Showing posts with label Steven Spielberg. Show all posts
Showing posts with label Steven Spielberg. Show all posts

Saturday, February 23, 2019

‘મ્યુનિક’માં શું છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 ફેબ્રુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
પુલવામામાં આપણા જવાનોનો જીવ લેનાર આતંકવાદી જૂથના એકેએક નરાધમને વીણી વીણીને મારી નાખવા જોઈએ એવો તીવ્ર રોષ જો તમારા મનમાં જાગ્યો હોય તો સ્ટીવન સ્પિલબર્ગની મ્યુનિક  ફિલ્મ જરૂર જોજો.


1972માં જર્મનીના મ્યુનિક શહેર એક એવા ઘટનાક્રમે આકાર લીધો જેણે આખી દુનિયામાં આઘાતના તરંગો ફેલાવી દીધા હતા. 36 વર્ષના લાંબા ગાળા બાદ જર્મની અતિપ્રતિષ્ઠિત ઓલિમ્પિકસ રમતોત્સવનું યજમાન બન્યું હતું. શાનદાર પ્રારંભ બાદ પહેલું અઠવાડિયું તો સરસ વીત્યું, પણ બીજા વીકમાં અકલ્પ્ય બનાવ બની ગયો. પાંચમી સપ્ટેમ્બર 1972ની વહેલી સવારે પેલેસ્ટાઇનના આતંકવાદીઓનું એક આખું ટોળું ખેલાડીઓને રહેવા માટે ઊભા કરવામાં આવેલા ઓલિમ્પિયાડમાં ઘૂસી ગયા. એમના નિશાના પર ઇઝરાયલના ખેલાડીઓ હતા. બે ઇઝરાયલી એથ્લેટ્સને તો આ નરાધમોએ ત્યાં જ ખતમ કરી નાખ્યા ને બીજા નવ ખેલાડીઓને બંદી બનાવ્યા. એમની ડિમાન્ડ હતી કે જો આ નવ ખેલાડીઓને જીવતા ભાળવા હોય તો ઇઝરાયલની જેલોમાં જે 234 પેલેસ્ટીનીઅનો ઉપરાંત બે જર્મન આતંકવાદીઓ પૂરાયેલા છે એમને છોડી મૂકવામાં આવે. વાટાઘાટ પડી ભાંગી. નવેનવ બંદીવાન ઇઝરાયલી ખેલાડીઓનો પણ ભોગ લેવાયો.

આવા ભયાનક હત્યાકાંડ પછી ઇઝરાયલની સરકારે શું કર્યું? પોતાના અગિયાર ખેલાડીઓને શોકાંજલિ આપીને હાથ પર હાથ ધરીને બેસી રહી? ના. લોખંડી જિગર ધરાવતાં ઇઝરાયલનાં તત્કાલીન મહિલા વડાંપ્રધાન ગોલ્ડા મીરે ગુપ્તચર સંસ્થા મોસાદના એજન્ટોની એક ટીમ બનાવીને આદેશ આપ્યોઃ તમે પેલેસ્ટાઇનમાં ઘુસો, આખી દુનિયામાં જ્યાં જરૂર પડે ત્યાં જાઓ... અને આપણા ખેલાડીઓની હત્યા કરનારા આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કરી નાખો! મોસાદના એજન્ટોએ એક્ઝેક્ટલી એવું જ કર્યું. આજે જેના વિશે વાત કરવી છે એ સ્ટીવન સ્પિલબર્ગની મ્યુનિક ફિલ્મ આ ઘટનાક્રમ પર આધારિત છે. તાજેતરમાં પુલવામામાં આપણા જવાનોની થયેલી નિર્દયી હત્યાના આઘાતમાંથી આપણે હજુ પૂરેપૂરા બહાર આવ્યા નથી. આક્રોશના આ માહોલ વચ્ચે કેવળ મ્યુનિક ફિલ્મ વિશે જ ચર્ચા થઈ શકે.     

મ્યુનિક રિલીઝ થઈ 2005માં, પણ અમેરિકન યહૂદી સ્પિલબર્ગના દિમાગમાં તો આ વિષય ક્યારનો ઘર કરી ગયો હતો. 1970ના દાયકામાં આતંકવાદ નામની આખી વસ્તુ આજે જેટલી છે એટલી કોમન નહોતી. પેલેસ્ટીનીઅન આતંકવાદીઓને વીણી વીણીને ઉડાવી દેવાના અત્યંત ગુપ્ત મિશનને ઓપરેશન રેથ ઓફ ગોડ એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યોર્જ જોનસ નામના લેખકે એના પરથી વેન્જન્સ (બદલો) નામનું પુસ્તક લખ્યું. મ્યુનિક ફિલ્મનો તે મુખ્ય આધાર. યુવલ અવિવ નામનો મોસાદનો ભૂતપૂર્વ એજન્ટ, કે જે પેલેસ્ટીનીઅન આતંકવાદીઓને ઉડાવી દેનાર ટીમનો લીડર હતો, એ લેખકનો મુખ્ય સોર્સ હતો. એણે શેર કરેલી અંદર કી બાતના આધારે આ પુસ્તક લખાયું છે.

વેન્જન્સ પુસ્તકના અધિકારો ખરીદ્યા બાદ સ્પિલબર્ગે કૂલ ચાર સ્ક્રિપ્ટરાઇટરોને સ્વતંત્રપણે પટકથા લખવાનું કામ સોંપ્યું. આ ચાર પૈકીના બે લેખકો જોડીમાં હતા. સ્પિલબર્ગે પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં આ ફિલ્મ બનાવવાનું કેટલાંય વર્ષ સુધી ટાળ્યા કર્યું હતું, કેમ કે મને એક પણ સ્ક્રિપ્ટમાં મજા જ નહોતી આવતી. મેં મારા ફિલ્મી દોસ્તારો ને બીજા કેટલાય લોકો સાથે આ વિષય પર ચર્ચા કરી હતી, પણ મને સંતોષ થતો નહોતો. આખરે મેં અને મારા સ્ક્રિપ્ટરાઇટર ટોની કશનરે મન મક્કમ કરીને પ્રોજેક્ટ હાથ પર લીધો. વિષય ખરેખર અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ હતો. સ્ક્રિપ્ટમાં કેટલાય સુધારાવધારા કર્યા અને નક્કી કર્યું કે આપણે એવી ફિલ્મ બનાવવી છે જે સંપૂર્ણપણે તટસ્થ હોય અને જેમાં કોઈની સાઇડ લેવામાં આવી ન હોય.

ફાયનલ સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી ત્યારે જ નક્કી હતું કે યુવલ અવિવ પર આધારિત મોસાદના મુખ્ય એજન્ટ એન્વરનો રોલ એરિક બાના નામનો એક્ટર કરશે. ફિલ્મમાં ડેનિયલ ક્રેગનો પણ મહત્ત્વનો રોલ છે. ડેનિયલ ક્રેગ પછી લેટેસ્ટ જેમ્સ બોન્ડ તરીકે વર્લ્ડ ફેમસ થયો. સ્પિલબર્ગ મૂળ આ ફિલ્મ 2003-04માં શૂટ કરવા માગતા હતા, પણ ત્યાં જ એમને ખબર પડી કે ટોમ ક્રુઝની તારીખો મળે એમ છે. આથી મ્યુનિકને પાછી અભેરાઈ પર ચડાવી દેવામાં આવી ને સ્પિલબર્ગે ટોમભાઈ સાથે મળીને વોર ઓફ ધ વર્લ્ડઝ (2005) બનાવી નાખી.



મજા જુઓ. ફિલ્મનું ટાઇટલ મ્યુનિક છે, પણ જર્મનીના આ શહેરમાં એક પણ સીનનું શૂટિંગ થયું નથી. મોટા ભાગના સીન હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન બન્ને ભયંકર ઉતાવળમાં કરવામાં આવ્યાં હતાં. સ્પિલબર્ગે પોતાની ટીમને કહી રાખ્યું હતું કે જો આપણે ક્રિસમસ પહેલાં ફિલ્મ રિલીઝ કરી શકીશું તો જ આગામી ઓસ્કરની રેસમાં સામેલ થઈ શકીશું. ટીમના મુખ્ય માથાંઓએ ભેગા મળીને નક્કી કર્યું કે માલ્ટા અને હંગેરીના બાર વીકના શેડ્યુલ દરમિયાન માત્ર શૂટિંગ જ નહીં, એડિટિંગ પણ સમાંતરે પતાવતાં જવું પડશે. એટલે માનો કે સોમવારે જે સીન શૂટ થયો હોય તે બે દિવસમાં એડિટ થઈને સ્પિલબર્ગ પાસે આવી જાય. તેઓ પોતાના તરફથી સુધારાવધારા સૂચવે. પછી ફાયનલ એડિટેડ સીનની બે કોપી બને. એક કોપી બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક માટે મોકલવામાં આવે ને બીજી સાઉન્ડ ઇફેક્ટ્સ માટે તાત્કાલિક રવાના કરવામાં આવે. આમ એક સાથે અનેક ઘોડા પર સવાર થઈને સ્પિલબર્ગ અને એમની ટીમે સઘળું કામકાજ પતાવ્યું. શૂટિંગ પૂરું થયું એના બે જ વીકમાં આખી ફિલ્મનો ફર્સ્ટ કટ રેડી હતો!  

ફિલ્મ રિલીઝ થઈ. પ્રતિક્રિયાઓ તદ્દન સામસામા છેડાની મળી. એક મોટો વર્ગ સ્ટીવન સ્પિલબર્ગ પર નવેસરથી ફિદા થઈ ગયો, તો ઇઝરાયલની સરકાર અને જમણેરી ઝોક ધરાવતા ઇરાઝરાયલ-તરફી જુથે સ્પિલબર્ગ પર ટીકાનો વરસાદ વરસાવી દીધો. શા માટે? ફિલ્મમાં પેલેસ્ટીનીઅન આંતકવાદીઓને મારવા નીકળેલા મોસાદના એજન્ટ્સની નૈતિક ગડમથલ દેખાડવામાં આવી છેઃ શું આ અમે બરાબર કરી રહ્યા છીએ? ફિલ્મનો સૂર એવો છે કે ઇઝરાયલની સરકારે ચુન ચુન કે બદલા લેવાની જરૂર જ નહોતી. આતંકવાદીઓ સાથે જેવા સાથે તેવા થવા જઈએ તો સરવાળે વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સૌનું નુક્સાન જ થવાનું છે. મ્યુનિક ફિલ્મના વિરોધનું મુખ્ય કારણ આઇડિયોલોજિકલ હતું. જેમને ફિલ્મ ગમી નથી એમનું માનવું હતું કે આ ફિલ્મ આડકતરી રીતે આપણને એવું કહે છે કે પેલેસ્ટાઇનના આતંકવાદીઓ અને ઇઝરાયલના એજન્ટો વચ્ચે તાત્ત્વિક રીતે ઝાઝો ફરક નથી. બન્ને કામ તો માણસોને મારવાનું જ કરે છેને. સ્પિલબર્ગ આંતકવાદીઓને સાથે મોસાદના એજન્ટોની સરખામણી કરી જ શી રીતે શકે? સ્પિલબર્ગે જોકે આ આખી દલીલ કે ટીકાને વજૂદ વગરની ગણી હતી.

ઇઝરાયલની સરકારે કહ્યું કે ફિલ્મમાં મોસાદની કામગીરીનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે તે સાવ ખોટું છે. અસલમાં જે ઘટનાઓ બની હતી તે આ ફિલ્મમાં દેખાડાય છે તેના કરતાં સાવ જુદી હતી. ઇઝરાયલી સત્તાવાળાઓએ ઘોષણા કરી કે મોસાદમાં યુવલ અવિવ (કે જેના ઇનપુટ્સના આધારે વેન્જન્સ પુસ્તક લખાયું હતું) નામનો કોઈ માણસ ક્યારેય હતો જ નહીં! યુવલે બચાવ કરતાં કહ્યું કે સત્તાવાળાઓએ કાયદેસર રીતે નનૈયો ભણવો જ પડે, આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. એક તબક્કે ઇઝરાયલ સરકારના પ્રવક્તાએ છેક ત્યાં સુધી કહી દીધું કે સ્પિલબર્ગને કહો કે એ  ડાયનોસોરની ફિલ્મો જ બનાવે, આ પ્રકારના વિષયને અડવાની ગુસ્તાખી ન કરે!

