Thursday, March 30, 2017

જાવેદ અલી: તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ

Sandesh - Sanskaar Purti - March 19, 2017

મલ્ટિપ્લેક્સ
બોલિવૂડમાં આજે ગાયકોની કમી નથી, પણ જાવેદ અલી એક એવો ગુણી કલાકાર છે જે લાંબી રેસનો ઘોડો છે અને એ ખૂબ લાંબી ઈનિંગ્સ ખેલવાનો છે. 


જાવેદ અલી આજની પેઢીનો સુપર ટેલેન્ટેડ પ્લેબેક સિંગર છે તે સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત હકીકત છે. ભલે હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે વર્ષો સુધી ‘સોનુ નિગમ યુગ’ ચાલ્યો હતો અને જે રીતે આજે ‘અરિજિત સિંહ યુગ’ ચાલી રહૃાો છે તે રીતે કયારેય ‘જાવેદ અલી યુગ’ આવ્યો નથી, પણ જાવેદની પ્રતિભા, એની રેન્જ અને એનાં ગીતોના લોકો દીવાના છે. એક તરફ્ એ ‘કહને કો જશ્ન-એ-બહારા હૈ’ (જોધા અકબર) અને ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ’ (ગજિની) જેવાં રોમેન્ટિક ગીતો આપે છે, બીજી બાજુ ‘અર્ઝીયાં’ (દિલ્હી-સિકસ) અને ‘કુન ફાયા કુન’ (રોકસ્ટાર) જેવા હૃદય સોંસરવા ઉતરી જાય એવાં સૂફી સોંગ્સ ગાય છે, તો વળી ત્રીજી તરફ્ એ ‘નગાડા નગાડા’ (જબ વી મેટ) અને ‘ટિન્કુ જીયા’ (યમલા પગલા દીવાના) જેવા જોશીલા અને ઢીન્ચાક ગીતો પણ પેશ કરી શકે છે.
૩૪ વર્ષનો આ ગાયક મીડિયાને મુલાકાતો આપતી વખતે પોતાના ગુરુઓ અને સંગીતકારો વિશે વિસ્તારપૂર્વક વાતો કરવાનું ચૂકતો નથી. આ રસપ્રદ વાતોને અલગ તારવીને એના જ શબ્દોમાં સાંભળીએ.
ઉસ્તાદ હમીદ હુસેનઃ મારા પિતા, મારા ગુરુ
દિલ્હીના પંચકોણીયા રોડ પર આવેલી એક કોલોનીમાં મારો જન્મ. આ એરિયા કવ્વાલોના ઈલાકા તરીકે ઓળખાય છે. હું સંગીતમય માહોલમાં ઉછર્યો છું. મારા ડેડી ઉસ્તાદ હમીદ હુસેન મારા પહેલા ગુરુ છે. તેઓ મને સવારે વહેલો ઊઠાડીને રિયાઝ કરવા બેસાડી દેતા. સ્કૂલે જવાનું શરૂ કર્યું તેની પહેલાંથી મેં સંગીતનો રિયાઝ શરૂ કરી દીધો હતો. ઘરમાં બીજા કલાકારો આવે ને સંગીતની સેશન ચાલતી હોય ત્યારે હું ખૂણામાં ઊભો ઊભો જોયા-સાંભળ્યા કરતો. ડેડી મને એમની સાથે સ્ટેજ શોઝમાં લઈ જતા. મને કીર્તન અને પ્રાઈવેટ કમ્પોઝિશન્સ શીખવતા, જે હું લોકો સામે ગાતો. હું અલગ-અલગ શૈલીનું સંગીત શીખી શકું તે માટે ડેડીએ મને કેટલાય સંગીતકારો પાસે મોકલ્યો હતો. એ સૌ મારા પ્રારંભિક ગુરુઓ છે.
ગુલામ અલીઃ એમની અટક, મારી ઓળખ
વિખ્યાત પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલી ખાં સાહેબ એકવાર દિલ્હી આવેલા ત્યારે ડેડી મને તેમની પાસે લઈ ગયા હતા. ગુલામ અલી ખાં સાહેબે મને સાંભળ્યો, એટલું જ નહીં, મને તાલીમ પણ આપી. નાનો હતો ત્યારે હું તેમની માફ્ક ગઝલ ગાયક બનીને સ્ટેજ શોઝ કરવા માગતો હતો. તે વખતે ફ્લ્મિોમાં ગાવાની તો કલ્પના પણ નહોતી કરી. મેં ગુલામ અલી ખાં સાહેબનો ઋણ સ્વીકાર કરવા તેમની અટક અપનાવી છે. તેથી જ હું ‘જાવેદ હુસેન’ નહીં, પણ ‘જાવેદ અલી’ તરીકે ઓળખાઉં છું.


કલ્યાણજીભાઈઃ મુંબઈ આવી જા, દોસ્ત
નાનો હતો ત્યારે દિલ્હીમાં કલ્યાણજી-આણંદજીવાળા ક્લ્યાણજીભાઈ સાથે મારી મુલાકાત થઈ હતી. એમણે મારી ગાયકી વખાણી. એ વખતે હું ટીનેજર માંડ થયો હતો ને મારો અવાજ પણ હજુ ક્રેક થયો નહોતો એટલે છોકરી જેવા અવાજમાં ગાતો હતો. એક વાર કોઈક કારણસર મુંબઈ જવાનું થયું ત્યારે ફરી કલ્યાણજીભાઈને મળ્યો. એમણે મને દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ જવાની સલાહ આપી. આવો વિચાર પણ અગાઉ કયારેય આવ્યો નહોતો. પિતાજીએ મને મુંબઈ જવાનું પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં મારા કઝિન્સ રહેતા હતા. હું થોડા વર્ષો મુંબઈ-દિલ્હી વચ્ચે આવ-જા કરતો રહૃાો. મારો કંઠ ફૂટયો અને હું પરિસ્થિતિને અલગ દષ્ટિકોણથી જોવા લાગ્યો. મેં જોયું કે પ્લેબેક સિંગિંગ એક એવું માધ્યમ છે, જેમાં તમે ભજન અને ગઝલથી લઈને રોમેન્ટિક અને રોક સુધીના તમામ પ્રકારનું ગાયન કરી શકો છો. મેં પ્લેબેક સિંગિંગ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ ર્ક્યું. કલ્યાણજીભાઈ સાથે સમય વીતાવ્યો, પ્લેબેક સિંગિંગના માધ્યમની સમજ કેળવી. મેં ગીતો ડબ કરવાનું શરૂ કર્ર્યું. (ગીત ડબ કરવું એટલે, ઘણી વાર સંગીતકાર મુખ્ય ગાયકની ગેરહાજરીમાં ગીત કોઈ અન્ય ગાયકના અવાજમાં કામચલાઉ ડબ એટલે કે રેકોર્ડ કરી લે છે. પછી મુખ્ય સિંગર પોતાની અનુકૂળતાએ આવે, ગીત નવેસરથી ગાય અને એના અવાજને અગાઉ રેકોર્ડ થઈ ચુકેલા અવાજની જગ્યાએ રિપ્લેસ કરી નાંખવામાં આવે.) મારી કરિયરનું સૌથી પહેલું ગીત મેં કલ્યાણજીભાઈના દીકરા વીજુ શાહ માટે ગાયું (ડબિંગ નહીં, પણ ફયનલ રેકોડિંર્ગ.) તે હતું ગોવિંદાની ‘બેટી નંબર વન’ (૨૦૦૦) નામની ફ્લ્મિનું ગીત, જેના શબ્દો હતા, ‘ચોરી ચોરી આંખ’. કમનસીબે આ ફ્લ્મિ વ્યવસ્થિત રીતે રિલીઝ ન થઈ શકવાથી ગીત લોકોના ધ્યાનમાં ન આવ્યું.
પ્રીતમઃ ઊંચી રેન્જ, ઊંચા ગીતો
‘બેટી નંબર વન’ પછી પણ મેં કેટલાક ગીતો ગાયાં, જેમાં ‘બન્ટી ઔર બબલી’ (૨૦૦૫)નું સુપરડુપર હિટ સોંગ’કજરારે કજરારે’ પણ આવી ગયું. મુખ્ય સ્ત્રીસ્વર આલિશા ચિનોયનો હતો અને મારી સાથે શંકર મહાદેવન પણ હતા. મારું પહેલું સોલો હિટ ૨૦૦૭માં આવ્યું, જે અબ્બાસ-મસ્તાનની ‘નકાબ’ ફ્લ્મિ માટે પ્રીતમદાએ મારી પાસે ગવડાવ્યું હતું. તે હતું ‘એક દિન તેરી રાહોં મેં… બાહોં મેં પનાહોં મેં આઉંગા.. ખો જાઉંગા… એક દિન તેરા હો જાઉંગા’. ફ્લ્મિ ખાસ નહોતી ચાલી, પણ આ ગીત ખૂબ ચાલ્યું. તે જ વર્ષે પ્રીતમદાએ મને બીજું ગીત આપ્યું, ‘જબ વી મેટ’ માટે. તે હતું, ‘નગાડા નગાડા બજા’.  ફ્લ્મિ અને ગીત બંને સુપરહિટ પુરવાર થયા.
પ્રીતમદા મારી પાસે હાઈ સ્કેલવાળા, સૂફી ફ્લેવરવાળા અને રોમેન્ટિક ગીતો ગવડાવે છે. રણબીર કપૂર-કેટરિનાની ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ (૨૦૦૯)ના ‘આ જાઓ મેરી તમન્ના’ ગીતમાં મેં પહેલી વાર ફોલ્સેટોનો ઉપયોગ કર્યો. (ફોલ્સેટો એટલે પુરુષ ગાયક પોતાની નોર્મલ રેન્જ કરતાં કયાંય વધારે ઊંચી રેન્જમાં, ખૂૂબ તીણા અવાજે ગાય, તે). આજે પણ હું કોલેજોમાં આ ગીત ગાઉં છું ત્યારે જબરદસ્ત રિસ્પોન્સ મળે છે. (જાવેદ અલીએ ‘બજરંગી ભાઈજાન’ માટે ગાયેલું અને પ્રીતમે કમ્પોઝ કરેલું ‘તૂ જો મિલા’ ગીતનું અફ્લાતૂન અનપ્લગ્ડ વર્ઝન યુ-ટયૂબ પર જોજો. જલસો પડી જશે.)


