Wednesday, May 27, 2020

યુટ્યુબ ચડે કે ટિકટોક?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 March 2020

મલ્ટિપ્લેક્સ
આ લોકપ્રિય પ્લેટફૉર્મ્સ વચ્ચે ફાટી નીકળેલા જોરદાર રમખાણે એક વાત પુનઃ સાબિત કરી આપી છે કે ભવિષ્ય પર વિડીયો કોન્ટેન્ટ રાજ કરવાનું છે


વું ઘમાસાણ સાયબરયુદ્ધ અથવા કહો કે સોશિયલ મિડીયા યુદ્ધ આપણે અગાઉ ક્યારેય નહોતું ભાળ્યું. બે પ્રતિસ્પર્ધીઓ છે. એક બાજુ છે, અમિર સિદ્દીકી નામનો મુંબઇનો જુવાનિયો કે જે ટિકટોકનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ છે, કૅરી મિનાટી ઉર્ફ અજેય નાગર નામનો ફરિદાબાદનો યુવાન કે જે યુટ્યુબનું પ્રતિનિધિત્વ કરે છે. ટિકટોક નામની મહામાયા વિશે તમે હજુ સુધી અજાણ હો તો જાણી લો કે આ એક અત્યંત પોપ્યુલર વિડીયો-શૅરિંગ પ્લેટફૉર્મ છે, જેના પર તમે પંદર સેકન્ડથી લઈને એક મિનિટ સુધીના ગીત-સંગીત-ડાન્સ-અભિનય-કૉમેડી કે એવા કોઈ પણ પ્રકારના વિડીયો અપલોડ કરીને દુનિયા સાથે શૅર કરી શકો છો. જેમણે પોતાના મોબાઇલમાં ટિકટોક ઍપ ડાઉનલોડ કરી હોય તે લોકો આ વિડીયોને લાઇક્સ આપે, કમેન્ટ કરે, વિડીયો બનાવનાર વ્યક્તિના ફૉલોઅર બને. અમિર સિદ્દીકીને ટિકટોક પર 3.7 મિલિયન અથવા 37 લાખ લોકો ફૉલો કરે છે, જ્યારે કૅરી મિનાટીની યુટ્યુબ ચેનલને 19.7 મિલિયન (1 કરોડ 97 લાખ) લોકોએ સબસ્ક્રાઇબ કરી છે.  
બન્યું એવું કે મે મહિનાની શરૂઆતમાં અમિર સિદ્દીકીએ પોતાના એક વિડીયોમાં યુટ્યુબર્સને ખૂબ ખરીખોટી સંભળાવી. એણે કહ્યું કે તમારા યુટ્યુબ કરતાં અમારું ટિકટોક ક્યાંય વધારે સારું છે. અમારા ટિકટોક-સમાજ જેવી એકતા તમને સાયબરજગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તમે ટિકટોકવાળા તો અમારા કોન્ટેન્ટની કૉપી કરો છો, વગેરે.
અમિરની આ ટિપ્પણીઓ સાંભળીને કૅરી મિનાટીને હાડોહાડ લાગી આવ્યું. એક સણસણતો જવાબી વિડીયો બનાવીને એ 14 મેના રોજ રણમેદાનમાં કૂદી પડ્યો. કૅરી મિનાટી આમેય બીજાઓને રોસ્ટ કરવા માટે જાણીતો છે. એ સેલિબ્રિટીઓ, બીજા શોઝ વગેરેની એકધારો ધોલાઈ કરતો હોય છે. એટલે જ તો યુટ્યુબ પર એ આટલો પોપ્યુલર બન્યો છે. પોતાના નવા વિડીયોમાં એણે અમિર સિદ્દીકીની એકેએક વાતનો કચકચાવીને જવાબ આપ્યો. અમિરને રોસ્ટ કરવામાં એ પ્રમાણભાન ચૂકીને ન બોલવાનું પણ બોલ્યો.