ન્યુઝવીક મેગેઝિને લખ્યું કે મોસાદે પેલેસ્ટીનીઅન આતંકવાદીઓનો વીણી વીણીને મારી નાખ્યા એ વાતમાં ઝાઝો દમ નથી. વાસ્તવમાં મ્યુનિક હત્યાકાંડને અંજામ આપનારા મોટા ભાગના અસલી આતંકવાદીઓ હાથમાં આવ્યા જ નહોતા. જે લોકોને આતંકવાદી ગણીને મારી નખાયા હતા એમને મ્યુનિક હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નહોતી. એમ તો ફિલ્મની છેલ્લી પાંચ મિનિટ દરમિયાન એવું સ્વીકારવામાં પણ આવ્યું છે કે મોસાદે જે આતંકવાદીઓને ઠાર માર્યા એ પૈકીના તમામ મ્યુનિક હત્યાકાંડમાં સીધા સંડોવાયેલા નહોતા.  એવું પણ કહેવાયું કે અસલિયતમાં મોસાદની કોઈ એક નહીં પણ ઘણી બધી ટુકડીઓને આતંકવાદીઓની પાછળ છોડવામાં આવી હતી. વળી, મોરોક્કોમાં એક શૂટઆઉટ દરમિયાન વેઇટર તરીકે કામ કરતો એક નિર્દોષ માણસ મરી ગયો હતો એ ઘટનાનો ફિલ્મમાં કોઈ ઉલ્લેખ જ નથી એની સામે પણ ઘણાને વાંધો પડ્યો.   

ખેર, વિરોધો ને વિવાદો તો થવાના જ. મ્યુનિક ફિલ્મે કમાણી કરી ખરી, પણ સ્પિલબર્ગની અન્ય ફિલ્મોની માફક તે બોક્સઓફિસ પર ધમાલ ન મચાવી શકી. ખેર, કમાણીના આંકડા અલગ વસ્તુ છે, પણ આ ફિલ્મ સ્પિલબર્ગની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ગણાય છે. એને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાઃ બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, એડિટિંગ અને સ્કોર (સંગીત). આ અફલાતૂન એક્શન થ્રિલર આખેઆખી યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. પુલવામામાં આપણા જવાનોનો જીવ લેનાર આતંકવાદી જૂથના એકેએક નરાધમને વીણી વીણીને મારી નાખવા જોઈએ એવો તીવ્ર રોષ જો તમારા મનમાં જાગ્યો હોય તો ફિલ્મ જરૂર જોજો.
0 0  



Saturday, January 20, 2018

સ્ટોરી છાપો… પછી ભલે જે થવું હોય તે થાય!

Sandesh - Sanskar Purti - January 21, 2018
મલ્ટિપ્લેક્સ
ફિલ્મનો સ્ટોરી-આઇડિયા સાંભળવો, અફલાતૂન કાસ્ટિંગ કરવું,  તડામાર તૈયારીઓ આરંભવી, શૂટિંગ કરવું, પોસ્ટ પ્રોડક્શન પતાવવું અને આ રીતે  'ધ પોસ્ટ' જેવી વર્લ્ડ-કલાસ ફ્લ્મિ તૈયાર કરીને ધામધૂમથી રિલીઝ પણ કરી દેવી - આ આ બધું નવ  જ મહિનાની અંદર શક્ય છે?  જો  તમે સ્ટીવન  સ્પિલબર્ગ હો તો બિલકુલ શક્ય છે!
The Post: Steven Spielberg (center) with Meryk Streep and Tom Hanks 

ઓસ્કર એવોર્ડ્ઝ અને ૪૦ ઓસ્કર નોમિનેશન્સ.




હજુ થોડા દિવસો પહેલાં જ રિલીઝ થયેલી હોલિવૂડની ફ્લ્મિ ‘ધ પોસ્ટ’ તમે જોતા હો ત્યારે તમારા મનના એક ખૂણામાં આ આંકડા ઉછળકૂદ કર્યા કરે છે. મનના બેકગ્રાઉન્ડમાં ‘…એન્ડ ઓસ્કર ગોઝ ટુ’વાળી ઘોષણા પછી વાગતું પેલું ‘ઢેન્ટેંણેંએએએ….’ ટાઇપનું ભવ્ય સંગીત ગૂંજતું રહે તે પણ શકય છે. કારણ સાદું છે. ‘ધ પોસ્ટ’ના નાયક ટોમ હેન્ક્સ છે, નાયિકા મેરીલ સ્ટ્રીપ છે, ડિરેકટર સ્ટીવન સ્પિલબર્ગ છે અને હોલિવૂડનાં આ ત્રણેય મહારથીઓએ સાથે મળીને અત્યાર સુધીમાં ટોટલ નવ ઓસ્કર એવોર્ડ્ઝ ઘર ભેગાં કરી નાખ્યા છે. ત્રણ મેરિલના, બે ટોમ હેનક્સના અને બે સ્પિલબર્ગના. આ ઉપરાંત ત્રણેયના મળીને કુલ 40 ઓસ્કર નોમિનેશન્સ તો લટકામાં!
ઉત્તેજના તો ‘ધ પોસ્ટ’ની ઘોષણા થઈ ત્યારથી જ ફેલાવા માંડી હતી. સ્પિલબર્ગ અને ટોમ હેન્ક્સ અગાઉ ચાર ફ્લ્મિોમાં સાથે કામ કરી ચૂકયા હતા (‘સેવિંગ પ્રાઇવેટ રાયન’, ‘ધ ટર્મિનલ’, ‘કેચ મી ઇફ્ યુ કેન, ‘બ્રિજ ઓફ્ સ્પાઇઝ’), પણ સ્પિલબર્ગ અને મેરીલ સ્ટ્રીપે કયારેય સાથે કામ નહોતું કર્યું. તે જ પ્રમાણે ટોમ હેન્ક્સ અને મેરીલ સ્ટ્રીપ પણ કયારેય સ્ક્રીન પર સાથે દેખાયાં નહોતાં. સ્પિલબર્ગ-ટોમ-મેરીલનું ખતરનાક કોમ્બિનેશન જોઈને સિનેમાના રસિયાઓના થનગનાટનો પાર નહોતો રહૃાો. સૌથી મજાની વાત તો આ છેઃ ફ્લ્મિ અપેક્ષા અને હાઇપ બંનેને સરસ રીતે સંતોષે છે.
શું છે ‘ધ પોસ્ટ’માં? સૌથી પહેલાં તો ‘ધ પોસ્ટ’ એટલે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’, અમેરિકાના સૌથી સફ્ળ અને સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંનું એક. આ ફ્લ્મિ સત્યઘટના પર આધારિત પોલિટિકલ-કમ-જર્નલિસ્ટિક ડ્રામા છે. પત્રકારત્વ કેન્દ્રમાં હોય એવી ‘સિટીઝન કેન’, ‘ધ ઇનસાઇડર’, ‘ઓલ ધ પ્રેસિડન્ટ્સ મેન’, ‘સ્પોટલાઇટ’ વગેરે જેવી ફ્લ્મિો આપણે અગાઉ જોઈ ચૂકયા છીએ. ‘ધ પોસ્ટ’માં પેન્ટાગોન પેપર્સ તરીકે કુખ્યાત થયેલા અને અમેરિકન સરકારે કરેલી ભયંકર ભૂલો, છબરડા અને જૂઠાણાં વિશે વટાણા વેરી નાખતા હજારો પાનાંમાં ફેલાયેલાં અત્યંત ખાનગી ડોકયુમેન્ટ્સ કેન્દ્રમાં છે.
૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલું વિયેતનામ વોર અમેરિકાને બહુ મોંઘું પડયું હતું. આ યુદ્ધમાં ૫૮ હજાર કરતાં વધારે અમેરિકન સૈનિકોએ જીવ ખોયો હતો. જો અમેરિકા વટમાં રહૃાું ન હોત, પોતાને જ તમાચા મારીને ગાલ લાલ રાખવાની નીતિને વેળાસર તિલાંજલિ આપી દીધી હોત તો કેટલાય સૈનિકોનો જીવ બચી ગયો અને દેશની તિજોરીને ઘા પર ઘા ન પડ્યા હોત. અમેરિકન પ્રશાસને આ વર્ષોમાં જે કંઈ ગોબાચારી કરી હતી એનું વિગતે વર્ણન કરતા અતિ સંવેદનશીલ અને કોન્ફ્ડિેન્શિયલ ડોકયુમેન્ટ્સ સૌથી પહેલાં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અને પછી ‘ઘ વોશિંગ્ટન પોસ્ટ’ના હાથમાં આવ્યા. 
ફ્લ્મિની સ્ટોરી એવી છે કે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ની પ્રકાશક કેથરિન ગ્રેહામ (મેરીલ સ્ટ્રીપ) ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે. એ છાપાની માલિકણ ખરી, પણ એની પાસે નથી પત્રકારત્વનો મિજાજ કે નથી એવી કોઈ તાલીમ. એના પિતાજીએ આ છાપું શરૂ કરેલું અને એનો હસબન્ડ સસરાજીનો ઉત્તરાધિકારી બન્યો. કોઈક કારણસર હસબન્ડ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો ને આખા છાપાની જવાબદારી કેથરિન પર આવી પડી. આત્મવિશ્વાસનો અભાવ હોવાથી કેથરિન મોટેભાગે તો આસપાસના પુરુષો જે કંઈ કહે એ પ્રમાણે કરતી રહે છે. આ પુરુષોમાં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના બાહોશ એડિટર-ઇન-ચીફ્ બેન બ્રેડલી (ટોમ હેન્ક્સ) પણ આવી ગયા. હજુ હમણાં જ કેથરિને ઇનિશિયલ પબ્લિક ઓફ્રિંગ (આઇપીઓ) લાવીને કંપનીને આર્થિક રીતે પગભગ બનાવવાની તજવીજ કરી હતી ને ત્યાં પેન્ટાગોન પેપર્સની મોકાણ શરૂ થઈ.

