Sunday, June 5, 2016

મલ્ટિપ્લેક્સ: મલ્ટિ-ટાસ્કિંગના મહારાજા

Sandesh - Sanskar Purti - 5 June 2016

મલ્ટિપ્લેક્સ


એન્જીનીયરિંગ, એમબીએ જેવાં ક્ષેત્રો અને અભિનય-લેખન-સંગીત જેવાં કળાનાં ક્ષેત્રો વચ્ચે હંમેશાં બાપે માર્યા વેર જ હોય એવું કોણે કહ્યું? ટેલેન્ટેડ યુવા અભિનેતા પ્રતીક ગાંધી  આ બન્ને ફિલ્ડ્સ સાથે મીઠા સંબંધો ધરાવે છે. રિલાયન્સ જેવા જાયન્ટ ગ્રૂપમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જવાબદારીભરી ફુલટાઈમ જોબ કરતાં કરતાં પ્રતીકે રંગભૂમિ ઉપરાંત ગુજરાતી સિનેમામાં પણ માનભર્યું સ્થાન મેળવ્યું છે. આવું કમાલનું સંતુલન તેઓ શી રીતે બનાવી શકે છે? ચંદ્રકાંત બક્ષીથી મહાત્મા ગાંધી સુધીના કેટલાંય જટિલ પાત્રોને રંગમંચ પર પ્રભાવશાળી રીતે સાકાર કરનારા અને આગામી શુક્રવારે મુંબઈ સ્થિત પૃથ્વી થિયેટરમાં એક અનોખો વિક્રમ બનાવવા જઈ રહેલા પ્રતીક ગાંધી સ્વયં એક ઈન્ટરેસ્ટિંગ કેસ-સ્ટડી છે. 
લેખની શરૂઆતમાં જ એક સ્પષ્ટતા. આજનો લેખ જેમના વિશે લખાયો છે એ અફ્લાતૂન એકટર પ્રતીક ગાંધી સાથે આ લખનાર પ્રોફેશનલ-ક્રિયેટિવ સ્તરે ભૂતકાળમાં સંક્ળાઈ ચૂકયો છે. પોતાનાં વર્તુળની વ્યકિતને લેખના વિષય તરીકે પસંદગી કરવી જરા પેચીદી બાબત છેકેમ કે આવી સ્થિતિમાં કોલમનિસ્ટની નૈતિક્તા પર જોખમ ઊભું થઈ શકે. આની સાથે એ વાત પણ એટલી જ સાચી કે માણસ તમારો પરિચિત હોય તો તે કંઈ એનો 'વાંકનથી. શ્રેષ્ઠતાની ઉપાસના કરતા કોઈ પણ ક્લાકારની સિદ્ધિ અને એની ક્રિયેટિવ પ્રોસેસ વિશે વિગતે વાત થવી જ જોઈએ. એમાંય એ જ્યારે વિક્રમ સર્જવા જઈ રહૃાા હોય ત્યારે તો ખાસ. 