એ.આર. રહેમાનઃ ડ્રીમ-કમ-ટ્રુ
હું કાયમ રહેમાનસર સાથે કામ કરવાનાં સપનાં જોયાં કરતો. મને થતું કે કયારે મને રહેમાનસર ગીત ગાવાનો મોકો આપશે અને કયારે હું એમના સ્ટુડિયોમાં રેકોડિંર્ગ કરીશ. એક વાર હું ફેમિલી સાથે વેકેશન ગાળવા ગયો હતો ત્યારે ઓચિંતા ફોન આવ્યોઃ તાબડતોબ ચેન્નાઈ આવી જાઓ. એ.આર. રહેમાન તમારી પાસે ગીત ગવડાવવા માગે છે! આ ગીત હતું, ‘જોધા અકબર’ (૨૦૦૮)નું રિતિક રોશન-ઐશ્વર્યા રાય પર ફ્લ્મિાવાયેલું ‘કહને કો જશ્ન-એ-બહારા હૈ… ઈશ્ક યે દેખ કે હૈરાં હૈ’. આ ગીતે મારી જિંદગી પલટી નાંખી. પછીનાં વર્ષે રહેમાનસરે મારી પાસે બે ગીત ગવડાવ્યા – ‘ગજિની’નું ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ’ અને ‘દિલ્હી-સિકસ’નું ‘અર્ઝીયાં’. રહેમાનસર સાથેના મારા આ બધાં ગીતો એટલા સુપરહિટ નીવડયાં કે મારે ફરી કયારેય પાછા વળીને જોવું પડયું નથી.
રહેમાનસર એટલા નમ્ર માણસ છે કે નવાઈ લાગે. તેઓ કયારેય સિંગર પર દબાણ નહીં કરે. પોતાનાં કમ્પોઝિશનને જડતાથી વળગી રહેવાને બદલે તેઓ ગાયકના કર્મ્ફ્ટ ઝોનના હિસાબે ગીતની ધૂનમાં ફેરફાર કરી આપશે. એમનાં ગીતોમાં એક જાદુ હોય છે, જે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. એમની સાથેના મારા ગીતો અલગ તરી આવે છે એનું કારણ ક્દાચ એ હોઈ શકે કે એમનો અને મારો સૂફી અંદાજ મેચ થાય છે. ‘રોકસ્ટાર’નું ‘કુન ફાયા કુન’ના રેકોર્ડિંગ પહેલાં રહેમાનસરે મને કહેલું કે માઈક સામે જતાં પહેલાં તું નમાજ પઢી લે, કેમ કે આ એક પવિત્ર ગીત છે, સૂફી સોંગ છે. તે દિવસે સ્ટુડિયોમાં અમે ત્રણ જ જણ હતા – રહેમાનસર, હું અને ગીતકાર ઈર્શાદ કામિલ. સ્ટુડિયોને અંદરથી લોક કરી દેવામાં આવ્યો. મોડી સાંજે આઠ વાગે અમે રેકોર્ડિંગ શરૂ કર્યું જે બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. રહેમાનસર ઉપરાંત દક્ષિણના અન્ય સંગીતકારોએ મારી પાસે સાઉથ ઇન્ડિયન ભાષામાં પણ કેટલાય ગીતો ગવડાવ્યા છે.

ગમ્મતની વાત કહું? રહેમાનસરનો ફોન મોટે ભાગે ત્યારે જ આવે છે જ્યારે હું વેકેશન પર હોઉં છું! એક વાર હું વાઈફ્ અને મારી બે દીકરીઓ સાથે ગોવા ગયો હતો. ફોન આવ્યો કે આવતી કાલે જ રેકોર્ડિંગ છે! વેકેશનનો અધવચ્ચેથી વીંટો વાળી, ફેમિલીને મુંબઈ ડ્રોપ કરી હું બીજા દિવસે વહેલી સવારે ચેન્નાઈ પહોંચી ગયો. આવું ત્રણ વાર બન્યું છે!

અમિત ત્રિવેદી, ઇસ્માઈલ દરબાર, શાંતનુ મોઈત્રાઃ ટેલેન્ટેડ ત્રિપુટી
મને યાદ છે, ‘ઈશકઝાદે’નુું ટાઈટલ સોંગનું રેકોર્ડિંગ પૂરું થતાં જ અમિત ત્રિવેદી મને ભેટી પડયા હતા અને કહૃાું હતું, ‘બચ્ચે કી જાન લોગે કયા?’ આ સાંભળીને હું ખૂબ રાજી થયો હતો. અમિત ત્રિવેદી પણ એક એવા કમ્પોઝર છે, જે ગાયકને પોતાની રીતે ગીત એકસપ્લોર કરવા દે છે. શાંતનુ મોઈત્રા ઔર ઇસ્માઈલ દરબાર દોનોં રુહ સે કમ્પોઝ કરતે હૈં. મેં આ બંને સાથે કામ કર્યું છે અને હું દઢપણે માનું છું કે તેઓ પાવરહાઉસ કમ્પોઝર્સ છે.
આજે ભલે કૂડીબંધ ગાયકો ફૂટી નીકળ્યા હોય, પણ જાવેદ અલી એક એવો ગાયક છે બહુ લાંબો દાવ ખેલવાનો છે. થ્રી ચિયર્સ ટુ જાવેદ!

0 0 0 

Monday, March 27, 2017

મણિ રત્નમે 'રોજા' કેવી રીતે બનાવી?

Sandesh - Sanskaar Purti - 26 March 2017
મલ્ટિપ્લેક્સ
નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફાઈટિંગ જેવાં તમામ કમર્શિયલ મસાલાઓનો ભરપૂર ઉપયોગ કરીને પણ અર્થપૂર્ણ, મનોરંજક, એસ્થેટિક્સની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોક્સઓફિસ છલકાવી દે તેવી મલ્ટિપલ અવોર્ડવિનિંગ ફિલ્મ કેવી રીતે બનાવી શકાય છે તે મણિ રત્નમે 'રોજા' દ્વારા ફિલ્મમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવી દીધું છે. 