કેથરિને નિર્ણય લેવાનો છે કે પેન્ટાગોન પેપર્સના આધારે તૈયાર થયેલા સનસનાટીપૂર્ણ અહેવાલ પોતાના છાપામાં છાપવો કે ન છાપવો? અહેવાલ છપાય તો અમેરિકામાં ધમાલ મચી જાય તે નિશ્ચિત છે. તત્કાલીન પ્રેસિડન્ટ નિક્સને ખાનગી સરકારી દસ્તાવેજોને જાહેર કરી નાખવાના ‘ગુના’ બદલ કાનૂની પગલાં ભરીને ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને ઓલરેડી ચૂપ કરી નાખ્યું હતું. પત્રકારત્વનો ધર્મ કહે છે કે સરકારે કરેલી ગોબાચારીની વિગતો જનતા સામે આવવી જ જોઈએ, પણ ધારો કે કોર્ટમાં પહોંચી ચૂકેલા આ કેસનો ચુકાદો અખબારોની વિરુદ્ધ આવ્યો તો જેલભેગા થવંુ પડે ને કેથરિનની આખી કંપની પડી ભાંગે.
કેથરિન આખરે નીડર બનીને નિર્ણય લે છેઃ સ્ટોરી છાપો. પછી ભલે જે થવું હોય તે થાય! ફ્રન્ટ પેજ સ્ટોરી છપાય છે. અમેરિકાનાં બીજાં છાપાં પણ હિંમતભેર આ સ્ટોરીનું ફેલો-અપ કરીને જાણે કે કેથરિન અને બ્રેડલીની પડખે ઊભાં રહે છે. આખરે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છેઃ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નું કૃત્ય ગેરકાનૂની નથી. એમણે જે કર્યું છે તે એમનો પત્રકારત્વસિદ્ધ અધિકાર છે. આ જ તો અખબારી સ્વાતંત્ર્ય છે! પેન્ટાગોન પેપર્સની સ્ટોરી ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ને એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દે છે. પછી તો બહુ જ વગોવાયેલું વોટરગેટ કૌભાંડ પણ આ જ અખબાર બહાર પાડે છે જેના પરિણામે પ્રેસિડન્ટ નિકસને રાજીનામું આપવું પડે છે.
આ ફ્લ્મિની કથા પાછળની કથા પણ ઇન્ટરેસ્ટિંગ છે. પોતે આવી કોઈ ફ્લ્મિ બનાવવાના છે એની હજુ ગયા ફેબ્રુઆરી સુધી સ્ટીવન સ્પિલબર્ગને કલ્પના સુદ્ધાં નહોતી. એક બાજુ એમની ‘રેડી પ્લેયર વન’ નામની સાયન્સ ફ્કિશનનું પોસ્ટ પ્રોડકશન ચાલી રહૃાું હતું (આ ફ્લ્મિ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે) અને બીજી બાજુ તેમણે ‘ધ કિડનેપિંગ ઓફ્ એડગાર્ડો મોર્ટારા’ નામની આગામી ફ્લ્મિની તૈયારીઓ આંરંભી દીધી હતી. વાસ્તવમાં ‘ધ કિડનેપિંગ…’ની વાર્તા એમના મનમાં છ વર્ષથી ઘુમરાતી હતી, સ્ક્રિપ્ટિંગ પણ લગભગ પૂરું થઈ ગયું હતું. ફ્કત મુખ્ય કિરદાર માટે છ વર્ષના બાળકલાકારને ફાયનલાઈઝ કરવાનો બાકી હતો. સ્પિલબર્ગે લગભગ ત્રણ હજાર બાળકલાકારોનાં ઓડિશન્સની ટેપ જોઈ કાઢી, પણ એક પણ ટાબરિયો એમના મનમાં વસ્યો નહીં. આખી ફ્લ્મિ આ ચાઇલ્ડ આર્ટિસ્ટના ખભા પર ઊભી હોવાથી એની પસંદગીમાં બાંધછોડ કરવાનો સવાલ જ ઊભો થતો નહોતો.
શૂટિંગ શરૂ થવાને હવે થોડા અઠવાડિયા જ બાકી રહૃાા હતા. દરમિયાન સ્પિલબર્ગ પર એમના એજન્ટનો ફોન આવ્યોઃ હું તમને એક સ્ક્રિપ્ટ મોકલું છું. પેન્ટાગોન પેપર્સની થીમ છે, સરસ છે. સમય મળે ત્યારે નજર ફેરવી લેજો. માત્ર ધ્યાન અન્યત્ર પરોવવાના આશયથી સ્પિલબર્ગે સ્કિપ્ટ હાથમાં લીધી. વાંચતાની સાથે જ તેઓ ગેલમાં આવી ગયા. એમણે પોતાના કો-પ્રોડયૂસરને કહૃાું: હું ‘ધ કિડનેપિંગ…’નું શૂટિંગ કેન્સલ કરી રહૃાો છું અને એને બદલે રાતોરાત એક નવી ફ્લ્મિ પર કામકાજ શરૂ કરી રહૃાો છું... અને હા, આ ફ્લ્મિ કોઈપણ ભોગે આ જ વર્ષે (એટલે કે ૨૦૧૭માં જ) રિલીઝ થઈ જવી જોઈએ!
સ્પિલબર્ગની ઉત્તેજના સમજી શકાય એવી હતી. પેન્ટાગોન પેપર્સની વાર્તા આજના સમયમાં પણ પહેલાં એટલી જ, રાધર પહેલાં કરતાંય વધારે રિલેવન્ટ છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લેઆમ મીડિયા સામે કિન્નાખોરી રાખે છે તે આખી દુનિયા જાણે છે. ફ્રીડમ ઓફ્ પ્રેસ પર આખી દુનિયામાં અવારનવાર ઘા થતા રહે છે. અલબત્ત, વાંકમાં માત્ર સત્તાધારીઓ જ નથી. મીડિયાની ખુદની વિશ્વસનીયતા પણ સતત ઝંખવાઈ રહી છે. પેઇડ મીડિયા (એટલે કે યોગ્યતા કે સચ્ચાઈની પરવા કર્યા વગર પૈસા લઈને કંઈપણ છાપી આપતું કે નાણાં લઈને સાચી માહિતી દબાવી દેતું ધંધાદારી મીડિયા)નો ઉપાડો વધી ગયો છે. જાણે પત્રકારત્વના પવિત્ર સિદ્ધાંતો અને આદર્શો જાણે ભૂતકાળની કે નકામી વાત હોય એવો માહોલ ઊભો થવા માંડ્યો છે. આવી સ્થિતિમાં આ ફ્લ્મિ કાળાડિબાંગ આકાશમાં ચમકતી વીજળી જેવી અસર ઊભી કરી શકે. સો મણનો સવાલ એ હતો કે શું ગણતરીના મહિનાઓમાં આવી મહત્ત્વના વિષય પર ફ્લ્મિ બનાવીને રિલીઝ કરવું પ્રેક્ટિકલી શક્ય છે?

સ્પિલબર્ગે પોતાની ટીમની મેરેથોન મિટિંગ બોલાવી. લાંબી ચર્ચાને અંતે તારણ નીકળ્યું કે જો યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે તો આ શકય છે!
ફ્લ્મિની લેખિકા લિઝ હાનાએ આ સ્ટોરી મેરીલ સ્ટ્રીપને ઓલરેડી સંભળાવી દીધી હતી. મેરીલ તૈયાર હતાં એટલે સ્ટીવન સ્પિલબર્ગને જાણે ગોળનું ગાડું મળી ગયું. એમણે પોતાના જુના સાથી ટોમ હેન્કસનો સંપર્ક કર્યો. એમણે ફ્ટાક કરતી હા પાડી દીધી. સ્ટીવન સ્પિલબર્ગના ડિરેકશનમાં મેરીલ સ્ટ્રિપ સાથે કામ કરવાની તક કેવી રીતે જતી કરાય?
સ્પિલબર્ગે બંને મુખ્ય કલાકારોને હોમવર્કના ભાગરૂપે આ બે પુસ્તકો પકડાવી દીધાં. એક તો સ્વર્ગસ્થ કેથરિન ગ્રેહામની આત્મકથા ‘પર્સનલ હિસ્ટરી’ અને બીજું બેન બ્રેડલીનું પુસ્તક ‘અ ગુડ લાઇફ્ઃ ન્યૂઝપેપરિંગ એન્ડ અધર એડવન્ચર્સ’. મેરિલે પોતાની રીતે પણ સારું એવું રિસર્ચ કર્યું. કેથરિનને આત્મકથા લખવામાં મદદ કરનાર એવલિન સ્મોલ નામની લેખિકા સાથે એમણે કેટલીય બેઠકો કરીને કેથરિન કેવી વ્યકિત હતી એ વિગતે જાણ્યું. ‘પર્સનલ હિસ્ટરી’નું ઓડિયો વર્ઝન પણ ઉપલબ્ધ હતું, જે મેરિલે રિવાઇન્ડ કરી કરીને કેટલીય વાર સાંભળ્યું.
સ્ક્રિપ્ટમાં સુધારાવધારા કરવાનું કામ શરૂ થયું. ૨૦૧૫ની ઓસ્કર સીઝનમાં ખૂબ ગાજેલી જર્નલિઝમના થીમવાળી ‘સ્પોટલાઇટ’ ફિલ્મના લેખક જોશ સિંગરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. સ્ટીવન સ્પિલબર્ગ એક વાતે બિલકુલ સ્પષ્ટ હતા કે મારે આ ફ્લ્મિને સસ્પેન્સ ડ્રામાની જેમ ટ્રીટ કરવી છે. ગુંડાની પાછળ પોલીસ પડી હોય ને જે રીતે દિલધડક દ્રશ્યો સર્જાય બસ એવી જ રીતે આ ફ્લ્મિમાં પત્રકારોની ચેઝ સિકવન્સ હોય એવી થ્રિલ ઊભી થવી જોઈએ.
ન્યૂયોર્કમાં જ એક જૂની બિલ્ડિંગમાં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નો સેટ ઊભો કરવામાં આવ્યો. હવે સિત્તેરના દાયકમાં પ્રેસમાં વપરાતા લિનોટાઇપ મશીનો શોધવાના હતા. ફ્લ્મિના પ્રોડકશન ડિઝાઈનર સાચુકલા મશીનો શોધવા માટે અડધું અમેરિકા ખૂંદી વળ્યા, પણ મશીન આખરે ન્યૂયોર્કમાંથી, જે જગ્યાએ સેટ લગાવવામાં આવ્યો હતો એનાથી છેટે ત્રીજી જ બિલ્ડિંગમાંથી મળી ગયાં. કાંખમાં છોકરું ને ગામમાં ઘમાઘમ તે આનું નામ!
પ્રિ-પ્રોડક્શનનું કામ બાર અઠવાડિયાં ચાલ્યું. ૩૦ મેએ શરૂ કરવામાં આવેલું શૂટિંગ માત્ર સાઠ જ દિવસમાં, જુલાઇની ૨૮ તારીખે, પૂરું પણ થઈ ગયું. ૬ નવેમ્બરે સાઉન્ડ મિકિંસગ સાથેનો ફયનલ કટ તૈયાર થયો ને અઠવાડિયા પછી, ૧૩ નવેમ્બરે ફ્લ્મિ અમેરિકાના લિમિટેડ થિયેટરોમાં રિલીઝ કરી દેવામાં આવી. એક વર્લ્ડ-કલાસ ફ્લ્મિનો આઇડિયા સાંભળવાથી શરૂ કરીને, ફ્લ્મિ બનાવીને રિલીઝ કરવામાં સ્પિલબર્ગે પૂરા નવ મહિના પણ ન લીધા!
મિડીયા અને સત્તાધારી વચ્ચેની તલવારબાજીમાં રસ પડતો હોય અથવા તો સ્પિલબર્ગ, ટોમ હેન્કસ કે મેરીલ સ્ટ્રીપ આ ત્રણેયના યા તો ત્રણમાંથી કોઈ એકના પણ ફેન હો તો ‘ધ પોસ્ટ’ જરૂર જોજો. જલસો પડશે.
0  0 0 .

Tuesday, August 22, 2017

સ્ટીવન સ્પિલબર્ગની આજ-કાલ

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૦ ઓગસ્ટ ૨૦૧૭

કોલમ: મલ્ટિપ્લેકસ

 ગજબ છે સ્ટીવન સ્પિલબર્ગનું દિૃમાગ. એક-એકથી ચડિયાતી કેટલીય ફિલ્મોની ખિચડી એકસાથે એમના  ફળદ્રુપ ભેજામાં રંધાતી રહે છે. દૃુનિયાના સૌથી સફળ ફિલ્મમેકર ગણાતા સ્પિલબર્ગની કઈ ફિલ્મો આપણને આગામી બે-અઢી વર્ષ દૃરમિયાન જોવા મળશે? 



સ્ટીવન સ્પિલબર્ગ એક ફિલ્મમેકર તરીકે એટલી ઊંચાઈ પર પહોંચી ગયા છે કે એમણે ડિરેકટ કરેલી ધમાકેદૃાર નવીનક્કોર ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે જ નહીં, બલ્કે એમના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી રિલીઝ થવાની હોય ત્યારે પણ ફિલ્મરસિયાઓ પુલકિત થઈ જાય છે. જેમ કે, સુસાન લેસી નામના અવોર્ડવિનિંગ ડિરેકટરે સ્પિલબર્ગના જીવનના ચઢાવઉતાર આલેખતી એક દૃસ્તાવેજી ફિલ્મ બનાવી છે, જેનું વર્લ્ડ પ્રિમીયર સાતમી ઓકટોબરે એચબીઓ ચેનલ પર ગોઠવાયું છે. આ દિૃવસ ભુલી ન જવાય તે માટે સ્પિલબર્ગના ચાહકોએ કેલેન્ડર પર આ તારીખ ફરતે ઓલરેડી મોટું ચકરડું કરી નાખ્યું છે!

૭૦ વર્ષના સ્પિલબર્ગ દૃુનિયાના સૌથી સફળ ફિલ્મમેકર્સના લિસ્ટમાં શિરમોર છે. એમની ફિલ્મોએ કરોડો નહીં, અબજો રુપિયાની કમાણી કરી છે. ગજબની છે એમની રેન્જ. એક તરફ તેઓ ‘ઇટી', ‘જોઝ' અને ‘જુરાસિક પાર્ક' જેવી રોમાંચક બ્લોકબસ્ટર ફિલ્મો પેશ કરે છે તો બીજી, આપણા દિૃલના તાર ઝણઝણી ઉઠે એવી ‘શિંડલર્સ લિસ્ટ' તેમજ ‘સેવિંગ પ્રાઇવેટ રાયન' જેવી ઓસ્કરવિનિંગ વોર-ફિલ્મો બનાવે છે.