શું છે આ વિક્રમ?
રંગભૂમિ પર વર્ષોથી ઉત્તમોત્તમ પર્ફોર્મન્સિસ આપતા રહેલા અને મસ્તમજાની 'બે યારફ્લ્મિના લીડ એક્ટર તરીકે નાટકે ન જોતાં ગુજરાતી ઓડિયન્સ સુધી પણ પહોંચી ચૂકેલા પ્રતીક ગાંધીની ટૂંક સમયમાં એમની બીજી મહત્ત્વાકાંક્ષી ગુજરાતી ફ્લ્મિ આવી રહી છે - 'રોંગસાઈડ રાજુ'. પણ તેની પહેલાંદસમી જૂને એટલે કે આવતા શુક્રવારેમુંબઈના પૃથ્વી થિયેટરમાં તેમનાં હિટ નાટક 'મોહનનો મસાલો'ના ત્રણ શોઝ થવાના છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના આમ તો સાવ સાધારણ લાગતા કઠિયાવાડી જુવાનમાં એવું તો શું હતું કે તેઓ આગળ જતાં મહાત્મા બન્યાઆ મુદ્દાને મનોરંજક રીતે પેશ કરતું આ નાટક વન-મેન-શો છે. પ્રતીક સતત પોણી-બે ક્લાક સુધી આ અત્યંત જટિલ કિરદારને એવી રીતે પર્ફોર્મ કરે છે કે પ્રેક્ષકે તેની જગ્યા પરથી ચસકી ન શકે. મનોજ શાહ નાટક્ના ડિરેક્ટર-પ્રોડયુસર છેતેજસ્વી યુવા લેખક ઈશાન દોશી લેખક છે અને સત્ય મહેતાએ તે સંવર્ધિત ર્ક્યું છે. 'મોહનનો મસાલોનાટક્ની હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ પણ બની ચૂકી છે. ત્રણેય ભાષાના શો દેશ-દુનિયામાં યોજાતા રહે છે. આવતા શુક્રવારે વિક્રમસર્જક વાત એ બનવાની છે કે ત્રણેય ભાષાના શોઝ બેક-ટુ-બેક યોજાવાના છે. પહેલાં ગુજરાતીપછી હિન્દી અને છેલ્લે ઇંગ્લિશ. એક જ ક્લાકારએક જ સ્થળેએક જ દિવસમાં,એક જ નાટક્ના ત્રણ ભાષાઓમાં ફુલ-લેન્થ વન-મેન-શો કરે એવું ભારતીય રંગભૂમિ પર અગાઉ કયારેય બન્યું નથી! લિમકા બુક ઓફ્ રેકેર્ડ્સવાળાઓએ ઓલરેડી પોતાની ગતિવિધિ શરૂ કરી દીધી છે.