જીવનના ચોક્કસ સમયગાળાને યાદ કરવા માટે ફ્લ્મિો કરતાં બહેતર રેફ્રન્સ પોઈન્ટ કોઈ ન હોઈ શકે! મણિ રત્નમની ‘રોજા’ ફ્લ્મિને પચ્ચીસ વર્ષ થવા આવ્યાં. પચ્ચીસ વર્ષ! જો તમારી ઉંમર થર્ટીફઈવ પ્લસ હશે તો બરાબર યાદ હશે કે ‘રોજા’ પહેલી વાર થિયેટરમાં જોઈ હતી ત્યારે આ ‘પડદા પરની કવિતા’ જોઈને આપણે સૌ કેવા અભિભૂત થઈ ગયા હતા.
‘રોજા’ આમ તો તમિળ ફ્લ્મિ છે, જે હિન્દીમાં ડબ થઈ હતી. મણિ રત્નમના ડિરેકશનમાં બનેલી આ અગિયારમી ફ્લ્મિ, પણ આપણે માટે આ સાઉથ ઇન્ડિયન ફ્લ્મિમેકરનું નામ નવું હતું. એ. આર. રહેમાન નામના જાદુગરનું નામ તો આખા દેશ માટે નવું હતું. આ આખી ફ્લ્મિમાં અને ખાસ ક્રીને ગીતોમાં હોઠની મૂવમેન્ટ્સ અને ઉચ્ચારાતા શબ્દો વચ્ચે તાલમેલ બેસતો નથી તે સ્પષ્ટ જોઈ શકાતું, છતાંય આ સઘળું અવગણીને આપણે ટીવી પર ‘યે હસીં વાદીયાં યે ખુલા આસમાં’, ‘રોજા જાનેમન’, ‘દિલ હૈ છોટા સા છોટી સી આશા’ અને ‘રુકિમણી રુકિમણી… શાદી કે બાદ કયા કયા હુઆ’ જેવાં ગીતોનું સંગીત, વિઝ્યુઅલ્સ, કોરિયોગ્રાફી અને લાઈટિંગ જોતા-સાંભળતા આપણે થાકતા નહોતા. મધુ નામની ચબી ચિકસ હિરોઈને જાદુ કર્યો હતો, પણ એના કરતાંય વધારે ક્રેઝ અરવિંદ સ્વામીએ પેદા કર્યો હતો. આપણે ઉત્તર ભારતીયોએ જિંદગીમાં પહેલી વાર કોઈ ગોરો-ચીટ્ટો સાઉથ ઈન્ડિયન હીરો જોયેેલો. આખા ભારતની સ્ત્ર્રીઓ સાગમટે આ હેન્ડસમ હીરોના પ્રેમમાં પડી ગઈ હતી.

આ ફ્લ્મિ બનાવી ત્યારે મણિ રત્નમ ૩૬-૩૭ વર્ષના હતા અને એ.આર. રહેમાન હતા માંડ પચ્ચીસના. ‘રોજા’ એક કલાસિક ફ્લ્મિ છે. નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફઈટિંગ જેવાં કમર્શિયલ ફ્લ્મિોમાં હોય તે બધા જ મસાલાનો ભરપૂર ઉપયોગ કર્યા પછી પણ અર્થપૂર્ણ, એન્ટરટેઈનિંગ, એસ્થેટિકસની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોકસઓફ્સિ છલકાવી દે તેવી મલ્ટિપલ એવોર્ડવિનિંગ ફ્લ્મિ કેવી રીતે બનાવી શકાય છે તે મણિ રત્નમે ‘રોજા’ દ્વારા ફ્લ્મિમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવી દીધું. ‘રોજા’એ ભારતની મેઈનસ્ટ્રીમ ફ્લ્મિોની ગુણવત્તાનો માપદંડ એટલો ઊંચો કરી નાખ્યો કે બીજાઓ તો ઠીક, ખુદ મણિ રત્નમને તે ઊંચાઈ સુધી ફ્રીથી પહોંચવા માટે પછી સ્ટ્રગલ કરવી પડતી હતી.
આગળ વધતાં પહેલાં ‘રોજા’ની કહાણી ઝપાટાભેર રિફ્રેશ કરી લઈએ. તામિલનાડુના નાનકડા ગામડાના રોજા (મધુ) નામની પતંગિયા જેવી મસ્તમૌલી છોકરી રહે છે. ઉંમર અઢાર વર્ષ. રિશી કુમાર (અરવિંદ સ્વામી) નામનો એક શહેરી બાબુ રોજાની ઉંમરલાયક મોટી બહેનને જોવા આવે છે. બહેન કોઈ સાથે છુપો પ્રેમસંબંધ ધરાવે છે. એ રિશીને કહે છે કે તું પ્લીઝ વડીલોને કહી દેજે કે મને આ છોકરી પસંદ નથી. અરવિંદ મોટી બહેનનું માગું તો નકારે છે, પણ સાથે ધડાકો કરે છે કે મને નાની બહેન એટલે કે રોજામાં રસ છે! એક બાજુ રોજાના રિશી સાથે અને બીજી બાજુ મોટી બહેનના એના પ્રેમી સાથે લગ્ન થાય છે. રોજાને પતિદેવ પર ખૂબ રોષ છે, પણ આખરે એને રિશીએ મોટી બહેનનું માગું શા માટે ઠુકરાવ્યું તેની ખબર પડે છે અને રોજાને પતિદેવ સાથે પ્રેમ થઈ જાય છે.

પતિદેવ રિશી ક્રિપ્ટોલોજિસ્ટ છે એટલે કે દેશના દુશ્મનોનું સાંકેતિક કમ્યુનિકેશન ઉકેલવામાં નિષ્ણાત છે. એને નોકરીના ભાગરુપે કાશ્મીર મોકલવામાં આવે છે. આ એ સમય છે જ્યારે કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ ભયંકર ઉત્પાત મચાવ્યો હતો. રિશી પોતાની નવપરિણીત પત્ની સાથે કાશ્મીર જાય છે, સ્વર્ગ જેવા પ્રદેશમાં થોડા દિવસો મોજમસ્તી પણ કરે છે, પણ એક કમનસીબ દિવસે આતંકવાદીઓ એનું અપહરણ કરી જાય છે. તેઓ સરકાર સામે શરત મૂકે છે કે રિશીને જીવતો પાછો જોઈતો હોય તો અમારો એક ખૂંખાર સાથી, જેને તમે પકડીને જેલમાં પૂરી રાખ્યો છે, એને છોડી મૂકવો પડશે. રોજા માટે બર્ફિલો પહાડ તૂટી પડે છે, પણ એ હિંમત હારતી નથી. એ દોડધામ કરીને પોલીસ અને મિલિટરીથી લઈને રાજકારણીઓ સુધીના સૌને મળે છે અને કોઈ પણ ભોગે પોતાના પતિને છોડાવવા માટે કાકલૂદી કરે છે. એક મોટી તકલીફ્ એ છે કે રોજાને હિન્દીનો ‘હ’ પણ આવડતો નથી, જ્યારે આ લોકો તમિલનો એક શબ્દ સમજી શકતા નથી. ખેર, રોજાના અથાક પ્રયત્નો આખરે રંગ લાવે છે. આતંકવાદીઓના અડ્ડામાંથી રિશી જીવતો પાછો ફરે છે અને બેઉ મા’ણા ખાઈ પીને રાજ કરે છે.
મણિ રત્નમને આ ફ્લ્મિનો આઈડિયા એક સત્ય ઘટના પરથી મળ્યો હતો. કેટલાક આંતકવાદીઓએ શ્રીનગરમાં ખરેખર એક એન્જિનીયરનું અપહરણ કર્યું હતું. એને છોડાવવા માટે એની પત્નીએ મરણિયા પ્રયત્નો કર્યા હતા. એણે આતંકવાદીઓને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. ‘રોજા’માં નાયિકા બંદીવાન આતંકવાદીને મળવા જેલમાં જાય છે ત્યારે એને આક્રોશપૂર્વક કહે છે કે મારા વરે તમારા લોકોનું શું બગાડયું છે? એ તો બિચારો ભલોભોળો માણસ છે. એને તમે શું કામ મારી નાખવા માગો છો? આ બધું જ પેલા અસલી એન્જિનીયરની પત્નીએ ઓપન લેટરમાં લખ્યું હતું. મણિ રત્નમને આ આખી વાત ભારે સ્પર્શી ગઈ. એન્જિનીયરની પત્ની અને એની કાકલૂદીમાંથી એમને ‘રોજા’ની કાચી વાર્તા જડી ગઈ.