પત્યું. યુટ્યુબ અને ટિકટોક પર જાણે એટમ બોમ્બ ફૂટ્યો હોય તેવો માહોલ સર્જાઈ ગયો. કૅરી મિનાટીનો વિડીયો જોઈને આખેઆખું ટિકટોક ખળભળી ઉઠ્યું. કૅરીના વફાદાર ચાહકોએ આઇ સપોર્ટ કૅરી મિનાટી અને જસ્ટિસ ફોર કૅરી હેશટેગ સાથે એવો કાગારોળ મચાવ્યો કે ટ્વિટર પર તે ટ્રેન્ડિંગ થવા લાગ્યાં. કૅરી મિનાટીનો યટ્યુબ વિડીયો એવો વાઇરલ થયો કે એના વ્યુઝની સંખ્યા 78 મિલિયનના આંકડાને વટાવી  ગઈ. બે-ત્રણ દિવસમાં 7 કરોડ 80 લાખ વ્યુઝ કોને કહેવાય! આ વિડીયોએ યુટ્યુબ પર લોકપ્રિયતાના અગાઉના રેકોર્ડ્ઝ તોડી નાખ્યા. કૅરી મિનાટીની ચેનલને સબસ્ક્રાઇબ કરનારાઓની સંખ્યા હજારો કે લાખોમાં નહીં, મિલિયન્સમાં વધી ગઈ. આ લેખ 29 મે 2020ના રોજ બપોરે 12 વાગે અપડેટ થઈ રહ્યો છે ત્યારે કૅરી મિનાટીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા, અગાઉ નોંધ્યું તેમ, 19.7 મિલિયન છે. કૅરી મિનાટી ભારતનો બીજા નંબરનો સૌથી પોપ્યુલર યુટ્યુબર બની ગયો છે. નંબર વન પોઝિશન પર અમિત બધના નામનો કોમિક યુટ્યુબર છે. એના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 20.1 મિલિયન છે. કૅરી કરતાં થોડાક જ વધારે. કૅરી ઓલરેડી આશીષ ચંચલાણીને પછાડીને પાછળ રાખી દીધા છે. આશીષ નંબર થ્રી પોઝિશન પર છે - 18.5 મિલિયન. યુટ્યુબનો બેતાજ બાદશાહ ગણાતો ભુવન બામે (બીબી કી વાઇન્સ)  સિંહાસન ક્યારનું ખાલી કરી  નાખ્યું છે.  17.8 મિલિયન ફૉલોઅર્સ સાથે હવે નંબર ફોર પર પહોંચી ગયો છે.
અસલી ક્લાઇમેક્સ, રાધર, એન્ટિ-ક્લાઇમેક્સ તો ત્યારે આવી જ્યારે યુટ્યુબે કૅરી મિનાટીના આ વિડીયોને પ્લેટફૉર્મ પરથી હટાવી દીધો. યુટ્યુબના સાહેબોને લાગ્યું કે આ વિડીયોએ બિનજરૂરી નેગેટિવિટી પેદા કરી નાખી છે. કૅરીએ એવા મતલબની કમેન્ટ કરી હતી કે ટિકટોક વિડીયો બનાવવાવાળા અભણ, ગમાર ને ગરીબ હોય છે. ગૅ (કે હિજડા) શબ્દનો એણે ગાળની જેમ ઉપયોગ કર્યો હતો. વળી, છોકરાઓ કરતાં છોકરીઓ કમજોર છે એવા મતલબની જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી. આ બધું દેખીતી રીતે જ પોલિટિકલી ઇનકરેક્ટ હતું. જોકે વિડીયો ડિલીટ થયો ત્યાં સુધીમાં પ્રિન્ટ મિડીયા તેમજ જુદી જુદી વેબસાઇટ્સ પર તેની ખૂબ ચર્ચા થઈ ગઈ. ઇવન યુટ્યુબ પર કેટલાંય રિએક્શન વિડીયો બની ગયા. હજુય મૂળ વિડીયોના છૂટાછવાયા ટુકડા ઓનલાઇન અવેલેબલ છે.
યુટ્યુબ અને ટિકટોક બન્ને વિડીયો-શૅરિંગ પ્લેટફૉર્મ્સ છે તે બરાબર છે, પણ બન્નેની તાસીર એકબીજા કરતાં સાવ જુદી છે. યુટ્યુબ પર જે-તે વિષય પર વિસ્તારપૂર્વક વાત થઈ શકે છે, જ્યારે મહત્તમ એક મિનિટની સમયમર્યાદા ધરાવતા ટિકટોક વિડીયોઝ ચ્યુંઇગ ગમ જેવા છે. તમારી આંખો એક પછી એક વિડીયો નોનસ્ટોપ ચાવ્યા કરે, પણ એમાંથી કંઈ સત્ત્વ ન મળે. એવું નથી કે યુટ્યુબ પર બધું સારું-સારું જ છે. અહીં પુષ્કળ માત્રામાં કચરો ઠલવાયેલો છે જ, પરંતુ યુટ્યુબ પર મનોરંજનથી લઈને માહિતી સુઘીનું અને અઘ્યાત્મથી લઈને એકેડેમિક્સ સુધીનું સત્ત્વશીલ કોન્ટેન્ટ પણ પ્રચુર માત્રામાં સંઘરાયેલું છે. એમ તો ટિકટોક પર પણ ક્યારેક પ્રતિભાના ચમકારા ક્યારેક દેખાઈ જતા હોય છે.
કૅરી મિનાટી અને ભુવન બામ જેવા યુટ્યુબરોએ શહેરી ભારતીયોના કલ્ચરલ ફેબ્રિક પર કેવી અસર કરી છે તેની વાત પછી કરીશું, પણ અત્યારનો મુદ્દો એ છે કે આવનારા સમય પર વિડીયો કોન્ટેન્ટનો જોરદાર દબદબો રહેવાનો છે એવું આ કન્ટ્રોવર્સીએ ફરી એક વાર પુરવાર કરી દીધું છે. વિડીયો અને ઑડિયો કોન્ટેન્ટની સામે કાગળ પર છપાયેલા શબ્દો પોતાના દમ પર છાતી કાઢીને કેવી ઊભા રહે છે તે હવે જોવાનું છે.         
000
શાકાહાર વિશે આપણાં વેદશાસ્ત્રો શું કહે છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 2020, બુધવાર
ટેક ઓફ 
હે દાંત, તમે ચોખા, જવ, અડદ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો

કોરોના મહામારીનું એક પરિણામ સારું આવ્યું એ આવ્યું કે આજે આખી દુનિયા શાકાહાર, તેના ફાયદા તથા માંસાહાર અને તેના ગેરફાયદા વિશે ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવા લાગી છે. એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ગૅરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું ઉદાહરણ લો. તેઓ વર્ષોથી જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. આ થિયરી કહે છે કે પશુપક્ષીજંતુવનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છેતેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસઅમને જીવવા દો!