મોહનનો મસાલો / मोहन का मसाला / Mohan's Masala

પ્રતીક ગાંધી સ્વયં એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ કેસ-સ્ટડી છે. લગભગ સર્વાનુમતે એવું સ્વીકારી લેવામાં આવ્યું છે કે માણસ જેન્યુઈન ક્લાકાર હોય - પછી તેનું ક્ષેત્ર અભિનયલેખનસંગીતચિત્રક્ળા કે બીજું કંઈ પણ હોઈ શકે - તો સફ્ળ થવા માટે એણે માત્ર પોતાની ટેલેન્ટ પર ફોક્સ કરવું જોઈએ. જો એ રૂટિન નોકરી - ધંધાના ચક્કરમાં પડશે તો દુઃખી દુઃખી થઈ જશે ને ઘરનો કે ઘાટનો કયાંયનો નહીં રહે. મોટે ભાગે આવું બનતું પણ હોય છેપરંતુ આજે જેમનો એક અભિનેતા તરીકે ચારેકોર મહિમા થઈ રહ્યો છે એ પ્રતીક ગાંધી એક સિનિયર કોર્પોરેટ પ્રોફેશનલ પણ છે. રિલાયન્સ જેવા જાયન્ટ ગ્રૂપમાં તેઓ ડેપ્યુટી જનરલ મેનેજર (ઈન્ડસ્ટ્રિઅલ એન્જિનિયરિંગ કોર્પોેરેટ એચઆર) તરીકે જવાબદારીભરી  ફુલટાઈમ કામગીરી બજાવી રહૃાા છે. પ્રતીક એક એવા સફ્ળ આર્ટિસ્ટ છે જેને એન્જિનીયર તરીકે પણ હંમેશાં મોજ પડી છે! યાદ રહેકોઈ હળવી ને સલામત સરકારી નોકરી કરતાં કરતાં સાઈડમાં અભિનય-લેખન વગેરે કરતાં રહેવું તે એક વાત છે, પણ કોર્પોરેટ જગતની ગળાકાપ સ્પર્ધા વચ્ચે ખુદને પુરવાર કરતાં રહીનેસતત પ્રમોટ થતા જઈને સમાંતરે અભિનયજગતમાં પણ પોતાની ધાક પેદા કરવી તે તદ્દન જુદી જ બાબત છે.     
'મને કયારેય એક સમયે એક જ વસ્તુ કરતાં આવડયું જ નથી!પ્રતીક ગાંધી સ્મિતપૂર્વક ક્હે છે,  'ક્દાચ મારી પ્રકૃતિ જ એવી છે.'
આ પ્રકૃતિ ઘડાવા પાછળ ક્દાચ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય કારણભૂત હોઈ શકે. સુરતમાં જન્મેલા પ્રતીક પહેલાં સાત ધોરણ આ સ્કૂલમાં ભણ્યા છે. 'સ્કૂલનાં નામમાં 'પ્રવૃત્તિશબ્દ એટલા માટે હતો કે અમને રેગ્યુલર વિષયો ભણવા ઉપરાંત સુથારીકામખેતીકામવણાટકામસંગીત જેવા વિષયોની પ્રેક્ટિક્લ પરીક્ષાઓમાં પણ ફરજિયાત પાસ થવું પડતું,' પ્રતીક ક્હે છે, 'અમારી સ્કૂલનું પોતાનું ખેતર હતું જ્યાં અમે કોદાળી-પાવડા લઈને પહોંચી જતા. પહેલા-બીજા ધોરણમાં અમે કોથમીરલીમડો ને એવું બધું વાવતા. તે ઊગે એટલે અમારા ટીચર સૌને થોડું થોડું આપે અને ક્હે પણ ખરા કે તમે ખેતરમાં જે મહેનત કરી હતી તેનું આ ફ્ળ છે. ચોથા-પાંચમા ધોરણમાં અમારા હાથમાં કરવત-હથોડી આપી દેવામાં આવેલીસુથારીકામ શીખવા! મને યાદ છેસાતમા ધોરણમાં અમે ચાર છોકરાઓએ સાથે મળીને લાક્ડાનું ટેબલ બનાવેલું. અમે રૂ પણ કાંતતા અને શર્ટ પર બટન ટાંક્વાનું પણ શીખતા. સ્કૂલના એન્યુઅલ ફ્ંક્શનમાં બચ્ચાઓએ નાટક પણ જાતે જ તૈયાર કરવાનું. મારી સ્કૂલના આ પ્રકારના ક્લ્ચરને લીધે હું ખૂબ ઘડાયો છું. હવે જોકે જીવનભારતી રેગ્યુલર સ્કૂલ બની ગઈ છે.'
'કલ્લુ-બલ્લુ': બાળકલાકાર પ્રતીક પોલીસની વેશભૂષામાં
પ્રાઈમરી સ્કૂલનાં આ વર્ષોમાં પ્રતીકે કરેલું 'ક્લ્લુ-બલ્લુ' નામનું પહેલું પ્રોપર નાટકરાધર નૃત્યનાટિકા દૂરદર્શન પર ટેલિકસ્ટ થયું હતું. આઠમા ધોરણથી સુરત-અડાજણની શ્રી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલમાં ટ્રાન્સફર થઈ. પ્રતીક્ના પિતાજી જયંત ગાંધી આ સ્કૂલમાં ગુજરાતી-અંગ્રેજીના ટીચર. પ્રતીક ક્હે છે, 'અમારા ફેમિલીમાં બધા ટીચર જ છે. મારાં મમ્મી (રીટા ગાંધી) પણ નર્સરીમાં ટીચર હતાં. પર્ફોર્મિંગ આર્ટ્સમાં સૌને રસ. પપ્પા એમના જમાનામાં વૈજયંતિમાલા પાસે ભરતનાટયમ શીખતા અને બહુ સરસ રીતે ફોક-ડાન્સ કેરિયોગ્રાફ કરતા. જોકે અભિનયના ક્ષેત્રમાં જવાવાળો અમારી ફેમિલીમાંથી હું પહેલો છું.'
નવી સ્કૂલમાં 'આઝાદીની ગૌરવગાથાનામના ફુલ-લેન્થ મ્યુઝિક્લ ડ્રામા તૈયાર કરાવવા માટે મુંબઈના જાણીતા રંગર્ક્મી નટખટ જયુને ખાસ તેડાવવામાં આવ્યા હતા. નાનક્ડા પ્રતીક્ને સૂત્રધારની ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરવામાં આવેલા. પ્રતીક અને બીજા એક છોકરાને નાટક્ની ટ્રેનિંગના ભાગરૂપે નટખટ જયુએ સુરતમાં એક મહિના સુધી પોતાની સાથે રાખીને ખૂબ બધું શીખવ્યું હતું. પ્રોફેશનલ થિયેટર આર્ટિસ્ટ સાથેનો પ્રતીક્નો આ પહેલો સંપર્ક. 
પ્રતીક્ને નાટક-સંગીત-ડાન્સ ઉપરાંત ગણિત-વિજ્ઞાનમાં ય બહુ મજા પડતી. ભણવામાં હોશિયાર હોય એવા કોઈ પણ સ્ટુડન્ટની માફક્ પ્રતીકે પણ બારમા પછી મેડિક્લ યા તો એન્જિનીયરિંગમાં જવાનું નક્કી કરી નાખ્યું હતું. મા-બાપનું કોઈ દબાણ નહોતું. ડિગ્રીમાં એડમિશન ન મળી શક્યું એટલે સુરતની ગાંધી કોલેજમાં મિકેનિક્લ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કરવા માંડ્યા.