મણિ રત્નમે આ વાર્તા પોતાના એક ડિરેકટર મિત્રને સંભળાવીને કહૃાું કે જો, હું અત્યારે મારા બેનર હેઠળ ‘અંજલિ’ નામની ફ્લ્મિ બનાવવાની વેતરણમાં છું. તું એક કામ કર. આ એન્જિનીયરની પત્નીવાળી ફ્લ્મિને તું ડિરેકટ કર. મિત્રે ના પાડી. એણે કહૃાું કે હું મારી ખુદની વાર્તા પરથી ફ્લ્મિ બનાવવા માગું છું. મણિ રત્નમ કહે, ઓકે. દરમિયાન કે. બાલાચંદરે મણિ રત્નમનો સંપર્ક  ર્ક્યો. કે. બાલાચંદર (કેબી) એટલે તમિલ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા ગજાના ફ્લ્મિમેકર. એમની ફ્લ્મિો જોઈજોઈને જ મણિ રત્નમને આ લાઈનમાં આવવાની પ્રેરણા મળી હતી. કે. બાલાચંદરે કહૃાું કે મણિ, તું મારા બેનર માટે એક ફ્લ્મિ ડિરેકટ કર. કેબીને ના પાડવાનો સવાલ જ નહોતો. મણિ રત્નમે એમને ‘રોજા’ની સ્ટોરી સંભળાવી. કેબીને પ્લોટ તો ગમ્યો, પણ ‘રોજા’ ટાઈટલ પસંદ ન પડ્યું. તમિલ ભાષામાં રોજા એટલે ગુલાબ. મણિ રત્નમ ગુલાબના ફુલને કાશ્મીરની તત્કાલીન પરિસ્થિતિના પ્રતીક તરીકે જોતા હતા. ગુલાબ ખૂબસૂરત હોવા છતાં અણીદાર કાંટા ધરાવે છે તેમ કાશ્મીર પણ સ્વર્ગ જેવું સુંદર હોવા છતાં આતંકવાદના શૂળ ધરાવતું હતું. કેબીને ‘રોજા’ શીર્ષકમાં મજા ન આવી એટલે મણિ રત્નમે બીજું ટાઈટલ સજેસ્ટ કર્યું: ‘ઇરુધી વારાઈ’. તમિલ ભાષામાં આનો અર્થ થાય છે, ‘અંત સુધી’. કેબી કહે, આના કરતાં તો ‘રોજા’ ટાઈટલ જ બરાબર છે.
મણિ રત્નમે ‘રોજા’નું કામકાજ શરુ કરી દીધું. એમણે મનોમન નકકી કરી નાખ્યું હતું કે ફ્લ્મિ કે. બાલાચંદરના બેનર હેઠળ બની રહી છે એટલે તે કેબીના સ્ટેટસને છાજે એવી સારા માંહૃાલી જ બનવી જોઈએ. મણિ રત્નમે સ્ક્રિપ્ટ લખતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખ્યું? કેવી રીતે અફ્લાતૂન ટીમ ઊભી કરી? આટલી સુંદર ફ્લ્મિ બની હોવા છતાં કે. બાલાચંદર કેમ મણિ રત્નમ પર ગુસ્સે થઈ ગયા? કેમ સાથી ફ્લ્મિમેકર રામગોપાલ વર્મા ‘રોજા’ અધૂરી છોડીને થિયેટરમાંથી નાસી ગયા?

ભારે ઇન્ટરેસ્ટિંગ સવાલો છે આ. એના વિગતવાર ઉત્તર આવતા રવિવારે મેળવીશું, કેમ કે જો ઉતાવળ કરીને વાતનું ફ્ડિંલું વાળી દઈશું તો ‘રોજા’ જેવી માસ્ટરપીસનું અપમાન થઈ જશે. દરમિયાન તમે હોમવર્ક તરીકે, જો શક્ય હોય તો, ફ્લ્મિ જોઈ કાઢજો અને એનાં ગીતો અલગથી માણજો. સોલિડ જલસો પડશે. યુટયુબ પર આખેઆખી ‘રોજા’ ફ્રીમાં વેલેબલ છે તે તમારી જાણ ખાતર.
0 0 0 

Thursday, March 23, 2017

હવે બહુ થયું, બીબીસી!

ટેક ઓફ
ભારતમાં એક લાખ કરતાંય વધારે રજિસ્ટર્ડ સમાચારપત્રો છે અને ચોવીસે કલાક નોનસ્ટોપ ચાલતી 400 કરતાંય વધારે ન્યુઝ ચેનલો છે. આમ છતાં આપણે ત્યાં એક પણ તગડું ગ્લોબલ ન્યુઝ નેટવર્ક નથી, જેની ઓફિસો દુનિયાભરનાં મહત્ત્વનાં મહાનગરોમાં ધમધમતી હોય અને જેના રિપોર્ટરો દુનિયાના ખૂણે-ખૂણે ઝપાટાબંધ પહોંંચીને જે-તે ઘટનાનું આપણા દષ્ટિકોણથી ફર્સ્ટહેન્ડ રિપોર્ટિંગ કરીને વર્લ્ડ ઓડિયન્સ સુધી પહોંચાડતી હોય.   વ હિમ ઓર હેટ હિમ, બટ યુ કેન નોટ ઇગ્નોર હિમ. તમે એને ગમાડો કે ધિક્કારો, પણ તમે એની અવગણના તો ન કરી શકો. નોનસ્ટોપ બૂમાબૂમ અને અતિ આક્રમક શૈલી માટે જાણીતા ન્યૂઝ એન્કર અર્ણવ ગોસ્વામી માટે આ પંકિત પરફ્ેકટ લાગુ પડે છે. ટાઈમ્સ નાઉ અંગ્રેજી ન્યૂઝ ચેનલ અને અર્ણવ ગોસ્વામી લગભગ સમાનાર્થી બની ગયાં હતાં, પણ અર્ણવે તે છોડી એ વાતને સાડાત્રણ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. એમની પોતાની રિપબ્લિક ટીવી નામની અંગ્રેજી ન્યૂઝ ચેનલ થોડાં અઠવાડિયાઓમાં લોન્ચ થઈ જવી જોઈએ.
ચેનલનુ મૂળ નામ રિપબ્લિક હતું, પણ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક કરતાં વધારે વખત ધ્યાન દોર્યું હતું કે ભાઈ, તમે કોઈ પણ ધંધાદારી સાહસનું નામ રિપબ્લિક ન રાખી શકો. જો રાખશો તો એમ્બલમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ - 1950 હેઠળ ભારતીય કાનૂનનું ઉલ્લંઘન કર્યું ગણાશે. સુબ્રમણ્યમ સ્વામીની વાતને ધરાર કાને ધરવામાં ન આવી એટલે જાન્યુઆરીમાં તેમણે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને પત્ર લખીને ફરિયાદ નોંધાવી. સાથે ચીમકી આપી કે જો સરકાર કોઈ નહીં લે હું કોર્ટમાં જઈશ. આથી અર્ણવ વેળાસર ચેનલનું રિપબ્લિક નામ બદલીને રિપબ્લિક ટીવી કરી નાખ્યું. 
કોઈ ન્યુઝ ચેનલ લોન્ચ થાય તેની પહેલાં જ એના વિશે આટલી બધી હાઈપ ઊભી થઈ ગઈ હોય એવું અગાઉ ક્યારેય બન્યું નથી. રિપબ્લિક ટીવી શરુ કરવા પાછળ અર્ણવનો ઇરાદો શો છે? ડિસેમ્બર ૨૦૧૫માં એક મીડિયા ઇવેન્ટમાં અર્ણવ ગોસ્વામીએ આડકતરી રીતે ઈશારો આપી દીધો હતો. પબ્લિક ડિબેટ પ્રકારની ઇવેન્ટ રશિયા ટુડે (આરટી) ચેનલની દસમી એનિવર્સરી નિમિત્તે યોજવામાં આવેલી હતી. અર્ણવે કહૃાું હતું કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓના ટીવી ક્વરેજમાં બીબીસી અને સીએનએનનું આધિપત્ય બહુ ચાલ્યું. જે રીતે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ તેમજ વિશ્લેષણ આખી દુનિયા સામે રજૂ કરવામાં આવે છે તેમાં પશ્ર્ચિમનો દષ્ટિકોણ સર્વોપરી હોવાનો.
સીએનએન (કેબલ ન્યૂઝ નેટવર્ક) દુનિયાની પહેલી ગ્લોબલ ન્યૂઝ ચેનલ છે. તેની સ્થાપના ૧૯૮૦માં થઈ હતી. બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન)વર્લ્ડ ચેનલ ૧૯૯૧માં લોન્ચ થઈ. તે વખતે તેનું નામ બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવી હતું. બીબીસી ઈંગ્લેન્ડની સમાચાર સંસ્થા છે. સીએનએન અમેરિકન છે. વાત કેવળ ટીવી ચેનલો પૂરતી સીમિત નથી. આપણું પ્રિન્ટ મીડિયા પરદેશના સમાચારો માટે દાયકાઓથી જે ન્યૂઝ એજન્સીઓ પર આધાર રાખતું આવ્યું છે તે સઘળી વિદેશી છે. રોઈટર્સનું હેડકવાર્ટર લંડનમાં છે, એએફ્પી (જેનો ફ્રેન્ચ ઉચ્ચાર એજોન્સ ફ્રોન્સ પ્રેસ એવો થાય છે)નું હેડકવાર્ટર પેરિસમાં છે, જ્યારે એપી (અસોસિયેટેડ પ્રેસ)નું વડું મથક ન્યૂયોર્કમાં છે. આ આપણા મુખ્ય સોર્સ છે, વિદેશી ઘટનાઓના સમાચાર માટેના. ઇન્ટરનેટને સમાચારને સોર્સ તરીકે ઉપયોગ કરવાનું શરૂ ર્ક્યું તે વાતને એક્-દોઢ દાયકા કરતાં વધારે સમય થયો નથી.
ઇવેન્ટમાં આંકડા ટાંકતા કહેવાયું હતું કે લગભગ ૯૧ ટકા ભારતીયોને વિદેશમાં બનતી ઘટનાઓના સમાચારમાં રસ પડે છે. તેની સામે અમેરિકા-ઇંગ્લેન્ડના માત્ર ૪૪થી ૪૬ ટકા લોકો જ પરદેશના સમાચારોને ફોલો કરે છે. આંકડાની ચોક્સાઈમાં હાલ ન પડીએ, પણ મુદ્દો એ છે કે દુનિયાની ગતિવિધિ જાણવામાં આપણને જેટલો રસ પડે છે એટલો ગોરાઓને પડતો નથી. આ સમજાય તેવું છે. તેઓ આર્થિક રીતે સુખી-સંપન્ન પ્રજા છે, આત્મનિર્ભર છે, તેમનું માનસિક બંધારણ જુદું છે, સામાજિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક સંદર્ભો જુદા છે. દુનિયાના બીજા ખૂણાઓમાં શું ચાલી રહૃાું છે તે જાણવાની તાલાવેલી જેટલી આપણને હોય છે એટલી ત્યાંની આમજનતાને ન હોય. આમ છતાં ગ્લોબલ ન્યૂઝના ૭૪ ટકા સ્ત્રોત પર અમેરિકા-ઇંગ્લેન્ડનું આધિપત્ય છે. એશિયાની સમાચાર સંસ્થાઓનો ફળો કેવળ ત્રણ ટકા જેટલો છે! આ અસંતુલન આંખો પહોળી કરી નાંખે એટલું મોટું છે. બીબીસી, બાય ધ વે, હવે ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ ભાષામાં પણ ટીવી ચેનલો લોન્ચ કરવા જઈ રહી છે. 