જૈન શાસ્ત્રો કહે છે કે શાકભાજીપાણીઅગ્નિધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂર થાય છેપણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છેપણ બેત્રણચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

શું જૈન સૌથી વૈજ્ઞાનિક ધર્મ છે? આખી દુનિયા આજે મોઢે માસ્ક લગાડીને ફરે છે, પણ જૈન સાધુઓ તે સદીઓથી કરતા આવ્યા છે. ખાનપાનની વિશેના જૈન સિદ્ધાંતો - નીતિનિયમો આજે જેટલા અસરકારક અને રિલેવન્ટ લાગે છે એટલા કદાચ અગાઉ ક્યારેય લાગ્યા નહોતા. જૈન ધર્મ કરતાંય ક્યાંય જૂના એવા આપણાં પ્રાચીન વેદ-ઉપનિષદોએ શાકાહાર વિશે શું કહ્યું છે?       

એતદ્ વા ઉ સ્વાદીયો યદથિગવં ક્ષીરં વા માસં ના તદેવ નાશ્યન્તિ. આ અથર્વવેદનો અંશ છે (પ્રકરણ 8, ખંડ 6, શ્લોક 6). આનો અર્થ થાય છે, એ જ ખાદ્ય પદાર્થ રુચિકર, સ્વાદિષ્ટ અને લાભકારી હોય છે, જે ફળ, ફૂલ, અન્ન, શાક, કંદ અને મૂળમાંથી પ્રાપ્ત થાય છે અથવા જે ગાય આદિ પશુઓનાં દૂધ, દહી, ઘી આદિ રૂપમાં મળે છે. પશુ, પક્ષી, માછલી આદિને મારીને જે માંસ પ્રાપ્ત થાય છે અથવા જે પશુ-પક્ષી વગેરેના ગર્ભ અથવા ઈંડાના રૂપમાં છે તે આમેય અભક્ષ્ય છે, તેને ન ખાવા જોઈએ.

બીજા એક શ્લોકમાં કહેવાયું છે કે, જે લોકો નર અને માદા (જીવ) ભ્રૂણ તેમજ અંડાનો નાશ કરી ઉપલબ્ધ થતા માંસને કાચું અથવા રાંધીને ખાય છે તેમનો વિરોધ કરવો જોઈએ (અથર્વવેદ, 8/6/23). એક શ્લોકમાં મનુષ્યના દાંતને ઉદ્દેશીને કહેવાયું છે કે હે દાંત, તમે ચોખા ખાઓ, જવ ખાઓ, અડદ ખાઓ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો (અથર્વવેદ, 6/140/2).

વેદને આપણે ઈશ્વરીય વાણી ગણીએ છીએ. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ જ્ઞાનની ખોજ માટે હિમાલયના પર્વતો ખૂંદતા હતા ત્યારે વેદનારાયણ ભગવાને સ્વયં આકાશવાણી રૂપે તેમને વેદ સંભળાવ્યા હતા. આમ, ઋષિઓ વેદોના રચયિતા નહીં, પણ શ્રોતા છે. વેદ એ શ્રુતિજ્ઞાન (સાંભળીને પ્રાપ્ત થયેલું જ્ઞાન) છે, જે પછી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સતત જીવતું રહ્યું.

યજુર્વેદમાં પણ જીવહિંસા વિશે ઘણા શ્લોકો છે. જેમ કે આઃ હે મનુષ્યો, જે ગાય આદિ પશુઓ છે તે ક્યારેય હિંસા કરવા યોગ્ય નથી (યજુર્વેદ, 1/1). જે લોકો પરમાત્માના સહચરી એવા પ્રાણી માત્રને પાતાના આત્માને સમકક્ષ માને છે, તેઓ જેટલું પોતાનું હિત ઇચ્છે છે એટલું જ અન્યોનું હિત પણ ઇચ્છે છે (યજુર્વેદ, 40/7). હે મનુષ્ય, તું બે પગવાળા અર્થાત્ અન્ય મનુષ્યો અને ચાર પગવાળાં અર્થાત્ પશુઓની હંમેશાં રક્ષા કરજે (યજુર્વેદ, 14/8).

ખાણીપીણીના મામલામાં માનવજાતમાં બે સ્પષ્ટ વર્ગ પડી ગયા છે. એક વર્ગ એવો છે, જે જમીન, પાણી કે આકાશમાં વસતા કોઈ પણ પશુ, પક્ષી, કીટક કે માછલીને પકડીને, મારીને, એની સાફસફાઈ કરીને, પકાવીને ખાઈ જાય છે. સાપ, ચામાચિડીયા, ઉંદર, ગરોળી સહિતનાં કલ્પી ન શકાય એવાં જીવ-જનાવરોને મરેલાં કે જીવતાં રખાઈ જતા ચીનાઓ હવે આખી દુનિયામાં ભયંકર બદનામ થઈ ચૂક્યા છે. બીજો વર્ગ માને છે કે માણસની જેમ હાથ, પગ, આંખ, નાક, કાન, પેટ જેવાં અવયવો ધરાવતાં, સુખ-દુખની અનુભૂતિ કરતાં, માણસની જેમ જ વહાલ કરી શકતાં ને ભયભીત થઈ શકતાં, બચ્ચાં પેદા કરીને તેમનું લાલન-પાલન કરતાં અને કુદરતના ક્રમ પ્રમાણે જન્મ લેતાં ને મૃત્યુ પામતાં પશુ-પક્ષીઓમાં પણ મનુષ્યની જેમ આત્મા હોય છે. આવાં જીવજનાવરોને મારવામાં આવે છે ત્યારે તેઓ ભયભીત થાય છે, દોડાદોડ કરી મૂકે છે, ચીસો પાડે છે, ભયંકર વેદના સહન કરે છે. તેમને મારીને ખાવા તે હિંસા છે, પાપ છે.