અમારી કોલેજમાં થિયેટરનો માહોલ નહોતો એટલે પપ્પાએ મને ક્શ્યપ જોશીના આશિયાના પરિવાર નામના થિયેટર ગ્રૂપમાં મૂક્યો. દર વર્ષે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નાટ્યસ્પર્ધાઓ યોજાય છે. આવી એક કોમ્પિટીશનમાં અરણ્ય રુદનનામના નાટક્માં હું દરબાર બન્યો હતો ને એમાં મારે એક જ લાઈન બોલવાની હતી - આ રહૃાો તમારો ગુનેગાર.બસ, આટલું જ!


ડિપ્લોમા ડિસ્ટિંકશન સાથે પાસ ર્ક્યા બાદ ઈન્ડસ્ટ્રીઅલ માર્કેટિંગની જોબ લીધી. પૈસા એક્ઠા ર્ક્યા ને એમાંથી ઘૂલિયાની એક એન્જિનીયરિંગની કોલેજના ડિગ્રી કોર્સની એડમિશન ફી ભરી. ઓલરેડી ડિપ્લોમા ર્ક્યો હતો એટલે મિકેનિક્લ એન્જિનીયરિંગના ડિગ્રી કોર્સમાં ભણવાની પ્રતીક્ને વિશેષ મજા આવતી હતી. વીકએન્ડમાં સુરત આવવાનું, નાટકેનાં રિહર્સલ કરવાના અને ભજવવાના. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ જલસા કરવામાં અને વેકેશનમાં રખડી ખાવામાં ઉસ્તાદ હોય છે, પણ પ્રતીક વેકેશનમાં દોઢ-બે મહિના ઘરે આવે ત્યારે પણ નાના-નાના પ્રોજેકટ્‌સ કે શોર્ટ-ટાઈમ જોબ્સ કરી લેતા.

મને નવરા બેસી રહેવાનું ફાવતું જ નથી,’ પ્રતીક ક્હે છે, ‘પપ્પાને મેં ખૂબ મહેનત કરતાં જોયા છે. મારાં નાની હંમેશાં ક્હેતાં કે બધાને કામા (એટલે કે કામઢા લોકો) વહાલા હોય, ધામા (નવરાધૂપ બેસી રહેતા લોકો) વહાલા ન હોય. આ વાત મારા દિમાગમાં છપાઈ ગઈ છે.