આવડો મોટો ફિલ્મમેકર પોતાની ઇમેજ વિશે કેવો સભાન હોય, પણ સ્ટીવન સ્પિલબર્ગે પોતાના પર બની રહેલી ડોક્યુમેન્ટરીની ગતિવિધિઓમાં સહેજ પણ દૃખલ કરી નથી. એમણે માત્ર ડાહ્યાડમરા થઈને ડિરેક્ટર સુસાન લેસીને પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીના અનુભવો વિશે દિૃલ ખોલીને ચર્ચા કરી છે. આ મુલાકાતોનું ફૂટેજ જ ત્રીસ કલાક જેટલું છે. આ ઉપરાંત સુસાને ટોમ હેન્કસ, ડેનિયલ ડે-લેવિસ, ડસ્ટિન હોફમેન, બેન કિંગ્સ્લે, લિઆમ નિસન, લિયોનાર્ડો દૃકેપ્રિયો, ડ્રુ બેરીમોર, ફ્રાન્સિસ ફોર્ડ કપોલા, માર્ટિન સ્કોર્સેઝી, જયોર્જ લુકાસ વગેરે જેવા સ્ટીવન સાથે કામ કરી ચુકનારા કંઈકેટલાય સેલિબ્રિટી કલાકારો અને સમકાલીનોની મુલાકાતો પણ લીધી છે. સ્ટીવન સ્પિલબર્ગ જે રીતે સિનેમાના માધ્યમને પચાવી ગયા છે અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયાને સમજી શકયા છે એનાથી આ સૌ પ્રભાવિત છે.

આ અઢી કલાકની ડોક્યુમેન્ટરી તો આપણે જોઈશું જ પણ આ સિવાય સ્ટીવન સ્પિલબર્ગનું બીજું શું શું નજીકના ભવિષ્યમાં આવવાનું છે?

સ્પિલબર્ગ હાલ જેના પર કામ કરી રહ્યા છે એ ‘રેડી પ્લેયર વન' નામની ફિલ્મ આવતા વર્ષે ૩૦ માર્ચે રિલીઝ થશે. સાયન્સ ફિકશન બનાવવાની સ્પિલબર્ગને હંમેશા ખૂબ મોજ પડી છે. આ ફિલ્મ અર્નેસ્ટ ક્લાઈન નામના લેખકની આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પર આધારિત છે. અર્નેસ્ટ ક્લાઈને ફિલ્મની સ્ક્રિપ્ટનું સહલેખન પણ કર્યુંં છે. ‘રેડી પ્લેયર વન'માં 27 વર્ષ પછીની દુનિયાની વાત છે.  સ્ટોરી એવી કંઈક આવી છે. 27 વર્ષ પછી વસતી એટલી બધી વધી ગઈ છે અને પર્યાવરણનો એવો ખો નીકળી ગયો છે કે દૃુનિયાનાં મોટાં ભાગનાં શહેરો વિરાટ ઝુંપડપટ્ટી જેવાં બનાં ગયાં છે. હાડમારીઓથી બચવા માટે લોકો ઓએસિસ નામની વર્ચ્યુઅલ દૃુનિયાનો સહારો લે છે. કામકાજ, ભણતર, મનોરંજન આ બધું વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમમાં જ થાય છે.

વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર)નાં ઉપકરણો અને ગેમ્સ આજે 2017માં પણ ખૂબ પોપ્યુલર છે. મનોરંજનની દૃુનિયામાં વર્ચ્યુઅલ રિયાલિટી એ થ્રી-ડાયમેન્શન પછીનું મોટું પગલું છે. આમાં મોટા ડાબલાં જેવાં ચશ્માં પહેરી લો એટલે તમારી આંખ સામે નહીં, પણ તમારી ચારે તરફ નવી દૃુનિયા ખૂલી જાય. તમે એ દૃુનિયામાં ‘પુરાઈ' જાઓ, તેનો હિસ્સો બની જાઓ. તમારી સામે ડાયનોસોર દૃોડતું દૃોડતું આવે ને તમે કાંપી ઉઠો. તમને ખબર પડે કે તમે દૃોઢસો માળની ઇમારતની અગાસીની સાવ ધાર પર ઊભા છો અને તમારો શ્ર્વાસ અધ્ધર થઈ જાય. તમે ડાબે-જમણે-ઉપર-નીચે-આગળ-પાછળ ગરદૃન ઘુમાવો એમ દૃશ્યો બદૃલાતાં જાય ને રોમાંચ ઘૂંટાતો જાય.

Ready Player One


‘રેડી પ્લેયર વન'ની વર્ચ્યુઅલ દૃુનિયા દૃેખીતી રીતે જ આના કરતાંય ક્યાંય વધારે એડવાન્સ્ડ હોવાની. એક ટીનેજર છોકરો ફિલ્મનો હીરો છે. એ અવારનવાર ઓએસિસ નામના પેલા વર્ચ્યુઅલ વર્લ્ડની મુલાકાત લે છે. અહીં આવીને ‘એનોરેક્સ ગેમ' નામની દિૃલધડક રમત રમવાનું એને ખૂબ પસંદૃ છે. એની જેમ કેટલાય લોકો આ ગેમ રમવા આવે છે, કેમ કે વિજેતાને ૨૪૦ બિલિયન ડોલર્સનું તોિંતગ ઇનામ મળવાનું છે. છોકરો ધીમે ધીમે ગેમમાં આગળ વધતો જાય છે ને પછી થવા જેવું અને ન થવા જેવું ઘણું બધું બને છે. મસ્ત વિષય છે ‘રેડી પ્લેયર વન'નો. (આજકાલ જેની બહુ ચર્ચા ચાલી છે તે જીવલેણ બ્લુ વ્હેલ ઓનલાઈન ગેમની યાદૃ આવી ગઈ, ખરું?) યુટ્યુબ પર જઇને આ ફિલ્મનું ટ્રેલર જોજો. ફિલ્મ તો ઠીક, આ ટ્રેલર પણ જલસો કરાવે એવું બન્યું છે.

હવે દૃુનિયાભરમાં વર્ચ્યુઅલ રિયાલિટીનાં માધ્યમમાં ફિલ્મો બનવાનું શરુ થયું છે. આ વખતના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુધ્ધાં આ વખતે પહેલી વાર અલ્હાન્દ્રો ઇનારીટુ નામના મોટા ગજાના ડિરેક્ટરે બનાવેલી એક વીઆર ફિલ્મનું સ્ક્રીિંનગ થયું હતું. સ્ટીવન સ્પિલબર્ગ જોકે આ માધ્યમથી બહુ ખુશ નહોતા. એમણે કહેલું કે વીઆર એક ખતરનાક માધ્યમ છે, કારણ કે આમાં તમે દૃર્શકને વધુ પડતી છૂટ આપી દૃો છો. ટુ-ડી કે થ્રી-ડી ફિલ્મમાં તો ડિરેક્ટર જે દૃેખાડે એ જ ઓડિયન્સે જોવું પડે, પણ વર્ચ્યુઅલ રિયાલિટીમાં પ્રેક્ષક મોઢું સહેજ આગળ-પાછળ કે આમતેમ ઘુમાવે એટલે ફટાક કરતું દૃશ્ય બદૃલી જાય. શક્ય છે કે એ પોતાને અનુકૂળ હોય એવી દિૃશામાં જ જોયા કરે અને તેને લીધે જે વાત કહેવાઈ રહી હોય એની તીવ્રતા બદૃલી જાય, ડિરેક્ટર દૃર્શકના મનમાં જે અસર ઊભી કરવા માગતા હતા તે ન થાય અને આ રીતે ડિરેક્ટરનો પાવર ઓછાં થઈ જાય. ખેર, હાલ પૂરતો તો સ્પિલબર્ગે વર્ચ્યુઅલ રિયાલિટીને જ પોતાની ફિલ્મનો વિષય બનાવી નાખ્યો છે.


ઓકે, આ સિવાય બીજી કઈ કઈ ફિલ્મો પર સ્પિલબર્ગસાહેબ કામ કરી રહ્યા છે? એક્ છે, ‘ધ કિડનેિંપગ ઓફ એડગર્ડો મોર્ટારા'. સ્પિલબર્ગના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મના ડિરેક્ટર પણ તેઓ ખુદૃ છે. ડેવિડ કર્ટઝર નામના પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખકનાં પુસ્તક પર આધારિત આ ફિલ્મમાં ૧૮૫૮નો સમયગાળો છે. ઇટાલીમાં રહેતા એક યહૂદૃી છોકરાનું શી રીતે અપહરણ કરીને બળજબરીથી ખ્રિસ્તી બનાવી નાખવામાં આવે છે, શી રીતે એનાં મા-બાપ એને છોડાવવા માટે સંઘર્ષ કરે છે અને શી રીતે આખી વાત રાજકીય રંગ પકડી લે છે એની વાત આ પુસ્તક્ અને ફિલ્મમાં છે. સ્પિલબર્ગની ‘ધ બ્રિજસ ઓફ સ્પાઈઝ' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટરનો ઓસ્કર જીતનાર માર્ક રાયલન્સ આમાં સર્વોચ્ચ ખ્રિસ્તી પાદૃરી બન્યા છે. રાયલન્સ, બાય ધ વે, ‘રેડી પ્લેયર વન'માં ઓએસિસ વર્ચ્યઅલ વર્લ્ડના કર્તાધર્તા બન્યા છે. ‘ધ કિડનેિંપગ ઓફ એડગર્ડો મોર્ટારા' કયારે રિલીઝ થશે તે વિશે હજુ સ્પષ્ટતા થઈ નથી.

સુપરડુપર ઇન્ડિયાના જોન્સ  સિરીઝનો પાંચમો ભાગ બનાવવાનો જ્યારથી સ્પિલબર્ગે ઘોષણા કરી છે ત્યારથી આ શૃંખલાના ચાહકોને રાહ જોવાનું શરુ કરી દૃીધું છે. આ ફિલ્મ છેક ૨૦૧૯માં રિલીઝ થશે. ‘ઇન્ડિયાના જોન્સ - પાર્ટ ફાઈવ' પછી સ્પિલબર્ગ કદૃાચ ‘ઇટ્સ વોટ આ ડુ' નામની ઓર એક ઐતિહાસિક ફિલ્મ બનાવશે.  ‘રોબોપોકેલિપ્સ' નામનો એક પ્રોજેક્ટ પણ ચર્ચાઈ રહ્યો છે. આ, અગેન, એક સાયન્સ ફિકશન છે, જેમાં ઓસ્કરવિનર જેનિફર લોરેન્સ નાયિકા બનશે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અમેરિકાના મૂળ આદિૃવાસીઓ રેડ ઇન્ડિયન્સ વચ્ચેના યુદ્ધની વાત છે. શકય છે કે આ ફિલ્મ સ્પિલબર્ગ માત્ર પ્રોડ્યુસ કરે, ડિરેકશન બીજા કોઈને સોંપી દૃે.



ટૂંકમાં, સ્પિલબર્ગસાહેબ બિઝી બિઝી છે. ગજબ છે એમનું દિૃમાગ. એક-એકથી ચડિયાતી કેટલીય ફિલ્મોની ખિચડી એકસાથે તેમાં રંધાતી રહે છે. વચ્ચે એક ઇન્ટરવ્યુમાં સ્ટીવન સ્પિલબર્ગે કહેલું કે, ‘મારી પાસે આજે કઈ ફિલ્મો બનાવવી ને કઈ ન બનાવવી તે નક્કી પૂરેપૂરી કરવાની સ્વતંત્રતા છે. આ સ્થિતિને હું મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણું છું. મારું લક્ષ્ય હંમેશાં એ જ રહ્યું હતું કે સફળતાના એવા સ્તર પર પહોંચી જવું કે જ્યાં હું મારી રીતે, કોઈની દૃખલઅંદૃાજી વગર, મારે જે વાર્તાઓ પડદૃા પર પેશ કરવી છે તે કરી શકું. એટલેસ્તો મેં મારો ખુદૃનો સ્ટુડિયો ઊભો કર્યો છે. મારા માટે આર્ટિસ્ટિક ફ્રીડમ કરતાં વધારે મૂલ્યવાન બીજું કશું જ નથી.'

