, ‘હું માનું છું કે આ (વિશ્વયુદ્ધ જેવા) ભયંકર સમયે બ્રિટિશ રાષ્ટ્રને, જેના અમે અન્ય રાષ્ટ્રોની જેમ અત્યંત નજીકના ભવિષ્યમાં ભાગીદાર બનવાની આશા રાખીએ છીએ, તેને પ્રસન્નતાપૂર્વક અને સ્પષ્ટ મદદ કરવી જોઈએ. એ પણ સત્ય છે કે અમારી આ ઇચ્છાની પાછળ એ આશા છે કે એમ કરવાથી અમે અમારા (ભારતને આઝાદ કરવાના) ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકીશું… હું એવું ઇચ્છું છું કે ભારત દરેક સશકત યુવાનોને બ્રિટિશ રાષ્ટ્રના રક્ષણ માટે હોમી દે… મારા દેશબાંધવોેને હું પ્રતીતિ કરાવવા માગું છું કે જો આપણે (બ્રિટિશ) સામ્રાજ્યની સેવા કરીશું તો એ ક્રિયામાંથી જ આપણને સ્વરાજ્ય મળી ગયું એમ સમજવું.’

Gandhi (circled) with the Indian Ambulance Corps

ગાંધીજીને આટલો બધો ભરોસો હતો અંગ્રેજો પર! બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે ભારતે પોતાના યુવાનોનું બલિદાન આપ્યું, ધન આપ્યું. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પણ ભારતને સ્વતંત્રતા તો ન જ મળી, ઊલટાનું, ૧૯૧૯ની તેરમી એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં ભયાનક હત્યાકાંડ થઈ ગયો. અંગ્રેજો પર ગાંધીજીને  જે વિશ્વાસ હતો તેના પર કારમો ઘા થયો. જોકે ગાંધીજીના વ્યવહારમાં કોઈ ફરક ન પડયો. વર્ષો વીત્યાં. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ગાંધીજીને આ વખતે અંગ્રેજો પર શ્રદ્ધા નહોતી. એમણે અસહકારનું આંદોલન ચાલુ રાખ્યું, પણ આ સંકટના સમયમાં ઈંગ્લેન્ડની પરેશાની ન વધે તેનો ખ્યાલ પણ રાખ્યો. પોતાના લેખો, ભાષણો અને તત્કાલીન વાઈસરોય સાથેની મુલાકાતો દરમિયાન ગાંધીજીએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે આ વખતે ભારતીયો અંગ્રેજોને ફ્કત નૈતિક સ્તરે જ ટેકો આપશે, ભૌતિક સ્તરે નહીં.
બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે એટલા બધા પરાધીન નહોતા. નવેક પ્રદેશોમાં પ્રાંતીય સ્વરાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. કેન્દ્રમાં પણ સ્વરાજ્યનું વચન અપાઈ ગયું હતું. આપણે પૂર્ણ સ્વરાજ્ય તરફ્ આગળ વધી ચૂકયા હતા. ગાંધીજીની દષ્ટિએ અહિંસાની જીવંત કસોટીનો સમય હવે આવી ગયો હતો. અહિંસાના પ્રયોગની સફ્ળતાનું પ્રદર્શન કરવું હોય તો આ ઉત્તમ અવસર હતો. એવું જ થયું. ભયંકર હિંસાનો પ્રતિકાર અહિંસા જેવા આધ્યાત્મિક અને ચમત્કારિક શસ્ત્રથી થઈ શકે છે તે એમણે દુનિયા સામે પુરવાર કરી બતાવ્યું.
ઘનશ્યામદાસ બિરલા ઉપરાંત જમનાલાલ બજાજ પણ ગાંધીજી સાથે આત્મીયતાભરી નિકટતા ધરાવતા હતા. આ બંને અત્યંત ધનાઢય ઉદ્યોગપતિઓ ગાંધીજીના  આર્થિક મહાબાહુ તરીકે ઓળખાતા હતા. તેમના વિશે વધારે વાતો આવતા અઠવાડિયે.

0 0 0  

Thursday, October 7, 2010

બિઝનેસ કેવી રીતે કરાય?