સુરતમાં શો કરવા આવતા મુંબઈનાં મેઈનસ્ટ્રીમ નાટકોની ભવ્યતા અને પ્રોફેશનલ અપ્રોચ જોઈને ધીમે ધીમે એક વાતે સ્પષ્ટતા થઈ રહી હતી કે જો થિયેટરમાં આગળ વધવું હશે તો સુરતથી બહાર નીક્ળવું પડશે. ફાયનલ યરની એકઝામ પછી પ્રતીક સીધા મુંબઈ આવી ગયા. જૂન ૨૦૦૪ની આ વાત. સંબંધીને ત્યાં રહેવાનું શરુ ર્ક્યું. પ્રોડ્યુસર અને પીઆર પ્રોફેશનલ મનહર ગઢિયાએ મુંબઈની ક્મર્શિયલ સરક્ટિના કેટલાક લોકો સાથે એમનો ભેટો કરાવ્યો. થોડા અરસા પછી ફિરોઝ ભગત - અપરા મહેતાનાં આ પાર કે પેલે પારનાટક્માં રોલ મળ્યો. વિપ્રા રાવલ પણ ટીમમાં હતાં. આ નાટકે અઢીસો શો ર્ક્યા. ખૂબ શીખવા મળ્યું. જોકે પ્રતીક્ને તે પહેલું અને છેલ્લું પ્રોફેશનલ નાટક બની રહૃાું. કમસે કમ અત્યાર સુધી તો ખરું જ. 


નાટક્ના શો રાત્રે હોય. આખો દિવસ કરવું શું? જોબ! બે મહિનાનો એક પ્રોજેકટ તો ફ્રીલાન્સ એન્જિનીયર તરીકે આ પાર કે પેલે પારની પહેલાં જ કરી લીધો હતો. પછી કઝિન સાથે મળીને વોટર ટેન્કસ કલીન કરવાની એજન્સી શરુ કરી.  રેસિડેન્શિયલ બિલ્ડિંગો પર મોબાઈલના ટાવર ઊભા કરવાના કોન્ટ્રેકટ લીધા, ફ્રીલાન્સર તરીકે એન્જિનીયરિંગ પ્રોજેકટ્‌સ પણ ર્ક્યા.

મને ક્હેવામાં આવતું કે તું આ રીતે આડાઅવળાં કામ કરતો રહીશ તો એકિટંગની કરીઅર પર શી રીતે કોન્સન્ટ્રેટ કરી શકીશ? માત્ર અભિનય સિવાય બીજું ક્શું જ ન કરવાની કોશિશ પણ મેં કરી જોઈ હતી, પણ પાંચ-છ મહિના એવા ગયા જ્યારે મારી પાસે ક્શું જ કામ નહોતું. સર્વાઈવલનો સવાલ હતો. હું સમજતો હતો કે જો હું મુંબઈમાં ટકી રહીશ તો જ મને કામ મળશે ને તો જ આ શહેરમાં સ્થાયી થઈ શકીશ. કોઈ પણ ફિલ્ડમાં સફળ થવું હોય તો ટકી રહેવું પડે, કામને વળગી રહેવું પડે. મારા કઝિનની ઈવેન્ટ મેનેજમેન્ટ ક્પની હતી. એણે મને નાની-મોટી ઈવેન્ટ્‌સનું કોમ્પેયરિંગ કરવાનું કામ આપવા માંડ્યું. બચ્ચાની બર્થ-ડે પાર્ટી હોય, કોઈ બિલ્ડિંગની અગાસી પર ગેધરિંગ હોય, જુહુ જિમખાના- ખાર જિમખાના વગેરેમાં ક્શીક ઈવેન્ટ હોય તો હું કોમ્પેઅર તરીકે જતો. આ રીતે હું ક્રાઉડ સાથે ડીલ કરતાં શીખ્યો. મને બહુ મજા આવે છે આ કામમાં. ઈન ફેકટ, હું આજેય ક્યારેક ક્યારેક કોમ્પેઅરિંગ કરી લઉં છું.’ 