બિલકુલ.

0 0 0



Monday, August 8, 2016

મલ્ટિપ્લેકસઃ બિગ ફ્રેન્ડલી રાઈટર!

Sandesh - Sanskar Purti - 7 Aug 2016
મલ્ટિપ્લેક્સ
આજ સુધીમાં જેમનાં પુસ્તકોની વીસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચુકી છે એવા બ્રિટીશ બેસ્ટસેલિંગ લેખક રોઆલ્ડ દાલની ઓર એક કૃતિ 'ધ બીએફજી'ને ફિલ્મનું સ્વરુપ મળ્યું છે. રોઆલ્ડ દાલે કેમ એવો નિર્ધાર કર્યો હતો કે પોતે જીવતા છે ત્યાં સુધી ખુદનાં એક પણ પુસ્તક પરથી ફિલ્મ નહીં જ બનવા દેu? 

સ્ટીવન સ્પિલબર્ગે ડિરેકટ કરેલી કોઈ પણ ફ્લ્મિ રિલીઝ થાય એટલે એમના ચાહકોને જાણે કોઈ ઉત્સવ આવ્યો હોય એવો આનંદ થાય છે. કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયા બાદ, અમેરિકા સહિત અન્ય દેશોમાં રિલીઝ થયા બાદ સ્પિલબર્ગની લેટેસ્ટ ફ્લ્મિ ‘ધ બીએફ્જી’ આખરે આપણે ત્યાં રિલીઝ થઈ ખરી. બાળકથાઓ લખવામાં જેમની ગજબની માસ્ટરી રહી છે.એવા બ્રિટિશ લેખક રોઆલ્ડ દાલનાં આ જ નામનાં પુસ્તક પરથી આ ફ્લ્મિ બની છે. (રોઆલ્ડની અટક દાલ છે, ડાલ છે કે દ્હાલ છે તે મામલે ઝાઝું કન્ફ્યુઝ ન થવું. એ લોકોને હજુ ‘ગાંધી’ જેવી વર્લ્ડફેમસ અટકનો સાચો ઉચ્ચાર કરતાં આવડયું નથી. દાયકાઓથી તેઓ ‘મિસ્ટર ગૅન્ડી… મિસ્ટર ગૅન્ડી’ કર્યા કરે છે. તો પછી આપણે શું કામ ટેન્શન લેવાનું?)
શું છે ‘ધ બીએફ્જી’માં? સોફી નામની આઠ-દસ વર્ષની એક મીઠડી બેબલી છે. અનાથાશ્રમમાં બીજા અનાથ બચ્ચાઓ સાથે એ રહે છે. એને અનિદ્રાની બીમારી છે, એટલે આખી રાત ભૂતની જેમ અનાથાશ્રમમાં ર્ફ્યા કરે છે ને પથારીમાં ગોદડું ઓઢીને ટોર્ચના અજવાળે વાર્તાની ચોપડીઓ વાંચતી રહે છે. એકવાર મધરાતે ત્રણેક વાગે ચોવીસ ફૂટ ઊંચો એવો રાક્ષસી બુઢો માણસ, ફ્રુટ કેકમાંથી જાણે ચેરી ઉપાડતો હોય તેમ, અનાથાશ્રમનાં દરવાજામાંથી હાથ નાખીને સોફીને ઊંચકીને ભાગી જાય છે. એના જાયન્ટલેન્ડમાં એના જેવા બીજા કેટલાંય રાક્ષસી કદના જીવો રહે છે. ર્ફ્ક એટલો છે કે એ બધા માનવભક્ષી છે, દુષ્ટ છે, જ્યારે આ બુઢો ભલો અને ફ્રેન્ડલી છે. સોફી એને ‘બીએફ્જી' (બિગ ફ્રેન્ડલી જાયન્ટ) એવું નામ આપે છે. બીએફ્જીનું કામ છે, લોકોનાં સપનાં પકડવાનું. પછી તો પાક્કાં દોસ્તાર બની ગયેલાં સોફી અને બીએફ્જી અજબગજબનાં કારનામા કરે છે. ઇંગ્લેન્ડની રાણીને વિશ્વાસમાં લઈને તેઓ જાયન્ટલેન્ડના માનવભક્ષી જીવોને પકડાવી દે છે ને છેલ્લે સૌ ખાઈ, પીને લિટરલી રાજ કરે છે.
વાર્તા તો સરસ છે. ફ્લ્મિ કેવી બની છે? વેલ, ફ્લ્મિમાં ચકિત થઈ જવાય એવાં અદ્ભુત વિઝ્યુઅલ્સ છે, સૌની એકિટંગ સરસ છે, મોશન કેપ્ચરિંગનો સરસ ઉપયોગ થયો છે, હ્યુમર પણ સારું છે, પણ કોણ જાણે કેમ, સાક્ષાત સ્ટીવન સ્પિલબર્ગે ડિરેકટ કરી હોવા છતાં ‘ધ બીએફ્જી’ એમની અગાઉની ફ્લ્મિો જેવી જમાવટ કરી શકતી નથી. ‘જુરાસિક પાર્ક’, ‘ઈટી’, ‘જૉઝ’ વગેરેમાં આપણે જેમ ખુરશી સાથે જડાઈને અધ્ધર શ્વાસે પહેલેથી છેલ્લે સુધી આંખો ફાડીને ફ્લ્મિ જોયા કરતાં હતા એવું ‘ધ બીએફ્જી’માં બનતું નથી. એકસાઈટમેન્ટ અને રોમાંચ ખાસ્સા ઓછાં પડે છે. ઈનફેકટ, જો આપણે હિન્દી ફ્લ્મિોની જેમ ‘ધ બીએફ્જી’ના બે ભાગ પાડીએ તો ર્ફ્સ્ટ હાફ્ ખાસ્સો ઠંડો પુરવાર થાય છે. કદાચ એ જ કારણ છે કે ‘ધ બીએફ્જી’ સ્ટીવન સ્પિલબર્ગની સૌથી ઓછું બોકસઓફ્સિ કલેકશન કરી શકનારી ફ્લ્મિોમાંની એક બનીને રહી ગઈ છે. ઠીક છે, દરેક બોલમાં સિકસર ન પણ લાગે.
રોઆલ્ડ દાલે જોકે પોતાની લેખક તરીકેની કરીઅરમાં સતત ફ્ટકાબાજી કરી છે. લેખક તો પછી બન્યા. મૂળ તેઓ ઇંગ્લેન્ડના એરફોર્સમાં પાઈલટ હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફાઈટર પ્લેન ઉડાડતા. પ્રમોટ થઈને તેઓ વિંગ કમાન્ડરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. એમની ખરી ઓળખ જોકે લેખક બન્યાં પછી ઊભી થઈ. બાળકો-કિશોરોને ધ્યાનમાં રાખીને લખેેલાં પુસ્તકોએ એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. એમ તો એમણે વયસ્કો માટે પણ વાર્તાઓ લખી છે ને ફ્લ્મિોના સ્ક્રીનપ્લે પણ લખ્યા છે. જેમ કે, એમનાં નામે ‘યુ ઓન્લી લિવ ટ્વાઈસ’ અને ‘ચિટ્ટી ચિટ્ટી બેન્ગ બેન્ગ’ જેવી જેમ્સ બોન્ડની બબ્બે ફ્લ્મિો બોલે છે. એમણે પોતાનાં ‘ચાર્લી એન્ડ ચોકલેટ ફેકટરી’ પુસ્તક પરથી સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું હતું, પણ ડેડલાઈન પર કામ પૂરું ન કરી શકયાં એટલે બીજા કોઈએ સ્ક્રિપ્ટ નવેસરથી લખી નાખી. તેના પરથી બનેલી ’વિલી વોન્કા એન્ડ ધ ચોકલેટ ફેકટરી’ નામની ફ્લ્મિ ૧૯૭૧માં રિલીઝ થઈ. ફ્લ્મિ જોઈને રોઆલ્ડનું દિમાગ ખરાબ થઈ ગયું. તેમણે જાહેર કરી દીધું કે આ ફ્લ્મિને હું મારાં પુસ્તક પરથી બનેલી ગણતો જ નથી. એમણે નક્કી કરી નાખ્યું કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારાં એક પણ પુસ્તક પરથી ફ્લ્મિ નહીં જ બનવા દઉં!
Steven Spielberg
૧૯૯૦માં ૭૪ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. ૧૯૯૧માં ‘હોમ અલોન’ ફ્લ્મિ આવી જે સુપરડુપર હિટ થઈ. બાળકને કેન્દ્રમાં રાખતી ફેમિલી ફ્લ્મિોમાં હોલિવૂડના સ્ટુડિયોવાળાઓને જોરદાર કસ દેખાયો. આ જૉનરમાં રોઆલ્ડનાં પુસ્તકો મસ્ત બંધ બેસે છે એટલે એની સોલિડ ડિમાન્ડ નીકળી, પણ રોઆલ્ડનાં વિધવા ફેલિસિટીએ નક્કી કરી નાખ્યું હતું કે હું મારા હસબન્ડની ઈચ્છાને માન આપીને પુસ્તકોના રાઈટ્સ નહીં વેચું. નાહકનાં અનાડી ફ્લ્મિમેકરો સોનાની લગડી જેવાં કલાસિક પુસ્તકોની વાટ લગાડી દેશે. રોઆલ્ડના પ્રકાશક (પેંગ્વિન)ને રોઆલ્ડનાં પુસ્તકો પરથી ફ્લ્મિો બને તેમાં ખૂબ રસ હતો. નેચરલી. તેમણે શ્રીમતી રોઆલ્ડ સાથે મીટિંગો કરી ખૂબ મનાવ્યા. માઈકલ સિગલ નામના અનુભવી લિટરરી એજન્ટ પણ મીટિંગોમાં હાજર રહેતા. આખરે ફેલિસિટી પુસ્તકોનાં અધિકાર વેચવા તૈયાર થયાં. સૌ એવા નિર્ણય પર પહોંચ્યા કે આપણે પુસ્તકના રાઈટ્સ સીધા સ્ટુડિયોને નહીં વેચવાના. એને બદલે આપણે એવા ડિરેકટરની રાહ જોવાની જેને રોઆલ્ડની વાર્તાઓ માટે ખરેખર દિલથી લગાવ હોય. વળી, ડીલ કરતી વખતે જ ચોખવટ કરી લેવાની કે ફ્લ્મિ હિટ થાય તોય સિકવલ નહીં જ બને. દેખીતું છે કે સિકવલ લખનારાં બીજા કોઈ હોવાના. રોઆલ્ડે ઘડેલી પાત્રસૃષ્ટિ શા માટે બીજા કોઈને સોંપવી? આ પ્રકારની શરત મૂકવી બહુ મોટી વાત છે, કેમ કે હોલિવૂડ તો હિટ ફ્લ્મિોની સિકવલો અને સિરીઝો માટે જાણીતું છે.
બસ, ત્યારથી રોઆલ્ડનાં પુસ્તકો પરથી ફ્લ્મિો બનાવવાનો કારભાર માઈકલ સિગલ સંભાળે છે. ૧૯૯૬માં ‘જેમ્સ એન્ડ ધ જાયન્ટ પીચ’ ફ્લ્મિ આવી. એ જ વર્ષેે ચમત્કારિક શકિતઓ ધરાવતી બાળકીની વાત કહેતી ’મટિલ્ડા’ પણ આવી. ૨૦૦૫માં ટિમ બર્ટને ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેકટરી’ની રિમેક બનાવી, જે બમ્પર હિટ થઈ. આ એક જ ફ્લ્મિે ૨૦૬ મિલિયન ડોલરનો અધધધ બિઝનેસ કર્યો. જ્હોની ડેપને ચમકાવતી આ ફ્લ્મિ રોઆલ્ડનાં પુસ્તક પરથી બનેલી સૌથી સફ્ળ ફ્લ્મિ છે. આપણે ત્યાં ટીવી પર તે સતત ટેલિકાસ્ટ થતી રહે છે. ત્યાર બાદ વેસ એન્ડરસને ‘ધ ફેન્ટેસ્ટિંક મિસ્ટર ફોકસ’ બનાવી અને ત્યાર બાદ સ્ટીવન સ્પિલબર્ગેે ‘ધ બીએફ્જી’ પર હાથ અજમાવ્યો.
આબાલવૃદ્ધ સૌને ગમે તેવી ફ્લ્મિ બનાવવી જેટલી અઘરી છે, એટલું જ અથવા કદાચ એના કરતાંય વધારે અઘરું કામ બાળકોને જોરદાર અપીલ કરે તેવી વાર્તાની ચોપડી લખવાનું છે. ઈનફેકટ, ટાર્ગેટ ઓડિયન્સનું એજગ્રુપ ગમે તે હોય, ફ્કિશન લખવું સ્વયં એક કઠિન કામ છે. રોનાલ્ડ દાલે લેખક બનવા માગતા ઉત્સાહીઓને સરસ ટિપ્સ આપી છે. લો, તમેય વાંચોઃ