રજિસ્ટ્રાર ઓફ્ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા (આરએનઆઈ) અનુસાર, ૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ ભારતમાં રજિસ્ટર્ડ સમાચારપત્રોની સંખ્યા ૧,૦૫,૪૪૩ હતી. એક લાખ કરતાંય વધારે છાપાં! આમાંથી કેટલાં ચાલતા હશે તે અલગ વિષય છે. રજિસ્ટર્ડ અંગ્રેજી સમાચારપત્રોનો આંકડો ૧૩,૬૬૧ પર પહોંચ્યો હતો. ચોવીસે કલાક અને સાતેય દિવસ નોનસ્ટોપ ચાલતી ન્યૂઝ ચેનલ્સની સંખ્યા ૪૦૦ કરતાંય વધારે છે. આમ છતાં ભારતમાં એક પણ તગડું ગ્લોબલ ન્યૂઝ નેટવર્ક નથી, જેની ઓફ્સિો લંડન-ન્યૂયોર્ક-પેરિસ-મોસ્કે-સિડની-મિડલ ઇસ્ટમાં ધમધમતી હોય, રિપોર્ટરોની આખી ફેજ હોય જે દુનિયાના ખૂણે-ખૂણે ઝપાટાબંધ દોડી જઈને ઘટનાઓ ક્વર ક્રતી હોય અને આપણા દષ્ટિકોણથી વર્લ્ડ ઓડિયન્સ સુધી પહોંચાડતી હોય.
ગયા નવેમ્બરમાં એક ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, ‘ભારત પાસે વર્લ્ડ કલાસ મીડિયા હોવું જોઈએ. સીએનએન, બીબીસી અને અલ જઝીરાને આપણે પડકાર તરીકે જોવા જોઈએ. આનું કારણ એ છે કે જો દુનિયામાં ભારત એક મહત્ત્વના દેશ તરીકે ઊપસી રહૃાો હોય તો આપણને જે મુદ્દા સૌથી મહત્ત્વના લાગે છે તે તમામ દુનિયા સુધી અસરકારક રીતે પહોંચવા જોઈએ.’
માણસ હોય કે સંસ્થા, સૌને પોતાની આસપાસની પરિસ્થિતિઓ, પ્રશ્નો અને પ્રજાની સૌથી વધારે પરવા હોય છે. આ બિલકુલ સ્વાભાવિક વાત છે. બીબીસી-સીએનએન મંુબઈમાં થયેલા આંતકવાદી હુમલાનું અથવા આફ્રિકાના કેઈ ગરીબ દેશમાં ફેલાયેલી ખતરનાક બીમારીનું રિપોર્ટિંગ એટલી તીવ્રતાથી કે જોશભેર નહીં જ કરે, જેટલું પેરિસના આતંકવાદી હુમલાનું કરશે. 

બીબીસી-સીએનએનનો એકાધિકાર તોડવાના પ્રયાસો સાવ થયા નથી એવુંય નથી. અલ જઝીરા ચેનલ ૧૯૯૬ની સાલમાં દોહામાં આંશિક રીતે કતારના શાસક પરિવારના પૈસે શરૂ થઈ. અલ જઝીરા લોન્ચ થઈ તેની પહેલાં બીબીસીએ એરેબિક ભાષામાં ચેનલ શરૂ કરી હતી, પણ તેના પર વધારે પડતા અંકુશ મૂકવામાં આવતાં દોઢ જ વર્ષમાં બંધ કરી દેવામાં આવી હતી. ૨૦૦૫માં અલ જઝીરાની ઇંગ્લિશ ચેનલ (એજેઈ) શરૂ થઈ. લંડન, વોશિંગ્ટન અને કુલાઆલુમ્પુરમાં તેની ઓફિસો  ખૂલી. મિડલ ઇસ્ટમાં હેડકવાર્ટર હોય તેવી દુનિયાની આ પહેલી અંગ્રેજી ગ્લોબલ ન્યૂઝ ચેનલ છે. અલ જઝીરા પર એન્ટિ-અમેરિકન હોવાનો આક્ષેપો થતા રહૃાા છે, પણ આ એક સફ્ળ નોન-અમેરિકન અને નોન-બ્રિટિશ ગ્લોબલ ચેનલ છે તે હકીક્ત છે. 
આ સિવાય ઇરાનની પ્રેસ ટીવી નામની અંગ્રેજી ચેનલ છે, રશિયા ટુડે ચેનલ છે, સીસીટીવી-નાઈન નામની ચાઈનીઝ ચેનલ છે. સીસીટીવી-નાઈન ચેનલ ગ્લોબલ ન્યૂઝ પણ ડોકયુમેન્ટરી પ્રસારિત કરે છે. એની અંગ્રેજી આવૃત્તિનું નામ આ વર્ષની શરૂઆતમાં બદલીને સીજીટીએન ડોકયુમેન્ટરી કરી નાંખવામાં આવ્યું છે. આ સૌ ગ્લોબલ ચેનલોએ બીબીસી-સીએનએનના આધિપત્યને પડકાર્યું છે.
અર્ણવ ગોસ્વામી કહે છે તેમ, દસ-બાર વર્ષ પહેલાં કોણે વિચાર્યું  હતું કે ભારત દુનિયાનું સોફ્ટવેર કેપિટલ બની જશે. ગ્લોબલ ન્યૂઝના મામલામાં પણ ભારત એક તગડું ખેલાડી બનીને ઊભરી શકે છે. અલબત્ત, ગ્લોબલ ન્યૂઝ નેટવર્ક સફ્ળતાપૂર્વક ચલાવવા માટે વિઝન, અનુભવ અને પ્રતિભા ઉપરાંત ચિક્કાર નાણાં પણ જોઈએ. જેમ કે, રશિયા ટુડે ચેનલ ચલાવવાનો અંદાજિત વાર્ષિક ખર્ચ ૩૦થી ૪૦ મિલિયન ડોલર જેટલો આવે છે. ફ્રાન્સ-ટ્વેન્ટીફોર ચેનલનું વાર્ષિક બજેટ અંદાજે ૧૦૦ મિલિયન ડોલર છે! આટલી વિરાટ ધનરાશિ સરકાર હાથ મિલાવે તો જરૂર પ્રાપ્ત થાય, પણ સરકારની દરમિયાનગીરીથી મામલો પેચીદો બની જાય. વાત ફ્કત ગ્લોબલ બનવાની નથી, ‘ઇન્ડીપેન્ડન્ટ જર્નલિઝમ’ની પણ છે. એ જે હોય તે, આવનારા વર્ષો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ કવરેજના મામલામાં ઇન્ટરેસ્ટિંગ પુરવાર થવાના એ તો નક્કી. 0 0 0 
(Sandesh - Ardh Saptahik Supplement - 22 March 217 - Edited version) 
0 0 0 