દરમિયાન મનોજ શાહનું મરીઝનાટક જોવાનું બન્યું. ધર્મેન્દ્ર ગોહિલનું પર્ફોર્મન્સ જોઈને પ્રતીક્ને જાણે બ્રહ્મજ્ઞાન લાધ્યુંઃ આ કરેકટ છે. આવું જ કરાય! ધમેન્દ્રે એમની ઓળખાણ મનોજ શાહ સાથે કરાવી. મનોજ શાહે માસ્ટર મેસ્ટ્રો સ્વામીનામના પાંત્રીસ-ચાલીસ આર્ટિસ્ટોવાળાં મૂંગા એકસપેરિમેન્ટલ નાટક્માં એક રોલ આપ્યો. પ્રતીકે આમાં સ્ટેજ પર એક્રોબેટિકસ અને ડાન્સ કરવાનો હતો. આ શરુઆત હતી એક એકટર અને એક ડિરેકટર વચ્ચેના લાંબા તેમજ સંતોષકારક અેવા નક્કર સંબંધની. પ્રતીકે કરેલું આઈડિયાઝ અનલિમિટેડ બેનરનું બીજું નાટક એટલે અપૂર્વ અવસર’, જેમાં ધર્મેન્દ્ર ગોહિલની સાથે પ્રતીક ગાંધી અને પુલક્તિ સોલંકી પણ લાજવાબ અભિનય ર્ક્યો. આ નાટક દેશ-વિદેશમાં ખૂબ ચાલ્યું. પ્રતીક આમાં છ-સાત ભુમિકા ભજવતા હતા. ત્યાર બાદ જૂજવા રુપ અનંત ભાસેઅને અન્ય નાટકો આવ્યા. ૨૦૦૮માં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં જોબ સ્વીકારી અને જિંદગીએ નવો લય પક્ડ્યો. 

'અમરફળ'

એક વાત બિલકુલ કલીયર થઈ ગઈ હતી કે મેઈનસ્ટ્રીમ ક્મર્શિયલ નાટકો કરવાનો ઓપ્શન હવે મારી પાસે રહેવાનો નથી કેમ કે એમાં બહારગામ ટૂર કરવાની હોય જે જોબને કારણે શક્ય ન બને,’ પ્રતીક ક્હે છે, ‘આથી હું સમાંતર રંગભૂમિને જ એકસપ્લોર કરી શકું તેમ હતો.

સમાંતર રંગભૂમિ પર પણ સરસ નાટકોમાં સારા રોલ મળવા જોઈએ. પ્રતીકે ફુલટાઈમ જોબને બેલેન્સ કરતાં કરતાં અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’, ‘મેરા પિયા ગયો રંગૂન’, ‘અમરફળ’, ‘માસ્ટર મેડમ’  જેવાં ઘણાં નાટકો ર્ક્યા. સાત તરી એક્વીસ’ (પાર્ટ વન અને ટુ) અને છ ચોક્ ચોવીસથી મોનોલોગની શૃંખલા શરુ થઈ. પહેલું શિખર આવ્યું હું, ચંદ્રકાંત બક્ષી’ નાટકથી. પ્રતીક્ને ઘર અને છેક નવી મુંબઈ ખાતે આવેલી ઓફિસ વચ્ચે આવ-જા કરવામાં રોજ ત્રણ-ચાર ક્લાક થઈ જાય. રિર્હસલ શરુ થયા એટલે પ્રતીકે કાર ડ્રાઈવ કરવાને બદલે લોક્લ ટ્રેનમાં આવ-જા કરવાનું શરુ કરી દીધું. આખો દિવસ ઓફિસમાં કામ ર્ક્યા પછી પાછા ફરતી વખતે લોકલ ટ્રેનની ચિક્કાર ભીડમાં એક હાથે હેન્ડલ પક્ડ્યું હોય ને બીજા હાથમાં નાટક્ની ફાઈલ ઝાલી હોય. ડાયલોગ્ઝ વાંચવાના ને યાદ કરતા જવાના. પાર્લા સ્ટેશને રાત્રે નવ-સાડાનવે રેબઝેબ ઉતરીને સીધા રિહર્સલ પર પહોંચવાનું. મનોજ શાહ એમને ક્હે કે ભાઈ, જરા થાક ખાઈ લે, ચા-નાસ્તો કરી લે, તો પ્રતીક્નો જવાબ હોયઃ ના, સર. આપણે શરુ કરી દઈએ! ને પછી તરત પોતાની પોઝિશન લઈને ફટ-ફટ-ફટ કરતાં ડાયલોગ્ઝ બોલવા માંડે.  મને સતત એ વાતની સભાનતા રહેતી હોય છે કે મારી ઓફિસના ટાઈમિંગ સાચવવા માટે ડિરેકટર રાત્રે આટલા મોડા રિહર્સલ ગોઠવે છે,’ પ્રતીક ક્હે છે, ‘મને થિયેટરની જરુર છે, થિયેટરની મારી જરુર નથી. હું તૈયારી વગર રિહર્સલ પર પહોંચું તે કેવી રીતે ચાલે?’