૧. સૌથી પહેલાં તો, તમારી પાસે સોલિડ કલ્પનાશકિત હોવી જોઈએ.
૨. તમને સરસ લખતા આવડતું હોવું જોઈએ. સરસ લખવાનો મતલબ છે, તમારામાં કલમ (કે કી-બોર્ડ) દ્વારા વાચકનાં દિમાગમાં ચિત્ર ખડું કરી શકવાની કાબેલિયત હોવી જોઈએ. બધામાં આ કૌશલ્ય હોતું નથી. લેખનકળા એક કુદરતી વરદાન છે, જે કાં તો તમને મળ્યું હોય અથવા તો ન મળ્યું હોય.
૩. તમારામાં સ્ટેમિના હોવો જોઈએ. સ્ટેમિનાનો અર્થ છે, તમે જે લખવાનું શરૂ કર્યું હોય તે પૂરૂં ન થાય ત્યાં સુધી તંત ન છોડવો. કલાકોના કલાકો, દિવસોના દિવસો, અઠવાડિયાના અઠવાડિયા અને મહિનાઓના મહિના સુધી, ટૂંકમાં, ધી એન્ડ સુધી પહોંચી ન જવાય ત્યાં સુધી થાકયાં વગર એકધારું લખતાં જ રહેવું.
૪. તમારે પરફેકશનિસ્ટ બનવું પડે. તમે જે કંઈ લખ્યું હોય તેનાથી તમને કયારેય સંતોષ થવો ન જોઈએ. ફરી ફરીને રિ-રાઈટ કરવું. તમારી વાર્તાને શકય એટલો સારામાં સારો ઘાટ ન મળે ત્યાં સુધી મઠાર્યા જ કરવી.
૫. તમારામાં સ્વયં-શિસ્તનો ગુણ હોવો અનિવાર્ય છે. તમે લખતાં હશો ત્યારે એકલા હોવાના. કોઈએ તમને લખવાની નોકરીએ રાખ્યાં નથી. કોઈ તમારી હાજરી પૂરવા આવવાનું નથી. તમે લખવામાં ઠાગાઠૈયા કરતા હશો તો પણ કોઈ તમને ટોકવાનું નથી. ટૂંકમાં, તમારે તમારી જાત પાસેથી ચાબુક લઈને કામ કઢાવવું પડશે.
૬. તમારામાં સારું સેન્સ-ઓફ્-હ્યુમર હોવું જોઈએ. જો તમે પુખ્ત વાચકો માટે લખતાં હો તો અલગ વાત છે, બાકી બાળકો-કિશોરો માટે લખતાં હો તો રમૂજવૃત્તિ ખૂબ જરુરી બની જવાની.
૭. નમ્રતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો લેખક વિચારવા માંડે કે પોતે ફ્લાણુંઢીંકણું લખીને મોટો મીર માર્યો છે, તો એનું પતન નિશ્ચિત છે એમ જાણવું.
આ સાત સોનેરી સલાહો ઊભરતા જ નહીં, ઘડાયેલા લેખકોએ પણ મઢાવીને રાખવા જેવી છે!
શો-સ્ટોપર
ઉત્તમ ડિરેક્ટરો વૃદ્ધ થઈ જાય તો પણ તેમની ફ્લ્મિો બનાવવાનું પેશન અકબંધ રહેતું હોય છે. સ્ટુડિયોવાળા તેમને હાયર કરે તો તેઓ જાણે કોઈ પ્રાચીનકાળની ચીજ હોય તેવી રીતે તેમને ટ્રીટ કરતાં હોય છે. આથી મેં નક્કી કહી નાખ્યું કે હું પ્રાચીન કાળની ચીજ તો નહીં જ બનું! હું સતત મારી જાતને રિલેવન્ટ રાખીશ કે જેથી નવી પેઢીના પ્રોડયૂસરો-કલાકારો મને જૂનાં જોગીની જેમ ન જુએ.
– સ્ટીવન સ્પિલબર્ગ
0 0 0 

Wednesday, June 17, 2015

મલ્ટિપ્લેક્સ : શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ?

Sandesh - Sanskar purti - 14 June 2015 

મલ્ટિપ્લેક્સ 

સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?



વીસ વર્ષ પહેલાં 'રંગીલા' નામની મસ્તમજાની ફિલ્મ આવી હતી. એમાં નવી નવાઈનો ફિલ્મ ડિરેક્ટર બનેલો ગુલશન ગ્રોવર છાતી ફુલાવીને કહે છેઃ "મારી કોમ્પિટિશન અહીંના ડિરેક્ટરો સાથે થોડી છે? મારી કોમ્પિટિશન તો હોલિવૂડના ડિરેક્ટરો સાથે છે." ગુલશન ગ્રોવરના કિરદારનું નામ પાડવામાં આવ્યું હતું, સ્ટીવન કપૂર. એટલે કે શેખર કપૂર વત્તા સ્ટીવન સ્પીલબર્ગનાં નામોની ભેળપૂરી. વીસ વર્ષ પહેલાં સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ ગણાતા હતા. આજની તારીખે પણ સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?
શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ? ઘણું બધું. સૌથી પહેલાં તો એમણે પ્રોડયુસ કરેલી બ્રાન્ડ-ન્યૂ બ્લોકબસ્ટર 'જુરાસિક વર્લ્ડ' ભારત સહિત દુનિયાભરના દેશોમાં આ શુક્રવારે જ રિલીઝ થઈ. બાવીસ વર્ષ પહેલાં, ૧૯૯૩માં આપણે 'જુરાસિક પાર્ક'માં જીવતાજાગતા, ઉધામા મચાવતા રાક્ષસી ડાયનોસોરને જોઈને ચકિત થઈ ગયા હતા. આ ફિલ્મ સ્પીલબર્ગે ડિરેક્ટ કરી હતી. માઇકલ ક્રિચટન નામના જાણીતા સાયન્સ ફિક્શન રાઇટરે ૧૯૯૦માં 'જુરાસિક પાર્ક' નામની નવલકથા લખેલી. ધરતીના પટ પરથી જેનો હજારો વર્ષ પહેલાં સફાયો થઈ ચૂક્યો છે એવા ડાયનોસોર ધારો કે પાછા જીવિત થાય તો? 'જુરાસિક પાર્ક'નો આ કેન્દ્રીય વિચાર હતો. માઇકલ ક્રિચટનની નવલકથા છપાય તે પહેલાં જ એના પરથી ફિલ્મ બનાવવા માટે દોઢ મિલિયન ડોલરમાં રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા. પછી એમને ઔર પાંચ લાખ ડોલર આપીને કહેવામાં આવ્યું: ભાઈ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ તમે જ લખી આપો.
સ્ટીવન સ્પીલબર્ગે આ સ્ક્રીનપ્લેના આધારે એવી કમાલની ફિલ્મ બનાવી કે તરખાટ મચી ગયો. ૬૩ મિલિયનના ખર્ચે બનેલી'જુરાસિક પાર્કે' અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે? ૧૦૨૯ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૬૫,૯૮૦ અબજ રૂપિયા, ફક્ત! આ એક જ ફિલ્મના જોરે સ્પીલબર્ગે પોતે ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧૬ અબજ રૂપિયા) ઘરભેગા કર્યા છે. સિનેમાના ઇતિહાસની તે સૌથી સફળતમ ફિલ્મ ગણાઈ. 'જુરાસિક પાર્ક'નો બોક્સઓફિસ રેકોર્ડ ચાર વર્ષ પછી 'ટાઇટેનિકે' તોડયો.

'જુરાસિક પાર્ક'ના પ્રતાપે ડાયનોસોર નામનું આ મહાકદરૂપું અને કઢંગું પ્રાણી આબાલવૃદ્ધ સૌમાં એટલું બધું પોપ્યુલર બની ગયું કે વાત ન પૂછો. કહે છે કે ડાયનોસોર પર બીજી નવલકથા લખવાનો માઇકલ ક્રિચટનનો કોઈ ઇરાદો નહોતો, પણ સ્પીલબર્ગ સહિત સૌએ એવી જોરદાર ડિમાન્ડ કરી કે માઇકલભાઈની કલમ સટ-સટ-સટ કરતી ચાલવા લાગી. પુસ્તક બહાર પડયું એના પછીના વર્ષે ૧૯૯૬માં, આ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ બની. ૨૦૦૧માં ઔર એક સિક્વલ આવી- 'જુરાસિક પાર્ક-થ્રી'. થર્ડ પાર્ટ સાથે જોકે સ્પીલબર્ગ કે ક્રિચટન બન્નેમાંથી કોઈ સંકળાયા નહોતા. આ ફિલ્મને ખાસ હરખાવા જેવા રિવ્યૂઝ નહોતા મળ્યા, પણ આગલા બેય ભાગની માફક તે બોક્સઓફિસ પર હિટ તો થઈ જ.
આ શુક્રવારે રિલીઝ થયેલી 'જુરાસિક વર્લ્ડ'ને આ જ શૃંખલાની કડી સમજો. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક'માં ડાયનોસોરની દુનિયા જાહેર જનતા માટે ખુલ્લી મુકાય તે પહેલાં જ તેનો કચ્ચરઘાણ વળી જાય છે. 'જુરાસિક વર્લ્ડ'માં તે અધૂરું સપનું સાકાર થયું છે. ટૂરિસ્ટો ગીરના જંગલમાં સિંહ જોવા આંટા મારતા હોય તેમ અહીં ડાયનોસોરના ખેલ જોવા લોકો રીતસર લાઇનો લગાવે છે. મુખ્ય ડાયનોસોર અહીં લેબોરેટરીમાં પેદા કરવામાં આવ્યું છે! ફિલ્મમાં, ઓફકોર્સ, પરંપરા મુજબ શ્વાસ અધ્ધર થઈ જાય એવી ક્ટોકટીભરી સિચ્યુએશન્સ તો ઊભી થાય જ છે.
 'જુરાસિક પાર્ક' રિલીઝ થઈ તે પછીનાં બાવીસ વર્ષમાં આખી પેઢી બદલાઈ ગઈ છે. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક' જોનારો આઠ વર્ષનો ટેણિયો આજે ત્રીસ વર્ષનો પુખ્ત માણસ બની ગયો છે. થિયેટરમાં જઈને ફિલ્મો જોનારાઓમાં ૧૮થી ૩૨ વર્ષના એજગ્રૂપવાળા લોકો બહુમતીમાં હોય છે. 'જુરાસિક વર્લ્ડ' બનાવતી વખતે પ્રોડયુસર તરીકે સ્ટીવન સ્પીલબર્ગનો આઇડિયા એ જ હતો કે ૧૮-૩૨ વર્ષવાળા ક્રાઉડને ફરી વાર શા માટે થિયેટર તરફ ન ખેંચવા. ખાટલે મોટી ખોડ એ છે કે ડાયનોસોર હવે પોતાનું નાવીન્ય સાવ ગુમાવી ચૂક્યું છે. વચ્ચેના બે દાયકામાં કેટલીય ફીચર ફિલ્મો અને એનિમેશન ફિલ્મોમાં ડાયનોસોર દેખાઈ ચૂક્યું છે. એનાં રમકડાં અને જાતજાતની પ્રોડક્ટ્સ વેચાઈ ચૂકી છે. તેથી જ ગયા વર્ષે 'જુરાસિક વર્લ્ડ'નું પહેલું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઓડિયન્સનો પ્રતિસાદ ઠંડો હતો. લોકોને 'જુરાસિક વર્લ્ડ' જોવા કરતાં 'મેડ મેક્સઃ ફ્યુરી રોડ' અને 'સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ'જેવી સિક્વલો જોવામાં વધારે રસ હતો. સ્પીલબર્ગના સદ્ભાગ્યે 'જુરાસિક વર્લ્ડ'ની રિલીઝ ડેટ નજીક આવતી ગઈ તેમ તેમ ફિલ્મ હોટ-એન્ડ-હેપનિંગ બનતી ગઈ, ઓડિયન્સમાં ફિલ્મ પ્રત્યેનું કુતૂહલ વધતું ગયું. આજની 'મલ્ટિપ્લેક્સ' કોલમ તમારે ત્યાં આવશે ત્યાં સુધીમાં 'જુરાસિક વર્લ્ડ'નાં પર્ફોર્મન્સના પ્રારંભિક રિપોર્ટ જાહેર થઈ ચૂક્યા હશે.
૧૫૦ મિલિયન ડોલર કરતાંય વધારે ખર્ચે બનેલી 'જુરાસિક વર્લ્ડ'ના ડિરેક્ટર છે કોલિન ટ્રેવોરો, જેમણે અગાઉ 'સેફ્ટી નોટ ગેરેંટેડ'નામની ઓછી જાણીતી ફિલ્મ બનાવી છે. આપણને રસ પડે એવી વાત એ છે કે 'જુરાસિક વર્લ્ડ'માં આપણા ઇરફાન ખાને એક્ટિંગ કરી છે. ડાયનોસોરવાળો જે એન્ટરટેઇનમેન્ટ પાર્ક બન્યો છે એના શ્રીમંત માલિકનો રોલ ઇરફાને કર્યો છે. એક કથા એવી છે કે બાવીસ વર્ષ પહેલાં 'જુરાસિક પાર્ક' ફિલ્મ આવી હતી ત્યારે ઇરફાન પાસે થિયેટરમાં જઈને ટિકિટ ખરીદવાના પૈસા નહોતા. નસીબની બલિહારી જુઓ કે ફિલ્મના ચોથા ભાગમાં ઇરફાન સ્વયં એમાં અભિનય કરે છે!
(Update: As on 18 June 2015, Jurassic World now holds the record for the biggest opening in movie history with roughly $209 million.)