ચિત્રલેખા અંક તારીખ 18 ઓક્ટોબર 2010 માં પ્રકાશિત





કોલમ - વાંચવા જેવું



બાયલાઈનઃ શિશિર રામાવત












૧૮૫૭ના ઐતિહાસિક વિગ્રહને હજુ એક વર્ષની વાર હતી ત્યારે નવસારીથી મુંબઈ આવેલો જમશેદજી નસરવાનજી તાતા નામનો સત્તર વર્ષનો પારસી છોકરો એલ્ફિન્સ્ટન કોલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણી રહ્યો હતો. ૧૮૬૮માં તેણે ખાનગી વેપારી પેઢી શરૂ કરી ત્યારે કોઈએ કલ્પના સુદ્ધાં કરી હશે ખરી કે આ યુવાન ભારતની ઔદ્યોગિક ક્રાંતિનો જનક બની બની જવાનો છે? ૨૧,૦૦૦ રૂપિયાની મૂડીથી શરૂ થયેલો ધંધો આજે ૨૦૧૦માં તાતા ગ્રુપ નામના ૩,૨૪૮ અબજ રૂપિયાના જાયન્ટ આર્થિક સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયો છે! કેવી રહી આ ભવ્ય ઉદ્યોગયાત્રા? કેવા કેવા ચડાવઉતાર આવ્યા એમાં? આર. એમ.લાલા લિખિત ‘સંપત્તિનું સર્જન’ પુસ્તકમાંથી મળતા આ પ્રશ્નોનો ઉત્તર એટલે હિંદુસ્તાનની એક આંજી નાખતી સક્સેસ સ્ટોરી.



Jamshedji Tata, his son Dorabji, Ratan Tata (not current chairman), R.D. Tata

જમશેદજી પોતાના દેશને તો સારી રીતે પિછાણતા જ હતા, પણ આખી દુનિયા વિશે તેઓ જે જ્ઞાન ધરાવતા હતા તે તેમના જમાનામાં ઘણા ઓછા માણસો ધરાવતા હશે. ૧૮૮૨માં ૪૩ વર્ષની ઉંમરે જમશેદજીએ એક જર્મન ભૂસ્તરશાસ્ત્રીનો રિપોર્ટ વાંચ્યો, જેમાં લખ્યું હતું કે મઘ્યપ્રદેશમાં ચાંદા જિલ્લાના ભૂગર્ભમાં રહેલો કાચા લોખંડનો જથ્થો ખોદવામાં સૌથી અનુકૂળ પડે તેમ છે. ખેર, તે વખતે તો પોલાદનું કારખાનું સ્થાપવાનું શક્ય ન બન્યું, પણ સત્તર વર્ષ પછી અનુકૂળ યોગ ઊભા થયા. તેઓ જાતતપાસ કરવા અમેરિકા ગયા, ફ્રાન્સ જઈને તજજ્ઞોને મળ્યા. નાગપુરથી ૧૪૦ કિલોમીટરના અંતરે દુર્ગ જિલ્લામાં પોલાદનું કારખાનું નાખવાની તૈયારીઓ શરૂ થઈ. ભારતનું આ સર્વપ્રથમ મહાન ઔદ્યોગિક સાહસ હતું અને તે માટે દેશવાસીઓએ તે જમાનામાં ૨.૩૨ કરોડ રૂપિયાની મૂડી એકઠી કરી આપી. હાલ જ્યાં જમશેદપુર શહેર ઊભું છે ત્યાં તે જમાનામાં ઘનઘોર જંગલ હતું. શોરશરાબાથી ઘાંઘા થયેલા હાથીઓ આદિવાસીઓ મજૂરોના ઝૂંપડાં ભોંયભેગા કરી નાખતા. એક રાતે એક રીંછણ રેલવે સુપરિન્ડેન્ડન્ટના ઝૂપડામાં ઘૂસી ગઈ અને ટેબલ નીચે બચ્ચાને જન્મ આપ્યો! રેલવે બોર્ડના પ્રમુખ સર ફ્રેડરિક અપકોટે તો ચોખ્ખું કહી દીધું - શું આ તાતા બ્રિટીશ નમૂનાઓ પ્રમાણે પોલાદના રેલપાટા બનાવશે, એમ? જો તેઓ સફળ થાય તો હું વચન આપું છું કે તેમણે બનાવેલા પાટાનો એકેએક રતલ હું ખાઈ જઈશ! ... પણ ૧૯૧૨ની ૧૬ ફેબ્રુઆરીએ પોલાદની પહેલી લગડી બહાર પડી. સૌ આનંદથી નાચી ઉઠ્યા. પછી તો પહેલા વિશ્વયુદ્ધમાં તાતાએ ૧૫૦૦ માઈલના પોલાદના રેલપાટાની વિદેશમાં નિકાસ કરી. જમશેદજીના પુત્ર સર દોરાબ મોદીએ ત્યારે ટિખળ કરેલીઃ સારું થયું ફ્રેડરિક અપકોટ પોતાનું પ્રોમિસ ભૂલી ગયા, નહીં તો આટલું બધું પોલાદ ખાઈને તેમને અપચો થઈ ગયો હોત!