રિહર્સલના તે સમયગાળા દરમિયાન ક્યારેક મનોજ શાહ પોરસાઈને કહેતા, 'ચંદ્રકાંત બક્ષી પોતાના અલકા સ્ટોરમાં સવારના નવથી રાત્રે દસ સુધી મહેનત કરતા, જ્યારે મારા બક્ષીબાબુ (પ્રતીક) સવારના નવથી રાતના સાડાઅગિયાર સુધી પરસેવો પાડે છે!

હું, ચંદ્રકાંત બક્ષી’ નાટકે પ્રતીક્ને એક જુદી જ ભ્રમણક્ક્ષામાં મૂકી દીધા. તે પછી બે યારદ્વારા ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી મારી. આ ફિલ્મ ન્યુ વેવ ગુજરાતી સિનેમામાં સીમાચિહ્ન રુપ પૂરવાર થયું. ત્યાર બાદ આવ્યું મોહનનો મસાલો’. જૂન મહિનાના પ્રારંભમાં સાબરમતી જેલમાં સેંકડો કેદીઓ સામે આ નાટક ભજવવાનો અનુભવ ગજબનો રહ્યો. લેખના પ્રારંભમાં નોંધ્યું તેમ, આગામી શુક્રવારે એટલે કે દસમી જૂને પ્રતીક આ એક એકપાત્રીય ફુલલેન્થ નાટક બેક-ટુ-બેક ત્રણ ભાષાઓમાં ભજવીને એક રેકોર્ડ બનાવવા જઈ રહૃાા છે. વચ્ચે ઓફિસમાંથી ફરી એક વાર લાંબી રજાઓ લઈને ગુજરાતી થ્રિલર રોંગસાઈડ રાજુનું શૂટિંગ પતાવ્યું. આ મહત્ત્વાકંક્ષી ફિલ્મ અભિષેક જૈનના પ્રોડકશન હાઉસ તેમજ અનુરાગ ક્શ્યપ એન્ડ પાર્ટીના ફેન્ટમ ફિલ્મ્સ બેનર દ્વારા સંયુકતપણે હેઠળ મિખિલ મુસળેના ડિરેકશનમાં તૈયાર થઈ રહી છે.

પ્રતીક ફિટનેસ ફ્રીક છે. આટલા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ જો રોજ એકાદ ક્લાક એકસરસાઈઝ ન કરે તો એમને ચેન પડતું નથી! ભરપૂર પરિશ્રમ કરવાની ક્ષમતા, ક્ડક શિસ્તપાલન અને સાલસ સ્વભાવ પ્રતીક્ને અન્યો કરતાં જુદા પાડે છે. પ્રતીક્નાં પત્ની ભામિની ગાંધી તો એમનું ય માથું ભાંગે એવાં તગડાં એકટ્રેસ છે જે હાલ વેઈટિંગ રુમ્સનાટક દ્વારા તરંગો સજી રહૃાાં છે. ભામિની સાથે બે પાત્રોવાળું નાટક કરવાની પ્રતીક્ને તીવ્ર ઈચ્છા છે. નેચરલી. 