Steven Spielberg while shooting Jaws

આ જ મહિને સ્ટીવન સ્પીલબર્ગની બીજી એક મહત્ત્વની ઇવેન્ટ પણ છે. ૨૧ જૂને સ્પીલબર્ગે ડિરેક્ટ કરેલી'જોઝ' ફિલ્મના ચાલીસ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે યુનિવર્સલ સ્ટુડિયો આખા અમેરિકાના પાંચસો થિયેટરમાં 'જોઝ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું છે. 'જોઝ'સ્પીલબર્ગે બનાવેલી કેટલીય યાદગાર ક્લાસિક ફિલ્મોમાંની એક છે. ખૂંખાર શાર્ક સામે બાથ ભીડતા ત્રણ આદમીની સાહસકથા ટીવી પર જોવાની આપણને આજેય મજા પડે છે. 'જોઝ' સ્પીલબર્ગની ભવ્યાતિભવ્ય કરિયરની બીજી જ ફિલ્મ. તે વખતે એમની ઉંમર હતી માંડ ૨૯ વર્ષ. આજે સ્પીલબર્ગ ૬૮ વર્ષના સિનિયર સિટીઝન છે. માત્ર નવ મિલિયન ડોલરના ખર્ચે બનાવેલી 'જોઝે'કેટલી કમાણી કરી હતી? ૪૭૦ કરોડ મિલિયન! સ્પીલબર્ગ પહેલેથી જ હોલિવૂડના સ્ટુડિયોના કમાઉ દીકરા રહ્યા છે.
બીજાઓને ચિક્કાર કમાવી આપતા માણસે ખુદ ચિક્કાર કમાવું જ જોઈએ. આ ન્યાયે સ્પીલબર્ગ પ્રોડયુસર ભલે બની ગયા, પણ કમાવાના ચક્કરમાં તેમણે પોતાની ભીતર રહેલા ડિરેક્ટરને ક્યારેય નિષ્ક્રિય થવા દીધો નથી. હાલ તેઓ 'બ્રિજ ઓફ સ્પાઈઝ'નામની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં બિઝી બિઝી છે. આ ફિલ્મનો હીરો છે, સ્પીલબર્ગનો ફેવરિટ ટોમ હેન્કસ. આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે - 'સેવિંગ પ્રાઇવેટ રાયન', 'કેચ મી ઇફ યુ કેન', 'ધ ટર્મિનલ' અને હવે 'બ્રિજ ઓફ સ્પાઇઝ'. સ્પીલબર્ગને યુદ્ધના વિષયો ખૂબ આકર્ષે છે. અમેરિકા-સોવિયેત રશિયા વચ્ચે ૧૯૫૭થી ૧૯૬૦ના દાયકાના પ્રારંભિક વર્ષો દરમિયાન કોલ્ડ વોર ચાલતું હતું. 'બ્રિજ ઓફ સ્પાઇઝ' આ શીત યુદ્ધના બેકગ્રાઉન્ડમાં આકાર લે છે. ફિલ્મમાં જેમ્સ ડોનોવેન નામના એક અમેરિકન લોયર-કમ- નેવી ઓફિસર-કમ-પોલિટિશિયનની વાત છે. એણે પોતાની સમગ્ર કરિયર અને વિશ્વસનીયતાને દાવ પર મૂકીને એક રશિયન જાસૂસનો બચાવ કર્યો હતો. આ ફિલ્મ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
Steven Spielberg with Tom Hanks: On the set of Bridge of Spies

સ્પીલબર્ગને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જીવનગાથા પણ ખૂબ આકર્ષે છે. જો ડેવિડ ઓયેલોવો નામનો અશ્વેત એક્ટર માની જાય તો તેઓ માર્ટિન લ્યુથર કિંગના જીવન પર ફિલ્મ બનાવવા માગે છે. તકલીફ એ છે કે ડેવિડે હજુ હમણાં જ 'સેલ્મા' નામની ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મમાં માર્ટિન લ્યુથર કિંગનો રોલ કર્યો છે. એકનો એક રોલ એક્ટર કેટલી વાર કરે. ખેર, આ ફિલ્મ બને કે ન બને, પણ સ્ટીવન સ્પીલબર્ગના જાદુના પટારામાંથી નવી નવી ફિલ્મો આવતી જ રહેવાની. ટચવૂડ!
શો-સ્ટોપર

ઘણા બધા લોકોને મારા પ્રકારની ફિલ્મો ગમતી નથી. હું એક પ્રોડક્ટ બનાવું તો સોએ સો ટકા લોકોને તે પસંદ પડે જ તે જરૂરી નથી. ઇટ્સ ઓકે. આમાં કંઈ કોઈ સાથે ઝઘડો કરવા ન બેસાય.
- રોહિત શેટ્ટી (ડિરેક્ટર)

Thursday, July 25, 2013

હોલીવૂડ હંડ્રેડ: શિંડલર્સ લિસ્ટ : અગર તુમ ન હોતે...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ  - તા. ૨૬ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગ નામનો જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોર વિશેની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખ્યા. વોટ અ રેન્જ! નાઝી નરસંહાર વચ્ચે સેંકડો યહૂદીઓને બચાવનારા ઉસ્તાદ વેપારીની વાત કરતી આ ફિલ્મ સાચા અર્થમાં એક માસ્ટરપીસ છે.  



ફિલ્મ નંબર ૩૨. શિંડલર્સ લિસ્ટ 

કશી જ પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા ફિલ્મ પર આવી જઈએ. ૧૯૩૯નું વર્ષ છે. સ્થળ પોલેન્ડનું ક્રેકો નામનું નગર. બીજાં વિશ્ર્વયુદ્ધનો પ્રારંભ થઈ ચુક્યો છે. જર્મનીની સેનાએ પોલેન્ડના આર્મીને ત્રણ જ અઠવાડિયામાં હરાવી દીધું છે. ચેકોસ્લોવેકિયાથી ઓસ્કર શિંડલર નામનો એક સફળ અને રંગીન મિજાન બિઝનેસમેન અહીં આવી પહોંચે છે. એ ખુદ નાઝી પાર્ટીનો સભ્ય છે. પોલેન્ડની જ્યુ એટલે કે યહૂદી પ્રજામાં તેને સાવ સસ્તામાં શરીર તોડીને મજૂરી કરતા લાચાર કામદારો દેખાય છે. શિંડલરનો ઈરાદો એવો છે કે અહીં કારખાનું નાખી, આ ચીપ લેબરનો લાભ કરી, જર્મન મિલિટરીનાં રસોડા માટે જરુરી વાસણો મેન્યુફેક્ચર કરતી ફેક્ટરી નાખીને ચિક્કાર પૈસા બનાવવા. શિંડલર આમેય તકવાદી માણસ છે. મોંઘાદાટ કપડાં પહેરીને નાઈટ-ક્લ્બમાં મહાલતા અને નાઝી અધિકારીઓને શરાબની પાર્ટીઓ આપીને ખુશ રાખતા એેને સરસ આવડે છે. લાગતાવળગતાઓને પૈસા ખવડાવીને એ કારખાનું નાખવા માટેના જરુરી પરવાના મેળવી લે છે. આ પ્રકારનું કારખાનું એણે અગાઉ ક્યારેય ચલાવ્યું નથી એટલે એ ઈટ્ઝેક સ્ટર્ન (‘ગાંધી’ ફેમ બેન કિંગ્સલે) નામના લોકલ યહૂદી આદમીને પોતાના સલાહકાર તેમજ એડમિનિસ્ટ્રેટર તરીકે કામે રાખી લે છે. શિંડલર માટે કામ કરનાર યહૂદી કારીગરોને બહુ મોટો ફાયદો એ છે કે તેમને નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવામાં નહીં આવે. મતલબ કે શિંડલરના કારીગરોને બીજા યહૂદીઓની જેમ મારી નાખવાાં નહીં આવે, બલકે જીવતા રહેવા દેવામાં આવશે.

દરમિયાન એમોન ગોએેથ (રાલ્ફ ફાઈન્સ) નામનો એક જડભરત નાઝી ઓફિસર ક્રેકો આવે છે. એ નજીકમાં ક્યાંક ક્ધસ્ટ્રક્શનનું કામકાજ શરુ કરવા માગે છે. એના માટે ખૂબ બધા બંદીવાન યહૂદીઓની જરુર પડવાની છે. ભયાનક ક્રૂર માણસ છે આ ગોએથ. સવારે ઉઠીને સામાન્ય માણસ ચા-પાણી કરે, જ્યારે આ જલ્લાદ આળસ મરડતા મરડતા હાથમાં રાયફલ લઈને બાલ્કનીમાંથી જે કોઈ દેખાય એ યહૂદીને વીંધી નાખે. એમ જ, કશા જ કારણ વગર. જીવતાજાગતા માણસનું શરીર એના માટે રાયફલ શૂટિંગની પ્રેક્ટિસ કરવા માટે વપરાતાં પૂંઠાના કાર્ડબોર્ડ કટઆઉટથી વિશેષ નથી. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જવા આનાકાની કરનારનો, બુઢા  કે નકામા લાગતા લોકોનો એ એક પળનો વિચાર કર્યા વિના જીવ લઈ લે છે. એના અત્યાચાર જોઈને શિંડલર જેવો કાબો અને સ્વકેન્દ્રી માણસ વ્યથિત થઈ જાય છે. એ ગોએથ સાથે દોસ્તી કરી,  એને રિશ્વત આપી, પોતાના માટે એક સબ-કેમ્પ ઊભો કરે છે કે જેથી પોતાના કારીગરોને એમાં કામે લગાડીને તેમને સુરક્ષિત કરી શકાય.