Wednesday, March 22, 2017

મારી લાગણી ઘણીવાર એની ક્રિએટિવિટીમાં નીખરે છેઃ પિંકી શિશિર રામાવત

સર્જકના સાથીદાર

જ્યોતિ ઉનડકટ

Khbarchee.com - 23-03-2017

મારા ગર્ભમાંથી જે લઈને આવ્યો હતો  પણ આજે એના બાલમોવાળા ઉતર્યાં એની સાથેઉતરી ગયું.’ આંખો સામે દીકરા શાંતનુની બાબરી ઉતરવાની વિધિ થઈ રહી હતીપિંકીનીઆંખોમાં ચોમાસુ ઊભરી આવ્યું હતું.

ડિટ્ટો આવો  સીન વાંચ્યો છેને!

શિશિર રામાવતના હાથે લખાયેલી નવલકથામાં?

જી હાફીલિંગ હતી પત્ની પિંકીનીએની  અનુભૂતિને શિશિર રામાવતે પોતાની નવલકથામાં બખૂબી ઉતારી છે. ‘ચિત્રલેખામાં છપાયેલી ધારાવાહિકનવલકથા ‘મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે’.  નવલકથાની નાયિકા નિહારિકાના દીકરાની બાબરીના દિવસે એની જે લાગણી છે એનું બીજતો પિંકીના અનુભવ સાથે  રોપાઈ ગયું હતું.

પોતાના દીકરાની બાબરી ઉતારવા સમયે શું થયું હતું  વાતને આજે પણ યાદ કરીને પિંકી રામાવતની આંખોના ખૂણાં થોડાં ભીના થઈ જાય છે.

તમે એમ કહોને કે અમે  નવલકથા જીવ્યાં છીએશિશિર અને પિંકી રામાવત  નવલકથાને યાદ કરીને યાદોમાં સરી પડે છેદીકરાની બાબરીનો પ્રસંગહોય કે કથ્થક શીખવતાં ગુરુમાની વાત હોય કેટકેટલીય યાદો અને પ્રસંગો શબ્દતશિશિરભાઈની કલમે  નવલકથામાં ખીલ્યાં હતાં.

મુંબઈમાં વસી ગયેલા પણ મૂળ જામનગરના શિશિર રામાવતની ક્રિએટિવિટીની વાત આજે પિંકીબહેન સાથે કરવી છેપત્નીનો સાથ હોય તોસર્જનાત્મકતાને ખીલવા માટે આકાશ મળી રહે છે તેનું આદર્શ ઉદાહરણ છે રામાવત દંપતીપતિના લેખોનવલકથા વાંચવા માટે પત્નીએ ગુજરાતી શીખ્યુંઅને ગુજરાતીનો પાયો મજબૂત બને  માટે દીકરાએ પોતાની શાળા બદલાવીમાતૃભાષા પ્રત્યેનો આ પરિવારનો અપ્રતિમ લગાવ દિલને સ્પર્શી જાયતેવો છે.

મા-બાપે તો દીકરા શિશિરને એન્જિનિયર બનાવવો હતોપણ દીકરાને શબ્દોનું એન્જિનિયરીંગ કરવું હતુંજ્યાં સુધી શબ્દોનો એને સાથ  મળ્યો ત્યાં સુધીએનો જીવ અંદર કેવો ઘૂંટાતો હશે એની તો કલ્પના  કરવી રહીકેમકેએન્જિનિયરીંગના થોથાં વાંચવાની જગ્યાએ  યુવકને પન્નાલાલ પટેલ.મા.મુનશીચંદ્રકાંત બક્ષી આકર્ષતા હતાંકૉલેજની લાયબ્રેરીમાં ભણવાના પુસ્તકો તરફ પગ વળવાને બદલે કલાકોના કલાકો સુધી ઇતર વાચન વધુઆકર્ષતું હતુંહા સમયે તો એમના માટે  ઈતર વાચન  હતુંત્યારે તો  યુવકને પણ ખબર  હતી કે ઈતર વાચન એક દિવસ આજીવિકાબની રહેશે.

વડોદરામાં આજે તો ઘણાં ફલાય ઓવર બની ગયા છેપણ શિશિર રામાવત જ્યારે વડોદરા અભ્યાસ માટે આવેલાં ત્યારે ત્યાં એક  ફલાય ઓવર હતોશાસ્ત્રી બ્રિજ કે પોલિટેકનિકનો બ્રિજ બ્રિજની નીચેથી રોજ અનેક ટ્રેન પસાર થતી. ‘રોજ આત્મહત્યા કરવાનો વિચાર આવતોપણ કોઈ કારણોસર બ્રિજપરથી પડતું  મૂકી શકતો.’ પત્નીના સાથ અને સહકારની વાત કરતાં પહેલાં શિશિરભાઈ  વાત કહેવાનું ચૂકતા નથી. ‘ફૂલછાબના તંત્રી કૌશિકમહેતાએ પુસ્તકનું સંપાદન કર્યું છે, ‘લખવું એટલે કે...’ જેમાં શિશિરભાઈએ ખૂબ  નિખાલસતાથી પોતાના મનને જે નેગેટિવ વિચારો ઘેરી વળતાં તેનીવાત લખી છેસફળ થઈ ગયા પછી પોતાના  ભૂતકાળની નેગેટિવ વાતો વ્યક્ત કરવા માટે પણ હિંમત જોઈએ એવું લાગે છે.

પોતાના નકારાત્મક વિચારોને ડાયરીના પાને ટપકાવી લેવાથી બીજે દિવસે જીવવાની હિંમત મળી જતીનેગેટિવ વિચારો ઘેરી વળતાં  પાનાંઓને હવેસ્ટેપલર પીનથી ભેગાં કરી દીધાં છેએવા ભીડી દીધાં છે કે શબ્દો મનને પણ હવે સ્પર્શે નહીંઆજે પણ ડાયરી લખે છેપણ નિયમિત રીતે નથી લખીશકાતીકૉલેજના  દિવસોમાં જીવ અંદર સોસવાતો હતોડાયરીના પાના પરથી બહાર નીકળીને માતા-પિતાને સંબોધીને એક લાંબો કાગળ લખ્યોજેમાંખોટા ફિલ્ડમાં આવી ગયાની વેદનાને શિશિરભાઈએ શબ્દમાં ઉતારીશિશિર રામાવતનું ઓરિજીનલ નામ તો જીતેન છેસ્કૂલના દિવસોમાં એમણે જીતેનરામાવત સાથે ઉપનામ શિશિર એવું લખવાનું શરુ કર્યું અને બાદમાં  નામ અપનાવી લીધુંપિતા તુલસીદાસ વિશે દિલને સ્પર્શી જાય એવો લેખ એમણેપોતાના બ્લોગ ઉપર મૂક્યો છેશિશિરભાઈની એમના  પિતા પ્રત્યેની લાગણી શબ્દોની તાકાત અને અભિવ્યક્તિમાં નીખરી ઊઠી છે.