India's first steel factory at Jamshedpur
 





જોકે દીર્ઘદષ્ટા જમશેદજી આ રેલપાટા જોવા માટે જીવિત ન રહ્યા. ૧૯૦૪માં તેમનું અવસાન થયું ત્યારે તત્કાલિન વાઈસરોય લોર્ડ કર્ઝને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અંજલિ આપતા કહ્યું હતું- જમશેદજીનું મૂળભૂત અને શક્તિશાળી ચારિત્ર્ય એવું હતું કે કોઈ પણ વ્યક્તિ પછી ગમે તેટલી મહાન હોય, તેઓ તેના તાબે થતા નહીં, કારણ કે તેઓ પોતે પોતાની રીતે મહાન હતા મોટા ભાગના માણસો વિચારી શકે તેનાથી પણ મહાન. જયપ્રકાશ નારાયણે એક વાર કહેલુંઃ બિહારમાં તાતા સિવાય ક્યારેય કોઈ સફળ થયું નથી - ઈશ્વર પણ નહીં. અરે, ખુદ ગાંધીજીએ કહેવું પડેલું કે, તાતા એટલે સાહસવૃત્તિ. આના કરતાં ચડિયાતાં કોમ્પ્લીમેન્ટ્સ બીજા ક્યા હોઈ શકે?




Hotel Taj in 1903. Gateway of India was not even built then.


મુંબઈની આલાગ્રાન્ડ તાજમહાલ હોટેલ કઈ રીતે અસ્તિત્ત્વમાં આવી તે વાત પણ ભારે ઈન્ટરેસ્ટિંગ છે. એક કથા પ્રમાણે જમશેદજીને મુંબઈની એક હોટેલમાં એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કે તે ફક્ત યુરોપિયનો માટેની હતી. ગર્વીલા જમશેદજીએ મનોમન ગાંઠ વાળી લીધીઃ જેને હું ચિક્કાર ચાહું છું તેવા આ શહેરને એક અનન્ય હોટેલ આપીને જ રહીશ! આ હોટેલ એટલે ભવ્યાતિભવ્ય તાજમહાલ હોટલ. ૧૯૦૩માં ઉદઘાટન થયું અને પહેલા જ દિવસથી તેની ગણના જગતની શ્રેષ્ઠ હોટેલોમાં થવા માંડી. તાજમહાલ હોટલ બની ત્યારે ગેટ વે ઓફ ઈન્ડિયા હજુ બન્યો પણ નહોતો.


Hotel Taj today. With new wing and of course, Gateway of India.
 ભારતમાં સૌથી પહેલો નહાવાનો સાબુ ૧૮૭૯માં ‘મીરત’ એક અંગ્રેજ કંપનીએ ઉત્પાદિત કર્યો હતો. જ્યારે તાતા સાબુના ઉત્પાદનમાં પડ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી લીવર બ્રધર્સ કંપની સાથે સીધી હરીફાઈ કરવાની હતી. સદભાગ્યે ૧૯૩૧માં ગાંધીજીની સ્વદેશી ચળવળે તાતાઓને મદદ કરી. ૧૯૪૦ના દાયકામાં ફ્રાન્સમાં ‘૫૦૦’ નામનો સાબુ જાણીતો હતો. તાતાની ‘ટેમ્કો’ કંપનીના દેશપ્રેમી વડા જાલ નવરોજજી કહેઃ ભારત ફ્રાન્સ કરતાંય સારો સાબુ બનાવી શકે છે. આથી તેમણે જે કપડાં ધોવાનો સાબુ બજારમાં મૂક્યો તેને નામ આપ્યું ‘૫૦૧’! સાથે નહાવાનો સાબુ‘હમામ’ પણ લોન્ચ કર્યો અને આ બન્ને પ્રોડક્ટ ભારતના ઘરેઘરે પહોંચી ગઈ.