શું જોબ કરવાને બદલે પ્રતીક શરુઆતથી જ જીદપૂર્વક ફક્ત અને ફક્ત અભિનયજગતમાં રમમાણ રહ્યા હોત તો શું એક એક્ટર તરીકે આજે હાંસલ કર્યું છે એના કરતાં અનેકગણું વધારે પ્રાપ્ત કરી શક્યા હોત? ખબર નથી. આનાથી ઊલટું, ધારો કે તેમણે ફકત કોપોર્રેટ કરીઅર પર સમગ્ર શક્તિઓ કેન્દ્રિત કરી હોત તો તેઓ તે ક્ષેત્રમાં ઘણા વધારે આગળ વધી ગયા હોત? આનો જવાબ પણ આપણે જાણતા નથી. કદાચ આ 'જો-અને-તો'વાળા સવાલોનો કશો મતલબ હોતો નથી. જે છે તે આપણી આંખ સામે છે. જે કંઈ બન્યું છે તે સુંદર છે, ઉત્તમ છે. હું તો કેવળ એક્ટર / રાઈટર / સિંગર / વોટેવર બનવા સ્રર્જાયો છું એવું માની લઈને પોતાનું ભણતર, ડિગ્રી વગેરે તોડી-છોડી દઈને સ્ટ્રગલર તરીકે હેરાનપરેશાન થતા જુવાનિયાઓ માટે પ્રતીક એક ઉદાહરણ બની શકે તેમ છે. પ્રતીક ગાંધીના કેસ પરથી સમજાય છે કે પોતાનાં પેશનને ફોલો કરવા માટે, ખુદની ક્રિયેટિવ ભૂખ શમાવવા માટે આર્થિક સલામતી આપતી નિશ્ર્ચિત પગારવાળી જોબ કે કરીઅરને લાત મારવાની હંમેશાં જરુર હોતી નથી. તમારામાં ટેલેન્ટ હશે, મહેનત કરવાની તાકાત હશે અને નસીબયોગે સારી તકો મળતી રહેશે તો તમે તમે ફુલટાઈમ જોબ કરતાં કરતાં પણ આર્ટિસ્ટ તરીકે આકર્ષક રીતે વિકસી શકો છો. અલબત્ત, સૌની તાસીર અને ક્ષમતા જુદી જુદી હોય છે. સૌએ ખુદના માંહ્યલાનો અવાજ સાંભળીને સમજદારીપૂર્વક પગલાં ભરવાં પડે  છે.  મુંબઈમાં બે વર્ષ પહેલાં ઘર ખરીદી લીધું છે,’ પ્રતીક્ ગાંધી સમાપન કરે છે, ‘હવે હું કોર્પોરેટ વર્લ્ડને અલવિદા ક્હેવાનું વિચારી શકું છું. હવે મારા માટે નાઉ-ઓર-નેવર જેવી સ્થિતિ આવી ગઈ છે. અલબત્ત, ફકત એકિટંગ કરીને સંતોષ માની લઉં એવો મારો સ્વભાવ નથી. કોર્પોરેટ ફિલ્ડના મારાં આટલાં વર્ષોના અનુભવને આધારે ક્ન્સલ્ટન્સી ફર્મ જેવું સાઈડમાં જરુર શરુ કરીશ.
   

ઓલ ધ બેસ્ટ, પ્રતીક. 
0 0 0   

1 comment:

  1. ShiShirbhai Khub j sundar. Vachvani maja padi gai. ghanu janva jevi vat mali Pratik pase thi. Thank You.

    ReplyDelete