થોડા સમય પછી ગોએથને ઉપરીઓનો આદેશ આવે છે કે એણે ઉભી કરેલી ક્ધસ્ટ્રક્શન સાઈટને વિખેરી નાખવી અને બચેલા યહૂદીઓને  ઓશ્કવિટ્ઝ (કે જ્યાં ગેસ ચેમ્બરમાં સૌને ઘાતકી રીતે મારી નાખવાના છે) નામના સ્થળે મોકલી આપવા. શિંડલર એને વિનંતી કરે છે કે તું મારા કારીગરોને મારી પાસે જ રહેવા દે, હું એ સૌને મોરાવિઆ નામની જગ્યાએ આવેલી મારી જૂની ફેક્ટરીમાં કામે લગાડી દેવા માગું છું. જે માણસોને ઓશ્કવિટ્ઝ મોકલવાના નથી એ લોકોનું એક લિસ્ટ શિંડલર અને સ્ટર્ન તૈયાર કરે છે. શિંડલરના આ લિસ્ટમાં સ્થાન પામતા પુરુષો તો સલામત રીતે મોરાવિઆ પહોંચી જાય છે, પણ કશીક ગરબડને કારણે સ્ત્રીઓ અને બાળકોને ભુલથી ટ્રેનમાં ઓશ્કવિટ્ઝ મોકલી દેવામાં આવે છે. અહીં મહિલાઓને ખોફનાક યાતનામાંથી પસાર થવું પડે છે. પહેલાં તો આડેધડ સૌના વાળ કાપી નાખવામાં આવે છે. પછી સંપૂર્ણ નગ્ન કરીને ગેસ ચેમ્બર જેવા દેખાતા એક ઓરડામાં ઘેટાબકરાંની જેમ ઠાંસી દેવામાં આવે છે. અચાનક  છતમાં ગોઠવેલા શાવરમાંથી પાણીની ધારાઓ છૂટે છે. તે દિવસે તો ખેર, તેમનો જીવ બચી જાય છે. શિંડલરને આ ઘટનાની ખબર પડતાં જ એ હાંફળોફાંફળો ઓશ્કવિટ્ઝ પહોંચે છે. ત્યાંના નાઝી કમાન્ડરને તોતિંગ લાંચ આપીને પોતાની તમામ મહિલા કામદારો અને બાળકોને  હેમખેમ સાઈટ પર લેતો આવે છે. અહીં એણે નાઝી ગાર્ડઝને ફેક્ટરીની અંદર પગ સુધ્ધાં મૂકવાની સખત મનાઈ દીધી છે.



વિશ્ર્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી યહૂદી કારીગરો માટે આ ફેક્ટરી અભેદ્ય કિલ્લો બની રહે છે. શિંડલરના નાણાં નાઝીઓને લાંચ આપવામાં ખતમ થઈ જાય છે. લડાઈ પૂરી થતાં સોવિયેટ રશિયાનું રેડ આર્મી હવે અહીં ગમે ત્યારે આવી પહોંચે તેમ છે. તે પહેલાં શિંડલરે અહીંથી નાસી જવાનું છે. એ અલવિદા કહેવા તમામ ફેક્ટરી વર્કર્સને ભેગા કરે છે. કારીગરો એમને એક કાગળ આપે છે, જેમાં લખ્યું છે કે તમે ભલે નાઝી હો, પણ તમે ગુનેગાર નથી, તમે તો અમારા માટે તો ભગવાન છે. શિંડલર ગળગળો થઈ જાય છે. એ લાગણીશીલ થઈને કહે છે કે હું હજુ ઘણું વધારે કરી શક્યો હોત, વધારે લોકોને બચાવી શક્યો હોત! બીજે દિવસે પરોઢિયે શિંડલર પત્ની સાથે નીકળી જાય છે. રશિયન સૈનિકો આવીને કારીગરો સામે ઘોષણા કરે છે કે યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે, તમે સૌ હવે આઝાદ છો! મુખ્ય કથા અહીં પૂરી થાય છે, પણ વાત ચાલુ રહે છે. હવે બચી ગયેલા રિઅલ-લાઈફ યહૂદીઓના દશ્યો આવે છે. સ્વાભાવિક રીતે જ હવે તેઓ બુઢા થઈ ગયા છે. પોતાનાં સંતાનો અને સંતાનોનાં પણ સંતાનોની સાથે સૌ શિંડલરની કબરનાં દર્શન કરવા આવ્યા છે. તે વખતે શિંડલરે ૧,૧૦૦ યહૂદીઓને બચાવ્યા હતા. હવે (એટલે કે ફિલ્મ બની તે વખતે) તેમની સંખ્યા વધીને ૬,૦૦૦ જેટલી થઈ ગઈ છે. આ બિંદુ પર આ અદભુત ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ થોમસ કેનીઅલી નામના લેખકનાં ‘શિંડલર્સ આર્ક’ નામનાં પુસ્તક પર આધારિત છે. યુનિવર્સલ સ્ટુડિયોના ટોપ બોસ સિડની શીનબર્ગે ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને સૌથી પહેલાં તો ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં છપાયેલા આ પુસ્તકનો રિવ્યુ વાંચવા માટે મોકલ્યો હતો. સ્પીલબર્ગ ખુદ યહૂદી છે. ઓસ્કર શિંડલરના કારનામા વાંચીને એ ઝુમી ઉઠ્યા. તેઓ માની ન શક્યા કે ખરેખર આવો કોઈ માણસ થઈ ગયો છે, જે ખુદ નાઝી હોવા છતાં સેંકડો યહૂદીઓનો જીવનદાતા બન્યો. આ તે કેવું વિરોધાભાસી વ્યક્તિત્ત્વ! એમને રસ પડ્યો એટલે યુનિવર્સલ સ્ટુડિયોએ પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા. સ્પીલબર્ગ પછી પોલ્ડેક ફેફરબર્ગ નામના માણસને મળ્યા. પોલ્ડેક એટલે પેલા બચી ગયેલા ૧૧૦૦ યહૂદીઓમાંના એ એક સજ્જન. ઈન ફેક્ટ, પોલ્ડેકને મળ્યા પછી જ લેખકે ‘શિંડલર્સ આર્ક’ પુસ્તક લખ્યું હતું. વાતચીતના અંતે પોલ્ડેકે પૂછ્યું: તો સ્પીલબર્ગસાહેબ, ક્યારે ફિલ્મ બનાવવાનું શરુ કરો છો? સ્પીલબર્ગે શાંતિથી જવાબ આપ્યો: દસ વર્ષ પછી! આ ૧૯૮૩ની વાત છે. સ્પીલબર્ગ એ વખતે ‘જાઝ’ તેમજ ‘ઈ.ટી.’ જેવી ફિલ્મો બનાવીને હોલિવૂડના હોટશોટ ડિરેક્ટર તરીકે પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા, પણ એમને લાગતું હતું કે નાઝી નરસંહાર જેવી અત્યંત ગંભીર ઐતિહાસિક ઘટનાને પડદા પર પેશ કરી શકવા જેટલી મેચ્યોરિટી હજુ પોતાનામાં આવી નથી. સ્પીલબર્ગે આ પ્રોજેક્ટ રોમન પોલન્સ્કી નામના પ્રતિષ્ઠિત ડિરેક્ટરને સોંપવાની કોશિશ કરી. પોલન્સ્કીની ખુદની માતાનો ઓશ્કવિટ્ઝની ગેસ ચેમ્બરનો ભોગ બની ચુકી હતી. એમણે ફિલ્મ બનાવવાની તૈયારી ન બતાવી એટલે સિડની પોલેક અને માર્ટિન સ્કોર્સેઝીનો સંપર્ક કરવામાં આવ્યો, પણ આ ફિલ્મની કુંડળીમાં સ્પીલબર્ગ જ લખાયા હતા. એમણે યુનિવર્સલના બોસ સિડની શીનબર્ગને (કે જેમને સ્પીલબર્ગ પોતાના મેન્ટર ગણે છે) નિર્ણય જણાવી દીધો: સર, હું તૈયાર છું. સિડનીએ કહ્યું: ઓલરાઈટ, આપણે આ ફિલ્મ જરુર બનાવીશું, પણ એક શરત છે. ‘શિંડલર્સ લિસ્ટ’ની પહેલાં તારે ‘જુરાસિક પાર્ક’ બનાવી નાખવી પડશે. સિડની જાણતા હતા કે સ્પીલબર્ગ એક વાર ‘શિન્ડલર્સ લિસ્ટ’ જેવી સત્યઘટના પર આધારિત હૃદયભેદક ફિલ્મ બનાવશે પછી ‘જુરાસિક પાર્ક’ જેવી કાલ્પનિક કથા નહીં ડિરેક્ટ કરી શકે!



શિંડલર જેવા રોલ પર, અફકોર્સ, આખા હોલીવૂડની નજર હોવાની. વોરન બેટ્ટી, કેવિન કોસ્નર અને મેલ ગિબ્સન જેવા એક્ટર્સને પાછળ રાખી દઈને લિઆમ નિસન નામના અભિનેતાએ બાજી મારી લીધી. સ્પીલબર્ગે એમને બ્રોડવેના એક નાટકમાં એક્ટિંગ કરતા જોયા હતા. એમોન ગોએથના રોલમાં રાલ્ફ ફાઈન્સને એટલા માટે લેવામાં આવ્યા કે સ્પીલબર્ગને એમની પર્સનાલિટીમાં ‘સેક્સ્યુઅલ એવિલ’ નજરે ચડતો હતો. ફિલ્મમાં જેના ભાગે ડાયલોગ આવ્યા હોય એવા કુલ ૧૨૬ પાત્રો છે. શૂટિંગ દરમિયાન ત્રીસ હજાર એકસ્ટ્રા કલાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગનું શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યું છે. જે ચોક્સાઈથી માણસોનાં ટોળાનાં દશ્યોને શૂટ કરવામાં આવ્યાં છે તે અપ્રતીમ છે. શરુઆત અને અંતને બાદ કરતાં ત્રણ કલાક આઠ મિનિટની આ ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ થઈ છે. વચ્ચે અચાનક બે જ અચાનક વખત રંગો દેખાય છે.

એવું તે શું બન્યું કે શિંડલર જેવા નફાખોર માણસનું એકાએક હૃદય પરિવર્તન થયું ને એણે દુશ્મન પ્રજાના સદસ્યોને બચાવવા પોતાની સઘળી મૂડી ફૂંકી મારી? આ પ્રશ્ર્નનો કોઈ ઉત્તર ફિલ્મ આપતી નથી. જીવનમાં અને આપણી આસપાસ ઘણું બધું ન સમજાય એવું, અતાર્કિક લાગે એવું બનતું હોય છે. ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે તેમ, ભયાનક કત્લેઆમની વચ્ચે આ રીતે વિરોધી છાવણીના સેંકડો માણસોને બચાવવાનું કામ શિંડલર જેવો અવિચારી અને બદમાશ જ કરી શક્યો હોત. વિચારી વિચારીને પગલાં ભરતા સેન્સિબલ માણસનું આ કામ નહીં!




‘શિંડલર્સ લિસ્ટ’ એક સાચા અર્થમાં માસ્ટરપીસ છે. ડિરેક્શન, અભિનય, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન જેવા લગભગ તમામ ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ઓડિયન્સને ચકિત કરી દે છે. સાત ઓસ્કર અવોર્ડ્ઝ જીતી લેનાર આ ફિલ્મે સ્ટીવન સ્પીલબર્ગને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દીધા. અત્યાર સુધી જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોરની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ઐતિહાસિક કરુણાંતિકા પર આધારિત ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખવામાં કામિયાબ નીવડ્યો. વોટ અ રેન્જ! એક વાર જોયા પછી કદી ભુલી ન શકાય એવી અદભુત ફિલ્મ.  

 ‘શિંડલર્સ લિસ્ટ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : સ્ટીવન સ્પીલબર્ગ
મૂળ લેખક         : થોમસ કેનીઅલી
સ્ક્રીનપ્લે          : સ્ટીવન ઝેલિઅન
કલાકાર           : લિઆમ નિસન, બેન કિંગ્સલે, રાલ્ફ ફાઈન્સ  
રિલીઝ ડેટ        : ૩૦ નવેમ્બર ૧૯૯૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન, એડિટિંગ અને ઓરિજિનલ સ્કોર માટેના ઓસ્કર અવોર્ડ્ઝ