શિશિરભાઈ કહે છે, ‘મનમાં અનેક સવાલો હતાં પણ મને જે સૂઝ્યું  લેટરમાં લખી નાખ્યું તેનાથી મને બહુ શાંતિ થઈલેટર વાંચીને મમ્મી-પપ્પા વડોદરાઆવી પહોંચ્યામને ઠપકો  આપ્યો પણ મને કહ્યું કેતને જે કરવું હોય તે કરઅમને પહેલેથી કહી દીધું હોત તો અમે તને અહીં ભણવા   મોકલતઆજે પણ મને ઘણી વખત સવાલો થાય છે કેમારા જન્મદાતા મારી વેદનાને કેમ નહોતા સમજતાંપણ હું વ્યક્ત  થાઉં તો ક્યાંથી સમજે  સમજ હુંમોટો થયો ત્યારે આવીક્રિએટિવ ફિલ્ડમાં જવા માટે મારું દિલ થનગનતું હતુંએન્જિનિયરિંગના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા કૂદાવીને મુંબઈ આવી ગયોવડોદરા ભણતો હતો ત્યારે નાની વાર્તાઓ લખતો હતોજે ‘પરબ’ અને ‘કંકાવટીમાં પ્રકાશિત થઈ હતી બે મેગેઝિનમાં તમારા નામ સાથે કંઈ છપાયએટલે જાણે તમારા શબ્દોને આઈએસઆઈનો માર્કો મળી ગયો છે એવો અનુભવ થાય દિવસોમાં  ‘અભિયાનનો હું ફેન બની ગયો. ‘અભિયાનમાંજ્યોતિષ જાનીની નવલકથા છપાતીએમને વડોદરામાં હું મળ્યોએકાદ મુલાકાત પછી એમને મારી લેખન પ્રત્યેની રુચિ અને ગંભીરતા વિશે સમજાયુંતેઓ મારી સાથે મુંબઈ આવ્યાં. ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’  બંને દૈનિકોની ઓફિસમાં મને મળવા માટે લઈ ગયાં. ‘જન્મભૂમિમાં  દિવસોમાંતરુબહેન કજારિયા સિનિયર પોસ્ટ પર હતાંએમણે મારી વાર્તાઓ વાંચેલીએમણે મારો ઈન્ટરવ્યૂ લીધો અને  પછી બીજાં બે ઈન્ટરવ્યૂ થયાંબેઅઠવાડિયામાં મને ‘જન્મભૂમિમાં નોકરી મળી ગઈ.’

સર્જકના સાથીદારની વાતમાં લેખકની કરિયર વિશે વાત લખવી બહુ  મહત્ત્વની છે આથી  શિશિર રામાવતની કરિયર વિશેની રસપ્રદ વાતો લખી રહીછુંએક સમયે આમ આદમીની જિંદગી જીવતા માણસના લેખો દસ લાખથી વધુ નકલોનું સરક્યુલેશન ધરાવતાં ‘સંદેશ’ દૈનિકના પાના પર આવી રહ્યાં છેએમની લેખક બનવા સુધીની સફર કેવી છે  વાંચવાનું પણ એમના લેખો વાંચવા જેવું  રસપ્રદ છે.

1995ની સાલમાં ‘મિડ ડે’ અને ‘સમાંતર પ્રવાહ’ બંને દૈનિકોની ખૂબ ચર્ચા રહેતી  દિવસોમાં શિશિર રામાવતે ‘જન્મભૂમિ’ ગ્રૂપના પોતાના બોસ કુન્દનવ્યાસને યુથને લગતું એક પાનું ‘હિપ હિપ હુર્રે’ શરુ કરવું જોઈએ  આઈડિયા આપ્યોફક્ત ત્રણ મહિનાની નોકરી બાદ કુન્દનભાઈએ શિશિર રામાવત પરભરોસો મૂક્યો અને એમને એક પાનું આપ્યું પછી તો ‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ ડે’ અને ‘અભિયાનમાં કામ કર્યું. ‘અહાજિંદગી’ મેગેઝિનમાંપણ ફલક નામની કૉલમ લખી અને સિનિયર પોસ્ટ પર ફરજ બજાવી છે. ‘સંદેશ’ દૈનિકમાં તેમની ધારાવાહિક નવલકથા ‘અપૂર્ણવિરામ’ પણ વાચકોએ વખાણી હતી.

શિશિર રામાવત કહે છે, ‘મારી પહેલી ધારાવાહિક નવલકથા ‘વિક્રાંત’ ‘અભિયાનમાં છપાઈજે ‘અભિયાનને વાચકના પ્રતિભાવ સ્વરૂપે પત્રો લખતો અને  જગ્યાએ હું સંપાદક બન્યો તેનો આનંદ આજે પણ દિલમાં અકબંધ છેસૌથી ગૌરવની વાત તો  હતી કેજે બક્ષી સાહેબને હું એક બેઠકે વાંચતોતેમની સૌથી પહેલી કોપી મને વાંચવા મળતીઘણી વખત તો સ્વપ્નવત્ લાગતી વાત સાચે  જીવાતી હોય છે.'

પોતાનું પત્રકારત્વ અને લખેલી સ્ટોરી  એમની મેટ્રીમોનિયલ એડ બની ગઈશિશિરભાઈના પત્ની પિંકી કહે છે, ‘મરાઠી ચિત્રલેખામાં શિશિરની લખેલીકરિયર કાઉન્સેલીંગ વિશેની સ્ટોરી છપાઈ હતીરામાવત અટક વાંચીને મારા પિતા ઓમપ્રકાશ રામાવતે થોડી વધુ તપાસ કરાવીઅમારા કોમન સંબંધીઓદ્વારા શિશિર અપરિણીત છે  વાત ખબર પડી અને પછી અમે મળ્યાં અને લગ્ન થયાંહું મૂળ તો આકોલી ગામનીશિશિરને મારી તસવીરો મોકલીહતી...’

 વાત ચાલતી હતી ત્યાં  શિશિરભાઈએ કહ્યું, ‘પિંકીની એક તસવીર હતી કથ્થક નૃત્ય કરતી હોય એવી તસવીરે મારું મન મોહી લીધું. ‘મને અંધારાબોલાવે મને અજવાળા બોલાવે’  નવલકથાની નાયિકા નિહારિકાને કથ્થકની ડાન્સર બતાવી હતી કલ્પના પણ પિંકીના કથ્થક ડાન્સ અનેપેશન્સમાંથી  આવી હતી.’

નિહારિકાની વાત નીકળી એટલે તરત  પિંકીબહેન કહે છે, ‘ નવલકથામાં મંદિરા નામનું સફળ પણ થોડું વેમ્પ ટાઈપ પાત્ર હતું પાત્રાલેખન થતું હતુંત્યારે મેં શિશિરને કહેલું કે થોડું ઓવર જાય છેકરોડોની આસામી એવી બિઝનેસવુમન પોતાને ગમતા પુરુષને પામવા માટે એક લેવલથી નીચે જાયઆમાં સુધારો કરો મુદ્દે અમારાં બંને વચ્ચે બહુ  દલીલો થઈ હતીએમ કહોને અમે રીતસર ઝઘડ્યાં હતાંમારી સાચી વાત શિશિર  માને ત્યાંસુધી હું એનો કેડો  મૂકું!’

શિશિરભાઈ કહે છે, ‘તમે એમ લખોને કે નવલકથા અમે જીવ્યા હતાંકેમકેશાંતનુ જ્યારે પિંકીના પેટમાં હતો ત્યારે પિંકીના ઉપસેલાં પેટ ઉપરસોનોગ્રાફીનું મશીન ફરતું હતું અને અમે દીકરાની મુવમેન્ટ જોઈ હતી  લાગણી પણ નવલકથામાં રિફ્લેક્ટ થાય છેનવલકથા અને નાટકો લખું ત્યારે તોમને પિંકીનો પ્રતિભાવ જોઈએ એને વંચાવ્યા વિના આગળ  વધુંવળીકોઈ પ્લોટ મનમાં ઘડાતો હોય ત્યારે પણ અમે ચર્ચા કરીએ.’

અત્યારે શિશિર રામાવાત ‘સંદેશ’ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિમાં ‘મલ્ટીપ્લેક્સ’ અને બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં ‘ટેક ઓફ’ તથા શુક્રવાનીસિનેમાની પૂર્તિમાં ‘બોલિવૂડ એક્સપ્રેસ’ નામની કૉલમ લખે છેસાથોસાથ ‘ચિત્રલેખામાં વાંચવા જેવું કૉલમ પણ નિયમિત રીતે આવે છેવાંચવા જેવુંકૉલમની વાત નીકળી એટલે તરત  પિંકી રામાવતે પોતાની વાત કહી કે, ‘થોડાં સમય પહેલાં એક લગ્નમાં અમારે જવાનું હતુંહું લગ્નમાં પહોંચી ગઈઅમારાં બંનેના લગ્ન જે વ્યક્તિના કારણે થયાં  વ્યક્તિના પરિવારમાં લગ્નનો પ્રસંગ હતોબધાં   લોકોને ખબર હતી કેશિશિર આવવાના છેહુંએમની રાહ જોતી હતી ત્યાં  એક ટોન સાથે મેસેજ આવ્યો કેસોરી હું લગ્નમાં નહીં આવી શકુંમેં એક બુક વિશે રિવ્યુ લખીને મોકલ્યો હતો, પણ છેલ્લીઘડીએ તંત્રીએ બીજી બુક વિશે રિવ્યુ કરીને મોકલવા કહ્યું છેડેડલાઈન માથા ઉપર છેતું લગ્નમાંથી ફ્રી થઈને તારી રીતે ઘરે આવી જજેમારી હાલત તોરડવા જેવી થઈ ગઈછેવટે  લોકોએ  કહ્યું કે લેખનની દુનિયાના લોકોનું એવું  હોયજવા દે...’