વૈદિક સિદ્ધાંત માંસાહાર પર સ્પષ્ટપણે નિષેધ ફરમાવે છે. સવાલ એ છે કે તો પછી જૂના જમાનામાં યજ્ઞો વગેરેમાં પ્રાણીઓની બલિ ચડાવવાની પરંપરા હતી તેનું શું? આ વિશે ફરી ક્યારેક.     
  
0 0 0 

માણસજાતને માંસાહારની લક્ઝરી પોસાવાની નથી


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 May 2020

ટેક ઓફ

માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું જ પરિણામ કોરોનાના રૂપમાં આવ્યું છે એવું તમે માનો કે ન માનો, પણ આંખ સામે દેખાતી સચ્ચાઈ સાવ સ્પષ્ટ છે.પૃથ્વીની બહાર માનવવસાહત સ્થાપવાનું સપનું જોતા અમેરિકન સેલિબ્રિટી બિઝનેસમેન ઇલન મસ્કે થોડા દિવસો કહ્યું કે, માણસે પોતાની ઇચ્છા અને ગમા-અણગમા પ્રમાણે જ જીવવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, પણ જો આપણે બીજા કોઈ ગ્રહ પર માનવવસાહત સ્થાપી શકીશું તો ત્યાં શાકાહારી ખોરાક જ ચલણમાં હશે, કેમ કે માંસાહાર માટે પ્રાણીઓને ઉછેરવા જેટલી એનર્જી અને સ્પેસ જોઈએ તે ત્યાં પરગ્રહમાં મળશે જ નહીં.

પરગ્રહમાં માનવવસાહતની સ્થાપના એ તો ખેર, દૂરના ભવિષ્યની કલ્પના થઈ. વર્તમાનમાં તો કોરોના વાઇરસે માણસની ગતિવિધિઓને સજ્જડપણે પૉઝ કરીને એને વિચારતો કરી મૂક્યો છે. માનવજાતની તવારીખમાં કોરોના પહેલાં અને કોરોના પછી એવી સ્પષ્ટ વિભાજનરેખા દોરાઈ રહી છે ત્યારે આપણને આપણી જાતને, આપણી લાઇફસ્ટાઇલને રિસેટ કરવાનો અભૂતપૂર્વ મોકો મળ્યો છે. કોરોનાનો આતંક માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું પરિણામ છે એવું તમે માનો કે ન માનો, કોરોના વાઇરસ નોનવેજ ફૂડથી ફેલાય છે કે કેમ તે વિશે તમે દલીલો કરો કે ન કરો, પણ સાવ આંખ સામે દેખાતી સચ્ચાઈ આ છેઃમાણસજાતને હવે માંસાહારની લક્ઝરી પોસાવાની નથી! ધરતી પર પાણીના સ્રોત સતત સૂકાઈ રહ્યા છે, પર્યાવરણની જાણવણીના પ્રશ્નો ભીષણ વાસ્તવ બનીને આંખ સામે છાતી કાઢીને ઊભા છે. આવી સ્થિતિમાં આવનારી પેઢીઓનો મને-કમને શાકાહારને અપનાવ્યે જ છૂટકો થવાનો છે.

ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પ્રાણીઓ માત્ર એક વસ્તુ છે, લાઇવ સ્ટૉક છે. એનિમલ ફાર્મ્સ અને કતલખાનાં પુષ્કળ કચરો પેદા કરે છેતેને પુષ્કળ પાણીની જરૂર પડે છેતે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, જેની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. મિથેન તો કાર્બન ડાયોક્સાઇડ કરતાંય અનેકગણો વધારે હાનિકારક છે. માણસજાત જે મિથેન પેદા કરે છે એ પૈકીના 37 ટકા કેવળ ગાય અને ઘેટાંની કતલને કારણે પેદા થાય છે. ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્વની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.