તાતા કોસ્મેટિક્સના ફેન્સી દુનિયામાં કેવી રીતે આવ્યા? તેની પણ એક કથા છે. ૧૯૫૦ના દાયકામાં વિદેશી હૂંડિયામણની અછતને લીઘે ભારતમાં વિદેશી સૌંદર્ય પ્રસાધનોની આયાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. અકળાયેલી ફેશનેબલ મહિલાઓ દિલ્હીમાં દેખાવો કરવા લાગી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સવાલ ર્ક્યોઃ આ પ્રકારનાં કોસ્મેટિક્સ કોઈ ભારતમાં શા માટે બનાવી નથી શકતું? તાતાઓ આગળ આવ્યા અને આ રીતે ‘લેકમે’ની સ્થાપના થઈ!
JRD Tata with Jawaharlal Nehru




JRD Tata with  wife  Thelma
 ૧૯૦૪માં ફ્રેન્ચ માતાના કૂખે જન્મેલા જહાંગીર રતનજી દાદાભોય (જે.આર.ડી.) તાતા જમશેદજીના કઝિનના પુત્ર થાય. જે.આર.ડી. તાતા અને તેમનાં પત્ની થેલ્માને કોઈ સંતાન ન હતું. ઈન ફેક્ટ, તાતા પરિવારમાં સંતાનો બહુ ઓછા જન્મ્યાં છે. જમશેદજીના બન્ને પુત્રોમાંથી કોઈને સંતાન નહોતું. આખરે અનાથાશ્રમમાં ભણી રહેલા ૧૩ વર્ષના નવલ હોરમસજી તાતાને ભારતના આ સૌથી શ્રીમંત પરિવાર દ્વારા દત્તક લેવામાં આવેલા. તાતા ગ્રુપના વર્તમાન ચેરમેન રતન તાતા તેમના જ પુત્ર. રતન તાતા આજીવન અપરિણીત રહ્યા. હવે તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે. ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ માટે વીર સંઘવીને આપેલી મુલાકાતમાં રતન તાતાએ કહેલું- ‘નવો ચેરમેન એવો હોવો જોઈએ જેનામાં હાથમાં લીધેલું કામ પૂરી કરવાની ક્ષમતા હોય... અને તેણે તાતાના નીતિમૂલ્યોમાં માનવું જ રહ્યું.’



Ratan Tata
ઝડપી નફો રળી લેવો, તંગીનો લાભ લેવો, સરકારી નીતિઓને પોતાના અંગત લાભ માટે તોડવી-મરોડવી - આ બધું તાતાઓના સંસ્કારવર્તુળની બહારની બાબતો છે. તાતા માત્ર પૈસા કમાવામાં માનતા નથી. સાયન્સ અને ટેકનોલોજી, મેડિસીન, શિક્ષણ, આર્ટ અને કલ્ચર વગેરે ક્ષેત્રોમાં તાતાઓએ આપેલું યોગદાન ક્યાં અછાનું છે? ‘ભારત પાસે જે હોવું જોઈએ તે તેને આપવું’ તે શરૂઆતથી જ તાતા ગૃહનું મુખ્યુ સૂત્ર બની રહ્યું છે. ભારતની સર્વપ્રથમ હવાઈ સેવા, ભારતની સૌથી પહેલી કાપડ મિલ, ભારતનું સૌથી પહેલું પેન્શન ફંડ... આવાં કેટકટલાંય ‘સર્વપ્રથમ’ તાતાના નામ બોલે છે. તાતાના ધંધાકીય ક્ષેત્રો અને કંપનીઓની સૂચિ એટલી લાંબી છે કે પાનાં ભરાય.



ભારતના સૌથી વિશાળ ઉદ્યોગગૃહના ઈતિહાસને રસાળ રીતે લખવો આસાન નથી. તે માટે ટેક્નિકલ પરિભાષાની જાણકારી ઉપરાંત ચોક્કસ સમજ અને દષ્ટિકોણ પણ જોઈએ. લેખક આ તમામ ગુણો ધરાવે છે. ભોળાભાઈ પટેલે કરેલો અનુવાદ પુસ્તકના વિષયના મોભાને છાજે તેવો પાણીદાર છે. મારિયો મિરાન્ડાનાં આકર્ષક ચિત્રાંકનો પુસ્તકનું ઓર એક આકર્ષણ છે. આ પુસ્તક એવું નથી કે સસ્પેન્સ-થ્રિલરની જેમ તમે તેને અધ્ધર જીવે વાંચી જાઓ, પણ હા, માત્ર બિઝનેસ કરતા કે કરવા માગતા જ નહીં, બલકે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ઈચ્છતા માણસને તે પાનો ચડાવી દે તેવું છે તે તો નક્કી!

(સંપત્તિનું સર્જન

લેખકઃ આર. એમ.. લાલા


અનુવાદકઃ ભોળાભાઈ પટેલ

પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની,
‘દ્વારકેશ’, ખાનપુર,અમદાવાદ ૧ અને
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
કિંમતઃ રૂ. ૧૯૫/              
પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૪ )