પિંકીબહેન કહે છે, ‘હવે તો શિશિર ઘરે બેસીને  એનું કામ કરે છે. પહેલાં તો ‘મિડ ડેમાં નોકરી કરતાં ત્યારે મધરાતે ઘરે આવતાદીકરા શાંતનુ માટે હવેમને કોઈ ચિંતા નથી રહેતીઘરે એની પૂરતી કાળજી લેવાય અને કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તેમનું સચવાઈ રહે છેહું એલઆઈસીમાં નોકરી કરુંછુંબંને નોકરી કરતાં હતાં ત્યારે હું ચાહવા છતાં અને ડિઝર્વ કરતી હોવા છતાં પ્રમોશન નહોતી લેતીશિશિરનો સાથ મળ્યો કે તરત  મેં પ્રમોશન લીધુંઆજે હું આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છું.’

‘મહેમાનોની અવરજવરને કારણે લખવાનું ખોટી થાયડેડલાઈન...’

 વાત પૂરી થાય  પહેલાં  પિંકીબહેન કહે છે, ‘શિશિર કોઈ દિવસ ડેડલાઈન નથી ચૂક્યાથોડા સમય પહેલાં ભાવનગરમાં મારા નણંદની દીકરીએકતાના લગ્ન હતાંઅમે  બધાં  લગ્ન એન્જોય કરતા હતાંઅને શિશિર એમનો લેખ લખવા બેઠા હતાંલેખકને ડેડલાઈન સાચવવી  પડે  બધાં લોકોને ખબર છે આથી કોઈ દિવસ તકલીફ નથી પડતીઘરે આવતાં લોકો પણ એડજસ્ટ થઈ જાય છેલેખનની દુનિયામાં નામ છે તેની ડેડલાઈનજાળવવા માટે કલમનું માન તો રાખવું  જોઈએ.’

રામાવત પરિવારનું ઘર મુંબઈના અંધેરી વિસ્તારમાં છેરસોડાં અને લખવાની નાની રુમ વચ્ચે ખુલ્લી બારી છેશિશિરભાઈનું લખવાનું ચાલતું હોય ત્યારેપણ  ખુલ્લી બારી કદીય બાધારૂપ નથી બની.

લેખક-સંપાદક-પત્રકાર  પછી સિરિયલના લેખક પણ ખરાં. ‘એક મહલ હો સપનોં કા’ અને બાલાજી ટેલિફિલ્મસ માટે ‘કહીં તો મિલેંગે’ સિરિયલ લખીપિંકીબહેન કહે છે, ‘શિશિર સિરિયલો લખતા ત્યારે હું કોઈને ખાસ  કહેતીહું એમને કહેતી કેસાસુ-વહુ વાળી સિરિયલો  લખશો પ્લીઝપણ જ્યારેએમણે આમીર ખાન પ્રોડક્શન સાથે કામ કર્યું ત્યારે હું બહુ  રાજી થયેલીમારા માટે  ગૌરવભર્યું સંભારણું છેમને ઓળખતાં તમામ લોકોને હું એકદમઅદબથી કહેતી કેશિશિર આમિરખાન પ્રોડક્શન સાથે કામ કરે છે.’

શિશિરભાઈ કહે છે, ‘લગાન’ ફિલ્મ સાથે જોડાયેલા સત્યજીત ભટકળે ‘સ્પિરિટ ઓફ લગાન’ લખ્યું પુસ્તકનો અનુવાદ મેં કર્યો રીતે મારે આમીર ખાન પ્રોડક્શન સાથે જોડાયેલી વ્યક્તિ સાથે ઓળખાણ થઈ  પછી ‘સત્યમેવ જયતે’ સિઝન- 2માં કામ લાગી પ્રોડક્શન હાઉસ સાથે જોડાવાથી મનેઘણું શીખવા મળ્યુંઅહીં બધાં  લોકો કામ સુપરલેટીવ ડિગ્રીમાં કરેપણ તમામ લોકોના વ્યક્તિત્વ એકદમ ડાઉન ટુ અર્થઆમીર ખાનથી માંડીને યુનિટસાથે જોડાયેલાં તમામ લોકો એટલાં સાલસ સ્વભાવના કે તમે કામ પૂરું કરીને રોજ ઘરે જાવ ત્યારે એક નવી વાત તમે શીખીને  ગયા હોય એવું લાગ્યાવિના  રહે.’ 

 માહિતી આપતી વખતે  પિંકીબહેન બોલ્યાં કેશિશિર નાટકોની વાત તો તમે કહી  નહીં....

શિશિરભાઈએ ‘તને રોજ મળું છું પહેલીવાર’, ‘જીતે હૈં શાન સે’, ‘હરખપદૂડી હંસા’, ‘હું ચંદ્રકાંત બક્ષી’ નાટકો લખ્યા છેશાંતનુ કહે છે, ‘ગુજરાતી ભાષાપ્રત્યેનો મારો લગાવ અકબંધ રહે  માટે મેં જૂહુની ઉત્પલ સંઘવી સ્કૂલમાં પ્રવેશ લીધો છેપપ્પાનું લખેલું નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ બે વાર જોયું છેમને સૌથી વધુ ગમે છે.’

શિશિરભાઈ કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી ઉપર લખેલું નાટક જ્યારે એમના દીકરી રીવાબહેને વખાણ્યું ત્યારે જાણે મને એવોર્ડ મળ્યો હોય એવું લાગ્યું હતુંહજુ એકપુસ્તક આવવાનું બાકી છે પુસ્તક છે તારક મહેતાની કૉલમ ‘દુનિયાને ઉંધા ચશ્મા’ વિશેપુસ્તકનું નામ છે ‘ઉંધા ચશ્માથી ઉલટા ચશ્મા’. કૉલમની સફરસિરિયલ સુધી કેવી રહી   વિશેની વાતને તેમાં આવરી લીધી છે.’શિશિર રામાવતને લેખનની દુનિયામાં સૌથી વધુ તો નવલકથા લખવી ગમે છેશિશિર રામાવતની કલમથી જે પરિચિત છે એમને અને એમના ચાહકોનેતો  વાંચીને એમ થયા વિના નહીં રહે કેસારું થયું શિશિર રામાવત શબ્દોના અને સંવેદનાના એન્જિનિયર થયાઅંઘેરીમાં આવેલાં ઘરના કલરફુલકવર-ટેપેસ્ટ્રી સાથેના સોફા ઉપર બેસીને શિશિરભાઈ એક વાત કહીને વાત પૂરી કરે છે કેપિંકી જો જોબ  કરતી હોત તો મારી ક્રિએટિવિટીને ખીલવા માટેઆટલી મોકળાશ  મળતમારા શબ્દોની ઉડાનની સાચી સાથીદાર પિંકી છે.

0000000000000000000

જ્યોતિ ઉનડકટ


'ચિત્રલેખા' અને 'અભિયાન' જેવા ગુજરાતના અગ્રગણ્ય મેગેઝિન્સ તેમજ 'સંદેશ' અને 'મુંબઈ સમાચાર' જેવા અખબાર માટે વર્ષો સુધી વિવિધ જવાબદારી નિભાવી ચૂકેલા જ્યોતિ ઉનડકટ ગુજરાતી પત્રકારત્વમાં નોખું તરી આવતું નામ છે. ગુજરાતી વાચકોએ એમની 'વાચા' અને 'એકમેકના મન સુધી' જેવી કૉલમોને દિલથી વાંચી અને વધાવી છે. આ ઉપરાંત જ્યોતિ ઉનડકટે આપણને 'વાચા' અને 'તારે મન મારે મન' જેવા પુસ્તકોની પણ ભેટ આપી છે.
0000000