માંસાહાર માટે ઉછેરવામાં આવતાં પ્રાણીઓએ ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે તે ઊઘાડું સત્ય છે. તમને શું લાગે છે, માણસજાતની માંસની ડિમાન્ડ પૂરી કરવા રોજના કેટલાં પ્રાણીઓની કતલ થાય છે? જવાબ છેઃ રોજનાં 20 કરોડ પ્રાણીઓ. આ મરઘાં, ઘેટાં, ગાય જેવાં રેગ્યુલર ખાદ્ય પ્રાણીઓ છે. જો માછલીઓ અને વન્ય પ્રાણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ત્રણ અબજ પર પહોંચે છે. આ કોરોના પહેલાંના આંકડા છે.હવે થોડા ભૂતકાળમાં જાઓ. ફક્ત 1970ના દાયકાનાં પાછલાં વર્ષોને ધ્યાનમાં લઈએ તો દુનિયાભરના લોકો 13 કરોડ ટન માંસ ખાઈ ગયા હતા. 2000ની સાલમાં આ (વાર્ષિક) આંકડો 23 કરોડ ટન પર પહોંચી ગયો હતો. જો લોકોની ફૂડ હેબિટ્સમાં કશો ફર્ક ન પડ્યો તો 2050ની સાલ સુધીમાં પ્રાણીઓના માંસની વાર્ષિક ડિમાન્ડ લગભગ 64 કરોડ ટન થઈ જવાની. વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારે પ્રાણીઓ ઉછેરવામાં આવશે, તે પણ પ્રાણીઓની લિવિંગ કંડીશન સાથે ભયંકર સમાધાનો કરીને કે જેથી પ્રોડક્શન કોસ્ટ ઓછામાં ઓછી રહે.

એનિમલ એગ્રિકલ્ચર માટે પુષ્કળ પાણી અને જમીનની જરૂર પડે છે. એક કિલો માંસ પ્રોડ્યુસ કરવા માટે કમસે કમ 13 હજાર લીટર પાણી વપરાઈ જાય છે. આની સામે, એક કિલો ઘઉં પેદા કરવા માટે ફક્ત એકથી બે હજાર લીટર પાણીની જરૂર પડે છે. આ સંજોગોમાં માંસાહારને સસ્ટેનેબલ કેવી રીતે ગણવો?

પ્રાણીઓ અને માછલીઓ જલદી વિકસી જાય, વધારે માંસલ બને અને નરક જેવી સ્થિતિમાં પણ જીવતાં રહી શકે તે માટે તેમને જાતજાતની દવાઓ અપાતી હોય છે. કતલ થયેલાં આ પ્રાણીઓનું માંસ પછી માણસોના પેટમાં જાય. અમેરિકાના ખેડૂતો પ્રાણીઓને જલદી જલદી મોટાં કરી નાખવા માટે હોર્મોન્સના ઇંજેક્શનો આપે છે. આ હોર્મોન્સ આખરે માણસના શરીરમાં પહોંચીને અલગ અલગ પ્રકારનાં કેન્સર યા તો અન્ય બીમારીઓનું કારણ બને છે. અમેરિકન ખેડૂતો કહે છે કે અમે પ્રાણીઓને જે હોર્મોન્સ આપીએ છીએ તે બિલકુલ સેફ છે, પણ આ જ સેફ હોર્મોન્સના વપરાશ પર યુરોપિયન યુનિયને 1995થી પ્રતિબંધ મૂકી દીધો છે.

ધારો કે માંસાહારી માણસના હૃદયમાં એકાએક કરૂણા ને દયાભાવનાં ઝરણાં ફૂટી નીકળે ને એ સંપૂર્ણપણે શાકાહારી બની જવાનો નિર્ણય લે તો એનું શું પરિણામ આવે છે, જાણો છો? એક માંસાહારી માણસના આ એક નિર્ણયને લીધે વર્ષ દીઠ 100 જેટલાં પ્રાણીઓ બચી જાય.  દયામાયા કે ધર્મને વચ્ચે ન લાવીને ને માત્ર માણસજાતને ટકાવી રાખવાના સ્વાર્થ પર જ અટકી રહીએ તો પણ ભવિષ્યમાં શાકાહાર તેમજ વીગન લાઇફસ્ટાઇલ અનિવાર્ય બની જવાનાં. લિખ લો.

0 0 0 Sunday, May 17, 2020

અગમનિગમ, ભેદભરમ અને સિગ્મન્ડ ફ્રોઇડ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 May 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

મેલી વિદ્યા, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો, હત્યાઓનો સિલસલો... એક બાયોપિકમાં કેટલી છૂટછાટ લઈ શકાય?  


સિગ્મન્ડ ફ્રોઇડ એટલે આજે આપણે જેને સાઇકોઍનેલિસિસ કહીએ છીએ તેના પિતામહ. માણસજાતે પેદા કરેલા સૌથી પ્રભાવશાળી મનુષ્યોની વાત આવે અનિવાર્યપણે એમનું નામ મૂકવું પડે એટલું વિરાટ કામ સિગ્મન્ડ ફ્રોઇડ કરી ગયા છે. જ્યૂ (યહૂદી) લોકો શા માટે પૃથ્વી પરની સૌથી બુદ્ધિમાન પ્રજા ગણાય છે એની ચર્ચા કરતી વખતે આ એક વાત અવશ્ય કહેવાય છે કે જુઓ, ઇવન સિગ્મન્ડ ફ્રોઇડ પણ એક યહૂદી હતા.
જેના ઉલ્લેખો આજની તારીખે પણ સતત થયા કરતા હોય, તમે ખુદ જેમને અવારનવાર ટાંકતા હો એવા સિગ્મન્ડ ફ્રોઇડના જીવન પરથી જ્યારે આખેઆખી વેબસિરીઝ બને ત્યારે તમને તે જોવાની ઉત્કંઠા થાય જ. જો તમે ફ્રોઇડનું ઓથેન્ટિક જીવન અને કર્મ જોવા માગતા હો તો સાવધાન, ફ્રોઇડ નામનો આ વેબ શો તમને નિરાશ કરશે. સૌથી પહેલાં તો, આ કંઈ પરંપરાગત અર્થમાં આપણે જેને બાયોપિક કે જીવનકથા કહીએ છીએ એવો શો નથી. આમાં સિગ્મન્ડ ફ્રોઇડ હજુ યુવાન હતા ને માનસશાસ્ત્રી તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ સમયગાળાના એક ટુકડાની જ વાત છે. કબૂલ, અસલી માણસના જીવન પર આધારિત ફિલ્મ, નાટક કે વેબ સિરીઝને રસાળ બનાવવા માટે થોડીઘણી ક્રિયેટિવ છૂટછાટ લેવી પડે, પણ ફ્રોઇડ શો તો આપણે કલ્પી સુધ્ધાં કરી ન હોય તેવી ભ્રમણકક્ષામાં જતો રહે છે.

સો વાતની એક વાત એ કે ફોઈડ વેબ શો મૂળ એક ક્રાઇમ-સસ્પેન્સ થ્રિલર છે, જેમાં સુપરનેચરલ તત્ત્વો અને અસૂરી ભેદભરમની માયાજાળ રચાઈ છે. વાત 1886ના સાલના વિયેનાની છે. વિયેના એટલે ઓસ્ટ્રિયા દેશનું ખૂબસૂરત શહેર, કે જ્યાં અસલી સિગ્મન્ડ ફ્રોઇડનું મોટા ભાગનું જીવન પસાર થયું હતું. ફ્રોઇડ શોની શરૂઆતમાં દેખાડવામાં આવે છે કે 30 વર્ષના સિગ્મન્ડ ફ્રોઇડ (રોબર્ટ ફિન્સ્ટર) એક ભાડાના ઘરમાં એકલા રહે છે. ખડૂસ મકાનમાલિક અવારનવાર ધમકાવી જાય છે કે જો હવે ભાડું નહીં ભર્યું તો તને મકાનમાંથી બહાર કાઢી મૂકીશ. ફ્રોઇડ તે અરસામાં હિપ્નોસિસના પ્રયોગો કરી રહ્યા હતા. ફ્રોઇડની થિયરી એવી હતી કે હિસ્ટીરીયાનો (પાગલ જેવું વર્તન કરતો, ચિત્તભ્રમનો ભોગ બનેલો) પેશન્ટ વાસ્તવમાં ભૂતકાળની કોઈ પીડાદાયી ઘટનાની સ્મૃતિઓથી પીડાતો હોય છે. જો આવી વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવે તો શક્ય છે કે એની સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેનો ઇલાજ કરી શકાય. ફ્રોઇડના સાથી અને સિનિયર ડૉક્ટરોને જોકે આ આખી વાત હાસ્યાસ્પદ લાગે છે.
આપણને થાય કે બરાબર છે, આ વેબ શોમાં વાત તો સિગ્મન્ડ ફ્રોઇડના જીવન વિશે જ થઈ રહી છે, પણ ત્યાં તો પહેલા જ એપિસોડમાં એક યુવતીની ભેદી હત્યા થઈ જાય છે. ક્રૂરતાપૂર્ણ સેક્સ્યુઅલ વાયોલન્સનો ભોગ બનેલી આ યુવતીની લોહિયાળ લાશને સિગ્મન્ડ ફ્રોઇડના ટેબલ પર ખડકી દેવામાં આવે છે. બસ, અહીંથી શરૂ થાય છે ખૂની કોણ?’ સવાલનો જવાબ શોધવાની મથામણ. શહેરમાં એક પછી એક ભેદી હત્યાઓ થતી જાય છે ને સિગમન્ડ ફ્રોઇડ ડિટેક્ટિવ બનીને આ હત્યાઓના રહસ્ય સુધી પહોંચવામાં બિઝી થઈ જાય છે.
વેબ શોમાં ખૂબ બધાં પાત્રો છે. ફ્લર સલોમ નામની યુવતી શોની નાયિકા છે. જબરું ઇન્ટરેસ્ટિંગ કિરદાર છે આ. ફ્લેર (ઍલા રમ્ફ) એક મિડીયમ છે. એના શરીરમાં જાતજાતના આત્માઓ પ્રવેશે છે. ભયંકર વળગાડ થઈ ગયો હોય તેમ એ પુરુષ જેવા ઘોઘરા અવાજે બોલવા લાગે છે. વશીભૂત અવસ્થામાં એને ભૂતકાળ અને ભવિષ્યની ઘટનાઓનાં દશ્યો દેખાય છે. ફ્લર એક અનાથ યુવતી છે. એને ઓસ્ટ્રિયાના એક શાહી દંપતીએ નાનપણથી દત્તક લીધી હતી. ફ્લરની દત્તક મા સોફિયા મહામાયા છે. શો આગળ વધતો જાય તેમ આપણને ખબર પડે કે સોફિયા તો સામેના માણસને હિપ્નોટાઇઝ કરવાની કળામાં સિગ્મન્ડ ફ્રોઇડ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. સોફિયા વાસ્તવમાં ફ્લરનો ઉપયોગ કરીને પોતાના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવા માગે છે.

ફ્લરનું પાત્ર લૂ આન્દ્રિયા સલોમ નામની યુવતી પર આધારિત છે. લૂ અસલી સિગ્મન્ડ ફ્રોઇડની વિદ્યાર્થિની, મિત્ર અને વિશ્વાસુ હતી. એ જોકે મિડીયમ નહોતી ને આત્માઓને પોતાના શરીરમાં બોલાવી શકતી નહોતી, પણ કહે છે કે સામેની વ્યક્તિને પારખી લેવામાં એનો જોટો જડે તેમ નહોતો.   
એક પછી એક એપિસોડની સાથે અજીબોગરીબ ઘટનાઓનો સિલસિલો પણ આગળ વધતો જાય છે. અગમનિગમ ને મેલી વિદ્યાના ભયાવહ પ્રયોગો, જીવતા માણસનું માંસ ખાતાં પાત્રો, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો – આ સૌની આ શોમાં ભરમાર છે. જો તમને સુપરનેચરલ તત્ત્વોમાં રસ પડતો હોય તો ફ્રોઇડ તમને સારું એવું મનોરંજન આપશે. ફ્રોઇડ ઉચ્ચ કક્ષાનું પ્રોડક્શન વેલ્યુ ધરાવતો શો છે, જેમાં તમામ અદાકારોએ મજબૂત એક્ટિંગ કરી છે. અંગ્રેજીમાં ડબ થયેલો ને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલો આ જર્મન વેબ શો તમારે જોવો જોઈએ કે નહીં તે હવે તમે જાતે નક્કી કરવાનું છે.                      

0 0 0
Thursday, May 7, 2020

ઈશામા કુન્દનિકા, જવા દઈશું તમને...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ 6 May 2020, બુધવાર

ટેક ઑફ

અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’ક લેખક અને ભાવક વચ્ચે કેવો સંબંધ હોય છે? કેવું સંધાન હોય છે? એવું તે શું હોય છે કે જેના કારણે એક વ્યક્તિ (એટલે કે લેખક)નાં મન-હૃદયમાં જન્મેલી કોઈ વાત યા તો સ્પંદન કલમ વાટે અભિવ્યક્તિ પામે ને બીજી વ્યક્તિ (એટલે કે વાચક)નાં મન-હૃદયમાં તે સજ્જડપણે અંકિત થઈ જાય? લેખકના વિચાર, લાગણી, દષ્ટિબિંદુ કે અભિવ્યક્તિમાં એવી તે કેવી પ્રચંડ તાકાત હોય છે કે તે વાચકના ડીએનએનો હિસ્સો બની જાય છે? જાણે કે લેખક પોતાની કલમ દ્વારા વાચકની મનોભૂમિ પર બીજ ફેંકે છે ને તે બીજમાંથી ક્રમશઃ આખેઆખું વૃક્ષ ઊગી નીકળે છે. આખી જિંદગી શાતા આપતું રહે એવું ઘેઘૂર, મા-બાપની છત્રછાયા જેવું વૃક્ષ. અલબત્ત, આવું દરેક લેખક અને દરેક વાચકના સંદર્ભમાં બનતું નથી. લેખક મૂઠીઉંચેરો અને અતિ પ્રતિભાશાળી હોય, વાચક ઉત્સુક, સજ્જ અને સંવેદનાભર્યો હોય ને બન્નેના ભાવવિશ્વ વચ્ચે કશીક અકળ યુતિ સર્જાય ત્યારે જ આ પ્રકારની કેમિસ્ટ્રી રચાતી હોય છે.
કુન્દનિકા કાપડીઆનું નિધન થયું ત્યારે એક બાજુ હૃદયમાં પીડાનાં એકધારાં ટશિયાં ફૂટી રહ્યાં હતાં ને બીજી બાજુ બુદ્ધિ આ ટશિયાંનું પૃથક્કરણ કરી રહી હતી. શા માટે આટલી વેદના થઈ રહી છે? જેની સાથે કેવળ છપાયેલા શબ્દોનો જ નાતો હતો એવી આ વ્યક્તિ પ્રિયજન કરતાંય વધારે પોતીકી કેવી રીતે બની ગઈ? કુન્દનિકા કાપડીઆનાં લખાણોને તરૂણવયથી જબરદસ્ત તીવ્રતાથી ચાહ્યા છે. કુન્દનિકાનાં સર્જનો વડે પોતાની જાતને ડિફાઇન કરી છે. સમજાય છે કે ખુદનું જે સત્ત્વ, સ્વત્ત્વ અને પોતાની નજરમાં ઊભી થયેલી સ્વ-ઓળખ છે તેને આકાર આપવામાં કુન્દનિકા કાપડીઆનો કેટલો પ્રચંડ હિસ્સો છે. બે જ એવાં સર્જકો છે, જેણે માંહ્યલાને આટલી ગાઢ રીતે સ્પર્શ કર્યો હોય – ચંદ્રકાંત બક્ષી અને કુન્દનિકા કાપડીઆ. એકમેક કરતાં તદ્દન જુદો મિજાજ ધરાવતાં બે ગર્વિષ્ઠ ગુજરાતી સર્જકો. ખેર, પછી તો દેશ-વિદેશના કેટલાય લેખકોના સર્જકકર્મના પરિચયમાં આવવાનું થયું, તેમની પ્રત્યે તીવ્ર ખેંચાણ થયું, એમની અસરો પણ ઝીલી. સમજણ પક્વ થતી ગઈ જાય એમ કેટલાય લેખકોને આઉટ-ગ્રો પણ થતા ગયા, પણ આ બે સર્જકો સતત સાથે રહ્યાં - ત્વચાની જેમ, શરીરને ટટ્ટાર ઊભા રાખતા મેરુદંડની જેમ.
જીવનના એક તબક્કે તમે પણ લખતા થાઓ છો અને તમારી અભિવ્યક્તિમાં ક્યાંક ક્યાંક કુન્દનિકા કાપડીઆની અસર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. શબ્દોની પસંદગીમાં, ભાષાની રમ્ય છટામાં. તમે આ અસરનો વિરોધ કરતા નથી, બલકે તમને તેની હાજરી ગમે છે. ક્યારેક એવુંય લાગે કે કુન્દનિકા કાપડીઆ જાણે કે એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે ને તમારી કેટલીય અભિવ્યક્તિઓ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રોસેસ થઈને બહાર આવે છે.

આપણને એવા સર્જકો ગમે છે જે આપણને આપણાં સત્યોની ઓળખાણ કરાવી શકતા હોય, જે આપણા માંહ્યલાની વધુ ને વધુ નિકટ લઈ જઈ શકતા હોય. મહાન પ્રેમ આપણી અંદર મહાનતા માગે છે... બે મનુષ્યોનો એકબીજાના મોં સામે અપલક નિહાળી રહેતો પ્રેમ કોઈ દિવસ પોતાનામાં મહાન બની શકે નહીં. મનુષ્યના પ્રેમને મહાન બનાવનાર એક જુદું જ તત્ત્વ છે જે એ બન્નેમાં વ્યાપ્ત છે ને છતાં બન્નેથી ઉપર છે... સંપૂર્ણ સુંદર પળે નવલિકામાં કુન્દનિકા જ્યારે આવું લખે ત્યારે તમને લાગે કે જાણે તમારી અંદર કશોક તાળો મળી રહ્યો છે, કોઈક ગૂંચ ઉકેલાઈ રહી છે. તમે તરૂણાવસ્થા વટાવીને યુવાનીમાં કદમ માંડી રહ્યા હતા ત્યારે તમારે પરોઢ થતાં પહેલાં નવલકથાના નાયક સત્ય જેવા બનવું હતું. સત્ય તમારો રોલમોડલ હતો. કદાચ હજુય છે. સત્ય નામના એ પુરુષપાત્રના આધારે તમે તમારી સેલ્ફ-ઇમેજ ઘડી હતી. એકાએક સમજાય છે કે જીવનના સંઘર્ષો અને વિરોધિતાઓએ તમને આ સેલ્ફ-ઇમેજ કરતાં કેટલા દૂર ફંગોળી દીધા છે. ખેર, હજુય મોડું થયું નથી. હજુય પોતાની જાત પર કામ થઈ શકે છે ને સત્યના થોડાઘણા ગુણો કેળવી શકાય છે. કદાચ...
જવા દઈશું તમને એ કુન્દનિકા કાપડીઆની અમર વાર્તા છે. એક વૃદ્ધા મૃત્યુના બિછાને પડી છે. કદાચ આજે એની અંતિમ રાત છે. દીકરાઓ-વહુઓ છેલ્લો મોં-મેળાપ કરવા માટે બહારગામથી આવી ગયાં છે. મારિયા નામની સૌથી નાની વહુ અંગ્રેજ છે, જેની સાથે અગાઉ ક્દાચ ક્યારેય મુલાકાત થઈ નથી. મોડી રાત્રે મારિયા વૃદ્ધાના કમરામાં આવે છે. થોડી વાતો કર્યા પછી વૃદ્ધાના મસ્તક પર બહુ જ પ્રેમથી હાથ ફેરવીને એ પૂછે છેઃ તમને ભય નથી લાગતોને? અજ્ઞાતનો ભય. બઘું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો ભય. આર યુ અફ્રેઇડ?
... ને વૃદ્ધાના હૃદયમાં એક બહુ જ મોટું મોજું ઊછળે છે. આનંદનું મોજું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ  જાણવાની એને ખેવના છે. મારા ભયની એને ચિંતા છે. એ ભયને કદાચ તે દૂર કરવા માગે છે. વૃદ્ધાને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી એ ઉત્તેજિત થઈને થાકી ગઈ. કુન્દનિકા કાપડીઆ આગળ લખે છેઃ
જીવનની છેલ્લી પળોમાં એક નવો સંબંધ ઉદય પામ્યો હતો. જરા મોડો, પણ અત્યંત સુંદર... લોકો કહે છે, પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી લે તો તેને સૌભાગ્યવતી કહેવાય. ઓહ... લોકોને શી ખબર સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’
થોડી વાર બેસીને મારિયા વિદાય લે છે. વાર્તાને અંતે વૃદ્ધાને એ કહે છેઃ મે યોર જર્ની બી પીસફુલ.
ઈશામા કુન્દનિકા, તમારા માટે પણ અમારી આ જ પ્રાર્થના છે. મૃત્યુ પછીની તમારી અનંતયાત્રા સુખમય હો, શાંતિપૂર્ણ હો...   
0 0 0